સ્વાધ્યાયલોક—૧/ગદ્યકાવ્યનું સ્વરૂપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગદ્યકાવ્યનું સ્વરૂપ

ગદ્યકાવ્યનું સ્વરૂપ છે? અને હોય તો શું છે? એ પ્રશ્નો પૂછીએ તે પૂર્વે ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે? અને ક્યાં છે? એ પ્રશ્નો પૂછવા જોઈએ. કારણ કે ‘Encyclopaedia Britannica’માં ગદ્યકાવ્યનું અસ્તિત્વ નથી, ‘Grand Larousse Encyclopedique’માં ગદ્યકાવ્યનું અસ્તિતત્વ નથી, નરસિંહરાવના વિવેચનગ્રંથ ‘કવિતાવિચાર’માં ગદ્યકાવ્યનું અસ્તિત્વ નથી. સાર્થ જોડણીકોશ’માં પણ ગદ્યકાવ્યનું અસ્તિત્વ નથી (એમાં ‘ગદ્યકાવ્ય’ શબ્દનો અર્થ છે ‘કાવ્યની શૈલીમાં લખેલું ગદ્ય.’) પણ V. Claytonના ૧૯૩૬માં પ્રકાશિત વિવેચનગ્રંથ ‘The Prose Poem in French Literature of the XVIIIth Century’માં ૧૮મી સદીના ફ્રેન્ચ ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે. M. Chapelanના ૧૯૪૬માં પ્રકાશિત સંચય ‘Anthologie du poeme en prose’માં ફ્રેન્ચ ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે. Gillermo Diaz-Plazaના ૧૯૫૬માં પ્રકાશિત વિવેચનગ્રંથ ‘El Poema en Prosa en Espagna, Estudio Critico y Antologia’માં સ્પેઇનના ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે. Suzanne Bernardના ૧૯૫૯માં પ્રકાશિત મહાનિબંધ ‘Le Poeme en Prose de Baudelaire jusqua nos jours’માં બૉદલેરથી આજ દિન લગીના ફ્રેન્ચ ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે. Pierre Moreauના ૧૯૬૯માં પ્રકાશિત વિવેચનગ્રંથ ‘La Tradition du Poeme en Prose avant Baudelaire’માં બૉદલેર પૂર્વેના ફ્રેન્ચ ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે. અને અંતે Michael Benediktના ૧૯૭૬માં પ્રકાશિત સંચય ‘The Prose Poem, An International Anthology’માં દસેક ભાષાના ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે. આમ, અંગ્રેજ કવિ જોર્જ બાર્કર એમના ૧૯૭૧ના બી.બી.