સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/મૂળુ મેર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મૂળુ મેર


ઈ. સ. 1778ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો, અને તેનું નામ ‘ભેટાળી’ [1] પાડ્યું. આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા રહીને જોઈએ, તો એના ત્રણ કોઠા દેખાય, ચોથો અદૃશ્ય રહે : એવી એની રચના કરી હતી. એક દિવસ નવાનગરનો એક ચારણ ત્યાંથી નીકળ્યો. તેણે એ કિલ્લો જોવાની માગણી કરી. કિલ્લાના રખેવાળ મેર મૂળુ (મીણંદના)એ ના પાડી, તેથી નગરનો ચારણ સ્ત્રીનો વેશ પહેરીને જામસાહેબની કચેરીમાં ગયો. જામ જસાજીએ પૂછ્યું : “કવિરાજ, આમ કેમ?” ગઢવી બોલ્યો : “અન્નદાતા, મારો રાજા બાયડી છે એટલે મારે પણ બાયડી જ થાવું જોઈએ ના?” ગઢવીએ દુહો કહ્યો :


ઊઠ અરે અજમાલરા, ભેટાળી કર ભૂકો,
રાણો વસાવશે ઘૂમલી, (તો) જામ માગશે ટુકો.

જસા જામે બધી હકીકત જાણી. એને ફાળ પડી કે નક્કી જેઠવો વડાળાની ગઢની સહાયથી પાછો ઘૂમલી નગર હાથ કરી લેશે. જામે પોતાના જમણા હાથ જેવા જોદ્ધા મેરુ ખવાસને આજ્ઞા કરી કે ભેટાળીને તોડી નાખો. નગરના સેનાપતિ મેરુ ખવાસે રાણાને કહેણ મોકલ્યું : “વડાળું ભાંગીશ.” રાણાએ જવાબ વાળ્યો : “ખુશીથી; મારો મૂળુ મેર તમારી મહેમાનગતિ કરવા હાજર જ છે.” જેઠવાની અને જામની ફોજો આફળી. એક મહિનો ને આઠ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું.


એક મહિનો ને આઠ દી, ઝુલાવ્યો તેં જામ,
ગણીએ ખવે ગામ, માભડ વડાળું મૂળવા!

પછી મેરામણ ખવાસે ‘લક્કડગઢ’ નામનો એક હાલીચાલી શકે તેવો કાષ્ઠનો કિલ્લો કરાવ્યો. ધીરે ધીરે લક્કડગઢને ભેટાળીની નજીક નજીક લાવતા ગયા. આખરે લક્કડગઢમાંથી નીકળીને જામના સૈન્યે ભેટાળીની ભીંતે ચડવા માંડ્યું. ત્યાં અંદરના મૂળુના સૈન્યની બંદૂકો છૂટી. લક્કડગઢમાંથી હારો હારો દાણા સમાય એવડાં નગારાં મૂળુ (મીણંદનો) ઉપાડી આવ્યો અને જામની સેનાને નસાડી.


લાદા તંબુ લૂંટિયા, નગારાં ને નિસાણ,
મોર્યે હરમત મૂળવો, ખાંડા હાથ ખુમાણ.

જામનું રાવલ નામે ગામ જે નજીક હતું, તેમાં મૂળુએ હાક બોલાવી.


વડાળા સું વેર; રાવળમાં રે’વાય નૈ,
મોઢો જાગ્યો મેર, માથાં કાપે મૂળવો.

[જેઠવાના ગામ વડાળા સાથે વેર થયા પછી રાવળ ગામમાં જામની ફોજથી રહેવાતું નથી, કેમ કે મોઢવાડિયો મેર મૂળુ એવો જાગ્યો છે કે માથાં કાપી લે છે.]


રાવળ માથે આવિયો, રવ્ય ઊગમતે રાણ,
મોર્યે પૂગો મૂળવો, ખાંડા હાથ ખુમાણ.

[રવિ (સૂર્ય) ઊગતાંની વેળાએ જામ રાજા રાવળ ચડી આવ્યો, ત્યાં હાથમાં ખડ્ગ લઈને મૂળુ મેર અગાઉથી પહોંચી ગયેલો.]


દળ ભાગાં દો વાટ, માળીડા મેલે કરે,
થોભે મૂળુ થાટ, રોકે મેણંદરાઉત.

[પોતાના ઉતારા છોડીને લશ્કર બન્ને બાજુ નાસી છૂટ્યાં. પણ મૂછદાઢીના થોભાના ઠાઠવાળો મીણંદુ મેરનો પુત્ર મૂળુ એ નાસતા કટકને રોકી રાખે છે.]


કહીંઈ તારે કપાળ, જોગણનો વાસો જે,
મીટોમીટ મળ્યે, મેરુ ભાગ્યો મૂળવા.

[હે મૂળુ, અમને તો લાગે છે કે તારા કપાળમાં કોઈ જોગમાયા દેવીનો વાસ હોવો જોઈએ, કેમ કે તારી સાથે મીટોમીટ મળતાં જ ભય પામીને મેરુ ખવાસ જેવો જબ્બર નર ભાગી ગયો.]

રાણા સરતાનજી ચોરવાડ પરણ્યા હતા. ચોરવાડના જાગીરદાર રાયજાદા સંઘજીને માળિયાના અલિયા હાટીએ માર્યો. રાણાએ ચોરવાડ હાથ કરવા મૂળુ મેરને મોકલ્યો. ચોરવાડ જીતીને વેરાવળ ઉપર જતાં ધીંગાણામાં મૂળુનો હાથ એક કાંડેથી કપાઈ ગયો. મહારાણાએ પૂછ્યું : “બોલો, મૂળુ ભગત, કહો તો એ હાથ રત્નજડિત કરી આપું : કહો તો સોનાનો, ને કહો તો રૂપાનો.” રાજકચેરીમાં ઊભા થઈને નિરભિમાની મૂળુએ જવાબ દીધો : “રાણા, કોક દી મારા વંશમાં ભૂખ આવે, તો મારા વારસો સોનારૂપાનો પંજો વેચી નાખે, માટે મારી સો પેઢી સુધી તારી એંધાણી રહે એવો લોખંડનો પંજો કરાવી દે.” પોતાના ઠૂંઠા હાથ ઉપર રાણાએ આપેલો એ લોઢાનો પંજો ચડાવી મૂળુ ભગત એમાં ભાલું ઝાલી રાખતા, જમૈયો દીધો હતો તે કમરમાં પહેરતા, અને એક નેજો ને બે નગારાં દીધાં તે લઈને મૂળુ મેર વરસોવરસ દશેરાની સવારીની અંદર પોરબંદરમાં મોખરે ચાલતા.

[આજ મોઢવાડાની અંદર એની પાંચમી પેઢીએ સામતભાઈ મેર હયાત છે. સામતભાઈના ઘરમાં એ નગારાં, એ નેજો, એ લીલા (નીલમ જેવી કોઈ ચીજના બનાવેલા) હાથાવાળો છરો અને એ લોઢાનો પંજો મોજૂદ છે. આજ દોઢસો વરસ થયાં એ પંજાને માથે માનતાનાં સિંદૂર ચઢે છે. એ છરાનો હાથો ધોઈને પાણી પીવાથી કેટલીક સ્ત્રીઓની પેટપીડા મટી હોવાનું મનાય છે, અને નેજો-નગારાં હજુ પણ જેઠવા રાજાની સવારીની મોખરે ચાલે છે. નગારાં તૂટી જાય તો તેની મરામતનું ખર્ચ રાજ આપે છે. મૂળુની ડેલીમાં વૈભવવિલાસ નથી, માઢમેડી નથી; નીચી ઓસરીવાળા, સાદા માટીના ઓરડાની અંદર એનો પરિવાર વસે છે. ઓસરીની ભીંતે ચિત્રો કાઢે છે, અને સ્ત્રીપુરુષ બધાં ખેડ કરે છે. ડોશીઓ રેંટિયા કાંતે છે.]



  1. ભય ટાળનાર.