સ્વાધ્યાયલોક—૨/દેમેત્રિઓસ કાપેતાનાકિસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેમેત્રિઓસ કાપેતાનાકિસ

‘But those who see His face in all its terror
Will die for that, yet not before they give
A cryptic message to the world in error
With hints of what to hope and how to live.’

દેમેત્રિઓસ કાપેતાનાકિસના ‘Prophets’ કાવ્યના આ અંતિમ શ્લોકનો શબ્દેશબ્દ એના જીવનનો અર્થ અને એના સાહિત્યસર્જનનું રહસ્ય પ્રગટ કરે છે. કાપેતાનાકિસે જીવનમાં એની સમગ્ર ભીષણતા સહિત એવા એક મુખનું (ભગવાન? ન જાને!) દર્શન કર્યું અને ૩૨ વર્ષની વયે મૃત્યુ પામ્યો, પણ ૧૬ કાવ્યો અને ૧૧ વિવેચનલેખોના એના સાહિત્યસર્જનમાં ભાનભૂલ્યા જગતને કેમ જીવવું અને શું ઝંખવું એના અણસારા જેમાં હોય એવો ગૂઢ સંદેશો આપ્યા પહેલાં તો નહિ જ. કાપેતાનાકિસનો જન્મ ૧૯૧૨ના જાન્યુઆરીની ૧૨મીએ ગ્રીસમાં સ્મર્નામાં થયો. ઍથેન્સની યુનિવર્સિટીમાં રાજકારણ અને અર્થશાસ્ત્રના વિષયમાં સ્નાતક થયો. ૧૯૩૪માં જર્મનીમાં હાઇડલબર્ગની યુનિવર્સિટીમાં કાર્લ યાસ્પર્સ પાસે અભ્યાસ કર્યો અને પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. જર્મન કવિ શ્ટેફાન ગેઑર્ગના શિષ્યવૃન્દના સંપર્કમાં અને એ દ્વારા શ્ટેફાન ગેઑર્ગની કવિતાના પ્રભાવમાં આવ્યો. અને ત્રીજા દાયકાના જર્મનીનો એટલે હિટલર અને નાઝીવાદના ઉદય-ઉત્ક્રાન્તિના સમયના જર્મનીનો અનુભવ કર્યો. આમ, કાપેતાનાકિસના જીવનના આરંભે જ જે આ પ્રથમ અનુભવ થયો તે વેદનામય હતો. ગ્રીસ પાછો ફર્યો અને ફિલસૂફીના વિષયમાં ‘The Struggle of the Solitary Soul’ અને ‘The Mythology of Beauty’ જેવા લેખો લખ્યા. ૧૯૩૯માં બ્રિટિશ કાઉન્સિલની સહાયથી ઇંગ્લૅન્ડ આવ્યો. કેમ્બ્રિજમાં વસ્યો. એની પૂર્વે માત્ર કેટલાક મહિનાથી એણે અંગ્રેજી ભાષાનો અભ્યાસ આરંભ્યો હતો. આરંભમાં ‘રૉબિન્સન ક્રૂઝો’ નવલકથા અને ટૉમસ ગ્રેનાં કાવ્યો અને જીવન અને પછી જૉન ડન અને વિલિયમ બ્લેઇકનાં કાવ્યોના અભ્યાસ દ્વારા જર્મનીના શાપરૂપ અનુભવમાંથી મુક્તિ મેળવી. પાછળથી શ્ટેફાન ગેઑર્ગ પર વિવેચનલેખ લખીને એ પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું અને એમાં એ અનુભવને એણે જીવનના કટુતમ અનુભવોમાંનો એક કહ્યો. કેમ્બ્રિજમાં મુખ્ય પ્રવૃત્તિ લખવું, વાંચવું અને વાતો કરવી. અને લખવામાંયે મુખ્ય તો ટૉમસ ગ્રેનું અંગ્રેજીમાં જીવનચરિત્ર અને કેમ્બ્રિજ વિશે ગ્રીકમાં નવલકથા. જોકે ટૉમસ ગ્રે અને હૉરેસ વૉલપોલની મૈત્રી વિશેનું એક જ પ્રકરણ લખ્યું અને નવલકથા અપૂર્ણ રહી. સેન્ટ એડવર્ડ્સ પૅસેઇજમાં યુવાન કવિઓના સાંધ્યમિલનમાં હાજરી આપી. અહીં જૉન લ્હેમનનો પરિચય થયો જે ઉત્તરોત્તર વિરલ મૈત્રીમાં પરિણમ્યો. લ્હેમનના પ્રોત્સાહનથી ન્યૂ રાઇટિંગમાં કાવ્યો અને લેખો લખવાનો આરંભ કર્યો. પ્રથમ કાવ્ય તે ‘Detective Story’ અને પ્રથમ લેખ તે ‘Rimbeau’. ન્યૂ રાઇટિંગમાં ગ્રીક કાવ્યોના અલ્પસંખ્ય પણ સુંદર અંગ્રેજીમાં અનુવાદ કર્યા. ઇંગ્લૅન્ડ આવ્યો તે પૂર્વે એને કોઈ રહસ્યમય રોગ થયો હતો. કેમ્બ્રિજના સ્થાનિક ડૉક્ટરે એ રોગ માનસિક કે કાલ્પનિક છે એમ માન્યું-મનાવ્યું. કેમ્બ્રિજ નિવાસના સમયના અનુભવનું કાવ્ય કર્યું ‘Cambridge Bar Meditation’. એમાં કેમ્બ્રિજના વાતાવરણ અને એમાં વસતા મનુષ્યના મનની સ્થિતિ વિશે એણે કહ્યું:

‘Cambridge is gay, but unseen courts atone.
…..
The kernel of the mind is bitter, bitter.’

