સ્વાધ્યાયલોક—૩/ઈનીડ — રોમન સંસ્કૃતિનું મહાકાવ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘ઈનીડ’ — રોમન સંસ્કૃતિનું મહાકાવ્ય

૧૯૮૨ના આરંભમાં ‘કવિલોક’ના તંત્રીએ ‘મહાકાવ્ય વિશેષાંક’ માટે રોમન મહાકવિ વર્જિલના મહાકાવ્ય ‘ઈનીડ’ પર લેખ લખવાનું મને આમંત્રણ આપ્યું. એટલે તરત જ પ્રથમ તો મેં ‘ઈનીડ’નું — અલબત્ત, અંગ્રેજી અનુવાદમાં — એક વાર વાચન કર્યું. હજુ તો વાચન પૂરું થાય ત્યાં જ મેં યુરોપનાં ચાર મહાનગરો — લંડન, પૅરિસ, રોમ અને ઍથેન્સ –નો પ્રવાસ કરવાનો નિર્ણય કર્યો. એટલે ‘ઈનીડ’ પરનો લેખ રોમનો પ્રવાસ કર્યા પછી જ લખવાનું વિચાર્યું. ૧૯૮૨ના ઑક્ટોબરની ૧૬મીથી ૨૫મી લગી દસેક દિવસ હું રોમમાં હતો. આમ તો ‘ઈનીડ’ ને સમગ્ર રોમન સામ્રાજ્ય — બલકે સમગ્ર વિશ્વ સાથે સંબંધ છે. પણ ‘ઈનીડ’ને જેમની સાથે સવિશેષ સંબંધ છે એવાં અસંખ્ય સ્થળો અને સ્મારકોના અવશેષો રોમમાં આજે પણ અસ્તિત્વમાં છે. એમાંથી કેટલાક મુખ્ય અને મહત્ત્વપૂર્ણ અવશેષોનો પ્રત્યક્ષ પરિચય કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. એથી અહીં આ લેખના આરંભે જ વાચકોને પણ એ અવશેષોનો શાબ્દિક પરિચય કરાવું તો વર્જિલની મહાકવિ તરીકેની પ્રતિભા અને ‘ઈનીડ’નું મહાકાવ્ય તરીકેનું સ્વરૂપ સમજવામાં સહાય થાય એવી આશા છે. ૧૬મીએ સવારે પૅરિસથી ઍર ફ્રાંસના વિમાનમાં હું રોમ ગયો. બપોરે રોમ આવ્યો. વિમાનમાંથી પ્રથમ દર્શન સેન્ટ પીટરનું થયું હતું અને દસે દિવસ રોમની ઉત્તરપશ્ચિમ દિશામાં ટાઈબર નદીની જમણી બાજુના વિસ્તારમાં વૅટિકન સિટીની દક્ષિણપૂર્વ દિશામાં સેન્ટ પીટરની અત્યંત નિકટ ફોર્નાસીના સાન્તા મારિઆના ચોક (Piazza Santa Maria della Fornaci) પરના એક પાંસિઓં (pensione) પાદ્રી ત્રિનિતારી (Padri Trinitari)માં રહ્યો હતો. ૧૬મીએ બપોરે રોમ આવ્યો હતો અને ઑક્ટોબર હતો એટલે સૂર્યાસ્ત સાંજના પાંચેક વાગ્યે થતો હતો એથી એ દિવસે તો સેન્ટ પીટર અત્યંત નિકટ હતું એટલે માત્ર સેન્ટ પીટરના દેવળમાં અને ચોકમાં જ ફર્યો. પણ પછી બાકીના દિવસોએ હું સવારથી સાંજ લગી પગવાટે રોમના વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો. રોમના મધ્યભાગમાં અત્યંત પ્રસિદ્ધ અને રોમવાસીઓને અત્યંત પ્રિય એવો એક વિશાળ ચોક છે ઃ વેનેઝિઆ ચોક (Piazza Venezia) અહીંથી રોમના અનેક રાજમાર્ગોનો આરંભ થાય છે. મેં રોજ ત્યાંથી ફરવાનો આરંભ કર્યો હતો. રોજ સવારે નવેક વાગ્યે પાંસિઓંથી સેન્ટ પીટરના ચોકમાંથી કોન્સિલિઆઝિઓનીના માર્ગ (Via del-la Conciliazione) પરથી ટાઈબર નદીના તટ પર આવી જતો હતો. ત્યાંથી વિત્તોરિયો ઈમાન્યુએલ દ્વિતીયના પુલ (Ponte Vittorio Emanuele II) પરથી ટાઈબર પાર કરીને વિત્તોરિયો ઈમાન્યુએલ દ્વિતીયના રાજમાર્ગ (Corso Vittorio Emanuele II) પરથી વેનેઝિઆ ચોક પર આવી જતો હતો. ૧૭મીએ હું કૅપિટોલની ટેકરી (Capitolium) અને ઇમ્પીરિઅલ ફોરમોનો માર્ગ (Via dei Fori Imperiali) એમ બે વિસ્તારોમાં ફર્યો. વેનેઝિઆ ચોકથી દક્ષિણપશ્ચિમ દિશામાં એક રાજમાર્ગનો આરંભ થાય છે ઃ માર્સેલ્લોના થિયેટરનો માર્ગ (Via del Teatro di Marcello). આ માર્ગની ડાબી બાજુ પર કૅપિટોલની ટેકરી છે. આ ટેકરીની દક્ષિણ દિશાની ટોચ પર ચડવા માટેનાં પગથિયાં (Cordonata) અને એ ટોચ પરનો કામ્પિડોગ્લિઓનો ચોક (Piazza del Cam-pidoglio — લૅટિન શબ્દ Capitolium માટે ઇટાલિઅન શબ્દ Campidoglio છે) તથા એ ચોકની ત્રણ બાજુના ત્રણ પ્રાસાદો ઃ પગથિયાં ચડ્યા પછી સામે સેનેટનો પ્રાસાદ (Palazzo Senatorio), ડાબી બાજુ નૂતન પ્રાસાદ (Palazzo Nuovo), જમણી બાજુ કૅન્ઝર્વાતોરીનો પ્રાસાદ (Palazzo dei Conservatori) અને એ ચોકની ભવ્ય તારકઆકારની ભોંય-સમગ્રનું આલેખન (design) એ મિકેલઍન્જેલોનું સર્જન છે. આ ચોકની વચ્ચોવચ અશ્વસ્વાર એવા માર્કસ ઑરેલિયસની પ્રતિમા છે. (આ પ્રતિમા ૧૯૮૨માં સંમાર્જન માટે અહીંથી ખસેડવામાં આવી છે. હું એ જોઈ શક્યો નહિ. પણ ૧૯૮૩માં એની અહીં પુનઃસ્થાપના કરવામાં આવશે.) કૅપિટોલની ટેકરીની ઉત્તર દિશાની વધુ ઊંચી ટોચ પર સાન્તા મારિઆ દારાકોઈલી (Santa Maria D’Aracoeli)નું દેવળ છે. સાત ટેકરીઓ — Capitolium, Palatinus, Aventinus, Caelius, Esquilinus, Viminalis, Quirinalis — ના સમન્વયમાંથી રોમનું સર્જન થયું છે. આ સાત ટેકરીઓમાં કૅપિટોલની ટેકરી સૌથી નાની ટેકરી છે, પણ રોમના સમગ્ર ઇતિહાસમાં એનો સૌથી વિશેષ મહિમા છે. કારણ કે આ ટેકરીની દક્ષિણ દિશાની ટોચ પર આજે જ્યાં કોન્ઝવૉંતોરીનો પ્રાસાદ છે ત્યાં એના પાછળના ભાગને સ્થળે પ્રાચીન કાળ (ઈ.પૂ. ૫૦૯થી ઈ. ૪૫૫)માં રોમન પ્રજાના સર્વશ્રેષ્ઠ દેવ જ્યૂપિટરનું દેવળ હતું. આમ, આઠસો વરસ લગી આ ટેકરી એ પ્રજાસત્તાકવાદી રોમ અને સામ્રાજ્યવાદી રોમમાં ધર્મનું કેન્દ્ર હતી. આ અગાઉ ઈ. પૂ. ૮૦૦-૭૦૦ના સમયમાં આ ટેકરી પર ઍટ્રુસ્કન જાતિ વસી હતી. ત્યારે પણ આ ટેકરી એ જાતિનું ધર્મસ્થાન હતી. ત્યારે આ ટેકરી પર સમૃદ્ધ દેવળ નહિ હોય પણ દેવળ તો હશે જ. અને એમાં સમૃદ્ધમાં સમૃદ્ધ એટલે કે દેવોના દેવ, દેવાધિદેવ જ્યૂપિટરની દેવ તરીકે સ્થાપના કરવામાં આવી હશે. આમ, રોમન પ્રજામાં ધન, સત્તા અને કીર્તિ પ્રાપ્ત થાય તે પૂર્વે જ પ્રબળ ધર્મશ્રદ્ધા હતી. સદાચાર અને ધર્મનું શિક્ષણ એમને દેવાધિદેવ જ્યૂપિટર પાસેથી પ્રાપ્ત થયું હતું. ટાઈબર નદીના ડાબા તટ પર સાત ટેકરીઓ પરનાં નાનાં નાનાં નમ્ર ગામોમાંથી રોમનું અને અંતે રોમન સામ્રાજ્યનું સર્જન થયું એ પણ દેવાધિદેવ જ્યૂપિટરનું અનિરુદ્ધ એવું વિધિનિર્માણ હતું. રોમનો અને ‘ઈનીડ’ના કાવ્યવસ્તુનો આરંભ જ આ વિધિનિર્માણથી થાય છે. આમ, આ ટેકરી આરંભથી જ એક પવિત્ર ટેકરી હતી. એથી જ એનું કૅપિટોલિયમ એવું નામાભિધાન કરવામાં આવ્યું હશે. કૅપિટોલિયમનો અર્થ થાય છે મસ્તિષ્ક; મુખ્ય, અગ્રણી, ઉચ્ચ સ્થાન. એથી જ પછીથી આ ટેકરી પર રોમના ઍટ્રુસ્કન જાતિના સાતમા અને અંતિમ રાજા ટાર્કિવને એક ભવ્ય સુંદર દેવળ રચાવ્યું હતું. એ દેવળ ઈ. પૂ. ૫૦૯ના સપ્ટેમ્બરની ૧૩મીએ જ્યૂપિટરને અર્પણ કરવામાં આવ્યું હતું. એ દેવળ ઍટ્રુસ્કન શૈલીનું દેવળ હતું. એ ૬૧-૬૨ મીટર લાંબું અને ૫૭-૧૭ મીટર પહોળું હતું. એમાં પૂર્વભાગમાં ત્રણ સ્તંભમાલા હતી. એના ગર્ભદ્વારમાં ત્રણ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. વચમાં જ્યૂપિટરની ભવ્યસુંદર મૂર્તિ હતી. એની ડાબી બાજુ એમના પત્ની જ્યૂનોની મૂર્તિ હતી. એની જમણી બાજુ મિનર્વાની મૂર્તિ હતી. જ્યૂપિટરની મૂર્તિ સુવર્ણ અને હાથીદાંતથી મઢવામાં આવી હતી. આ દેવળને પણ આરસ અને સુવર્ણથી મઢવામાં આવ્યું હતું. એનું શિખર પણ સુવર્ણથી મઢવામાં આવ્યું હતું. કૅપિટોલિયમના આ ઉન્નત અને ઉજ્જવળ સુવર્ણમંડિત દેવળને કારણે જ પછીથી રોમ સુવર્ણનગરી — Golden City તરીકે પ્રસિદ્ધ થયું હશે. ઈ. પૂ. ૮૩ના જુલાઈની ૬ઠ્ઠીએ કોઈ અનામી દુરિજને આ દેવળને આગમાં ભસ્મીભૂત કર્યું હતું. પછી પણ બે વાર આગ લાગી હતી. એથી ઈ. પૂ. ૪૬થી ૮૨ લગીના એક સૈકા સુધીમાં સુલ્લા, સીઝર, ઑગસ્ટસ, વૅસ્પાસિઅન તથા ડોમિશિઅન એમ પાંચ મહાજનોએ એનો પુનરુદ્ધાર કર્યો હતો. ત્યારે એમાં મહાન ગ્રીક શિલ્પી ફિડિઆસ સર્જિત ઑલીમ્પિયન જ્યૂપિટરની મૂર્તિના અનુકરણમાં જ્યૂપિટરની મૂર્તિ રચવામાં આવી હતી. આ સમયમાં જ્યૂપિટરના દેવળનો જેમ જેમ પુનરુદ્ધાર થતો ગયો તેમ તેમ એ દેવળ વધુ ને વધુ વિશાળ અને વૈભવવન્તુ થતું ગયું હતું. અંતે ઈ. ૪૫૫ના જૂનમાં આફ્રિકાના બર્બરોએ એનો નાશ કર્યો હતો અને જ્યૂપિટરની મૂર્તિને તેઓ એમના નેતાના નિવાસસ્થાનને શોભાવવા માટે આફ્રિકા લાવ્યા હતા. જ્યૂપિટરના દેવળમાં પ્રવેશ માટે કૅપિટોલની ટેકરીની દક્ષિણ દિશાની તળેટીમાં કૅપિટોલના ઢાળ (Clivus Capito-linus) પર પવિત્ર પગથિયાં (Scala Santa)નો એકમાત્ર માર્ગ હતો. સીઝર અને ક્લૉડિયસ જ્યારે જ્યારે જ્યૂપિટરના દેવળમાં પૂજા અને પ્રાર્થના માટે ગયા હતા ત્યારે ત્યારે આ પગથિયાં ઘૂંટણિયે પડીને ચડ્યા હતા. વિજયયાત્રા એ રોમના ઇતિહાસમાં સૌથી વધુ ભવ્ય અને પવિત્ર વિધિ હતો. પ્રત્યેક યુદ્ધ એ રોમન પ્રજા માટે ધાર્મિક યુદ્ધ હતું અને યુદ્ધમાં વિજય એ જ્યૂપિટરનો અનુગ્રહ હતો. એથી પ્રત્યેક યુદ્ધને અંતે યુદ્ધમાં વિજય અપાવવા માટે જ્યૂપિટર પ્રત્યે આભાર અને કૃતજ્ઞતા પ્રકટ કરવા પૂજા, પ્રાર્થના અને વિજયયાત્રાનો પરંપરાગત વિધિ યોજવામાં આવતો હતો. કૅપિટોલની ટેકરીની દક્ષિણ દિશામાં અને પૅલેટિનની ટેકરીની પૂર્વ દિશામાં રોમન ચોક (Foro Roma-no) હતો. આ ચોકની પૂર્વ દિશામાં એક મોટો માર્ગ હતો. રોમન ચોકનો આ મુખ્ય માર્ગ હતો અને દક્ષિણ દિશામાં એનો આરંભ અને ઉત્તર દિશામાં એનો અંત હતો. આ માર્ગ પર વિજયયાત્રાનું આયોજન થતું હતું. એથી એનું પવિત્ર માર્ગ (Sacra Via) એવું નામાભિધાન કરવામાં આવ્યું હતું. આ વિજયયાત્રા પ્રસંગે સેનાપતિએ હંમેશાં લાલ અને સોનેરી રંગનો જાજરમાન ઝભ્ભો(robe) તથા જેમાં વિજયનું નિરૂપણ થયું હોય એવી ચિત્રાકૃતિઓથી સુશોભિત બંડી (tunic) અને માથે સુવર્ણનો મુકુટ ધારણ કર્યો હોય. એમનું મુખ હમેશાં લાલ રંગે રંગ્યું હોય. ચાર અશ્વોના રથમાં એમનું આસન હોય. વિજયયાત્રામાં સેનાપતિની પછી સૈનિકો હોય, સૈનિકો ગીતો, મુખ્યત્વે સેનાપતિની મજાકમશ્કરીનાં ગીતો ગાય, સૈનિકોની પછી યુદ્ધના પુરસ્કારરૂપ પરાજિત પ્રદેશ અને પ્રજાની મૂલ્યવાન ચીજવસ્તુઓ હોય, એની પછી પરાજિત સેનાપતિ અને સૈનિકો હોય, એમની પછી પુરોહિત, નટો, ગાયકો અને નર્તકો હોય, એમની પછી રોમન સેનાપતિ અને સૈનિકોનાં કુટુંબીજનો અને મિત્રો હોય. પવિત્ર માર્ગના ઉત્તરપશ્ચિમ દિશાના ખૂણા પર કૅપિટોલના ઢાળ પાસે આ વિજયયાત્રાનું વિસર્જન થાય. પરાજિત સેનાપતિ ને સૈનિકો કારાગારમાં જાય અને રોમન સૈનિકો વિજયોત્સવ માટે નગરમાં જાય. રોમન સેનાપતિ પુરોહિત સાથે જ્યૂપિટરના દેવળમાં જાય અને ત્યાં જ્યૂપિટરને પૂજા-પ્રાર્થના થાય તથા શ્વેત વૃષભોનો બલિ અર્પણ થાય. આ હતો વિજયયાત્રાનો ઉપક્રમ. જેમ જીવનના અન્ય એકેએક ક્ષેત્રમાં તેમ રોમન પ્રજાના આ વિજયયાત્રાના વિધિમાં પણ યુદ્ધને અંતે યુદ્ધમાં વિજય અપાવવા માટે દેવ પ્રત્યે આભાર અને કૃતજ્ઞતા પ્રકટ કરવાના વિધિની ગ્રીક પરંપરાનું અનુસંધાન હતું. સામ્રાજ્યવાદી રોમના સમયમાં, ઈ. પૂ. ૨૭થી ઈ. ૪૭૬ના સમયમાં, પાંચસો વરસ લગી પૅલેટિનની ટેકરીનો સવિશેષ મહિમા હતો. ત્યારે પૅલેટિનની ટેકરી એ રાજકારણનું, રાજ્યનું કેન્દ્ર હતી. એથી કૅપિટોલની ટેકરી અને પૅલેટિનની ટેકરી વચ્ચે, ધર્મ અને રાજ્યની વચ્ચે સ્પર્ધા હતી. ત્યારે પાગલ રોમન સમ્રાટ કૅલિગ્યુલાએ તો પોતે જ દેવ છે એવો જ્યૂપિટરનો પ્રતિકાર કર્યો હતો. એટલે જે માર્ગ પરથી મનુષ્યો જ્યૂપિટરના દેવળમાં જાય એ માર્ગ પરથી પોતે હવે નહિ જાય એવો એમણે નિર્ણય કર્યો હતો અને પોતાના પ્રતિસ્પર્ધી જ્યૂપિટર પાસે જવા માટે પૅલેટિનની ટેકરી અને કૅપિટલની ટેકરી વચ્ચે એક સ્વતંત્ર સેતુ રચ્યો હતો. પછીના એક સમ્રાટે તો જ્યૂપિટરના પર્યાયરૂપ એવું જ નામ ધારણ કર્યું હતું અને પોતાનો પ્રાસાદ જ્યૂપિટરના દેવળથી પણ વિશેષ પવિત્ર છે એવું અહમ્‌વાક્ય ઉચ્ચાર્યું હતું. પોતે જાણે સવાયા જ્યૂપિટર ન હોય ! જો કે ત્યારે પણ જ્યૂપિટરનું દેવળ તો પૂર્વવત્ જ પવિત્ર અને પ્રભાવશાળી રહ્યું હતું. ઈ. ૪૫૫ના જૂનમાં આફ્રિકાના બર્બરોએ એનો નાશ કર્યો અને પછી ખ્રિસ્તી યુગમાં રોમમાં બિનખ્રિસ્તી દેવળો પર પ્રતિબંધ હતો એથી કૅપિટોલની ટેકરી માત્ર એક એકાન્તસૂના અવશેષરૂપ જ હતી. મધ્યકાલીન યુગમાં તો એની ‘બકરાંની ટેકરી’ (Monte Caprino) તરીકેની ખ્યાતિ હતી. જો કે ત્યારે પણ એની પૂર્વકીર્તિ અને પવિત્રતા તો રોમન પ્રજાની સ્મૃતિમાં સુરક્ષિત જ હતી. એથી જ પુનરુત્થાન યુગમાં, રોમન ઇતિહાસમાં દ્વિતીય સુવર્ણ યુગમાં જ્યારે મિકેલઍન્જેલોને રોમના કોઈ જાહેર સ્થળમાં એક સૌદર્યધામનું સર્જન કરવાની મહેચ્છા હતી ત્યારે એમણે કૅપિટોલની ટેકરી પર કામ્પિડોગ્લિઓનો ચોક અને એનાં પગથિયાં તથા ત્રણ પ્રાસાદોનું સર્જન કર્યું હતું. આમ, મિકેલઍન્જેલો તો ખ્રિસ્તી એટલે એમને કદાચ કૅપિટોલની ટેકરીની પૂર્વકાલીન પવિત્રતાનો એટલો અનુભવ ન થયો હોય, પણ એ પ્રતિભાશાળી કલાકાર એટલે એમને એની ભવ્યતા અને સુન્દરતાનો તો એટલો જ અનુભવ થયો હશે. કામ્પિડોગ્લિઓના ચોકમાં વચ્ચોવચ અશ્વસ્વાર એવા રોમન સમ્રાટ અને ઉદાત્ત ચિન્તક માર્કસ ઑરોલિયસની પ્રતિમા છે. મિકેલઍન્જેલોને આ ચોકમાં વચ્ચોવચ આ સમગ્ર સૌંદર્યધામના કેન્દ્રરૂપ એક સુન્દરતમ પ્રતિમાની સ્થાપના કરવી હતી. સમગ્ર રોમમાંથી આ બિનખ્રિસ્તી વ્યક્તિની પ્રતિમા એમની સૌંદર્યપારખુ દૃષ્ટિમાં વસી હતી. આ પ્રતિમાનો રોમાંચક ઇતિહાસ છે. આરંભમાં ઝનૂની ખ્રિસ્તીઓએ જ્યારે રોમની અન્ય સૌ બિનખ્રિસ્તી વ્યક્તિઓની પ્રતિમાઓનો નાશ કર્યો હતો ત્યારે એક આ પ્રતિમા સુરક્ષિત હતી. કારણ કે એમણે ભૂલથી કે ભ્રમથી આ પ્રતિમા એ પ્રથમ ખ્રિસ્તી રોમન સમ્રાટ કૉન્સ્ટેન્ટાઈનની પ્રતિમા છે એમ માન્યું હતું. એથી સૈકાઓ લગી આ પ્રતિમા રોમમાં સેન્ટ જ્હૉન લેટરાનના દેવળની પાસે સુરક્ષિત હતી અને રોમના કેન્દ્રીય સીમાચિહ્ન રૂપે પ્રસિદ્ધ હતી. મિકેલઍન્જેલોએ દેવળના અધિકારીઓ પાસેથી મહાપ્રયત્ને એ પ્રાપ્ત કરી હતી. સેન્ટ પીટરના દેવળ પરના ઘુમ્મટના જેટલી આ ચોકમાં આ પ્રતિમાની સહજતા અને અનિવાર્યતા સિદ્ધ થાય એમ એમણે એમના અંગત નિદર્શનથી એની સ્થાપના કરી હતી. સ્થાપના પછી એમના આ સ્થાપત્યથી એ એટલા તો પ્રસન્ન હતા કે એ સમ્રાટના અશ્વ પર સ્વાર થયા હતા અને અશ્વને ગતિ કરવાનો આદેશ આપ્યો હતો. આ સંપૂર્ણપણે નક્કર સુવર્ણની પ્રતિમા છે એવી માન્યતા છે. અને એની પર લીલા રંગનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. આ ઢોળ જ્યારે સંપૂર્ણપણે ઊતરી જશે ત્યારે રોમનો નાશ થશે અને રોમનો નાશ એટલે જગતનો નાશ થશે એવી રોમન પ્રજામાં આ પ્રતિમા વિશે માન્યતા હતી. આ ચોકમાં પગથિયાં ચડ્યા પછી સામે ‘સેનેટનો પ્રાસાદ’ છે. ઈ. પૂ. ૭૮માં આ સ્થળે સામ્રાજ્યવાદી રોમના દસ્તાવેજોના સંરક્ષણ અર્થે એક સંગ્રહાલય (Tab ularium) રચવામાં આવ્યો હતો. આજે પણ આ પ્રાસાદમાં રોમના નગરપતિ અને નગરપ્રતિનિધિઓ-નગરસેવકોની કચેરી છે. આમ, આ પ્રાસાદમાં પ્રાચીન સાથે અર્વાચીનનું અનુસંધાન સિદ્ધ થયું છે. વળી, પ્રતિવર્ષ આ ચોકમાં આ પ્રાસાદની સન્મુખ રોમની પ્રજા રોમની જન્મતિથિ એપ્રિલની ૨૧મીએ રોમની સ્થાપનાનો રાષ્ટ્રીય ઉત્સવ યોજે છે. આ ચોકમાં પગથિયાં ચડ્યા પછી ડાબી બાજુ પર ‘નૂતન પ્રાસાદ’ છે. એમાં કૅપિટોલનું સંગ્રહસ્થાન (Museo Capitio-lini) રચવામાં આવ્યું છે. જગતનું આ જૂનામાં જૂનું જાહેર સંગ્રહસ્થાન છે. એમાં પહેલા માળ પર ખંડ ૨ એ ‘સમ્રાટોનો ખંડ’ છે, એમાં સીઝર વગેરે રોમન સમ્રાટો તથા સિસેરો આદિની કુલ ૬૫ પ્રતિમાઓ છે. એમાં યુવાન ઑગસ્ટસની બે પ્રતિમાઓ છે ઃ એક ઍક્ટિયમના યુદ્ધ(ઈ. પૂ. ૩૧)ના સમયની પ્રતિમા છે અને એક સમ્રાટપદ ધારણ કર્યું તે સમય(ઈ. પૂ. ૨૭)ની પ્રતિમા છે. આ ચોકમાં પગથિયાં ચડ્યા પછી જમણી બાજુ કૉન્ઝર્વાતોરીનો પ્રાસાદ છે. ઈ. ૧૫મી સદીમાં કૅપિટોલની ટેકરી પરથી રોમનું શાસન થાય એ માટે, રોમના શાસકો, અધિકારીઓ તથા વડીલો માટે આ પ્રાસાદ રચવામાં આવ્યો હતો. પછીથી ઈ. ૧૫૬૮માં મિકેલઍન્જેલોના ચિત્રાંકન પ્રમાણે એની પુનઃરચના કરવામાં આવી હતી. મિકેલઍન્જેલોના જ ચિત્રાંકન પ્રમાણે ત્યાર પછી ઈ. ૧૫૮૨-૧૬૦૫માં સેનેટરોનો પ્રાસાદ તથા ઈ. ૧૬૫૪માં સમગ્ર સ્થાપત્યની સમતુલા અને સંવાદિતા માટે કૉન્ઝર્વાતોરીના પ્રાસાદની બરોબર સામે સમરૂપ એવા નૂતન પ્રાસાદની રચના કરવામાં આવી હતી. કૉન્ઝર્વાતોરીના પ્રાસાદમાં એક ભવ્ય સંગ્રહાલય છે. એમાં પ્રાચીન અને અર્વાચીન વચ્ચે સવિશેષ અનુસંધાન સિદ્ધ થયું છે. પહેલે માળે જવાના દાદરની સામે જમણી બાજુ પર ખૂણામાં ઈ. ૧૭૬ના સમયની ચાર અશ્વોના રથમાં વિજેતા સમ્રાટ માર્કસ ઑરેલિયસની પ્રતિમા છે. પહેલે માળે ખંડ ૩માં ઈ. પૂ. ૫૦૯માં પ્રજાસત્તાક રોમના સ્થાપક બુ્રટસની પ્રતિમા છે. ખંડ ૪માં ઈ. પૂ. પમી સદીના સમયની માદા વરુ તથા રોમ્યુલસ અને રૅમસ — બે જોડિયા ભાઈઓની કોઈ અનામી ઍટ્રુસ્કન કે ગ્રીક શિલ્પીસર્જિત કાંસાની પ્રસિદ્ધ કલાત્મક પ્રતિમા છે. પ્રતિમામાં માદા વરુ આંખો અને દાંત કાઢે છે, જાણે કે શત્રુઓથી બે જોડિયા ભાઈઓનું રક્ષણ કરે છે ! વળી એમને સ્તનપાન કરાવે છે, એમનું પોષણ કરે છે ! અસલ માત્ર માદા વરુની પ્રતિમા હશે, એમાં બે જોડિયા ભાઈઓની પ્રતિમા એ ઈ. ૧૫મી સદીમાં પોલેઓલોનું ઉમેરણ છે. આ પ્રતિમા આરંભમાં પૅલેટિનની ટેકરીની (પશ્ચિમ દિશાની ?) તળેટીમાં એક નાનકડા દેવળમાં હતી. પછી ઈ. પૂ. ૨૯૬માં કૅપિટોલની ટેકરી પર એની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી એ લૅટેરાનના પ્રાસાદમાં સુરક્ષિત હતી. હવે એ આ સંગ્રહાલયમાં છે. સિસેરોએ નોંધ્યું છે કે એની પર વીજળી પડી હતી. માદા વરુના પાછલા પગ પાસે એમાં એક તડ પડી છે. આ પ્રતિમા — માદા વરુની આકૃતિ — એ પરંપરાથી રોમનું વિધિપુરઃસરનું ઔપચારિક પ્રતીક છે. રોમ્યુલસ વિશે એક પુરાણકથા છે. એણે ઈ. પૂ. ૭૫૩ના એપ્રિલની ૨૧મીએ રોમની સ્થાપના કરી હતી. ‘ઈનીડ’નો નાયક ઈનીઍસ. એનો સમય ઈ. પૂ. ૧૧-૧૨મી સદી. આમ, અંતે ત્રણસો વરસે રોમ વિશેનું વિધિનિર્માણ સિદ્ધ થયું હતું, ઈનીઍસે મધ્ય ઇટલીમાં પશ્ચિમ દિશામાં લૅટિયમમાં લૅવિનિયમની સ્થાપના કરી હતી. ઈનીઍસનો પુત્ર ઍસ્કાનિયસ. એણે આજે જે સ્થળે રોમ છે તે સ્થળની નિકટ દક્ષિણપૂર્વ દિશામાં આલ્બાની ટેકરીઓ પર આલ્બા લૉન્ગાની સ્થાપના કરી હતી. પછી એના વંશજ રોમ્યુલસે પૅલેટિનની ટેકરી પર રોમની સ્થાપના કરી હતી. તે પૂર્વે ઈનીઍસના મિત્ર ઇવાન્ડરે પણ પૅલેટિનની ટેકરી પર જ પૅલેન્ટિયમની સ્થાપના કરી હતી. ઈનીઍસના એક વંશજ આલ્બા લૉન્ગાના રાજા ન્યૂમિટરને એના નાના ભાઈ ઍમ્યુલિયસે દેશવટો આપ્યો હતો અને એની પુત્રી રીઆ સિલ્વિયાને દેવી વેસ્ટાની ચિરકૌમાર્યવંતી પૂજારિણી થવાની ફરજ પાડી હતી. પછી દેવ માર્સે રીઆ સિલ્વિયા પર બળાત્કાર કર્યો હતો એથી રીઆ સિલ્વિયાએ બે દૈવી જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો. આ બે જોડિયા પુત્રો તે રોમ્યુલસ અને રૅમસ. પછી ઍમ્યુલિયસે રીઆ સિલ્વિયાને કારાગારમાં નાખી હતી અને રોમ્યુલસ તથા રૅમસને ટાઈબર નદીમાં નાખ્યા હતા. પણ ટાઈબર નદીએ એમને પોતાના વામ તટ પર પૅલેટિનની ટેકરીની તળેટીમાં નાખ્યા હતા. પછી એક માદા વરુએ રોમ્યુલસ અને રૅમસનું રક્ષણ કર્યું હતું અને એમને સ્તનપાન કરાવ્યું હતું અને પોષણ આપ્યું હતું. પછી ફૉસ્ટ્યુલસ નામના એક ભરવાડે એમને માદા વરુ પાસેથી મુક્ત કરાવીને પોતાની ઝૂંપડીમાં રક્ષણ આપ્યું હતું અને એની પત્ની લારેન્શિયાએ એમનું પાલનપોષણ કર્યું હતું. મોટા થયા પછી આ જોડિયા ભાઈઓએ ઍમ્યુલિયસને મારીને એમના પિતામહ ન્યૂમિટરની આલ્બા લૉન્ગાના સિંહાસન પર પુનઃપ્રતિષ્ઠા કરી હતી, અને એ નવા નગરની સ્થાપના કરી હતી. પછી આ જોડિયા ભાઈઓ વચ્ચે વર્ચસ્‌ માટે સંઘર્ષ થયો હતો. એમાં રોમ્યુલસે રૅમસની હત્યા કરી હતી. અને આ નગર પર પોતાનું વર્ચસ્ સ્થાપ્યું હતું અને પોતાના નામ પરથી એનું રોમ એવું નામાભિધાન કર્યું હતું. (રોમ નામાભિધાન માટે અન્ય ત્રણેક અનુમાનો પણ છે. રોમનો અર્થ થાય છે ‘નદીનું નગર’. ટાઈબર નદીના તટ પર વસ્યું છે માટે ‘નદીનું નગર’ રોમ. એક પ્રસિદ્ધ ઍટ્રુસ્કન રાજા રુમા (Ruma)ના નામ પરથી રોમ. ગ્રીક શબ્દ Romeનો અર્થ થાય છે સામર્થ્ય, પ્રતાપ એથી ‘રોમે’ શબ્દ પરથી રોમ) રોમ્યુલસે લૅટિન જાતિના અનેક નિર્વાસિતોને રોમમાં વસાવ્યા હતા. અને કૅપિટોલની ટેકરી પર એક આશ્રયસ્થાન પણ રચાવ્યું હતું. વળી, એમને માટે પત્નીઓ તરીકે પૅલેટિનની ટેકરીની ઉત્તર દિશામાં નિકટની કિવરિનલની ટેકરી પરની સૅબાઈન જાતિની કન્યાઓનું અપહરણ કર્યું હતું. એથી સૅબાઈન જાતિના નેતા ટાઇટસ ટૅટિયસ અને રોમ્યુલસ વચ્ચે સંઘર્ષ થયો હતો. પણ લૅટિન જાતિ અને સૅબાઈન જાતિ એક જ દેવી–ગૃહદેવી વેસ્ટા–ની પૂજક હતી એથી અંતે આ બન્ને જાતિઓ વચ્ચે સમાધાન થયું હતું. રોમ્યુલસે રોમમાં ચાલીસેક વરસ રાજ્ય કર્યું હતું. અંતે કૅમ્પસ માર્ટિયસના વિસ્તારમાં એક વંટોળિયામાં રોમ્યુલસ અલોપ થયો હતો અથવા તો અન્ય એક પુરાણકથા પ્રમાણે એનું સ્વર્ગારોહણ થયું હતું. પછી કિવરિનલ ટેકરી પરના સૅબાઈન જાતિના દેવ કિવરિનસ સાથે એનું સ્વરૂપાનુસંધાન થયું હતું. કૉન્ઝર્વાતોરીના સંગ્રહાલયમાં બીજે માળે ખંડ ૩માં રુબેન્સનું ઈ. ૧૬૧૮નું આ જ વિષય પરનું ચિત્ર છે. કૉન્ઝર્વાતોરીના સંગ્રહાલયના પશ્ચિમદક્ષિણ દિશાના પાછલા ભાગમાં દક્ષિણ દિશામાં નૂતન ગૅલેરી (Braccio Nuovo) છે અને પશ્ચિમ દિશામાં ઈ. ૧૬મી સદીમાં કાફારેલી (Caffarelli)નો જે પ્રાસાદ રચવામાં આવ્યો હતો તેના કેટલાક ખંડમાં નૂતન સંગ્રહાલય (Museo Nuovo) છે. વચમાં ઉદ્યાન છે. ઈ. પૂ. ૨૫માં ઑગસ્ટસના મંત્રી અને વર્જિલના કવિ-કવિતાપ્રિય આશ્રયદાતા-મિત્ર મીસેનાસે આ ઉદ્યાન રચાવ્યું હતું. નૂતન ગૅલેરીમાં પહેલે માળે ખંડ ૨માં દક્ષિણપશ્ચિમ દિશાના ખૂણામાં જ્યૂપિટરના દેવળનો નકશો છે. પહેલે માળે નૂતન ગૅલેરી અને નૂતન સંગ્રહાલયમાં જવાનો જે માર્ગ છે તેની દક્ષિણ દિશામાં જ્યૂપિટરની દેવળની ભીંતના એક ખંડનો અવશેષ છે. નૂતન સંગ્રહાલયમાં પહેલે માળે ખંડ ૮માં વચ્ચોવચ જ્યૂપિટરના દેવળનો એક અવશેષ છે. આજે જે વિસ્તારમાં આ નૂતન ગૅલેરી, મીસેનાસનું ઉદ્યાન તથા નૂતન સંગ્રહાલય છે તે સમગ્ર વિસ્તારમાં પૂર્વે જ્યૂપિટરનું દેવળ હતું. કૉન્ઝર્વાતોરીના પ્રાસાદ અને સેનેટરોના પ્રાસાદની વચમાં કામ્પિડોગ્લિઓનો માર્ગ (Via del Campidoglio) છે. ત્યાંથી ટાર્પીઓની ટેકરીના માર્ગ (Via Monte Tarpeo) પર જવાય છે. આ માર્ગ પરથી ટાર્પીઓના ખડક (Rupe Tarpeo)ના અવશેષો લગી જવાય છે. કૅપિટોલની ટેકરીની દક્ષિણપૂર્વ દિશામાં આ ટાર્પીઓનો ખડક છે. આ ખડક વિશે પણ એક પુરાણકથા છે. લૅટિન જાતિ અને એના નેતા રોમ્યુલસ તથા સૅબાઈન જાતિ અને એના નેતા ટાઈટસ ટૅટિયસ વચ્ચે જ્યારે સંઘર્ષ થયો હતો ત્યારે કૅપિટોલની ટેકરી પરના લૅટિન જાતિના એક માળીની પુત્રી અને દેવી વેસ્ટાની પૂજારિણી તાર્પીઆએ એક રાતે લૅટિન જાતિના રક્ષણ માટેના કિલ્લાના દરવાજા લાંચની લાલચથી સૅબાઈન જાતિના સૈનિકોને ખોલી આપીને લૅટિન જાતિનો દ્રોહ કર્યો હતો. પછીથી પ્રજાસત્તાક રોમના સમયથી દ્રોહીને આ ખડક પરથી ફેંકીને મૃત્યુની શિક્ષા કરવાની પરંપરા હતી એથી આ ખડકનું તાર્પીઆનો ખડક એવું નામાભિધાન કરવામાં આવ્યું હતું. ઉપરથી નીચે ઊતરી ન શકાય અને નીચેથી ઉપર ચડી ન શકાય એવો સીધા ચઢાણનો ૬૦થી ૧૦૦ ફૂટ ઊંચો આ ખડક હતો. તાર્પીઆના ખડકના માર્ગની સમાંતર પૂર્વ દિશામાં કૅપિટોલનો ઢાળ (Clivan Capitolinus) છે. ત્યાંથી રોમન ચોકના માર્ગ (Via del Foro Romano) પર જવાય છે. આ ઢાળ અને આ માર્ગ એ કૅપિટોલની ટેકરીની દક્ષિણપૂર્વ દિશામાં પ્રીચન કાળમાં કૅપિટોલની ટેકરી પર જવાનું એકમાત્ર પ્રવેશદ્વાર હતું. મધ્યકાળથી કૅપિટોલની ટેકરી પર જવાનું મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તરપશ્ચિમ દિશામાં માર્સેલ્લાના થિયેટરના માર્ગ પર છે. કૅપિટોલના માર્ગની સમાંતર દક્ષિણપૂર્વ દિશામાં કૉન્સોલાઝિઓંનો માર્ગ (Via della Consolazione) 
છે. ત્યાંથી પણ રોમન ચોકના માર્ગ પર જવાય છે. મારા પ્રવાસના દિવસોમાં રોમન ચોકના કેટલાક અવશેષોનું સમારકામ થતું હતું એથી આ બન્ને માર્ગો રોમન ચોકના માર્ગના આરંભ પાસેથી બંધ કરવામાં આવ્યા હતા. એથી હું જે માર્ગે આવ્યો હતો તે માર્ગે કામ્પિડોગ્લિઓના ચોકમાં પાછો ફર્યો હતો. નૂતન પ્રાસાદની પૂર્વ દિશામાં પ્રાસાદના પાછલા ભાગમાં કૅપિટોલની ટેકરીની ઉત્તર દિશાની વધુ ઊંચી ટોચ પર સાન્તા મારિઆ દારાકોઈલીના દેવળના પાછલા પ્રવેશદ્વાર લગી જવા માટેનાં પગથિયાં છે. માર્સેલ્લોના થિયેટરના માર્ગ પરથી પણ આ દેવળના આગલા મુખ્ય પ્રવેશદ્વાર લગી જવા માટેના પગથિયાં છે. આ દેવળની દક્ષિણપૂર્વ દિશામાં એક ઉદ્યાન છે તથા ઉત્તરપૂર્વ દિશામાં વિત્તોરિયોનું સ્મારક છે. આ સમગ્ર વિસ્તારમાં પ્રાચીન કાળમાં કૅપિટોલની ટેકરી અને પૅલેટિનની ટેકરીનું રક્ષણ કરવા માટે આર્ક્સ (Arx)નો દુર્ગ રચવામાં આવ્યો હતો. આ બન્ને ટેકરીઓનું દક્ષિણપશ્ચિમ દિશામાં રક્ષણ કરવા માટે તો ટાઈબર નદી હતી જ. આ દેવળને સ્થળે પ્રાચીન કાળમાં લક્ષ્મીની દેવી જ્યૂનો (Juno Moneta)નું દેવળ હતું. આ દેવળમાં ઉત્તરપૂર્વ દિશામાં દેવળની મુખ્ય વેદીની આગળ ડાબા હાથ પર ટાઈબરની સિબીલ (Sibyl — ભવિષ્યવેત્તા)ની વેદી છે. આ સ્થળે ઑગસ્ટસે ટાઈબરની સિબીલને પોતાનાથી પણ વધુ મહાન એવો કોઈ મનુષ્ય જન્મશે કે કેમ એવો પ્રશ્ન પૂછ્યો હતો. એના ઉત્તર રૂપે ટાઈબરની સિબીલે ભવિષ્યકથન કર્યું હતું તે પ્રમાણે ઑગસ્ટસને ચિરકૌમાર્યવતી માતા અને એના શિશુનું દર્શન થયું હતું એના સ્મરણમાં ઑગસ્ટસે આ વેદી રચાવી હતી. નૂતન પ્રાસાદ અને સેનેટરોના પ્રાસાદની વચમાં કાર્સેરીમાં સેન્ટ પીટરનો માર્ગ (Via di S. Pietro in Carcere) છે. એની સમાંતર પૂર્વ દિશામાં આર્જેન્ટેરિયમનો ઢાળ (Clivus Argentarium) છે. આ ઢાળ પરથી મામેર્ટિનના કારાગાર (Mamertinus) લગી જવાય છે, જેમ રોમન ચોકના માર્ગ પરથી પણ આ કારાગાર લગી જવાય છે. આ કારાગાર બે સ્તર (ઉપરનું સ્તર Mamertinus અને નીચેનું સ્તર Tulli-anum) પર મોટા પથ્થરોથી રચવામાં આવ્યું છે. આ કારાગાર આજે પણ અસ્તિત્વમાં હોય એવી કદાચને રોમની જૂનામાં જૂની ઇમારત છે. નીચેના સ્તરે પૂર્વે કૂવો અથવા કબર હશે એવી માન્યતા છે. એથી એનું ‘તુલ્લિઆનુમ’ (Tul-lianum) જલકૂપ અથવા ‘મામેર્ટિનુસ’ (Mamertinus) કબર એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ સ્તર ઈ. પૂ. ૪થી સદીમાં રચવામાં આવ્યું હતું. પછીથી પ્રજાસત્તાક રોમના સમયથી કૅપિટોલના ઢાળ પાસે વિજયયાત્રાને અંતે પરાજિત સેનાપતિઓ અને સૈનિકોને દેહાન્તની શિક્ષા પૂર્વે કેદ કરવા માટે કારાગાર તરીકે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પછીથી સેન્ટ પીટરને પણ અહીં જ કેદ કરવામાં આવ્યા હતા એવી માન્યતા છે. એથી આ કારાગારનું ‘કાર્સેરીમાં સેન્ટ પીટર’ એવું નામાભિધાન પણ કરવામાં આવ્યું છે. ઇંગ્લંડના ઇતિહાસમાં ટાવર ઑફ લંડનનું જેવું સ્થાન છે તેવું રોમના ઇતિહાસમાં મામેર્ટિનના કારાગારનું સ્થાન છે. તો આ છે કૅપિટોલની ટેકરી. રોમમાં, રોમના ઇતિહાસમાં અને રોમની સંસ્કૃતિમાં આ ટેકરીનો અનન્ય મહિમા છે. પ્રાચીન કાળમાં આ ટેકરી પર જ્યૂપિટરનું દેવળ હતું. એને કારણે આ ટેકરી પર ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનું, પવિત્રતાનું વાતાવરણ હતું. અર્વાચીન કાળમાં આ ટેકરી પર મિકેલઍન્જેલોનું શિલ્પસ્થાપત્ય છે, એને કારણે આ ટેકરી પર ભવ્યતા અને સુંદરતાનું, કલામયતાનું વાતાવરણ છે. રોમન ઇતિહાસ અને સંસ્કૃતિમાં જ્યૂપિટરનું વર્ચસ્‌ છે. પ્રાચીન કાળમાં રાજાશાહી રોમમાં, પ્રજાસત્તાકવાદી રોમમાં, સામ્રાજ્યવાદી રોમમાં જ્યૂપિટરનું શાસન હતું; રાજાઓ, નેતાઓ, સમ્રાટો — મનુષ્યો તો આ શાસનનું એક નિમિત્તમાત્રમ્ એવું વાહન હતું. અર્વાચીન કાળમાં પણ આ ટેકરી પરથી જ સેનેટરોના પ્રાસાદમાંથી રોમનું શાસન થાય છે. આ ટેકરી શાસન અને શિક્ષાનું પ્રતીક છે. ‘ઈનીડ’માં પણ જ્યૂપિટરનું શાસન છે. ઈનીઍસ તો આ શાસનનું એક નિમિત્તમાત્રમ્ એવું વાહન છે. એથી આ ટેકરી અને ‘ઈનીડ’ વચ્ચે એક અત્યંત સૂક્ષ્મ અને માર્મિક સંબંધ છે. મામેર્ટિનના કારાગારની પશ્ચિમ દિશામાં તુલિઆનોનો માર્ગ (Via del Tulliano) છે. આ માર્ગ પરથી સામ્રાજ્યવાદી ચોકના માર્ગ (Via dei Fori Imperiali) પર જવાય છે. વેનેઝિઆના ચોકથી તે કોલોસીમમ (Colosseum) લગીનો ૩૦ મીટર પહોળો અને ૮૫૦ મીટર લાંબો એના નામને અનુરૂપ એવો આ પ્રભાવશાળી પ્રસિદ્ધ માર્ગ ૧૯૩૨માં મુસોલિનીએ રચાવ્યો હતો. આજે જે સ્થળે આ માર્ગ છે તે સ્થળે અને એ સ્થળની આસપાસ સામ્રાજ્યવાદી રોમના સમયમાં જ્યારે રાજાશાહી અને પ્રજાસત્તાકવાદી રોમના સમયનો રોમન ચોક અપર્યાપ્ત થયો હતો ત્યારે ઈ. પૂ. ૫૪થી ઈ. ૧૧૪ લગીમાં પાંચેક સમ્રાટોએ કુલ પાંચ નવા ચોક — Fo-rum Julium, Forum Augustum, Forum Vespasianum, Forum Nervae અને Forum Traianum — રચાવ્યા હતા. એથી આ માર્ગનું ‘સામ્રાજ્યવાદી ચોકનો માર્ગ’ એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. કૅપિટોલની ટેકરી, પૅલેટિનની ટેકરી તથા કિવરિનલની ટેકરી અને એસ્કિવલિનની ટેકરીની વચ્ચેની વિશાળ ખીણમાં રોમન ચોક તથા આ પાંચ સામ્રાજ્યવાદી ચોક છે. એથી એ નીચાણમાં છે. રોમન ચોકમાં પ્રવેશ શક્ય છે, જ્યારે પાંચ સામ્રાજ્યવાદી ચોકમાં પ્રવેશબંધી છે. સામ્રાજ્યવાદી ચોકના માર્ગની ઉત્તરપશ્ચિમ દિશામાં સીઝરનો ચોક (Fo-rum Julium) છે. સામ્રાજ્યવાદી ચોકના માર્ગ પર સીઝરના ચોકની ઉત્તરપૂર્વ દિશામાં સીઝરની પ્રતિમા છે. રાજાશાહી રોમ અને પ્રજાસત્તાકવાદી રોમના સમયમાં ધર્મકારણ, પ્રજાકારણ, ન્યાયકારણ, વ્યાપારકારણ આદિ અનેક જાહેર પ્રવૃત્તિઓ માટે રોમન ચોક પર્યાપ્ત હતો. એમાં જ્યારે જ્યારે આવશ્યક હોય ત્યારે ત્યારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. પછી સામ્રાજ્યવાદી રોમના સમયમાં પણ ઑગસ્ટસ, વૅસ્પાસિઅન આદિ સમ્રાટોએ પણ એમાં વિસ્તરણ કર્યું હતું. છતાં પણ સીઝરના સમયથી રોમન ચોક અપર્યાપ્ત થયો હતો. રોમની વસ્તીમાં વૃદ્ધિ (લગભગ દસ લાખ) અને રોમન સામ્રાજ્યના આરંભને કારણે તથા રોમમાં અનેકવિધ પ્રવૃત્તિઓની વૃદ્ધિ તથા રોમની સમૃદ્ધિમાં પણ વૃદ્ધિને કારણે ઈ. પૂ. ૫૪માં ગૉલના યુદ્ધના સમયમાં જ સીઝરને કૅપિટોલની ટેકરીની તળેટીમાં રોમન ચોકની નિકટ જ લગોલગ ઉત્તરપૂર્વ દિશામાં એક નવો ચોક રચવાનું અનિવાર્ય લાગ્યું હતું. ગૉલના યુદ્ધમાં વિજય પછી તરત જ ઈ. પૂ. ૫૧માં એમણે આ ચોક રચાવવાનો આરંભ કર્યો હતો. વચમાં ફાર્સાલિઆના યુદ્ધના સમયમાં ઈ. પૂ. ૪૮માં એમણે એમાં વીનસનું દેવળ રચવાની પણ પ્રતિજ્ઞા કરી હતી અને ઈ. પૂ. ૪૫માં વીનસના દેવળમાં વીનસની પ્રતિમા અર્પણ કરી હતી અને આ ચોક રચવાની પૂર્ણાહુતિ કરી હતી. આ લંબચોરસ ચોક હતો. પોતે વીનસના વંશજ છે એવો સીઝરનો દાવો હતો. વીનસના પુત્ર ઈનીઍસ, ઈનીઍસના પુત્ર એસ્કાનિયસ અથવા ઇયુલુસ અથવા જુલુસ અને એમના વંશજ જુલિયસ પરિવારના જુલિયસ સીઝર. આ ચોકની ઉત્તરપૂર્વ દિશામાં વીનસનું દેવળ હતું. એમાં વીનસની અત્યંત સુંદર પ્રતિમા હતી. આ પ્રતિમા એ પ્રસિદ્ધ શિલ્પી કલાકાર આર્કેસિલાઓસની મહાન કલાકૃતિ હતી. એની નિકટ ક્લીઓપેટ્રાની સુવર્ણની પ્રતિમા હતી. દેવળના પ્રવેશદ્વારની નિકટ સીઝરના અશ્વની પ્રતિમા હતી. દેવળમાં અનેક ગ્રીક ચિત્રો તથા શિલ્પો હતાં. આ દેવળ જાણે કે એક સંગ્રહાલય જ હતું ! આ ચોકમાં એક ફુવારો હતો અને એક ગ્રંથાલય પણ હતું. ચોકની ઉત્તરપશ્ચિમ દિશામાં એક પ્રાસાદ હતો. ચોકની દક્ષિણપશ્ચિમ દિશામાં એક બજાર પણ હતું. આજે સીઝરના ચોકના કેટલાક અવશેષો અસ્તિત્વમાં છે. સામ્રાજ્યવાદી ચોકના માર્ગની ઉત્તરપૂર્વ દિશામાં આલેસાન્ડ્રિઆનો માર્ગ (Via Alessandria) છે. એની ઉત્તરપૂર્વ દિશામાં અને સીઝરના ચોકની લગભગ સામે દક્ષિણપૂર્વ દિશામાં ઑગસ્ટસનો ચોક (Forum Augustum) છે. સામ્રાજ્યવાદી ચોકના માર્ગ પર ઑગસ્ટસના ચોકની ઉત્તરપશ્ચિમ દિશામાં ઑગસ્ટસની પ્રતિમા છે. ઈ. પૂ. ૪૪માં સીઝરની હત્યા પછી ઈ. પૂ. ૪૨માં ઑગસ્ટસે ફિલિપ્પીના યુદ્ધમાં સીઝરના બ્રુટસ આદિ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ યુદ્ધના સમયમાં જ એમણે રોમન યુદ્ધદેવ માર્સને અંજલિ રૂપે એક દેવળ રચવાની પ્રતિજ્ઞા કરી હતી. ઈ. પૂ. ૩૧માં એમણે ઍક્ટિઅમના યુદ્ધમાં એમના પ્રતિસ્પર્ધી ઍન્ટની પર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ સમયમાં રોમની પ્રવૃત્તિઓમાં વૃદ્ધિને કારણે રોમન ચોક અને સીઝરનો ચોક અપર્યાપ્ત થયા હતા. સવિશેષ તો ન્યાયની વ્યવસ્થા કરવાને માટે ઑગસ્ટસે એક વધુ નવો ચોક રચવાનો નિર્ણય કર્યો હતો અને ઈ. પૂ. ૩૧માં એમણે સીઝરના ચોકથી પણ વધુ જાજ્વલ્યમાન એવો આ ચોક રચવાનો આરંભ કર્યો હતો. પછી ઈ. પૂ. ૨૭ના જાન્યુઆરીની ૧૬મીએ એમને સમ્રાટનું પદ અર્પણ કરવામાં આવ્યું હતું. ઈ. પૂ. ૨ લગીમાં એમણે માર્સનું દેવળ રચવાની પૂર્ણાહુતિ કરી હતી. સીઝરના ચોકના આદર્શને આધારે આ ચોક રચવામાં આવ્યો હતો એથી સીઝરના ચોકની જેમ આ પણ લંબચોરસ ચોક હતો. ચોકની પૂર્વ દિશામાં ચોક અને સુબુરાના નાગરિક વિસ્તારની વચ્ચે એક ભવ્ય સુંદર ભીંત હતી. ચોકને આ વિસ્તારથી અલગ કરવાને આ ભીંત રચવામાં આવી હતી. પણ આ વિસ્તારના કેટલાક નાગરિકો પાસેથી જમીન કે મકાન પ્રાપ્ત ન થવાથી આ ભીંત અનિવાર્યપણે વાંકીચૂકી હતી. તે છતાં આ ભીંત એ ઑગસ્ટસના ચોકની એક વિશિષ્ટ સિદ્ધિ હતી. ચોકની ઉત્તરપૂર્વ દિશામાં સર્વાંગસંપૂર્ણ અને સાદ્યન્તસુંદર એવું વૈરના દેવ માર્સનું દેવળ (Templum Martis Ultoris) હતું. આ દેવળમાં સીઝરની તલવાર તથા વિજેતા સેનાપતિઓનાં વિજયપદ્મોનો સ્મારક રૂપે સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ દેવળમાં રાજ્યની વિધિઓનું આયોજન થતું હતું. એથી રોમન સામ્રાજ્યના રાજકીય જીવનમાં એનો સવિશેષ મહિમા હતો. આ આરસનું દેવળ હતું અને એની રચનામાં કેટલાક ગ્રીક શિલ્પીઓનું પણ પ્રદાન હતું. રોમના પ્રથમ સમ્રાટ તરીકે એમના શાસનકાળમાં ઑગસ્ટસે રોમના રૂપાંતરનું એક ભવ્ય આયોજન કર્યું હતું. ઑગસ્ટસ વિશે નોંધવામાં આવ્યું છે કે એમણે રોમ મેળવ્યું ઈંટોનું, એ રોમ મૂકી ગયા આરસનું. આ દેવળમાં આ રૂપાન્તરની પરાકાષ્ઠા હતી. આ ચોકની ઉત્તરપૂર્વ દિશામાં તથા દક્ષિણપૂર્વ દિશામાં બે પ્રાસાદો હતા. ઉત્તરપૂર્વ દિશાના પ્રાસાદની નિકટ માર્સની ભવ્ય પ્રતિમા હતી. વળી, આ બે પ્રાસાદોની નિકટ ઈનીઍસ, આલ્બા લૉન્ગાના રાજાઓ, રોમ્યુલસ, સીઝરના પૂર્વજો, ઍપોલો, મહાન ઍલેક્ઝાન્ડર તથા પ્રજાકસત્તાવાદી રોમના અનેક વિજેતા રોમન સેનાપતિઓ તથા વીરપુરુષો, મહાપુરુષોની પ્રતિમાઓ હતી. આજે ઑગસ્ટસના ચોકના કેટલાક અવશેષો અસ્તિત્વમાં છે. સામ્રાજ્યવાદી ચોકના માર્ગની લગભગ અધવચમાં માર્ગની પૂર્વ અને પશ્ચિમ બન્ને દિશામાં વિસ્તાર થાય એમ સીઝરના ચોકની દક્ષિણપૂર્વ દિશામાં અને ઑગસ્ટસના ચોકની દક્ષિણપશ્ચિમ દિશામાં બન્ને ચોકથી ૫૫ મીટર દૂર વૅસ્પાસિઆનસનો ચોક (Forum Vespasianum) હતો. સીઝર-ઑગસ્ટસના ચોક અને આ ચોકની વચમાં રોમન ચોકથી સુબુરાના નાગરિક વિસ્તારમાં જવા માટે આર્ગિલૅટમનો માર્ગ (Argiletum) હતો. ઈ. ૭૧માં સમ્રાટ વૅસ્પાસિઆનસે જ્યુડિઆનાં યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો પછી તરત જ એમણે આ ચોક રચવાનો આરંભ કર્યો હતો. અને ઈ. ૭૫માં એની પૂર્ણાહુતિ કરી હતી. આ ચોરસ ચોક હતો. ચોકની દક્ષિણપૂર્વ દિશામાં ચોકની સીમા પર શાંતિનું દેવળ (Templum Pacis) હતું. એથી એનું શાંતિનો ચોક (Forum Pacis) એવું નામાભિધાન પણ કરવામાં આવ્યું હતું. આ ચોકની દક્ષિણપશ્ચિમ દિશામાં ખૂણા પર એક ગ્રંથાલય હતું. આજે આ ચોકનો કોઈ અવશેષ અસ્તિત્વમાં નથી. આર્ગિલેટમનો માર્ગ જે સ્થળે હતો તે સ્થળે સમ્રાટ ડોમિશિઆનસે એક નવો ચોક રચવાનો આરંભ કર્યો હતો અને એમના મૃત્યુ પછી ઈ. ૯૮માં સમ્રાટ નેર્વાએ એની પૂર્ણાહુતિ કરી હતી. એથી એનું નેર્વાનો ચોક (Forum Ner-vae) એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ ૧૧૭ મીટર લાંબો અને ૩૯ મીટર પહોળો લંબચોરસ ચોક હતો. આ ચોકની ઉત્તરપૂર્વ દિશામાં રોમન યુદ્ધદેવી મિનર્વાનું દેવળ હતું. આ દેવળની નિકટ દક્ષિણપશ્ચિમ દિશામાં નોઆહની કમાન હતી. ઑગસ્ટસના ચોકની જેમ આ ચોકમાં પણ કેટલીક પ્રતિમાઓ હતી. આર્ગિલેટમના માર્ગ પર આ ચોક રચવામાં આવ્યો હતો એથી એનું માર્ગનો ચોક (Forum Transitorium) એવું નામાભિધાન પણ કરવામાં આવ્યું હતું. વળી, આ ચોકમાં મિનર્વાનું દેવળ હતું એથી એનું મિનર્વાનો ચોક (Forum Minervae, Forum Palladium) એવું નામાભિધાન પણ કરવામાં આવ્યું હતું. આજે બે સ્તંભ સિવાય આ ચોકનો કોઈ અવશેષ અસ્તિત્વમાં નથી. કૅપિટોલની ટેકરી અને કિવરિનિલની ટેકરીની વચમાં સામ્રાજ્યવાદી ચોકની ઉત્તરપૂર્વ દિશામાં તથા સીઝરના ચોકની ઉત્તરપશ્ચિમ દિશામાં અને ઑગસ્ટસના ચોકની ઉત્તરપશ્ચિમ દિશામાં ટ્રેજાનસનો ચોક (Forum Trajanum) હતો. સામ્રાજ્યવાદી ચોકમાં આ પાંચમો અને અંતિમ ચોક હતો. પાંચે ચોકમાં આ સૌથી મોટો ચોક હતો. ઈ. ૧૧૨માં સમ્રાટ નેર્વાના પુત્ર સમ્રાટ ટ્રેજાનસે આ ચોક રચવાનો આરંભ કર્યો હતો અને ઈ. ૧૧૪માં એમણે એની પૂર્ણાહુતિ કરી હતી. આ ૧૧૬ મીટર લાંબો અને ૯૫ મીટર પહોળો લંબચોરસ ચોક હતો. આ ચોક સંપૂર્ણપણે ડમાસ્કસના પ્રસિદ્ધ સ્થપતિ ઍપોલોડોરસની રચના હતી. આ ચોક સ્થાપત્યકલા અને ઇજનેરી કસબની એક અસાધારણ મહાન સિદ્ધિ હતી. આ ચોકમાં દક્ષિણપૂર્વ દિશામાં વિજયતોરણથી સુશોભિત એવું પ્રવેશદ્વાર હતું. એમાં પ્રવેશદ્વારની નિકટ અશ્વસ્વાર ટ્રેજાનસની પ્રતિમા હતી. એમાં વચ્ચોવચ ૮૯ મીટર લાંબો અને ૫૪ મીટર પહોળો ઉલ્પિઆનો એક વિશાળ પ્રાસાદ (Basilica Ulpia) હતો. આ પ્રાસાદની ઉત્તરપશ્ચિમ દિશામાં બે વિશાળ ગ્રંથાલયો હતાં. આ ચોકમાં ઉત્તરપશ્ચિમ દિશામાં ૩૮ મીટર ઊંચો ટ્રેજાનસનો આરસનો સ્તંભ હતો. આ સ્તંભ આજે પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ સ્તંભ પર પાયાથી તે ટોચ લગી ડેસિઆના બે યુદ્ધો (ઈ. ૧૦૧-૧૦૨ અને ૧૦૫-૧૦૬)માં વિજયની કથાનું અસંખ્ય વિગતોથી ભર્યુંભર્યું એવું ચિત્રાંકન છે. આ ચોકની ઉત્તરપશ્ચિમ દિશામાં ચોકની સીમા પર ટ્રેજાનસના મૃત્યુ પછી સમ્રાટ હેડ્રિઅને દૈવી ટ્રેજાનસનું દેવળ રચ્યું હતું. આ ચોકની ઉત્તરપૂર્વ દિશામાં ૧૫૦ દુકાનોનું ત્રણ માળનું એક વિશાળ અર્ધચંદ્રાકાર બજાર હતું. આ ટ્રેજાનસના ચોકના અનેક ભવ્યસુંદર અવશેષો અસ્તિત્વમાં છે. સામ્રાજ્યવાદી ચોકના માર્ગની દક્ષિણપશ્ચિમ દિશામાં સાલારા વાચિઆનો માર્ગ (Via della Salara Vacchia) છે. આ માર્ગની દક્ષિણપશ્ચિમ દિશામાં રોમન ચોકમાં પ્રવેશ માટેનું દ્વાર છે. હું લગભગ એક વાગ્યે અહીં આવી પહોંચ્યો હતો. પણ રવિવાર હતો, અને રવિવારે રોમન ચોકમાં સવારના નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા લગી જ પ્રવેશ આપવામાં આવે છે. એથી મને રોમન ચોકમાં પ્રવેશ પ્રાપ્ત ન થયો. હું સામ્રાજ્યવાદી ચોકના માર્ગ પર પાછો ફર્યો. આ માર્ગની દક્ષિણપૂર્વ દિશામાં માર્ગને અંતે કૉલોસીઅમ (Col-osseum) છે. આ માર્ગની સામે જ કૉલોસીઅમની નિકટ જ સમ્રાટ નીરોની ૩૫ મીટર ઊંચી સુવર્ણની ભવ્ય પ્રતિમા હતી એ કારણે અથવા આ કૉલોસીઅમ સ્વયમ્ જ ભવ્ય હતું એ કારણે એનું કૉલોસીઅમ એવું નામાભિકરણ થયું હશે. ઈ. ૭૨માં ફલૅવિઅન સમ્રાટ વૅસ્પાનિઆનસે આ ભવ્ય રંગશાળા રચાવવાનો આરંભ કર્યો હતો. એ કારણે એનું ફલૅવિઅમ ઍમ્ફિથિયેટ્રમ (Amphiteatrum Flavium) એવું પણ નામાભિકરણ કરવામાં આવ્યું હતું. ઈ. ૮૦માં એમના પુત્ર ટાઈટસે એની પૂર્ણાહુતિ કરી હતી અને એનું ઉદ્ઘાટન કર્યું હતું. વીસેક હજાર હિબ્રૂ કેદીઓ અને ગુલામોએ એમાં મજૂરો તરીકે કામ કર્યું હતું. પછી સમ્રાટ ડોમિશિયાનસે એમાં પગથિયાં રચાવ્યાં હતાં. પછીથી ઈ. ૨૨૩માં સમ્રાટ સૅવૅરસે તથા ઈ. ૨૫૦માં સમ્રાટ ડેસિયસે એનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ઈ. ૪૨૨માં ધરતીકંપથી એને નુકસાન થયું હતું. અને પછી મધ્યકાલીન યુગમાં એનો દુર્ગ તરીકે ઉપયોગ થયો હતો. પુનરુત્થાન યુગમાં ખ્રિસ્તીઓએ રોમમાં સર્વત્ર એમનાં દેવળો રચાવ્યાં હતાં ત્યારે તેઓ એનાં સુન્દર પથ્થરો ઉખેડી ઉખેડીને ઉપાડી ગયા હતા. સામ્રાજ્યવાદી રોમની આ ભવ્યતમ ઇમારત હતી. અર્વાચીન રોમમાં આજે એની જીર્ણશીર્ણ સ્થિતિમાં પણ આ ઇમારત એટલી જ ભવ્ય છે. ૧૮૭ મીટર લાંબી અને ૧૨૬ મીટર પહોળી આ લંબગોળ ઇમારતનો ૫૨૭ મીટરનો પરિઘ હતો. એની ૫૭ મીટર ઊંચી બહારની ભીંત હતી. એમાં આયોનિક, ડોરિક અને કૉરિન્થિયન એમ ત્રણે સ્થાપત્યશૈલીના સ્તંભ પર તોરણોના ત્રણ સ્તરો હતા. એની પર એક ચોથો નીચો સ્તર પણ હતો. એમાં ચાર પ્રવેશદ્વારો હતાં. પ્રત્યેક પ્રવેશદ્વારમાં ગ્લૅડિએટરો, પ્રતિષ્ઠિત નાગરિકો અને નાગરિકો માટે ભિન્નભિન્ન એવી પગથિયાંની ત્રણ હાર હતી. એમાં તોરણયુક્ત ૮૦ માર્ગ (Vomitoria) હતા. વચ્ચોવચ ૭૬ મીટર લાંબું અને ૪૬ મીટર પહોળું એવું લંબગોળ ક્રીડાંગણ હતું. એની નિકટ જ સમ્રાટો અને સેનેટરો માટેની બેઠકો હતી. એમાં કુલ સત્યાસી હજાર બેઠકો હતી. એમાં ઉચ્ચાવચતાક્રમ પ્રમાણે પ્રેક્ષકોને સ્થાન પ્રાપ્ત થતું હતું. એમાં ઈ.૨૪૯માં રોમની સ્થાપનાની દસમી શતાબ્દીના ઉત્સવ પ્રસંગે સમગ્ર સામ્રાજ્યમાંથી ૫૦ સિંહ, ૩૨ હાથી, ૧૨ વાઘ, ૬ હિપ્પોપોટેમસ આદિ પશુઓ તથા બે હજાર ગ્લૅડિએટરોના કૃતક યુદ્ધો, નૌકાયુદ્ધો દ્વારા આ પ્રેક્ષકોને ક્રૂર-નિષ્ઠુર મનોરંજન પ્રાપ્ત થયું હતું. સિસેરો સુધ્ધાં જેવા સંવેદનશીલ રોમન નાગરિકોને પણ એનો આઘાત ન હતો. શાસનનું દર્શન અને સત્તાનું પ્રદર્શન — રોમન પ્રજા મનુષ્યના અધિકારોની સુરક્ષા માટે અને પરમ ન્યાય માટે જગતના સર્વોત્તમ ધારાઓ રચે અને એ જ રોમન પ્રજા આવા મનોરંજનમાં રાચે એ રોમન પ્રજાનો મહાન વિચિત્ર વિરોધાભાસ છે. જ્યાં લગી કૉલોસીઅમ અસ્તિત્વમાં હશે ત્યાં લગી રોમ અસ્તિત્વમાં હશે, કૉલોસીઅમનો નાશ થશે ત્યારે રોમનો નાશ થશે, અને રોમનો નાશ થશે એટલે જગતનો નાશ થશે એવી કૉલોસીઅમ વિશે માન્યતા હતી. સામ્રાજ્યવાદી ચોકના માર્ગના અંતથી જમણી બાજુ દક્ષિણપશ્ચિમ દિશામાં સેન્ટ ગ્રેગોરીઓનો માર્ગ (Via di San Gregorio) છે. એને અંતે કાપેનાના દ્વારનો ચોક (Piazza Porta Capena) છે. આ ચોકની દક્ષિણપશ્ચિમ દિશામાં ઍવૅન્ટિનોની ખીણ (Viale Aventino) છે. આ ખીણની જમણી બાજુ ઉત્તરપશ્ચિમ દિશામાં અને પૅલેટિનની ટેકરીની દક્ષિણપશ્ચિમ દિશામાં સિર્કો માસ્સિમોનો માર્ગ (Via del Circo Massimo) છે. ઍવેન્ટિનની ટેકરીની ઉત્તરપૂર્વ દિશાની ધાર પર આ માર્ગ છે. આ માર્ગની અધવચમાં રોમ્યુલસ અને રૅમસનો વિશાળ ચોક (Piazzale Romolo e Remo) છે. એમાં મૅઝિનીની સ્મારકપ્રતિમા છે. આ માર્ગ પરથી ઉત્તરપૂર્વ દિશામાં પૅલેટિનની ટેકરીનું દર્શન થાય છે. ઍવેન્ટિનની ટેકરી અને પૅલેટિનની ટેકરીની વચ્ચેની મુર્સિઆ (Murcia)ની ખીણમાં મૅક્ઝિમસના ક્રીડાંગણ (Cir-cus Maximus)નું દર્શન થાય છે. આ સ્થળ પર ઈ. પૂ. ૭૫૩માં રોમની સ્થાપના પછી રોમ્યુલસના લૅટિન જાતિના પ્રજાજનોએ સૅબાઈન જાતિની કન્યાઓનું અપહરણ કર્યું હતું અને એમની પર બળાત્કાર કર્યો હતો. પછી આ સ્થળ પર રાજાશાહી રોમના સમયથી પ્રાચીન રોમનું સૌથી વિશાળ અને સૌથી વધુ લોકપ્રિય એવું ક્રીડાંગણ હતું. આ ક્રીંડાગણ ઈ. પૂ. ૬ઠ્ઠી સદીમાં ઍટ્રુસ્કન જાતિના રાજા ટાક્વિનિઅસ પ્રિસ્કસે રચાવ્યું હતું એવી માન્યતા છે. સામ્રાજ્યવાદી રોમના સમયમાં કૉલોસીઅમ પછી એનું દ્વિતીય સ્થાન હતું. ઉત્તરપશ્ચિમ દિશાથી દક્ષિણપૂર્વ દિશામાં ૫૦૦ મીટર લાંબું એવું આ પ્રલંબ લંબગોળ ક્રીડાંગણ હતું. એમાં કુલ બે લાખ પ્રેક્ષકો માટેની બેઠક-વ્યવસ્થા હતી. પછી અનેક સમ્રાટો– ઑગસ્ટસ, કલોડિઅસ, નીરો, વિટેલ્લિઅસ, ડોમિટિઆનસ, ટ્રૅજાનસ, કારાકાલ્લા, કૉન્સ્ટાન્ટિનસ આદિએ એને વિકસાવ્યું હતું. એથી હવે એ ૬૦૦ મીટર લાંબું અને ૨૦૦ મીટર પહોળું એવું વધુ પ્રલંબ લંબગોળ ક્રીડાંગણ હતું. એમાં કુલ ચારેક લાખ પ્રેક્ષકો માટેની આરસની બેઠક-વ્યવસ્થા હતી. એની વચ્ચોવચ ૨૦૦ મીટર લાંબી ભીંત સાથેની એક વિશાળ લંબગોળ રંગશાળા (amphitheatre) હતી. આ રંગશાળાના બન્ને છેડા પર ત્રણ ત્રણ સ્તંભ રચવામાં આવ્યા હતા. એની આસપાસ રેતીના પટ (arena) પર સપ્ટેમ્બર માસમાં બે, ત્રણ અથવા ચાર અશ્વોના રથની રોજની પંદરથી પચીસ સ્પર્ધાઓ યોજવામાં આવતી હતી. રોમના પતન પછી ઈ. ૫૪૯માં આ સ્પર્ધાઓનો અંત આવ્યો હતો અને આ ક્રીડાંગણનો નાશ થયો હતો, આજે એનો કોઈ અવશેષ અસ્તિત્વમાં નથી. આજે આ સ્થળ પર માત્ર એક વિશાળ લંબગોળ હરિયાળું મેદાન છે. આ માર્ગને અંતે ગ્રેકાનો માર્ગ (Via della Greca) છે. એની ઉત્તર દિશામાં સત્યના મુખનો ચોક (Piazza Bocca della Verita) છે. આ ચોકની ઉત્તર દિશામાં માર્સેલ્લોના થિયેટરનો માર્ગ (Via del Theatro di Marcello) છે. આ સમગ્ર વિસ્તારમાં અનેક અવશેષો છે. મેં એ સૌનું દર્શન કર્યું હતું. પછી હું બપોરના ચારેક વાગ્યે માર્સેલ્લોના થિયેટર પર આવી પહોંચ્યો હતો. સીઝરે આ થિયેટર રચાવવાનો આરંભ કર્યો હતો. ઈ. પૂ. ૧૩-૧૧માં સમ્રાટ ઑગસ્ટસે એની પૂર્ણાહુતિ કરી હતી અને એ એમના સદ્ગત ભાણેજ માર્સેલસને અર્પણ કર્યું હતું. અને એમની સ્મૃતિમાં આ થિયેટરનું માર્સેલસનું થિયેટર એવું નામાભિધાન કરવામાં આવ્યું હતું. અન્ય વિસ્તાર–માર્સના ક્ષેત્ર–માં પૉમ્પીનું મહાન થિયેટર હતું. એની પછી આ થિયેટરનું દ્વિતીય સ્થાન હતું. એમાં આયોનિક અને ડોરિક એમ બે સ્થાપત્યશૈલીમાં તોરણોના બે સ્તરો હતા. એની પર એક નાનો ત્રીજો સ્તર પણ હતો. આ અર્ધચન્દ્રાકાર થિયેટરમાં સાડાસત્તર હજાર પ્રેક્ષકો માટેની બેઠક-વ્યવસ્થા હતી. આ થિયેટર પછીથી કૉલોસીઅમ રચવામાં આવ્યું ત્યારે એને માટે આદર્શરૂપ રહ્યું હતું. ઈ. ૬૪માં આગથી એને નુકસાન થયું હતું. ઈ. ૪થી સદીમાં અવાવરું બની ગયું હતું. ઈ. ૧૬મી સદીમાં એનો પ્રાસાદ તરીકે ઉપયોગ થયો હતો. આજે એમાં બે ઉદ્યાનો અને અનેક નિવાસસ્થાનો છે. પછી માર્સેલસના થિયેટરના માર્ગ પર અન્ય અવશેષોનું દર્શન કર્યું. પછી આ માર્ગને અંતે ઉત્તર દિશામાં વેનેઝિઆના ચોક પર આવી પહોંચ્યો હતો. આમ, સવારે નવેક વાગ્યે જ્યાંથી પ્રવાસનો આરંભ કર્યો હતો ત્યાં જ સાંજે પાંચેક વાગ્યે પ્રવાસનો અંત આવ્યો હતો. આ હતી કૅપિટોલની ટેકરી અને પૅલેટિનની ટેકરીની પ્રદક્ષિણા. ઈ. પૂ. ૧૦-૪માં સમ્રાટ ઑગસ્ટસે વ્યવસ્થાની સુવિધા માટે ૧૪ વિસ્તારોમાં સમગ્ર રોમનું વિભાગીકરણ કર્યું હતું. એમાં આ પ્રદક્ષિણાનો પ્રદેશ વિસ્તાર ૮, ૧૦, ૧૧ તરીકે પ્રસિદ્ધ હતો. ૧૯મીએ બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા લગી રોમની ઉત્તરપશ્ચિમ દિશામાં ટાઈબર નદીના વામ તટ પરના વિસ્તારમાં ફર્યો હતો. આજે આ વિસ્તાર બૅરોક (Ba-roque) અથવા રોમેન્ટિક રોમને નામે પ્રસિદ્ધ છે. રાજાશાહી, પ્રજાસત્તાકવાદી તથા સામ્રાજ્યવાદી રોમના સમયમાં આ વિસ્તાર માર્સનું ક્ષેત્ર (Campus Martius)ને નામે પ્રસિદ્ધ હતો. સમ્રાટ ઑગસ્ટસના વિભાગીકરણમાં માર્સનું ક્ષેત્ર વિસ્તાર ૯ તરીકે પ્રસિદ્ધ હતું. માર્સ એ રોમન દેવ હતા, યુદ્ધના દેવ હતા. પ્રાચીન રોમન પ્રજાના ધાર્મિક-સાંસ્કૃતિક જીવનમાં જ્યૂપિટર પછી માર્સનું દ્વિતીય સ્થાન હતું. રોમના સ્થાપક રૅમ્યુલસ એ માર્સના પુત્ર હતા. પ્રાચીન રોમન પ્રજાએ પોતાનું ‘માર્સનાં સંતાનો’ તરીકે ગૌરવ કર્યું હતું. ઈ. પૂ. ૭મી સદીથી ઍટુ્રસ્કન રાજા ટાર્કિવનિઅસ પ્રિસ્કસના સમય પૂર્વેથી જ આ ક્ષેત્ર માર્સને અર્પણ કરવામાં આવ્યું હતું. અને એમાં માર્સનું દેવળ (Ara Martis અને Aedes Martis) પણ રચવામાં આવ્યું હતું. આજે એના નહિવત્ અવશેષો કૅમ્પો (Campo)માં સાલ્વાતોરીના ચોક તથા માર્ગ (Via, Piazza S. Salvatore) અને સ્પેચીના માર્ગ (Via degli Specchi)ની વચમાં જે મકાનો છે એની નીચે અસ્તિત્વમાં છે. આ ક્ષેત્ર પર ફ્લૅમિની (Flamini) કુટુંબની માલિકી હતી. આ ક્ષેત્રમાં મોટે ભાગે નીચાણમાં ભેજયુક્ત ખરાબાની જમીન હતી. પણ આરંભથી જ, ઈ. પૂ. ૫૧૦થી જ આ ક્ષેત્રનો જાહેર પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. એમાં સૈનિકોની તાલીમ, વસ્તીગણતરી, નાગરિકોનું વર્ગીકરણ, નાગરિકોની સભાઓ આદિ જાહેર પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. ઈ. પૂ. ૨૨૦માં ફ્લૅમિની કુટુંબના એક સભ્ય ફ્લૅમિનિઅસ નૅપોસે (Flaminius Nepos) આ ક્ષેત્રમાં આજે જ્યાં માર્સેલસના થિયેટરના અવશેષો છે તેની પછીતની ઉત્તરપશ્ચિમ દિશામાં ૨૭૯ મીટર લાંબું અને ૧૨૦ મીટર પહોળું વિશાળ લંબગોળ એવું ફ્લૅમિનિઅસનું ક્રીડાંગણ (Circus Flaminius) રચાવ્યું હતું. તથા આજે જ્યાં કૉર્સોના માર્ગ (Via del Corso)નો ઉત્તરપશ્ચિમ દિશાનો ભાગ છે ત્યાં ફલૅમિનિઆનો માર્ગ (Via Flaminia) રચાવ્યો હતો. ઈ. પૂ. ૨જી સદીથી ગ્રીક આદિ પૂર્વના પ્રદેશો પર રોમનું વર્ચસ્‌ સિદ્ધ થયું હતું. એથી રોમન પ્રજાનો એ પ્રદેશોની પ્રજાઓ સાથે સતત નિકટનો સંબંધ હતો. એ પ્રદેશની પ્રજાઓની નાગરિકતા (urbanism) અને નગરકલાનો રોમન પ્રજા પર પ્રબળ પ્રભાવ હતો. એની પ્રેરણાથી ઈ. પૂ. ૧લી સદીથી પૉમ્પી, સીઝર, ઑગસ્ટસ, ઍગ્રિપ્પા આદિએ અને ત્યાર પછી પણ અનેક રોમન સમ્રાટોએ આ ક્ષેત્રનો સુયોજિત અને સુવ્યવસ્થિત એવો અદ્ભુત વિકાસ કર્યો હતો. માર્સના ક્ષેત્રની દક્ષિણપશ્ચિમ દિશાના વિસ્તારમાં એટલે કે વિત્તોરિઓ ઈમાન્યુએલના માર્ગ પર આર્જેન્તિનાના ચોક (Largo Argentina)ની દક્ષિણ દિશામાં આજે જે સ્થળે પવિત્ર વિસ્તાર (Area Sacra) છે તે સ્થળની પછીતે પશ્ચિમ દિશામાં ઈ. પૂ. ૫૫માં પૉમ્પીએ એક થિયેટર રચાવ્યું હતું. પ્રાચીન રોમનું આ પ્રથમ અને સૌથી વધુ વિશાળ એવું પથ્થરનું થિયેટર હતું. એમાં અઢારેક હજાર પ્રેક્ષકો માટેની બેઠક વ્યવસ્થા હતી. ફિઓરીના ક્ષેત્ર (Campo dei Fiori)ની પૂર્વ દિશામાં કેટલાંક મકાનોની અંતર્ગત એના કેટલાક અવશેષો અસ્તિત્વમાં છે. આ થિયેટરની બાજુમાં જ બિસ્કિઓનીના ચોક (Piazza Biscione)ની નિકટ ઈ. પૂ. ૫૫માં પૉમ્પીએ એક સભાગૃહ (Curia) પણ રચાવ્યું હતું. આ સભાગૃહમાં ક્યારેક સેનેટની સભાઓ યોજવામાં આવતી હતી. એમાં પૉમ્પીની એક પ્રતિમા પણ હતી. ઈ. પૂ. ૪૪માં માર્ચની ૧૫મીએ આ પ્રતિમાની નિકટ પ્રાચીન રોમના ઇતિહાસની એક મહાન ઘટના બની હતી, બ્રુટસ આદિએ કટારોના કુલ ત્રેવીસ ઘાથી સીઝરની હત્યા કરી હતી. આજે આ સ્થળે પિએત્રો માશિઓની (Pietro Macchione) માલિકીનો ‘રિસ્તોરાન્તી પાન્ક્રાઝિઓ’ (Ristorante Pancrazio) નામનો પ્રસિદ્ધ રૅસ્તોરાં છે. માર્સના ક્ષેત્રની દક્ષિણપૂર્વ દિશાના વિસ્તારમાં એટલે કે રોતોન્દાના ચોક (Piazza della Rotonda)ની દક્ષિણ દિશામાં પૅન્થીઑન (Pantheon) છે. ઈ. પૂ. ૨૭માં સમ્રાટ ઑગસ્ટસના સેનાપતિ માર્કસ ઍગ્રિપ્પાએ આ સર્વ દેવોનું દેવળ રચાવ્યું હતું અને એક માન્યતા પ્રમાણે માર્સ અને વીનસને અર્પણ કર્યું હતું. ઈ. ૮૦માં આગથી એ ભસ્મીભૂત થયું હતું. માત્ર એનું અર્પણ સુરક્ષિત રહ્યું હતું. ઈ. ૯૭માં સમ્રાટ ડોમિશિઅને એનો પુનરુદ્ધાર કર્યો હતો. પછી ઈ. ૧૧૦માં એ વીજળીની આગમાં ભસ્મીભૂત થયું હતું. પછી ઈ. ૧૨૦-૧૨૪માં સમ્રાટ હૅડ્રિઆનસે એને સંપૂર્ણપણે નવેસરથી રચાવ્યું હતું. પછી ઈ. ૨૦૨માં સમ્રાટ સૅપ્ટિમિઅસ સૅવૅરસે એનું સમારકામ કરાવ્યું હતું. આ દેવળ સ્થાપત્યકળાનું અદ્ભુત ઉદાહરણ છે. ૪૩ મીટર ઊંચું આ વર્તુળાકાર દેવળ છે. ઍગ્રિપ્પાનું દેવળ એ લંબચોરસ દેવળ હતું. એટલા જ માપના વ્યાસનો એનો ઘુમ્મટ છે. એમાં પ્રકાશ માટે ૨૭ મીટરના વ્યાસની વર્તુલાકાર ખુલ્લી જગા છે. આ દેવળમાં બારીઓ નથી. ગઈકાલ લગી આ જગતનો સૌથી મોટો ઘુમ્મટ હતો. એમાં ૧૨.૫ મીટર ઊંચા એવા કુલ ૬૦ ટન વજનના ઇજિપ્શિયન પથ્થરના ૧૬ સ્તંભ છે. એનું ઉત્તરાભિમુખ એવું ૨૦ ટન વજનનું કાંસાનું ઍગ્રિપ્પાના દેવળમાં હતું તે જ અસલ પ્રવેશદ્વાર છે. ઍગ્રિપ્પાના દેવળમાં દક્ષિણાભિમુખ પ્રવેશદ્વાર હતું. એમાં ૨૦૦ ટન વજનના કાંસાની છત હતી. પણ ઈ. ૧૬૨૫માં સેન્ટ પીટરની છત રચવા માટે આ કાંસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં ભીંતો પર આરસ હતો. આ આરસ પણ ઉખેડી ઉખેડીને ઉપાડી જવામાં આવ્યો હતો. એમાં ભોંય પર પણ આરસ છે. એમાં અંદર સીઝરની પ્રતિમા હતી અને બહાર ઑગસ્ટસ અને ઍગ્રિપ્પાની પ્રતિમાઓ હતી. ઈ. ૧૫૨૦માં એમાં પ્રસિદ્ધ ચિત્રકાર રાફાએલની સમાધિ રચવામાં આવી છે. ઈ. ૬૦૯માં એનું ખ્રિસ્તી દેવળમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. એથી ખ્રિસ્તીઓએ રોમમાં લગભગ એકેએક રોમન દેવળનો નાશ કર્યો હતો, પણ આ દેવળ સુરક્ષિત રહ્યું છે. એથી એ ‘માર્સના ક્ષેત્રનું સ્પિન્ક્સ’ તરીકે પ્રસિદ્ધ છે. એ ‘રોતોન્દા’ (Rotonda)ને નામે પણ પ્રસિદ્ધ છે. પૅન્થીઑનની સાથે સાથે જ ઈ. પૂ. ૨૫માં જ ઍગ્રિપ્પાએ ૪૫ મીટર લાંબું અને ૧૯ મીટર પહોળું ‘લાકોનિકોન’ (Lakonikon)ને નામે પ્રસિદ્ધ એવું એક વિશાળ સભાગૃહ પણ રચાવ્યું હતું એવી માન્યતા છે. ઈ. ૧૩મી સદીમાં એનો અંતિમ વાર નાશ થયો હતો. આજે એના કોઈ કોઈ અવશેષ અસ્તિત્વમાં છે. પછી પૅન્થીઑનની દક્ષિણપૂર્વ દિશામાં ઈ. પૂ. ૧૯માં ઍગ્રિપ્પાએ એક વિશાળ જાહેર સ્નાનગૃહ (Ther-mae) પણ રચાવ્યું હતું. પ્રાચીન રોમમાં આ સૌ પ્રથમ મહાન જાહેર સ્નાનગૃહ હતું. એમાં આરસની ભોંય હતી. પૅન્થીઑનની સાથે સાથે જ આ સ્નાનગ્રહનો પણ વારંવાર નાશ અને પુનરુદ્ધાર થયો હતો. ઈ. ૧૩મી સદીમાં એનો અંતિમ વાર નાશ થયો હતો. આજે એનો કોઈ અવશેષ અસ્તિત્વમાં નથી. પૅન્થીઑન અને સ્નાનગૃહની પૂર્વ દિશામાં લાટાના માર્ગ (Via Lata) પર ઈ. પૂ. ૫૪માં સીઝરે રાજકારણ, ન્યાય, ધર્મ આદિ જાહેર પ્રવૃત્તિઓ માટે એક વિશાળ સંકુલ રચાવવાનો નિર્ણય કર્યો હતો. પણ સીઝરની હત્યાને કારણે આ કાર્ય અધૂરું રહ્યું હતું. પછી લૅપિડસે એ કાર્ય માટે પ્રયત્ન કર્યો હતો. પણ અંતે ઈ. પૂ. ૨૭માં ઍગ્રિપ્પાએ કાર્ય પૂરું કર્યું હતું. અને એ સંકુલનું સૅપ્ટા જુલિઆ (Septa Julia) એવું નામાભિધાન કર્યું હતું. રાજકીય સ્વાતંત્ર્ય પર નિયંત્રણ હતું એથી એમાં માત્ર સેનેટની સભાઓનું આયોજન થતું હતું. ઈ. ૮૦માં એ ભસ્મીભૂત થયું હતું. પછી સમ્રાટ ડૉમિટિઆનસે અને સમ્રાટ હૅન્ડ્રિઆનસે એનો પુનરુદ્ધાર કર્યો હતો. સાન્તા મારિઆ ઈન વિઆના દેવળ (Santa Maria in Via) તથા દોરિઆ પામ્ફિલિના પ્રાસાદ (Palazzo Doria Pamfili)માં એના કોઈ કોઈ અવશેષ અસ્તિત્વમાં છે. સૅપ્ટાની દક્ષિણ દિશામાં ઍગ્રિપ્પાએ મતદાનમથક (Diribitorium) પણ રચાવ્યું હતું. પ્રાચીન રોમનું આ સૌથી વિશળ સભાગૃહ હતું. ઈ. ૮૦માં આગથી એ ભસ્મીભૂત થયું હતું. પછી એનો પુનરુદ્ધાર થયો ન હતો. આજે એનો કોઈ અવશેષ અસ્તિત્વમાં નથી. ઈ. પૂ. ૨૬માં ઍગ્રિપ્પાએ ઍક્ટિઅમ આદિના નૌકાયુદ્ધોમાં વિજયના સ્મારક રૂપે સૅપ્ટાની દક્ષિણપૂર્વ દિશામાં નૌકાસૈન્યનું સભાગૃહ (Argonautarum) તથા સૅપ્ટાની ઉત્તરપૂર્વ દિશામાં સમુદ્રના દેવ નૅપ્ચ્યુનને અંજલિ રૂપે નૅપ્ચ્યુનનું દેવળ (Naptunium) રચાવ્યું હતું. ઈ. ૮૦માં આગથી એ ભસ્મીભૂત થયાં હતાં. પછી. ઈ. ૧૩૬માં સમ્રાટ હૅન્ડ્રિઆનસે નૅપ્ચ્યુનના દેવળનો પુનરુદ્ધાર કર્યો હતો. એથી એ દેવળ હૅન્ડ્રિઆનસના દેવળ તરીકે પણ પ્રસિદ્ધ હતું. આજે એના ૧૧ સ્તંભો પિએત્રાના ચોક (Piazza di Pietra)માં શૅરબજારના મકાન (Borsa)ના અંતર્ગત ભાગ રૂપે અસ્તિત્વમાં છે. અન્ય અવશેષો રોમ અને નેપલ્સમાં પાંચેક પ્રાસાદો તથા સંગ્રહાલયોમાં અસ્તિત્વમાં છે. સૅપ્ટાની ઉત્તરપૂર્વ દિશામાં ઇજિપ્શિયન શૈલીના બે દેવળો (Isium et Serapium) પણ રચવામાં આવ્યાં હતાં. ઈ. ૮૦માં આગથી એ ભસ્મીભૂત થયાં હતાં, પછી ઈ. ૯૭માં સમ્રાટ ડૉમિટિયાનસે એનો પુનરુદ્ધાર કર્યો હતો. આજે એના અનેક અવશેષો રોમ તથા અન્ય નગરોમાં વિવિધ સંગ્રહાલયોમાં અસ્તિત્વમાં છે. પૅન્થીઑનની પૂર્વ દિશામાં મિનર્વાનો માર્ગ (Via di Mi-nerva) છે. એના અંત પર મિનર્વાનો ચોક (Pizza della Mi-nerva) છે. આ ચોકની પૂર્વ દિશામાં ઈ. પૂ. ૬૨માં પૉમ્પીએ મિનર્વાનું દેવળ (Aedes Minervae) રચાવ્યું હતું. ઈ. ૮૦માં આગથી એ ભસ્મીભૂત થયું હતું. પછી ઈ. ૯૭માં સમાટ ડૉમિટિઆનસે એનો પુનરુદ્ધાર કર્યો હતો. ઈ. ૧૬મી સદી લગી આ દેવળ અસ્તિત્વમાં હતું. જો કે ઈ. ૮મી સદીમાં આ દેવળના કેટલાક અવશેષોમાંથી સાન્તા મારિઆ સોપ્રા મિનર્વા (Santa Maria Sopra Minerva)નું નવું દેવળ રચવામાં આવ્યું હતું. ઈ. ૧૩મી સદીમાં ગોથિક શૈલીમાં એ નવેસરથી રચવામાં આવ્યું હતું. પછીથી ઈ. ૧૬-૧૭મી સદીમાં એમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. આજે આ સમગ્ર દેવળ અસ્તિત્વમાં છે. સમગ્ર રોમમાં ગોથિક શૈલીનું આ એકમાત્ર દેવળ છે. મિનર્વાના ચોકમાં વચ્ચોવચ હાથીની મોટી પ્રતિમા છે. એની પીઠ પર ઇજિપ્શિયન શૈલીનો સ્તૂપ છે. ઈ. ૧૭મી સદીમાં પ્રસિદ્ધ શિલ્પી કલાકાર બર્નિનિએ આ ચોકનું સર્જન કર્યું હતું. આ દેવળમાં મિકેલઍન્જેલોના પ્રસિદ્ધ શિલ્પ ‘પુનર્જીવિત ક્રાઇસ્ટ’ સહિત અનેક ચિત્ર-શિલ્પની કલાકૃતિઓ છે. માર્સના ક્ષેત્રના ઉત્તર દિશાના ભાગમાં નૅપ્ચ્યુનના દેવળની ઉત્તરપૂર્વ દિશામાં સ્તૂપના ચોક (Paizza Colon-na)માં વચ્ચોવચ ઈ. ૧૭૬-૧૯૩માં સમ્રાટ માર્કસ ઑરેલિઅસે જર્મન તથા સાર્મેટિઅન યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યો હતો એના સ્મારક રૂપે માર્કસ ઑરેલિયસનો સ્તંભ (Columna divi Marci) રચવામાં આવ્યો હતો. ટ્રૅજાનસના ચોકમાં જે ટ્રેજાનસનો સ્તંભ છે એના આદર્શ પ્રમાણે આ સ્તંભ રચવામાં આવ્યો હતો. આ ૧૦૦ ફૂટ ઊંચો સ્તંભ છે. એની ટોચ પર જવા માટે એમાં ૨૦૩ પગથિયાં છે. એની ટોચ પર માર્કસ ઑરેલિયસની કાંસાની પ્રતિમા હતી. આ સ્થંભ પર પાયાથી તે ટોચ લગી નીચેના અરધા ભાગમાં જર્મન યુદ્ધની કથા તથા ઉપરના અરધા ભાગમાં સાર્મેટિઅન યુદ્ધની કથાનું અસંખ્ય વિગતોથી ભર્યુંભર્યું એવું ચિત્રાંકન છે. મધ્યકાલીન યુગમાં આ સ્તંભ પર ખ્રિસ્તી ધર્મગુરુઓનું વર્ચસ્‌ હતું. ઈ. ૧૫૮૯માં પોપે માર્કસ ઑરેલિયસની પ્રતિમાને સ્થાને સેન્ટ પૉલની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. આજે આ સમગ્ર સ્તંભ અસ્તિત્વમાં છે. માર્સના ક્ષેત્રના ઉત્તર દિશાના સીમાન્ત ભાગમાં ટાઈબર નદીના વામ તટની નિકટ ઑગસ્ટસના ચોક (Piazza Au-gusto Imperatore)માં ઈ. પૂ. ૨૭-૨૩માં ઑગસ્ટસે એક વિશાળ વર્તુલાકાર સમાધિગૃહ (Mausoleum) રચાવ્યું હતું. એમાં ઍટ્રુસ્કન શૈલીનું સ્થાપત્ય હતું. એમાં ૮૮ મીટરના વ્યાસની આરસની ભોંય હતી અને ૪૪ મીટર ઊંચો માટીનો વર્તુલાકાર સ્તૂપ હતો. સાયપ્રસ વૃક્ષોથી સુશોભિત એવી એની ટોચ પર ઑગસ્ટસની કાંસાની પ્રતિમા હતી. એમાં દક્ષિણાભિમુખ એનું પ્રવેશદ્વાર હતું. પ્રવેશદ્વારની બે બાજુ પર ઇજિપ્શિયન શૈલીના બે સ્તૂપ હતા. આજે એ સ્તૂપ ઍસ્કિવલિનના ચોક (Piazza dell’ Esquilino)માં તથા કિવરિનલના ચોક (Piazza del Quirinale)માં છે. સામ્રાજ્યવાદી રોમના સમયનું આ સૌથી વધુ પ્રતિષ્ઠિત ઐતિહાસિક સ્થાપત્ય હતું. એમાં વચ્ચોવચ ઑગસ્ટસની સમાધિ છે. એની ચારે કોર અનેક ખંડોમાં ઑગસ્ટસના કુટુંબના સભ્યોની સમાધિઓ છે. ઈ. પૂ. ૨૮માં ઑગસ્ટસના ભાણેજ માર્સેલ્લાનું અકાળ અવસાન થયું ત્યારે એમાં એમની સમાધિ રચવામાં આવી હતી. વર્જિલે ‘ઈનીડ’માં ગ્રંથ ૬માં પંક્તિ ૮૭૨માં આ અવસાન અંગે કરુણ કાવ્ય રચ્યું છે. ઈ. ૯૮માં એમાં સમ્રાટ નેર્વાની સમાધિ રચવામાં આવી હતી. ઑગસ્ટસે એમનું આત્મચરિત્ર અને વસિયતનામું ‘દિવ્ય સમ્રાટ ઑગસ્ટસનાં સત્કાર્યો’ (Res Gestae divi Augusti)ની અસલ નકલ શિલા પર અંકિત કરાવીને એમના અવસાન પછી સેનેટ સમક્ષ એનું વાચન કરવા માટે રોમન ચોકમાં વેસ્ટાની દાસીઓને સુપરત કરી હતી. એમના અવસાન પછી એને કાંસા પર અંકિત કરાવીને આ સમાધિગૃહમાં પ્રવેશદ્વાર પાસે પ્રદર્શિત કરવામાં આવી હતી. મધ્યકાલીન યુગમાં આ સમાધિગૃહનો દુર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈ. ૧૩મી સદીમાં એનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પછીથી એનો રંગભૂમિ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૧૯૩૬થી હવે આ રંગભૂમિ પર પ્રતિબંધ છે અને આ સમાધિગૃહનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે. આજે એના મહત્ત્વના અનેક અવશેષો અસ્તિત્વમાં છે. માર્સના ક્ષેત્રની ઉત્તરપૂર્વ દિશામાં ફલૅમિનિઆના માર્ગ પર એટલે કે અર્વાચીન રોમમાં કૉર્સોના માર્ગ (Via del Corso) તથા લ્યુસિનાના માર્ગ(Via in Lucina)ના સંગમ પર જે સ્થળે ફિઆનોનો પ્રાસાદ (Palazzo Fiano) છે તે સ્થળે ઈ. પૂ. ૧૩માં ઑગસ્ટસે શાંતિની વેદી (Ara Pacis Augustae) રચાવી હતી. એના થોડાક જ સમય પૂર્વે સેનેટે સ્પેનિશ અને ગેલિક યુદ્ધમાં વિજય અને વિજયોત્તર શાંતિના સ્મારક અર્થે આ વેદી રોમન ચોકમાં રચાવવા માટે મતદાન દ્વારા ઇચ્છા વ્યક્ત કરી હતી. પણ ઑગસ્ટસે વિનય અને વિનમ્રતાપૂર્વક એનો અસ્વીકાર કર્યો હતો. અને આ વેદી માર્સના ક્ષેત્રમાં રચાવી હતી. ઈ. પૂ. ૧૩માં જાન્યુઆરીની ૩૦મીએ એમણે એનો અર્પણવિધિ કર્યો હતો. પછીથી આ વેદીનો નાશ થયો હતો. સદીઓ પછી ફિઆનોના પ્રાસાદના પાયામાંથી ઈ. ૧૬મી સદીની બીજી પચ્ચીશીમાં, ઈ. ૧૫૬૮માં અને ઈ. ૧૮૫૯માં એના અનેક ચિત્રાંકનોના અવશેષો ઉપલબ્ધ થયા હતા. એ સૌ અવશેષો રોમ, ફલૉરેન્સ અને પૅરિસનાં સંગ્રહાલયોમાં સુરક્ષિત રહ્યા હતા. ઈ. ૧૯૭૦માં અર્વાચીન ઇટલીની રાજધાની તરીકે રોમની સ્થાપનાની પ્રથમ શતાબ્દી પ્રસંગે આ સૌ અવશેષો રોમમાં એકત્રિત કરવામાં આવ્યા હતા અને ઑગસ્ટસના સમાધિગૃહની નિકટ જ પશ્ચિમ દિશામાં રિપેત્તાના માર્ગ (Via di Ripetta) અને ટાઈબર નદીના વામ તટ પરના ઑગસ્ટસના તટાંચલ(Lungotever in Augusta)ની વચમાં આ અવશેષોની સહાયથી આ શાંતિની વેદી નવેસરથી રચવામાં આવી છે. આ નવી રચનામાં વચમાં વેદી છે અને ચારે કોર ચિત્રાંકનો અને વાતાયનોથી સુશોભિત આરસનો મંડપ છે. અસલ વેદીમાં બે પ્રવેશદ્વાર હતાં તેમ એમાં પણ ઉત્તરાભિમુખ અને દક્ષિણાભિમુખ એવાં બે પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર પાસે જમણી બાજુ ઈનીઍસના બલિદાનનું ચિત્રાંકન છે અને ડાબી બાજુ ફૉસ્ટુલસને ટાઈબર નદીમાંથી રોમ્યુલસ અને રૅમસની ઉપલબ્ધિનું ચિત્રાંકન છે. આ બન્ને ચિત્રાંકનોનો રોમની સ્થાપના સાથે પ્રત્યક્ષ સંબંધ છે. વળી, ઑગસ્ટસે પોતે ઈનીઍસના વંશજ હોવાનો દાવો કર્યો હતો. એથી આ ચિત્રાંકનો ઑગસ્ટસને અંજલિરૂપ છે. રિપેત્તાના માર્ગ બાજુની પૂર્વ દિશાની ભીંત પર ધર્મયાત્રાનું ચિત્રાંકન છે. એમાં ઑગસ્ટસ, ઍગ્રિપ્પા તથા ઑગસ્ટસના રાજકુટુંબના કેટલાંક સભ્યોનું આલેખન છે. પાછલા પ્રવેશદ્વાર પાસે જમણી બાજુ વિજયી રોમનું ને ડાબી બાજુ સુજલાસુફલા રોમન ધરાનું ચિત્રાંકન છે. ઑગસ્ટસે વિજય દ્વારા તથા રાજ્ય અને કૃષિ વિશેના ધારા-સુધારા દ્વારા રોમ અને રોમન સામ્રાજ્યને ચિરકાલીન સુખ અને શાંતિ (Pax Romana)નું અર્પણ કર્યું હતું. એથી આ ચિત્રાંકનો પણ ઑગસ્ટસને અંજલિરૂપ છે. વળી, આ ચિત્રાંકનોની સાથે સાથે ‘દિવ્ય સમ્રાટ ઑગસ્ટસનાં સત્કાર્યો’નું પણ ચિત્રાંકન છે. એની અસલ પ્રતનો નાશ થયો હતો પણ પછી શિલા પર અંકિત એની એક નકલ અંકારામાં ઑગસ્ટસના દેવળમાંથી ઉપલબ્ધ હતી એ પરથી આ ચિત્રાંકન કરવામાં આવ્યું હતું. ઑગસ્ટસના તટાંચલ બાજુની ભીંત પર ધર્મયાત્રાના અનુસંધાનરૂપ ચિત્રાંકન છે. એમાં વિવિધ ધર્મગુરુઓનું આલેખન છે. ઈ. પૂ. ૧૩માં શાંતિની વેદીનું અર્પણ-ઉદ્ઘાટન થયું હતું ત્યારે જે ધર્મયાત્રાનું આયોજન થયું હશે એનું જ આ ચિત્રાંકનમાં નિરૂપણ છે. આ શાંતિની વેદી માત્ર ઑગસ્ટસના ‘સુવર્ણ યુગ’નું જ નહિ પણ સમગ્ર પ્રાચીન રોમન ઇતિહાસનું સર્વશ્રેષ્ઠ સ્મારક છે, સર્વોત્તમ સર્જન છે. ઈ. પૂ. ૮૯-૮૨ અને ઈ. પૂ. ૪૯-૪૫માં બે આંતરવિગ્રહો પછી વ્યક્તિગત વર્ચસ્‌ દ્વારા ઑગસ્ટસે રોમમાં શાંતિ અને રોમન સામ્રાજ્યમાં સુરક્ષિતતાનું સર્જન કર્યું. આ શાંતિની વેદી એ આ શાંતિ અને સુરક્ષિતતા ચિરકાલીન હજો એવી ઑગસ્ટસની ભાવનાનું પ્રતીક છે. ‘ઈનીડ’ પણ વર્જિલની એ જ ભાવનાનું પ્રતીક છે. આ શાંતિની વેદીનો ‘ઈનીડ’ સાથે પ્રાચીન રોમની અન્ય કોઈ ઇમારતને ન હોય એવો અને એટલો સૂક્ષ્મ અને માર્મિક સંબંધ છે. વર્જિલે ‘ઈનીડ’માં એમનું ‘આરા પૅચિસ’ રચ્યું છે તો ઑગસ્ટસે ‘આરા પૅચિસ’માં એમનું ‘ઈનીડ’ રચ્યું છે ! માર્સના ક્ષેત્રમાં સમાધિગૃહની દક્ષિણ દિશામાં ઈ. પૂ. ૧૦માં ઑગસ્ટસે ઈ. પૂ. ૬ઠ્ઠી સદીના એક ઇજિપ્શિયન સ્તૂપમાંથી લગભગ ૨૨ મીટર ઊંચું એક સૂર્યઘટિકાયંત્ર (Hor-ologium, Solarium) રચાવ્યું હતું. ઈ. ૮-૯મી સદી પછી એનો નાશ થયો હતો. પછી ઈ. ૧૫-૧૬મી સદીમાં એના અવશેષ ઉપલબ્ધ થયા હતા અને ઈ. ૧૭૯૨માં એને આજે જે સ્થળે પાર્લામેન્ટનો ચોક (Piazza del Parliamento) છે તે સ્થળે ચોકની વચ્ચોવચ નવેસરથી રચવામાં આવ્યું છે. આજે જે સ્થળે માર્સેલ્લુસનું થિયેટર છે તે સ્થળની નિકટ જ ઉત્તરપશ્ચિમ દિશામાં ઈ. પૂ. ૧૪૭માં મેટેલ્લુસે જ્યૂપિટર સ્ટેટર અને જ્યુનોનાં બે દેવળની આસપાસ આરસનો એક મંડપ રચાવ્યો હતો. પ્રાચીન રોમમાં આ સૌ પ્રથમ આરસની ઇમારત હતી. પછી ઈ. પૂ. ૩૨માં ઑગસ્ટસે એનો વિસ્તાર અને પુનરુદ્ધાર કર્યો હતો. અને એ સમગ્ર રચના પોતાની બહેન ઑક્ટાવિઆને અર્પણ કરી હતી. અને એનું ઑક્ટાવિઆનું સભાગૃહ (Opera Octavae) એવું નામાભિધાન કર્યું હતું. આ ૧૩૫ મીટર લાંબું અને ૧૧૫ મીટર પહોળું લંબચોરસ સભાગૃહ હતું. એમાં સંવાદખંડ, સભાખંડ, ગ્રીક અને લૅટિન ભાષાનાં બે ગ્રંથાલયો તથા અસંખ્ય શિલ્પકલાકૃતિઓના સંગ્રહાલયની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈ. ૮૦માં આગથી એ ભસ્મીભૂત થયું હતું. પછી ઈ. ૨૦૩માં સૅવૅરસે અને પછી કારાકાલ્લાએ એનો પુનરુદ્ધાર કર્યો હતો. આજે એના કોઈ કોઈ અવશેષ અસ્તિત્વમાં છે. આ સભાગૃહની નિકટ જ ઉત્તરપશ્ચિમ દિશામાં અને પૉમ્પીના થિયેટરની નિકટ જ દક્ષિણપૂર્વ દિશામાં ઈ. પૂ. ૧૩માં ઑગસ્ટસના મિત્ર બાલ્બુસે એક થિયેટર રચાવ્યું હતું. એમાં ૧૧૬૦૦ પ્રેક્ષકો માટેની બેઠક વ્યવસ્થા હતી. એમાં નીચે ભોંયરું અને આસપાસ અનેક ફુવારાઓની પણ રચના કરવામાં આવી હતી. ઈ. ૮૦માં આગથી એને ભારે નુકસાન થયું હતું. પછી એનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો હતો. આજે એના કોઈ કોઈ અવશેષ અસ્તિત્વમાં છે. પૉમ્પીના થિયેટરની ઉત્તર દિશામાં ઈ. ૯૭માં ડોમિટિઆનસે એક થિયેટર (Odeum) રચાવ્યું હતું. એમાં ૧૦૬૦૦ પ્રેક્ષકો માટેની બેઠક-યવસ્થા હતી. એમાં કવિતા, સંગીત, અશ્વસ્વારી, કવાયત આદિ પ્રવૃત્તિઓ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પછીથી ટ્રેજાનસે એનું સમારકામ કરાવ્યું હતું. આજે એના કોઈ કોઈ અવશેષ અસ્તિત્વમાં છે. આજે જે સ્થળે નાવોનાનો ચોક (Piazza Navona) છે તે સ્થળે ઈ. ૯૭માં ડેમિટિઆનસે એક સ્ટેડિયમ પણ રચાવ્યું હતું. એથી જ આજે આ નાવોનાનો ચોક સ્ટેડિયમના આકારનો ચોક છે. આ ૨૪૦ મીટર લાંબું અને ૬૫ મીટર પહોળું લંબચોરસ સ્ટેડિયમ હતું. એમાં ૩૦,૦૦૦ પ્રેક્ષકો માટેની બેઠક-વ્યવસ્થા હતી. પછી ઈ. ૨૨૮માં સૅવૅરસ ઍલૅક્ઝાન્ડરે એનું સમારકામ કરાવ્યું હતું. આજે એના કોઈ કોઈ અવશેષ અસ્તિત્વમાં છે. પૅન્થીઑનની નિકટ જ ઉત્તરપશ્ચિમ દિશામાં અને સ્ટેડિયમની નિકટ જ ઉત્તરપૂર્વ દિશામાં ઈ. ૬૩માં નીરોએ વિશાળ સ્નાનગૃહ રચાવ્યું હતું. પછી ઈ. ૨૨૮માં સૅવૅરસ ઍલૅક્ઝાન્ડરે એનું સમારકામ કરાવ્યું હતું. અને એનો વિસ્તાર કર્યો હતો. આજે એના કોઈ કોઈ અવશેષ અસ્તિત્વમાં છે. માર્સના ક્ષેત્રની ઉત્તરપશ્ચિમ દિશામાં ટાઈબર નદીના દક્ષિણ તટ પર ઈ. ૧૩૬માં હૅડ્રિઆનસે એક ભવ્ય સમાધિગૃહ રચાવ્યું હતું. આ ૮૪ મીટરની ચોરસ ભોંય પર ૨૦ મીટર ઊંચું વર્તુલાકાર સમાધિગૃહ હતું. એની ટોચ પર હૅડ્રિઆનસ તથા ચાર અશ્વોના રથની પ્રતિમા હતી. એમાં હૅડ્રિઆનસ, એમના વંશજો તથા અન્ય સમ્રાટોની સમાધિઓ હતી. પછીથી ઈ. ૨૭૦માં ડૉમિટિઅસ ઑરેલિઆનસે એમાં દુર્ગ પણ રચાવ્યો હતો. પછી ઈ. ૫૯૦માં રોમમાં ભયાનક પ્લેગના સમયમાં પોપ ગ્રૅગરીને એક દેવદૂત આ સમાધિગૃહની ટોચ પર પ્રતિષ્ઠિત થયો અને પ્લૅગ અદૃશ્ય થયો એવું સ્વપ્ન આવ્યું હતું એથી એમણે આ સમાધિગૃહનું દેવદૂતનો દુર્ગ (Castel Sant’ Angelo) એવું નામાભિધાન કર્યું હતું. અને એની ટોચ પર પૂર્વેની પ્રતિમાઓને સ્થાને એ દેવદૂતની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. સમગ્ર રોમના ઇતિહાસમાં આ સમાધિગૃહનો સવિશેષ મહિમા છે. આ સમાધિગૃહની આસપાસ રોમ પર વર્ચસ્‌ માટે સદીઓ લગી રોમનો અને ખ્રિસ્તીઓ વચ્ચેના યુદ્ધો-સંઘર્ષો થયાં હતાં. આ સમાધિગૃહ-દુર્ગ સદાય પોપનું આશ્રયસ્થાન હતું. આજે આ સમગ દુર્ગ સંપૂર્ણપણે સુરક્ષિત છે. માર્સના ક્ષેત્રનો આટલો વિગતે અને વિસ્તારથી પરિચય સકારણ કર્યો-કરાવ્યો છે. રાજાશાહી અને પ્રજાસત્તાકવાદી રોમમાં કૅપિટોલની ટેકરી, પૅલેટિનની ટેકરી અને રોમન ચોક પર જ રોમન રાજાઓ, નેતાઓ અને પ્રજાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત થયું હતું. ત્યારે એમનામાં માર્સના ક્ષેત્ર પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા હતી. પૉમ્પી, સીઝર અને મુખ્યત્વે વર્જિલના મિત્ર અને આશ્રયદાતા એવા ઑગસ્ટસ તથા ઍગ્રિપ્પાએ તથા ઑગસ્ટસના મિત્રોએ જ સર્જનો દ્વારા માર્સના ક્ષેત્રને સભર અને સમૃદ્ધ કર્યું હતું. ઑગસ્ટસની આ સિદ્ધિ ઈ. ૪૭૬માં રોમન સામ્રાજ્યનું પતન થયું ત્યાં લગી સૌ સમ્રાટો માટે અને ત્યાર પછી ખ્રિસ્તીઓ માટે પણ આદર્શરૂપ અને પ્રેરણારૂપ હતી. એમણે સમગ્ર રોમને આજ લગી ઉત્તરોત્તર વધુ ને વધુ સભર અને સમૃદ્ધ કર્યું છે. ઑગસ્ટસે અન્ય વિસ્તારોમાં પણ અનેક ભવ્યસુન્દર ઇમારતોનું સર્જન કર્યું હતું. એથી એમને વિશે નોંધવામાં આવ્યું છે કે ઑગસ્ટસે રોમ મેળવ્યું ઈંટોનું, એ રોમ મૂકી ગયા આરસનું. એમણે માર્સના ક્ષેત્રમાં જે સર્જન કર્યું એના સંદર્ભમાં આ વિધાન સવિશેષ સાર્થક થાય છે. ઑગસ્ટસનું આ સર્જન સુખ અને શાંતિનું પ્રતીક છે, રોમન સંસ્કૃતિમાં જે મૂલ્યો, આદર્શો, ભાવનાઓ છે તે સૌનું પ્રતીક છે. આ સુખ અને શાંતિ તથા આ સંસ્કૃતિ અને એમાં જે મૂલ્યો આદિ છે તે ચિરકાલીન થાય એવી આ સર્જનમાં ઑગસ્ટસની મહેચ્છા હતી — સવિશેષ તો ઈ. પૂ. ૮૮થી વારંવાર આંતરવિગ્રહોથી રોમ છિન્નભિન્ન થતું રહ્યું હતું એ કારણે. ‘ઈનીડ’ના સર્જનમાં વર્જિલની પણ આ જ મહેચ્છા હતી. શક્ય છે કે ઑગસ્ટસની અન્ય અનેક સૂક્ષ્મ, માર્મિક સિદ્ધિઓની સાથે સાથે આ સ્થૂલ, ભૌતિક સિદ્ધિ, આ સર્જન પણ ‘ઈનીડ’ના સર્જનમાં વર્જિલ માટે આદર્શરૂપ અને પ્રેરણારૂપ હોય. એથી જ અહીં માર્સના ક્ષેત્રનો આટલો વિગતે અને વિસ્તારથી પરિચય કર્યો-કરાવ્યો છે. ૨૦મીએ બપોરના ત્રણથી સાંજના પાંચ વાગ્યા લગી હું રોમન ચોકમાં ફર્યો હતો. ચોકની ઉત્તરપશ્ચિમ દિશામાં કૅપિટોલની ટેકરીના ઢાળ પાસેથી ફરવાનો આરંભ કર્યો હતો. અને કૉલોઝીઅમ પાસે ફરવાનો અંત આવ્યો હતો. ફૉરમ (Forum)નો અર્થ છે ઃ ‘બાહ્ય પ્રદેશ’. ઈ. પૂ. ૯-૧૦મી સદીમાં ચોકની ચારે બાજુની ટેકરીઓ પર કુટિરોમાં જે જાતિઓ — દક્ષિણ દિશામાં પૅલેટિનની ટેકરી પર લૅટિન જાતિ, ઉત્તર દિશામાં કિવરિલિનની ટેકરી પર તથા પૂર્વ દિશામાં ઍસ્કિવલિનની ટેકરી પર સૅબાઈન જાતિ અને પશ્ચિમ દિશામાં કૅપિટોલની ટેકરી પર ઍટ્રુસ્કન જાતિ વસી હતી એમને માટે આ પ્રદેશ ઈ. પૂ. ૮મી સદીના ઉત્તરાર્ધ લગી સાચ્ચે જ ‘બાહ્ય પ્રદેશ’ હતો. આ પ્રદેશમાં ખીણ હતી. વારંવાર ટાઈબરનાં પૂરનાં પાણી તથા વરસોવરસ આ ટેકરીઓ પરથી ઊતરીને ટાઈબરમાં વહી જતાં પાણીને કારણે આ ખીણમાં એક કાયમનું કળણ હતું. કળણ વિનાના ભાગમાં આ જાતિઓ વચ્ચે વ્યાપારની એકમાત્ર પ્રવૃત્તિ થતી હતી. વળી, આ ખીણની ઉત્તરપૂર્વ દિશામાં આ જાતિઓનું એક કબ્રસ્તાન પણ હતું. પણ ઈ. પૂ. ૭૫૩માં રોમની સ્થાપના પછી રોમના સ્થાપક અને લૅટિન જાતિના નેતા રોમ્યુલસ તથા સૅબાઈન જાતિના નેતા ટાઈટસ ટેટિયસ વચ્ચે પ્રથમ સંઘર્ષ અને પછી સમાધાન થવાને કારણે આ ખીણમાં ધર્મ અને રાજકારણની પ્રવૃત્તિઓનો આરંભ થયો હતો. ઈ. પૂ. ૭મી સદીમાં સૅબાઈન જાતિના બીજા રાજા ન્યૂમા પૉમ્પિલિયસે આ ખીણમાં મધ્યભાગમાં ગૃહજીવનની દેવી વેસ્ટા (ગ્રીક શબ્દ estia એટલે ગૃહશાંતિની અગ્નિવેદી પરથી લૅટિન શબ્દ Vesta) અને અન્નપૂર્ણા — અન્નભંડારની દેવીઓ (Penates)નું દેવળ રચાવ્યું હતું. આ દેવળ આરંભમાં ૧૫ મીટરના વ્યાસની વર્તુલાકાર કાષ્ઠકુટિર (Capanna) રૂપે હતું. આ દેવળ વારંવાર આગમાં ભસ્મીભૂત થયું હતું. અને કુલ પાંચ વાર એનો પુનરુદ્ધાર કરાવવામાં આવ્યો હતો. એમાં ઈ. પૂ. ૧૨માં ઑગસ્ટસે પણ એનો ૨૦ સ્તંભ અને શંકુ આકારની છત સાથે આરસના દેવળ રૂપે પુનરુદ્ધાર કરાવ્યો હતો. ઈ. ૨૦૫-૨૧૦માં સમ્રાટ સૅપ્ટિમિઅસ સૅવૅરસે એનો અંતિમ વાર પુનરુદ્ધાર કરાવ્યો હતો. આ દેવળમાં સમગ્ર પ્રજાના ઉપયોગ માટે પવિત્ર અગ્નિની અખંડ જ્યોત પ્રકટાવવામાં આવી હતી. આ અગ્નિ ટ્રૉયથી આવ્યો હતો. એના ધૂમ્રના નિર્ગમન માટે દેવળની છતમાં એક મોટું છિદ્ર કરવામાં આવ્યું હતું. આ અખંડ જ્યોતનું નિર્વાણ થાય તો રોમનું વિલોપન થાય એવી માન્યતા હતી. એથી એના રક્ષણ માટે છ ચિરકૌમાર્યવંતી પૂજારિણીની છથી દસ વર્ષની વયે ત્રીસ વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવી હતી. પ્રત્યેક પૂજારિણી સતત આઠ કલાક જ્યોતનું રક્ષણ કરે એવો કાર્યક્રમ નિશ્ચિત કરવામાં આવ્યો હતો. એમનાથી કૌમાર્યમાં કે રક્ષણકાર્યમાં ભંગ થાય તો એમને દેહાન્ત લગીની શિક્ષા કરવામાં આવતી હતી. સમાજમાં અને રાજ્યમાં એમનું વિશેષાધિકારયુક્ત ગૌરવભર્યું વિશિષ્ટ સ્થાન હતું. એમને માટે દેવળની નિકટ જ દક્ષિણપૂર્વ દિશામાં બે માળનું એક વિશાળ લંબચોરસ નિવાસસ્થાન (Atrium) પણ રચવામાં આવ્યું હતું. એમાં છ નિવાસખંડો, અન્ય ખંડો, ત્રણ જલકૂપો, ઉદ્યાન આદિની વ્યવસ્થા હતી. એમાં કેટલીક પ્રસિદ્ધ પૂજારિણીઓની પ્રતિમાઓની સ્થાપના પણ કરવામાં આવી હતી. આ નિવાસસ્થાન પણ વારંવાર આગમાં ભસ્મીભૂત થયું હતું, અને કુલ ત્રણ વાર એનો પુનરુદ્ધાર કરાવવામાં આવ્યો હતા. એમાં ઈ. પૂ. ૧૨માં ઑગસ્ટસે એનો આરસમાં પુનરુદ્ધાર અને વિસ્તાર કરાવ્યો હતો. ઈ. ૨૦૫-૨૧૦માં સમ્રાટ સૅપ્ટિમિઅસ સૅવૅરસે એનો અંતિમ વાર પુનરુદ્ધાર કરાવ્યો હતો. આ દેવળમાં જ્યાં માત્ર પૂજારિણીઓ સિવાય કોઈનો પણ પ્રવેશ શક્ય ન હોય એવા ગુપ્તસ્થાન (Penus)માં ઈનીઍસ ટ્રૉયથી જે સાથે લાવ્યા હતા તે ચીજવસ્તુઓ તથા આકાશમાંથી ટ્રૉયમાં જેનું અવતરણ થયું હતું તે પૅલાસ ઍથીનીની કાષ્ઠમૂર્તિ (Palladium) વગેરેની સ્થાપના કરવામાં આવી હતી. રાજાશાહી રોમના સમયમાં પૂજારિણીઓ તરીકે રાજાઓની પુત્રીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. ઈ. પૂ. ૫૦૯માં રાજાશાહીનો અંત આવ્યો પછી અખંડ જ્યોતના રક્ષણનું કાર્ય ધર્મગુરુ-પૂજારીએ કર્યું હતું. પછી પ્રજાસત્તાકવાદી તથા સામ્રાજ્યવાદી રોમના સમયમાં પૂજારિણીઓ તરીકે અમીરોની પુત્રીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. રોમન સંસ્કૃતિમાં વેસ્ટાનું દેવળ વસુધૈવકુટુમ્બકમ્‌ની ભાવનાની પ્રેરણારૂપ હતું. જ્યૂપિટરના દેવળ જેટલા જ પવિત્રતમ દેવળ તરીકે, ધર્મના કેન્દ્ર તરીકે એનું અનન્ય સ્થાન હતું. ઈ. ૩૯૪માં ખ્રિસ્તીઓએ જ્યારે સૌ રોમન દેવળોનો પ્રતિબંધ કર્યો હતો ત્યારે વેસ્ટાના દેવળનો અંત આવ્યો હતો. વેસ્ટાના દેવળની નિકટ જ ઉત્તરપૂર્વ દિશામાં ઈ. પૂ. ૬ઠ્ઠી સદીમાં ન્યૂમાએ ત્રણ ખંડનો એક રાજ્યપ્રાસાદ (Regia) પણ પોતાના નિવાસસ્થાન રૂપે રચાવ્યો હતો. રોમમાં રાજાશાહીનો અંત આવ્યા પછી એમાં ધર્મગુરુ-પૂજારીનું નિવાસસ્થાન હતું. એમાં યુદ્ધના દેવ માર્સની વર્તુલાકાર વેદી રચવામાં આવી હતી અને આકાશમાંથી જેનું અવતરણ થયું હતું એવા માર્સનાં આયુધોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. એ વારંવાર આગમાં ભસ્મીભૂત થયું હતું અને ચાર વાર એનો પુનરુદ્ધાર કરાવવામાં આવ્યો હતો. ઈ. પૂ. ૩૬માં એનો આરસમાં પુનરુદ્ધાર કરવામાં આવ્યો હતો. અને ઈ. ૯૭માં ડૉમિનિઆનસે એનો અંતિમ વાર પુનરુદ્ધાર કરાવ્યો હતો. ઈ. પૂ. ૭મી સદીમાં સૅબાઈન જાતિના ત્રીજા ટુલુસ હૉસ્ટિલુસે સૅબાઈન અને લૅટિન જાતિના સભ્યો (Com-ices)ના મિલનસ્થાન રૂપે એક સમિતિગૃહ (Comitium) રચાવ્યું હતું. રાજાશાહી રોમના સમયમાં એ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. ઈ.પૂ. ૧લી સદીના ઉત્તરાર્ધમાં એનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો હતો. એની ઉત્તરપૂર્વ દિશામાં ઊંચાણમાં એમણે બન્ને જાતિના વડીલો (patres)ના મિલનસ્થાન રૂપે પથ્થરનું લંબગોળ સભાગૃહ (Curia) પણ રચાવ્યું હતું. એ પૂર્વે એ જ સ્થળે એક ચોરસ કુટિરમાં આ વડીલો એટલે કે ઘેટાના ચામડામાં સજ્જ એવા સેનેટરોનું મિલન થયું હતું. પછી ઈ. પૂ. ૮૦માં સુલાએ એનો પુનરુદ્ધાર અને વિસ્તાર કરાવ્યો હતો. ઈ. પૂ. ૫૨માં એ આગમાં ભસ્મીભૂત થયું હતું. પછી ઈ. પૂ. ૪૪માં સીઝરે એની નિકટ જ પૂર્વ દિશામાં નીચાણમાં એક નવું જ સભાગૃહ (Curia Julia) રચાવવાનો આરંભ કર્યો હતો. પણ સીઝરની હત્યાને કારણે એ કાર્ય અધૂરું રહ્યું હતું. તે ઈ. પૂ. ૨૯માં ઑગસ્ટની ૨૮મીએ ઑગસ્ટસે પૂરું કર્યું હતું. ઈ. ૬૫માં એ આગમાં ભસ્મીભૂત થયું હતું. પછી ઈ. ૮૫માં ડૉમિટિઆનસે એનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. ઈ. ૨૮૩માં એ આગમાં ભસ્મીભૂત થયું હતું. પછી ઈ. ૨૮૪માં ડાયોક્લૅટિઆનસે એનો આરસમાં પુનરુદ્ધાર કરાવ્યો હતો. આ પર મીટર લાંબું, ૨૮ મીટર પહોળુ અને ૨૧ મીટર ઊંચું લંબચોરસ સભાગૃહ હતું. એમાં ૨૬ મીટર લાંબો અને ૧૮ મીટર પહોળો સભાખંડ હતો. એમાં કાંસાનું પ્રવેશદ્વાર હતું. એની અંદર વિજયાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. એની બહાર ત્રણ પવિત્ર વૃક્ષોનું આરોપણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાકવાદી રોમના સમયમાં ત્રણસો સેનેટરોનું આ સભાગૃહ હતું. સામ્રાજ્યવાદી રોમના સમયમાં સેનેટનું મહત્ત્વ નહિવત્ હતું એથી આ સભાગૃહનું મહત્ત્વ પૂર્વવત્ રહ્યું ન હતું. રોમ્યુલસનું રોમ તો માત્ર પૅલેટિનની ટેકરી પર ગોપ જાતિની કુટિરોનું જ રોમ હતું. પણ ઍટ્રુસ્કન જાતિના ત્રણ રાજાઓને ગ્રીસનાં નગરોનો પરિચય હતો એથી ઈ. પૂ. ૬ઠ્ઠી સદીમાં રોમના પાંચમા રાજા (અને ઍટ્રુસ્કન જાતિના પ્રથમ રાજા) ટાર્વિનિઅસ પ્રિસ્કસે ટાઈબર નદીનાં પૂરનાં પાણી અને ટેકરીઓ પરથી આ ખીણમાં ઊતરી આવતાં પાણીના નિકાલ માટે આ ખીણમાં પણ જેનું એક મુખદ્વાર (Sacellum) હતું તે વિસ્તૃત ભૂગર્ભ જલમાર્ગ (Cloaca Maxima) રચાવ્યો હતો તથા આ ખીણમાં ફરસબંધી રચાવી હતી. એથી જ રોમ સાચ્ચે જ નગર થયું હતું. એ પૂર્વે ઈ. પૂ. ૮મી સદીમાં સૅબાઈન જાતિના ચોથા રાજા અન્કસ મર્ટિઅસે ટાઈબર નદી પર પ્રથમ પુલ (Pons) રચાવ્યો હતો. એથી બાહ્ય જગત સાથે રોમના સંબંધનો આરંભ થયો હતો. ઈ. સ. ૬ઠ્ઠી સદીમાં રોમના ૬ઠ્ઠા રાજા (ઍટ્રુસ્કન જાતિના બીજા રાજા) સર્વિઅસ ટુલિઅસે આ ખીણની ચોમેર કોટ રચાવ્યો હતો અને આ નગરનું ‘રોમ’ એવું નામાભિધાન કર્યું હતું. આ સમયમાં આ ખીણનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવાનો અંત આવ્યો હતો અને નગરજનોના નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરવાનો આરંભ થયો હતો. વળી, આ સમયમાં આ ખીણમાં ઉત્તરપૂર્વ દિશામાં કૉલોઝીઅમથી કૅપિટોલની ટેકરીના ઢાળ લગી ૭૯૦ મીટર લાંબો માર્ગ પણ રચવામાં આવ્યો હતો. આ માર્ગની બન્ને બાજુ પર પવિત્ર ધર્મસ્થાનો — વેસ્ટાનું દેવળ, અન્નપૂર્ણાનું દેવળ અને ધર્મગુરુનું નિવાસસ્થાન રચવામાં આવ્યાં હતાં એથી એનું ‘પવિત્ર માર્ગ’ (Sacra Via) એવું નામાભિધાન કરવામાં આવ્યું હતું. આ ખીણનું રોમન ચોક રૂપે જેમ જેમ પરિવર્તન થયું હતું તેમ તેમ ચાર વાર આ માર્ગનું પણ પરિવર્તન થયું હતું. આરંભમાં એ ઊંચીનીચી ભૂમિ પર વર્તુલાકાર વળાંકો સાથેનો ત્રણ સ્તબકનો વાંકોચૂકો માર્ગ હતો. પણ પછી આ માર્ગ પર અને એની બન્ને બાજુ પર દેવળો, પ્રાસાદો, વિજયતોરણો, સ્તંભો, પ્રતિમાઓ, નિવાસસ્થાનો, બજારો, દુકાનો વગેરે અનેક ભવ્યસુન્દર ઇમારતો રચવામાં આવી હતી. એથી અંતે એ કાટખૂણે પાંચ વળાંકો સાથેનો સ્પષ્ટ આકારનો વ્યવસ્થિત માર્ગ હતો. ઈ. ૯મી સદી લગી આ માર્ગનો ઉપયોગ થયો હતો. પછી એ નિરુપયોગી થયો હતો. અગાઉ જેનું વિગતે વર્ણન કર્યું છે તે વિજયયાત્રાઓ માટે સદીઓ લગી આ માર્ગનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ થયો હતો. આ માર્ગ ‘માર્ગોમાં રાજમાર્ગ’નું બિરુદ પામ્યો હતો. એક પુરાણકથા પ્રમાણે ઈ. પૂ. ૧૪મી સદીમાં કૃષિના રોમન દેવ સૅટર્ને કૅપિટોલની ટેકરી પર એક પૌરાણિક નગર વસાવ્યું હતું. ઈ. પૂ. ૧૨મી સદીમાં ટ્રૉયના યુદ્ધની પણ પૂર્વે આ નગરમાં હર્ક્યુલીસના ગ્રીક અનુયાયીઓ વસ્યા હતા અને એમણે કૅપિટોલની ટેકરીની તળેટીમાં આ ખીણમાં કૅપિટોલની ટેકરીના ઢાળ પાસે સૅટર્નની વેદી રચાવી હતી. આજે પણ રોમન ચોકમાં આ વેદીનો અવશેષ અસ્તિત્વમાં છે. પછીથી ઈ. પૂ. ૪૯૭માં આ વેદીની દક્ષિણપશ્ચિમ દિશામાં સૅટર્નનું દેવળ રચાવવામાં આવ્યું હતું અને ડિસેમ્બરની ૧૭મીએ સૅટર્નેલિઆના ઉત્સવદિને આ દેવળ સૅટર્નને અર્પણ કરવામાં આવ્યું હતું. અહીં પ્રતિવર્ષ સૅટર્નૅલિઆના પ્રસિદ્ધ ઉન્મત્ત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈ. પૂ. ૪૨માં ઑગસ્ટસના મિત્રે આ દેવળનો આરસમાં પુનરુદ્ધાર કરાવ્યો હતો. ઈ. ૨૮૩માં એ આગમાં ભસ્મીભૂત થયું હતું. પછી ઈ. ૨૮૪માં ડાયોક્લૅટિઆનસે એનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. આ દેવળમાં રાજ્યનો ધનભંડાર હતો. ઈ. પૂ. ૪૯માં આંતરવિગ્રહ સમયે સીઝરે આ ભંડાર નિઃસંકોચ લૂંટ્યો હતો. રોમ્યુલસે પૅલેટિનની ટેકરીની ઉત્તરપૂર્વ દિશાની તળેટીમાં જ્યૂપિટરનું દેવળ રચાવવાની પ્રતિજ્ઞા કરી હતી. પણ પછી ઈ. પૂ. ૨૯૬માં એ તળેટીમાં જ પૅલેટિનની ટેકરીના ઢાળની ઉત્તરપૂર્વ દિશામાં અને રોમન ચોકની દક્ષિણપૂર્વ દિશામાં એ જ્યૂપિટર સ્ટૅટરનું દેવળ રચવામાં આવ્યું હતું. સૅટર્નની વેદીની નિકટ જ વૉલ્કેનાલમાં અગ્નિ તથા આયુધના રોમન દેવ વલ્કનની વેદી રચવામાં આવી હતી. પ્રતિવર્ષ ઑગસ્ટની ૨૩મીએ અહીં વાલ્કેનેલિઆના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈ. પૂ. ૯માં ઑગસ્ટસે આ વેદીનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. સભાગૃહની પૂર્વ દિશામાં આર્ગિલેટમના માર્ગ પર સૌ કાર્યોના આરંભ–શ્રીગણેશ–ના તથા દ્વાર (Ianua)ના રોમન દેવ જૅનસનું દેવળ રચવામાં આવ્યું હતું. આ દેવળને બે દ્વાર હતાં. જૅનસ દ્વિમુખી દેવ હતા. એથી એમને માટે એકસાથે બે વિરોધી દિશાઓનું દર્શન શક્ય હતું. જૅનસ એ કોઈપણ કાર્ય — સવિશેષ યુદ્ધકાર્ય — નો આરંભ બન્ને બાજુના પૂર્ણ વિચાર પછી જ કરવો જોઈએ એવા રોમન મૂલ્યનું પ્રતીક હતું. આરંભમાં રોમન પંચાંગમાં દસ માસ — માર્ચથી ડિસેમ્બર-નું વર્ષ હતું. અને યુદ્ધના રોમન દેવ માર્સના નામ પરથી વર્ષના આરંભના પ્રથમ માસનું ‘માર્ચ’ એવું નામાભિધાન કરવામાં આવ્યું હતું. પણ પછીથી રોમન પંચાંગમાં બાર માસનું વર્ષ હતું. માર્ચ પૂર્વે નવા બે માસનું ઉમેરણ કરવામાં આવ્યું હતું. અને જૅનસના નામ પરથી વર્ષના આરંભના પ્રથમ માસનું ‘જાન્યુઆરી’ એવું નામાભિધાન કરવામાં આવ્યું હતું. એમાં પછીથી રોમન સંસ્કૃતિમાં માર્સને સ્થાને જૅનસની સ્થાપના કરવામાં આવી હતી એવું સૂચન છે. વળી, વારંવાર રોમન મુદ્રાઓ પર જૅનસનું દ્વિમુખ અંકિત કરવામાં આવ્યું હતું. યુદ્ધના સમયમાં આ દેવળનાં બન્ને દ્વાર સતત ખુલ્લાં રહે એવી પરંપરા હતી. ઈ. પૂ. ૮૮થી વારંવાર અનેક આંતરવિગ્રહોથી રોમ છિન્નભિન્ન થતું હતું. ઑગસ્ટસને રોમમાં ચિરકાલીન શાંતિ થાય એવી તીવ્ર મહેચ્છા હતી. એથી ઈ. પૂ. ૨૭માં એમણે વિધિપૂર્વક આ દેવળનાં બન્ને દ્વાર બંધ કરાવ્યાં હતાં. સભાગૃહની નિકટ જ દક્ષિણપશ્ચિમ દિશામાં તથા સૅટર્ન અને વલ્કનની વેદીઓની ઉત્તરપૂર્વ દિશામાં ‘શ્યામ શિલા’ (Lapis Niger)નું આરોપણ કરવામાં આવ્યું હતું. એની નિકટ રોમ્યુલસની સમાધિ રચવામાં આવી હતી. એની નિકટ ઈ. પૂ. ૬ઠ્ઠી સદીની પ્રાચીન લૅટિન ભાષામાં એક શિલાલેખ અંકિત કરવામાં આવ્યો હતો. આજે પણ આ શિલાલેખનો અર્થ લૅટિન ભાષાના વિદ્વાનોને માટે દુર્બોધ છે. ઈ. પૂ. ૪૯૯માં રોમથી સહેજ જ દૂર દક્ષિણપશ્ચિમ દિશાના પ્રદેશમાંથી લૅટિન જાતિ સાથેના યુદ્ધ સમયે જ્યૂપિટરના બે પુત્રો — કૅસ્ટર અને પૉલકસે રોમમાં પ્રજાજનો સમક્ષ વિજયના સમાચારની ઉદ્ઘોષણા દ્વારા સહાય કરી હતી એ માટે એમની પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરવા માટે ઈ. પૂ. ૪૮૨માં રોમન ચોકની દક્ષિણપશ્ચિમ દિશામાં ‘કૅસ્ટર અને પૉલક્સનું દેવળ’ રચાવવામાં આવ્યું હતું. પછી ઈ. પૂ. ૧૧૭માં અને ઈ. પૂ. ૭માં એનો વિસ્તાર–વિકાસ કરવામાં આવ્યો હતો. ઈ. પૂ. ૪૩૮માં સમિતિખંડની નિકટ જ દક્ષિણપૂર્વ દિશામાં વક્તાઓ માટે એક ‘વ્યાસપીઠ (Rostra)’ રચવામાં આવ્યું હતું. પછી ઈ. પૂ. ૪૪માં સીઝરે સમિતિ ખંડથી સહેજ દૂર દક્ષિણપશ્ચિમ દિશામાં એનો વિસ્તાર– વિકાસ કરાવ્યો હતો — બલકે એને લગભગ નવેસરથી જ રચાવ્યું હતું અને એનું ‘જુલિઆનું વ્યાસપીઠ (Rostra Julia)’ એવું નામાભિધાન કર્યું હતું. સિસેરો આદિ મહાન રોમન વક્તાઓએ આ વ્યાસપીઠ પરથી અસંખ્ય વક્તવ્યો કર્યાં હતાં. સીઝરની હત્યા પછી બ્રુટસ — ઍન્ટનીએ અહીંથી જ શોકાંજલિનાં વક્તવ્યો કર્યા હતાં. ઑગસ્ટસના અવસાન પછી પણ અહીંથી જ શોકાંજલિ-વક્તવ્યો થયાં હતાં. સુલ્લા, ક્લૉડિઅસ, ઍન્ટની, ઑક્ટાવિઅસ આદિનાં મસ્તકો અને મૃતદેહોનું પણ અહીં જ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઈ. પૂ. ૪૩માં સિસેરોના વધ પછી ઍન્ટનીના આગ્રહથી એમનાં મસ્તક અને હાથનું પણ અહીં જ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પછી ઈ. પૂ. ૨૯માં ઑગસ્ટસે આ વ્યાસપીઠનો વિસ્તાર–વિકાસ કરાવ્યો હતો. ઈ. પૂ. ૫મી સદીના અંતભાગથી લગભગ અઢીસો વરસ લગી રોમન પ્રજાના બે મુખ્ય વર્ગો — અમીર અને આમ — વચ્ચે રાજકીય સમાનતા માટે તીવ્ર સંઘર્ષ હતો. પછી ઈ. પૂ. ૩૬૭માં અંતે એમની વચ્ચે સમાધાન થયું હતું. એથી એ જ વરસમાં એના સ્મૃતિચિહ્ન રૂપે રોમન ચોકની ઉત્તરપશ્ચિમ સીમા પર ૪૫ મીટર લાંબું અને ૨૪ મીટર પહોળું એવું ‘સમાધાન (Concord)નું દેવળ’ રચાવવામાં આવ્યું હતું. ઈ. પૂ. ૧૨૧માં અને ઈ. ૧૦માં એમ બે વાર એનો વિસ્તાર — વિકાસ કરવામાં આવ્યો હતો. ઈ. પૂ. ૨૬૩માં અને ઈ. પૂ. ૧૬૪માં રોમન ચોકમાં બે સૂર્યઘટિકાયંત્રો રચાવવામાં આવ્યાં હતાં. રોમન ચોકની ઉત્તરપશ્ચિમ દિશામાં ન્યાય અને વ્યાપાર આદિ પ્રજાકીય પ્રવૃત્તિઓ માટે ભિન્ન ભિન્ન સ્થળે પાંચ પ્રાસાદો– પોર્સિઆ (ઈ. પૂ. ૧૮૪), ફલ્વિઆ (ઈ. પૂ. ૧૭૯), સૅમ્પ્રોનિઆ (ઈ. પૂ. ૧૬૯), ઓપિમિઆ (ઈ. પૂ. ૧૨૧) અને ઍમિલિઆ (ઈ. પૂ. ૫૪) પણ રચાવવામાં આવ્યા હતા. ઈ. પૂ. ૭૮માં રોમન ચોકની પશ્ચિમ દિશાની સીમા પર દસ્તાવેજોના સંગ્રહ માટે ૬૪ મીટર લાંબી ભીંત અને છ બારીઓ સાથેનું ત્રણ માળનું પૂર્વોક્ત ટૅબ્યુલેરિઅમ રચાવવામાં આવ્યું હતું. ઈ. પૂ. ૫૪-૪૬માં રોમન ચોકની દક્ષિણપશ્ચિમ સીમા પર સીઝરે પણ ૧૦૦ મીટર લાંબો અને ૫૦ મીટર પહોળો ત્રણ માળનો એક વિશાળ પ્રાસાદ — જુલિઆ રચાવવાનો આરંભ કર્યો હતો. પણ ઈ. પૂ. ૪૪માં સીઝરની હત્યાને કારણે આ કાર્ય અધૂરું રહ્યું હતું. પછી ઈ. પૂ. ૧૨માં ઑગસ્ટસે એ પૂરું કર્યું હતું. ઈ. ૨૮૩માં એ આગમાં ભસ્મીભૂત થયો હતો. પછી ઈ. ૨૮૪માં ડાયોકિલટિઆનસે એનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. ઈ. પૂ. ૪૪ના માર્ચની ૧૭મીએ વેસ્ટાના દેવળની નિકટ જ ઉત્તર દિશામાં જે સ્થળે સીઝરનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો તે સ્થળે જ ઈ. પૂ. ૩૩માં ઑગસ્ટસે આરસના સ્તંભ અને વેદી સાથેનું ‘જુલિઅસ સીઝરનું દેવળ’ રચાવ્યું હતું. અને ઈ. પૂ. ૨૯ના ઑગસ્ટની ૧૮મીએ એ દેવળ સીઝરને અર્પણ કર્યું હતું. ઈ. પૂ. ૨૯માં આ દેવળની નિકટ જ દક્ષિણપશ્ચિમ દિશામાં ઑગસ્ટસે ત્રણ યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યો હતો એના સ્મૃતિચિહ્ન રૂપે ‘ઑગ્સ્ટસનું વિજયતોરણ’ રચાવવામાં આવ્યું હતું. ઈ. પૂ. ૨૯માં સૅટર્નની વેદીની દક્ષિણપશ્ચિમ દિશામાં ઑગસ્ટસે રોમ અને રોમન સામ્રાજ્યનાં અન્ય મુખ્ય નગરો વચ્ચેના અંતરની નોંધ અંકિત કરવા માટે સુવર્ણમંડિત કાંસાનો ‘સીમાસ્તંભ (Milliarium Aureum)’ રચાવ્યો હતો. અત્યારે કૅપિટોલની ટેકરી પરના કામ્પિડોગ્લિઓના ચોકમાંથી આ અંતરનું માપ થાય છે. વેસ્ટાની પૂજારિણીઓના નિવાસસ્થાનની નિકટ જ ઉત્તર દિશામાં ‘ધર્મગુરુનું નિવાસસ્થાન (Domus Publica)’ રચાવવામાં આવ્યું હતું. ઈ. પૂ. ૬૩થી સીઝરનું અને ઈ. પૂ. ૧૨ લગી ઑગસ્ટસનું પણ આ નિવાસસ્થાન હતું. ઈ. ૧૬માં સુવર્ણમંડિત સીમાસ્તંભની નિકટ જ જુલિઆના પ્રાસાદની ઉત્તરપશ્ચિમ દિશામાં ટાઈબેરિઅસે એક વિજયતોરણ રચાવ્યું હતું. ઈ. ૮૫માં રોમન ચોકની પૂર્વ સીમા પર દક્ષિણપૂર્વ દિશામાં તથા પૅલેટિનની ટેકરીના ઢાળની ઉત્તરપૂર્વ દિશામાં ડોમિટિઆનસે વેસ્પાસિઆનસ અને ટાઈટસે જેરૂસલેમમાં વિજય પ્રાપ્ત કર્યો હતો એની સ્મૃતિમાં ‘ટાઈટસનું વિજયતોરણ’ રચાવ્યું હતું અને ‘સમાધાનનું દેવળ’ની નિકટ જ દક્ષિણપશ્ચિમ દિશામાં ૩૩ મીટર લાંબું અને ૨૨ મીટર પહોળું ‘વેસ્પાસિઆનસ અને ટાઈટસનું દેવળ’ રચાવ્યું હતું. ઉપરાંત ઈ. ૧લી સદીના અંત ભાગમાં આ દેવળની નિકટ જ દક્ષિણપશ્ચિમ દિશામાં જ્યૂપિટરના સહાયક એવા રોમન પૅન્થીઓનનાં બાર દેવદેવીઓનાં છ યુગ્મોને અંજલિરૂપ આઠ ખંડનો ‘સહાયક દેવદેવીઓનો મંડપ’ રચાવ્યો હતો અને એમાં આ દેવદેવીઓની પ્રતિમાઓની સ્થાપના કરાવી હતી. ઈ. ૧૩૧માં એપ્રિલની ૨૧મીએ રોમની જન્મતિથિએ રોમન ચોકની ઉત્તરપૂર્વ દિશાની સીમા પર હૅન્ડ્રિઆનસે ‘ઈનીડ’ના કાવ્યનાયક અને રોમના આદિસ્થાપક ઈનીઍસનાં માતા વીનસને અંજલિ રૂપે ૧૪૫ મીટર લાંબું અને ૧૦૦ મીટર પહોળું ‘વીનસ અને રોમનું દેવળ’ રચાવ્યું હતું. પછી ઈ. ૩૦૭માં એ આગમાં ભસ્મીભૂત થયું હતું અને ઈ. ૩૧૨માં મૅક્ઝન્ટિઅસે એનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. વીનસ એટલે પ્રેમ. પ્રેમ માટે લૅટિન શબ્દ છે AMOR. એને અંતેથી વાંચીએ તો શબ્દ થાય છે ઃ ROMA. આમ, AMOR અથવા વીનસ પરથી નગરનું ROMA એવું નામાભિધાન કરવામાં આવ્યું હોય એ શક્ય છે. ઈ. ૧૪૧માં રાજ્યપ્રાસાદની ઉત્તરપૂર્વ દિશામાં ઍન્ટોનિનસે એમનાં પત્ની ફૉસ્ટિનાના મૃત્યુ પછી એમના સ્મારક રૂપે ‘ફૉસ્ટિનાનું દેવળ’ રચાવ્યું હતું. ઈ. ૨૦૩માં વ્યાસપીઠની ઉત્તર દિશામાં રોમન ચોકની સીમા પર સૅપ્ટિમિઅસ સૅવેરસે દૂર પૂર્વમાં રોમન સામ્રાજ્યનો વિસ્તાર-વિકાસ કર્યો હતો એના સ્મારક રૂપે આરસનું ‘સૅપ્ટિમિઅસ સૅવેરસનું વિજયતોરણ’ રચવામાં આવ્યું હતું. ઈ. ૩જી સદીના ઉત્તરાર્ધમાં ડાયોક્લિટિઆનસના સમયમાં આ વિજયતોરણ અને વ્યાસપીઠની વચમાં રોમના કેન્દ્રના સૂચન રૂપે ઈંટોની એક વર્તુલાકાર ‘નગરની નાભિ’ (Umbil-icus Urbis) રચવામાં આવી હતી. ઈ. ૩૦૯માં ‘ફૉસ્ટિનાનું દેવળ’ની દક્ષિણપૂર્વ દિશામાં મૅક્ઝન્ટિઅસે એમના પુત્ર રોમ્યુલસના મૃત્યુ પછી એમના સ્મારક રૂપે ઈંટોનું એક વર્તુલાકાર ‘દિવ્ય રોમ્યુલસનું દેવળ’ રચાવ્યું હતું. વળી, ઈ. ૩૧૨માં આ દેવળની ઉત્તરપૂર્વ દિશામાં એમણે ન્યાય અને વ્યાપાર માટે ઈંટોનો ૧૦૦ મીટર લાંબો અને ૬૫ મીટર પહોળો લંબચોરસ ‘મેક્ઝન્ટિઅસનો પ્રાસાદ’ રચાવવાનો આરંભ કર્યો હતો. પણ એ જ વરસમાં ટાઈબરમાં જલસમાધિથી એમનું અવસાન થયું એથી આ કાર્ય અધૂરું રહ્યું હતું તે પછી તરત જ કોન્સ્ટાન્ટિનસે પૂરું કર્યું હતું. રોમન ચોકમાં આ અંતિમ રોમન સર્જન હતું. ત્યાર પછી રોમન ચોકમાં એકમાત્ર અપવાદ રૂપે ઈ. ૬૦૮માં ઑગસ્ટની ૧લીએ વ્યાસપીઠની નિકટ જ દક્ષિણપૂર્વ દિશામાં પૂર્વના સમ્રાટ ફોકાસે પોપ બોનિફેટિઅસ ૪થાને પૅન્થીઓનની ભેટ અર્પણ કરી હતી એના આભારદર્શનમાં આરસની પીઠિકા સાથેનો ૧૪ મીટર ઊંચો ‘ફોકાસનો સ્તંભ’ રચવામાં આવ્યો હતો અને એની ટોચ પર ફોકાસની સુવર્ણમંડિત પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પછીની સદીઓમાં જ્યારે સમગ્ર રોમન ચોક ભૂગર્ભમાં અદૃશ્ય થયો હતો ત્યારે પણ ‘ફોકાસના સ્તંભ’ની ટોચ તો દૃષ્ટિગોચર જ રહી હતી. રોમન ચોકમાં ઈ. ૪થી સદી પછી કોઈ નવું સર્જન કરવામાં આવ્યું ન હતું. ઈ. ૨૮૫માં રોમન સામ્રાજ્ય પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભક્ત થયું હતું. એથી હવે રોમ એનું પાટનગર રહ્યું ન હતું. મિલાન પશ્ચિમના સામ્રાજ્યનું પાટનગર થયું હતું. ઈ. ૩૨૪માં કોન્સ્ટાન્ટિનસે પૂર્વ અને પશ્ચિમના સામ્રાજ્યોનું એકીકરણ કર્યું હતું. એથી. ઈ. ૩૩૦થી તો એનું પાટનગર ઈટલીમાં પણ રહ્યું ન હતું. મિલાન પણ એનું પાટનગર રહ્યું ન હતું, બીઝેન્ટિઅમ (કોન્સ્ટાન્ટિનોપલ, ઇસ્તમ્બુલ) એનું પાટનગર થયું હતું. ઈ. ૩૧૧માં કોન્સ્ટાન્ટિનસે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો. એથી હવે રોમમાં ખ્રિસ્તીઓનું અને ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્‌ હતું. એથી ઈ. ૩૮૩માં રોમન દેવળોની આવક અને રોમન ધર્મગુરુઓના અધિકારો જપ્ત કરવામાં આવ્યા હતા, ઈ. ૩૯૧માં રોમન દેવળોમાં બલિ, પૂજા આદિ વિધિઓનો નિષેધ કરવામાં આવ્યો હતો અને અંતે ઈ. ૩૯૪ના સપ્ટેમ્બરની ૬ઠ્ઠીએ સૌ રોમન દેવળોનો પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. આ સમયમાં સૌ દેવળો અને પ્રાસાદોમાંથી રોમન દેવદેવીઓ, સમ્રાટો આદિની પ્રતિમાઓ દૂર કરવામાં આવી હતી અને અન્યત્ર જાહેર સ્થળોમાં એમની પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઈ. ૩૭૨માં પૂર્વમાંથી, એશિયામાંથી હૂણ, પછી ગોથ, લોમ્બાર્ડ, ફ્રેન્ક, મૂર અને પર્શિયન, ત્યાર પછી ઈ. ૪૧૦માં વિસિગોથના નેતા એલારિક, ઈ. ૪૬૫માં આફ્રિકાના વેન્ડોલના નેતા જેન્સેરિક આદિ બર્બરોએ રોમ પર વારંવાર આક્રમણ કર્યું હતું. અને સમગ્ર રોમમાંથી અસંખ્ય સુંદર અને સમૃદ્ધ ચીજવસ્તુઓ તોડીફોડી નાંખી હતી અથવા લૂંટી ગયા હતા. અંતે ઈ. ૪૭૬માં રોમન સૈન્યના જ મૂળ બર્બર એવા સેનાપતિ ઓડોઆકરે અંતિમ યુવાન રોમન સમ્રાટ રોમ્યુલસ ઑગસ્ટુલસને પદભ્રષ્ટ કર્યા હતા અને એ સ્વયં સમ્રાટ બની ગયા હતા. આમ, રોમન સામ્રાજ્યનો અંત આવ્યો હતો. ઈ. ૪૪૨માં રોમમાં ભારે ધરતીકંપ થયો હતો. ઈ. ૫૪૭માં ભારે દુષ્કાળ હતો. એથી રોમની વસ્તીમાં પણ હવે અપવૃદ્ધિ હતી. પછી પણ બર્બરોએ બે વાર ઈ. ૪૮૯માં થીઓડોરિકે અને ઈ. ૫૩૭માં બૅલિસેરે તથા ઈ. ૭૫૨માં લોમ્બાર્ડ લોકોએ પણ — રોમ પર આક્રમણ કર્યું હતું. ઈ. ૬ઠ્ઠી સદીથી ઈ. ૯મી સદી લગી ખ્રિસ્તીઓએ રોમન દેવળોનું ખ્રિસ્તી દેવળોમાં પરિવર્તન કર્યું હતું. અને રોમન પ્રતિમાઓને સ્થાને ખ્રિસ્તી પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. આ સર્જન માટે અસંખ્ય ભવ્ય સુંદર રોમન દેવળો અને પ્રાસાદો તથા કૉલોઝીઅમ આદિ ઇમારતોનો આરસ ઉખેડી ઉખેડીને ઉપાડી ગયા હતા. ખ્રિસ્તીઓએ રોમનો બર્બરોથી પણ વિશેષ નાશ-હ્રાસ કર્યો હતો. બર્બરોનું અધૂરું કાર્ય ખ્રિસ્તીઓએ પૂરું કર્યું હતું. ઈ. ૯મી સદીથી ઈ. ૧૪મી સદી લગીનો રોમન ચોકનો ઇતિહાસ અલભ્ય છે. ઈ. ૧૨મી સદીમાં રોમના કેટલાંક સમૃદ્ધ કુટુંબોએ કેટલાંક દેવળોનું દુર્ગોમાં પરિવર્તન કર્યું હતું. ઈ. ૯મી સદીથી ઈ. ૧૭મી સદી લગી રોમન ચોકમાં ધૂળ, માટી, કચરો આદિ ઉકરડાનો એક વિરાટ ગંજ થયો હતો. આસપાસના અસંખ્ય જાહેર અને ખાનગી મકાનોના પાયાના ખોદકામની ધૂળ, માટી, કચરો આદિનો પણ આ જ ઉકરડામાં ઊમેરો થયો હતો. પરિણામે ઈ. ૧૧મી સદીમાં એનાથી રોમન ચોક ઢંકાઈ-દટાઈ ગયો હતો, દૃષ્ટિ અને સ્મૃતિમાંથી અલોપ, અદૃશ્ય થયો હતો. આમ છતાં ઈ. ૧૪મી સદીથી ઈ. ૧૭મી સદી લગી અને સવિશેષ તો પુનરુત્થાન યુગમાં ખ્રિસ્તીઓ એમાંથી પણ શોધી શોધીને રહ્યોસહ્યો આરસ ઉખેડી ઉખેડીને ઉપાડી ગયા હતા. ઈ. ૧૮મી સદીના અંત લગી રોમન ચોકનો નાશ-હ્રાસ થયો હતો. અંતે આ ભવ્ય રોમન ચોક (Forum Romanus Magnum) એક વિરાટ ગોચર (Campo Vaccino) બની ગયો હતો. ઈ. ૧૯મી સદીમાં આ સમગ્ર રોમન ચોકનું લગભગ સંપૂર્ણપણે ઉત્ખનન કરવામાં આવ્યું હતું, પછી પણ ઈ. ૨૦મી સદીમાં કેટલુંક વધુ ઉત્ખનન કરવામાં આવ્યું છે. એથી હવે ભવિષ્યમાં નહિવત્ જ ઉત્ખનન કરવાનું રહેશે. ચાર ટેકરીઓની વચ્ચેની ખીણમાં કૅપિટોલની ટેકરીની નિકટ નીચાણ પર અને પૅલેટિનની ટેકરીની નિકટ ઊંચાણ પર પૂર્વથી પશ્ચિમ દિશામાં લગભગ ૫૦૦ મીટર લાંબો અને ઉત્તરથી દક્ષિણ દિશામાં લગભગ ૨૫૦ મીટર પહોળો આ લંબચોરસ ચોક હતો. એમાં ઉત્તર અને દક્ષિણ દિશામાં નવેક પ્રવેશમાર્ગ અને પૂર્વથી પશ્ચિમ દિશામાં ત્રણેક આંતરિક માર્ગ હતા. એમાં ધર્મ, રાજ્ય અને વ્યાપારનો ત્રિવિધ વ્યવહાર હતો એટલે કે મુખ્યત્વે વ્યવહારુ પ્રવૃત્તિઓ હતી. એથી એમાં ઉદ્યાન, વૃક્ષો, ફુવારા આદિ આનંદપ્રમોદનાં સ્થળસાધનની વ્યવસ્થા નહિવત્ હતી. આ ચોકમાંથી પ્રથમ રોમ, પછી ભૂમધ્ય સમુદ્રના તટ પરના સૌ રોમાશ્રિત પ્રદેશો અને અંતે રોમન સામ્રાજ્ય પર શાસન થતું હતું. આ ચોકમાં જગતનું કેન્દ્ર હતું. આ ચોકમાં જગત ઇતિહાસના કેટલાક મહાપુરુષોની કર્મભૂમિ હતી. આ ચોકમાં બાર સદીઓનો ઇતિહાસ છે. ત્યારે આ ચોક, હમણાં જ જેનું વિગતે વર્ણન કર્યું તે, દેવળો, પ્રાસાદો, વિજયતોરણો આદિ ચાલીસેક ભવ્યસુંદર ઇમારતોથી સમૃદ્ધ હતો. અત્યારે એમાં એ સૌના ભવ્યકરુણ અવશેષો છે. ત્યારે આ ચોક અસંખ્ય રોમન પ્રજાજનોથી સભર હતો. અત્યારે એ એકાંતસૂનો છે. આ ચોકની તસુએ તસુ ભૂમિનો અને નાનામાં નાની શિલાનો સંપૂર્ણ અભ્યાસ થયો છે. પૅરિસનો પ્લાસ દ લા કૉંકૉર્દ આ ચોકથી સહેજ જ મોટો છે અને લંડનનો ટ્રફાલ્ગર સ્ક્વેર આ ચોકથી સહેજ નાનો છે. પૅરિસની આર્ક દ ત્રિઓંફ અને લંડનની માર્બલ આર્ચ આ ચોકનાં વિજયતોરણોનાં અનુકરણો છે. આદિમાં આ ચોક આસપાસની ટેકરીઓ પરની જાતિઓનું કબ્રસ્તાન હતો. અંતે પણ આજે આ ચોક જગતના સર્વશ્રેષ્ઠ સામ્રાજ્યનું જાણે કે વિશાળ કબ્રસ્તાન છે, જાણે કે વિરાટ અસ્થિપિંજર છે ! ૨૨મીએ સવારના સાડા દસથી બપોરના બે વાગ્યા લગી હું પૅલેટિનની ટેકરી (Palatinus) પર ફર્યો હતો. રોમન ચોકમાં દક્ષિણપૂર્વ દિશામાં સીમા પર પૅલેટિનની ટેકરીનો ઢાળ (Clivus Palationus) છે. એ ઢાળ પરથી ટેકરી પર જવા-આવવાનો એકમાત્ર માર્ગ છે. આ માર્ગ પરથી મેં આ ટેકરીની પૂર્વ દિશાની ટોચ પર પ્રવેશ કર્યો હતો. આ ચોરસ ટેકરી હતી. એની પ્રત્યેક બાજુ લગભગ ૪૫૦ મીટર લાંબી હતી. કૅપિટોલની ટેકરી ૩૪ મીટર ઊંચી હતી. જ્યારે આ ટેકરી ૩૮ મીટર ઊંચી હતી. કૅપિટોલની ટેકરીની જેમ આ ટેકરીને પણ બે ટોચ હતી, પૂર્વમાં પૅલેટિઅમ (Palatium)ની ટોચ અને પશ્ચિમમાં ગર્મેલસ (Germalus)ની ટોચ. ‘ઈનીડ’ના ૮મા ગ્રંથમાં જેનો ઉલ્લેખ છે તે ટ્રોયના અંતિમ રાજા પ્રાઆમના મિત્ર ઈવેન્ડરે ઈ. પૂ. ૧૨મી સદીમાં આ ટેકરી પર એમનું નાનકડું નગરરાજ્ય રચાવ્યું હતું અને પોતાના પુત્ર પૅલાસ (Pallas)ના નામ પરથી એનું પૅલેન્ટિઅમ (Pallan-teum) એવું નામાભિધાન કર્યું હતું. શક્ય છે કે પછીથી આ નગરરાજ્યના નામ પરથી આ ટેકરીનું નામાભિધાન કરવામાં આવ્યું હોય. લૅટિન જાતિ સાથેના સંઘર્ષમાં સહાય અર્થે દેવના સૂચનથી ઈનીઍસ ટાઈબર નદીના માર્ગે બે જહાજ સાથે આ ટેકરી પર આવ્યા હતા. આ ટેકરી પર ગ્રીક દેવ હર્ક્યુલીસના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે ઈવેન્ડર સાથે એમનું મિલન થયું હતું. પછી ઈવેન્ડર સાથે એમને મૈત્રીનો સંબંધ હતો અને એને કારણે ઍટ્રુસ્કન જાતિ સાથે સંધિ દ્વારા લૅટિન જાતિ પર અને પછી લૅટિન જાતિના નેતા લૅટિનસની સાથે સંધિ અને મૈત્રી દ્વારા અંતે રુટુલિઅન જાતિ પર અને એના નેતા ટૂર્નૂસ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વિજયને પરિણામે ચારસો વરસ પછી રોમની સ્થાપના શક્ય હતી. પૅલેટિનસનો અર્થ છે ગોચરની ભૂમિ. રોમ્યુલસે આ ટેકરી પર કુટિરોમાં લૅટિન ગોપજાતિનો નિવાસ રચાવ્યો હતો. એથી પૅલેટિનસનો આ અર્થ કરવામાં આવ્યો હશે. ઈ. પૂ. ૧૧૫૦માં ઈનીઍસના પુત્ર એસ્કાનિઅસે રોમની નિકટ જ દક્ષિણપૂર્વ દિશામાં આલ્બન ટેકરીઓ પર આલ્બા લોન્ગા નગર રચાવ્યું હતું. ચારસો વરસ પછી ઍસ્કાનિઅસના જ વંશજ રોમ્યુલસે, અગાઉ વિગતે જેનો ઉલ્લેખ કર્યો છે તે પુરાણકથા પ્રમાણે, આ ટેકરી પર એની દક્ષિણપશ્ચિમ દિશાની ટોચ પર કુટિરોમાં લૅટિન ગોપજાતિનો નિવાસ રચાવ્યો હતો અને રોમની સ્થાપના કરી હતી. આજે પણ આ સ્થળે રોમ્યુલસની કુટિરનો અવશેષ છે. (જો કે હું ફર્યો તે દિવસોમાં સમારકામને કારણે આ કુટિર અલ્પ સમય માટે સુરક્ષિત સ્થળે દૂર કરવામાં આવી હતી.) આ ટેકરીની દક્ષિણપશ્ચિમ દિશાની તળેટીમાં લ્યુપરકોલની રહસ્યમય ગુફા (Faunus Luperca) હતી. એમાં માદા-વરુનો નિવાસ હતો. આરંભમાં આ ગુફામાં રોમ્યુલસ અને રૅમસને આશ્રય પ્રાપ્ત થયો હતો. પ્રાચીન રોમમાં લ્યુપરકોલના વિશિષ્ટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં સહભાગી થવાથી વંધ્યા સ્ત્રીને પ્રસૂતિનું સદ્ભાગ્ય પ્રાપ્ત થતું હતું. અન્ય એક પુરાણકથા પ્રમાણે ગોપજનોના દેવ પૅલીસ (Pales) પરથી આ ટેકરીનું ‘પૅલેટિનસ’ એવું નામાભિધાન કરવામાં આવ્યું હતું. આ દેવના ઉત્સવ–પૅલિલી(Palilie) — નું પ્રતિવર્ષ એપ્રિલની ૨૧મીએ આયોજન કરવામાં આવતું હતું. એથી રેમ્યુલસે રોમની સ્થાપના ઈ. પૂ. ૭૫૩માં એપ્રિલની ૨૧મીએ કરી હતી. ટેકરીની ઉત્તરપશ્ચિમ દિશામાં સીમા પર ‘વિકટરીનો ઢાળ’ (Clivus Victoriae) હતો. આ ઢાળ પર પ્રજાસત્તાકવાદી રોમના સમયમાં અંતિમ વર્ષોમાં રોમન ચોક અને સભાગૃહ તથા વ્યાસપીઠ આદિની નિકટતાને કારણે સિસેરો, સિસેરોના કટ્ટર શત્રુ ક્લૉડિઅસ, ઍન્ટની, ઍગ્રિપ્પા આદિ અનેક શ્રીમંત કુટુંબોએ એમનાં નિવાસસ્થાનો રચાવ્યાં હતાં. ટેકરીની દક્ષિણપશ્ચિમ દિશામાં ઈ. પૂ. ૧૯૨માં પૂર્વમાં ફ્રીજિઆની દેવી–દેવોની મહામાતા — સિબેલેનું દેવળ રચાવવામાં આવ્યું હતું. ઈ. પૂ. ૧૧૦માં એની નવેસરથી પુનઃરચના કરવામાં આવી હતી. એ પછી એને વારંવાર આગથી નુકસાન થયું હતું. એથી ઈ. પૂ. ૩માં ઑગસ્ટસે એનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. ઈ. ૧૯૧માં એ ફરી આગમાં ભસ્મીભૂત થયું હતું. એથી ઈ. ૨૦૦માં સૅપ્ટિમિઅસ સૅવેરસે એનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. ઈ. ૪થી સદી પછી એનો નાશ થયો હતો. આ દેવળના નાનામોટા સાઠેક અવશેષો અસ્તિત્વમાં છે. ટાઇબેરિઅસના પ્રાસાદના અવશેષોમાં એક મસ્તક સિવાય લગભગ સંપૂર્ણ અખંડિત મૂર્તિ પણ અસ્તિત્વમાં છે. પૂર્વમાં આ દેવીનો ભારે લોકપ્રિય સંપ્રદાય હતો. પ્રતિવર્ષ એપ્રિલની ૪થીથી ૧૦મી લગી સિબેલેના ઉત્સવનું આયોજન કરવામાં આવતું હતું. વળી, આ પૂર્વે ઈ. પૂ. ૨૯૪માં ‘વિજેતા જ્યૂપિટરનું દેવળ’ તથા અન્ય દેવળો પણ રચાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત માર્ગો, જલમાર્ગો, જલકૂપો પણ રચાવવામાં આવ્યાં હતાં. આજે એમના અવશેષો અસ્તિત્વમાં છે. આ અપવાદ સાથે રાજાશાહી રોમના આરંભથી તે પ્રજાસત્તાકવાદી રોમના અંત લગીના સમયનો લગભગ અઢીસો વરસનો પૅલેટિનની ટેકરીનો ઇતિહાસ ઉપલબ્ધ નથી. ઈવેન્ડર, ઈનીઍસ તથા રોમ્યુલસની સ્મૃતિઓથી સભર અને સમૃદ્ધ એવી આ ટેકરીની ઉત્તરપશ્ચિમ દિશામાં અને સિબેલેના દેવળની ઉત્તરપૂર્વ દિશામાં ઈ. પૂ. ૫૦માં ઑગસ્ટસે એમનાં પત્નીના નામે બે માળનું ‘લિવિઆનું નિવાસસ્થાન’ રચાવ્યું હતું. ઑગસ્ટસ જગતના ઇતિહાસમાં સૌથી મહાન સામ્રાજ્યના સૌથી પ્રથમ સમ્રાટ હતા. અને સૌથી મહાન સમ્રાટ હતા છતાં એમનું સુન્દર પણ અત્યંત નાનકડું નિવાસસ્થાન હતું. અને એમાં સામાન્ય મનુષ્યના જીવન જેવું જ એમનું સાદું અને સંયમી જીવન હતું. પછી ટેકરીની દક્ષિણપૂર્વ દિશામાં