સૌરાષ્ટ્રની રસધાર-4/અન્ય પ્રાંતોની પ્રેમકથાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અન્ય પ્રાંતોની પ્રેમકથાઓ

સોરઠી લોકસાહિત્યની જે પ્રેમકથાઓ આપી છે, તેના જેવી જ કથાઓ અન્ય પ્રાંતોના લોકસાહિત્યમાં કંઠપરંપરા વડે જીવતી રહી ચાલી આવે છે. પ્રાંતપ્રાંત વચ્ચેની એ સુવર્ણ-કડીઓ જેવી જણાય છે. આંહીંની અને બહારની એ કથાઓ વચ્ચે કેટલીક સમાનતાઓ છે ને શા શા ભેદો છે તેના નિરીક્ષણ ખાતર આ બે કથાઓ આપી છે. ‘સુહિણી-મેહાર’ સિંધની અનેક કથાઓ માંહેની એક છે. એની અંદર જે દુહા મઢેલા છે તે ત્રણ-ત્રણ પંક્તિના બનેલા છે. આપણા ને એના દુહાની રચના લગભગ એક જ છે. માત્ર આપણી પહેલી પંક્તિને બદલે તેમાં બે પંક્તિ આવે છે. બે જ પંક્તિમાં આખા ભાવનો સમાવેશ કરવાની મુશ્કેલીનું આ રીતે ઠીક નિવારણ થાય છે, ને વળી રચના બગડતી પણ નથી. ‘સુહિણી-મેહાર’ તો લોકજીવનની સાચી બનેલી ઘટના છે, તેમ છતાં સિંધના સમર્થ કવિ-ફિલસૂફ શાહ અબ્દ લતીફને તો સ્થૂળ ઘટનામાં આધ્યાત્મિક અર્થનું દર્શન થયું. સુહિણી એટલે માનવ જીવાત્મા : મેહાર એટલે પ્રભુ : ને સુહિણીનો પરિણીત સ્વામી સાયર એટલે આ દુનિયા : એવા અર્થ ઘટાવી આ કવિએ પોતાના સુમિષ્ટ સુકોમલ પદ્યમાં, પ્રભુના મિલન માટે તલસતા આત્માના વલવલાટની ભક્તિભરી કથા રચી છે. એનું નામ પણ ‘સોહિણી-મેહાર’ છે, અને સિંધી વાઙમયમાં એ ઉત્તમ પંક્તિનું સાહિત્ય લેખાય છે. લોકકથાના સાહિત્યમાં એક અખંડ આધ્યાત્મિક રૂપક-કથાનું દર્શન થવું એ પણ સરસ વાત છે.