સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/રાઠોડ ધાધલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાઠોડ ધાધલ

સોરઠમાં મોટી મોટી લડાઈઓનો જુગ આથમી ગયો હતો. ભાવેણાનો બંકો રાજા આતાભાઈ, જેતપુરનો કાળઝાળ કાઠી રાજા દેવો વાળો, નગરની બાદશાહી બાંધનાર મેરુ ખવાસ અને ગોંડળના ડંકા વગાડનાર ભા’ કુંભો — એવા કંઈક મહારથીઓએ પોતપોતાનાં રાજની જમાવટ કરીને મસાણમાં સોડ તાણી લીધી હતી. રાજકોટને ટીંબે ગોરાઓની છાવણીના તંબુ ખેંચાતા હતા. એકબીજાં રાજ્યોના સીમાડા કાઢવા અંગ્રેજ સરકારના હાકેમો હાલી મળ્યા હતા. મોટી મોટી ફોજો હાંકવાના દિવસ વીત્યા, અને પછી તો નાણાં ખરચી ખરચીને જમીનો વેચાતી લઈ લઈ મોટાં રાજ્યો પોતાના સીમાડા વધારતાં હતાં. ફક્ત બહારવટાની બંદૂકો દસેય દિશામાં ગડેડાતી હતી. ગોહિલવાડમાં જોગીદાસ ખુમાણ અને સોરઠમાં બાવા વાળો હાક બોલાવતા હતા. બાકી તો લૂંટારા કાઠીઓ ગુજરાતના કાંઠા સુધી મેલીકાર લઈને લૂંટો કરતા હતા. એવે સંવત 1900ને સમયે કાઠિયાવાડના મુલકમાં સોનાની વીંટી જેવા સનાળી નામે ગામડામાં રોગી સોપારી જેવો બેઠી દડીનો રાઠોડ ધાધલ નામનો કાઠી જેતપુર દરબાર રાણિંગ વાળાની જમીનની ચોકી કરતો હતો. સનાળીના ત્રણ બાજુના સીમાડા ઘેરીને ગોંડળ રાજનાં ગામડાં ઊભાં છે : ઉગમણી કુંભાજીની દેરડી, ઓતરાદી રાણસીંકી અને આથમણી વાવડી : એમ ત્રણ ગામડાંમાંથી ગોંડળની પાદશાહી દૂબળાં-પાતળાંને ભીંસ કરતી કરતી પગલાં માંડી રહી છે. દેરડી અને સનાળીના સીમાડા ઉપર વખતોવખત લોહી રેડાય છે. રાણિંગ વાળાને ખબર હતી કે રાઠોડ ન હોય તો સનાળીના ભુક્કા નીકળી જાય. એટલે પોતાના એ જોરાવર નાતાદારને[1] રાણિંગ વાળાએ પંદર સાંતીની જમીન અને ચાર સાંતીની વાડી આપીને સનાળીમાં રાખ્યો હતો. કાઠિયાણીના ઉદરમાં કંઈક અગ્નિના ગોળા પાકે છે : રાઠોડ એવી કોઈ માની કૂખે અવતર્યો હતો. એને તો —

મોસાળે વાળા મરદ, સે કમધ સવાય,
રાઠાને રણમાંય, નાઠાની બારી નહિ.

[જેનાં મોસાળિયાં વાળા વંશનાં છે અને જેના પિતૃપક્ષના વંશને એટલે કે ધાધલ કુળને ‘કમધ’ની ઉપમા મળી છે તેવા બન્ને ઉજ્જ્વળ કુળના સંતાન રાઠોડ ધાધલને રણક્ષેત્રમાંથી બહાર નીકળવાની બારી હોય નહિ. નાસે તો એનાં બન્ને કુળ લાજે.]

— એવો દુહો કહીને સનાળીના ખોડાભાઈ ચારણે બિરદાવ્યો હતો. ધીંગાણાં કરવાં એ તો એને મન રમત વાત હતી. સદાય રણસંગ્રામ ખેલતો તોય આપો રાઠોડ આનંદી હતો. ગામમાં ને પરગામમાં આપો બધી વસ્તીને પૂછવાનું ઠેકાણું હતો. દારૂ-માટીને એ સૂરજનો પુત્ર અડતોય ન હતો. દૂધના ફીણ જેવો એની કાયાનો વાન હતો. અર્ધે માથે કપાળ હતું. ચડિયાતી આંખો હતી. ગોળ કાંડાં હતાં. ઢાલ જેટલી પહોળી છાતી હતી. વેંતવેંતની વાંકડી મૂછો અને કાને આંટા લે એવાં વાંભવાંભના કાતરા હતા.
*

લાઠી પાસે દરબાર રાણિંગ વાળાનું અકાળા નામે ગામ હતું. એક દિવસ અકાળાનો પટેલ સનાળીમાં ધા નાખતો નાખતો નીકળ્યો. રાઠોડ ધાધલ સત્તાવીસ અસવાર લઈને ગામતરે જતા હતા. પાદરમાં જ પટેલ મળ્યો; પૂછ્યું : “ભણેં, કિસેં જાતો સૉ?” “જેતપુર; બાપુ રાણિંગ વાળા પાસે.” “કાણા સારુ?” “મતીરાળાનો માલ અમારી સીમનો બાજરો ભેળી ગયો, તે ફરિયાદ કરવા સારુ.” “એમાં રાણિંગ વાળાનો માથો ખાવા કાણું ધોડ્યો? હાલ્ય, હું આવતો સાં.” પટેલ બોલ્યો : “ના બાપુ, હું તો ધણી પાસે જ જઈશ. તમે શું કરવાના હતા?” “એલા અસવારો, આ ગોલાને બાંધુને લઈ હાલો.” પટેલને મોઢા આગળ ઉપાડ્યો. સનાળી ગામમાં ખોડાભાઈ નીલા નામે એક ડાહ્યો ચારણ રહેતો હતો. રાઠોડ ધાધલનો એ ભાઈબંધ હતો. એને પણ સાથે લીધો. મતીરાળાની સીમમાં આવ્યા. પટેલને રાઠોડ ધાધલે કહ્યું : “ભણેં પટલ, જા, અકાળાનાં ને લુવારિયાનાં — બેય ગામનાં ઢોર લઈ આવ્ય.” આપા રાઠોડે બેય ગામનાં ઢોરને મતીરાળાની આખી સીમનો ઊભો બાજરો ચરાવી દીધો. પછી પટેલને પૂછ્યું : “કીં ભણેં પટલ, હવે તો તાળો કાળજો ઠરુને હિમ થ્યો ને?” “હા આપા, હવે અમારે વટક વળી ગયું.” હજુ તો અસવારો ઊભા છે. ત્યાં મતીરાળાના દરબાર એભલ વાળાને સાઠ ઘોડે આવતા દીઠા. એભલ વાળાના અસવારોમાંથી સામત ધાધલ નામનો એક જોરાવર કાઠી મોખરે આવ્યો અને ભમ્મર ચડાવીને એણે કડકાઈનાં વેણ કાઢ્યાં : “એ રાઠોડા, રોગી સોપારી જેવડો છો અને મલક બધાને બિવરાવછ, પણ હવે માટી થાજે.” જરાય અથર્યા થયા સિવાય આપો રાઠોડ બોલ્યા : “ભણેં સામત, ભાયડા કંઈ ઠાલાં આટલાં બધાં વેણ કાઢે? તું બોલ્ય મા. લે, ઘા કરું લે. પે’લો ઘા તારો; હાલ્ય, ચૉંપ રાખ્ય.” સામતે બરછીનો ઘા કર્યો. પતંગિયા જેવા આપો રાઠોડ ઘોડી ઉપરથી ઝબ દઈને નીચે ઊતરી ગયા. બરછી નિશાન ચૂકીને જમીન ઉપર જઈ પડી. રાઠોડ પોતાની બરછીનો ટેકો લઈને પાછા ઘોડી ઉપર ચડવા મંડ્યા. પીઠો કહોર નામનો એક કાઠી આપા રાઠોડની આડો રક્ષણ કરવા ઊભો રહ્યો. એણે સામતની ટીલડીમાં નોંધીને બરછી વછોડી. ડૂફ દઈને સામત જઈ પડ્યો. ત્યાં બીજલ કોળીએ બંદૂકનો ભડાકો કરીને બીજા એક અસવારને ઢાળી દીધો. ફડાફડી બોલી ગઈ. એભલ વાળાના અસવારો હટ્યા. વાંસે એભલ વાળો ચાલ્યા આવતા હતા એમણે પૂછ્યું : “કોણ, રાઠોડ ધાધલ છે?” “બાપુ! રાઠોડ છે.” “એલા, ભાગો; એ કાળને નહિ પોગાય.” એભલ વાળો ભાગ્યા; રાઠોડ ધાધલે એમને મતીરાળાના ઝાંપા સુધી તગડ્યા. પણ ત્યાં તો આ રમખાણની અંદર ખોડાભાઈ ગઢવી ઘોડેથી પડ્યો. ઘોડો ભાગ્યો અને એભલ વાળાની ફોજની પાછળ દોડ્યો. આપા રાઠોડે ચીસ પાડી : “એ બા! ભણેં ભૂંડી થઈ! આ નીલાનો ઘોડો ગો. ઓલ્યા ઘોડાને ઝાલુને જેતપુર લઈ જાશે ને બડાઈ હાંકશે કે રાઠોડ ધાધલને જીતુને આદા. એલા, ભડાકો કરો, ઘોડાને ઝટ બંદૂકે દો, નીકર આપડો નાક વઢાશે.” આપાના એક અસવારે બંદૂક નોંધીને ઘોડો ગૂડી નાખ્યો. જૂના કાળનો લડવૈયો પોતાનાં ઘોડાંને શત્રુના હાથમાં કદી ન જવા દે.