સી. વાર્તાલાપ ‘The Jubjub Bird, or Some Ramarks on the prose Poem’માં ટકોર કરે છે તેમ પ્રાગ્-ઐતિહાસિક યુગના કોઈ પ્રાણીની જેમ ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે કે નથી એ વિશે આપણી પાસે અસ્પષ્ટ અને અનિશ્ચિત આધાર છે. જોકે અનેક ફ્રેન્ચ વિવેચકો પાસે એના ફોટોગ્રાફ છે અને અનેક અમેરિકન કવિઓ પાસે એના ટેઇપ-રેકોર્ડિંગ્ઝ છે. ગુજરાતમાં પણ હમણાં હમણાં એના અસ્તિત્વ વિશેની સાચીખોટી અફવાઓ છે. ૧૭મી સદીના પૂર્વાર્ધમાં Charles Sorelએ પ્રથમવાર ‘Poeme en Prose — Poem in Prose, Prose Poem — ગદ્યકાવ્ય શબ્દપ્રયોગ કર્યો હતો. એમણે ‘પ્રાચીનો અને અર્વાચીનો વચ્ચે યુદ્ધના વાદવિવાદના સમયમાં આ શબ્દપ્રયોગ નવલકથાના સંદર્ભમાં કર્યો હતો એથી પછી ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં ફેનેલાંએ એમની અતિ લોકપ્રિય નવલકથા ‘તેલેમાક’ કાવ્યાત્મક ગદ્યમાં રચી ત્યારે બ્વાલો આદિ વિવેચકોએ એનું ‘ગદ્યકાવ્ય’ તરીકે સ્વાગત કર્યું હતું. અને ત્યાર પછી ૧૯મી સદીના મધ્ય ભાગમાં શાતોબ્રિઆં લગીના અનેક નવલકથાકારોએ ‘તેલેમાક’ની પરંપરામાં કાવ્યાત્મક ગદ્યમાં જે અનેક નવલકથાઓ રચી એનું ‘ગદ્યકાવ્ય’ તરીકે સ્વાગત થયું હતું. સ્વયં બૉદલેરે પણ ૧૮૬૦માં એમના ગદ્યગ્રંથ ‘પારાદિ આર્તિફિસિએલ’ના ઉપરણા ઉપર પોની ટૂંકી વાર્તા ‘યુરેકા’નો ગદ્યકાવ્ય તરીકે ઉલ્લેખ કર્યો હતો. આમ બે સૈકા લગી અનેક ફ્રેન્ચ કવિઓ-વિવેચકોએ — બૉદલેર સુધ્ધાંએ — નવલકથા અને ટૂંકી વાર્તા માટે ‘ગદ્યકાવ્ય’ શબ્દનો પ્રયોગ- ઉપયોગ કર્યો હતો. ભાગ્યે જ કહેવાનું હોય કે આ ‘ગદ્યકાવ્ય’ શબ્દનો શિથિલ પ્રયોગ-ઉપયોગ હતો. એટલે કે હજી ગદ્યકાવ્યનો ઉદ્ભવ થયો ન હતો તે પૂર્વે ‘ગદ્યકાવ્ય’ શબ્દનો ઉદ્ભવ થયો હતો. એટલું જ નહિ પણ એનો શિથિલ પ્રયોગ-ઉપયોગ પણ થયો હતો. ગદ્યકાવ્ય — શબ્દના સંપૂર્ણ અર્થમાં ગદ્યકાવ્યનો ઉદ્ભવ તો થયો ૧૮૬૯માં બૉદલેરે ઉત્તરજીવનમાં ૧૮૫૫થી ૧૮૬૭ લગીનાં બારેક વરસમાં ૫૦ ગદ્યકાવ્યોનું સર્જન કર્યું હતું અને એમાંનાં ૪૦ જેટલાં ગદ્યકાવ્યનું વિવિધ સામયિકોમાં અવારનવાર પ્રકાશન કર્યું હતું. બૉદલેરે ૧૦૦ ગદ્યકાવ્યો રચવાનું વિચાર્યું હતું પણ ૧૮૬૭માં એમનું અવસાન થયું. એથી ૧૮૬૯માં એમનાં ૫૦ ગદ્યકાવ્યોના અપૂર્ણ સંગ્રહ ‘Petits Poems en Prose’ મરણોત્તર પ્રકાશન થયું હતું. બૉદલેરે ગદ્યકાવ્ય સિદ્ધ કર્યું એટલું જ નહિ, પણ જગતકવિતામાં સર્વશ્રેષ્ઠ ગદ્યકાવ્યનું સર્જન કર્યું અને કવિમિત્ર આર્સેન હુસાયને પત્રરૂપ પ્રસ્તાવનામાં ગદ્યકાવ્યનું aesthetics અને metaphysics — રસશાસ્ત્ર અને તત્ત્વશાસ્ત્ર પણ રચ્યું. અને ગદ્યકાવ્યને જગતકવિતામાં એક સ્વતંત્ર