સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/રખાવટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રખાવટ

કુંકાવાવ ગામના અવેડા ઉપર પચીસ ઘોડાં ચહક ચહક પાણી પીએ છે. અસવારે ઢીલી મેલી દીધેલી લગામો પાણીમાં પલળી રહી છે. ઘોડાનાં શરીર પરસેવે રેબઝેબ છે, તેમ જ સવારોના કપડાં પણ ભીંજાઈ ગયાં છે. આખી વહાર કોઈ પંદર-વીસ ગાઉનો લાંબો પંથ કરીને ચાલી આવતી લાગે છે. પ્રાગડના દોરા ફૂટતા હોવાથી કુંકાવાવ ગામના ખેડુઓ સાંતી જોડી વૈશાખ મહિનાને ટાઢે પહોરે ખેતર ખેડવા માટે ઉતાવળે ઉતાવળે ચાલ્યા જાય છે. “આંહીંથી દેરડી હજી કેટલી રહી?” અસવારોમાં જે મોવડી હતો તેણે થાકેલા અવાજે પોતાના સાથીઓને પૂછ્યું. “બાપુ, દેરડી હજી ત્રણ ગાઉ આઘી રહી.” પાસવાનોએ જવાબ દીધો. દેરડી ગોંડળ રાજનું ગામ છે. “ઓહોહો! હજી ત્રણ ગાઉ!” “બાપુ, ઘોડાં દબાવ્યાં એટલે દેરડી આવ્યું સમજો! ને જરા ચોંપથી લીધ્યે જશું.” “પણ, ભાઈ, મને તો ચાર દિ’ની લાંઘણ હોય એવી ભૂખ લાગી છે. હવે રગું ત્રુટે છે.” ભૂખ્યા થયેલા જુવાન સરદારે એમ કહીને બગાસું ખાધું. એની આંખમાં અંધારાં આવી ગયાં. “ખમા બાપુને! હવે દેરડી ઢૂકડી જ છે બાપુ વાટ જ જોતા હશે. જાતાવેંત શિરામણી ઉપર બેસી જઈએ. આંહીં અંતરિયાળ તો બીજું શું થાય?” આમ વાતો થાય છે અને ઘોડાં પાણી ચસકાવી ચસકાવીને લાદ કરે છે ત્યાં એક ખેડૂતે પોતાનું સાંતી ઊભું રાખ્યું, પાછલા અસવારને પૂછી લીધું કે “કયા ગામના દરબાર છે?” “ગોંડળ-ઠાકોર સંગ્રામજીના કુંવર પથુભા છે.” “તે શું છે?” “ભાઈ ભૂખ્યા થયા છે.” એટલું જાણીને તુરત જ પટેલ કુંવર તરફ ફર્યો; રામ રામ કરીને કહ્યું કે “બાપુ, ભૂખ લાગી હોય તો પછી આ પણ ગોંડળનું જ ગામ છે ને! આંહીં ક્યાં વગડો છે? સહુને ઘેર ગોંડળનો જ પ્રતાપ છે. પધારો ગામમાં.” “પણ બાપુ વાટ જોઈ રહેશે.” “અરે, બાપુ, ધુબાકે રોટલા થઈ જાશે. નાડા-વા સૂરજ ચડે એટલે ચડી નીકળજો ને?” “સારું, ચાલો ત્યારે.” તરત પટેલે સાંતી પાછું વાળ્યું. મોખરે પોતે ને પાછળ પચીસ અસવારોનો રસાલો : એમ આખી મંડળી પટેલની ડેલીએ આવી. ચોપાટમાં ઢોલિયા ઢાળી, માથે ધડકીઓ પાથરી, ગોંડળના કુંવરને બેસાડ્યા. ચૂલો ચાલતો થયો. ભેંસો દોવાઈ ગઈ. દળેલી સાકરની ડબરીઓ ભરાઈ ગઈ. ગોંડળના કુંવરે બે બગાસાં