સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/અણનમ માથાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અણનમ માથાં

આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા, પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનાર દીઠા, પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડા ચારસો વરસ ઉપર પાક્યા હતા. બે નહિ, ચાર નહિ, પણ બાર ભાઈબંધોનું જૂથ. બારેય અંતર એકબીજાને આંટી લઈ ગયેલાં. બાર મંકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઈ લ્યો. બાર ખોળિયાં સોંસરવો એક જ આત્મા રમી રહ્યો છે. સૂરજ-ચંદ્રની સાખે બેસીને બારેય ભાઈબંધોએ એક દિવસ સમી સાંજને પહોરે કાંડાં બાંધ્યાં. છેલ્લી વારની ગાંઠ વાળી. બારેયનો સરદાર વીસળ રાબો : પરજિયો ચારણ : સાત ગામડાંનો ધણી : હળવદના રાજસાહેબનો જમણો હાથ : જેના વાંસામાં જોગમાયાનો થાપો પડ્યો છે : જેણે પોતાની તરવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઈને માથું ન નમાવવાનાં વ્રત લીધાં છે : દેવતા જેને મોઢામોઢ હોંકારા દે છે : એવા અણનમ કહેવાતા વીસળ રાબાએ વાત ઉચ્ચારી : “ભાઈ ધાનરવ! ભાઈ સાજણ! ભાઈ નાગાજણ! રવિયા! લખમણ! તેજરવ! ખીમરવ! આલગા! પાલા! વેરસલ! અને કેશવગર! સાંભળો.” “બોલો, વીહળભા!” એમ હોંકારો દઈને શંકરના ગણ સરખા અગિયાર જણાએ કાન માંડ્યા. “સાંભળો, ભાઈ! જીવતાં લગી તો દુનિયા બધી દોસ્તી નભાવતી આવે છે. પણ આપણા વ્રતમાં તો માતાજીએ વશેકાઈ મેલી છે. આપણને શાસ્તરની ઝાઝી ગતાગમ નથી. આપણું શાસ્તર એક જ કે જીવવું ત્યાં સુધીય એકસંગાથે, ને મરવું તોય સંગાથે — વાંસા-મોર્ય નહિ. છે કબૂલ?” “વીહળભા! રૂડી વાત ભણી. સરગાપરને ગામતરે વીહળ ગઢવી જેવો સથવારો ક્યાંથી મળશે? સહુ પોતપોતાની તરવારને શિર ઉપર ચડાવીને સોગંદ ખાઓ કે જીવવું ને મરવું એક જ સંગાથે.” ડાલાં ડાલાં જેવડાં બારેય માથાં ઉપર બાર ઝગારા મારતાં ખડગ મંડાયા. અને બારેયનું લોહી ભેળું કરીને લખત લખ્યાં કે ‘જીવવું-મરવું બારેયને એક સંગાથે — ઘડી એકનુંય છેટું ન પાડવું.’ અગિયાર પરજિયા ચારણ અને એક કેશવગર બાવો : મૉતને મુકામે સહુ ભેળા થાવાના છીએ, એવા કોલ દઈને આનંદે ચડ્યા છે: વિજોગ પડવાના ઉચાટ મેલીને હવે સહુ પોતપોતાના ધંધાપાણીમાં ગરકાવ છે : કોઈ ગૌધન ચારે છે, કોઈ સાંતીડાં હાંકે છે, કોઈ ઘોડાની સોદાગરી કેળવે છે, અને કેશવગર બાવો આંબરડીના ચોરામાં ઈશ્વરનાં ભજન-આરતી સંભળાવે૰ છે. બીજી બાજુ શો બનાવ બન્યો? અમદાવાદ કચેરીમાં જઈને વીસળ ગઢવીના એક અદાવતિયા ચારણે સુલતાનના કાન ફૂંક્યા કે “અરે, હે પાદશાહ સલામત! તેં સારાય સોરઠ દેશને કડે કર્યો, મોટા મોટા હાકેમ તારા તખતને પાયે મુગટ ઝુકાવે, પણ તારી પાદશાહીને અવગણનારો એક પુરુષ જીવે છે.” “કોણ છે એવો બેમાથાળો, જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય?” પાદશાહે પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછ્યું. “આંબરડી સુંદરીનાં સાત સાંજણ ગામનો ધણી વીસળ રાબો. જાતનો ચારણ છે.” ‘લા હોલ વલ્લાહ! યા ખુદા તાલા! યા પાક પરવરદિગાર!’ — એવી કલબલી ભાષામાં ધૂંવાડા કાઢતા, ઝરખિયાના ઝાંપા જેવી દાઢીને માથે હાથ ફેરવતા, ધોમચખ આંખોવાળા, પાડા જેવી કાંધવાળા, વસમી ત્રાડ દેવાવાળા, અક્કેક ઘેટો હજમ કરવાવાળા, અક્કેક બતક શરાબ પીવાવાળા, લોઢાના ટોપ-બખ્તર પહેરવાવાળા મુલતાની, મકરાણી, અફઘાની અને ઈરાની જોદ્ધાઓ ગોઠણભેર થઈ ગયા. “શું સાત ગામડીનો ધણી એક ચારણ આટલી શિરજોરી રાખે? એની પાસે કેટલી ફોજ?” “ફોજ-બોજ કાંઈ નહિ, અલ્લાના ફિરસ્તા! એક પોતે ને અગિયાર એના ભાઈબંધો.

