સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સવિયાણાની સ્નેહકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સવિયાણાની સ્નેહકથા

‘સવિયાણું’ શબ્દ સાથે તો મને અતિ મધુર પરિચય હતો. તુર્ત મને દુહો યાદ આવ્યો કે

સવિયાણું સરધાર, નગરામાં નેહચળ ભલું, (જેની) બવળાં હાટ બજાર, રજવાડું રાધએ ભર્યું.

“હા, હા, ભાઈ!” ગરાસિયાઓ બોલી ઊઠ્યા : “આ એ જ હાટબજારોવાળા રિદ્ધિવંત નગર સવિયાણાનો જ ટીંબો. ને જુઓ, આ સામી દેખાય તે ધારનું નામ સરધાર. અસલ નામ શ્રીધાર : ત્યાં જ શ્રીધારનો નેસ પડ્યો હતો. આ પોતે જ નાગ વાળા અને નાગમતીના પ્રેમનું અસલ ધામ!” મને બીજો દુહો યાદ થયો :

સવિયાણું ને સરધાર, બેય તરોવડ ટેવીએ, એકે વણજ વેપાર, બીજે મરમાળાં માનવી.

“સાચું, સાચું, ભાઈ! સવિયાણામાં નાગ વાળો રહેતો ને શ્રીધાર-સરધારની તળેટીમાં આયરના નવ નેસ પડ્યાં હતાં. એમાં રહેનાર મર્માળું માનવી એટલે એ નેસવાસી ભેડા આયરની દીકરી નાગમદે.” “પણ પેલી વાવ ક્યાં? વડલો ક્યાં?” મેં શંકાથી પૂછ્યું, ને ફરી દુહો ગાયો :

વડલા હેઠળ વાવ, હાલે ને હિલોળા કરે નાગમદે નાની નાર ભેડાની, પાણી ભરે.

પોતાની વાત ખોટી મનાશે તો પોતાના ગામનું એ અમુલખ ઐતિહાસિક ધન એળે જશે એવા ભયથી ઉત્સુક બનીને એ ગરાસિયા ભાઈબંધે મારું કાંડું ઝાલીને કહ્યું, ‘ચાલો બતાવું. જુઓ આ સરોવર કે જ્યાં નાગ વાળો ને નાગમદે નહાતાં હતાં. એની અંદર વાવ હતી તે ઘણાએ દીઠેલી : આજ એ દટાઈ ગઈ છે. આ વડલો : અત્યારે તો એની આ વડવાઈ જ રહી છે : અસલ તો એની ઘટા ઘણી વિશાળ હતી. આ સરોવરની પાળે પાળે સડક ચાલી જાય છે, તે છેક સામી ધાર ઉપર પહોંચે છે. એ ધાર ઉપર શંકરનું દેવળ હતું, એ દેવળમાં દાખલ થઈને નાગ વાળાએ નાગમદેની વાટ જોયેલી. પણ નાગમદેને પોતાનાં માવતરે કોઈ બીજા રાજકુંવરની સાથે વરાવી, ને જાન આવી તે વખતે નાગમદેએ પોતાની ચૂંદડી કોઈ દાસીને પહેરાવીને પોતાને બદલે માંડવે મોકલી, પોતે પોતાના મનના માન્યા પતિ નાગ વાળા પાસે સંકેત મુજબ ચાલી નીકળી. પરંતુ અધીરા નાગ વાળાએ દેવળમાં બેઠાં બેઠાં જંગલમાં પેલી જાન સાથે નાગમદેનાં વસ્ત્રો પહેરીને ચાલી જતી દાસીને દીઠી, એને નાગમતી માની, હતાશ થઈ, નાગમદે કૂડ રમી છે એવો વિચાર કરી, પેટ કટાર ખાધી : ને પછી નાગમદેએ આવી, દેવળનાં અંદરથી દીધેલાં બાર ઉઘડાવવા માટે નાગ વાળાને આજીજીના દુહા કહેલા કે દિ’ ઊગ્યે દેવળ ચડું, જોઉં વાળાની વાટ, કાળજમાં ઠાગા કરે, નાડ્યે વા’લો નાગ.

અને વળી —

નીકળ બારો નાગ, રાફડ કાં રૂંધાઈ રિયો, (માથે) મોરલીયુંના માર, (તોય) નીંભર કાં થિયો નાગડો.

એમ પતિને નાગની અને પોતાને વાદણની ઉપમા આપી, આખરે કમાડ ખેડવી અંદર ગઈ; ત્યાં નાગને મરેલો દેખી,

અગર ચંદણના રૂખડા, ચોકમાં ખડકું ચ્હે, હું કારણ નાગડો મુવો, બળશું અમે બે.

એ રીતે પોતાને કારણે પ્રાણ કાઢનાર પ્રેમીની સાથે એ આયરની દીકરી બળી મરી, તે પણ આ ગામને ટીંબે જ બન્યું છે, ભાઈ! “પણ,” મેં પૂછ્યું, “આવું જ એક સ્થળ મને પાંચાળમાં રેશમિયા ગામને પાદર બતાવવામાં આવે છે ને?” “ઇ ખોટું. આ જ સાચું.”