સૌરાષ્ટ્રની રસધાર-4/પરણેતર
સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે. ‘રાણાવાવ’ નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું. એક વખત ત્યાં હળવાં ફૂલ જેવાં, ખેડૂતોનાં ખોરડાં હતાં. માના થાનેલા ઉપર ચડીને જેમ નાનાં બાળકો ધાવતાં હોય તેમ કણબીનાં કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન ઉગાડતાં ને પેટ ભરતાં. તે દિવસોની આ વાત છે.
ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે. એને ઘેર એક દીકરી. નામ તો હતું અજવાળી. પણ એને ‘અંજુ’ કહેતા. અંજુ મોં મલકાવે તે ઘડીએ ચોમેર અજવાળાનાં કિરણો છવાય. ભળકડે ઊઠીને અંજુ રોજ દસબાર રોટલા ટીપી નાખે, બબ્બે ભેંસોની છાશ ધમકાવી કાઢે, ચાર ચાર બળદોનું વાસીદું ચપટી વારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે, અને કાંડા કાંડા જેવા એ ભેંસોનાં આંચળને જ્યારે મૂઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેડો વછૂટતી! ઘણાય મહેમાન આવતા, ને ખેતાની પાસે અંજુનું માગું નાખતા.
ખેતો કહેતો : “હજી દીકરી નાની છે.”
ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથી રહેવા આવ્યો. અંગ ઉપર લૂગડાં નહોતાં, મોઢા ઉપર નૂર નહોતું, પણ માયા ઊપજે એવું કાંઈક એની આંખમાં હતું. ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યો. ત્રણ ટંક પેટિયું, બે જોડ લૂગડાં, એક જોડ કાંટારખાં, અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલાં ડૂંડાં : આવો મુસારો નક્કી થયો. જુવાન કણબી કામે લાગ્યો.
સાથીને ભાત આપવા અંજુ પોતે જાતી. બપોરે ખેતરે ભાત લઈ જવાની હોંશમાં ને હોંશમાં અંજુ હવે તો બે પહોર ચડે ત્યાં જ બધું કામ આટોપી લેતી. બે જાડા રોટલા ઉપર માખણનો એક લોંદો, લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના બે કકડા, અને દોણી ભરીને ઘાટી રેડિયા જેવી છાશ : એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જાતી, ત્યારે એનું મોં જેવું રૂડું લાગતું તેવું ક્યારેય ન લાગે. સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી કરી ખવરાવતી.
“ન ખા તો તારી મા મરે.”
“મારે મા નથી.”
“તારો બાપ મરે.”
“બાપેય નથી.”
“તારી બાયડી મરે.”
“બાયડી તો મા જણતી હશે.”
“જે તારા મનમાં હોય તે મરે.”
છેલ્લા સમ સાંભળી છોકરો ફરી વાર અરધો ભૂખ્યો થઈ જતો. એને શરીરે રોજ રોજ શેર શેર લોહી ચડવા માંડ્યું.
એક દિવસ છોકરાએ પૂછ્યું : “તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખછ?”
“તું અનાથ છે, તારે માબાપ નથી માટે.”
એક દિવસે કોસ ચાલતો હતો ત્યારે કિચૂડ કિચૂડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું : “મેપા, આ પૈડું ને ગરેડી શી વાતો કરતાં હશે?”
મેપો બોલ્યો : “પૈડાને એનો આગલો ભવ સાંભરે છે. ગરેડીને એ કહે છે કે, ગરેડીબાઈ! ઓલ્યો ભવ તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી...”
“મેર, રોયા! હવે ફાટ્યો કે? માંકડાને મોઢું આવ્યું કે? કહેવા દેજે મારા આતાને [1]!”
એવી એવી ગમ્મતો મંડાતી.
એમ કરતાં ઉનાળો વીતી ગયો. મેપાએ ખેતર ખેડીખેડીને ગાદલા જેવું સુંવાળું કરી નાખ્યું. બોરડીનું એક જાળું તો શું, પણ ઘાસનું એક તરણુંયે ન રહેવા દીધું. સાંઠીઓ સૂડીસૂડીને એના હાથમાં ભંભોલા ઊઠ્યા. અંજુ આવીને એ ભંભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી.
ચોમાસું વરસ્યું; જાણે મેપાનું ભાગ્ય વરસ્યું. દોથામાં પણ ન સમાય એવાં તો જારબાજરાનાં ડૂંડાં નીઘલ્યાં. બપોરે જ્યારે મેપો મીટ માંડીને મોલ સામે ટાંપી રહેતો, ત્યારે અંજુ પૂછતી : “શું જોઈ રહ્યો છે?”
