સૌરાષ્ટ્રની રસધાર/વાલેરા વાળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાલેરા વાળો

જેતપુરના કાઠી દરબાર વાલેરા વાળાની ડેલીએ જૂનાગઢ શહેરના એક મોચીએ આવીને દરબારના પગ સામે બે મોજડીઓ ધરી દીધી. માખણ જેવા કૂણા ચામડાની બે મોજડીઓ ઉપર મોચીએ પોતાની તમામ કારીગરી પાથરી દીધેલી. રાજી થઈને વાલેરા વાળા બોલ્યા : “એલા, તેં તો ભારે કસબ કર્યો!” “બાપુ, તમને નસીબદારને તો આ મોજડિયુંમાં કાંઈ નવી નવાઈ ન હોય.” “બોલ, શું આપું?” “બાપુ, છોકરાં છાશ વિના ટળવળે છે. મોજ આવી હોય તો એક ગાયની માગણી કરું છું.” “ગાય શા સારુ? ભેંસ લઈ જા ને!” “ના, બાપુ, ગાય બસ છે. ભેંસની ટંટાળ અમારાથી વેંઢારાય નહિ.” “ઠીક, સાંજરે આપણું ધણ સીમમાંથી આવે ત્યારે તને ગમે તે એક ગાય તારવી લેજે.” સાંજને ટાણે ડેલીની બહાર રસ્તા ઉપર ગાયોની વાટ જોતો જોતો મોચી ઊભો રહ્યો છે. ગોધૂલિને ટાણે ધણ આવ્યું. મોખરે ગોવાળ ખંભે લાકડી નાખીને ડોલતો ડોલતો ચાલ્યો આવે છે, અને પછવાડે ત્રણસો ગાયો એના ખંભા ઉપર વળૂંભતી આવે છે. ગળે ત્રણ ત્રણ ગાંઠો પડે એવા લાંબા લાંબા તો ગાયોના કાન ફડફડે છે : કંઠનો કામળો તો ઠેઠ ગોઠણ સાથે ઝપાટા ખાતો આવે છે, પેટની ફાંટ જેટલાં આઉ હિલોળા લ્યે છે : ગાયો જાણે આઉને માથે બેસતી આવે છે. ભાદર નદીને ભરચક કાંઠે આખો દિવસ લીલાં ખડ ચરીને મલપતી ચાલે ડગલાં ભરતી આવે છે. વાછરુને માથે વળૂંભતી આવે છે. બાદલપરના ડાબરિયા જેવી માથાવટી : માચિયાં શીંગ : ધોળો, કાબરો અને ગળકડો રંગ : પગમાં રૂમઝૂમતાં ઝાંઝર : ગોવાળ નામ લઈને સાદ કરે છે કે ‘બાપ શણગાર! બાપો જામલ! બાપો બાપુડી! બાપો નીરડી!’ ત્યાં તો દોડીને ગાયો ગોવાળના ખભા ઉપર માથાં નાખતી આવે છે. એકીટશે ગાયો સામે નીરખી નીરખીને મોચી જોતો હતો. ગોવાળે કહ્યું : “એલા મોચકા, જોઈ શું રિયો છો? માળા ક્યાંક તારી નજરું પડશે. ગાયું સામે ડોળા શું તાણી રિયો છો?” મોચીએ જવાબ દીધો : “શા સારુ ન જોયેં? કાંઈ મફત નથી જોતા. બાપુને મોજડી પે’રાવી છે, તે આમાંથી મનમાનતી એક ગાય લઈ લેવાનું બાપુએ અમને કહ્યું છે. એ જો, આ ગાય આપડી.” એમ કહીને મોચીએ એક ગાય ઉપર હાથ મેલ્યો. ગોવાળને વહાલામાં વહાલી એ ગાય હતી. એ બોલ્યો : “હવે હાથ ઉપાડી લે હાથ, મોચકા, અને હાલતો થઈ જા — નીકર અવળા હાથની એક અડબોત ખાઈ બેસીશ. ઈ શણગારનું વોડકું તો આ લીલાછમ માથા સાટે છે, ખબર છે? જોજો, મારું બેટું મોચકું શણગારના દૂધ ખાવા આવ્યું છે!” “બાપુ કહેશે તોય નહિ દે?” “હવે બાપુને તો બીજો ધંધો જ નથી. બાપુ બચારો ગાયુંની વાતમાં શું સમજતો’તો?” બેય જણા વઢવાડ કરતા કરતા ચાલ્યા આવે છે. દરબાર ડેલીમાં બેઠા હતા ત્યાં બેય પહોંચ્યા. દરબારે પૂછ્યું : “શું છે?” ભરવાડ કહે : “બાપુ, તમારે ગાય દેવી