પણ એની મગરૂબી આસમાનને અડી રહી છે. પાદશાહને બબ્બે કટકા ગાળ્યું કાઢે છે.” સડડડડ! સુલતાનની ફૂલગુલાબી કાયાને માથે નવાણું હજાર રૂંવાડાં બેઠાં થઈ ગયાં. ફોજને હંકારવાનો હુકમ દીધો. અલ્લાનો કાળદૂત ધરતીને કડાકા લેવરાવતો આંબરડી ગામ પર આવ્યો. ગામની સીમમાં તંબૂ તાણીને ફરમાસ કરી કે “બોલાવો વીસળ રાબાને.” એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં બળદની રાશ, ખભે ભવાની, ભેટમાં દોધારી કટારી, ગળામાં માળા ને માથે ઝૂલતો કાળો ચોટલો — એવા દેવતાઈ રૂપવાળો વીસળ રાબો પોતાની સીમમાં સાંતીડું હાંકે છે. આભામંડળનું દેવળ કર્યું છે; સૂરજના કિરણની સહસ્ર શિખાઓ બનાવી છે. નવરંગીલી દસ દિશાઓના ચાકળા-ચંદરવા કલ્પ્યા છે, અને બપોરની વરાળો નાખતી ધરતી દેવીના યજ્ઞ-કુંડ જેવી સડસડે છે. માંહી પવનની જાણે ધૂપદાની પ્રગટ થઈ છે! એવા ચૌદ બ્રહ્માંડના વિશ્વને મંદિર સરજી, માંહે ઊભો ઊભો ભક્ત વીસળો મહામાયાનું અઘોર આરાધન ગજાવી રહ્યો છે :

જ્યોતે પ્રળંબા, જુગદમ્બા, આદ્ય અંબા ઈસરી,
વદનં ઝળંબા, ચંદ બંબા, તેજ તમ્બા તું ખરી,
હોતે અથાકં, બીર હાકં, બજે ડાકં બમ્મણી,
જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.
જીય રાસ આવડ રમ્મણી
જીય રાસ આવડ રમ્મણી.
ભેરવે હલ્લા, ભલ્લ ભલ્લાં ખાગ ઝલ્લાં ખેલીયં,
હોતે હમલ્લાં, હાક હલ્લાં, ઝુઝ મલ્લાં ઝેલ્લીયં,
ગાજે તબલ્લાં, બીર ગલ્લાં, ખેણ ટલ્લાં ખમ્મણી,
જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.

ગમમમ ગમમમ આભનો ઘુમ્મટ ગુંજે છે, દિશાની ગુફાઓ હોંકારા દિયે છે, અને સાંતીની કોશને જાણે શેષનાગની ફેણ માથે પહોંચાડીને પારસમણિના કટકા કરવાનું મન હોય એવાં જોર કરીને બેય ઈંડા જેવા ધોળા બળદ સાંતીડું ખેંચે છે. ભક્તિના નૂરમાં ભીંજાયેલી આંખે વીસળ પાછો ત્રિભુવનની ઈસરી શક્તિના આરાધન ઉપાડે છે :

આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરંનર પાય નમે,
ડિગપાલ ડગમ્બર, આઠહી ડુંગર, સાતહીં સાયર તેણ સમે,
નવનાથ અને નર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી,
રવરાય રવેચીએ, જગ્ગ પ્રમેસીએ વક્કળ વેસીએ ઈસવરી.
દેવી વક્કળ વેસીએ ઈસવરી,
માડી વક્કળ વેસીએ ઈસવરી.

