સ્વાધ્યાયલોક—૧/કવિ અને યુગધર્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિ અને યુગધર્મ

આ ક્ષણે ‘કવિ અને યુગધર્મ’ જેવી મોટી વાત નાના મોંએ કરવાને આમ તમારી સમક્ષ ઊભો રહું છું ત્યાં પ્રથમ જ જે મહા-આત્માની જન્મભૂમિમાં આપણે ઉપસ્થિત થયા છીએ એમના જીવન અને કાર્યનું સ્મરણ થાય એ સહજ છે. આ ભૂમિમાં એમણે એક પરતંત્ર મનુષ્ય તરીકે જન્મ તો ધારણ કર્યો પણ મહા-આત્મા કદી પરતંત્ર હોય નહિ. એથી એમણે સ્વતંત્ર થવાનો પુરુષાર્થ કર્યો. પણ પોતે એકલા સ્વતંત્ર થાય તો મહા-આત્મા નહિ. એથી એમણે મનુષ્યમાત્ર સ્વતંત્ર હોય એવો મનુષ્યનો આદર્શ હૃદયમાં ધારણ કર્યો અને કહ્યું, ‘આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે જ સ્વરાજ છે અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે... પણ મુખ્ય વાત જણેજણે સ્વરાજ ભોગવવાની છે... સ્વરાજ તો સહુએ સહુનું લેવું જોઈએ — કરવું જોઈએ, બીજા મેળવે તે સ્વરાજ નથી, પણ પરરાજ્ય છે.’ અને ઉમેર્યું, ‘તેવું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે, એમ મન સાક્ષી પૂરે છે.’ આ પ્રતિજ્ઞા પછી એમણે એમની તપસ્યાના તેજથી આ ભૂમિમાં જે સૈકાઓનો તમોપુંજ હતો તેને ભસ્મીભૂત કર્યો. ક્ષણવાર તો આપણને સૌને મનુષ્ય એટલે શું એ સત્યનું દર્શન કરાવ્યું અને મનુષ્યમાત્ર સંપૂર્ણ અર્થમાં મનુષ્ય તરીકે પોતાને સાર્થક કરી શકે એની પૂર્વભૂમિકારૂપે મનુષ્યજાતિના ઇતિહાસમાં અપૂર્વ અને અદ્વિતીય એવા પ્રેમની પરાકાષ્ઠા જેવા સત્યાગ્રહના મહાકર્મ દ્વારા સ્વરાજ સિદ્ધ કર્યું. અને એ સ્વરાજ સિદ્ધ થયું ન થયું ત્યાં જ... એ ક્ષણથી તે આ ક્ષણ લગી એમની મૃત્યુભૂમિમાં, અને જે કવિના મહાકાવ્યમાંથી ગીતાના અનાસક્તિયોગની પ્રેરણાથી એમનું જીવન અને કાર્ય પાંગર્યું હતું તે કવિની કાવ્યભૂમિમાં, એટલે કે ભારતવર્ષની રાજધાનીમાં જે વાતાવરણ છે એનું ‘કવિ અને યુગધર્મ’ જેવા વિષય પર જ્યાં લગી વિચાર કરીએ ત્યાં લગી સતત સ્મરણ થતું રહે એ આવશ્યક અને અનિવાર્ય છે. આવા મહા-આત્માઓનો પ્રભુપ્રેરિત કર્મ સાથે જે સંબંધ તે કવિનો પ્રતિભાપ્રેરિત કાવ્ય સાથે સંબંધ. અને એ કર્મ દ્વારા એમનો જેવો યુગધર્મ એવો કવિનો એ કાવ્ય દ્વારા યુગધર્મ. આવા કર્મવીરો એમના નિષ્કામ કર્મયોગ દ્વારા બધું જ કરવા છતાં જાણે કશું જ કરતા નથી તેમ કવિ એના કાવ્ય દ્વારા કશું જ ન કરવા છતાં જાણે બધું જ કરે છે. કર્મની વચ્ચે જેમ કર્મવીરનું નૈષ્કર્મ્ય તેમ કાવ્યની વચ્ચે કવિનું મૌન. આ સ્મરણ દ્વારા આજના વ્યાખ્યાનના વિષયને સમજવામાં આટલી સહાય છે એ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારીએ. કાવ્ય વિનાનું જીવન મરુભૂમિ જેવું છે અને જીવન વિનાનું કાવ્ય મૃગજળ જેવું છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં એક યુગ એવો આવ્યો કે જ્યારે યુગને અને કવિને બન્નેને આ સત્યનું વિસ્મરણ થયું. પરિણામે કલા-ખાતર-કલાનો વાદ, સૌંદર્યવાદ અસ્તિત્વમાં આવ્યો. પણ એ ઉપયોગિતાવાદના પ્રતિકારરૂપે અસ્તિત્વમાં આવ્યો હતો. એથી એમાં એક પ્રકારનું ઐતિહાસિક મહત્ત્વ હતું. આ વ્યાખ્યાનનું શીર્ષક ‘કવિ અને યુગધર્મ’ કેમ? અને ‘કવિનો યુગધર્મ’ કેમ નહિ? એવો પ્રશ્ન પૂછી શકાય. તો પૂર્વોક્ત વિધાનના અનુસંધાનમાં એવો ઉત્તર આપી શકાય કે કવિને એક મનુષ્ય તરીકે, નાગરિક તરીકે, સામાજિક તરીકે યુગધર્મ — બલકે અનેક યુગધર્મો હોય પણ કવિને કવિ તરીકે તો કવિકર્મ એ જ કવિધર્મ, એ સિવાય એને કોઈ ધર્મ કે યુગધર્મ નથી. કાવ્ય કરવું એ જ કવિનો સ્વધર્મ, અન્ય કોઈ પણ ધર્મ કે યુગધર્મ એ કવિનો પરધર્મ. આમ, કવિને કોઈ યુગધર્મ છે? એ પ્રશ્નનો ઉત્તર ‘ના’માં આપી શકાય એમ છે. એથી વ્યાખ્યાનનું ‘કવિનો યુગધર્મ’ એવું શીર્ષક યોજ્યું નથી. જોકે કવિને કવિ તરીકે પણ યુગધર્મ છે એવું પ્રતિપાદન કરવાનો આ વ્યાખ્યાનમાં મારો પ્રયત્ન છે. ભૂતકાળમાં અનેક ઇતરજનોની દૃષ્ટિએ કવિને અનેક કાવ્યેતર ધર્મોનું આરોપણ થયું છે. સમાજમાં કવિને કવિપદ ઉપરાંત પણ અનેક પદોનું પ્રલોભન આપવામાં આવ્યું છે અને કેટલાક કવિઓ એ પ્રલોભનને વશ પણ થયા છે. એમાં મુખ્યત્વે કવિ સુધારક હોય, કવિ પ્રચારક હોય એવી કવિને વિશે એના યુગને આશા-અપેક્ષા હોય છે. અને ક્યારેક કોઈ કોઈ કવિએ એ પોષી-સંતોષી પણ છે. અને અનેક કવિઓએ સુધારક કવિ, નૈતિક-આધ્યાત્મિક કવિ, ‘મીથિક પોએટ’ અથવા પ્રચારક કવિ, ભૌતિક-ઐતિહાસિક કવિ, ‘હિસ્ટૉરિક પોએટ’નો પાઠ પણ ભજવ્યો છે. જોકે ત્યારે અનિવાર્યપણે એ કવિ અકવિ ઠર્યો છે અને નિરપવાદપણે એનું કાવ્ય અકાવ્ય ઠર્યું છે. કવિ આવા વેશમાં કદી શોભતો નથી, હમેશાં કંઈક વરવો લાગે છે. કવિનામને પાત્ર કોઈ કવિએ કાવ્ય દ્વારા મનુષ્યને સુધારવાનું અને જગતને બદલવાનું બહુ મોટું મનાતું કામ, અગત્યના માણસોએ પોતાનું માનેલું કામ આજ લગી કદી કર્યું નથી. એમ કરવાનું કલ્પ્યું સુધ્ધાં નથી — જાગૃતિમાં તો શું, સ્વપ્નમાં પણ કલ્પ્યું નથી. પણ કવિની દૃષ્ટિએ કવિકર્મ એ કવિધર્મ તો છે જ પણ એ યુગધર્મ પણ છે, કાવ્ય કરવું એ સ્વધર્મ તો છે જ પણ એ ભયાવહ નહીં એવો એનો પરધર્મ એટલે કે યુગધર્મ પણ છે એનું અનુમોદન કરવાનો આ વ્યાખ્યાનમાં મારો આશય છે. કોઈ પણ મનુષ્ય કાવ્ય કરવાને એના યુગ સાથે બંધાયો નથી. એણે કાવ્ય કરવાનો એના યુગ સાથે કરાર કર્યો નથી. એને માટે કાવ્ય કરવું એ ફરજિયાત નથી. એ સમાજ પ્રત્યેની એની ફરજ નથી. છતાં કોઈ કોઈ મનુષ્ય કાવ્ય કર્યા વિના રહી શકતો નથી, કાવ્ય કર્યા વિના એનો છૂટકો નથી. કાવ્યપુરુષની સમક્ષ એનું કંઈ ચાલતું નથી. પણ વાત એટલી જ નથી. એટલેથી જ અટકતી નથી. એક વાર કાવ્ય થાય છે પછી કવિ જેવી રીતે કાવ્ય કરે છે તેવી જ રીતે એ કાવ્ય અન્ય મનુષ્યોને ભેટ ધરે છે. એમાંથી કોઈ કોઈ મનુષ્ય એ ભેટ સ્વીકારે છે અને એનો આસ્વાદ કરે છે. કવિ એને સમાનધર્મા, સહૃદય કહે છે. કોઈ પણ મનુષ્ય કાવ્યનો આસ્વાદ કરવાને કવિ સાથે બંધાયો નથી, એણે કાવ્યનો આસ્વાદ કરવાનો કવિ સાથે કરાર કર્યો નથી. એને માટે કાવ્યનો આસ્વાદ કરવો એ ફરજિયાત નથી, એ કવિ પ્રત્યેની એની ફરજ નથી. છતાં કોઈ કોઈ મનુષ્ય કાવ્યનો આસ્વાદ કરે છે. કારણ કે એમ કરવામાં એને આનંદ આવે છે, રસ પડે છે, સારું લાગે છે. આમ ઉભય પક્ષે આ ખુશીનો સોદો છે, રાજીખુશીની આપ-લે છે. કવિ અને સહૃદય વચ્ચેના આ સંબંધમાં બંધનમાં મુક્તિ છે અને મુક્તિમાં બંધન છે. કાવ્યનું સર્જન અને કાવ્યનું આસ્વાદન એ કદાચને આ પૃથ્વી પરની એકમાત્ર નિર્દોષ અને નિઃસ્વાર્થ પ્રવૃત્તિ છે. એથી જ સંસાર કદી કવિસૂનો નથી અને યુગયુગોથી મનુષ્યજાતિએ કવિને આટઆટલાં લાડ લડાવ્યાં છે, કવિને વહાલથી હૃદયમાં વસાવ્યો છે. કવિ અને સહૃદય — પ્રત્યેક સ્વતંત્ર છે અને છતાં પ્રત્યેક પરતંત્ર છે. કવિ અને યુગ વચ્ચેના સંબંધમાં કવિને યુગધર્મ નથી અને છતાં છે એવો વિરોધાભાસ છે. આ વ્યાખ્યાનના શીર્ષકમાં કવિને વિભક્તિના પ્રત્યયના બંધનથી યુગધર્મ સાથે બાંધ્યો નથી પણ કવિ અને યુગધર્મ વચ્ચે ઉભયાન્વયી અવ્યય દ્વારા વિરોધાભાસને માટે અવકાશ છે. વ્યાખ્યાનના શીર્ષક માટે અને વ્યાખ્યાનના વિષયના સૂચન માટે, મને લાગે છે કે, આટલું બસ છે. અનેક કળાઓ છે — કાવ્ય, સંગીત, ચિત્ર, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય આદિ. કાવ્ય તો માત્ર એમાંની એક કળા છે. પણ અન્ય કળાઓના કળાકારોના યુગધર્મ વિશે ભાગ્યે જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ‘સંગીતકારનો યુગધર્મ’, ‘નૃત્યકારનો યુગધર્મ’ એમ અન્ય કળાકારોના યુગધર્મ વિશે ક્યારેય ક્યાંય કોઈ વાદવિવાદ કે ઊહાપોહ થયો હોય એમ જાણ્યું તો નથી પણ એમ થાય એવું કલ્પી પણ શકાતું નથી. જ્યારે કવિ અને યુગધર્મ વિશે વારંવાર વાદવિવાદ કે ઊહાપોહ થતો રહ્યો છે. એનું કારણ છે કવિનું વિશિષ્ટ માધ્યમ. અન્ય કલાકારોનું માધ્યમ પ્રકૃતિદત્ત અથવા વ્યક્તિગત છે. જ્યારે કવિનું માધ્યમ છે શબ્દ. શબ્દ એ માનવસમૂહની સરજત છે, સમાજની પેદાશ છે. શબ્દ એ કવિની કોઈ અંગત કે આગવી મૂડી નથી, કોઈ ખાનગી મિલકત નથી. ભાષાનો જન્મ મનુષ્યની સમૂહમાં જીવવાની વૃત્તિમાંથી થયો છે. કાવ્ય એથી ભાષાની કળા છે. એથી ભાષાનો જે હેતુ તે જ કાવ્યનો હેતુ. કાવ્યનો એ અન્યથા એવો હેતુ હોઈ જ ન શકે. હોત તો તો કવિઓએ અન્ય મનુષ્યોને અગમ્ય એવું કોઈ ગૂઢ રહસ્યમય ભાષા જેવું અંગત, આગવું કે ખાનગી માધ્યમ અપનાવ્યું હોત. પણ આજ લગીમાં કોઈ કવિએ એવા કોઈ માધ્યમમાં કાવ્ય રચ્યું જાણ્યું નથી. કવિ એનું માધ્યમ માનવસમૂહ પાસેથી, સમાજ પાસેથી પામે છે. સમાજમાં સૌ મનુષ્યો જન્મથી મૃત્યુ લગી દિનપ્રતિદિન અસંખ્ય શબ્દોનો ઉપયોગ કરે છે; એથી કવિને અન્ય સૌ મનુષ્યો સાથે, સમાજ સાથે શબ્દ દ્વારા સતત સંબંધ છે. વળી આ નિશ્ચિત સ્થળમાં અને કાળમાં કવિનું અસ્તિત્વ અને જીવન હોય છે. કવિ સૌ મનુષ્યોની વચ્ચે સમાજમાં જન્મે છે, હરેફરે છે, જુએ-સાંભળે છે, અનુભવ કરે છે. કવિ એના કાવ્યની સામગ્રી સમાજમાંથી પ્રાપ્ત કરે છે. એના કાવ્યમાં જે વસ્તુવિષય હોય છે એ સમાજ સાથેના સંબંધમાંથી પામે છે. અને એની વિશિષ્ટ શક્તિ દ્વારા; કલ્પના દ્વારા, સર્જકતા દ્વારા, પ્રતિભા દ્વારા એમાંથી કાવ્યનું સર્જન કરે છે. કવિ જ્યારે એના કાવ્યની સામગ્રી એના આંતરજીવનમાંથી પામે છે — જોકે બાહ્યવિશ્વ સાથેના સંપર્ક વિના એમ થવું શક્ય નથી — અથવા એના કાવ્યમાં જે વસ્તુવિષય છે તે પ્રકૃતિ પાસેથી પ્રાપ્ત કરે છે ત્યારે પણ એમાંથી એ કાવ્યનું સર્જન તો શબ્દ દ્વારા જ — અને ભાષામાં તો અસંખ્ય શબ્દો છે પણ સવિશેષ તો એ પોતાની આસપાસ દિનપ્રતિદિન અસંખ્ય મનુષ્યોને મુખેથી જેનું શ્રવણ કરે છે એવા વાતચીતના પરિચિત શબ્દો દ્વારા જ — કરે છે. અને કાવ્યનું સર્જન થાય પછી પોતાને કાવ્યરૂપે જે સંવેદન થયું છે, સૌંદર્યનું જે દર્શન થયું છે એ અન્ય મનુષ્યોને પણ થાય એવી સમસંવેદનની આશાએ, પ્રત્યાયનની અપેક્ષાએ કવિ એ કાવ્ય અન્ય મનુષ્યો સમક્ષ પ્રગટ કરે છે, સહૃદયોને ભેટ ધરે છે. એ માટે સમાજ કવિનો ઋણી હોય કે ન હોય, કવિ તો સમાજનો ઋણી છે જ. પરિણામે ‘કવિ અને યુગધર્મ’ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પણ શબ્દને કારણે ‘કવિ અને યુગધર્મ’નો જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે પ્રથમ દૃષ્ટિએ લાગે છે તેવો સરલ નથી. અન્ય મનુષ્યો જીવનમાં, જીવનના વ્યવહારમાં શબ્દનો ઉપયોગ કરે છે એમ કવિ કાવ્યમાં શબ્દનો ઉપયોગ કરે છે? ના. કવિ જ્યારે કાવ્યમાં શબ્દ યોજે છે ત્યારે એ શબ્દનું સમાજમાં જે સ્વરૂપ હોય છે તેનું તે સ્વરૂપ રહેવા પામતું નથી. ત્યારે એ શબ્દનો શબ્દકોશ પ્રમાણેનો જ અર્થ કે વ્યવહારમાં થાય તે પ્રકારનો જ અર્થ થતો નથી. કવિ કાવ્યમાં જે ભાષા યોજે છે તે વ્યક્તિવિભાષા છે. કવિ શબ્દના વાચ્યાર્થને ચહેરે છે, ભૂંસે છે. એથી શબ્દની અભિધા પ્રમાણેનો અર્થ કંઈક ધાંધોધૂંધળો, ઝાંખોપાંખો થાય છે. કારણ કે કવિને એ શબ્દ દ્વારા — બલકે એ શબ્દરૂપે કાવ્ય કરવું છે. આ સમગ્ર અર્થસંકુલનું અને નાદસંકુલ દ્વારા, અનેક સંદર્ભો અને સંસ્કારો દ્વારા કવિ શબ્દનું કાવ્યમાં પરિવર્તન — પરાવર્તન કરે છે, રૂપાંતર કરે છે. કવિ એ દ્વારા પોતાના અનુભવ અને દર્શનને અનુકૂળ અને અનુરૂપ આકાર અને વર્ણન રચે છે. કવિ શબ્દમાં સંકેત, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, ધ્વનિ, રસ, અને સૌંદર્ય સર્જે છે. કવિ સર્જક છે. આમ ન કરે તો કવિ સર્જક શાનો? કવિની સર્જકતાનો આ જ અર્થ છે. કવિની પ્રતિભાનો આ કીમિયો છે. એથી કાવ્યમાં એક રસાયણ રચાય છે. અને એની પ્રક્રિયામાં એક નવું શબ્દદ્રવ્ય સર્જાય છે. એ દ્વારા સ્વાનુભવનું સર્વાનુભવમાં, ભાવનું રસમાં, દર્શનનું વર્ણનમાં પરિવર્તન થાય છે અને અંતે કાવ્યરૂપે એનું વ્યક્તીકરણ, પ્રત્યક્ષીકરણ અને સાધારણીકરણ થાય છે. આમ, સમાજમાં શબ્દ જે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તે જ સ્વરૂપે એ કાવ્યમાં અસ્તિત્વ ધરાવતો નથી. એ અર્થમાં કાવ્યમાં શબ્દનો પુનર્જન્મ થાય છે. એ અર્થમાં કવિ શબ્દનો સ્વામી, સર્જક, સ્રષ્ટા છે; કવિ શબ્દનો ‘નિપુણ’ છે. અને એ અર્થમાં કવિનો શબ્દ અપારદર્શક અને અ-સામાજિક છે. એથી જ્યાં લગી કાવ્યના શબ્દનું આ રહસ્ય સમજાય નહિ ત્યાં લગી સમાજના અસંખ્ય સભ્યોને કાવ્યનો શબ્દ દુર્બોધ લાગે છે, અવ્યવહારુ લાગે છે; અપરિચિત લાગે છે, અસ્વીકાર્ય લાગે છે. અને શબ્દ દ્વારા — બલકે શબ્દરૂપે કવિ કાવ્યમાં જે સમાજ સર્જે છે તે સમાજ અવાસ્તવિક લાગે છે, અવિશ્વસનીય લાગે છે; કવિ જે સૃષ્ટિ રચે છે તે તરંગી, અપ્તરંગી લાગે છે; છદ્મમયી, છલનામયી લાગે છે. પરિણામે શબ્દને કારણે ‘કવિ અને યુગધર્મ’નો જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે સરલ નહિ પણ સંકુલ હોય છે. પ્રત્યેક કવિ કવિ હોવા ઉપરાંત મનુષ્ય પણ છે. પ્રત્યેક મનુષ્ય એકસાથે વ્યષ્ટિ છે અને સમષ્ટિનો ખંડ છે. વ્યષ્ટિ અને સમષ્ટિનો સંબંધ અત્યંત ગૂઢ અને રહસ્યમય છે, અને એ સંબંધ જ્યાં લગી અને જેટલે અંશે સંકુલ રહેશે ત્યાં લગી અને તેટલે અંશે આ પ્રશ્ન પણ સંકુલ રહેવાનો. કવિ અને યુગ — બન્ને પરિવર્તનશીલ છે. કવિ અને સમાજ — બન્નેના તથા બન્ને વચ્ચેના સંબંધના અનેક પ્રકારો છે. કાવ્યનાં અનેક સ્વરૂપો છે — મહાકાવ્ય, નાટ્યકાવ્ય, ઊર્મિકાવ્ય. કાવ્યના શાસ્ત્ર અને સિદ્ધાંત, વાદ અને વિવેચનના પણ અનેક પ્રકારો છે. કાવ્યના પ્રકાશનનાં પણ અનેક સ્વરૂપો છે — મૌખિક, લેખિત, મુદ્રિત. આ પ્રશ્નને પ્રાચીન યુગમાં ગદ્યની અનુપસ્થિતિ અને પદ્યના કાવ્યેતર ઉપયોગનો તથા કેટલાક સૈકાઓથી ગદ્યની ઉપસ્થિતિ અને પદ્યના કાવ્યલક્ષી ઉપયોગનો સંદર્ભ છે. આવાં આવાં અનેક કારણોથી પણ આ પ્રશ્ન સંકુલ હોય છે. કવિનો કવિ તરીકે યુગધર્મ અને કવિનો મનુષ્ય તરીકે યુગધર્મ — આ બન્ને તદ્દન સ્વતંત્ર વિષયો છે. પણ આ બન્નેની ભેળસેળને કારણે વારંવાર એવો મોટો ગોટાળો અને ગૂંચવાડો થાય છે કે આ પ્રશ્ન અંગે વારંવાર અણસમજ અને ગેરસમજનું પ્રદર્શન થાય છે. એથી પણ આ પ્રશ્ન અંગે વાદવિવાદ અને ઊહાપોહ થતો રહ્યો છે. ઈ.પૂ. ચોથી સદીમાં ચીનમાં કૉન્ફ્યુશિયસે સેંકડો પ્રાચીન કાવ્યોમાંથી પોતાની પસંદગીનાં ત્રણસો ને પાંચ કાવ્યોનો એક સંચય તૈયાર કર્યો હતો. કૉન્ફ્યુશિયસના સમયમાં પણ જે પ્રાચીન કહેવાય એવાં આ સેંકડો કાવ્યો ચીનમાં સૈકાઓ લગી કેવી રીતે સુરક્ષિત રહ્યાં હશે? એનું રહસ્ય કંઈક રસપ્રદ છે. આ કાવ્યો રાજ્યના ગ્રંથભંડારમાં અનેક સરકારી દસ્તાવેજોની સાથેસાથે સાચવવામાં આવ્યાં હતાં. કારણ કે રાજ્યના સંચાલન માટેના અધિકારીઓની નિયુક્તિ પૂર્વે જે પરીક્ષા લેવામાં આવતી હતી એમાં પ્રશ્નપત્રમાં માત્ર કાવ્યના રસાસ્વાદ અંગેનો પ્રશ્ન જ પરીક્ષાર્થીઓને પૂછવામાં આવતો હતો. એ માટે એમને કાવ્ય આપવામાં આવતું હતું. આ પરીક્ષાઓમાં કાવ્યો આપી શકાય એ માટે સેંકડો કાવ્યો રાજ્યના ગ્રંથભંડારમાં સૈકાઓ લગી સાચવવામાં આવ્યાં હતાં. એથી એ કાવ્યો કૉન્ફ્યુશિયસના સમય લગી સુરક્ષિત રહ્યાં હતાં. પ્રાચીન યુગમાં ચીનમાં રાજનીતિ કાવ્યને આધારે રચવામાં આવતી હતી. પ્રાચીન યુગમાં ગ્રીસમાં પ્લેટોએ કાવ્યમાં અસત્ અને અસદ્ હોય છે અને કવિમાં અસભ્યતા હોય છે એવો ત્રિવિધ કારણે — પોતે હોમર આદિ કવિઓનાં કાવ્યોનો પ્રભાવ અનુભવ્યો હતો, પોતે કવિ હતા, ‘સંવાદો’ના ગદ્યમાં પણ ડગલે ને પગલે કાવ્ય કર્યા વિના રહી શકતા ન હતા છતાં — એક સિદ્ધાંત તરીકે કવિને યુગધર્મ બજાવવાને અપાત્ર ગણ્યો હતો અને આદર્શ રાજ્યમાંથી કવિને નિર્વાસિત કરવો જોઈએ એવો આદેશ આપ્યો હતો. જોકે આજ લગી એકપણ રાજ્ય આ આદેશનું એક સિદ્ધાંત તરીકે પાલન કર્યું હોય એવું જાણ્યું નથી. ઊલટાનું, અનેક રાજ્યોએ કવિને રાજકવિપદે નિયુક્ત કરવાની પ્રણાલીનું પાલન કર્યું છે. પણ પછી શિષ્ય એરિસ્ટૉટલે ગુરુના દોષોનું અને કવિના ગુણોનું દર્શન કર્યું-કરાવ્યું હતું. પુનરુત્થાન યુગ લગી અનેક સમાજોમાં કાવ્યનો હેતુ આનંદ છે? કે અવબોધ? કે આનંદ અને અવબોધ બન્ને છે? — એવો પ્રશ્ન વારંવાર પૂછવામાં આવતો હતો. આપણે ત્યાં પણ પ્રાચીન યુગમાં મમ્મટે ‘કાવ્ય- પ્રકાશ’ના મંગલાચરણની કારિકામાં કવિભારતીનું ‘આહ્લાદમયી’ ઉપરાંત ‘કાન્તાસંમિતતયોપદેશયુજે’ એવું વર્ણન કર્યું છે એમાં સૂચવાય છે તેમ કાવ્યનો હેતુ આનંદ અને અવબોધ છે એવો કાવ્યવિચાર થયો હતો. આ સૌ પરથી પુનરુત્થાન યુગ લગીના સૌ પ્રાચીન યુગોમાં ‘કવિ અને યુગધર્મ’ના આ પ્રશ્ન અંગે જે વાદવિવાદ અને ઊહાપોહ થતો રહ્યો છે એનો અણસાર આવે છે. જોકે પ્રાચીન યુગમાં આ પ્રશ્નનો સંદર્ભ હતો એક વિશિષ્ટ વિશ્વદર્શન. ત્યારે વિશ્વ એ ઈશ્વરકેન્દ્રી વિશ્વ હતું. ત્યારે પ્રકૃતિ એ આત્મારોપણવાદ (એનિમિઝમ)ને કારણે ચૈતન્યસ્વરૂપ પ્રકૃતિ હતી. ઈશ્વર અને પ્રકૃતિ સાથે સંવાદ સ્થાપવામાં મનુષ્યજીવનની પરમ અને ચરમ સાર્થકતા હતી. એથી મનુષ્યમાત્રએ — કવિ સુધ્ધાંએ — અન્ય મનુષ્યો સાથે કે સમાજ સાથે નહિ પણ અંતે ઈશ્વર સાથે પોતાનો હિસાબ ચૂકતે કરવાનો હતો. પણ પુનરુત્થાન યુગથી આ પ્રશ્નનો આથી તદ્દન ભિન્ન એવો સંદર્ભ છે એક તદ્દન નવું જ વિશ્વદર્શન. ત્યારથી વિશ્વ એ મનુષ્યકેન્દ્રી વિશ્વ છે. ત્યારથી પ્રકૃતિ એ મનુષ્યના ઉપભોગના સાધનરૂપે ભૌતિકસ્વરૂપ પ્રકૃતિ છે. પરિણામે એમાં માનવતાવાદ અને એની સંતતિ જેવા બૌદ્ધિકતાવાદ, ભૌતિકતાવાદ, વિજ્ઞાનવાદ, ધર્મનિરપેક્ષતાવાદ, બિનસાંપ્રદાયિકતાવાદ વગેરે અનેક મનુષ્યકેન્દ્રી વાદો અને વિચારોનું વર્ચસ્ છે. આરંભમાં જ નૈતિકતાવાદીઓના આક્રમણની સામે પ્રતિકારરૂપે સિડનીને ‘કાવ્યનું ક્ષમાપન’ રચવાનું થયું. આ માનવતાવાદના અનુસંધાનમાં ફ્રેન્ચ ક્રાંતિને પરિણામે મનુષ્યજાતિના સમગ્ર ઇતિહાસમાં પૂર્વે જેનું કદી અસ્તિત્વ ન હતું એવા રાજ્યતંત્રમાં વ્યક્તિસ્વાતંત્ર્ય અને અર્થતંત્રમાં સામાજિક ન્યાયનાં માનવમૂલ્યો અને જીવનમૂલ્યોનું પ્રતિષ્ઠાન થયું. આરંભમાં જ કલ્પનાહીન અને સંવેદનહીન ભૌતિકતાવાદીઓના આક્રમણની સામે પ્રતિકારરૂપે શૅલીને ‘કાવ્યનું સંરક્ષણ’ રચવાનું થયું. કવિના અહમ્ પર આઘાત થયો હતો. કારણ કે સમાજમાં કવિનું પરંપરાગત પ્રતિષ્ઠાનું જે પદ હતું એનો અનાદર થયો હતો. એથી કેટલાક અહમ્‌પ્રેરિત કવિઓએ એ પદની પુન:પ્રાપ્તિ અર્થે ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં કાવ્ય દ્વારા સમાજને બદલવાનો અને ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં કાવ્ય દ્વારા મનુષ્યને સુધારવાનો પ્રયત્ન કર્યો અને એમાં કાવ્યનો આ સાધનરૂપે ઉપયોગ — બલકે દુરુપયોગ કર્યો. શૅલીએ એ સૌના વતી આત્મપ્રતિષ્ઠાન કર્યું કે ‘અમે કવિઓ જગતના અવિધિસરના ધારાસભ્યો છીએ.’ સમાજ તો ન બદલાયો. પણ સદીને અંતે કવિ બદલાયો. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ઉપભોગવાદી અને ઉપયોગિતાવાદી બુર્ઝ્વા મધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો. ‘કાવ્યનો શો ઉપયોગ? એનો તે વળી શો ઉપભોગ? કવિ, અમારે તારી જરૂર નથી.’ એવા એમના આક્રમણ સામે પ્રતિકારરૂપે ગૉતિયેને ‘શુદ્ધ કવિતા’ની નાન્દી જેવા ‘કલા-ખાતર-કલા’ના વાદનું, સૌદર્યવાદનું ઘોષણાપત્ર રચવાનું થયું. બૉદલેરના પ્રિય શબ્દો ‘ઍપાતે લ બુર્ઝ્વા’ — બુર્ઝ્વાને આઘાત આપો’માં એની પરાકાષ્ઠા છે. ‘મનુષ્યને સુધારવાનું, સમાજને બદલવાનું અમારું કામ નહિ, જીવવાનું અમારું કામ નહિ, એ તો અમારા ભૃત્યો કરશે. બર્બર, અમારે તારી જરૂર નથી. તું વસજે તારા જીવનના નરકમાં, અમે વસીશું અમારા કાવ્યના સ્વર્ગમાં’ કવિ એના ચંદનમહેલમાં ચાલ્યો ગયો. અને ત્યાં એકાન્તવાસમાં રહ્યો. જોકે આ પણ સદીના પૂર્વાર્ધમાં કેટલાક કવિઓએ જે કારણે અને જે હેતુથી સમાજને બદલવાનો જે પ્રયત્ન કર્યો હતો તે જ કારણે તે જ હેતુથી તે જ પ્રયત્નના શીર્ષાસન જેવો સમાજને બદલવાનો જ પ્રયત્ન હતો. રશિયન ક્રાંતિને પરિણામે વ્યક્તિસ્વાતંત્ર્ય અને સામાજિક ન્યાય વધુ સક્રિય અને સધ્ધર થશે આવી આશા અને અપેક્ષા અસ્તિત્વમાં આવી. કવિએ એનું સ્વાગત કર્યું. પણ અલ્પ સમયમાં જ સામાજિક ન્યાયને નામે વ્યક્તિસ્વાંતત્ર્યનો નાશ થયો, વ્યક્તિનો અને સ્વાતંત્ર્યનો બન્નેનો હ્રાસ થયો. આજે મૂડીવાદી લોકશાહી સમાજોમાં અર્થતંત્ર દ્વારા અને સામ્યવાદી બિનલોકશાહી સમાજોમાં રાજ્યતંત્ર દ્વારા અલ્પસંખ્ય મનુષ્યોનું બહુસંખ્ય મનુષ્યો પર વર્ચસ્ છે. વ્યક્તિનો ચહેરો ચુસાતો-ભુસાતો જાય છે. સમૂહસંસ્કૃતિ વિકસતી-વિસ્તરતી જાય છે. આજે અણુયુગ અને યંત્રવૈજ્ઞાનિક યુગની અનેક સમસ્યાઓ અને સંકુલતાઓ છે; અનેક આર્થિક, રાજકીય સામાજિક વાદો અને વ્યવસ્થાઓ છે; અનેક સમાજવિજ્ઞાનો અને માનવવિજ્ઞાનો — સવિશેષ સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર છે. પરિણામે એકેએક સમાજમાં કવિ અને યુગધર્મની વારંવાર ચિંતા અને ચિકિત્સા થાય છે. પરિણામે મનુષ્યને સુધારવાના અને સમાજને બદલવાના કવિના કાવ્યેતર ઉત્તરદાયિત્વ અને ઉપયોગ અંગે માત્ર આશા અને અપેક્ષા જ નહીં, આગ્રહ અને દુરાગ્રહ પણ છે. આજે એકેએક સમાજમાં રાજકારણનું વર્ચસ્ છે. અને આ રાજકારણ એટલે એકમાત્ર સત્તાનું રાજકારણ. એકેએક રાજ્યસત્તાને પોતાનું માહિતીખાતું અને પ્રચારખાતું છે. વિરોધ એને રુચે નહિ. સ્વતંત્ર વ્યક્તિ અને વ્યક્તિસ્વાતંત્ર્ય એને પચે નહિ. એને રુચે-પચે સ્તવન અને સમર્થન, સ્વનિર્ણીત નીતિનું સ્તવન અને સ્વનિર્મિત સત્યનું સમર્થન. સમાજમાં સૌથી વધુ નિરંકુશ મનુષ્ય હોય તો તે કવિ છે. એનો સ્વતંત્ર મિજાજ હોય છે. એના મગજમાં જુદો તાર હોય છે. કથ્યું કથે તે શાનો કવિ? એથી કવિ પર સૌથી વધુ શંકાદૃષ્ટિ જાય છે, એના પર સૌથી વધુ જાસૂસી થાય છે. લાંચથી અથવા ધમકીથી એના પર અંકુશ પ્રાપ્ત કરવાના સતત અને સબળ પ્રયત્નો થાય છે. માત્ર પોતાનું જ નહિ પણ મનુષ્યમાત્રનું વ્યક્તિત્વ અને વ્યક્તિસ્વાતંત્ર્ય અક્ષત અને અક્ષુણ્ણ રહે એ માટે કવિએ, એ કવિ છે માટે જ, ભવિષ્યમાં એ કાવ્ય કરી શકે અને ભાવક એના કાવ્યનો આસ્વાદ કરી શકે માટે જ. એક કવિ તરીકે વિશેષ ધર્મ બજાવવાનો આ યુગ છે. કવિ હોવું એ નાનુંસૂનું સાહસ નથી. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ઓવેનને યુદ્ધકાવ્યનો મંત્ર રચવાનું થયું, ‘અંતે મને કેવળ કાવ્યમાં રસ નથી. મારો વિષય યુદ્ધ અને યુદ્ધની કરુણતા છે અને કાવ્ય કરુણતામાં છે.’ ત્યારે યુદ્ધકવિઓનો એક નવો કવિપ્રકાર અસ્તિત્વમાં આવ્યો હતો પણ પછી બીજા વિશ્વયુદ્ધ સમયે એ અચાનક અલોપ થયો હતો. ત્યારે ‘યુદ્ધકવિઓ ક્યાં છે?’ એવો પ્રશ્ન ઊઠ્યો હતો એનો ઉત્તર બે વિશ્વયુદ્ધો વચ્ચેના વાતાવરણમાં છે. આ વાતાવરણમાં એલિયટને ‘મરુભૂમિ’માં આધુનિક યુગનું ઉપનિષદ રચવાનું થયું હતું. ઈશ્વરવિહીન વિશ્વમાં આત્માવિહીન મનુષ્યનું, પ્રેમ વિનાના મનુષ્યનું, શ્રદ્ધા વિનાના સમાજનું એ કાવ્ય છે. સંસ્કૃતિના અધઃપતનનું એ કાવ્ય છે. આજનો કવિ આ સર્વથી સભાન અને સજાગ છે. પણ મનુષ્યકેન્દ્રી વિશ્વમાં મનુષ્યમાત્રએ — કવિ સુધ્ધાંએ  — અંતે તો અન્ય મનુષ્યો સાથે અને સમાજ સાથે હિસાબ ચૂકતે કરવાનો છે ને! હમણાં કવિ કોઈ સમાજમાં મૌન અને મૃત્યનું, તો કોઈ સમાજમાં ઉપેક્ષા અને ઉદાસીનતાનું સેવન કરી રહ્યો છે. કોઈ પણ ક્ષણે એ કાવ્યની સંજીવની લઈને આવી પહોંચશે. ત્યાં લગી અર્વાચીન યુગમાં ‘કવિ અને યુગધર્મ’ના આ પ્રશ્ન અંગેનો જે વાદવિવાદ અને ઊહાપોહ તારસ્વરે થતો રહ્યો છે તે વધુ તારસ્વરે થતો રહેશે. ‘કવિને કવિ તરીકે કોઈ યુગધર્મ છે?’ એવો પ્રશ્ન પૂછ્યા પછી જો એનો ઉત્તર ‘હા’માં હોય તો ત્યાર પછી પૂછવા જેવા જે પ્રશ્નો છે તે આ છે : ‘કવિને યુગધર્મ છે તો ક્યો? ક્યા પ્રકારનો? કોની પ્રત્યે? એનો નિર્ણય કોણ કરે? ઇતરજનો કે કવિ સ્વયં?’ પણ આ સાચા પ્રશ્નો પૂછવામાં ન આવે, તો ખોટા ઉત્તર જ સુલભ થાય. અને વારંવાર ખોટા પ્રશ્નો પૂછવામાં આવે છે એથી સાચા ઉત્તર દુર્લભ છે. જોકે આ પ્રશ્નો પૂર્વે કવિ, કાવ્ય, ભાવક અને કાવ્યનો આસ્વાદ એટલે શું?’ એવા પ્રશ્નો પૂછવામાં આવે તો એના જે ઉત્તરો છે એને કારણે પછી અન્ય પ્રશ્નો ભાગ્યે પૂછવાના થાય. કવિકર્મ એટલે કે કાવ્ય કરવું એ જ કવિનો કવિ તરીકેનો સ્વધર્મ છે, કવિધર્મ છે અને કવિનો આ સ્વધર્મ, કવિધર્મ એ જ કવિનો યુગધર્મ છે. આ સમજવું હોય તો કવિને, કાવ્યને, ભાવકને અને કાવ્યના આસ્વાદને સમાજશાસ્ત્ર કે માનસશાસ્ત્ર જેવા કોઈ તર્કજન્ય કે બુદ્ધિજન્ય સમાજવિજ્ઞાન કે માનસવિજ્ઞાનને આધારે નહિ પણ જગતનાં ઉત્તમ કાવ્યો અને કાવ્યતત્ત્વવિચારોને આધારે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. યુંગે એમના પ્રસિદ્ધ ગ્રંથ ‘મૉડર્ન મેન ઇન સર્ચ ઑફ આ સોલ’ — ‘આત્માની ખોજમાં આધુનિક મનુષ્ય’ — માં કવિ અને કાવ્ય વિશે ગહન અને ગંભીર દર્શન કર્યું છે, ‘જીવનનું સર્જક અંગ — જેની કળામાં સૌથી વધુ સ્પષ્ટ અભિવ્યક્તિ થાય છે તે — બૌદ્ધિક પ્રતિપાદનના સૌ પ્રયત્નોનો પરાભવ કરે છે. બાહ્ય ઉત્તેજનાથી ઉત્પન્ન થતો કોઈ પણ પ્રત્યાઘાત કાર્યકારણસંબંધથી સમજી-સમજાવી શકાય. પણ સર્જકતાનું કાર્ય જે આવા કેવળ પ્રત્યાઘાતથી નિતાંત વિરોધી વસ્તુ છે તે તો મનુષ્યની સમજમાંથી સદાય સરકી જશે. માનસશાસ્ત્ર અને કાવ્યતત્ત્વવિચારે સદાય પરસ્પરના સહાયક થવું જોઈએ, સંહારક નહિ... સર્જકતા, સંકલ્પશક્તિની જેમ, રહસ્યમય છે... સર્જક મનુષ્ય સમસ્યારૂપ છે, અનેક રીતે આપણે એને સમજવા પ્રયત્ન કરીએ, પણ સદાય વ્યર્થ.’ અને પછી એમણે ગટેના ‘ફાઉસ્ટ-ભાગ ૧’ અને ‘ફાઉસ્ટ-ભાગ ૨’ના ઉદાહરણથી સ્પષ્ટ કર્યું છે કે કલાત્મક સર્જકતાનાં બે સ્વરૂપો છે. આ મનોવૈજ્ઞાનિક અને બીજું દાર્શનિક. મનોવૈજ્ઞાનિક સ્વરૂપ ઉત્તેજનાના પ્રત્યાઘાતરૂપ છે એથી એને તર્કયુક્ત પૃથક્કરણથી અને બુદ્ધિયુક્ત વિશ્લેષણથી સમજી-સમજાવી શકાય છે. પણ દાર્શનિક સ્વરૂપ એ રીતે કદી સમજી-સમજાવી ન શકાય એવું અગમ્ય અને રહસ્યમય છે. આ દાર્શનિક સ્વરૂપમાં જે દર્શન હોય તે છે ‘કલૅક્ટિવ અન્કૉન્શિઅસ’ — ‘સામૂહિક અજ્ઞાત.’ કલાત્મક સર્જકતાના દાર્શનિક સ્વરૂપ અંગેનું યુંગનું આ દર્શન એવું તો વિરલ અને વિશિષ્ટ છે કે સમયસંકોચને કારણે વધુ અવતરણો આપી શકું નહિ એથી અહીં માત્ર સૌ કવિતારસિકોને એમના આ ગ્રંથમાં ‘સાયકોલૉજી ઍન્ડ લિટરેચર’ — ‘માનસશાસ્ત્ર અને સાહિત્ય’નું સમગ્ર પ્રકરણ જોઈ જવાની ભલામણ કરીને જ સંતોષ માનું છું. આ વ્યાખ્યાનમાં સર્વત્ર ‘કાવ્ય’ શબ્દમાં યુગનું આ દાર્શનિક પ્રકારનું સ્વરૂપ અને ‘કવિ’ શબ્દમાં આ સ્વરૂપનો સર્જક અભિપ્રેત છે. કેટલાંક ઉદાહરણોથી એ સ્પષ્ટ થશે. કવિ અને કાવ્ય એટલે પશ્ચિમમાં હોમર, ગ્રીક નાટકકારો, વર્જિલ, ડૅન્ટિ, શેક્‌સ્પિયર, ગટે આદિનાં કાવ્યો અને આપણે ત્યાં વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, રવીન્દ્રનાથ આદિનાં કાવ્યો. કવિમાં શક્તિ હોય છે, પ્રતિભા — કારયિત્રી પ્રતિભા હોય છે. એ અલૌકિક અને લોકોત્તર છે, નિયતિકૃતનિયમરહિતા અને અનન્યપરતંત્રા છે. એ ઈશ્વરદત્ત છે. અનુગ્રહ છે, જન્મગત છે. હોમરે ‘ઑડીસી’ના આઠમા સર્ગમાં પાંચેકવાર ઈશ્વરની બક્ષિસ અથવા કાવ્યદેવીની કૃપાભેટ તરીકે, લૉન્જાઈનસે ‘હીપ્સૉસ’ — ‘ઊર્જસ્વિતા’ તરીકે, શેક્‌સ્પિયરે ‘ફાઇન ફ્રેન્ઝી’ — ‘રમ્ય ઉન્માદ’ તરીકે અને વાલેરીએ ‘દોને’ — ‘દત્ત’ તરીકે એનો ઉલ્લેખ કર્યો છે. એથી કવિમાં ‘સામૂહિક અજ્ઞાત’ છે, દર્શન છે. યુંગ કહે છે તેમ જ્યાં મનુષ્યમાત્રનું મૂળ છે, જ્યાં સમાજનો ઊગમ છે, જ્યાં સંસ્કૃતિનો પ્રભવ છે. જ્યાં યુગયુગોનો આરંભ છે એવા અસ્તિત્વના આદિમમાં આ દર્શનનો ઉદ્ભવ છે. વેદઉપનિષદમાં કવિને સ્વયંભૂ, કહ્યો છે. ભટ્ટ તૌતે કહ્યું છે કે જેનામાં દર્શન હોય તે ઋષિ અને ઋષિ નહિ તે કવિ નહિ, જેનામાં દર્શન હોય તે કવિ. શંકરે પણ કવિને ક્રાંતદર્શી કહ્યો છે. લૅટિનમાં કવિને ‘વાટૅસ’ — ‘દ્રષ્ટા’ કહ્યો છે. રેમ્બોએ પણ કહ્યું છે, ‘કવિ દ્રષ્ટા હોવો જોઈએ, કવિમાં દર્શન હોવું જોઈએ.’ કવિનું આ દર્શન આંતરદર્શન છે, સ્વયંસ્ફુરણાનું સહજજ્ઞાન છે. કાવ્યસર્જનની ક્ષણોમાં કવિ પ્રતિભાપ્રેરિત અને પ્રતિભાપ્રવૃત્ત હોય છે. ત્યારે એ વિગલિત વેદ્યાન્તર હોય છે. એને આસપાસની વસ્તુઓનું ભાન હોતું નથી, આજુબાજુના વિષયોનું જ્ઞાન હોતું નથી. એનામાં એકાગ્રતા, તન્મયતા હોય છે. એ ધ્યાનમાં, સમાધિમાં હોય છે. એથી એનું દર્શન સમગ્રતાનું અને સંપૂર્ણતાનું. અખંડિતતા અને અવિભક્તતાનું દર્શન છે. કાવ્યસર્જનની ક્ષણોમાં કવિમાં ભગ્નાવરણા ચિત્ત હોય છે, એની અવિઘ્ના સંવિત્ હોય છે. શું જીવનમાં, શું કાવ્યમાં, શું પ્રેમમાં, શું સૌંદર્યમાં મોટામાં મોટું આવરણ હોય, વિઘ્ન હોય તો તે અહમ્ છે. કવિ અહમ્‌રહિત હોય છે. એ અહમ્‌નો નિઃશેષપણે ત્યાગ કરે છે. પ્રતિભા સમક્ષ અહમ્‌ની સંપૂર્ણપણે બિનશરતી શરણાગતિનો સ્વીકાર કરે છે. ત્યારે કવિ સામાજિક હોતો નથી. એટલે કે મનુષ્ય કે નાગરિક હોતો નથી. એ જાતથી, જીવનથી જગતથી દશાંગુલ ઊર્ધ્વ હોય છે. એ બાલવત્ હોય છે, નિઃસ્વાર્થ અને નિર્દોષ હોય છે, આશ્ચર્યસભર હોય છે. એ વિગતજ્વર હોય છે. અહમ્‌ના ત્યાગથી કોઈ વધુ મોટો ત્યાગ હશે? વધુ મોટી નૈતિકતા કે સત્યતા હશે? વધુ મોટું સાહસ હશે? કીટ્સે એનો ‘નેગેટિવ કેપેબિલિટી’ — ‘નકારાત્મક શક્તિ’ તરીકે ઉલ્લેખ કર્યો છે. એલિયટે ‘અવિઘ્ના સંવિત્’ માટે ‘કેટેલિસ્ટ’ — ‘દ્વાવક’ તથા ‘યુનિફાઇડ સૅન્સિબિલિટી’ ‘એકીભૂત સંવેદના’ અને ‘સવિઘ્ના સંવિત્’ માટે ‘ડિસોસિયેશન ઑફ સેન્સિબિલિટી’ — ‘સંવેદનાનું દ્વૈતીકરણ’ એવો પર્યાય યોજ્યો છે. એલિયટે કહ્યું છે કે ‘સતત આત્મત્યાગ’ સતત વ્યક્તિત્વલોપ એ કવિની પ્રગતિ છે...કવિ જેટલો વધુ ઊંચો એટલું એનામાં સહન કરનાર મનુષ્ય અને સર્જન કરનાર પ્રતિભા વચ્ચે વધુ અંતર...કાવ્યમાં ભાવને છૂટો મૂકવાનો નથી, વ્યક્તિત્વને છતું કરવાનું નથી, ભાવમાંથી અને વ્યક્તિત્વમાંથી છુટકારો મેળવવાનો છે.’ અને પછી માર્મિકતાથી ઉમેર્યું છે કે ‘આવી વસ્તુઓમાંથી છુટકારો મેળવવો એટલે શું એ તો જેમને વ્યક્તિત્વ અને ભાવ હોય તેઓ જ જાણે. રેમ્બોએ પણ કહ્યું હતું, ‘રેમ્બો લખતો નથી, રેમ્બોને કોઈ લખી રહ્યું છે.’ કવિ અંગત રાગદ્વેષ, પુરસ્કાર-તિરસ્કાર, પક્ષપાત-પૂર્વગ્રહમાંથી, અંગત ભાવો અને લાગણીઓનાં બંધનોમાંથી અને કષાયોમાંથી મુક્ત હોય છે. એનો અર્થ એ નથી કે એ જાતથી, જીવનથી, જગતથી વિમુખ કે વિરુદ્ધ છે. વેદઉપનિષદમાં કવિને મનીષી અને પરિભૂઃ કહ્યો છે. એ બધું જુએ છે, જાણે છે; ઇન્દ્રિયોથી અને મન-હૃદય-બુદ્ધિથી અનેક અનુભવો કરે છે. એને ભાવો અને લાગણીઓ, ઊર્મિઓ અને વિચારો હોય છે. આ બધું — બાહ્યજગત અને અંગત જીવન — કાવ્યમાં પ્રવેશ પણ પામે છે, પણ પછી એમનું ભાવજગતમાં અને વૈશ્વિક જીવનમાં રૂપાંતર થાય છે. એના ભાવો અને લાગણીઓ તથા સ્વાનુભવો કાવ્યમાં સ્થાન પામે છે. પણ પછી એમનું રસમાં અને સર્વાનુભવમાં પરિવર્તન થાય છે. આ સર્વનું સાધારણીકરણ થાય છે. વ્હિટમને કહ્યું હતું, ‘મારામાં વિરોધાભાસ છે? હા, મારામાં વિરોધભાસ છે, કારણ કે હું અનેક મનુષ્યોમાંથી એક મનુષ્ય થયો છું.’ અને પછી પોતાના કાવ્યગ્રંથ માટે કહ્યું હતું, ‘જે આ ગ્રંથને સ્પર્શે છે તે એક મનુષ્યને સ્પર્શે છે.” લૉર્કાએ પણ કહ્યું હતું, ‘હા; હું અરાજકતાવાદી છું, સામ્યવાદી છું, સ્વાતંત્ર્યવાદી છું, પુરાણધર્મવાદી છું. પરંપરાવાદી છું, રાજ્યસત્તાવાદી છે.’ કાવ્યમાં સામાજિક અને કવિ ‘દ્વા સુપર્ણા સયુજા સખાયા’ છે. આ બે પંખી એક જ વૃક્ષમાં-કાવ્યમાં-વસે છે. એક પંખી — સામાજિક — મધુર ફળનો સ્વાદ કરે છે, જીવે છે; બીજું પંખી — કવિ — જુવે છે, દર્શન કરે છે. કાવ્યમાં માત્ર સત્યમ્ શિવમ્, સુન્દરમ્‌નું જ; સત્, ચિત્ આનંદનું જ દર્શન નથી. કાવ્યમાં ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરોધી ભાવો અને લાગણીઓ ઊર્મિઓ અને વિચારો, અનુભવો અને અનુભૂતિઓ પ્રવેશ પામે છે. એમાં બે અર્ધસત્યોના સરવાળારૂપે કે બે અસત્યોની બાદબાકીરૂપે એક સંપૂર્ણ સત્ય પ્રગટ થતું નથી. પણ બે અર્ધસત્યોની સહોપસ્થિતિથી કે બે અસત્યોના સહઅસ્તિત્વથી એક સંપૂર્ણ સત્યનું સૂચન થાય છે. કાવ્યમાં શ્રદ્ધા અને પ્રતીતિની સાથે શંકા અને અશ્રદ્ધા પણ સ્થાન પામે છે. નિત્શેએ કહ્યું છે કે સત્યથી આપણો નાશ ન થાય માટે આપણે કાવ્ય સર્જ્યું છે. કાવ્યમાં દેવ અને દાનવ, સંત અને પાપી, સજ્જન અને દુર્જન, સ્વર્ગ અને નરક, દિવ્યતા અને દુષ્ટતા ઇષ્ટ અને અનિષ્ટ — બધું જ પ્રવેશ પામે છે. જીવનમાં સંતને શહીદ થવાનું પ્રભુનિર્માણ પ્રાપ્ત થાય પણ કરુણકાવ્યમાં નાયક થવાનું કવિનિર્માણ પ્રાપ્ત ન થાય. માત્ર પતનશીલ અને સ્ખલનશીલ મનુષ્યને જ એ સર્વાધિકાર સ્વાધીન છે. કાવ્યમાં એની કરુણતાનું કરુણાભર્યું સૌંદર્ય અને શાતાભર્યું શાણપણ પ્રગટ થાય છે. હાર્ડીએ કહ્યું છે કે શુભ ભણીનો માર્ગ જો હોય તો પ્રથમ તો નજર ભરીને અશુભને નિહાળવું જોઈશે. કાવ્યમાં સુન્દરની સાથે અસુન્દરને પણ સ્થાન છે. કાવ્યમાં માત્ર ‘સૌંદર્યો પી’ એટલો જ મંત્ર નથી, એમાં અસુન્દરને પણ ચાહીચાહીને સુંદર કરવાનું હોય છે. બૉદલેરે એક અપ્રસિદ્ધ ભરતવાક્યમાં કહ્યું છે કે ‘પેરિસ, તેં મને તારો કાદવ આપ્યો, મેં એમાંથી સુવર્ણનું કમળ સર્જાવ્યું.’ કવિ કાવ્યમાં એકેએક વસ્તુને ચારેકોરથી જોઈજાણીને એના યથાસ્થાને યોજે છે. કાવ્યસર્જનની ક્ષણ પૂર્વે કવિને માટે અકલ્પ્ય હોય એવું અને કાવ્યસર્જનની ક્ષણોમાં કવિને માટે અગમ્ય હોય એવું ઘણુંબધું પણ કાવ્યમાં સ્થાન પામે છે. એલિયટ એને જ ‘ક્રીએશન’ — ‘સર્જન’ અને ‘ઇન્સ્પિરેશન’ — ‘પ્રેરણા’ એવું નામ આપે છે. આમ, કવિ તાટસ્થ્ય દ્વારા તાદાત્મ્ય અને આત્મવિલોપન દ્વારા આત્મોપલબ્ધિ પામે છે. શું જીવનમાં, શું કાવ્યમાં જે બધું જ ખુએ છે તે બધું જ પામે છે. જે પરમેશ્વર માટે અને સંત માટે સાચું છે તે, ફ્લૉબેરના શબ્દોમાં, કવિ માટે પણ સાચું છે કે કવિ કાવ્યમાં સર્વત્ર વ્યાપ્ત છે પણ ક્યાંય વ્યક્ત નથી. કાવ્યમાં ‘તત્ત્વમસિ’થી ‘સોહમ્’ અને ‘અહમ્ બ્રહ્માસ્મિ’ લગીની યાત્રા છે. કાવ્યમાં જ, કાવ્યરૂપે જ કવિનું અસ્તિત્વ છે, અન્યત્ર નહિ. કવિ અને કાવ્ય એકરૂપ. એકનામ છે. કાવ્ય એ જ કવિ છે. કવિ અને કાવ્યનું અદ્વૈત છે. માત્ર કાવ્ય જ સત્ય છે. કવિને આ સત્યનો આનંદ છે. કવિને અલ્પમાં સુખ નથી, ભૂમામાં સુખ છે. એથી કાવ્યમાં જીવનનું અને જગતનું વ્યાપક, વિશાળ અને બૃહદ સ્વરૂપ; સત્ અને ચિત્‌નું આનંદ સ્વરૂપ પ્રગટ થાય છે. કવિ કાવ્યમાં અહમ્ દ્વારા નહિ, પ્રેમ દ્વારા સત્ય અને નીતિ પામે છે. એથી કાવ્યમાં આત્માનું સત્ય, પરમ ઉચ્ચતમ સત્ય અને આત્માની નીતિ, પરમ, ઉચ્ચતમ નીતિ પ્રગટ થાય છે, સત્ય અને શિવનું સુંદર સ્વરૂપ સિદ્ધ થાય છે. કાવ્યમાં નારાયણના સખા એવા નરનું, પરમેશ્વરના મિત્ર એવા પુરુષનું, ‘મનેર માનુષ’નું દર્શન છે. એરિસ્ટૉટલે કહ્યું છે કે કાવ્યમાં ઇતિહાસથી વધુ તાત્ત્વિક દર્શન છે. એથી જ કાવ્ય એક જ મનુષ્ય કે સમાજ કે સંસ્કૃતિ કે યુગમાં નહિ પણ ત્રિકાલમાં અને ત્રિલોકમાં વિચરે અને વિહરે છે, વિશ્વમાં શાશ્વતીભ્યઃ સમાભ્યઃ વિલસે છે. કાવ્યમાં સ્વના અહમ્‌ના, અલ્પના અસત્‌માંથી સત્યમાં, તમસ્‌માંથી જ્યોતિમાં, મૃત્યુમાંથી અમૃત્‌માં ગતિ-મુક્તિ છે. સાચે જ કાવ્ય એ આત્માની અમૃતકલા છે. જેનામાં માત્ર દર્શન હોય તે ઋષિ, કવિ નહીં. એથી ભટ્ટ તૌતે કહ્યું છે કે જેનામાં દર્શન અને વર્ણન હોય તે કવિ. અંગ્રેજી ભાષામાં એમ કહેવાય છે કે મારે શું કહેવું છે તે જ્યાં લગી હું કહું નહીં ત્યાં લગી કેવી રીતે જાણી શકું? કાવ્યમાં દર્શન ને વર્ણન એકસાથે, એકશ્વાસે, એકનામરૂપે પ્રગટ થાય છે. એમાં પહેલું દર્શન, પછી વર્ણન, આ દર્શન, પેલું વર્ણન એવો ક્રમ અને ભેદ નથી. જે સ્વયંસ્ફુરણાથી કવિના સહજ જ્ઞાનની ભાવમય મૂર્તિ રચાય છે તે જ સ્વયંસ્ફુરણાથી કાવ્યરૂપે એની વાઙ્ મય મૂર્તિ રચાય છે. કાવ્યમાં ભાષા દ્વારા, શબ્દ દ્વારા, અવાજ અને અર્થ દ્વારા, છંદ અને અલંકાર દ્વારા દર્શન અને વર્ણન સિદ્ધ થાય છે. કવિ સ્વરવ્યંજન આરોહઅવરોહ લય, સૂર, ભાર, કાકુ, વર્ણસગાઈ, રવાનુકરિતા શબ્દક્રમ વાક્યવિન્યાસ પદાવલિ, વિરામ, મૌન આદિ સમગ્ર નાદસંકુલ દ્વારા તથા ઉપમા, રૂપક, શ્લેષ, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, સંદર્ભ, સંસ્કાર આદિ સમગ્ર અર્થસંકુલ દ્વારા પોતાના દર્શનનું વ્યક્તીકરણ, પ્રત્યક્ષીકરણ અને સાધારણીકરણ સિદ્ધ કરે છે, પોતાના દર્શનને વર્ણનરૂપે સાક્ષાત્ કરે છે. એમાં શબ્દની એકેએક નાનીમોટી શક્તિનું અર્પણ હોય છે. છતાં દર્શન અને વર્ણની અધઝાઝેરી સિદ્ધિનો આધાર પ્રતીક પર છે. એથી આધુનિક યુગમાં એલિયટે ‘ઑબ્જેક્ટિવ કોરીલેટિવ’ — ‘પરલક્ષી સાધર્મ્ય’ પર સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને પાઉન્ડે તો એમ કહ્યું કે મોટાંમોટાં થોથાં રચવા કરતાં જીવનમાં એકાદ પ્રતીક રચવું એ બહેતર છે. અન્ય સૌ પ્રકારનું જ્ઞાન તર્ક અને બુદ્ધિ દ્વારા અમૂર્તરૂપે પ્રગટ થાય