સ્ટેચ્યૂ/કાગળની હોડી માટે પાણી ખરીદવું પડશે
દિવાળીના તહેવાર પાદરમાં આવીને ઊભા છે. કચ્છ અને ગુજરાતમાં દુકાળના કારમા દિવસો શરૂ થઈ ગયા છે. જળાશયોમાં ધૂળ ઊડે છે. કૂવાના તળ સુકાઈ ગયાં છે. હવે કોઈ પનિહારી માથે હાંડો અને કાંખમાં ગાગર લઈને કૂવે પાણી ભરવા જતી નથી. પણ નેજવું કરીને સરકારી ટૅન્કરોની રાહ જોતી શેરીમાં ઊભી છે. દુકાળ પડે છે ત્યારે શબ્દકોશમાંથી ‘પનિહારી’ શબ્દ નામશેષ થઈ જાય છે. શિશુઓએ પણ વરસોથી પાણીમાં ‘છબછબિયાં' કર્યાં નથી, એટલે 'છબછબિયાં' શબ્દ હવે કવિતામાં જ જીવતો રહ્યો છે. બાળકો હવે કાગળની હોડી બનાવવાનું ભૂલી ગયા છે. પહેલાં તો શેરીમાં ઘૂંટણભેર પાણી હાલ્યાં જતાં હોય અને કાગળની હોડીને પાણીમાં તરતી મૂકવાનો જે આનંદ હતો તે આનંદ બાળક પાસેથી લૂંટાઈ ગયો છે. બાળકો હવે પાણીમાં તરાવવા માટે કાગળની હોડી નથી બનાવતા પણ શાળામાં ઉદ્યોગશિક્ષકે કાગળની હોડી બનાવવાનું કહ્યું છે એટલે બનાવે છે. આજે એક બાળકને કાગળની હોડી તરતી મૂકવા માટે પાણી ખરીદવું પડે એવા દિવસો આવ્યા છે. ગામના કૂવાઓ માથે કાગડા ઊડે છે. ગુજરાતનાં નારીજીવનમાં કૂવો એ કોઠો ઠાલવવાનું સરનામું ગણાય છે. આખો દિવસ ઘરકામની ચક્કીમાં પિસાતી ગુજરાતી નારી કૂવે પાણી ભરવા જાય છે ત્યારે સહેલીઓ સાથે થોડીક મોકળી થાય છે. સુખદુ:ખની વાતો કરે છે. થોડીક એકલી પડે છે. દુકાળના દિવસોએ ગુજરાતી નારી પાસેથી કૂવા પૂરતી એકલતા પણ છીનવી લીધી છે, વાગડની વઢિયારી સાસુથી ત્રાસેલી ગુજરાતી કુટુંબની વહુ રૂપકુંવરની જેમ સતી નથી થતી પણ કૂવે પડે છે. ગુજરાતના કોઈ પણ ગામડામાં જઈને કૂવે કાન માંડો તો અસંખ્ય રૂપકુંવરોનો ચિત્કાર તમને સંભળાય. ગુજરાતી વહુઆરુ માટે કૂવો એક આશ્વાસન હતું પણ ગુજરાતી સમાજ માટે કૂવો એક શરમ છે. દુકાળના કારમા દિવસોનું આશ્વાસન માત્ર એટલું જ રહ્યું છે કે કોઈ વહુઆરુ કૂવે પડીને સતી નહીં થાય. પહેલાં તો વૃદ્ધોની બિસમાર જિંદગી પોતાનાં સંતાનો દિવાળી કરવા ક્યારે ઘેર આવે એની રાહ જોતી ડેલીએ બેસતી. કાગને ડોળે ટપાલની રાહ જોતી. પણ હવે કોઈ સંતાનો દિવાળી કરવા વતનમાં જતા નથી. પણ પોતાના કુટુંબકબીલા સાથે માથેરાનની સહેલગાહે ઊપડી જાય છે અને ઘોડેસવારીનો આનંદ લૂંટતા થઈ જાય છે. પહેલાંના દિવસોમાં મનેકમને વૃદ્ધ મા-બાપને રાજી રાખવા સંતાનોને દિવાળી કરવા વતનમાં જવું પડતું પણ હવે તો સંતાનોને દુકાળનું બહાનું મળી ગયું છે કે, 'ગામમાં પીવાના પાણીની હાડમારી છે એટલે દિવાળીએ અમે નહીં આવીએ.' વતનમાં વૃદ્ધ મા-બાપોના નસીબમાં ગોખલાનું અંધારું જ રહી જાય છે. હોમલાઈટ બાક્સથી દીવા થઈ શકે. ચૂલો સળગી શકે, વહુ બળી મરી શકે. સિગારેટ સળગી શકે. ચિંતા સળગી શકે. પણ ઘરમાં અજવાળું ન થઈ શકે. વૃદ્ધ મા-બાપને મન સંતાનો એ 'હોમલાઈટ' છે. આ દિવાળીએ કોઈ સંતાનો વતનમાં નહીં જાય. વૃદ્ધ માબાપો દિવાળી કરવાં મુંબઈ આવશે. ઊલટી ગંગા થશે. દુકાળ આપણા સંવેદનતંત્રના નકશા કેટલા બધા બદલી નાખે છે! ભારતના નકશામાં મારું વતન કીડીના પગ જેવડું પણ દેખાતું નથી. ઝીણી આંખે જોઉં તોય મારા વતનનું નામ મને નકશામાંથી મળતું નથી. મારી શેરી, મારી ડેલી, મારું પાદર, મારા ભેરુઓ અને મારું શૈશવ મૃગજળની જેમ તરવર્યા કરે છે. હું એની પાછળ પાછળ ફર્યા કરું છું પણ મારો કંઠ તરસ્યો રહી જાય છે. દુકાળ કેવળ પાણીનો નથી પડ્યો, પણ સંવેદનનો પડ્યો છે.