સ્ટેચ્યૂ/દ્રાક્ષની પેટી ભરીને ઉનાળો આવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search




દ્રાક્ષની પેટી ભરી ઉનાળો આવ્યો



ઉનાળો બેસે ત્યારે એક પ્રકારની મધુર આળસ પથરાઈ જાય છે. રસ્તા ઉપર તરબૂચના ઢગલાઓ જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે તરબૂચ એ ઉનાળામાં માથું છે. હવે આ માથા ભારે ઉનાળો કોઈને નહીં છોડે. અમારા ગામની શેરીમાં ઉનાળો બેસતો ત્યારે અથાણાંની મોસમ બેસતી. શેરીનાં બૈરાંઓ ખોળો વાળીને કામમાં લાગી જતા દેખાય. ઓસરીમાં પિંજરાનું ટ્રિન ટ્રિન શરૂ થઈ જાય. છાપરાં ઉપર ગાદલાં-ગોદડાં સૂકવવા નખાય. બપોર કેડ્યે કેરીનો રસ અને રોટલીનું મારણ કરીને બધા જમીન ઉપર ઘસેડતા દેખાય. હવા એટલી બધી ગરમ હોય કે ભીના ટુવાલ ઓઢીને બેસીએ તો પણ બફારો થાય. સૂરજ માથે ચડ્યો હોય ત્યારે કોઈનું ગજું નથી કે બહાર નીકળે. ગોલા અને કુલફીવાળાની રેકડીઓ સિવાય આખી શેરી થીજી ગઈ હોય એવું લાગે. ગરમીની મોસમનો પણ એક આનંદ છે. ઉનાળાની સાંજ એટલી સરસ હોય છે કે એને સેફ ડિપોઝીટ વૉલ્ટમાં મૂકી દેવાનું મન થઈ જાય છે. ગરમીના દિવસોમાં અગાસી ઉપર સૂવાનો જે આનંદ છે તે મુંબઈ જેવા શહેરોમાં દુર્લભ છે. આપણે મુંબઈ જેવા મહાકાય શહેરમાં વસીએ છીએ, પણ ઉનાળાના સાચુકલા અનુભવથી સાવ વંચિત રહીએ છીએ. જ્યાં જુઓ ત્યાં ઍરકંડિશનરોના ડબલાંએ ઉનાળાને દેશવટો આપી દીધો છે. ઉનાળો જાણે કે અણગમતો અતિથિ હોય તેમ આપણે એને ઉંબરે ઊભો રાખીએ છીએ. ઍરકંડિશનરોએ ઉનાળાના કુદરતી અનુભવથી આપણને છેદી નાખ્યા છે. મને લાગે છે કે આપણી ચામડીએ મોસમના સંવેદનો ગુમાવી દીધા છે. મે મહિનાની વરસતી લૂમાં માથે ભીનો નેપકીન રાખીને વૃક્ષને છાંયડે ઊભા રહેવાનો આનંદ આપણે ગુમાવી દીધો છે. એક ગુલમહોર જ એવો છે કે જે ઉનાળાને હૃદય ભરીને આવકારે છે. ભયંકર ગરમીમાં ગુલમહોરનું વૃક્ષ લાલચટ્ટાક ફૂલો ધારણ કરીને મ્હોરી ઊઠે છે. પહેલા તો ઉનાળો આવતો ત્યારે વૃક્ષના છાંયડાઓનો મહિમા ખૂબ વધી જતો. પણ હવે તો આપણે એટલી બધી સગવડો ઊભી કરે છે કે છાંયડાનો કોઈ ભાવ પૂછતું નથી. ઘેઘૂર વૃક્ષના છાંયે ખાટલો ઢાળીને પડી રહેવામાં જે મજા છે તેવી મજા ઍરકંડિશન બખોલોમાં નથી. માણસ ગરમીથી બચવા હિલ સ્ટેશને જાય છે. ત્યાં પણ ઍરકંડિશન કમરાઓમાં એને પુરાઈ રહેવાની ટેવ પડી ગઈ છે. પાણિયારે નવા માટલામાં વાળો નાખીને ઠંડું કરેલું પાણી પીવામાં જે સ્વાદ આવતો એવો સ્વાદ રેફ્રિજરેટરોમાં ઠારેલી બાટલીઓમાં નથી આવતો. આપણું શહેરી જીવન રોજબરોજ કૃત્રિમ બનતું જાય છે એ ફરિયાદ હવે વાસી થઈ ગઈ છે. કાચી કેરીના લીલા રંગ જેવી હયાતી પરિપક્વ બનીને વધુ પડતી ઠાવકી થઈ ગઈ છે. આ મહાનગરમાં કોઈ માણસ હવે કાચું રહ્યું નથી. મને તો એવું લાગે છે કે આપણે જેટલા પરિપક્વ બનીએ છીએ એટલા બાળક મટી જઈએ છીએ. ઋતુપરિવર્તનનો આનંદ જેટલો બાળક લઈ શકે છે એટલો આપણે લઈ શકતા નથી. આંબાના ઝાડ ઉપર પથરો મારીને કાચી કેરી પાડતું બાળક જોઉં છું ત્યારે મને થાય છે કે નગરસંસ્કૃતિનાં આક્રમણમાંથી આ બાળક બચી ગયું છે. એને સાચવી રાખવું જોઈએ. શિક્ષણે શિખવાડેલા શાણપણની હોળી કરીને ફાગણના રંગમાં થોડાક ભીંજાઈએ તો જ ઢાલ કાચબાની પીઠ જેવી આપણી ચામડીને રંગનો રોમાંચ થાય. મને ઉનાળો બહુ ગમે છે. શાળાના ઝાંપા પાસે ગોળાની રેકડી ઊભેલી જોઉં છું ત્યારે સભ્યતાના બધા જ વાઘા ઉતારીને ત્યાં દોડી જવાનું મન થાય છે. ખરા બપોરે ધૂળિયા રસ્તા ઉપર લૂ ખાતા ખાતા ચાલવાનું મન થાય છે. ઉનાળા સાથે વેકેશન જોડાયેલું છે એટલે કામચલાઉ નિવૃત્તિનો અધૂરો પણ મધુરો અનુભવ થાય છે. પુસ્તકો અને અભ્યાસક્રમોની નાગચૂડમાંથી મુક્ત થયેલું બાળક કેટલું બધું સુંદર લાગે છે! માર્ચ-એપ્રિલમાં પરીક્ષાનો હિરણ્યકશિપુ ઘૂરકિયા કરતો ઊભો છે છતાં નિર્દોષ પ્રહ્લાદો મે વેકેશનની ધગધગતી થાંભલીને બાથ ભરવા આતુર છે. વૃક્ષોના ઘટાદાર છાંયડાઓ લહેરાઈ રહ્યા છે. હવે બપોર વધારે સખત બનશે. તાપ આકરો થશે. એક ઉર્દૂ કવિએ ઉનાળાની સખત બપોર વિશે લખ્યું છે કે ‘બપોર મને નાળિયેર માનીને પી રહી છે.' આપણે ભલે પીવાઈ જઈએ પણ ઉનાળાને તો દ્રાક્ષની પેટીઓમાં પૂરીને સાચવી રાખવા જેવો છે.