હોય તો બીજી ગમે તે દેજો. આ શણગારનું વોડકું તો નહિ દેવાય.” મોચી કહે : “બાપુ, લઉં તો ઈ જ લઉં.” દરબાર કહે : “ભાઈ ગોકળી, આપી દે. મેં જીભ કચરી નાખી છે, હવે કાંઈ મારાથી ફરાય?” ગોવાળ કહે : “એ ના ના, બાપુ! નહિ મળે.” દરબાર ગુસ્સાથી બોલ્યા : “આપી દે ભૂત! પંચાત નથી કરવી.” “એમ? તો આ લ્યો આ તમારી ચાકરી ને આ તમારી લાકડી.” લાકડી ફગાવી દઈને ગોવાળ ઘેર ચાલ્યો. મોચીને ગાય મળી ગઈ. રાત પડી. ગાયોને દોવે કોણ? એ તો દરબારી ગાયો. ગોવાળે લાડ લડાવેલી ગાયો. બીજા કોઈને આઉમાં હાથ નાખવા દે નહિ. રાત માંડ માંડ ગઈ અને મોટે ભળકડેથી તો ગાયોનાં આઉ ફાટ ફાટ થવા લાગ્યાં. દરબારે ગોવાળને તેડવા માણસ મોકલ્યો. ગોવાળ કહે છે કે : “નહિ આવીએ, નહિ; ઈ તો લાકડી અને ચાકરી હાર્યે જ ફગાવીને હાલ્યા આવ્યા છૈયે!” દરબારે મકરાણીને મોકલ્યો. કહ્યું કે “ન માને તો જોરાવરીથી લાવજે.” મકરાણીએ જઈને સીધેસીધો જમૈયો જ ખેંચ્યો. “એમ જબરાઈએ લઈ જા તો તો આવશું જ ને!” એમ બોલી ગોવાળ ડાહ્યોડમરો બનીને ચાલતો થયો. દરબારની સામે આવીને આડું જોઈને ઊભો રહ્યો. “ભાઈ, ભલો થઈને ગાયું તો દોઈ લે.” “ઓલ્યા મોચકાને ગાવડી દીધી છે ઈ પાછી આવે ત્યારે જ આંચળને અડવાનો.” “અરે ગાંડા, દીધેલા દાન પાછાં લેવાય? અને મારું વેણ જાય?” “ત્યારે શું અમારું વેણ જાય?” “તારું વેણ ન જાય એમ ને? એલા કોઈ છે કે દોડો બજારે, એક લીલા લૂગડાનો તાકો લઈ આવો.” દરબારે ગુસ્સામાં ને ગુસ્સામાં લીલા લૂગડાનો કોરો તાકો શા માટે મંગાવ્યો? ગોવાળને શી સજા કરવાના હશે? તાકો આવ્યો. દરબાર બોલ્યા : “આમાંથી સવા સવા ગજના કટકા ફાડવા મંડો.’ દિગ્મૂઢ બનેલા નોકરો કટકા કરવા મંડ્યા. “બોલાવો ગામના બામણોને.” બ્રાહ્મણો આવ્યા. માણસો વિચારે છે કે દરબાર આ શું નાટક કરવા મંડ્યા! “આ અક્કેક ગાયને શીંગડે અક્કેક કટકો બાંધી બાંધીને બામણોને દેવા માંડો.” નોકરોએ માન્યું કે દરબાર હાંસી કરે છે. આંખો ફાડીને દરબાર બોલ્યા : “આપવા મંડો જલદી! ત્રણસોમાંથી એક પણ રાખે ઈ હોકા બસિયાના પેટનો.” ગાયો તો ગોવાળના ખંભા ઉપર વળૂંભતી, એના હાથ પગ ચાટતી, પોતાનાં માથાં એના શરીર સાથે ઘસીનેને ખજવાળતી, ભાંભરતી ભાંભરતી ઘેરો વળીને ઊભી હતી. એક પછી એક ગાયને શીંગડે લીલું વસ્ત્ર બાંધીને દરબાર દાન કરવા મંડ્યા. સ્વસ્તિ! સ્વસ્તિ! કહીને લાલચુડા બ્રાહ્મણો ગાયો લઈને રવાના થવા મંડ્યા; એમ જ્યાં પોતાની પાંચ વહાલી ગાયોને ભરવાડે જતી જોઈ ત્યાં તો એની મમતાના તાર ખેંચાવા લાગ્યા. “એ બાપુ! તમારા ગૌ!” એવી ધા નાખીને ગોવાળ વાલેરા વાળાના પગમાં પડી ગયો. “ગાયું દોવા મંડછ કે નહિ!” દરબાર તાડૂક્યા. “દોઈ લઉં!” “કોઈ દી રિસાઈશ?” “કોઈ દી નહિ!” ગાયોનું દાન એટલેથી જ અટકી ગયું. ગોવાળે ગાયો દોહી લીધી.