૧૯૪૧ના ઑટમમાં એકાદ વર્ષના કેમ્બ્રિજનિવાસ પછી લંડનમાં કામ કરતી નિર્વાસિત ગ્રીક સરકારના માહિતીખાતામાં સેવાઓ આપવા કાપેતાનાકિસ લંડન ગયો. સાથે સાથે લંડનની સાહિત્યની અને રાજકારણની પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત થયો. અંગત જીવનમાં એક એવો અસહ્ય માનસિક આઘાત અનુભવ્યો કે ભાંગી પડ્યો અને હૉસ્પિટલમાં દાખલ થયો. મૃત્યુની નજીક ધકેલનારા ‘કહ્યા ન જાય એવા આ અનુભવો’ વિશે એણે લ્હેમનને એક પત્રમાં લખ્યું: ‘I’m afraid, although I don’t like it, that I am becoming a mystic. It was wonderful to prepare oneself never to wake up again. I longed so much for a night of freedom and rest, in which there is no memory, no right and wrong, no suffering. But I had to wake up again, and I shall go on and try to make the best of it. But I doubt if the foretaste of the night I experienced will ever leave me alone… My new contact with this night reminded me that one must never be too categorical with the things of the world. Everything is changing in it. We have the right not only to fear the worst, but also to hope the best.’ (જોકે મને ગમતું નથી પણ મને ભય છે કે હું રહસ્યવાદી થતો જાઉં છું. ફરી કદીયે નહિ જાગવા માટે જાતને તૈયાર કરવી એ અદ્ભુત છે. જેમાં સ્મૃતિ ન હોય, સાચું અને ખોટું ન હોય, દુઃખ ન હોય એવી મુક્તિની અને આરામની રાત્રિને મેં કેટલી ઝંખી! પણ મારે ફરી જાગવું પડ્યું, અને હું આમ ને આમ જીવ્યે જઈશ અને જીવનને ઉત્તમ બનાવવાનો પ્રયત્ન કરીશ. પણ આ ઝંખેલી રાત્રિનો અણસારો ક્યારેય મારો પીછો છોડશે કે કેમ એની મને શંકા છે… આ રાત્રિ સાથેના મારા આ નવા પરિચયે મને એ ભાન કરાવ્યું છે કે આ જગતની વસ્તુઓ વિશે કદી વધુ પડતા નિશ્ચિત ન થવું. જગતમાં બધું જ પરિવર્તનશીલ છે. આપણને માત્ર નરસામાં નરસા પ્રત્યે ભય સેવવાનો જ નહિ પણ સારામાં સારા પ્રત્યે આશા સેવવાનો પણ અધિકાર છે.) હૉસ્પિટલમાંથી બહાર આવ્યો, ભય અને આશાની મિશ્ર લાગણી સાથે. વધુ કાવ્યો અને વિવેચનલેખો લખ્યા, સર્જકતામાં પ્રવૃત્ત થતા પુરુષાર્થ અને મનોબળની પ્રતીતિ સાથે. પાછો પટકાયો. ૧૯૪૨ના ઑટમમાં બીજી વાર ભાંગી પડ્યો. લંડનના ડૉક્ટરે રોગ ગંભીર છે એમ નિદાન કર્યું. આરામ અને હવાફેર માટે ડેવન મોકલી આપ્યો. એણે લ્હેમનને નવેમ્બરની ૧૨મીના એક પત્રમાં લખ્યું  ‘Today I feel much better, and people tell me I do not look ill any more. In spite of that I must stay here a little longer; I am not quite prepared yet to face London again. My days here are pleasant and peaceful, but my nights are full of terrors, full of the most exhausting nightmares. In the morning I get up extremely tired and I need all the peace of the day to forget the terrors of the night. I know that it is ridiculous to get so much affected by ‘things which are not’, but I also know that my fate will always be to succumb to these things. That is what destroys or threatens with destruction everything positive given me by life.’ (આજે મને બહુ સારું લાગે છે. અને લોકો મને કહે છે કે હું હવે માંદો લાગતો નથી. છતાં મારે અહીં હજુ સહેજ વધુ લાંબો સમય રહેવું જોઈએ. ફરીથી લંડનનો સામનો કરવા જેટલી હજુ મારી તૈયારી નથી. અહીં મારા દિવસો આનંદમાં અને શાંતિમાં જાય છે. પણ મારી રાતો થકવી મારે એવાં દુ:સ્વપ્નો અને ભયોથી ભરપૂર છે. સવારે ઊઠું છું ત્યારે અત્યંત થાકેલો હોઉં છું. અને રાતની ભીષણતાઓને ભૂલવા માટે દિવસભરની શાંતિની મને જરૂર પડે છે. ‘નથી તે વસ્તુઓ’ની આટલી અસરમાં આવવું એ હાસ્યાસ્પદ છે એ હું જાણું છું પણ હું એ પણ જાણું છું કે આ વસ્તુઓને વશ થવાનું જ હંમેશાં મારા ભાગ્યમાં લખ્યું છે. મને જિંદગીએ જે કંઈ સારું આપ્યું છે તેનો એનાથી નાશ થાય છે અથવા થશે એવી એમાં ધાક રહે છે.) લંડન પાછો આવ્યો ત્યારે અંદરથી જીવવાની કે કશુંયે લખવા કરવાની ઇચ્છા ન હતી. જીવનથી હારી ગયો હતો એથી નહિ પણ મૃત્યુને જીતી ગયો હતો, જીવન અને મૃત્યુથી પર થયો હતો એ કારણે. જેને જીવન કહેવાય છે એટલે કે જનમ અને મરણની વચ્ચે જે કંઈ છે એથી વિશેષની એને જરૂર હતી. અમરત્વની? ન જાને! પણ આ પછી જ એણે પૂર્વે ક્યારેય ન’તો અનુભવ્યો એવો ઉગ્ર રસ અને તીવ્ર આનંદ અનુભવ્યો. જાણે કે જીવન અને મૃત્યુનો એવા સાહસ અને સ્વમાનથી સ્વીકાર કર્યો હતો, જીવન અને મૃત્યુની એવી સૂઝસમજ પામ્યો હતો, એવું કારુણ્યપૂર્ણ કરુણ દર્શન કર્યું હતું કે જનમ પૂર્વેનું અને મરણ પછીનું પોતાનું અસ્તિત્વ અનુભવી રહ્યો હતો. એટલે સ્તો એણે એક વર્ષ વધુ જીવવાની મૃત્યુ પર મહેરબાની કરી. કોઈ દુઃખ ન હતું, કોઈ મૃત્યુ ન હતું. જાણે કે મૃત્યુને વાગોળતો હતો. હવે જો દુઃખ હોય તો તે રોજ ને રોજ લંડનમાં સમાચાર આવે કે નાઝીઓ ગ્રીક પ્રજા અને એની સંસ્કૃતિનો હ્રાસ-ઉપહાસ કરે છે એનું દુઃખ હતું. પોતાની પ્રજા અને સમગ્ર મનુષ્યજાતિનું દુઃખ એ એનું દુઃખ હતું. હવે જો એ દુઃખી હોય તો એ પોતાને દુઃખે નહિ, પારકાને દુઃખે દુઃખી હતો. કુટુંબ અને દેશથી દૂર હતો, એકલો-અટૂલો હતો. છતાં એ વિશે એ ઓછાબોલો હતો. મોટે ભાગે તો મૌન જ ધરે, ક્વચિત્ મૌનભંગ કરે એટલો સંયમી હતો. બલકે પોતાની આસપાસની અંગ્રેજ પ્રજા અને એની સંસ્કૃતિ વિશે સચિંત હતો. એનાં સુખદુઃખ, આશાનિરાશા, જયપરાજયમાં એટલો ડૂબી ગયો હતો. એટલે સ્તો આપણા એક કવિની પંક્તિની સહાયથી કહેવું હોય તો ‘કારુણ્ય ને કરુણનો કરવો સુમેળ’ એવી પ્રતિજ્ઞા સાથે ભવ્ય શારીરિક અને માનસિક પુરુષાર્થ આરંભ્યો. શેષ જીવનની ક્ષણેક્ષણનું આ પુરુષાર્થમાં એણે સમર્પણ કર્યું. આ સમયનાં કાવ્યો અને વિવેચનલેખો એનાં સાક્ષીરૂપ છે. યુગોથી ગ્રીસના ભાગ્યમાં વારંવાર જે વેદનાનો અનુભવ લખ્યો છે એ વિશે એણે એક અત્યંત કરુણ કાવ્ય કર્યું. માત્ર ૨૦ જ પંક્તિના આ કાવ્યમાં એણે પારાવાર વેદના પ્રગટ કરી છે અને ગ્રીસની આ અનંત વેદના પણ ગાઈ છે. એમાં ગ્રીસ વિશે જગતમાં — અને બાયરન જેવા ગ્રીસપ્રેમીમાં પણ — જે પ્રચલિત ભ્રામક રોમેન્ટિક ખ્યાલ પ્રવર્તે છે એનો ક્લાસિકલ સંયમથી પ્રતિકાર કર્યો છે:

