સ્વાધ્યાયલોક—૧/ધર્મ, વિજ્ઞાન અને કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધર્મ, વિજ્ઞાન અને કવિતા

અહીં આરંભે જ, અલબત્ત, શ્રોતાજનોની ક્ષમાયાચના સાથે, સત્વર સ્પષ્ટ કરું કે આ વ્યાખ્યાનનું શીર્ષક ‘ધર્મ અને કવિતા’ નહિ પણ ‘ધર્મ, વિજ્ઞાન અને કવિતા’ હોવું જોઈએ. આ ક્ષણે મને બીજા વિશ્વયુદ્ધ પછીની આ મહાન ઘટનાનું સ્મરણ થાય છે. ૧૯૪૫ મેની ૨જીએ યુદ્ધવિરામ થયો. પછી તરત જ ૧૯૪૫ના જૂનની ૨૬મીએ UNO — United Nations Organisation — સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પછી તરત જ એના ઉપક્રમે મનુષ્યજાતિની વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ-વિસ્તાર અર્થ વિવિધ શાખા — પ્રશાખાઓની પણ સ્થાપના કરવામાં આવી હતી. એમાંની એક પ્રશાખા તે UNESCO — United Nations’ Educational, Scientific and Cultural Organization. પણ આ પ્રશાખાની સ્થાપનાસમિતિએ આરંભમાં એનું UNECO — United Nations, Educational and Cultural Organization એવું નામાભિધાન કરવાનું વિચાર્યું હતું. ૧૯૪૬માં લંડનમાં આ સ્થાપના- સમિતિની સભા યોજવામાં આવી હતી. એમાં આ નામાભિધાન અંગેની ચર્ચાવિચારણા સમયે અમેરિકાના પ્રતિનિધિમંડળે — સવિશેષ તો એના એક સભ્ય આર્ચિબાલ્ડ મૅકલીશે આ નામાભિધાનમાં E અને Cની વચ્ચે Sceinceનો S યોજવાનું સૂચન કર્યું હતું. આરંભમાં અન્ય સભ્યોએ આ સૂચનનો પ્રતિકાર કર્યો હતો. શિક્ષણ અને સંસ્કારની સાથે સમાન સ્થાન પ્રાપ્ત કરવાની વિજ્ઞાનની પાત્રતા કે પ્રતિષ્ઠા નથી એવું અન્ય સભ્યોનું — શિક્ષણકારો, સંસ્કારસ્વામીઓ અને વિજ્ઞાનીઓ સુધ્ધાંનું મંતવ્ય હતું. પણ સદ્ભાગ્ય અંતે એમણે મનેકમને પણ આ સૂચનનો સ્વીકાર કર્યો હતો. આ નામાભિધાનમાં Educationના E અને Cultureના C વચ્ચે Sceinceનો S યોજવાનો છે ને! વિજ્ઞાની એક બાજુ શિક્ષણ અને બીજી બાજુ સંસ્કાર છે! એટલે કે અંતે વિજ્ઞાનના બન્ને હાથ પર શિક્ષણ અને સંસ્કારની હાથકડી તો છે ને! પછી શો ભો છે? મા ભૈઃ! ભલે UNECO નહિ પણ UNESCO એવું નામાભિધાન થતું! કદાચ અન્ય સભ્યોએ આવું કંઈ સમાધાન કર્યું હશે અને અંતે આ સૂચનનો સ્વીકાર કર્યો હશે. આજના જગતનું અને જીવનનું સત્ય તો એ છે કે એમાં વિજ્ઞાન સર્વવ્યાપી અને સર્વસમર્થ છે, એમાં વિજ્ઞાનનું વર્ચસ્ છે. આજના જગતમાં વિજ્ઞાનના સંદર્ભ વિના શિક્ષણ અને સંસ્કારનો જ નહિ પણ ધર્મ અને કવિતાનો, સમગ્ર જીવનનો વિચાર સુધ્ધાં કરવો અશક્ય છે. આજના જગતનું અને જીવનનું આ સત્ય UNESCOની સ્થાપનાસમિતિના અન્ય કોઈ સભ્યને, વિજ્ઞાનીઓ સુધ્ધાંને સૂઝ્યું નહિ પણ એક કવિને, આર્ચિબાલ્ડ મૅકલીશને સૂઝ્યું. વળી UNECO કરતાં UNESCO શબ્દ વધુ મધુર પણ છે. હમણાં જ કહ્યું ને કે આર્ચિબાલ્ડ મૅકલીશ કવિ હતા. એકાદ માસ પૂર્વે મને આ વ્યાખ્યાન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આરંભમાં તો મને ધર્મ અને કવિતા એ વિષય પર વ્યાખ્યાન આપવાનું સૂઝ્યું. પણ પછી મારામાં જે સુષુપ્ત આર્ચિબાલ્ડ મૅકલીશ હશે તે જાગૃત થયા હશે એથી મને પણ ‘દ્વિતીય વિચાર’ રૂપે ધર્મ અને કવિતાની વચ્ચે વિજ્ઞાન શબ્દ યોજવાનું સૂઝ્યું. એથી હવે શ્રોતાજનોની ક્ષમાયાચના સાથે સત્યર સ્પષ્ટ કરું કે આ વ્યાખ્યાનનું શીર્ષક ‘ધર્મ અને કવિતા’ નહિ પણ ‘ધર્મ, વિજ્ઞાન અને કવિતા’ છે. પણ આરંભમાં મને ‘ધર્મ અને કવિતા’ એ વિષય પર વ્યાખ્યાન આપવાનું શા કારણે સૂઝ્યું હશે? કોઈ આત્મલક્ષી કારણ હશે? ગુજરાતી ભાષામાં ‘છંદોલય’ નામનો એક કાવ્યસંગ્રહ છે અને એનો કર્તા નિરંજન ભગત છે. આ બન્ને સાથે મારે નિકટનો સંબંધ છે, બલકે આત્મીય સંબંધ છે. એ કારણે આમ સૂઝ્યું હશે? પણ મારી અટક એ તો માત્ર એક અકસ્માત્ છે. દાદા હરિલાલ તજ-લવિંગના વેપારી હતા. એથી એમની અસલ અટક તો ‘ગાંધી’ હતી. પણ ઉત્તરજીવનમાં એ જમાલપુરમાં ટોકરશાની પોળમાં મગન ભગતની ભજનમંડળીમાં સક્રિય હતા અને એમણે સતત ઇશ્વરસ્મરણ કર્યું હતું. એથી સ્નેહીઓ — સ્વજનોમાં એમનું ‘ભગત’ એવું લાડનામ હતું. પછીથી એ નામ એમનાં સંતાનો — પ્રસંતાનોને વારસમાં અટક રૂપે પ્રાપ્ત થયું હતું. આમ, મારી અટક એ તો માત્ર એક અકસ્માત્ છે. એમનું ઘર દોશીવાડાની પોળમાં સાચોરાના ખાંચામાં હતું. આરંભમાં દસ વર્ષ લગી બાળપણમાં મારે એ ઘરમાં વસવાનું થયું હતું. બાજુની પોળમાં જ અમદાવાદનું મોટામાં મોટું વૈષ્ણવમંદિર હતું. પણ મારે માટે એ માત્ર સાતતાળી અને સંતાકૂકડી રમવાના સ્થાનથી વિશેષ કંઈ ન હતું. એમાં રોજરોજ દર્શનો થાય અને ઋતુઋતુએ ઉત્સવો થાય. પણ મારે માટે એ માત્ર સુન્દર દૃશ્યોથી વિશેષ કંઈ ન હતું. એમાં રોજરોજ ભજનકીર્તનો થાય. પણ મારે માટે એ માત્ર લલિત લય-સ્વરોથી વિશેષ કંઈ ન હતું. મંદિરના મુખિયાજીઓ મારા પાડોશીઓ થાય. એથી રોજરોજ ખાસા-પુરી ને ઠોરનું ભોજન થાય. પણ મારે માટે એ માત્ર મધુર સ્વાદ અને માદક સુગંધથી વિશેષ કંઈ ન હતું. મારા જન્મનાં દસ વર્ષ પૂર્વ દાદાનું અવસાન થયું હતું. પણ ઘરમાં એક પટારામાં એમનાં મંજિરાં- કરતાલ ને કાંસીજોડાની સામગ્રી હતી. એનો ક્યારેક મેં સ્વહસ્તે પ્રયોગ- ઉપયોગ કર્યો હતો. પણ એ મારે માટે માત્ર બાલસહજ સંગીતકૌતુકથી વિશેષ કંઈ ન હતું. દાદી જેકોરબા રોજ રાતે મને ખોળામાં સુવાડીને આખ્યાનો ગાય. પણ મારે માટે એ માત્ર હાલરડાંથી વિશેષ કંઈ ન હતું. મારી પાસે રમકડાંની સાથેસાથે લાલજીની એક મૂર્તિ હતી. પણ મારે માટે એ માત્ર રમકડાથી વિશેષ કંઈ ન હતું. આજે પણ મંદિરમાં જતો નથી ને ઘરમાં પૂજાપાઠ કરતો નથી. બાઇબલના જૂના કરારમાંના મોઝીઝના દશ આદેશોમાંથી ત્રીજા આદેશનું ‘Thou shalt not speak the name of God in vain’ — અકારણ ઈશ્વરનું નામ ઉચ્ચારીશ નહિ’ એ આદેશનું મેં અક્ષરશઃ સદા પાલન કર્યું છે. જાહેરમાં કોઈની યે પાસે કે એકાન્તમાં મારી જાત પાસે પણ મેં કદી અકારણ ઈશ્વરનું નામ ઉચ્ચાર્યું નથી. ‘છંદોલય’માં મેં કવિતાના અઢી અક્ષર પાડ્યા છે