સ્ટેચ્યૂ/નગણ્યતાનો ઉત્સવ
મનુષ્યમાત્ર એમ ઇચ્છે છે કે પોતાની કોઈ ગણતરી કરે અથવા સ્વીકાર કરે. જ્યાં સુધી આ ગણતરી થતી નથી ત્યાં સુધી મનુષ્યનો એ માટેનો સંઘર્ષ સતત ચાલતો રહે છે. જીવનના કોઈપણ ક્ષેત્રમાં તમે જોશો તો મનુષ્યની સ્વીકાર ઘેલછાનો અનુભવ તમને થયા વિના નહિ રહે. આપણે ત્યાં કહેવાય છે કે ઉપેક્ષા જેવું કોઈ અસરકારક શસ્ત્ર નથી. માણસ બધું જ કરી શકશે પણ પોતાની ઘોર ઉપેક્ષા ક્યાંક થતી હશે તો તે સહન કરી શકશે નહિ, ‘મારી કોઈ નોંધ લેતું નથી’, 'મને કોઈ ગણતું નથી', 'મને ક્યાં કોઈ પૂછે છે?’, 'કોઈને મારી પડી નથી', 'મારા કરમમાં જશ જ ક્યાં છે?' 'મારો કોઈએ ઉલ્લેખ ન કર્યો.’ (આ ફરિયાદ મોટેભાગે સાહિત્યકારો કરતા હોય છે) ‘મને જુદો તારવ્યો' આવા અનેકવિધ વાક્યો દ્વારા પ્રગટતો અસંતોષ તમને ઠેર ઠેર જોવા મળશે. અલબત્ત, અસંતોષ, વિના ઊર્ધ્વગામી થઈ શકાતું નથી એ વાત સ્વીકારીએ તો પણ આવા અસંતોષ પાછળ આત્મસ્થાપનાની વૃત્તિ વિશેષ કામ કરી રહી હોય છે. દરેક મનુષ્ય પ્રવૃત્તિના કેન્દ્રમાં આવવા ઇચ્છે છે. જ્યારે આ કેન્દ્રગામી મનુષ્ય કેન્દ્રને પામતો નથી ત્યારે દુ:ખી દુ:ખી થઈ જાય છે. ફરિયાદ કરતો થઈ જાય છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે આપણું જીવન હજી તદ્દન પરાધીન અવસ્થામાં છે. જ્યાં સુધી આપણને અન્યની સ્વીકૃતિની અપેક્ષા છે ત્યાં સુધી હું નથી માનતો કે આપણે સાચા અર્થમાં મુક્ત માનવી છીએ. જો મારી અન્યની સ્વીકૃતિ-અસ્વીકૃતિ પર જીવવાનો આધાર રાખવાનો હોય તો એ જીવન જીવ્યાથી મને શું પ્રાપ્તિ થઈ? થોડાંક સર્ટિફિકેટો, થોડાંક માનચાંદ, થોડાંક પારિતોષિકો, થોડીક વાહવાહ, થોડીક સત્તા, થોડીક પ્રસિદ્ધિ અને થોડાક પૈસા, આ બધાને શું આપણે પ્રાપ્તિ કહીશું? માનચાંદને દર વર્ષ પોલિશ કરાવીને ચકચકિત રાખવાથી અંદરનો પેલો હાડસાચો અસંતોષ થોડો ઓછો થઈ જવાનો છે? જગતના સર્વોચ્ચ પારિતોષિકો મારા અસંતોષને ઓગાળી નાખવાની કોઈ ખાતરી આપતા નથી એટલે આવા પારિતોષિકો રડતા બાળકને છાનું રાખવા માટે વિધાતાએ આપેલાં માત્ર રમકડાં જેવા જ છે. આ રમકડાંથી રમી શકાય પણ જીવી ન શકાય. જે માત્ર રમવા માટે જ છે તેને આધારે જીવવાનો ઢોંગ આપણે કરીએ ત્યારથી દુ:ખની પરંપરા આપણા માટે શરૂ થઈ જાય છે. અત્યારે વસંતઋતુનાં પગલાં ઠેર ઠેર સંભળાઈ રહ્યા છે. પર્વતની ખીણમાં અસંખ્ય ફૂલો પૂર્ણ સ્વરૂપે ઊઘડીને પવન સાથે