                  THE ISLES OF GREECE
The sun is not in love with us,
Nor the corrosive sea;
Yet both will burn our dried-up flesh
In deep intimacy.

With stubborn tongues of briny death
And heavy snakes of fire,
Which writhe and hiss and crack the Greek
Myth of the singing lyre.

The dusty fig-tree cries for help,
Two peasants kill one snake,
While in our rocky heart the gods
Of marble hush and break.

After long ages all our love
Became a barren fever,
Which makes us glow in martyrdom
More beautiful than ever.

Yet when the burning horses force
Apollo to dismount
And rest with us at last, he says
That beauty does not count.

અંગત વેદનાનું એક ડૂસકું ‘Lazarus’ કાવ્યમાં એવું દબાવી દીધું છે કે જ્યારે આ કાવ્ય વાંચીએ ત્યારે હમણાં એ ડૂસકું સંભળાશે એમ અપેક્ષા રહે અને છતાં ક્યારેય એ ડૂસકું સંભળાય નહિ એવો એમાં સંયમ છે. એવી એમાં મૂક વેદના છે. કાપેતાનાકિસે આ કાવ્યને અંતિમ સ્વરૂપ આપ્યું ન હતું. એટલે આ કાચો મુસદ્દો પ્રસિદ્ધ ન કરવાની એણે લ્હેમનને મૃત્યુ સમયે વિનંતી કરી હતી. છતાં લ્હેમનથી એ પ્રસિદ્ધ કર્યા વિના ન રહેવાયું તે એ વિનંતીની વિરુદ્ધ એ જે સ્વરૂપે હતું તે સ્વરૂપે પ્રગટ કર્યું છે. ૨૪ પંક્તિના આ કાવ્યમાંથી વચલી કેટલીક પંક્તિઓ જોઈએ:

‘…Love is slow,
And when she comes she neither speaks

nor hears :
She only kisses and revives the dead
Perhaps in vain. Because what is the use
Of miracles unheard-of, since instead
Of trying to remember the great News

Revealed to me alone by Death and Love
I struggled to forget them and become
Like everybody else?…’

