સ્વાધ્યાયલોક—૨/ડબ્લ્યુ. બી. યેટ્સ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ડબ્લ્યુ. બી. યેટ્સ

૧૯૧૨માં આપણે માટે યેટ્સ રવીન્દ્રનાથની અંગ્રેજી ‘ગીતાંજલિ’ના પ્રસ્તાવના-લેખક હતા. ત્યારે અંગ્રેજોને માટે પણ એ માત્ર ‘ઇત્યાદિ’-વર્ગના કવિ હતા. પણ ત્યાર પછી એમણે જે મહાન કવિતાનું સર્જન કર્યું એથી આજે હવે સૌને માટે એ શેક્સ્પિયરના પ્રકારની કવિપ્રતિભાના મોટા ગજાના કવિ છે.

શૈશવ
 

વિલિયમ બટલર યેટ્સનો જન્મ ૧૮૬૫ના જૂનની ૧૩મીએ ડબ્લિનમાં. પૂર્વજોને રાજકારણમાં રસ. પ્રપિતામહ અને પિતામહ ધર્મગુરુઓ. પિતા ચિત્રકાર. એથી રાષ્ટ્રવાદ, રહસ્યવાદ અને સૌંદર્યવાદ એ જાણે કે યેટ્સનો વંશપરંપરાગત વારસો હતો. સ્વતંત્ર મિજાજના પિતા જૉનને પરંપરાગત ધર્મ પ્રત્યે શંકા, રાજકારણ એ મનુષ્યની અધમમાં અધમ પ્રવૃત્તિ એવી એમને પ્રતીતિ એથી રાજકારણ પ્રત્યે તિરસ્કાર, એકમાત્ર કળા પ્રત્યે જ શ્રદ્ધા. માતા સુસાનને જૉનનાં ચિત્રોમાં કે વિલિયમની કવિતામાં કદી રસ ન હતો. માતાપિતાનું લગ્નજીવન દુઃખી અને અસફળ હતું. એમનાં પાંચ સંતાનોમાં યેટ્સ સૌથી મોટા હતા. યેટ્સ ત્રણ વર્ષની વય લગી ડબ્લિનમાં. એમનું મોસાળ સ્લાઇગોમાં. એથી વારંવાર સ્લાઇગોમાં માતામહ વિલિયમ પોલેક્સફેન અને મામા જૉર્જ પાસે રહેવાનું થયું. માતામહ ફ્રીમૅસન, મામા જ્યોતિષી ને સ્લાઇગો કેલ્ટિક પુરાણકથાઓ, શ્રીમંત પરંપરાઓ, પ્રેત અને પરીઓ, સમુદ્ર અને પર્વતો, છાયા અને પ્રકાશનાં સતત પરિવર્તનોનો પ્રદેશ. યેટ્સની આંખો જન્મથી નિર્બળ. એમની સમક્ષ સ્લાઇગોનાં દૃશ્યો નહિ, દર્શનો પ્રગટ થયાં હતાં. યેટ્સના જીવન પર તથા અનેક કાવ્યો-નાટકોનાં પાત્રો અને પ્રદેશો પર આ પાત્રો અને આ પ્રદેશનો સૌથી વિશેષ પ્રભાવ છે. એમના રહસ્યવાદનું રહસ્ય આ પાત્રો અને પ્રદેશ છે. સ્લાઇગો એટલે યેટ્સના શૈશવની સુવર્ણભૂમિ, યેટ્સના સર્જનની પ્રેરણાભૂમિ. એમની અંતિમ ઇચ્છા પ્રમાણે એમની સમાધિ પણ કાઉન્ટી સ્લાઇગોમાં છે. સ્લાઇગોનો પ્રદેશ આજે હવે ‘યેટ્સ કન્ટ્રી’ — યેટ્સ ભૂમિ — તરીકે જ ઓળખાય છે. કોઈ કારણ ન હતું છતાં યેટ્સે નોંધ્યું છે કે શૈશવમાં એ દુઃખી હતા, એકલવાયા હતા. એથી જીવનભર એમનામાં જેટલી નમ્રતા હતી એટલી જ અહંતા હતી.

શિક્ષણ
 

પિતા ચિત્રકળાના અભ્યાસ માટે ૧૮૬૭થી ૧૮૮૦ લગી લંડનમાં અને માતાની માંદગીને કારણે ૧૮૮૦થી ૧૮૮૭ લગી ડબ્લિનમાં વસ્યા હતા તેથી યેટ્સનું શાળાનું શિક્ષણ પ્રથમ લંડનમાં અને પછી ડબ્લિનમાં. ગણિતમાં ઢ, ગ્રીકનો તો કક્કો પણ ઘૂંટ્યો નહિ, લૅટિન-ફ્રેન્ચમાં ભૂલો, અંગ્રેજી જોડણી તો છેવટ લગી કાચી. એથી યુનિવર્સિટીમાં પ્રવેશ શક્ય ન હતો. ચિત્રકાર થવાની ઇચ્છા, એથી ડબ્લિનની ચિત્રશાળામાં ચિત્રકળાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. પિતાએ ઘરમાં અને સ્ટુડિયોમાં કિશોર યેટ્સ સમક્ષ બાયરન-શેક્સ્પિયરનાં કાવ્યો-નાટકોનું પઠન કર્યું એમાં કવિતાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. પરિણામે યેટ્સને આરંભથી મોટેથી બોલીને કવિતા રચવાની ટેવ તથા કાવ્યપ્રકારોમાં પરલક્ષિતાને કારણે પદ્યનાટક શ્રેષ્ઠ અને કવિઓમાં માનવતાને કારણે શેક્સ્પિયર શ્રેષ્ઠ એવી સૂઝસમજ. ૧૮૮૨માં સત્તર વર્ષની વયે ત્રિભેટા પાસેની વાડ વિશે પ્રથમ કાવ્ય રચ્યું. લંડન પ્રત્યે તિરસ્કાર, પણ રજાઓમાં સ્લાઈગો જવાનું થતું. લંડનમાં આઇરિશ પ્રજા પ્રત્યે અને સ્લાઇગોમાં અંગ્રેજ પ્રજા પ્રત્યે તિરસ્કારનું વાતાવરણ. પરિણામે યેટ્સમાં હવે એમના આઇરિશત્વ અંગે તીવ્ર સભાનતા તથા કેલ્ટિક પુરાકલ્પનો અને પુરાણકથાઓ પ્રત્યે તીવ્ર રસ. ૧૮૮૪માં ચિત્રશાળામાં જૉર્જ રસેલ સાથે અને ૧૮૮૫માં ‘કન્ટેમ્પરરી ક્લબ’માં ‘વડીલ મુત્સદ્દી’ અને મહાન રાષ્ટ્રવાદી નેતા જૉન ઓ’લિયરી સાથે પરિચય થયો. રસેલની સાથે કાવ્ય-નાટકો રચવાનો અને રહસ્યવાદનો અભ્યાસ કરવાનો આરંભ કર્યો. ઓ’લિયરીની પ્રેરણાથી રાષ્ટ્રવાદમાં પ્રથમ વાર રસ પ્રગટ થયો. એ જ વર્ષમાં ‘ડબ્લિન યુનિવર્સિટી રિવ્યૂ’માં બે કાવ્યોનું પ્રથમ વાર પ્રકાશન થયું. પરિણામે ૧૮૮૬માં ચિત્રકાર થવાની ઇચ્છાનો ત્યાગ કરવાનું તથા જીવનભર રહસ્યવાદ અને રાષ્ટ્રવાદમાં સક્રિય થવાનું અને કવિતા કરવાનું, ટૂંકમાં કવિ થવાનું ભાગ્યનિર્માણ થયું.