ઉપનિષદ કરી રહ્યાં છે. વનસોંસરી ભૂરી ભૂરી કેડીઓ આડાંઅવળાં વળાંક લેતી સડસડાટ દોડી જાય છે. જંગલો રંગીન બની ગયાં છે. પંખીઓના મધુર કલરવનું ઘરેણું પહેરીને વૃક્ષની શોભા નવોઢાની જેમ શરમાઈને ઊભી છે. રંગીન પતંગિયાનું ટોળું જાણે કે આકાશની ભીંત પર કોઈએ રંગીન શાહીવાળી ફાઉન્ટન પેન છંટકોરી! કુદરતને ખોળે કેટલી બધી પ્રવૃત્તિ થઈ રહી છે, છતાં આ પ્રવૃત્તિના કેન્દ્રમાં કુદરત સિવાય બીજું કોઈ નથી. પંખીના કેન્દ્રમાં ઊડવું તે છે. ફૂલના કેન્દ્રમાં ખીલવું તે છે. પંખીને કોઈ ગણે કે ન ગણે તે તો ઊડવાનું જ. ફૂલને કોઈ ગણે કે ન ગણે તે તો ખીલવાનું જ. અહીં તમે જોઈ શક્યા હશો કે કુદરતનો આટલો બધો વૈભવ છલકાઈ રહ્યો છે તેના સમાચાર અખબારોના પહેલે પાને ચમકતા નથી છતાં પતંગિયું વાંકી પાંખે ઊડતું નથી. પંખીનો કલરવ બસૂરો થતો નથી. ફૂલોએ હડતાળ પાડી નથી. આમ કુદરત એ નગણ્યતાનો મહોત્સવ છે. આવી નગણ્યતાનો મહોત્સવ જીવનમાં ઉજવાય ત્યારે આપણાં બધાં જ દુ:ખો ઑગળીને ઝરણું થઈને કલકલ વહેવા માંડે. જીવન માટે કોઈ ફરિયાદ ન રહે. જગતનું સર્વોચ્ચ પારિતોષિક તમે કોઈ પંખીને આપો અને એ પારિતોષિકની તકતી પંખીના માળામાં મૂકી આવો તો મને ખાતરી છે કે એ પારિતોષિક વિજેતા પંખી બીજે જ દિવસે પોતાનો માળો બદલી નાખશે. આમ શા માટે? આમ એટલા માટે કે એ પંખીને આકાશ જોવામાં એ પારિતોષિક આડું આવે છે. કોઈ આપણને ગણે જ નહિ એના જેવું સુખ બીજે ક્યાં મળવાનું છે? રૂના પોલ જેવું હળવું જીવન ગણતરીનો ભોગ બને ત્યારે ભારેખમ થઈ જાય છે. સમુદ્રનાં મોજાં ક્ષણમાં તૂટે છે ને બંધાય છે. હજારો વર્ષથી અસંખ્ય મોજાંઓ નગણ્ય અવસ્થામાં સરકી રહ્યાં છે. એ મોજાંમાં કેટલી બધી હળવાશ છે! રવીન્દ્રનાથે એક સરસ વાત કહી હતી. જીવનનો રથ તો પૂરપાટ દોડ્યે જાય છે. એ રથની પાછળ જે ધૂળ ઊડે છે તે મારી કીર્તિ છે. રવીન્દ્રનાથનું આ દર્શન કેટલું બધું માર્મિક છે! આપણી કરુણતા એ છે કે આપણા આ જીવનનો રથ દોડતો જ નથી. થોડુંક ચાલીએ ને થોડીક ધૂળ ઊડે એટલે તરત જ એ ધૂળની ઢગલીઓમાં આપણો જીવ પરોવી દઈએ છીએ. સાચું પૂછો તો આપણે ચાલતા જ નથી. ચાલતા નથી એટલે ધૂળ ઊડતી નથી. પ્રમાદવૃક્ષના ટાઢે છાંયડે બેઠા બેઠા આપણે એકબીજાને કહ્યા કરીએ છીએ કે આટલું બધું ચાલ્યા પણ ધૂળ કેમ ન ઊડી? આપણી ધૂળલક્ષી દૃષ્ટિને ખંખેરી નાખીએ તો આંખની તંદુરસ્તી સારી રહે. અંજન આંજવાની જરૂર ન પડે.