એવો ગુજરાતમાં કેટલાકને વહેમ છે પણ મને એ વિશે શંકા છે. વળી સાથે એ પણ અહીં જ ઉમેરું કે ચાર વરસ માધ્યમિક શાળાના વર્ગોમાં ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકોમાં વિજ્ઞાનના પ્રાથમિક સિદ્ધાન્તો અને પ્રયોગશાળામાં વિજ્ઞાનના પ્રાથમિક પ્રયોગોનું શિક્ષણ — અલબત્ત ગણિતશાસ્ત્રમાં સો ટકા તથા ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં એંશી ટકા ગુણાંકના સ્તરે — પ્રાપ્ત કર્યું હતું. વિજ્ઞાન તરીકે વિજ્ઞાન સાથેનો મારો પ્રત્યક્ષ સંબંધ એથી વિશેષ કંઈ જ નહિ. તો પછી આરંભમાં મને ધર્મ અને કવિતા’ અને દ્વિતીય વિચાર રૂપે ‘ધર્મ, વિજ્ઞાન અને કવિતા’ એ વિષય પર વ્યાખ્યાન આપવાનું શા કારણે સૂઝ્યું હશે? તો પછી એનું આવું આત્મલક્ષી નહિ પણ કદાચ કોઈ પરલક્ષી કારણ હોય. એનું કારણ કદાચ કવિતા વિશેનું છેલ્લી પચ્ચીશીનું ગુજરાતી વિવેચન હોય. છેલ્લી પચ્ચીશીમાં ગુજરાતમાં કવિતા શું છે? શી વસ છે? ‘What it is’, ‘What kind of a thing, in the widest sense, is poetry?’ — એનું વિવેચન થયું છે, ‘the poem itself’, ‘poem qua poem’નું વિવેચન થયું છે, કવિતાના અનુભવ (experience)માં, ક્ષોભ(agitaition)માં જે ગૌણ શાખા (minor branch) છે, જે બુદ્ધિ-સ્રોત (intellectual stream) છે એનું વિવેચન થયું છે, કવિતામાં જે શૈલીસ્વરૂપ છે, જે આકૃતિ (form) છે એનું વિવેચન થયું છે. એટલે કે લય, છંદ, પ્રાસ, પ્રાસાનુપ્રાસ પુનરાવર્તન, અન્વય, વ્યાકરણ, કલ્પન, પ્રતીક, સૂર, સંરચના આદિનું વિવેચન થયું છે. ટૂંકમાં એક કલા-આકૃતિ તરીકે કવિતાનું વિવેચન થયું છે. પ્રત્યેક પચ્ચીશીમાં કવિતાનું આવું વિવેચન થવું જ જોઈએ; સદાય થવું જોઈ; કવિતાનું આવું વિવેચન અનિવાર્ય છે. કવિતાનું આવું વિવેચન ન થાય તો ભૂતકાળમાં ગુજરાતી સુધ્ધાં અનેક ભાષાની કવિતા વિશે જે થયું છે તે થાય, કવિતા વિશે ભારે અણસમજ અને ગેરસમજ થાય, અકવિતાનો પણ કવિતા તરીકે સ્વીકાર થાય અને અંતે કવિતા વિશે અવિવેક થાય. કવિતાનું આવું વિવેચન એ કવિતાનું સદ્ભાગ્ય છે. છેલ્લી પચ્ચીશીમાં ગુજરાતમાં કવિતાનું જે વિવેચન થયું છે એનો મને આનંદ છે. એનો મોટો મહિમા છે. પણ સાથે સાથે એની મોટી મર્યાદા પણ છે. એનો આનંદ કોઈને ન હોય. છેલ્લી પચ્ચીશીમાં ગુજરાતમાં કવિતા શા માટે છે? કોને માટે છે? ‘How can we use it or misuse it?’ ‘What reasons wre there for thinking it valuable?’ ‘Why and how it is valuable? એનું વિવેચન થયું નથી. અનુભવમાં, કવિતાના ક્ષોભમાં જે પ્રધાન શાખા (major branch) છે, જે સક્રિય સ્રોત અથવા ઊર્મિ-સ્રોત (active or emotional stream) છે એનું વિવેચન થયું નથી. કવિતામાં જે રસલીલા (the play of interest), જે અદ્ભુત રસસંકુલ (the incredibly complex assemblage of interests) છે, જે ઊર્મિઓ અને વલણો (emotions and attitudes) છે, જે અનુભૂતિઓ અને અનુભવો (impulses and experiences) છે, જે જ્ઞાન અને વર્તન (knowledge and behaviour) છે, જે માહિતીઓ અને સત્યો (beliefs and truths) છે એનું વિવેચન થયું નથી. કવિતામાં લય, કલ્પન, સંરચના આદિ વિચારો તો માત્ર તેનાં સાધનો છે, એ દ્વારા અને એ સાધનોની સંવાદિતા, સમતુલા અને સપ્રમાણતા દ્વારા કવિતાનું જે સાધ્ય છે એટલે કે ક્ષણ માટે, ક્ષણાર્ધ માટે પણ જે રસસમાધિ છે, જે સંપૂર્ણ. સ્વાયત્ત, સંવાદી અને સમૃદ્ધ જીવનનું દર્શન છે એનું વિવેચન થયું નથી. મનુષ્ય, મનુષ્યજીવન અને વિશ્વના સંદર્ભમાં એક જીવનમૂલ્ય (value) તરીકે કવિતાનું વિવેચન થયું નથી. કવિતાના વસ્તુવિષય અને અર્થ (content and meaning)નું વિવેચન થયું નથી. ટૂંકમાં એક કલાકૃતિ તરીકે કવિતાનું વિવેચન થયું નથી. કવિતા, અલબત્ત, આકૃતિ છે. પણ શેની આકૃતિ છે? એ ‘કશાક’ની આકૃતિ છે. એ ‘કશુંક’ ન હોય તો આકૃતિ જ ન હોય. એ ‘કશુંક’ તે કવિતામાં જીવનનો અને જગતનો જે સંદર્ભ છે તે સંદર્ભ. અને આ સંદર્ભ તે જ કવિતાનો અર્થ. કવિતા આ અર્થની જ આકૃતિ છે. કવિતામાં અર્થ છે માટે જ આકૃતિ છે અને કવિતામાં આકૃતિ છે માટે અર્થ છે જ. આમ, અર્થને કારણે જ કવિતામાં આકૃતિ છે. આ અર્થને કારણે જ કવિતામાં લય, પ્રતીક, સંરચના આદિ છે. આ અર્થ ન હોય તો કવિતામાં લય, પ્રતીક, સંરચના આદિ ન હોય. એટલે કે કવિતા જ ન હોય. અલબત્ત, કવિતામાં આકૃતિ ન હોય તો અર્થ પણ ન હોય. કવિતામાં આકૃતિ અનિવાર્ય છે. પણ એ આકૃતિ અર્થને કારણે અનિવાર્ય છે, અર્થને માટે અનિવાર્ય છે. કવિતામાં લય, પ્રતીક, સંરચનાને ખાતર લય, પ્રતીક, સંરચના નથી, પણ અર્થને ખાતર છે, અર્થને માટે છે. ટૂંકમાં કવિતામાં અર્થની આકૃતિ છે. કવિતામાં જો અર્થની આકૃતિ નથી તો પછી શેની આકૃતિ છે? આકૃતિની આકૃતિ છે? આવું વિધાન અર્થહીન છે એ સ્વયંસ્પષ્ટ છે. અને કવિતામાં જો અર્થ જ નથી તો પછી કવિતામાં આકૃતિ શા માટે છે? કોને ખાતર છે? આકૃતિને માટે આકૃતિ છે? આકૃતિને ખાતર આકૃતિ છે. તો તો એ આકૃતિ જ અર્થહીન છે. એ પણ સ્વયંસ્પષ્ટ છે. આમ, કવિતામાં અર્થને માટે આકૃતિ છે, અર્થને ખાતર આકૃતિ છે, કવિતામાં અર્થની જ આકૃતિ છે. એથી સ્તો કવિતામાં અર્થ પ્રધાન છે અને આકૃતિ ગૌણ છે. અલબત્ત, કવિતામાં અર્થ આકૃતિ દ્વારા પ્રગટ થાય છે, બલકે આકૃતિરૂપે પ્રગટ થાય છે. એથી જ કવિતામાં જે અર્થ છે તે કવિતાના અન્વય — paraphrase — માં પ્રગટ થવો અશક્ય છે. જેમ ભૂમિતિના મનોયત્નમાં આરંભે હોય છે અથવા નીતિકથામાં અંતે હોય છે તેમ કવિતામાં આરંભે કે અંતે આ અર્થનું કથન કે નિવેદન હોતું નથી. કવિતાના અણુએ અણુમાં આ અર્થનું અસ્તિત્વ છે, કવિતાની સમગ્ર આકૃતિમાં આ અર્થનું અસ્તિત્વ છે. એથી જ કવિતામાં આકૃતિ એ જ અર્થ છે અને અર્થ એ જ આકૃતિ છે. પાઉન્ડની મંત્રવાણીમાં કવિતા એ ‘idea in image’ છે. અહીં હું ઉમેરું કે કવિતા એ ‘image of idea’ છે, કવિતામાં ‘idea is image’ અને ‘image is idea.’ કવિતાના રસાસ્વાદની ક્ષણે કવિતા ભાવકની સમક્ષ હોય છે, કવિતા સાક્ષાત્ ભાવકની સન્મુખ હોય છે. એ ક્ષણે આ અર્થ અને આ આકૃતિ ઓતપ્રોત હોય છે; એકરસ, એકરૂપ, એકાકાર હોય છે; અવિચ્છિન્ન જ નહિ, અવિચ્છેદ્ય હોય છે. પણ પછી વિવેચનની સગવડ અને સરળતા માટે કવિતાથી, કવિતાના સમગ્ર અર્થથી આકૃતિનો વિચ્છેદ કરી શકાય અને આકૃતિનું વિવેચન કરી શકાય. તો વિવેચનની સગવડ અને સરળતા માટે કવિતાથી, કવિતાની સમગ્ર આકૃતિથી અર્થનો પણ વિચ્છેદ કરી શકાય અને અર્થનું વિવેચન પણ કરી શકાય. અલબત્ત, અર્થનું આવું વિવેચન એ કવિતાના અર્થનું જાતિમત્વ (abstraction) છે એમ કહી શકાય. પણ તો આકૃતિનું આવું વિવેચન એ પણ કવિતાની આકૃતિનું જાતિમત્વ જ છે. વાસ્તવમાં તો વિવેચન માત્ર — કવિતાના અર્થનું વિવેચન કે કવિતાની આકૃતિનું વિવેચન કે અર્થ અને આકૃતિનું બન્નેનું એકસાથે વિવેચન — એક જાતિમત્વ જ છે. વિધાતાએ વિવેચન માત્રને લલાટે આ અભિશાપ લખ્યો છે. એથી કવિતાની આકૃતિનું વિવેચન થાય અને કવિતાના અર્થનું વિવેચન ન થાય એ વિકલ્પ જ નથી. કવિતાનું વિવેચન થાય અથવા ન થાય એ જ એક માત્ર વિકલ્પ છે. ભાગ્યે જ કહેવાનું હોય કે વિવેચન એ જાતિમત્વ હોય તો પણ કવિતાનું વિવેચન થાય એ પસંદગીમાં જ ડહાપણ છે. એક માત્ર કવિતામાં જ વ્યક્તિમત્વ છે. એથી સ્તો કવિતાનું વિવેચન થાય, આકૃતિનું, અર્થનું કે અર્થ-આકૃતિનું વિવેચન થાય પછી પણ કવિતાની આકૃતિ અને કવિતાના અર્થ માટે, અર્થ-આકૃતિ માટે પુનશ્વ સાક્ષાત્ કવિતા સમક્ષ જ સન્મુખ થવું રહ્યું! પણ ત્યારે કંઈક વધુ અભિજ્ઞતા સાથે, કંઈક વધુ સૂઝસમજ સાથે સન્મુખ થવાય છે એમાં જ વિવેચનની ચરિતાર્થતા છે. એથી જ કવિતાનું વિવેચન થાય એ પસંદગીમાં ડહાપણ છે. તો કવિતાની આકૃતિનું વિવેચન થાય અને કવિતાના અર્થનું વિવેચન ન થાય એ તો વિચિત્ર વાત છે ને! વળી કવિતાના અર્થનું વિવેચન તો ન જ થાય એવો દુરાગ્રહ થાય એ તો અતિવિચિત્ર વાત છે ને! એક માત્ર ગુજરાતમાં જ આવી અતિ વિચિત્ર વાત થાય અને તે પણ એક પચ્ચીશી સુધી થાય! અન્યત્ર ક્યાંય આવી વિચિત્ર વાત ન થાય. થાય એવું હજી ક્યાંય વાંચ્યું-જાણ્યું નથી. કવિતાની આકૃતિમાં જે સુશ્લિષ્ટ અને સુગ્રથિત એકતા છે, કવિતાના અર્થમાં જે સુશ્લિષ્ટ અને સુગ્રથિત એકતા છે તથા કવિતાની આકૃતિ અને કવિતાના અર્થની વચ્ચે જે સુશ્લિષ્ટ અને સુગ્રથિત એકતા છે એ નિર્જીવ કે યાંત્રિક એકતા (mechanical unity) નથી, એટલે કે એ માત્ર બુદ્ધિ કે તર્કથી સિદ્ધ થાય એવી એકતા નથી. એ સજીવ અને જીવંત એકતા (organic unity, vaital unity) છે. એ બુદ્ધિ અને તર્ક ઉપરાંત કલ્પના અને પ્રતિભાથી જ સિદ્ધ થાય એવી એકતા છે. કવિતા એ ‘નકશાહૂકમ ચલે’ એવી ઇમારત નથી. ઇમારતમાં જેમ નકશાહૂકમને આધારે ઈંટ, માટી, ચૂનો, સિમેન્ટ, કોંક્રિટ, લોહ, લાકડું, કાચ, પથ્થર આદિની નિર્જીવ અને યાંત્રિક સંરચના કે આકૃતિ છે તેમ કવિતા માત્ર લય, પ્રતીક આદિની નિર્જીવ અને યાંત્રિક સંરચના કે આકૃતિ નથી. કવિતા એ માત્ર ચાલાકી કે ચાતુરી નથી, માત્ર કસબ કે કારીગરી નથી, માત્ર કૌશલ્ય કે કરામત નથી. એથી કવિતા એ માત્ર ઇજનેરી ટેક્‌નિક નથી. કવિતા એ ‘નિજ લીલા ચલે’ એવું વૃક્ષ છે. વૃક્ષમાં જેમ નિજ લીલાથી મૂળ, થડ, ડાળીઓ, પાંદડાં, ફૂલ, ફળ આદિની સજીવ અને જીવંત સંરચના કે આકૃતિ છે તેમ કવિતામાં લય, પ્રતીક આદિની સજીવ અને જીવંત સંરચના કે આકૃતિ છે. એથી કવિતા એ કળા છે. પ્રત્યેક ઇમારત એ અનન્ય સંરચના કે આકૃતિ નથી. એક જ નકશાહૂકમને આધારે અનેક એકસમાન ઇમારતો રચી શકાય. પણ પ્રત્યેક કાવ્ય એ અનન્ય સંરચના કે આકૃતિ છે. પ્રત્યેક કાવ્યને નિજ લીલા છે, પ્રત્યેક કાવ્ય નિજ લીલાને આધારે રચાય છે. એથી જ કોઈ પણ બે કાવ્યો એકસમાન નથી. વૃક્ષમાં, વૃક્ષના અણુએ અણુમાં, મૂળની અણીથી માંડીને ટોચ પરનાં પાંદડાંની અણી લગી રસ અને ચૈતન્ય છે. એટલું જ નહિ પણ પૃથ્વી, જળ, વાયુ, તેજ, અગ્નિ સાથે પણ વૃક્ષનો ઇમારતથી વિશેષ અને વિશિષ્ટ એવો સજીવ અને જીવંત સંબંધ છે. આ સૌ પંચભૂતોમાં કોઈક કીમિયો છે. આ અદૃષ્ટ, અગ્રાહ્ય, અગમ્ય, અજ્ઞેય (invisible, incomprehesible, inscrutable, intractable) એવો કીમિયો છે. આ કીમિયો કોઈ ગુહ્ય (supernatural), તત્ત્વ છે. એની સાથે પણ વૃક્ષનો સજીવ અને જીવંત સંબંધ છે. આ સંબંધને કારણે વૃક્ષમાં જે રસ અને ચૈતન્ય છે તે દીર્ઘકાલ ફૂલેફાલે છે. વૃક્ષની જેમ જ કવિતામાં, કવિતાના અણુએ અણુમાં, સમગ્ર કવિતામાં કવિતાનો અર્થ છે. એટલું જ નહિ પણ કવિતાને જીવન અને જગત સાથે, સમાજ અને સંસ્કૃતિ સાથે, સમગ્ર વિશ્વ સાથે અને વિશ્વથી યે પર અને પાર એવા કોઈ પરમતત્ત્વ સાથે સજીવ અને જીવંત સંબંધ છે. કવિતાને એ સૌનો સંદર્ભ છે. કવિતાના આ સંબંધ અને સંદર્ભમાં પણ કવિતાનો અર્થ છે. છેલ્લી પચ્ચીશીમાં ગુજરાતમાં માત્ર કવિતાની આકૃતિનું જ વિવેચન થયું એનું શું કારણ હશે? કદાચ એની પૂર્વેની પચ્ચીશીમાં ગુજરાતમાં માત્ર કવિતાના અર્થનું જ વિવેચન થયું એ કારણ હશે. સાચું છે કે માત્ર કવિતાના અર્થનું જ વિવેચન થાય અને સાથે સાથે કવિતાની આકૃતિનું વિવેચન ન થાય તો જેમાં અનેક અર્થો — આદર્શો, ભાવનાઓ, દર્શનો આદિ — નું નર્યું કથન કે નિવેદન જ હોય એવી અકવિતાનો અર્થને નામે કવિતા તરીકે સ્વીકાર થાય, કવિતા વિશે અવિવેક થાય. તો એ પણ એટલું જ સાચું છે કે માત્ર કવિતાની આકૃતિનું જ વિવેચન થાય અને સાથે સાથે કવિતાના અર્થનું વિવેચન ન થાય તો જેમાં લય, પ્રતીક આદિની માત્ર શબ્દરમત જ હોય એવી અકવિતાનો સંરચના કે આકૃતિને નામે કવિતા તરીકે સ્વીકાર થાય, કવિતા વિશે અવિવેક થાય. વળી હમણાં જ જોયું તેમ કવિતામાં આકૃતિ ગૌણ છે, અર્થ પ્રધાન છે. એથી માત્ર કવિતાની આકૃતિનું જ વિવેચન થાય અને સાથે સાથે કવિતાના અર્થનું વિવેચન ન થાય તો એમાં કવિતામાં ગૌણ-પ્રધાન વિશે અવિવેક થાય. પણ છેલ્લી પચ્ચીશીમાં ગુજરાતમાં કવિતાનું જે વિવેચન થયું છે એમાં