છે. કવિનું જ્ઞાન રસ અને આનંદ દ્વારા મૂર્તરૂપે, કાવ્યરૂપે પ્રગટ થાય છે. કાવ્યમાં સત્ય અને શિવ સુંદરનું રૂપ ધારણ કરે છે. કવિ માત્ર સૌંદર્યનો સાધક-ઉપાસક નથી, સૌંદર્યનો સર્જક છે. સાચે જ કાવ્ય એ રસ આનંદ અને સૌંદર્યનું એક સુશ્લિષ્ટ, સુગ્રથિત અને સુવ્યવસ્થિત વિશ્વ છે. અભિવ્યક્તિ એ જ કાર્યસર્જનનો એકમાત્ર હેતુ નથી. કવિને ભાવકની અપેક્ષા છે, પ્રત્યાયનની આશા છે. આ અપેક્ષા કેવી તો તીવ્ર અને આ આશા કેવી તો ઉત્કટ હોય છે એનું એક પ્રસિદ્ધ ઉદાહરણ પર્યાપ્ત છે. કવિને જ્યારે શંકા જાય કે પોતાના જીવનકાળમાં પોતાના સમકાલીન સમાજમાં એકે સમાનધર્મા નથી ત્યારે કાળ નિરવધિ છે અને પૃથ્વી વિશાળ છે એ શ્રદ્ધાએ એ કોઈ કાળે કોઈ સ્થળે કોઈ એક સમાનધર્માની પ્રતીક્ષા કરે છે. પ્રાચીન યુગમાં પ્લેટોએ કવિનું નહિ, કૃતિનું જ મહત્ત્વ કર્યું. અર્વાચીન યુગમાં ક્રોચેએ કૃતિનું નહિ, કવિનું જ મહત્ત્વ કર્યું. પણ કવિ અને કૃતિ બન્નેનું મહત્ત્વ છે. રસ ભાવકના ચિત્તમાં છે. પણ કાવ્યની અનુપરિસ્થિતિમાં ભાવક રસનો આસ્વાદ કરી શકે નહિ. આમ, કવિને કાવ્ય અને ભાવકની અપેક્ષા છે તો ભાવકને કવિ અને કાવ્યની અપેક્ષા છે. અને કવિને માત્ર પ્રત્યાયનની જ આશા નથી, સહાનુભવની આશા છે. કાવ્ય એ કવિનું ભાવકને રસ, આનંદ અને સૌંદર્યના અનુભવમાં સહભાગી થવાનું, કાવ્યમાત્રામાં સહયાત્રી થવાનું, સહ નૌ ભુનક્તુનું આમંત્રણ છે. ભાવકમાં ભાવયિત્રી પ્રતિભા હોય છે. એ જ્યારે કાવ્યનો આસ્વાદ કરે છે ત્યારે એ વિગલિત વેધાન્તર હોય છે. એનામાં ભગ્નાવરણા ચિત્ હોય છે, એની અવિઘ્ના સંવિત્ હોય છે. કૉલરિજે એનો ‘વિલિંગ સસ્પેન્શન ઑફ ડિસબીલીફ’ — ‘અશ્રદ્ધાનો સ્વૈચ્છિક ત્યાગ’ તરીકે ઉલ્લેખ કર્યો છે. ત્યારે એ અહમ્‌રહિત હોય છે; એ સામાજિક નહિ, ભાવક હોય છે. ત્યારે એ પોતાના સ્વમાંથી, અહમ્‌માંથી, અલ્પમાંથી, અંગત ભાવોના બંધનોમાંથી, અંગત લાગણીઓના કષાયોમાંથી મુક્ત થાય છે. એરિસ્ટૉટલે એનો ‘કેથાર્સિસ’ — ‘શુદ્ધીકરણ’ તરીકે ઉલ્લેખ કર્યો છે. ત્યારે એ જાતનો, જીવનનો અને જગતનો રસરૂપે અનુભવ કરે છે. એ પોતાના વ્યાપક, વિશાળ, બૃહદ્ સ્વરૂપને, આનંદસ્વરૂપને પામે છે. તથા પરમ ઉચ્ચતમ સત્યનું અને પરમ ઉચ્ચતમ શિવનું સુન્દરરૂપે દર્શન કરે છે. એથી એ પોતાના અને પોતાની આસપાસનાં અન્ય મનુષ્યો, સમાજ, યુગ સંસ્કૃતિ પ્રકૃતિ આદિ સમગ્ર વિશ્વના સ્વરૂપ વિશેનું સત્ય પામે છે. કાવ્ય આત્માની કલા અને અમૃત કલા છે. પણ, અલબત્ત, એ માત્ર કલા એટલે કે જીવનનો અંશમાત્ર છે. અસીમ અને અનંત એવા જીવન વિશે, જીવનની એકેએક ઘટના વિશે તો એક માત્ર પરમેશ્વર જ કાવ્ય રચી શકે — અને એ તો એ સતત રચી જ રહ્યો છે. કાવ્યનું સર્જન થાય પછી જીવન તો ચાલ્યા જ કરે છે. પણ કાવ્ય એ આત્માનો અંશ છે. અને કવિ સમવધાનપૂર્વક કાવ્યનું સર્જન કરે છે એથી એ અંશ સમગ્રતયા કાવ્યમાં પ્રગટ થાય છે. એ અંશમાં, ચન્દ્રની કલામાં જેમ પૂર્ણચન્દ્રનું હોય છે તેમ’ જીવનની અખિલાઈનું સૂચન અવશ્ય હોય છે. વળી કવિ કાવ્યસર્જનની ક્ષણોમાં જ, તત્ક્ષણ, તત્કાલ પૂરતો જ કવિ હોય છે. એક વાર એ કાવ્યની અંતિમ પંક્તિ રચી રહે પછી કવિ મટી જાય છે. પછી એ મનુષ્ય હોય છે, નાગરિક, સામાજિક હોય છે. અને પછી જો એ કદી બીજું કાવ્ય ન રચે તો હંમેશ માટે કવિ મટી જાય છે. એવું જ ભાવકનું. ભાવક પણ એને કાવ્યનો પ્રત્યક્ષ, સાક્ષાત્ સંપર્ક હોય છે અને કાવ્યનો આસ્વાદ કરે છે એ ક્ષણોમાં જ, તત્ક્ષણ, તત્કાલ પૂરતો જ ભાવક હોય છે. એક વાર એ સંપર્ક લુપ્ત થાય પછી એ ભાવક મટી જાય છે. પછી એ મનુષ્ય હોય છે, નાગરિક, સામાજિક હોય છે. અને પછી જો એ કદી ફરી કાવ્યનો આસ્વાદ ન કરે તો હંમેશ માટે ભાવક મટી જાય છે. પણ તત્ક્ષણ, તત્કાલ પૂરતો કવિ અને ભાવકને રસ, આનંદ અને સૌંદર્યનો સાક્ષાત્કાર થાય એ કોઈ નાનુંસૂનું સદ્ભાગ્ય નથી. અને કાવ્ય એ અમૃત કલા છે. એથી કવિ અને ભાવક આ પૃથ્વી પરથી વિદાય થાય છે; સમાજ, યુગ, સંસ્કૃતિ વિલીન થાય છે પછી પણ કાવ્ય તો વિદ્યમાન હોય છે. મારા જેવા સાદા માણસને સમજાય એવી ભાષામાં પ્રતિભાનો અર્થ કરું તો પ્રતિભા એટલે પ્રેમ. કવિનો ધર્મ પ્રેમનો ધર્મ છે. કવિ ગીતાના ભક્તની જેમ ‘અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ’ છે. કવિ પ્રેમ દ્વારા એટલે કે વેદના અને સંવેદના, સમભાવ અને સહાનુભૂતિ દ્વારા સત્ય અને નીતિનું, વસ્તુ અને વિશ્વનું જ્ઞાન પામે છે. લીઅરે અંધ ગ્લૉસ્ટરને આર્તસ્વરે કહ્યું ‘...આ જગતને તું જુએ છે ને!’ ત્યારે ગ્લૉસ્ટરે કહ્યું ‘હા, સંવેદનથી જોઉં છું.’ એમાં કવિના જ્ઞાનનું રહસ્ય છે. કવિ અદ્વેષ્ટા છે એથી કાવ્યમાં દ્રષ્ટા અને દ્રષ્ટ તદ્રૂપ હોય છે. એમનો અંગત અને આત્મીય સંબંધ હોય છે. કવિ કાવ્યમાં વસ્તુ ને વિશ્વને એ-જે-છે-તે-રૂપે સ્વરૂપે યથાતથ રૂપે પામે છે. કવિની સ્વયંસ્ફુરણાના સહજજ્ઞાનની ભાવમય મૂર્તિ કાવ્યમાં વાઙ્ મય મૂર્તિ રૂપે પ્રગટ થાય છે. અર્થાત્ કાવ્યમાં પ્રેમ સૌંદર્ય રૂપે પ્રગટ થાય છે. કાવ્ય એકસાથે પ્રેમની અને સૌંદર્યની દીક્ષા છે. અન્ય સૌ જ્ઞાન તર્ક અને બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થાય છે અને અમૂર્ત રૂપે પ્રગટ થાય છે. કાવ્યમાં જ્ઞાન પ્રેમ દ્વારા પ્રાપ્ત થાય અને મૂર્ત રૂપે પ્રગટ થાય છે. કાવ્યમાં જે જ્ઞાન જે રૂપે છે તે અન્યત્ર ક્યાંય નથી. એથી કવિનું જ્ઞાન એકમેવ છે અને કાવ્ય અદ્વિતીયમ્ છે. યુંગે કહ્યું છે કે કાવ્ય સ્વપ્ન જેવું છે. કાવ્ય કંઈ કહેતું-કરતું નથી. કાવ્ય માત્ર હોય છે. દ્વિઅર્થી — અનેકઅર્થી, રહસ્યમય એવું કાવ્ય માત્ર હોય છે. મેક્લીશે કહ્યું છે કે કાવ્ય કંઈ કહેવું-કરવું જોઈએ નહિ, કાવ્યે માત્ર હોવું જોઈએ. કાવ્ય મગનું નામ મરી પાડીને, તડ ને ફડ, સાફ સાફ, સીધાસાદા ‘સત્યમ્ વદ! ધર્મમ્ ચર!’ જેવા શબ્દોમાં કંઈ કહેતું-કરતું નથી. કાવ્ય તો માત્ર મનુષ્ય સમક્ષ હોય છે, પણ એથી પછી મનુષ્ય કેટલું બધું વદે, ચરે છે. અને છતાં કાવ્ય સ્વયં એક કર્મ છે. વેદમાં કવિને કવિક્રતુ કહ્યો છે. કવિ કર્મવીર છે. કવિ અને કાવ્ય એકાંતમાં નહિ, મનુષ્યોની વચ્ચોવચ વસે છે. અને સર્વ કર્મોની ગંગોત્રી જેવા મનુષ્યના ચૈતન્યને સંકોરે છે, સંચારે છે, સતેજ અને સજાગ કરે છે. કાવ્ય ન હોય તો મનુષ્ય પોતાના અને પોતાની આસપાસના અન્ય મનુષ્યો, સમાજ, યુગ, સંસ્કૃતિ, પ્રકૃતિ આદિ સમગ્ર વિશ્વના સ્વરૂપ વિશેના જ્ઞાનથી વંચિત થાય. સૂર્ય ન હોય તો જેમ સંસાર અંધકારમય થાય તેમ કાવ્યનો જ્યોતિ ન હોય તો મનુષ્યનું મનોવિશ્વ તમોમય થાય. કાવ્યને કારણે મનુષ્યનું મૂલ્ય, જીવનનો હેતુ અને વિશ્વનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. ઈડિથ સિટ્વેલે કહ્યું છે કે પ્રત્યેક કાવ્યના જન્મ સાથે સમગ્ર વિશ્વનો અર્થ પુનશ્ચ જન્મ પામે છે. કવિ જે આપે છે તે સંસારમાં અન્ય કોઈ ન આપી શકે. કવિ શું આપે છે? કવિ પ્રેમ દ્વારા સમજ આપે છે, જ્ઞાન આપે છે, કાવ્ય રૂપે, શબ્દ રૂપે કવિના શબ્દ રૂપે. એથી જેમ કવિના કાવ્યનો ગદ્યાન્વય ન હોય તેમ કવિના કર્મનો ધર્માન્વય ન હોય. એથી કવિકર્મ એટલે કે કાવ્ય કરવું તે જ કવિનો કવિ તરીકે યુગધર્મ છે. કવિ પાસેથી કાવ્ય સિવાય અન્ય કંઈ ન માગવાની સન્મતિ પ્રત્યેક યુગમાં હોવી જોઈએ. પ્રત્યેક યુગમાં કવિ અને યુગધર્મના પ્રશ્ન વિશે કેટલાક નીતિના નેતાઓ અને સત્યના સૂત્રધારોમાં અલ્પમતિ અને દુર્મતિ હોય છે. તેઓ એમની અણસમજ અને ગેરસમજનું વારંવાર પ્રદર્શન કરે છે. પ્રાચીન યુગમાં પ્લેટોએ ‘ફિલસૂફી અને કવિતા વચ્ચેનો પ્રાચીન કલહ’ એવો ઉલ્લેખ કર્યો છે. પ્લેટો માટે પણ આ કલહ પ્રાચીન હતો એટલો એ પ્રાચીનતમ છે. અંતે આ કલહ સૌંદર્યશાસ્ત્ર વિરુદ્ધ નીતિશાસ્ત્રનો કલહ છે. પ્લેટો એટલા નીતિવાન અને સત્યવાન હતા કે એમણે નીતિ અને સત્યને નામે એક સિદ્ધાંત તરીકે આદર્શ રાજ્યમાંથી કવિને નિર્વાસિત કરવો જોઈએ એવો આદેશ આપ્યો હતો. પ્લેટોને કોઈ લોકૈષણા કે જયૈષણા ન હતી. પણ એમના વંશજોને તો કવિને નિર્વાસિત કરવો નથી, નિયંત્રિત કરવો છે. તેઓ નીતિ અને સત્યને નામે કવિ એનો યુગધર્મ બજાવતો નથી, અથવા બરાબર બજાવતો નથી, અથવા બજાવવામાં નિષ્ફળ ગયો છે એમ મ્હેણાંટોણાં મારે છે અને પછી કવિને રોકટોક કરે છે અને અંતે એણે કેવું કાવ્ય કરવું અને કેવું ન કરવું એ અંગેનો સલાહસૂચનો આપે છે. પ્લેટોના આ વંશજો ફિલસૂફો કે સંતો નથી. તેઓ મુખ્યત્વે ધર્મસંસ્થાઓમાં અને રાજ્યતંત્રોમાં સર્વોચ્ચ સત્તાસ્થાને હોય છે. આ નેતાઓ અને સૂત્રધારો એમના અહમ્ અને દ્વેષ દ્વારા નીતિ અને સત્યને પામે છે. એથી એ અહમ્‌થી થરડેલી-તરડેલી નીતિ અને દ્વેષથી ખરડેલું-મરડેલું સત્ય છે. એ સ્વનિર્ણીત નીતિ અને સ્વનિર્મિત સત્ય છે. નેતા આચરે તે નીતિ અને સત્તા ઓચરે તે સત્ય — એવું એ નીતિ અને સત્યનું સ્વ-અર્થી, સ્વાર્થી સ્વરૂપ છે. એ સ્થળ અને કાળમાં સીમિત અને એથી પરિમિત છે. વાસ્તવમાં એ અલ્પનીતિ કે અનીતિ અને અર્ધસત્ય કે અસત્ય છે. અને છદ્મ કે નગ્નરૂપમાં એ અન્ય મનુષ્યો પ્રત્યેના તુચ્છકાર અને તિરસ્કારનું પ્રતીક છે, અન્ય મનુષ્યો પરની નૈતિક અને ભૌતિક સત્તાનું સાધન છે. આ નીતિ અને સત્ય નેતાઓ અને સૂત્રધારો દ્વારા સમાજમાં