ઈ. પૂ. ૪૪માં એમણે બે માળનો એક ભવ્ય સુન્દર ‘ઑગસ્ટસનો પ્રાસાદ’ — ‘ઑગ્સ્ટાના’ રચાવ્યો હતો. પછી ઈ. પૂ. ૨૮માં એનો વિકાસ-વિસ્તાર કરાવ્યો હતો. આ પ્રાસાદમાંથી રોમન સામ્રાજ્યનું સંચાલન થતું હતું. ઑગસ્ટસે આ પ્રાસાદ રચાવ્યો પછી આ ટેકરી પર અનેક સમ્રાટોએ અન્ય પ્રાસાદો રચાવ્યા હતા અને એમનો વિકાસ-વિસ્તાર કરાવ્યો હતો. એથી ‘પૅલેટિઅમ’ — Pala-tiumનો નવો અર્થ ‘પ્રાસાદ’ — palace — અસ્તિત્વમાં આવ્યો હતો. ઈ. ૬૫માં એ પ્રાસાદ આગમાં ભસ્મીભૂત થયો હતો. એથી ઈ. ૮૫માં ડૉમિટિઆનસે એને નવેસરથી રચાવ્યો હતો. ૧૮ સદીઓ લગી એ સુરક્ષિત રહ્યો હતો. અંતે ઈ. ૧૭૭૫માં ઉત્ખનનમાં એનો નાશ થયો હતો. ઈ. પૂ. ૨૮માં ઑગસ્ટસે એમના નિવાસસ્થાન અને પ્રાસાદની વચમાં આરસનું ‘ઍપોલોનું દેવળ’ રચાવ્યું હતું. એમાં ગ્રીક અને લૅટિન ગ્રંથોનાં બે ગ્રંથાલયો હતાં. ઈ. ૬૫માં એ આગમાં ભસ્મીભૂત થયું હતું. એથી ઈ. ૮૫માં ડૉમિટિઆનસે એને નવેસરથી રચાવ્યું હતું. ઑગસ્ટસના અવસાન પછી ટેકરીની ઉત્તરપશ્ચિમ દિશાની તળેટીમાં ઈ. ૧૪માં લિવિઆ અને ટાઇબેરિઅસે ઑગસ્ટસને અંજલિ રૂપે ‘ઑગસ્ટસનું દેવળ’ રચાવવાનો આરંભ કર્યો હતો. પણ ઈ. ૩૭માં ટાઇબેરિઅસની હત્યાને કારણે એ કાર્ય અધૂરું રહ્યું હતું અને ઈ. ૩૮માં કૅલિગ્યુલાએ એ કાર્ય પૂરું કર્યું હતું. ઈ. ૮૦માં એ આગમાં ભસ્મીભૂત થયું હતું. એથી ઈ. ૯૭માં ડૉમિટિઆનસે એનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. ટેકરીની ઉત્તરપશ્ચિમ દિશામાં અને ‘સિબેલેના દેવળ’ની ઉત્તરપૂર્વ દિશામાં ઈ. ૧૪માં ટાઇબેરિઅસે એમનો પ્રાસાદ ‘ટાઇબેરિઆના’ રચાવ્યો હતો. ટેકરીની ઉત્તરપશ્ચિમ સીમા પર પૂર્વે જે સ્થાને શ્રીમંતોનાં નિવાસસ્થાનો હતાં તે સ્થાને ઈ. ૩૭માં કૅલિગ્યુલાએ એમનો પ્રાસાદ ‘ગેઇઆના’ રચાવ્યો હતો. વળી, એ પ્રાસાદમાંથી કૅપિટોલની ટેકરી પર જ્યૂપિટરના દેવળમાં જવા માટે, આગળ કહ્યું તે કારણે, એક પુલ પણ રચાવ્યો હતો. પછી ઈ. ૧૬મી સદીના મધ્યભાગમાં જે સ્થળે આ બે પ્રાસાદો હતા તે સ્થળે શ્રીમંત ફાર્નેસી કુટુંબે એક ભવ્યસુન્દર ઉદ્યાન રચાવ્યું હતું. આ ઉદ્યાન આજે અસ્તિત્વમાં છે. ઈ. ૬૫-૬૮માં નીરોએ ‘ટાઇબેરિઆના’નો ઉત્તરપૂર્વ દિશામાં વિકાસ-વિસ્તાર કરાવ્યો હતો. પછી ઈ. ૮૫માં એ સ્થળે ડૉમિટિઆનસે ‘ઍદોનિસનું ઉદ્યાન’ રચાવ્યું હતું. ટેકરીની બે ટોચની વચમાં ઈ. ૮૫માં ડૉમિટિઆનસે ‘ઑગસ્ટાના’ અને ‘ટાઈબેરિઆના’ના સેતુરૂપ એમનો ભવ્યસુન્દર પ્રાસાદ ‘ફલાવિઓરમ’ રચાવ્યો હતો. એમણે ‘ઑગસ્ટાના’માં બે ફુવારા ઉપરાંત ‘ફલાવિઓરમ’માં દક્ષિણપશ્ચિમ દિશામાં પણ એક સુન્દર ફુવારો રચાવ્યો હતો. વળી, ‘ઑગસ્ટાના’ની દક્ષિણપૂર્વ દિશામાં ઈ. ૮૫માં એમણે બે માળના બે મંડપો તથા બે ફુવારા સાથેનું ૧૬૦ મીટર લાંબું અને ૪૭ મીટર પહોળું એક લંબગોળ ક્રીડાંગણ પણ રચાવ્યું હતું. ટેકરીની ઉત્તરપશ્ચિમ સીમા પર ઈ. ૯૮–૧૧૭માં ટ્રૅજાનસે અને ઈ. ૧૧૭–૧૩૮માં હૅડ્રિઆનસે ટાઇબેરિઅસ અને કૅલિગ્યુલાના પ્રાસાદોનો વિકાસ-વિસ્તાર કરાવ્યો હતો. ટેકરીની દક્ષિણપૂર્વ સીમા પર ઈ. ૨૦૩માં સૅપ્ટિમિઅસ સૅવેરસે ‘ઑગસ્ટાના’ના વિકાસ-વિસ્તારરૂપ એમનો ત્રણ માળનો પ્રાસાદ ‘સૅવેરિઆના’ રચાવ્યો હતો અને એની ઉત્તરપૂર્વ દિશામાં એક સ્નાનગૃહ પણ રચાવ્યું હતું. આ ટેકરી પરનું આ અંતિમ સર્જન હતું. ઈ. ૨૦૩ પછી આ ટેકરી પર, ખ્રિસ્તીઓનાં જૂજ દેવળો અને દુર્ગો તથા ઈ. ૧૧–૧૨મી સદીથી ઈ. ૧૬મી સદી લગીમાં ઇટાલિઅન ફાર્નેસી તથા બાર્બેરિનિ અને અંગ્રેજ ચાર્લ્સ મિલ જેવાં સમૃદ્ધ કુટુંબોનાં ઉદ્યાનો- વિશ્રામગૃહોના વિરલ અપવાદ સાથે, કોઈ નવું સર્જન થયું ન હતું. ઈ. ૩જી સદીમાં રોમમાં અરાજકતા હતી, વિદ્રોહ અને આંતરવિગ્રહનું વાતાવરણ હતું. ઈ. ૨૮૫માં રોમન સામ્રાજ્ય પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગોમાં વિભક્ત થયું હતું. રોમ રોમન સામ્રાજ્યની પાટનગરી રહ્યું ન હતું. મિલાન પશ્ચિમ વિભાગની પાટનગરી થયું હતું. એથી આ ટેકરી પર સમ્રાટોનું નિવાસસ્થાન રહ્યું ન હતું. ઈ. ૩૨૪માં વિભક્ત રોમન સામ્રાજ્ય સંયુક્ત થયું હતું. પણ ઈ. ૩૩૦માં બીઝેન્ટિઅમ (કૉન્સ્ટાન્ટિનોપલ, ઇસ્તમ્બુલ) એ સંયુક્ત સામ્રાજ્યનું પાટનગર થયું હતું. પછી ઈ. ૪૭૬માં રોમન સામ્રાજ્યનું પતન થયું હતું. ઈ. ૬ઠ્ઠી સદીથી ઈ. ૧૮મી સદી લગી, હમણાં જ વિગતે જેનું વર્ણન કર્યું તે કારણોથી — મુખ્યત્વે બર્બરોનાં આક્રમણો અને ખ્રિસ્તીઓના વર્ચસ્‌થી — જેમ રોમન ચોકનો નાશ થયો હતો તેમ આ ટેકરીનો પણ નાશ થયો હતો. રોમન ચોક તો ખીણમાં હતો. એથી એ તો દટાઈ-ઢંકાઈ પણ શક્યો હતો. એથી ઈ. ૧૯મી સદીમાં જ્યારે એનું ઉત્ખનન થયું ત્યારે એના જે અવશેષો ધૂળમાટી-કચરોકાટમાળ આદિની નીચે કંઈકે સુરક્ષિત રહ્યા હતા, તે ઉપલબ્ધ થયા હતા જ્યારે આ સર્જન તો ટેકરી પર થયું હતું. એથી એ દટાઈ-ઢંકાઈ પણ શક્યું ન હતું. એ અત્યંત અરક્ષિત હતું. એથી આ ટેકરી પરનાં પ્રાસાદો, દેવળો આદિના અવશેષો વધુ છિન્નભિન્ન થયા હતા. આ ટેકરી તો પુનઃ ગોચરની ભૂમિ પણ રહી ન હતી. ઈ. ૧૮–૧૯મી સદીમાં આ ટેકરીનું પણ ઉત્ખનન થયું હતું. હજુ પણ એ કાર્ય પૂરું થયું નથી. આજે આ ટેકરી એકાન્તસૂની છે, રોમન ચોકથી પણ વધુ શીર્ણવિશીર્ણ છે. એથી આ ટેકરી પરના અવશેષો રોમન ચોકના અવશેષોથી વધુ સંકુલ અને સંદિગ્ધ છે. પુરાતત્ત્વવિદો અને એમના જ્ઞાન-વિજ્ઞાનને માટે પણ આહ્વાનરૂપ છે, મારા જેવા પ્રવાસીઓ માટે તો રહસ્યરૂપ જ છે. સમગ્ર રોમમાં અને સવિશેષ આ ચાર વિસ્તારોમાં હું પગવાટે ફરી રહ્યો હતો ત્યારે અનેક સ્થળે અનેક સમયે મને રોમાંચ થયો હતો કે લગભગ બે હજાર વરસ પૂર્વે જ્યાં વર્જિલ ફર્યા હતા ત્યાં હું ફરી રહ્યો છું. વર્જિલના જીવનકાળ પૂર્વે અને વર્જિલના જીવનકાળમાં જે સર્જનો અસ્તિત્વમાં આવ્યા હતાં અને જે સર્જનો જોઈને વર્જિલે ‘ઈનીડ’ રચ્યું હતું તે સર્જનોના અવશેષો હું જોઈ રહ્યો છું. વળી, તાજું જ ‘ઈનીડ’ વાંચીને રોમ ગયો હતો એથી પગલે પગલે પ્રતીતિ થતી હતી કે ઈ. પૂ. ૭૫૩થી તે આજ લગીનાં સૌ રોમન તથા ખ્રિસ્તી સર્જનો સમેતનું સમગ્ર રોમ અને રોમન સંસ્કૃતિ સાથે ‘ઈનીડ’ને સૂક્ષ્મ અને માર્મિક, અંગત અને આત્મીય સંબંધ છે. રોમન પ્રજામાં સામ્રાજ્યનું સર્જન કરવા માટેની વહીવટી પ્રતિભા હતી અને ભવ્યસુન્દર ઇમારતોનું સર્જન કરવા માટેની ઇજનેરી પ્રતિભા હતી. વળી, એમનામાં સ્થાપત્ય દ્વારા સામર્થ્યનું પ્રદર્શન કરવાની મહેચ્છા હતી. રોમન પ્રજાએ જે મૂલ્યો, આદર્શો અને ભાવનાઓને એમના સ્થાપત્યમાં સ્થૂલ, સ્પર્શક્ષમ, વાસ્તવિક, મૂર્ત સ્વરૂપ અર્પણ કર્યું હતું એને જ વર્જિલે એમના કાવ્ય ‘ઈનીડ’માં સૂક્ષ્મ, માર્મિક, કાલ્પનિક, સંવેદનશીલ શબ્દસ્વરૂપ અર્પણ કર્યું છે એની પણ પ્રતીતિ થતી હતી. ઈ. પૂ. ૭૫૩થી ઈ. પૂ. ૫૦૯નો સમય તે રાજાશાહી રોમનો સમય. આ સમયમાં રોમ — એટલે કે મુખ્યત્વે રોમન ચોક — અસ્તિત્વમાં આવ્યું હતું. ઍટ્રુસ્કન રાજાઓ ક્રૂર અને કઠોર એથી ઈ. પૂ. ૫૦૯માં પ્રજાસત્તાકવાદી નેતા બ્રુટસે રોમના છઠ્ઠા રાજા અને ઍટ્રુસ્કન જાતિના ત્રીજા રાજા ટાર્કિવનને પદભ્રષ્ટ કર્યા પછી રાજાશાહી રોમ પ્રજાસત્તાકવાદી રોમ થયું હતું. ઈ. પૂ. ૫૦૯થી ઈ. પૂ. ૨૭નો સમય તે પ્રજાસત્તાકવાદી રોમનો સમય. આ સમયમાં ઈ. પૂ. ૨૬૪થી ઈ. પૂ. ૧૪૬ લગીમાં કાર્થેજ સાથે ત્રણ પ્યુનિક યુદ્ધોમાં રોમને વિજય પ્રાપ્ત થયો હતો. ઈ. પૂ. ૨૯૫ લગીમાં ઈટલીના મધ્ય અને ઉત્તર પ્રદેશ પર તથા ઈ. પૂ. ૧૧૫ લગીમાં સમગ્ર ઈટલી પર તથા ઈ. પૂ. ૨૭ લગીમાં તો સમગ્ર ભૂમધ્ય સમુદ્રના સૌ તટપ્રદેશો પર રોમનું વર્ચસ્‌ સિદ્ધ થયું હતું. ઈ. પૂ. ૩૬૧–૧૦૮ના સમયમાં આ પ્રદેશો અને રોમની વચ્ચે છ મુખ્ય માર્ગો રચવામાં આવ્યા હતા. હવે રોમ નગરરાજ્ય થયું હતું. રોમન નાગરિકોએ અનેક મહાન મૂલ્યો, આદર્શો, ભાવનાઓનું પણ સર્જન કર્યું હતું. પ્રથમ ધર્મ અને રાજ્ય અથવા રાષ્ટ્ર, પછી કુટુંબ અને અંતે વ્યક્તિ એવો એમાં ઉચ્ચાવચતાક્રમ હતો. વ્યક્તિ નહિ, સમષ્ટિ — એવું પ્રત્યેક રોમન નાગરિકનું જીવનદર્શન હતું. સમષ્ટિ, રાષ્ટ્ર, રાજ્ય વિશે સતત ચિન્તા અને ચિંતન એ જ એના જીવનનું સારસર્વસ્વ હતું. હવે રોમમાં સત્તા અને સમૃદ્ધિમાં તથા વસ્તીમાં વૃદ્ધિ હતી. ધર્મ, રાજ્ય અને વ્યાપારની ત્રિવિધ પ્રવૃત્તિઓમાં પણ વૃદ્ધિ હતી. એથી રોમન ચોક અને કૅપિટોલની ટેકરીનો વિકાસ-વિસ્તાર થયો હતો. ૧૦૦થી ૩૦૦ સભ્યોની સેનેટની સર્વોપરી સત્તા હતી. પણ ઈ. પૂ. ૮૯થી ઈ. પૂ. ૩૧ લગી અરધી સદી રોમમાં વારંવાર આંતરવિગ્રહો થયા હતા. સત્તા અને સમૃદ્ધિની વૃદ્ધિને કારણે રોમન નાગરિકો અને નેતાઓમાં મૂલ્યો આદિની અપવૃદ્ધિ હતી. એથી અંતે ઈ. પૂ. ૨૭માં પ્રજાસત્તાકવાદી રોમનો અંત આવ્યો હતો અને સામ્રાજ્યવાદી રોમ અસ્તિત્વમાં આવ્યું હતું. ઈ. પૂ. ૨૭થી ઈ. ૪૭૬નો સમય સામ્રાજ્યવાદી રોમનો સમય હતો. ઈ. પૂ. ૨૭માં જાન્યુઆરીની ૧૬મીએ ઑગસ્ટસ રોમન સામ્રાજ્યના પ્રથમ સમ્રાટ થયા હતા. એમણે રોમન નાગરિકોને એમનું ‘રોમનત્વ’ — Romanitas — પુનઃ પ્રાપ્ત થાય અને જગતમાં ‘રોમન શાંતિ’ — Pax Romana — ચિરકાલીન થાય એ માટેનો રાજ્ય. નીતિ અને કૃષિવિષયક અનેક ધારાસુધારા દ્વારા પરમ પુરુષાર્થ કર્યો હતો. આ સમયમાં રોમન સામ્રાજ્યનો યુરોપ, આફ્રિકા અને એશિયા એમ ત્રણ ખંડોમાં, ઉત્તરમાં બ્રિટિશ ટાપુઓ, હ્રાઇન નદી તથા શ્યામ સમુદ્રના ઉત્તર તટ લગી; દક્ષિણમાં સહરાના રણ લગી; પૂર્વમાં ટાઈગ્રસ નદીની ખીણ અને કાસ્પિઅન સમુદ્ર લગી અને પશ્ચિમમાં આટલાન્ટિક સમુદ્ર લગી પૂર્વથી પશ્ચિમ દિશામાં ૩૦૦૦ માઇલ અને ઉત્તરથી દક્ષિણ દિશામાં ૧૫૦૦ માઇલના પ્રદેશમાં વિકાસ-વિસ્તાર થયો હતો. સમગ્ર પ્રદેશમાં વિવિધ જાતિઓની કુલ દસેક કરોડની વસ્તી હતી. હવે રોમમાં સત્તા અને સમૃદ્ધિ તથા વસ્તીની અતિવૃદ્ધિ હતી. એથી ધર્મ, રાજ્ય અને વ્યાપારની ત્રિવિધ પ્રવૃત્તિઓમાં પણ અતિવૃદ્ધિ હતી. માત્ર રોમન ચોકનો જ નહિ પણ, અગાઉ વિગતે વર્ણન કર્યું છે તેમ, નવા પાંચ સામ્રાજ્યવાદી ચોક, માર્સનું ક્ષેત્ર અને પૅલેટિનની ટેકરી–સવિશેષ આ ત્રણ સ્થળે સામ્રાજ્યની પ્રતિષ્ઠાને અનુરૂપ એવું ભવ્યસુન્દર સર્જન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પણ સમગ્ર રોમમાં ભૂગર્ભ જલમાર્ગો, દુર્ગો, દીવાલો, પુલો, જલાશયો, ફુવારાઓ, માર્ગો, બજારો, પ્રવેશદ્વારો, સ્તંભો, તોરણો, કારાગારો, કબ્રસ્તાનો, ગ્રંથાલયો, થિયેટરો, સ્ટેડિયમો, સર્કસો, પ્રતિમાઓ, સમાધિઓ, વેદીઓ, ઍગ્રિપ્પા અને મીસેનાસ આદિનાં ઉદ્યાનો, કારાકાલ્લા અને ડાયોક્લીટિઆનસ આદિનાં સ્નાનગૃહો, નીરો આદિના પ્રાસાદો, દેવળો આદિ વિવિધ અને વિપુલ સર્જન કરવામાં આવ્યું હતું. ઈ. ૪થી સદીના આરંભમાં રોમમાં અનેક જાહેર ઇમારતો ઉપરાંત ૧૭૯૦ પ્રાસાદો અને ૪૬૬૦૨ નિવાસસ્થાનો હતાં અને એક લાખની વસ્તી હતી. ઈ. પૂ. ૭૫૩થી ઈ. ૪૭૬ લગીમાં રોમના બારેક સદીના ઇતિહાસમાં પૂર, ધરતીકંપ, મરકી, દુષ્કાળ ઉપરાંત ઈ. ૬૫માં, ઈ. ૮૦માં, ઈ. ૧૯૧માં અને ઈ. ૨૮૩માં કુલ ચાર વાર ભયંકર આગથી રોમમાં અનેક ભવ્યસુન્દર ઇમારતોનો વારંવાર નાશ થયો હતો અને એમનો વારંવાર પુનરુદ્ધાર થયો હતો. ઈ. પૂ. ૨૮૩માં ઉત્તરમાંથી ગૉલ જાતિના બર્બરોએ રોમ પર આક્રમણ કર્યું હતું અને રોમનો પરાજય કર્યો હતો અને રોમને લૂંટ્યું હતું. પછી ઈ. ૯૦માં ઉત્તરમાંથી સિમ્બ્રિ જાતિના બર્બરોએ અને પછી જર્મન જાતિના બર્બરોએ તથા ઈ. ૩૭૨માં પૂર્વમાંથી હૂણ જાતિના બર્બરોએ અને પછી દક્ષિણમાંથી મૂર જાતિના બર્બરોએ અને પૂર્વમાંથી પર્શિયન જાતિના બર્બરોએ રોમન પ્રદેશો પર વારંવાર આક્રમણ કર્યું હતું અને રોમે એમનો પરાજય કર્યો હતો. પણ ઈ. ૫મી અને ૬ઠ્ઠી સદીમાં રોમમાં સત્તા અને સમૃદ્ધિની અતિવૃદ્ધિને કારણે સમ્રાટો ભ્રષ્ટ, સ્વાર્થી, નિર્બળ અને સત્તાલોલુપ થયા હતા; સૈનિકો વિદ્રોહી થયા હતા; અલ્પસંખ્ય સમૃદ્ધ કુટુંબો વિલાસી થયાં હતાં અને બહુસંખ્ય રોમન નાગરિકો ભારે કરવેરાને કારણે બેકાર અને બરબાદ થયા હતા. રોમન પ્રજાને પ્રજાસત્તાકવાદી રોમના આરંભના સમયનાં મહાન મૂલ્યો, આદર્શો અને ભાવનાઓનું વિસ્મરણ થયું હતું. સેનેટની સત્તા નહિવત્ હતી અને સરમુખત્યારશાહી અસ્તિત્વમાં આવી હતી. એથી રોમ પર બહારથી, આગળ વિગતે વર્ણન કર્યું તે પ્રમાણે, વૅન્ડોલ, વિસિગૉથ, ફેન્ક અને લૉમ્બાર્ડ આદિ બર્બરોનું તથા અંદરથી ખ્રિસ્તીઓનું આક્રમણ થયું હતું. અને અંતે ઈ. ૪૭૬માં સતત બાર સદીની ક્રમે ક્રમે ઉત્તરોત્તર વધુ ને વધુ સત્તા અને સમૃદ્ધિ પછી રોમનું પતન થયું હતું અને રોમન સામ્રાજ્યનો નાશ થયો હતો. સાચ્ચે જ શું રોમન સામ્રાજ્યનો નાશ થયો હતો ? રોમનું પતન થયું હતું ? ના. રોમન સામ્રાજ્યનો નાશ નહિ પણ માત્ર નવજન્મ થયો હતો, રોમનું પતન નહિ પણ માત્ર પરિવર્તન થયું હતું. બર્બરોએ જેમ ઈ. ૫મી અને ઈ. ૬ઠ્ઠી સદીમાં રોમ પર આક્રમણ કર્યું તેમ એમણે જો ઈ. પૂ. ૫મી અને ઈ. પૂ. ૪થી સદીમાં ગ્રીસ પર આક્રમણ કર્યું હોત તો ? તો એ ગ્રીસની સંસ્કૃતિને કદાચ સમજી શક્યા ન હોત અને તો એમણે સાચ્ચે જ એનો નાશ કર્યો હોત. ગ્રીસ એટલે ચિન્તન, રોમ એટલે કર્મ. ગ્રીક પ્રજા વિચારપ્રિય, રોમન પ્રજા વ્યવહારપ્રિય. રોમન પ્રજાએ શિષ્યભાવે ગ્રીક પ્રજાના ચિન્તનનું કર્મમાં રૂપાન્તર કર્યું હતું. રોમન પ્રજાએ ગ્રીસની (તથા પોતાની પણ) સૂક્ષ્મ અને માર્મિક સંસ્કૃતિને એમનાં સ્થૂલ અને ભૌતિક સર્જનો દ્વારા, દેવળો, પ્રાસાદો આદિ ભવ્યસુન્દર ઇમારતો, દુર્ગો અને રાજમાર્ગો, ન્યાય અને વ્યવસ્થાની સંસ્થાઓ દ્વારા મૂર્ત સ્વરૂપ અર્પણ કર્યું હતું. ઑગસ્ટસ વિશે જે નોંધવામાં આવ્યું છે કે ‘એમણે રોમ મેળવ્યું ઈંટોનું, એ રોમ મૂકી ગયા આરસનું’ એ એનું ઉત્તમ ઉદાહરણ છે. રોમન સંસ્કૃતિ ‘જય કિસાન, જય જવાન’ની સંસ્કૃતિ હતી. પ્રત્યેક રોમન નાગરિક પ્રથમ કૃષિકાર હતો. એનામાં કૃષિકારનું સ્થૈર્ય અને ધૈર્ય હતું. એનામાં અપાર અને અનન્ય ભૂમિપ્રેમ હતો. એથી જ પ્રત્યેક રોમન નાગરિક અંતે સૈનિક હતો. એનામાં સૈનિકની શિસ્ત અને શહાદત હતી. એનામાં આદર્શ અને અનુકરણીય દેશભક્તિ હતી. એથી જ રોમન પ્રજાનો ઇતિહાસ એટલે સતત યુદ્ધ, યુદ્ધ અને યુદ્ધ ! (કારણ કે એની ચોમેર બર્બરો, બર્બરો અને બર્બરો !) કુટુંબ એ રોમન સામ્રાજ્યનું એકમ હતું. કુટુંબમાં પિતા સર્વસત્તાધીશ અને સંતાનો તથા સૌ અન્ય સભ્યો એમની સત્તાને અધીન. આમ, પિતાશાસિત કુટુંબ — pater familias — ની એમની કુટુંબરચના હતી. રોમન સામ્રાજ્ય આવાં કુટુંબોનું કુટુંબ હતું, એક બૃહદ કુટુંબ હતું. એથી જ અંતે ઈટલી, યુરોપ, એશિયા અને આફ્રિકા — સમગ્ર રોમન સામ્રાજ્યના નાગરિકોને રોમન નાગરિકત્વ અર્પણ કરવામાં આવ્યું હતું. રોમન પ્રજાનું દર્શન એ વસુધૈવકુટુમ્બકમ્‌નું, યત્રૈવ વિશ્વમ્ ભવત્યૈક નીડમ્‌નું દર્શન હતું. બર્બરો આ વ્યવહારુ, વાસ્તવિક, મૂર્ત સ્વરૂપની સંસ્કૃતિને સમજી શકે અને સ્વીકારી શકે — બલકે એમને આ સંસ્કૃતિ સમજવી અને સ્વીકારવી હતી, બર્બરોને રોમ લોપવું ન હતું — લૂંટવું હતું. એથી જ આરંભમાં, અલબત્ત, આ સંસ્કૃતિ વિશેની પરિચય પુસ્તિકાઓ દ્વારા અને અંતે લૅટિન ભાષા અને સાહિત્ય — જેમાં કેન્દ્રસ્થાને વર્જિલ અને ‘ઈનીડ’ — દ્વારા એ આ સંસ્કૃતિને તથા ગ્રીક સાહિત્યના લૅટિન અનુવાદો દ્વારા ગ્રીક સંસ્કૃતિને પણ સમજી-સ્વીકારીને અંતે બર્બરોમાંથી સંસ્કૃત સાક્ષરો થયા હતા અને ગ્રીક-રોમન સંસ્કૃતિના વારસો થયા હતા. વળી, રોમન સામ્રાજ્યનો નાશ થયો, રોમનું પતન થયું એટલે કે રોમમાં દેવળો, પ્રાસાદો આદિ જે સ્થૂલ અને ભૌતિક સર્જન હતું તે અદૃશ્ય થયું, અવશેષરૂપ થયું ત્યાર પછી પણ રોમન સામ્રાજ્યનો જે જે પ્રદેશોમાં વિકાસ-વિસ્તાર થયો હતો તે તે પ્રદેશોમાં રોમન સંસ્કૃતિની ન્યાય અને વ્યવસ્થાની સંસ્થાઓનું અસ્તિત્વ તો રહ્યું જ હતું–બલકે આજ લગીમાં તો એ સંસ્થાઓનો જગતભરમાં વિકાસ — વિસ્તાર થયો છે. આજે ભારતમાં પણ જે ન્યાય અને વ્યવસ્થાની સંસ્થાઓ છે તે અંગ્રેજો દ્વારા ભારતને રોમન સંસ્કૃતિનો જ વારસો છે. રોમન પ્રજાના જીવનમાં ધર્મ સર્વોપરી હતો. પ્રથમ ધર્મ, પછી રાજ્ય, પછી કુટુંબ, પછી વ્યક્તિ એવો ઉચ્ચાવચતાક્રમ હતો. એમાં કર્મણ્યતા (labor), વિનમ્રતા (pietas), વિધાતાની સર્વોપરીતા (fatum) આદિ એક પ્રેમ (amor) સિવાયનાં ખ્રિસ્તી ધર્મનાં અન્ય સૌ સારતત્ત્વોનું અસ્તિત્વ હતું. એમાં ખ્રિસ્તી ધર્મની પૂર્વભૂમિકા હતી. એથી જ ઈ. ૩૧૧માં રોમન સામ્રાજ્ય અંતે પવિત્ર રોમન સામ્રાજ્ય થયું હતું. અને એથી જ ખ્રિસ્તીઓએ રોમમાં ખ્રિસ્તી ધર્મનું પાટનગર રચ્યું હતું. આમ, રોમન સામ્રાજ્યનો નાશ થયો ન હતો, એનો નવજન્મ થયો હતો; રોમનું પતન થયું ન હતું, રોમન રોમનું ખ્રિસ્તી રોમમાં પરિવર્તન થયું હતું. આજ લગીમાં સમગ્ર રોમમાં સ્થળે સ્થળે ખ્રિસ્તીઓએ ઈ. ૧૬મી સદીમાં મિકેલઍન્જેલો તથા રાફાએલે તથા ઈ. ૧૭મી સદીમાં બર્નિનિ તથા બોરોમિનિએ અસંખ્ય દેવળો, પ્રાસાદો અને અન્ય ભવ્યસુન્દર સાંપ્રદાયિક, બિનસાંપ્રદાયિક ઇમારતોનું સર્જન કર્યું છે. રોમન સામ્રાજ્યનો તો ત્રણ ખંડમાં જ વિકાસ-વિસ્તાર થયો હતો. પણ ખ્રિસ્તી ધર્મનો તો પાંચે ખંડમાં, જગતભરમાં વિકાસ — વિસ્તાર થયો છે. આમ, રોમનો લગભગ ત્રણેક હજાર વર્ષનો અવિરત, અસ્ખલિત ઇતિહાસ છે. જગતના અન્ય કોઈ નગરનો આવો ઇતિહાસ નથી. વૅટિકન ગ્રંથાલયમાં અસંખ્ય દસ્તાવેજો ઉપરાંત વિકતોર ઇમેન્યુએલ સ્મૃતિમંદિરમાં રોમના ઇતિહાસ અંગે સાડાત્રણ લાખ દસ્તાવેજો અસ્તિત્વમાં છે. આજે રોમન રોમ અને રોમન સામ્રાજ્ય અસ્તિત્વમાં નથી, પણ ખ્રિસ્તી રોમ અને રોમન સંસ્કૃતિ અસ્તિત્વમાં છે અને જગતભરમાં અસ્તિત્વમાં છે. ઇકબાલ મહાન કવિ છે, પણ તે એમના પ્રસિદ્ધ કાવ્ય ‘સારે જહાંસે’ને કારણે નહિ, પણ અન્ય કાવ્યોને કારણે. આ કાવ્યમાં લગભગ સૌ રાષ્ટ્રપ્રેમનાં કાવ્યોમાં હોય છે તે અતિશયોક્તિનો દોષ છે. એમાં પ્રથમ પંક્તિમાં તો સંપૂર્ણ અકાવ્ય છે. તો ‘યુનાન, મિસ્ત્ર, રૂમા… નામોનિશાં હમારા’ એ પંક્તિઓમાં અર્ધસત્ય છે. ઇકબાલની ક્ષમાયાચના સાથે નોંધવું જોઈએ કે રોમ ‘જહાંસે મિટ’ ગયું નથી, બલકે ‘અબ તક મગર’ જગતભરમાં — ‘હિદોસ્તાં હમારા’ સુધ્ધામાં — એકમાત્ર રોમના અને રોમન સંસ્કૃતિના ‘નામોનિશાં બાકી’ છે. સાચ્ચે જ રોમ ‘અમર્ત્ય નગર’ — Enternal City છે. વર્જિલે ‘જ્યૉર્જિક્સ’માં રોમનું ‘પૃથ્વી પરની સુન્દરતમ વસ્તુ’ તરીકે અભિવાદન કર્યું છે. રોમન રોમનું ખ્રિસ્તી રોમમાં અને રોમન સામ્રાજ્ય અને સંસ્કૃતિનું ખ્રિસ્તી ધર્મમાં સાતત્ય છે, અનુસંધાન છે. એમાં સૌથી વિશેષ વર્જિલ અને એમનું ‘ઈનીડ’ સેતુરૂપ, સંયોજકરૂપ છે. ‘ઈનીડ’નો નાયક એ ‘ખ્રિસ્તી નાયક’ છે. વર્જિલ ‘ઈશુ ખ્રિસ્તની યે પૂર્વે ખ્રિસ્તી’ હતા. આજે રોમન સંસ્કૃતિ એ ધર્મ અને રાજ્ય બન્ને સંદર્ભમાં જગતસંસ્કૃતિ છે. આજે રોમન રોમ અને રોમન સામ્રાજ્ય ભલે અવશેષરૂપ છે પણ આજે ‘ઈનીડ’ અસલ રૂપમાં અસ્તિત્વમાં છે. આજે ‘ઈનીડ’ માત્ર રોમન સંસ્કૃતિનું મહાકાવ્ય નથી, પણ જગતસંસ્કૃતિનું મહાકાવ્ય છે. વર્જિલે ‘ઈનીડ’માં રોમનત્વ — Romanitasનું એટલે કે વસુધૈવકુટુમ્બકમ્‌નું મહાકાવ્ય રચ્યું છે; એક જગત, એક વિશ્વરાજ્ય — imperium romanumનું, એક માનવતા humanitas — નું, ચિરકાલીન વિશ્વશાંતિ — Pax Romana — નું મહાકાવ્ય રચ્યું છે. એથી આજના સંદર્ભમાં વર્જિલનું ‘ઈનીડ’ વધુ અર્થપૂર્ણ અને વધુ મહત્ત્વપૂર્ણ છે. આજે જગતના પાંચ મહાકવિઓમાં વર્જિલ સાચ્ચે જ જગતકવિ છે. વર્જિલ — પૂરું નામ Publius Vergilius Maro — નો જન્મ ઈટલીની ઉત્તર દિશામાં કિસેલ્પાઇન ગૉલ પ્રદેશમાં મૅન્ટુઆ (અત્યારે મૅન્ટોવા)થી પૂર્વ દિશામાં પાંચ જ માઈલ દૂર એક નાનકડા ગામ ઍન્ડીસમાં ઈ. પૂ. ૭૦માં ઑક્ટોબરની ૧૫મીએ. વર્જિલે રોમનું મહાકાવ્ય રચ્યું, પણ એ રોમન ન હતા એટલું જ નહિ એ ઇટાલિઅન પણ ન હતા. એમનો જન્મ રોમમાં થયો ન હતો એટલું જ નહિ પણ પછીથી ઑગસ્ટસ — મીસેનાસે એમને રોમમાં એક નિવાસસ્થાન ભેટ તરીકે અર્પણ કર્યું હતું છતાં એમણે રોમમાં સ્થાયી નિવાસ કર્યો ન હતો, નેપલ્સમાં સ્થાયી નિવાસ કર્યો હતો. એ માત્ર રોમમાં અવારનવાર આવીને નેપલ્સ ચાલ્યા જતા હતા. વળી એમનો જન્મ ઈટલીમાં પણ થયો ન હતો. એમના જન્મસમયે એમનો અને પૂર્વકાલીન કવિ કાતુલ્લુસનો પણ જન્મપ્રદેશ કિસેલ્પાઇન ગૉલ એ ઈટલીનો અંતર્ગત પ્રદેશ ન હતો. આમ, રોમના મહાકવિ વર્જિલ, એમના કાવ્યનાયક ઇનીઍસની જેમ, જન્મે રોમન ન હતા અને ઇટાલિઅન પણ ન હતા એ અત્યંત સૂચક છે. એમનાં કાવ્યોમાં મૅન્ટુઆનો ઉલ્લેખ છે, ઍન્ડીસનો ઉલ્લેખ નથી. કારણ કે એમને ખુલ્લું ખેતર પ્રિય હતું, ગામડું પ્રિય ન હતું. આજે ઍન્ડીસનું અસ્તિત્વ પણ નથી. જો કે આ સમગ્ર પ્રદેશ આજે ‘વર્ગિલિઓ’ (Virgilio)ને નામે પ્રસિદ્ધ છે. આજનું પિએતોલી તે ત્યારનું ઍન્ડીસ અને પિએતોલીની ઉત્તરપૂર્વ દિશામાં એક માઇલ દૂર વર્જિલનું ખેતર હતું એવી માન્યતા છે. આજે આ ખેતર ‘લા વર્જિલિઆના’ને નામે પ્રસિદ્ધ છે. કોમળ સ્વભાવ, વિનમ્ર વ્યક્તિત્વ અને પવિત્ર જીવનને કારણે પછીથી નેપલ્સમાં સમકાલીનોએ એમને ‘Parthenias’ (Miss Purity) અને ‘Virgilus’ (Maiden) એવું લાડનામ તથા ખ્રિસ્તી જગતમાં સદીઓ લગી એમની જાદુગર તરીકેની મરણોત્તર ખ્યાતિ હતી એથી અનુકાલીનોએ ‘Virga’ એટલે ‘જાદુઈ લાકડી’ પરથી ‘Virgilius’ (જાદુગર) એવું લાડનામ અર્પણ કર્યું હતું એથી આજે પણ એમનું અસલ નામ ‘Vergilius’ નહિ પણ એમનું આ લાડનામ ‘Virgilius’ પ્રચલિત છે. મિલ્ટનને પણ કૅમ્બ્રિજમાં ‘The Lady of Christ’s’ (ક્રાઈસ્ટસની કૉલેજની કન્યા) એવું લાડનામ અર્પણ કરવામાં આવ્યું હતું. વળી, વર્જિલનો જન્મ ઘરની અંદર નહિ, ઘરની બહાર થયો હતો. માતા પ્રવાસે ગયાં હતાં અને ઓચિંતા રસ્તામાં જ એક ખુલ્લા ખેતરમાં ખાડા જેવી જગામાં એમણે વર્જિલને જન્મ આપ્યો હતો. એ પણ વર્જિલના ભૂમિપ્રેમ અને નિર્વાસિત જીવનના સંદર્ભમાં અત્યંત સૂચક છે. પછીથી વર્જિલને એકથી વિશેષ ઘર હતાં છતાં એ ચિરનિર્વાસિત હતા. એમનાં પ્રથમ અને અંતિમ કાવ્યના નાયકો પણ ચિરનિર્વાસિત હતા. પિતા સાધનસંપન્ન કૃષિકાર હતા. એમનું પોતાની માલિકીનું ખેતર હતું. પુત્ર તેજસ્વી છે એ સત્ય એ સહેજમાં સમજી ગયા હતા એથી એમણે વર્જિલને વધુ શિક્ષણ અર્થે મૅન્ટુઆની નિકટ ૪૦ માઈલ દૂર — પ્રથમ ક્રીમોના અને પછી મીડિઓલેનમ (અત્યારે મિલાન) મોકલ્યા હતા. વર્જિલ અગિયાર વર્ષના હતા ત્યારે સીઝરે કિસેલ્પાઈન ગૉલ પ્રદેશનો પ્રવાસ કર્યો હતો. શક્ય છે કિશોર વર્જિલે સીઝરનું દર્શન કર્યું હોય. વર્જિલને જીવનભર સીઝર કુટુંબ પ્રત્યે આદર હતો. પછી ઈ. પૂ. ૫૫-૫૩માં પંદર-સત્તર વર્ષની વયે વધુ અભ્યાસ અર્થે રોમ મોકલ્યા હતા. અહીં એમણે ગુરુ ઍપિડિયસ પાસે તબીબીશાસ્ત્ર, ગણિત, વિજ્ઞાન સહિત સૌ વિષયો — સવિશેષ વાગ્મિતા — નો અભ્યાસ કર્યો હતો. સીસેરોની જેમ મહાન વક્તા અને વકીલ થવાની મહત્ત્વાકાંક્ષા હતી. પણ જાહેરમાં ન્યાયાલયમાં વક્તૃત્વના પ્રથમ પ્રયત્નમાં જ નિષ્ફળ ગયા હતા. એ ક્ષણથી જ ન્યાય કે રાજકારણમાં પોતાનું સ્થાન નથી એની એમને પૂર્ણ પ્રતીતિ હતી. વર્જિલના સ્વભાવમાં લજ્જા, ક્ષોભ, સંકોચ, આત્મશંકા આદિ લક્ષણોને કારણે આ નિષ્ફળતા અનિવાર્ય હતી. વક્તા, વકીલ તરીકેની કારકિર્દીનો એકમાત્ર વિકલ્પ હતો સૈનિક તરીકેની કારકિર્દી. પણ શરીર નબળું એટલે યુદ્ધકાર્ય પણ શક્ય ન હતું. આમ, ફિલસૂફ અને કવિ તરીકેની કારકિર્દીનો વિકલ્પ જ એમને માટે સુલભ હતો. રોમમાં નિષ્ફળતા પછી વર્જિલ વધુ અભ્યાસ અર્થે નેપલ્સ ગયા હતા. અહીં એમણે ઍપિક્યુરીઆનિઝમના પુરસ્કર્તા અને મહાન શિક્ષક સિરોન (Siron)ની શ્રીમંત કુટુંબના તેજસ્વી મહત્ત્વાકાંક્ષી યુવાનો માટેની પ્રસિદ્ધ શિક્ષણસંસ્થામાં ફિલસૂફી અને સાહિત્ય — મુખ્યત્વે ગ્રીક સાહિત્ય — નું મહાકવિને માટે આદર્શ અને અનિવાર્ય એવું ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અહીં એમના જીવનભરના કવિમિત્રો પોલિઓ, ગૅલસ અને વૅરસ સાથે એમનું મિલન થયું હતું. નેપલ્સ દક્ષિણ ઈટલીમાં હતું. ઉત્તર ઈટલી રોમન હતું, દક્ષિણ ઈટલી ગ્રીક હતું. એથી નેપલ્સ રોમન ઇટાલિઅન હતું એનાથી વિશેષ ગ્રીક હતું. પ્રકૃતિનું સૌંદર્ય, જીવનનો આનંદ, ગ્રીક સાહિત્ય-કળા- સંસ્કૃતિનું વાતાવરણ આદિને કારણે નેપલ્સ વર્જિલના માનસ, વ્યક્તિત્વ અને જીવનદર્શનને રોમથી વિશેષ અનુરૂપ-અનુકૂળ હતું. એથી વર્જિલ ઉત્તરજીવનમાં રોમમાં નહિ, નેપલ્સમાં વસ્યા હતા. વર્જિલ સ્વભાવથી જ સ્વસ્થ, સંયમી, ઉદાસ, ઉદાસીન, અનાસક્ત અને અનાક્રમક હતા. સુખ અને શાંતિનું જીવન, એકાન્ત અને અનુપદ્રવનું જીવન એમને અત્યંત પ્રિય હતું. વર્જિલ કારુણ્યમૂર્તિ હતા. એમનો આત્મા બલિષ્ઠ હતો પણ દેહ દુર્બલ હતો. એથી આરંભમાં રોમમાં એમણે એકાદ આંતરવિગ્રહમાં યુદ્ધકાર્ય કર્યું હતું, પણ પછી જીવનભર એમણે વાચન-મનન-ચિન્તન-લેખનનું જ કાર્ય કર્યું હતું. વર્જિલના જીવન અને કવન પર એમના ગુરુ સિરોન ઉપરાંત ગ્રીક ફિલસૂફ ઍપિક્યુરસ (ઈ. પૂ. ૩૪૧-૨૭૧)ની ફિલસૂફી ઍપિક્યુરીઆ- નિઝમનો તથા એ ફિલસૂફીના સર્વશ્રેષ્ઠ પુરસ્કર્તા મહાન લૅટિન કવિ લુક્રેટિઅસ (ઈ. પૂ. ૯૫-૫૫)ના પ્રસિદ્ધ કાવ્ય ‘De Rerum Nature’ (વિશ્વરૂપદર્શન)નો પ્રબલ પ્રભાવ હતો. નેપલ્સ પર પણ આ ફિલસૂફીનો એટલો જ પ્રબલ પ્રભાવ હતો. એ કારણે પણ એમને નેપલ્સનું આકર્ષણ હતું. જોકે પછીથી એમના જીવન અને વિશેષ તો કવન પર ગ્રીક ફિલસૂફ ઝૅનો (ઈ. પૂ. ૩૩૫-૨૬૩)ની ફિલસૂફી સ્ટૉઇસિઝમનો પણ પ્રભાવ હતો. ઉપરાંત ગ્રીક ફિલસૂફ પાયથાગોરાસ (ઈ. પૂ. ૫૩૦) અને પ્લૅટો (ઈ. પૂ. ૪૨૯-૩૪૭)ની ફિલસૂફીનો પણ પ્રભાવ હતો (‘ઈનીડ’ ગ્રંથ ૬). રોમ — સવિશેષ પ્રજાસત્તાકવાદી રોમ — પર અને રોમન પ્રજા — સવિશેષ સીસેરો, સીનેકા, માર્કસ ઑરેલિઅસ આદિ મહાન રોમન નેતાઓ — પર પણ સ્ટૉઇસિઝમનો એટલો જ પ્રબળ પ્રભાવ હતો. વર્જિલની કાવ્યત્રયીમાં ‘ઍક્લૉગ્ઝ’ના કેન્દ્રમાં ઍપિક્યુરીઆનિઝમ છે અને ‘જ્યૉર્જિક્સ’ અને ‘ઈનીડ’ના કેન્દ્રમાં સ્ટૉઇસિઝમ છે. વર્જિલના અંતરતમમાં આ બે પરસ્પર સંપૂર્ણ વિરોધી ફિલસૂફીઓ વચ્ચે સંઘર્ષ હતો. એમનામાં આ સંઘર્ષનું સમાધાન થયું ન હતું. વર્જિલના જીવનની આ મહાન કરુણતા હતી. કદાચ એથી જ, હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, મૃત્યુસમયે એમને ‘ઈનીડ’નો નાશ કરવાની ઇચ્છા હતી. અંતે વર્જિલ ‘Lacrimae rerum’ (ગહન અશ્રુજલ) અને ‘mentem mortalia’ (મર્ત્ય માનવતા)ના કવિ છે. વર્જિલ એટલે વેદનામૂર્તિ. ઈ. પૂ. ૪૨માં ફિલિપ્પિના યુદ્ધમાં વિજય પછી ઑગસ્ટસે સમગ્ર ઈટલીમાં અસંખ્ય કૃષિકારોએ વરસોથી અપાર પ્રેમ અને અથાગ પરિશ્રમથી જે સુંદર અને સમૃદ્ધ ભૂમિ રસી-કસી હતી તે જપ્ત કરીને નિવૃત્ત સૈનિકોને યુદ્ધ-સહાયના પુરસ્કાર રૂપે ભેટ આપી હતી અને જે કૃષિકાર આ જપ્તીનો પ્રતિકાર કરે એને ન્યાયની તક વિના જ દેહાન્તદંડની સજા આપી હતી. સમ્રાટ ઑગસ્ટસની અન્યથા ઉદાત્ત અને ઉદાર કારકિર્દીમાં આ એક ક્રૂર અને કઠોર કૃત્ય હતું. એ પછી અતિલોભને કારણે કેટલાક સૈનિકોએ સ્વયં પણ કેટલીક ભૂમિ જપ્ત કરી હતી. એમાં મૅન્ટુઆની નિકટ આલ્ટો પ્રદેશમાં બૅન્ડીમાં વર્જિલની વંશપરંપરાગત વડીલોપાર્જિત ભૂમિ પણ જપ્ત કરવામાં આવી હતી. હોરેસ અને પ્રૉપર્ટિઅસની ભૂમિ પણ આમ જ જપ્ત કરવામાં આવી હતી. વર્જિલને એમની આ ભૂમિ અત્યંત પ્રિય હતી. એટલું જ નહિ, આ ભૂમિ વર્જિલની એકમાત્ર મિલકત હતી, આજીવિકાનું એકમાત્ર સાધન હતી. એથી વર્જિલે એ પ્રદેશના ગવર્નર અને નેપલ્સમાં જેમનું મિલન થયું હતું તે કવિમિત્ર પોલિઓને આ ભૂમિ પોતાને પરત કરાવવામાં આવે એવી વિનંતી કરી હતી. પોલિઓએ એ માટે વર્જિલને ઑગસ્ટસ પર પરિચયપત્ર સાથે ભલામણપત્ર લખી આપ્યો હતો. એ પત્ર સાથે વર્જિલ રોમમાં ઑગસ્ટસ પાસે ગયા હતા. કવિ અને કવિતાપ્રિય ઑગસ્ટસે એમના વિશેષ આદેશથી વર્જિલને એમની આ ભૂમિ પરત કરાવી હતી. ઑગસ્ટસે મીસેનાસના પરિચયપત્ર અને ભલામણપત્રથી હોરેસ અને પ્રૉપર્ટિઅસને પણ એમની ભૂમિ આમ જ પરત કરાવી હતી. આ હતો વર્જિલને ઑગસ્ટસનો અને ઑગસ્ટસની ઉદાત્તતા અને ઉદારતાનો પ્રથમ પરિચય. પછી વર્જિલને ઑગસ્ટસ પ્રત્યે જીવનભર કૃતજ્ઞતા હોય એમાં કોઈ આશ્ચર્ય નથી. વર્જિલે નાની વયથી કાવ્યો રચવાનો આરંભ કર્યો હતો. ઈ. પૂ. ૪૨ લગીનાં એમનાં ૧૯ કાવ્યોનો એક સંગ્રહ ‘Appen-dix Vergiliana’ (પરિશિષ્ટ) અસ્તિત્વમાં છે. વર્જિલના અવસાન પછી ઈ. ૧લી સદીમાં વર્જિલની કવિતાના પ્રેમીઓએ આ સંગ્રહ પ્રસિદ્ધ કર્યો હતો. જો કે વિવેચકો, વિદ્વાનો અને સંશોધકોમાં આ સૌ કાવ્યો વર્જિલે રચ્યાં છે અને એકે કાવ્ય વર્જિલે રચ્યું નથી એમ આત્યંતિક કક્ષાએ વર્જિલના આ કાવ્યોના કર્તૃત્વ વિશે વિવાદ છે. આ કાવ્યો પર કાતુલ્લુસ અને લુક્રેટિઅસની કવિતાનો પ્રભાવ છે. ઈ. પૂ. ૫૦થી અને સવિશેષ ઈ. પૂ. ૪૨થી ૩૭ લગીમાં આયુષ્યના ત્રીજા દાયકામાં વર્જિલે ષટ્કલ છંદ હૅક્ઝામીટરમાં કુલ ૮૨૯ પંક્તિઓમાં દસ કાવ્યો રચ્યાં હતાં. ઈ. પૂ. ૩૭માં તેત્રીસ વર્ષની વયે એમણે આ દસ કાવ્યોનો એમનો પ્રથમ સંગ્રહ ‘Eclogues’ (ચયનો) અથવા ‘Bucolics’ (ગોપકાવ્યો) મિત્રોના આગ્રહથી રોમમાં પ્રસિદ્ધ કર્યો હતો. આ કાવ્યોમાં લૅટિન ભાષાની પ્રથમ ગોપકવિતા છે. એમાં ગ્રીક ગોપકવિતાના મહાન કવિ થીઓક્રિટસ (ઈ. પૂ. ૩૧૦-૨૫૦) વર્જિલના આદર્શરૂપ છે, વર્જિલે થીઓક્રિટસનું ‘રોમનિકરણ’ કર્યું છે, એથી ‘રોમન થીઓક્રિટસ’ તરીકે વર્જિલનું બહુમાન થયું હતું. આ કાવ્યોમાં મુખ્યત્વે થીઓક્રિટસનાં પાત્રોનાં ગ્રીક નામ સાથેનાં કાલ્પનિક ગોપપાત્રો અને ઉત્તર ઈટલી, દક્ષિણ ઈટલી, સિસિલી અને આર્કેડિઆના વાસ્તવિક અને કાલ્પનિક પ્રદેશોના મિશ્રણ રૂપ ગ્રામપ્રદેશો છે; કાવ્યસ્પર્ધા, પ્રણયકલહ, મૃત્યુ આદિ કાલ્પનિક પ્રસંગો છે અને પાંચ કાવ્યોમાં સંવાદો છે, પણ સાથે સાથે ઐતિહાસિક પાત્રો અને પ્રસંગો પણ છે. એમાં સીઝર (૫, ૭, ૯) અને ઑગસ્ટસ (૧, ૪. ૫, ૯) — રાજકીય નેતાઓ, વૅરિઅસ (૯) અને સિના (૯) — સમકાલીન કવિઓ તથા પોલિઓ (૩, ૪, ૮, ૯), વૅરસ (૬, ૯) અને ગૅલસ (૬, ૯) — વર્જિલના કવિમિત્રો અને પછીથી રાજ્યાધિકારીઓનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ ઉલ્લેખ છે. વળી, સમકાલીન રોમમાં આંતરવિગ્રહ, અવ્યવસ્થા અને અરાજકતા (૧, ૯) તથા અનુકાલીન રોમમાં સુવર્ણ યુગ, સુખ અને શાંતિ (૪)નો પણ ઉલ્લેખ છે. ઈ. પૂ. ૪૨ પૂર્વે વર્જિલે ‘ઈનીડ’ અથવા એવું જ અન્ય કોઈ કાવ્ય, ઈ. પૂ. ૧૨થી ૮મી સદીમાં આલ્ફા લૉન્ગા અંગેના યુદ્ધો અને એના બાર રાજાઓ વિશેનું કાવ્ય રચવાનો પ્રયત્ન કર્યો હતો એવું સૂચન (૬) પણ છે. વર્જિલને યુદ્ધ પ્રત્યે ધિક્કાર હતો (૧, ૬) અને શાંતિનું સ્વપ્ન હતું એનું પણ સૂચન (૪) છે એથી એ યુદ્ધકાવ્યનો પ્રયત્ન પ્રયત્ન જ રહ્યો હતો. ઈ. પૂ. ૪૦માં વર્જિલે ‘ઍકલૉગ ૪’ રચ્યું હતું. આ કાવ્ય વર્જિલે પોલિઓના પુત્રના જન્મ અંગે રચ્યું હતું અથવા ઑગસ્ટસના સંભવિત પુત્રના જન્મ અંગે અને એ પુત્ર દ્વારા સુવર્ણ યુગ અંગે રચ્યું હતું અને પોલિઓને અર્પણ કર્યું હતું. એમાં પાયથાગોરસની ફિલસૂફી અને હીબ્રૂ સાહિત્યનો પ્રભાવ છે. પણ પછીથી ઈ. ૪થી સદીમાં સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને આ કાવ્ય વર્જિલે ક્રાઇસ્ટના જન્મના ૪૦ વર્ષ પૂર્વે ક્રાઇસ્ટના જન્મ અંગે અને ક્રાઇસ્ટ દ્વારા ખ્રિસ્તી ધર્મના સુવર્ણ યુગ અંગે રચ્યું હતું એવું અર્થઘટન કર્યું અને ઇતિહાસ રચ્યો હતો. આ અર્થઘટનને કારણે અને પછીથી સેન્ટ ઑગસ્ટીન, ડેન્ટિ આદિએ આ અર્થઘટનનું સમર્થન કર્યું હતું એ કારણે સદીઓ લગી ખ્રિસ્તી જગતમાં વર્જિલનું એક મહાન પયગંબર તરીકે, ‘પ્રકૃતિથી ક્રાઇસ્ટ પૂર્વેના ખ્રિસ્તી’ તરીકે અને આ કાવ્યનું ભવિષ્યવાણી તરીકે, આર્ષદર્શન તરીકે બહુમાન થયું હતું. ખ્રિસ્તી જગતમાં આ કાવ્ય ‘Mes-sianic Eclogue’ — પયગંબરી કાવ્ય તરીકે પ્રસિદ્ધ હતું. ‘ઍકલૉગ ૬’માં (અને પછીથી ‘ઈનીડ’ ગ્રંથ ૯માં પણ) વર્જિલે એમનું ‘વિશ્વરૂપદર્શન’ રચ્યું છે. એમાં જાણે કે એમણે ઍપિક્યુરસની ફિલસૂફી અને લુક્રેટિઅસના પૂર્વોક્ત પ્રસિદ્ધ કાવ્યનું સારસર્વસ્વ રજૂ કર્યું છે. ‘ઍકલૉગ ૪’ની જેમ — બલકે એથી પણ વિશેષ આ કાવ્ય વર્જિલનું ભવ્યસુન્દર કાવ્ય છે, સંગ્રહનું સર્વશ્રેષ્ઠ કાવ્ય છે. થીઓક્રિટસ ગ્રીક ગોપકવિતાના આદિ કવિ છે. તેમ વર્જિલ પણ થીઓક્રિટસની ગોપકવિતાની પરંપરામાં લૅટિન ગોપકવિતાના આદિ કવિ છે. પણ આ બે કાવ્યોમાં — ‘ઍકલૉગ ૪’ અને ‘ઍકલૉગ ૬’માં વર્જિલ એમના પૂર્વજને અતિક્રમી ગયા છે. એમાં માત્ર થીઓક્રિટ્સના ‘ઇડીલ્સ’માં જ નહિ પણ ‘ઍક્લૉગ્ઝ’ પૂર્વેની કે પછીની જગતની સમગ્ર ગોપકવિતામાં પણ વિરલ એવી વર્જિલની અનન્ય કવિતાસિદ્ધિ અને અદ્ભુત કવિપ્રતિભાનું દર્શન થાય છે. ‘ઍક્લૉગ્ઝ’નાં દસે કાવ્યો અંતે વર્જિલની આત્મકથારૂપ છે. વર્જિલ કૃષિકાર હતા, ગ્રામનિવાસી હતા. કૃષિ, પ્રકૃતિ, પ્રકૃતિનું સૌંદર્ય, ગ્રામપ્રદેશ, ગ્રામપ્રદેશમાં પ્રકૃતિના સાન્નિધ્યમાં સુખ અને શાંતિનું જીવન, નીતિ અને સત્યનું જીવન, ‘અનુદાત્ત સરલતા’ (ignoble ease)નું જીવન એ વર્જિલનો અંગત આત્મીય અનુભવ હતો. વર્જિલનો આ અનુભવ આ કાવ્યોના કેન્દ્રમાં છે. પછીથી વર્જિલે ‘ઈનીડ’, એક મહાનગર — રોમનું મહાકાવ્ય રચ્યું હતું પણ અંતે વર્જિલ રાજકવિ કે રોમેન્ટિક કવિ કે નગરવાસી નગરકવિ ન હતા. આ કાવ્યોની સૃષ્ટિ એ વર્જિલને માટે કોઈ પલાયન માટેની કાલ્પનિક કે માયાવી સૃષ્ટિ ન હતી. પણ વાસ્તવિક અને અનુભવસિદ્ધ સૃષ્ટિ હતી. એથી સ્તો ભૂમિની જપ્તીનો અનુભવ, એમનો સ્વાનુભવ, એમને તો ઑગસ્ટસની સહાયથી એમની ભૂમિ પરત કરવામાં આવી હતી પણ અસંખ્ય કૃષિકારોએ તો સદાયને માટે એમની ભૂમિનો ત્યાગ કર્યો હતો એથી વિશેષ તો એ અસંખ્ય કૃષિકારોનો સર્વાનુભવ — આ કરુણ અનુભવથી કાવ્યનો આરંભ (૧) અને અંત (૯) થાય છે. કૃષિકારનું જીવન કર્મણ્યતા અને કઠોરતાનું જીવન છે, પરિશ્રમ અને પરિત્યાગનું જીવન છે, વિષમતા અને વિકટતાનું જીવન છે એનો વર્જિલને અંગત અનુભવથી પૂર્ણ પરિચય હતો. કૃષિજીવનનું આ સત્ય પણ આ કાવ્યોમાં — અને સવિશેષ તો પછીથી ‘જ્યૉર્જિક્સ’–માં પ્રકટ થાય છે. એથી આ કાવ્યો કટુમધુર કાવ્યો છે. એમાં સ્મિતની પડછે કે પછવાડે આંસુ પણ છુપાયું છે. વર્જિલ એટલે જ વેદના, વર્જિલ એટલે વેદનાનો પર્યાય, વર્જિલ એટલે વેદનામૂર્તિ. જ્યાં વર્જિલ હોય ત્યાં બીજું બધું તો હોય કે ન હોય પણ વેદના તો હોય જ. ‘ઍક્લૉગ ૯’માં આ સંગ્રહની કરુણતમ પંક્તિ છે, ‘કાળ સર્વસ્વ હરી જાય છે, સ્મૃતિ સુધ્ધાં.’ એમાં વર્જિલનું અંતિમ જીવનદર્શન, ગહનગભીર વેદનાનું દર્શન પૂર્ણપણે પ્રકટ થાય છે. આ કાવ્યોમાં વેદનાનું પુદ્ગલ છે પણ એની આસપાસ આનંદનું, અસીમ અને અનંત આનંદનું આવરણ પણ છે. અંતે આ કાવ્યોમાં ઍપિક્યુરીઆનિઝમનો પ્રભાવ છે, વર્જિલનો, એક આદર્શ કૃષિકારનો ભૂમિપ્રેમ પ્રકટ થાય છે. ‘ઍક્લૉગ્ઝ’ના પ્રકાશન પછી રોમમાં વર્જિલની સૌથી વધુ લોકપ્રિય કવિ તરીકે પ્રતિષ્ઠા હતી અને વારંવાર એમને રોમ આવવાનું થયું હતું અને ત્યારે રોમમાં જે માત્ર મહાન રાજકીય નેતાઓને જ અર્પણ કરવામાં આવ્યું હતું તે માન-સન્માન વર્જિલને અર્પણ કરવામાં આવ્યું હતું. રોમમાં વારંવાર એમણે આ કાવ્યોનું મિત્રવૃન્દ સમક્ષ સ્વમુખે પઠન કર્યું હતું. એ શ્રોતાવૃન્દ આ પઠન પર અત્યંત મુગ્ધ હતું. એથી પછી રોમના થિયેટરોમાં વારંવાર આ કાવ્યોનું પઠન કરવામાં આવ્યું હતું. રોમની પ્રસિદ્ધ અભિનેત્રી અને કવિમિત્ર ગૅલસની પ્રિયતમા સીથેરિસે ‘ઍક્લૉગ ૬’નું મધુરકંઠે પઠન કર્યું હતું. સીસેરોએ એ પઠનનું શ્રવણ કર્યું હતું. પછી એ એટલા પ્રભાવિત થયા હતા કે એમણે વર્જિલનો અંગત પરિચય કર્યો હતો અને વર્જિલનું ‘રોમની દ્વિતીય આશા’ (પ્રથમ આશા સીસેરો સ્વયં) તરીકે હોંસે હોંસે અભિવાદન કર્યું હતું. ‘ઍક્લૉગ્ઝ’ના પ્રકાશન પછી તરત જ ઑગસ્ટસ (પૂર્વે એક વાર ભૂમિની મુક્તિ અંગે રોમમાં ઑગસ્ટસ સાથે વર્જિલનું ક્ષણિક મિલન થયું હતું.), મીસેનાસ, ઍગ્રિપ્પા આદિ રોમના મહાન નેતાઓ (અને લઘુ લેખકો)એ વર્જિલનો અંગત પરિચય કર્યો હતો. અને વર્જિલના આશ્રયદાતા-મિત્રો તરીકે એમણે વર્જિલ સાથેની એમની મૈત્રીથી ગૌરવ અનુભવ્યું હતું. વળી તરત જ હોરેસ, પ્રૉપર્ટિઅસ આદિ મહાન સમકાલીન (પણ વયમાં અનુજ) કવિઓએ પણ વર્જિલનો અંગત પરિચય કર્યો હતો અને વર્જિલના કવિમિત્રો તરીકે એમણે વર્જિલ સાથેની એમની મૈત્રીથી એવું જ ગૌરવ અનુભવ્યું હતું (વર્જિલે હોરેસને મીસેનાસ સાથે પ્રથમ પરિચય કરાવ્યો હતો). વર્જિલ રાજકવિ ન હતા. વર્જિલ રાજકવિ થાય એમ સ્વયં ઑગસ્ટસની ઇચ્છા હોય તો પણ વર્જિલ રાજકવિ ન થાય. (મૃત્યુ સમયે મીસેનાસની ઑગસ્ટસને વિનંતી હતી, ‘મારા મૃત્યુ પછી હોરેસને મારું સ્થાન આપજો !’ એથી ઑગસ્ટસે હોરેસને પોતાના અંગત મંત્રી એટલે કે પ્રધાનમંત્રી થવાનું આમંત્રણ આપ્યું હતું. પણ હોરેસે ઑગસ્ટસને સહેજ પણ દુઃખ ન થાય એટલા સૌજન્યથી ઑગસ્ટસના આ આમંત્રણનો આભારપૂર્વક અસ્વીકાર કર્યો હતો !) ઑગસ્ટસ, મીસેનાસ અને ઍગ્રિપ્પા જેવા મહાન આશ્રયદાતાઓનું મિત્રવૃન્દ અને વર્જિલ, હોરેસ અને પ્રૉપર્ટિઅસ જેવા મહાન કવિઓનું કવિવૃન્દ — જગતકવિતાના ઇતિહાસમાં આ એકમેવઅદ્વિતીયમ્ એવું કાવ્યનિર્માણ છે ! વર્જિલનો રોમમાં સ્થાયી નિવાસ થાય એવી તીવ્ર આશા-અપેક્ષાથી ઑગસ્ટસ આદિ આશ્રયદાતા મિત્રોએ વર્જિલને રોમમાં એક નિવાસસ્થાન ભેટ રૂપે અર્પણ કર્યું હતું. પણ વર્જિલે રોમમાં સ્થાયી નિવાસ કર્યો ન હતો. એમણે નેપલ્સમાં એટલે કે નેપલ્સની પશ્ચિમ દિશામાં સહેજ દૂર પુટેઓલિ (અત્યારે પોઝુઓલિ)માં એમના ગુરુ સિરોને એમને એક ખેતર અને એક નિવાસસ્થાન ભેટ રૂપે અર્પણ કર્યું હતું ત્યાં સ્થાયી નિવાસ કર્યો હતો. અગાઉ નોંધ્યું છે તેમ, વર્જિલને ઉત્તર ઈટલી અને રોમથી દક્ષિણ ઈટલી અને નેપલ્સ સકારણ વિશેષ પ્રિય હતું, એમને નેપલ્સ, પુટેઓલિ ઉપરાંત આસપાસ કામ્પાનિઆમાં સૉરેન્ટો, પૉસિલિપો આદિ પ્રદેશનું પ્રકૃતિસૌંદર્ય અત્યંત પ્રિય હતું. વર્જિલે રોમમાં સ્થાયી નિવાસ ન કર્યો પણ રોમના આશ્રયદાતા મિત્રોની એમને જીવનભર સતત સહાય હતી. એનો એમણે સાનંદ અને સાભાર સ્વીકાર કર્યો હતો. અલબત્ત, એમાં એમનાં સ્વમાન અને ગૌરવ અંગે ઉભયપક્ષ એકસમાન સચિંત અને સભાન હતો. ઈ. પૂ. ૩૭થી ૨૯ લગીમાં સાત-આઠ વર્ષમાં વર્જિલે હેક્ઝામીટરમાં ચાર કાવ્યો રચ્યાં હતાં. ઈ. પૂ. ૨૯માં એકતાલીસ વર્ષની વયે એમણે આ ચાર કાવ્યોનો એમનો દ્વિતીય સંગ્રહ ‘Georgics’ (કૃષિવિષયક) નેપલ્સમાં પ્રસિદ્ધ કર્યો હતો. આ કાવ્યોમાં મુખ્યત્વે હોમરના સમકાલીન ગ્રીક કૃષિવિષયક કવિતાના મહાન કવિ હૅસિઅડ (ઈ. પૂ. ૮૦૦-૭૦૦) ઉપરાંત લુક્રેટિઅસ અને એલેક્ઝાન્ડ્રિઆનું કવિવૃન્દ (ઈ. પૂ. ૩જી સદી) વર્જિલના આદર્શરૂપ છે. એમાં અન્ન, ધાન્ય, ખાદ્ય (૧); ફળ, વેલી, વૃક્ષ (૨); અશ્વ, વૃષભ, પશુ (૩); મધ, મધમાખી (૪)નું સંવર્ધન અને સંરક્ષણ — એ જાણે કે પ્રથમ દૃષ્ટિએ પ્રધાન વિષય છે. કૃષિની એકેએક વિગતથી આ કાવ્યો સભર-સમૃદ્ધ છે. કૃષિ એ વર્જિલ — કુટુંબનો વંશપરંપરાગત, વારસાગત વ્યવસાય હતો. વર્જિલનાં માતા-પિતા કૃષિકાર હતાં. પિતા આરંભમાં ખેતમજૂર હતા. પણ પછી એમના માલિક એમની બુદ્ધિ અને કાર્યક્ષમતાથી એટલા પ્રભાવિત થયા હતા કે એમની સાથે પોતાની પુત્રી મૅગિઆ પોલિઆનું લગ્ન કર્યું હતું અને એક મોટું ખેતર ભેટ રૂપે એમને અર્પણ કર્યું હતું. એમને વર્જિલ ઉપરાંત વર્જિલથી નાના બે પુત્રો હતા. એમાંથી એકનું બાલ્યવયમાં અને બીજાનું સત્તર વર્ષની વયે અવસાન થયું હતું. ઉત્તરજીવનમાં એમને અંધત્વ આવ્યું હતું અને લાંબા સમયની બીમારી પણ આવી હતી. એમનું વૃદ્ધાવસ્થામાં અવસાન થયું હતું. પછી વર્જિલની વિધવા માતા મૅગિઆએ દ્વિતીય લગ્ન કર્યું હતું. એ લગ્નથી એમને એક પુત્ર-વાલેરિઅસ પ્રોક્યુલસ — પ્રાપ્ત થયો હતો. વર્જિલે એમના આ ઓરમાન ભાઈને એમની અરધી મિલકત વારસામાં અર્પણ કરી હતી. વાચન-મનન — ચિન્તન–લેખન એ વર્જિલની પ્રધાન દિનચર્યા હતી. પણ એમને કૃષિનો પણ અંગત અનુભવ હતો. વર્જિલ પ્રધાનપણે કવિ હતા. પણ એ ગૌણપણે કૃષિકાર હતા. વર્જિલ કૃષિકાર-કવિ અને કવિ-કૃષિકાર હતા. એથી આ કાવ્યોમાં એક નિષ્ણાત કૃષિવિજ્ઞાનીએ જાણે કે સંપૂર્ણ કૃષિશાસ્ત્ર, કૃષિકારો માટે જાણે કે ઉત્તમ વાર્તિક, કૃષિ વિશ્વવિદ્યાલય માટે જાણે કે આદર્શ પાઠ્યપુસ્તક રચ્યું છે. છતાં આ કાવ્યોમાં કૃષિકારોને કૃષિ વિશે જ્ઞાન કે શિક્ષણ આપવાનું કે નગરનિવાસી બિન-કૃષિકારોને ગ્રામપ્રદેશમાં ખેતરોની ખરીદી માટે પ્રેરણા કે પ્રોત્સાહન આપવાનું કે ભવિષ્યની પ્રજાને સમકાલીન કૃષિ વિશે અહેવાલ કે ઇતિહાસ આપવાનું વર્જિલનું પ્રધાન લક્ષ્ય નથી. આ કાવ્યોમાં વર્જિલનું પ્રધાન લક્ષ્ય છે કૃષિની મહત્તા, કૃષિજીવનનું મહત્ત્વ, કૃષિકારનો મહિમા અને તે પણ રોમ, રોમન સૈનિક, રોમન સામ્રાજ્ય અને રોમન સંસ્કૃતિના સંદર્ભમાં. આ કાવ્યોના કેન્દ્રમાં છે વર્જિલનું, એક મહાકવિનું કૃષિ, કૃષિજીવન અને કૃષિકાર વિશેનું દર્શન. ‘ઍક્લૉગ્ઝ’માં ગોપાલન, ગોપજીવન, ગોપજનો અંગે કલ્પના અને વાસ્તવનું, આદર્શ અને વાસ્તવનું મિશ્રણ હતું. ‘જ્યૉર્જિક્સ’માં માત્ર વાસ્તવ છે; કૃષિ, કૃષિજીવન, કૃષિકાર અંગેનું વાસ્તવ છે. કૃષિકારનું જીવન પ્રસ્વેદ અને પરિશ્રમનું જીવન છે, વિષમતા અને વિકટતાનું જીવન છે. ઋતુઓ અને વાતાવરણના સંદર્ભમાં રોગો, આફતો, અકસ્માતો, વિચિત્રતાઓ, અનિશ્ચિતતાઓ આદિ વિઘ્નો અને બાધાઓ, અવરોધો અને અંતરાયોનું જીવન છે. છતાં અંતે વર્જિલે ગ્રામજીવન અને નગરજીવનનો વિરોધ પ્રકટ કર્યો છે એ સંદર્ભમાં ગ્રામજીવનમાં ગમે તેવું ને તેટલું દુઃખ અને દારિદ્રય હોય તોપણ નગરજીવનની તુલનામાં — એ સુખ અને શાંતિનું જીવન છે, સભર અને સમૃદ્ધ જીવન છે. ‘ઍક્લૉગ્ઝ’માં વર્જિલનો ભૂમિપ્રેમ–સવિશેષ ઉત્તર ઈટલીના ગ્રામપ્રદેશ પ્રત્યેનો પ્રેમ; પોતાના ખેતરની આસપાસના પ્રદેશ–નહેરો, ઝરણાંઓ, નદીઓ, વેલીઓ, વૃક્ષો, ખેતરો, ગોચરો, મેદાનો, ખીણો, પર્વતો પ્રત્યેનો પ્રેમ પ્રકટ થયો હતો. ‘જ્યૉર્જિક્સ’માં પણ વર્જિલનો ભૂમિપ્રેમ પ્રકટ થાય છે. પણ એને સમગ્ર ઈટલી, રોમ, રોમન સૈનિકો, રોમન સામ્રાજ્ય, રોમન સંસ્કૃતિ અને એ સૌના મૂલાધારરૂપ કૃષિ, કૃષિજીવન અને કૃષિકારનો સંદર્ભ છે, એટલું જ નહિ એને વૈશ્વિક સંદર્ભ પણ છે. ઈટલીમાં અનન્ય અને અસાધારણ પ્રકૃતિસૌંદર્ય છે. ઈટલીની ભૂમિ સુજલા, સુફલા છે. કૃષિ માટે આદર્શ અને અનુરૂપ ભૂમિ છે. ઈટલીની ભૂમિ સ્વતઃ જ પ્રકૃતિથી સભર અને સમૃદ્ધ છે. વળી ઈટલીના કૃષિકારે કૃષિ દ્વારા એને સવિશેષ સભર અને સમૃદ્ધ કરી છે. વર્જિલે મધ્ય પૂર્વ અને દૂર પૂર્વની ભૂમિ સાથે ઈટલીની ભૂમિની તુલના કરી છે. અને ઈટલીની ભૂમિ એ સૌ ભૂમિથી વધુ સભર અને સમૃદ્ધ છે, વધુ સુન્દર છે એવી ઈટલીની ભૂમિની પ્રશસ્તિ રચી છે. અને ઈટલીની ભૂમિની, એની સુન્દરતા, સભરતા અને સમૃદ્ધિની સર્વોપરીતા કૃષિ, કૃષિજીવન અને કૃષિકારને આભારી છે. નિકટના પૂર્વની ભૂમિમાં કૃષિ શક્ય ન હતી. પશ્ચિમ અને ઉત્તર યુરોપની ભૂમિમાં કૃષિનો માત્ર આરંભ જ થયો હતો. એથી એ ભૂમિ સાથે ઈટલીની ભૂમિની તુલના શક્ય ન હતી. ભૂમિ સાથે ભૂમિપ્રેમની, રાષ્ટ્રપ્રેમની કવિતા દુઃસાધ્ય અને દુર્લભ છે. અહમ્‌, આત્મશ્લાઘા, અતિશયોક્તિ અને અભિનિવેશ આદિ દોષો અને દૂષણોને કારણે. ‘જ્યૉર્જિક્સ’માં વર્જિલે ઇતિહાસના સત્યની સાક્ષીએ એમની ભૂમિપ્રેમની, રાષ્ટ્રપ્રેમની કવિતા રચી છે. એથી ઇકબાલના પૂર્વોક્ત કાવ્યમાં છે તેમ એમાં દોષ કે દૂષણ નથી. ‘ઈનીડ’માં જ નહિ, ‘જ્યૉર્જિક્સ’માં પણ વર્જિલે રાષ્ટ્રપ્રેમની મહાન કવિતા રચી છે. વર્જિલના જીવનકાળ લગીમાં પશ્ચિમ અને ઉત્તર યુરોપના પ્રદેશોમાં રોમન સામ્રાજ્ય અને એને કારણે કૃષિનો પ્રચારપ્રસાર થયો હતો અને કૃષિનો આરંભ થયો હતો. અને ત્યાર પછી તો આજ લગીમાં લગભગ જગતભરમાં રોમન સંસ્કૃતિ અને એને કારણે કૃષિનો વિકાસ-વિસ્તાર થયો છે. આજે જગતનાં લગભગ સૌ રાષ્ટ્રો રોમન સંસ્કૃતિના વારસો છે અને એથી એ અર્થમાં એ રાષ્ટ્રોના પ્રજાજનો રોમન સામ્રાજ્યના નાગરિકો છે. એથી જ ‘જ્યૉર્જિક્સ’માં વર્જિલનું, કૃષિ, કૃષિજીવન અને કૃષિકાર વિશેનું જે દર્શન છે તે વૈશ્વિક દર્શન છે. કૃષિ, કૃષિજીવન, કૃષિકાર અને એમાં શ્રમ, કર્મણ્યતા, ત્યાગ, નમ્રતા, દૈવાધીનતા (labor, pietas, fatum) આદિ ગુણલક્ષણો એ કોઈ પણ રાષ્ટ્ર માટે, એના અસ્તિત્વ માટે, એની અસ્મિતા માટે, એની ભૌતિક- આધ્યાત્મિક સમૃદ્ધિ માટે, એની સંસ્કૃતિ માટે — કોઈ એક રાષ્ટ્રની જ સંસ્કૃતિ નહિ, બલકે સમગ્ર માનવસંસ્કૃતિ માટે મૂલાધારરૂપ છે. રોમ, રોમન સૈનિક, રોમન સામ્રાજ્ય અને રોમન સંસ્કૃતિ માટે તો એ મૂલાધારરૂપ છે જ એ તો ઇતિહાસનું સત્ય છે. આ છે ‘જ્યૉર્જિક્સ’માં વર્જિલનું કૃષિ, કૃષિજીવન અને કૃષિકાર વિશેનું રોમનદર્શન અને વૈશ્વિકદર્શન. ‘જ્યૉર્જિક્સ’માં ગ્રંથ ૩માં પંક્તિઓ ૧૩૬–૧૭૪, ૪૫૮-૫૩૫માં વર્જિલનું આ દર્શન ભવ્યસુન્દર કવિતા રૂપે પ્રકટ થાય છે. આ પંક્તિઓમાં ‘જ્યૉર્જિક્સ’ની પરાકાષ્ઠા છે. ‘જ્યૉર્જિક્સ’ને સમકાલીન અર્થકારણ, રાજકારણ અને સમાજકારણનો સંદર્ભ છે. વર્જિલે મીસેનાસની પ્રેરણા અને પ્રાર્થનાથી ‘જ્યૉર્જિક્સ’ રચ્યું હતું. અને મીસેનાસને અર્પણ કર્યું હતું. ઈ. પૂ. ૨૯માં ઑગસ્ટસનું પૂર્વમાંથી વિજેતા તરીકે રોમમાં પુનરાગમન થયું હતું. પ્રકાશન પૂર્વે ‘જ્યૉર્જિક્સ’ હસ્તપ્રતમાં હતું ત્યારે વર્જિલે મીસેનાસની ઉપસ્થિતિમાં ઑગસ્ટસ સમક્ષ એના ચાર ગ્રંથોનું ચાર દિવસમાં પઠન કર્યું હતું. પછી ‘જ્યૉર્જિક્સ’નું પ્રકાશન થયું કે તરત જ એ રોમમાં અત્યંત લોકપ્રિય થયું હતું. રોમન પ્રજા પર એનો પ્રબળ પ્રભાવ હતો. સદી-અરધી સદીના આંતરવિગ્રહના સમયમાં ઈટલીમાં મૂડીવાદી જમીનદારોને કારણે અસંખ્ય નાના કૃષિકારોએ કૃષિનો ત્યાગ કર્યો હતો, એમના આશ્રિતો તરીકે કૃષિ કરવાનો અસ્વીકાર કર્યો હતો. એ કૃષિકારો રોમમાં વસ્યા હતા. એક તો રોમમાં આંતરવિગ્રહને કારણે અવ્યવસ્થા અને અરાજકતા તો હતી જ. એમાં આ કૃષિકારોનાં ટોળાંઓની ઉપસ્થિતિ એને ઉત્તેજક અને ઉપકારક હતી. એથી ઑગસ્ટસ અને મીસેનાસે આ કૃષિકારોને કૃષિ પ્રત્યે પુનઃ આકર્ષણ થાય અને રોમમાંથી એમના પ્રદેશમાં એમનો પુનઃ વાસ થાય એ માટે એમને આર્થિક સહાય આદિ કૃષિવિષયક ધારા-સુધારાઓ કરવાનું અને એ દ્વારા કૃષિનો પુનરુદ્ધાર કરવાનું આયોજન કર્યું હતું. એમાં ‘જ્યૉર્જિક્સ’ની ભારે સહાય હતી, ઑગસ્ટસ, મીસેનાસ અને ઍગ્રિપ્પાએ રોમમાં સુખ અને શાંતિ માટે પ્રજાસત્તાકવાદી રોમનાં મૂલ્યો, આદર્શો અને ભાવનાઓ આદિનો પુનરુદ્ધાર કરવાનું પણ આયોજન કર્યું હતું. એમાં પણ ‘જ્યૉર્જિક્સ’ની ભારે સહાય હતી. વળી રોમન પ્રજાને ઑગસ્ટસ દ્વારા આ સુખ અને શાંતિની આશા-અપેક્ષા હતી. એ આશા-અપેક્ષા સઘન અને સુદૃઢ થાય અને એ દ્વારા ઑગસ્ટસનો અંતે રોમના નેતા તરીકે સ્વીકાર-પુરસ્કાર થાય એમાં પણ ‘જ્યૉર્જિક્સ’ની ભારે સહાય હતી. હોરેસે ‘જ્યૉર્જિક્સ’ વિશે ‘રોમને ઉપયોગી છે’ એવું વિધાન કર્યું હતું. છતાં ‘જ્યૉર્જિક્સ’ એ કોઈ પક્ષકાર કે પ્રચારકનું ઘોષણાપત્ર નથી, રોમન રાજ્યના કૃષિ મંત્રાલયના સચિવનું શ્વેતપત્ર નથી. એમાં તો એક ક્રાન્તદર્શી કવિનો એમની પ્રજાને ખુલ્લો પત્ર છે, પ્રેમપત્ર છે. વર્જિલને એક રોમન નાગરિક તરીકે અને રોમન કવિ અને ભાવિ મહાકવિ તરીકે રોમન પ્રજાની જેમ જ ઑગસ્ટસ દ્વારા રોમને સુખ અને શાંતિની આશા-અપેક્ષા હતી. વળી ઑગસ્ટસ રોમને એ સુખ અને શાંતિ અર્પણ કરી શકશે અને કરશે એવી વર્જિલની પ્રામાણિક પ્રતીતિ અને પૂર્ણ શ્રદ્ધા પણ હતી. વળી ઑગસ્ટસ રોમને સુખ અને શાંતિ અર્પણ કરે એવી વર્જિલની અંતઃકરણની ઇચ્છા પણ હતી. એમણે ‘જ્યૉર્જિક્સ’ના ગ્રંથ ૨માં પૂર્વોક્ત પંક્તિઓમાં ઑગસ્ટસની પણ પ્રશસ્તિ રચી છે. આમ, ઑગસ્ટસના સદ્ભાગ્યે એમની, રોમન પ્રજાની અને વર્જિલની એકસમાન જરૂરિયાત હતી. આમ, ‘જ્યૉર્જિક્સ’ એ રોમના એક મહાન નાગરિક તરીકે અને રોમના મહાકવિ તરીકે વર્જિલની સ્વતંત્ર અને મૌલિક આંતરિક જરૂરિયાત હતી, એમની નાગરિકતા અને સર્જકતાની અનિવાર્ય સરજત હતી. ગ્રીક કૃષિવિષયક કવિતાના આદિકવિ હૅસિઅડના કાવ્ય ‘કાર્યો અને દિવસો’ (Works and Days)માં કૃષિ, કૃષિજીવન, કૃષિકાર અંગેનું માત્ર વાસ્તવ જ છે. જોકે એમાં સુવર્ણ યુગનું સ્વપ્ન પણ છે. પણ એમાં પૅન્ડોરાની પુરાણકથા, બાજ-કોયલની પશુકથાને નિમિત્તે નીતિકથા આદિ ઇતર વસ્તુવિષયનું પણ અસ્તિત્વ છે. એથી એમાં એ સંદર્ભમાં એકતાનો અભાવ છે. વર્જિલના ‘જ્યૉર્જિક્સ’માં સુગ્રથિત એકતા છે. ‘જ્યૉર્જિક્સ’માં અંતે મધ અને મધમાખી અંગેના ગ્રંથ ૪માં અંતે ઍરિસ્ટીઅસ, યુરીડાઈસ અને ઑર્ફીઅસ અંગેની પુરાણકથા છે પણ તે કાવ્યના વસ્તુવિષયના અંતર્ગત અંશરૂપ છે. વળી એમાં હવે પછીના કાવ્ય ‘ઈનીડ’માં તો કેન્દ્રમાં જ ઍનીઅસ અંગેની જે પુરાણકથા છે એનું સૂચન પણ છે — બલકે એમાં વર્જિલના સમગ્ર કાવ્યવિશ્વમાં સુશ્લિષ્ટ એકતા છે એનું પણ સૂચન છે. વળી ‘જ્યૉર્જિક્સ’ને કૃષિ, કૃષિજીવન, કૃષિકાર અંગેનું રોમન દર્શન અને વૈશ્વિક દર્શન તથા રોમન ઇતિહાસ વગેરેનો સંદર્ભ છે. આ સૌ કારણે વર્જિલ એમના આદર્શરૂપ હૅસિઅડને અતિક્રમી ગયા છે. એથી ‘જ્યૉર્જિક્સ’માં લુક્રેટિઅસ અને એમનું ઍપિક્યુરીઆનિઝમની ફિલસૂફીનું કાવ્ય ‘વિશ્વરૂપદર્શન’ એ હૅસિઅડ અને એમના કૃષિવિષયક કાવ્ય ‘કાર્યો અને દિવસો’થી વર્જિલના વિશેષ આદર્શરૂપ છે. વર્ણનકાવ્ય, બોધકાવ્યમાં પણ ભવ્યતા અને સુંદરતા શક્ય છે એ લુક્રેટિઅસે એમના કાવ્ય ‘વિશ્વરૂપદર્શન’માં સિદ્ધ કર્યું છે. આ સંદર્ભમાં પણ લુક્રેટિઅસ અને એમનું કાવ્ય ‘જ્યૉર્જિક્સ’માં વર્જિલના આદર્શરૂપ છે. એથી ‘જ્યૉર્જિક્સ’માં ફિલસૂફી અને વિજ્ઞાન દ્વારા વિશ્વ અને મનુષ્યનું રહસ્યદર્શન કરવાનો વર્જિલનો પ્રયત્ન છે. એમાં વર્જિલે લુક્રેટિઅસની જેમ જ ઉત્સાહપૂર્ણ ઉષ્મા અને ઉદ્રેકપૂર્ણ ઊર્મિથી ભવ્યસુન્દર વાણીમાં ઍપિક્યુરસની પરોક્ષ પ્રશસ્તિ રચી છે. ‘ઍક્લૉગ ૪’માં વર્જિલનું સુવર્ણ યુગનું સ્વપ્ન છે. ‘જ્યૉર્જિક્સ’ એ સ્વપ્ન સિદ્ધ કરવાના સાધનરૂપ છે. સમકાલીન રોમન પ્રજાને અને સ્વયં ઑગસ્ટસ, મીસેનાસ, ઍગ્રિપ્પા આદિને પણ આવા જ કોઈ સાધન દ્વારા રોમ અને રોમન સામ્રાજ્યના સુવર્ણ યુગનું સ્વપ્ન હતું. વળી ક્યારેય ક્યાંય સુવર્ણ યુગનું સ્વપ્ન સિદ્ધ થવાનું હોય તો આવા જ કોઈ સાધન દ્વારા સિદ્ધ થાય. એથી ‘જ્યૉર્જિક્સ’માં વર્જિલનું કૃષિ, કૃષિજીવન, કૃષિકાર અંગેનું જે દર્શન છે તે માત્ર રોમન દર્શન કે વૈશ્વિક દર્શન જ નથી, એ શાશ્વત દર્શન પણ છે. આમ, એમાં ‘જ્યૉર્જિક્સ’ પૂર્વેની કે પછીની જગતની સમગ્ર કૃષિવિષયક કવિતામાં વિરલ એવી વર્જિલની અનન્ય કવિતાસિદ્ધિ અને કવિપ્રતિભાનું દર્શન થાય છે. ખ્રિસ્તી જગતમાં ‘ઍક્લૉગ ૪’નો જીસસ અને સુવર્ણ યુગ અંગેની ભવિષ્યવાણી તરીકે અને વર્જિલનો પયગંબર તરીકે સ્વીકાર-પુરસ્કાર થયો હતો. તેમ જ ‘જ્યૉર્જિક્સ’નો પણ આ દર્શનને કારણે અને સવિશેષ તો એમાં કૃષિકારનાં જે ગુણલક્ષણો છે — અને ‘ઈનીડ’માં પણ ઈનીઍસનાં પણ એ જ ગુણલક્ષણો છે એ કારણે ‘જ્યૉર્જિક્સ’નો એક આદર્શ બોધકાવ્ય તરીક અને ‘ઈનીડ’નો પણ એક આદર્શ મહાકાવ્ય તરીકે તથા વર્જિલનો ‘ખ્રિસ્ત પૂર્વેના ખ્રિસ્તી’ તરીકે સ્વીકાર-પુરસ્કાર થયો હતો. ‘ઍક્લૉગ્ઝ’માં મુખ્યત્વે સ્વાનુભવની આત્મલક્ષી ઊર્મિકવિતા હતી. ‘જ્યૉર્જિક્સ’માં મુખ્યત્વે સર્વાનુભવની પરલક્ષી વર્ણનકવિતા, બોધકવિતા છે. ‘ઍકલૉગ્ઝ’ની કવિતામાં ફિલસૂફીનો સંદર્ભ હતો. તો ‘જ્યૉર્જિક્સ’ની કવિતામાં ફિલસૂફી ઉપરાંત વિજ્ઞાન અને ઇતિહાસનો સંદર્ભ છે. ‘જ્યૉર્જિક્સ’માં કૃષિકારનાં ગુણલક્ષણોનું ‘ઈનીડ’માં ઇનીઍસનાં ગુણલક્ષણો સાથે સામ્ય છે. વળી, ‘જ્યૉર્જિક્સ’માં ઇતિહાસ-ભૂગોળ આધારિત સર્વાનુભવની પરલક્ષી કવિતાનું ‘ઈનીડ’માં ઇતિહાસ-ભૂગોળ ઉપરાંત પુરાણકથા આધારિત સર્વાનુભવની પરલક્ષી કવિતા સાથે સામ્ય છે. એટલે કે ‘જ્યૉર્જિક્સ’ અને ‘ઈનીડ’માં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપનું સામ્ય છે. આમ, ‘ઍક્લૉગ્ઝ’માંથી ‘જયૉર્જિક્સ’ ભણી અને ‘જ્યૉર્જિક્સ’માંથી ‘ઈનીડ’ ભણી વર્જિલની સહજ, સ્વાભાવિક અને અનાયાસ, અનિવાર્ય ગતિ છે. ‘ઍક્લૉગ્ઝ’ બીજ છે, ‘જ્યૉર્જિક્સ’ અંકુર છે, તો ‘ઈનીડ’ વૃક્ષ છે. વળી, ‘ઍક્લૉગ્ઝ’માં કેન્દ્રમાં ઍપિક્યુરીઆનિઝમ છે. ‘જ્યૉર્જિક્સ’માં ઍપિક્યુરસની પરોક્ષ પ્રશસ્તિ છે. પણ એમાં કેન્દ્રમાં સ્ટૉઇસિઝમ છે. ‘ઈનીડ’માં ઇનીઍસના વ્યક્તિત્વમાં ઍપિક્યુરીઆનિઝમ અને સ્ટૉઇસિઝમ બન્ને છે. એમાં ગૌણપ્રધાનનો વિવેક અઘરો છે, પણ અશક્ય નથી, એમાં ગૌણપણે ઍપિક્યુરીઆનિઝમ છે અને પ્રધાનપણે સ્ટૉઇસિઝમ છે. આમ, આ કાવ્યત્રયીમાં વર્જિલની ઍપિક્યુરીઆનિઝમમાંથી સ્ટૉઇસિઝમ ભણી, હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, કંઈક સંઘર્ષયુક્ત અને સંકુલતાયુક્ત ગતિ છે. ‘ઍક્લૉગ્ઝ’નાં કાવ્યો રચ્યાં ત્યારે ઈ. પૂ. ૩૭ લગી વર્જિલ મૅન્ટુઆની નિકટ એમની જન્મભૂમિ ઍન્ડીઝમાં એમના ખેતર પર વસ્યા હતા. પછી ‘ઍક્લૉગ્ઝ’નું પ્રકાશન થયું અને ‘જ્યૉર્જિક્સ’ રચ્યું ત્યારે ઈ. પૂ. ૩૭ થી ૨૯ લગી એ અવારનવાર રોમમાં વસ્યા હતા. અને અંતે ‘જ્યૉર્જિક્સ’નું પ્રકાશન થયું અને ‘ઈનીડ’ રચ્યું ત્યારે ઈ. પૂ. ૨૯થી ૧૯ લગી, આયુષ્યના અંત લગી એ નેપલ્સમાં વસ્યા હતા. ઈ. પૂ. ૨૯થી ૧૯ લગી, દસ-બાર વરસ લગી વર્જિલે હૅક્ઝામીટરમાં ૧૨ ગ્રંથોમાં ૯,૮૯૬ પંક્તિઓનું એમનું અંતિમ કાવ્ય, મહાકાવ્ય ‘ઈનીડ’ રચ્યું હતું અને એમના અવસાન પછી બે વરસે ઈ. પૂ. ૧૭માં રોમમાં એનું મરણોત્તર પ્રકાશન થયું હતું. વર્જિલ રોમમાં કદી વસ્યા નહિ પણ રોમ એમની કલ્પનામાં સદાને માટે વસી ગયું હતું. એથી અંતે એમણે ‘ઈનીડ’માં રોમ વિશે, રોમના વિધિનિર્માણ વિશે કાવ્ય નહિ, મહાકાવ્ય રચ્યું હતું. સમગ્ર રોમની પ્રજા; હોરેસ, પ્રૉપર્ટિઅસ, પૉલિઓ, વૅરસ આદિ કવિઓ; ઍગ્રિપ્પા, મીસેનાસ આદિ આશ્રયદાતા-મિત્રો અને સૌથી વિશેષ તો ઑગસ્ટસ સ્વયં દસ-બાર વરસથી ઉત્સુક હૃદયે ‘ઈનીડ’ના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા, વળી, ઑગસ્ટસ તો સતત આદિથી અંત લગી ‘ઈનીડ’ની રચનાની પ્રગતિનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા હતા. ૯,૮૯૬ પંક્તિઓનું કાવ્ય રચવામાં વર્જિલને દસ-બાર વરસનો દીર્ઘ સમય લાગ્યો હતો. ઈ. પૂ. ૫૦થી ૧૯ લગીના ત્રીસેક વરસના એમના સર્જનકાળમાં એમણે એમની કાવ્યત્રયીમાં ‘ઍક્લૉગ્ઝ’માં ઈ. પૂ. ૫૦ અથવા ૪૨થી ૩૭ લગીનાં પાંચ-દસ વરસમાં ૮૨૯ પંક્તિઓ, ‘જ્યૉર્જિક્સ’માં ઈ. પૂ. ૩૭થી ૨૯ લગીમાં આઠ વરસમાં ૨૧૮૮ પંક્તિઓ અને ‘ઈનીડ’માં ઈ. પૂ. ૨૯થી ૧૯ લગીમાં દસ-બાર વરસમાં ૯૮૯૬ પંક્તિઓ એમ કુલ ૧૨૫૦૩ પંક્તિઓ રચી હતી. એમણે રોજની સરેરાશ સવા પંક્તિ રચી હતી, જોકે ‘ઈનીડ’માં રોજની સરેરાશ ત્રણ પંક્તિ રચી હતી. તો ક્યારેક રોજની એક પંક્તિ પણ રચી હતી. વર્જિલ એમના કાવ્યલેખનમાં મંદ ગતિના કવિ હતા. વર્જિલ દુઃસાધ્ય કવિતા અને દુરારાધ્ય રસરુચિના પૂર્ણતાવાદી અને પ્રશિષ્ટતાવાદી કવિ હતા. ઈ. પૂ. ૨૯થી ૧૯ લગી વર્જિલે ‘ઈનીડ’ રચ્યું તે ક્ષણ રોમ અને રોમન સામ્રાજ્યના સમગ્ર ઇતિહાસમાં કરુણમાં કરુણ ક્ષણ હતી. એ પૂર્વે ઈ. પૂ. ૪૪૯થી ૩૬૭ લગી આમ અને અમીર વર્ગો વચ્ચેનો રાજકીય સંઘર્ષ; ઈ. પૂ. ૩૯૦માં ઉત્તર ઇટલીમાંથી ગોથ જાતિના બર્બરોનું રોમ પર આક્રમણ અને રોમનો પરાજય; અંતે જેમાં કાર્થેજનો પૃથ્વીના પટ પરથી લોપ થયો અને રોમનો વિજય થયો તે ઈ. પૂ. ૨૬૪થી ૧૪૬ લગી કાર્થેજ સાથેનાં ત્રણ પ્યુનિક યુદ્ધો. ઈ. પૂ. ૧૩૩ થી આંતરવિગ્રહોની પૂર્વભૂમિકા પછી ઈ. પૂ. ૮૯થી ૮૨ લગી પ્રથમ આંતરવિગ્રહ; પ્રથમ ત્રિમૂર્તિ સીઝર, પૉમ્પી અને ક્રૅસસ વચ્ચે સત્તા માટે સ્પર્ધા; ઈ.પૂ. ૪૯થી ૪૫ લગી દ્વિતીય આંતરવિગ્રહ અને ઈ.પૂ. ૪૪માં સીઝરની હત્યા; દ્વિતીય ત્રિમૂર્તિ ઑગસ્ટસ, ઍન્ટની અને લૅપિડસ વચ્ચે સત્તા માટે સ્પર્ધા; ઈ. પૂ. ૪૪થી ૩૧ લગી તૃતીય આંતરવિગ્રહ અને અંતે ઈ. પૂ. ૩૧માં ઍન્ટની સાથેના ઍક્ટિઅમના યુદ્ધમાં ઑગસ્ટસનો વિજય — રોમ અને રોમન સામ્રાજ્યના ઇતિહાસની આ કરુણ ક્ષણોની પરાકાષ્ઠારૂપ આ ક્ષણ હતી. એ પછી અનેક જાતિના બર્બરોના ચારે બાજુથી વારંવાર આક્રમણો અને રોમન સમ્રાટો અને શ્રીમંત કુટુંબોની સર્વતોમુખી અધોગતિને કારણે ઈ. ૪૭૬માં રોમન સામ્રાજ્યનો અંત આવ્યો હતો. આ ક્ષણ એ રોમ અને રોમન સામ્રાજ્યના ભાવિ અંગે અનિશ્ચિંતતા અને અનિશ્ચિતતાની ક્ષણ હતી. વર્જિલે ઈ. પૂ. ૪૪માં સીઝરની હત્યાની આસપાસના સમયમાં ‘ઍક્લૉગ્ઝ’ રચ્યું હતું. ઈ. પૂ. ૩૧માં ઍન્ટની સાથેના ઍક્ટિઅમના યુદ્ધમાં ઑગસ્ટસના વિજયની આસપાસના સમયમાં ‘જ્યૉર્જિક્સ’ રચ્યું હતું અને ઈ. પૂ. ૨૯માં રોમ અને રોમન સામ્રાજ્યના સમ્રાટપદે અને ઈ. પૂ. ૨૭માં જાન્યુઆરીની ૧૫મીએ ‘ઑગસ્ટસ’પદે ઑગસ્ટસના સ્વીકાર-પુરસ્કારની આસપાસના સમયમાં ‘ઈનીડ’ રચ્યું હતું. ‘ઍક્લૉગ્ઝ’માં વર્જિલે સીઝર અને ઑગસ્ટસની ‘દેવ’ તરીકે પ્રશસ્તિ રચી હતી. ઈ. પૂ. ૬૯માં સીઝરે પોતે ઈનીઍસના વંશજ છે અને વીનસ એમની આદ્યજનેતા છે એથી પોતે ‘દિવ્ય’ છે એવો દાવો કર્યો હતો. ઈ. પૂ. ૪૫માં એમણે ‘સીઝરના ચોક’માં વીનસનું દેવળ રચાવ્યું હતું. ઈ. પૂ. ૪૪માં સીઝરની હત્યા પછી ઈ. પૂ. ૩૩માં ઑગસ્ટસે ‘રોમન ચોક’માં જે સ્થળે સીઝરની સમાધિ રચાવવામાં આવી હતી તે સ્થળે ‘દિવ્ય સીઝરનું દેવળ’ રચાવ્યું હતું. ઑગસ્ટસ સીઝરની ભત્રીજીના પુત્ર, સીઝરના દત્તક પુત્ર અને વારસ હતા એથી સીઝરની જેમ એ પણ ‘દિવ્ય’ હતા એવું એમાં સ્પષ્ટ સૂચન છે. વળી રોમ અને રોમન સામ્રાજ્યમાં એ ‘શાંતિ-દૂત’ તરીકે અને પૂર્વના પ્રદેશોમાં એ ‘દેવ’ તરીકે પ્રસિદ્ધ હતા અને એમના જીવનકાળમાં જ એ પ્રદેશોમાં ‘દિવ્ય ઑગસ્ટસનું દેવળ’ રચાવવામાં આવ્યું હતું. એમના અવસાન પછી એમનાં પત્ની લિવિઆ તથા સમ્રાટ ટાઇબેરિઅસ અને કૅલિગ્યુલાએ પૅલેટિનની ટેકરી પર ‘દિવ્ય ઑગસ્ટસનું દેવળ’ રચાવ્યું હતું. ઈ. પૂ. ૪૨માં વર્જિલનું ખેતર જપ્ત થયું હતું તે ઑગસ્ટસે પરત કરાવ્યું હતું એથી ઓછામાં ઓછું એક સજ્જન તરીકે વર્જિલે ‘ઍક્લૉગ્ઝ’માં સહજ સૌજન્યથી ઑગસ્ટસ પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરી હતી. ઈ. પૂ. ૪૦માં ‘ઍક્લૉગ ૪’માં ઑગસ્ટસના સંભવિત પુત્ર દ્વારા રોમ અને રોમન સામ્રાજ્યના સુવર્ણયુગ અંગેનું ભવિષ્યદર્શન કર્યું હતું. પણ પછી ઑગસ્ટસને પુત્રી પ્રાપ્ત થવાથી ઑગસ્ટસે એમના ભાણેજ માર્સેલસનો પોતાના દત્તક પુત્ર અને વારસ તરીકે સ્વીકાર કર્યો હતો. અને માર્સેલસ દ્વારા એ સુવર્ણયુગનું સર્જન થશે એવી માત્ર વર્જિલને કે ઑગસ્ટસને જ નહિ પણ સમ્રગ રોમન પ્રજાને આશા-અપેક્ષા હતી. પણ પછી ઈ. પૂ. ૨૦માં માર્સેલસનું ૨૬ વર્ષની યુવાન વયે અકાળ અવસાન થયું હતું. ઑગસ્ટસના જીવનની આ સૌથી મહાન કરુણતા હતી. ઑગસ્ટસે માર્સના ક્ષેત્રમાં ‘ઑગસ્ટસના સમાધિગૃહ’માં માર્સેલસની સમાધિ રચાવી હતી અને ઈ. પૂ. ૧૩-૧૧માં કૅપિટોલની ટેકરીની નિકટ ઉત્તરપશ્ચિમ દિશામાં ‘માર્સેલસનું થિયેટર’ માર્સેલસને અંજલિ રૂપે અર્પણ કર્યું હતું. વર્જિલે ‘ઈનીડ’માં ગ્રંથ ૬માં ઍન્કાઇસિસની ઈનીઍસ પ્રતિ ઉક્તિમાં અંતભાગમાં માર્સેલસ પર કરુણપ્રશસ્તિ રચી છે. પછીથી ઑગસ્ટસે ‘ઈનીડ’નું પઠન કર્યું ત્યારે આંખમાં આંસુ સાથે આ પંક્તિઓનું પઠન કર્યું હતું. ‘જ્યૉર્જિક્સ’માં પણ વર્જિલે ગ્રંથ ૨માં પંક્તિઓ ૧૭૦-૧૭૩માં અને ભરતવાક્યમાં મહાન રોમન વીરપુરુષોની વીરતાની પરાકાષ્ઠારૂપ ઑગસ્ટસની પ્રશસ્તિ રચી હતી. ‘જ્યૉર્જિક્સ’નો ઑગસ્ટસ અને ઑગસ્ટસના જીવનકાર્ય સાથે જે સંબંધ છે એ વિશે અગાઉ વિગતે નોંધ્યું છે. ‘ઈનીડ’ તો જાણે વર્જિલે ઑગસ્ટસને જ અર્પણ કર્યું હોય એવું મહાકાવ્ય છે. વર્જિલે ઈનીઍસના પાત્રમાં ઑગસ્ટસનું સ્વરૂપાનુસંધાન સિદ્ધ કર્યું નથી. પણ એમાં એમણે સૌ રોમન નાગરિકો સમક્ષ જ નહિ પણ સ્વયં ઑગસ્ટસ સમક્ષ પણ એક આદર્શ રોમન, આદર્શ ‘રોમનત્વ’ ‘Romanitas’, ‘રોમનત્વ’નો આદર્શ પ્રકટ કર્યો છે. ઈનીઍસમાં જે ગુણલક્ષણો છે તે સૌ રોમન નાગરિકોમાં, ઑગસ્ટસ સુધ્ધામાં હોય એવી વર્જિલની આશા-અપેક્ષા હતી. વળી ઑગસ્ટસની પણ એવી જ આશા-અપેક્ષા હતી. વર્જિલે ‘ઈનીડ’માં ત્રણ વાર ઑગસ્ટસની પ્રશસ્તિ રચી છે. ગ્રંથ ૧માં ઑલિમ્પસ પર જ્યૂપિટર અને વીનસના સંવાદમાં સ્વયં દેવાધિદેવ જ્યૂપિટર એમના સ્વમુખે વીનસ સમક્ષ વિધાતાએ રોમ વિશે જે વિધિનિર્માણ કર્યું છે એનું રહસ્યોદ્ઘાટન કરે છે કે ઈનીઍસ રોમનું સર્જન કરશે અને એ સર્જનનો અંતે ઑગસ્ટસના રોમન સામ્રાજ્ય રૂપે વિકાસ-વિસ્તાર થશે. ગ્રંથ ૬માં હૅડીસમાં ઍન્કાઇસિસ અને ઈનીઍસના સંવાદમાં ઍન્કાઇસિસ ઈનીઍસ સમક્ષ મહાન રોમન સામ્રાજ્ય વિશેનું દર્શન પ્રકટ કરે છે કે રાજાશાહી રોમ અને પ્રજાસત્તાકવાદી રોમના મહાન રાજાઓ અને નેતાઓ રોમની સત્તા અને સમૃદ્ધિ માટે મહાન કાર્યો કરશે અને ઑગસ્ટસના સમ્રાટપદે સામ્રાજ્યવાદી રોમ એના ફલરૂપ હશે. ગ્રંથ ૮માં વીનસ એમની વિનંતીથી એમના પતિ વલ્કને ઈનીઍસ માટે યુદ્ધમાં રક્ષણ અર્થે જે બખ્તર અને ઢાલ તૈયાર કર્યા છે તે ઈનીઍસને આપે છે અને ઈનીઍસ વલ્કને ઢાલ પર ભવિષ્યમાં અનેક પ્રસંગોએ ક્યારેક કોઈ દૈવી સહાય સંકેત દ્વારા, તો ક્યારેક કોઈ વીરપુરુષ દ્વારા અનેક આફતો અને આક્રમણોથી રોમનું રક્ષણ થવાનું છે એનાં ચિત્રો અંકિત કર્યા છે એનું દર્શન કરે છે. એમાં ઈ. પૂ. ૩૧માં ઍક્ટિઅમના યુદ્ધમાં ઍન્ટની અને કલીઓપેટ્રા દ્વારા પૂર્વની પરદેશી સત્તા અને પતિત સંસ્કૃતિની સામે ઑગસ્ટસ રોમનું રક્ષણ કરશે એ પ્રસંગ એ ચિત્રાવલિની પરાકાષ્ઠારૂપ છે. આમ, રોમનું સર્જન એ જેમ વિધાતાનું વિધિનિર્માણ છે અને ‘ઈનીડ’ને અંતે ઈનીઍસ દ્વારા એ જેમ સિદ્ધ થાય છે તેમ સામ્રાજ્યવાદી રોમનું સર્જન એ પણ વિધાતાનું વિધિનિર્માણ છે અને અંતે એ ઑગસ્ટસ દ્વારા સિદ્ધ થશે જ એવું ઑગસ્ટસની આ વિવિધ પ્રશસ્તિ દ્વારા ‘ઈનીડ’માં સમકાલીન રોમન પ્રજાને વર્જિલનું સૂચન હતું. રોમનું સર્જન એ જેમ ઈનીઍસને માટે એક ‘વિરાટ કર્મ’ (molis) હતું તેમ સામ્રાજ્યવાદી રોમનું સર્જન એ પણ ઑગસ્ટસને માટે એક ‘વિરાટ કર્મ’ હતું. ઈનીઍસે જેમ ટ્રોયમાંથી વિદાયની ક્ષણે એમના આ ‘વિરાટ કર્મ’નો પ્રારંભ કર્યો હતો અને ટુર્નુસ સાથેના યુદ્ધમાં વિજય (‘ઈનીડ’ ગ્રંથ ૧૨)ની ક્ષણે એની પૂર્ણાહુતિ કરી હતી તેમ ઑગસ્ટસે પણ ઈ. પૂ. ૪૪માં સીઝરની હત્યાની ક્ષણે એમના આ ‘વિરાટ કર્મ’નો પ્રારંભ કર્યો હતો અને ઈ. પૂ. ૩૧માં ઍન્ટની સાથેના ઍક્ટિઅમના યુદ્ધમાં વિજયની ક્ષણે એની પૂર્ણાહુતિ કરી હતી. ઈનીઍસનો જેમ અંતે લૅટિન, ઍટ્રુસ્કન અને રુટુલિઅન એવી ભિન્ન ભિન્ન જાતિઓએ સ્વીકાર-પુરસ્કાર કર્યો હતો અને તે પછી એમની વચ્ચે શાંતિ અને સંવાદિતા દ્વારા ચારેક સદી પછી રોમનું સર્જન થયું હતું તેમ ઑગસ્ટસનો પણ ભિન્ન ભિન્ન વર્ગના રોમન પ્રજાજનોએ ઈ. પૂ. ૨૯માં ‘પ્રથમ નાગરિક’ (Princeps) તરીકે અને ‘રાષ્ટ્રપિતા (Pater Patriae) તરીકે તથા ઈ. પૂ. ૨૭માં ‘ઑગસ્ટસ’ તરીકે સ્વીકાર-પુરસ્કાર કર્યો હતો અને તે પછી એમની વચ્ચે શાંતિ અને સંવાદિતા દ્વારા ચારેક દાયકા પછી સામ્રાજ્યવાદી રોમનું, રોમન ઇતિહાસમાં ‘સુવર્ણ યુગ’નું સર્જન થયું હતું. ઑગસ્ટસે સામ્રાજ્યવાદી રોમનું, ‘સુવર્ણ યુગ’નું સર્જન કર્યું એ સાચ્ચે જ એમનું ‘વિરાટ કર્મ’ હતું. રાજાશાહી રોમ માત્ર ‘નગર રાજ્ય’ હતું. પ્રજાસત્તાકવાદી રોમ એના આરંભમાં ભદ્રવર્ગનાં મૂલ્યો, આદર્શો, ભાવનાઓ, આદિને કારણે અંતે સામ્રાજ્ય થયું હતું. પણ રોમ સામ્રાજ્ય થયું એથી અનેક રોમન નાગરિકો અને નેતાઓની સત્તાલાલસા અને વિશેષ તો ધનલાલસાને કારણે આરંભનાં મૂલ્યો, આદર્શો, ભાવનાઓ આદિનો હ્રાસ થયો હતો અને સતત આંતરવિગ્રહોને કારણે ન્યાય અને વ્યવસ્થાનો, સુખ અને શાંતિનો નાશ થયો હતો. આ સંદર્ભમાં પ્રજાસત્તાકવાદી રોમનાં આરંભનાં ભદ્રવર્ગનાં મૂલ્યો, આદર્શો, ભાવનાઓ આદિનું પુનરુત્થાન, ન્યાય અને વ્યવસ્થાનું પુનઃનિર્માણ, સુખ અને શાંતિનું પુનઃસર્જન એટલે કે ‘ઈનીડ’માં જે રોમ છે તે રોમનું, પ્રજાસત્તાકવાદી રોમના સમયના આરંભમાં જે રોમ હતું તે રોમ (Imperium Romanum)નું પુનર્વિધાન કરવું એ સાચ્ચે જ ‘વિરાટ કર્મ’ હતું. બ્રુટસ આદિને આ રોમનું પુનર્વિધાન કરવું હતું માટે તો ઈ. પૂ. ૪૪માં સીઝરની હત્યા કરવામાં આવી હતી. સીસેરોને પણ આ રોમનું પુનર્વિધાન કરવું હતું માટે તો સીઝરની હત્યા પછી તરત જ ઍન્ટની આદિ દ્વારા ઈ. પૂ. ૪૩માં સીસેરોની હત્યા કરવામાં આવી હતી. આ સંદર્ભમાં ઑગસ્ટસે જો આ રોમનું પુનર્વિધાન કરવું હોય તો એમને માટે પ્રજાસત્તાકવાદી રોમનું આર્થિક, સામજિક અને રાજકીય વ્યવસ્થાનું પુનરાવર્તન નહિ, પણ પરિવર્તન કરવું આવશ્યક જ નહિ, અનિવાર્ય હતું. ઑગસ્ટસને માટે પણ આ જે કદી હળવા હૈયે ન થાય એવી વિકટ વરણી હતી. ઈ. પૂ. ૨૯થી ઈ. ૧૪માં એમના આયુષ્યના અંત લગીમાં એમણે આ પરિવર્તન દ્વારા આ રોમનું પુનર્વિધાન કર્યું હતું. પણ એથી પ્રજાસત્તાકવાદી રોમનો અંત અને સામ્રાજ્યવાદી રોમનો આરંભ થયો હતો. ઑગસ્ટસે ન્યાય અને વ્યવસ્થા માટે ‘સમ્રાટ’ તરીકે અલ્પાંશે અંગત અધિકાર પ્રાપ્ત કર્યો હતો તથા સુખ અને શાંતિ માટે પ્રજાસત્તાકવાદી રોમના સમયનાં આરંભનાં મૂલ્યો, આદર્શો, ભાવનાઓ આદિનો અલ્પાંશે ત્યાગ કર્યો હતો. અને એથી સેનેટની સત્તા પૂર્વવત્ રહી ન હતી અને અંતે તો નહિવત્ રહી હતી. આ સમયમાં કેટલાક રોમન નાગરિકોએ — વ્યક્તિસ્વાતંત્ર્ય પ્રત્યે વધુ સંવેદનશીલ નાગરિકોએ — આ પરિવર્તન, આ સામ્રાજ્યવાદી રોમ, આ અધિકારપ્રાપ્તિ અને આ મૂલ્યત્યાગનો એટલે કે ઑગસ્ટસનો સ્વીકાર-પુરસ્કાર કર્યો ન હતો. ઈ. પૂ. ૧૭માં ‘ઈનીડ’નું પ્રકાશન થયું. અને ઈ. ૧૪માં ઑગસ્ટસનું અવસાન થયું. આ બે દાયકાના સમયમાં ‘ઈનીડ’નો આ નાગરિકો પર પ્રબળ પ્રભાવ હતો. વર્જિલે ‘ઈનીડ’માં રોમ વિશેનું દર્શન તથા ઈનીઍસ વિશેનું એટલે કે એક આદર્શ રોમન વિશેનું દર્શન, ‘પહેલું રોમ, બીજું બધું પછી’નું દર્શન, ‘વ્યક્તિ નહિ, સમષ્ટિ’નું દર્શન પ્રક્ટ કર્યું હતું. એથી અંતે આ નાગરિકોએ ઑગસ્ટસનો સ્વીકાર-પુરસ્કાર કર્યો હતો. આમ, ઑગસ્ટસનો સ્વીકાર-પુરસ્કાર થયો અને રોમનું પુનર્વિધાન થયું, રોમન ઇતિહાસમાં ‘સુવર્ણયુગ’નું સર્જન થયું એમાં ‘ઈનીડ’ (ઉપરાંત હોરેસના ‘રોમન સ્તોત્રો’ અને લિવીના ‘ઇતિહાસ’)નું મહાન અર્પણ હતું. ગ્રીસના સમગ્ર ઇતિહાસમાં ઍલૅક્ઝાન્ડર સૌથી મહાન વિજેતા હતા. એમને ગ્રીક સામ્રાજ્યનું, વિશ્વરાજ્યનું સર્જન કરવાનું સ્વપ્ન હતું. કોઈ હોમર એમના વિજયનું અને સામ્રાજ્યનું, વિશ્વરાજ્યનું મહાકાવ્ય રચે એવી એમની મહેચ્છા હતી. પણ એમને કોઈ હોમર પ્રાપ્ત ન થયો. એની એમને ભારે વેદના હતી. રોમના સમગ્ર ઇતિહાસમાં એક માત્ર ઑગસ્ટસને જ રોમન સામ્રાજ્યનું, વિશ્વરાજ્યનું, ‘સુવર્ણ યુગ’નું સર્જન કરવાનું સ્વપ્ન હતું. વળી સમગ્ર રોમન ઇતિહાસમાં ઈ. પૂ. ૩૧માં ઍન્ટની સાથેના ઍક્ટિઅમના યુદ્ધમાં ઑગસ્ટસનો વિજય એ રોમ, રોમન સામ્રાજ્ય અને રોમન સંસ્કૃતિના સંદર્ભમાં સૌથી મહાન — ઈ. પૂ. ૧૭૪-૧૪૬માં કાર્થેજ સાથેના ત્રણ પ્યુનિક યુદ્ધોમાં રોમન વિજયથી પણ વિશેષ મહાન–નિર્ણાયક અંતે વિધાયક વિજય હતો. કોઈ હોમર એમના આ વિજયનું અને રોમ, રોમન સામ્રાજ્ય અને રોમન સંસ્કૃતિનું મહાકાવ્ય રચે એવી એમની પણ મહેચ્છા હતી. વર્જિલમાં મહાકાવ્યની પ્રતિભા હતી. એથી વર્જિલ એવું મહાકાવ્ય રચે અને રોમન હોમર તરીકે મહાકવિપદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવી એમની આશા-અપેક્ષા હતી. આત્મરતિ કે આત્મશ્લાઘાને કારણે ઑગસ્ટસને આ મહેચ્છા, આ આશા-અપેક્ષા ન હતી, પણ રોમન સાહિત્યમાં નૈતિકતા, બોધાત્મકતા, સામાજિકતા એ એક મહાન સાહિત્યિક મૂલ્ય હતું, એક મહાન સાહિત્યિક આદર્શ હતો. સમાજ અને રાજ્ય પ્રત્યે ઉત્તરદાયિત્વ એ રોમન કવિનો પ્રથમ અને પરમ કવિધર્મ હતો. એને કારણે ઑગસ્ટસને સહજ સ્વાભાવિક જ આ મહેચ્છા, આ આશા-અપેક્ષા હતી. વળી એમને કવિ અને કવિતા પ્રત્યે સાચ્ચો પ્રેમ અને આદર હતો. એથી જ રોમમાં એમની આસપાસ એક કવિવૃંદ રચાયું હતું અને એમણે એને આશ્રય અને સહાય દ્વારા સમાજમાં વિશિષ્ટ સ્થાન અને માન અર્પણ કર્યું હતું. મીસેનાસે પ્રૉપર્ટિઅસ, હોરેસ અને વર્જિલ આદિ સૌ કવિઓને આવું મહાકાવ્ય રચવાનું આમંત્રણ આપ્યું હતું. ઑગસ્ટસ સૌના આશ્રયદાતા- મિત્ર હતા. સૌને એમની પ્રત્યે પ્રેમ અને આદર હતો. સૌએ એમની પ્રત્યે કૃતજ્ઞતા પણ પ્રકટ કરી હતી. છતાં સૌએ આરંભમાં — વર્જિલ સુધ્ધાંએ — આ આમંત્રણનો વિનય અને વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો હતો. સૌ કવિઓને માટે સમકાલીન ઇતિહાસનું મહાકાવ્ય રચવું અત્યંત અઘરું, લગભગ અશક્ય હતું. સમકાલીન રોમના, છેલ્લી સદી-સવા સદીના રોમના, સવિશેષ છેલ્લા બે દાયકાના રોમના, બે આંતરવિગ્રહોના રોમના નૈતિક અને રાજકીય મુદ્દાઓ અને પ્રશ્નો અત્યંત સંકુલ અને સમસ્યારૂપ હતા, વિષમ અને વિવાદાસ્પદ હતા. આંતરવિગ્રહમાં ઉભયપક્ષે કંઈક અનિચ્છનીય અને અસ્વીકાર્ય હતું. ઑગસ્ટસ પણ એમના પૂર્વજીવનમાં કંઈક ક્રૂર અને કઠોર હતા, એમણે કેટલીક ક્રૂરતા અને કઠોરતા દ્વારા સત્તાસ્થાન પ્રાપ્ત કર્યું હતું, એ વિશે રોમમાં અનેક કથાઓ અને દંતકથાઓ અસ્તિત્વમાં આવી હતી અને પ્રચલિત હતી. પોતાના પાલક પિતા સીઝસ્ની હત્યાને કારણે સીઝરના વિરોધીઓ પ્રત્યે પોતાનામાં સહજ સ્વાભાવિક વૈરવૃત્તિ હોય જ અને એ વૈરવૃત્તિને કારણે જ એમનામાં આ ક્રૂરતા અને કઠોરતા હતી એવું બચાવનામું એમણે રજૂ કર્યું હતું, આ સંદર્ભમાં એક ઐતિહાસિક મહાકાવ્યમાં ઑગસ્ટસની ખામીઓ ન હોય અને ખૂબીઓ જ હોય; મર્યાદા ન હોય અને મહત્તા જ હોય તો એ મહાકાવ્યની વિવેકશીલતા અને વિશ્વસનીયતાનું શું ? આ પ્રશ્ન આ સૌ કવિઓ સમક્ષ હતો. વળી પ્રૉપર્ટિઅસ અને હોરેસમાં મહાન ઊર્મિકવિની પ્રતિભા હતી, પણ મહાકવિની પ્રતિભા ન હતી. વર્જિલમાં મહાકવિની પ્રતિભા હતી. વળી વર્જિલ પ્રસ્તુત મહાકાવ્ય પ્રત્યે આરંભમાં અસ્વીકાર કર્યો છતાં ઓછા અનુત્સુક અને અનભિમુખ હતા. એમના સદ્ભાગ્યે એમને ઈ. પૂ. ૩જી સદીના પૂર્વકાલીન કવિઓ — નીવિઅસ અને ઈનિઅસ–ની જેમ રોમના ઇતિહાસને આધારે નહિ પણ રોમ અંગેની ઈનીઍસની પુરાણ કથાને આધારે મહાકાવ્ય રચવાનું સૂઝ્યું. આ પુરાણકથામાં આ પ્રશ્નોનો ઉત્તર હતો. વર્જિલે ઑગસ્ટસનું ઈનીઍસમાં અને ઐતિહાસિક રોમનું પૌરાણિક રોમમાં પરિવર્તન કર્યું છે. પુરાણકથામાં જેમ ઈનીઍસ દ્વારા રોમનું વિધિનિર્માણ સિદ્ધ થાય છે તેમ ઇતિહાસમાં ઈનીઍસના જ વંશજ ઑગસ્ટસ દ્વારા રોમનું પુનર્નિર્માણ પણ સિદ્ધ થશે એ વર્જિલના મહાકાવ્યનો ધ્વનિ છે. વર્જિલે પુરાણકથાનું ઇતિહાસમાં અને ઇતિહાસનું પુરાણકથામાં રૂપાન્તર કર્યું છે અને બન્નેનું કવિતામાં પરાવર્તન કર્યું છે. આમ, ‘ઈનીડ’માં પુરાણકથા, ઇતિહાસ અને કવિતા એકનામ અને એકરૂપ છે. એથી આ પુરાણકથાની વરણી એ વર્જિલની સર્જકપ્રતિભાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. વર્જિલ વિશ્વશાંતિના મહાકવિ છે. ‘ઈનીડ’ના ઉત્તરાર્ધમાં યુદ્ધ કેન્દ્રમાં છે. પણ વર્જિલનું હૃદય યુદ્ધના કેન્દ્રમાં નથી. એથી સ્તો ‘ઈનીડ’નું વાચન કર્યું પછી મુખ્યત્વે ‘ગ્રંથ ૨’ વિશે નૅપોલીઅને નોંધ્યું હતું કે વર્જિલમાં યુદ્ધ અંગે સહેજ પણ સમજ ન હતી. સાચું છે. વર્જિલમાં યુદ્ધ અંગે નૅપોલીઅનની જેમ સૈનિક કે સેનાપતિની સમજ ન હતી. પણ યુદ્ધત્રસ્ત અને યુદ્ધગ્રસ્ત– સદી–સવા સદીના આંતરવિગ્રહથી ત્રસ્ત અને ગ્રસ્ત — મનુષ્યની સમજ હતી. યુદ્ધની ક્રૂરતા અને કદરૂપતાની, નિરર્થકતા અને નિઃસારતાની, કરુણતાની સમજ હતી. ‘ઈનીડ’ની પૂર્વભૂમિકામાં અને એના ઉત્તરાર્ધમાં યુદ્ધો છે. ટ્રૉયનાં યુદ્ધના અંતથી ‘ઈનીડ’નો આરંભ થાય છે અને ટ્રોજનો અને લૅટિનો વચ્ચેના યુદ્ધથી ‘ઈનીડ’નો અંત થાય છે. એમાં અનેક પ્રસંગો અને પાત્રો દ્વારા, સવિશેષ મૃત્યુના પ્રસંગો અને યુદ્ધમાં જેમનું મૃત્યુ થાય છે એ પાત્રો દ્વારા વર્જિલની આ સમજ પ્રકટ થાય છે. ઑગસ્ટસમાં અને અસંખ્ય રોમન નાગરિકોમાં પણ યુદ્ધ અંગે વર્જિલના જેવી જ સમજ હતી. ઑગસ્ટસમાં ઉત્તરજીવનમાં પણ કંઈ ક્રૂરતા અને કઠોરતા હતી. ઑગસ્ટસ સમ્રાટ હતા, ઑગસ્ટસનું રોમ સામ્રાજ્યવાદી રોમ હતું. એમણે પ્રજાસત્તાકવાદી રોમનાં મૂલ્યો, આદર્શો, ભાવનાઓ આદિનો મહદ્ અંશે પુનરુદ્ધાર કર્યો હતો; પણ ન્યાય અને વ્યવસ્થા, સુખ અને શાંતિ — સવિશેષ તો શાંતિના પુનરુદ્ધાર માટે અલ્પાંશે ત્યાગ પણ કર્યો હતો. છતાં શાંતિ એ ઑગસ્ટસની રોમન પ્રજાને અમૂલ્ય ભેટ હતી. ઑગસ્ટસે જેનસના દેવળનાં દ્વાર બંધ કરાવ્યાં હતાં અને પછીથી ઈ. પૂ. ૧૩માં રોમમાં માર્સનાં ક્ષેત્રમાં ‘શાંતિની વેદી’ રચાવી હતી. ‘ઈનીડ’ની પૂર્વસંધ્યાએ ‘પહેલી શાંતિ, બીજું બધું પછી’ એ ઑગસ્ટસ, વર્જિલ અને સમગ્ર રોમન પ્રજાનું મઝિયારું મહાસૂત્ર હતું. વર્જિલે ‘ઍક્લૉગ ૧ અને ૯’માં નિર્વાસિત કૃષિકારોની કરુણતા પ્રકટ કરી હતી. સૈનિકોને યુદ્ધસહાયના પુરસ્કાર રૂપે ખેતરો ભેટ આપવાનો અને એ માટે ખેતરો જપ્ત કરવાનો નિર્ણય ઑગસ્ટસે કર્યો હતો. આ નિર્ણયમાં એકમાત્ર ઑગસ્ટસનું જ કર્તૃત્વ હતું, અન્ય રોમન નેતાઓનું એમાં અર્પણ ન હતું. એથી આ કાવ્યો અંતે ઑગસ્ટસ પર પરોક્ષ કટાક્ષરૂપ છે. પછી જો કે ઑગસ્ટસે વર્જિલ આદિના ખેતરો પરત કરાવ્યાં હતાં અને સૌ નિર્વાસિત કૃષિકારોનો ખેતર પર પુનઃવાસ થાય એ માટે કૃષિવિષયક અનેક ધારા-સુધારાઓનું આયોજન કર્યું હતું. અને ત્યારે વર્જિલે ‘જ્યૉર્જિક્સ’ રચીને ઑગસ્ટસને સહાય પણ કરી હતી. ‘ઈનીડ’માં પણ ઉત્તરાર્ધમાં યુદ્ધની કરુણતા અને એ કરુણતા પ્રત્યે ઈનીઍસની કરુણા પ્રકટ કરી છે. તો સાથે સાથે કોઈ કોઈ પ્રસંગોમાં પૅલાસની હત્યા પછી વૈરવૃત્તિને કારણે મૅગસ, ટાકિર્વટસ, લુકાગસ, સુલ્મોનાં સંતાનો અને સવિશેષ તો ટુર્નુસનાં પાત્રો પ્રત્યે ઈનીઍસની ક્રૂરતા અને કઠોરતા પણ પ્રકટ કરી છે. ઑગસ્ટસે પણ ઈ.