અને સ્વાયત્ત કાવ્યપ્રકાર તરીકે અચલપ્રતિષ્ઠ કર્યું. ત્યાર પછી તરત જ રેમ્બો, માલાર્મે, વાલેરી આદિ મહાન કવિઓએ એનું અનુસંધાન કર્યું અને અનેક અનિવાર્ય પરિવર્તનો દ્વારા એના સ્વરૂપનો વિકાસ-વિસ્તાર કર્યો. ત્યાર પછી પ્રતીકવાદ અને પરાવાસ્તવવાદનાં આંદોલનો દ્વારા એનો વધુ વિકાસ-વિસ્તાર થયો. આજ લગીમાં અનેક ફ્રેન્ચ કવિઓએ અસંખ્ય ગદ્યકાવ્યોનું સર્જન કર્યું છે. એકાદ સૈકાથી ગદ્યકાવ્ય ફ્રાન્સની સીમાને અતિક્રમી ગયું છે. આજે હવે ગદ્યકાવ્ય એક અાંતરરાષ્ટ્રીય કાવ્યસ્વરૂપ તરીકે અચલપ્રતિષ્ઠ છે. શાલ સોરેલ અને ત્યાર પછી અનેક ફ્રેન્ચ કવિઓ-વિવેચકોએ ‘ગદ્યકાવ્ય’ એવો શબ્દપ્રયોગ શા માટે કર્યો હશે? આ કાવ્યસ્વરૂપનું ‘ગદ્યકાવ્ય’ એવું નામાભિધાન શા માટે કર્યું હશે? ‘કવિતા’ શબ્દ અસ્તિત્વમાં હતો. તો શું આ કાવ્યસ્વરૂપ માટે ‘કવિતા’ શબ્દ પર્યાપ્ત ન હતો? ના. ગદ્ય, પદ્ય અને કવિતા — ત્રણ શબ્દો અસ્તિત્વમાં છે. કાવ્ય પદ્યમાં હોય ત્યારે કવિતા, પણ કાવ્ય ગદ્યમાં હોય ત્યારે? ચોથો શબ્દ અસ્તિત્વમાં નથી. ચોથા શબ્દની જરૂર નથી પણ ના. સૈકાઓથી કાવ્ય પદ્યમાં જ સિદ્ધ થતું હતું. અને સૈકાઓથી આ પદ્યસિદ્ધ કાવ્ય માટે ‘કવિતા’ શબ્દ અવિચ્છિન્નપણે નિબદ્ધ હતો એથી હવે કાવ્ય ગદ્યમાં સિદ્ધ થાય ત્યારે કવિતા નહિ, પણ ગદ્યકાવ્ય. ફ્રેન્ચ પ્રજા દેકાર્તની વંશજ છે દેકાર્તની વારસ છે. ફ્રેન્ચ પ્રજા જન્મજાત દેકાર્તવાદી છે અને જન્મજાત પ્રશિષ્ટતા- વાદી પણ છે. ફ્રેન્ચ માનસ તર્કપ્રિય અને પ્રશિષ્ટતાપ્રિય માનસ છે A Frenchman is a born cartesian and a born clasicist. And a cartesian must categorize and a classicist must classify. એથી કાવ્ય પદ્યમાં હોય ત્યારે કવિતા, પણ કાવ્ય ગદ્યમાં હોય ત્યારે? પદ્ય = કવિતા, ગદ્ય = આ શૂન્યાવકાશ સભર કરવો જ રહ્યો — ત્યારે ગદ્યકાવ્ય. વર્ગીકરણનો એવો તર્ક કરવો જ રહ્યો, એવો શિષ્ટાચાર, પ્રશિષ્ટાચાર કરવો જ રહ્યો! બૉદલેરે એમની પ્રસ્તાવનામાં ગદ્યકાવ્ય એક ‘ચમત્કાર’ છે એવું વિધાન કર્યું છે. ગદ્યકાવ્ય સાચ્ચે જ એક ચમત્કાર છે. સૈકાઓથી પદ્યમાં જ કાવ્ય સિદ્ધ થયું હતું. સૈકાઓ પછી ગદ્યમાં કાવ્ય સિદ્ધ થયું છે. ગદ્યકાવ્ય એક અપૂર્વ કાવ્યસ્વરૂપ છે, એક અભૂતપૂર્વ કાવ્યપ્રકાર છે. ગદ્યકાવ્ય એ કાવ્યાત્મક ગદ્ય (poetic prose), લયયુક્ત ગદ્ય (prose rhythme), રાગયુક્ત