*

એક દિવસ જેતપુરના દરબાર વાલેરા વાળા સનાળીમાં મહેમાન થઈ આવ્યા. ચોરે ઉતારો કર્યો. વડલા ઉપર બૂંગણો બાંધીને ઉપર પાણીનાં બેડાં ઠલવી ઠલવી આખો દિવસ વરસાદ વરસાવવાનો વાલેરા વાળાને શોખ હતો. એટલે વાલેરા વાળાનો મુકામ થાય ત્યારે સનાળીમાં ગુલતાન મચતાં. રોટલા તૈયાર થયા એટલે રાઠોડ ધાધલ છાશ પીવા તેડવા આવ્યા. સહુ ઊઠ્યા, પણ ચોરા તરફ એક આદમી ફાળિયું ઓઢીને સૂતેલો હતો. રાઠોડ ધાધલે પૂછ્યું : “ઈ કમણ સૂતો છે?” વાલેરા વાળાએ કહ્યું : “આપા, ઈ બોલાવ્યા જેવો નથી.” “કાં?” “ઈ મકરાણી છે. એને કોઈ ઊંઘમાંથી ઉઠાડવા જાય તો જમૈયો ઠઠાડે છે.” “ઈં છે, ભણેં? ખવરાવતાં-પિવરાવતાં ઊલટાનો જમૈયો મારતો સૅ?” મકરાણીને ફાળિયું તાણીને રાઠોડ ધાધલે સાદ કર્યો : “એ જમાદાર, ભણેં હાલો, છાશું પીવા.” મકરાણી જાગ્યો. ડોળા ફાડીને ઝબ જમૈયો ખેંચ્યો. રાઠોડ ધાધલ હાથમાં એક બડીકો રાખતા. મકરાણીના કપાળમાં એક બડીકો લગાવી દીધો, લોહીની ધાર થઈ. બીજી વાર બડીકો ઉગામીને આપા રાઠોડ બોલ્યા : “ભણેં જમાદાર, એક વાર જમૈયો વાડે કરુ લે, ઝટ કરુ લે. પછેં બીજી વાત ભણજે.” જમાદાર સાહેબે જમૈયો મ્યાન કર્યો. “લે, મોઢા આગળ થઈ જા; હાલ્ય, રોટલા ખાવા.” મકરાણી મૂંગો મૂંગો ચાલ્યો આવ્યો. ડેલીએ જઈને રાઠોડ ધાધલે પોતાના વાણંદને કહ્યું : “ભણેં જીવા, આ જમાદારને બડૂકો લાગુ ગો છે. એના સારુ શેર ઘીનો શેરો કરુ દે. અને ગામમાંથી રેશમી લૂગડો વેચાતો લઉને એની રાખ કરુને માથાની ફૂટ્યમાં ભરુ દે.” “અને ભણેં જમાદાર, આજ પછી આવું કરશો મા, હો કે? કોક વગાડુ દ્યે! સમજ્યા ને?” જમાદાર સમજી ગયો હતો. જમાદારને શેરો મળ્યો. રેશમી લૂગડું બાળીને એના ઘા ઉપર રાખ ભરવામાં આવી. એવી તો આપા રાઠોડની ઉદારતા હતી. એમના પેટમાં પાપ નહોતું.

*

એક વખત આપાને ઘેર દરબાર રાણિંગ વાળો મહેમાન થયા. રાણિંગ વાળાએ રાઠોડ ધાધલને મહેણું માર્યું : “બાઉઝત, તમે આખા મલકને બિવરાવો છો; પણ બીલખામાં તમારા ભાણેજ રાવત વાળાને ઓલ્યો હુદડ કાઠી સંતાપે છે, એને તો કાંઈ કહી શકતા નથી.” “ઈં બાપડું હુદડિયું ફાટ્યું છે? યાને માટે તલવાર-બરછી ન હોય; આ બડૂકો જ બસ છે. લ્યો, ભણેં રાણિંગ વાળા, રામરામ!” આપા પરબારા ઘોડીએ ચડીને બીલખે પહોંચ્યા. રાવત વાળાની ડેલીએ ન ગયા, પણ રસ્તામાં માણસોને પૂછ્યું : “ભણેં હુદડનો ઘર કિસેં?” લોકોએ જાણ્યું કે આપો મરવા જાય છે. હુદડનું ઘર બતાવ્યું. આપા હુદડની ડેલીમાં ગયા. હુદડ ભેંસ દોતો હતો. આપાએ પડકાર કર્યો : “ભણેં હુદડ, સાબદો થા, તાળું દાતરડું લઉ લે, દાતરડું!” હુદડ તો પ્રચંડ કાઠી હતો. રાક્ષસી એની ભુજા હતી. તલવાર લઈને સામો આવ્યો. પણ આપાએ ફક્ત એક જ બડીકો એના માથામાં માર્યો. પહાડ જેવો હુદડ પડી ગયો. બાંધીને હુદડને ડેલીએ લઈ આવ્યા; બોલ્યા : “ભણેં રાવત વાળા, આ તાળો હુદડ!”