પૂ. ૪૪માં સીઝરની હત્યા પછી વૈરવૃત્તિને કારણે ઈ.પૂ. ૪૨માં ફિલિપ્પિના યુદ્ધ પછી જે પ્રસંગોએ જે પાત્રો પ્રત્યે ક્રૂરતા અને કઠોરતા પણ પ્રકટ કરી હતી એની સાથે ‘ઈનીડ’નાં આ પ્રસંગો અને પાત્રોનું સામ્ય છે. એથી આ પ્રસંગો અને પાત્રો પણ અંતે ઑગસ્ટસ પર માર્મિક કટાક્ષરૂપ છે. ઈ. પૂ. ૧૯માં વર્જિલના અવસાન પછી અને ઈ. પૂ. ૧૭માં ‘ઈનીડ’ના પ્રકાશન પછી ઈ. પૂ. ૧૪ લગી એટલે કે ત્રણેક વર્ષ લગી ઑગસ્ટસ વિદ્યમાન હતા. આ સમયમાં એ ઉત્તરોત્તર વધુ વિનમ્ર અને વિગલિતવેદ્યાન્તર થયા હતા. એમાં વર્જિલના ‘ઈનીડ’નો (અને હોરેસનાં ‘રોમન સ્તોત્રો’નો પણ) પ્રભાવ હતો. આમ, ઑગસ્ટસના જીવન અને કાર્યનો વર્જિલ અને ‘ઈનીડ’ પર પ્રભાવ હતો. પણ વર્જિલ અને ‘ઈનીડ’નો ઑગસ્ટસના ઉત્તરજીવન અને કાર્ય પર વિશેષ પ્રભાવ હતો. મહાકાવ્ય રચ્યું એ વર્જિલનું ‘વિરાટ કર્મ’ હતું. તો આરસનું રોમ રચ્યું, સામ્રાજ્ય રચ્યું, શાંતિ રચી, સુવર્ણ યુગ રચ્યો એ ઑગસ્ટસનું ‘વિરાટ કર્મ’ હતું. વર્જિલ અને ઑગસ્ટસને પરસ્પરની સર્જકપ્રતિભાનો પૂર્ણ પરિચય હતો. છતાં વિક્ટર હ્યુગો જેવા મહાનુભાવ અને મહાન સર્જકે તથા અન્ય વર્જિલવિરોધી સજ્જનોએ નોંધ્યું છે કે વર્જિલ એક દંભી સિતમખોરની લાંચ (આરંભમાં ખેતર, પછી નિવાસસ્થાન અને જીવનભર આશ્રય અને સહાય)ના બદલામાં એ સિતમખોરની ભાટાઈ કરનાર ક્ષુદ્ર ભાટ હતા. ઑગસ્ટસ દંભી સિતમખોર ન હતા. જગતના ઇતિહાસમાં એક મહાન શાંતિસર્જક હતા, પશ્ચિમની સંસ્કૃતિના એક મહાન પુનરુદ્ધારક હતા. વર્જિલ ક્ષુદ્ર ભાટ ન હતા, જગતકવિતાના ઇતિહાસમાં વિશ્વશાંતિના મહાકાવ્યના એકમેવઅદ્વિતીયમ્ મહાકવિ હતા, પશ્ચિમની સંસ્કૃતિના એક મહાચિંતક હતા. ઑગસ્ટસની સર્જકપ્રતિભાનો માત્ર વર્જિલે જ નહિ, અસંખ્ય સમકાલીન રોમન પ્રજાજનોએ સ્વીકાર-પુરસ્કાર કર્યો હતો, તો વર્જિલની સર્જકપ્રતિભાનો ઑગસ્ટસે અને અસંખ્ય સમકાલીન રોમન પ્રજાજનોએ એવો જ સ્વીકાર-પુરસ્કાર કર્યો હતો. ‘શાંતિની વેદી’ એ ઑગસ્ટસની સર્જકપ્રતિભાનું પ્રતીક છે, તો ‘ઈનીડ’ એ વર્જિલની સર્જકપ્રતિભાનું પ્રતીક છે. આ સંદર્ભમાં પૂર્વોક્ત નિંદાવચન એ વિક્ટર હ્યુગોનું દુર્ભાગ્ય છે ! ઈ. પૂ. ૧૯માં વર્જિલે ત્રણ વરસ માટે ગ્રીસ અને એશિયા માઇનરની યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો અને એ યાત્રાનો આરંભ કર્યો હતો. (ઈ. પૂ. ૨૩માં હોરેસના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઑડ્સ ગ્રંથ ૧, ૨, ૩’નું પ્રકાશન થયું હતું. એમાં એક કાવ્ય ‘ઓડ ૧ઃ૩’માં વર્જિલની ગ્રીસની યાત્રા પ્રસંગે શુભયાત્રા માટે દેવદેવીને પ્રાર્થના છે. એથી એમાં ઈ. પૂ. ૨૩ પૂર્વે વર્જિલ ગ્રીસની યાત્રાએ ગયા હતા એવું સૂચન છે. અને તો ઈ. પૂ. ૧૯માં આ વર્જિલની બીજી વારની ગ્રીસની યાત્રા હશે.) આ યાત્રાના સમયમાં ગ્રીસમાં એમણે ‘ઈનીડ’માં સુધારાવધારા કરવાનો અને એને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો હતો. એથી આ યાત્રામાં ‘ઈનીડ’ની હસ્તપ્રત એમની સાથે હતી. વળી એમણે ‘ઈનીડ’ને અંતિમ સ્વરૂપ આપીને પછી કવિતાને પણ અંતિમ વિદાય આપીને નેપલ્સમાં શેષજીવન ફિલસૂફીને અર્પણ કરવાનો પણ નિર્ણય કર્યો હતો. (હોમરની જન્મભૂમિ ગ્રીસમાં જ એમને ‘ઈનીડ’ને અંતિમ સ્વરૂપ આપવું હશે. ઈનીઍસની જન્મભૂમિ ટ્રૉય અને ઈનીઍસે ટ્રૉયથી ઇટલી પ્રતિ પ્રયાણ કર્યું ત્યારે સાત વરસ લગી ગ્રીસના જે જે પ્રદેશની યાત્રા કરી હતી તે સૌ પ્રદેશનું એમને સાક્ષાત્ દર્શન કરવું હશે અને તે પછી ‘ઈનીડ ગ્રંથ ૧, ૨, ૩’માં સુધારાવધારા કરવા હશે. વર્જિલના અંગત જીવનમાં ઍપિક્યુરસની ફિલસૂફીનો, ઍપિક્યુરીઆનિઝમનો સૌથી વિશેષ પ્રભાવ હતો. એથી ઍપિક્યુરસની જન્મભૂમિ ગ્રીસમાં એમને એ ફિલસૂફીનો વધુ અભ્યાસ કરવો હશે. અને તે પછી સમગ્ર ‘ઈનીડ’માં પૂર્વોક્ત સુધારાવધારાથી યે વધુ સૂક્ષ્મ અને માર્મિક એવા ફિલસૂફી અંગેના સુધારાવધારા કરવા હશે. આમ, ત્રણેક વરસમાં ‘ઈનીડ’ને અંતિમ સ્વરૂપ આપીને તથા ફિલસૂફીનો વધુ અભ્યાસ કરીને અંતે નેપલ્સમાં પાછા આવીને કવિતાને અંતિમ વિદાય આપીને શેષજીવન ફિલસૂફીને અર્પણ કરવું હશે) વર્જિલ એમની આ યાત્રાના આરંભે જ ઍથેન્સમાં હતા એ સમયે જ ઑગસ્ટસ પણ એશિયા માઇનરની એમની વિધિસરની યાત્રા પછી રોમ પાછા ફરી રહ્યા હતા અને ઍથેન્સમાં હતા. એથી ઍથેન્સમાં વર્જિલ અને ઑગસ્ટસનું મિલન થયું હતું. ત્યારે ઑગસ્ટસે વર્જિલને ઇટલી પાછા ફરવાની વિનંતી કરી હતી અને વર્જિલે ઑગસ્ટસની આ વિનંતીનો સ્વીકાર કર્યો હતો. (ઈ. પૂ. ૨૯થી ૧૯ લગીના ‘ઈનીડ’ની રચનાના સમયમાં ઑગસ્ટસે વર્જિલના સ્વમુખેથી એમના ઍટેલાના નિવાસસ્થાને હસ્તપ્રતમાં ‘ઈનીડ ગ્રંથ ૨, ૪, ૬’નું શ્રવણ કર્યું હતું. ઈ. પૂ. ૧૯ પછીના સમયમાં રોમ અને રોમન સામ્રાજ્યના સમ્રાટ તરીકે પોતાનો અને સામ્રાજ્યવાદી રોમ અંગેની પોતાની નીતિ-રીતિનો જે કેટલાક વર્ગોએ વિરોધ અને પ્રતિકાર કર્યો હતો તે સૌ વર્ગો સમેતની સમગ્ર રોમન પ્રજા દ્વારા સર્વાનુમતે સ્વીકાર-પુરસ્કાર થાય અને તો રોમમાં અંતિમતાપૂર્વક સ્થિરતા અને સદ્ધરતા દ્વારા ન્યાય અને વ્યવસ્થા તથા સમૃદ્ધિ અને સંવાદિતા દ્વારા સુખ અને શાંતિ થાય અને તો અંતે ‘સુવર્ણ યુગ’નું સર્જન થાય એ માટે ‘ઈનીડ’નું રોમમાં પ્રકાશન થાય અને એ સમયે વર્જિલ રોમમાં સાક્ષાત્ ઉપસ્થિત થાય એવી રોમના સન્નિષ્ઠ નેતા તરીકે ઑગસ્ટસને અને રોમના સન્નિષ્ઠ નાગરિક તરીકે વર્જિલને ઇચ્છા હોય. એથી ઑગસ્ટસે આ વિનંતી કરી હશે અને વર્જિલે એનો સ્વીકાર કર્યો હશે.) આમ, ઍથેન્સથી જ વર્જિલ ઇટલી પાછા ફરી રહ્યા હતા ત્યારે વચમાં એ ગ્રીસના પ્રાચીન નગર મેગારા ગયા હતા. ત્યારે ગ્રીષ્મ ઋતુ હતી. આથી તાપને કારણે એમને તાવ આવ્યો હતો. પછી એ ઇટલીના દક્ષિણપૂર્વ તટ પરના નગર બ્રુન્ડિસિઅમ (અત્યારે બ્રિન્ડિસી) લગી આવી પહોંચ્યા હતા. ત્યારે ઈ. પૂ. ૧૯ના સપ્ટેમ્બરની ૨૧મીએ બ્રુન્ડિસિઅમમાં એમનું અવસાન થયું હતું. વર્જિલને અવસાન પૂર્વે મૃત્યુશય્યા પર હતા ત્યારે શું કારણ હશે એ તો એ જ જાણે પણ ‘ઈનીડ’ની હસ્તપ્રતનો સ્વહસ્તે નાશ કરવાની અંતિમ ઇચ્છા હતી. એથી એમણે એ હસ્તપ્રત માગી હતી. પણ એમને એ હસ્તપ્રત — કદાચને પૂર્વોક્ત કારણે — આપવામાં આવી ન હતી. એથી પછી એમના વસિયતનામામાં પોતાના અવસાન પછી ‘ઈનીડ’નું પ્રકાશન ન કરવાની અને એની હસ્તપ્રતનો નાશ કરવાની એમની આ અંતિમ ઇચ્છા પ્રકટ કરી હતી. પણ ઑગસ્ટસે કદાચને પૂર્વોક્ત કારણે વર્જિલની આ અંતિમ ઇચ્છાનું પાલન કર્યું ન હતું, વર્જિલના અવસાન પછી તરત જ વર્જિલના બે કવિમિત્રો વૅરિઅસ અને ટુકા દ્વારા ‘કશું ઉમેરવું નહિ, તદ્દન બિનજરૂરી હોય એટલું જ માત્ર દૂર કરવું’ એવા અતિસ્પષ્ટ આદેશ સાથે ‘ઈનીડ’ની હસ્તપ્રતનું સંપાદન કરાવ્યું હતું અને વર્જિલના અવસાન પછી બે વરસે ઈ. પૂ. ૧૭માં ‘ઈનીડ’નું પ્રકાશન કરાવ્યું હતું. વર્જિલની અંતિમ ઇચ્છા પ્રમાણે એમના મૃતદેહને બ્રુન્ડિસિઅમથી નેપલ્સ લાવવામાં આવ્યો હતો, પછી રોમમાં નહિ પણ નેપલ્સથી પશ્ચિમ દિશામાં બે માઇલ દૂર પોઝુઓલિ (અત્યારે પુટેઓલિ)ની નિકટ એમના ગુરુ સિરોને એમને જે નિવાસસ્થાન અને ખેતર ભેટ આપ્યું હતું એની નિકટ એમની અંતિમ ઇચ્છા પ્રમાણે એમની સમાધિ રચવામાં આવી હતી અને એ સમાધિ પર એમના મૃત્યુલેખ રૂપે લૅટિનમાં જે અગિયાર શબ્દની બે પંક્તિઓ એમણે (અથવા એમના કોઈ મિત્રએ) રચી હતી તે અંકિત કરવામાં આવી હતીઃ ‘જન્મ મૅન્ટુઆમાં, મૃત્યુ કાલાબ્રિઆમાં, સમાધિ નેપલ્સમાં; ગોપજન, કૃષિકાર અને વીરપુરુષનો કવિ’. એમના આ મૃત્યુલેખમાં એમના જીવનના ક્રમનું, એમનાં કાવ્યોના ક્રમનું, એ કાવ્યોના કાવ્યસ્વરૂપ અને કાવ્યવિષયના ક્રમનું અને માનવસંસ્કૃતિના ક્રમનું સૂચન છે, એમનું મિતાક્ષરી જીવનચરિત્ર છે. એકાદ સદીમાં તો વર્જિલની સમાધિ કોઈ સંતની સમાધિની જેમ, અર્વાચીન યુગમાં શેક્સ્પિયરની સમાધિની જેમ અનેક કવિઓ અને વર્જિલપ્રેમીઓ માટે તીર્થસ્થાનરૂપ હતી. ઈ. ૧લી સદીના અંતભાગમાં નેપલ્સના નિવૃત્ત કવિ-અમલદાર સિલિઅસ ઇટાલિક્સે એનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. પણ પછી બર્બરોનાં આક્રમણોના યુગમાં, અંધારયુગમાં એ લુપ્ત હતી. પણ પછી નેપલ્સની નિક્ટ પોસિલિપ્પોમાં એક રોમન નહેરની નિકટ એક સમાધિ હતી તે વર્જિલની સમાધિ છે એવી ઈ. ૧૮મી સદી લગી એને વિશે લોકમાન્યતા હતી. આજે એ પણ લુપ્ત છે. આજે નેપલ્સની નિકટ એક ઉદ્યાન છે એનું ‘વર્જિલનું ઉદ્યાન’ એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. એમાં એક રોમન નહેરની નિકટ એક સમાધિ છે. આ સમાધિ એ જ વર્જિલની અસલ સમાધિ એવી એને વિશે લોકમાન્યતા છે. એની નિકટ એક ખડકમાં ગુફા છે. એની નિકટ ખડકના પથ્થર પર વર્જિલના મૃત્યુલેખરૂપ પૂર્વોક્ત બે પંક્તિઓ અંકિત કરવામાં આવી છે. એનાથી થોડેક દૂર ૧૯૩૦માં અમેરિકાના કેટલાક વર્જિલપ્રેમીઓએ યુવાન વર્જિલની એક સુન્દર પ્રતિમા રચાવી હતી તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ઈ. ૨૦મી સદીના મધ્યભાગમાં મૅન્ટુઆમાં એક અકિંચન વિસ્તારમાં એક ચોકમાં એક ઉદ્યાન રચાવવામાં આવ્યું છે. એની વચ્ચોવચ વર્જિલના સ્મારક રૂપે વર્જિલની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. રોમમાં કૅપિટોલની ટેકરી પર, આરંભે નોંધ્યું છે તેમ, ‘નૂતન પ્રાસાદ’માં ‘કૅપિટોલનું સંગ્રહસ્થાન’ (Museo Capito-lini) છે. એમાં પહેલા માળ પર ખંડ ૩ એ ‘ફિલસૂફોનો ખંડ’ છે. એમાં ફિલસૂફોની કુલ ૮૦ પ્રતિમાઓ છે. એમાં વર્જિલની એક પ્રાચીન પ્રતિમા છે. એ પરથી ગ્રામપ્રદેશના કૃષિકાર જેવી એમની મુખાકૃતિ હશે અને એમનો દેહ ઊંચો, પહોળો અને (કંઈક શ્યામ હતો છતાં) આકર્ષક હશે એવી કલ્પના કરી શકાય છે. વર્જિલના જીવનચરિત્રમાં પત્ની, સંતાનો, ગૃહજીવન જેવી સર્વસામાન્ય વિગતોને તથા લુક્રેટિઅસ અને જુવેનલના અપવાદ સાથે હોરેસ સુધ્ધાં અન્ય લૅટિન કવિઓનાં જીવનચરિત્રમાં છે તેમ પ્રેયસી કે પ્રિયતમા (ક્યારેક તો એકથી વિશેષ) જેવી અસામાન્ય વિગતોને સ્થાન નથી. એ અપરિણીત હતા. પૂર્વજીવનમાં કોઈ સુન્દર યુવાન — કવિમિત્ર પોલિઓ–ના અનુચર ઍલૅક્ઝાન્ડર પ્રત્યે એમને સજાતીય આકર્ષણ હતું એવું ‘ઍક્લૉગ ૨’માં સૂચન છે પણ એને માટે કોઈ ઐતિહાસિક પ્રમાણ કે આધાર નથી. એમનું સંન્યાસીનું, તપસ્વીનું જીવન હતું. અગાઉ નોંધ્યું છે તેમ, એ સ્વભાવથી જ વિનમ્ર, કોમળ, શરમાળ અને એકલવાયા હતા. અને એમનું શરીર– હોરેસે ‘સેટાયર ૧ ઃ ૫’માં નોંધ્યું છે તેમ એમનું પાચનતંત્ર — નબળું હતું. પણ એમનો આત્મા પ્રબળ હતો. ડેન્ટિએ ‘લા કૉમેદિઆ’માં વારંવાર નોંધ્યું છે તેમ એમનો સંયમી અને સૌંદર્યસભર, ઉદાત્ત અને ઉદાર આત્મા હતો. એમનાં કાવ્યોની પંક્તિએ પંક્તિએ એમની ઉત્કટ નૈતિકતા અને ઉજ્જ્વળ આધ્યાત્મિકતાનું દર્શન થાય છે. સમગ્ર ‘ઈનીડ’માં — સવિશેષ એના ઉત્તરાર્ધમાં — મનુષ્ય જીવનના કારુણ્ય પ્રત્યે એમની કરુણાનું, બુદ્ધ અને જિસસના જેવી એમની અપાર અનુકંપાનું, એમની દિવ્યતાનું દર્શન થાય છે. વર્જિલના જીવનકાળમાં એમના બે કાવ્યસંગ્રહો ‘ઍક્લૉગ્ઝ’ અને ‘જ્યૉર્જિક્સ’નું પ્રકાશન થયું હતું. માત્ર એને આધારે રોમમાં સર્વશ્રેષ્ઠ સમકાલીન કવિ તરીકે એમની પ્રતિષ્ઠા હતી. એ દ્વારા જ એમણે સિસેરો અને ઑગસ્ટસથી માંડીને રોમની સમગ્ર સામાન્ય પ્રજાનું હૃદય જીત્યું હતું. સર્વશ્રેષ્ઠ સમકાલીન કલાકારો દ્વારા એમનાં ‘ઍક્લૉગ્ઝ’નાં કાવ્યોનું રંગભૂમિ પરથી પઠન થયું હતું. જીવનભર અવારનવાર અને ક્યારેક વારંવાર રોમમાં આવવાનું થયું ત્યારે જે માત્ર રોમન શ્રીમંતો, નેતાઓ અને પછીથી સમ્રાટોને જ પ્રાપ્ત થયું હતું એવું માન-સન્માન એમને પ્રાપ્ત થયું હતું. રોમના રાજમાર્ગો પર ‘પેલા વર્જિલ જાય’ એવા ઉદ્ગારો સાથે નાગરિકોનો અંગુલિનિર્દેશ થયો હતો. ત્યારે શરમાળ એવા આ કવિ પાસેના કોઈ અપરિચિતના નિવાસસ્થાનમાં અંતર્ધ્યાન થયા હોય એવો અનુભવ આ નાગરિકોને વારંવાર થયો હતો. આમ, એમના જીવનકાળમાં જ એમની કવિપ્રતિભાનો સંપૂર્ણ સ્વીકાર-પુરસ્કાર થયો હતો. હોરેસ, પ્રૉપર્ટિઅસ આદિ સમકાલીન કવિઓ તથા ઓવિડ આદિ અનુકાલીન કવિઓએ પણ વર્જિલ અને એમની કવિતાનું હૃદયથી સ્વાગત કર્યું હતું. હોરેસે એમનાં કાવ્યોમાં વર્જિલનો ‘શુભ્ર, શ્વેત, પવિત્ર આત્મા’, ‘પ્રશસ્ય વર્જિલ’ (optimus Vir-gilius), ‘મારું અર્ધ હૃદય’ (animae dimidium meae) તરીકે અને ‘ઍક્લૉગ્ઝ’નો ‘પ્રકૃતિપ્રિય પ્રેરણાદેવીના મૃદુ મોહક આત્મા’ અને ‘જ્યૉર્જિક્સ’નો ‘રોમને ઉપયોગી કાવ્ય’ તરીકે ઉલ્લેખ કર્યો હતો. પ્રૉપર્ટિઅસે ‘ઈનીડ’ હજુ તો રચાતું હતું ત્યારે જ ‘હોમર સુધ્ધાં સૌ ગ્રીક કવિઓ તથા સૌ રોમન કવિઓથી પણ વધુ મહાન કવિની વિરાટ કૃતિ’ તરીકે એનું આગોતરું સ્વાગત કર્યું હતું. રોમમાંથી નિર્વાસિત એવા અનુકાલીન કવિ ઓવિડે ‘ઈનીડ’નું મરણોત્તર પ્રકાશન થયું પછી તરત જ પોતે રોમમાં હતા ત્યારે ‘વર્જિલનો આછો અણસાર’ જ પામી શક્યા હતા એવા શોક સાથે અને ‘રોમ જ્યાં લગી જગતની સામ્રાજ્ઞી રહેશે ત્યાં લગી વર્જિલની કવિતા અજરઅમર રહેશે’ એવા આનંદ સાથે વર્જિલ અને એમની કવિતાનું અભિવાદન કર્યું હતું. ‘ઈનીડ’નું પ્રકાશન થયું પછી તરત જ રોમમાં એ પાઠ્યપુસ્તક પણ થયું હતું. ત્યારથી અસંખ્ય યુવાન રોમન પ્રજાજનોના ચિત્ત પર ‘ઈનીડ’ની રાષ્ટ્રીય મહાકાવ્ય તરીકે અપૂર્વ મોહિની હતી તથા નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક મહાકાવ્ય તરીકે જાદુઈ ભૂરકી હતી. એથી રોમ અને રોમન સામ્રાજ્યના ઇતિહાસમાં ઈ. ૧૪ લગીમાં ‘સુવર્ણ યુગ’ અસ્તિત્વમાં આવ્યો એમાં ઑગસ્ટસના ‘મહાન કાર્યો’ જેટલું જ વર્જિલના ‘ઈનીડ’નું અર્પણ હતું. વર્જિલે પણ એમના મહાકાવ્યનું ‘રોમન પ્રજાના મહાન કાર્યો’ એવું શીર્ષક વિચાર્યું હતું. ઈ. ૧લી સદીમાં જ રોમમાં વર્જિલના મહાકાવ્યની પરંપરામાં મહાકાવ્યો રચવાનો આરંભ થયો હતો. ‘રજત કવિઓ’ (Silver Poets)નું, મુખ્યત્વે ત્રણ કવિઓનું એક કવિવૃન્દ અસ્તિત્વમાં આવ્યું હતું. એમની કવિતા દ્વારા રોમમાં ‘વર્જિલ સંપ્રદાય’ જેવું વાતાવરણ રચાયું હતું. એમાંના એક કવિ સિલિઅસ ઇટાલિક્સે વર્જિલની પ્રતિમાઓનો એક મોટો સંગ્રહ પ્રસિદ્ધ કર્યો હતો અને વરસોવરસ વર્જિલના જન્મદિનનો ઉત્સવ રચ્યો હતો અને વર્જિલની સમાધિ પર અંજલિ અર્પણ કરી હતી, અને સમાધિનો પુનરુદ્ધાર પણ કર્યો હતો. ત્યારથી વર્જિલની સમાધિ અનેક કવિઓ અને વર્જિલપ્રેમીઓ માટે એક પવિત્ર તીર્થધામ હતી. ઈ. ૧લી સદીમાં સેન્ટ પૉલે પણ વર્જિલની સમાધિને અશ્રુપૂર્ણ નેત્રે અંજલિ અર્પણ કરી હતી અને વર્જિલ ‘પેગન’ (બિનખ્રિસ્તી) તરીકે મૃત્યુ પામ્યા એનું દુઃખ પ્રકટ કર્યું હતું. જિસસ ક્રાઈસ્ટના જન્મ પૂર્વે વર્જિલનો જન્મ અને એમનું મૃત્યુ એથી એ પેગન. એમનો જન્મ સદી-અરધી સદી મોડો થયો હોત તો એમણે ક્રાઇસ્ટનો અને ખ્રિસ્તી ધર્મનો સત્વર સ્વીકાર કર્યો હોત, એ ખ્રિસ્તી થયા હોત. તો એ પેગન તરીકે નહિ પણ ખ્રિસ્તી તરીકે મૃત્યુ પામ્યા હોત. એમનો આત્મા તો ખ્રિસ્તી હતો જ, સ્વભાવતઃ તો એ ખ્રિસ્તી હતા જ (anima natu-raliter christiana), પણ એ વાચ્યાર્થમાં પણ ખ્રિસ્તી હોત એવું એમાં સૂચન છે. ‘ઈનીડ’માં વાસ્તવનું રોમ અથવા રોમનું વાસ્તવ નહિ પણ વર્જિલની કલ્પનાનું રોમ અથવા વર્જિલની રોમની કલ્પના, વર્જિલનો રોમનો આદર્શ પ્રકટ થાય છે. એટલે કે વર્જિલે ‘ઈનીડ’માં નૈતિકતા, આધ્યાત્મિકતા અને ધાર્મિકતાના ત્રિપરિમાણ દ્વારા ઐતિહાસિક રોમનું આદર્શ રોમમાં રૂપાન્તર કર્યું છે, કલ્પનાના રોમમાં આદર્શીકરણ કર્યું છે. એથી પછી ઈ. ૨જી સદીમાં માર્કસ ઑરેલિઅસે અને ઈ. ૫મી સદીમાં સેન્ટ ઑગસ્ટિને વાસ્તવિક, ઐતિહાસિક રોમથી પણ વધુ ઊર્ધ્વ અને ઉદાત્ત, વૈશ્વિક અને શાશ્વત નગરનું, City of Godનું એમનું દર્શન પ્રકટ કર્યું ત્યારે એમાં ‘ઈનીડ’ પ્રેરણારૂપ હતું. વર્જિલ અને એમની કવિતાની મહાનતા અને લોકપ્રિયતાને કારણે એમની કવિતાની ઈ. ૪થી સદીની હસ્તપ્રતો સુલભ છે. વળી ઈ. ૪થી સદીમાં ડોનાટસે એમનું જીવનચરિત્ર રચ્યું હતું અને સર્વિઅસે એમની કવિતાનું વિવેચન કર્યું હતું તે પણ સુલભ છે. અન્ય કોઈ પણ પ્રાચીન ગ્રીક કે રોમન કવિ અને એમની કવિતા વિશે આવી સામગ્રી સુલભ નથી. વળી ઈ. ૪થી સદીથી જ, અગાઉ નોંધ્યું છે તેમ, ‘ઍક્લોગ ૪’ને કારણે ખ્રિસ્તી જગતમાં વર્જિલનો સ્વીકાર-પુરસ્કાર થયો હતો, વર્જિલની પયગંબર તરીકે અને એમની કવિતાની ભવિષ્યવાણી તરીકે પ્રતિષ્ઠા હતી. એથી ઈ. ૫મી સદીમાં બર્બરોના આક્રમણના સમયમાં એમની કવિતાની હસ્તપ્રતો સુરક્ષિત હતી. મધ્યયુગના આરંભે ઈ. ૧૨મી સદીથી વર્જિલની સૌ પ્રાચીન ગ્રીક અને લૅટિન કવિઓમાં સર્વશ્રેષ્ઠ કવિ તરીકે પ્રતિષ્ઠા હતી. યુરોપમાં ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્‌ હતું. અને ખ્રિસ્તી જગતમાં સૌ પ્રાચીન ગ્રીક અને લૅટિન કવિઓ અને એમની સમગ્ર કવિતામાંથી એકમાત્ર વર્જિલ અને એમની કવિતાને જ સ્થાન તથા માન-સન્માન પ્રાપ્ત થયું હતું. ખ્રિસ્તી ધર્મના સંદર્ભમાં એક બાઈબલના અપવાદ સાથે સમગ્ર ગ્રીક અને લૅટિન ભાષાઓના સાહિત્યમાં ‘ઈનીડ’ જેવો અન્ય એક પણ પ્રશિષ્ટ ગ્રંથ અસ્તિત્વમાં ન હતો. એથી દેવળોમાં પ્રાર્થનાઓમાં તથા પ્રવચનોમાં વર્જિલ તથા એમની કવિતાનો વારંવાર ઉલ્લેખ અને ઉપયોગ થયો હતો. સમગ્ર યુરોપના સાહિત્યજગતમાં જ નહિ પણ શિક્ષણજગતમાં પણ ‘ઈનીડ’ કેન્દ્રમાં હતું, વર્જિલનું વર્ચસ્‌ હતું. ખ્રિસ્તી જગતમાં તો હવે વર્જિલની માત્ર પયગંબર તરીકે જ નહિ પણ ઋષિ, દૃષ્ટા અને સંત તરીકે અને એમની કવિતાની માત્ર ભવિષ્યવાણી તરીકે જ નહિ પણ અધ્યાત્મવાણી તરીકે પ્રતિષ્ઠા હતી. આમ, વર્જિલ અને એમની કવિતા પ્રાચીન ગ્રીક-રોમન જગત અને ખ્રિસ્તી જગત વચ્ચે સેતુરૂપ હતી. વર્જિલ અને એમની કવિતા દ્વારા પ્રાચીન ગ્રીક-રોમન જગતનું ખ્રિસ્તી જગતમાં સહજસરલ અનુસંધાન સિદ્ધ થયું હતું. તો સાથે સાથે ઈ. ૧૭મી સદી લગી સમગ્ર યુરોપમાં એની જ વિકૃતિ અને વિડંબનાને કારણે તથા એમની માતાનું નામ મેજિઆ હતું એ કારણે પણ બહુજનસમાજમાં વર્જિલની જાદુગર અને જ્યોતિષી તરીકે પણ પ્રતિષ્ઠા હતી. એમના જાદુ અને ચમત્કારો વિશે અનેક કથાઓ અને દંતકથાઓ પ્રચલિત અને લોકપ્રિય હતી. બાઇબલની સાથે સાથે ‘ઈનીડ’નું કોઈ પણ પાનું ખોલીને કોઈ પણ વાક્ય પર આંગળી મૂકીને એ વાક્યને આધારે ભવિષ્ય ભાખવાની એક રમૂજી રીત (Sortes Virgilianae) અસ્તિત્વમાં આવી હતી. ઈ. ૧૭મી સદીમાં ઇંગ્લંડના રાજા ચાર્લ્સ ૧લાએ આ રીતે નેઇસબીના યુદ્ધ પૂર્વે યુદ્ધમાં પોતાનું ભવિષ્ય ભાખ્યું હતું. આજે પણ યુરોપમાં ક્યાંક ક્યાંક આ રીત અસ્તિત્વમાં છે. ઈ. ૧૩-૧૪મી સદીમાં ડેન્ટિના ફિલસૂફી અને ધર્મના મહાકાવ્ય સમા મહાન કાવ્ય ‘લા કૉમેદિઆ’માં તો બિઆટ્રિસની સાથે સાથે વર્જિલ ડેન્ટિના મિત્ર, ગુરુ અને માર્ગદર્શક તરીકે એક મુખ્ય પાત્રરૂપ છે. અને સમગ્ર કાવ્યમાં ‘ઈનીડ’ એક મુખ્ય પ્રેરણારૂપ છે. એવાં વર્જિલ વિશે ૨૦૦ જેટલા ઉલ્લેખો છે. ‘ઈનીડ’માં જે ‘મધુર નૂતન શૈલી’ (dolce stil novo) છે. અને વર્જિલમાં જે ‘પરમ પ્રજ્ઞા’ (wisdom of virgil) છે એને કારણે ડેન્ટિએ ‘ઈનીડ’નો ‘જીવનભર પ્રેમથી અભ્યાસ’ કર્યો હતો. ડેન્ટિ સમક્ષ વર્જિલની ‘મારા ગુરુ’ (mio maestro) તરીકેની અને ‘આપણા સર્વશ્રેષ્ઠ કવિ, (il nostro maggior poeta) તરીકેની મૂર્તિ હતી. ડેન્ટિના કાવ્યમાં વર્જિલનો સ્વર્ગમાં પ્રવેશ થતો નથી. એ દ્વારા ડેન્ટિએ વર્જિલ લગભગ ખ્રિસ્તી હતા પણ ખ્રિસ્તી ન હતા અને એમની કવિતામાં ખ્રિસ્તી ધર્મનાં અન્ય મૂળ તત્ત્વો — શ્રમ, વિનમ્રતા અને દૈવાધીનતા labor, pieta, fatum છે પણ એમાં ખ્રિસ્તી ધર્મનું સૌથી મહાન મૂળ તત્ત્વ — પ્રેમ, ખ્રિસ્તી પ્રેમ — amor નથી એવું સૂચન કર્યું છે, વર્જિલ અને એમની કવિતાની મહાન મર્યાદાનું સૂચન કર્યું છે. અને એથી જ ડેન્ટિએ ‘લા કૉમોદિઆ’માં પ્રેમ, ખ્રિસ્તી પ્રેમ, amorનું સાદ્યંતસુન્દર અને સર્વાંગસંપૂર્ણ કાવ્ય રચ્યું છે અને વર્જિલનું અપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું છે. ઈ. ૧૪મી સદીમાં પેટ્રાર્કે પૉસિલિપ્પોની નિકટ વર્જિલની સમાધિ પર વર્જિલને અંજલિ અર્પણ કરી હતી અને સમાધિની નિકટ લોરેલ વૃક્ષનું આરોપણ કર્યું હતું. ચૉસરની સમક્ષ પણ વર્જિલની મહાન ‘ગુરુ’ તરીકેની મૂર્તિ હતી. મધ્યયુગને અંતે ઈ. ૧૬મી સદીમાં પુનરુત્થાન યુગમાં સમગ્ર યુરોપના સાહિત્યમાં મહાકાવ્યની પરંપરાનો પુનર્જન્મ થયો હતો. પણ આ પરંપરા તે હોમરના આદિમ મૌખિક મહાકાવ્યની પરંપરા ન હતી, પણ વર્જિલની આદિમોત્તર લેખિત સાહિત્યિક મહાકાવ્યની પરંપરા હતી. ઈ. ૧૬-૧૮મી સદીમાં ત્રણ સદી લગી સમગ્ર યુરોપના સાહિત્યમાં હોમરના મહાકાવ્યની પરંપરા અને ઍરિસ્ટોટલના વિવેચનની પરંપરાનું નહિ પણ વર્જિલના મહાકાવ્યની તથા હોરેસની ઊર્મિકવિતા અને વિવેચનની પરંપરાનું વર્ચસ્‌ હતું. પ્રત્યેક મહાન કવિને મહાકાવ્ય રચવાની મહત્ત્વાકાંક્ષા હતી, પ્રત્યેક કવિ–સ્પેન્સર, મિલ્ટન, ડ્રાયડન, પોપ આદિ–સમક્ષ વર્જિલનું ‘ઈનીડ’ એ મહાકાવ્યનો આદર્શ હતો. એમાં માત્ર મિલ્ટને જ મહાકાવ્ય ‘પૅરૅડાઈસ લૉસ્ટ’ સિદ્ધ કર્યું હતું અને તે હોમરની પરંપરામાં નહિ પણ વર્જિલની પરંપરામાં. વર્જિલના મહાકાવ્યમાં જે શૈલીસ્વરૂપ અને વસ્તુવિષય છે તે પશ્ચિમની, યુરોપની સંસ્કૃતિના હાર્દરૂપ છે. ઇ ૧૬૪૧માં પૅરિસમાં વર્જિલની કવિતાની રાજ્યાશ્રિત આવૃત્તિ ‘વિર્જિલ રોયલ’ પ્રકટ કરવામાં આવી હતી એમાં પ્રસિદ્ધ ફ્રેન્ચ ચિત્રકાર પુસાંનું ‘ઍપોલો દ્વારા મુકુટમંડિત વર્જિલ’નું ચિત્ર મુખપૃષ્ઠ પર પ્રકટ કરવામાં આવ્યું હતું. ઈ. ૧૮૨૧માં થૉર્ન્ટનનો ‘ઍક્લૉગ્ઝ’નો અંગ્રેજી અનુવાદ પ્રકટ કરવામાં આવ્યો હતો એમાં બ્લેઈકે નાજુક-નમણાં ચિત્રોથી સુશોભન કર્યું હતું. ઈ. ૧૮૯૧માં ટેનિસને વર્જિલની ૧૯મી મૃત્યુશતાબ્દી પ્રસંગે એક જ વાક્યમાં ૧૦ શ્લોકની ૪૦ પંક્તિના એમના પ્રસિદ્ધ પ્રશસ્તિકાવ્યમાં વર્જિલનું ‘રોમન વર્જિલ’, ‘ભાષાના સ્વામી’ (lord of language) અને ‘ભવ્યતમ છંદના સર્જક’ (wielder of stateliest measure) તરીકે તથા એમની કવિતામાં ‘એકાકી શબ્દ’ (lonely word), ‘સુવર્ણ શબ્દગુચ્છ’ (golden phrase) અને ‘લયની અર્ણવ-ગતિ’ (ocean-roll of rhythm)નું અભિવાદન કર્યું હતું. ઈ. ૧૫મી સદીમાં મુદ્રણયંત્રની શોધ પછી છેલ્લાં પાંચસો વરસમાં ‘ઈનીડ’નું સરેરાશ વરસે એક નવું સંપાદન પ્રકટ થતું રહ્યું છે. જ્યારથી મનુષ્યે સાહિત્યનું સર્જન કર્યું ત્યારથી તે આજ લગીમાં જો કોઈ ગ્રંથનું સૌથી વિશેષ વાચન-મનન-ચિંતન-અધ્યયન થયું હોય તો તે ‘ઈનીડ’નું. એક અર્થમાં ‘બાઇબલ’નું ‘ઈનીડ’થી પણ વિશેષ વાચન-મનન-ચિન્તન-અધ્યયન થયું છે. પણ તે અસલ ‘બાઇબલ’નું નહિ, પણ ‘બાઇબલ’ના જગતની અનેક ભાષાઓમાં અનુવાદનું. અસલ ‘બાઇબલ’ તો હિબ્રૂ ભાષામાં છે. અસલ ‘ઈનીડ’ લૅટિન ભાષામાં છે. અને ‘ઈનીડ’નું જે વાચન-મનન-ચિન્તન- અધ્યયન થયું છે તે તો ‘ઈનીડ’ના જગતની અનેક ભાષાઓમાં અનુવાદનું નહિ, પણ અસલ લૅટિન ભાષામાં ‘ઈનીડ’નું. અસલ હિબ્રૂ ભાષામાં ‘બાઈબલ’નું એટલું વાચન-મનન-ચિન્તન-અધ્યયન થયું નથી. એથી એ અર્થમાં ‘ઈનીડ’નું ‘બાઇબલ’થી પણ વિશેષ વાચન-મનન-ચિન્તન-અધ્યયન થયું છે. ઈ. ૨૦મી સદીમાં, અર્વાચીન યુગમાં, બે વિશ્વયુદ્ધોના યુગમાં પૂર્વે કોઈ યુગમાં ન હતી, સ્વયં વર્જિલના યુગમાં પણ ન હતી એવી વિશ્વશાંતિ, વિશ્વરાજ્ય, એક વિશ્વ, યત્રૈવ વિશ્વમ્ ભવત્યેનીડમ્ અને વસુધૈવકુટુમ્બકમ્‌ની અનિવાર્યતાના યુગમાં ‘ઈનીડ’માં જે રોમનત્વ — Romani-tas છે, જે રોમન શાંતિ — Pax Romana છે, જે રોમ — Im-perium Romanum છે એટલે કે સમસ્ત મનુષ્યજીવનનાં વૈશ્વિક અને શાશ્વત મૂલ્યો અને રહસ્યોનું, સમગ્ર મનુષ્યજાતિના વૈશ્વિક અને શાશ્વત ઐક્ય અને એકકુટુંબત્વનું દર્શન છે અને વર્જિલમાં જે વેદના અને સંવેદના છે, જે સહાનુભૂતિ અને સહાનુકંપા છે એને કારણે ‘ઈનીડ’નો સવિશેષ અર્થ છે, ‘ઈનીડ’નું સવિશેષ મૂલ્ય છે. ‘ઈનીડ’નો નાશ કરવો-કરાવવો એ મૃત્યુશય પરથી વર્જિલની અંતિમ ઇચ્છા હતી. શું કારણ હશે ? ઈ. પૂ. ૨૯માં જ્યારે ઑગસ્ટસે એમને મહાકાવ્ય રચવાની વિનંતી કરી હતી ત્યારે પ્રથમ તો એમણે એનો અસ્વીકાર કર્યો હતો. પછી સ્વીકાર કર્યો અને છતાં એમણે એનો આરંભ કરવામાં વિલંબ કર્યો હતો. એમણે એનો આરંભ કર્યો પછી પણ ઑગસ્ટસે વારંવાર એમને એની પ્રગતિ અંગે પ્રશ્ન કર્યો હતો એના ઉત્તરમાં અંતે એમણે ઑગસ્ટસને એક પત્રમાં લખ્યું હતું, ‘માનસિક નિર્બળતાની કોઈ ક્ષણે મેં આ મહાકાવ્ય રચવાનો સ્વીકાર કર્યો હોય એમ લાગે છે.’ આમ, આ મહાકાવ્ય રચાતું હતું ત્યારે પણ એ રચવામાં એમને ઝાઝો ઉમંગ કે ઉત્સાહ ન હતો. દસ-બાર વરસે અંતે મહાકાવ્ય રચાયું પછી પણ એમને ત્રણેક વરસ લગી એમાં સુધારાવધારા કરવાની અને ત્યાર પછી એને અંતિમ સ્વરૂપ આપવાની ઇચ્છા હતી. આમ, જે કંઈ રચાયું હતું તે પણ એમને મન કોઈ મહાકાવ્યના કાચા મુસદ્દા જેવું હતું. અને એને અંતિમ સ્વરૂપ આપ્યા પછી એમને કવિતાને જ અંતિમ વિદાય આપવાની અને શેષજીવન ફિલસૂફીને અર્પણ કરવાની ઇચ્છા હતી. પણ આ તો હવે મૃત્યુની ક્ષણ હતી. એથી હવે એમાં સુધારાવધારા કરવાનો અને એને અંતિમ સ્વરૂપ આપવાનો અવકાશ જ ન હતો. ‘ઈનીડ’માં ૬૦ જેટલી પંક્તિઓ અપૂર્ણ છે અને કેટલાક પરિચ્છેદો સાચ્ચે જ કાચા મુસદ્દા જેવા છે. અને છતાં ‘ઈનીડ’ જેવું છે તેવું બે હજાર વરસથી ડેન્ટિ, મિલ્ટન, ડ્રાયડન આદિ મહાન સર્જકો, અનેક વિવેચકો અને અસંખ્ય વાચકોને એમાં ભાષા અને છંદનું જે સૌદર્ય છે, જે પ્રભુત્વ છે એને કારણે સાદ્યંતસુન્દર અને સર્વાંગસંપૂર્ણ છે અને આ અપૂર્ણ પંક્તિઓ તથા આ કાચા મુસદ્દા જેવા પરિચ્છેદોમાં પણ કંઈક સૌંદર્ય છે એવું લાગ્યું છે, ‘ઈનીડે’ એ સૌનું રસસંતર્પણ કર્યું છે. વળી વર્જિલે દસ-બાર વરસ જેટલા દીર્ઘ સમયમાં ‘ઈનીડ’ની ૯૮૯૬ પંક્તિઓ, રોજની સરેરાશ ત્રણ જ પંક્તિઓ, અને ક્યારેક તો એકાદ પંક્તિ જ રચી હતી. અને એમના જ શબ્દોમાં ‘રીંછ જેમ એના બચ્ચાને ચાટી ચાટીને રૂપાળું કરી મૂકે છે તેમ હું કવિતાના શબ્દેશબ્દને રૂપ અર્પું છું.’ ટૂંકમાં, વર્જિલ પૂર્ણતાવાદી, પ્રશિષ્ટતાવાદી કવિ હતા. એટલે ‘ઈનીડ’માં જે શૈલીસ્વરૂપ છે તે તો આ ઇચ્છાનું કારણ ન હોય ! રોમન સમાજ અને સંસ્કૃતિમાં બહિર્મુખતા હતી. એણે સામ્રાજ્યનું સર્જન કર્યું હતું, ન્યાય અને વ્યવસ્થાની આદર્શ અને અભૂતપૂર્વ સંસ્થાઓનું સર્જન કર્યું હતું. વળી, એણે બર્બરો અને કાર્થેજ, ઇજિપ્ત આદિ પ્રતિસ્પર્ધીઓ સાથે સતત યુદ્ધ કર્યું હતું. એથી એમાં સ્ટૉઇસિઝમનો મહિમા હતો. એમાં હૃદયનો, હૃદયનાં લક્ષણો — કરુણા અને ક્રૂરતા સુધ્ધાંનો મહિમા તો હતો પણ એથી યે વિશેષ તો બુદ્ધિનો, બુદ્ધિનાં લક્ષણો — સ્થિતપ્રજ્ઞતા આદિ–નો મહિમા હતો. જ્યારે ‘યુદ્ધ એ જ નિર્માણ’ હોય ત્યારે ‘પાર્થને કહો ચ્હડાવે બાણ !’