v

આંબુમિયાં અને જાંબુમિયાં નામના બે ચાબુકસવારો રાજકોટના ગોરા લાંગ સાહેબ ઉપર વડોદરા મહારાજ ખુદ ખંડેરાવની ચિઠ્ઠી લઈને હાજર થયા છે. ચિઠ્ઠીમાં મહારાજ લખે છે કે “મોંએ માંગો તેટલા દામ ચૂકવું. મને વાલેરા વાળાનો મારુયો અપાવો.” મારુયો ઘોડો આપા વાલેરાનો. પેટના દીકરાથી પણ વધુ વહાલો ઘોડો હતો. મારુયો તો આપાના કલેજાનો કટકો હતો. મારુયો સરજીને સરજનહારે ઘોડાં બનાવવાની બધીયે માટી વાપરી નાખી હતી. ફક્ત મારુયાને ફેરવવા બદલ જ વાલેરા વાળાએ ફતેહઅલ્લી નામના ચાબુકસવારને એક હાથી અને પાંચ હજાર રૂપિયા રોકડા ચૂકવ્યા છે. અને કોટાના મહારાજાના ઝરૂખા પર ઘોડાં ઠેકાવીને મહારાજના હાથમાંથી રૂમાલ લેવરાવનાર ઉસ્તાદ ચારણ ભૂરા જેહળના હાથમાં મારુયાને સોંપીને દરબારે મારુયાની રજેરજ એબ વિણાવી કાઢી છે. એવા નટવર રૂપ મારુયા ઉપર આજ વડોદરાના ખાવિંદની આંખો ઠરી છે. સનાળી અને દેરડી સીમાડા કાઢવા માટે લાંગ સાહેબે સનાળીને પાદર તંબૂ તાણ્યા. આંબુમિયાં જાંબુમિયાં મારુયાનાં મૂલ મૂલવવા સનાળીમાં મહેમાન થયા. જેતપુરથી મારુયો લઈને વાલેરા વાળાએ પણ સનાળીમાં ઉતારો કર્યો. સમીસાંજરે ગામને પાદરે નાટારંભ મંડાયો. કાયાના કટકે કટકા કરીને મારુયાએ પોતાનો નાચ દેખાડ્યો. જાણે કોઈ નટવો દોર ઉપર ચડીને અંગના ઇલમો બતાવી રહ્યો છે. વાલેરા વાળાએ મારુયો પાછો વાળ્યો. રમાડતા રમાડતા દાયરાના થડોથડ લઈને આવ્યા. બરાબર લાંગ સાહેબની ખુરશીની અડોઅડ લીધો. પછી ગરદન થાબડી અસવારે મંત્ર ફૂંક્યા : “બેટા! મારુયા! સાહેબને સલામ કરી લે.” મારુયો બે પગે ઊભો થઈ ગયો. મોયલા બે પગ સાહેબની ખુરશીના બે હાથા પર માંડી દીધા. “શાબાશ મારુયા! શાબાશ મારુયા!” કહીને લાંગ પોતાનો રૂમાલ મારુયાના મોં ઉપર ફેરવવા મંડ્યો. આંબુ-જાંબુ અંજાઈ ગયા. “વાલેરા વાળા, પાંત્રીસ હજાર રૂપિયા ગણી લ્યો. ખંડેરાવ મહારાજનું વેણ રાખો.” લાંગ સાહેબ, રાણિંગ વાળા અને આખા દાયરાના માણસો કહેવા લાગ્યા કે૰ “હવે બસ, આપા વાલેરા વાળા, હવે દઈ દ્યો. હઠ કરો મા. આથી વધુ તો ઊપજી રહ્યું.” “એ ભાઈ,” વાલેરા વાળા બોલ્યા : “મારુયાને માથે મહારાજ ખંડેરાવ તો નહિ બેસે.” “ત્યારે કોણ બેસશે?” લાંગે ચાંદૂડિયાં પાડીને પૂછ્યું. “કોણ બેસશે? કાં હું, કાં આ મારો બાડિયો ચારણ.” પોતાની પાસે બેઠેલા સનાળીના ચારણ ખોડાભાઈ નીલા સામે આંગળી ચીંધાડીને આપો વાલેરા બોલ્યો. “હાં! હાં! હાં! આપા