સ્ટેચ્યૂ/વસંતઋતુમાં




વસંતઋતુમાં



બાલ્કનીના કઠેડા ઉપર પતંગિયું આવીને બેસે છે ત્યારે મને ખબર પડે છે કે વસંત ઋતુની હળવીફૂલ ટપાલ આવી ગઈ છે. હવે વસંતના પવનનો આતંકવાદીની જેમ ઘરમાં ઘૂસીને કાલનિર્ણય કૅલેન્ડરનાં પાનાં ફફડાવશે. કેસૂડાના હૂકથી શિયાળાની ગાંસડીઓ ઊંચકાઈને હિમાલયમાં ફેંકાઈ જશે. અત્યાર સુધી પિપરમેન્ટની જેમ સાચવી રાખેલી નહીં કરેલી ભૂલો કરવા મન અધીરું બનશે. વસંતઋતુ એ સ્પર્શની ડેડલાઈન છે. પાંડુને જેવો માદ્રીનો સ્પર્શ થાય કે તરત જ પાંડુનો ફ્યુઝ ઊડી જાય. જૂનાં પાંદડાં ખરી જાય અને નવાં પાંદડાંની તાજગીથી વૃક્ષો છલકાઈ જાય. પાનખરની મોસમમાં વૃક્ષો પાંદડાંઓનો મરણોત્સવ ઊજવે છે. ડાળ ઉપરથી એક પાંદડું ખરે અને એ ખરેલાં પાંદડાંની ખાલી જગ્યા ડાળ ઉપર રહી જાય. એના ડાઘને આપણે વિરહ કહીએ છીએ... ખાલીપો કહીએ છીએ. આ ખાલીપાના દિવસોમાં ઘડિયાળને સતત બકબક કર્યા કરતું સાંભળીએ ત્યારે સમય વાચાળ લાગે. કૅલેન્ડરનું મોટું સુખ એ છે કે એમાં સમય બોલતો નથી પણ લિપિબદ્ધ થાય છે. પણ આ ઋતુમાં આપણે સાવ એકલા પડી જઈએ ત્યારે ઘડિયાળનું કટકટ અણુબૉમ્બના ધડાકા જેટલો અવાજ કરે છે અને કૅલેન્ડરમાંથી રવિવારોનો લાલ ગુલમહોર આગ વરસાવતા ક્ષેપકાસ્ત્ર જેવો લાગે છે. મને આ એકલતા સમજાઈ નથી. છેલ્લા બે-ત્રણ દસકાથી એકલતાનો ઘોંઘાટ સતત સંભળાયા કરે છે. મને લાગે છે કે આપણે સાવ એકલા પડી જઈએ છીએ ત્યારે શરીર અને એકાંત આપણી સાથે જ હોય છે. વૃક્ષના થડ ઉપર કોઈ કીડીને એકલી રખડતી જોઉં છું ત્યારે વૃક્ષ એ કીડીનું એકાંત બની જાય છે. ખાંડનો દાણો એ કીડીનું સુખ છે પણ એ નથી મળ્યો એટલે એને વૃક્ષ એકાંતના પહાડ જેવું લાગે છે. આમ સુખના મૃગજળના લોભે આપણે વૃક્ષની મર્મરભરી હયાતીને નકારી કાઢીએ છીએ. પાનખરની મોસમમાં ખરેલાં પાંદડાંઓ ઉપર પવનનો સાવરણો ફરી વળે છે ત્યારે મને લાગે છે કે વૃક્ષના ઘરમાંથી કેટલી બધી પસ્તી નીકળી છે. પાંદડું એ ડાળીનું સુખ નથી પણ મૂળ એ ડાળીનું સુખ છે. પાંદડાં વૃક્ષને વૈભવ આપે છે પણ સુખ નથી આપતાં. મૂળ કાયમ છે અને ડાળખાં-પાંડદાં કામચલાઉ છે. આપણે કામચલાઉ ચીજોને સુખ માની લઈએ છીએ એટલે દુ:ખના મરશિયા આપણી પાછળ પડે છે. અને આ દુ:ખને સમજવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે દુ:ખ કામચલાઉ નથી પણ શાશ્વત છે. મને ઘણીવાર હું કાચું ઈંડું લાગ્યો છું. જીવનમાં અસહ્ય