સ્વાધ્યાયલોક—૧/વિવેચનના વિવેચનનું વિવેચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેચનના વિવેચનનું વિવેચન

આપણા દેશમાં તપેલીમાં તપેલી અને એમાંય તપેલી હોય છે. ચીનમાં હાથીદાંતની પેટીમાં પેટી અને એમાંય પેટી હોય છે. અમેરિકામાં વિવેચનનું વિવેચન અને એનુંય વિવેચન હોય છે. સાહિત્યિક ત્રૈમાસિકો એ ૨૦મી સદીના અમેરિકન સાહિત્યની એક ઐતિહાસિક ઘટના છે. સાહિત્યનું ઉચ્ચ ધોરણ ધરાવનાર હડસન રિવ્યુ, કેન્યિન રિવ્યુ, પાર્ટિઝન રિવ્યુ, સેવાની રિવ્યુ વગેરે સાહિત્યક ત્રૈમાસિકોનું આયુષ્ય ઠીકઠીક લાંબું અને એમની વાચકસંખ્યા ઠીકઠીક મોટી કહેવાય — ખાસ કરીને લોકશાહીમાં લોકપ્રિય સાહિત્યની બોલબોલા હોય ત્યારે. એક સાહિત્યકૃતિ પ્રગટ થાય, પછી એકાદ સાહિત્યિક ત્રૈમાસિકમાં એનું વિવેચન પ્રગટ થાય, પછી અન્યત્ર એ વિવેચનનું વિવેચન પ્રગટ થાય, પછી મૂળ કે વળી કોઈ ઔર ત્રૈમાસિકમાં એ વિવેચનના વિવેચનનું વિવેચન પ્રગટ થાય; એમ આ વિવેચન એવું તો અનંતકાળ લગી વિકસી શકે કે પરિણામે પેલી સાહિત્યકૃતિનું નામોનિશાન ન રહે. વિવેચનને ખાતર વિવેચન એવો વાદ અસ્તિત્વમાં આવે. વિવેચન એક સ્વાયત્ત, સ્વાશ્રયી, સ્વયંપર્યાપ્ત અને સ્વતઃસિદ્ધ પ્રવૃત્તિ જેને અંગ્રેજીમાં criticism as autotelic activity કહે છે તે બની જાય. આથી જ અમેરિકામાં આધુનિક વિવેચનપદ્ધતિઓના વિવિધ પ્રકારો અને પ્રચારકોનું પરિશીલન કરતું વિવેચન પરનું એક વિવેચનનું પુસ્તક ‘ધ આર્મ્ડ વિઝન” એના લેખકવિવેચકે એક વિવેચકને અર્પણ કર્યું છે. એમાં અપેણને પાને જે વિવેચકને એ અર્પણ થયું એમનું ‘વિવેચકના વિવેચકના વિવેચક’ એવું વર્ણન છે. આ કદાચ કટાક્ષ હશે. નહિ તો આત્મનિરીક્ષણ તો હશે જ. ‘પર્સ્પેક્ટિવ્ઝ’ના એક અંકના તંત્રીલેખને અંતે પ્રસિદ્ધ વિવેચક માલ્કમ કાઉલીએ એવું વિધાન કર્યું છે કે વિવેચન એ વીસમી સદીના અમેરિકન સાહિત્યની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. દક્ષિણના વિવેચક ઓ’કોનરે પ્રથમ વાર જ Age of Criticism એવો શબ્દપ્રયોગ કર્યો એમાં એણે આપણા આખાય યુગનું સાચું નામકરણ કર્યું છે. આપણી યુગ એ વિવેચનનો યુગ છે, કારણ કે આપણો યુગ સભાન યુગ છે. આપણે સૌ સભાન — અતિસભાન બની ગયા છીએ, આપણે સૌ સંસ્કારી — અતિસંસ્કારી બની ગયા છીએ, (આપણી કરુણતાનું પણ એ જ કારણ છે) આપણે સૌ સભાન — અતિસભાન બની ગયા છીએ એ વિશે આપણે સૌ સભાન — અતિસભાન બની ગયા છીએ. યુરોપમાં પાંચસો વર્ષ પૂર્વ ‘રનેસાંસ’ — નવજીવન નામે એક સમૂળી ક્રાંતિ થઈ એની કદાચને આ પરાકાષ્ઠા