રહસ્યવાદ
 

પિતામહ અને પ્રપિતામહ ધર્મગુરુઓ, પિતાને પરંપરાગત ધર્મ પ્રત્યે શંકા, પણ યેટ્સને માટે કોઈક પ્રકારનો ધર્મ તો અનિવાર્ય હતો જ. એથી કિશોરવયમાં જ રહસ્યવાદ, રાષ્ટ્રવાદ અને સૌંદર્યવાદ એમ ધર્મ — સત્ય — માટેની ત્રિવિધ શોધનો આરંભ થયો. માતામહ, મામા, સ્લાઇગો, કેલ્ટિક પુરાકલ્પનો અને પુરાણકથાઓ, પ્રેત-પરીઓની લોકકથાઓ આદિની પરોક્ષ પ્રેરણા તો હતી જ. હવે ૧૮૮૫માં ડબ્લિનમાં રસેલ આદિ મિત્રોની સહાયથી ‘ડબ્લિન હર્મૅટિક સોસાયટી’ સ્થાપી અને સિનેટના ‘એસોટેરિક બુદ્ધિઝમ’નો તથા થિયૉસૉફી આદિ ભારતીય રહસ્યવાદનો અભ્યાસ કર્યો. પિતા ચિત્રકાર તરીકે ડબ્લિનમાં નિષ્ફળ ગયા હતા એથી ૧૮૮૭માં ફરીથી લંડનમાં વસ્યા. હવે યેટ્સ ૧૮૮૭થી ૧૯૧૮ લગી સતત લંડનમાં વસ્યા. અહીં ૧૮૮૭માં માદામ બ્લૅવેટ્સ્કીનો અને ૧૮૮૮માં મૅકગ્રેગર મેઇથર્સનો પરિચય થયો. એથી યેટ્સે થિયૉસૉફિકલ સોસાયટીમાં સંમોહનના અને ‘ગોલ્ડન ડૉન’ સંસ્થામાં રહસ્યવાદના અનેક પ્રયોગો કર્યા. લંડન વસ્યા પછી થોડાંક વર્ષો વારંવાર સ્લાઇગો જવાનું થયું ત્યારે મામા સાથે રહસ્યવાદના પ્રયોગો કરવાનો તથા એમની નોકરાણી મેરી બૅટલ સાથે એને જે રહસ્યવાદી અનુભવો થયા હતા એ વિશે વાતો કરવાનો નિત્યક્રમ હતો. ૧૮૯૦ની આસપાસ રહસ્યવાદ યેટ્સની કવિતાના કેન્દ્રમાં હતો. જોકે છેવટ લગી એમને રહસ્યવાદ અને એના પ્રયોગોમાં સક્રિય રસ હતો. જીવનભર અનેક પ્રકારના રહસ્યવાદનાં અસંખ્ય પુસ્તકોનો અભ્યાસ પણ કર્યો હતો. એમાંથી એમનાં કાવ્યો-નાટકોમાં વૃક્ષ, પંખી આદિ અનેક પ્રતીકો પ્રાપ્ત થયાં હતાં. અનેક દ્વૈતો વચ્ચે અદ્વૈતનું દર્શન તથા ઇતિહાસ અને સંસ્કૃતિ અંગેનું ચિન્તન એ યેટ્સની સતત શોધ હતી, એ આ અભ્યાસમાં એમનો પુરુષાર્થ હતો. એની પરાકાષ્ઠા છે, જેનું પત્નીની સહાયથી અસંખ્ય નોંધપોથીઓમાં ‘સ્વયંસ્ફુરિત લેખન’ કર્યું અને એ પરથી ૧૮૧૭થી ૧૯૩૭ લગી સતત વીસ વરસ લેખન-પુનર્લેખન કર્યું તે મહાગ્રંથ ‘એ વિઝન’. યેટ્સના શબ્દોમાં ‘એ વિઝન’ એટલે ‘વિશ્વની અરાજકતાની વચ્ચે આત્મરક્ષણ અર્થેનું કર્મ.’ ‘લીડા ઍન્ડ ધ સ્વૉન’, ‘ધ સેકન્ડ કમિંગ’, ‘અમંગ સ્કૂલ ચિલ્ડ્રન’, ‘સેઇલિંગ ટુ બાઇઝેન્ટિયમ’ આદિ યેટ્સનાં મહાન કાવ્યોને ‘એ વિઝન’માં જે દર્શન અને ચિન્તન છે એના સંદર્ભમાં એક વિશેષ અર્થનું, અને કદાચ સૌથી મહાન અર્થનું એક વિશેષ પરિમાણ પ્રાપ્ત થાય છે.