ગદ્ય (lyrical prose અથવા prose poetry)ની જેમ ગદ્યનો એક વધુ અન્વય અથવા પરંપરિત પદ્ય (vers impair), મુક્ત પદ્ય (vers libere), વિમુક્ત પદ્ય (vers libre અથવા free verse) આદિની જેમ પદ્યકાવ્યનો એક વધુ પર્યાય નથી. પણ આ સંપૂર્ણ સ્વતંત્ર. સ્વાયત્ત કાવ્યસ્વરૂપ છે, એક સર્વથા સ્વાશ્રયી, સ્વાવલંબી કાવ્યપ્રકાર છે. ગદ્યકાવ્ય એ પદ્યમાંથી સંપૂર્ણ મુક્તિ છે, નિઃશેષ નિવૃત્તિ છે. ગદ્યકાવ્ય એ કાવ્યસ્વરૂપની ક્રાંતિ છે, કાવ્યપ્રકારની ઉત્ક્રાંતિ છે. આધુનિકતાની અનેક વિચ્છિન્નતાઓ છે. એ સૌ વિચ્છિન્નતાઓમાં ગદ્યકાવ્ય એ સર્વપ્રથમ અને સંપૂર્ણ એવી વિચ્છિન્નતા છે. એથી ગદ્યકાવ્ય એ આધુનિકતાનું મંગલાચરણ છે, આધુનિકતાની નાન્દી છે. ગદ્યકાવ્યમાં પદ્યકાવ્ય સાથે કોઈ સ્પર્ધા કે સંઘર્ષ નથી. એમાં પદ્યકાવ્ય પ્રત્યે વિરોધ કે વિદ્રોહ નથી. પદ્યકાવ્યના વિધ્વંસ કે વિનાશ અર્થે ગદ્યકાવ્યનું અસ્તિત્વ નથી. ગદ્યકાવ્ય એ કવિની સર્જકતાની આંતરિક અનિવાર્યતા છે. એથી જ જે કવિઓએ ગદ્યકાવ્યનું સર્જન કર્યું છે એમણે એ સર્જન પૂર્વે પદ્યકાવ્યનું, મહાન પદ્યકાવ્યનું પણ સર્જન કર્યું છે — બલકે પદ્યકાવ્યની દીર્ઘકાળની સાધના-ઉપાસના પછી જ, એને પરિણામે જ એમણે ગદ્યકાવ્યનું સર્જન કર્યું છે. વળી ગદ્યકાવ્યના સર્જનની સાથે સાથે જ અને ગદ્યકાવ્યના સર્જન પછી પણ પદ્યકાવ્યનું સર્જન કર્યું છે. આમ, ગદ્યકાવ્ય એ કવિનો કોઈ નાસ્તિવાદ નથી, ગદ્યકાવ્ય એ કવિનો અસ્તિવાદ છે. ગદ્યકાવ્ય સાચ્ચે જ એક ચમત્કાર છે. એથી જ એના અસ્તિત્વ વિશે શંકાકુશંકા છે, વાદવિવાદ છે. કોઈ કોઈ કવિઓ એના અસ્તિત્વ વિશે ક્ષમાયાચના કરે છે, તો કોઈ કોઈ વિવેચકો એના અસ્તિતત્વ વિશે નેતિ નેતિ ઉચ્ચરે છે. ગદ્યકાવ્ય ગદ્ય અને કાવ્યનો સમાસ છે એથી કોઈ કોઈ વિવેચકો એને કવિતાનું એક વર્ણસંકર સ્વરૂપ (hybrid) માને છે. ગદ્યકાવ્ય ગદ્ય અને કાવ્યની સંતતિ છે એથી કોઈ કોઈ વિવેચકો એને કવિતાનો એક ખચ્ચરપ્રકાર (mule) માને છે. ગદ્યકાવ્ય સાચ્ચે જ એક ચમત્કાર છે. લેમ્બે ત્રીસ વર્ષની વય લગી સમુદ્રનું દર્શન કર્યું ન હતું અને પછી જ્યારે સમુદ્રનું દર્શન કર્યું ત્યારે ‘હું માનતો નથી.’ એવો સમુદ્રના અસ્તિત્વનો અસ્વીકાર કર્યો હતો. લેમ્બની જેમ કોઈ કોઈ વિવેચકો ગદ્યકાવ્યનું અસ્તિત્વ છે છતાં એનો અસ્વીકાર કરે છે. તો ટેર્ટુલિયનની જેમ કોઈ કોઈ વિવેચકો ગદ્યકાવ્યનું અસ્તિત્વ ન હોય તો પણ ‘હું માનું છું.’ એવો ગદ્યકાવ્યના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. આજ લગી જેનું અસ્તિત્વ ન હોય એનો જો સ્વીકાર ન થાય તો તો આજ પછી કોઈ નવીન વસ્તુનું નિર્માણ જ ન થાય. ગદ્ય અને પદ્ય એ વસ્તુવાચક શબ્દો (technical terms) છે. ગદ્ય અને પદ્ય બન્નેમાં લય છે. પણ લયનું નિયંત્રણ એટલે પદ્ય અને લયનું અનિયંત્રણ એટલે ગદ્ય. આમ, ગદ્ય અને પદ્ય સમાનાર્થી શબ્દો નથી, વિરોધાર્થી શબ્દો છે. એ મુદ્રણથી પણ સ્પષ્ટ થાય છે. પણ કવિતા એ ગુણવાચક શબ્દ (critical term) છે. એથી જેમ પદ્ય અને કવિતા એ વિરોધાર્થી શબ્દો નથી, સમાનાર્થી શબ્દો છે. પણ પ્રાચીન યુગમાં કવિતા અને સંગીતનું સાયુજ્ય હતું એથી કવિતા માત્ર, પદ્યમાં અને માત્ર પદ્યમાં સિદ્ધ થતી હતી (અપવાદ રૂપે ક્વચિત્ ક્યારેક કોઈક કવિતા ગદ્યમાં પણ સિદ્ધ થતી હતી. પણ એ સંગીતયુક્ત ગદ્યમાં સિદ્ધ થતી હતી) એથી ૧૯મી સદી લગી કવિતા તો પદ્યમાં જ સિદ્ધ થાય. ગદ્યમાં સિદ્ધ ન થાય, ઉદાહરણ વેદ અને ઉપનિષદ. કવિતા તો પદ્યમાં જ હોય, ગદ્યમાં કવિતા? અબ્રહ્મણ્યમ્! એવો પદ્ય પ્રત્યે પક્ષપાત અને ગદ્ય પ્રત્યે પૂર્વગ્રહ હતો. પણ એથી પદ્યમાં જે સિદ્ધ થાય તે કવિતા જ હોય? પદ્યમાં અકવિતા પણ સિદ્ધ થતી હતી તેમ ગદ્યમાં જે સિદ્ધ વાય તે અકવિતા જ હોય? (મોટા ભાગના ગદ્યમાં અ-કવિતા સિદ્ધ થાય છે, અને થવી જ જોઈએ!) પણ ગદ્યમાં કવિતા પણ સિદ્ધ થાય. કવિતા પદ્ય સાથે સંબંધિત છે, કવિતા પદ્યમાં સીમિત નથી. કવિતા વિનાનું પદ્ય હોય તેમ પદ્ય વિનાની કવિતા પણ હોય. વળી, પ્રાચીન યુગમાં નાટક, નવલકથા, નિબંધ આદિ સમગ્ર સાહિત્ય મુખ્યત્વે પદ્યમાં જ સિદ્ધ થતું હતું. પણ પુનરુત્થાનયુગથી નાટક, નવલકથા, નિબંધ આદિ સમગ્ર સાહિત્ય મુખ્યત્વે ગદ્યમાં જ સિદ્ધ થાય છે (મુદ્રણ, સાક્ષરતા, મધ્યમવર્ગ, વિજ્ઞાન દ્વારા ગદ્યનો અદ્ભુત વિકાસ-વિસ્તાર થયો છે એ કારણે) તો પછી કવિતા ગદ્યમાં કેમ સિદ્ધ ન થાય? પદ્યમાં માત્ર કવિતા હોય ત્યારે પદ્યકાવ્ય થાય તેમ ગદ્યમાં માત્ર કવિતા હોય ત્યારે ગદ્યકાવ્ય થાય. ગદ્યકાવ્યમાં ગદ્ય છે એથી એ પદ્યથી વિમુક્ત છે, પણ ગદ્યકાવ્ય કાવ્ય છે એથી એ કવિતાથી વિમુક્ત નથી. પદ્યની વ્યાખ્યા હોય, પણ પદ્યમાં જો કવિતા હોય તો એ કવિતાની વ્યાખ્યા ન હોય, પદ્યકાવ્યની વ્યાખ્યા ન હોય, તેમ ગદ્યની વ્યાખ્યા હોય, પણ ગદ્યમાં જો માત્ર કવિતા હોય તો એ કવિતાની વ્યાખ્યા ન હોય. ટૂંકમાં ગદ્યકાવ્યની વ્યાખ્યા ન હોય. ગદ્યકાવ્યનું સ્વરૂપ હોય. પદ્યકાવ્યમાં આંતરસ્વરૂપ (interanl form) ઉપરાંત બાહ્યસ્વરૂપ (external form) પણ હોય છે. આ બાહ્યસ્વરૂપ તે priori, પૂર્વનિશ્ચિત પૂર્વયોજિત હોય છે. આ બાહ્યસ્વરૂપ તે લય (rhyhm) અને પ્રાસ (rhyme) દ્વારા સિદ્ધ થાય છે. પદ્યમાં કોઈ એક નિશ્ચિત લયએકમનું આવર્તન હોય છે. એ દ્વારા છંદ અને પંક્તિ સિદ્ધ થાય છે. પદ્યકાવ્યમાં આ પંક્તિ એકમ છે; એમાં પ્રાસ હોય છે, એ દ્વારા યુગ્મ, ત્રિક, ચતુષ્ક, પંચક, ષટ્ક, સપ્તક, અષ્ટક આદિ શ્લોક અથવા તર્ઝા રિમા, મુક્તક, સૉનેટ આદિ સ્વરૂપ સિદ્ધ થાય છે. સમાન સંખ્યાનાં આવર્તનોની પંક્તિ હોય અને પ્રાસ ન હોય તો પ્રવાહી પદ્ય (બ્લેંક વર્સ) તથા અસમાન સંખ્યાની આવર્તનોની પંક્તિ હોય અને પ્રાસ હોય વા ન હોય તો મુક્ત પદ્ય (free verse) સિદ્ધ થાય છે. આ સૌ કારણે પદ્યકાવ્યમાં નિયમન અને નિયમિતતા હોય છે, શિસ્ત અને બંધન હોય છે. એથી પદ્યકાવ્યમાં બંધનમાંથી મુક્તિ પ્રતિ ગતિ હોય છે, તર્કબદ્ધ અને રેખાકાર ગતિ હોય છે. પદ્યકાવ્યમાં અર્થ અને ભાવને, વસ્તુવિષયને આ બાહ્યસ્વરૂપનો પણ આધાર હોય છે. પદ્યકાવ્યમાં સાદ્યંત પદાવલિ (diction) તથા ઇન્દ્રિયરાગી શબ્દસંગીત (word-music) દ્વારા, આ બાહ્યસ્વરૂપ દ્વારા પણ આકાર અને એકતા સિદ્ધ થાય છે. પદ્યકાવ્યમાં એ લિખિત કે મુદ્રિત હોય તો આ બાહ્યસ્વરૂપ ચાક્ષુષઃ પણ હોય છે. એથી એ પઠન ઉપરાંત લેખન-મુદ્રણ દ્વારા પણ સ્પષ્ટ થાય છે. ગદ્યકાવ્યમાં બાહ્યસ્વરૂપ નથી. એથી એમાં બાહ્યસ્વરૂપનો આધાર અને આકાર નથી. ગદ્યકાવ્યમાં માત્ર આંતરસ્વરૂપ છે અને આ આંતરસ્વરૂપનો જ આધાર અને આકાર છે. ગદ્યકાવ્યમાં પદ્યકાવ્યના બાહ્યસ્વરૂપનાં છંદ અને પ્રાસ સિવાયનાં કવિતાસિદ્ધિ અર્થેનાં સૌ સાધનો — લય, ક્વચિત્ કિંચિત્ છંદ, અનુપ્રાસ, આંતરપ્રાસ, અર્ધપ્રાસ, (ક્વચિત્ પ્રાસ) પુનરાવર્તન, અન્વય, અલંકાર, કલ્પન આદિનો ઉપયોગ-વિનિયોગ થાય છે. ગદ્યકાવ્યમાં છંદ અને પ્રાસ નથી એટલે તે priori, પૂર્વનિશ્ચિત, પૂર્વયોજિત એવું કોઈ તત્ત્વ નથી. એથી શબ્દેશબ્દ પર, આ પછી આ શબ્દ, શબ્દગુચ્છ, વાક્યખંડ, વાક્ય, વાક્યગુચ્છ એટલે કે પરિચ્છેદ સતત ધ્યાનપૂર્વક, એકાગ્રતાપૂર્વક. સાવધાનીપૂર્વક, સભાનતાપૂર્વક