માત્ર કવિતા-અકવિતા વિશે અને કવિતામાં ગૌણ-પ્રધાન વિશે અવિવેક જ નથી. એમાં ગૌણની ઉપાસના છે અને પ્રધાનની ઉપેક્ષા છે, ગૌણનો પુરસ્કાર છે અને પ્રધાનનો તિરસ્કાર છે, ગૌણ પ્રત્યે પક્ષપાત છે અને પ્રધાન પ્રત્યે પૂર્વગ્રહ છે, ગૌણ પ્રત્યે ઉત્સાહ છે અને પ્રધાન પ્રત્યે ઉદાસીનતા છે. એમાં કવિતાના અર્થનું વિવેચન થયું નથી એટલું જ નહિ, પણ કવિતાના અર્થનું વિવેચન થાય જ નહિ, થવું જ ન જોઈએ એવો દુરાગ્રહ છે. કવિતાના અર્થનું વિવેચન! ઇતિ અબ્રહ્મણ્યમ્! માત્ર કવિતાની આકૃતિનું જ વિવેચન થાય એવા આગ્રહમાં અલબત્ત પિંગળ, વ્યાકરણ, અલંકાર, ભાષાવિજ્ઞાન આદિ પ્રત્યેની નિષ્ઠા છે. પણ કવિતાના અર્થનું વિવેચન થાય જ નહિ’ થવું જ ન જોઈએ એવા દુરાગ્રહમાં સમાજ અને સંસ્કૃતિ. જગત અને જીવન પ્રત્યેનો, મનુષ્ય પ્રત્યેનો દ્રોહ છે. અરે, સ્વયં કવિતા પ્રત્યેનો દ્રોહ છે. કવિતા, અલબત્ત, શબ્દરમત છે. Poetry is an amusement. પણ કવિતા માત્ર શબ્દરમત નથી. કવિતા ઉત્તમ શબ્દરમત છે. Poetry is a superior amusement. એલિયટે સાચું જ કહ્યું છે, ‘The greatness of literature cannot be determined solely by literary standards, through we must remember that whether it is literature or not can be determined only by literary standards’ — સાહિત્યની મહાનતા માત્ર સાહિત્યિક ધોરણોથી જ પામી ન શકાય, જોકે એ સ્મરણમાં રહેવું જોઈએ કે એ સાહિત્ય છે કે નહિ એ માત્ર સાહિત્યિક ધોરણોથી જ માપી શકાય.’ એથી જ કવિતાનાં ધોરણોથી કવિતાનું અને ઇતર ધોરણોથી કવિતાની ઉત્તમતાનું વિવેચન થાય, થવું જ જોઈએ. ટૂંકમાં ધર્મ અને વિજ્ઞાનના સંદર્ભમાં કવિતાનું વિવેચન થવું જોઈએ. મનુષ્યજાતિના ઇતિહાસમાં ક્યારેય ન હતી એવી અર્વાચીન યુગમાં આ વિવેચનની અનિવાર્યતા છે. એથી અવ્યવસ્થા અને અરાજકતાના આપણા યુગમાં તો હવે પછી જોઈશું તે કારણે ધર્મ અને વિજ્ઞાનના સંદર્ભમાં કવિતાનું વિવેચન થવું જ જોઈએ. નહિ તો મહતીવિનષ્ટિ! હવે પછીની પચ્ચીશીમાં ધર્મ અને વિજ્ઞાનના સંદર્ભમાં પાછલી પાંચ સદીની ગુજરાતી ભાષાની કવિતાનું, ગુજરાતમાં સાહિત્યિક પત્રકારત્વનો પ્રચલિત શબ્દપ્રયોગ કરું તો નરસિંહથી નિરંજન લગીની કવિતાનું — સવિશેષ તો છેલ્લી પચ્ચીશીમાં લાભશંકર અને સિતાંશુએ જે મહત્ત્વની કવિતાનું સર્જન કર્યું છે તે કવિતાનું — વિવેચન થવું જોઈએ. મને દ્વિતીય વિચાર રૂપે ‘ધર્મ, વિજ્ઞાન અને લાભશંકર-સિતાંશુની કવિતા’ એ વિષય પર વ્યાખ્યાન આપવાનું સૂઝ્યું હતું. કવિતાના સિક્કાની બે બાજુ છે: અર્થ અને આકૃતિ. સિક્કાની એક બાજુ જોઈ, વિવેચન કર્યું, હવે સિક્કાને ઉલટાવવાનો અને બીજી બાજુ જોવાનો તથા બન્ને બાજુનું વિવેચન કરવાનો સમય પાકી ચૂક્યો છે. મને દ્વિતીય વિચાર રૂપે ‘ધર્મ, વિજ્ઞાન અને કવિતા’ એ વિષય પર વ્યાખ્યાન આપવાનું સૂઝ્યું એનું આત્મલક્ષી કે પરલક્ષી કારણ નહિ પણ એકસાથે આત્મલક્ષી અને પરલક્ષી કારણ હોય. જે એકસાથે સંત, કવિ અને વિજ્ઞાની હોય એવો મનુષ્ય જ આ વિષય પર વ્યાખ્યાન આપી શકે. એ જ જો આદર્શ હોય તો તો એવો તો એક પણ મનુષ્ય આ પૃથ્વી પર ક્યાંય નથી, ક્યારે ય ન હતો અને ભવિષ્યમાં ક્યાંક ક્યારેક હશે તો તે મનુષ્ય આ વિષય પર વ્યાખ્યાન આપશે એવી આશા સાથે મારે આ ક્ષણે જ મૌન ધારણ કરવું જોઈએ. છતાં જે સંત ન હોય, કવિ ન હોય અને વિજ્ઞાની પણ ન હોય એવા મનુષ્યને આ વિષય પર વ્યાખ્યાન આપવાનું શા કારણે સૂઝ્યું હશે? કારણ એ જ કે આ વિષય મનુષ્યમાત્રને શ્વાસની જેમ સ્પર્શે છે. અર્વાચીન યુગમાં સવિશેષ સ્પર્શે છે. અને એથી જ વીસમી સદીની પહેલી પચ્ચીશીને અંતે ૧૯૨૬માં આઈ. એ. રિચર્ડ્ઝનો પ્રસિદ્ધ લઘુગ્રંથ ‘Science and poetry’ પ્રગટ થયો તે વર્ષમાં જેનો જન્મ થયો હોય અને વીસમી સદીની છેલ્લી પચ્ચીશીમાં જેણે આ સંપૂર્ણ. સંવાદી અને સમૃદ્ધ જીવન જીવવાનો અને વધુ તો જીરવવાનો પ્રયત્ન કરવાનો હોય એવા એક અભિજ્ઞ મનુષ્ય તરીકે આજે અહીં આ વિદગ્ધોની સભામાં આ વિષય પર વ્યાખ્યાન આપવાનું — બલકે સ્વલ્પ સહવિચાર કરવાનું સાહસ કરું છું. તમે સૌ ઉદારતાથી એ સહન કરશો એવી આશી સાથે આરંભ કરું છું. સામાન્યતઃ વ્યાખ્યાથી વ્યાખ્યાનનો આરંભ થાય છે. હું ‘ન વ્યાખ્યા’થી વ્યાખ્યાનનો આરંભ કરીશ. હું ધર્મ, વિજ્ઞાન અને કવિતાની વ્યાખ્યા નહિ કરું. ‘ધર્મ, વિજ્ઞાન અને કવિતા’ એ વિષય પર વ્યાખ્યાન કરવાનું સાહસ કરું છું એ ઓછું છે તે વળી ધર્મ, વિજ્ઞાન અને કવિતાની વ્યાખ્યા કરવાનું દુઃસાહસ કરું? વળી વ્યાખ્યા કરીને વ્યાખ્યાનને વધુ અઘરું નહિ કરું — બલકે વધુ સહેલું નહિ કરું. કારણ કે શબ્દકોશમાં વ્યાખ્યાની વ્યાખ્યા છે મર્યાદા. હું વ્યાખ્યાની મર્યાદા નહિ સ્વીકારું. કારણ કે હું વિવિધ સંદર્ભમાં ધર્મ, વિજ્ઞાન અને કવિતાના વિવિધ અર્થ કરવાની મુક્તિ માગું છું. વ્યાખ્યાની મર્યાદા દ્વારા નહિ પણ વ્યાખ્યામાંથી મુક્તિ દ્વારા હું વ્યાખ્યાનને વધુ સહેલું કરવાનું પસંદ કરું — બલકે વધુ અઘરું કરવાનું પસંદ કરું. વળી જેની પર અનેક વ્યાખ્યાઓનો આધાર છે એની વ્યાખ્યા શક્ય નથી. અને શક્ય હોય તો પણ એ સર્વસ્વીકાર્ય અને સર્વસ્વીકૃત નહિ હોય. અને જો આ કાળે સર્વસ્વીકાર્ય અને સર્વસ્વીકૃત હશે તો અન્ય કાળે સર્વસ્વીકાર્ય અને સર્વસ્વીકૃત નહિ હોય. વળી ધર્મ, વિજ્ઞાન અને કવિતાની અનેક શાખા-પ્રશાખાઓ છે અને એ સૌ સતત ગતિશીલ અને પરિવર્તનશીલ છે. એથી એમની વ્યાખ્યા કરવાનું વિષમ અને વ્યર્થ છે. ટૂંકમાં હું ધર્મ, વિજ્ઞાન અને કવિતા વિશે પાતળી ભાષામાં જાડી વ્યાખ્યા નહિ કરું પણ જાડી ભાષામાં પાતળો વિચાર કરીશ. આદિકાળથી આ પૃથ્વી પર મનુષ્યે મનુષ્ય તરીકે જીવવા માટે અને ટકવા માટે અનેક મહાન પુરુષાર્થો કર્યા છે, કરે છે અને હજી વધુ પુરુષાર્થો કરશે. પણ એ સૌમાં ધર્મ, વિજ્ઞાન અને કવિતા એ મનુષ્યના સૌથી વધુ મહાન પુરુષાર્થો છે અને સદાય હશે. આ ત્રણે વિના મનુષ્ય મનુષ્ય તરીકે જીવી