નો મહિમા હતો ‘શાંતિ અર્થે યુદ્ધ’ અને ‘યુદ્ધ દ્વારા શાંતિ’નો મહિમા હતો. વર્જિલના પુરોગામી સિસેરોના વિચારમાં, સમકાલીન ઑગસ્ટસના વર્તનમાં અને અનુગામી સૅનૅકાની વાણીમાં આ સ્ટૉઇસિઝમનું દર્શન થાય છે. વળી, વર્જિલના જન્મ પૂર્વે અને પછી એકાદ સદી લગી રોમમાં આંતરવિગ્રહો અને રોમમાં ચિરકાલીન સુખ અને શાંતિના સંદર્ભમાં સ્ટૉઇસિઝમનો સવિશેષ મહિમા હતો, એની અનિવાર્યતા હતી. ઈનીઍસના જીવનમાં પણ આરંભે સ્ટૉઇસિઝમનો મહિમા હતો. એનામાં પરિશ્રમ, વિનમ્રતા, દૈવાધીનતા આદિ બુદ્ધિનાં લક્ષણો હતાં. (એનામાં હૃદયનું પણ એક લક્ષણ હતું. કાષ્ઠતુરગનો ટ્રૉયમાં પ્રવેશ કરાવવામાં એની પણ સહાય હતી.) એથી તો વિધાતાએ રોમના વિધિનિર્માણ માટે એની વરણી કરી હતી. પણ ‘ઈનીડ’ના પૂર્વાર્ધમાં એના જીવનમાં ઍપિક્યુરીઆનિઝમનો મહિમા હતો. એનામાં રોમના વિધિનિર્માણ પ્રત્યે વારંવાર ઉપેક્ષા અને ઉદાસીનતા હતી, એનામાં નિર્વેદ અને નિરુત્સાહ હતો. એથી અંગત સુખ અને શાંતિ માટે એણે એની યાત્રામાં વારંવાર અધવચ ક્રીટ, કાર્થેજ, સિસિલી આદિ સ્થળો અને પ્રદેશોમાં સ્થિર થવાનો પ્રયત્ન કર્યો હતો. વળી, ‘ઈનીડ’ના ઉત્તરાર્ધમાં પણ એના જીવનમાં ઍપિક્યુરીઆનિઝમનો મહિમા હતો. એનામાં કરુણા, ક્રૂરતા, કઠોરતા આદિ હૃદયનાં લક્ષણો હતાં. આ સંદર્ભમાં ‘ઈનીડ’ને અંતે ‘એક આદર્શ રોમન’ તરીકે એણે રોમનું વિધિનિર્માણ સિદ્ધ કરવાનું છે એનું શું ? એનો ઉત્તર સ્ટૉઇસિઝમમાં હતો. ‘ઈનીડ’માં સ્ટૉઇસિઝમની અનિવાર્યતા હતી. ‘ઈનીડ’ના ઉત્તરાર્ધમાં પાતાલલોકમાં મૃત પિતા ઍન્કાઇસિસના આત્મા સાથેના મિલન પછી અને રોમ અંગેના ઇતિહાસદિગ્દર્શન પછી એના જીવનમાં સ્ટૉઇસિઝમનો મહિમા હતો. એણે શાંતિ અર્થે યુદ્ધ કર્યું હતું. અને યુદ્ધ દ્વારા શાંતિ સિદ્ધ કરી હતી, રોમનું વિધિનિર્માણ સિદ્ધ કર્યું હતું. ‘ઈનીડ’માં ઍપિક્યુરીઆનિઝમ અને સ્ટૉઇસિઝમ બન્નેનું અસ્તિત્વ છે. પણ એમાં સ્ટૉઇસિઝમ એ ઍપિક્યુરીઆનિઝમના અનુપાનરૂપ છે, નિવારણરૂપ છે. અને અંતે ઈનીઍસે સ્ટૉઇસિઝમ દ્વારા રોમનું વિધિનિર્માણ સિદ્ધ કર્યું હતું. એથી અંતે ‘ઈનીડ’માં સ્ટૉઇસિઝમનો વિશેષ મહિમા છે. આમ, વર્જિલે એક આદર્શ રોમન નાગરિક તરીકે અને એક આદર્શ રોમન કવિ તરીકે ‘ઈનીડ’માં સ્ટૉઇસિઝમનો વિશેષ મહિમા કર્યો હતો. પણ એક વ્યક્તિ તરીકે વર્જિલના અંગત જીવનમાં ઍપિક્યુરીઆનીઝમનો વિશેષ મહિમા હતો. એમના જીવનમાં અંતર્મુખતા હતી. એ રોમમાં નહિ, નેપલ્સમાં વસ્યા હતા. એમનું શાન્ત એકાન્તમાં ‘અનુદાત્ત સરલતા’નું જીવન હતું. આમ, સામાજિક જીવન અને કવિતાના સંદર્ભમાં નહિ પણ અંગત જીવન અને ફિલસૂફીના સંદર્ભમાં ‘ઈનીડ’ અને વર્જિલ વચ્ચે સંઘર્ષ હતો અને આ સંઘર્ષનું સમાધાન શક્ય થયું ન હતું. વળી, વર્જિલના જન્મ પૂર્વે અને પછી એકાદ સદી લગી રોમમાં જે આંતરવિગ્રહો થયા હતા એમાં આ સમયમાં રોમન પ્રજામાં નૈતિક મૂલ્યોનો, નૈતિકતાનો અને ધર્મશ્રદ્ધાનો, ધાર્મિકતાનો અભાવ એ મુખ્ય કારણ હતું. આ સંદર્ભમાં ‘ઈનીડ’માં નૈતિક મૂલ્યોની, નૈતિકતાની અને ધર્મશ્રદ્ધાની, ધાર્મિકતાની પણ અનિવાર્યતા હતી. ઍકિલીસે અહમ્‌ અને આત્મગૌરવ માટે યુદ્ધ દ્વારા ટ્રૉયનું વિસર્જન કર્યું હતું. ઈનીઍસે અહમ્‌ અને આત્મગૌરવ જ નહિ પણ અંગત સુખ અને સ્વાર્થનો, વ્યક્તિત્વ સુધ્ધાંનો, સર્વસ્વનો ત્યાગ કર્યો હતો અને અંતે શાંતિ દ્વારા રોમનું સર્જન કર્યું હતું, વળી, ઈનીઍસે રોમનું આ સર્જન દૈવાધીન કર્યું હતું. મનુષ્ય નહિ પણ વિધાતાએ રોમનું વિધિનિર્માણ કર્યું હતું અને મનુષ્ય દ્વારા, ઈનીઍસ દ્વારા એ સિદ્ધ કર્યું હતું. એમાં દેવ-દેવીઓ–જ્યૂપિટર, નેપ્ચ્યુન, જ્યૂનો અને વીનસ (જ્યૂનો અને વીનસ વારંવાર વિઘ્નો, બાધાઓ, અંતરાયો, અવરોધો રચે-રચાવે છે પણ અંતે વિધિનિર્માણને અધીન થાય છે) — નો સક્રિય સહ-યોગ હતો. એથી રોમ ‘અમર નગરી’ eternal city છે અને રોમન સામ્રાજ્ય એ શાશ્વત અને વૈશ્વિક સામ્રાજ્ય છે. ઑલીમ્પસ પર જ્યૂપિટર અને વીનસના સંવાદમાં, પાતાલલોકમાં ઍન્કાઇસિસ અને ઈનીઍસના સંવાદમાં, અને વલ્કનની ઢાલ પરની ચિત્રાવલિમાં રોમ અને રોમન સામ્રાજ્ય અંગેનું જે ઇતિહાસદિગ્દર્શન છે એમાં પણ રોમનું અમરત્વ પ્રકટ થાય છે. આમ, વર્જિલે રોમના સામાજિક જીવનમાં એક આદર્શ રોમન નાગરિક તરીકે, એક આદર્શ રોમન કવિ તરીકે ‘ઈનીડ’માં નૈતિક મૂલ્યોનો, નૈતિકતાનો અને ધર્મશ્રદ્ધાનો, ધાર્મિકતાનો મહિમા કર્યો હતો. પણ વર્જિલે એમના અંગત જીવનમાં એક વ્યક્તિ તરીકે શંકાનો, અશ્રદ્ધાનો, અનિશ્ચિતતાનો તથા એક કરુણતમ જીવનદર્શન અને વિશ્વદર્શનનો મહિમા કર્યો હતો. વર્જિલ વેદનામૂર્તિ હતા, ‘ગોપન અશ્રુ’ અને ‘મર્ત્ય માનવતા’ના કવિ હતા. વર્જિલની આ વેદના, એમનું આ ‘ગોપન અશ્રુ’, એમની આ ‘મર્ત્ય માનવતા’ ‘ઈનીડ’માં પણ વારંવાર પ્રકટ થાય છે. ટ્રૉયના યુદ્ધના વર્ણનમાં તથા પૅલાસના મૃત્યુ પછી ટ્રૉજનો અને લૅટિનો વચ્ચેના યુદ્ધના વર્ણનમાં માત્ર વેદના છે. સમગ્ર ‘ઈનીડ’માં હાસ્ય અને આનંદનું નામ સુધ્ધાં નથી. ઍન્કાઇસિસના રોમ અંગેના ઇતિહાસદિગ્દર્શનને અંતે પણ માર્સેલસના મૃત્યુનો જ ઉલ્લેખ છે. ‘ઈનીડ’ને અંતે પણ ટૂર્નુસનું મૃત્યુ જ છે. ઈનીઍસ અને સૌ પાત્રોની કેટકેટલી વેદના અને ડાઈડો, ટૂર્નુસ, પૅલાસ, લોસસ, કેમિલ્લા, મેઝેન્ટિઅસ, યુરીઆલસ, નિસસ, મૅગસ, ટાર્કિવલસ, લુકાગસ, સુમોનાં સંતાનો આદિનાં કેટકેટલાં મૃત્યુ પછી શાંતિનું વાતાવરણ થાય છે અને રોમનું સર્જન થાય છે, રોમનું વિધિનિર્માણ સિદ્ધ થાય છે એનો શો અર્થ ? એનું શું મૂલ્ય ? અર્થ અને મૂલ્ય હોય તો પણ આ પરિવર્તનશીલ જીવનમાં અને જગતમાં એ શાંતિ અમર છે ? રોમ અમર છે ? આ જીવનમાં, આ જગતમાં, આ વિશ્વમાં–વિશ્વ સુધ્ધાં કશું ય અમર છે ? ઍન્કાઇસિસની સહાયથી ઈનીઍસ પાતાલલોકમાં મૃતાત્માઓનું દર્શન કરે છે. આ મૃતાત્માઓ પૃથ્વીલોક પરના પુનર્જન્મની પ્રતીક્ષા કરી રહ્યા છે. એમાંથી કેટલાક ભવિષ્યમાં ઈનીઍસના જ વંશજો રૂપે, રોમન મહાપુરુષો — રોમ્યુલસ, સીઝર, ઑગસ્ટસ — તરીકે પુનર્જન્મ પામવાના છે. આ દર્શનને અંતે ઈનીઍસ પ્રશ્ન પૂછે છે, ‘પૃથ્વી પર પુનર્જન્મ પામવા જેવું શું છે તે આ બિચારાઓ એની ઇચ્છા કરે છે ?’ અને પછી ઈનીઍસ પાતાલલોકમાં જે દરવાજેથી મિથ્યા સ્વપ્નો પૃથ્વીલોક પર મનુષ્યોની પાસે આવે છે તે હાથીદાંતના દરવાજેથી વિદાય થાય છે. એમાં વર્જિલનું કરુણતમ જીવનદર્શન અને વિશ્વદર્શન પ્રકટ થાય છે. આ શાંતિ, આ રોમ, આ રોમન સામ્રાજ્ય, આ પૃથ્વી, આ સૂર્યચન્દ્રગ્રહતારાનિહારિકાઓ, આ સમગ્ર વિશ્વ કશું જ અમર નથી, બધું જ મર્ત્ય છે, કશું જ નિત્ય નથી, બધું જ અનિત્ય છે; કશું જ અનશ્વર નથી, બધું જ નશ્વર છે, ક્ષણિકમ્ ક્ષણિકમ્ છે અને એથી, દુઃખમ્ દુઃખમ્ છે. આ બુદ્ધનું નિર્વાણનું દર્શન છે. સમગ્ર વિશ્વનું અંતે તો શૂન્યમાં નિર્વાણ થવાનું છે, તો પછી આ ‘ઈનીડ’નું આ ક્ષણે જ નિર્વાણ શા માટે નહિ ? આ ‘નાસ્તિ’નું દર્શન છે. આ છે વર્જિલનું ‘ગોપન અશ્રુ’. જીવનની અંતિમ ક્ષણે, નિર્વાણની ક્ષણે, સમગ્ર વિશ્વમાં જે છલોછલ વિરાટ અશ્રુરાશિ છે એમાંથી એકાદ બિન્દુ વર્જિલના નેત્રમાંથી મૃત્યુશય્યા પર આ અંતિમ ઇચ્છા રૂપે ટપકી પડ્યું હશે ! વર્જિલે એમનું આ રહસ્ય કદાચને ‘ઈનીડ’માં પૅલિનુરુસના પાત્રમાં પ્રકટ કર્યું છે. ‘ઈનીડ’ના પૂર્વાર્ધમાં ગ્રંથ ૫માં યાત્રાના અંતિમ સ્તબકમાં ઈનીઍસના આ સહયાત્રીનું એક રાતે નિદ્રાની ક્ષણે ઓચિંતું સમુદ્રનિર્વાણ થાય છે ! આમ, રાજકારણ અને કવિતાનાં સંદર્ભમાં નહિ પણ અંગત જીવનદર્શનના સંદર્ભમાં ‘ઈનીડ’ અને વર્જિલ વચ્ચે સંઘર્ષ હતો અને આ સંઘર્ષનું પણ સમાધાન શક્ય થયું ન હતું. એક આદર્શ રોમન નાગરિક તરીકે અને એક આદર્શ રોમન કવિ તરીકે નહિ પણ એક વ્યક્તિ તરીકે વર્જિલની આ અંતિમ ઇચ્છા હશે. ‘ઈનીડ’માં શૈલીસ્વરૂપ નહિ પણ વસ્તુવિષય આ અંતિમ ઇચ્છાનું કારણ હશે. વળી એમ પણ હોય કે અવસાન ન થાય, ‘ઈનીડ’માં સુધારાવધારા થાય, એનું અંતિમ સ્વરૂપ સિદ્ધ થાય અને કવિતાને અંતિમ વિદાય પછી શેષજીવન ફિલસૂફીને અર્પણ થાય, પછી આ સંઘર્ષોનું સમાધાન થાય તો– તો તે પછીનું મહાદર્શન તો અનિર્વચનીય હશે. એ તો વાણીથી પર અને પાર હશે, ‘યતો વાચો નિવર્તન્તે’ હશે. ત્યારે ફિલસૂફી કે જીવનદર્શન અને વિશ્વદર્શન અપર્યાપ્ત નહિ હોય પણ વાણી સ્વયં અપર્યાપ્ત હશે. જીવનની અંતિમ ક્ષણ પૂર્વે, મૃત્યુની ક્ષણ પૂર્વે વર્જિલને આવો અનુભવ પણ હોય. અને એ આ અંતિમ ઇચ્છાનું કારણ હોય ! આ અંતિમ ઇચ્છા એ વર્જિલના જીવનચરિત્રમાં અને ‘ઈનીડ’ના વિવેચનમાં એક કૂટ પ્રશ્ન છે. પણ ભલું થજો ઑગસ્ટસનું ! એમણે વર્જિલની આ અંતિમ ઇચ્છાનો અસ્વીકાર કર્યો અને ‘ઈનીડ’નું પ્રકાશન કર્યું. એમાં એમનો — પોતાનો સમગ્ર રોમન પ્રજા દ્વારા સર્વાનુમતે સ્વીકાર — પુરસ્કાર, રોમ, રોમન સામ્રાજ્ય, શાંતિ, સુવર્ણયુગ આદિ–જે કંઈ સ્વ-અર્થ હોય તે, પણ જગતને ‘ઈનીડ’ જેવું મહાકાવ્ય પ્રાપ્ત થયું એ એક મહાન પરમ-અર્થ હતો. વર્જિલે નેપલ્સમાં એકાન્તમાં જીવનભર સતત વાચન-મનન-ચિંતન-અધ્યયન અને લેખન કર્યું હતું. એ બહુશ્રુત વિદ્વાન હતા. એ ગ્રીક ભાષા પણ બોલી-લખી શકતા હતા. એમાં વિચારી પણ શકતા હતા. વર્જિલે મુખ્યત્વે ગ્રીક ફિલસૂફી અને સાહિત્યનો અભ્યાસ કર્યો હતો અને તે પણ જ્યાં ગ્રીક સંસ્કૃતિનો પ્રબળ પ્રભાવ હતો એવા નેપલ્સમાં. એમનું શિક્ષણ મુખ્યત્વે ગ્રીક શિક્ષણ હતું. એમણે ‘ઈનીડ’ના સર્જન માટે સમગ્ર ગ્રીક લૅટિન કવિતા-સાહિત્યનો વારસો આત્મસાત્ કર્યો હતો. ગ્રીક મહાકવિ હોમર (ઈ. પૂ. ૯-૮મી સદી) એમનો આદર્શ હતા. સમગ્ર રોમન પ્રજાનો ગ્રીક પ્રજા સાથે ગુરુ-શિષ્ય સંબંધ હતો. રોમન પ્રજાએ ગ્રીક પ્રજા પર માત્ર સ્થૂલ, ભૌતિક જ વિજય પ્રાપ્ત કર્યો હતો. પણ ગ્રીક પ્રજાએ તો રોમન પ્રજા પર સૂક્ષ્મ, આધ્યાત્મિક વિજય પ્રાપ્ત કર્યો હતો. રોમન પ્રજા ગ્રીક પ્રજાની સાંસ્કૃતિક વારસ હતી. જીવનના એકેએક ક્ષેત્રમાં રોમન પ્રજાએ અત્યંત વિનમ્ર ભાવે, શિષ્યભાવે ગ્રીક પ્રજાને ચરણે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મનુષ્યજાતિના સમગ્ર ઇતિહાસમાં શિક્ષણપ્રાપ્તિમાં રોમન પ્રજા જેવી અન્ય કોઈ વિનમ્ર પ્રજા નહિ હોય. એટલે હોમર અને વર્જિલ વચ્ચે ગુરુ-શિષ્ય સંબંધ હોય એમાં કોઈ જ આશ્ચર્ય નથી–બલકે એવો સંબંધ ન હોય તો જ આશ્ચર્ય ! વર્જિલને ‘રોમન હોમર’ થવાની મહેચ્છા હતી. સમગ્ર ‘ઈનીડ’ પર હોમરનાં બન્ને મહાકાવ્યો– ‘ઇલિયડ’ અને ‘ઑડિસિી’નો પ્રબળ પ્રભાવ છે. અનેક પાત્રો, પ્રસંગો, ઍક્ઝામીટર છંદ, ઉપમાઓ, વિશેષણો, મહાકાવ્યનું ૧૨ ગ્રંથોમાં વિભાજન (duodecimal division), કથાની અધવચથી મહાકાવ્યનો આરંભ (in medias res), આરંભે કાવ્યદેવીને પ્રાર્થના વગેરેનું બન્નેમાં સામ્ય છે. ‘ઈનીડ’ના પૂર્વાર્ધમાં ઈનીઍસની યાત્રા છે, એમાં વર્જિલે એમનું ‘ઑડિસી’ રચ્યું છે અને ઉત્તરાર્ધમાં ટ્રૉજનો અને લૅટિનો વચ્ચે યુદ્ધ છે એમાં વર્જિલે એમનું ‘ઇલિયડ’ રચ્યું છે. વળી વર્જિલને ઈનીઍસની પુરાણકથાનો આરંભ પણ હોમરના ‘ઇલિયડ’માંથી પ્રાપ્ત થયો છે. ટૂંકમાં, હોમર નહિ તો વર્જિલ નહિ ! તો, હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, બન્નેનાં મહાકાવ્યોમાં શૈલીસ્વરૂપ અને વસ્તુવિષયનું એટલું જ અસામ્ય પણ છે. ઈ. પૂ. ૮-૬ સદીમાં ગ્રીસમાં હોમરનાં મહાકાવ્યોમાંથી જ ટ્રૉયના યુદ્ધ સમયનાં અને યુદ્ધોત્તર સમયનાં પાત્રો અને પ્રસંગોની એકાદ વિગતને આધારે એ વિગતના વિકાસ-વિસ્તાર દ્વારા અનેક કવિઓએ ‘મહાકાવ્યો’ રચ્યાં હતાં. એ ‘મહાકાવ્યો’ ‘મહાકાવ્ય શ્રેણી’ (Epic Cycles)ને નામે પ્રસિદ્ધ છે. આજે માત્ર એ કવિઓનાં નામ અને એ ‘મહાકાવ્યો’ના ખંડો જ સુલભ છે. વર્જિલના સમયમાં એ ‘મહાકાવ્યો’ અખંડિત સ્વરૂપે સુલભ હતાં. ઈનીઍસનું પાત્ર અને એની પુરાણકથાનો વિકાસ-વિસ્તાર એ વર્જિલનું એક મહાન મૌલિક, સ્વતંત્ર સર્જન છે. પણ એ સર્જનમાં સવિશેષ ટ્રૉયનું પતન અને એના સહયાત્રીઓની યાત્રા અંગેના ‘ઈનીડ’ના પ્રથમ ત્રણ ગ્રંથોમાં વર્જિલને આ ‘મહાકાવ્યો’ની અમૂલ્ય સહાય હતી. ઈ. પૂ. ૫-૪ સદીમાં પ્રસિદ્ધ ગ્રીક કરુણ નાટકકારો — ઇસ્કીલસ, સોફોકલીસ અને યુરિપિડીસે હોમરના મહાકાવ્યમાં તથા ‘મહાકાવ્ય શ્રેણી’માં જે વસ્તુવિષય છે એને આધારે અનેક મહાન કરુણ નાટકોનું સર્જન કર્યું હતું. ‘ઈનીડ’માં આદિથી અંત લગી વેદનાનું જે વાતાવરણ — સવિશેષ યુદ્ધના પ્રસંગો તથા ડાઈડો અને ટૂર્નુસનાં પાત્રો, પ્રસંગો અને એમની કરુણતા છે તેની પર આ નાટકોનો નોંધપાત્ર પ્રભાવ છે. ઈ. પૂ. ૩જી સદીમાં ગ્રીક સંસ્કૃતિ અને એના વિદ્વત્તાપૂર્ણ અભ્યાસનું કેન્દ્ર ગ્રીસમાં નહિ પણ ઇજીપ્તમાં ઍલૅક્ઝાન્ડ્રિઆમાં હતું. અહીં વિદ્વત્તા અને વિદ્વત્તાપૂર્ણ શૈલી માટે પ્રસિદ્ધ એવા ‘ઍલૅક્ઝાન્ડ્રિઆના કવિઓ’નું એક કવિવૃન્દ અસ્તિત્વમાં આવ્યું હતું. ‘ઈનીડ’માં શૈલીસ્વરૂપ રચવામાં વર્જિલને આ કવિઓની અમૂલ્ય સહાય હતી. એમાંના એક કવિ ર્હોડ્ઝના ઍપોલોનિઅસના ‘ગોલ્ડન ફલીસ’ની ખોજ અંગેના ‘મહાકાવ્ય’ ‘આર્ગોનોટિકા’નો ‘ઈનીડ’માં દેવદેવીઓનાં પાત્રોના નિરૂપણ પર અને આ ‘મહાકાવ્ય’માં જૅસન અને મીડીઆના પ્રેમપ્રસંગમાં જે રોમાન્સનાં તત્ત્વો છે એનો ‘ઈનીડ’માં ડાઈડો અને ઈનીઍસના પ્રેમપ્રસંગ પર નોંધપાત્ર પ્રભાવ છે. ઈ. પૂ. ૩જી સદીમાં નીવિઅસે (ઈ. પૂ. ૨૭૦-૨૦૧) રોમના કાર્થેજ સાથેના પ્રથમ પ્યુનિક યુદ્ધ (ઈ. પૂ. ૨૬૪-૨૪૧)માં સક્રિય ભાગ ભજવ્યો હતો અને પછી અંગત અનુભવને આધારે લૅટિન ભાષામાં આ યુદ્ધ અંગે પદ્યમાં ઇતિહાસ ‘બેલમ પ્યુનિકમ’ રચ્યો હતો અને એમાં ઈનીઍસ તથા રોમના સર્જન અંગેની પુરાણકથાનો પણ સમાસ કર્યો હતો. નીવિઅસની પ્રેરણાથી એમના તરતના જ અનુકાલીન કવિ ઈનીઍસે (ઈ. પૂ. ૨૩૯-૧૬૯) ૧૮ ગ્રંથોમાં લૅટિન ભાષામાં અને હૅક્ઝામીટર છંદમાં રોમના સર્જનથી તે સમકાલીન રોમ લગીના રોમના સમગ્ર ઇતિહાસનું કાવ્ય ‘ઍનાલ્સ’ રચ્યું હતું. આજે એમાંથી માત્ર ૫૫૦ પંક્તિઓ જ અસ્તિત્વમાં છે. એમાં શેક્સ્પિયરનાં નાટકોમાં અને બાઇબલમાં અંગ્રેજી ભાષાની પ્રૌઢિ છે તેવી લૅટિન ભાષાની પ્રભાવક પ્રૌઢિ અને હૅક્ઝામીટર છંદની અપૂર્વ સિદ્ધિને કારણે ઇનીઍસને લૅટિન કવિતાનાં ઇતિહાસમાં ‘લૅટિન કવિતાના પિતા’ તરીકેનું ગૌરવવંતું પદ પ્રાપ્ત થયું છે. એમાં કેન્દ્રમાં રોમ હતું અને એમાં રોમના ઇતિહાસની નૈતિકતા અને ધાર્મિકતાનું પરિમાણ પણ પ્રકટ થયું હતું. એથી રોમન પ્રજાએ સતત–વર્જિલના સમયમાં પણ — આ કાવ્યનું પોતાના ‘રાષ્ટ્રીય મહાકાવ્ય’ તરીકે માન-સન્માન કર્યું હતું. આ બન્ને કાવ્યોનો સમગ્ર ‘ઈનીડ’ — સવિશેષ એના ઇતિહાસદિગ્દર્શન અને એની નૈતિકતા તથા ધાર્મિકતા — પર પ્રબળ પ્રભાવ છે. ઈ. પૂ. ૧લી સદીના આરંભમાં લુક્રેટિઅસે (ઈ. પૂ. ૯૫-૫૫) ૬ ગ્રંથોમાં લૅટિન ભાષામાં હૅક્ઝામીટર છંદમાં ઍપિક્યુરસની ફિલસૂફીને આધારે ભૌતિકવિજ્ઞાન અને મનોવિજ્ઞાન અંગે, વિશ્વ અને મનુષ્ય અંગે, વિશ્વમાં મનુષ્યના સ્થાન અંગે જગતકવિતામાં અપૂર્વ એવું ફિલસૂફીનું અપૂર્ણ કાવ્ય ‘વિશ્વરૂપદર્શન’ (De Rerum Natura) રચ્યું હતું. ‘ઈનીડ’માં ઈનીઍસના પાત્રમાં ઍપિક્યુરીઆનિઝમનાં જે લક્ષણો છે તેની પર અને વર્જિલનું જે અંગત જીવનદર્શન અને વિશ્વદર્શન છે એની પર લુક્રેટિઅસના આ કાવ્યનો પ્રબળ પ્રભાવ છે. આ જ સમયમાં કાતુલ્લુસે (ઈ. પૂ. ૮૪-૫૪) લૅટિન ભાષામાં વિવિધ છંદોમાં કલાઉડિયા સાથેના એમના લગભગ નિઃશેષ એવા પ્રેમના કટુમધુર અનુભવ અંગે જગતકવિતામાં અનન્ય એવી પ્રેમોન્માદની ઊર્મિકવિતા રચી હતી. ‘ઈનીડ’માં ડાઈડોનો ઈનીઍસ પ્રત્યેનો ઉત્કટ પ્રેમનો જે કરુણ અનુભવ છે એની પર કાતુલ્લુસની આ કવિતાનો પ્રબળ પ્રભાવ છે. ‘ઈનીડ’ પર પૂર્વકાલીન ગ્રીક-લૅટિન કવિતા-સાહિત્યના પ્રભાવ વિશેની આ મિતાક્ષરી નોંધને અંતે અહીં સત્વર જ લિવીનો ઉલ્લેખ કરવો જોઈએ. લિવી (ઈ. પૂ. ૪૯-ઈ. ૧૭) વર્જિલથી વયમાં ૧૧ વરસ નાના એવા વર્જિલના સમકાલીન હતા. ઈ. પૂ. ૨૯માં જે વર્ષમાં વર્જિલે ‘ઈનીડ’ રચવાનો આરંભ કર્યો હતો તે જ વર્ષમાં લિવીએ એમની ૩૦ વર્ષની વયે ‘રોમનો ઇતિહાસ’ રચવાનો આરંભ કર્યો હતો અને પછી જીવનભર સતત એમણે આ મહાગ્રંથનું લેખન કર્યું હતું. ઈ. પૂ. ૧૨મી સદીમાં ઇટલીમાં ઈનીઍસના આગમનથી તે ઈ. પૂ. ૯માં ડ્રુસસના અવસાન લગીનો રોમનો સમગ્ર ઇતિહાસ એમણે ૧૪૨ ગ્રંથોમાં રચ્યો હતો. આજે એમાંથી માત્ર ૩૫ ગ્રંથો અને અન્ય ગ્રંથોના કેટલાક ખંડો જ અસ્તિત્વમાં છે. ‘ઈનીડ’માં વર્જિલની રોમના ઇતિહાસ અંગેની સૂક્ષ્મ અને માર્મિક સૂઝસમજ, એની પ્રત્યેનો ઉત્કટ પ્રેમ અને ઉદાત્ત આદર, મહાકવિની સર્જકતા, સંવેદનશીલતા, કલ્પનાશીલતા, ભવ્યતા, સુન્દરતા આદિનું દર્શન થાય છે તે સૌનું લિવીના આ મહાગ્રંથમાં પુનશ્ચ દર્શન થાય છે. લિવીએ એમાં ગદ્યસ્વરૂપમાં એમનું ‘ઈનીડ’ રચ્યું છે તો વર્જિલે ‘ઈનીડ’માં પદ્યસ્વરૂપમાં એમનો ‘રોમનો ઇતિહાસ’ રચ્યો છે. એવી આ બન્નેમાં એકસમાન સિદ્ધિ છે. વર્જિલે મોટા ભાગનું ‘ઈનીડ’ પ્રથમ ગદ્યમાં રચ્યું હતું અને પછી એનું પદ્યમાં રૂપાંતર કર્યું હતું. લિવીએ જ્યારે એમનો ‘રોમનો ઇતિહાસ’ રચવાનો આરંભ કર્યો ત્યારે એ રોમમાં હતા. વર્જિલે જ્યારે એમનું ‘ઈનીડ’ રચવાનો આરંભ કર્યો ત્યારે એ નેપલ્સમાં હતા. બન્ને પરસ્પરથી પરિચિત હતા. પણ બન્નેને એમના આ ‘વિરાટ કાર્ય’નો પ્રત્યક્ષ પરિચય ન હતો. આમ, બન્નેએ પરસ્પર પરના પ્રભાવ વિના જ આવું એકસમાન સર્જન કર્યું હતું એ યોગાનુયોગ જગતસાહિત્યના ઇતિહાસની એક અસાધારણ આશ્ચર્યજનક ઘટના છે. ‘Literature’ — સાહિત્ય શબ્દ પ્રથમ વાર રોમન પ્રજાએ યોજ્યો છે. અને Letters — અક્ષરો શબ્દમાંથી યોજ્યો છે. Literature એટલે Letters’ સાહિત્ય એટલે અક્ષરો. અને અક્ષરો એટલે ભાષાનું લિપિબદ્ધ સ્વરૂપ, લેખિત સ્વરૂપ. આમ, લેખિત સ્વરૂપમાં હોય તે સાહિત્ય. (મૌખિક સ્વરૂપમાં હોય તે લોકવૃત્ત, સાહિત્ય નહિ, ‘લોકસાહિત્ય’ શબ્દ એક અનર્થ છે. આ અનર્થ એટલે કે ‘લોકસાહિત્ય’ જેવો શબ્દ ગુજરાત સિવાય જગતમાં ક્યાંય અસ્તિત્વમાં નથી.) આમ, ‘Literature’ શબ્દ પ્રથમ વાર લૅટિન ભાષામાં યોજાયો છે. ગ્રીક ભાષામાં ‘Literature’ અથવા એના પર્યાયરૂપ સમાનાર્થી કોઈ શબ્દ અસ્તિત્વમાં ન હતો. ઍરિસ્ટોટલ એમના ‘Poetics’ — કાવ્યશાસ્ત્ર — માં આરંભે જ નોંધે છે, ‘જેમાં ભાષાનો ઉપયોગ પદ્યમાં કે ગદ્યમાં થયો હોય એવા કલાસ્વરૂપ માટે કોઈ નામ નથી, એને માટે આપણી પાસે કોઈ સર્વસામાન્ય શબ્દ નથી…’ એટલે કે પદ્યમાં અને ગદ્યમાં સૌ સર્જનાત્મક કૃતિઓ — પદ્યમાં મહાકાવ્ય, ઊર્મિકવિતા, પદ્યનાટક અને ગદ્યમાં સંવાદ, ગદ્યનાટક આદિ–નો અર્થ એક જ સર્વસામાન્ય નામ કે શબ્દથી સમજી-સમજાવી શકાય એવા નામ કે શબ્દનું ગ્રીક ભાષામાં અસ્તિત્વ ન હતું, એટલે કે ‘Literature’ના પર્યાયરૂપ એવા કોઈ નામ કે શબ્દનું ગ્રીકભાષામાં અસ્તિત્વ ન હતું. કારણ કે ગ્રીસમાં મોટા ભાગનાં સર્જનાત્મક લખાણોની મુખ્યત્વે મૌખિક પરંપરા હતી. હોમર પૂર્વેથી લોકવૃત્તની મૌખિક પરંપરામાં મહાકાવ્યો ગવાતાં હતાં. ઊર્મિકવિતા પણ લાયર કે ફ્યુટ જેવા વાદ્ય સાથે ગવાતી હતી. પદ્યનાટકો પણ રંગભૂમિ પરથી બોલાતાં હતાં. ગ્રીક કવિતા અને નાટકનો આરંભ થયો તે પૂર્વે લેખનકળાનો આરંભ તો થયો હતો, લખવાની પરંપરા તો હતી છતાં આ સૌ સર્જનાત્મક કૃતિઓનું પ્રથમ મૌખિક સ્વરૂપમાં પ્રત્યાયન થયું હતું. પછી એમનું લેખિત સ્વરૂપ સિદ્ધ થયું હતું. મહાકાવ્યોનું તો તત્કાલ મૌખિક સ્વરૂપ — improvisation — થયું હતું. હોમરે એમનાં મહાકાવ્યો પ્રથમ મૌખિક સ્વરૂપમાં શ્રોતાઓ સમક્ષ પ્રગટ કર્યાં હતાં. પછી સદ્ભાગ્યે આયુષ્યનાં અંતિમ વર્ષોમાં એમનું લેખિત સ્વરૂપ સિદ્ધ કર્યું હતું. ગ્રીક કવિતાના છંદો અને સંગીતના સ્વરો વચ્ચે એકસમાન લય હતો એથી આ શક્ય હતું. પણ લૅટિન કવિતાના છંદો અને સંગીતના સ્વરો વચ્ચે એકસમાન લય ન હતો. વળી ઈ. પૂ. ૩જી સદીમાં લૅટિન કવિતાનો આરંભ થયો ત્યારે લેખનકળાનો વ્યાપક પ્રચાર થયો હતો. એથી લૅટિન કવિતાની મુખ્યત્વે મૌખિક પરંપરા ન હતી. લૅટિન મહાકાવ્યોની તો માત્ર લેખિત પરંપરા જ હતી. લૅટિન ઊર્મિકવિતા ક્વચિત્ ગવાતી હતી. ઉદાહરણ હોરેસનાં કેટલાંક સ્તોત્રો. પણ એની પણ મુખ્યત્વે લેખિત પરંપરા જ હતી. આ સંદર્ભમાં હોમરનાં મહાકાવ્યોની આદિમ મૌખિક પરંપરા હતી, વર્જિલના મહાકાવ્યની આદિમોત્તર લેખિત એટલે કે સાહિત્યિક પરંપરા હતી. હોમરનાં મહાકાવ્યો શ્રવણ માટે, શ્રોતાઓ માટે રચાયાં હતાં. વર્જિલનું મહાકાવ્ય વાચન માટે, વાચકો માટે રચાયું હતું. હોમરનાં મહાકાવ્યો (પ્રેમાનંદનાં આખ્યાનકાવ્યોની જેમ) વિદ્વદ્ભોગ્ય તેમ જ લોકભોગ્ય હતાં. વર્જિલનું મહાકાવ્ય (કાન્તનાં કથનોર્મિકાવ્યોની જેમ) માત્ર વિદ્વદ્ભોગ્ય હતું. હોમર નગરરાજ્યના કવિ હતા. વર્જિલ રોમન સામ્રાજ્યના કવિ હતા. હોમરનાં મહાકાવ્યો સંસ્કૃત સાક્ષર ભદ્રસમાજ ઉપરાંત પ્રાકૃત નિરક્ષર બહુજનસમાજ માટે રચાયાં હતાં. વર્જિલનું મહાકાવ્ય માત્ર સંસ્કૃત સાક્ષર ભદ્રસમાજ માટે રચાયું હતું. એથી હોમરનાં મહાકાવ્યો અને વર્જિલના મહાકાવ્યમાં શૈલીસ્વરૂપનું અસામ્ય છે. હૉમરનાં મહાકાવ્યો અને વર્જિલના મહાકાવ્યમાં એથી પણ વધુ મહત્ત્વનું એક અન્ય અસામ્ય છે. હોમરનાં મહાકાવ્યો અને વર્જિલનું મહાકાવ્ય ભિન્ન ભિન્ન સમયમાં અને સ્થળમાં, ભિન્ન ભિન્ન સમાજમાં અને સંસ્કૃતિમાં રચાયાં હતાં, બન્નેમાં ભિન્ન ભિન્ન રાજકીય, સામાજિક, નૈતિક, આધ્યાત્મિક અને ધાર્મિક ભૂમિકા છે, ભિન્ન ભિન્ન જીવનદર્શન અને વિશ્વદર્શન છે. ભિન્ન ભિન્ન મૂલ્યો, આદર્શો અને ભાવનાઓ, લક્ષ્ય, હેતુ અને આશય છે; બન્નેમાં વીરત્વ અને વીરનાયક વિશેની ભિન્ન ભિન્ન વિચારણા અને વિભાવના છે. એથી હોમરનાં મહાકાવ્યો અને વર્જિલના મહાકાવ્યમાં વસ્તુવિષયનું વિશેષ મહત્ત્વનું અસામ્ય છે. ‘ઇલિયડ’માં એક નગરનું, ટ્રૉયનું વિસર્જન છે. ‘ઈનીડ’માં એક નગરનું, રોમનું સર્જન છે. હોમરના મહાકાવ્યનું શીર્ષક ભલે ‘ઇલિયડ’ હોય પણ એમાં મહત્ત્વ ઇલિયુમનું, ટ્રૉયનું, એક નગરનું નથી; ઍકિલીસનું, એક વ્યક્તિનું છે. વર્જિલના મહાકાવ્યનું શીર્ષક ભલે ‘ઈનીડ’ હોય પણ એમાં મહત્ત્વ ઈનીઍસનું, એક વ્યક્તિનું નથી; રોમનું, એક નગરનું છે. ‘ઇલિયડ’માં ‘સમષ્ટિ નહિ, વ્યક્તિ’ કેન્દ્રમાં છે; એક વ્યક્તિને માટે, ઍક્લીસને માટે, એના અહમ્‌ અને આત્મગૌરવને માટે સમષ્ટિનો, ટ્રૉયનો ત્યાગ છે. ‘ઈનીડ’માં ‘વ્યક્તિ નહિ, સમષ્ટિ’ કેન્દ્રમાં છે; સમષ્ટિને માટે, રોમને માટે એક વ્યક્તિનો, ઈનીઍસનો, એના અહમ્‌ અને આત્મગૌરવનો, એના સુખ અને સર્વસ્વનો ત્યાગ છે. ‘ઇલિયડ’ યુદ્ધનું કાવ્ય છે; એમાં યુદ્ધ છે, યુયુત્સા છે. ‘ઈનીડ’ શાંતિનું, વિશ્વશાંતિનું કાવ્ય છે; એમાં યુદ્ધ છે પણ યુયુત્સા નથી, એમાં શાંતિ અર્થે યુદ્ધ છે, યુદ્ધ દ્વારા અંતે શાંતિ છે. ‘ઇલિયડ’ માત્ર અતીતનું કાવ્ય છે. ‘ઈનીડ’ અતીત, અધુના અને અનાગતનું કાવ્ય છે. ‘ઇલિયડ’માં માત્ર પુરાણકથા છે. ‘ઈનીડ’માં પુરાણકથા ઉપરાંત ઇતિહાસ છે. ‘ઇલિયડ’માં કથા, કાર્ય અને પાત્ર પ્રધાન છે; નૈતિકતા, આધ્યાત્મિકતા, ધાર્મિકતા, ફિલસૂફી, જીવનદર્શન, વિશ્વદર્શન ગૌણ છે. ‘ઈનીડ’માં નૈતિકતા, આધ્યાત્મિકતા, ધાર્મિકતા, ફિલસૂફી, જીવનદર્શન, વિશ્વદર્શન પ્રધાન છે; કથા, કાર્ય અને પાત્ર ગૌણ છે. હોમરનાં મહાકાવ્યો અને વર્જિલના મહાકાવ્યની તુલના ઉચ્ચાવચતાક્રમ માટે કદી ન હોય. એકનું મહાકાવ્ય અન્યના મહાકાવ્યથી વધુ મહાન છે એવા પ્રતિપાદન માટે કદી ન હોય. એથી તો બન્નેને અન્યાય થાય. પ્રત્યેકની કવિપ્રતિભા અને કાવ્યસિદ્ધિ એકસમાન મહાન છે. હોમરને કારણે વર્જિલ મહાકવિ છે એમાં હોમરની મહત્તા છે. હોમર હોવા છતાં વર્જિલ મહાકવિ છે એમાં વર્જિલની મહત્તા છે. વર્જિલના ‘ઈનીડ’ની પંક્તિએ પંક્તિએ હોમરનાં ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’નું એકસાથે સ્મરણ અને વિસ્મરણ થાય છે. એમાં બન્નેની મહત્તા છે. છતાં ખ્રિસ્તી ધર્મના વર્ચસ્‌ના યુગમાં, મધ્યયુગમાં ‘ઈશ્વરેચ્છા બલિયસી’, ‘પ્રભુનું રાજ્ય’, ‘પ્રભુની નગરી’, જગતભરમાં એક જ રાજ્ય, વિશ્વરાજ્ય આદિમાં ‘ઈનીડ’માં મનુષ્યની ઇચ્છાથી નહિ પણ વિધિનિર્માણથી રોમનું એટલે કે વિશ્વરાજ્યનું સર્જનમાંની નૈતિકતા, આધ્યાત્મિકતા અને ધાર્મિકતાનું અનુસંધાન હતું. એથી ‘ઈનીડ’નું બાઇબલ પછી એક મહાન ધર્મગ્રંથ જેવું સ્થાન હતું, પુનરુત્થાન યુગમાં ‘ઈનીડ’માં જે સમાજ અને સંસ્કૃતિ છે, જે જીવનદર્શન અને વિશ્વદર્શન છે એનું અનુસંધાન હતું. એથી ‘ઈનીડ’ સૌ કવિઓ માટે મહાકાવ્યના આદર્શરૂપ હતું. મધ્યયુગમાં ડેન્ટિએ અને પુનરુત્થાન યુગમાં મિલ્ટને વર્જિલની મહાકાવ્યની પરંપરામાં એમનું મહાકાવ્ય સિદ્ધ કર્યું હતું. ‘ઈનીડ’નો સાર આ પ્રમાણે છે:

ગ્રંથ ૧: ઈનીઍસ તથા ટ્રૉજન સહયાત્રીઓનું કાર્થેજમાં આગમન
ગ્રંથ ૨: ઈનીઍસની કથા ને ટ્રૉયનું પતન
ગ્રંથ ૩: ઈનીઍસની કથાનું અનુસંધાન — ઈનીઍસની યાત્રા
ગ્રંથ ૪: ડાઈડોની કરુણતા
ગ્રંથ ૫: ઍન્કાઇસિસની મૃત્યુતિથિનો ઉત્સવ
ગ્રંથ ૬: પાતાલલોકમાં ઈનીઍસની યાત્રા
ગ્રંથ ૭: ઈનીઍસ તથા ટ્રોજન સહયાત્રીઓનું લૅટિયમમાં આગમન, યુદ્ધની પૂર્વભૂમિકા
ગ્રંથ ૮: ભાવિ રોમના સ્થળની યાત્રા, ઇવેન્ડર સાથે સંધિ
ગ્રંથ ૯: ટ્રોજન સૈન્ય પર લૅટિન સૈન્યનું આક્રમણ
ગ્રંથ ૧૦: આક્રમણનો અંત — યુદ્ધ
ગ્રંથ ૧૧: લૅટિન યુદ્ધસભા — દ્વિતીય યુદ્ધ
ગ્રંથ ૧૨: ઈનીઍસ અને ટૂર્નુસ વચ્ચે દ્વંદ્વયુદ્ધ ટૂર્નુસનું મૃત્યુ

‘ઈનીડ’નું ત્રિવિધ વિભાજન શક્ય છે: ૧. બે વિભાગમાં — ગ્રંથ ૧-૬, પૂર્વાર્ધ, ઈનીઍસની યાત્રા અને ગ્રંથ ૭-૧૨, ઉત્તરાર્ધ, ઈનીઍસનું યુદ્ધ. ૨. ત્રણ વિભાગમાં ગ્રંથ — ૧-૪, ઈનીઍસને ‘વિરાટ કાર્ય’ માટે આદેશ; ગ્રંથ ૫-૮, ઈનીઍસની ‘વિરાટ કાર્ય’ માટેની સજ્જતા અને ગ્રંથ ૮-૧૨, ઈનીઍસની ‘વિરાટ કાર્ય’ની સિદ્ધિ, ૩. છ વિભાગમાં — બેકી સંખ્યાના ગ્રંથોમાં નાટ્યાત્મકતા, સંઘર્ષ, ત્વરિત ગતિ અને એકી સંખ્યાના ગ્રંથોમાં કથનાત્મકતા, વિશ્રાંતિ, મંદ ગતિ. ‘ઈલિયડ’નો જ્યાં અંત છે ત્યાંથી જેમ ‘ઑડિસી’નો આરંભ છે તેમ ત્યાંથી જ ‘ઈનીડ’નો પણ આરંભ છે. ‘ઇલિયડ’માં જેમ ઑડિસ્યૂસ ગૌણ પાત્ર છે અને ‘ઑડિસી’માં પ્રધાન પાત્ર છે તેમ જ ‘ઇલિયડ’માં ઈનીઍસ ગૌણ પાત્ર છે અને ‘ઈનીડ’માં પ્રધાન પાત્ર છે. ‘ઇલિયડ’માં ટ્રૉયના યુદ્ધ પછી જેમ ‘ઑડિસી’માં ઑડિસ્યૂસની સમુદ્રયાત્રા છે તેમ જ ‘ઇલિયડ’માં ટ્રૉયના યુદ્ધ પછી ‘ઈનીડ’માં ઈનીઍસની સમુદ્રયાત્રા છે. હોમરે જેમ ‘ઇલિયડ’ના અનુસંધાનમાં ‘ઑડિસી’ રચ્યું છે તેમ જ વર્જિલે ‘ઇલિયડ’ના અનુસંધાનમાં ‘ઈનીડ’ રચ્યું છે. ઇથાકામાંથી ઑડિસ્યૂસની વિદાયમાં ‘ઑડિસી’નો અંત છે પણ લૅટિઅમમાં એટલે કે રોમમાં ઈનીઍસના આગમનમાં ‘ઈનીડ’નો અંત છે. ‘ઇલિયડ’માં ટ્રૉયના યુદ્ધ પછી ટ્રૉયનું વિસર્જન છે પણ ‘ઈનીડ’માં ટ્રૉયના યુદ્ધ પછી ઈનીઍસની સમુદ્રયાત્રા, તે પછી વળી યુદ્ધ અને અંતે શાંતિ પછી રોમનું સર્જન છે. હોમરમાં એક મહાકાવ્યમાં પ્રથમ યુદ્ધ અને પછી અન્ય મહાકાવ્યમાં સમુદ્રયાત્રા છે પણ વર્જિલમાં એક જ મહાકાવ્યમાં પ્રથમ સમુદ્રયાત્રા અને પછી યુદ્ધ છે. આમ, વર્જિલે હોમરનાં મહાકાવ્યોમાં જે વસ્તુવિષય છે તેનો વ્યુત્ક્રમ કર્યો છે અને હોમરનાં બન્ને મહાકાવ્યોનો એક જ મહાકાવ્યમાં સમાસ કર્યો છે. ‘ઈનીડ’માં રોમનું વિધિનિર્માણ બે સ્તરે સિદ્ધ થાય છે. દેવ-દેવીઓના સ્તરે અને મનુષ્યોના સ્તરે. આ બન્ને સ્તરો પ્રત્યક્ષપણે અને કેટલાંક મનુષ્યેતર પાત્રો તથા સ્વપ્નો, દર્શનો, ભવિષ્યદર્શનો, સંદેશાઓ, ચમત્કારો આદિ પ્રસંગો દ્વારા પરોક્ષપણે એકમેક સાથે ઓતપ્રોત છે. વિધાતાની ઇચ્છાથી રોમનું વિધિનિર્માણ થયું છે એથી એ વિધિનિર્માણ અંતે સિદ્ધ થવું અનિવાર્ય છે. એની વચમાં કોઈ દેવ-દેવી–દેવાધિદેવ જ્યૂપિટર સુધ્ધાં– અને કોઈ મનુષ્ય — ઈનીઍસ સુધ્ધાં–આવી શકે જ નહિ, ફાવી શકે જ નહિ. અનેક દેવ-દેવીઓ, મનુષ્યેતર પાત્રો અને મનુષ્યો આ વિધિનિર્માણને અનુકૂળ છે. તો અનેક દેવ-દેવીઓ, મનુષ્યેતર પાત્રો અને મનુષ્યો આ વિધિનિર્માણમાં અનેક વિઘ્નો, બાધાઓ, અવરોધો, અંતરાયો રચે-રચાવે છે, અને પ્રતિકૂળ થવાનો પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ જાય છે અને અંતે એમને માટે અનુકૂળ થવાનું અનિવાર્ય થાય છે. ‘ઈનીડ’માં નૈતિકતા, આધ્યાત્મિકતા અને ધાર્મિકતાનું પરિમાણ છે. હોમરનાં મહાકાવ્યોમાં આ પરિમાણ નથી. મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ વિધાતાની ઇચ્છાથી — અલબત્ત, મનુષ્ય દ્વારા — રોમનું વિધિનિર્માણ સિદ્ધ થાય છે એથી એ રોમ અમર છે, એનો કદી નાશ નથી. વળી જ્યૂપિટરના રહસ્યદર્શનમાં, ઍન્કાઇસિસના ઇતિહાસદિગ્દર્શનમાં અને વલ્કનની ચિત્રાવલિમાં સૂચન છે તેમ એ રોમ એક નગર માત્ર નથી, પણ સામ્રાજય છે, વિશ્વનગર છે. એથી રોમ એ શાશ્વત અને વૈશ્વિક નગર — eternal and universal city છે, શાશ્વત વિશ્વરાજ્ય છે. મનુષ્ય દ્વારા આ વિધિનિર્માણ સિદ્ધ થાય છે એથી એ મનુષ્ય એક આદર્શ મનુષ્ય હોય એ અનિવાર્ય છે. ઈનીઍસ આરંભમાં અપૂર્ણ મનુષ્ય છે પણ ક્રમે ક્રમે ઉત્તરોત્તર આત્મવિલોપન દ્વારા એની આત્મોપલબ્ધિ થાય છે. વ્યક્તિનિષ્ઠ વ્યક્તિત્વના ત્યાગ દ્વારા એને સમષ્ટિનિષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે અને અંતે એ લગભગ સંપૂર્ણ મનુષ્ય છે,આદર્શ મનુષ્ય છે; પ્રતીકરૂપ, અપવાદરૂપ મનુષ્ય છે, વિશિષ્ટ મનુષ્ય છે, મનુષ્યવિશેષ છે, વિધિવર્યો મનુષ્ય — man of destiny છે, વ્યક્તિ નહિ પણ વિશ્વમાનવી છે. (અગાઉ વિગતે નોંધ્યુ તેમ, વર્જિલના સૌ સમકાલીનો માટે આ રોમ અને આ મનુષ્યની સંબદ્ધતા હતી. તો આજ પૂર્વેના, આજના અને આજ પછીના વર્જિલના સૌ અનુકાલીનો માટે એથી યે વિશેષ સંબદ્ધતા છે.) ‘ઈનીડ’નો આરંભ કથાની અધવચથી થાય છે. દેવાધિદેવ જ્યૂપિટરની પત્ની જ્યૂનોને પૂર્વે સૌંદર્યસ્પર્ધામાં ટ્રૉયના રાજકુમાર પૅરિસે એનો પુરસ્કાર કર્યો ન હતો એ મુખ્ય (તથા અન્ય અનેક) કારણે ટ્રૉય અને સૌ ટ્રૉજનો પ્રત્યે ધિક્કાર છે. વળી એને ડાઈડોના નગર કાર્થેજ પ્રત્યે પ્રેમ છે. ઈનીઍસ રોમનું વિધિનિર્માણ સિદ્ધ કરવાનો છે અને ભવિષ્યમાં રોમ કાર્થેજને ભસ્મીભૂત કરવાનું છે એવી બન્ને ભવિષ્યવાણીથી એ પરિચિત છે. એથી ઈનીઍસ ટ્રૉયથી વિદાય થયા પછી સાત વરસની સુદીર્ઘ સમુદ્રયાત્રા પછી સિસિલીથી લૅટિઅમ જવા વિદાય થાય છે ત્યારે જ, લૅટિઅમ હવે અત્યંત નિકટ છે ત્યારે જ જ્યૂનો પોતાનો ટ્રૉય અને ટ્રોજનો પ્રત્યેનો ધિક્કાર અને કાર્થેજ પ્રત્યેનો પ્રેમ સિદ્ધ થાય એ માટે, ઈનીઍસનો નાશ થાય અથવા એ લૅટિઅમ જાય જ નહિ, તો રોમનું વિધિનિર્માણ સિદ્ધ થાય જ નહિ અને તો કાર્થેજનો નાશ થાય જ નહિ એ માટે પવનના દેવ ઈઓલસ દ્વારા સમુદ્રમાં એક ભીષણ ઝંઝાવાત સર્જાવે છે. કેવી કરુણ વક્રતાથી જ ‘ઈનીડ’નો આરંભ થાય છે ! પણ પૂર્વે ટ્રૉયમાં ઈનીઍસે સમુદ્રના દેવ પૉસાઇડન (એટલે કે નૅપ્ચ્યૂન)ને અનેકવાર અર્ઘ્ય અર્પણ કર્યો હતો. એથી નૅપ્ચ્યૂન એની પર પ્રસન્ન છે. ટ્રૉયના યુદ્ધ પછી ઈનીઍસ ટ્રૉયમાંથી સુરક્ષિત વિદાય થાય એવી પૂર્વે પણ એમની ઈનીઍસ પ્રત્યે શુભેચ્છા હતી. વળી એ સમુદ્રના દેવ છે. એમની પોતાની જ ભગિની જ્યૂનો તથા ઈઓલસે એમના સામ્રાજ્ય પર આ અનધિકાર આક્રમણ કર્યું છે એથી એમનો પ્રતિકાર કરવો જ રહ્યો. એથી નૅપ્ચ્યૂન આ ઝંઝાવાતનું વિસર્જન કરે છે. એથી ઈનીઍસ અને એના સહયાત્રીઓ અંતે સુરક્ષિત થાય છે. પણ હવે એમને માટે સિસિલીની ઉત્તરપૂર્વ દિશામાં લૅટિઅમ જવાનું અશક્ય થાય છે અને માત્ર સાત નૌકાઓ સાથે એથી વિરુદ્ધ એવી સિસિલીની દક્ષિણપશ્ચિમ દિશામાં ઉત્તર આફ્રિકાના સમુદ્રતટ પર કાર્થેજ જવાનું અનિવાર્ય થાય છે. ઈનીઍસ દેવી વીનસનો પુત્ર છે. એનું જીવન ભયમાં છે. એથી વીનસને માતા તરીકે સહજ સ્વાભાવિક જ એની ચિન્તા થાય છે. ઑલિમ્પસ પર એ જ્યૂપિટરને ઈનીઍસની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. જ્યૂપિટર વીનસની સમક્ષ વિધાતાએ રોમનું વિધિનિર્માણ કર્યું છે અને ઈનીઍસ દ્વારા એ સિદ્ધ થવાનું છે અને ભવિષ્યમાં રોમ સામ્રાજ્ય થવાનું છે એનું રહસ્યોદ્ઘાટન કરે છે. એથી ઈનીઍસ સુરક્ષિત જ છે એની વીનસને પ્રતીતિ થાય છે. પછી જ્યૂપિટર કાર્થેજમાં ઈનીઍસ અને એના સહયાત્રીઓનું ભવ્ય સ્વાગત થાય એ માટે પોતાના સંદેશવાહક મર્ક્યુરીને કાર્થેજ જવાની આજ્ઞા કરે છે. એથી વીનસને સંપૂર્ણ સાન્ત્વન થાય છે. કાર્થેજમાં કાર્થેજની મહારાજ્ઞી ડાઈડો સ્વયં ઈનીઍસ અને એના સૌ સહયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરે છે. વીનસને હવે પોતાના પુત્ર માટે ડાઈડોને પ્રેમ થાય એવી ઇચ્છા છે. એથી વીનસની પ્રેરણાથી, વીનસના અન્ય પુત્ર અને પ્રેમના દેવ ક્યુપિડની પ્રયુક્તિથી ડાઈડોને ઈનીઍસ માટે પ્રથમ દૃષ્ટિએ જ પ્રેમ થાય છે. તે પૂર્વે પણ એ ટ્રૉયની કથાથી અને ઈનીઍસની કીર્તિથી પરિચિત હતી. અને હવે એને પણ ઈનીઍસનો કાર્થેજમાં સ્થાયી નિવાસ થાય એવી ઇચ્છા છે. એથી ઈનીઍસ તરત જ કાર્થેજમાંથી વિદાય ન થાય એ માટે પ્રથમ તો ડાઈડો એને ટ્રૉયના યુદ્ધની અને એ યુદ્ધ પછીની એની સમુદ્રયાત્રાની સમગ્ર કથા કહેવાની વિનંતી કરે છે. આ કથા અત્યંત કરુણ છે, એનું સ્મરણ પણ અસહ્ય છે એથી પ્રથમ તો ઈનીઍસ આ વિનંતીનો અસ્વીકાર કરે છે પણ ડાઈડોના અતિ આગ્રહથી અંતે એનો સ્વીકાર કરે છે અને ભારે વિષાદ અને વેદના સાથે એ સમગ્ર કરુણા કથા કહે છે. ઈનીઍસ ટ્રૉયના રાજકુટુંબના એક સભ્ય ઍન્કાઇસિસનો પુત્ર છે, એ રાજવંશી છે. એ દેવી વીનસનો પુત્ર છે, એ દિવ્ય છે. એ દૈવ, રાજ્ય, કુટુંબ સૌને અધીન છે. એ વિનમ્ર છે. કુશળ યોદ્ધો છે, એ વીરપુરુષ છે. કાષ્ઠતુરગનો ટ્રૉયમાં પ્રવેશ થાય એમાં એનો સક્રિય સહકાર છે એટલો જ એનામાં રાજ્યદ્રોહનો એકમાત્ર દોષ છે. પણ પછી એ જ રાતે સ્વપ્નમાં એની સમક્ષ એના પિતરાઈ ભાઈ હૅક્ટરનો મૃતાત્મા પ્રકટ થાય છે અને રાતે એ કાષ્ઠતુરગમાંના ગ્રીક સૈન્યે ટ્રૉય પર ઓચિંતું આક્રમણ કર્યું છે અને ગ્રીક સૈન્યનો પ્રતિકાર અશક્ય છે અને ટ્રૉયનો પરાજય અનિવાર્ય છે એથી ટ્રૉયના પૅલેડિઅમ (જે પછીથી, આગળ નોંધ્યું છે તેમ, રોમન ચોકમાં વેસ્ટાના દેવળમાં રોમની સ્થાપનાના સમયથી ઈ. ૧૯૧ લગી, સદીઓ લગી સુરક્ષિત હતી.) આદિ પવિત્ર અવશેષો સાથે ટ્રૉયમાંથી કોઈ સુરક્ષિત સ્થળે વિદાય થવાનું સૂચન કરે છે. પણ ઈનીઍસ તરત યુદ્ધભૂમિ પર જાય છે, યુદ્ધમાં સક્રિય થાય છે પણ નિષ્ફળ જાય છે અને ટ્રૉયનો પરાજય થાય છે. એથી તરત એ કુટુંબના રક્ષણ માટે પોતાના નિવાસસ્થાને જાય છે. ખભા પર પિતા ઍન્કાઇસિસ, આંગળીએ પુત્ર ઍસ્કાનિઅસ તથા સાથમાં પત્ની ક્રુસા, પોતાના સેવકો અને પોતાની ગૃહદેવીઓ પીનેઇટ્સ તથા પૅલેડિઅમ આદિ ટ્રૉયના પવિત્ર અવશેષો સાથે ટ્રૉયમાંથી કોઈ સુરક્ષિત સ્થળે જવાને વિદાય થાય છે. માર્ગમાં પત્ની ક્રુસા અલોપ થાય છે. એની શોધ માટે એ ટ્રૉય પાછો જાય છે. એટલામાં પત્નીનું અવસાન થાય છે. પત્નીનો મૃતાત્મા એની સમક્ષ પ્રકટ થાય છે અને લૅટિઅમમાં એક નવું રાજ્ય અને એક નવી પત્ની એની પ્રતીક્ષા કરે છે એવી ભવિષ્યવાણી ઉચ્ચારે છે. એથી એ અગ્નિની જ્વાળાઓમાં ભસ્મીભૂત થતાં ટ્રૉયના અંતિમ દર્શન સાથે વિદાય થાય છે અને અંતે એ પિતા, પુત્ર, સેવકો તથા અનેક ટ્રૉજન નિર્વાસિતોની સાથે એમની નૌકાઓમાં એક નિર્વાસિત તરીકે સમુદ્ર-પ્રયાણ કરે છે. ટ્રૉયના યુદ્ધની કથા એ એક યુદ્ધગ્રસ્ત અને યુદ્ધત્રસ્ત મનુષ્યની કથા છે. પરાજયની કથા છે. ઈનીઍસ પ્રથમ ટ્રૉયની ઉત્તરપશ્ચિમ દિશામાં થ્રેઈસ જાય છે. અહીં સ્થાયી નિવાસ માટે એક નાનું નગર રચે છે. પણ પછી પ્રાયમના પુત્રની આ પ્રદેશના રાજાએ હત્યા કરી છે એમ એની સમાધિ પરથી એ જાણે છે એથી અહીં સ્થાયી નિવાસ કરવામાં ભય છે એમ સમજીને વિદાય થાય છે. પછી એ ટ્રૉયની દક્ષિણપશ્ચિમ દિશામાં ડૅલોસના દ્વીપ પર જાય છે. અહીં દેવ ઍપોલોના પૂજારીઓ એના પ્રથમ પૂર્વજ જે સ્થળેથી આવ્યા હતા તે સ્થળે એણે એક નવું નગર રચવાનું છે એવી ભવિષ્યવાણી ઉચ્ચારે છે. એના એક પૂર્વજ ટ્યુસર ક્રીટમાંથી આવ્યા હતા એથી આ સ્થળ તે ક્રીટ એવું અર્થઘટન કરે છે. એથી એ ડૅલોસની દક્ષિણ દિશામાં ક્રીટના દ્વીપ પર જાય છે. અહીં એ એક નાનું નગર રચે છે. પણ એક રાતે દર્શનમાં ટ્રૉયના દેવો આ સ્થળ તે ક્રીટ નહિ પણ ક્રીટની પશ્ચિમ દિશામાં લૅટિઅમ એમ સ્પષ્ટતા કરે છે. એના પ્રથમ પૂર્વજ ડાર્ડેનસ લૅટિઅમમાંથી આવ્યા હતા અને ટ્રૉય નગર રચ્યું હતું એનું એને સ્મરણ થાય છે. (લૅટિઅમના એક નિવાસી ડાર્ડેનસ એશિયા માઇનરમાં ટ્રૉયનું સર્જન કરે છે તો એશિયા માઇનરના, ટ્રૉયના એક નિવાસી ઈનીઍસ લૅટિઅમમાં રોમનું સર્જન કરે છે, આમ, લૅટિઅમના નિવાસીનો એક વંશજ જ અંતે રોમનું સર્જન કરે છે. નગરસર્જનની આ સમગ્ર પ્રક્રિયા વર્તુલાકાર છે.) એથી એ ક્રીટથી પશ્ચિમ દિશામાં પ્રયાણ કરે છે. એ ક્રીટની ઉત્તરપશ્ચિમ દિશામાં સ્ટ્રોફેડીસના દ્વીપ પર જાય છે. અહીં દુષ્ટ હાર્પીઓનો ઉપદ્રવ હોય છે એથી એ સ્ટ્રોફેડીસની ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે. એ ઍક્ટિઅમ જાય છે. અહીં હૅક્ટરની વિધવા ઍન્ડ્રોમૅકી અને એના દ્વિતીય પતિ હેલેનસ સાથે મિલન થાય છે. હેલેનસ એને લૅટિઅમમાં ક્યુમીમાં સિબીલને મળવાનું સૂચન કરે છે. અહીંથી એ ઍક્ટિઅમની ઉત્તરપશ્ચિમ દિશામાં પ્રયાણ કરે છે. સમુદ્રતટ પરનાં અનેક ગ્રીક નગરોમાંથી પસાર થાય છે અને એ સિસિલીના પૂર્વ તટ પર જાય છે. અહીં એકાક્ષી રાક્ષસો — સાઇક્લૉપ્સ–નો ઉપદ્રવ છે એથી એ સિસિલીના પશ્ચિમ તટ પ્રતિ પ્રયાણ કરે છે અને ડ્રૅપાનમ જાય છે. અહીંના રાજા આસેસ્ટીસ સૌનું પ્રેમપૂર્વક સ્વાગત કરે છે. અહીં પિતા ઍન્કાઇસિસનું અવસાન થાય છે. અહીં એ પિતાનો અંતિમ સંસ્કાર કરે છે અને પિતાના અવસાનના આઘાત અને દુઃખ સાથે સિસિલીની ઉત્તરપૂર્વ દિશામાં લૅટિઅમ પ્રતિ પ્રયાણ કરે છે. સાત વરસની આ સુદીર્ઘ સમુદ્રયાત્રા પછી લૅટિઅમ હવે અત્યંત નિકટ છે ત્યારે જ સમુદ્રમાં પૂર્વોક્ત ભીષણ ઝંઝાવાત થાય છે અને એથી લૅટિઅમ જવાનું અશક્ય થાય છે અને માત્ર સાત નૌકાઓ સાથે એથી વિરુદ્ધ દિશામાં કાર્થેજ જવાનું અનિવાર્ય થાય છે. સમુદ્રયાત્રાની આ કથા એ એક યાત્રાગ્રસ્ત અને યાત્રાત્રસ્ત મનુષ્યની કથા છે, પરિશ્રમની કથા છે. આમ, ટ્રૉયના યુદ્ધથી તે કાર્થેજમાં આગમન લગીની કથા અહીં સમાપ્ત થાય છે. આ કથા એ ‘ઈનીડ’માં પશ્ચાત્દર્શનરૂપ છે, ‘કથાની અંદર કથા’ રૂપ છે. મહાકાવ્યમાં ઉપાખ્યાનરૂપ છે. એમાં હૅક્ટર, પત્ની, ઍપોલોના પૂજારીઓ, ટ્રૉયના દેવો દ્વારા વિધાતાએ રોમનું ભાગ્યનિર્માણ કર્યું છે અને એની દ્વારા એ સિદ્ધ થવાનું છે એનું ઈનીઍસને સૂચન પ્રાપ્ત થાય છે. આ સમુદ્રયાત્રામાં એને અનેક વાર નિર્વેદ અને નિરુત્સાહને કારણે, અંગત સુખ અને શાંતિને કારણે, વિધિનિર્માણ પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતાને કારણે અનેક સ્થળે સ્થાયી નિવાસ થાય એવી આશા-અપેક્ષા છે. પણ ક્યાંય સ્થાયી નિવાસ કરવાનું અશક્ય થાય છે. એને માટે ઈનીઍસનાં જે કારણો હોય તે. એણે રોમનું ભાવિનિર્માણ સિદ્ધ કરવાનું છે અને એથી એને માટે લૅટિઅમ જવાનું અનિર્વાય થાય છે એ સાચું કારણ તો છે. આ સમગ્ર કથનમાં વર્જિલે ઈનીઍસ માટે ‘pius’ એવું વિશેષણ યોજ્યું છે. ‘ઈનીડ’માં વિશેષણોનો સવિશેષ મહિમા છે. એમાં પણ આ વિશેષણનો સૌથી વિશેષ મહિમા છે. એના અનેક અર્થો — ઉદાત્ત, ઉદાર, સજ્જન, સન્નિષ્ઠ આદિ છે. પણ એનો સર્વશ્રેષ્ઠ અર્થ છે દૈવાધીન, વિનમ્ર. આ એક જ વિશેષણમાં ઈનીઍસનું સમગ્ર ચરિત્ર, ચારિત્ર્ય, વ્યક્તિત્વ, એની સમગ્ર પ્રતિભાનું સારસર્વસ્વ પ્રકટ થાય છે. ઈનીઍસની આ કથા એ પરાજય અને પરિશ્રમની કથા છે. અને ઈનીઍસ ભારે વિષાદ અને વેદના સાથે એનું કથન કરે છે. એથી ડાઈડોનો એની પ્રત્યેનો પ્રેમ હવે માત્ર પ્રેમ નથી, પ્રેમોદ્રેક છે, પ્રેમોન્માદ છે. ઈનીઍસ પણ આ કથન દ્વારા પોતાના પરાજય અને પરિશ્રમનું સ્મરણ કરે છે અને પુનશ્ચ એનો અનુભવ કરે છે. વળી, હમણાં જ એણે પિતાનું અવસાન અને ઝંઝાવાત આદિનો એવો જ ક્રૂર અને કરુણ વિશેષ અનુભવ કર્યો છે. એથી એનામાં અભાન-સભાનપણે ડાઈડોના આ પ્રેમોન્માદને અનુકૂળ એવો પ્રત્યુત્તર પ્રકટ થાય છે, રોમના વિધિનિર્માણને પ્રતિકૂળ એવું વિપર્યય અને વિસ્મરણ પ્રકટ થાય છે. વળી, વીનસને પણ એને પત્ની હોય, પરિવાર હોય, ગૃહજીવન હોય અને એ માટે એનો કાર્થેજમાં સ્થાયી નિવાસ થાય એવી ઇચ્છા છે. જ્યૂનોને પણ એવી જ ઇચ્છા છે. આમ, વીનસને પ્રેમને કારણે અને જ્યૂનોને ધિક્કારને કારણે એકસમાન ઇચ્છા છે. એથી બન્ને એ વિશે સહમત થાય છે. ઈનીઍસ અને ડાઈડોનું વારંવાર મિલન થાય છે. એક વાર મૃગયા સમયે જ્યૂનો ઓચિંતો આકાશમાં ઝંઝાવાત સર્જે છે. એથી ઈનીઍસ અને ડાઈડોને એક ગુફામાં આશ્રય લેવાનું અનિવાર્ય થાય છે. બે દેવીઓના પ્રભાવમાં બે પ્રેમીઓ એમના પ્રેમનો દેહોત્સર્ગ રચે છે અને પછી સહજીવન માટે એક જ નિવાસસ્થાનમાં પતિ-પત્નીની જેમ નિવાસ કરે છે. જ્યૂપિટરને એની જાણ થાય છે. એ તરત જ એમના સંદેશવાહક મર્ક્યુરી દ્વારા ઈનીઍસને રોમના વિધિનિર્માણનું સ્મરણ કરાવે છે અને કાર્થેજમાંથી સત્વર વિદાય થવાનો આદેશ આપે છે. ઈનીઍસ જ્યૂપિટરના આદેશનું પાલન કરવા અને કાર્થેજમાંથી વિદાય થવા તત્પર થાય છે. પણ એ વિશે ડાઈડો સમક્ષ મૌન ધારણ કરે છે. પણ ડાઈડો એને એમ ન કરવા પ્રથમ તો પ્રાર્થના કરે છે. ઈનીઍસ એના આતિથ્ય માટે ડાઈડોનો આભાર માને છે અને પોતે વિધિસર લગ્ન કર્યું નથી એવો ડાઈડોની પ્રાર્થનાનો પ્રત્યુત્તર પ્રકટ કરે છે. પછી ડાઈડો એનો પ્રેમનો દ્રોહ કરવા માટે ઉપાલંભ કરે છે ત્યારે ઈનીઍસ પોતે દૈવાધીન છે એવી પોતાની અસહાયતા પ્રકટ કરે છે. અને અંતે એક રાતે પોતાના સહયાત્રીઓ સાથે પ્રચ્છન્નપણે કાર્થેજમાંથી વિદાય થાય છે. સવારે ડાઈડોને એની જાણ થાય છે અને એ ભારે રોષ-આક્રોશ સાથે ઈનીઍસના અને પોતાના વંશજો વચ્ચે હંમેશનું યુદ્ધ હજો એવો શાપ ઉચ્ચારે છે (એમાં રોમ અને કાર્થેજ વચ્ચે ત્રણ પ્યુનિક યુદ્ધોનું સૂચન કરે છે.) અને પછી આત્મહત્યા કરે છે. ઈનીઍસે આ પૂર્વે પણ એની સમુદ્રયાત્રામાં રોમનાં વિધિનિર્માણનો દ્રોહ કર્યો હતો પણ તે પૂર્વોક્ત કારણોએ. પણ એણે કાર્થેજમાં ડાઈડોના પ્રેમોન્માદના અનુકૂળ પ્રત્યુત્તરમાં જે દ્રોહ કર્યો છે તે એ સૌ દ્રોહની પરાકાષ્ઠારૂપ દ્રોહ છે. એણે રોમના વિધિનિર્માણના સંપૂર્ણ વિપર્યય અને વિસ્મરણ દ્વારા આ દોષ કર્યો છે. સ્વયં જ્યૂપિટરે એને સ્મરણ કરાવવાનું થાય છે. ઈનીઍસનો આ અક્ષમ્ય અને અરક્ષણીય દોષ છે. પણ એથી તો એ વિધાતાનું સૂત્રસંચાલિત કઠપૂતળું નથી પણ મનુષ્ય છે એવી પ્રતીતિ થાય છે. ઈનીઍસ અપૂર્ણ મનુષ્ય છે. પૂર્વે પણ એની દૈવાધીનતાની, વિનમ્રતાની પરીક્ષા થાય છે. પણ કાર્થેજમાં એની પૂર્વેની સૌ પરીક્ષાઓની પરાકાષ્ઠારૂપ અંતિમ પરીક્ષા, અગ્નિપરીક્ષા થાય છે. અંતે એ ડાઈડોનો ત્યાગ કરે છે અને એ ત્યાગ દ્વારા એ આ અગ્નિપરીક્ષામાંથી અંતિમતાપૂર્વક સફળ ઉત્તીર્ણ થાય છે. ડાઈડોની પ્રાર્થના પ્રત્યે એ સંપૂર્ણ નિર્વિકાર અને નિરાસક્ત છે, નિર્દય અને નિરુત્તર છે — બલકે અમાનુષી છે. હવે એ મનુષ્ય નથી પણ જાણે કે મનુષ્યનું કોઈ ભાવવાચક સ્વરૂપ છે, કોઈ પ્રતીક છે. આમ, ઈનીઍસ એક આદર્શ મનુષ્ય, લગભગ સંપૂર્ણ મનુષ્ય થાય એમાં આ અનુભવનું અમૂલ્ય અર્પણ છે. વળી પોતાને ડાઈડો પ્રત્યે પ્રેમ છે એવો ઈનીઍસે કદી ક્યાંય એકરાર કર્યો નથી અને વર્જિલે પણ કદી ક્યાંય એવું કથન કર્યું નથી. જો કે ‘ઈનીડ’ના આ સ્તબકમાં વર્જિલે ઈનીઍસને માટે પોતાનું પ્રિય એવું વિશેષણ ‘pius’ એક વાર પણ યોજ્યું નથી એ પણ એટલું જ સૂચક છે. અનેક વિવેચકોએ પ્રત્યક્ષપણે અને વર્જિલે આમ પરોક્ષપણે ઈનીઍસની ડાઈડો પ્રત્યેની આ અમાનુષિતાની નિંદા કરી છે અને ડાઈડોના પ્રેમ અને ત્યાગની સ્તુતિ કરી છે. એમાં યે પોતે વિધિસર લગ્ન કર્યું નથી એવી દાઝયા પર ડામ જેવી ઈનીઍસની જૂઠી અને લૂલી દલીલ તો કેવળ દયાપાત્ર જ છે ! ડાઈડોએ પણ ઈનીઍસ પ્રત્યેના પોતાના પ્રેમ દ્વારા દ્રોહ કર્યો છે. ડાઈડો વિધવા છે. આ પ્રેમ એના મૃત પતિ પ્રત્યેનો એનો દ્રોહ છે, એનો દોષ છે. એની એને આરંભમાં ભારે મથામણ અને મૂઝવણ છે. આ પ્રેમ દ્વારા એ મનુષ્ય છે એવી પ્રતીતિ થાય છે. જો કે વીનસ અને જ્યૂનોની પ્રેરણા અને પ્રયુક્તિથી એને ઈનીઍસ પ્રત્યે પ્રેમ થાય છે. એમાં એ દેવીઓની સૂત્રસંચાલિત કઠપૂતળી છે અને એ નિર્દોષ છે એવું સૂચન છે. પણ અંતે એ આત્મહત્યા કરે છે એમાં આ પ્રેમ એ પતિ પ્રત્યેનો દ્રોહ છે, આ દ્રોહ એનો ‘કરુણ દોષ’ છે અને મૃત્યુ એની શિક્ષા છે એવું સૂચન છે. આમ, ડાઈડોના પ્રેમ અને મૃત્યુમાં ગ્રીક ટ્રૅજેડીની કરુણતાનું દર્શન થાય છે. વર્જિલે યુરિપિડીસની ટ્રૅજેડીના પ્રકારની ગ્રીક ટ્રૅજેડીની પરંપરામાં ડાઈડોના પાત્રનું સર્જન કર્યું છે. તો ડાઈડોએ શાપ દ્વારા સમષ્ટિનો દ્રોહ કર્યો છે. એ શાપથી અંતે કાર્થેજ ભસ્મીભૂત થાય છે. એમાં ‘સમષ્ટિ નહિ, વ્યક્તિ’નું હોમરના મહાકાવ્યના આદર્શનું દર્શન થાય છે. ડાઈડો એના અહમ્‌ અને આત્મગૌરવ માટે, એના વૈમનસ્ય અને વેર માટે સમષ્ટિનો ત્યાગ કરે છે એમાં હોમરના મહાકાવ્યની વીરતા પ્રકટ થાય છે. ડાઈડો એ હોમરના વીરપુરુષનું નારીસ્વરૂપ છે. વર્જિલે હોમરના મહાકાવ્યની પરંપરામાં ડાઈડોના પાત્રનું સર્જન કર્યું છે. ઓવિડથી માંડીને અનેક વિવેચકોએ અને સ્વયં વર્જિલે પણ અંતે પોતાની સહાનુભૂતિ ઈનીઍસને નહિ પણ ડાઈડોને અર્પણ કરી છે. સેન્ટ ઑગસ્ટિને તો એમની યુવાનીમાં ડાઈડોને અશ્રુની અંજલિ અર્પણ કરી હતી, (જો કે પછીથી એમણે એ માટે પ્રાયશ્ચિત પણ કર્યું હતું.) અંતે બે દેવીઓ અને એક સ્ત્રી ઈનીઍસને આવા પ્રબળ પ્રેમથી પરાધીન કરવામાં નિષ્ફળ જાય છે અને અંતે ઈનીઍસ સ્વાધીન થવામાં સફળ થાય છે એનું કારણ છે વિધાતાનું રોમનું વિધિનિર્માણ અને એ વિધિનિર્માણ સિદ્ધ કરવાની ઈનીઍસની દૈવાધીનતા. વર્જિલે ઈનીઍસ અને ડાઈડોનાં પાત્રો વચ્ચે સંપૂર્ણ વિરોધ પ્રકટ કર્યો છે. અને એ દ્વારા એમણે હોમરથી ભિન્ન એવો પોતાનો વીરતા અને વીરપુરુષ વિશેનો આદર્શ પ્રકટ કર્યો છે. કલાયટેમ્નેસ્ટ્રા, કલીઓપૅટ્રા, લેડી મૅકબેથ આદિ સ્ત્રીપાત્રોની જેમ ડાઈડોનું પાત્ર એ જગતકવિતામાં એક મહાન સ્ત્રીપાત્ર છે. ‘ઈનીડ’માં ‘ગ્રંથ ૪’ અને ડાઈડોનું પાત્ર એ નાટ્યાત્મકતાની દૃષ્ટિએ વર્જિલની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. ઈનીઍસ અને એના સહયાત્રીઓ કાર્થેજથી પુનશ્ચ સિસિલી પ્રતિ પ્રયાણ કરે છે. સમુદ્રમાં નૈસર્ગિક ઝંઝાવાતને કારણે એમનું સિસિલીના પશ્ચિમ તટ પરના ડ્રૅપાનમ નગરમાં એક વરસ પછી પુનશ્ચ આગમન થાય છે. રાજા આસેસ્ટીસ એમનું પૂર્વેની જેમ જ પ્રેમપૂર્વક સ્વાગત કરે છે. ઈનીઍસ પિતાની પ્રથમ મૃત્યુતિથિનો ઉત્સવ યોજે છે અને પિતૃતર્પણ કરે છે. એ પુત્ર તરીકે પિતા પ્રત્યેનો એનો અંતિમ ધર્મ બજાવે છે, કુટુંબ પ્રત્યેનું એનું અંતિમ કર્તવ્યપાલન કરે છે. હવે પિતા સદ્ગત છે એથી એ પિતાને સ્થાને છે. એથી હવે પછી એ અંત લગી સતત પુત્ર તરીકે નહિ પણ પિતા તરીકે જ પ્રકટ થાય છે. પુત્ર ઍસ્કાનિઅસ અને સૌ સહયાત્રીઓ પર એને પિતા તરીકેનો અધિકાર પ્રાપ્ત થાય છે. હવે પછી વિધાતા તથા દેવ-દેવીઓ સાથે પણ એનો કુટુંબના સર્વોચ્ચ તરીકેનો સંબંધ છે. એ ઉત્સવમાં પણ એના આ ઉચ્ચ પદને અનુરૂપ એવો પરોક્ષ ભાગ ભજવે છે. ‘ઈનીડ’ના આ સ્તબકમાં વર્જિલ એને માટેનું એમનું પ્રિય વિશેષણ ‘pius’ નહિ પણ ‘પિતા’ — ‘pater’ એવું વિશેષણ યોજે છે એ સૂચક છે. આ ઉત્સવના સમયમાં જ જ્યૂનો ઈનીઍસનો કાર્થેજમાં નહિ તો હવે સિસિલીમાં જ સ્થાયી નિવાસ થાય, અને તો એ લૅટિઅમ ન જાય, અને તો રોમનું વિધિનિર્માણ ન થાય, અને તો કાર્થેજ ભસ્મીભૂત ન થાય એ માટે એની સંદેશવાહક ઇરિસ દ્વારા ટ્રોજન સ્ત્રીઓને એમની નૌકાઓ ભસ્મીભૂત કરવા પ્રેરે છે. ઈનીઍસ જ્યૂપિટરને સહાય અર્થે પ્રાર્થના કરે છે. વીનસ પણ જ્યૂપિટરને એવી જ પ્રાર્થના કરે છે. જ્યૂપિટર વર્ષાપ્રપાત દ્વારા આ અગ્નિનું શમન કરે છે. છતાં ચાર નૌકાઓ તો ભસ્મીભૂત થાય છે. જ્યૂપિટરે સહાય કરી છે છતાં ક્ષણભર તો ઈનીઍસને પણ સિસિલીમાં સ્થાયી નિવાસ કરવાની ઇચ્છા થાય છે. પણ એક વૃદ્ધ સહયાત્રી નોટિસ એને એની દૈવાધીનતાનું સ્મરણ કરાવે છે. એથી એ સિસિલીમાંથી લૅટિઅમ પ્રતિ પ્રયાણ કરવાનો નિર્ણય કરે છે. ઈનીઍસનું એની દૈવાધીનતા અંગેનું આ અંતિમ વારનું વિપર્યય અને વિસ્મરણ છે. હવે પછી અંત લગી એણે ક્ષણભરને માટે પણ એની દૈવાધીનતાનો દ્રોહ કર્યો નથી. એ રાતે પિતા ઍન્કાઇસિસ સ્વપ્નમાં એના નિર્ણયનું અનુમોદન કરે છે. અને પોતે એને રોમ અને રોમન સામ્રાજ્ય વિશેનું તથા પોતાના વંશજો વિશેનું ઇતિહાસદિગ્દર્શન કરાવી શકે એ માટે એનું લૅટિઅમમાં આગમન થાય પછી પાતાલલોકમાં આવવાનું એને આમંત્રણ આપે છે. વીનસ ને જ્યૂનો હજુ ઈનીઍસની વિરુદ્ધ સક્રિય છે એથી ઈનીઍસની સમુદ્રયાત્રા વિશે ચિંતા થાય છે. એથી ઈનીઍસની લૅટિઅમ લગીની સમુદ્રયાત્રા નિર્વિઘ્ન અને નિશ્ચિંત થાય એ માટે સમુદ્રના દેવ નૅપ્ચ્યૂનને એનું રક્ષણ કરવાની વિનંતી કરે છે. નૅપ્ચ્યૂન આ વિનંતીનો સહર્ષ સ્વીકાર કરે છે. એથી ઈનીઍસ અંતે સિસિલીની ઉત્તરપૂર્વ દિશામાં સાનુકૂળ પવનની વચ્ચે અને શિવશાંત સમુદ્ર પર હવે ત્રણ નૌકાઓ સાથે લૅટિઅમ પ્રતિ પ્રયાણ કરે છે અને લૅટિઅમના પશ્ચિમ સમુદ્રતટ પર નીપોલિસ (અત્યારે નેપલ્સ)ની નિકટ ઉત્તર દિશામાં ક્યુમી નગરમાં આવે છે. ઈનીઍસને પૂર્વે ઍક્ટિઅમમાં હેલેનસે ક્યુમીમાં સિબીલને મળવાનું સૂચન કર્યું હતું એનું એને સ્મરણ થાય છે. એ ક્યુમીમાં ઍપોલોના દેવળમાં જાય છે. અહીં એને સિબીલનું મિલન થાય છે. સિબીલ એની સમક્ષ ભાવિ યુદ્ધ અને વિજય અંગેની ભવિષ્યવાણી ઉચ્ચારે છે. ઈનીઍસ સિબીલ અને ‘સુવર્ણ વૃક્ષશાખા’ની સહાયથી પિતાના આમંત્રણ પ્રમાણે પાતાલલોકમાં જાય છે. અંતે એનું લૅટિઅમમાં આગમન થાય તે પૂર્વેની એની યાત્રા એ પૃથ્વીલોકની યાત્રા નથી પણ પાતાલલોકની યાત્રા છે એ સૂચક છે. એ પાતાલલોકના વિવિધ પ્રદેશોનું દર્શન કરે છે. આરંભમાં જ એને ઍકેરૉન (વૈતરણી) નદીના તટ પર સિસિલીથી ક્યુમીની સમુદ્રયાત્રામાં થોડાક જ દિવસ પર એનો એક સહયાત્રી પૅલિનુરસ જે જલસમાધિથી મૃત્યુ પામ્યો હતો તેના મૃતાત્માનું મિલન થાય છે. પોતે પૃથ્વીલોકમાં પાછો જશે ત્યારે એના મૃતદેહનો વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરશે એવું ઈનીઍસ એને વચન આપે છે. એથી એ મૃતાત્મા પ્રસન્ન થાય છે. એમાં ઈનીઍસનું પિતૃત્વ પ્રકટ થાય છે. પછી આત્મહત્યાથી મૃત્યુ પામનાર મનુષ્યોના મૃતાત્માઓના પ્રદેશમાં એને ડાઈડોના મૃતાત્માનું મિલન થાય છે. એ ડાઈડોની ક્ષમાયાચના કરે છે. પણ ડાઈડો મૂર્તિવત્ નિરુત્તર છે અને ઈનીઍસની દૃષ્ટિ સામેથી તરત જ ચાલી જાય છે. એમાં ઈનીઍસની વિનમ્રતા અને ડાઈડોની વીરતા પ્રકટ થાય છે. પછી ઈનીઍસને એના ટ્રોજન મિત્રોના મૃતાત્માઓનું મિલન થાય છે. ત્યાર પછી એ ટાર્ટેરસના દુર્ગ (ડેન્ટિના ‘લા કૉમેદિઆ’માં ‘ઇન્ફર્નો’, નરકલોક)માં પાપાત્માઓનું દર્શન કરે છે. આ પાપાત્માઓ પૃથ્વીલોક પરનાં એમનાં પાપોની અહીં અનંતકાળ માટે શિક્ષા અનુભવી રહ્યા છે. અંતે ઈનીઍસનું ‘ઍલીઝિઅન ફીલ્ડ્ઝ’ (ડેન્ટિના ‘લા કૉમેદિઆ’માં ‘પર્ગેટોરિઓ’, પ્રાયશ્ચિત્તલોક)માં આગમન થાય છે. ઈનીઍસને આ પ્રાયશ્ચિત્તલોકમાં એના પિતા ઍન્કાઇસિસનું મિલન થાય છે. અહીં ઍન્કાઇસિસ ઈનીઍસને પ્રાયશ્ચિત પછી પરિશુદ્ધ એવા પુણ્યાત્માઓનું દર્શન કરાવે છે. આ પુણ્યાત્માઓની પૂર્વજન્મની સ્મૃતિનો લોપ થયો છે અને હવે એ પૃથ્વીલોક પર પુનર્જન્મની પ્રતીક્ષા કરી રહ્યા છે. ‘પૃથ્વીલોકમાં એવું તે શું છે તે આ પુણ્યાત્માઓ પુનર્જન્મની પ્રતીક્ષા કરી રહ્યા છે ?’ — ઈનીઍસ એવો પ્રશ્ન પૂછે છે. એના પ્રત્યુત્તરમાં એમાંથી કેટલાક પુણ્યાત્માઓ રોમન ઇતિહાસના મહાપુરુષો તરીકે પુનર્જન્મ પામશે એવું રોમ અને રોમન સામ્રાજ્યનું ઇતિહાસદિગ્દર્શન પણ કરાવે છે. એમાં પછીથી મધ્યયુગમાં ખ્રિસ્તીધર્મમાં જે પાપ, પુણ્ય તથા નરક, પ્રાયશ્ચિત્તલોક અને સ્વર્ગનું નૈતિકદર્શન હતું એનો અણસાર છે. ‘ઈનીડ’માં આ નૈતિકતાનું પરિમાણ છે. વળી આ પુણ્યાત્માઓના પુનર્જન્મમાં, રૂપાંતરમાં પાયથાગોરસ અને પ્લૅટોના રૂપાંતરવાદ (metempsycho-sis)નો પ્રભાવ છે. રોમ અને રોમન સામ્રાજ્યના ઇતિહાસદિગ્દર્શનમાં ‘પુરાણકથા’ અને ઇતિહાસ તથા ભૂત, વર્તમાન અને ભાવિ એકરૂપ થાય છે. એમાં રોમ અને રોમન સામ્રાજ્યની આધ્યાત્મિક એકતા સિદ્ધ થાય છે. આ ઇતિહાસદિગ્દર્શનનો ઈનીઍસ પર પ્રબળ પ્રભાવ છે. આ સમગ્ર અનુભવ એ ઈનીઍસ માટે પણ જાણે કે પુનર્જન્મનો અનુભવ છે. આ અનુભવથી ઈનીઍસનું, ટ્રોજન ઈનીઍસનું જાણે કે મૃત્યુ થાય છે. એની પૂર્વજન્મની સૌ સ્મૃતિનો, ટ્રૉયની સ્મૃતિનો જાણે કે લોપ થાય છે. ‘ઈનીડ’ના પૂર્વાર્ધમાં ‘ગ્રંથ ૧-૬’માંથી એનામાં જે કંઈ દોષો, દૂષણો શેષ રહ્યાં હશે એ આ પ્રાયશ્ચિત્તલોકમાં જાણે કે ભસ્મીભૂત થાય છે. ‘ઈનીડ’ના ઉત્તરાર્ધમાં ‘ગ્રંથ ૭-૧૨’માં એ પુણ્યાત્મા રૂપે પ્રકટ થાય છે, એનામાં ઍપિક્યુરીઆનિઝમ નહિ પણ સંપૂર્ણપણે સ્ટૉઇસિઝમ પ્રકટ થાય છે. એનો રોમન ઈનીઍસ તરીકે પુનર્જન્મ થાય છે. એથી જ પાતાલલોકની યાત્રા પછીના ઇનિઍસ વિશે વિધાન થયું છે કે આ યાત્રા પછી ‘અંતિમ ટ્રોજન પ્રથમ રોમન તરીકે પ્રકટ થાય છે.’ વિધાતાએ રોમનું જે વિધિનિર્માણ કર્યું છે તે હવે એ સિદ્ધ કરશે જ એવી ઍન્કાઇસિસને, ઈનીઍસ અને વાચકમાત્રને હવે પ્રતીતિ થાય છે. ઈનીઍસનો આ પુનર્જન્મ અને એની પ્રતીતિ, અને એની પ્રેરણારૂપ રોમ અને રોમન સામ્રાજ્યનું આ ઇતિહાસદિગ્દર્શન એ ‘ઈનીડ’માં ધાર્મિકતાનું પરિમાણ છે. એથી જ રોમન પ્રજાએ ‘ઈનીડ’નો એક મહાન ધાર્મિક મહાકાવ્ય અને રાષ્ટ્રીય મહાકાવ્ય તરીકે મહિમા કર્યો હતો. આમ, ‘ગ્રંથ ૬’માં વર્જિલે પુરાણકથા, ઇતિહાસ, ફિલસૂફી, નીતિ, ધર્મ, જીવનદર્શન, વિશ્વદર્શન આદિનો સમન્વય કર્યો છે. આ એક જ ગ્રંથમાં એમની સર્વતોમુખી સર્જકપ્રતિભાનું દર્શન થાય છે. ‘ગ્રંથ ૬’માં ડેન્ટિના સમગ્ર ‘લા કૉમેદિઆ’ની મુખ્ય પ્રેરણા છે. ડેન્ટિએ ‘લા કૉમેદિઆ’માં ‘ઈનીડ’ના ‘ગ્રંથ ૬’નો જ જાણે કે ખ્રિસ્તી ધર્મના સંદર્ભમાં વિકાસ-વિસ્તાર કર્યો છે. ‘ગ્રંથ ૬’માં ‘ઈનીડ’નું ગાણિતિક મધ્યબિન્દુ છે. ‘ઈનીડ’ના પૂર્વાર્ધ ‘ગ્રંથ ૧-૬’ અને ઉત્તરાર્ધ ગ્રંથ ૭-૧૨’ની વચ્ચે આ ‘ગ્રંથ ૬’ એક અનિવાર્ય આધારશિલારૂપ છે. એની અનુપસ્થિતિમાં ‘ઈનીડ’નો સમગ્ર મહાપ્રાસાદ ધરાશાયી થાય ! પૂર્વાર્ધમાં માત્ર યાત્રા છે. ‘ગ્રંથ ૬’માં યાત્રાની પરાકાષ્ઠા છે, ‘ગ્રંથ ૬’માં પૃથ્વીલોક પરની યાત્રા નથી, પાતાલલોકની યાત્રા છે. ‘ગ્રંથ ૬’ પછી યાત્રાનો અંત આવે છે. ઉત્તરાર્ધમાં માત્ર યુદ્ધ છે. ‘ગ્રંથ ૭’માં યુદ્ધનો આરંભ થાય છે. ‘ગ્રંથ ૧’નો આરંભ યાત્રાના કાવ્ય અંગે કાવ્યદેવીને પ્રાર્થનાથી થાય છે. ‘ગ્રંથ ૭’નો આરંભ યાત્રાથી યે વધુ ગહન અને ગંભીર એવા યુદ્ધના કાવ્ય અંગે કાવ્યદેવીને પુનશ્ચ પ્રાર્થનાથી થાય છે. આમ, ‘ગ્રંથ ૬’થી કાવ્યની સુશ્લિષ્ટ, સુગ્રથિત એકતા સિદ્ધ થાય છે. આમ, આ અનેક કારણોથી ‘ઈનીડ’માં ‘ગ્રંથ ૬’ એ સર્વાનુમતે વર્જિલની કવિપ્રતિભાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. ઈનીઍસ પાતાલલોકની યાત્રા પછી સિબીલની સહાયથી પૃથ્વીલોક પર ક્યુમીમાં પુરાગમન કરે છે. એ એના સહયાત્રીઓ સાથે ક્યુમીની ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે અને અંતે ટાઈબર નદીના મુખ પાસે લૅટિઅમમાં એમનું આગમન થાય છે. જ્યૂપિટરના પિતા સૅટર્નના વંશજ એવા લૅટિઅમના રાજા લૅટિનસ એમના પાટનગર લૉરેન્ટમમાં ઈનીઍસનું પ્રેમપૂર્વક સ્વાગત કરે છે અને પોતાની પુત્રી લૅવિનિઆનો વિવાહ કોઈ વિદેશી સાથે થશે એવી ભવિષ્યવાણી હતી એથી એનો રુટુલિઅન જાતિના રાજકુમાર ટૂર્નુસ સાથે વિવાહ થયો હતો એનો ભંગ કરીને હવે ઈનીઍસ સાથે એનો વિવાહ કરે છે. આમ, શાંતિ અને સંવાદિતાના વાતાવરણમાં ‘ઈનીડ’ના ઉત્તરાર્ધનો, ઈનીઍસના પુનર્જન્મનો આરંભ થાય છે. જ્યૂનો રોમના વિધિનિર્માણમાં શક્ય એટલો વિલંબ થાય અને ટ્રોજનો હજુ વધુ હેરાન-પરેશાન થાય એ માટે પિશાચિની ઍકેલેક્ટો દ્વારા લૅટિઅમ, રુટિરિઆ આદિ સમગ્ર પ્રદેશમાં યુયુત્સા પ્રેરે છે. જ્યૂનો ટૂર્નુસની અધિષ્ઠાત્રી દેવી છે. ટૂર્નુસમાં હવે લૅટિનસે લૅવિનિઆનો વિવાહ એક વિદેશી એવા ઈનીઍસ સાથે કર્યો છે એથી ઈનીઍસ પ્રત્યે ઈર્ષ્યા છે અને લૅટિનસ પ્રત્યે ધિક્કાર છે. લૅટિનસની પત્ની આમાટાને ટૂર્નુસ પ્રત્યે વાત્સલ્ય છે અને લૅટિનસે પોતાની પુત્રીનો વિવાહ એક વિદેશી સાથે કર્યો છે એ એને અમાન્ય છે એથી એને લૅટિનસ અને ઈનીઍસ પ્રત્યે વિરોધ છે. એથી બન્ને હવે ઈનીઍસની વિરુદ્ધ યુદ્ધનો આગ્રહ કરે છે. વળી, બન્નેના પ્રજાજનોમાં પણ હવે યુયુત્સા છે. એથી એ પણ યુદ્ધનો આગ્રહ કરે છે. પણ લૅટિનસ યુદ્ધની વિરુદ્ધ છે એથી એ જૅનસના દેવળનાં દ્વાર ખોલવાની અને યુદ્ધ જાહેર કરવાની અનિચ્છા પ્રકટ કરે છે. પણ સૌના વિરોધને કારણે એ અસહાયતાથી અંતે રાજ્યત્યાગ કરે છે. પછી જ્યૂનો સ્વયં જૅનસનાં દેવળનાં દ્વાર ખોલે છે. ઍટ્રુસ્કન જાતિનો પદભ્રષ્ટ જુલમી રાજા મેઝેન્ટિઅસ, અપરિણીત વીરાંગના કૅમિલ્લા આદિ ટૂર્નુસના નેતૃત્વમાં યુદ્ધમાં સક્રિય થાય છે અને યુદ્ધનો આરંભ થાય છે. ઈનીઍસને ટ્રૉયના યુદ્ધની કરુણતાનો અનુભવ છે. એનામાં યુયુત્સા નથી, બલકે યુદ્ધનો વિરોધ છે. પણ હવે યુદ્ધ અનિવાર્ય છે. એની પાસે સૈન્ય પણ નથી, માત્ર ત્રણ નૌકાઓ છે. એ અસહાય છે. એક રાતે ટાઇબર નદીના તટ પર અશાંતિ અને અતિક્લાંતિને કારણે એ નિદ્રાધીન થાય છે. સ્વપ્નમાં ટાઇબરના દેવ એને સહાય માટે પૅલેન્ટિઅમના રાજા ઇવેન્ડર પાસે જવાનું સૂચન કરે છે. સવારે એ બે નૌકાઓ સાથે પૅલેન્ટિઅમ પ્રતિ પ્રયાણ કરે છે. આમ, ઈનીઍસ ચારેક સદી પછી જ્યાં એનો એક વંશજ રોમ્યુલસ રોમની સ્થાપના કરવાનો છે તે પૅલેટિનની ટેકરી પર ઉપસ્થિત થાય છે. ટ્રૉયના રાજા પ્રાયમના મિત્ર એવા પૅલેન્ટિઅમના રાજા ઇવેન્ડર પૅલેન્ટિઅમમાં એનું પ્રેમપૂર્વક સ્વાગત કરે છે. ઇવેન્ડર એક નાનકડા રાજ્યનો રાજા છે. એની પાસેથી સહાય શક્ય નથી. પણ ઍન્ટ્રુસ્કનોએ એમના જુલમી રાજા મેઝેન્ટિઅસને પદભ્રષ્ટ કર્યો છે અને એથી હવે એ ટૂર્નુસના નેતૃત્વમાં ઈનીઍસની વિરુદ્ધ સક્રિય છે. એમણે ઇવેન્ડરને એમના રાજા થવાનું આમંત્રણ આપ્યું છે. એથી એમની પાસે સહાય માટે જવાનું સૂચન કરે છે. ઈનીઍસ ઇવેન્ડરના પુત્ર પૅલાસ અને એના નેતૃત્વમાં ચારસો અશ્વસ્વાર સૈનિકો સાથે ઍટ્રુસ્કનો પાસે જવાને પ્રયાણ કરે છે. વીનસે ઈનીઍસના રક્ષણ અર્થે એના પતિ અને અગ્નિ તથા ધાતુકામના દેવ વલ્કન પાસે એમના એટ્ના પર્વત પાસેના શસ્ત્રાગારમાં મધ્ય ચિત્રમાં ઍક્ટિઅમના યુદ્ધના ચિત્ર સાથેની રોમન ઇતિહાસની ચિત્રાવલિથી અંકિત એવી ઢાલ, બખ્તર આદિ આયુધો સજાવ્યાં છે. વીનસ માર્ગમાં ઈનીઍસને એ આયુધોની ભેટ ધરે છે. જ્યૂનો ઈનીઍસની અનુપસ્થિતિમાં ટૂર્નુસને ટ્રોજનો પર આક્રમણ કરવાનું સૂચન કરે છે. યુદ્ધમાં નિસસ, યુરીઆલસ, પૅન્ડારસ આદિ અગ્રણી ટ્રોજનોનું મૃત્યુ થાય છે. આ આક્રમણ સમયે યુદ્ધના દેવ માર્સ રુટુલિઅનોમાં યુયુત્સા પ્રેરે છે. તો જ્યૂપિટર સ્વયં ટ્રોજનોની ટાઇબર નદીના તટ પરની નૌકાઓ પર આક્રમણ થાય છે ત્યારે એમના રક્ષણ અર્થે એમનું જલપરીઓમાં પરિવર્તન કરે છે અને એમ મર્ત્ય મનુષ્યોથી આ નૌકાઓનો કદી નાશ નહિ થાય એવા એમના વચનનું પાલન કરે છે. ઑલિમ્પસ પર જ્યૂપિટર દેવ-દેવીઓની એક સભા યોજે છે. અને આ યુદ્ધમાં અંતિમ નિર્ણય મનુષ્યોએ જ કરવો જોઈએ અને દેવ-દેવીઓએ તટસ્થ રહેવું જોઈએ એવો પ્રસ્તાવ રજૂ કરે છે. પણ જ્યૂનો ટૂર્નુસને પક્ષે અને વીનસ ઈનીઍસને પક્ષે એનો વિરોધ કરે છે. ઈનીઍસ ઍટ્રુસ્કન નેતા ટાર્કન સાથે સંધિ કરે છે પછી એ ઍસ્ટ્રુસ્કનોની ત્રીસ નૌકાઓ સાથે યુદ્ધભૂમિ પર પાછો ફરી રહ્યો હોય છે ત્યારે એક રાતે નૌકામાં એકલો હોય છે ત્યાં પૂર્વે જે એની નૌકાઓ હતી તે જલપરીઓ એને આક્રમણ અંગેના સમાચાર આપે છે. સવારે ઈનીઍસનું ત્રીસ નૌકાઓ સાથે અને પૅલાસનું સૈન્ય સાથે યુદ્ધભૂમિ પર આગમન થાય છે. યુદ્ધમાં ટૂર્નુસ પૅલાસની હત્યા કરે છે અને પૅલાસની કેડ પરનો પટો વિજયના પ્રતીક રૂપે પોતાની કેડ પર ધારણ કરે છે. ઈનીઍસ ટૂર્નુસની હત્યા દ્વારા આ હત્યાનો બદલો લેવા ટૂર્નુસને શોધી રહ્યો હોય છે ત્યારે જ્યૂનો સ્વયં ટૂર્નુસનું રક્ષણ કરવા પ્રયુક્તિ દ્વારા ટૂર્નુસને એક નૌકા પર પલાયન કરે છે. ઈનીઍસ મેઝેન્ટિઅસના પુત્ર લૉસસની હત્યા કરે છે અને પછી મેઝેન્ટિઅસની હત્યા કરે છે. ટૂર્નુસની અનુપસ્થિતિમાં યુદ્ધવિરામ થાય છે. ઇવેન્ડર ટૂર્નુસની હત્યા દ્વારા પૅલાસની હત્યાનો બદલો લેવા ઈનીઍસ પર સંદેશો પાઠવે છે. મૃતાત્માના અંતિમ સંસ્કાર કરવા લૅટિનોનું પ્રતિનિધિમંડળ અને એનો નેતા ડ્રાન્સીસ ઈનીઍસ સમક્ષ સંધિ માટેનો પ્રસ્તાવ રજૂ કરે છે. તો ઈનીઍસ સામેથી પોતાને તો યુદ્ધની ઇચ્છા જ નથી, પણ ટૂર્નુસની યુયુત્સાને કારણે જ આ યુદ્ધ થયું છે અને યુદ્ધમાં બન્ને પક્ષે અસંખ્ય નિર્દોષ મનુષ્યોનો નાશ થયો છે પણ હવે વધુ મનુષ્યોનો નાશ ન થાય એ માટે ટૂર્નુસ સાથે દ્વંદ્વયુદ્ધનો પ્રસ્તાવ રજૂ કરે છે. લૅટિનો પરાજય પામી રહ્યા છે એથી આ પ્રસ્તાવનું અનુમોદન કરે છે. અને ટૂર્નુસની યુયુત્સાનો વિરોધ કરે છે. આ સમયે રાજા લૅટિનસ પુનશ્ચ રાજ્યાધિકાર ધારણ કરે છે. એ પણ લૅટિનોની યુદ્ધ સભામાં ઈનીઍસ સાથે સંધિ કરવાનો અનુરોધ કરે છે અને પછી ઈનીઍસે લૅટિઅમમાં જ ક્યાંક એકાદ પ્રદેશમાં સ્થાયી નિવાસનો સ્વીકાર કરવો એવો પ્રસ્તાવ રજૂ કરે છે. સાથે સાથે ડ્રાન્સીસ પણ ટૂર્નુસે લૅવિનિઆ સાથેના પોતાના લગ્નના આગ્રહનો ત્યાગ કરવો એવો પ્રસ્તાવ રજૂ કરે છે. સભામાં બન્ને પક્ષે યુદ્ધ અને શાંતિનો વિવાદ થાય છે. આ સમયે ટૂર્નુસ રોષ અને આક્રોશ સાથે સભાને સંબોધન કરે છે, લૅટિનો પર ભીરુતા અને કાયરતાનો આક્ષેપ કરે છે અને અંતે દ્વંદ્વયુદ્ધના આહ્વાનનો સ્વીકાર કરે છે. આ સમયે ટ્રોજન અને ઍટ્રુસ્કન સૈન્યોના આક્રમણના સમાચાર આવે છે. એથી સભામાં ભારે ધાંધલધમાલ થાય છે. સંધિ અને દ્વંદ્વયુદ્ધનું સૌને વિસ્મરણ થાય છે અને પુનશ્ચ યુદ્ધનો આરંભ થાય છે. યુદ્ધમાં ઍટ્રુસ્કન સૈન્ય અપરિણીત વીરાંગના કેમિલ્લાની હત્યા કરે છે. ટૂર્નુસનું સૈન્ય પણ પરાજય પામી રહ્યું છે. એથી અંતે ટૂર્નુસ પુનશ્ચ દ્વંદ્વયુદ્ધના આહ્વાનનો સ્વાકાર કરે છે. જ્યૂનો હવે અસહાય છે. એ માત્ર ટૂર્નુસની બહેન જુટુર્નાને ટૂર્નુસનું રક્ષણ કરવાની વિનંતી કરે છે. ઈનીઍસ અને ટૂર્નુસ વચ્ચે દ્વંદ્વયુદ્ધની ભૂમિકા રચાય છે એ ક્ષણે જ જુટુર્નાની પ્રેરણાથી રુટુલિઅન સૈનિક ટૉલમ્નિઅસ ટ્રોજન સૈન્ય પર અસ્ત્રપાત કરે છે. એથી વળી યુદ્ધ થાય છે. ઈનીઍસ શાંતિ ઇચ્છે છે. એ યુદ્ધ ન થાય એ માટે પૂર્ણ પ્રયત્ન કરે છે. છતાં યુદ્ધ થાય છે. હવે આ યુદ્ધમાં દેવ-દેવીઓનું કે ઈનીઍસનું કર્તૃત્વ નથી. આ યુદ્ધ માટે ટૂર્નુસનું સંપૂર્ણપણે કર્તૃત્વ છે એમ ઈનીઍસ લૅટિનસ સમક્ષ સ્પષ્ટતા કરે છે. ટૂર્નુસમાં હવે યુયુત્સાની પરાકાષ્ઠા છે. એથી આ યુદ્ધમાં ટૂર્નુસની અમાનુષિતા અને અનૈતિકતા સિદ્ધ થાય છે. ઈનીઍસને તીરનો ઘા થાય છે. વીનસની સહાયથી એ ઘા રુઝાય છે. પછી એ યુદ્ધમાં સક્રિય થાય છે. એ ટૂર્નુસની શોધ કરે છે પણ જુટુર્ના હજુ ટૂર્નુસનું રક્ષણ કરે છે એથી એની શોધ નિષ્ફળ જાય છે. ઈનીઍસ અને ટૂર્નુસ પરસ્પરનાં સૈન્યનો ભીષણ હત્યાકાંડ રચે છે. અહીં યુદ્ધની પરાકાષ્ઠા છે. લૅટિઅમનું પાટનગર આ સમયે સંપૂર્ણપણે અરક્ષિત છે. એથી ઈનીઍસ એની પર આક્રમણ કરે છે. રાણી આમાટા આત્મહત્યા કરે છે. લૅટિઅમનો સર્વનાશ થશે એ ભયથી હવે ટૂર્નુસ દ્વંદ્વયુદ્ધના આહ્વાનનો અંતિમ સ્વીકાર કરે છે. જ્યૂપિટર દ્વંદ્વયુદ્ધના આ અંતિમ સ્તબકમાં જ્યૂનોને સક્રિય ન થવાનો આદેશ આપે છે. એ જ્યૂનોને વિધાતાની ઇચ્છાની સર્વોપરીતાનું સ્મરણ કરાવે છે. અંતે જ્યૂનો શરણાગતિનો સ્વીકાર કરે છે અને બે શરતે સમાધાન કરે છે ઃ લૅટિનસ અને ઈનીઍસના પ્રજાજનોએ કદી ‘ટ્રોજન’ નામ ધારણ ન કરવું અને લૅટિઅમમાં કદી ટ્રૉયના વિધિ-ઉત્સવોનું આયોજન ન કરવું. પછી જ્યૂપિટર જુટુર્નાને પણ યુદ્ધમાં સક્રિય ન થવાનો આદેશ આપે છે. દ્વંદ્વયુદ્ધ થાય છે. દ્વંદ્વયુદ્ધને અંતે ટૂર્નુસનો પરાજય થાય છે. એ ગૌરવપૂર્વક અને સંયમપૂર્વક પરાજય અને મૃત્યુનો સ્વીકાર કરે છે, પણ પોતાના કુટુંબને પોતાના મૃત્યુ પછી પોતાનો અંતિમ સંસ્કાર કરવા માટે અનુમતિ આપવાની ઈનીઍસને અંતિમ વિનંતી કરે છે. આ વિનંતીના પ્રત્યુત્તરમાં ઈનીઍસ ઉદાત્તતાથી અને ઉદારતાથી ટૂર્નુસને મૃત્યુમાંથી મુક્તિ આપવાનો વિચાર કરે છે તે જ ક્ષણે ટૂર્નુસની કેડ પરના પૅલાસના પટા પર અકસ્માત એની દૃષ્ટિ જાય છે અને પાતાલલોકમાં ઍન્કાઇસિસનો ‘પરાજિતો પ્રત્યે કરુણા’નો ઈનીઍસને આદેશ છે અને ટૂર્નુસ હવે પરાજિત છે એથી એની પ્રત્યે કરુણા પ્રકટ કરવાને બદલે એની હત્યા કરે તો આ આદેશનો દ્રોહ કરવાનું, પિતા પ્રત્યેની અધીનતા — pietas — નો દ્રોહ કરવાનું, દોષ કરવાનું થાય છે છતાં; દ્વંદ્વયુદ્ધમાં બેમાંથી એકનું મૃત્યુ નિશ્ચિત છે, અનિવાર્ય છે પણ વિધાતાએ રોમનું વિધિનિર્માણ ઈનીઍસ દ્વારા સિદ્ધ કરવાનું ઈનીઍસનું વિધિનિર્માણ કર્યું છે એથી ઈનીઍસનું મૃત્યુ અશક્ય છે અને ટૂર્નુસનું મૃત્યુ નિશ્ચિત છે, અનિર્વાય છે એ કારણે, વિધાતા પ્રત્યેની અધીનતા — pietas — ને કારણે તથા એણે ઇવેન્ડરને ટૂર્નુસની હત્યા દ્વારા પૅલાસની હત્યાનો બદલો લેવાનું વચન આપ્યું છે એનું એને સ્મરણ થાય છે એથી મિત્ર પ્રત્યેની અધીનતા–pietas — ને કારણે એ ટૂર્નુસની હત્યા કરે છે. અહીં ‘ઈનીડ’ની પૂર્ણાહુતિ થાય છે. ‘ઈનીડ’ના પૂર્વાર્ધમાં જે ડાઈડોનું સ્થાન છે તે ‘ઈનીડ’ના ઉત્તરાર્ધમાં ટૂર્નુસનું સ્થાન છે. ડાઈડો અને ટૂર્નુસ વચ્ચે સંપૂર્ણ સામ્ય છે. ‘ઈનીડ’ના પૂર્વાર્ધમાં જેમ ડાઈડો અને ઈનીઍસ વચ્ચે સંપૂર્ણ અસામ્ય છે તેમ ‘ઈનીડ’ના ઉત્તરાર્ધમાં ટૂર્નુસ અને ઈનીઍસ વચ્ચે સંપૂર્ણ અસામ્ય છે. ટૂર્નુસ રુટુરિઅનોનો રાજકુમાર છે. એની સાથે લૅટિઅમના રાજા લૅટિનસે એની પુત્રી લૅવિનિઆનો વિવાહ કર્યો હતો, પણ લૅટિઅમમાં ઈનીઍસનું આગમન થાય છે પછી એ આ વિવાહનો, ભલેને ભવિષ્યવાણીને કારણે પણ, ભંગ કરે છે અને વિદેશી એવા ઈનીઍસની સાથે લૅવિનિઆનો વિવાહ કરે છે. એથી ટૂર્નુસમાં ઈનીઍસ પ્રત્યે ઈર્ષ્યા છે અને લૅટિનસ પ્રત્યે ધિક્કાર છે. એમાં ટૂર્નુસ મનુષ્ય છે એવી પ્રતીતિ થાય છે. એ માત્ર મહાન યુદ્ધવીર નથી, પણ એનામાં એક વિદેશી પ્રત્યે યુયુત્સા છે એથી એ એક મહાન રાષ્ટ્રવીર પણ છે, એ રાષ્ટ્રપ્રેમી મનુષ્ય છે (રોમન કવિના રોમન મહાકાવ્યનો સાચો કાવ્યનાયક તો ટૂર્નુસ છે. છતાં ‘ઈનીડ’માં ટ્રોજન ઈનીઍસ કાવ્યનાયક છે. જાણે કોઈ ગ્રીક કવિએ રોમન મહાકાવ્ય રચ્યું ન હોય !) એવી પણ પ્રતીતિ થાય છે. પણ અંતે દ્વંદ્વયુદ્ધમાં એનું મૃત્યુ થાય છે. એમાં આ યુયુત્સા એનો પોતાની પ્રત્યેનો દ્રોહ છે, પોતાની સમગ્ર પ્રજા પ્રત્યેનો, સમષ્ટિ પ્રત્યેનો દ્રોહ છે, એનો દોષ છે એવું સૂચન છે. જો કે જ્યૂનોની પ્રેરણા અને પ્રયુક્તિને કારણે એનામાં આ યુયુત્સા છે. એમાં એ એક દેવીનું સૂત્રસંચાલિત કઠપૂતળું છે અને એ નિર્દોષ છે એવું સૂચન છે. ટૂર્નુસની યુયુત્સામાં અંધતા છે. અંધતાને કારણે એ પૅલાસની હત્યા કરે છે પછી પૅલાસની કેડ પરનો પટો એ વિજયના પ્રતીક રૂપે પોતાની કેડ પર ધારણ કરે છે. દ્વંદ્વયુદ્ધને અંતે આ પટા પર અકસ્માત્ ઈનીઍસની દૃષ્ટિ જાય છે અને ઈનીઍસ એની હત્યા કરે છે. આમ, એની યુયુત્સામાં જે આ અંધતા છે તે એનો પોતાની પ્રત્યેનો દ્રોહ છે, આ દ્રોહ એનો ‘કરુણ દોષ’ છે અને મૃત્યુ એની શિક્ષા છે એવું સૂચન છે. આમ, ટૂર્નુસની યુયુત્સા અને એના મૃત્યુમાં ગ્રીક ટ્રૅજેડીની કરુણતાનું દર્શન થાય છે. વર્જિલે સોફોક્લીસની ટ્રૅજેડીના પ્રકારની ગ્રીક ટ્રૅજેડીની પરંપરામાં ટૂર્નુસના પાત્રનું સર્જન કર્યું છે. ટૂર્નુસની યુયુત્સામાં અમાનુષિતા છે. આ અમાનુષિતાને કારણે અસંખ્ય નિર્દોષ મનુષ્યોનો નાશ થાય છે. આમ, આ અમાનુષિતા એ એનો પોતાની સમગ્ર પ્રજા પ્રત્યેનો, સમષ્ટિ પ્રત્યેનો દ્રોહ છે. એમાં ‘સમષ્ટિ નહિ, વ્યક્તિ’નું હોમરના મહાકાવ્યના આદર્શનું દર્શન થાય છે. ટૂર્નુસ એના અહમ્‌ અને આત્મગૌરવ માટે, વૈમનસ્ય અને વૈરને માટે સમષ્ટિનો ત્યાગ કરે છે. એમાં હોમરના મહાકાવ્યની વીરતા પ્રકટ થાય છે. વર્જિલે હોમરના મહાકાવ્યની પરંપરામાં ટૂર્નુસના પાત્રનું સર્જન કર્યું છે. અંતે ટૂર્નુસનો પરાજય થાય છે, એનું મૃત્યુ થાય છે અને ઈનીઍસનો વિજય થાય છે એનું કારણ છે વિધાતાનું રોમનું વિધિનિર્માણ અને એ વિધિનિર્માણ સિદ્ધ કરવામાં ઈનીઍસની દૈવાધીનતા. વર્જિલે ઈનીઍસ અને ટૂર્નુસનાં પાત્રો વચ્ચે સંપૂર્ણ વિરોધ પ્રકટ કર્યો છે, અને એ દ્વારા એમણે હોમરથી ભિન્ન એવો પોતાનો વીરતા અને વીરપુરુષ વિશેનો આદર્શ પ્રકટ કર્યો છે. ઍકિલીસ, મૅકબેથ આદિ પાત્રોની જેમ ટૂર્નુસનું પાત્ર જગતકવિતામાં એક મહાન પાત્ર છે. ઈનીઍસ નહિ, ટૂર્નુસ યુદ્ધનો આરંભ કરે છે. ટૂર્નુસમાં યુયુત્સા છે. ઈનીઍસમાં યુયુત્સા નથી. યુદ્ધમાં અસંખ્ય નિર્દોષ મનુષ્યોનો નાશ થયો છે, હવે વધુ મનુષ્યોનો નાશ ન થાય તે માટે યુદ્ધ નહિ, દ્વંદ્વયુદ્ધ–એવો પ્રસ્તાવ ઈનીઍસ રજૂ કરે છે. અલબત્ત, એ યુદ્ધ કરે છે. પણ એ નષ્ટોમોહ અને વિગતજ્વર છે. એ નષ્ટોમોહ છે એથી એનામાં ક્રૂરતા અને કઠોરતા છે. એ વિગતજ્વર છે એથી એનામાં કરુણા અને કોમળતા છે. યુદ્ધમાં એ નિમિત્તમાત્ર છે. વિધાતાએ રોમનું વિધિનિર્માણ કર્યું છે અને ઈનીઍસ દ્વારા એ વિધિનિર્માણ સિદ્ધ કરવું છે એથી જાણે વિધાતાની ઇચ્છાથી, ‘તતઃ યુદ્ધસ્વ !’ એવા આદેશથી, ‘કરિષ્યે વચનમ્ તવ !’ એવા સંપૂર્ણ સમર્પણથી એ યુદ્ધ કરે છે. યુદ્ધ એ એનું વિધિનિર્માણ છે. એ વિધિવર્યો મનુષ્ય છે. અને મૃત્યુ એ વિધાતાની ઇચ્છાની વિરુદ્ધ હોય એવા સૌ મનુષ્યોનું વિધિનિર્માણ છે. એ વિધાતાએ તો જેમની હત્યા ક્યારની કરી છે એવા મનુષ્યોની જ હત્યા કરે છે. આમ, ઈનીઍસ પોતાની ઇચ્છાથી નહિ, વિધાતાની ઇચ્છાથી યુદ્ધ કરે છે. ‘હવે તો યુદ્ધ એ જ નિર્માણ’ છે એથી એને વિધાતાનો આદેશ છે ‘પાર્થને કહો ચ્હડાવે બાણ !’ એ શાંતિ અર્થે યુદ્ધ કરે છે અને યુદ્ધ દ્વારા શાંતિ ઇચ્છે છે. હોમરના ‘ઇલિયડ’ની જેમ ‘ઈનીડ’ યુદ્ધનું મહાકાવ્ય નથી. ‘ઈનીડ’ શાંતિનું — બલકે વિશ્વશાંતિનું મહાકાવ્ય છે. ઈનીઍસમાં ગીતા પછીના અર્જુનની અને સમુદ્રયાત્રા પછીના હૅમ્લૅટની સ્થિતપ્રજ્ઞતા છે ઃ‘Let be’ — જ્યાં જ્યારે જે જેમ થવાનું હો ત્યાં ત્યારે તે તેમ થાઓ ! આ છે ઈનીઍસની દૈવાધીનતા — pietas, આ છે ઈનીઍસની વીરતા. ઈનીઍસ સાચ્ચે જ વર્જિલનો વીરપુરુષ છે ! ‘ઈનીડ’માં અંતે ટ્રૉયનો પરાજિત ઈનીઍસ વિજેતા થાય છે. નિર્વાસિત ઈનીઍસનો લૅટિઅમમાં નિવાસ થાય છે. ‘ઈનીડ’માં સૂચન છે તેમ ટ્રોજનો અને લૅટિનો વચ્ચે શાંતિ અને સંવાદિતા થાય છે. ઈનીઍસનું લૅવિનિઆ સાથે લગ્ન થાય છે. એ લૅટિઅમમાં લૅવિનિઅમ નગર રચે છે. એને લૅવિનિઆથી એક પુત્ર — સિલ્વિઅસ — થાય છે. સિલ્વિઅસ આલ્બાની ટેકરીઓ પર ઈ. પૂ. ૧૧૫૦માં આલ્બા લૉન્ગા રચે છે. જ્યૂનોની શરત પ્રમાણે ટ્રૉજનો અને લૅટિનો અને એમના વંશજો ‘રોમન’ થાય છે. ઈનીઍસનો એક વંશજ રોમ્યુલસ પૅલેટિનની ટેકરી પર ઈ. પૂ. ૭૫૩ના એપ્રિલની ૨૧મીએ રોમનું સર્જન કરે છે. જ્યૂનોની શરત પ્રમાણે ટ્રોજન વિધિ-ઉત્સવો નહિ પણ રોમન વિધિ-ઉત્સવોને કારણે રોમ હવે ‘રોમન’ રોમ છે. હવે સંસ્કૃતિનું કેન્દ્ર પૂર્વ નહિ, ગ્રીસ નહિ પણ પશ્ચિમ છે, રોમ છે. રોમ્યુલસનો એક વંશજ ઑગસ્ટસ ઈ. પૂ. ૨૭ના જાન્યુઆરીની ૧૬મીએ રોમન સામ્રાજ્યનું સર્જન કરે છે. આજે હવે ન્યાય અને વ્યવસ્થાની રોમન સંસ્થાઓ દ્વારા જગતભરમાં સૂક્ષ્મ અને માર્મિક રોમન સામ્રાજ્ય છે. સાચ્ચે જ રોમ વૈશ્વિક અને શાશ્વત નગર છે ! આજે હવે જગતભરમાં રોમન સંસ્કૃતિ છે. ‘ઈનીડ’ રોમન સંસ્કૃતિનું મહાકાવ્ય છે.

૧૯૮૨


*