સ્વાધ્યાયલોક—૩/પૅરિસથી પત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પૅરિસથી પત્ર


૫ સપ્ટેમ્બર ૧૯૮૭
 
ભાઈ ચિમનભાઈ,
 

તમારો ૧૯/૮નો પત્ર લંડનથી રમણીકભાઈએ અહીં મોકલ્યો તે મળ્યો છે. પત્રથી આનંદ થયો. અમદાવાદના અને મિત્રોના સમાચાર જાણવા મળ્યા. સાથે બહેનનો પત્ર પણ મળ્યો. ૧૬મીએ અહીં આવ્યો. પછી ચારેક દિવસ તો સતત વરસાદ હતો, પણ આછો, ફરફર. છતાં સવારથી રાત લગી બહાર ફરતો હતો, પણ રસ્તા ભીના એટલે ચાલવાની મઝા ન હતી. પણ શુક્રવારે સાટું વળી ગયું. આખો દિવસ તડકો હતો. ચોખ્ખું, ભૂરું આકાશ, ક્યાંય વાદળ નહિ. આખું પૅરિસ જાણે તડકો પહેરીને ઊભું હતું. શુક્રવારની સાંજે છ વાગ્યે બુલવાર સેં મિશેલ (પારિસિઆં — પૅરિસવાસીઓ–નો આ સૌથી પ્રિય બુલવાર છે, લાડમાં તેઓ એને ‘બુલ મિશ’ કહે છે. મારો પણ સૌથી પ્રિય વિસ્તાર છે) પર ફર્યો. શુક્રવારની સાંજ હતી એટલે અસંખ્ય સ્ત્રી-પુરુષો બુલવાર પર હતાં. તેઓ પણ ચારેક દિવસથી વરસાદની અકળામણ પછી બહાર નીકળી પડ્યાં હતાં. અનેક સુંદર સ્ત્રીઓ અસંખ્ય રંગો અને આકારોનાં વસ્ત્રોમાં હતી. તોફાન-મસ્તી, ટીખળ, ટોળ-ટપ્પા — સૌ લહેરમાં હતાં. બધી દુકાનો પણ કલાત્મક શણગારી હતી. દુકાનો શણગારવાની પૅરિસની એક વિશેષ કળા છે — vitrine. આ સૌની વચ્ચે રખડવાનો આનંદ અનેરો હતો. પૅરિસ તો પૅરિસ છે. મારી હોટેલ પણ બુલ્યાર સેં મિશેલ પર છે. સોર્બોનની નિકટ, સોર્બોનથી દસ જ ડગલાં દૂર. હોટેલ સારી અને સસ્તી છે. બીજે માળે મારો રૂમ છે. શાવર, ડબ્લ્યુ. સી. આદિ બધી સગવડ છે. ખાટલો, બે ખુરશી, ટેબલ પણ છે. રવિવારે અવિસ્મરણીય અનુભવ થયો. સવારે શેક્સ્પિયર ઍન્ડ કંપની પર ગયો હતો. એના પુસ્તકપ્રેમી માલિક જ્યોર્જ વ્હીટમેનને મળ્યો. ‘સંસ્કૃતિ’ માટે શેક્સ્પિયર ઍન્ડ કંપની પર જે લેખ લખ્યો હતો એની નકલ એમને આપી. મેં કહ્યું, ‘Mr. Whitman, here is a small article I have written about your bookshop in my language. I come from India. I am a poet.’ તરત જ એમણે કહ્યું, ‘Can I offer you a bed ?’ મેં કહ્યું, ‘Thank you, I have a room in a hotel.’ એમનું આ આમંત્રણ હૃદયસ્પર્શી હતું. પછી થોડીક વાતો કરી. એમણે બીજું આમંત્રણ આપ્યું, ‘There is a tea-party at the shop at four in the evening, Do come !’ ચાર વાગ્યે ગયો. દોઢેક કલાક ત્યાં રહ્યો. જુદા જુદા દેશના વીસ-પચીસ પુસ્તકપ્રેમીઓ હતા. એમણે પ્રેમથી પોતે મારો ફોટા પાડ્યો અને મારી સાથે ફોટો પડાવ્યો. પછી એમણે વળી બીજું આમંત્રણ આપ્યું, There is a poetry reading to-morrow at eight in the night. Do come!’ બીજે દિવસે પણ ગયો. કોઈ અંગ્રેજ/ અમેરિકન કવિએ કાવ્યો વાંચ્યાં. સાતેક શ્રોતાઓ હતા. કલાકેક ત્યાં રહ્યો. એમનો એક મિત્ર મને કહે, ‘Mr. Whitman has given me your article to preserve in the shop. Can you translate it into English and read it ? We would like to tape it.’ મેં કહ્યું, ‘I will try. I will come next Sunday for the tea-parrty and we shall see what could be done about it.’ આ રવિવારે પણ ચાર વાગ્યે પાર્ટીમાં જવાનો છું. જોઈએ શું થાય છે. આખી વાત લાંબી છે. રૂબરૂમાં કરશું. બાકી omlette nature/oeufs au plat, pain, salade au tomate, croissants, cafe au lait, bierre, vin blanc — ખાઉં છું, પીઉં છું ને પૅરિસમાં ચારે દિશાઓમાં લાંબાપહોળા રસ્તાઓ અને નાનીનાની ગલીઓમાં, મહેલોમાં, દેવળોમાં, મ્યુઝિયમોમાં, બગીચાઓમાં, કબ્રસ્તાનોમાં હરુંફરું છું. સવારના નવથી રાતના અગિયાર-બાર લગી રખડું છું ને લહેર કરું છું. બૉદલેરનું અવસાન ૧૮૬૭ના ઑગસ્ટની ૩૧મીએ અગિયાર વાગ્યે થયું હતું એટલે ઑગસ્ટની ૩૧મીએ અગિયાર વાગ્યે મોંપાર્નાસના કબ્રસ્તાનમાં એમની સમાધિ પર ગયો હતો અને મૌન પ્રાર્થનામય અંજલિ આપી હતી. પછી ૧, ર્‌યુ દ દોમમાં જે મકાનમાં એમનું અવસાન થયું હતું ત્યાં ગયો હતો. બૉદલેર પર થોડાંક પુસ્તકો પણ ખરીદ્યા છે. હજુ દસેક દિવસ અહીં છું. જેટલું રખડી શકાય એટલું રખડીશ. રખડવું તો પૅરિસમાં જ. પૅરિસ રખડુઓનું નગર છે. સદીઓથી પૅરિસમાં મહાન રખડુઓ થયા છે. એમણે એમના અનુભવો વિશે કલાસિક્સ લખ્યાં છે. પૅરિસમાં શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ એમના પગલાં પડ્યાં છે. પૅરિસનો એકે વિસ્તાર એવો નથી, એની એકે શેરી કે ગલી એવી નથી કે જેને વિશે પુસ્તકો ન હોય. માત્ર અનુભવકથાઓ જ નહિ પણ નવલકથાઓ અને કાવ્યોમાં પૅરિસ વિશે જેટલું લખાયું છે એટલું જગતના કોઈ નગર વિશે નહિ લખાયું હોય. પૅરિસવાદીઓ પૅરિસને એટલું ચાહે છે. પછી હડતાળનું શું થયું ? આપણી કૉલેજ ચાલુ છે જાણીને આનંદ થયો. આવીશ ત્યારે વિગતે વાત થશે. પછી વરસાદ આવ્યો કે નહિ ? આમ ને આમ ચોમાસું તો આ ચાલ્યું ! બિલો, વ્યાજ વગેરે વિશે ત્યાં આવીશ પછી તપાસ કરીશ. એની મને ચિંતા નથી. બહેન પણ મઝામાં છે. તમે ત્રણ-ચાર દિવસે મળો છો એથી નિશ્ચિંત છું. વળી હીરાબહેન ચોવીસે કલાક છે અને જગત સાથે વાક્યુદ્ધ ચાલ્યા કરે છે એટલે બહેનનો સમય પણ સ-રસ પસાર થતો હશે. સૌ મિત્રો રજનીકાંત, જ્યોર્જ, રાવત, બબાભાઈ, દૂધારા, કાંતિભાઈ, સુબોધભાઈ, સુગુણાબહેનને યાદ. અ.સૌ. તારાબહેન તથા સૌ દીકરીઓ મઝામાં હશે. એમને યાદ. આ પત્ર બહેનને વંચાવજો. એમને પણ આજે એક પત્ર લખું છું. કુશળ હશો.

નિરંજનના au revoir
 
*