સ્ટેચ્યૂ/કૃષ્ણના મોરપિચ્છમાં દ્રૌપદીની આંખ




કૃષ્ણના મોરપિચ્છમાં દ્રૌપદીની આંખ



મહાભારતમાં દ્રૌપદી એક જ એવી છે કે જેણે કૃષ્ણને ક્યારેક પઝેસ નથી કર્યા. એણે કૃષ્ણભક્તિનો ક્યારેય દેખાડો નથી કર્યો. શેરડી કાપતા કૃષ્ણની આંગળીએ લોહીનો ટશિયો ફૂટે ત્યારે કૃષ્ણની પટરાણીઓ પાટા બાંધવા માટે લૂગડાનો કટકો ગોતવા જાય અને દ્રૌપદી એ જ ક્ષણે પોતાની સાડીનો છેડો ફાડીને કૃષ્ણની આંગળીએ તરત પાટો બાંધી આપે. આ નાનકડા પ્રસંગમાં મને કૃષ્ણની લોહી નીતરતી આંગળીએ દ્રૌપદીના પ્રેમનો ગોવર્ધન ઊંચકાતો દેખાય છે અને મહેલની પટરાણીથી પઝેસ થયેલા લાચાર કૃષ્ણ પણ દેખાય છે. અહીં કોઈ વેપારી માણસ એવો અર્થ કાઢે કે કૃષ્ણની આંગળીએ દ્રૌપદીએ પાટો બાંધ્યો હતો એટલે વસ્ત્રાહરણ વખતે કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂર્યા. પણ અહીં એવી કોઈ લેતીદેતીનો પ્રશ્ન જ નથી. કૃષ્ણે વસ્ત્રાહરણ વખતે દ્રૌપદીના પાટાનું બિલ ચૂકવ્યું નથી, પણ નારીગૌરવની રક્ષા કરી છે. અહીં મજાની વાતો એ છે કે વસ્ત્રાહરણ વખતે દ્રૌપદી મદદ માટે કૃષ્ણને બૂમો નથી પાડતી, પણ પોતાના પાંચ ભરથારોને પોતાની લાજ બચાવવા વિનવે છે. એ ભિષ્મપિતામહને કરગરે છે. અહીં તમે જોઈ શક્યા હશો કે દ્રૌપદી પોતાની વિષમ પરિસ્થિતિમાં પણ કૃષ્ણને મદદ માટે બૂમો પાડીને પઝેસ કરતી નથી પણ પોતાને જેણે પઝેસ કરે છે એ પાંડવપુત્રોને લાજ બચાવવા વિનવે છે. દ્રૌપદીને મન કૃષ્ણ સંકટ સમયની સાંકળ નથી પણ કોઈ જાતની અપેક્ષા વગરના પ્રેમની સાંકળ છે. દ્રૌપદી એ કાંઈ પાંડવપુત્રોની ઘરરખ્ખુ ગૃહિણી નથી, પણ પ્રેમરખ્ખુ મહિલા છે. એ વિશ્વની પ્રથમ મુક્ત મહિલા છે. દુનિયાની નજરે એ પાંચ પુરુષની પત્ની દેખાય છે પણ હકીકતમાં પાંચ પાંડવો તો દ્રૌપદીની પંચેન્દ્રિય છે અને એ પંચેન્દ્રિય દ્વારા દ્રૌપદી ઇન્દ્રિયતીત કૃષ્ણને પામે છે. કૃષ્ણનું મોરપિચ્છ એ રોમેન્ટિસિઝમનું પ્રતીક છે. મને એ મોરપિચ્છમાં દ્રૌપદીની આંખ દેખાય છે. મહાભારતમાં તમે જોઈ શક્યા હશો કે કૃષ્ણ ઉપર દ્રૌપદીનું કોઈ પઝેસન નથી અને દ્રૌપદી ઉપર કૃષ્ણનું પઝેસન નથી. પણ આપણે તો તૈયાર કબજો અને રેડી પઝેસનના માણસો છીએ. કૃષ્ણ અને દ્રૌપદીનો ઇન્દ્રિયાતીય સંબંધ સમજવાની આપણી પહોંચ નથી, કારણ કે કોઈપણ ચીજ ઉપર આધિપત્ય