સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/મહેમાની

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહેમાની

ભડલીની ઊભી બજાર વીંધીને ઘોડેસવાર ચાલ્યો જાય છે. એના ભાલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલાં છે. અસવારના હોઠ મરક મરક થાય છે. ચોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતક જોઈ રહ્યો. બધાનાં મોં કાળાંમશ થઈ ગયાં. સહુને લાગ્યું કે મહેમાન કાંઈ મર્મ કરતો જાય છે. કોઈએ વળી વધુ પડતા કૌતકના માર્યા પૂછ્યું : “આપા ચીતરા કરપડા! આ ચાળો વળી શું ઊપડ્યો છે?” અસવારે ઉત્તર દીધો : “એ બા, આ તો આપા ભાણની મે’માનગતિ! ભડલીની સરભરા ભારે વખાણમાં છે ને, બા, એટલે ત્રણેય પરજુંમાં એનો રૂડો નમૂનો દેખાડવા લઈ જાઉં છું.” ભડલીનું નાક વાઢતો વાઢતો એ ચીતરો કરપડો ગામડેગામડાંની ઊભી બજારો વીંધીને કણબાવ્ય ચાલ્યો ગયો. કોણ જાણે કોની ભૂલ થઈ ગઈ કે કોઈ દિવસ નહિ ને આજ જ ભડલીના દરબાર ભાણ ખાચરના ગઢમાં ચીતરા કરપડાનું ભાણું ન સચવાણું! ભાણ ખાચર ઘેરે નહિ, અને કોઈકે કરપડાને ડુંગળી-રોટલો પીરસ્યાં. ભાણ ખાચર જ્યારે ઘેર આવ્યા ત્યારે બાઈએ વાત કરી કે ચીતરો ડુંગળી ને રોટલો ભાલે ચડાવીને આપણા ખોરડાને ફજેત કરતો ગયો. ભાણ ખાચર ખિજાયા : “બાપડો એક ગામડીનો ધણી મારી આબરૂ ઉપર હાથ નાખી ગયો!” એટલું બોલીને એણે વેર લેવાનો વિચાર કર્યો. પણ કાંઈ માથાં વાઢ્યે એવાં વેર થોડાં વળે છે? તરવારનાં વેર તરવારથી લેવાય અને રોટલાનાં વેર રોટલાથી! ચીતરે કરપડે ઘેર જઈને પોતાની કાઠિયાણીને ચેતાવી દીધી : “ધ્યાન રાખજો, ભાણ ખાચર નાક કાપવા આવશે. લાખ વાતેય આવ્યા વિના નહિ રહે.” બાઈ કહે : “ફિકર નહિ.” તે દિવસથી રોજેરોજ ગામના કાઠીઓના ઘેરેઘેર ચૂલામાં અગ્નિ તૈયાર જ રહે. દહીંનાં પેડાં, દૂધનાં દોણાં, દળેલ સાકર અને ચૂલે મૂકવાના ચોખા તૈયાર રહે. સાજણી[1] ભેંસો પણ હાજર રાખે, અને ચીતરો કરપડો પણ ફેરો કરવા જાય ત્યારે સાકર-ચોખા સિવાય બીજું કાંઈ લૂંટે નહિ એક વાર ચીતરો ફેરે ચાલ્યો : કહેતો ગયો : “ભાણ ખાચર આવે તો મારા આવતાં પહેલાં રજા દેશો નહિ.” બીજે દિવસે બરાબર મધ્યાહ્ને ભાણ ખાચરે એકસો ઘોડે આવીને પૂછ્યું : “આપો ચીતરો છે ઘેરે?” ઓરડેથી આઈએ કહેવરાવ્યું : “કાઠી તો ઘેરે નથી, પણ કાંઈ ઘર હાર્યે લેતા નથી ગયા. ભાણ ખાચર જો જાય તો એને સૂરજ દેવળની આણ છે!” ભાણ ખાચરને તો એટલું જ જોતું હતું, કાઠીઓએ આવીને સોયે અસવારોનાં ઘોડાં ગામમાં ઘેર ઘેર બાંધી લીધાં, લીલાછમ બાજરાનાં જોગાણ ચડાવી દીધાં, કસુંબો વટાવા લાગ્યો અને બીજી બાજુ ગામના કાઠીઓને ઘેર ઘેર સળગતા ચૂલા ઉપર ચોખા ને લીલું શાક ચડી ગયાં. અહીં જ્યાં અમલની અંજલિઓ ‘આપાના સમ, મારું લોહી’ વગેરે સોગંદ આપી આપીને પિવરાવી દીધી, ત્યાં તો ખવાસ બોલાવવા આવ્યો છાશ પીવા. દરબારગઢની લાંબી, ધોળેલી અને ચાકળા-તોરણથી શણગારેલી ફૂલ જેવી પરસાળની અંદર રેશમી રજાઈઓ ઉપર પચાસ-પચાસ ભૂખ્યા કાઠીની પંગત