૧૯૪૩માં ફ્રેન્ડ્ઝ ઍમ્બ્યુલન્સ યુનિટ તરફથી સ્વાતંત્ર્યોત્તર ગ્રીસમાં રાહતકાર્ય કરવા માટે યુવાન ક્વેકર સ્વયંસેવકોને મેનર ફાર્મ પરના કૅમ્પમાં તાલીમ આપવા જવાનું એને આમંત્રણ આવ્યું. એ એણે સત્વર અને સહર્ષ સ્વીકાર્યું. કૅડબરી કુટુંબ અને એની પાસે ગ્રીક ભાષા બોલવાનું, વાંચવાનું, લખવાનું જાણતા યુવાન અંગ્રેજોની વચ્ચે નવા વિચારો, નવી લાગણીઓ, નવી ભાવનાઓ અનુભવી. આ કાર્ય એના સાહિત્યસર્જન જેટલી જ એની અમૂલ્ય સિદ્ધિ છે, એનું સાચું સ્મારક છે. લંડન પાછો આવ્યો. વારંવાર મૂર્છા અને દુ:સ્વપ્નને કારણે ત્રીજી અને છેલ્લી વાર ભાંગી પડ્યો. લંડન પર નાઝીઓની સતત બૉમ્બવર્ષાને કારણે એક પણ હૉસ્પિટલમાં એક પણ ખાટલો ખાલી ન હોય એ સમયમાં મિત્રોને એનો જીવ બચાવવાનો અન્ય એક પણ માર્ગ ન સૂઝ્યો ત્યારે છેવટે નછૂટકે માંડ માંડ મહામહેનતે અને મુશ્કેલીએ રહ્યાસહ્યા એકમાત્ર માર્ગ તરીકે એને હૉસ્પિટલમાં ખસેડ્યો. એકેએક ઇલાજ અજમાવવામાં આવ્યો. અસાધારણ ઑપરેશન કરવામાં આવ્યું. શરીરમાં હતું એટલું બધું લોહી બહાર કાઢ્યું અને નવું લોહી અંદર નાખ્યું કારણ કે રોગ સાચે જ રહસ્યમય હતો, લ્યૂકેમિયા — લોહીનું કૅન્સર. ૧૯૪૪ના માર્ચની ૯મીએ દેમેત્રિઓસ કાપેતાનાકિસ લંડનમાં વેસ્ટમિન્સ્ટર હૉસ્પિટલમાં ૩૨ વર્ષની વયે મૃત્યુ પામ્યો. બુદ્ધિથી સતેજ અને લાગણીથી સજલ કાળી આંખો, લાંબું નાક, પહોળું સુંવાળું કપાળ, સરલ શાંત ચહેરો, નાજુક લજ્જાળુ હાથ ને નાનકડો બાંધો — કાપેતાનાકિસના સ્થૂલ વ્યક્તિત્વમાં પણ એક પ્રકારની સંવાદિતા હતી. એક પ્રકારની દીપ્તિ હતી જે એના સૂક્ષ્મ વ્યક્તિત્વની દ્યોતક હતી. મનુષ્યજીવનના અર્થની, એના મૂલ્યની એને અસાધારણ સૂઝસમજ હતી. પલકવારમાં એ મનુષ્યનો પાર પામી જાય, એના મનહૃદયમાં પ્રવેશી જાય એવી એના દર્શનમાં સરલ સ્પષ્ટતા હતી, એની દૃષ્ટિમાં પારદર્શક વેધકતા હતી. જાણે કોઈ ગૂઢ લિપિ ઉકેલતો હોય એમ બીજાઓના જીવનની આંટીઘૂંટી, ગૂંચગરબડ ઉકેલે એવી એની હૈયાઉકલત હતી. એથી બીજાઓ પોતાની જાતને જેટલી ન જાણે એટલી એ જાણે. એની મૈત્રીમાં કોમળ માધુર્ય હતું. મિત્રો મેળવવાની અને કેળવવાની એને ઈશ્વરી બક્ષિસ હતી. એની મૈત્રી એ એક લહાવો હતો, એક અમૂલ્ય ભેટ હતી. મૂંઝાયેલા અને મૂરઝાયેલા માનવીને રસ અને શ્રદ્ધા પ્રાપ્ત થાય એવી એની વાણીમાં સંજીવની હતી. એના ઉદાર હૃદયમાં કરુણા હતી. એની હાજરીમાં હૂંફ હતી. એના પ્રતિક્ષણ પલટાતા ચકોર ચહેરા પર હંમેશ રમતું રહેતું આછું મર્માળું સ્મિત અને સૌના સ્વભાવની વિચિત્રતા અને વક્રતાનું સુરેખ પ્રતિબિંબ પાડે એવી સ્વચ્છ આરસી જેવું એનું સદાયનું તોફાની ને લુચ્ચું પણ નિર્દંશ ને નિર્દોષ હાસ્ય એ એની ગહનતા અને ગંભીરતા જેટલી જ એની લાક્ષણિક સિદ્ધિ હતી. એનાં કાવ્યો અને વિવેચનલેખોમાં નહિ પણ કેમ્બ્રિજ વિશેની એની ગ્રીકમાં અપૂર્ણ નવલકથામાં અને કોઈ પણ કૃતિ, કર્તા, મિત્ર, પાત્ર, વસ્તુ, પ્રસંગ કે સ્થળ વિશેના સંવાદમાં શ્રોતાઓને એનો સતત પરિચય થતો. કરુણ કાવ્યો જેટલાં જ એડવર્ડ લીઅર કે લેવિસ કેરલ જેવા કવિઓનાં રમૂજી કાવ્યો એને પ્રિય હતાં. શેક્સ્પિયર જેટલો જ ડિકિન્સ એનો પ્રિય અંગ્રેજ લેખક હતો. પણ મનુષ્યના સ્મિત પછવાડે આંસુ છુપાયેલું છે એ એનાથી ક્યારેય અછતું ન હતું. સમસ્ત વિશ્વસર્જન વિશે એનામાં મુગ્ધ કુતૂહલ હતું. અપરિચિત અને અગમ્ય વિશે એનામાં ઉત્કટ જિજ્ઞાસા હતી. બાયરન અને ગુઇથેને જેમ મેડિટરેનિયન પ્રદેશોનું, ગ્રીસ અને રોમનું આકર્ષણ, ત્યાંના આકાશની ઉજ્જ્વલતા, ભૂતકાળની ભવ્યતા અને સાહિત્યની આત્મીયતાને કારણે; તેમ કાપેતાનાકિસને ઉત્તરપશ્ચિમના પ્રદેશોનું — જર્મની, ઇંગ્લૅન્ડ અને અમેરિકાનું આકર્ષણ, ત્યાંના ધુમ્મસની ધૂંધળી, વર્તમાનની વિશેષતા અને સ્થળની દૂરતાને કારણે. લંડનના ધુમ્મસમાં વિસ્મિત અને વિસ્ફારિત નેત્રે કંઈક ને કંઈક નિહાળે ને વારંવાર ‘કેવું વિચિત્ર!’ ‘કેવું અદ્ભુત!’ એવા આશ્ચર્યના ઉદ્ગારો આપોઆપ એના મુખમાંથી સર્યા વિના ન રહે! ભૂગર્ભમાં દોડતી ટ્રેન, લોકસમૂહની વચમાં અંધારા ઓરડામાં પ્રકાશ પાથરીને ચાલતું ચલચિત્ર, અંધારપટથી આંકેલી શિયાળાની રાત જેવી દૃશ્ય વસ્તુઓ જ નહિ પણ નારીસ્વભાવમાંની ઈર્ષ્યા, નરસ્વભાવમાંની લાલસા, પ્રેમમાં નિષ્ફળતા, ત્યાગ જેવી અદૃશ્ય વૃત્તિઓ પણ એને ઉશ્કેરી મૂકે, એની કલ્પનાને સંકોરી શકે, એની જિજ્ઞાસાને ઉત્તેજી જાય. તો ઉનાળાની રાતે બગીચાના ખૂણામાં સૂતેલી કાળી બિલાડીને એ ગલીપચી પણ કરી આવે, એને પજવવા કે પીડવા નહિ પણ એને ઉશ્કેરવા, એની ચેતનાને સંકોરવા, એની હલચલને ઉત્તેજવા. ૧૯૩૯માં ઇંગ્લૅન્ડ આવ્યો તેની પૂર્વે માત્ર કેટલાક મહિનાથી એણે અંગ્રેજી ભાષાનો અભ્યાસ આરંભ્યો હતો. માતૃભાષા ગ્રીક ઉપરાંત ફ્રેન્ચ અને જર્મન ભાષાઓનું એમાં લખી, વાંચી, બોલી શકે એટલું જ્ઞાન તો હતું જ. અને એક વર્ષમાં તો એણે અંગ્રેજી ભાષામાં કાવ્યો અને વિવેચનલેખો લખવાનો આરંભ કર્યો. પ્રથમ કાવ્ય ‘Detective Story’માં ધ્વનિયુક્ત નાટ્યાશક્તિ અને લાઘવયુક્ત વર્ણનશક્તિનો પરિચય થાય છે. અંગ્રેજી કવિતાની અર્વાચીન યુગમાં અદ્વિતીય એવી બાની — the poetic language par excellence — અને એના છંદોલયની સૂઝ અને એના સ્વરૂપની સમજની પ્રતીતિ થાય છે. જોકે ક્યારેક બોલચાલની ભાષાની ભંગિઓ પણ અકાવ્યમય રીતે યોજાય છે. કોઈ કોઈ શબ્દ કે શબ્દગુચ્છ વિશે મનમાં શંકા જન્મે તો કોઈ અંગ્રેજી મિત્રની સહાયથી એનું સમાધાન કરે. શબ્દભંડોળ મર્યાદિત તે નવા નવા શબ્દો અને પ્રથમ દૃષ્ટિએ બે સમાનાર્થી શબ્દો વચ્ચેનો સૂક્ષ્મ ભેદ જાણીને એને સતત વિસ્તારવા અને વિકસાવવાનો પ્રયત્ન કરે. પણ લય અને બાની પરનું સંયમપૂર્વક પ્રભુત્વ તો પ્રથમથી જ અસાધારણ. મુખ્યત્વે પૅન્ટામીટર અને બૅલડ મીટર પાસેથી કામ લીધું છે, એક પરાઈ પ્રજા અને એની સંસ્કૃતિ સાથે પ્રેમ, આદર અને સમભાવના સંબંધે એકતાર થયા વિના એની ભાષામાં કવિતા કરવી અશક્ય. મિજાજે કવિ હો તો પણ પરભાષામાં કવિતા સિદ્ધ કરવી એટલે એ ભાષાનું પરમ રહસ્ય સિદ્ધ કરવું. અને પ્રેમ વિના — શું ભાષાનું કે શું મનુષ્યનું — રહસ્ય સિદ્ધ કરવું અશક્ય. કૉનરેડ પછી જો કોઈ બિનઅંગ્રેજે અંગ્રેજી ભાષાને લાડ લડાવ્યાં હોય તો તે એકમાત્ર કાપેતાનાકિસે. જાણે આ ગ્રીક કવિ ‘દેવના દીધેલ’ને અંગ્રેજી ભાષાએ ‘માગી લીધેલ’ ન હોય! કાપેતાનાકિસની કવિતા એ અંગ્રેજ પ્રજા અને એની સંસ્કૃતિ પ્રત્યેના પોતાના પ્રેમનું ચિરંજીવ પ્રતીક છે. એનાં શ્રેષ્ઠ કાવ્યો એમાં યોજેલા યુરોપીય સાહિત્ય અને તત્ત્વચિંતનના