સ્વાધ્યાયલોક—૧/નવલકથા વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નવલકથા વિશે

‘નક્ષત્ર’ ટ્રસ્ટ વતી શ્રી શિવરામ કારંથ અને શ્રી અનંતમૂર્તિ તથા આપ સૌ મિત્રો અને આમંત્રિત અતિથિઓનું સ્વાગત કરવામાં આનંદ અને ગૌરવ અનુભવું છું. આપણી વચ્ચે આજે અહીં ભારતના ચાર અગ્રણી નવલકથાકારો ઉપસ્થિત છે. તેઓ આપણી સમક્ષ એમના સર્જન વિશે વક્તવ્ય રજૂ કરશે. એમની ઉપસ્થિતિ આપણને ભારતીય નવલકથા વિશે થોડાક પ્રશ્નો પૂછવા પ્રેરશે અને એમનું વક્તવ્ય એ પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત કરવામાં સહાયરૂપ થશે. એક કલાસ્વરૂપ તરીકે નવલકથાનો ઉદ્ભવ અને વિકાસ પશ્ચિમમાં થયો છે અને તે પણ નિકટના ભૂતકાળમાં પણ આ કલાસ્વરૂપ ત્રણ સૈકા જેટલા ટૂંકા સમયમાં ત્રણ હજારથી યે વધુ વર્ષો લગી જેનું વર્ચસ્ રહ્યું છે એવાં બે પ્રધાન કલાસ્વરૂપો — કવિતા અને નાટક — ને કદમાં અને ગુણવત્તામાં અતિક્રમી ગયું છે. મધ્યમ વર્ગ, ઔદ્યોગિક સમાજ, સામાજિક અને પ્રાકૃતિક વિજ્ઞાનો, કલા-ખાતર-કલાવાદી અને પ્રતીકવાદી આંદોલનો આદિના સંદર્ભમાં પશ્ચિમની નવલકથાનો જે ઉદ્ભવ અને વિકાસ થયો છે તે આપણને સૌને સુપરિચિત છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પશ્ચિમની નવલકથા-સવિશેષ તો અંગ્રેજી નવલકથા — ના પ્રભાવથી ભારતીય નવલકથાનો ઉદ્ભવ થયો છે. પણ અલ્પ સમયમાં જ ભારતીય નવલકથાએ પશ્ચિમની નવલકથાનું સ્તર સિદ્ધ કર્યું છે. ૧૮૮૭માં ગુજરાતીમાં ગોવર્ધનરામે એમની મહાન નવલકથા ‘સરસ્વતીચન્દ્ર’નો પ્રથમ ભાગ રચ્યો હતો. આમ, નવલકથા જેવું એક વિદેશી કલાસ્વરૂપ એક આયાતી કલાસ્વરૂપ એટલું તો આત્મસાત્ થયું હતું કે ૧૮૮૭ લગીના ટૂંકા સમયમાં તો ગુજરાતીમાં એક મહાન નવલકથાનું સર્જન થયું હતું. આશા છે કે ભારતની અન્ય ભાષાઓમાં પણ આવું સર્જન થયું હોય. વારંવાર કેટલાક ભવિષ્યવેત્તાઓ નવલકથાના નાભિશ્વાસની ભવિષ્યવાણી ભાખે છે, કેટલાક પત્રકારો એના મૃત્યુલેખ લખે છે, કેટલાક વિવેચકો એની કરુણપ્રશસ્તિ રચે છે છતાં ભારતીય ભાષાઓમાં એક કલાસ્વરૂપ તરીકે નવલકથાનો વધુ ને વધુ વિકાસ અને વિનિયોગ કરવાનો રહેશે. પશ્ચિમમાં તો ચેતનાના અંતઃસ્ત્રોત (stream of consciousness), આંતર એકોક્તિ (internal monologue) તથા તાજેતરમાં નવ્ય નવલકથા (new novel), પ્રતિ-નવલકથા (anti-novel) અને પરા-નવલકથા (meta-novel) તરીકે નવલકથા સજીવન રહી છે. અનેક નવલકથાઓ ફિલસૂફી, ઇતિહાસ, કે સમાજશાસ્ત્ર જેવી હોવા છતાં નવલકથાને નામે પ્રચલિત-પ્રતિષ્ઠિત છે. તો પણ નવલકથા નવાં નવાં પ્રસ્થાનો કરતી રહી છે અને નવાં નવાં ક્ષેત્રોમાં પ્રવેશ કરતી રહી છે. ભારતીય ભાષાઓની નવલકથાના સંદર્ભમાં ‘એમાં ભારતીય શું છે?’ એ પ્રશ્નનું મોટું મહત્ત્વ છે. અન્ય શબ્દોમાં આ પ્રશ્ન પૂછવો હોય તો ભિન્ન ભિન્ન ભારતીય ભાષાઓની નવલકથામાં ભારતીયતા ક્યાં ક્યાં છે? અથવા તો આ ભાષાઓની નવલકથાને કયું તત્ત્વ આ સૂત્રે સાંધે-બાંધે છે? કારણ કે આપણે માનીએ છીએ કે ભારતમાં અનેક ભાષાઓ છે પણ એ સૌમાં એક જ સાહિત્ય છે — ભારતીય સાહિત્ય. આનો ઉત્તર આ ભાષાઓની આધુનિકતાની નવલકથામાં છે? કદાચ આ ઉત્તર એમાં પ્રાપ્ત ન થાય. કારણ કે જગતની કોઈ પણ ભાષાની આધુનિકતાની નવલકથા એટલી તો નાગરિક (urban) હોય છે, એટલી તો ભદ્રિક (sophisticated) હોય છે કે એ રાષ્ટ્રીયતાને, પ્રાદેશકિતાને ભારતીયતાને અતિક્રમી જાય છે, એ આવી સીમાઓનો, આવી પરિમિતતાનો પરિહાર કરે છે. એ આંતરરાષ્ટ્રીય વર્ગની નવલકથા હોય છે. તો પછી આ ઉત્તર આ ભાષાઓની પ્રદેશરંગી (local-colour) નવલકથામાં પ્રાપ્ત થાય? કદાચ આ ઉત્તર એમાં પણ પ્રાપ્ત ન થાય. કારણ કે કોઈ પણ ભાષાની પ્રદેશરંગી નવલકથા એટલી તો સીમિત અને પરિમિત હોય છે કે એમાં ભારતીયતાનો અભાવ હોય અથવા તો ભારતીયતાની ઉપેક્ષા હોય. પરિણામે એવી શંકા જન્મે કે ભારતીયતા જેવી કોઈ વસ્તુ છે? અને તો એવી શ્રદ્ધા જન્મે કે માત્ર કન્નડ નવલકથા કે ગુજરાતી નવલકથા જ અસ્તિત્વમાં છે. અહીં આ જ મંચ પર બે ભારતીય ભાષાઓના ચાર નવલકથાકારો ઉપસ્થિત છે. મને શ્રદ્ધા છે કે તેઓ ભારતીય નવલકથાકારની ભારતીયતા વિશેની ખોજ શી છે અને ક્યાં છે એનું સૂચન કરશે. હું જાણું છું કે આપ સૌ એમના વક્તવ્ય માટે ઉત્સુક છો, હું પણ કંઈ ઓછો ઉત્સુક નથી. એટલે આપની અને એમની વચ્ચે વધુ સમય ઊભો નહિ રહું અને આચાર્યશ્રી સન્તપ્રસાદ ભટ્ટને આજની સભાનું પ્રમુખસ્થાન લેવા અને સભાનું સંચાલન કરવા વિનંતિ કરું છું. (નક્ષત્ર ટ્રસ્ટ, અમદાવાદના ઉપક્રમે નવલકથા વિશેના પરિસંવાદ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે અંગ્રેજી વક્તવ્યનો અનુવાદ. ૧૯૭૯)

*