સામસામી બેસી ગઈ. તાંસળીમાં ચોખા, સાકર અને દૂધ પીરસાણાં. પડખે ઘઉંની ઘિયાળી રોટલીઓ મુકાણી, તાણ કરી કરીને મહેમાનોને ગળા સુધી જમાડ્યા. પછી સીસમના ઢોલિયામાં પોઢણ; રોંઢે આંગળી જેવી જાડી ધાર થાય તેવા કસુંબા : અને રાતે પાછી દૂધ, સાકર ને ચોખા ઉપર ઝાપટ. અને એક દિવસ વીત્યે મહેમાન કહે : “હવે શીખ લેશું.” આઈ કહે : “બાપ, જો જાવ તો કાઠીનો અમને ઠપકો મળે.” બીજે દિવસે પણ સવાર, બપોર અને સાંજની ત્રણેય ટંક કાઠિયાણીઓએ પોતાની તમામ કળાકારીગરી ખરચી નાખીને પેપડીનાં, બાવળના પરડિયાનાં, હાથલા થોરનાં, પરબોળિયાનાં, મીઠાનાં અને દૂધનાં ફીણનાં : એવાં ભાતભાતનાં તો શાક બનાવીને ખવરાવ્યાં. મહેમાનોને ડુંગળીનો દૂધપાક કરીને જમાડ્યો. માથે ભાત્ય ઊપડે એવા સાકરના રોટલા બનાવ્યા. ચોખાની બરજ, શેવની બરજ અને હરીસો રાંધ્યો. કોણ જાણે એવો તે ઓપ એ હરીસાને આપ્યો કે, એનાં ચોસલાંમાં માણસનું મોં દેખાય. કાઠીઓ ખાવા બેસતા ત્યારે આંગળાં કરડતા અને કોઈ શાકપાંદડાંને તો ઓળખી જ શક્યા નહિ. એમ ત્રણ દિવસ વીત્યા પણ મહેમાનગતિમાં જરાય મોળપ કહેવાય એવું આપા ભાણને ક્યાંય ન લાગ્યું. એણે બે હાથ જોડીને ઓરડે કહેવરાવ્યું : “આઈ, હવે તો હદ થઈ. ચીતરાના ખોરડાની ઓળખાણ હવે તો પૂરી થઈ ગઈ. હવે રજા આપો.” આઈએ જવાબ મોકલ્યો : “આપા ભાણ! તમારે ઓરડે તો જોગમાયા કમરીબાઈનાં બેસણાં છે, અમે તો રાંક કાઠી કહેવાઈએ. ગજાસંપત પ્રમાણે રાબ-છાશ પીરસી છે અને તમે મોટું મન રાખીને અમારી પરોણાગત લીધી એ તમારી શોભા વદે.” એકસો ઘોડે ભાણ ખાચર ચડી નીકળ્યા. આવ્યા’તા વેર લેવા, પણ આ તો ઊલટું પોતાને માથે વેર વળ્યું! ત્યાં સીમાડા ઉપર જ કરપડો મળ્યો. સામસામા રામરામ થયા. ચીતરો કહે : “બા, ઘોડાં પાછાં ફેરવો.” ભાણ ખાચરે બે હાથ જોડ્યા; કહ્યું : “આપા, ત્રણત્રણ દિવસ થઈ ગયા; અને આઈએ કાંઈ બાકી નથી રાખ્યું.” “અરે, વાત છે, કાંઈ? ભાણ ખાચર જેવો કાઠી બાયડિયુંનો મહેમાન બનીને વહ્યો જાય?” ભાણ ખાચરે બહુ આજીજી કરી; મર્મમાં જણાવી દીધું : “આપા! ઘરની પરીક્ષા તો ઘરની બાયડી જ આપે.” પછી ત્યાં એક વાવ હતી. વાવને કાંઠે બેસીને ચીતરે કસુંબો કાઢ્યો. પણ કસુંબો લેવાઈ રહ્યા પછી કાંઈક ગળ્યું જોઈએ. ઉનાળો ધોમ ધખતો હતો. સહુનાં ગળાં શોષાતાં હતાં. શરબત કરવું હતું. પણ ઠામ ન મળે! ચીતરાની સાથે સાકરનાં ત્રણ-ચાર છાલકાં હતાં. “લ્યો બા, સૂઝી ગયું!” એમ કહીને એણે ચારેય છાલકાંની સાકર વાવમાં પધરાવી. ડાયરો કહે : “અરે, આપા, હાં! હાં!” “એમાં હાં હાં શું? ભાણ ખાચર જેવો મહેમાન ક્યાંથી?” આખી વાવમાં શરબત શરબત થઈ ગયું. સહુએ પીધું. રામરામ કરીને ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં ભાણ ખાચર બોલ્યા : “બા, ચીતરો રોટલા વીંધે એય પરમાણ!”



  1. સવારે અને સાંજેતો ભેંસો દોહવાં આપે, પણ બપોરનાં અને મધરાત જવે કટાણે દૂધની ે જરૂર પડે તેટલા માટ જ મુક ભેંસોને સવાર-સાંજ ન દોહતાં બપોરે અને મધરાતે દોહે તેને ‘સાજણિયું’ કહેવાય.