રાષ્ટ્રવાદ
 

કયું રાષ્ટ્ર? કોનું રાષ્ટ્ર? કયો રાષ્ટ્રવાદ? કોનો રાષ્ટ્રવાદ? — આ પ્રશ્નો કોઈ પણ રાષ્ટ્રના — સવિશેષ તો સાત સાત સદીઓથી અંગ્રેજોના શાસનમાં પરાધીન એવા આયર્લૅન્ડના અને એના રાષ્ટ્રવાદના સંદર્ભમાં પ્રસ્તુત છે. રવીન્દ્રનાથ જેવા ઉદાર અને ઉદાત્ત મનુષ્યનો, કલ્પનાશીલ અને સંવેદનશીલ કવિનો રાષ્ટ્રવાદ સેવાલોલુપ અને સત્તાલોલુપ ગાંધીવાદીઓ — અને સ્વયં ગાંધીજી સુધ્ધાં — ના રાષ્ટ્રવાદથી ભિન્ન છે. એ એક મહાન મનુષ્ય અને મહાન કવિનો રાષ્ટ્રવાદ છે. યેટ્સનો રાષ્ટ્રવાદ પણ એક મહાન મનુષ્ય અને એક મહાન કવિનો રાષ્ટ્રવાદ હતો. એમનું આયર્લૅન્ડ એ એમના સ્વપ્ન અને આદર્શનું, એમની કલ્પનાનું આયર્લૅન્ડ હતું, જે એનાં અમીરો અને અકિંચનોમાં, એનાં કુહુલિન અને કૅથલીન જેવાં પ્રાચીન પૌરાણિક પાત્રો તથા યેટ્સનાં અર્વાચીન ઐતિહાસિક મિત્રોમાં મૂર્ત થયું હતું. એમનો રાષ્ટ્રવાદ સ્વપ્ન અને વાસ્તવમાંથી સિદ્ધ થયો હતો અને ગૅલિક-અંગ્રેજી, પ્રૉટેસ્ટન્ટ-કૅથલિક આદિ ભાષા અને ધર્મના વિવાદથી તથા ઇંગ્લૅન્ડ અને અંગ્રેજ પ્રજા પ્રત્યેના દ્વેષથી પર હતો. એમનો અધઝાઝેરો નિવાસ ઇંગ્લૅન્ડમાં, એમનાં અધઝાઝેરાં મિત્રો અંગ્રેજ, એમનાં પત્ની અંગ્રેજ અને સૌથી વિશેષ તો એમની કવિતા ‘રાષ્ટ્રભાષા’ ગૅલિકમાં નહિ, અંગ્રેજીમાં. યેટ્સે નોંધ્યું છે, ‘વૃદ્ધ ફેનિયન નેતા જૉન ઓ’લિયરી પાસેથી મને મારી કવિતાનું વસ્તુ પ્રાપ્ત થયું છે.’ આ વસ્તુ તે અર્વાચીન આયર્લૅન્ડ. ઓ’લિયરીનો પરિચય થયો તે પૂર્વે યેટ્સનું આયર્લૅન્ડ એ પ્રાચીન આયર્લૅન્ડ હતું, હવે પછી એકસાથે પ્રાચીન અને અર્વાચીન આયર્લૅન્ડ એ યેટ્સનું આયર્લૅન્ડ થયું. ઓ’લિયરીનો રાષ્ટ્રવાદ આદર્શપ્રિય મનુષ્યનો રાષ્ટ્રવાદ હતો. એમાં એક મહાન મૂલ્ય હતું, ‘There are things a man must not do to save a nation.’ — રાષ્ટ્રને બચાવવા માટે પણ અમુક વસ્તુઓ તો માણસે ન જ કરવી જોઈએ. આ મૂલ્યમાં યેટ્સના રાષ્ટ્રવાદની પ્રેરણા છે. હવે પછી યેટ્સને આયર્લૅન્ડના બૌદ્ધિક નેતૃત્વની મહેચ્છા હતી. યેટ્સ રહસ્યવાદી હતા, હવે રાષ્ટ્રવાદી થયા. ૧૮૮૫ લગી યેટ્સે ગ્રીસ, સ્પેન અને ભારતની પશ્ચાદ્ભૂમિકા સાથે રહસ્યવાદના વસ્તુવિષય પર કાવ્યો-નાટકો રચ્યાં હતાં. હવે એમણે આયર્લૅન્ડની પશ્ચાદ્ભૂમિકા સાથે રહસ્યવાદના સંદર્ભમાં રાષ્ટ્રવાદના વસ્તુવિષય પર કાવ્યો-નાટકો રચવાનો આરંભ કર્યો. અને તે પણ બૅલડ શૈલીસ્વરૂપમાં. ૧૮૮૬માં એમણે એમનું પ્રથમ આઇરિશ કાવ્ય ‘ધ ટુ ટાઇટન્સ, એ પોલિટિકલ પોએમ’ અને એમનું પ્રથમ સ્લાઇગો કાવ્ય ‘ધ સ્ટોલન ચાઇલ્ડ’ રચ્યું. પછી ૧૮૮૮માં ઓ’લિયરી અને એમના રાષ્ટ્રવાદની પ્રેરણાથી એમનું પ્રથમ મહત્ત્વાકાંક્ષી દીર્ઘ કથાકાવ્ય ‘ધ વૉન્ડરિંગ ઑફ યુશીન’ અને ૧૮૯૧માં મૉડ ગન અને એના રાષ્ટ્રવાદની પ્રેરણાથી એમનું પ્રથમ મહત્ત્વાકાંક્ષી કાવ્યનાટક ‘ધ કાઉન્ટેસ કૅથલીન’ રચ્યું. ૧૮૮૫માં યેટ્સ ઓ’લિયરીની પ્રેરણાથી ડબ્લિનમાં ‘યંગ આયર્લૅન્ડ ક્લબ’માં સભ્ય થયા હતા. પણ ૧૮૮૫થી ૧૮૯૦ની વચ્ચે પાર્નેલના રાજકારણની પરાકાષ્ઠા હતી એથી યેટ્સના રાષ્ટ્રવાદને અવકાશ ન હતો. પણ ૧૮૯૧માં પાર્નેલનું અવસાન થયું. એથી યેટ્સનો રાષ્ટ્રવાદ સક્રિય થયો. ૧૮૯૨માં મૉડને ખાતર એક-બે વાર સભાસરઘસમાં મૉડની સાથે જાણે સ્વપ્નમાં વિહરી રહ્યા હોય એમ સક્રિય થયા. ૧૮૯૬માં મૉડની પ્રેરણાથી ‘આઇરિશ રિપબ્લિકન બ્રધરહૂડ’માં સભ્ય થયા. ૧૮૯૭માં પ્રસિદ્ધ ક્રાન્તિકારી શહીદ વુલ્ફ ટોનની શતાબ્દી પ્રસંગે સ્મારક સમિતિમાં નિયુક્ત થયા. ૧૮૯૯માં એ સક્રિય રાષ્ટ્રવાદમાંથી સંપૂર્ણ નિવૃત્ત થયા. આ અપવાદ સાથે ૧૮૮૫થી ૧૯૧૨, અઢી દાયકા લગી યેટ્સનો રાષ્ટ્રવાદ સાહિત્યમાં સીમિત અને રંગભૂમિમાં કેન્દ્રિત હતો. ૧૮૮૭થી ૧૮૯૪ લગી એમણે અર્વાચીન આયર્લૅન્ડનાં કાવ્યો અને પ્રાચીન આયર્લૅન્ડની કથાઓના ચાર સંચયોનું સંપાદન કર્યું. ૧૮૯૧–૯૨માં રાષ્ટ્રીય સાહિત્યનું પ્રકાશન તથા ગ્રંથાલયો અને પ્રવાસી રંગભૂમિ દ્વારા એના પ્રચાર માટે લંડનમાં ‘આઇરિશ લિટરરી સોસાયટી’ અને ડબ્લિનમાં ‘નૅશનલ લિટરરી સોસાયટી’  —  સાહિત્યિક સંસ્થાઓ સ્થાપી. યેટ્સના રાષ્ટ્રવાદને રહસ્યવાદ અને સૌંદર્યવાદનો સંદર્ભ હતો તથા એમાં રાજકીય પ્રચારને અને રાષ્ટ્રને ખાતર પણ કુકવિતાને સ્થાન ન હતું. એથી પુસ્તક-પસંદગી, પ્રકાશન, પ્રચાર અંગે અંતિમતાવાદી સભ્યો સાથે સંઘર્ષ થયો. ૧૮૯૪માં એ આ સંસ્થાઓમાંથી નિવૃત્ત થયા. ૧૮૯૪–૯૫નાં વર્ષો એમને માટે અનિશ્ચિતતા અને આર્થિક સંઘર્ષનાં વર્ષો હતાં. આજીવિકા માટે એમણે અવારનવાર સંપાદન અને પત્રકારત્વનો વ્યવસાય કર્યો હતો. ૧૮૯૬માં એમણે વિષયાન્તર ન કર્યું, પણ એમની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓનું ડબ્લિનમાંથી લંડનમાં સ્થળાન્તર કર્યું. એમણે હવે લંડનમાં રાષ્ટ્રીય રંગભૂમિની સ્થાપના માટેના પ્રયત્નનો આરંભ કર્યો. યેટ્સના રાષ્ટ્રવાદને રહસ્યવાદ અને સૌંદર્યવાદનો સંદર્ભ હતો અને એમને માટે રાષ્ટ્રીય રંગભૂમિ એ રાજકીય પ્રચારનું નહિ પણ કળા અને સૌંદર્ય દ્વારા પોતાની કલ્પનાનું આયર્લૅન્ડ સિદ્ધ કરવાનું સાધન હતું. એથી રંગભૂમિની સંસ્થાઓમાં પણ એમને પ્રેક્ષકો અને સહસંચાલકો સાથે વારંવાર સંઘર્ષ થયો. ૧૯૧૨માં એ ઍબી થિયેટરમાંથી પણ નિવૃત્ત થયા. આમ, યેટ્સ અંતે પ્રત્યેક પ્રકારના સક્રિય રાષ્ટ્રવાદમાંથી નિવૃત્ત થયા. યેટ્સ પતિત પ્રજા અને લોલુપ નેતાઓની ક્ષુદ્રતા અને પામરતાને કારણે કળા અને સૌંદર્ય દ્વારા આયર્લૅન્ડનું બૌદ્ધિક નેતૃત્વ કરવામાં નિષ્ફળ ગયા હતા. યેટ્સને લગભગ જીવનભર આર્થિક સંઘર્ષનો અનુભવ થયો હતો. છતાં એમણે ૧૯૧૦માં કોઈ પણ પ્રકારના આઇરિશ રાજકારણની પ્રવૃત્તિ કરવાની સ્વતંત્રતા સાથે જ વાર્ષિક દોઢસો પાઉન્ડના પેન્શનનો સ્વીકાર કર્યો હતો. પણ ૧૯૧૫માં નાઇટહૂડના પ્રસ્તાવનો તો અસ્વીકાર જ કર્યો હતો. ૧૯૦૭માં ઓ’લિયરીનું અવસાન થયું. ૧૯૧૩માં ‘સપ્ટેમ્બર ૧૯૧૩’ કાવ્યમાં માત્ર ઓ’લિયરીના અવસાન પર જ નહિ, પણ પોતાની કલ્પનાના આયર્લૅન્ડના અવસાન પર પણ કરુણપ્રશસ્તિ રચી, ‘રોમેન્ટિક આયર્લૅન્ડ મરી પરવાર્યું છે, એ ઓ’લિયરીની સાથે કબરમાં પોઢી ગયું છે.’ ૧૯૧૨થી ૧૯૨૨ના દાયકામાં આયર્લૅન્ડના ઇતિહાસમાં જે કેટલીક દુર્ભાગી ઘટનાઓ હતી એને વિશે યેટ્સે એમનાં કેટલાંક મહાન કાવ્યો રચ્યાં. ૧૯૧૪માં ‘રિસ્પૉન્સિબિલિટીઝ’, ૧૯૧૯માં ‘ધ વાઇલ્ડ સ્વૉન્સ ઍટ કૂલ’ અને ૧૯૨૧માં ‘માઇકેલ રૉબાર્ટીઝ ઍન્ડ ધ ડાન્સર’ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા. ૧૯૧૨–૧૫માં સર હ્યૂ લેઇનના ચિત્રસંગ્રહ અંગે ડબ્લિન મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જે વિવાદ થયો એથી આયર્લૅન્ડમાં પરિપક્વ લોકશાહીની શક્યતામાંથી શ્રદ્ધાનો લોપ થયો. ત્યારે એમણે ‘પોએમ્સ રિટન ઇન ડિસકરેજમેન્ટ’ કાવ્યગુચ્છ રચ્યું. ૧૯૧૬ની ઈસ્ટરમાં ડબ્લિનમાં વિદ્રોહ થયો. એમાં પિયર્સ અને મૉડના પતિ સહિત પંદર આઇરિશ નેતાઓને દેહાન્તની શિક્ષા કરવામાં આવી. આ બલિદાનથી યેટ્સનું હૃદય દ્રવી ઊઠ્યું. આ ઘટના અંગે અનેક શંકા-કુશંકા હતી છતાં ક્ષણેક તો જાણે પોતાની કલ્પનાના આયર્લૅન્ડનો પુનર્જન્મ થયો એવું લાગ્યું. ત્યારે જાણે કે ‘સપ્ટેમ્બર ૧૯૧૩’ કાવ્યના પ્રત્યુત્તર રૂપે એમના એક સર્વશ્રેષ્ઠ કાવ્ય ‘ઈસ્ટર ૧૯૧૬’માં વીરપુરુષોને ભવ્ય અંજલિ અર્પી, ‘બધું બદલાઈ ગયું, બિલકુલ બદલાઈ ગયું; એક ભીષણ સૌંદર્યનો જન્મ થયો છે.’ ૧૯૨૧–૨૨માં આયર્લૅન્ડમાં આંતરવિગ્રહ થયો. વિદ્રોહ અને આંતરવિગ્રહ વચ્ચેનાં વર્ષોમાં ગઈ કાલના અને આજના આયર્લૅન્ડ વિશે, વેર અને હિંસાના યુગમાં કવિના ધર્મ વિશે ‘મેડિટેશન ઇન ટાઇમ ઑફ સિવિલ વૉર’ અને ‘નાઇનટીન હંડ્રેડ નાઇનટીન’ બે કાવ્યગુચ્છો અને કેટલાંક મહાન કાવ્યો રચ્યાં. ૧૯૨૨માં આયર્લૅન્ડને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું. એની પ્રથમ સેનેટમાં ૧૯૨૨થી ૧૯૨૮ દરમ્યાન યેટ્સ સભ્ય તરીકે નિયુક્ત થયા. પછી સ્વાસ્થ્યને કારણે જ નિવૃત્ત થયા. સક્રિય અને વિવાદાસ્પદ સેનેટર તરીકે નિષ્ઠાપૂર્વક રાષ્ટ્રધર્મનું પાલન કર્યું. ૧૯૨૨માં ક્વીન્સ યુનિવર્સિટી, બેલફાસ્ટ અને ટ્રિનિટી કૉલેજ, ડબ્લિન તરફથી માનદ ઉપાધિઓ અર્પણ કરવામાં આવી. ૧૯૨૩માં નોબેલ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો. ૧૯૨૪માં એમણે મુસોલિની અને એના ફાસિઝમ વિશે પ્રશંસાનો અડધો અક્ષર ઉચ્ચાર્યો હતો. ૧૯૩૩–૩૪માં આઇરિશ ફાસિસ્ટ નેતા જનરલ ઓ’ડફીને અલ્પકાળ એમનો કંઈક સહકાર પ્રાપ્ત થયો હતો. ૧૯૩૮માં ‘ઑન ધ બૉઇલર’માં એમણે એનું કારણ નોંધ્યું છે કે ત્યારે એમને રાજકારણમાં અને લોકશાહીમાં અશ્રદ્ધા હતી. એમને માત્ર જાતીયતા અને વ્યક્તિતામાં, વિશિષ્ટ અને વિરલ વ્યક્તિઓમાં જ શ્રદ્ધા હતી. એમને લોકશાહીની બર્બરતા અને પ્રાકૃતતાનું દર્શન થયું હતું. એમને એકેએક પ્રકારનું રાજ્ય રાક્ષસી છે અને એકેએક પ્રકારની સત્તા આસુરી છે એવી પ્રતીતિ હતી. પણ પછી યુરોપમાં જ્યારે ફાસિઝમ અને નાઝીઝમનું સાચું સ્વરૂપ પ્રગટ થયું ત્યારે એને વિશે એ નિરુત્સાહી હતા. આરંભથી જ યેટ્સને શિસ્ત, સૌજન્ય, પરંપરા, વિધિવિધાન આદિ મૂલ્યો પ્રત્યે આગ્રહ હતો. આયુષ્યનાં અંતિમ વર્ષોમાં યેટ્સને આયર્લૅન્ડ વિશે કોઈ ભ્રાંતિ ન હતી. એમણે સ્વરાજ્યનાં દૂષણોનું અને લોકશાહીના નેતાઓનાં દુરિતોનું દર્શન કર્યું હતું. આ આયર્લૅન્ડ એ પોતાની કલ્પનાનું આયર્લૅન્ડ નથી એમ આયર્લૅન્ડ વિશે એ સંપૂર્ણ નિર્ભ્રાન્ત હતા. ‘પ્રેયર ફૉર માય ડૉટર’, ‘બ્યૂટિફુલ લૉફ્ટી થિંગ્ઝ’ આદિ કાવ્યોમાં આયર્લૅન્ડ વિશેનું એમનું કરુણ વાસ્તવદર્શન છે. અન્ય અનેક કાવ્યોમાં આયર્લૅન્ડ વિશે નિર્વેદ અને નિ:સારતા તથા આઇરિશ પ્રજા અને નેતાઓ પ્રત્યે ક્રૂરતા અને કટુતા પ્રગટ થાય છે. છતાં આયર્લૅન્ડ જેટલું યેટ્સનું ઋણી છે એટલા જ યેટ્સ આયર્લૅન્ડના ઋણી છે. તો વળી આ યુગમાં હવે ક્રાઇસ્ટ પછી બે હજાર વર્ષે ઇતિહાસની એક શંકુગતિનો અંત આવે છે એથી આજે સર્વત્ર અવ્યવસ્થા અને અરાજકતા છે એવું એમનું ઇતિહાસદર્શન અને સંસ્કૃતિદર્શન ‘લીડા ઍન્ડ ધ સ્વૉન’, ‘ધ સેકન્ડ કમિંગ’ આદિ એમનાં કેટલાંક સર્વશ્રેષ્ઠ કાવ્યોમાં પ્રગટ થાય છે. મિત્રકવિ ગોગાર્ટીએ યેટ્સના રાષ્ટ્રવાદને ભવ્ય અંજલિ અર્પી છે, ‘યેટ્સ નહિ, તો સ્વતંત્ર આયર્લૅન્ડ નહિ.’ તો અનુજકવિ ઑડને યેટ્સના રાષ્ટ્રવાદની ગહન કરુણતાને હળવે હાથે આલેખી છે, ‘ગંડુ આયર્લૅન્ડે તેમને ઘા સાથે ગાતા કર્યા. એવું ને એવું છે હજુ આયર્લૅન્ડનું ગાંડપણ અને વાતાવરણ. કારણ કે કવિતાથી કંઈ વળતું નથી.’