*

કુંભાજીની દેરડી અને સનાળી વચ્ચે રોજ સીમાડાના વાંધા ચાલ્યા કરતા. રાઠોડ ધાધલે દેરડીની જમીન દબાવતાં દબાવતાં ઠેઠ દેરડીની લગોલગ સુધી પોતાની સીમા વધારી હતી. જો કોઈ કણબી ખેડુ સીમાડાનું ખેતર ખેડવા આવે તો માર ખાતો, એટલે દેરડીવાળાઓએ ધોળો મહારાજ નામના એક બ્રાહ્મણ ખેડુને તકરારી ખેતર ખેડવા આપેલું. ધોળો મહારાજ જ્યારે જ્યારે સાંતી જોડે, ત્યારે ત્યારે રાઠોડ ધાધલ ત્યાં પહોંચે અને જોતર છોડી નાખે. બ્રાહ્મણના દીકરાને કાંઈ બરછી મરાય છે? ભા’ કુંભાના સેનાપતિ પચાણજી ઝાલાનો દેરડીમાં મુકામ થવાનો હતો. ધોળા મહારાજે ગણતરી કરી કે રાઠોડિયો મને રોજ સંતાપે છે, તે કાલે એને પચાણજી ઝાલાની સાથે ભેટાડી દઉં. ધોળો મહારાજ સનાળી આવ્યા. રાઠોડ ધાધલ બોલ્યા : “ઓહો ભણેં ધોળા મા’રાજ! આવ્ય, આવ્ય; આજ તો ચૂરમો ખાતો જા.” “એ આપા! રોજ તો સાંતી છોડાવવા આવો છો, પણ જો કાલ ન આવો તો મારા સમ છે.” “ઈં? ભણેં, ભામણના સમ દીધા? તવ્ય તો હવે આવ્યા વન્યા રે’વાશે કાંઈ?” બીજે દિવસે આપા પોતાની બેરી ઘોડી માથે સામાન મંડાવતા હતા તે વખતે ખોડાભાઈ ગઢવી આવ્યો; પૂછ્યું : “આપા કઈ દશ્યે?” “ભણેં નીલા, તુંય સાબદો થા. ધોળો મા’રાજ દેરડીને સીમાડે યાનાં સાંતી છોડાવવા આવવાના સમ દઉ ગો છે.” “આપા, આજ ત્યાં જાવા જેવું નથી. ધોળાએ તરકટ કર્યું છે. હમણે જ જીવરાજ લુહાણે મને વાવડ દીધો. ગોંડળથી પચાણજી ઝાલે અઢીસો ઘોડે આરબની એક બેરખ લઈને દેરડીમાં મુકામ કરેલ છે. ધોળિયો આપણને એની સાથે જ ભેખડાવી મારશે, હો!” “ખોડાભાઈ!” આપો રાઠોડ મરક્યા ને બોલ્યા : “તું કીં અટાણ સુધી ઈં માનતો હુતો, કે રાઠોડ ધાધલ ભામણનાં જ સાંતી છોડાવતો છે! પચાણજી આવ્યો હોય તો તો લાખ વાતેય ગયા વન્યા છૂટકો નહિ. તારો જીવ વા’લો હોય તો તું આવીશ મા.” પંદર અસવાર અને સત્તાવીસ કોળીને લઈને આપો ધોળા મહારાજને નોતરે ચાલ્યા, સાંતી છોડાવ્યું. ધોળાનું ઘીંસરું કરીને બળદ હાંક્યા પછી એને છોડ્યો, અને કહ્યું : “કીં, ભણેં ગોર! હવે સમ પાળ્યા કે’વાય કે?” ધોળો બોલ્યો : “આપા! કાઠીના પેટનો હો તો આંહીં જ ઊભો રહેજે. હમણાં પચાણજી કાકાને મોકલું છું.” “ઈં છે? પચાણજી ઝાલો આવ્યો છે? એમાં આજે મને નોતરો દીધો હશે, કીં? જા, ઝટ મોકલજે. અહીંથી ડગલુંય દે ઈ પચાણજીનો દીકરો!” ધોળો મહારાજ ધા નાખતો નાખતો દેરડીમાં ગયો, પચાણજીને કહ્યું : “ઠાકોર, ગોંડળને જો દેરડીનો એક વીઘોય ખાવા આપે તો હું બ્રાહ્મણના પેટનો મટી જાઉં!” પચાણજીએ પૂછ્યું : “એલા કોણ?” “રાઠોડ ધાધલ.” પચાણજીનાં રૂંવાડાં બેઠાં થઈ જાય તેવો ત્રાસ ધોળા ભટે વર્ણવી દેખાડ્યો. ઝાલાએ હાકલ કરી : “એલા, ઘોડે પલાણ નાખો. આરબને કહો કે મરફો કરે. આજ રાઠોડ ધાધલને માપી લઈએ, નીકર ગોંડળની બાદશાહી એને સોંપીને આપણે ચૂડિયું પહેરી લઈએ.” ખોડાભાઈ ગઢવી પચાણજીની પાસે આવ્યા : આવીને કહે : “પચાણજી ઝાલા! પધારો, રાઠોડ ધાધલ ક્યારના વાટ જોવે છે.” “વાટ જોવે છે? મારા આવવાની ખબર છે?” “હા; પણ, પચાણજીભાઈ, અમે ચાડ કરીને નથી આવ્યા; ધોળાએ આપણને ભેટાડી મારવાનું તરકટ ઊભું કર્યું છે. ધોળો બ્રહ્મહત્યાના સોગંદ ન દેત તો આપો રાઠોડ આવી હુજ્જત ન કરત.” પચાણજી ઝાલો ખાનદાન માણસ હતા. ‘આપો વાટ જોઈને ઊભા છે’ એ વાત એના કાનમાં રણકી રહી. આપા રાઠોડનું પાણી એણે વગર દીઠ્યે માપી લીધું. એ બોલ્યા : “ગઢવા, આપાને અમારા રામરામ કહેજો. અમારે નથી આવવું.”