“જોઈ તો રહ્યો છું કે આટલામાંથી ઑણ બાયડી પરણાશે કે નહિ?”
“પણ તને મફત બાયડી મળે તો?”
“તો તો હું અનાથ કહેવાઉં ને!”
લાણીનો દિવસ નક્કી થયો. કેટલાક દિવસ થયા મેપો રોજ રોજ લીલા લીલા ઘાસની એક્કેક ગાંસડી વાઢીને ગામના એક લુહારને દઈ આવતો. લુહારની સાથે એને ભાઈબંધી જામેલી. લુહારે એને એક દાતરડી બનાવી દીધી. દાતરડીને રાણાવાવનું પાણી પાયું. અને એ દાતરડી કેવી બની? હાથપગ આવ્યો હોય તો બટકાં ઉડાડી નાખે તેવી.
લાણીને દિવસે સવાર થયું, ને મેપો દાતરડી લઈને ડૂંડાં ઉપર મંડાયો. બે પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરુંધાકોર કરી નાખ્યું. પટેલે આવીને નજર કરી ત્યાં એની આંખો ફાટી રહી. ઘરે જઈને પટેલે પટલાણીને કહ્યું, “નખ્ખોદ વળ્યું! સાંજ પડશે ત્યાં એક ડૂંડું પણ આપણા નસીબમાં નહિ રહેવા દે. આખું વરસ આપણે ખાશું શું?”
અંજુએ એના આતાના નિસાસા સાંભળ્યા. એણે એની સેના સજવા માંડી. આભલાનાં ભરત ભરેલો હીરવણી ચણિયો, અને માથે કસુંબલ ચૂંદડી; મીંડલા લઈને માથું ઓળ્યું. હીંગોળ પૂર્યો. ભાત લઈને અંજુ આજ તો વહેલી વહેલી ચાલી નીકળી. ભાતમાં ઘીએ ઝબોળેલી લાપસી હતી.
મેપો ખાવા બેઠો. પણ આજ એનું હૈયું હેઠું નથી બેસતું. અંજુએ ખૂબ વાતો કાઢી, પણ મેપો વાતોએ ન ચડ્યો : ગલોફામાં બે-ચાર કોળિયા આડાઅવળા ભરીને મેપાએ હાથ વીછળ્યા. ચૂંદડીને છેડે એક એલચી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો, પણ મેપાને આજ એલચીની કિંમત નહોતી. એ ઊઠ્યો.
“બેસ ને હવે! બે ડૂંડાં ઓછાં વાઢીશ તો કાંઈ બાયડી વિનાનો નહીં રહી જા.”
પણ મેપો ન માન્યો, એણે મોઢુંયે ન મલકાવ્યું.
“આજ અંજુથીયે તને તારાં ડૂંડાં વહાલાં લાગ્યાં કે?”
મેપાનું હૈયું ન પીગળ્યું.
“એલા, પણ તને મફત બાયડી પરણાવી દઈશ. ઘડીક તો બેસ, આમ સામું તો જો!”
મેપો ઊંધું ઘાલીને મોલ ભણી ચાલવા જાય છે.
“ઊભો રહે, તું નહિ માન, એમ ને?” એટલું કહીને અંજુ દોડી. મેપાના કેડિયામાં ભરાવેલી દાતરડી બરાબર ગળે લટકતી હતી.[2] હેતના ઉમળકામાં ને ઉમળકામાં એણે એ દાતરડીનો હાથો ઝાલ્યો, ઝાલીને ખેંચ્યો, મોમાંથી બોલી : “નહિ ઊભો રહે, એમ?”
મેપો ઊભો રહ્યો, સદાને માટે ઊભો રહ્યો. દાતરડી જરાક ખેંચાતાં જ મેપાની ગરદનમાં એ રાણાવાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઊતરી ગઈ. મેપો જરાક મલકાયો હતો. તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું.
મેપાને પરણવું હતું, મેપો પરણ્યો. એ ને એ વસ્ત્રે અંજુ મેપાના શબની સાથે ચિતામાં સૂતી. અગ્નિદેવતાએ બેયને ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું.
ત્યારથી દુહો ગવાતો આવે છે કે
દાતરડી દળદાર, ધડ વાઢી ઢગલા કરે,
રૂડી રાણાવાવ, કુંવારી કાટ [3] ચડે,
ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે. આજ એ જગ્યાએ એક મોટી ઈમારત ઊભી છે. આ દુહા સિવાય એ રાણાવાવનું એકેય નામનિશાન નથી રહ્યું.[4]