સંભાર અને સંદર્ભને કારણે અને એમાં પ્રગટ થતા અંગત જીવનદર્શનને કારણે એટલે કે ગ્રીક જીવનદર્શનને કારણે જેટલાં સરલ છે એટલાં જ સંકુલ છે અને જેટલાં સંકુલ છે એટલાં જ સરલ છે. એકીસાથે સરલસંકુલ છે, કવિના શબ્દપ્રયોગની સહાયથી કહેવું હોય તો ‘cryptic message’ — ગૂઢ સંદેશ — જેવાં છે. આ સરલતા ગ્રીક સરલતા છે. નિરલંકૃત નરી સરલતા છે. કાવ્યો અંગ્રેજીમાં છે પણ એમાં જે સચોટતા છે તે ગ્રીક છે. અને ડ્રાયડન જેવા સવિશેષ અંગ્રેજ વિવેચકને પ્રિય એવી સચોટતા છે. કાવ્યો અંગ્રેજીમાં છે પણ એમાં જે સ્વચ્છતા, સ્પષ્ટતા ને સઘનતા છે તે સમસ્ત યુરોપને ભેટરૂપ એવી ગ્રીસની મૌલિક સ્વચ્છતા, સ્પષ્ટતા ને સઘનતા છે. એક જ શબ્દમાં કાપેતાનાકિસની સમગ્ર કાવ્યસિદ્ધિનો સાર આપવો હોય તો તે છે સંયમ. સમકાલીન યુરોપીય સાહિત્ય અને તત્ત્વચિંતનની એની જાણકારી વ્યાપક અને સૂક્ષ્મ હતી. યુરોપની સંસ્કૃતિનાં મૂળિયાં ગ્રીસમાં છે, ત્રણ હજાર વર્ષના ઇતિહાસના સંદર્ભમાં ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન અનુભવો દ્વારા ‘નામરૂપ જૂજવાં’ પણ અંતે તો એનું એ જ કરુણરસપ્રધાન માનવજીવન પ્રગટ થતું આવ્યું છે એમ સમકાલીન યુરોપીય સાહિત્ય અને તત્ત્વચિંતન અને એમાં નિષ્પન્ન થતા કરુણ અંગેનું એનું દર્શન છે. આ દર્શન એણે વિવેચનલેખોમાં પ્રગટ કર્યું છે. એમાં જે અંગ્રેજી કવિતા અને કવિલેખકો વિશેના વિવેચનલેખો છે એમાં સ્વયં અંગ્રેજોને પણ અપરિચિત એવી એમની પ્રતિભાનું રહસ્યોદ્ઘાટન કર્યું છે. અંગ્રેજોનાં બિનઅંગ્રેજોને ઊડીને આંખે વળગે એવાં જે લક્ષણો અને એમની સંસ્કૃતિની એવી જે લાક્ષણિકતાઓ છે એ પ્રત્યે અંગ્રેજોમાં ઉપેક્ષા અને ઉદાસીનતા હોય છે એ અંગ્રેજોની વિધિવક્રતા છે. પોતાની જે વસ્તુઓને બીજાઓ વહાલની નજરે જુએ તેને પોતે વહેમ ને વિરોધની નજરે જુએ એવી અંગ્રેજોની વિચિત્રતા છે. એનાથી કાપેતાનાકિસ પરિચિત હતો અને હવે આ વિવેચનલેખો દ્વારા એણે અંગ્રેજોને એનાથી પરિચિત કર્યા છે અને એથી અંગ્રેજો એના સદાયના કૃતજ્ઞ ને ઋણી રહેશે. પ્રથમ વિવેચનલેખ ‘રેંબો’ (ફ્રેન્ચ અને અંગ્રેજીમાં) લખ્યો પછી પ્રુસ્ત (ફ્રેન્ચમાં), શ્ટેફાન ગેઑર્ગ, દૉસ્તૉયેવ્સ્કી અને આધુનિક ગ્રીક કવિતા પર એમ કુલ પાંચ લેખો યુરોપીય સાહિત્ય વિશે લખ્યા. ટૉમસ ગ્રે, શાર્લૉટ બ્રૉન્ટે, કેટલાક સમકાલીન અંગ્રેજ લેખકો અને સમગ્ર અંગ્રેજી કવિતા વિશે એમ કુલ ચાર લેખો અંગ્રેજી સાહિત્ય વિશે લખ્યા. એક લેખ ગ્રીસની બહાર વસતા ગ્રીકો વિશેની બિનગ્રીકોની અણસમજ અને ગેરસમજ પર અને એક લેખ ગ્રીક ચિત્રકાર ઘીકા પર એમ બે બિનસાહિત્યિક લેખો લખ્યા. સાહિત્ય ઉપરાંત ચિત્ર, સંગીત આદિ લલિતકળાઓમાં અને ગ્રીસની બહાર વસતી ગ્રીક પ્રજામાં એને એટલો જ સજીવ રસ હતો, એટલી જ તીવ્ર જિજ્ઞાસા હતી. આમ, એના કુલ ૧૧ વિવેચનલેખો પ્રસિદ્ધ છે. એનામાં બુદ્ધિ અને લાગણીનું વિરલ ઐક્ય હોવાને કારણે એણે કદી લેખ લખવા ખાતર લખ્યો જ નથી. એના વિવેચનલેખોમાં પાંડિત્ય નથી, વિદ્વત્તા નથી, અનુભવ છે. પોતાના અંગત અનુભવના કે પારકાના અનુભવના, કોઈ કૃતિના કે કર્તાના હાર્દમાં પલકવારમાં પ્રવેશી જવાની એનામાં સહજ સહાનુભૂતિની અને કલ્પનાની શક્તિ હતી. વિવેચનલેખના વિષયવસ્તુ સાથે એનું