મેઘમાળા ગાજી હોય એવો ભુલાવો ખાઈને મોરલા મલ્લાર ગાવા લાગે છે. વીસળને અંગે અંગે ભક્તિની પુલકાવળ ઊપડી આવી છે. એવે ટાણે ઘોડેસવારે આવીને વાવડ દીધા કે “વીહળભા! પાતશા તમારે પાદર આજ પરોણા થઈને ઊતરેલ છે.” “પાતશાની તો પરવા નથી, પણ પરોણો એટલે જ પાતશા.” એમ બોલીને ચારણ સાંતીડે ઘીંસરું નાખી, બળદ હાંકી ઘેર પહોંચ્યો. બળદ બાંધી, કડબ નીરી, કોઈ જાતની ઉતાવળ ન હોય એમ પાતશાહને મળવા ચાલ્યો. “વીસળભા, સંભાળજો! ચાડી પહોંચી છે.” બજારના માણસોએ શિખામણ સંભળાવી. “હું તે બેમાંથી કોને સંભાળું, ભાઈ? પાતશાને કે ચૌદ લોકની જગજ્જનનીને?” એટલો જવાબ વાળીને વીસળ ગઢવી સુલતાનના તંબૂમાં દાખલ થયા. સિત્તેરખાં અને બોતેરખાં ઉમરાવ પણ જ્યાં અદબ ભીડી, શિર ઝુકાવી ગુલામોની રીતે હુકમ ઝીલતા બેઠા છે, સોરઠના રાજરાણાઓ જ્યાં અંજલિ જોડી આજ્ઞાની વાટ જોતા ઊભા છે, ત્યાં સાત ગામડીના ધણી એક ચારણે, રજેભર્યે લૂગડે, અણથડકી છાતીએ, ધીરે ધીરે ડગલે પાતશાહના તખ્તા સામા આવીને એક હાથે આડી તરવાર ઝાલીને બીજે હાથે સલામ દીધી. એનું માથું અણનમ રહ્યું. “વીસળ ગઢવી!” સુલતાને નાખોરાં ફુલાવીને પડકારો કર્યો. “સલામ કોની કરી?” “સલામ તો કરી આ શક્તિની — અમારી તરવારની, ભણેં, પાતશા!” વીસળે ઠંડે કલેજે જવાબ વાળ્યો. “સોરઠના હાકેમને નથી નમતા?” “ના, મોળા બાપ! જોગમાયા વન્યા અવરાહીં કમણેહીં આ હાથની સલામું નોય કે આ માથાની નમણ્યું નોય; બાકી તોળી આવરદા માતાજી ક્રોડ વરસની કરે!” “કેમ નથી નમતા?” “કાણા સારુ નમાં? માણહ માણહહીં કેવાનો નમે? હાથ જોડવા લાયક તો એક અલ્લા અને દૂજી આદ્યશક્તિ : એક બાપ અને દૂજી માવડી; આપણ સંધા તો ભાઈયું ભણાયેં. બથું ભરીને ભેટીએ, પાતશા! નમીએં નહિ. તું કે મું, બેમાં કમણેય ઊંચ કે નીચ નસેં તો પછેં, બોલ્ય પાતશા, કાણા સારું નમાં?” ચારણને વેણે વેણે જાણે સુલતાનની મગરૂબી ઉપર લોઢાના ઘણ પડ્યા. નાના બાળકના જેવી નિર્ભય અને નિર્દોષ વાણી સુલતાને આજ પહેલવહેલી સાંભળી. અદબ અને તાબેદારીના કડક કાયદા પળાવતો એ મુસલમાન હાકેમ આજ માનવીના સાફ દિલની ભાષા સાંભળીને અજાયબ થયો. પણ સુલતાન બરાડ્યો : “કાં સલામ દે, કાં લડાઈ લે.” “હા! હા! હા! હા!” હસીને વીસળભા બોલ્યો : “લડાઈ તો લિયા; અબ ઘડી લિયા. મરણના ભે તો માથે રાખ્યા નસેં. પણ પાતશા! મોળો એક વેણ રાખ્ય.” “ક્યા હૈ?” “ભણેં પાતશા, તોળી પાસેં દૂઠ દમંગળ ફોજ, અને મોળી પાસેં દસ ને એક દોસદાર : તોળા પાસેં તોપું, બંધૂકું, નાળ્યું-ઝંઝાળ્યું, અને અમણી પાસેં અક્કેક ખડગ : ભણેં લડાઈ લિયાં; પણ દારૂગોળે નહિ; આડહથિયારે. તોળા સૈકડા મોઢે લડવૈયા; અમું બાર ભાઈબંધ : આવી જા. અમણાં હાથ જોતો જા, અણનમ માથાં લેને કીમ કવળાસે જવાય ઈ જોતો જા!” સુલતાને બેફિકર રહીને કેવળ તરવાર-ભાલાં જેવાં અણછૂટ આયુધોનું યુદ્ધ કરવાની કબૂલાત આપી. “રંગ વીસળભા! લડાઈ લેને આદો! રંગ વીસળભા! પાતશાની આગળ અણનમ રૈને આદો!” એમ હરખના નાદ કરતા દસ ભાઈબંધોએ સામી બજારે દોટ દીધી, વીસળને બાથમાં લઈ લીધો. દસ ને એક અગિયાર જણા કેસરિયાં પાણી કરીને લૂગડાં રંગે છે. સામસામા અબીલગુલાલ છાંટે છે. માથાના મોટા મોટા ચોટલા તેલમાં ઝબોળે છે. મોરલા જેવા બાર ભાઈબંધોનાં મૉતના પરિયાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબૂમાં પહોંચી તે વખતે દાઢીએ હાથ ફેરવીને પોતે પસ્તાવો કરવા લાગ્યો કે “ભૂલ થઈ, જબરી ભૂલ થઈ. બાર નિરપરાધી વીર પુરુષો વટના માર્યા મારી ફોજને હાથે હમણાં કતલ થઈ જાશે. યા અલ્લા! મેં ખોટ ખાધી. મારે માથે હત્યા ચડશે. કોઈ આ આફતમાંથી ઊગરવાનો ઈલાજ બતાવે?” “ઈલાજ છે ખુદાવંદ,” વજીર બોલ્યો : “આપણો પડાવ ગામના ઝાંપા પાસેથી ઉપાડીને ગામની પછવાડેની દીવાલે લઈ જઈએ. વીસળ રાબો ઝાંપેથી નીકળવા જશે. એટલે એની પીઠ આપણી બાજુ થશે. બસ, એને આપણે સંભળાવી દેશું કે અમને તે પીઠ દેખાડી, હવે જંગ હોય નહિ.” સુલતાનની ફોજ ગામની પછવાડેની દિશાએ જઈ ઊભી. અગિયારેય ભાઈબંધો સગાંવહાલાંને જીવ્યા-મૂઆના જુહાર કરીને ડેલીએથી નીકળવા જાય છે ત્યાં વસ્તીએ અવાજ દીધો : “વીસળભા! વેરીની ફોજ ગામની પછીતે ઊભી છે. અને ઝાંપેથી જાશો તો અણનમ વીસળે ભારથમાં પારોઠનાં[1] પગલાં ભર્યાં કહેવાશે, હો!” “પારોઠનાં પગલાં! વીહળો ભરશે?” વીસળભાની આંખોમાં તેજ વધ્યાં : “ધાનરવ ભા! નાગાજણ ભા! રવિયા! લખમણ! ખીમરવ! દરબારગઢની પછીત તોડી નાખો. સામી છાતીએ બા’ર નીકળીએ.” પછીત તોડીને અગિયાર યોદ્ધા, યજ્ઞના પુરોહિત જેવા, બહાર નીકળ્યા. સુલતાને હાથીના હોદ્દા ઉપરથી હુતાશણીના ઘેરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ અગિયાર દોસ્તદારોને દેખ્યા. “અલ્લાહ! અલ્લાહ! અલ્લાહ! ઈમાનને ખાતર દુનિયાની મિટ્ટી ખંખેરીને મૉતના ડાચામાં ચાલ્યા આવે છે. એની સમશેરના ઘા ઝીલશે કોણ?” એવે ટાણે વીસળ રાબાએ કેશવગરને સવાલ કર્યો :

વીહળ પૂછે વ્રાહ્મણા, સુણ કેસવ કંધાળા,
કણ પગલે સ્રગ પામીએ, પશતક નૈયાળા?

[અરે, હે કેશવગર મહારાજ, હે બ્રાહ્મણ, સાંભળ, હે પુસ્તક-પોથીના નિહાળનાર જ્ઞાની, બોલ, આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય? એ જ્ઞાન બતાવનારું કોઈ પુસ્તક તેં નિહાળ્યું છે?] અંતરમાં જેને જ્ઞાનનાં અજવાળાં પ્રગટ થઈ ગયાં છે, જેની સુરતાના તાર પરમ દેવની સાથે બંધાઈ ગયા છે, વિદ્યા જેની જીભને ટેરવે રમે છે, તે૰કેશવગરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે૰ વીહળભા!૰ —

કુંડે મરણ જે કરે, ગળે હેમાળાં,
કરવત કે ભેરવ કરે, શીખરાં શખરાળાં,
ત્રિયા, ત્રંબાસ, આપતળ જે મરે હઠાળા,
તે વર દિયાં વીહળા, સ્રગ થિયે ભવાળા.

