સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/વિષ્ટાપ્રેમી પ્રજા
પહાડો, નદીઓ, સરોવરો, શિવાલયો, એવી પરિશુદ્ધ સૃષ્ટિમાં દિવસરાત રહેનારાં મનુષ્યો પોતે પોતાના થકી જ ગંદકી ઉત્પન્ન કરી આવા સુંદર ગ્રામ્ય નિવાસને નરકવાસ બનાવવાનું શી રીતે પસંદ કરતાં હશે? કેમ કરીને સહન કરી શકતાં હશે? એ વિસ્મય મને રાજુલાની શેરીઓ જોઈને થયા વિના રહેતું નથી. પાંચ જ મિનિટની અંદર ગામની બહાર નીકળી શકાય, એવા તદ્દન નાના શહેરની શેરીઓ જો લોકો પ્રાતઃકાળના અંધારામાં ઊઠીને અસહ્ય રીતે બગાડી મૂકે, તો એ લોકોના આહાર-વિહાર વિશે શી કલ્પના કરવી? રાજુલાને પાદર પથ્થરની બહોળી ખાણો છે, મુંબઈ — કલકત્તાથી એના પ્રજાજનો કંઈક રળી લાવી સુશોભિત પાકાં મકાનો ચણાવે છે, કાઠિયાવાડનું એક સરસ આરોગ્યભુવન બની શકે તેવું એ ગીરનું નાકું છે, અને છતાં આ વિષ્ટામાં રાચતી મનોદશા શી રીતે પેદા થઈ? ભાવનગર રાજ્યનાં લગભગ તમામ મહાલોનાં ગામો — કુંડલા, મહુવા, રાજુલા, બોટાદ વગેરે — કુદરતનાં કૃપાસ્થાનો છે, પ્રકૃતિમાતાએ એને પોતાના રસસૌંદર્યે નવાજ્યાં છે, પણ મનુષ્યને મન એની કિંમત નથી. એ ગંદકી માનવતાને લજ્જાસ્પદ ગણાવી જોઈએ. ફક્ત ગઢડા જ એના અપવાદ રૂપ છે. એ પ્રતાપ સ્વામિનારાયણ ધર્મના શુચિ-સંસ્કારોનો. એની કથા અવસરે લખીશ. આજ તો એ ઇતિહાસપ્રેમી, અતિથિપ્રેમી અને વિષ્ટાપ્રેમી ગામને છોડી આગળ વધ્યો.