શકે નહિ, ટકી શકે નહિ. ધર્મ, વિજ્ઞાન અને કવિતામાં સાધ્ય રૂપે ગૌણ કે પ્રધાનપણે ઈશ્વર, વિશ્વ અને મનુષ્ય છે. ધર્મમાં પ્રધાનપણે ઈશ્વર અને ગૌણપણે વિશ્વ અને મનુષ્ય સાધ્ય છે, વિજ્ઞાનમાં પ્રધાનપણે વિશ્વ અને ગૌણપણે મનુષ્ય અને ઈશ્વર સાધ્ય છે, કવિતામાં પ્રધાનપણે મનુષ્ય અને ગૌણપણે વિશ્વ અને ઈશ્વર સાધ્ય છે. ધર્મ, વિજ્ઞાન અને કવિતામાં સાધન રૂપે ગૌણ કે પ્રધાનપણે અંતઃસ્ફુરણા બુદ્ધિ અને કલ્પના છે. ધર્મમાં પ્રધાનપણે અંતઃસ્ફુરણા અને ગૌણપણે કલ્પના અને બુદ્ધિ સાધન છે, વિજ્ઞાનમાં પ્રધાનપણે બુદ્ધિ અને ગૌણપણે કલ્પના અને અંતઃસ્ફુરણા સાધન છે, કવિતામાં પ્રધાનપણે કલ્પના અને ગૌણપણે અંતઃસ્ફુરણા અને બુદ્ધિ સાધન છે. એથી ધર્મની ભાષા મંત્રભાષા (Word, Logos) છે, વિજ્ઞાનની ભાષા સંજ્ઞા આવા (Letters) છે, કવિતાની ભાષા પ્રતીકભાષા (words as images) છે. ધર્મ, વિજ્ઞાન અને કવિતા ગૌણ કે પ્રધાનપણે આત્મલક્ષી કે પરલક્ષી છે. ધર્મ પ્રધાનપણે આત્મલક્ષી અને ગૌણપણે પરલક્ષી છે, વિજ્ઞાન પ્રધાનપણે પરલક્ષી અને ગૌણપણે આત્મલક્ષી છે, કવિતા પ્રધાનપણે આત્મલક્ષી અને ગૌણપણે પરલક્ષી છે, ક્યારેક પ્રધાનપણે પરલક્ષી અને ગૌણપણે આત્મલક્ષી છે તો ક્યારેક એકસાથે એકસમાન આત્મલક્ષી અને પરલક્ષી છે. ધર્મ, વિજ્ઞાન અને કવિતા — પ્રત્યેક સ્વતંત્ર અને સ્વાયત્ત છે, સ્વાશ્રયી અને સ્વાવલંબી છે, છતાં ક્યારેક ત્રણે પરસ્પરાશ્રયી અને પરસ્પરાવલંબી છે. ત્રણે મનુષ્યની પ્રવૃતિઓ છે, પ્રત્યેકમાં મનુષ્ય સમગ્ર મનુષ્ય તરીકે પ્રવૃત્ત છે. એથી ત્રણેની પૂર્વોક્ત પરિસ્થિતિ છે. વળી એથી જ ત્રણેનો પરસ્પર સંબંધ છે. અને પરસ્પર સંવાદી સંબંધ છે. પણ કોઈ કોઈ સમયમાં કોઈ કોઈ સ્થળમાં પ્રત્યેકની પોતાને વિશેની અને/અથવા અન્ય વિશેની અણસમજ અને ગેરસમજને કારણે પરસ્પર વિસંવાદી સંબંધ થયો છે અને ત્યારે ત્યાં સમગ્ર મનુષ્યજાતિ માટે એનું દુષ્ટ અને દુર્ભાગી પરિણામ આવ્યું છે. હમણાં જ કહ્યું તેમ ધર્મ, વિજ્ઞાન અને કવિતા — ત્રણે સ્વતંત્ર છે. એકમેકના વિકલ્પરૂપ કે એકમેકની અવેજીરૂપ નથી. પણ કોઈ કોઈ સમયમાં કોઈ કોઈ સ્થળમાં પ્રત્યેકની પોતાને વિશેની અને/અથવા અન્ય વિશેની અણસમજ અને ગેરસમજને કારણે એકનો અન્યના વિકલ્પ રૂપે, અન્યની અવેજી રૂપે વિચાર થયો છે અને ત્યારે ત્યાં પણ સમગ્ર મનુષ્ય જાતિ માટે ગૂંચવણ અને મૂંઝવણભર્યું પરિણામ આવ્યું છે. ધર્મ, વિજ્ઞાન અને કવિતા — ત્રણેનો પ્રાચીન યુગથી અને સવિશેષ પુનરુત્થાન યુગથી પરસ્પર પર પ્રબળ પ્રભાવ અને પ્રત્યાઘાત છે. ત્રણેના વિકાસ માટે અને ઈશ્વર, વિશ્વ અને મનુષ્યની સમજના વિકાસ માટે તથા એમના સંબંધની સમજના વિકાસ માટે કદાચને આ પ્રભાવ અને પ્રત્યાઘાત ઇષ્ટ, આવશ્યક અને અનિવાર્ય છે. ત્રણે ઈશ્વર, વિશ્વ અને મનુષ્યની સમજ માટે અને એમના સંબંધની સમજ માટે અનિવાર્ય છે. એથી ત્રણે વચ્ચેના સંબંધની, સંવાદી અને વિસંવાદી સંબંધની, સરળ અને સંકુલ સંબંધની સમજ પણ અનિવાર્ય છે. એક ગ્રંથમાળા રચી શકાય એટલી આજ લગીમાં પ્રત્યેકની અને ત્રણેના સંબંધનો ઇતિહાસ સર્જાયો છે, એક વ્યાખ્યાનમાળા યોજી શકાય એટલું આજ લગીમાં પ્રત્યેકનું અને ત્રણેના સંબંધનું વિવેચન-વિશ્લેષણ થયું છે. આ વ્યાખ્યાનમાં ધર્મ એટલે મનુષ્યને જે ધારણ કરે છે તે તત્ત્વ અભિપ્રેત છે, સંસ્થાકીય ધર્મ કે ધર્મો, સાંપ્રદાયિક ધર્મ કે ધર્મો, ધાર્મિક સંસ્થા કે સંસ્થાઓ, ધાર્મિક સંપ્રદાય કે સંપ્રદાયો અભિપ્રેત નથી એટલી ચેતવણી પણ આરંભે જ ઉચ્ચારું. ધર્મ એ મનુષ્યની આદિ પ્રવૃત્તિ છે. આદિકાળમાં મનુષ્યે વિશ્વમાં અને પ્રકૃતિમાં માનવભાવો અને વૃત્તિઓનું. દૈવી શક્તિઓનું, આત્માઓનું આરોપણ કર્યું હતું, આત્મારોપણ કર્યું હતું. એને આત્મારોપણવાદ (animism, anthropomorphism)નું એવું વિશિષ્ટ વિશ્વદર્શન હતું. એમાં વિશ્વ એ ઈશ્વરકેન્દ્રી વિશ્વ હતું અને પ્રકૃતિ એ આત્મારોપણને કારણે ચૈતન્યસ્વરૂપ પ્રકૃતિ હતી. ઈશ્વર અને પ્રકૃતિ સાથે સંવાદ એ મનુષ્ય- જીવનની ચરિતાર્થતા હતી. આ વિશ્વદર્શનમાં ધર્મ અને કવિતાનો આરંભ થયો હતો. એથી ધર્મ અને કવિતાનો સંવાદી સંબંધ હતો. ધર્મની અંતર્ગત કવિતાનું સર્જન થયું હતું. વેદ, ગ્રીક, પુરાકલ્પનો અને ગ્રીક નાટકો એનું ઉદાહરણ છે. કદાચ ત્યારે ફિલસૂફી અને કવિતાનો વિસંવાદી સંબંધ હતો. એનો પ્લેટોએ ‘ફિલસૂફી અને કવિતા વચ્ચેનો પ્રાચીન કલહ’ એવો ઉલ્લેખ કર્યો છે. પ્લેટો જેવા પ્રાચીનો માટે પણ આ કલહ પ્રાચીન હતો. એટલો એ પ્રાચીનતર હતો. સ્વયં પ્લેટોએ ફિલસૂફીના સંદર્ભમાં કવિતા અસત્ય છે અને ધર્મના સંદર્ભમાં કવિતા અનીતિ છે એવો કવિતા પ્રત્યે દ્વિવિધ આક્ષેપ કર્યો હતો. એમાં ધર્મ અને કવિતાનો પ્રથમવાર વિસંવાદી સંબંધ હતો. પછી ખ્રિસ્તી ધર્મનો, સાંપ્રદાયિક ધર્મનો આરંભ થયો ત્યારે ખ્રિસ્તી ધર્મે એક માત્ર વર્જિલની કવિતા સિવાય કોઈ કવિતાનો સ્વીકાર કર્યો ન હતો. વર્જિલની કવિતામાં ખ્રિસ્તી ધર્મનાં એક પ્રેમ સિવાયનાં સૌ ધર્મમૂલ્યોનો મહિમા થયો હતો એથી વર્જિલ સ્વભાવતઃ ખ્રિસ્ત પૂર્વેના ખ્રિસ્તી હતા અને એથી જ ખ્રિસ્તી ધર્મે એમની કવિતાનો સ્વીકાર કર્યો હતો. ખ્રિસ્તીઓએ એમના ધર્મના સંદર્ભમાં કવિતા એ બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિ છે, કવિતા એ પાપ છે એવો કવિતા પ્રત્યે આક્ષેપ કર્યો હતો. આમ, મધ્યયુગ લગી તો ખ્રિસ્તી ધર્મ અને કવિતાનો વિસંવાદી સંબંધ હતો જ. પછી પુનરુત્થાન યુગથી તો, હવે પછી જોઈશું તે કારણે ખ્રિસ્તી ધર્મ અને કવિતાનો વધુ વિસંવાદી સંબંધ છે. છતાં કવિતાએ ધર્મનો, ધર્મશ્રદ્ધાનો, ધર્માનુભવનો અસ્વીકાર કર્યો નથી. એથી એ સંદર્ભમાં ધર્મ અને કવિતાનો સંવાદી સંબંધ છે. બાઇબલ, કુરાન, શિક્ષાપત્રી, રસિકવલ્લભ આદિ જેવા ધર્મગ્રંથો — ધર્મસંપ્રદાયોના ગ્રંથો, સાંપ્રદાયિક ધર્મોના ગ્રંથો આ વ્યાખ્યાનના સંદર્ભમાં અપ્રસ્તુત છે. કારણ કે એમાં કવિતા સાથે, ભવ્ય