[વીહળભા, કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ છાંડે, કાં હેમાળો ગળે, કાં કાશીએ જઈ કરવત મેલાવે, કાં ગિરનારને માથે જઈ ભેરવ-જપ ખાય, કાં અબળા માટે, ગાય માટે કે પોતાના ગરાસ માટે જાન આપે; એટલી જાતનાં મૉતમાંથી એકેય મૉતના વ્રત ધારણ કરે, તેને જ આવતે ભવ અમરાપુરી મળે, હે ભાઈ વીહળ!] સાંભળીને વીસળે સમશેર ખેંચી, સમશેરની પીંછીએ કરીને ‘ખળાવા’ જમીનમાં લીટો દઈને કૂંડાળું કાઢ્યું. “જુવાનો!” વીસળે વાણીનો ટંકાર કર્યો : “જુવાનો! આજ આપણાં અમરાપુરનાં ગામતરાં છે. અને કેશવગરે ગણાવ્યાં એટલા કેડામાંથી ‘કૂંડાળે મરણ’નો કેડો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે. બીજે માર્ગે તો પાંડવો સરખા કંઈકનાં પગલાં પડ્યાં છે. પણ આજ આપણે સહુએ આ નવી વાટે હાલી નીકળવું છે. જોજો હો, ભાઈબંધો! આજ ભાઈબંધીના પારખાં થાશે. આજ આખર લગી લડજો અને સાંજ પડે ત્યારે મૉતની સેજડીએ એક સંગાથે સૂવા આ કૂંડાળે સહુ આવી પહોંચજો. કહો, કબૂલ છે?” “રૂડું વેણ ભણ્યું, વીહળભા!” દસેય જણાએ લલકાર દીધો. “આકળા થાઓ મા, ભાઈ, સાંભળો! કૂંડાળે આવવું તો ખરું, પણ પોતપોતાનાં હથિયાર પડિયાર, ફેંટાફાળિયા અને કાયાની પરજેપરજ નોખાં થઈ ગયાં હોય તેયે વીણીને સાથે આણવાં. બોલો, બનશે?” “વીહળભા!’ ભાઈબંધો ગરજ્યા : “ચંદર-સૂરજની સાખે માથે ખડગ મેલીને વ્રત લીધાં છે. આ કેસરિયા વાઘા પહેર્યા છે. આ કંકુના થાપા લીધા છે અને હવે વળી નવી કબૂલાત શી બાકી રહી? અમે તો તારા ઓછાયા, બાપ! વાંસોવાંસ ડગલાં દીધ્યે આવશું.” “જુઓ, ભાઈ! અત્યારે આજ સાંજરે આપણામાંથી આંહીં જે કૂંડાળા બહાર, એ ઈશ્વરને આંગણેય કૂંડાળા બહાર; વીસરશો મા.” દસેય જણાએ માથાં નમાવ્યાં. “અરે, પણ આપણો તેજરવભા ક્યાં?” “તેજરવ પરગામ ગયો છે.” “આ....હા! તેજરવ રહી ગયો. હઠાળો તેજરવ વાંસેથી માથાં પછાડીને મરશે. પણ હવે વેળા નથી. ઓલે અવતાર ભેળાં થાશું.” અગિયારેય જણાએ એકબીજાને બાથમાં લઈ ભેટી લીધું. જીવ્યા-મૂઆના રામરામ કર્યા. જુદા પડવાની ઘડી આવી પહોંચી. સામે એક ખૂણામાં ઊભેલા હાથી સામે આંગળી ચીંધાડી વીસળ બોલ્યો : “ભાઈ, ઓલી અંબાડીમાં પાતશા બેઠો છે. એને માથે ઘા ન હોય, હો કે! પાતશા તો પચીસનો પીર કહેવાય. લાખુંનો પાળનાર ગણાય. એને તો લોઢાના હોદ્દામાં બેઠાં બેઠાં આપણી રમત જોવા દેજો, હો!” “હો, ભાઈ!” માથે પાણીનો ગોળો માંડીને નેસમાંથી માંજૂડી રબારણ હાલી આવે છે. આવીને એણે કૂંડાળા ઢૂકડો ગોળો ઉતાર્યો. “વીહળ આપા! આ પાણી!” “માંજૂડી, બેટા, રંગ તને, ઠીક કર્યું. પાછા વળશું ત્યારે તરસ બહુ લાગી હશે. અમે વળીએ ત્યાં સુધી આંહીં બેસજે, બેટા!” એટલું બોલીને અગિયાર યોદ્ધાએ ‘જે ચંડી, જે જોગણી!’ ‘જે ચંડી, જે જોગણી!’ની હાકલો દીધી, દોટ કાઢી. અગિયાર જણા પગપાળા અને સામે૰ —

હે જલંગા હંસલા કમંધ મકરાણી,
શોપ કેઆડા મંકડા આરબ ખરસાણી,
ગરવર જંગા ગોહણા પે પંથા પાણી,
જાણ શશંગી ઝોપિયા સજકિયા પતશાણી.
રેવતવંકા રાવતાં મખમલ પલાણી,
સવરે વાજડે વાજતી ઘોડે ચડી પઠાણી.