એવું તાદાત્મ્ય હતું. અંગત અનુભવમાંથી જન્મતા તીવ્ર આધ્યાત્મિક સંઘર્ષોને સમજવાના પ્રયત્નરૂપ એના વિવેચનલેખો છે. પોતે અત્યંત સંવેદનશીલ અને સભાન મનુષ્ય એટલે માનવજીવનના અનુભવો — એનો અર્થ, એનું મૂલ્ય, એનું રહસ્ય એ સૌનો તાળો મેળવવા બહોળું વાચન અને ઊંડું મનન કરે. વળી એ વાચન-મનનને સમજવા નવું વાચન-મનન કરે. આમ, એની જિજ્ઞાસા અખૂટ હતી. એ બીજાના અનુભવ વિશે લખે ત્યારે પોતે એ અનુભવ જીવી જતો. એથી એના વિવેચનલેખો એ વિવેચનલેખો કરતાં વિશેષ તો તત્ત્વચિંતાને કારણે તત્ત્વચિંતનના લેખો કે આત્મકથાનાં પ્રકરણો છે. અથવા તો જીવનનાં અર્થ અને મૂલ્ય વિશેની એની ખોજ છે, એની આધ્યાત્મિક શોધ છે. લેખકે શું લખ્યું છે એ પરથી નહિ પણ એણે શું લખવા ધાર્યું હતું એ પરથી કોઈએ એની સર્જકતાનો ક્યાસ કાઢવો હોય તો એને કાપેતાનાકિસની સર્જકતાનો ક્યાસ કાઢવા અથવા તો સર્જન વિશેની કાપેતાનાકિસનો ઉત્સાહ અને ઉમંગ સમજવા આ યાદી ભેટ આપવી રહી  યુદ્ધકાલીન લંડન વિશેની નવલકથા. એક નાટક. એની નાટ્યાશક્તિનો પરિચય પ્રથમ કાવ્યમાં જ થાય છે. શેક્સ્પિયર પર એક વિવેચનગ્રંથ. અંગ્રેજી કવિતા પરના વિવેચનલેખમાં શેક્સ્પિયર વિશે જે પાંચ ટૂંકા પૅરેગ્રાફ છે એ પરથી શેક્સ્પિયરનાં નાટકો અને એમાં પ્રગટ થતા દર્શન વિશેની એની સૂઝસમજનો પરિચય થાય છે. ‘The Shores of Darkness’ (સમાનધર્મા અંગ્રેજ કવિ કીટ્સે ‘To Homer’ નામના એના સૉનેટમાં આ શબ્દપ્રયોગ કર્યો છે)ને નામે વિવેચન અને તત્ત્વચિંતનના દસ લેખોનો સંગ્રહ. એમાંથી રેંબો, શ્ટેફાન ગેઑર્ગ, દૉસ્તૉયેવ્સ્કી, અંગ્રેજી કવિતા અંગે એક દૃષ્ટિબિંદુ, આધુનિક ગ્રીક કવિતાનો પરિચય અને કેટલાક સમકાલીન લેખકો અંગે નોંધ — એમ છ લેખો લખ્યા હતા. પ્લેટો અને કિર્કેગાર્ડ પરના લેખો લખવા એમનાં પુસ્તકો, એની જુદી જુદી આવૃત્તિઓ, એમને અંગેનાં પુસ્તકો વસાવ્યાં અને વાંચ્યાં હતાં. એમાંથી લેખોમાં ટાંકવાની ઉક્તિઓનાં ટાંચણ કર્યાં હતાં. ‘The New World Quest’ નામે ઉત્તર અને દક્ષિણ બન્ને અમેરિકાના સાહિત્ય પરનો લેખ લખવાની તૈયારી રૂપે ટૉમસ વુલ્ફની નવલકથાઓ અને એદુવાર્દો મેલીઆના વિવેચનલેખોનું વાચન કર્યું હતું. અમેરિકા જવાનો વિચાર પણ કર્યો હતો. અને ‘Friendship’ પરનો લેખ તો એ સતત જીવી રહ્યો હતો. લંડનમાં કામ કરતી નિર્વાસિત ગ્રીક સરકારના માહિતીખાતાના એક અધિકૃત કાર્યકર તરીકે ગ્રીસ વિશે જે વ્યાખ્યાનો આપ્યાં એ પરથી યુદ્ધવિરામ પછી એવાં વ્યાખ્યાનો આપવાનું લંડન યુનિવર્સિટીનું એને આમંત્રણ હતું. એટલે એ વ્યાખ્યાનોનો સંગ્રહ. પોતાને અતિપ્રિય એવા સ્પૅનિશ રહસ્યવાદીઓ પર એક પુસ્તક. ફ્રેન્ચ સાહિત્ય પર એક પુસ્તક. મૃત્યુ સમયે જ્યારે ગ્રીક પુસ્તકો વાંચી શકતો ન હતો ત્યારે પણ પોતે જેને ‘અદ્ભુત પુસ્તક’ કહીને નવાજી એવી ‘Our Mutual Friends’ નવલકથાના સર્જક ડિકિન્સ પર એક પુસ્તક. અને એવાં એવાં કેટલાંય વિવેચનલેખો અને પુસ્તકો. મૃત્યુ પૂર્વે હૉસ્પિટલમાં જતાં જતાં લંડન વિશેના એક લાંબા કાવ્યનો નાશ કર્યો હતો. એક-બે અર્ધપંક્તિઓ હસ્તપ્રતમાં છે. ‘History’ નામે કાવ્યના કેટલાક શ્લોકો હસ્તપ્રતમાં છે અને એવાં એવાં કેટલાંય કાવ્યો… જે હવે મૌનના ગર્ભમાં છે. એટલે એ વિશે મૌન!

૧૯૬૩

*