દુ:ખ પડે છે ત્યારે મને કોઈ સેવી રહ્યું હોય એવી લાગણી થાય છે. મારા અંતિમ શ્વાસ સુધી હું સતત સેવાતો રહું છું, બફાતો રહું છું. મારી સેવાવાની પ્રક્રિયાને હું દુ:ખનું નામ આપીને મારી વાસનાઓની ઊલટીઓ કર્યા કરું એમાં પદ્ધતિસરની ગેરસમજ છે. બાફેલા ઈંડાની ફોતરી જેટલી સહેલાઈથી છૂટી પડી જાય છે. એટલી કાચા ઈંડાની ફોતરી છૂટી પડતી નથી. એટલે જે કંઈ સખત છે એને નરમ પાડવા માટે તાપ જોઈએ. એ તાપ ઇંડા સંદર્ભે ગરમ પાણીનો કે કબૂતરના પેટની ગરમીનો હોઈ શકે. માણસ જો ઈંડું હોય તો દુ:ખનો તાપ એ શાપ નહીં પણ વરદાન છે. પહેલાં તો કાચી બુદ્ધિને કારણે દુ:ખથી ખૂબ ગભરાઈ જતો હતો. રોઈ પડતો હતો પણ હવે મને લાગે છે કે દુ:ખ એ આત્માની હુંફ છે અને સુખ એ આત્મા ઉપર પડેલું હિમ છે. મારે દુનિયા જેને સુખ કહે છે એ સુખ ધોળે ધરમેય જોઈતું નથી. મને ખબર છે કે રતિક્રીડા એ ચામડીનું સુખ છે. સૌંદર્ય એ આંખનું સુખ છે. સ્વાદ એ જીભનું સુખ છે. પ્રશંસા એ કાનનું સુખ છે. વાહન એ પગનું સુખ છે. સત્તા એ અહંકારનું સુખ છે અને સુગંધ એ નાકનું સુખ છે. આ બધાં સુખોના ટોળામાં હું મારું સુખ ગોતવા જાઉં છું ત્યારે ભૂલો પડી જાઉં છું. આ બધાં રમકડાં જેવાં સુખો જોઈને હું ભોળવાઈ જાઉં એટલો હવે શિશુ રહ્યો નથી. મને ખબર છે. કે હું ચામડી નથી. હું આંખ નથી. હું જીભ નથી. હું કાન નથી. હું પગ નથી અને હું અહંકાર નથી. જો હું આમાંનું કંઈ નથી તો હું કોણ છું? એ પ્રશ્નની સફેદી મારી આંખમાં પથરાઈ જાય છે ત્યારે ચલચિત્ર પડ્યું ન હોય એવો સ્ક્રીન બની જાઉં છું. થિયેટરમાં અંધારું છવાઈ જાય છે અને મારા ઉપર ચલચિત્ર છવાઈ જાય છે. ચલચિત્રની કથાવ્યથા ચાલે છે; પણ ચલચિત્ર એ સ્ક્રીન નથી અને સ્ક્રીન એ ચલચિત્ર નથી એવો કંઈક ઘાટ મારો ઘડાયો છે. ચલચિત્ર પૂરું થાય ત્યારે 'The End'ના અક્ષરો સરકી આવે છે ત્યારે કામચલાઉ-ટેમ્પરરી ચિત્રોનો અંત આવે છે અને સ્ક્રીન શાશ્વત રહે છે, એમ હું રહી જાઉં છું. મૃત્યુ વિશે મને ભારે વિસ્મય રહ્યું છે. હું બહુ નાનો હતો ત્યારે એકવાર અમારી શેરીના ચોકમાં તરગાળા રમવા આવ્યા હતા. એ દિવસે અમે બધા વાળુપાણી વહેલું પતાવીને ચોકમાં ખાટલો ઢાળીને ગોઠવાઈ ગયા. બરાબર નવના ટકોરે થાળી વાગી અને ખેલ શરૂ થયો. ખેલ રામ-રાવણના યુદ્ધનો હતો. એક બાજુથી રામની વાનરસેના પ્રવેશે છે અને બીજી બાજુથી રાવણની રાક્ષસસેના આવે છે. રાવણના પાત્રમાં ગોરધનભાઈ હતા અને નરહરિભાઈ રામ હતા. લડાઈ ખૂબ જામી. છેવટે રાવણ મરી ગયો અને રામ જીતી ગયા. મોડી રાતે તરગાળાનો ખેલ પૂરો થયો અને બીજે દિવસે સવારે હું નરોત્તમભાઈની હોટલે દૂધ લેવા ગયો ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે રાવણ બનીને મરી ગયેલા ગોરધનભાઈને મેં બીડી પીતા જોયા. હું દૂધ લઈને ઘેર આવ્યો અને મારી બાને કહ્યું કે, 'રાવણ તો નરોત્તમભાઈની હોટલમાં બેઠો છે. એ મરી નથી ગયો, એ જીવે છે.' મારી બાએ સાંભળીને કહ્યું કે, 'નાટકમાં બધાં ખોટુકલું મરે અને ખોટુકલું જીવે.' એ દિવસથી ખોટુકલું મોત અને ખોટુકલું જીવન મારા મનમાં ઠસી ગયેલું. કોઈ માણસ મરી જાય એટલે શું થાય એ જાણવાની મને ખૂબ ઉત્કંઠા રહેતી. એકવાર મેં મરેલી ચકલીનું શબ હાથમાં લઈને જોયું હતું પણ મને કાંઈ સમજાયું નહોતું. અમારી શેરીમાં કોઈ મરી જતું, ત્યારે એની ઠાઠડી જોવા હું અગાસી ઉપર ચડી જતો અને 'રામ બોલો ભાઈ રામ' બોલતા ટોળાને જોયા કરતો. મને સ્મશાનમાં જતાં બહુ બીક લાગતી એટલે ડાઘુઓ પાસેથી સ્મશાનની વાતો સાંભળવામાં રસ પડતો. પણ મડદું બાળીને પાછા આવેલા ડાઘુઓ લાકડાંની અને મડદાની જ વાતો કરતા. કોઈવાર મડદું જાડું હોય તો એની મશ્કરી કરી લેતાં. કોઈ મૃત્યુ વિશે બોલતું નહીં એટલે મેં માની લીધેલું કે મડદાને મૃત્યુ કહેવાય. મૃત્યુ વિશે વિચારું છું ત્યારે મને એક બાળપણનો પ્રસંગ યાદ આવે છે. હું છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા પિતાજીની બદલી મોરબી થઈ. પિતાજી મોરબીની સરકારી કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે નિમાયા અને અમે બધા ગોંડલ છોડીને મોરબી ગયા. મોરબીની ગિબ્સન મિડલસ્કૂલમાં હું દાખલ થયો. ત્યારે વાતાવરણ નવું હતું. ગામ નવું હતું. પરિસર નવો હતો અને ભાઈબંધો પણ નવા હતા. અમારા સરકારી બંગલા પાછળ તાલુકાશાળાનું મોટું મેદાન હતું. એ મેદાનમાં અમે ક્રિકેટ અને નારગોલ રમવા જતા. એ સમયે મારા નવા ભેરુઓની ટોળકીમાં મનોજ પણ હતો (કવિ મનોજ ખંડેરિયા). એ ચડ્ડી-બાંડિયું પહેરતો અને ટ્રામવે પ્લોટમાંથી અમારી સાથે ક્રિકેટ રમવા આવતો. અમે ક્રિકેટ રમતા અને કોઈવાર લીમડાની નીચે પાકી લીંબોળી વીણવા જતા. અમારા બંગલે મેરુ કરીને એક પટાવાળો કાયમ બેસી રહેતો, અમે ક્રિકેટ રમતા હોઈએ ત્યારે એ વચમાં વચમાં કોમેન્ટરી આપ્યા કરતો. એની દાઢી કાયમ વધેલી જ રહેતી. એ સરકારી ટોપી અને કોટ પહેરતો. એ આખો દિવસ ચાના ઉકાળા ઢીંચ્યા કરતો અને તેજતમાકુ પાન ચાવ્યા કરતો. મેરુને નાટકનો ભારે શોખ હતો. મોરબીની નાટક કંપનીમાં એ પાર્ટટાઈમ કામ કરવા પણ જતો. એને મોટેથી બોલવાની ટેવ હતી. એનો અવાજ તરડાયેલી રેકર્ડ જેવો હતો. એને વાતવાતમાં ઍક્શન મારવાની ટેવ હતી. એ જાતનો ખવાસ હતો પણ ભરતમુનિની એ વાત કરતો. એ મેરુએ નાટકમાં બહુ નામ કાઢ્યું નહીં એનું એને ભારે દુ:ખ હતું. એકવાર નાટક કંપનીએ મેરુને નટનો રોલ આપ્યો હતો, પણ મેરુનું નસીબ એવું વાંકું કે એ ખેલમાં મેરુએ અજાણતાં ફિયાસ્કો કર્યો. એ ખેલમાં મેરુને મરી જવાનું હતું પણ એ દૃશ્યમાં બન્યું એવું કે મેરુ પડદો પડે એ પહેલાં ઊભો થઈને વિગમાં જતો રહ્યો. પ્રેક્ષકોમાં હોહા થઈ ગઈ. દિગ્દર્શકે રાતાપીળા થઈને મેરુને ખખડાવી કાઢ્યો. પ્રેક્ષકોએ ટિકિટના પૈસા પાછા માગ્યાં. એ દિવસથી મેરુને મરતાં આવડ્યું નહીં એટલે દિગ્દર્શકે તેને બેકસ્ટેજમાં ધકેલી દીધો. એ પ્રોપર્ટી સાચવતો. પ્રોમ્ટિંગ કરતો, મૅકઅપ માટે બોદાર તૈયાર કરતો અને કોઈવાર ટિકિટબારી પર પણ બેસતો. મેરુને નાટકમાં મરતાં આવડ્યું નહીં એનું એને ભારે ફસ્ટ્રેશન હતું. હવે એ વાતવાતમાં મરવાનો અભિનય કરવા લાગ્યો. અમે ક્રિકેટ રમતાં હોઈએ અને ત્યાંથી મેરુ ફાઈલ લઈને પસાર થાય તો દડો ન વાગ્યો હોય તો પણ દડો વાગ્યો છે એવું બતાવીને એ જમીન પર સૂઈ જતો અને મરી જવાનો ઢોંગ કરતો. દિવાળીના દિવસોમાં અમે ચાંદલિયાની પિસ્તોલ ફોડતાં હોઈએ ને મેરુ આડો આવી જાય તો સાચી ગોળી વાગી હોય એમ ડોકું ઢાળી દેતો. કોઈ મોટો ધડાકો થાય કે ઘરમાંથી સાપ નીકળે તો પણ મેરુ આંખ મીંચીને મડદું બનવાનો ઢોંગ કરતો. મેરુના આવા મરવાના ઍક્શનો અમને ખૂબ મનોરંજન પૂરું પાડતાં. એક દિવસ મેરુ ખૂબ માંદો પડ્યો. એને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કર્યો. થોડા દિવસ એ હૉસ્પટલમાં રહી પાછો ઘેર આવ્યો પણ એની તબિયત ન સુધરી. એનો અવાજ ઝીણો થઈ ગયો હતો. ગળામાં કંઠમાળ થઈ હોવાને કારણે એ ઝાઝું બોલી શકતો નહોતો. એ આખો દિવસ ખાટલીમાં પડ્યો રહેતો. એક દિવસ ગળાનું દરદ એવું વકર્યું કે ઓચિંતો મરી ગયો. એ દિવસે હું મેરુના ઘરમાં ગયો ત્યારે જમીન ઉપર એનું શબ પડ્યું હતું. શબની પાસે ઘીનો દીવો બળતો હતો. એ ક્ષણે મને વિચાર નહોતો આવ્યો; પણ આજે મેરુ વિશે વિચારું છું ત્યારે મને થાય છે કે મેરુએ આખી