*

કાઠિયાવાડનો ગોરો પોલિટિકલ એજન્ટ લાંક (લૅન્ગ) સાહેબ એક દિવસ સનાળી અને દેરડીના સીમાડા કાઢવા માટે આવ્યો છે; આવીને સનાળીમાં ઊતર્યો છે. સવારમાં લાંક સાહેબ ઘોડે ચડીને સીમાડા તપાસવા ચાલ્યો; સાથે રાઠોડ ધાધલને લીધો. લાંકે પૂછ્યું : “રાઠોડ ધાધલ, સનાળી કિતના સાંતીકા ગામ?” “એકસો સાંતીનો ભણેં, લાંક સાઈબ!” “ઔર દેરડી?” “ત્રણસો સાંતીનો.” “ઓ! તીનસો સાંતીકા? તો ફિર એકસો સાંતીકા ગામકા સીમાડા તીનસો સાંતીકા ગામકે નજીકમેં કૈસા હો સકતા?” “ભણેં લાંક સાઈબ, હાલ્ય મારી હારે. અમાળો સીમાડો દેખાડું દઉં.” એમ કહી, લાંકને લઈને રાઠોડ ધાધલ સાચો સીમાડો બતાવવા ચાલ્યા! ઉગમણી દિશામાં એક ધાર ઊભી હતી. રાઠોડ ધાધલે કાઠીની કરામત આદરી : સાહેબને કહે : “ભણેં લાંક સાઈબ, ઓલી ધાર ભાળી? ઈ અમાળા સીમાડામાં છે. પણ ગોંડળવાળા યાને પોતાના સીમાડામાં લઉ લ્યે છે. ગોરાના રાજમાં આવો અનિયા!” લાંક : “ઉસકા નામ ક્યા?” રાઠોડ ધાધલ : “ટોપલિયાની ધાર! ટોપલિયો ભણેં અમાળો કોળી હુતો. યાનો અસલ નામ તો હુતો લઘરો; પણ ટોપલા સારતો એટલે ટોપલિયો કે’વાતો. આ ધાર અમે યાને ચરી ખાવા આપેલી.” લાંક : “અયસા?” રાઠોડ ધાધલ : “લાંક સાઈબના ગળાથ. હું કીં ખોટો ભણું?” તદ્દન જોડી કાઢેલું! ત્યાંથી આગળ ચાલ્યા. એક ટીંબી આવી. લાંક : “ઈસકા નામ?” રાઠોડ ધાધલ : “યાનો નામ સુધા ટીંબી. અમાળે ગામ એક સુધી ડોસી હુતી, યાને અમે આ ટીંબી દીની’તી; યાના નામથી સુધા ટીંબી ભણાતી સૅ.” લાંક : “અયસા?” રાઠોડ ધાધલ : “લાંક સાઈબના ગળે હાથ. હું કીં ગઢપણમાં ખોટો ભણું?” આ ઇતિહાસ પણ તરત જોડી કાઢેલો હતો. ત્યાંથી આગળ ઘોડાં હાંક્યાં. આઘે એક વડલી આવી. આપાએ ઉપજાવી કાઢ્યું : “ભણેં લાંક સાઈબ, યાને રણજળ વડલી ભણતાં સૅ. આગળ અમાળે રણજળ બોરિયો કાઠી હુતો. ગોંડળનો રાજ મોટો, અને અમાળો રાજ દૂબળો, એટલે અમાળી સીમા દબાવું દ્યે માટે આગે રણજળીને અમે રાખ્યો’તો. યાના નામ ઉપરથી આ રણજળ વડલી ભણાતી સૅ.” સાહેબને ગળે ઘૂંટડો ઊતરતો ગયો. આપા તો સાહેબને કોઈ સતજુગિયો વૃદ્ધ પુરુષ લાગ્યો. આગળ ચાલ્યા. એક તળાવડી આવી. તરત રાઠોડ ધાધલે વાર્તા જોડી : “ભણેં લાંક સાઈબ, યાનો નામ ડોળી તળાવડી. ડોળીમાં અમારો સિપાઈ હુતો, ગોંડળની બીકે યાને આસેં રાખતા.” ઠેઠ દેરડીના પાદર સુધી રાઠોડ ધાધલે આ રીતે પોતાની સીમાનાં બનાવટી એંધાણો બતાવી દીધાં. આવા આવા પુરાવાઓ સાંભળીને લાંક સાહેબ સજ્જડ થઈ ગયો. એને વહેમ પડી ગયો કે ખરેખર, આ સનાળીવાળાની તકરાર સાચી છે. રાઠોડ ધાધલ પોતાના મોં ઉપરનો રંગ લગારે બદલવા નથી દેતો. તોયે લાંક તો ગોરો ખરો! પાછા વળતાં એણે ઘોડો તારવ્યો. સનાળી નજીકમાં ખેતરના ખેડૂતો સાંતી હાંકતા હતા ત્યાં આવીને પટેલિયાઓને પૂછ્યું : “યે ખેતરકા ક્યા નામ?” “એ વાંધાળું વાંધાળું!” પટેલિયાઓએ બોલી નાખ્યું. રાઠોડ ધાધલે ઘણીયે આંખ રાતી કરી, પણ પછી શું થાય? લાંક સાહેબ હાથ પછાડીને બોલી ઊઠ્યો : “હાં! ઇધર વાંધા હય, રાઠોડ ધાધલ, તુમ બરા ચાલાક! બરા ચાલાક!” રાઠોડ ધાધલની બધીયે કરામત પાણીમાં ગઈ. કણબીઓએ બાજી ઊંધી વાળી દીધી! બીજે દિવસે પ્રભાત થતાં જ લાંક ઘોડે ચડીને આવ્યો; જરીફોને કહ્યું : “જહાં હમારા ઘોડા ચલે વહાં સીમાડા ડાલો. હમેરી પીછે ચલા આઓ. ખૂંટ લગાઓ!” બરાબર વાંધાળા ખેતરની વચ્ચે થઈને સાહેબે ઘોડો હાંક્યો. સનાળીની અણહકની તમામ જમીન કપાવા લાગી. ઘોડો ચાલ્યો ત્યાં ગામમાં રાઠોડ ધાધલને ખબર પડી. “નખ્ખોદ વળ્યું. જમીન ગઈ!” પલક વારમાં તો રાઠોડ ધાધલે બરછી ઉપાડીને ઘોડી પલાણી. ઊભે ખેતરે ઘોડી દોડાવી. હાથમાં ઉઘાડી બરછી, દોડતી ઘોડી, અને આપો બૂમ પાડતો આવે : “એં ભણેં લાંક સાઈબ, રે’વા દે! ગરીબહી કાળો ગજબ કરવો રે’વા દે! એ...એ અમારો ગામ લૂંટી ખાવો રે’વા દે!” દોડીને પહોંચ્યો લાંક પાસે. આડા ફરીને બરછી ઘોંકાવી. બરછી ઘોંકાવતો ઘોંકાવતો કહેતો જાય : “એ બાપ લાંક સાઈબ! રાંકને કાં રોળું નાખ્ય? આવો કોપ રે’વા દે. ગરીબહી આથો ગઝબ રે’વા દે, રે’વા દે!” કહેતાં કહેતાં બરછી ઘોંકાવી. લાંકનો ઘોડો સીધો જાતો હતો તે તરત દેરડી તરફ ધસ્યો. ઊભો સીમાડો જતો હતો તે આડો લીધો. અને બીજી બાજુ રાઠોડ ધાધલ બરછી ઘોંકાવતા આવે : “બાપ, રે’વા દે; કાકા, રે’વા દે” કહેતા આવે, તેમ તેમ લાંક ડરીને દેરડી તરફ વધુ ને વધુ ખસતો જાય. બરછીની અણી શરીર પાસે આવતાં તો લાંકને બાયડી-છોકરાં સાંભરતાં હતાં. એને ખબર હતી કે કાઠીને બરછી હુલાવી દેતાં કાંઈ વાર નહિ લાગે; પછી સીમાડો સીમાડાને ઠેકાણે રહેશે અને વિલાયતનાં ઝાડવાં છેટાં થઈ પડશે. પરિણામ એ આવ્યું કે વાવડી ગામથી ઉત્તર-દક્ષિણ સીધો સીમાડો નીકળ્યે જતો હતો, તેમાં બરાબર ખીજડી વળોટતાં જ રાઠોડ ધાધલની બરછી આંબવાથી સીમાડો ઉગમણો (દેરડી તરફ) તર્યો, બહુ ફેરમાં સીમાડો નખાયો. ઠેઠ રાણસીંકી સુધી ખૂંટ પહોંચી ગયા. સુધા ટીંબી સનાળીમાં ભળી ગઈ. અત્યારે પણ ત્યાં જઈને એ ઓચિંતો ફેરફાર નજરોનજર જોઈ શકાય છે. બાંઠિયા કાઠીની આવી કરામતની સાક્ષી પૂરનારી જમીન અત્યારે ત્યાં જોવા જનારને જવાબ વાળે છે.

