સ્વાધ્યાયલોક—૩/શેક્સ્પિયર ઍન્ડ કંપની

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શેક્સ્પિયર ઍન્ડ કંપની

ક્ષણે ક્ષણે અને પદે પદે રોમાંચ અને રહસ્ય. એનું નામ પૅરિસ. પૅરિસના આ રોમાંચ અને રહસ્યનો એક અનન્ય અનુભવ મેં કર્યો, ૧૯૮૨ના સપ્ટેમ્બરની ૧૭મીની સવારે, જે ક્ષણે મેં ‘શેક્સ્પિયર ઍન્ડ કંપની’માં પદાર્પણ કર્યું. શેક્સ્પિયર ઍન્ડ કંપની એ પુસ્તકોની દુકાન છે. પૅરિસ આવ્યો તે પૂર્વે એને વિશે થોડુંક વાંચ્યું હતું, એનો એકાદ ફોટોગ્રાફ જોયો હતો. બસ આટલો જ પરોક્ષ પરિચય હતો, અંગત અનુભવ ન હતો. અને જ્યારે અંગત અનુભવ કર્યો ત્યારે, હમણાં જ કહ્યું તેમ, પૅરિસનાં અનેક રોમાંચો અને રહસ્યોના અનુભવોમાં એ એક અનન્ય અનુભવ હતો. સેન નદીના વામ તટ (રિવ ગૉશ — rive gauche) પર મોંતબેલોની પાળ (કે દ મોંતબેલો — quai de Montebel-lo)ની નિકટ બુશરીના માર્ગ (રયુ દ લા બુશરી — rue de la Bucherie)માં ૩૭ નંબરના મકાનમાં આ દુકાન છે. જૂની અને નાનકડી. કુલ પાંચ ઓરડા ને બે મજલા. સામે સિતેનો ટાપુ (ઇલ દ લા સિતે — Ile de la Cite) સહેજ જમણી બાજુ નોત્ર દામ(Notre Dame)નું દેવળ અને પછવાડે સેં ઝુલિઆં લ પૉવ્ર (Saint Julien le Pauvre) અને સેં સેવેરાં (Saint Severin) — એમ બે દેવળ અને વિદ્રોહી વિદ્યાપુરુષ આબેલારની આશ્રમભૂમિ તથા જમણી બાજુ એક સુન્દર ચોક (સ્ક્વાર રેને વિવિઆની — Square Rene Viviani) અને ડાબી બાજુ પૅરિસનો એક પ્રાચીનતમ માર્ગ (રયુ સેં ઝાક — Rue Saint Jacques) આમ, આસપાસના વિસ્તારમાં વિદ્યા અને વિદ્રોહનું, પ્રાચીનતા અને પવિત્રતાનું વાતાવરણ. દુકાનની બહાર ફૂટપાથ પર દુકાનની જમણી બાજુ પડોશના મકાનની ખાલી ભીંતને ટેકે બહાર પણ કબાટમાં પુસ્તકો અને એની સહેજ ઉપર ભીંત પર વૉલ્ટ વ્હીટમેનની છબી તથા પગથી પર પણ ટેબલ પર પુસ્તકો. દુકાનના બે ભાગ. વચમાં મકાનના ઉપરના માળ પર જવા માટે બારણું. દુકાનની ડાબી બાજુના ભાગમાં એક ઓરડો. એની બે બાજુ કાચની બે બંધ બારીઓ, વચમાં બંધ બારણું. ઉપર જૂનું લાકડાનું પાટિયું, એમાં ડાબી બાજુ પર દુકાનનું નામ: SHAKESPEARE AND CO. અને નામની જમણી બાજુ પર દુકાનનું વર્ણન: ANTIQUARIAN BOOKS તથા વચમાં બંધ બારણાની બરોબર ઉપર શેક્સ્પિયરની મુખાકૃતિ. દુકાનની જમણી બાજુના ભાગમાં પણ એક બારણું અને કાચની બે બંધ બારીઓ. એની ઉપર પણ જૂનું લાકડાનું પાટિયું, એમાં પણ દુકાનનું નામ: SHAKESPEARE AND COMPANY તથા વચમાં શેક્સ્પિયરના નામ પછી શેક્સ્પિયરની મુખાકૃતિ. દુકાનની ડાબી બાજુના ભાગમાં જે એક ઓરડો એનું બારણું બંધ. એટલે એમાં પ્રવેશ શક્ય ન હતો. પણ કાચની બંધ બારીઓમાંથી અંદર જોયું તો એક સોફા, ભીંતો પર કબાટમાં