સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/કટારીનું કીર્તન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કટારીનું કીર્તન


રાજકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરાહજૂર છે. કાવ્યકળાના પોતે સાગર : કચેરીમાં અમીર-ઉમરાવો કરતાં પણ અદકાં આદરમાન કવિઓને આપે. પોતાની નાનકડી રાજસભામાં પોતે ચાર-પાંચ કવિરત્નોને વસાવ્યાં હતાં : એક તો કવિ દુર્લભરામ વરસડા; બીજા જૈન જતિ જીવનવિજય; ત્રીજો જેસો લાંગો ચારણ; ચોથો પોલો ચારણ; અને પાંચમો એક બાવો. એ પાંચ અને છઠ્ઠા પોતે : છએ મળીને ‘પ્રવીણસાગર’નો પ્રેમગ્રંથ લખ્યો. એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહાપણમાત્ર વલોવી લીધું. શી કવિતા! શો વ્રજ ભાષાનો મરોડ! શી વિવિધ ભાત્યની વિદ્યા! અને શી વિજોગી નાયક-નાયિકાની હૈયાવીંધણ વાણી! ‘પ્રવીણસાગર’ રચીને તો કવિઓએ હાથ ધોઈ નાખ્યા છે. એક દિવસ રાજકોટને પાદર આજીને કાંઠે એક બાવો આવ્યો; ધૂણી ચેતાવી. ધીરે ધીરે માણસોનો ઘેરો થવા માંડ્યો. ગંજેડી-ભંગેડીઓ ગાંજો-ભાંગ પીવા ટોળે મળવા માંડ્યા. રાખમાં રૂપિયા-પૈસા દાટીને બાવો ચમત્કારને નામે ચપટીઓમાંથી રૂપિયા કાઢવા લાગ્યો. નગરની ભોળી તેમ જ નટખટ નારીઓ દોરાધાગા કરાવવા આવતી થઈ. એક દિવસ એ બાવાએ રાજની બે વડારણોને શીખવ્યું : “તમારા પઠાણ જમાદારની નવી વહુને અને મેરામણજી ઠાકોરને હીણો વહેવાર છે એવી વાત ફેલાવો તો તમને ન્યાલ કરી આપું.” હલકી વડારણો લાલચમાં પડી. ઠાકોરના માનીતા પઠાણ જમાદારના ઘરમાં જતી-આવતી થઈને કૂડી વાત ફેલાવવા લાગી. વાતો સાંભળીને પઠાણ જમાદારને ઝેર ચડવા લાગ્યું. આ બાવો કોણ હતો? મૂળ સોની હતો. એની સ્ત્રીને પઠાણ જમાદારે ઘરમાં બેસાડી હતી. સોની વેર વાળવા આવ્યો હતો. એક દિવસ ઠાકોર મેરામણજી ગામમાં ફરવા નીકળ્યા છે. ગાડીની બાજુમાં પઠાણ ઘોડે ચડીને ચાલે છે. ઓચિંતી ગાડી પઠાણના ઘર પાસેથી નીકળી. પઠાણનો વહેમ વધ્યો. વડારણો તો લાગ જોઈ પઠાણની મેડીએ પહોંચી ગઈ હતી. એણે મેળ મેળવ્યો. પઠાણની વહુને પૂછ્યું : “બાપુને જોવા છે?” “ના, બાઈ, પઠાણ જાણે તો જીવ કાઢી નાખે.” “અમે આડી ઊભી રહીએ. તમે સંતાઈને જોઈ લેજો. બાપુ તો આપણાં માવતર કહેવાય.” ગાડી નીકળી ઊંચી બારીમાં બે વડારણો ઊભી છે. વચ્ચેથી પઠાણની વહુ જોવે છે. એમાં ઓચિંતી વડારણો બેસી ગઈ. પઠાણની વહુને ભાન આવે તે પહેલાં તો પઠાણની નજર ઊંચી પડી. એના મનમાં ડાઘ પડી ગયો. ઠાકોર ઉપર એની ખૂની આંખ રમવા માંડી. ગઢમાં જઈને ઠાકોરે સાંજની મશાલ વેળાની કચેરી ભરી. ભાઈબંધ પડખે જ બેઠા છે, બિરદાવલીઓ બોલાય છે. ત્યાં પઠાણ આવ્યો. ‘આવો જમાદાર!’ એટલું બોલી ઠાકોર જ્યાં આદર આપે છે, ત્યાં તો પઠાણ કશા પણ ઓસાણ વગરના નિર્દોષ ને નિઃશસ્ત્ર ઠાકોર ઉપર તરવાર ખેંચીને ધસ્યો. એક જ ઘડી — અને ઠાકોરના દેહ ઉપર ઝાટકો પડત. પણ પાંપણનો પલકારો પૂરો થાય તે પહેલાં તો આડો એક હાથ દેખાણો. એક કટાર ઝબૂકી. અને કટાર પડી. ક્યાં? પઠાણની પહોળી છાતીમાં. પહાડ જેવડો પઠાણ પડ્યો. ઝબકેલા માણસોને જાણે ફરી વાર જીવ આવ્યો. ઠાકોરને બચાવનારો એ કટારીદાર હાથ કોનો હતો? જેસોભાઈ ચારણનો. ઠાકોર એને ભેટી પડ્યા : “ગઢવી! તમે મારા પ્રાણદાતા!” “ખમા બાપને!” ગઢવી બોલ્યા : “હું નહિ, જોગમાયા!” “ગઢવી, રોણકી ગામ વંશપરંપરા માંડી આપું છું.” “શી જરૂર છે, બાપ? આ કાયા પંડે જ તારે કણે બંધાણી છે.” “પણ જેસા ગઢવી! એક રોણકી દીધ્યે જીવની હોંશ પૂરી થાતી નથી. અંતરમાં કાવ્યની છોળ્યું આવે છે.” એમ કહી ઠાકોરે ‘કટારીનું કીર્તન’ પરબારું જીભેથી ઉપાડ્યું. શબ્દો આપોઆપ આવતા ગયા અને રૂડી રચના બંધાતી ગઈ :