ઝલંગા, હંસલા, મારવાડી, મકરાણી, ક્યાડા, માંકડા, અરબી, ખોરાસાની — એવા જાતજાતના પાણીપંથા અને પહાડને વીંધે એવી જાંઘોવાળા માથે મખમલના પલાણ માંડીને પઠાણો ઊતર્યા. ઝાકાઝીક : ઝાકાઝીક : ઝાકાઝીક : સામસામી તરવારોની તાળીઓ પડવા મંડી. એક એક ભાઈબંધ સો-સો શત્રુના ઝાટકા ઝીલવા મંડ્યો. એક જણે જાણે અનેક રૂપ કાઢીને ઘૂમવા માંડ્યું. અને હાથીને હોદ્દેથી સુલતાન જોઈ જોઈને પોકાર કરવા લાગ્યો કે ‘યા અલ્લાહ! યા અલ્લાહ! ઈમાનને ખાતર ઈન્સાન કેવી જિગરથી મરી રહ્યો છે!’ “વાહ, કેશવગર! વાહ બાવાજી! વાહ બ્રાહ્મણ, તારી વીરતા!” એવા ધન્યવાદ દેતો દેતો વીસળ રાબો કેશવગરનું ધીંગાણું નીરખે છે. શું નીરખે છે? કેશવગરના પેટ પર ઘા પડ્યા છે, માંહીથી આંતરડાં નીકળીને ધરતી પર ઢસરડાય છે, આંતરડાં પગમાં અટવાય છે, અને જંગ ખેલતો બાવો આંતરડાંને ઉપાડીને પોતાને ખભે ચડાવી લે છે. “વીહળભા!” વીસળના નાનેરા ભાઈ લખમણે સાદ દીધો : “વીહળભા, જીવતાં સુધી મારી સાથે અબોલા રાખ્યા, અને આજ મરતુક આવ્યાં તોય મને તારા મોઢાનો મીઠો સુખન નહિ! વીહળ, કેશવગરને ભલકારા દઈ રિયા છો, પણ આમ તો નજર માંડો!” ડોક ફેરવીને જ્યાં વીસળ પોતાના ભાઈની સામે મીટ માંડે ત્યાં તો જમણો પગ જુદો પડી ગયો છે એને બગલમાં દાબીને એક પગે ઠેકતો ઠેકતો લખમણ વેરીઓની તરવાર ઠણકાવી રહ્યો છે. ભાઈને ભાળતાં જ જીવતરના અબોલા તૂટી પડ્યા. વીસળની છાતી ફાટફાટ થઈ રહી. “એ બાપ, લખમણ, તું તો રામનો ભાઈ, તને ભલકારા ન હોય, તું શૂરવીરાઈ દાખવ એમાં નવાઈ કેવી? પણ કેશવ તો લોટની ચપટીનો માગતલ બાવો : માગણ ઊઠીને આંતરડાંની વરમાળ ડોકે પહેરી લ્યે એની વશેકાઈ કહેવાય, મારા લખમણ જતિ!” સાંજ પડી. ઝડવઝડ દિવસ રહ્યો. સુલતાનનું કાળજું ફફડી ઊઠ્યું. “યા ખુદા! આડહથિયારે આ બહાદુરો નહિ મરે. અને હમણાં મારી ફોજનું માથેમાથું આ અગિયારેય જણા બાજરાનાં ડૂંડાની જેમ લણી લેશે.” “તીરકામઠાં ઉઠાવો! ગલોલીઓ ચલાવો!” હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટતાંની વાર તો હડુડુડુડુ! હમમમમ! ધડ! ધડ! ધડ! —

સીંગણ છૂટે ભારસું, હથનાળ વછટ્ટે,
સાબળ છૂટે સોંસરા, સૂરા સભટ્ટે
વ્રણ પ્રગટે ઘટ વચ્ચે, પટા પ્રાછટ્ટે,
ત્રુટે ઝુંસણ ટોપતણ, ખાગે અવઝટ્ટે.

પાતશાહી ફોજની ગલોલીઓ છૂટી. ઢાલોને વીંધીને સીસાં સોંસરવાં ગયાં. છાતીઓમાં ઘા પડ્યા. નવરાતરના ગરબા બનીને અગિયાર ભાઈબંધો જુદ્ધમાંથી બહાર નીકળ્યાં. કોઈ એક પગે ઠેકતો આવે છે, કોઈ આંતરડાં ઉપાડતો ચાલ્યો આવે છે, કોઈ ધડ હાથમાં માથું લઈને દોડ્યું આવે છે. એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કૂંડાળે પહોંચ્યા, પછી વીસળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો, “ભાઈબંધો, સુરાપરીનાં ધામ દેખાય છે. હાલી નીકળો!” સહુ બેઠા. લોહીનો ગારો કરીને સહુએ અક્કેક બબ્બે પિંડ વાળ્યા. ઓતરાદાં ઓશીકાં કર્યાં. અને સામસામા રામરામ કરી, અગિયારેય જણા પડખોપડખ પોઢ્યા. ટોયલી ભરી ભરીને માંજૂડી રબારણ અગિયારેય મૉતના વટેમાર્ગુઓને પાણી પાય છે, પેટના દીકરા પ્રમાણે સહુના માથા ઉપર હાથ પંપાળે છે, ત્યાં તો અગિયારેયની ઓળખાણ કરવા સુલતાન પોતાના કૂકડિયા ચારણને લઈને કૂંડાળે આવ્યો. આંગળી ચીંધાડીને પાતશાહ પૂછતો જાય છે કે “આ કોણ? આ કોણ?” અને ભાલાની અણી અડાડી અડાડીને કૂકડિયો ઓળખાણ દેતો જાય છે કે “આ વીસળ! આ ધાનરવ! આ લખમણ.” “મારા પીટ્યા!” માંજૂડીએ કાળવચન કાઢ્યું : “તને વાગે મારા વાશિયાંગનાં ભાલાં! મારા સૂતેલા સાવઝને શીદ જગાડછ? જીવતા હતા તે ટાણે ઓળખાવવા આવવું’તું ને?” [2] માંજૂડીની આંખમાં આંસુ આવ્યા. શરમાઈને સુલતાન પાછો વળ્યો, ફોજ ઉપાડીને ચાલી નીકળ્યો. ગાડું લઈને સાંજ ટાણે તેજરવ સોયો ગામમાં આવે છે. એને આજના બનાવની જરાય ગતાગમ નથી. પાદર આવીને એણે લોહીની નીકો ભાળી. એને આખી વાતની ખબર પડી. તેજરવ દોડ્યો. માથે ફાળિયું ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો. આસમાને ઝાળો નાખતી અગિયાર શૂરાઓની એકસામટી ઝૂપી સળગી રહી છે. દેન દેવા આવેલું ગામનું લોક એ ભડકાનો તાપ ન ખમાવાથી છેટે જઈ બેઠું છે. દોડીને સહુએ તેજરવના હાથ ઝાલી લીધા. “હશે! તેજરવ આપા! હરિને ગમ્યું તે સાચું. હવે ટાઢા પડો.” “એ ભાઈ, મને રોકો મા. તે દી છોડિયું છબે નો’તી રમી, પણ મરદોએ કાંડાં બાંધ્યાં હતાં.” છૂટીને તેજરવ દોડ્યો, છલંગ મારીને તેજરવ સોયા એ અગિયાર ભાઈબંધોની ચિતા સામે ઊભીને બોલ્યો : “વીહળભા, તમું હાર્યે જીવસટોસટની બોલીએ હું બંધાણો હતો અને આજ મને છેતરીને હાલી નીકળ્યા? મને છેટું પાડી દીધું? પણ હે અગ્નિદેવતા! મારો ફેર ભાંગી નાખજો. જોજો હો, અમરાપરીના ઓરડામાં વીહળભા મારી મોઢા આગળ દાખલ ન થઈ જાય.” એટલું બોલીને અગિયાર ભાઈબંધોની ચિતા ઉપર તેજરવે આસન વાળ્યું, હાથમાં માળા લીધી અને બળતી ઝાળોની વચ્ચે બેસીને ‘હર! હર! હર!’ના જાપ જપતો મણકા ફેરવવા લાગ્યો. આખીયે કાયા સળગી ઊઠી ત્યાર પછી જ એના હાથમાંથી માળા પડી.