પુસ્તકો, ખુરશીઓ તથા ટેબલો પર પણ પુસ્તકો તથા કેટલાંક જગપ્રસિદ્ધ સામયિકોના — મોટા ભાગના પ્રથમ — અંકો. અપ્રાપ્ય અને અમૂલ્ય એવાં આ પુસ્તકો અને સામયિકો. એનો વિક્રય ન હોય. એટલે જ એનું બારણું બંધ હશે. દુકાનની જમણી બાજુના ભાગમાં બારણું ખુલ્લું. એમાં પ્રવેશ કર્યો. એકની પછવાડે એક એમ ત્રણ ઓરડા. આગલા ઓરડામાં ચારે ભીંતો પર કબાટોમાં પુસ્તકો. ઓરડાની જમણી બાજુ પર ખુરશીઓ તથા ટેબલો પર પણ પુસ્તકો. અરે કબાટો, ખુરશીઓ તથા ટેબલોની નીચે જમીન પર પણ પુસ્તકો. મુખ્યત્વે પ્રવાસ, ભૂગોળ, ઇતિહાસ, ધર્મ, વિજ્ઞાન, ફિલસૂફીનાં પુસ્તકો. વચમાં એક ટેબલ અને આસપાસ થોડીક ખુરશીઓ. આ ટેબલ તે દુકાનની ઑફિસ. ખુરશીઓ પર કેટલાક યુવાનો. ફ્રેંચ હશે ? અંગ્રેજ હશે ? કે અન્ય કોઈ વિદેશી હશે ? બારણાની સન્મુખની ખુરશી પર એક સાઠ-પાંસઠની વયની વ્યક્તિ. પાતળો ટટ્ટાર દેહ, ધોળા-ભૂખરા વાળ, ટૂંકી અણિયાળી દાઢી. ઝીણી ચમકદાર આંખો. અનન્ય ઉષ્મા અને અસાધારણ ઉત્સાહથી આ વ્યક્તિ અને પેલા યુવાનો વચ્ચે ગોષ્ઠિ — શી ગોષ્ઠિ હશે ? ગ્રંથગોષ્ઠિ સ્તો — ચાલતી હતી. કોણ હશે આ વ્યક્તિ ? દુકાનના માલિક જ્યૉર્જ વ્હીટમેન હશે ? પૂછ્યું નહિ. ગોષ્ઠિ ચાલતી હતી ને ! આગલા ઓરડામાંથી વચલા ઓરડામાં જવા માટે બે બારણાં. જમણી બાજુનું બારણું સાંકડું, ડાબી બાજુનું બારણું ખાસ્સું પહોળું. પ્રત્યેકને બે પગથિયાં. ડાબી બાજુના બારણાનાં પગથિયાં પર એક સૂત્ર–બલકે મંત્ર, જાણે કે દુકાનનો મુદ્રાલેખ — ‘LIVE FOR HUMANITY.’ એ બારણામાંથી વચલા ઓરડામાં પ્રવેશ કર્યો. વચલા ઓરડામાં પણ ચારે ભીંતો પર કબાટોમાં પુસ્તકો, વચમાં મોટાં ટેબલો પર પણ પુસ્તકો. કબાટો, ખુરશીઓ તથા ટેબલોની નીચે જમીન પર પણ પુસ્તકો. અરે, પગથિયાં પર પણ પુસ્તકો. મુખ્યત્વે કવિતા, નાટક, નવલકથા, વિવેચનનાં પુસ્તકો. વચલા ઓરડામાંથી પાછલા ઓરડામાં જવા માટે પણ બે બારણાં. બન્ને બારણાં સાંકડાં. પ્રત્યેકને એક પગથિયું. ડાબી બાજુના બારણામાંથી પાછલા ઓરડામાં પ્રવેશ કર્યો. અન્ય બે ઓરડાઓથી આ કંઈક વિભિન્ન, વિશેષ પ્રકારનો ઓરડો હતો. પ્રમાણમાં નાનો ઓરડો અને પ્રકારમાં જુદાં પુસ્તકો — અપ્રાપ્ય પુસ્તકો તથા પ્રથમ આવૃત્તિનાં પુસ્તકો. વચમાં એક અરીસા પર આ દુકાનના કેટલાક જગપ્રસિદ્ધ અતિથિવિશેષો — આનેસ નીન, ઝાં પૉલ સાર્ત્ર, લૉરેન્સ ડર્લ, લુઈ આરાગોં આદિ –ની છબીઓ. આ ઓરડો જાણે કે એક આંતરરાષ્ટ્રીય છબીઘર ન હોય ! આ ઓરડાનું કાવ્યમય એવું નામ: ‘Old Smoky Reading Room.’ જમણી બાજુ પર એક દાદર. એની પર યેટ્સની બે પ્રસિદ્ધ કાવ્યપંક્તિઓનું અવતરણ:

I must lie down where all the ladders start
In the foul rag — and — bone shop of the heart.

