સ્વાધ્યાયલોક—૨/અંગ્રેજી સાહિત્યનું આચમન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંગ્રેજી સાહિત્યનું આચમન

અંગ્રેજો એક વાર અહીં હતા એ કદી કોઈથી મિથ્યા થાય એમ નથી. તો વળી અંગ્રેજો અહીં માત્ર સામ્રાજ્યવાદી શાસકો-શોષકો, માલિકો, ગોરા સાહેબો તરીકે જ હતા અને આપણે તો માત્ર એમના શાસિતો-શોષિતો, ગુલામો, કાળા કારકુનો જ હતા એ અસત્યથી પણ વધુ અધમ એવું અર્ધસત્ય છે. કારણ કે અંગ્રેજો અને આપણી વચ્ચે ઘણું બધું આદાનપ્રદાન થયું છે. અંગ્રેજી સાહિત્ય અને સંસ્કૃતિમાંથી કેટલુંક ઉત્તમ આપણે આપણા સાહિત્યમાં અને સંસ્કૃતિમાં — આર્થિક, સામાજિક અને રાજકીય વિચારો અને આચારોમાં આત્મસાત્ કર્યું છે, અને એ હવે હંમેશ માટે ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિની પરંપરાના અંતર્ગત અંશરૂપ, અવિચ્છિન્ન અંગરૂપ બની ગયું છે. એથી સ્તો આપણા સાક્ષરોએ આ યુગનું ‘સમન્વય યુગ’ એવું નામાભિધાન કર્યું છે. ભારતવર્ષની ભૂમિ પર બે મહાન સંસ્કૃતિઓનો સંગમ થયો હતો. એમાં કાળપુરુષનો કોઈ રહસ્યમય સંકેત હતો. આ સંદર્ભમાં આ પુસ્તકનો — એની અનેક મર્યાદાઓ છે છતાં — મોટો મહિમા છે. વળી અંગ્રેજો હવે અહીં નથી. એથી કોઈ પણ પ્રકારની અલ્પતા, હીનતા કે પામરતાની ગ્રંથિ વિના મોકળા મને અંગ્રેજી ભાષા જાણવાનો અને ઉદાર ચિત્તે એક મહાન પ્રજાનું એથીયે વધુ મહાન એવું સાહિત્ય માણવાનો આ સમય છે. પણ ત્યારે જ સ્વ-રાજ્યમાં સત્તા પર જે નેતાઓ છે એમણે એમની અલ્પતા, હીનતા અને પામરતાને કારણે દ્વેષયુક્ત બુદ્ધિથી અને વૈરયુક્ત હૃદયથી અનેક યુક્તિ-પ્રયુક્તિપૂર્વક એની આડે અનેક બાધાઓ રચી છે. આ સંદર્ભમાં આ પુસ્તકનો સવિશેષ મહિમા છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું આ પ્રથમ પુસ્તક છે. એકાદ સૈકા પૂર્વે અંગ્રેજ કવિઓ વિશે એક પુસ્તક ગુજરાતી ભાષામાં રચાયું હતું. પણ એમાં મુખ્યત્વે કેટલાક અંગ્રેજ કવિઓનાં કાવ્યોનો રસાસ્વાદ હતો, અંગ્રેજી સાહિત્યનો કાલક્રમબદ્ધ ઇતિહાસ ન હતો. ભાઈ મધુસૂદન ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપક-લેખક છે. એથી સ્પષ્ટ જ છે કે અંગ્રેજી ભાષા-સાહિત્ય એમનો શૈક્ષણિક-સાહિત્યિક વ્યવસાયનો વિષય નથી, શોખનો વિષય છે, રસનો વિષય છે. એથી