હોય! આપણે શું કરીએ છીએ એ વિશે આપણે સભાન, આપણે જે કરીએ છીએ તે કેમ કરીએ છીએ એટલે કે શા માટે કરીએ છીએ અને કેવી રીતે કરીએ છીએ એ વિશે આપણે સભાન, વળી આપણે જે કરીએ છીએ અને જે માટે અને જે રીતે કરીએ છીએ એથી અન્ય કોઈ અન્ય હેતુ માટે અન્ય રીતે કેમ નથી કરતા એ વિશે પણ આપણે સભાન. પછી આપણો યુગ વિવેચનનો યુગ હોય એમાં કંઈ નવાઈ? કીટ્સે એના એક પત્રમાં કહ્યું છે કે જેમ વૃક્ષને પાંદડાં ફૂટે તેમ કવિને કવિતા ફૂટે. પણ વૃક્ષને પાંદડાં ફૂટે એમાં ધરતીના રસોએ, વસંતના વાયુએ, સૂર્યનાં કિરણોએ શો કીમિયો કર્યો એ તો કેમ કહેવાય? ના, પણ આપણે કહેવું છે. ફ્રોઈડ-એડલર-યુંગના આ આપણા યુગમાં સર્જકકૃતિ (creative work) વિશે તો આપણે જાણવું જ છે પણ સર્જકવૃત્તિ (creative impulse) વિશે પણ આપણે એટલું જ જાણવું છે. સર્જકકૃતિ વિશે તો કંઈ જાણી પણ શકાય પણ સર્જકવૃત્તિ વિશે આપણે કશુંય ન જાણી શકીએ એ જાણવા છતાં આપણે એ વિશે જાણવું છે. તો પછી કોઈ કહેશે કે વિવેચન જ વ્યર્થ છે. કરવું જ નહિ. પણ સર્જકકૃતિની રચના પૂર્વે સ્વયં સર્જક જ વિવેચન કરે છે. એ અપેક્ષા અને ઉપેક્ષા કરે છે. આદર અને અનાદર કરે છે. સ્વીકાર અને અસ્વીકાર કરે છે. પસંદગી કરે છે. પરિણામે સર્જક કૃતિ રચે છે. સર્જક કૃતિ એ કોઈ આકાશમાંથી અચાનક અવતરતી કે પરાત્યર પ્રદેશમાંથી આપોઆપ સરતી માયાવી કે જાદુઈ ચીજ નથી પણ માનવબુદ્ધિની સભાન સરજત છે. એથી પ્રત્યેક સર્જક વિવેચક છે. જોકે એથી ઊલટું સાચું નથી. કોઈ કહેશે પ્રત્યેક સર્જકકૃતિ વિશેના એકેએક પ્રશ્ન — પૂછાયેલા અને વણપૂછાયેલા એકેએક પ્રશ્નનો ઉત્તર એ સર્જકકૃતિમાંથી ઉપલબ્ધ હોય છે અને એથી જ સ્તો કદાચને સૉફૉક્લિસ, શેક્‌સ્પિયર કે કાલિદાસ જેવા સર્જકોએ વિવેચન વિશે પરવા જ નથી કરી પણ છતાંય આ અને આવા સર્જકોની સર્જકકૃતિઓ પર અસંખ્ય વિવેચનગ્રંથો આપણે રચ્યા છે, રચીએ છીએ અને સદાય રચીશું. આ અને આવા સર્જકોએ વિવેચનગ્રંથો રચ્યા હોત તો પણ આપણે આપણા સ્વતંત્ર વિવેચનગ્રંથો રચવા પડત કારણ કે સ્વયં સર્જક પણ પોતાની સર્જકકૃતિ વિશે અંતિમ પ્રમાણ નથી. વિવેચક કે વાચકને સર્જકથી જુદો જ અર્થ એની સર્જકકૃતિઓમાં જોવાનો અધિકાર છે, અલબત્ત, જો એ જુદો અર્થ પ્રતીતિજનક હોય તો! વનસ્પતિશાસ્ત્રનું પુસ્તક જ વાંચીએ અને ફૂલ કદી સૂંઘીએ જ નહિ એ જેમ વિચિત્ર છે (કેમકે પુસ્તક વાંચીને ફૂલના રહસ્યદર્શનનો આનંદ અવશ્ય થાય પણ પછી એ પુસ્તકને માત્ર સૂંઘવાથી કશો જ આનંદ ન થાય, એ આનંદ અર્થે તો ફૂલ જ સૂંઘવું પડે.) તેમ ફૂલ જ સૂંઘીએ અને પછી વનસ્પતિશાસ્ત્રનું પુસ્તક વાંચીએ નહિ એ એટલું જ વિચિત્ર છે. (કેમ કે ફૂલ સૂંઘીને એની સુવાસનો આનંદ અવશ્ય થાય પણ પછી એ ફૂલ એનું રહસ્ય કદી એના મુખે કહેશે નહિ, એ રહસ્યદર્શન અર્થે તો વનસ્પતિશાસ્ત્રનું પુસ્તક જ વાંચવું પડે.) આથી જ બે પંક્તિના કપલેટ કાવ્ય પર, કે ત્રણ પંક્તિના હાઈકુ કાવ્ય પર કે ચાર પંક્તિના મુક્તક કાવ્ય પર કે ચૌદ પંક્તિના સૉનેટ કાવ્ય પર બે, ત્રણ, ચાર કે ચૌદ પાનાનું વિવેચન લખવું ને વાંચવું પડે છે. અલબત્ત, એ લખ્યા કે વાંચ્યા પછી અંતે તો કાવ્ય જ વાંચવાનું રહે છે. કવિ ઑડન પરના એક પ્રાસ્તાવિક નિબંધરૂપ પુસ્તકની પ્રસ્તાવનામાં એના કર્તા રિચર્ડ હોગાર્ટે યોગ્ય જ કહ્યું છે : ‘But in the end we discover our literature for ourselves. The reader should go to Auden’s poems not once but several times before and after reading this book. After being thus used it should be discarded. The end is to read poetry, not books about poetry.’ (પણ અંતે તો આપણે જ આપણું સાહિત્ય શોધવાનું હોય છે. વાચકે ઓડનનાં કાવ્યો પાસે જવું, એક વાર નહિ, અનેક વાર, આ પુસ્તક વાંચ્યા પહેલી અને વાંચ્યા પછી. આ પ્રમાણે ઉપયોગ કર્યા પછી આ પુસ્તકને ફગાવવું, કારણ કે અંતે તો વાંચવાનાં છે કાવ્યો, કાવ્યો વિશેનાં પુસ્તકો નહિ.) મુબંઈમાં અમેરિકન સાહિત્ય પર એક સંવિવાદ હતો. એમાં પ્રસિદ્ધ કવિ વિવેચક એલન ટેઈટ મુખ્ય વક્તા હતા. અમેરિકન વિવેચન વિશેના સંવિવાદમાં આપણા કવિ ઉમાશંકર જોશીએ એમના ટૂંકા પ્રાસ્તાવિક પ્રવચનમાં વિવેચન એક સ્વાયત્ત પ્રવૃત્તિ હોવા વિશે ઉલ્લેખ કર્યો એ પછી પોતાના વ્યાખ્યાનમાં ટેઈટે એવું વિધાન કર્યું કે અમેરિકામાં હમણાં હમણાં જ હવે આખરે આ પ્રકારની વિવેચનપ્રવૃત્તિનો અંત આવ્યો છે. એમને પૂછવામાં આવ્યું કે એમ શા ઉપરથી કહી છો? ત્યારે ઉત્તરમાં ટેઈટે કહ્યું, ‘હવે મને મારા વિધાન વિશે સહેજ વહેમ પડે છે. પોતાના પ્રત્યેક વિધાન વિશે પ્રત્યેક મનુષ્યને સહેજ વહેમ પડવો જોઈએ ટૂંકમાં હજીય સાચું છે કે અમેરિકામાં વિવેચનના વિવેચનનું વિવેચન છે. (આપણું સદ્ભાગ્ય છે કે આપણે ત્યાં વિવેચન જ અલ્પ છે. વિવેચનનું વિવેચન તો છે જ નહિ, વિવેચનના વિવેચનનું વિવેચન એવી એવી બલામાંથી બચ્યા.) અને સારું છે કે અમેરિકામાં વિવેચનના વિવેચનનું વિવેચન છે કારણ કે આપણા કદાચને એકમાત્ર સાચા વિવેચકે કહ્યું છે :

કવિતાના જે હંસ નીરક્ષીર વિવેકના,
તેને મામા કંસ કહી શું ગરદન મારવા?

૧૯૫૬-૫૮

*