કવિતા સાથે સામ્ય હોય તો પણ અંતે એ કવિતાના ગ્રંથો નથી, ધર્મના ગ્રંથો છે, ધર્મગ્રંથો છે. તો ધાર્મિક કવિતા, ભક્તિકવિતા — નરસિંહ, મીરાં, હર્બર્ટ, ક્રેશો જેવા ભક્તકવિઓ, સંતકવિઓની કવિતા પણ આ વ્યાખ્યાનમાં અપ્રસ્તુત છે. આ કવિતા મહાન કવિતા હોય તો પણ અંતે એમાં એકમાત્ર ધર્મના અનુભવનો જ સ્વીકાર છે, એમાં જીવનના અન્ય સૌ અનુભવોનો અસ્વીકાર છે. વળી નરસિંહ કે હર્બર્ટ જેવા વિરલ કવિઓની ધાર્મિક કવિતામાં, ભક્તિકવિતામાં જ કવિતાની મહાનતા સિદ્ધ થાય છે. મોટા ભાગની ધાર્મિક કવિતામાં, ભક્તિકવિતામાં નિષ્ફળ કવિતા છે. કારણ કે એમાં એક પ્રકારની પવિત્ર અપ્રમાણિકતા હોય છે. એમાં ધર્મના સંદર્ભમાં શું અનુભવ્યું છે એની કવિતા નહિ પણ શું અનુભવવું છે, શું અનુભવવું જોઈએ એની કવિતા હોય છે. જ્યારે ‘ધ ડિવાઇન કૉમેડી’ અને ‘ભગવદ્ગીતા’ જેવી મહાન ધર્મકવિતામાં ધર્મનો પ્રચાર નહિ પણ ધર્મનું સંવેદન હોય છે. એમાં ધર્મશ્રદ્ધા, ધર્મનો અનુભવ જીવનના અન્ય સૌ અનુભવોના સંદર્ભમાં પ્રગટ થાય છે. કાન્ત-બલવન્તરાયની ધર્મકવિતા જેવી કવિતા આ વ્યાખ્યાનમાં પ્રસ્તુત છે. હવે પછી જોઈશું તેમ ધર્મ અને વિજ્ઞાનના વિસંવાદી સંબંધને કારણે આ કવિતાના સંદર્ભમાં શ્રદ્ધા અને કવિતાનો સંબંધ — આ એક અત્યંત સુકુમાર અને સંકુલ પ્રશ્ન છે. આપણા યુગમાં આઈ.એ. રિચર્ડ્ઝે અને એલિયટે આ પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે. પણ આ ઉત્તર સ્વયં એમને કે અન્ય કોઈને સુખદ કે સંતોષકારક લાગ્યો નથી. કવિતામાં શ્રદ્ધા કે અશ્રદ્ધા હોય ત્યારે કવિતાના પ્રત્યાયનનો પ્રશ્ન થાય. કવિતાના રસાસ્વાદમાં પ્રથમ આસ્વાદ થાય છે, પછી અવબોધ થાય છે અને ત્યાર પછી જ અન્ય પ્રશ્નો થાય છે. જે કવિતામાંથી પ્રથમ આસ્વાદ થાય જ નહિ, જે કવિતાનો કવિતા તરીકે સ્વીકાર થાય જ નહિ તે કવિતા વિશે પછી કોઈ પ્રશ્ન થાય જ નહિ, પછી તો સૌ પ્રશ્નો — અવબોધનો પ્રશ્ન તથા શ્રદ્ધાનો સ્વીકાર અને અસ્વીકાર, ભાવકની શ્રદ્ધા અને અશ્રદ્ધાનું સ્વૈચ્છિક વિસ્મરણ આદિ સૌ પ્રશ્નો અપ્રસ્તુત છે. અને જે કવિતામાંથી પ્રથમ અાસ્વાદ થાય, જે કવિતાનો કવિતા તરીકે સ્વીકાર થાય તે કવિતામાંથી પછી અવબોધ થાય જ અને તો પછી એ કવિતાની શ્રદ્ધાનો સ્વીકાર અને અસ્વીકાર, ભાવકની શ્રદ્ધા અને અશ્રદ્ધાનું સ્વૈચ્છિક વિસ્મરણ આદિ થાય જ. જોકે કવિતામાં શ્રદ્ધા હોય અને ભાવકમાં એથી ભિન્ન શ્રદ્ધા હોય ત્યારે એ કવિતાના આસ્વાદ માટે, એ કવિતાના સ્વીકાર માટે ભાવકની શ્રદ્ધાનું સ્વૈચ્છિક વિસ્મરણ અનિવાર્ય છે. વળી કવિતામાં જે શ્રદ્ધા હોય એનો સ્વીકાર ન થાય તો પણ એ કવિતાનો વિશિષ્ટ આસ્વાદ થાય, એ કવિતાની કવિતા તરીકે વિશિષ્ટ સ્વીકાર થાય. કવિતાના આસ્વાદ માટે, કવિતાના કવિતા તરીકે સ્વીકાર માટે એ કવિતાની શ્રદ્ધાનો સ્વીકાર અનિવાર્ય નથી. જોકે એ કવિતાની શ્રદ્ધાનો પણ સ્વીકાર થાય તો એથી વિશેષ આસ્વાદ થાય. એલિયટે કહ્યું છે, ‘Actually, one probably has more pleasure in poetry when one shares the beliefs of the poet. On the other hand there is a distinct pleasure in enjoying poetry as poetry when one does not share the beliefs.’ કદાચને શ્રદ્ધા અને કવિતાના આ પ્રશ્નનું અંતિમ રહસ્ય એ છે કે કવિતાના આસ્વાદ અને અવબોધમાં જ કવિતા અને કવિતાની શ્રદ્ધાનો સ્વીકાર છે. કારણ કે કૉલરિજે કહ્યું છે, ‘Poetry, in ideal perfection, brings the whole soul into activity.’ અને એલિયટે પણ જાણે કે કૉલરિજના આ વિધાનનું વિવરણ કર્યું હોય તેમ કહ્યું છે, ‘The author of a work of imagination is trying to affect us wholly, as human beings, whether he knows it or not; and we are affected by it, as human beings, whether we intent to be or not.’ ભાવક જ્યારે કવિતાનો આસ્વાદ અને અવબોધ કરે છે, કવિતાનો કવિતા તરીકે સ્વીકાર કરે છે ત્યારે સમગ્ર મનુષ્ય તરીકે કરે છે. માત્ર શ્રદ્ધાવાદી કે માત્ર કવિતાવાદી તરીકે નહિ. કવિતાનો આસ્વાદ અને અવબોધ કવિતાનો કવિતા તરીકે સ્વીકાર એ જ શ્રદ્ધાનો સ્વીકાર. એથી જ ભાવકને સહૃદય કહ્યો છે ને! આમ, શ્રદ્ધાના સ્વીકાર કે અસ્વીકારથી આસ્વાદ અને અવબોધમાં વૃદ્ધિ કે અપવૃદ્ધિ થતી નથી. કવિતામાં આરંભ આસ્વાદ અને અવબોધથી થાય છે, કવિતાની શ્રદ્ધાના સ્વીકાર કે અસ્વીકારથી નહિ, ભાવકની શ્રદ્ધા કે અશ્રદ્ધાના સ્વૈચ્છિક વિસ્મરણથી નહિ. કવિતામાં અંત આ સ્વીકાર કે અસ્વીકાર અને આ વિસ્મરણથી થાય છે. કવિતામાં અંતે આસ્વાદ અને અવબોધનો મહિમા છે, કવિતાની શ્રદ્ધાના સ્વીકાર કે અસ્વીકારનો નહિ, ભાવકની શ્રદ્ધા કે અશ્રદ્ધાના સ્વૈચ્છિક વિસ્મરણનો નહિ. ધર્મનું સંવેદન પ્રગટ કરવું એ જ ધર્મકવિતાનો પરમ અને ચરમ ધર્મ છે. પ્રાચીન યુગમાં વિજ્ઞાન નહિવત્ હતું, વિજ્ઞાનનું સ્વતંત્ર અસ્તિત્વ ન હતું. જોકે પ્રાચીન યુગમાં ગ્રીસમાં યુરાનિયા વિજ્ઞાનની દેવી હતી. છતાં ફિલસૂફી — natural philosophy — ની અંતર્ગત વિજ્ઞાનનું અસ્તિત્વ હતું. પછી ૪થી સદીમાં ખ્રિસ્તી સંત ઑગસ્ટિને યુરોપને આદેશ આપ્યો હતો, ‘Go not out of doors. Return into thyself. In the inner man dwells the truth.’ ‘બહિર્મુખ નહિ, અંતર્મુખ થાઓ. સત્ય તમારા આત્મામાં વસે છે.’ એથી લગભગ હજાર વરસ યુરોપની આંખો બંધ હતી, એણે અંતર્ધ્યાન ધર્યું હતું. પણ પછી ૧૩મી સદીમાં ઑક્સફર્ડના સ્નાતક ફ્રાન્સિસ્કન ફાયર રોજર બૅકને યુરોપને હજાર વરસની ગાઢ નિદ્રામાંથી ઢંઢોળીને કહ્યું હતું, ‘Look at the world!’ — ‘વિશ્વનું નિરીક્ષણ કરો!’ અને ત્યારથી યુરોપની આંખો ખુલ્લી છે અને એની બાહ્યજ્ઞાનની અવિરત અવિશ્રામ શોધ છે. પુનરુત્થાન યુગમાં એની પ્રથમ પરાકાષ્ઠા છે. અને અર્વાચીન યુગમાં એની દ્વિતીય પરાકાષ્ઠા છે. પુનરુત્થાન એ મનુષ્યજાતિના ઇતિહાસમાં સૌથી વધુ મહાન બૌદ્ધિક આંદોલન છે. સૌથી વધુ મહાન ક્રાન્તિકારી આંદોલન છે. એમાં ઈશ્વર, મનુષ્ય અને વિશ્વ વિશેનું એક નવું જ દર્શન છે. એમાં ઈશ્વર નહિ, મનુષ્ય કેન્દ્રમાં છે, મનુષ્યની બુદ્ધિ કેન્દ્રમાં છે. એથી એમાં ઈશ્વરકેન્દ્રી વિશ્વને સ્થાને હવે મનુષ્યકેન્દ્રી વિશ્વ છે. ચૈતન્યસ્વરૂપ પ્રકૃતિને સ્થાને હવે પ્રકૃતિ એ મનુષ્યના ઉપભોગના સાધન રૂપે ભૌતિકસ્વરૂપ પ્રકૃતિ છે. પરિણામે એમાં માનવતાવાદ અને એની સંતતિ જેવા બૌદ્ધિકતાવાદ, ભૌતિકતાવાદ, વિજ્ઞાનવાદ, ધર્મનિરપેક્ષતાવાદ, બિનસાંપ્રદાયિકતાવાદ વગેરે અનેક મનુષ્યકેન્દ્રી વાદો અને વિચારોનું વર્ચસ્ છે. ટૂંકમાં એમાં આઈ. એ. રિચર્ડ્ઝના શબ્દપ્રયોગમાં Magical Viewને સ્થાને Mathematical View, Scientific View અથવા Neutralization of Nature — ઈશ્વરકેન્દ્રી વિશ્વ અને ચૈતન્યસ્વરૂપ પ્રકૃતિના રહસ્યદર્શનને સ્થાને મનુષ્યકેન્દ્રી વિશ્વ અને ભૌતિકસ્વરૂપ પ્રકૃતિનું વૈજ્ઞાનિક દર્શન, ગાણિતિક દર્શન, પ્રકૃતિના તટસ્થીકરણનું દર્શન છે. ગેલિલિયો દેકાર્ત અને ન્યૂટન દ્વારા વિશ્વ વિશેનાં નવાં ગણિતવિજ્ઞાન અને પદાર્થવિજ્ઞાનના અસાધારણ વિકાસને કારણે આ દર્શન અસ્તિત્વમાં આવ્યું હતું. એથી હવે વિજ્ઞાન અને ધર્મનો વિસંવાદી સંબંધ હતો. પછી ૧૯મી સદીમાં ડાર્વિન દ્વારા જીવવિજ્ઞાનને કારણે મનુષ્ય વિશેનું નવું દર્શન — ઉત્ક્રાંતિવાદનું દર્શન અસ્તિત્વમાં આવ્યું હતું. ધર્મની ગ્લાનિ થાય એ માટે વિજ્ઞાનનું સર્જન થયું નથી. ધર્મનો વિનાશ થાય એ માટે વિજ્ઞાનનો સંભવ થયો નથી. વિજ્ઞાન તો વિશ્વને સમજવાનો, વિશ્વનું સત્ય, વિશ્વનું રહસ્ય પામવાનો મનુષ્યનો બુદ્ધિપૂત પુરુષાર્થ છે. એનું સાધન બુદ્ધિ છે. એથી એ તટસ્થ પુરુષાર્થ છે, નિઃસ્વાર્થ અને નિર્દોષ પુરુષાર્થ છે. નિષ્પક્ષ અને નિર્મમ પુરુષાર્થ છે. વિજ્ઞાનને તો કર્મણ્યનો જ અધિકાર છે. ફળનો કદી નહિ. કારણ કે વિજ્ઞાન આજે સત્ય કે સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે અને આવતી કાલે જ જો એને એના મિથ્યાત્વની પ્રતીતિ થાય તો તત્ક્ષણ એનું ઉત્થાપન કરે છે. વિજ્ઞાન સાચ્ચે જ મનુષ્યનો અનાસક્તિયોગ છે. પુનરુત્થાન યુગથી વિજ્ઞાનનું જે વિશ્વદર્શન છે એમાં ખ્રિસ્તી ધર્મસંપ્રદાયના વિશ્વદર્શનનો સંપૂર્ણ વિરોધ હતો. એથી ખ્રિસ્તી ધર્મસંપ્રદાયને જાણે કે પગ નીચેથી પૃથ્વી સરી રહી છે એવો આઘાત થયો હતો. એણે સમતા અને સહિષ્ણુતાથી વિજ્ઞાનનો સામનો કર્યો નહિ. અહમ્, સત્તા, સ્વાર્થ અને સત્યની ઇજારાશાહીને કારણે આ બે સંપૂર્ણ વિરોધી વિશ્વદર્શનનું સહઅસ્તિત્વ સ્વીકાર્યું નહિ. પણ જ્વર અને જડતાથી પ્રત્યાઘાત પ્રગટ કર્યો. પરિણામે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપમાં ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય નહિ પણ સંઘર્ષ થયો એ મનુષ્યજાતિનું એક મોટું દુર્ભાગ્ય છે. એથી હવે ધર્મ અને વિજ્ઞાનનો પૂર્વે કદી ન હતો એવો વિસંવાદી સંબંધ હતો. પરિણામે મનુષ્યજીવનમાં સાંપ્રદાયિક ધર્મના પ્રભાવનો નાશ થયો, સાંપ્રદાયિક ધર્મમાં મનુષ્યની શ્રદ્ધાનો હ્રાસ થયો એથી આજે હવે જીવનનાં અનેક ક્ષેત્રોમાં — અંગત, સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રોમાં અનેક ભિન્ન ભિન્ન બિનસાંપ્રદાયિક ધર્મો અને શ્રદ્ધાઓનું અસ્તિત્વ છે. વળી એ સૌ ધર્મો અને શ્રદ્ધાઓ વચ્ચે પણ તીવ્ર સંઘર્ષ છે. પરિણામે આજે જગતભરમાં જાણે શ્રદ્ધામાંથી જ મનુષ્યની શ્રદ્ધાનો હ્રાસ થયો છે, જાણે શ્રદ્ધાનો જ નાશ થયો છે એવું વાતાવરણ છે. આ સૌ ધર્મો અને શ્રદ્ધાઓનો તથા એમના સંઘર્ષનો કવિતામાં પ્રવેશ થયો છે. એથી પણ શ્રદ્ધા અને કવિતાનો પ્રશ્ન વધુ સંકુલ થયો છે. ખ્રિસ્તી સાંપ્રદાયિક ધર્મ અને વિજ્ઞાનના આ વિસંવાદી સંબંધનો ધર્મ અને કવિતાના સંબંધ પર પ્રબળ પ્રભાવ છે. હવે પછી જો ધર્મ દ્વારા મનુષ્યનો મોક્ષ ન થાય તો પછી મોક્ષનું શું? મેથ્યુ આર્નલ્ડે આ પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે. ‘Poetry is, at bottom, a criticism of life’ — કવિતા, અંતે તો, જીવનનું વિવરણ છે. અને એથી કવિતા એ ધર્મનો વિકલ્પ છે. ધર્મની અવેજી છે. કવિતા દ્વારા મનુષ્યનો મોક્ષ થાય એવો આર્નલ્ડનો ઉત્તર છે, ‘The future of poetry is immense, because in poetry, where it is worthy of its highest destinies, our race, as time goes on, will find an ever surer and surer stay... Our religion has materialized itself in the fact, in the supposed fact, it has attached its emotion to the fact, and now the fact is failing it. But for poetry the idea is everything... More and more mankind will discover that we have to turn to poetry to interpret life for us, to console us, to sustain us. Without poetry, our science will appear incomplete; and most of what now passes with us for religion and philosophy will be replaced by poetry.’ હમણાં જ કહ્યું તેમ પ્રાચીન યુગમાં વિજ્ઞાન નહિવત્ હતું. વિજ્ઞાનનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન હતું. એથી વિજ્ઞાન અને કવિતાનો સંબંધ અસ્તિત્વમાં ન હતો. અલબત્ત, ઈ.પૂ. ૧લી સદીમાં રોમન કવિ લ્યુક્રેટિયુસે ઈ.