વાલેરા.” માણસોએ બોલતા અટકાવ્યા. “ત્યારે કાંઈ મારુયાના મૂલ હોય? પેટનો દીકરો વેચાય નહિ. ઊલટ આવે તો હેતુ-મિત્રુને ચડવા આપી દઈએ.” “ખોડા ગઢવી! શંકર તમને મારુયો આપે છે.” એમ કહી, જરિયાની સામાનમાં સજાવેલ મારુયો હાજર કર્યો. લવિંગ જેવડી કાનસૂરી રહી ગઈ છે, કપાળમાં માણેકલટ ઝપાટા ખાય છે. ધતૂરાનાં ફૂલ જેવાં નાખોરાં શોભે છે, ધનુષની કમાન જેવી મારુયાની સાંકળ (ડોક) વળી રહી છે, અને ખોડા ગઢવી મારુયાની તારીફનું સપાખરું ગીત રચી લાવેલ છે, એ પોતે બોલવા લાગ્યા :


સારા સોનમેં બનાયા સાજ ઝોપૈયા મારુયા સરે,[1]
તણી વેળા ઓપે ઘોડા સારા સપતાસ,
હાકાબાકા હુવા કૈંક જોવા મળ્યા દેસ હાલી,
અડાબીડ મૂળુ તણા પૂરી કે ન આસ. [1]
પાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી પાગા,
આગા જાવે નહિ ભાગા મૃગાણા હીં આજ,
તોકતા ગેણાગા તરી [2] બાગા હાથ જાય ત્યાં તો,
રિઝા રાગા વ્રવે નાજાહરા અભેરાજ. [2]
રૂમ્મા ઝુમ્મા ઠમ્મા ઠમ્મા તરી ખેળા[3] જેમ રમે,
તળપ્પે [4] ગઢાંકે માથેં જાણ્ય છૂટાં તીર,
ચાસરા ઉરહીં ચોડા કાનસૂરી જરા સોહે,
સમંપે [5] એરસા Cite error: Closing </ref> missing for <ref> tag મોતી,
રંગેરંગ કાઢે ગોતી જોતી સભા રાજ,
હૈયાકી ઉગાડી દોતી [6] બડા કામ કિયા હિન્દુ,
નાચતા નટવા દિયા કવંદાંકું [7] નાજ. [5]
ન્રખો [8] આંખ મેંડકારી ઘૂંઘટારી જોવે નારી,
નાચે ગતિ કેરબારી [9] ફૂલધારી નાચ,
ઉર ચોડો ઢાલ કારી નારી વેણે પૂછીએ તો,
રમે ગોપી રાઘવારી કાળંધ્રીકો [10] રાસ. [6]
દેખો પલ્લે લાંબી શેરી ફલ વેરી નાખે ડાબા,
હેરી હેરી જોવે તિયા કાંધ ફેરી હાલ,
અનેરી અનેરી વાહ ઘોડાં ગતિ તેરી આજ,
સોનેરી સમાપે તરી બિયા વેરીસાલ.[11] [7]
ગજ એક ચોસરાળો મૂઠીઆરો ટૂંકો ગાળો,
ભાળ્યો કેસવાળી લટા જટાળો ભભૂત,
વાજાપે રમંતો ખેળો ત્રંગોડા બાજોઠવાળો,[12]
પસાં[13] કર કવ્યાં ઢાળો પટાળો સપૂત. [8]
આઠ પો’ર તગડી લે ભરી ભરી ઘડી આગા,
સેસનાગા કાંપે ડાબા લાગાપેં નિસાસ,
રહે [14] બાંધ્યા કાચા ત્રાગા લગામાં મર્જાદા રાખે,
તીર નાખે કબાણિયા વેગે સપતાસ. [9]
નાખો વેચી, કર્જે કાપે, દીકરાને બાપ નાપે,[15]
તાકે કોટે જમીં માપે છૂટ્યા જાણે તીર,
વાજે ધ્રોડે નકે ધ્રાપે છાંયાથી ડરાપે [16] વળી,
આપે પ્રથીનાથ એવા ભાદ્રોડા [17] અમીર. [10]
બાપ ધીમો આજ તું ના દેતો ત્રાપા ભાઈ બાપા,