ખાધાં ત્યાં તો પટેલે સાદ કર્યો કે “લ્યો, પધારો બાપુ, બાજઠ માથે.” કણબીએ ઊલટભેર તૈયાર કરેલી સાદી પણ સાચા અંતરની મીઠપભરેલી મહેમાની માણીને કુંવર ઊભા થયા. કોઠો ઠરીને હિમ થઈ ગયો. પોતાની વસ્તીને આવી હેતાળ અને આવી રસકસભરી જોઈ પોતાને મનમાં મોટી મૉજ આવી ગઈ. મનમાં થયું : ‘અરે, હું આવતી કાલનો ગોંડળનાં બારસો પાદરનો ધણી આજ જેને ઘરે હાથ એઠા કરું, એની સાત પેઢીનું દાળદર ભુક્કા ન થઈ જાય તો ગોંડળનું બેસણું લાજે ને!’ “પટેલ, ગામના તળાટીને બોલાવો.” તળાટી વાણિયો આવ્યો. “તળાટી, દોત, કલમ અને દસ્તાવેજનો કાગળ લાવો.” તળાટી કાગળિયો લાવ્યો. “હવે એમાં લખો કે કુંવર પથુભા ભૂખ્યા થયા હતા તે પટેલને ઘેર આજરોજ શિરામણ કરવા ગયા તે બદલ કુંકાવાવ ગામને ઓતરાદે પડખે ચાર વાડીના કોસ ચાંદો-સૂરજ તપે ત્યાં સુધીને માટે માંડી દીધાં છે અને તે અમારા વંશવારસોએ પેઢી દર પેઢી પાળવાના છે. ન પાળે એને માથે ચાર હત્યા.” તળાટી તો લખાવ્યું તેમ લખતો જાય છે. વચ્ચે વચ્ચે માથું ઊંચું કરીને પોતાનાં ભાંગેલ ડાંડલીવાળાં ચશ્માંની અંદરથી પટેલની સામે આંખના મિચકારા મારતો જાય છે. પટેલનું મોં આ બધી મશ્કરી દેખીને ઝંખવાણું પડતું જાય છે. એમ કરતાં દસ્તાવેજ પૂરો થયો. તળાટીએ લીલા અક્ષરો ઉપર રજિયામાંથી રેતી છાંટી ખોંખારો ખાઈ, આગળ ધર્યો અને કહ્યું : “લ્યો બાપુ, મારો મતું.” પથુભા કુંવરે પોતાની સહી કરી. દાઢ ભીંસીને તળાટી બોલવા લાગ્યો કે “વાહ! રંગ છે ગોંડળના ખોરડાને! એ તો એમ જ છાજે ને! જેને પાણીએ બાપુ હાથ વીછળે એનાં દાળદર તો દરિયાને કાંઠે જ વયાં જાય ને! રંગ છે બાપુને!” વાણિયો બોલે છે અને એને વેણે વેણે પટેલના મુખ પરની અક્કેક કળા સંકેલાતી જાય છે. કુંવરની ભ્રમણા ભાંગવા માટે પટેલ તલપાપડ થઈ રહ્યો છે, પણ સાચી વાતની જાણ થતાં કુંવરને ભારી ભોંઠામણ આવશે એવી બીકે પટેલ મૂંગો જ બેઠો રહ્યો. થોડી વાર રહીને કુંવર ઘોડે ચડ્યા. પહોળાયેલી છાતીએ કુંવરે પટેલને રામ રામ કરી દેરડી ઉપર ઘોડાં હાંકી મૂક્યાં. “લ્યો, પટેલ, આ ચાર વાડીનો દસ્તાવેજ ઘોળીને પી જજો.” એમ કહીને તળાટીએ સરખી ઘડ્ય વાળી કાગળિયો પટેલને આપ્યો. “લ્યો, સમજ્યા ને, પટેલ, આ દસ્તાવેજ દૂધમાં ડોઈને શિરાવી જાજો.” પટેલ શું બોલે? પોતે આખી વાતની મૂર્ખાઈ સમજે છે. પટેલ મૂંગા રહ્યા એટલે તળાટીને વધુ શૂરાતન ચડ્યું. “ડોઈને પી જાજો, સમજ્યા ને? સાત પેઢી સુધી ચાર વાડિયુંના ઘઉં ચાવજો; સમજ્યા ને? હા...