સ્થાપી દેવું એ મનુષ્યનો સ્વભાવ છે. કુટુમ્બ, ઘર કે મિલકત ઉપર કોઈ પોતાનું પઝેસન રાખે એ તો સમજી શકાય એવી વાત છે. પણ કૃષ્ણને કોઈ પઝેસ કરે છે ત્યારે સંપ્રદાય ઊભો થાય છે. આપણો સમાજ અસંખ્ય સંપ્રદાયોથી ખદબદે છે, સડે છે, વાસ મારે છે. કૃષ્ણના જીવન ઉપર નજર નાખીએ છીએ ત્યારે ખબર પડે છે કે કૃષ્ણે જન્મતાવેંત જ દેવકી અને વાસુદેવનું પઝેસન તજી દીધું છું. અને ગોકુળમાં પણ નંદ-યશોદાનું આજીવન પઝેસન કબૂલ નહોતું રાખ્યું. યશોદા બાળકૃષ્ણને દોરડે બાંધવા જાય છે પણ દોરડું ટૂંકું પડે છે અને કૃષ્ણ બંધાતા નથી એનો અર્થ એટલો કે કૃષ્ણ ક્યારેય પઝેસ થતા નથી. રામના જીવનમાં આથી તદ્દન ઊલટું બનતું દેખાય છે. રામ તો દશરથની આજ્ઞાના દોરડે તરત બંધાઈ જાય છે. દશરથ રામને પઝેસ કરે છે અને પઝેસ થયેલા રામ ચૌદ વરસનો વનવાસ ભોગવે છે. રામનું વ્યક્તિત્વ જ એવું છે કે તમે એનું તૈયાર પઝેશન લઈ શકો. અયોધ્યાનો મામૂલી ધોબી પણ રામને પઝેસ કરી શકે છે. અહીં મઝાની વાત એ છે કે રામ સીતાને પઝેસ કરવા ગયા કે તરત સીતાનો વિરહ હાજર થઈ ગયો. અહીં આપણે સમજવાનું એ છે કે પઝેસન એ મર્યાદા છે. રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે એની પાછળ પઝેસનનું દોરડું રહેલું છે એમ મને લાગે છે. મને ઘણી વાર એવું ફિલ થયા કરે છે કે ભક્તિ એ પઝેસનનું આધ્યાત્મિક નામ છે. રામની ભક્તિ થઈ શકે છે પણ કૃષ્ણને તો પ્રેમ જ થાય. કૃષ્ણને પ્રેમ સિવાય બીજું કાંઈ ન ખપે. દ્રૌપદી અને કૃષ્ણ વચ્ચે જે કૉમ્યુનિકેશન પ્રવર્તે છે, એ જોતાં એમ કહેવાનું મન થાય કે દ્રૌપદી એ કૃષ્ણની પ્રેમગીતા છે. કૃષ્ણની આ પ્રેમગીતાને કોઈ શબ્દ નથી એટલે તો એ પ્રેમગીતાને પુસ્તકનું પઝેસન નથી. ફરી એક વાર મારી આંખ સામે પારદર્શક કાચ દેખાય છે. કાચની પારદર્શકતા કોઈને પઝેસ કરતી નથી, પણ અરીસો આપણા ચહેરાનું તરત પઝેસન લઈ લે છે. કૃષ્ણએ પોતાની રાજધાની દ્વારિકા ઉપર પણ કોઈ પઝેસન રાખ્યું નથી. તમને રામની અયોધ્યા જોવા મળશે પણ કૃષ્ણની અસલી દ્વારિકા ક્યાંય જોવા નહીં મળે. કૃષ્ણે પોતાની મૂળ દ્વારિકાને સમુદ્રમાં ડુબાડી દીધી છે. કૃષ્ણને બરાબર ખબર છે કે ‘જો મારી દ્વારિકાને નામશેષ નહીં કરું તો ભવિષ્યમાં રામની જન્મભૂમિને પઝેસ કરવા જેવો વિવાદ દ્વારિકામાં સર્જાશે.'