પૂ. ૩જી સદીના ગ્રીક ફિલસૂફ ઍપિક્યુરસની પદાર્થવિજ્ઞાન પર આધારિત ફિલસૂફીની સહાયથી એક મહાન કાવ્ય ‘વિશ્વદરૂપદર્શન’ (De Rerum Natura) રચ્યું હતું. પણ પુનરુત્થાન યુગથી જેમ ધર્મ પર તેમ કવિતા પર પણ વિજ્ઞાનનો પ્રબળ પ્રભાવ હતો. અને હવે હમણાં જ જેનો ઉલ્લેખ કર્યો તે વિજ્ઞાનનું વિશ્વ વિશેનું ભૌતિકતાવાદનું નવું રહસ્યદર્શન અસ્તિત્વમાં આવ્યું હતું. એથી ૧૭મી-૧૮મી સદીમાં વિજ્ઞાનના — દેકાર્ત અને ન્યૂટનના — આ રહસ્યદર્શનના પ્રભાવથી કવિતામાં વિશ્વ યાંત્રિક છે અને વિશ્વમાં મનુષ્ય આગંતુક છે એવો નવશિષ્ટતાવાદ (Neo-classicism) અસ્તિત્વમાં આવ્યો હતો. એના પ્રતિકારરૂપે ૧૯મી સદીના પૂર્વાર્ધમાં કવિતામાં વિશ્વ ચૈતન્યમય છે તથા વિશ્વ અને મનુષ્ય અભિન્ન છે એવો ચૈતન્યવાદ (Romanticism) અસ્તિત્વમાં આવ્યો હતો. પછી ૧૯મી સદીના મધ્યભાગમાં ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના પ્રભાવથી કવિતામાં વિશ્વ અને મનુષ્ય અભિન્ન છે પણ વિશ્વ અને મનુષ્ય બન્ને યાંત્રિક છે એવો વાસ્તવવાદ (Realism), યથાર્થવાદ (Naturalism) અને વર્ણનવાદ (Parnassianism) અસ્તિત્વમાં આવ્યો હતો. એના પ્રતિકાર રૂપે, ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કવિતામાં વિશ્વ અને મનુષ્ય બન્ને ચૈતન્યમય છે અને બન્ને એવાં તો અભિન્ન છે કે વિશ્વ અને મનુષ્ય એવા બે ભિન્ન ભિન્ન શબ્દોની પણ આવશ્યકતા નથી એવો પ્રતીકવાદ (Symbolism) અસ્તિત્વમાં આવ્યો હતો. આજે હવે ધર્મ અને વિજ્ઞાનના વિસંવાદી સંબંધના સંદર્ભમાં આર્નલ્ડે કવિતા દ્વારા મોક્ષના પ્રશ્નનો જે ઉત્તર આપ્યો હતો એના અનુસંધાનમાં આઈ. એ. રિચર્ડ્ઝે એ ઉત્તરનું અનુમોદન કર્યું છે. અને શ્રદ્ધા અને કવિતાના પ્રશ્નનો કંઈક સુખદ અને સંતોષકારક ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે. ભલે ધર્મ અને કવિતાનો, ધર્મની શ્રદ્ધા અને કવિતાની શ્રદ્ધાનો આધાર ચૈતન્યમય વિશ્વના રહસ્યદર્શનમાં ‘Magical View’માં હોય, અને ભલે વિજ્ઞાનના તટસ્થ વિશ્વ — Neutralization of Nature — ના રહસ્યદર્શનનો આ રહસ્યદર્શન સાથે સંપૂર્ણ વિરોધ હોય એથી ભલે ધર્મ અને વિજ્ઞાનનો વિસંવાદી સંબંધ હોય. પણ એથી એ જ સંદર્ભમાં વિજ્ઞાન અને કવિતાનો સંબંધ સ્થાપવો અનિવાર્ય નથી. કારણ કે કવિતામાં તો કાવ્યકૃતિ હોય છે. અને કવિતામાં વિજ્ઞાનની જેમ બુદ્ધિનું સત્ય અને તર્કની શ્રદ્ધા નથી પણ કલ્પનાનું સત્ય અને ઊર્મિની શ્રદ્ધા છે. એથી કવિતાને ચૈતન્યમય વિશ્વના રહસ્યદર્શનનો આધાર ન હોય તો પણ આગળ જોયું તેમ કલાકૃતિ દ્વારા, કલ્પના અને ઊર્મિ દ્વારા કવિતાનો આસ્વાદ અને અવબોધ થાય તો એ સત્ય અને એ શ્રદ્ધાનો પણ સ્વીકાર થાય છે. અને તો કવિતાની શ્રદ્ધા અને કવિતાનું સત્ય અક્ષુણ્ણ, અને અક્ષુબ્ધ છે. એથી ભલે વિજ્ઞાન અને કવિતાનો સંવાદી સંબંધ ન હોય, પણ વિજ્ઞાન અને કવિતાનો વિસંવાદી સંબંધ પણ નથી. આ સંદર્ભમાં વિજ્ઞાન અને કવિતાનો સંવાદી કે અસંવાદી કોઈ સંબંધ સ્થાપવો અનિવાર્ય નથી. ટૂંકમાં કવિતાના સત્યને, કવિતાની શ્રદ્ધાને ચૈતન્યમય વિશ્વના બાહ્ય રહસ્યદર્શનનો આધાર ન હોય તો પણ એ સત્ય અને એ શ્રદ્ધા કવિતામાં આધારરૂપ સિદ્ધ થાય છે. એ સત્ય અને એ શ્રદ્ધા દ્વારા કવિતા સિદ્ધ થાય છે અને એ કવિતાનો આસ્વાદ અને અવબોધ થાય છે. તો પછી, ટૂંકમાં. કવિતા દ્વારા મનુષ્યનો મોક્ષ થાય. રિચર્ડ્ઝને ભય અને શંકા છે કે ધર્મ, વિજ્ઞાન અને કવિતાના સંબંધ અંગેનો પ્રશ્ન કદાચ હજી વધુ વિકટ અને વિષમ થશે. એના સંદર્ભમાં એમણે આર્નલ્ડના નામોલ્લેખ સાથે કવિતા દ્વારા મોક્ષના પ્રશ્નના આર્નલ્ડના ઉત્તરનું પુનરુચ્ચારણ કર્યું છે, If a conflict which should never have arisen extends much further, a moral chaos such as man has never experienced may be expected. Our protection, as Matthew Arnold insisted, is in poetry. It is capable of saving us.’ એલિયટે આર્નલ્ડ અને રિચર્ડ્ઝના આ વિવેચનના સંબંધમાં વિવાદ કર્યો છે. મનુષ્યને ધર્મની આવશ્યકતા નથી માટે નહિ પણ કવિતાની આવશ્યકતા છે માટે કવિતા એ ધર્મનો માત્ર વિકલ્પ નથી, ધર્મની માત્ર અવેજી નથી. કવિતા એ કવિતા છે અને ધર્મ એ ધર્મ છે. ધર્મ જો ગયો જ હોય તો ધર્મ વિના જીવવું જોઈએ પણ કવિતાને ધર્મની અવેજી ન બનાવવી જોઈએ. તો તો ધર્મ તો ગયો પણ કવિતા પણ જાય. બાવાના બે ય બગડે. પણ બાવાને બેયની આવશ્યકતા છે. આમ, એલિયટે આર્નલ્ડના ધર્મ અને કવિતાના સંબંધ વિશેના વિધાનનો સંપૂર્ણ વિરોધ કર્યો છે. વળી કવિતા એ અંતે જીવનનું વિવરણ છે એવા કવિતા વિશેના આર્નલ્ડના વિધાનનો પણ સંપૂર્ણ વિરોધ કર્યો છે, વિવરણ શબ્દ દુર્ભાગી છે માટે. પણ એલિયટે એમના વિવેચનમાં રિચર્ડ્ઝના કવિતા અને શ્રદ્ધા વિશેના પ્રશ્નના ઉત્તરનું માર્મિક ભાષ્ય રચ્યું છે. એમાં એમણે એમનો મૌલિક ઉત્તર પણ પ્રગટ કર્યો છે. જોકે બન્નેનો ઉત્તર આગળ કહ્યું તેમ સ્વયં એમને અને અન્ય સૌને અસુખદ અને અસંતોષકારક લાગ્યો છે. કવિતા અને શ્રદ્ધાનો પ્રશ્ન જ એટલો સંકુલ છે કે એનો સરળ ઉત્તર શક્ય નથી. વળી એલિયટે કવિતા દ્વારા મનુષ્યનો મોક્ષ થાય એવા આર્નલ્ડ અને રિચર્ડ્ઝના વિધાનનું પરોક્ષ પ્રતિપાદન પણ કર્યું છે; ‘The poetry of a people takes its life from the people’s speech and in turn gives life to it, and represents its highest point of consciousness, its greatest power and its most delicate sensibility.’ કવિનો શબ્દ એટલે સભાનતા, કવિનો શબ્દ એટલે સંવેદના. કવિનો શબ્દ એટલે શક્તિ. મોક્ષદા શક્તિ. ધર્મ અને વિજ્ઞાનના વિસંવાદી સંબંધના યુગમાં કવિનો શબ્દ સાચ્ચે જ મનુષ્યજાતિની સંજીવની છે. અર્વાચીન યુગમાં ભલે ધર્મ અને વિજ્ઞાનનો સંવાદી સંબંધ ન હોય, પણ વિજ્ઞાન અને કવિતાનું સહઅસ્તિત્વ તો છે જ. વિજ્ઞાન ગતિશીલ છે, એથી પરિવર્તનશીલ છે. પદાર્થવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને મનોવિજ્ઞાન દ્વારા અણુમાં અને અવકાશમાં વિશ્વના રહસ્યની, કોષમાં અને ચિત્તમાં ઈશ્વર અને મનુષ્યના રહસ્યની એની અહોરાત, અવિરામ, અવિશ્રાંત શોધ છે. કોઈક યુગમાં એ શોધ દ્વારા જ ધર્મ, વિજ્ઞાન અને કવિતાનો સદાયનો સંપૂર્ણ સંવાદી સંબંધ થશે. અને ત્યારે ધર્મ, વિજ્ઞાન અને કવિતા એ સત્ય, શિવ અને સુન્દરની ત્રિમૂર્તિ રૂપે પ્રગટ થશે. આ વ્યાખ્યાનને અંતે આંખોમાં એ ત્રિમૂર્તિના અણસાર સાથે વિરમું છું. (શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, અમદાવાદના ઉપક્રમે વ્યાખ્યાન. રપ ડિસેમ્બર ૧૯૮૩)

*