સૌંદર્યવાદ
 

આરંભથી જ યેટ્સને રહસ્યવાદમાં તીવ્ર રસ. પિતા સૌંદર્યપ્રેમી ચિત્રકાર. એથી એમને સૌંદર્યવાદમાં રસ હોય એ સહજ — બલકે ૧૯મી સદીના અંતભાગમાં તો અનિવાર્ય. ૧૮૮૭થી એ લંડનમાં વસ્યા હતા. એ જ વર્ષમાં એમનું એક કાવ્ય ‘ધ લેઝર અવર’માં ઇંગ્લૅન્ડમાં પ્રથમ વાર પ્રગટ થયું. ૧૮૮૮માં શૉ, વાઇલ્ડ, મૉરિસ, હૅન્લી, ચૅસ્ટરટન આદિનો પરિચય થયો. ૧૮૯૦માં હૅન્લીના ‘ધ નૅશનલ ઑબ્ઝર્વર’માં એમનું જગપ્રસિદ્ધ સ્લાઇગો કાવ્ય ‘ધ લેઇક આઇલ ઑફ ઇનિસ્ફ્રી’ પ્રગટ થયું. હવે યેટ્સ લંડનના બૌદ્ધિક જીવનમાં અને સાહિત્યજગતમાં પ્રતિષ્ઠિત હતા. વાઇલ્ડ દ્વારા એમને કળા ખાતર કળાના સૌંદર્યવાદનો પરિચય થયો. ૧૮૯૧માં અર્નેસ્ટ રાઇસનો પરિચય થયો. હ્રાઇસ તથા ‘અંતિમ દાયકાના કવિઓ’ની સહાયથી એમણે ફ્લીટ સ્ટ્રીટમાં ‘ધ ચેશાયર ચીઝ’ ભોજનગૃહને પહેલે માળે ‘ધ રાઇમર્સ ક્લબ’ સ્થાપી. કવિતામાં શુદ્ધ તર્ક, નીરસ ચિન્તન, વિજ્ઞાન આદિ બૌદ્ધિકતાનો તિરસ્કાર અને લય, રહસ્ય, તીવ્રતા આદિ ઊર્મિકતાનો પુરસ્કાર એ એના સભ્યોનો કાવ્યસિદ્ધાન્ત હતો. પેટરના ગદ્યનો સૌની પર — યેટ્સ પર સવિશેષ — પ્રબળ પ્રભાવ હતો. બૌદ્ધિકતાના પરિમાણને અભાવે આ પ્રયોગ નિષ્ફળ ગયો. એમાં માત્ર યેટ્સ અપવાદરૂપ હતા. કારણ કે એમના સૌંદર્યવાદને રહસ્યવાદ અને રાષ્ટ્રવાદનો સંદર્ભ હતો. ૧૮૯૩માં યેટ્સે બ્લેઇકનાં કાવ્યોનું સંપાદન પ્રગટ કર્યું. ત્યાં લગીમાં એમના ચાર કાવ્યસંગ્રહો — ‘ધ વૉન્ડરિંગ ઑફ યુશીન’ (૧૮૮૭), ‘ક્રૉસવેઝ’ (૧૮૮૯), ‘ધ કાઉન્ટેસ કૅથલીન’ (૧૮૯૨), ‘ધ રોઝ’ (૧૮૯૩) — પ્રગટ થયા હતા. ‘ધ રાઇમર્સ ક્લબ’નો પ્રયોગ નિષ્ફળ ગયો ત્યાં જ ૧૮૯૪માં એમને આર્થર સાયમન્સ અને જૉર્જ મૂરનો પરિચય થયો, સાયમન્સ સાથે પૅરિસનો પ્રવાસ કર્યો અને સાયમન્સના ભલામણપત્ર દ્વારા વૅર્લેન તથા માલાર્મે સાથે એમનું મિલન થયું. હવે સૌંદર્યવાદ દ્વારા પ્રતીકવાદનો પરિચય થયો. ૧૮૯૫માં વોબર્ન બિલ્ડિંગ્ઝમાં સ્વતંત્ર ઘરમાં વસ્યા. ૧૯૧૮ લગી એમનું આ પ્રસિદ્ધ ઘર લંડનમાં તીર્થધામ સમું હતું. આ સમયમાં ‘ધ યલો બુક’ અને ‘ધ સૅવોય’માં સાયમન્સનાં કાવ્યોની સાથે યેટ્સનાં ઉત્તમ ઊર્મિકાવ્યો પ્રગટ થયાં. ૧૮૯૬માં સાયમન્સની સાથે પૅરિસનો પુન: પ્રવાસ કર્યો. ત્યારે સિંગનો પરિચય થયો. આ સમયમાં યેટ્સની કવિતામાં સૌંદર્યવાદ — પ્રતીકવાદ કેન્દ્રમાં હતો. ૧૮૯૯માં ‘ધ વિન્ડ અમંગ ધ રીડ્ઝ’ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. રહસ્યવાદ અને સૌંદર્યવાદના પરિમાણને કારણે યેટ્સના રાષ્ટ્રવાદનું સ્વાર્થ, સંકુચિતતા અને રાજકીય પ્રચારમાં અધ:પતન થયું નથી. તો રાષ્ટ્રવાદના પરિમાણને કારણે એમના રહસ્યવાદનું પોકળતામાં અને એમના સૌંદર્યવાદનું પોચટતામાં અધ:પતન થયું નથી. વળી રાષ્ટ્રવાદના પરિમાણને કારણે જ એમનો સૌંદર્યવાદ-પ્રતીકવાદ એ ફ્રેન્ચ-યુરોપીય સૌંદર્યવાદ-પ્રતીકવાદથી ભિન્ન છે. યેટ્સ આ કે તે વાદી ન હતા. એ ત્રિ-વાદી હતા. એમના પ્રત્યેક વાદને અન્ય બે વાદોનો સંદર્ભ હતો. એથી એમનો પ્રત્યેક વાદ સધ્ધર અને સમૃદ્ધ હતો. એ આ કે તે વાદી તરીકે તે તે પ્રકારના અન્ય વાદીઓથી ભિન્ન હતા.