[ગીત-સપાખરું]
ભલી વેંડારી કટારી, લાંગા! એતા દી કળાકા ભાણ!
સંભારી કચારી માંહી હોવંતે સંગ્રામ.
હેમજરી નીસરી વનારી શાત્રવાંકા હિયા
અજાબીઆ માગે થારી દોધારી ઇનામ!

[યુદ્ધકાળમાં અતિ સમર્થ લાંગા! આટલા દિવસ તેં કમરમાં કટારી બાંધી એ આજે સાર્થક થયું. આજ બરાબર સંગ્રામ વખતે જ એને તેં ઠીક યાદ કરી. શત્રુનું હૃદય ચીરીને સોંસરી બહાર નીકળીને તારી અજબ સુવર્ણજડિત બેધારી કટારી કેમ જાણે પોતાના પરાક્રમનું ઇનામ માગતી હોય એવો દેખાવ થયો.]


પઢ્ઢી અઢ્ઢી આખરાં કી જમ્મદઢ્ઢી કઢ્ઢી પાર
ધ્રસઢ્ઢી શાત્રવાં હૈયે રાખવા ધરમ,
બંબોળી રતમ્માં થકી કંકોળી શી કઢ્ઢી બા’ર
હોળી રમી પાદશારી નીસરી હરમ!

[તારી કટારી કેવી! જાણે અઢી અક્ષરનો મારણ-મંત્ર! [1] જાણે જમની દાઢ! તારો સ્વામીધર્મ સાચવવા તેં એને શત્રુની છાતીમાં ઘોંચીને આરપાર કાઢી. અને પછી જ્યારે લાલ લોહીથી તરબોળ બનાવીને તેં એને પાછી ખેંચીને બહાર કાઢી, ત્યારે એ કેવી દીસતી હતી? જાણે હોળી રમીને લાલ રંગમાં તરબોળ બનેલી બાદશાહની કોઈ હુરમ બહાર નીકળી!]


આષાઢી બીજલી જાણે ઊતરી શી અણી બેર,
મણિ હીરાકણી જડી નખારે સમ્રાથ;
માળીએ હો મૃગાનેણી બેઠી છત્રશાળી માંય,
હેમરે જાળીએ કરી શાહજાદી હાથ :

[કેવી! કેવી એ કટારી! અહો, જાણે અષાઢ માસની વીજળી આકાશમાં ઊતરી હોય! અને લોહીમાંથી રંગાઈને જ્યારે આરપાર દેખાઈ ત્યારે એવું લાગ્યું કે કેમ જાણે કોઈ મહેલને ઝરૂખે બેઠેલી મૃગનયની શાહજાદીએ લાલ હીરાથી જડેલા નખવાળો પોતાનો હાથ સોનાના જાળિયામાંથી બહાર કાઢ્યો હોય!


કરી વાત અખિયાત, અણી ભાત ન થે કણી,
જરી જાળિયામાં તરી જોવે ઝાંખ ઝાંખ :
શાત્રવાંકા હિયા બીચ સોંસરી કરી તેં જેસા,
ઈસરી નીસરી કે ના તીસરી શી આંખ!

[બીજા કોઈથી ન બને તેવી વાત આજે તેં કરી. ફરી વાર કેવી લાગે છે એ કટારી? જાણે જાળિયામાં બેઠી બેઠી કો રમણી જરી જરી ઝાંખું ઝાંખું નીરખતી હોય : પતિની વાટ જોતી હોય! અહો જેસા! એમાંના એકેય જેવી નહિ પણ, એ તો શંકરની ત્રીજી પ્રલયકારી આંખ જેવી મને લાગી.]



  1. એ શંકરનો મહામંત્ર કહેવાય છે. એ મંત્ર ‘ચંડીજી’માં છે. એના બળથી ગમે તે માણસને મારી નાખી શકાય એવું માનવામાં આવે છે.