પ્રચલિત અને પ્રતિષ્ઠિત થાય છે. પણ કાવ્યમાં આ નીતિ અને સત્ય અપ્રસ્તુત છે. આ અર્થમાં કાવ્ય નીતિ-અનીતિથી અને સત્ય-અસત્યથી નિરપેક્ષ છે. એથી નિત્શેએ કહ્યું હતું કે સત્યથી આપણે નાશ ન પામીએ માટે આપણી પાસે કાવ્ય છે. કવિ એના અહમ્‌રહિત પ્રેમ દ્વારા નીતિ અને સત્યને પામે છે. પ્રેમથી ઉચ્ચતર કોઈ નીતિ અને સત્ય નથી. એથી કાવ્યમાં કાલાતીત અને વિશ્વવ્યાપી પરમ ઉચ્ચતમ નીતિ અને પરમ ઉચ્ચતમ સત્ય હોય છે. નેતાઓ અને સૂત્રધારો દ્વારા સમાજમાં પ્રચલિત અને પ્રતિષ્ઠિત નીતિ અને સત્યથી કવિ દશાંગુલ ઊર્ધ્વ છે. અદ્વેષ્ટા એવો કવિ મનુષ્યમાત્રનો મિત્ર છે. એને મનુષ્યમાત્ર પ્રત્યે કરુણા છે. તતો ન વિજુગુપ્સતે. કવિની આ કરુણાને કારણે કાવ્યમાં નીતિ-અનીતિ, અને સત્ય-અસત્યની કરુણતાનું તથા કરુણતાના સૌંદર્યનું, અને એ દ્વારા શાતા અને શાણપણનું તથા મનુષ્યના સ્વરૂપનું દર્શન હોય છે. કવિને સમાજમાં મહત્તા કે રાજ્યમાં સત્તા ન જોઈએ, કવિને જોઈએ સમસંવેદન સહાનુભવ. કવિનું પ્રજાના હૃદયમાં સ્થાન હોય છે. પ્રજાના મનમાં કવિ પ્રત્યે માન હોય છે. એથી કાવ્યનો સમાજમાં પ્રભાવ અને પ્રતાપ હોય છે. કાવ્યમાં જે નીતિ અને સત્ય છે એનું જો મનુષ્યને દર્શન થાય તો આ નેતાઓ અને સૂત્રધારો દ્વારા સમાજમાં જે નીતિ અને સત્ય પ્રચલિત અને પ્રતિષ્ઠિત છે એનું સ્વરૂપ તેઓ પામી જાય અને એ દ્વારા સિદ્ધ એવો એમનો સ્વાર્થ અને સધ્ધર એવી એમની સત્તા નિર્મૂલ થાય. કવિ આ નેતાઓ અને સૂત્રધારોને આહ્વાનરૂપ હોય છે. એમને કવિનો ભય હોય છે. એથી તેઓ નીતિ અને સત્યને નામે, કવિના યુગધર્મને નામે કવિ એના કાવ્યમાં એમની નીતિનું સ્તવન કરે, એમના સત્યનું સમર્થન કરે એવું કવિ અને કાવ્ય પ્રત્યે એમનું વલણ અને વર્તન હોય છે. એમને કવિ એમની નીતિનો નંદી થાય એમ એને સમાજના ચક્રે જોતરવો હોય છે, એમના સત્યનો સારથિ થાય એમ એને રાજ્યના રથે જોડવો હોય છે. કવિને નિયંત્રિત કરવો જોઈએ એવા નિર્ણય અને નિશ્વય સાથે તેઓ કવિ પર સદાય લાંચ અને ધમકીનો અને ક્યારેક યાતનાયંત્રણાનો અને મૃત્યુ સુધ્ધાંનો ઉપચાર કરે છે. પ્રાચીન યુગમાં સાફોનાં કાવ્યો તિરસ્કૃત થયાં હતાં, મધ્યયુગમાં મીરાંની કાવ્યો સંપ્રદાયોના સંચયોમાંથી બહિષ્કૃત થયાં હતાં, અર્વાચીન યુગમાં પાસ્તરનાકે સ્વધર્મે નિધનં શ્રેયનો આ ભવ્ય ઇતિહાસ રચ્યો છે. કવિ હોવું એ વિધાતાનું વરદાન છે. રવીન્દ્રનાથે વાલ્મીકિ વિશે કહ્યું છે તેમ એ અપાર વેદના અને નિત્ય જાગરણનું, અગ્નિપરીક્ષાનું વરદાન છે. કવિ હોવું એ મોટું સદ્ભાગ્ય છે, પણ નાનુંસૂનું સાહસ નથી. કવિ મનુષ્ય તરીકે જે જીવન જીવે છે એમાં અન્ય મનુષ્યોના જીવનમાં હોય એમ પતનશીલતા, સ્ખલનશીલતા, શિથિલતા, નિર્બળતા આદિ હોય છે. આ નેતાઓ અને સૂત્રધારો કવિના મનુષ્ય તરીકેના શીલ અને ચારિત્ર્યની આ વિસંગતિઓ અને વિચિત્રતાઓને નામે કવિ અને એના કાવ્ય પ્રત્યે તુચ્છકાર અને તિરસ્કાર પ્રગટ કરે છે. કાવ્ય અને જીવન વચ્ચે સંવાદ હોય એ સોહ્યલું નથી. કવિને માટે પણ કાવ્ય જીવવું, જીરવવું દોહ્યલું છે. કવિના મનુષ્ય તરીકેના ઉચ્ચ કે નિમ્ન ઉન્નત કે અવનત જીવનને અને કાવ્યને સંબંધ નથી એ યુંગે પૂર્વોક્ત પ્રકરણમાં સુક્ષ્મ અને માર્મિક સૂઝસમજથી સૂચવ્યું છે. અહીં પણ કવિ અને કાવ્ય પ્રત્યેના એમના આ વલણ અને વર્તન દ્વારા આ નેતાઓ અને સૂત્રધારો એમની નિમ્નતા અને નિર્બળતા જ પ્રગટ કરે છે. વળી કવિ મનુષ્ય તરીકે અન્ય મનુષ્યોની જેમ સમાજમાંથી અન્ન, વસ્ત્ર અને ઓટલો પામે છે, અને ખાય છે, પીએ છે, જીવે છે એમાં એ સમાજનો ઋણી અને આભારી હોય છે. આ નેતાઓ અને સૂત્રધારો આ ઋણ અને આભારને નામે પણ કવિએ કેવું કાવ્ય કરવું અને કેવું ન કરવું એનાં સલાહસૂચનો આપે છે. પણ મનુષ્ય કાવ્ય ન કરે તો પણ એ સમાજનો ઋણી અને આભારી હોય છે. એને મનુષ્યના કવિ હોવાપણા સાથે અને કાવ્ય સાથે કોઈ સંબંધ નથી. કવિનું મનુષ્ય તરીકે અંગત કે સામાજિક જીવન કાવ્યમાં અપ્રસ્તુત છે. આ નેતાઓ અને સૂત્રધારોમાં અન્ય અનીતિ અને અસત્ય હોય કે ન હોય પણ એમનું કવિ અને કાવ્ય પ્રત્યેનું આ વલણ અને વર્તન એ અવશ્ય એમની અનીતિ અને એમનું અસત્ય છે. આપણે જેમ અહીં આ પરિષદમાં યુગ પ્રત્યેના કવિના ધર્મની ચિંતા અને ચિકિત્સા કરીએ છીએ તેમ આ નેતાઓ અને સૂત્રધારો એમની પરિષદોમાં કવિ અને કાવ્ય પ્રત્યેના એમના ધર્મની ચિંતા અને ચિકિત્સા કરે એવી સન્મતિ પરમેશ્વર એમને આપે એવી આ ક્ષણે એમને માટે આપણે પ્રાર્થના કરીએ. કવિ જ્યારે એના કાવ્યમાં યુગધર્મને નામે પોતાની ઇચ્છાથી કે પારકાની ઇચ્છાથી ‘ધર્મમ્ ચર!’ ‘સત્યમ્ વદ!’ જેવા સ્વકીય કે પરકીય નીતિના નિયમો કે સત્યનાં સૂત્રોનો પ્રચાર કરે છે, મનુષ્યને સુધારવા કે સમાજને બદલવા, કોઈ પણ ધર્મની નૈતિક સત્તાનું સ્તવન કરવા કે કોઈ પણ રાજ્યની ભૌતિક સત્તાનું સમર્થન કરવા કાવ્યનો સાધન તરીકે ઉપયોગ — બલકે દુરુપયોગ કરે છે ત્યારે કવિ માત્ર મનુષ્ય તરીકે એનો અહમ્ જ પોષે-સંતોષે છે, ત્યારે કવિ કાવ્યદ્રોહ કરે છે, આત્મદ્રોહ કરે છે. અને આત્મદ્રોહથી વિશેષ કોઈ અનીતિ કે અસત્ય નથી. ત્યારે કવિ એ કવિ નહિ પણ સુધારક, ઉદ્ધારક કે ભાટ, ચારણ હોય છે. કવિ જ્યારે કાવ્યમાં નીતિ કે સત્યનો પ્રચાર કરે છે ત્યારે એ ભલે નીતિ કે સત્યનો પ્રચાર હોય પણ એ પ્રચાર છે એથી એ અકાવ્યમય છે અને એથી એ અનીતિ કે અસત્ય છે. કવિ જ્યારે કાવ્યમાં અનીતિ કે અસત્યનો પ્રચાર કરે છે ત્યારે પણ એ અનીતિ કે અસત્યનો પ્રચાર કરે છે એથી નહિ પણ એ પ્રચાર છે એથી એ અકાવ્યમય છે અને એથી એ અનીતિ અને અસત્ય છે. પ્રચારનું કાવ્ય શક્ય નથી એથી કવિ જ્યારે પ્રચારનું કાવ્ય કરે છે ત્યારે કવિ પ્રચારક તરીકે અને એ કાવ્ય પ્રચાર તરીકે નિષ્ફળ અને નિરર્થક થાય છે. કાવ્યમાં પ્રચાર શક્ય નથી એથી કવિ જ્યારે કાવ્યમાં પ્રચાર કરે છે ત્યારે એ અકવિ ઠરે છે અને એનું કાવ્ય અકાવ્ય ઠરે છે. કાવ્ય એ ભવિષ્યસૂચન કે રહસ્યોદ્ઘાટન હોય, પણ આગાહીઓ અને ભવિષ્યવાણીઓની યાદી ન હોય. કાવ્ય એ નિદાન કે સ્વયં ઇલાજ કે ઔષધ હોય, પણ ઇલાજો કે ઔષધોની યાદી ન હોય. કાવ્ય એ ‘આ નીતિ-અનીતિ છે, નહીં?’ ‘આ સત્ય-અસત્ય છે, નહીં?’ એવો આશ્વર્યાર્થ કે પ્રશ્નાર્થ હોય, પણ નીતિ-અનીતિના નિયમોનું કે સત્ય-અસત્યનાં સૂત્રોનું, વાદોનું કે વિચારોનું કથન કે પ્રતિપાદન ન હોય. કાવ્ય એ હૃદયનું કે આત્માનું દર્શન હોય, પણ તર્ક કે બુદ્ધિની લીલા — જીભાજોડી કે દલીલબાજી ન હોય. કાવ્ય એ અથ તો બ્રહ્મજિજ્ઞાસા હોય, પણ ઇતિ સિદ્ધમ્ ન હોય. કીટ્સે કહ્યું હતું, ‘જે કવિતામાં આપણા પર કશુંક લાદવાની ઉઘાડી દાનત હોય છે તે કવિતાને આપણે ધિક્કારીએ છીએ... કવિતા અનાક્રમક હોવી જોઈએ.’ આપણા યુગમાં મેકનીસે કહ્યું છે, ‘સૂત્રોચ્ચાર કરનાર કવિ એના ‘કવિ’ નામનો દ્રોહ કરે છે. કવિ સર્જક છે, છૂટક માલનો વેપારી નથી. આજના યુગમાં કવિએ સમાજનું મુખ થવાનું નથી — તો તો એ સમાજ જે જાણે જ છે તેનું તે જ સમાજને કહેવાનો — એણે સમાજના અંતરાત્મા થવાનું છે...કવિએ કોઈના આદેશ અનુસાર અસત્ય ઉચ્ચારવાનો સ્પષ્ટ ઇન્કાર કરવો જોઈએ. બીજાઓ વધુ કુશળતાથી અસત્ય ઉચ્ચારી શકે છે. કાવ્યનું સત્ય માત્ર કવિ સિવાય કોઈ ઉચ્ચારી શકશે નહિ.’ ઑડને પણ કહ્યું છે, ‘કાવ્યનું કામ સત્યના તથા મનુષ્યના નીતિ-અનીતિના જ્ઞાનના સાક્ષી થવાનું છે. અદાલત ન્યાયી ચુકાદો આપી શકે એ માટે જે પોતાની ઉત્તમ શક્તિને આધારે સ્પષ્ટ અને સાચી જુબાની આપે તે નીતિમાન સાક્ષી છે. જે અર્ધસત્યો અને નર્યા અસત્યોની જુબાની આપે તે અનીતિમાન સાક્ષી છે, તે જાતે જ ગુનેગાર છે. સાક્ષીનું કામ ચુકાદો આપવાનું નથી.’ કહે છે કે આ ‘પોએટ્સ કમિટમેન્ટ’ — કવિની પ્રતિબદ્ધતાનો, ‘લા પોએઝી આંગાઝે’ — પ્રતિબદ્ધ કવિતાનો યુગ છે. પણ કવિ સમાજની કોઈ નૈતિક સત્તા કે રાજ્યની કોઈ ભૌતિક સત્તાને અધીન નથી. કવિ એના અંતરાત્માને અધીન છે. કવિના સર્વાધિકાર સ્વાધીન છે. પ્રતિભા સમક્ષ કવિની એક મનુષ્ય તરીકેની કોઈ સત્તા કે મહત્તા નથી, તો અન્યની ક્યાંથી જ હોય? કવિ એની પ્રતિભામાં પ્રતિબદ્ધ છે. નેપોલિયનના યુદ્ધ સમયે ગટેએ એમના સમાજને કહ્યું હતું, ‘હું કાવ્યમાં યુદ્ધનો ઢોલ નહિ પીટું.’ જલિયાનવાલાની હત્યાકાંડ સમયે રવીન્દ્રનાથે એમના સમાજને કહ્યું હતું. ‘હું હત્યાનું કાવ્ય નહિ કરું.’ બે વિશ્વયુદ્ધોની વચ્ચેના સમયમાં ઑડને ફાસીવાદના વિરોધમાં કેટલાંક પ્રતિબદ્ધ કાવ્યો રચ્યાં હતાં પણ પછીથી કહ્યું હતું, ‘એ કાવ્યોએ ન તો એકે યહુદીને હિટલરના નરકમાંથી બચાવ્યો કે ન તો યુદ્ધ વિશેની એકેય વસ્તુને બદલી. ત્યારથી રાજકારણ સાથે સંડોવાયેલા લખાણની મૂલ્ય વિશે મને ભારે વહેમ છે. ડૅન્ટિ અને શેક્‌સ્પિયર અને મૉઝાર્ટ ન થયા હૉત અને યુરોપનો જેવો ઇતિહાસ હોત એવો જ આજે યુરોપનો ઇતિહાસ છે... એમ કહું કે મને ભારે ડંખ છે. મને કવિ તરીકે કીર્તિ મળી પણ ફાસીવાદ તો વધતો જ ચાલ્યો. અને મેં જે ફેરફારો પર નિશાન તાક્યું હતું એમાંથી એકે ફેરફાર થયો નહિ... તમે હિટલર-વિરોધી કાવ્ય લખી શકો પણ તમે હિટલરને રોકી ન શકો.’ અને એમાંથી કેટલાંક કાવ્યો કે કાવ્યખંડો ‘એ અપ્રમાણિક છે’ એમ કહીને રદ કર્યાં હતાં. અને યેટ્સને અંજલિરૂપ કાવ્યમાં કહ્યું હતું કે કવિતાથી કંઈ વળતું નથી. બીજા વિશ્વયુદ્ધ સમયે પાઉન્ડે રોમ રેડિયો પરથી અમેરિકાની વિરુદ્ધ પ્રચાર કર્યો હતો એ વિશે ટેઈટે કહ્યું હતું કે એમણે અમેરિકાની વિરુદ્ધ પ્રચાર કર્યો એથી નહિ પણ એમણે એ પ્રચાર કવિ તરીકે, કવિ તરીકેની પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરીને, કર્યો એથી એ પાઉન્ડનું પાપ છે. અને પછી ઉમેર્યું હતું કે પાઉન્ડ અમેરિકાને પક્ષે પ્રચાર કરે પણ એ પ્રચાર જો એ કવિ તરીકે કરે તો એને પણ હું પાઉન્ડનું પાપ જ કહું. આપણા યુગમાં પાસ્તરનાક એ પોતાના અંતરાત્માને જ અધીન એવા કવિનું, પોતાની પ્રતિભામાં જ પ્રતિબદ્ધ એવા કવિનું પુણ્યોજ્જ્વલ પ્રતીક છે. પાસ્તરનાકે એમના ‘પંચવર્ષીય યોજના’ કાવ્યને અંતે કહ્યું છે, ‘યોજનામાં કવિ માટે પણ એક ખુરશી છે, પણ એ જો ખાલી ન હોય તો મહતીવિનષ્ટિ!’ એનો અર્થ એ નથી કે કવિને મનુષ્ય તરીકે કોઈ નીતિ કે સત્ય, કોઈ વાદ કે વિચાર ન હોય. કવિ જેમ વધુ મહાન અને વધુ ક્રાંતદર્શી તેમ એનું વ્યક્તિત્વ વધુ સમૃદ્ધ અને વધુ સર્વતોમુખી અને તેમ એને વધુ વાદો અને વિચારો હોય છે. ક્યારેક પરસ્પર વિરોધી વાદો અને વિચારો હોય છે. અને કવિમાં ‘સામૂહિક અજ્ઞાત’ હોય છે એથી એને માત્ર સમકાલીન નહિ, અતીત અને અનાગતના વાદો અને વિચારો પણ હોય છે. એ સૌ કાવ્યમાં પ્રવેશ પામે છે. પણ એ સૌ જો કવિમાં આત્મસાત્ હોય અને કવિ કાવ્યસર્જનની ક્ષણે એ સૌથી સભાન ન હોય, એ સૌ કાવ્યમાં એમના સ્વતંત્ર અમૂર્ત રૂપે નહીં પણ સઘન મૂર્ત રૂપે હોય, કવિપ્રતિભાના અંતર્ગત અને અનિવાર્ય અંશરૂપ હોય, રસ, આનંદ અને સૌંદર્યના અનુભવમાં ‘નહિ સાંધો, નહિ રેણ’ એમ એકાકાર અને એકરૂપ હોય તો એ સૌ કાવ્યમાં પ્રવેશે છે એથી અથવા પ્રવેશે છે છતાં એમાંથી કાવ્ય સિદ્ધ થાય છે. કીટ્સે કહ્યું છે કે વૃક્ષને જેમ પાંદડાં પ્રગટે તેમ કવિને જો કાવ્ય ન પ્રગટે તો બહેતર છે કે કાવ્ય પ્રગટે જ નહિ. અંતરિક્ષનાં તેજ-વાયુ આદિ તત્ત્વો અને પૃથ્વીનાં જલ-રસ આદિ સત્ત્વો વૃક્ષમાં પ્રવેશે છે પણ પછી કોઈ રહસ્યમય પ્રક્રિયા દ્વારા એમનું પરિવર્તન થાય છે અને પરિણામે વૃક્ષને પાંદડાં પ્રગટે છે. અને ત્યારે એ સૌ અપ્રત્યક્ષ હોય છે. એવું જ કવિને જ્યારે કાવ્ય પ્રગટે છે ત્યારે વાદો અને વિચારોનું પરિવર્તન થાય છે, એ સૌ અપ્રત્યક્ષ હોય છે. ડૅન્ટિનું કાવ્ય એનું ઉત્તમ ઉદાહરણ છે. ફ્રૉઇડે સૉફક્લિસનાં નાટ્યકાવ્યને આધારે ઇડિપસ ગ્રંથિનો વિચાર અને વાદ રચ્યો હતો. ક્રોચેએ શેક્‌સ્પિયરને ‘પ્રિ-ફિલૉસૉફર’ — પ્રાક્-ચિંતક કહ્યા હતા. એથી એલિયટે સૂચવ્યું છે તેમ કોઈ પણ કાવ્ય એ કાવ્ય છે કે નહીં એનું મૂલ્યાંકન કાવ્યની ધોરણે થાય. પણ એ ધોરણે એકવાર એ કાવ્ય જો કાવ્ય હોય તો પછી એ કાવ્ય મહાન છે કે નહીં એનું મૂલ્યાંકન અન્ય કાવ્યેતર ધોરણે થાય એટલે કે જીવનમૂલ્યોને ધોરણે થાય. કાવ્ય જો સ્વયં એક જીવનમૂલ્ય હોય તો એમાં આ સૌ વાદો અને વિચારનું, જીવનમૂલ્યોનું પણ અર્પણ હોય છે. આ જીવનમૂલ્યો સમસ્ત મનુષ્યજાતિના સમગ્ર જીવનના સંદર્ભમાં જો ગહનગંભીર અને સભરસમૃદ્ધ હોય તો એમાંથી મહાન કાવ્ય સિદ્ધ થાય છે. અને જે યુગ અને સંસ્કૃતિમાંથી આ જીવન-મૂલ્યોનું સર્જન થયું હોય એ કાલગ્રસ્ત થાય છે પછી પણ આ જીવનમૂલ્યોને કારણે એ કાવ્ય નિત્યનૂતન હોય છે, અન્ય અનેક યુગો અને સંસ્કૃતિઓમાં પણ મનુષ્યને એનું આકર્ષણ હોય છે અને એનાં રસ, આનંદ અને સૌંદર્યનું એમાં સંતર્પણ હોય છે. જગતના સર્વોચ્ચ સત્તાસ્થાનેથી પ્રમુખ કેનેડીએ કવિ ફ્રૉસ્ટના મૃત્યુ પછી ઍમહર્સ્ટમાં રૉબર્ટ ફ્રૉસ્ટ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું ત્યારે ફ્રૉસ્ટને અંજલિ અર્પી હતી એમાં કવિ અને યુગધર્મના આ પ્રશ્ન અંગેની, કવિ અને સમાજ તથા રાજ્ય વચ્ચેના સંબંધ અંગેની સાચી સમજ પ્રગટ થાય છે. કેનેડીએ કહ્યું હતું, ‘જેઓ સત્તાનું નિર્માણ કરે છે તેઓનું રાષ્ટ્રની મહાનતામાં અનુપેક્ષનીય અર્પણ હોય છે. પણ જેઓ સત્તાને આહ્વાનરૂપ હોય છે તેઓનું પણ એટલું જ અનુપેક્ષનીય — બલકે એ આહ્વાન જ્યારે નિઃસ્વાર્થ હોય ત્યારે એથીયે વિશેષ એવું — અર્પણ હોય છે. કારણ કે આપણે સત્તાનો ઉપયોગ કરીએ છીએ કે સત્તા આપણો ઉપયોગ કરે છે એ તેઓ શોધી આપે છે... રૉબર્ટ ફ્રૉસ્ટ કવિતા અને સત્તા વચ્ચેના સંબંધથી સભાન હતા એ કોઈ અકસ્માત નથી. એમણે સત્તાને આત્મઘાતમાંથી ઉગારવાના સાધન તરીકે કવિતાને જોઈ હતી. સત્તા જ્યારે સત્તાધરમાં અહમ્ પ્રેરે છે ત્યારે કવિતા એને એની મર્યાદાનું ભાન કરાવે છે, સત્તા જ્યારે એને સંકુચિત કરે છે ત્યારે કવિતા એને જીવનની વિવિધતા અને સભરતાનું સ્મરણ કરાવે છે. સત્તા જ્યારે એને ભ્રષ્ટ કરે છે ત્યારે કવિતા એને પવિત્ર કરે છે... કળાકાર વાસ્તવના એના અંગત દર્શનમાં ગમે તેટલો પ્રતિબદ્ધ હોય તો પણ આક્રમક સમાજ અને અતિચારી રાજ્યની સામે વ્યક્તિગત વિચારશક્તિનો એ અંતિમ પુરસ્કર્તા હોય છે. એથી મહાન કળાકાર એકલપંથી હોય છે. એ એના વાસ્તવના દર્શનને અનુસરે છે એથી વારંવાર એને એના યુગપ્રવાહના પૂરની સામે તરવાનું હોય છે. અને એની આ ભૂમિકા લોકપ્રિય હોતી નથી...કળા જો સંસ્કૃતિનાં મૂળનું જળસિંચન કરવાની હોય તો કળાકાર એનું દર્શન એને જ્યાં દોરી જાય ત્યાં જવા માટે મુક્ત હોય એ રીતે સમાજે એની સાથે વર્તવું જોઈએ. આપણે એ કદી ન ભૂલવું જોઈએ કે કળા એ કોઈ પ્રચારનું સાધન નથી, એ સત્યનું સ્વરૂપ છે. મુક્ત સમાજમાં કળા એ શસ્ત્ર નથી, વાદવિવાદ અને વિચારધારાની વચ્ચે એનું સ્થાન નથી. કળાકારો આત્માના ઇજનેરો નથી...સ્વતંત્ર સમાજમાં ખુદવફાઇ એ કળાકારનો પરમધર્મ છે. સમાજનું તો જે થવાનું હોય તે થાય. પોતાના સત્યના દર્શનની સેવા એ જ કળાકારની ઉત્તમ રાષ્ટ્રસેવા છે. અને જે રાષ્ટ્ર કળાકારના આ ધર્મનો તિરસ્કાર કરે છે એ રાષ્ટ્રને રૉબર્ટ ફ્રૉસ્ટના પ્રસિદ્ધ કાવ્ય ‘ધ ડેથ ઑફ આ હાયર્ડ મેન’ના નાયકનું દુર્ભાગ્ય પ્રાપ્ત થાય છે — એને માટે ગૌરવભેર પાછળ કે આશાભેર આગળ જોવા જેવું કશું હોતું નથી.’ કોઈ ભોજ કે કોઈ મીસીનસમાં જ હોય એવું કવિ અને યુગધર્મ અંગેનું આ દર્શન કોઈ પણ યુગમાં કોઈ પણ સમાજમાં દુર્લભ છે. આપણા યુગમાં જગતના સર્વોચ્ચ સત્તાસ્થાનેથી આ દર્શન પ્રગટ થયું છે એથી એ સૂચક પણ છે. કવિનો મનુષ્ય તરીકે યુગધર્મ — એટલે કે કવિ પૉંડિચેરીમાં સાધક થાય કે ન થાય? કવિ પાર્લમેન્ટમાં સભ્ય થાય કે ન થાય? એવા એવા પ્રશ્નો — આ વ્યાખ્યાનમાં અપ્રસ્તુત છે. કવિ મનુષ્ય તરીકેના એના યુગધર્મમાં સફળ કે નિષ્ફળ હોય એને આધારે સમાજ કે રાજ્ય એને યશ કે અપયશ, શરપાવ કે શિક્ષા આપી શકે છે — હમેશાં આપે જ છે. કવિનો મનુષ્ય તરીકેનો યુગધર્મ એક સ્વતંત્ર વ્યાખ્યાનનો વિષય છે. પણ કોઈપણ એક મનુષ્યના યુગધર્મ વિશેનું એવું વ્યાખ્યાન — એટલે કે ખાનગી વ્યક્તિ વિશેનું જાહેર વ્યાખ્યાન — સુરુચિ અને, સુજનતાના સર્વસ્વીકૃત લઘુતમ નિયમોનો ભંગ કર્યા વિના અશક્ય છે. ‘કવિ અને યુગધર્મ’ જેવી વાત કરવાની હોય અને તે પણ ૧૯૭૬ના ભારતમાં, અને ભારતમાં પણ જે મહા-આત્માએ મનુષ્યમાત્ર સ્વતંત્ર હોય એ સત્યને પોતાના જીવન અને મૃત્યુમાં મનુષ્યજાતિ સમક્ષ સાક્ષાત્ કર્યું હોય એની જન્મભૂમિમાં કરવાની હોય અને જો એ તંત્ર. યંત્ર અને મંત્રના સંદર્ભમાં ન કરવાની હોય તો એ વાત — અન્ય કારણે વ્યર્થ હોય કે ન હોય તો પણ — એ એક જ કારણે અંતે વ્યર્થ છે. આજના યુગનું ચિત્ર કેવું છે? પુનરુત્થાન યુગમાં વિશ્વના કેન્દ્રમાંથી પરમેશ્વર પદભ્રષ્ટ થયો. એને સ્થાને મનુષ્ય પ્રતિષ્ઠિત થયો. જીવનના કેન્દ્રમાંથી ધર્મ પદભ્રષ્ટ થયો. એને સ્થાને માનવતાવાદ-બૌદ્ધિકતાવાદ પ્રતિષ્ઠિત થયો. એથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને સામાજિક ન્યાયનાં નવાં મૂલ્યો અસ્તિત્વમાં આવ્યાં તથા વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનનો વિકાસ થયો. પણ પછી ‘માણસ ગંધાય, માણસ ખાઉ’ના ધ્યેય અને ધ્યાન સાથેનાં આસુરી અર્થતંત્રો અને રાક્ષસી રાજ્યતંત્રો અસ્તિત્વમાં આવ્યાં છે. એમણે સામાજિક ન્યાયને નામે વ્યક્તિસ્વાતંત્ર્યનો, વિચાર અને વાણીસ્વાતંત્ર્ય સુધ્ધાંનો હ્રાસ કર્યો છે અને યંત્રવિતાનનો દુરુપયોગ કર્યો છે. આ તંત્રો માનવલક્ષી નથી, માનવભક્ષી છે. આ તંત્રોમાં મનુષ્ય એ સાધ્ય નથી, સાધન છે. એથી વ્યક્તિત્વ વિનાનો, ચહેરા વિનાનો મનુષ્ય, સમૂહમાનવ અસ્તિત્વમાં આવી ચૂક્યો છે; અને મૂલ્ય વિનાનો, ગૌરવ વિનાનો મનુષ્ય. યંત્રમાનવ અસ્તિત્વમાં આવી રહ્યો છે. આમ, પાંચ સૈકાને અંતે વિશ્વના કેન્દ્રમાંથી મનુષ્ય પદભ્રષ્ટ થયો છે. એને સ્થાને મનુષ્યનો દેહ પ્રતિષ્ઠિત થયો છે. જીવનના કેન્દ્રમાંથી માનવતાવાદ-બૌદ્ધિકતાવાદ પદભ્રષ્ટ થયો છે. એને સ્થાને ભૌતિકતાવાદ પ્રતિષ્ઠિત થયો છે. આજના યુગની આ કરુણ વક્રતા છે. આજના યુગમાં કવિ આ તંત્રો અને વક્રતાની વચમાં વસે છે. સ્વતંત્ર વ્યક્તિત્વ અને વ્યક્તિસ્વાતંત્ર્ય વિના કવિ કાવ્યનું સર્જન કરી શકે નહિ અને ભાવક કાવ્યનો આસ્વાદ કરી શકે નહિ. એથી આજના યુગમાં કવિને કવિ તરીકે, કવિ હોવાને કારણે જ, કાવ્ય કરવા ઉપરાંત પોતાના અને મનુષ્યમાત્રના સ્વતંત્ર વ્યક્તિત્વ અને વ્યક્તિસ્વાતંત્ર્યનું રક્ષણ કરવાનો આજ પૂર્વેના