એમણે ધન કે યશ અર્થે આ પુસ્તક રચ્યું નથી, માત્ર સાહિત્યપ્રીત્યર્થે જ આ પુસ્તક રચ્યું છે. એથી આ પુસ્તક અહૈતુકી પ્રીતિનું પ્રતીક છે. આ પુસ્તકમાં અંગ્રેજી ભાષા-સાહિત્યના વિદ્યાર્થી કે વિવેચક હોવાનો ભાઈ મધુસૂદનનો દાવો નથી. એમાં એમણે એમની ક્ષતિઓ અને મર્યાદાઓનો નમ્ર અને નિખાલસ એકરાર કર્યો છે, જેનું આ પુસ્તકના શીર્ષકમાં ‘આચમન’ શબ્દમાં પણ સ્પષ્ટ સૂચન છે. આ પુસ્તક ભવિષ્યમાં અન્ય અનેક અધિકારી વિદ્વાનો, વિવેચકો, ઇતિહાસકારો અંગ્રેજી સાહિત્યના પ્રત્યક્ષ વાચનને અંતે અને એ વિશેના મનનચિંતનને અંતે સમાજ-રાજ્ય-ઇતિહાસ-ધર્મ આદિના પરિપ્રેક્ષ્યમાં અનેક પુસ્તકો રચે એ માટે આહ્વાનરૂપ — અને ઉપાલંભરૂપ પણ — નીવડે એવી મને આશા અને શુભેચ્છા છે! અંગ્રેજ પ્રજા એક મહાન પ્રજા છે. એની મહાનતા એણે દૈવયોગે મેળવી નથી, પુરુષાર્થબળે મેળવી છે અને ધીરતા-વીરતાથી કેળવી છે. આ મહાનતાનું રહસ્ય એના સાહિત્યમાં સંપૂર્ણપણે પ્રાપ્ત થાય છે. ઍંગ્લો-સૅક્સન યુગમાં એનું બીજ રોપાયું છે, મધ્યકાલીન યુગમાં એ બીજ દૃઢમૂલ થયું છે. એલિઝાબેથન યુગમાં તો એનું વૃક્ષ પૂર્ણપણે ફૂલ્યુંફાલ્યું છે અને પછીના યુગોમાં એ વૃક્ષ ફળેફૂલે સતત શોભી રહ્યું છે. એલિઝાબેથન યુગ એ અંગ્રેજી સાહિત્યના ઇતિહાસનો સુવર્ણયુગ છે. અંગ્રેજી ભાષામાં કાવ્યના ત્રણે પ્રકારો — નાટ્યાકાવ્ય, મહાકાવ્ય અને ઊર્મિકાવ્ય — માં પ્રત્યેકમાં એક એક મહાન કવિ એમ ત્રણ મહાન કવિઓ — શેક્સ્પિયર, મિલ્ટન અને વર્ડ્ઝવર્થ — સિદ્ધ થયા છે. જગતસાહિત્યના ઇતિહાસમાં અંગ્રેજી સાહિત્યની આ અદ્વિતીયતા છે. આ પુસ્તકની કાલસીમામાં આ સુવર્ણયુગનો અને આ ત્રણમાંથી બે મહાન કવિઓનો સમાસ થયો છે. એ આ પુસ્તકનું અનોખું આકર્ષણ છે. અંતે એક અંગત એકરાર રૂપે કંઈક કાનમાં કહું  આ પુસ્તક વાંચતો હતો ત્યારે સતત થતું હતું કે આવું પુસ્તક મારે લખવાનું હતું. ભાઈ મધુસૂદનની મને ઈર્ષ્યા થાય છે. એમને અભિનંદન! આ પુસ્તકમાં અંગ્રેજી સાહિત્યના ઇતિહાસના આરંભથી મિલ્ટન લગીનો પૂર્વાર્ધ છે. ભાઈ મધુસૂદન મિલ્ટનથી આજ લગીનો ઉત્તરાર્ધ પણ આપણને આપે એવી એમને મારી શુભેચ્છા અને વિનંતી છે! (મધુસૂદન પારેખના ગ્રંથ ‘અંગ્રેજી સાહિત્યનું આચમન’ના ઉપરણા પરનું લખાણ. ૨૫ ડિસેમ્બર ૧૯૭૮)

*