સ્વાધ્યાયલોક—૧/સાહિત્યમાં લાંબું — ટૂંકું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યમાં લાંબું — ટૂંકું

લાંબું લખો! લાંબું લખો! આમ વારંવાર લેખકોને ટૂંકમાં કહેવામાં આવે છે. એ વિશે આજે સહેજ લાંબો વિચાર કરીએ. કોઈ પણ લેખકને કહી શકાય કે એણે કેટલું, કેવું ને ક્યારે લખવું? ના, કારણ કે ભૂમિતિના નિયમોથી આકૃતિ રચી શકાય, કલાકૃતિ નહિ. રસાયણની કારિકાઓથી સંયોજનો થાય, સાહિત્ય નહિ. કોઈ પ્રોગ્રામ, પ્લેન, સ્કીમ, સ્ટ્રેટેજી વગેરે પ્રમાણે, કોઈ વટહુકમ આદેશ, ઢંઢેરો, કાયદો, કાનૂન વગેરે અનુસાર સાહિત્યકાર સાહિત્યનું સર્જન કરતો નથી. કહ્યું કરે તે શાનો કવિ? એટલે લેખક માત્ર અંતે તો એની આંતરસૂઝ, આંતરપ્રેરણા, આંતરિક સર્જકતાને આધારે જ લખે છે. પછી એ લાંબું હોય કે ટૂંકું અને છતાં એને કહેવામાં આવે છે, ‘લાંબુ લખો! લાંબું લખો!’ કેમ જાણે કે લખાણ લાંબું હોય તો સહિત્ય ને ટૂંકું હોય તો નહિ. માણસને વિશે આપણને સૂઝતું નથી કે લાંબું હોય તો માણસ અને ટૂંકું હોય તો નહિ. અમેરિકન. કવિવિવેચક એજગર એલન પોએ તો લાંબા કાવ્યના અસ્તિત્વનો જ અસ્વીકાર કર્યો હતો. લાંબા કાવ્યને એણે નર્યો વિરોધાભાસ કહ્યો હતો (‘a long poem does not exist...a long poem is simply a flat contradiction in terms’) એક લાંબું કાવ્ય વાસ્તવમાં તો અનેક ટૂંકાં કાવ્યનો સરવાળો છે. અથવા તો લાંબું કાવ્ય એક રણ જેવું છે જેમાં વચમાં વચમાં કાવ્યત્વના રણદ્વીપો આવ્યા કરે છે. કદાચ તર્કપૂર્વક પુરવાર પણ કરી શકાય કે લાંબું હોય તે કાવ્ય નહિ ને કાવ્ય હોય તે લાંબું નહિ. વળી સાહિત્ય એ કદ-વજનને આધારે નહિ પણ અસરકારકતાને આધારે માપી શકાય — પામી શકાય એવો પદાર્થ છે. ભૂતકાળમાં કદાચ લાંબું કાવ્ય પ્રચલિત હશે. પોની દૃષ્ટિએ હવે પછી લાંબું કાવ્ય કદી પ્રચલિત ન થાય. ૮મી સદીના જપાનમાં ટાન્કા નામનો એક કાવ્યપ્રકાર પ્રચલિત હતો. પંક્તિ પાંચ અને શ્રુતિ એકત્રીસ (૫-૭-૫-૭-૭). ૧૩મી સદીથી આ પાંચ પંક્તિનો કાવ્યપ્રકાર પણ કંઈક લાંબો લાગ્યો એટલે એમાંથી છેલ્લી બે પંક્તિઓ છોડી દીધી અને પરિણામે હાઈકુ નામનો નવો કાવ્યપ્રકાર પ્રચલિત કર્યો. પંક્તિ ત્રણ અને શ્રુતિ સત્તર (૫-૭-૫). તો વળી કીટ્સ જેવા સૌદર્યલુબ્ધ મરમી કવિ એના મિત્ર લી હંટના પ્રશ્ન-‘લાંબા કાવ્ય પાછળ શા માટે પરિશ્રમ કરવો?’