યોજાય છે. ગદ્યકાવ્યમાં આ પરિચ્છેદ એકમ છે. ગદ્યકાવ્યમાં ક્ષણેક્ષણે નવતા છે, પદેપદે વિકલ્પ છે, સતત આકસ્મિકતા અને સાહસિકતા છે. એમાં લયને કોઈ આધાર કે આકાર નથી. ગદ્યકાવ્ય જેમ જેમ વિકસતું — વિસ્તરતું જાય છે તેમ તેમ તત્કાલ, તત્ક્ષણ એનો આધાર આકારતું જાય છે અને આકાર ધારતું જાય છે. આ સૌ કારણે ગદ્યકાવ્યમાં સ્વૈચ્છિકતા અને સ્વાયત્તતા હોય છે, લવચીકતા અને મુક્તિ હોય છે. એથી ગદ્યકાવ્યમાં મુક્તિમાંથી બંધન પ્રતિ ગતિ હોય છે, કલ્પનાબદ્ધ અને વર્તુલાકાર ગતિ હોય છે. એમાં બાહ્યસ્વરૂપના અભાવને કારણે અર્થ અને ભાવ પર, વસ્તુવિષય પર એના આંતરસ્વરૂપનો આધાર હોય છે, ગદ્યકાવ્યમાં સાદ્યંત સૂર (tone) દ્વારા, ત્વરિત કલ્પનો અને પ્રતીકો દ્વારા, આંતરસ્વરૂપ દ્વારા આકાર અને એકતા સિદ્ધ થાય છે. બૉદલેરે ૧૯મી સદીના મધ્યભાગમાં દ્વિતીય સામ્રાજ્યના, નાપોલિયોં ત્રુવાના, જ્યૉર્જ હૉસમાનના પૅરિસની વ્યવસ્થા, વિલાસિતા અને વિહ્વળતા તથા એની પડછે, એની પછવાડે પૅરિસના માનવસમૂહના જીવનની અવ્યવસ્થા, અકિંચનતા અને અસહાયતાના આંતરસંબંધમાંથી એમના ગદ્યકાવ્યનો આદર્શ પ્રાપ્ત કર્યો હતો. એથી એમાં આત્માની અવસ્થા (un etat d’ame), સ્વપ્નો-દિવાસ્વપ્નો અને અજ્ઞાત મનના આઘાતોને અનુકૂળ અને અનુરૂપ એવું ગદ્યકાવ્યનું સ્વરૂપ સિદ્ધ થયું હતું. એમાં નૈતિકતા અને આધ્યાત્મિકતાનો સૂર હતો. કલ્પનો, પ્રતીકો, રૂપકો, સાધર્મ્યોની ચલચિત્ર જેવી ત્વરિત ગતિ હતી. એમાં કથન અને વર્ણનને સ્થાન ન હતું, એથી એમાં લાઘવ હતું, તીવ્રતા હતી. બૉદલેરે ૧૮૫૭માં ‘Les Fleurs du Mal’નું સર્જન કર્યું પછી Petits Poemes en Prose’માં ‘Les Fleurs du Banal’નું સર્જન કર્યું છે. ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓ અને પરાવાસ્તવવાદી કવિઓને આ ગદ્યકાવ્યનું સ્વરૂપ વારસામાં પ્રાપ્ત થયું હતું. ૨૦મી સદીના પૂર્વાર્ધમાં એને ફ્રૉઈડ અને યુંગના મનોવિજ્ઞાનનો સંદર્ભ પ્રાપ્ત થયો હતો. આ ગદ્યકાવ્યનું સ્વરૂપ દુર્લભ અને દુઃસાધ્ય છે. શું પદ્યમાં શું ગદ્યમાં કવિતા, ઉત્તમ કવિતા દુર્લભ અને દુઃસાધ્ય છે, કદાચને ગદ્યમાં કંઈક વિશેષ દુર્લભ અને દુઃસાધ્ય છે. એથી સ્તો ગદ્યં કવીનાં નિકષં વદન્તિ! (કવિલોક ટ્રસ્ટના ઉપક્રમે મુંબઈમાં ‘ગદ્યકાવ્ય’ પરના પરિસંવાદમાં પ્રમુખસ્થાનેથી વક્તવ્ય. ૨૯ જાન્યુઆરી ૧૯૮૪.)

*