સ્વાધ્યાયલોક—૧/ગાંડી ગુજરાત
સ્થળ : પરિષદભૂમિ સમય : ૧૯૭૭ના ઑગસ્ટની ૧૫મીની સંધ્યા. પ્રસંગ : કવિતાપઠન. દસેક કવિઓ અને સોએક શ્રોતાઓ હતા. આમ, અમદાવાદમાં આશ્રમ રોડ પર સાબરમતીના તટ પર પરિષદની ભૂમિ પર પરિષદ-પ્રવૃત્તિનું મંગલાચરણ થયું. અનેક કારણે વાતાવરણમાં આનંદ આનંદ વ્યાપી ગયો હતો. એક તો પરિષદની ભૂમિ પર આ પ્રથમ પ્રસંગ હતો. એમાં વળી સરેરાશ પિસ્તાલીસ વર્ષની વયના નવીનતમ કવિઓએ એકાદ કલાક પોતાનાં કાવ્યોનું પઠન કર્યું. કેટલાક કવિઓએ ન્હાનાલાલનું એકએક ગીત ગાયું અને શ્રી પન્નાલાલ પટેલે પણ પોતાનું આ ગીત ગાયું. અંતે શ્રી ઝીણાભાઈ દેસાઈ અને શ્રી પન્નાલાલ પટેલે સૌ કવિઓ અને શ્રોતાઓને ચૉકલેટ-પીપરમીટ વહેંચીને મધુરેણ સમાપન કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદનું બોતેર વર્ષનું વય છે. આરંભમાં ગોવર્ધનરામ અને ગાંધીજી જેવા મહાપુરુષોએ એનું પ્રમુખપદ શોભાવ્યું છે. કોઈ પણ સંસ્થાનું આથી વધુ મોટું સદ્ભાગ્ય શું હોય? બલવંતરાય અને ન્હાનાલાલ જેવા કવિઓના સ્વીકાર-સહકારથી એ વંચિત હતી. એ એનું દુર્ભાગ્ય હતું. વચમાં એને મુનશીની મહત્ત્વાકાંક્ષાનું ગ્રહણ લાગ્યું હતું. એથી એ કંઈક ક્ષીણ હતી. પણ એક સૌ વર્ષોમાં એ અધિવેશનો, વ્યાખ્યાનો, પ્રકાશનો આદિ દ્વારા સતત સક્રિય હતી. હમણાં બેએક દાયકાથી એનું પુનરુત્થાન થયું છે. ત્યારથી બે વર્ષે આ અધિવેશન અને વચ્ચેના વર્ષમાં આ જ્ઞાનસત્રની એની પરંપરા છે. ઉપરાંત આ મુખપત્ર ‘પરબ’નું પણ પ્રકાશન થાય છે. એકાદ વર્ષથી ગુજરાતનાં ભિન્ન ભિન્ન નગરોમાં પરિસંવાદો અને કવિતાપઠનના કાર્યક્રમો પણ થાય છે. ઉપર્યુક્ત કાર્યક્રમ એના અનુસંધાનરૂપ હતો. એની વિશેષતા એટલી કે એ પરિષદની પોતાની ભૂમિ પર પ્રથમ કાર્યક્રમ હતો. એકાદ દાયકાથી ગુજરાતની પ્રજાએ એના રાજ્ય દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદને મકાન માટે જમીન આપવાનો વિચાર અને નિર્ણય કર્યો છે. અમદાવાદમાં આશ્રમ રોડ પર સાબરમતીના તટ પર ત્રણ હજાર મીટર જમીન આપી પણ છે. જોકે એમાંની આ હજાર મીટર જમીન નદીમાં ધોવાણની જમીન છે. કાર્યાલય, સભાગૃહ અને પુસ્તકાલય — માત્ર આટલી લઘુતમ સગવડો સાથેના મકાન માટે હજી પણ રસ્તાની દિશામાં દોઢેક હજાર મીટર જમીન જોઈએ. પણ રાજ્યનાં અને નગરપાલિકાનાં વહીવટી ખાતાંઓની તવા માનવસ્વભાવની અન્ય શિથિલતાને કારણે હજી જમીન પરાધીન છે. મકાનનું બાંધકામ શરૂ કરી શકાય એમ સંપૂર્ણપણે મુક્ત નથી. મકાનના બાંધકામ માટે દસેક લાખ રૂપિયાની રકમની જરૂર છે. એકાદ દાયકાથી ગુજરાતી પ્રજાએ એમાંથી સાડા ચારેક લાખ રૂપિયાની રકમનાં વચનો આપ્યાં છે. એમાંથી પોણા ત્રણેક લાખ રૂપિયાની રકમ હવે પરિષદને હસ્તક આપી છે. પણ આ ગતિ-વિધિએ તો ગુજરાતી સાહિત્ય પરિષદ માટે પોતાની ભૂમિ પર પોતાનું મકાન ક્યારે થશે? છએક દાયકા પર બલવંતરાયે આવા જ એક સંદર્ભમાં ‘ગાંડી ગુજરાત’નું વ્યાખ્યાન આપ્યું હતું. અને અરધી સદી પર ‘ગાંડી ગુજરાતને બોધસપ્તક’ કાવ્ય પ્રગટ કર્યું હતું. અને એમ એક જિંદગીમાં બે વાર મ્હેણું માર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદનું ખાસ્સું બોતેર વર્ષનું વય છે. છતાં એને પોતાનું ઘર નથી. ગુજરાતની પ્રજા આ મ્હેણું ક્યારે દૂર કરશે? સત્વર દૂર કરશે? દુર્ભાગ્યે અરધી સદી પછી પણ ગાંડી ગુજરાતને સંબોધવું રહ્યું :
‘ગાંડી ઓ ગુજરાત, વરત સમય, જણ પરખ તું,
હક્ક જોયું પય, માત, દે અમને, તુજ બાળ છી!’
૧૯૭૭