*

આવાં આવાં તો અનેક રમૂજી પરાક્રમો કરતાં કરતાં આપાના વાળ ધોળા થયા. દાઢી મૂછો, માથું અને નેણ — એ બધાંની રૂની પૂણીઓ જેવા શ્વેત ભરાવની અંદરથી આપાની આંખો તગતગતી હતી. એના ત્રણ દીકરા જુવાનજોધ થયા. વૃદ્ધ કાઠીના કપાળમાં કાળે જાણે ત્રિપુંડ તાણ્યું હોય એવી કરચલીઓ પડી. આખો દિવસ વેપાર કરીને રાત્રિએ વાણિયો જેમ મેળ મેળવવા બેસે, તેમ આપા પણ જાણે જીવતરના સંધ્યાકાળે, ભક્તિનો દીવડો પેટાવીને, પોતાની કમાણી ગણતા હતા. પણ એ ગણવાની રીત કંઈક જુદી જ હતી. રોજ સાંજરે હાથમાં માળા લઈને માથું ધુણાવતા ધુણાવતા એકલા એકલા એ કેવા જાપ જપતા હતા? : ‘હે સૂરજ, મને રાણિંગ વાળા મોર્ય મૉત દેજે! રાતવેળા મૉત દેજે. મને લોઢે મૉત દેજે’ — એ એના જાપ હતા. વળી વચ્ચે વચ્ચે ઊંડા નિસાસા મૂકીને એ બબડવા માંડતો કે ‘હે સૂરજ! મેં ભૂંડો કામો કર્યો, બહુ ભૂંડો કામો કર્યો, પાપનો કામો કર્યો! હે બાપ, મને સજા કરજે!’ સાંજનાં અજવાળાં-અંધારાંમાં બેય આંખે આંસુની ગંગા-જમના મંડાઈ ગઈ હોય, આવા જાપ જપાતા હોય, બીજું કોઈયે ન હોય, દીવો હજી કોઈયે પેટાવ્યો ન હોય; તે વખતે ઠબ ઠબ લાકડી કરતું કોણ આવતું? આપાનો જીવનભરનો ભાઈબંધ, આપાને દિલાસો દેનાર, ઠપકો દેનાર, લાડ લડાવનાર ખોડાભાઈ ગઢવી. આવીને ખોડાભાઈ કહેતા : “રાઠોડ ધાધલ, શું આવું ગાંડું ગાંડું બક્યા કરો છો?” આંખો લૂછતા લૂછતા આપા વાત આદરતા : “ખોડાભાઈ! મેં એક બહુ ભૂંડો મહાપાપનો કામો કરી નાખ્યો છે. આજ સુધી ઘણાં ધીંગાણાં કર્યાં, ઘણીય લૂંટ્યું કરી, ઘણાને ઠોંઠ-ઠાપલી પણ કરી દીધી હશે. એ તો હોય. કાઠીનો દીકરો છું. વેળા એવી છે. પણ એક કાળો કામો આ હાથે થઈ ગયો છે, એ નથી ભુલાતો — કેમેય નથી ભુલાતો.” એટલું કહેતાં વળી પાછી નેત્રોમાં ધારા ચાલે, આંખો લૂછીને વાત આગળ ચલાવે : “ખોડાભાઈ! તે દી જોગીદાસ ખુમાણ બા’રવટે; હુંયે એની સાથે ચડતો. એક દિવસ વીજપડીની સીમમાં અમે ચાલ્યા આવીએ. ખેતરમાં એક કણબી સાંઠિયું સૂડે. વેંતએકને માથે કપાળ : મૂછનો દોરો ફૂટતો આવે : ગલગોટાના ફૂલ જેવું એનું મોઢું : નાડીએ રૂડાં ફૂમકાં લટકે : એના કાનમાં ફક્ત એક જ જોડ્ય સોનાનાં ફૂલ અને એક જ જોડ્ય કોકરવાં હતાં. પણ અમારો જીવ બગડ્યો. અમે એની પાસે ગયા. ‘કાનમાંથી ચાપવાં કાઢી દે, ઝટ કાઢી દે’ — એમ કહીને મેં એને માથે બરછી તોળી. “ ‘એ બાપુ! મને મારશો મા, કાઢી દઉં છું!’ એમ કહીને કણબી ફૂલ અને ચાપવાં કાઢવા મંડ્યો. જોગીદાસ ખુમાણે પછેડીનો ખોળો પાથર્યો. મારી ઉગામેલી બરછી મારાં આંગળાંમાં ચકરચકર ફરતી જાય; થરથરતો કણબી બરછી સામે જોતો જાય અને ઘરેણાં કાઢી કાઢી ટપ ટપ જોગીદાસ ખુમાણના ખોળામાં નાખતો જાય.” આપાએ નિસાસો મૂક્યો — જાણે આખી ધરતીનો ભાર માથેથી નીચે મેલ્યો. પછી વાત ચલાવી : “ખોડાભાઈ! ત્યાં તો અર્ધોક ખેતરવા ઉપરથી ચીસ સાંભળી કે એ બાપ! મારશો મા, મારા વરને મારશો મા.’ જોયું તો માર્ગે જુવાન કણબણ દોડી આવે છે. એના ચણિયાનાં આભલાં સૂરજની સામે વ્રળકારા કરતાં આવે છે. એના કાનમાં આકોટા, નાકમાં નથડી, ગળામાં કોટિયું અને પગમાં કાંબીઓ રણકતાં આવે છે. માથે મોતીની ઈંઢોણી ઉપર ભાત લઈને ધા નાખતી કણબણ દોડી આવે છે. કુંજડી જેવી કળેળાટ કરતી એ આવી. એની છાતીમાં શ્વાસની ધમણ હાલી રહી છે. એનાથી બોલાતું નથી, તોય બોલે છે કે ‘એ બાપુ! મારશો મા! ચાર જ દી થયા આણું વળીને આવી છું — લ્યો, આ મારાં પણ ઘરેણાં — ’ બોલતી બોલતી બેટડી હાંફી રહી. “જોગીદાસ ખુમાણ ખોઈ સોતા બાઈ તરફ વળ્યા, ને કહ્યું : ‘કાઢ્ય, સટ સટ કાઢ્ય!’ ‘લ્યો, બાપુ, કાઢી દઉં, એકેએક કાઢી દઉં.’ ઘરેણાં ટપોટપ જોગીદાસ ખુમાણની ખોઈમાં પડવા મંડ્યાં. પોતાના ધણી સામું જોતી, મારી બરછી સામું જોતી, ઘરેણાં કાઢતી કાઢતી કણબણ મને કહેતી જાય કે ‘બાપુ, હજી કહો તો બીજાં મારે ઘેરથી લાવી આપું. મારાં માવતરને ઘરે સારું છે, મને પટારો ભરીને કરિયાવર કર્યો છે. તમે કહો તો ઈ બધુંય લાવી આપું! અમારી જોડલી ખંડશો મા. બાપુ, ચાર દી થયાં — ’ “ખોડાભાઈ! મારા હાથમાંથી બરછી છૂટી ગઈ. કેમ કરતાં છૂટી ગઈ? — ઈશ્વરને ખબર! બરછી છૂટી ગઈ. કણબીની છાતી સોંસરી ગઈ. કણબી પડ્યો. કણબણે ચીસ પાડી. પડખે કોદાળી પડી હતી તે એણે બે હાથે ઉપાડી — ધડૂસ! ધડૂસ! પોતાના કપાળમાં એ કોદાળીના ઘા કરવા લાગી. એના મોઢા ઉપર લોહીના રેગાડા ચાલ્યા. માથાની લટો લોહીથી ભીંજાણી. આંખો લોહીમાં ડૂબી ગઈ. ધડૂસ! ધડૂસ! ધડૂસ! “ખોડાભાઈ! હું જોઈ રહ્યો. મારું માથું ભમવા મંડ્યું. મારા હાથ મેં આંખો ઉપર દાબી દીધા. જોગીદાસ ખુમાણ મારી તરફ ફર્યા ને બોલ્યા : ‘રાઠોડ! કમતિયા! કાળમુખા! કાળો કામો.’ “હું બોલ્યો : ‘ભાઈ, બહુ કાળો કામો! હાય હાય! ભારે કાળો કામો!’ “ઘરેણાંની ખોઈ ભરી હતી તેને જોગીદાસે ધરતી ઉપર ઠલવી નાખી. અમે બેય ભાગ્યા. પાછળ ધડૂસ! ધડૂસ! ધડૂસ! અવાજ થાતા આવતા હતા. ઘોડીના ડાબલામાંથી જાણે ધડૂસ! ધડૂસ! ધડૂસ! અવાજ ઊઠતા હતા. આજ ઘોડી ઉપર ચડું છું અને ડાબા બોલે છે, ત્યાં કોદાળીના ધડૂસકારા કાને પડે છે : ધડૂસ! ધડૂસ! ધડૂસ! “ખોડાભાઈ! મેં બહુ ભૂંડો કામો કર્યો.”

