સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/મોત સાથે પ્રી તડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મોત સાથે પ્રી તડી


આશરે ત્રણસો વરસ પહેલાં, પાલીતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી : ‘મને રમવા દે; મૉતની સાથે રમવા દે.’ જુવાનીમાં જ મૉતની સાથે પ્રીતડી બાંધવાનો એ શૌર્ય-જુગ ચાલતો હતો. એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો. ઉધરસ ખાતાં ખાતાં એના મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મોં મલકાવી કહ્યું : “અરે મામા, ગઢપણમાંય માણસને જીવવું શૅ ગમતું હશે? આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોઢે લાળું વરસે એમાં શી મઝા પડે છે?” મામા બોલ્યા : “ભાઈ, શું કરવું? મૉત આવે ત્યારે જ છુટકારો થાય ને?” “મૉત તો આપણે બોલાવીએ ત્યારે હાજર જ છે ને, મામા! ઈશ્વર ક્યાં આડો હાથ દેવા આવે છે?” “એ તો વાતો થાય, બાપ! પ્રાણ કાઢી નાખવા એ કાંઈ રમત વાત છે?” “ના, મામા! વાત નહિ; સાચું કરી બતાવું. લ્યો, આ પ્રતિજ્ઞા છે કે ત્રીસ વરસે મારે દેહ પાડી નાખવો.” આખી કચેરીનાં મોં કાળાં પડી ગયાં. સહુ સમજતા હતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી. મામાને મરવા જેવું થઈ પડ્યું. સવાજીનાં બહેન સાસરે હતાં. ત્યાં એમને ખબર પડી. બહેન ગારિયાધાર આવ્યાં. ભાઈની પાસે કાપડાની માગણી કરી. ભાઈ કહે : “બોલો બહેન, જે માગો તે આપું.” “ભાઈ, હું માગું છું કે તું પાંચ વરસ વધુ દેહ રાખ્ય.” હસીને સવાજી બોલ્યો : “અરે બહેન! મૂરખી! પાંચ વરસ વધારે જીવું તો તારી પાસેથી ઊલટું કાપડું લીધું કહેવાય. માટે જા, મારાં ત્રીસ વરસમાંથી પાંચ વરસ તને કાપડાનાં કરું છું. એટલે હવે હું ત્રીસને બદલે પચીસ વરસે દેહ પાડીશ.” ધ્રુસકે ને ધ્રુસકે રોતી રોતી બહેન ચાલી ગઈ. ભાઈનું બોલ્યું કોઈથી ફરે તેમ નહોતું. બહેન, ભાઈને બરાબર ઓળખતી હતી. મૉતની વાટ જોતાં જોતાં સવાજીનાં વરસ વીતવા લાગ્યાં, પણ ધીંગાણાનું ટાણું જ ન આવે. ઘણે ઘણે ઠેકાણે જઈને મસ્તી કરી આવે, પણ કોઈ એની સાથે લડવા જાય નહિ. પછી પોતાના વાવણી ગામને પાદર ડૂબાણિયો નામે એક મોટો ભયંકર કૂવો છે. તેના ઉપર એક વેંત પહોળું પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો; એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘોડો લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય; કારણ કે જુદ્ધ મળતું નથી, અને આપઘાત કરવા કરતાં આવી રમત રમવામાં જ ઊકલી જવું વધુ સારું. પણ તેમાંય ઘોડો ન લથડ્યો. પછી સવાજીએ એક દિવસ ભાદરને કાંઠેથી જેતપુરના કાઠીઓની કાઠિયાણીઓનું હરણ કર્યું. બાઈઓને ગારિયાધાર લાવીને સગી બહેનોની રીતે રાખી. ગારિયાધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી. સવાજી રણસાજ સજીને હાજર થયા. સામસામી બે હાર કરીને કાઠીઓની ફોજ ખુલ્લે શસ્ત્ર ઊભી હતી. સામે ઊભા રહીને સવાજીએ કહ્યું : “શૂરવીરો, સાંભળો! તમે બરાબર તરવાર વાપરજો, તમારી ફોજ સોંસરવો હું મારો ઘોડો દોડાવવાનો છું. તમારી બાઈઓને મેં મન, વચન, કાયાથી મા-બહેનો ગણી છે કે નહિ તેની સાબિતી બતાવું છું.” એવું કહીને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂરપાટીએ ઘોડો નાખ્યો, સામે તરવારોની ઝીંક બોલી, પણ સત્યવાદી ઘોડેસવાર સાવ કોરેકોરો સામે કાંઠે નીકળી ગયો, કાઠીઓની તરવારો સામસામી જ અથડાઈ. સામે પડખેથી ફરી વાર સવાજી બોલ્યો : “શૂરવીરો! આખા જગતની બાઈઓને મેં મન, વચન, કાયાથી મા-બહેનો ગણી છે કે નહિ તેની સાક્ષી હવે જોજો.” એમ કહીને પાછો ફોજ વચ્ચે ધસ્યો. ખડિંગ! ખંડિગ! કાઠીઓની તરવારો સામસામી અફળાઈ. સવાજી સહીસલામત પાર નીકળી આવ્યો. પછી એ બોલ્યો : “હવે તો આવો, શૂરવીરો! સ્વર્ગને માર્ગે મને વળાવવા આવો.” એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરાયો. આજ એનાં બિરદ ગાય છે કે


કાંધાઉત સવે અખિયાત કીધી,
જુગોજુગ વંચાણી ખ્યાત જાકી.
કૂવા પર હાંકિયો અસવ જીવ તરણું કરી
મૂવો વરસ પચીસે ગોહિલ માંકી.

[કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગે વ્યાંચાય છે. જીવતરને તરણા જેવું ગણીને એણે કૂવા ઉપર અશ્વ હાંક્યો, અને આખરે પચીસ વરસે એ મર્યો.]