હા...હા...! જોજો, ગગો ચાર વાડિયુંના કોસ દઈ ગયો! જાણે બાપાની કુંકાવાવ હશે, ખરું ને? બાપુ જગા વાળાનું ગામ, અને એની ચાર વાડિયું ગગો ઇનામ દેતો ગયો! લાજ્યો નહિ?” “અરે પણ, શેઠ, તમે તો આ શું લવરી કરો છો? એને બાપડાને ખબર નહોતી અને ભૂલ કરી તો શું થઈ ગયું? તમે પોતે કેવા મૂરખ કે એને વાતનો ફોડ પણ ન પાડ્યો ને ઊંધું માથું રાખીને મંડ્યા દસ્તાવેજ ઢરડવા!” “હં....અં! પટેલ! હું સમજું છું. શેર ચોખા વાવર્યા, ને તમારે તો આખું ગામ મળવાની લાલચ હશે!” “અરે માળા લબાડ! તું તે શું રાળી રહ્યો છો? આપણા ગામને પાદરથી અઢાર વરણનું એક પણ માનવી ખાધા વગર કોઈ દી જાય નહિ, તો પછી આ તો ગોંડળનો ગાદીવારસ હતો! એમાં મને શું લાલચ હતી? જરાક ભગવાનનો તો ભો રાખ!” “હં.... અં! અમે સમજીએં છીએં, પટલ, તમારે ગામ જોતું’તું, તે લ્યો. આ દસ્તાવેજ ડોઈને શિરાવી જાજો, કોઠો ઠરશે, સમજ્યા ને!” કાળજું કાપી નાખે તેવાં મર્મનાં વચનો કાઢતો કાઢતો વાણિયો તો ચાલ્યો ગયો, અને પટેલ પણ પેટમાં કશા દુઃખધોખા વગર પાછો સાંતીડું જોડીને કામે વળગ્યો. પરંતુ વાત તો વાએ જેતપુર પહોંચી ગઈ. જેતપુરના ભાગીદાર જગા વાળાને જાણ થઈ કે આપણી કુંકાવાવની અંદર ગોંડળના પાટવી કુંવર પથુભાએ પટેલને ઘેર શિરામણ કર્યાના બદલામાં ભૂલભૂલથી ચાર વાડીઓ પટેલને ‘જાવચ્ચંદ્ર દિવાકરૌ’ માંડી દીધી. અને તે પછી બાપડા પટેલને માથે ગામના તળાટીએ માછલાં ધોયાં. ખડ! ખડ! ખડ! ખડ! આખો દાયરો ગોંડળના કુંવરની નાદાની ઉપર દાંત કાઢવા લાગ્યો અને દરબાર જગા વાળાએ પણ જરાક હોઠ મરકાવ્યા. “પણ, બાપુ, તળાટીએ પટેલને બહુ બનાવ્યા. ગામ આખાને ભારે સુવાણ કરાવી.” “એમ કે, બા! ઠીક, ત્યારે તો આપણેય રમોજ લઈએં. આંઈ બોલાવો ઈ પટેલને અને તળાટીને. ઓલ્યો દસ્તાવેજ પણ સાથે લાવવાનું લખજો.” આ રીતે દરબારે હુકમ દીધો. દરબારના મન ઉપર કાંઈક કોચવણ પણ દેખાણી. માણસ કુંકાવાવ ગયો. તળાટીને કહે છે કે “બાપુ તેડાવે છે.” “કાં?” “ઓલ્યો દસ્તાવેજવાળો સુગલો કરવા.” તળાટી હરખમાં આવી ગયો. પોતાની ગમ્મત ઉપર બાપુ ફિદા થઈ ગયા હોવાની વાત સાંભળીને તરત જેતપુરની