પનંગજો ચાંપે તીન ભાલાં જમીં પીઠ,
મટે વીમો કર્મહુંકો વેચિયો વેપાર માથે,
તાકવાંને [18] માથે દાને ભલી આણી ત્રીઠ. [11]
પાંત્રીસે હજારે નાણે મારુયા મંગાયા પૂરા,
દિયા વાળે દાન કોડી લિયા નહિ દામ,
ગંગા ઘાટ સુધી તારી કીરતિકા ડંકા વાગા,
જગાં ચાર વાતાં રહી જેતાણાકા જામ. [12]
રાખે લોભ ઉદેપરા, જોધપરા લોભ રાખે,
ચડેવાકું લોભ રાખે દલ્લી પતશાવ,
રાખે લોભ જડેસરા, પ્રેમેસરા લોભ રાખે,
નાથ વાલગાકે હાથે નાખણા અથાવ. [13]
ખોડા નીલા તણી ભીડ કાઢી ઘડીમાં ખેધુ,
પાળ્યાં વેણ કિયા પચા લાખરા પવંગ,
નાજાહરા રાખ્યા નામ મૂછાં સરે હાથ નાખી,
રાજા વાલગેશ થાને ઘણા ઘણા રંગ. [14]

ચારણના એક હાથમાં મારુયાની લગામ અને બીજા હાથમાં માળા છે. મુખમાંથી ઘોડાની તારીફની ધારા વહેતી થઈ છે. ચારણના લલકારને ચરણે ચરણે, મારુયાના નોખા નોખા આકારો — કનૈયા સ્વરૂપ, જટાળા જોગીનું રૂપ, મોગલ શાહજાદીના આશક કોઈ શાહજાદાની પ્રતિમા, નટવાનાં નૃત્ય — એવા આકારો ઊઠવા લાગ્યા છે. એ વખતે એક આયર ત્યાં ઊભો હતો. એણે પોતાની એંસી ભેંસો ખોડાભાઈ ગઢવીને બક્ષિસ કરી. ખોડાભાઈએ એમાંથી બે ભેંસો રાખીને બાકીની દરબારી નોકરોને વહેંચી દીધી. મારુયાના સુવર્ણ-જડિત સામાનમાંથી પણ થોડો બક્ષિસ આપી દીધો. વાલેરા વાળા કહે : “અરે, ખોડાભાઈ, આવી કીમતી ચીજ કાં આપી?” ખોડાભાઈએ જવાબ દીધો : “ત્યારે હું શું એટલુંયે ન આપું?”

v

પાંચાળ તરફની એક વૃદ્ધ ચારણી વાલેરા વાળાનાં વહુની પાસે વરસોવરસ આવતી--જતી. એક વખત એ આવી. રાત રહી. બાઈએ એને કોરી શીખમાં આપી. કોરી સાડલાને છેડે બાંધી ચારણી સૂતી. બાઈની પથારીની પડખે જ એની પથારી હતી. ઉનાળો હોવાથી પથારીઓ ઓસરીમાં પાથરેલી. ચારણીએ કહેલું કે “મા, સવારે હું ભળકડામાં જ ચાલીશ.” સવાર પડ્યું એટલે ચારણી તો વહેલી વહેલી રસ્તે પડી. જ્યાં દેરડી ગામ સુધી પહોંચી ત્યાં તો વાંસે ઘોડાના ડાબલા ગાજ્યા. પાછું વાળીને જુએ તો જેતપુરના અસવારો! અસવારોએ આવીને પાધરું જ કહ્યું કે “આઈનું કાપડું અને ઝૂમણું લઈને ભાગી જાતી’તી કે રાંડ ? કાઢી દે કાપડું ને ઝૂમણું.” “અરે, ભાઈ! તમે આ શું બોલો છો? મને ખબર પણ નથી. આ એક કોરી માએ દીધેલી તે છેડે બાંધતી આવી છું. બાકી કાપડું કેવું? ઝૂમણું કેવું?” “એમ? શાવકારની દીકરી થાવા જા’છ?” “અરે, બાપુ, તમે કહો તો હું વાંસો વાળીને આ સાડલો વીંટી મારી જીમીયે કાઢી બતાવું. મારી પાસે કાંઈ નથી. હું