ઍબી થિયેટર
 

૧૯૮૬માં સાહિત્યિક સંસ્થાઓમાંથી નિવૃત્ત થયા પછી યેટ્સ લંડનમાં વધુ સક્રિય થયા. એમણે રહસ્યવાદ, રાષ્ટ્રવાદ અને સૌંદર્યવાદના સંદર્ભમાં પોતાની કલ્પનાનું આયર્લૅન્ડ સિદ્ધ કરવા લંડનમાં રાષ્ટ્રીય રંગભૂમિ સ્થાપવાના પ્રયત્નનો આરંભ કર્યો. આ પૂર્વે લંડનમાં ૧૮૯૦માં ફ્લૉરેન્સ ફારનો અને ૧૮૯૪માં જૉર્જ મૂરનો અને એડવર્ડ માર્ટિનનો તથા ૧૮૯૬માં કૂલ પાર્કમાં લેડી ગ્રેગરીનો અને પૅરિસમાં સિંગનો પરિચય થયો હતો. આ સૌની સહાયથી લંડનમાં આઇરિશ થિયેટર, લિટલ થિયેટર સ્થાપવાનો સભાન વિચાર કર્યો. પણ લેડી ગ્રેગરીને આયર્લૅન્ડની રાષ્ટ્રીય રંગભૂમિ લંડનમાં ન હોય, ડબ્લિનમાં હોય એ વિચાર સૂઝ્યો. એથી ૧૮૯૯માં ડબ્લિનમાં આ સૌના સહપુરુષાર્થથી ‘આઇરિશ લિટરરી થિયેટર’ સ્થાપવામાં આવ્યું. પ્રથમ વર્ષે ‘ધ કાઉન્ટેસ કૅથલીન’ ભજવ્યું. ત્યારે એનો ધર્મવિરોધી નાટક તરીકે કૅથલિકોએ અને એ સમયે આઇરિશ કલાકારો સુલભ ન હતાં એથી એમાં અંગ્રેજ અભિનેત્રી મુખ્ય ભૂમિકામાં હતી એથી રાષ્ટ્રીયતાવિરોધી નાટક તરીકે રાષ્ટ્રવાદીઓએ વિરોધ કર્યો. અને પોલીસરક્ષણથી નાટક ભજવવાનું થયું. આમ, આરંભથી જ પ્રેક્ષકો અને સંચાલકો વચ્ચે તથા સંચાલકોમાં પણ એકમેક વચ્ચે સંઘર્ષ થયો. આ નાટક અંગેના નાટકમાં યેટ્સ ખલનાયક હતા. ૧૯૦૧માં યેટ્સને રંગભૂમિની મહાન અંગ્રેજ આશ્રયદાત્રી મિસ હૉર્નિમનનો પરિચય થયો. એની આર્થિક સહાયથી હવે ‘આઇરિશ નૅશનલ થિયેટર’ સ્થાપવામાં આવ્યું. ૧૯૦૨માં ‘કૅથલીન નિ હૂલિહન’ ભજવ્યું ત્યારે હવે મૉડ ગન મુખ્ય ભૂમિકામાં હતી. હવે વાસ્તવમાં રાષ્ટ્રીય રંગભૂમિના આંદોલનનો આરંભ થયો. ૧૯૦૪માં ઍબી થિયેટર સ્થાપવામાં આવ્યું. એ આ આંદોલનની પરાકાષ્ઠા હતી. યેટ્સ, સિંગ અને લેડી ગ્રૅગરીએ રાજકારણથી પર અને રાજકીય પ્રચારથી મુક્ત એવાં અનેક નાટકો રચ્યાં અને ભજવ્યાં. ૧૯૦૫માં ‘ધ કાઉન્ટેસ કૅથલીન’ ભજવ્યું ત્યારે પણ મૉડ ગન મુખ્ય ભૂમિકામાં હતી. પણ એણે એ જ વર્ષે એના પતિનો ત્યાગ કર્યો હતો એથી પ્રેક્ષકોએ એનો ઉપહાસ કર્યો. ૧૯૦૭માં સિંગે એમનું પ્રસિદ્ધ નાટક ‘ધ પ્લેબૉય ઑફ ધ વેસ્ટર્ન વર્લ્ડ’ રચ્યું અને ભજવ્યું ત્યારે એમાંના એક શબ્દને કારણે અને મિસ હૉર્નિમનના આઇરિશ રાષ્ટ્રવાદ પ્રત્યેના તિરસ્કારને કારણે પ્રેક્ષકોએ ભારે ગુસ્સામાં ધાંધલ કર્યું. એથી યેટ્સે એની સામે તખ્તા પરથી એથીયે વધુ ગુસ્સામાં અને જુસ્સામાં ભાષણ કર્યું અને પછી ચર્ચા માટે જાહેરસભા યોજી. આ નાટક અંગેના નાટકમાં સિંગ ખલનાયક હતા. ૧૯૦૯માં સિંગનું કૅન્સરથી આડત્રીસ વર્ષની અતિકાચી વયે અવસાન થયું. અને રાષ્ટ્રીય રંગભૂમિનો અડધા દાયકાનો અલ્પકાલીન પણ અનલ્પમૂલ્ય યુગ અસ્ત થયો. ૧૯૧૦માં રાજા સાતમા એડવર્ડનું અવસાન થયું. એ નિમિત્તે ઍબી થિયેટરે શોકની રજાનું પાલન ન કર્યું. એથી મિસ હૉર્નિમને એનો ત્યાગ કર્યો. વળી ઍબી થિયેટર વાસ્તવવાદી થતું જતું હતું. એ યેટ્સનું થિયેટર, કવિનું થિયેટર રહ્યું ન હતું અને ૧૯૦૪થી ૧૯૧૨ લગી આઠ વર્ષોમાં બાર વાર યેટ્સના રહસ્યવાદ અને સૌંદર્યવાદને કારણે ધર્મ અને રાજકારણના સંદર્ભમાં સંઘર્ષ થયો હતો. એથી ૧૯૧૨માં યેટ્સે પણ એમના ઔપચારિક પદનો ત્યાગ કર્યો. જોકે ૧૯૦૮માં પાઉન્ડનો પરિચય થયો હતો. પછી યેટ્સે ૧૯૧૫થી છેવટ લગી પાઉન્ડની પ્રેરણાથી જપાની નો નાટકની અસરમાં અનેક નાટકો રચ્યાં અને ઍબી થિયેટરમાં જ ભજવ્યાં હતાં. યેટ્સ જેટલા મહાન કવિ છે લગભગ એટલા જ મહાન નાટકકાર છે. એમણે કુલ બાવીસ પદ્યનાટકો રચ્યાં છે. ઍબી થિયેટરનો અનુભવ એ યેટ્સના જીવનમાં અને એમની કવિતામાં સૌથી મહત્ત્વનો અનુભવ. એનો યેટ્સે એક કાવ્યમાં ‘રંગભૂમિનો વ્યવસાય, મનુષ્યોની વ્યવસ્થા’ તરીકે ઉલ્લેખ કર્યો છે. સાચે જ રંગભૂમિનો વ્યવસાય એ તખ્તા પર, તખ્તાની આગળ-પાછળ અને આજુબાજુ મનુષ્યોની વ્યવસ્થાનો વિકટ અને વિષમ અનુભવ છે. આ અનુભવ પછી જ યેટ્સે મહાન કવિતાનું સર્જન કર્યું એથી આજ એ શેક્સ્પિયરના પ્રકારની કવિપ્રતિભાના મોટા ગજાના કવિ છે. ઍબી થિયેટરનાં વર્ષો એ યેટ્સના જીવનનાં સૌથી વધુ સક્રિય વર્ષો હતાં. આ વર્ષોમાં એમણે અલ્પસંખ્ય કાવ્યો રચ્યાં. ૧૯૦૪માં ‘ઇન ધ સેવન વુડ્ઝ’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. પછી ૧૯૧૦માં ‘ધ ગ્રીન હૅલ્મૅટ’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. ત્યારથી યેટ્સની કવિતામાં આધુનિકતાનો આરંભ થાય છે. ૧૯૦૮માં એમણે ‘કલેક્ટેડ વર્ક્સ’ — સમગ્ર સાહિત્યનો સંચય આઠ ભાગમાં પ્રગટ કર્યો. અને યેટ્સ ઍબી થિયેટરમાંથી વિદાય થયા. એ સાથે એમના પૂર્વજીવનનો અંત થાય છે. આ સંચય એનું પ્રતીક છે.