તૈયારી કરી. પરંતુ બીજી બાજુ પટેલને તો પોતાની ફજેતી થશે એમ સાંભળીને મરવા જેવું થઈ પડ્યું. પણ શું કરે? ધણીનો હુકમ હોવાથી જવું પડ્યું. રસ્તામાં વાણિયો એનો જીવ લઈ ગયો. દાયરામાં જઈને બેય જણા ઊભા રહ્યા ત્યાં તો હસાહસનો પાર ન રહ્યો. પટેલ નીચું જોઈ ગયો અને વાણિયાની જીભ તો માણકી ઘોડીની માફક વહેતી થઈ ગઈ. બાપુએ પૂછ્યું કે “કાં તળાટી, શી હકીકત બની ગઈ?” “બીજું શું, બાપુ! પટેલને આપણા ગામની ચાર વાડિયું ઇનામમાં મળી.” “કોના તરફથી?” “ગોંડળના પાટવીકુમાર તરફથી.” “તે હવે શું?” “હવે પટેલ દસ્તાવેજને ડોઈને શિરાવી જાય, બીજું વળી શું? ક્યાં લીલાંછમ માથાં વાઢીને કુંકાવાવ લેવા પથુભાનો દાદો આવ્યો’તો? માટે, પટલ! ડોઈને પી જાઓ, સમજ્યા ને?” “જોઉં કાગળિયો!” એમ કહીને દરબારે દસ્તાવેજ લીધો, વાંચ્યો. એની મૂછો ફરકવા મંડી, કહ્યું : “ઠીક, લાવો એક ત્રાંબાનું પતરું.” પતરું હાજર થયું. “આ દસ્તાવેજનું વેણેવેણ એ પતરામાં કોતરી કાઢો, અને નીચે ઉમેરો કે કુંવર પથુભાએ કરી દીધેલ આ લેખ અમારી પેઢી દર પેઢીએ, જેતપુરની ગાદી તપે ત્યાં સુધી પાળવો છે. ન પાળે એને માથે ચાર હત્યાઉં.” તળાટી કાળોધબ થઈ ગયો. મૂછ માથે હાથ દઈને દરબાર બોલ્યા : “પથુભા કુંવરને કાગળ લખો કે તું સંગ્રામજીનો દીકરો, ઈ મારોય દીકરો. તું દેતાં ભૂલ્યો. આખી કુંકાવાવ માંડી દીધી હોત તો પણ હું પાળત. ન પાળું તો કાઠીના પેટનો નહિ.” “અને તળાટી! તુંને હિંગતોળને શું કહું? મારા લાખ રૂપિયાના કણબીનું માથું વઢાવવા ઊભો થ્યો છો? યાદ રાખજે, પગ ઝાલીને બે ઊભા ચીરા કરી નાખીશ! એલા, પાદર નીકળેલ પરોણાને એણે રોટલો નીર્યો એમાં તારો ગુનો કરી નાખ્યો એણે? ખબરદાર જો હવે કાંઈ બોલ્યો છો તો!” ઠાકોર સંગ્રામજી અને પથુભા કુંવર બેઠા છે ત્યાં જગા વાળાનો કાગળ પહોંચ્યો. કુંવરને પોતાની ભૂલ માલૂમ પડી. એણે સામો કાગળ લખ્યો : “શાબાશ, કાકા! રખાવટ તે આનું નામ! બાપુએ લખાવ્યું છે કે પેડલા ગામમાં આપણે જમીનનો કજિયો છે તેનો આજથી અંત આવે છે. પેડલા ગામનો ગોંડળનો ત્રીજો ભાગ આજથી અમે તમને માંડી દઈએ છીએ.” કુંકાવાવના એ કણબીના વારસો હજુ ઘણાં વર્ષો સુધી એ ચાર વાડીનો કપાળ-ગરાસ ભોગવતા હતા. પણ એજન્સીની મૅનેજમેન્ટમાં એ જમીન ખાલસા કરવામાં આવી કહેવાય છે.