[દુહો]

તેજરવે તન લે, હાડાં માથે હોમિયાં
સોયે મરણ સટે, વીસળસું વાચા બંધલ.

[તેજરવે પોતાનું તન મિત્રોના હાડ ઉપર હોમ્યું. સોયા શાખના એ ચારણે પોતાના મિત્ર વીસળની સાથે મૃત્યુસટોસટના કોલ દીધા હતા.] અને અણનમ માથાંનો તે દિવસે જેજેકાર બોલાયો.

*

આંબરડી પોગનો અસલ ટીંબો સાયલા તાબે હજી મોજૂદ છે. જ્યાં મૃત્યુનું ‘કૂંડાળું’ કાઢવામાં આવેલું ત્યાં એક દેરી છે. ઓટા ઉપર બાર પાળિયા છે. એ યુદ્ધમાં વીસા રાબાએ હાથીના દંતૂશળ પર પગ દઈને સુલતાનના શાહજાદા મહોબતખાનને હણેલો તેની એંધાણી તરીકે ‘મહોબતખાન પીરની જગ્યા’ છે. એક વાવ પણ ત્યાં દટાયેલી છે. અને લોકોક્તિ મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ શૂરા થતા તેથી બાદશાહે જ વાવ બુરાવેલી હતી. વીસળ રાબો ચોર્યાસી જાતનાં વ્રત પાળતો અને શત્રુની તરવારની ધાર બાંધી જાણતો એમ મનાય છે.

‘અણનમ માથાં’નું કથાગીત

[આ ઘટનાની સાક્ષી પૂરતું જામનગર તાબે જાંબુડા ગામના મીર કરમણ કૃષ્ણા ચોટાળાનું રચેલું ‘નિશાણી’ નામક પ્રાચીન ઐતિહાસિક ચારણી કાવ્ય. વાર્તામાં કેટલાંક અવતરણો પણ તેમાંથી લીધાં છે.]

ચૌદ સવંત પાંસઠ સરસ,
   પ્રસધ વખાણે પાત્ર,
અણદન વીસળ અવતર્યો,
ચારણ વ્રણ કુળ સાત.
સુપ્રસિદ્ધ સંવત 1465માં ચારણોના સાત કુળમાં વીસળનો જન્મ થયો.

નિશાણી 1

દો કર જોડી શારદા વ્રણવાં વ્રગ વાણી
તું જગજણણી જોગણી પરમહુંત પરાણી
કોયલાપત કતિયાણી રવરજ રવરાણી!
દેવી દૈતવડારણી સાંભળ સરગાણી!
વદિયા હંસાવાહણી દે વેદક વાણી,
વીહળ નરસો વીનવાં, પડ ચાડણ પાણી,

[બે કર જોડીને, હે શારદા, હું વાણીમાં વર્ણવું છું. તું જગજ્જનની જોગણી છો; પરમ (પ્રભુ)થીયે મોટી છો. હે તું કોયલા ડુંગરની દેવી (હર્ષદી), હે રવરાઈ, દૈત્યોને વિદારનારી હે દેવી, હે સ્વર્ગીય, સાંભળ. હે હંસવાહિની વિદ્યાદેવી, તું મને વેદક વાણી દે. એટલે હું પોતાના કુળને પાણી ચડાવનાર વીસળ નામના નરા કુળના ચારણને વર્ણવું.]

નિશાણી 2

પ્રમ ડાડો જેરે હેક પખ, પખ બે પાનંગરા,
ગઢા પરઠે નવનગર ચોરાશી શકારા,
વાહણ નિગમ ભડ વગંબે પખ બે વડવારા,
ચારણ તારણ ખતરિયાં વેદગ વચારા,
ભલા સે ચારણ ભણાં દાતા સવચારા,
તંબર નાગ સવસંતે નરા અંધકારા.

[જેને એક પક્ષે (પિતૃપક્ષે) મહાદેવ દાદો છે, અને બીજે પક્ષે (માતૃપક્ષે) શેષનાગ પૂર્વજ છે, એવા નવે ગદરના અને ચોરાસી ગામના ગઢવીઓ; જેને વેદરૂપી વાહન છે, જેનાં બન્ને કુળો મોટાં છે; એવા ક્ષત્રિયોને તારનારા ચારણો; વેદને વિચારનારા; એવા ભલા એ ચારણોને વર્ણવું છું; એ દાતા છે; સુવિચારી છે; અને તંબર નાગ, ઇત્યાદિ એ નરા ચારણના વડવાઓ છે.]

નિશાણી 3

નવનગરે નરહા વડા ચૌં જગ લગ ચારણ,
વાહણ ફેરણ ગવરીવર, સ્રગ લોગ સકારણ.
સાત દીપ વશ શુધ કળાં ત્રાગે કળ તારણ,
માથે ભારત, ત્રભે મન વડે વેર વડારણ,
તાય વડગણ વીનવાં નર વ્રે નારાયણ.

[એ નવેય નગરના ચારણોમાં નરહા કુળના ચારણો ચાર જુગ સુધી મોટા છે : પોઠિયાનું વાહન ફેરવે છે; સ્વર્ગલોકના કામી છે. સાતેય દ્વીપમાં એનું શુદ્ધ કુળ છે. યુદ્ધ મચે ત્યારે નિર્ભય મન રાખે છે. એટલા માટે હું એને વર્ણવું છું.]