જિંદગી મરવાનાં રિહર્સલ કર્યાં. જીવતેજીવત એ ખોટું ખોટું મરતો રહ્યો. પણ મેરુને હવે મરતાં આવડી ગયું છે. મૃત્યુને આપણે પોપલાવીએ છીએ એટલે એ વિષમ લાગે છે. મૃત્યુનાં આપણે રિહર્સલ કર્યાં નથી એટલે મોત આપણે માટે અજાણ્યું છે. કેવળ નાકમાંથી હવા આવે ને જાય એ જ કાંઈ જીવન નથી. એ જીવતું મૃત્યુ પણ હોઈ શકે છે. જ્યાં સૂર્યનું એક ચપટીક જેટલુંયે કિરણ ન પહોંચી શકે એવા અંધારા ઓરડામાં તમે સફેદ બિલાડી અને કાળી બિલાડીને રાખો તો સફેદ બિલાડીનું હલનચલન તમે જોઈ શકશો પણ કાળી બિલાડીનું હલનચલન કે જીવન તમને નહીં દેખાય. એટલે તમે માની લેશો કે સફેદ બિલાડી જીવે છે અને કાળી બિલાડી મરી ગઈ છે. આ દૃષ્ટિભ્રમ છે. આવો જ દૃષ્ટિભ્રમ મૃત્યુ સંદર્ભે આપણને થાય છે. ફરી પાછું મને વૃક્ષ દેખાય છે. એ વૃક્ષમાંથી જૂનાં પાંદડાંઓ ખરી ગયાં છે અને નવાં પાંદડાંઓ ઊગી નીકળ્યાં છે. વૃક્ષમાંની ઘટાદાર છાયા સળવળે છે. થોડીક કીડીઓ અને મંકોડાઓ વૃક્ષના થડ પાસે દોડાદોડી કરી રહ્યાં છે. પાંદડાં કામચલાઉ છે અને ડાળીઓ કાયમ છે. મૂળ કાયમ છે. પીળક અને ખેરખટ્ટો જેવા પંખીઓ વૃક્ષમાં આવીને બેસે અને થોડુંક ગાઈને ઊડી જાય છે. પણ એનાં ગીતનો ડાઘ ડાળીઓને લાગી જાય છે. વૃક્ષ પોતાનાં પાંદડાં સંઘરી રાખતું નથી પણ આપણા ઘરમાં સુખદુ:ખનાં પાંદડાંઓની એટલી બધી પસ્તી ભેગી થઈ ગઈ છે કે આપણે એક જીવતું જાગતું ગોડાઉન બની ગયા છીએ. એકેય પાંદડું છોડવાની આપણી તૈયારી નથી, એમાંથી આ બધી પળોજણ ઊભી થઈ છે. વસંતઋતુમાં આવા કૈંક વિચારો આવે છે. ઘડિયાળનો સેકન્ડ કાંટો સતત ચાલ્યા કરે છે. દીવાલનાં કૅલેન્ડરો ફફડ્યાં કરે છે. જૂની ટપાલોના કાગળો ખવાઈ ગયા છે. બદામનું એક લાલ પાંદડું ખાબોચિયામાં તરે છે. કેટલીક પંખીએ ટોચેલી બદામ જમીન ઉપર વેરાઈને પડી છે. ચકલીનું એક પીછું ઊડતું ઊડતું આવીને બારીના પડદા ઉપર બેસી જાય છે. જેમ કીડીનું એકાંત વૃક્ષ એમ મારું એકાંત ઘર. વૃક્ષ અને ઘરમાં શૂન્યતા આકારબદ્ધ થાય છે. દરેક ક્રિયાને પોતાનો આકાર છે, લય છે. જીવન જો શરીરમાં આકારબદ્ધ થયું હોય તો મૃત્યુને પણ પોતાનો આકાર હોવો જોઈએ. મૃત્યુ પણ ક્યાંક જન્મતું હોવું જોઈએ. આપણી બાળવાર્તાઓમાં કોઈક પાત્રને રાજા ટકો કરાવીને ઊંધે ગધેડે બેસાડતો એમ આપણે મૃત્યુના યમને પાડા ઉપર બેસાડી દીધો છે અને ગામ બહાર કાઢી મૂક્યો છે એટલે એની સાથે આપણે ઘરોબો રાખી શક્યા નથી.