-ના ઉત્તરમાં કહે છે ‘છૂટથી ફરી શકાય એવો પ્રદેશ કવિતાપ્રેમીઓને પસંદ નથી?’ — જેમાં તેઓ ચાહે તે ચૂંટે અને અસંખ્ય પ્રતીકો હોય એમાંથી કેટલાંકને વીસરે અને પછી બીજા વાચને તદ્દન તાજાં હોય એમ અનુભવે અને ગ્રીષ્મમાં હરતાંફરતાં એકાદ અઠવાડિયા લગી વાગોળે...લાંબું કાવ્ય એ સર્જકતા(invention)ની કસોટી છે અને એ કાવ્યનૌકાનો ધ્રુવતારો છે, જેમ તરંગ (fancy) એ સઢ છે અને કલ્પના (imagination) એ સુકાન છે. આપણા મહાન કવિઓએ માત્ર લઘુકાવ્યો જ કર્યા હતાં?’ કીટ્સે પોતે પણ લાંબાં કાવ્યોના બેપાંચ નમૂના રજૂ કર્યા છે. સાહિત્યમાં લંબાણ એ કોઈ સિદ્ધિ નથી. નિરપેક્ષ લંબાણ, કેવળ લંબાણ, લંબાણને ખાતર લંબાણ એ કોઈ ગુણ નથી. સર્ગશક્તિ ન હોય, સતત એક કલાએ ઉડ્ડયનની શક્તિ ન હોય, કલ્પન, પ્રેરણા, સર્જકતા વ. પ્રથમ ક્ષણ પછી દીર્ધ સમયની સાધનામાં એવાં ને એવાં ન હોય તો ન્હાનાલાલ જેવા કવિમાં લંબાણ એ કોઈ સિદ્ધિ નથી એમ જોવા મળે છે. લાંબી કૃતિઓ નહીં પણ ‘ન્હાના ન્હાના રાસ’, ‘કેટલાંક કાવ્યો’ અને ‘ચિત્રદર્શનો’ જેવી ટૂંકી રચનાઓમાં જ કવિ તરીકે એમની સાચી સિદ્ધિ છે. સાહિત્યમાં લાઘવ એ કોઈ મર્યાદા નથી. મિલ્ટનના જે કવિત્વનો પરિચય બાર ગ્રંથના ‘પૅરેડાઇઝ લૉસ્ટમાં થાય છે તે જ કવિત્વનો પરિચય માત્ર ચૌદ પંક્તિના ‘ઓન હીઝ બ્લાઇન્ડનેસ’માં થાય છે. ટેનીસનમાં જે સર્જકતાનો પરચો ૧૩૦ ખંડના ‘ઇન મેમોરીઅમ’માં મળે છે તે જ સર્જકતાનો પરચો સોળ પંક્તિના ‘બ્રેક બ્રેક બ્રેક’માં મળે છે. લેન્ડોરના મુક્તક ‘ફીનીસ’માં કે કાન્તના ગીત ‘સાગર અને શશી’માં સમગ્ર જીવનનો સાર સમાય છે. આખા આયુષ્યના અનુભવનો અર્ક પમાય છે. પૅરિસની ભૂગર્ભ ટ્રેનની પ્રતીક્ષા કરતા પ્રવાસીવૃન્દમાં કેટલાક સુન્દર ચહેરાઓનું અંધારાવાસી સ્ટેશનને પડછે ઓચિંતું દર્શન થતાં પાઉન્ડને જે લાગણી થઈ એ પ્રથમ એણે લાંબા કાવ્ય રૂપે વ્યક્ત કરી અને પછી કાપકૂપ કરીને માત્ર બે જ પંક્તિમાં ટૂંકાવ્યું (‘ઇન એ સ્ટેશન ઑફ ધ મેટ્રો’). એટલે તો એણે કહ્યું છે, ‘ઢગલાબંધ લખવા કરતાં આખા જન્મારામાં એકાદું ભાવપ્રતીક આપી જવું એ બહેતર છે.’ સૉફોક્લીસે ‘ઇડિપસ રેક્સ’માં એવું આયોજન કર્યું કે કથાનું પુનરાવર્તન અને એને કારણે કંટાળો નરી નીરસતા અને નિરર્થક લંબાણ ટાળીને વાચકો ઉપર એવો ભારે ઉપકાર કર્યો કે (પુનરાવર્તન એટલે કંટાળો અને કળામાં કંટાળો, એટલે એક માત્ર બીભત્સતા) આ લાઘવ પર તો જગતભરના વિવેચકો વારી ગયા છે અને ‘ઇડિપસ રેક્સ’ને નાટ્યરચનાની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ ટ્રેજેડી ગણી છે. સાહિત્યમાં એકેએક શબ્દ સોનાનો હોય છે. સોનાના પત્ર સિવાય સાહિત્ય ન કરવું એવો જો નિયમ કર્યો હોત તો પૃથ્વી પર લેખકોની આટલી લંગાર લાગી હોત? સાચો સાહિત્યકાર કંજૂસની જેમ શબ્દ વાપરે છે, એક શબ્દ પણ વેડફતો નથી. એક શબ્દથી પતે એમ હોય તો વાક્ય રચીને વાચકોનો સમય પણ વેડફતો નથી. એલીયટે ૪૩૩ પંક્તિનું ‘ધ વેસ્ટ લેન્ડ’ રચીને પુરવાર કર્યું છે કે મહાકાવ્ય થવા માટે મહાકાય થવું જરૂરી નથી. તો સાહિત્યમાં લંબાણ એ કોઈ મર્યાદા પણ નથી. કૃતિ લાંબી હોય એથી જ સાહિત્ય ઠરતી નથી પણ કૃતિ સાહિત્ય હોવા ઉપરાંત લાંબી હોઈ શકે. લંબાણ — કોઈક કોઈકની દૃષ્ટિએ દોષરૂપ — હોવા છતાં ગોવર્ધનરામનું ‘સરસ્વતીચંદ્ર’ ઊંચામાં ઊંચા પ્રકારનું સાહિત્ય છે. વળી સાહિત્યમાં લાઘવ એ કોઈ સિદ્ધિ પણ નથી. ક્યારેક લાઘવ એ અભિનિવેશ હોય છે. માત્ર અશક્તિનો એકરાર હોય છે. એથી સમગ્રતાના સભર અનુભવને અભાવે વાચકને અસંતોષ અને અતૃપ્તિ જ રહે છે. ક્યારેક કહેવામાં આવે છે કે આ ત્વરિત ગતિનો યુગ લાંબી કૃતિઓને લાયક નથી. એમાં લઘુ કદના સાહિત્યપ્રકારો જ જન્મે ને જીવે. આ ઊર્મિકાવ્યો, ટૂંકી વાર્તા અને એકાંકીનો યુગ છે. એક તો સાહિત્ય વિશે આમ વિચાર જ ન થાય. આ બિનસાહિત્યિક બચાવ છે. યુગ કઈ જાતનો છે એ નહિ પણ સર્જકની આંતરિક જરૂર શી છે એ દૃષ્ટિથી જ, એ દિશામાંથી જ સાહિત્ય ભણી જોવાય. આ વિચાર વજૃદ વિનાનો અને કંઈક વાહિયાત છે એવો પણ ક્યારેક વહેમ આવે છે. કારણ કે આ યુગમાં લાંબી લાંબી નવલકથાઓ અને ત્રિઅંકી નાટકોનું જ વિશેષ સર્જન છે. યુરોપ અમેરિકામાં ત્રણ ભાગની, ચાર ભાગની અને કોઈ કોઈ તો ડઝનબંધી ભાગની નવલકથાઓ તથા જેમાં વિરામ સમયે વચમાં જમવા પણ જવાય એવા ઓ’નીલના ‘આઇસમેન કમેથ’ જેવા નાટકો આ યુગમાં જ લખાયાં છે એ વાત વીસરવા જેવી નથી. પાઉન્ડ એનું સો સર્ગનું આ યુગનું લાંબામાં લાંબું કાવ્ય ‘પીસાન કેન્ટોઝ’ ટૂંક સમયમાં જ રચી રહેશે. પન્નાલાલે ‘માનવીની ભવાઈ’નો બીજો ભાગ લખી નાખ્યો છે. ત્રીજો ન લખે તો જ નવાઈ! લેખક ક્યારેક લાંબું લખવા બેસે છે ને ટૂંકું લખીને ઊભો થાય છે. બલવંતરાયનું ‘એક તોડેલી ડાળ’ કે કૉલરિજનું ‘કુબ્લાખાન’ આમ અપૂર્ણ છે પણ કલાકૃતિનો રસ એમાંથી અનુભવી શકાય છે. તો લેખક ક્યારેક ટૂંકું લખવા બેસે છે ને લાંબું લખવામાંથી ઊંચો જ આવતો નથી. પ્લોટ ટૂંકી વાર્તા કે એકાંકીના હોય અને પરિણામ નવલકથા કે ત્રિઅંકીમાં આવે એવો અનુભવ અનેક લેખકોને થયો છે. આમ, લાંબું લખવું કે ટૂંકું લખવું એ ખુદ લેખકના હાથની વાત નથી. એ તો અવશપણે ક્યારેક અજ્ઞાતપણે, એની આંતરિક સર્જકતાને વશવર્તીને લખે છે. અલબત્ત એ સાચો લેખક હોય તો! જો બનાવટી અને બજારુ લેખક, વાણિયો લેખક હોય તો પોતે તો નવરો ન રહે પણ કાળું બજાર અને પ્રેસ પણ નવરું ન પડે! આમ, એક પંક્તિ છે કે એક હજાર પંક્તિ છે એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે લેખકે લાંબું લખ્યું હોય કે ટૂંકું લખ્યું હોય પણ તાક્યું નિશાન પાડ્યું છે કે નહિ. ‘લાંબું લખો! લાંબું લખો!’ એવા આપણા આગ્રહને — કહો કે દુરાગ્રહને — સહિત્યમાં સ્થાન નથી. લેખકને એની સર્જકતાનો સંતોષ અને એની આયોજનશક્તિને અવકાશ લાંબું લખ્યાથી મળતો હોય તે ભલે! વાચકને કલ્પનાનો પરચો, જીવનની સમગ્રતાનો સભર અનુભવ લાંબાં લખાણોમાં મળતો હોય તે પણ ભલે! પણ લેખકને ‘લાંબું લખો’ એમ તો કેમ કહેવાય? કારણ કે એમ કેવળ કહેવાથી જ એ કદી લાંબું લખવાનો નથી. જો લેખક ટૂંકું પણ જીવતું લખતો હોય તો આમ કહેવું એ નરી ઘેલછા છે. એકાદ પ્રતીક, એકાદ વિચાર, એકાદ ભાવ કૃતિમાં કેન્દ્રસ્થાને સ્થાપીને લેખક વ્યાપક વિશ્વને સૂચવતો હોય અને કૃતિમાં સમગ્રનો અર્થ અભિપ્રેત હોય ત્યારે આમ કહેવું એ કૃતિને ધરાર ન સમજ્યાની નિષ્ફળતાનો ખુલ્લો એકરાર છે. કૃતિનો સામનો કરવામાં વાચકનો પરાજય છે. એનું વિવેચન ભાગેડુવૃત્તિનું વિવેચન (escapist criticism) છે. ‘લાંબું લખો!’ એમ કહેવું માત્ર ફૅશન છે. જો લાંબું લખવાની લેખકની સર્જકતાની આંતરિક જરૂર હશે તો એની ગરજે લાંબું લખશે. લાંબું લખવું એને માટે અનિવાર્ય હશે. લાંબું લખ્યા વિના છૂટકો નથી. ત્યારે એ આપણને વગર કહ્યે અને આપણને વગર પૂછ્યે લાંબું લખશે. જે વિવેચનમાં વારંવાર ‘લાંબું લખો!’ એમ લેખકોને કહેવાતું હોય એ વિવેચન જાણે કે પસ્તી વેચવાની પ્રવૃત્તિ લાગે છે. વિવેચનને, વિવેકપૂર્વકના વિવેચનને તો લેખક માત્ર પાસેથી એક જ અપેક્ષા હોઈ શકે કે લાંબું લખો, ટૂંકું લખો, લખવું હોય તે લખો, પણ સાહિત્ય, જીવવાળું સાહિત્ય લખો. વિવેચનને મમ્‌મમ્‌થી કામ છે, ટપટપથી નહિ! ૧૯૫૬-૫૮

*