દાદરનાં પગથિયાં પર પણ પુસ્તકો, અરે, દુકાનનો બાથરૂમ એ પણ પુસ્તકોનો સંચયખંડ, એટલું જ નહિ પણ એમાં હાથ ધોવાની કૂંડીની આસપાસ પણ પુસ્તકો. ઉપરના મજલા પર સીલ્વિઆ બીચ સ્મારક ગ્રંથાલય — Sylvia Beach Memorial Library. આ સીલ્વિઆ બીચ તે શેક્સ્પિયર ઍન્ડ કંપનીના આદ્ય સ્થાપક. સીલ્વિઆ બીચ એક અમેરિકન સન્નારી. ન્યૂ જર્સીમાં પ્રિન્સ્ટનમાં ૧૮૮૭માં એમનો જન્મ. પ્રેસ્બિટેરિયન પાદરીનાં પુત્રી. એ ૧૯૧૭માં પૅરિસમાં સ્વેચ્છાએ નિર્વાસિત. ૧૯૧૮માં સેન નદીના વામ તટ પર કાર્તિએ લાતાં (Quartier Latin)ના ઑદેઓં (Odeon) નાટ્યગૃહની નિકટ ર્યુ દ્યુપ્યેત્રાં (Rue Dupuytren)માં ૮ નંબરના મકાનમાં એમણે પુસ્તકોની એક દુકાન — પ્રથમ શેક્સ્પિયર ઍન્ડ કંપનીની સ્થાપના કરી હતી અને પછી તરત રયુ દ લૉદેઓં(rue de l’Odeon)માં ૧૨ નંબરના મકાનમાં એનું સ્થળાંતર કર્યું હતું અને પુસ્તકોની દુકાન ઉપરાંત ધિરાણ પુસ્તકાલય, પ્રકાશનગૃહ, લેખકમિલન વગેરેમાં એનું રૂપાંતર કર્યું હતું. એઝરા પાઉન્ડ, અર્નેસ્ટ હૅમિંગ્વે, ગર્ટ્રુડ સ્ટાઇન, ઍફ. સ્કૉટ ફિટ્ઝિરાલ્ડ આદિ અમેરિકન લેખકો ત્યારે પૅરિસમાં એટલે આરંભથી જ એમનો અહીં અડ્ડો હતો. ૧૯૨૦ના જુલાઈની ૧૨મીએ જેઇમ્સ જૉઇસનું અહીં આગમન થયું હતું. ૧૯૨૨માં ફેબ્રુઆરીની ૨જીએ એમણે જેઇમ્સ જૉઇસની નવલકથા ‘યુલીસિસ’ તથા ૧૯૨૭માં એમનાં કાવ્યો ‘Poems Pennyeach’નું પ્રકાશન કર્યું હતું. ૧૯૪૦માં સીલ્વિઆ બીચે એક નાઝી લશ્કરી અમલદારને જેઇમ્સ જૉઇસની અન્ય નવલકથા ‘ફિનીગન્સ વેઇક’ની અસલ આવૃત્તિ વેચવાનો ઇનકાર કર્યો એથી નાઝીઓએ એ દુકાન બંધ કરાવી હતી. પણ તે પૂર્વે રાતોરાત એ દુકાનમાંથી અન્ય સામગ્રી સમેત પુસ્તકસંચયનું અન્યત્ર સ્થળાંતર કર્યું હતું. એથી એ સદ્ભાગ્યે સુરક્ષિત રહ્યો હતો. ૧૯૪૪ના ઑગસ્ટની ૨૫મીએ પરાજય પછી નાઝીઓએ પૅરિસત્યાગ કર્યો તે જ દિવસે અર્નેસ્ટ હૉલમાં હૅમિંગ્વેએ એ દુકાનનું વિમોચન કરાવ્યું હતું. પણ સીલ્વિઆ બીચમાં પૅરિસત્યાગ કરવાનું સાહસ હતું પણ હવે એ દુકાનનું પુનશ્ચ ઉદ્ઘાટન કરવાનું સાહસ ન હતું એથી એ દુકાનનું વિલોપન થયું હતું. સ્વયં સીલ્વિઆ બીચે બે ગ્રંથોમાં એનો ઇતિહાસ આલેખ્યો છે — ‘Shakespeare and Company’ અને ‘Ulys-ses in Paris.’ પછી ૧૯૫૧માં જ્યૉર્જ વ્હીટમેને આ દ્વિતીય શેક્સ્પિયર ઍન્ડ કંપનીની સ્થાપના કરી હતી. આમ, આ દ્વિતીય શેક્સ્પિયર ઍન્ડ કંપની એ સીલ્વિઆ બીચની શેક્સ્પિયર ઍન્ડ કંપનીની અનુગામી અનુજા છે, દ્વિજ છે. જે સ્થળે ર્‌યુ દ લા બુશરીમાં ૩૭ નંબરના મકાનમાં — એની સ્થાપના કરવામાં આવી છે તે ૧૫૯૮માં ધર્મગુરુઓનું નિવાસસ્થાન (Maison du Moustier) હતું. પછીથી તે સ્થળે પૂર્વના દેશોના મરીમસાલા ને સૂકામેવાની દુકાન હતી. આ દ્વિતીય શેક્સ્પિયર ઍન્ડ કંપનીનું અસલ નામ હતું મિસ્ત્રાલ (Mis-tral). ચીલીનાં પ્રસિદ્ધ કવયિત્રી અથવા ભૂમધ્ય સમુદ્રના તટ પર દક્ષિણ ફ્રાન્સ પરના પ્રસિદ્ધ માતરિશ્વાના નામ પરથી નહિ પણ એના માલિક જ્યૉર્જ વ્હીટમેન કહે છે તેમ ‘પૅરિસમાં મારી પ્રથમ પ્રેયસી’ તરીકે. ૧૯૬૪માં શેક્સ્પિયરની ચતુર્થ જન્મશતાબ્દી નિમિત્તે એમણે એનું નવું નામકરણ કર્યું — શેક્સ્પિયર ઍન્ડ કંપની. વચલાં વરસોમાં પ્રથમ શેક્સ્પિયર ઍન્ડ કંપનીનો આત્મા તો એમાં ક્યારનો વસી ગયો હતો. સ્વયં સીલ્વિઆ બીચને એની પૂર્ણ પ્રતીતિ હતી. ૧૯૬૨ લગી, આયુષ્યના અંત લગી, એ એનાં નિયમિત નિષ્ઠાવાન યાત્રી રહ્યાં હતાં. જ્યૉર્જ વ્હીટમેને એમાં સીલ્વિઆ બીચનો સ્મૃતિગ્રંથ, પ્રથમ શેક્સ્પિયર ઍન્ડ કંપની પરના પ્રદર્શનનું સૂચિપત્ર, જેઈમ્સ જૉઈસના સ્વમુખે ‘યુલીસિસ’ના કેટલાક ખંડોના પઠનનું ધ્વનિમુદ્રણ વગેરે સીલ્વિઆ બીચનાં કેટલાંક સ્મૃતિચિહ્નોનું જીવની જેમ જતન કર્યું છે. આજે પણ એમાં બહાર બારીબારણાં અને પાટિયાનું જૂનું લાકડું, પાટિયા પરના નામાક્ષરોનો મરોડ અને રંગ તથા અંદર અત્રતત્રસર્વત્ર પુસ્તકો, છબીઓ અને અન્ય વસ્તુઓનો વિચિત્ર વર્ણસંકર અને એના પરની રજ સુધ્ધાંમાં સ્થૂલ રૂપે અને સ્વાગત, સૌહાર્દ, સ્વાતંત્ર્ય અને સર્વતોમુખી સક્રિયતામાં સૂક્ષ્મ રૂપે પ્રથમ શેક્સ્પિયર ઍન્ડ કંપનીનો જ આત્મા વસી રહ્યો છે. જાણે જ્યૉર્જ વ્હીટમેનમાં સીલ્વિઆ બીચનો જ આત્મા વસી રહ્યો છે. આ દ્વિતીય શેક્સ્પિયર ઍન્ડ કંપની એ સીલ્વિઆ બીચને જ્યૉર્જ વ્હીટમેનની અંજલિ છે. જ્યૉર્જ વ્હીટમેન એક અમેરિકન સજ્જન. ન્યૂ ઇંગ્લૅન્ડમાં સાલેમમાં એમનો જન્મ. વિજ્ઞાનના અધ્યાપકના પુત્ર. વૉલ્ટ વ્હીટમેનના દૂરના કુટુંબીજન. કવિ સાથે એમનું સ્થૂલ — સૂક્ષ્મ ઉભય સ્વરૂપે સહજ સામ્ય. ચૌદ વર્ષની વયે કુટુંબની સાથે ચીનમાં નિવાસ. વીસ વર્ષની વયે પગવાટે પૃથ્વીનો પ્રવાસ. પણ બીજે જ વર્ષે દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ. પનામામાં