નિશાણી 4

સરુ સરાં જેમ માણસર, દણિયર દેવાળાં,
કળાં નવાં જેમ શેષફણ પાવસ પશવાળાં,
જેમ નરમળ ગંગજળ કોયણ ગરે અઠકળાં,
સાત સમંદ્રાં ખીરસર તવીએ ધ્રુવ તારાં,
રામ રઢાળાં રગવંશાં ગોરખ મેંદ્રાળાં.
એમ વરદાય વીહળ વડો ચારણ સકારાં.

[સરોવરમાં જેમ માનસરોવર, દેવોમાં જેમ સૂર્યદેવ, નવકુળ નાગમાં જેમ શેષનાગ, પશુપતિઓમાં જેમ ઇંદ્ર, નદીઓમાં ગંગા, આઠ કુળ ગિરિઓમાં જેમ મેરુ (કોયણ), સાત સમુદ્રોમાં જેમ ખીરસાગર, તારાઓમાં જેમ ધ્રુવ, રઘુવંશમાં જેમ રામચંદ્ર, યોગીઓમાં જેમ ગોરખનાથ એમ ચારણોમાં શ્રેષ્ઠ ઈશ્વરી વરદાન પામેલો વીસળ ગણાય.]

નિશાણી 5

વડ ચારણ ચવીએ વડો વરદાય વીહળ,
લખણ બત્રીસે લીળઘણ ચિત્ત ધ્રુવ અણચળ,
નરમળ નરહો નવનગર, જેડો ગંગાજળ,
ચોરાશી વ્રણ ચકવે વજિયો ડાડાવળ,
આફળ્યો સોઢે આંગમે દો માઝે મેળે દળ
આગળ રવિયો ધારઇં દિવાણે અણકળ.

[એવો ચારણોમાં શ્રેષ્ઠ, વરદાયી વીસળ, બત્રીસલક્ષણો, ઘણો શોભીતો, અચલાયમાન ચિત્તવાળો, નવેય નગરના ચારણોમાં નિર્મળ એ નરસો. જેવું નિર્મળ ગંગાજળ, ચોરાસીયે વર્ણમાં જે ‘ડાડાવળો’ કહેવાયો, જે અગાઉ સોઢાઓની સાથે લડેલો.]

નિશાણી 6

શાત્રવ શેન શનાયા, શબળા શરતાણા,
રા’ પંચાળા ઉપરે ચડિયા દિવાણા,
શેષ સળક્કે ભારસું, કોરંભ કચકાણા,
ધર અંબર રવ્ય ધ્રોંખળો ઠાર ચડે અઠ્ઠાણા,
થાનકે વીહળ વાત થે નરહે નરહાણા,
દેવારિયા ડાડાવળે નરભે નિશાણા.

[શત્રુઓએ સૈન્ય સજ્યું. સબળ સુલતાન એ પાંચાળના રાજવી ઉપર ચડ્યો. એની સેનાના ભારથી શેષનાગ સળવળ્યા. કાચબો કચકચી ગયો. ધરતી, આકાશ અને રાત્રિ ધૂંધળાં બન્યાં, વીસળના થાનકમાં વાત થઈ, એટલે એ ડાડાવળે (વીસળે) યુદ્ધના નિર્ભય નિશાનો સામે દેખાડ્યાં.]

નિશાણી 7

પાંડવ વેશ પ્રગટિયાં હેંથાટે હેંદળ,
અભંગ અશપત ઉપરે બળિયારે સાબળ,
ધોડ કરે ખગ ધૂણિયા કાબળ અણકળ,
બતત પેખે બરબિયો વીરત ડાડાવળ,
વેરિયાં પડ તાણાવિયો વઢવા કજ વીહળ,
નરહો કોઈ ભાજે નૈ ભેળનાં નરા ભળ.

નિશાણી 8

વીહળ પૂછે વ્રાહ્મણાં સુણ કેસવ કંધાળા,
કણ પગલે સ્રગ પામીએં પશતક નૈયાળા?
કૂંડે મરણ જે કરે, ગળે હેમાળાં,
કરવત ભેરવ કરે, શીખળ શખાળાં,
ત્રિયા ત્રંબાસ આપતળ જે મરે હઠાળા,
તે વર દિયાં વીહળા સ્રગ થિયે ભવાળા.

[વીસળ (કેશવગરને) પૂછે છે, કે હે બ્રાહ્મણ, સાંભળ. હે શૂરવીર કેશવ, કયે પગલે સ્વર્ગ પમાય એવું કોઈ પુસ્તક નિહાળ્યું છે તેં? (કેશવ કહે છે :) કૂંડાળે મરણ કરે, હિમાલયમાં ગાત્રો ગાળે, કાશીએ કરવત મુકાવે, ગિરનાર પર ભૈરવજપ ખાય, સિંહની સામે લડી મરે, અબળા, ગાય કે પોતાના ગરાસ માટે જે હઠીલાઓ મરે, તે બધા સ્વર્ગે જાય, હે વરદાયી વીસળ!]

નિશાણી 9

વીહળ રાબો, રાબો ધાનરવ, સૂરાં ગર સાજણ,
નાગાજણ, રવિયો, નગડ, મૂળિયો, લખમણ,
રૈયણ, સોયો, તેજરવ, સાધે સાંબસણ,
હઠમલ જોગડો ખીમરવ, મરવા હેક લડણ,
આંબર લાંગો આલગો નરદેવ ન્રભે પણ,
સજડે પાલો વેરસલ કેસરિયા વઢકણ,
વીરત કેસવ વ્રામણું બરંબે બ્રદઘણ,
આડા ઊભા આંબલી રઢમલ માંડે રણ.