મૉડ ગન
 

૧૮૮૯ની વસંતમાં મૉડ ગને ઓ’લિયરીના ભલામણપત્ર સાથે ડબ્લિનમાં યેટ્સના ઘરમાં અને હૃદયમાં એકસાથે પ્રવેશ કર્યો. મૉડ યેટ્સથી વયમાં એક વર્ષ નાની. જન્મ ૧૮૬૬માં ડબ્લિનમાં. અંગ્રેજ માતાપિતાની પુત્રી. અનાથ. લાંબા સમયથી ફ્રાન્સમાં વસી હતી. પરિણીત ફ્રેન્ચ પત્રકારના પ્રેમમાં. પ્રેમી માટે લગ્નવિચ્છેદ શક્ય નહિ એથી લગ્ન અશક્ય. કુંવારી માતા. છ ફૂટ ઊંચી. ટટ્ટાર. આયર્લૅન્ડની સુંદરમાં સુંદર સ્ત્રી. ચતુર પણ બૌદ્ધિક કે કવિતારસિક નહિ. યેટ્સની જેમ રહસ્યવાદ અને રાષ્ટ્રવાદમાં તીવ્ર રસ. જોકે મૉડનો રાષ્ટ્રવાદ યેટ્સના રાષ્ટ્રવાદથી ભિન્ન. એને આઇરિશ પ્રજા પ્રત્યે પ્રેમ પણ અંગ્રેજો પ્રત્યે તિરસ્કાર. એનો રાષ્ટ્રવાદ એટલે સભાસરઘસો, સૂત્રો, ચૂંટણીઓ, વિજય, સત્તા, ગુપ્ત પ્રવૃત્તિઓ. સમગ્ર જીવન સદાયને માટે સામાજિક-રાજકીય ક્રાન્તિને અર્પણ. શહીદ થવાનું, આયર્લૅન્ડની જોન ઑફ આર્ક થવાનું એનું સ્વપ્ન. આયર્લૅન્ડના ઇતિહાસની એ મહાન અંતિમ નાયિકા. યેટ્સ એને માટે આયર્લૅન્ડના સ્વાતંત્ર્યયુદ્ધમાં એક આયુધરૂપ. એને યેટ્સનાં સ્ત્રીપ્રેમનાં કાવ્યોમાં નહિ, સ્વદેશપ્રેમનાં કાવ્યોમાં રસ. યેટ્સને મૉડનું પ્રથમ દર્શન થયું પછી એમણે એને વિશે નોંધ્યું છે, ‘કોઈ પણ માનુષી સ્ત્રીમાં આટલું સૌંદર્ય હોય એવું મેં કલ્પ્યું ન હતું.’ યેટ્સને મૉડને માટે પ્રથમ દૃષ્ટિએ જ પ્રેમ થયો હતો. સત્તાવીસ વર્ષનાં સંવનનકાળમાં યેટ્સે મૉડ સમક્ષ પાંચ વાર — ૧૯૮૧માં પ્રથમ વાર ડબ્લિનમાં અને પછી ૧૮૯૪માં, ૧૮૯૯માં, ૧૯૦૮માં અને ૧૯૧૬માં એમ ચાર વાર પૅરિસમાં — લગ્નનો પ્રસ્તાવ કર્યો હતો અને પાંચે વાર મૉડે એનો અસ્વીકાર કર્યો હતો. પ્રથમ વાર અસ્વીકાર કર્યો ત્યારે મૉડને લગ્નની ઇચ્છા ન હતી, મૈત્રીની જ ઇચ્છા હતી. બીજી વાર અસ્વીકાર કર્યો ત્યારે એના પ્રતિકારમાં યેટ્સે જેનો ‘ડાયેના વર્નોન’ તરીકે ઉલ્લેખ કર્યો છે અને ૧૮૯૩માં લંડનમાં લાયનલ જૉન્સન દ્વારા જેનો પરિચય થયો હતો તે ઑલિવિયા શેક્સ્પિયર સાથે ૧૮૯૫માં પ્રેમસંબંધ કર્યો હતો અને અલ્પસમય માટે વોબર્ન બિલ્ડિંગ્ઝમાં સહવાસ પણ કર્યો હતો. ૧૯૦૩માં પૅરિસમાં મૉડે આઇરિશ મેજર જૉન મૅક્બ્રાઇડ સાથે અચાનક લગ્ન કર્યું. ત્યારે યેટ્સને પ્રચંડ આઘાત થયો હતો. કાતુલ્લુસને ક્લાઉડિયા પ્રત્યે, શેક્સ્પિયરને ‘ડાર્ક લેડી’ પ્રત્યે અને બૉદલેરને ઝાન દુવાલ પ્રત્યે થયો હતો એવો યેટ્સને મૉડ પ્રત્યે એકસાથે પ્રેમ અને ધિક્કારનો અનુભવ થયો હતો અને આ પૂર્વકાલીન મહાન કવિઓની જેમ યેટ્સે પણ એમના મહાન પ્રેમમાંથી મહાન કવિતાનું સર્જન કર્યું. ચોથી વાર અસ્વીકાર કર્યો ત્યારે મૉડે પતિનો ત્યાગ કર્યો હતો પણ તે પૂર્વે એણે કૅથલિક ધર્મ અંગીકાર કર્યો હતો એથી લગ્નવિચ્છેદ શક્ય ન હતો. પાંચમી વાર અસ્વીકાર કર્યો ત્યારે મૉડ વિધવા હતી પણ ત્યારે મૉડ એના રાજકારણનો સદાયનો ત્યાગ કરે એવી યેટ્સની પૂર્વશરત હતી એ મૉડને સ્વીકાર્ય ન હતી. ૧૯૧૬માં યેટ્સે મૉડની અનૌરસ અને એના જેટલી જ સુંદર પુત્રી ઇસ્યુલ્ટ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ કર્યો અને ઇસ્યુલ્ટે પણ એનો અસ્વીકાર કર્યો. એથી ૧૯૧૭માં યેટ્સે ૧૯૧૧માં લંડનમાં ઑલિવિયા શેક્સ્પિયર દ્વારા જેનો પરિચય થયો હતો તે અંગ્રેજ સન્નારી જૉર્જી હાઇડ-લીઝ સાથે અંતે લગ્ન કર્યું. ૧૯૧૮માં ઑક્સફર્ડમાં એમણે લગ્નજીવનનો આરંભ કર્યો. ૧૯૧૯માં પુત્રી ઍનનો જન્મ થયો. પછી અલ્પસમય ડબ્લિનમાં મૉડના ઘરમાં અને ત્યાર પછી કાઉન્ટી ગાલવેમાં ગૉર્ટમાં બૅલીલીમાં ૧૯૧૭માં જે નૉર્મન કિલ્લો ‘થૂર બૅલીલી’ ખરીદ્યો હતો એમાં નિવાસ કર્યો. ૧૯૨૦થી ૧૯૨૨ લગી ઑક્સફર્ડમાં ફરીથી નિવાસ કર્યો. ૧૯૨૧માં પુત્ર માઇકેલનો જન્મ થયો. અંતે ૧૯૨૨માં ડબ્લિનમાં ઘર ખરીદ્યું અને ત્યાં નિવાસ કર્યો. ૧૯૩૩માં રિવર્સડેઇલમાં ઘર ખરીદ્યું અને છેવટ લગી ત્યાં નિવાસ કર્યો. યેટ્સકુટુંબ અત્યંત સ્થિર અને સ્વસ્થ કુટુંબ હતું. યેટ્સનું લગ્નજીવન સફળ અને સમૃદ્ધ હતું. યેટ્સને હવે પત્ની, સંતાનો, ઘર બધું જ હતું; એ સુખી મનુષ્ય હતા. મૉડ સાથેના પ્રથમ મિલનથી જ યેટ્સના જીવનમાં અને કવનમાં મહાન પરિવર્તન થયું હતું. પણ મૉડને પ્રેમમાં કે પ્રેમીમાં નહિ, આયર્લૅન્ડની મુક્તિમાં રસ હતો. મૉડે પાંચ વાર લગ્નના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો એનું કારણ નોંધ્યું છે, ‘લગ્નથી વધુ અગત્યની વસ્તુઓનો યેટ્સે અને મારે વિચાર કરવાનો હતો.’ આ વધુ અગત્યની વસ્તુઓ તે આયર્લૅન્ડ અને આયર્લૅન્ડની મુક્તિ. એથી જ્યારે જ્યારે યેટ્સે મૉડને રાજકારણનો ત્યાગ કરવા અને પોતાનો સ્વીકાર કરવા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ત્યારે મૉડે યેટ્સને પોતાનો ત્યાગ કરવા અને રાજકારણનો સ્વીકાર કરવા સમજાવવાનો સામો પ્રયત્ન કર્યો હતો. કરુણ વક્રતા છે કે આયર્લૅન્ડની મુક્તિને કારણે એમની વચ્ચે લગ્ન શક્ય ન હતું, ‘આધ્યાત્મિક લગ્ન’ જ શક્ય હતું. એમની વચ્ચે પ્રેમ શક્ય ન હતો, મૈત્રી જ શક્ય હતી. યેટ્સને માટે મૉડ સાથેનો પ્રેમ જીવનમાં શક્ય ન હતો, કવિતામાં જ શક્ય હતો. મૉડને માટે યેટ્સની પત્ની થવાનું શક્ય ન હતું, યેટ્સની કવિતાની પ્રેરણામૂર્તિ થવાનું જ શક્ય હતું. યેટ્સે એક શીર્ષક વિનાના કાવ્યમાં આ પ્રેમનો ‘શુષ્ક, વંધ્ય, નિષ્ફળ પ્રેમ’ તરીકે ઉલ્લેખ કર્યો છે, પણ આ પ્રેમમાંથી અનેક સ-રસ કાવ્યપુષ્પો, સુન્દર કાવ્યસંતાનો પ્રગટ થયાં છે. યેટ્સે ‘નો સેકન્ડ ટ્રૉય’ અને ‘બ્યૂટિફુલ લૉફ્ટી થિંગ્ઝ’માં મૉડમાં હેલન અને પૅલાસ ઍથીનીનું દર્શન કર્યું છે અને ‘ઍડમ્સ કર્સ’ અને ‘એ ડાયલૉગ ઑફ સેલ્ફ ઍન્ડ સોલ’માં મૉડ માટેનો પ્રેમ એ કાલગ્રસ્ત અભિનિવેશ હતો અને એમાં આત્મસમોવડી ન હોય એવી અભિમાની સ્ત્રીને પ્રેમ કરવાની મૂર્ખતા હતી એવું પશ્ચાદ્દર્શન કર્યું છે એમાં એમની પ્રેમી તરીકેની ધન્યતા અને નમ્રતા પ્રગટ થાય છે.