યુગોમાં કદી ન હતો એવો એક વિશેષ યુગધર્મ છે. કાવ્યમાં મનુષ્યનું સત્ય, મનુષ્યના સ્વતંત્ર વ્યક્તિત્વનું સત્ય હોય છે. કાવ્યનું અસ્તિત્વ આ તંત્રોને આહ્વાનરૂપ હોય છે. એથી કાવ્ય રૂપે તો કવિ આ યુગધર્મ બજાવે છે જ. વેદમાં વાગ્દેવીનું વચન છે, ‘યં કામયે તમુગ્રં કૃણોમિ’ — હું જેને ચાહું છું તેને ઉગ્ર કરું છું. કાવ્યના અનુગ્રહથી કવિ ઉગ્ર હોય છે એટલે કે એનામાં શાંત આત્મબળ હોય છે. કવિ સ્વ-તંત્ર હોય છે. કવિનું અસ્તિત્વ આ તંત્રોને આહ્વાનરૂપે હોય છે. મૉન્તાલે અને પાસ્તરનાક જેવા કવિ એમના અસ્તિત્વરૂપે પણ આ યુગધર્મ બજાવે છે. આ યુગધર્મમાં કવિ કવિ તરીકે અને મનુષ્ય તરીકે એક વ્યક્તિરૂપ છે. સ્વ-તંત્રતા એ કવિનો પ્રાણવાયુ છે અને સત્ય એ કાવ્યનો શ્વાસ છે. આપણો યુગ એ યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિનો યુગ છે. મનુષ્ય ત્રીસેક લાખ વરસ પૂર્વે અસ્તિત્વમાં આવ્યો, પછી પચીસેક લાખ વરસ તો માત્ર વલ્કલધારી-ચર્મધારી, ફળાહારી-માંસાહારી, ગુફાવાસી-વનવાસી તરીકે હાથ, પગ અને હૈયું લઈને અન્ય પશુઓની જેમ આ પૃથ્વી પર ભમ્યો-ભટક્યો છે. પાંચેક લાખ વરસથી એ વસ્ત્રધારી અન્નાહારી ગૃહવાસી-ગ્રામવાસી નગરવાસી થયો છે; પશુમાંથી મનુષ્ય થયો છે તે એના મગજ અને શરીરની વિશિષ્ટ રચના અને શક્તિ દ્વારા એ પ્રકૃતિદત્ત પદાર્થનું સતત પરિવર્તન અને સ્થળાંતર કરે છે એ કારણે, એટલે કે યંત્રવિજ્ઞાનને કારણે. યંત્રવિજ્ઞાન એટલે પ્રકૃતિમાંથી સંસ્કૃતિનું સર્જન. યંત્રવિજ્ઞાન એ મનુષ્યની મહાન સિદ્ધિ છે. યંત્રવિજ્ઞાનને કારણે તો એ મનુષ્ય છે. મનુષ્યમાં અનિવાર્યપણે સર્વ-અર્થ અને સ્વ-અર્થ છે. નૈતિકતા અને ભૈતિકતા છે, હિંસા અને પ્રેમ છે, વૈર અને ત્યાગ છે. પણ પાંચેક લાખ વરસમાં મનુષ્યમાં જેટલો સ્વ-અર્થ, ભૌતિકતા, હિંસા અને વૈરનો વિકાસ થયો છે એટલો સર્વ-અર્થ, નૈતિકતા, પ્રેમ અને ત્યાગનો વિકાસ થયો નથી. ઇતિહાસના ચાર સ્તબકોમાં મનુષ્યની આ બે વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ વચ્ચે અંતર વધતું ગયું છે. હજુ ગઈ કાલ લગી આ અંતર ઉલ્લંઘનીય હતું, એથી એ સહ્ય હતું. હવે અણુશસ્ત્રની શોધ પછી આ અંતર, ટૉઈન્બી જેને ‘નૈતિકતાની ખાઈ’ કહે છે તે ખાઈ દુસ્તર છે, એથી એ ભીષણ છે. એથી આપણા યુગમાં મનુષ્યનું નૈતિક અને આધ્યાત્મિક અસ્તિત્વ નહિ, મનુષ્યનું ભૌતિક અસ્તિત્વ જ ભયમાં છે. ભૌતિકતા એટલે કે યંત્રવિજ્ઞાન એ મનુષ્યજાતિ સમક્ષ આહ્વાનરૂપ છે. મનુષ્યજાતિ નૈતિકતા અને અધ્યાત્મિકતા એટલે કે ધર્મનો પ્રત્યુત્તર આપશે તો મનુષ્યજાતિનું, સંસ્કૃતિનું ભાવિ ઉજ્જ્વલ છે. જે કાવ્યમાં કવિનું જીવનની અખિલાઈનું એકાગ્રતાભર્યું દર્શન હશે એમાં ‘યંત્રવિજ્ઞાન અને મનુષ્ય’નો આ દ્વિધાપ્રશ્ન કેન્દ્રમાં હશે. એ કાવ્ય નરકથી સ્વર્ગ પ્રતિની મનુષ્યની જીવનયાત્રામાં અગ્નિશોધનનું કાવ્ય હશે. એમાં ‘હિરોશિમા કે પ્રેમ?’ના આ દ્વિધાપ્રશ્નનો ઉત્તર કે ઉકેલ તો, અલબત્ત, ન હોય; પણ જેના વિના એ ઉત્તર કે ઉકેલ અશક્ય એવું યંત્રવિજ્ઞાન અને મનુષ્ય બન્ને વિશેનું દ્વિકેન્દ્રી દર્શન અવશ્ય હશે. એ કાવ્યમાં આપણા યુગની મંત્રકવિતા હશે. કવિનો પ્રથમ અને અંતિમ ધર્મ એ શબ્દ પ્રત્યેનો ધર્મ છે. શબ્દ જ કવિનું સર્વસ્વ છે. શબ્દ કવિનું કલ્પવૃક્ષ છે. શબ્દ કવિનું અસ્તિત્વ છે. કવિ સમાજ પાસેથી શબ્દ પામે છે અને સમાજને પાછો આપે છે. પણ પછી સમાજ એ શબ્દમાંથી સત્ય અને સૌંદર્ય પામે છે. એથી સમાજ માટે પણ એ શબ્દનું મહત્ત્વ છે. કવિ આ બરાબર જાણે છે. એથી શબ્દ પ્રત્યેનો ધર્મ એ એનો માત્ર અંગત ધર્મ નથી. એ એનો યુગધર્મ પણ છે. અને એ આ ધર્મનું માન અને ધ્યાનથી પાલન કરે છે. અહીં થોડુંક ઉમેરવાની રજા લઉં કે કાવ્યમાં ભાષાનું સૌથી વધુ સુન્દર અને સૌથી વધુ અર્થપૂર્ણ સ્વરૂપ હોય છે. એથી માલાર્મેએ તો એમ પણ કહ્યું છે, ‘કોઈ પણ ભાષામાં કવિતા સિવાયનું બાકીનું બધું બારાખડી જેવું હોય છે.’ આ અર્થમાં ભાષા કવિને કારણે જીવે છે, કવિ ભાષાને કારણે જીવતો નથી. સામાન્ય શબ્દ તો જે ભાષાભાષી મનુષ્યો અને સમાજનો એ શબ્દ હોય એમાં જ સીમિત હોય છે. પણ કવિનો શબ્દ એ સત્ય અને સૌંદર્યનો શબ્દ છે એથી એ સત્ય અને સૌંદર્યની પાંખો પર ઊડે છે, એક મનુષ્ય અને સમાજમાંથી અન્ય ભાષાભાષી મનુષ્યમાં અને સમાજમાં. ગટેએ ‘હેમ્લેટ’ વાંચ્યું ને તત્ક્ષણ કૉલરિજની જેમ કહ્યું હતું. ‘હું હેમ્લેટ છું.’ પ્રથમ વિશ્વયુદ્ધ સમયે પ્વાંકારેએ યુદ્ધ થયું છે એમ જાણ્યું તે જ ક્ષણે કહ્યું હતું, ‘હવે મને મારી ‘ગીતાંજલિ’ની નકલ આપો!’ આમ તો સમગ્ર પૃથ્વી પર નિત્ય અસંખ્ય શબ્દોનો ઉચ્ચાર અને ઉપયોગ થાય છે અને તરત જ વાયુમાં કે વિસ્મૃતિમાં શમી જાય છે. કવિનો શબ્દ શાશ્વત હોય છે. પાઉન્ડે કહ્યું છે કે કાવ્ય આ એવા સમાચાર છે જે નિત્યનૂતન હોય છે. અધુનાને આરેથી કવિ અતીત અને અનાગત સાથે શબ્દનો સેતુ રચે છે. આપણા યુગના પ્રાચીન ગ્રીક કાવ્યના એક ઉત્તમ ભાવક ઇડિથ હેમિલ્ટનને જ્યારે ગ્રીસની પ્રજાએ એથેન્સના નગરખંડમાં ગ્રીસનું માનદ્ નાગરિકત્વ અર્પણ કર્યું ત્યારે આભારવચનમાં એમણે કહ્યું હતું, ‘હું તો ગ્રીસની સદાયની નાગરિક હતી. આ તો માત્ર ઔપચારિક વિધિ છે.’ કોઈ પણ યુગમાં કોઈ પણ સમાજમાં અન્ય યુગો અને સમાજોના કાવ્યના અભ્યાસ અને અનુવાદનો જેટલો આદર કરીએ એટલો ઓછો છે. આપણા યુગમાં સંદેશાવ્યવહારનાં સાધનો દ્વારા અસંખ્ય શબ્દો પૃથ્વીની ચારેકોર પ્રવાસ કરે છે. એથી સ્થૂલ અને બાહ્ય અર્થમાં જગત નિકટ આવ્યું છે. પણ એ શબ્દોમાં માત્ર માહિતી અને હકીકતો હોય છે. કવિનો શબ્દ તાર કે વાયુથી વધુ સ્નિગ્ધ અને વધુ સૂક્ષ્મ એવા માધ્યમ દ્વારા, પ્રેમના માધ્યમ દ્વારા પ્રવાસ કરે છે. એથી જે સમાજની એ માહિતી અને હકીકત હોય એ સમાજના કવિના શબ્દ દ્વારા એ માહિતીનું મૂલ્યાંકન કરવાનું, એ હકીકતનું હાર્દ પામવાનું સારાયે જગતને માટે શક્ય થાય છે. કવિના શબ્દ દ્વારા આત્મીય અને આંતરિક અર્થમાં જગત નિકટ આવે છે. કોઈ પણ ભાષા કે સમાજનું કાવ્ય અંતે વિશ્વકાવ્ય છે. કાવ્ય રાષ્ટ્રની સીમાઓમાં સીમિત નથી એથી કવિનો શબ્દ એ આંતરરાષ્ટ્રીય સમજ અને જ્ઞાનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો કવિનો ધર્મ છે. કવિ જો શબ્દો પર ધ્યાન ન આપે તો પછી સમાજમાં શબ્દો પર ધ્યાન આપે એવું અન્ય કોઈ નથી. સમાજ અને સંસ્કૃતિના સ્વાસ્થ્યનો આધાર કવિ પર છે. આપણા યુગમાં કવિનો શબ્દ પ્રત્યે એક વિશેષ ધર્મ છે. આપણી યુગમાં સમાજકારણમાં તથા રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સામાજિક અને રાજકીય નેતાઓ રોજ ને રોજ અસંખ્ય શબ્દોને ભ્રષ્ટ કરે છે. અને એમના નિયંત્રણમાં માહિતીખાતું, રેડિયો, સમાચાર-સંસ્થા આદિ અનેક પ્રચારસાધનો હોય છે, એ દ્વારા એમનો પ્રસાર કરે છે. આજે સ્વતંત્રતા, સમાનતા, સમાજવાદ, મૂડીવાદ, સામ્યવાદ, શાંતિ, પ્રેમ, અહિંસા, સત્ય આદિ અસંખ્ય પવિત્ર શબ્દો ભ્રષ્ટ થાય છે. એ શબ્દો અર્થહીન, મૂલ્યહીન, હેતુહીન થાય છે. એ શબ્દો માત્ર અવાજો અને નર્યો ઘોંઘાટ હોય છે. એથી એમાંથી, ઓડન કહે છે તેમ, મનુષ્યની શ્રદ્ધાનો લોપ થાય છે અને અંતે વૈર અને હિંસા જન્મે છે. માલાર્મેએ કહ્યું હતું, ‘બર્બર-બોલીને સંસ્કારવાનો કવિનો ધર્મ છે.’ કાર્લ ક્રાઉસે કહ્યું છે, ‘ભાષા તો છે વિશ્વવધુ, મારે એને કાયાકલ્પથી કરવી રહી કુમારિકા.’ કવિની વાણી એ ચિરકૌમાર્યવંતી સરસ્વતી છે. કવિ શબ્દનું સર્જન કરે છે ત્યારે પોતાનું સર્જન કરે છે. કવિ શબ્દનું સર્જન કરે છે ત્યારે વિશ્વનું નવસર્જન કરે છે. કવિનો શબ્દ એટલે મનુષ્યનું મૂલ્ય, જીવનનો હેતુ અને વિશ્વનો અર્થ. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ઓવેનને પૂછ્યું ‘તમે શા માટે યુદ્ધ લડો છો? તમારે શું બચાવવું છે?’ ત્યારે ઓવેને કહ્યું, ‘અંગ્રેજી ભાષા.’ કવિ વિશે એક પુરાણકથા છે. ‘કવિ પૃથ્વી પરના એકાંત ઘરને આંગણે ઊભો છે. આકાશમાં પ્રલયનો મેઘ ધસી રહ્યો છે. એ જાણે છે કે પોતે આ પૃથ્વી પરનો અંતિમ મનુષ્ય છે અને ક્ષણેકમાં પોતાનું મૃત્યુ નિશ્ચિત છે. એ શું કરે છે? એ પોતાના મૃત્યુનું અને સમસ્ત જગતના મૃત્યુનું શું સ્વાગત કરે છે? એ ચિંતન કે પ્રાર્થના કરતો નથી, એ અંતિમ ક્ષણની આત્મકથા પણ રચતો નથી. એ દુર્નિવાર દુર્દૈવમાંથી પલાયન થવાનો પ્રયત્ન પણ કરતો નથી. એ ઘરમાં પાછો ફરે છે અને ટેબલ પાસે જાય છે. અપૂર્ણ કાવ્ય હાથમાં લે છે, જુએ છે અને કાવ્ય પૂર્ણ કરવા પ્રવૃત્ત થાય છે.’ આવા કવિનું કાવ્ય જો અપૂર્ણ રહે તો સ્વયં પરમેશ્વરે એમાં પૂર્ણવિરામ મૂકવાનો રહેશે. જેના સર્જનમાં પોતે નિમિત્ત એના વિસર્જનનું સાક્ષાત્ દર્શન કરે ત્યારે સર્વનાશની સંમુખ વ્યાસ ભગવાન શું કરે? એક મનુષ્ય તરીકે યુદ્ધ પૂર્વે શાંતિનો પ્રયત્ન કરે, યુદ્ધ પછી શાતાનો પ્રયત્ન કરે. બાકી મૌન ધરે. પણ પછી એક કવિ તરીકે એ મૌનની વેદના અને સંવેદનામાંથી મહાભારતનું કાવ્ય કરે. કવિનું હોવું અને કાવ્યનું થવું એ મનુષ્યજાતિનું સદ્ભાગ્ય છે અને માનવજીવનની સંજીવની છે. (ગુજરાતી સહિત્ય પરિષદનું ૨૮મું અધિવેશન પોરબંદરમાં યોજાયું તે પ્રસંગે સાહિત્ય-વિવેચન વિભાગના પ્રમુખ તરીકે વ્યાખ્યાન. ૨૯ ફેબ્રુઆરી ૧૯૭૬.)

*