*

ઘણી વાર ખોડાભાઈ રાઠોડ ધાધલની પડખે સૂતા. રાઠોડ ધાધલ મોં ઉપર કદી નહોતા ઓઢતા. કોઈ કોઈ વાર મોં ઉપર ફાળિયું પડી જાય કે તરત આપા ‘ઓય’ કહેતા ચમકી ઊઠે. તે વખતે ખોડાભાઈ કહેતા : “અરે! અરે! રાઠોડ ધાધલ જેવો આદમી આમ ચમકે? શરમ નથી આવતી?” “ખોડાભાઈ! મોઢું ઢાંકું છું ત્યાં મને સાંભરી આવે છે — વીજપડીની સીમ, ઓલી કણબણ, એની લોહીતરબોળ લટો, ઓલ્યા ધડૂસકારા. અરરર! હાય હાય! ખોડાભાઈ! તમને ખબર છે, મેં કેવો કામો કર્યો છે! મારું કમૉત થાશે. મારું અંતરિયાળ મૉત થાશે. ટીપું પાણી વિના મારુ મૉત થાશે. મરતી વેળા આ ત્રણમાંથી એકેય દીકરો મારું પિંડ દેવાય નહિ હોય. મારો નિર્વંશ જશે. નોંધી રાખજો!”