[એક વીસળ રાબો, બીજો ધાનરવ રાબો, ત્રીજો શૂરવીર સાજણગર, ચોથો નાગાજણ, પાંચમો રવિયો, છઠ્ઠો લખમણ, ત્રણેય મૂળિયા ચારણ : સાતમો તેજરવ સોયો, સામસામાં બાણ સાંધે તેવો તીરંદાજ; આઠમો ખીમરવ, મરવા માટે એકલો લડનારો : નવમો આલગો, નિર્ભય મનવાળો; પાલો અને વેરસલ, જે બંને કેસરિયા કહેવાતા, અને બારમો કેશવગર બ્રાહ્મણ, જેને ઘણાં ઘણાં બિરુદો હતાં. તે બધાએ આંબરડી ગામની આડે ઊભા રહીને રણસંગ્રામ માંડ્યો.]

નિશાણી 10

ચાળ બંધે ચલ્લિયા લૂંવડ હઠાળા,
સાહંદા એ યારસું મુકલ મેહમંદા,
ખદાબદ ખેસખણ કરણ કહંદા,
જાવદા રેમાનજા વ્રત રોજ રહંદા,
પરિત્રિ-નંદા પરામખ વેરાગ વેહંદા,
ગાત્ર ગેહંદા ગજ્જણા લંક મેહંદા,
સગળા હંદા સારખા દરશણ દેહંદા.

[ચાળ બાંધીને એ લૂંવડ જાતના બારેય હઠીલા ચારણો ચાલ્યા. સામે મુગલો અને મોહમેદો છે, જેઓ સાદા રહેમાનનાં વ્રત રહેનાર છે. પરસ્ત્રીના ભોગી છે, પરાઙમુખ છે, વૈરાગ્યવિહીન છે. હાથી જેવા અંગોવાળા ગઝનીઓ છે. લંકાના યોદ્ધા જેવા છે : એવા તમામ સરખા યવનોએ દેખાવ દીધો.]

નિશાણી 11

મીર બચારા ત્રમખ્ખી જકે સ્રવભ્રંખી,
કુંચ કુંવારી મોંયરખી મુંગલ અશમખ્ખી,
ધેધિંગર ધોમચખી જેરી વાણ વલંખી,
વાણ વલંખી વાત જે સરતાણ અસંખી
તાણે ટંક અઢાર કી એહડા તીર નખી,
તે વરદાય વીહળાસું વેધે વધંખી.

[તામસી, સર્વભક્ષી, મોં પર દાઢી રાખનાર, અશ્વ જેવા મોંવાળા મુગલો; ધીંગા અને ધોમચખ આંખોવાળા, જેની વાણી વસમી છે એવા અસંખ્ય સુલતાનો : અઢાર આયુધ બાંધનારા, તીર રાખનારા, એવા તમામ વીસળની સામે લડવા આવ્યા.]

નિશાણી 12

સવાણી સનાયા ભારથ અબંગા,
મેરે બગતરા પાખરાં એહણાં લોહ અંગા,
હાથોડા રાંગાહળા ઝળંબા ઝંગા,
કંધ વ્રજ મેળાહકા સર ટોપ સચંગા,
જેડ લાહ જંજરિયા દીપે દોઅંગા,
જાણ કે મારગ મળિયા માલતાણ મલંગા.

નિશાણી 13

દોહ કડે ખગ દાબિયા વામંગ કટારા,
હે હયડે હાથ કર પટા બે ધારા,
એડા નાખેડા અસે નાળે નળિયારા,
વઢવા કાજ ડાડાવળે કાબલ કંધારા,
ખાન અતંગા વંકડા હુવા હોહોકારા,
હેમર સા હણાયા હડા લાખ કંકડારા.
[કમ્મરની બન્ને બાજુ બબ્બે તરવારો દાબી, ડાભી ભેટમાં કટાર નાખી, બેધારા પટા સજ્યા. હોહોકાર થયો. ઘોડા હણહણવા લાગ્યા.]

નિશાણી 14

હે જલંગા હંસલા કમંધ મકરાણી,
શોપ કેઆડા મંકડા આરબ ખરસાણી,
ગરવર જંગા ગોહણા પે પંથા પાણી,
જાય શશંગી ઝોપિયા સજકિયા પતશાણી,
રેવતવંકા રાવતાં મખમલ પલાણી,
સવરે વજડે વાજતી ઘોડે ચડી પઠાણી.

[જલંગા ઘોડા, હંસલા ઘોડા, મારવાડી, અરબ્બી, ક્યાડા રંગના, માંકડા રંગના અને ખોરાસાની ઘોડા : ગિરિવર ઉપર ચડી જાય તેવી જાંઘોવાળા; પાણીપંથા; તે સહુની ઉપર પાદશાહી પલાણો માંડ્યાં છે. જેવા રેવંતો(ઘોડા) છે, તેવા જ એના રાવતો (અશ્વપાળો) છે. મખમલનાં પલાણ માંડ્યાં છે એવા ઘોડા ઉપર પઠાણો ચડ્યા છે.]

નિશાણી 15

વીહળ માઝી વંકડા છત્રપત છોગાળા,
કળગર જેડા કેશવા નર જે નેઠાળા,
કેસરિયા બે આલગો ભાણેજ શખાળા,
તરકા અણશું આપતલ મચવે મેતાળા,
અભંગ ઘાયે આવિયા વાયે રકમાળા.

નિશાણી 16

ધરે નતાળાં વાદ્યળાં બાંધે ખગાળાં,
સખ નપારાં સેહણાં રોશાળ રઢાળાં,
કુંત ઝબક્કે વીજળાં વજે ત્રંબાળાં,
બાણ વછૂટે સાવળાં ગાજે હથનાળાં,
રત વરશાળાં વાદળાં જાણે કે સખરાળાં,
વડેવધ વશધરા વડાં ભોપાળાં.

[નતાળ (તાળ વિનાનાં નગારાં) વાગ્યાં, તરવારો બંધાણી, ભાલાં ઝબૂક્યાં, ત્રંબાળ વાગ્યાં, બાણો વછૂટ્યાં, હાથનાળો (બંદૂકો) ગાજી.]



  1. પીઠનાં
  2. અને રબારણની વાણી સાચી પડી. વીસળનો દીકરો વાશિયાંગ, જે આ યુદ્ધને ટાણે પારણામાં ઝૂલતો હતો, તેણે જુવાનીમાં અમદાવાદની ભરબજારમાં પોતાના બાપને ભાલાની અણીએ ચડાવનાર ચારણને ભાલે વીંધ્યો હતો.