મિત્રો
 

યેટ્સે ‘ધ મ્યુનિસિપલ ગૅલરી રીવિઝિટેડ’ કાવ્યની અંતિમ પંક્તિમાં જીવનનું ભરતવાક્ય ઉચ્ચાર્યું છે, ‘અને કહેજો કે મારું ગૌરવ એ હતું કે મારે આવાં મિત્રો હતાં.’ યેટ્સે ડબ્લિન, સ્લાઇગો, કૂલ પાર્ક, થૂર બૅલીલી, લંડન ઑક્સફર્ડ — અનેક સ્થળે નિવાસ કર્યો હતો. એથી એમને આઇરિશ અને અંગ્રેજ બન્ને સમાજમાં ભિન્ન ભિન્ન વય, વ્યક્તિત્વ અને વ્યવસાયનાં અનેક સ્ત્રી અને પુરુષમિત્રો હતાં. એમના સૌ પુરુષમિત્રો નિષ્ફળ ગયા હતા, એમનું સર્વશ્રેષ્ઠ સિદ્ધ કરી શક્યા ન હતા — કોઈ સ્વભાવના દોષોને કારણે તો કોઈ આયર્લૅન્ડનાં દૂષણોને કારણે. એમાં એકમાત્ર અપવાદરૂપ હતા સિંગ. એમનું આડત્રીસ વર્ષની અતિકાચી વયે અવસાન થયું અને એ પ્રજામાં અપ્રિય હતા છતાં મહાન નાટકો રચી શક્યા હતા. યેટ્સ અને સિંગ પરસ્પરને સલાહસૂચન આપી શકે એટલા સમકક્ષ સર્જકો હતા. સ્ત્રીમિત્રોમાં એમણે ત્રણ સ્ત્રીમિત્રોને ‘ફ્રૅન્ડ્ઝ’ કાવ્યમાં સવિશેષ અંજલિ અર્પી છે, ‘મારા જીવનમાં જે કંઈ આનંદ છે તે મને ત્રણ સ્ત્રીઓએ અર્પણ કર્યો છે.’ આ ત્રણ સ્ત્રીમિત્રો તે મૉડ ગન, લેડી ગ્રેગરી અને ઑલિવિયા શેક્સ્પિયર. એમાં યેટ્સના જીવન અને કવનમાં મૉડનું સ્થાન અનન્ય. ૧૮૯૬માં કૂલ પાર્કમાં લેડી ગ્રેગરીનો પરિચય થયો ત્યારે એ વયમાં યેટ્સથી તેર વર્ષ મોટાં. વિધવા. નાટકકાર. યેટ્સે એમની સાથે નાટકોનું સહલેખન કર્યું હતું. ૧૯૧૬માં થૂર બૅલીલી ખરીદ્યું ત્યાં લગી વીસ વર્ષ પ્રત્યેક ગ્રીષ્મમાં, ક્યારેક પાનખરમાં યેટ્સ એમના અતિથિ. અહીં એમને પરમ સુખશાંતિનો અનુભવ. શૈશવમાં જેમ સ્લાઇગો તેમ ઉત્તરજીવનમાં કૂલ પાર્ક યેટ્સના સર્જનની પ્રેરણાભૂમિ. ૧૮૧૮માં ઇટલીમાં વિમાનચાલક તરીકે યુદ્ધકાર્યમાં પુત્ર રૉબર્ટ ગ્રેગરીનું અવસાન થયું પછી યેટ્સ એમને માટે પુત્રતુલ્ય. ૧૯૩૨માં એમનું અવસાન થયું પછી યેટ્સનું જીવન શૂન્યવત્. લેડી ગ્રેગરી અત્યંત શ્રીમંત, સંસ્કારી, સંયમી, સરલ, વિરલ અને વિનમ્ર વ્યક્તિ. યેટ્સનાં અનેક કાવ્યોમાં આયર્લૅન્ડમાં જે કંઈ ઉત્તમ, ઉદાર, ઉમદા, ઉદાત્ત એનાં એ પ્રતીક. ૧૮૯૫માં લંડનમાં ઑલિવિયા શેક્સ્પિયરનો પરિચય થયો ત્યારે એ વયમાં યેટ્સથી બે વર્ષ નાનાં. અંગ્રેજ. પરિણીત. સાહિત્યરસિક. નવલકથાકાર. યેટ્સને જીવનભર એમની ઉષ્મા અને ઉદારતાનો અનુભવ. યેટ્સે એમનાં કાવ્યોમાં કે આત્મકથનોમાં એમનો ક્યારેક જ ઉલ્લેખ કર્યો છે. પણ એ યેટ્સના સૌથી વિશેષ અંગત અને આત્મીય સ્ત્રીમિત્ર. મૉડના વ્યક્તિત્વથી તદ્દન વિરોધી એવું એમનું વ્યક્તિત્વ. એમના સાન્નિધ્યમાં યેટ્સને પરમ સુખશાંતિનો અનુભવ. ૧૯૩૮માં એમનું અવસાન થયું ત્યાં લગી ચારેક દાયકા એ લંડનમાં યેટ્સના જીવનનું કેન્દ્ર. યેટ્સના દર્શનમાં જે વિશ્વક્રમ છે એમાં સ્થાન પ્રાપ્ત થાય એવું આ સૌ મિત્રોનું વિરલવિશિષ્ટ વ્યક્તિત્વ હતું. યેટ્સે ‘ઇન મૅમરી ઑફ મેજર રૉબર્ટ ગ્રેગરી’ કાવ્યમાં એમનાં મિત્રોનો ‘મારા ચિત્તનો અને જીવનનો અંતર્ગત અંશ’ તરીકે ઉલ્લેખ કર્યો છે. આ મિત્રો યેટ્સના આત્માના અંશો હતાં, વાચ્યાર્થમાં આત્મીય હતાં. યેટ્સે એમના મહાન અંગત જીવનમાંથી મહાન કવિતાનું સર્જન કર્યું છે. એથી એમણે એમના અંગત વ્યક્તિત્વમાંથી એક વૈશ્વિક વ્યક્તિત્વનું નિર્માણ કર્યું છે. એમાં આ સૌ મિત્રો એ વૈશ્વિક વ્યક્તિત્વનાં વિવિધ પરિમાણો છે. યેટ્સ કવિતામાં જેમ જેમ આત્મલક્ષી થયા છે તેમ તેમ એમણે પોતાનું અને આ મિત્રોનું પરલક્ષી મૂલ્યાંકન કર્યું છે, પોતાના અને આ મિત્રોના સ્વભાવ અને વ્યક્તિત્વનું સત્યદર્શન કર્યું છે અને એ દ્વારા એમણે એમનું વૈશ્વિક વ્યક્તિત્વ અને અસ્તિત્વનું એકત્વ સિદ્ધ કર્યું છે. ‘સપ્ટેમ્બર ૧૯૧૩’, ‘ઈસ્ટર ૧૯૧૬’, ‘બ્યૂટિફુલ લૉફ્ટી થિંગ્ઝ’, ‘ધ મ્યુનિસિપલ ગૅલરી રીવિઝિટેડ’, ‘ઇન મૅમરી ઑફ મેજર રૉબર્ટ ગ્રેગરી’, ‘કૂલ પાર્ક’, ‘કૂલ પાર્ક ઍન્ડ બૅલીલી’ આદિ કાવ્યોમાં યેટ્સે આ મિત્રોનું — ક્યારેક તો એકાદ પંક્તિ દ્વારા જ — પુરાકલ્પનમાં પરિવર્તન કર્યું છે. આ મિત્રોનું પાત્રોમાં, પુરાકલ્પનમાં પરિવર્તન થાય એટલી એમની પાત્રતા અને ક્ષમતા છે. અર્વાચીન આયર્લૅન્ડનાં આ ઐતિહાસિક પાત્રો એ શેક્સ્પિયરિયન પાત્રો છે. યેટ્સે એક કાવ્યમાં એમનો ‘અંતિમ રોમેન્ટિક્સ’ તરીકે ઉલ્લેખ કર્યો છે. અનેક કાવ્યોમાં આ પાત્રોનું અને એ જેનાં પ્રતીક છે તે આયર્લૅન્ડનું પુનશ્ચ કદી દર્શન નહિ થાય એવું કરુણદર્શન કર્યું છે. યેટ્સે ઇતિહાસ અને જીવનચરિત્રનું કળામાં, પુરાકલ્પનમાં પરિવર્તન કર્યું છે એથી જ એ શેક્સ્પિયરના પ્રકારની કવિપ્રતિભાના મોટા ગજાના કવિ છે. ‘ધ આઇરિશ ઍરમૅન ફૉરસીઝ હિઝ ડેથ’ કાવ્યમાં તો રૉબર્ટ ગ્રેગરીમાંથી હોમેરિક પાત્ર, હોમરના પ્રકારનું જ પુરાકલ્પન રચ્યું છે.