*

સંવત 1915નું વરસ હતું. આપા રાઠોડની અવસ્થા બરાબર એંશી વરસની હતી. ત્રણેય દીકરા પરગામ ગયા હતા. સનાળીમાં રાઠોડ ધાધલ એકલા હતા. કાળો ઉનાળો સળગી રહ્યો હતો. ઝાંઝવાનાં માયાવી નીર ઠગારી આશા જેવાં ગામની ચારેય દિશામાં ભરપૂર ચાલ્યાં જતાં હતાં. રાઠોડ ધાધલે પ્રાગજી મહારાજ નામના બ્રાહ્મણના હાથે પોતાના નવા મકાનનો પાયો નખાવ્યો. બીજે દિવસે જીવણ મહારાજ નામના એક બીજા ઓળખીતા ગોર આવી ચડ્યા. બ્રાહ્મણની વૃત્તિમાં કેટલો બધો લોભ છે! જીવણ મહારાજે આપાને સમજાવીને પાયો ફેરવ્યો. અમંગળ ગણાયું. બીજે દિવસે સવારે ભાતલું ખાઈને એંશી વરસના આપો સીમમાં આંટો દેવા ચાલ્યા તે વખતે ખોડાભાઈ ચારણનો દસ વરસનો દીકરો મુંજભાઈ આપાની આંગળીએ વળગીને ભેળો ગયો હતો. દોઢ પહોર દિવસ ચડ્યો હશે ત્યારે આપા ગામમાં આવ્યા; આવીને ગામમાં મોતીચંદ તુળસી નામના શેઠની દુકાને પોરો ખાવા બેઠા. ઉનાળાનો તડકો, પૂરી અવસ્થા અને વળી ખાઈને નીકળેલા એટલે તરસ બહુ લાગી હતી. મોતીચંદ શેઠને પાણી લાવવા કહ્યું. ગામડાગામમાં વાણિયાનાં ઘર અને દુકાન આઘેરાં નથી હોતાં, સાથે જ હોય છે. મોતીચંદ શેઠે પોતાની દસ વરસની દીકરી મૂળીને કળશિયો માંજીને ટાઢું પાણી લાવવા કહ્યું. મૂળીએ કળશિયાને મોઢું દેખાય તેવો ઊજળો ઊટકીને પાણી ભર્યું. જ્યાં પાણી દેવા પગ ઉપાડે ત્યાં ગામને પાદર રીડ થઈ : “દોડજો, દોડજો; બે રજપૂતો ઝડ કરીને જાય! ઝડ કરીને જાય!” “મારા ગામને પાદર ઝડ! અરે, ઝડ નહિ, મારો કાળ!” એટલું બોલતાં રાઠોડ ધાધલ ઊભા થઈ ગયા. મોતીચંદ કહે : “બાપુ! આ પાણી!” “હવે પાણી પીશું આવતે અવતાર!” — એ વેણ સંભળાણું-ન સંભળાણું ત્યાં રાઠોડ ધાધલ દોડીને ડેલીએ પહોંચ્યા. હાકલ કરી : “આમદ ગોરી, બેરી માથે ઝટ પલાણ માંડ્ય.” બેરી રાઠોડ ધાધલની ઘોડી : પોણા ત્રણ વરસની કાયા : ફક્ત દૂધભેર રાખેલી : ઈંડા જેવી : સાડા ચૌદના માપવાળી : ગૂંથેલી કેશવાળી : નાની નાની કાનસૂરી : અને સોટી જેવા ગૂડા : બેરીને માથે કાઠું નાખીને છોકરો ઓરડામાંથી બહાર કાઢવા જાય છે પણ બેરી પાછી હટે છે. છોકરો કહે : “બાપુ! બેરી હટે છે.” બેરી હટે છે! જે વખતે ઘડીએ ઘડી, પળે પળ અને છાતીના ધબકારા પણ ગણાતા હોય, શત્રુઓને અને રાઠોડને છેટું પડતું હોય, તે વખતે બેરી હટે છે! રાઠોડ ધાધલની આંખમાં સડ સડ સડ અંગારા મુકાણા. આમદ ગોરી ઊભો ઊભો જુએ છે કે બેરી શા માટે હટે છે : એના કાઠાની મૂંડકી ખડકીના ઠેલની સાથે ભટકાતી હતી. પણ એ વખતે રૌદ્રરૂપધારી રાઠોડને કોણ કહે? બુઢ્ઢાએ પોતાના હાથમાં પરોણો લીધો, અંદર જઈને બેરીના તરિંગ ઉપર બે પરોણા ઝીંક્યા. બેરીને માથે એ પરોણા ન પડ્યા, પણ આભ તૂટી પડ્યો! એ છાતી તો એક રાઠોડ ધાધલની જ હાલે! ઠેકીને બેરી બહાર નીકળી. કાઠાની મૂંડકી ‘ફડાક’ કરતી નોખી જઈ પડી. બેરી જાગી ગઈ. એનું આખું શરીર ધ્રૂજી ઊઠ્યું. એ આકાશમાં ઠેકવા લાગી. એનાં નાખોરાં શરણાઈનાં છાંડાંની જેમ ફૂલી ગયાં. એંશી વરસની અવસ્થાએ એક છલંગ મારીને રાઠોડ બેરીને માથે ગયો. ચીસ પાડી : “બરછી લાવો, મારી બરછી!” માણસો બરછી લેવા દોડ્યા. પણ બરછી સજાવા ગયેલી. આમદ ગોરી કહે : “બાપુ, બરછી સજાવા — ” “અરે! આથેય કોઈની બરછી છે કે નહિ? લાવો, લાવો, મારો કાળ આવી પૂગો.” કોઈકની બૂઠી બરછી રાઠોડ ધાધલના હાથમાં આપી. બેરી ઊપડી. ચોરે આવ્યા. પણ ત્યાં તો ચોરા ઉપર જ ઘેઘૂર ઘટાવાળો ખોડિયારનો વડલો છે, તેની ડાળમાં આપાનું માથાબંધણું અટવાણું. વડલે જાણે કે પોતાના સાથીને આજે મરવા જાવાની ના પાડી. પણ આપો ન રોકાણા. “હે તોહેં ઘોડા લઉં જાય!” કહી એક હાથમાં સરક, લગામ અને બરછી, ત્રણેયને કોળી પકડી, બીજે હાથે ફેંટો ઝાલીને માથા ઉપર આંટો લેવા મંડ્યા. પવનમાં આખો ફેંટો ફરફરે, હાથમાં બરછીનું ફેણું ઝગમગે, અને એ દેખી દેખીને બેરી ચમકે, આપા તો માથે આંટો લેતા આવે છે : ‘હે ઘોડી! હે ઘોડી!’ કહેતા આવે છે. ઝમ! ઝમ! ઝમ! કરતી બેરી ઊડ્યે જાય છે : પાદરમાં માણસોની કતાર ઊભી છે. માણસોને આપાએ પૂછ્યું : “કીસે ગા’ ચોર?” “બાપુ, પીપળિયાના માર્ગે.” લોકોની ઠઠમાંથી અવાજ આવ્યો. “અને આપડા અસવાર?” “એની વાંસે.” “હું જાણતો સાં, ઈ ગોલાઓ ભેળાં નહિ કરે. ભણેં, કાંણાની ઝડ્ય કરુને ગા’?” “આપા, જીવણ મા’રાજની વહુનાં કડલાંની ઝડ કરી. આ ઠેકાણે જ બાઈને પછાડી અને કડલાં કાઢ્યાં.” એમ કહી લોકોએ કૂવાકાંઠો દેખાડ્યો. વેણે વેણે આપાના હૈયામાં કટારો ભોંકાણી. હવે એનાથી ઊભું રહેવાતું નથી. પોતે ઘોડીને હાંકે છે ત્યાં તો આપાના ખવાસે આવીને પાગડું પકડ્યું. આપા કહે : “કીં?” “આપા, મને પાગડું ઝાલીને દોડ્યો આવવા દ્યો. હુંય તમારી સાથે મરીશ.” “અરે, મૂક્ય મૂક્ય, કઢીચટ્ટા! બેરીની સાથે તું કીં ધોડવાનો હુતો?” તોયે ખવાસે પાગડું ન છોડ્યું. આપાએ એના હાથ ઉપર ભાલાની બૂડી મારી, પાગડું છોડાવ્યું. બેરીને દબાવી. પાદરમાંથી લોકોની કતારે જોયું કે ઘોડી વેગે ચડી. આપાએ ગણતરી કરી લીધી કે લૂંટારા પીપળિયે જવાનો દેખાવ કરીને પાછા સામી જ દિશાએ ફાંફળમાં ઊતરશે. એણે પીપળિયાનો મારગ મૂક્યો, બીજા પીપળિયાનો મારગ વટાવ્યો; તરઘરીનો મારગ મેલ્યો. એ જાય! એ દેખાય! એ ફેંટો ઊડે! એ ખેપટ ચડી! — એક વખત સહુએ ઘોડી જોઈ, એક વાર એના ડાબલાના પડછંદા પડ્યા; પછી અલોપ! સૂનકાર! ઘોડી વીંજવડની સીમમાં દેખાણી. વીંજવડનું ખેતર, સખપરનું ખેતર, પીપળિયાનું ખેતર : એમ શું શું આવ્યું ને ગયું તે કાંઈ નથી દેખાતું. પૂરી અવસ્થા : ઘોડીનો વાજ! ધોમ તડકો : પાણીની આતસ : અને આબરૂનું ઝનૂન — એમાં ઘોડેસવાર શી રીતે ભાળે! કાંઈ ન સૂઝે. જાણે ઘોડી બ્રહ્માંડને છેડે કોઈ અતલ, ખાલી દરિયામાં ઊતરી રહી છે. એવામાં અવાજ આવ્યો : “આપા, રામરામ!” સખપરના ખેતરમાં ખંપાળી લઈને એક કણબી ઊભો હતો. કણબીએ રાઠોડ ધાધલને ઓળખ્યા ને બોલાવ્યા : “આપા રામરામ!” અંધ બની રહેલા આપાએ અવાજ ઓળખ્યો. “કોણ, નારદ ભૂવો?” કહીને ઘોડી થંભાવી. “હા, આપા!” “ભણેં નારદ, થોડોક પાણી હશે?” “અરે રામ! આપા, હમણાં જ આ ભંભલી ઢોળી નાખી. અટાણ લગી પાણી હતું. ભારે ટાઢું પાણી હતું. સાંતી લઈને ઘેર જાઉં છું એટલે ઢોળી નાખ્યું.” “કાણું નૈ, નારદ, હું જાણતો સાં, મૂવા ટાણે ટીપોય પાણી મોહે નૈં મળે. નારદ, બે ઘોડેસવાર નીકળ્યા’તા?” “હા, આપા! ચોરવડલી દીમના ગ્યા ને કહેતા ગ્યા કે ક્યાડી ઘોડીના અસવારને કઈયે : પાછો ફરી જાય!” “ઈં કહ્યું? તમારી જાત્યના ચોર!” એટલું બોલીને આપાએ બેરીને માથે બેવડી સરકનો ઘા કર્યો. નારદ ભૂવો સાક્ષી આપી ગયો છે કે ત્યાંથી બેરીના સગડ બરાબર પંદર-પંદર હાથને માથે પડતા મેં નજરોનજર માપી જોયા હતા. ખંભે ખંપાળી નાખીને નારદ ભૂવો પણ ચોરવડલી તરફ દોટ મેલતો ચાલ્યો. બેરી આગળ ભાગીને બીજાં ઘોડાં કેટલેક જાય? બેય લૂંટારાએ બેરીના ડાબલા સાંભળ્યા; ભયંકર અસવાર દીઠો. ચોરવડલીની પડખેના ખેતરમાં એક ઓઘા પાસે બેઉ જણા તરી ગયા ત્યાં બેરી આંબી, પણ વેગમાં ને વેગમાં બેરી બેય અસવારોની વચ્ચે થઈને જરાક આગળ નીકળી ગઈ. “હે તોહેં ઘોડા લઉ જાય, હે ઘોડાં લઉ જાય!” કરતાં કરતાં આપાએ બેરીની વાગ (લગામ) ખેંચી. બેરીને પાછી વાળવા લગામ ડોંચી. ત્યાં તો તડ! તડ! લગામના બેય વાઘિયા તૂટી પડ્યા. રાઠોડ ધાધલનો છેલ્લો આધાર ગયો. ‘રાખુ દીના, બાપ બેરી! રણમાં રાખુ દીના! બેટા, રાત રાખુ દીના! દીના!’ કરતાં કરતાં એણે ઝપાટાભેર ઘોડીનો મોરડો ઝાલી લીધો, પેંગડા ઉપર ટટ્ટાર ઊભો થઈ ગયો, બરછીને આંગળાં પર ચક્કર ચડાવી. બૂડી અને ફણું જાણે ચક્કર ખાતાં ખાતાં એક થઈ ગયાં — જાણે આંગળી પર સુદર્શન ચક્ર ફરી રહ્યું છે. પેંગડામાં ઊભા થઈને એણે બરછીનો ઘા કર્યો. બરાબર દુશ્મનની છાતીમાં નોંધીને આપાએ બરછી નાખી, પણ એની વૃદ્ધ, થાકેલી તરસથી અંધારે ઘેરાયેલી આંખો નિશાન ભૂલી. ગણતરીમાં થોડો જ ફેર પડ્યો; વીરાજી નામનો શત્રુ ખસી ગયો તેથી રાઠોડની બરછી એની છાતી ચૂકી ગઈ, પણ જમણા હાથની ભુજાને વીંધી ધ્રોપટ સોંસરવી નીકળી ગઈ. વીરાજીએ પોતાના ભેરુને બૂમ પાડી : “હવે શું જોઈ રહ્યો છે? આપણા તો રામરામ!” બીજા શત્રુએ બેરીની આંખમાં નોંધીને પડઘિયાવાળું મોરબીનું ભાલું ઝીંક્યું. ભાલું ખૂંતી ગયું. લાકડી તૂટી ગઈ. ભાલું બેરીની આંખમાં જ રહ્યું. બેરી ચક્કર ખાઈને નીચે પડી. ડોસો કોઈ વીસ વરસના જુવાનની જેમ કૂદીને આઘો ઊભો થઈ ગયો. ફરીને ‘રાખુ દીના, બાપ બેરી! રાખુ દીના!’ કરતો ડોસો ઘોડીનો મોરો પકડી ચૂક્યો. બેરી ઊઠી, વેદના ભૂલીને ઊઠી; પણ એનાથી ઊભા રહેવાતું નથી. એ ચક્કર ચક્કર ફરવા માંડે છે. રાઠોડ ધાધલ પેંગડામાં પગ નાખી ચડવા જાય ત્યાં બેરી ફરી જાય છે. એક પગ પેંગડામાં રહે છે અને બીજો ધરતી ઉપર ઠગ ઠગ થાય છે. લગામ તો હતી નહિ. એટલે કાઠાની પાટલી ઝાલીને આપા ચઢવા જાય છે, પણ ઘોડી ઊછળે છે. અંતે ઘોડી ફરી ગઈ. આપાની પીઠ પણ દુશ્મનો તરફ થઈ ગઈ અને જખ્મી વીરાજીએ ભેરુને ચેતવ્યો : “જોજે હો, ડોસો ઘોડીએ ચડ્યો તો તારું ને મારું મૉત જાણજે. પહોંચ, ઝટ ઘોડીને ગૂડી નાખ. પણ જોજે હો, ડોસાને ન મારતો. એ ત્રણ પરજનો સગો છે; એને માર્યે આપણે ક્યાંય રોટલા નહિ પામીએ.” રાઠોડ ધાધલને ઘોડી ચડવા દેતી નથી; એનો બરડો શત્રુઓ તરફ થઈ ગયો છે. એને ભાન નથી રહ્યું કે પાછળ શી રમત રમાય છે. એ મહેનત કરતો રહ્યો. ત્યાં નાગી તરવાર લઈને બીજો દુશ્મન પહોંચી ગયો. મનમાં થયું કે જો ઘોડીને મારીશ તો આપો મારા પ્રાણ લેશે, એટલે એણે તો રાઠોડ ધાધલના પડખામાં જ પોતાની તરવાર હુલાવી. તરવાર એક પડખેથી બીજે પડખે આરપાર નીકળી ગઈ. ‘ભાગો! ભાગો!’ કરતા બેય દુશ્મનો ભાગ્યા. તરવાર રાઠોડ ધાધલના શરીરમાં જ રહી. દુશ્મનો ભાગ્યા. પાછળ પોતાની તલવાર ખેંચીને રાઠોડ ધાધલ દોડવા ગયો, મ્યાનમાંથી તરવાર અર્ધી જ ખેંચાણી, ત્યાં તો એ ભોંય પર પડ્યો. ગોઠણભર થઈને દોડવા ગયો, પણ ન દોડાયું. ત્યાં ને ત્યાં ઘૂમરી ખાવા લાગ્યો. પણ કૌવત ખૂટી ગયું. ગોઠણભર સ્થિર થયો. અર્ધી ખેંચેલી તરવાર પાછી મ્યાન કરી આંખો ખોલી. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, નીચે, ઉપર — બધેય નજર કરી. ધીરે! ધીરે! ધીરે! પછી ડાબે પડખે ડાબો હાથ વાળીને પડખામાં ખૂંતેલી તરવાર બહાર ખેંચી કાઢી. બેય પડખે પાડાની પખાલની પેઠે લોહીના ધોધ છૂટ્યા. જમણે હાથે અંજલિ વાળીને આપાએ જમણા પડખાનું લોહી ઝીલ્યું. અંજલિ ભરીને જમીન પર રેડી. ધૂળને લોહીમાં ભીંજાવી, ગારો કરી એના ત્રણ પિંડ વાળ્યા. પછી પોતે બેઠા, સૂતા, માથેથી તરફાળ (પાઘડી) ઉતારીને સોડ તાણી. એક છેડો પગ નીચે દબાવ્યો ને બીજો છેડો માથા નીચે દબાવ્યો. સૂતાં સૂતાં કમરમાંથી અર્ધી તરવાર ખેંચીને બરાબર છાતી પર ઠેરવી. હાથ તરવારની મૂઠ પર જ રહ્યો. ન પડખું ફર્યા, ન સિસકારો કર્યો, કે ન અંગનો એકેય ભાગ હલ્યોચલ્યો. આપા મૉતની મીઠી નીંદરમાં પડ્યા. કેવી નીંદર! મીઠી! મીઠી! મીઠી! રાઠાને રણમાંય, નાઠાની બારી નહિ! નારદ ભૂવાએ આ બધી ચેષ્ટા દૂર ઊભા ઊભા નજરે જોઈ.