ચારણી ઊઠીને ચોરી કરું?” “રાંડ એમ નહિ માને. લઈ હાલો જેતપુર.” ડોસીને જેતપુર તેડી ગયા. ડેલીમાં વાલેરા વાળો ને જગા વાળો બેય ભાઈ બેઠેલા. ચારણી હાથ જોડીને કરગરવા લાગી કે “બાપુ! જોગમાયાના સમ. મને કાંઈ ખબર નથી.” ઘરમાંથી બાઈએ કહેવરાવ્યું કે “મારા પડખે એ ડોશી જ સૂતેલી. બીજું કોઈ નથી આવ્યું. એ જ ચોર છે. સાચી હોય તો કકડતા તેલમાં હાથ બોળે.” “ના રે, બાપુ! કળજુગમાં એવું ક્યાં રહ્યું છે કે સાચાના હાથ ન બળે? એ બાપ! મને રાંકને શીદ સંતાપો છો? મારે મારું સાચ એવી રીતે ક્યાં બતાવવું છે?” દરબારના માણસોએ આગ ઉપર તેલની કડા મૂકી. ધ્રફ! ધ્રફ! ધ્રફ! તેલ કકડ્યું. ફૂલ પડવા માંડ્યા. માણસોએ ડોસીને જબરદસ્તીથી ઘસડીને એનાં કાંડાં ઝાલીને તેલમાં ઝબોળ્યાં. કાંડાં કડકડી ઊઠ્યાં. સડ, સડ, સડ, ચામડી ફાટી ગઈ. “બસ, હવે ખમી જાઓ.” ડોસીએ કહ્યું. એમ ને એમ એણે હાથ રાખી મૂક્યા. કાંડાંનું માંસ બધુંય નીકળી પડ્યું. ડોસીના મોં ઉપર કાળી બળતરાનો રંગ છવાઈ ગયો, તોયે તેણે સિસકારો ન કર્યો. લોચો વળી ગયેલા હાથ એણે બહાર કાઢ્યા. એવે હાથે એણે સાડલાને છેડે ગાંઠ વાળેલી તે છોડી. અંદરથી આગલે દિવસે દરબારની રાણીએ દીધેલી તે કોરી નીકળી. કોરી લઈને દરબારોની સામે ઘા કરી દીધો. પલકમાં જ એક ભેંસ ત્યાં આવીને ઊભી રહી. ભેંસે પોદળો કર્યો. લોકે બૂમ પાડી, કે “અરે, આ પોદળામાં લૂગડું શેનું?” લઈને જુએ છે ત્યાં માનું જ કાપડું અને કાપડાની કસે ઝૂમણું બાંધેલું! ઓસરીમાંથી ભેંસ કાપડું ચાવી ગયેલી. “અરર!” લોકોના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. દરબારો દોડીને ચારણીના પગમાં પડ્યા. “આઈ, માફ કરો. અમે તમારે માથે બહુ કરી.” “ભાઈ! હું મારી જીભે તો તમને કાંઈ નથી કહેતી, કહેવાનીયે નથી. પણ મારી આંતરડી બહુ કકળે છે, બાપા!” ચારણી તો ચાલી ગઈ, મરી ગઈ હશે. પણ ત્યાર પછી છ જ મહિનામાં બેય ભાઈ નિર્વંશ મરી ગયા. લોકો બોલે છે કે ‘ગરીબની ધા લાગી ગઈ!’





  1. શિરે.
  2. ઘોડાં.
  3. અપ્સરા
  4. તરાપ મારે.
  5. સમર્પે.
  6. દ્યુતિ.
  7. કવિને.
  8. નીરખો.
  9. કેરબાની (નટની).
  10. કાલિંદી (યમુના).
  11. વેરીઓને શલ્ય તુલ્ય (વાલેરા વાળો).
  12. બાજઠ જેવી પીઠ વાળો.
  13. બક્ષિસ.
  14. કાચા સૂતરને તાંતણે પણ બંધાઈ રહે તેવો નમ્ર.
  15. ન આપે.
  16. ડરે.
  17. ભાદર નદીના.
  18. જાચક લોકો.