અંતિમ વર્ષો
 

૧૯૨૮માં યેટ્સે સેનેટમાં પુનર્નિયુક્તિના પ્રસ્તાવનો માંદગીને કારણે અસ્વીકાર કર્યો. પછી અંતિમ વર્ષોમાં ચાર વાર ફેફસાંની અને હૃદયની ભારે માંદગીઓ આવી અને સ્વાસ્થ્ય માટે વારંવાર શિયાળામાં રાપાલ્લોમાં નિવાસ કર્યો. ૧૯૩૪માં કાયાકલ્પ માટે સ્ટાઇનાખની સફળ શસ્ત્રક્રિયા કરાવી. યેટ્સ છેવટ લગી જીવંત અને જ્વલંત હતા. ૧૯૩૪માં ‘પર્ગેટરી’ પદ્યનાટક રચ્યું અને ઍબી થિયેટરમાં ભજવ્યું. ૧૯૨૬–૨૮માં સૉફોક્લીઝનાં ઈડિપસ નાટકોનો અને ૧૯૩૫માં માજોર્કામાં સ્વામી શ્રી પુરોહિતની સહાયથી ઉપનિષદોનો અનુવાદ કર્યો. ૧૯૩૨માં શૉ આદિની સહાયથી ‘આઇરિશ એકૅડેમી ઑફ આર્ટ્સ’ સ્થાપી. ૧૯૨૯માં થૂર બૅલીલીનો અને ૧૯૩૧માં કૂલ પાર્કનો અંતિમ પ્રવાસ કર્યો. ૧૯૩૧માં ઑક્સફર્ડ અને ૧૯૩૩માં કેમ્બ્રિજ યુનિવર્સિટીઓ તરફથી પીએચ.ડી.ની માનદ ઉપાધિઓ અર્પણ કરવામાં આવી. ૧૯૩૪માં ‘કલેક્ટેડ પ્લેઝ’ — સમગ્ર નાટકોનો સંચય પ્રગટ કર્યો. ૧૯૩૫માં ‘ધ ઑક્સફર્ડ બુક ઑફ મૉડર્ન વર્સ’નું સંપાદન પ્રગટ કર્યું. ૧૯૩૬–૩૭માં બી.બી.સી. પરથી આધુનિક કવિતા વિશે પાંચ વ્યાખ્યાનો કર્યાં. ૧૯૩૫માં સિત્તેરમી જન્મજયંતીનો ઉત્સવ ઊજવ્યો. ૧૯૨૮માં ‘ધ ટાવર’, ૧૯૩૩માં ‘ધ વાઇન્ડિંગ સ્ટૅર’ અને ૧૯૩૫માં ‘એ ફુલ મૂન ઇન માર્ચ’ — ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા. ૧૯૩૩–૩૪માં ‘વર્ડ્ઝ ફૉર મ્યુઝિક પરહૅપ્સ’નાં પચીસ કાવ્યોનો અને ‘એ વુમન યંગ ઍન્ડ ઓલ્ડ’નાં અગિયાર કાવ્યોનો ગુચ્છ રચ્યો. યેટ્સની અંતિમ વર્ષોની કવિતામાં ભારે માંદગીઓને કારણે વાર્ધક્ય અને મૃત્યુ પ્રત્યે કટુતા અને તિરસ્કાર છે. કામ અને ક્રોધ એના કેન્દ્રમાં છે. જગતકવિતામાં પણ અતિવિરલ એવી આ યૌવન-સ્વાસ્થ્ય-જીવનની સુંદરતા અને જરા-વ્યાધિ-મૃત્યુની કરુણતાની, અસ્તિત્વના ‘કરુણ આનંદોલ્લાસ’ની ભવ્ય કવિતા છે. એમાં હવે પ્રાચીન કાલ્પનિક પાત્રો ને પ્રદેશો નહિ, પણ જેઇન અને રીબ જેવાં અર્વાચીન વાસ્તવિક પાત્રો અને નગરો, વાચનખંડો, થિયેટરો, રાજમાર્ગો જેવાં પ્રદેશો છે. ‘હૅમ્લેટ અને લિયરમાં અંતે આનંદોલ્લાસ છે.’ એ આ કવિતાનું ધ્રુવપદ છે. યેટ્સની કવિતા એટલે મનુષ્યની કરુણતાનું આનંદોલ્લાસમય મહિમ્નસ્તોત્ર. યેટ્સે અંગત જીવનમાંથી, મહાન જીવનમાંથી, સંપૂર્ણ જીવનમાંથી એમની મહાન કવિતાનું સર્જન કર્યું છે. એથી એમણે સિંગ અને પાઉન્ડ જેવા સમકાલીનો તથા ડન અને બ્લેઇક જેવા પુર:કાલીનોની સહાયથી એમની પૂર્વકવિતાનું ઉત્તરકવિતામાં પુનર્લેખન, પુન:સર્જન કર્યું છે. એમની કવિતામાં એમણે વિભક્તેષુ અવિભક્તમ્ નું દર્શન કર્યું છે. એમણે જીવનને એની સમગ્ર વિસંગતિઓ, વિરોધાભાસિતાઓ, અનિશ્ચિતતાઓ અને ચિત્રવિચિત્રતાઓ સહિત યથાતથ્ય પ્રગટ કર્યું છે. એથી એમણે શેક્સપિયર અને કીટ્સની જેમ જ જીવન વિશે કોઈ અંતિમ સત્ય ઉચ્ચાર્યું નથી. એથી જ કવિતારસિકોને યેટ્સની પ્રાર્થના છે, ‘મારું મૂલ્યાંકન કરો તો આ કે તે કાવ્યસંગ્રહથી કરશો નહિ.’ એક હાથમાં સમગ્ર કવિતાનો સંચય અને અન્ય હાથમાં ઇતિહાસ અને જીવનચરિત્ર હોય તો જ યેટ્સની કવિતાનું મૂલ્યાંકન થાય. ૧૯૩૯ના જાન્યુઆરીની ૨૮મીએ ફ્રાંસમાં બે દિવસની ટૂંકી માંદગીથી તોંતેર વર્ષની વયે યેટ્સનું અચાનક અવસાન થયું. યુદ્ધને કારણે એમના મૃતદેહનું જાન્યુઆરીની ૩૧મીએ ફ્રાંસમાં રૉકબ્રુનના કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યું. એ જ વર્ષમાં ‘લાસ્ટ પોએમ્સ’ કાવ્યસંગ્રહનું મરણોત્તર પ્રકાશન થયું. પછી ૧૯૪૮ના સપ્ટેમ્બરમાં એમના મૃતદેહને આયર્લૅન્ડ લાવવામાં આવ્યો અને પત્ની, પુત્ર, ભાઈ અને મૉડના પુત્રની હાજરીમાં એમની ઇચ્છા પ્રમાણે કાઉન્ટી સ્લાઇગોમાં બૅન બુલ્બનની છાયામાં ડ્રમક્લિફના કબ્રસ્તાનમાં વિધિપૂર્વક એનું દફન કરવામાં આવ્યું અને એમની ઇચ્છા પ્રમાણે મૃત્યુશિલા પર એમના એક શેષ કાવ્ય ‘અંડર બૅન બુલ્બન’ની અંતિમ ત્રણ પંક્તિઓનું અંકન કરવામાં આવ્યું:

ઠંડી નજર નાખ
જીવન પર, મૃત્યુ પર.
અસવાર, પસાર થા!

                  સુંદર ભવ્ય વસ્તુઓ
સુંદર ભવ્ય વસ્તુઓ  ઓ’લિયરીનું ઉદાત્ત મસ્તક;
ઍબીના તખ્તા પર મારા પિતા, એમની સન્મુખ રોષભર્યું ટોળું:
‘આ સંતોનો દેશ,’ અને પછી તાળીઓ શમી ગઈ ત્યારે;
‘પ્લાસ્ટરના સંતોનો’; એમનું સુંદર ટીખળી મસ્તક પાછું ફેંકાયું.
સ્ટૅન્ડિશ ઓ’ગ્રેડી ઊભા છે પોતાને ટેકવી ટેબલો વચ્ચે
નશામાં ચકચૂર ટોળાને સંબોધે છે એમના વાહિયાત શબ્દો;
ઑગસ્ટા ગ્રેગરી એમના ઓરમોલુ ટેબલ પાસે બેઠાં છે,
એમનો એંશીમો શિયાળો ઢૂંકી રહ્યો છે:
‘ગઈ કાલે એણે મારી જિંદગીને જોખમાવી.
મેં એને કહ્યું કે હું રાતે છથી સાત આ ટેબલ પાસે બેસી રહી,
પડદા ખોલીને’; મૉડ ગન હૉથ સ્ટેશન પર ગાડીની રાહ જોતી,
પૅલાસ ઍથીની એ ટટ્ટાર કમરમાં, ગર્વિષ્ઠ મસ્તકમાં:
આ બધાં ઑલિમ્પિયન્સ; ફરી કદી જોવા ન મળી તે વસ્તુ.

                  BEAUTIFUL LOFTY THINGS
Beautiful lofty things: O’Leary’s noble head;
My father upon the Abbey stage,
before him a raging crowd:
‘This Land of Saints,’ and then
as the ap-plause died out,
‘Of plaster Saints’; his beautiful mischievous
head thrown back.
Standish O’Grady supporting himself
between the tables
Speaking to a drunken audience
high nonsensical words;
Augusta Gregory seated at her ormolu table,
Her eightieth winter approaching:
‘Yesterday he threatened my life.
I told him that, nightly from six to seven
I sat at this table,
The blinds drawn up’; Maud Gonne at Howth
station waiting a train,
Pallas Athene in that straight back and
arro-gant head:
All the Olympians; a thing never known again.

૧૯૭૯

*