*

બેરી ક્યાં? ઘવાયેલી બેરી દુશ્મનોની પાછળ થઈ. આખરે દુશ્મનોએ એના કપાળમાં એક ઝાટકો મૂક્યો. ગાંડીતૂર બનીને એ પાછી આવી. ચારેય પગ પહોળા કરીને એના ધણીના શબ ઉપર ઊભી રહી. ઘોડીના લોહીની ધાર આપાના શબ ઉપર ત્રહકી રહી હતી. ભાગ્યવંતને માથે જ મરતી વખતે ઘોડાનું લોહી પડે એવી માન્યતા છે. નારદ ભૂવો આઘે ઊભો ઊભો આ બધું જોતો હતો. ત્યાં તો સનાળી, પીપળી, સખપર અને વીંજવડના લોકોની મેદની ઊમટી. પણ ઘોડી કોઈને પાસે આવવા દેતી નથી. દોડી દોડીને લોકોને ભગાડે અને પાછી આવીને શબને ઢાંકી ઊભી રહે છે. ઘોડીની આંખમાંથી અંગારા વરસે છે. ખાસદાર આમદ ગોરી આવ્યો. એણે સાદ કર્યો : “બાપ્પો બેરી! બેટ્ટા બેરી!” હણહણાટ દેતી બેરી ખસી ગઈ, ગરીબડી બની ગઈ, આમદ ગોરીની પાસે આવીને ઊભી રહી. ઘોડીને સનાળી લઈ જઈ પડદે નાખી. રાઠોડ ધાધલના દેહને અગ્નિસંસ્કાર ક્યાં કરવો? એની રાખ તો બધાને વહાલી હતી. પણ સખપરની સીમમાં જ એનો દેહ પડ્યો, અને વળી સખપર એના સગા ભાણેજ રાવત વાળાનું ગામ, એટલે લોકોએ સખપરમાં જ આપાને દેન દીધું. ત્રીજે દિવસે બેરી જ્યાં પડદે પડી હતી ત્યાંથી એણે તોડાવ્યું. પાટીએ ચડી ગઈ. એને કોઈ ન ઝાલી શક્યું બરાબર જ્યાં રાઠોડ ધાધલનો દેહ પડ્યો હતો ત્યાં આવીને ઘોડીએ પોતાનો દેહ પટક્યો. પટકતાં જ એના પ્રાણ નીકળી ગયા. આજ એ ઠેકાણે ઘોડી અને ઘોડેસવાર — બંનેની ખાંભીઓ ઊભી છે. રાઠોડ ધાધલને પાણી પાવા આવનાર મૂળીબાઈ બે વરસ પહેલાં જ ગુજરી ગયાં. છેલ્લે દિવસે એની આંગળીએ વળગી સીમમાં સાથે જનાર મુંજભાઈ ગઢવી હજી હયાત છે. જે વડલામાં એનો ફેંટો ભરાણો તે વડલો મોજૂદ છે, પણ એની ઘેરી ઘટા નથી રહી. આજ જાણે પોતાના વૃદ્ધ સાથીના શોકમાં વડલાએ શોભા તજી છે. રાઠોડ ધાધલના દીકરા ઉન્નડ ધાધલે વીજપડીની સીમમાં સાવજ માર્યાની વાત સહુ જાણે છે. પણ ત્રણેયમાંથી એકેયનો વંશ નથી રહ્યો. પોતાનાં પાપની સજા પ્રભુ પાસેથી પોતે જ પ્રભાતે પ્રભાતે માગી હતી તે મળી ગઈ. રાઠાને રણમાંય, નાઠાની બારી નહિ!


  1. કાઠી લોકો સાળાને સાળો ન કહે, ‘નાતાદાર’ કહે