હતા ત્યારે સૈન્યમાં સૈનિક. સૈન્યની સાથે ગ્રીનલૅન્ડનો પ્રવાસ. ૧૯૪૪માં સૈનિક-શિષ્યવૃત્તિને પરિણામે પૅરિસમાં સૉર્બોનમાં વિદ્યાર્થી. ૧૯૫૧થી શેક્સ્પિયર ઍન્ડ કંપનીના વિક્રેતા. આદર્શ આતિથ્ય. એમની આ દુકાન એટલે પૅરિસમાં અન્યત્ર ક્યાંય જેમને આશ્રય ન હોય એવા યુવાનો, વિદ્યાર્થીઓ, સર્જકો અને પ્રવાસીઓનું આશ્રયસ્થાન. દુકાનના ખૂણે ખૂણે એમના સ્વાગત અર્થે આરામખુરશીઓ અને આસનો. ત્રીસેક વરસમાં પંદરેક હજાર આવા અતિથિઓને સ્વાગત, આશ્રય અને આતિથ્યનું સદ્ભાગ્ય. છેલ્લો ગ્રાહક વિદાય થયો હોય અને પછી એમનું પુસ્તકમાં ધ્યાન હોય અને એમને સમયનું ભાન ન હોય અથવા એકવાર સ્વજન તરીકે સ્વીકાર થયો હોય તો એવી કોઈપણ વ્યક્તિ એમની આ દુકાનમાં રાતના બે વાગ્યા લગી અથવા એથી પણ વધુ સમય લગી ડોકાઈ-રોકાઈ શકે. કોઈપણ વ્યક્તિ એમની આ દુકાનમાં નવરાશથી અને નરવાશથી હરતી-ફરતી હોય તો તરત એને પહેલે મજલે ચ્હા પીવાનું અને એમનો અંગત ગ્રંથસંચય જોવાનું પ્રેમથી અને ગર્વથી આમંત્રણ. એમના ચ્હાઘરનું કાવ્યમય નામ — Blue Oyster Tea Room. વિવિધ રસ અને વ્યાપક રુચિના પ્રતીક જેવો એમનો સારગ્રાહી ગ્રંથસંચય — ઇતિહાસ, પ્રવાસ, નાગરિકતા, પૅરિસ, વાઇલ્ડ, હોથોર્ન, યુંગ, બુફોં, સેં સિમોં, પો, લૉરેન્સ વગેરે વગેરે. પ્રત્યેક સોમવારની સાંજે એમની આ દુકાનમાં કોઈ યુવાન કવિનું કાવ્યપઠન થાય. ૧૯૬૭ના ઑક્ટોબરમાં એમણે એક સભર-સમૃદ્ધ સામયિક — Paris Review — નું પ્રકાશન કર્યું હતું. આ પ્રથમ અંકમાં જિન્સબર્ગનાં કેટલાંક કાવ્યો, લૉરેન્સ ડર્લના કેટલાક પત્રો, સાર્ત્રનો વિયેટનામ પરનો નિબંધ, માર્ગ્યુરિત દુરાંની પ્રશ્નોત્તરી અને યુવાન કવિઓનાં અનેક કાવ્યો… છતાં એનો બીજો અંક ? એનું તો હવે પ્રકાશન થાય ત્યારે થાય ! જ્યૉર્જ વ્હીટમેન તો છેક છેવટે અને ન છૂટકે જ વિક્રેતા. એ વ્યવસાયે ભલે વિક્રેતા પણ સ્વભાવે તો એ પુસ્તકપ્રેમી ગ્રંથાલયી જ. ઉદરનિર્વાહ અર્થે જેટલો ગ્રંથ-વિક્રય અનિવાર્ય હોય એટલો ગ્રંથ-વિક્રય પણ ક્યારેક તો ન થાય. કોઈ ગ્રાહક ઝટપટ પુસ્તક ખરીદે ને પટપટ એમની દુકાનમાંથી ચાલ્યું જાય એ એમને અસહ્ય. પણ કોઈ પુસ્તકપ્રેમી એમની દુકાનમાં પુસ્તકો જોયા જ કરે જોયા જ કરે એ એમને અતિપ્રિય.એમને જેટલું પુસ્તક વેચવું પ્રિય નહિ એટલું પુસ્તક ધીરવું પ્રિય. ૧૯૬૬ના નવેમ્બરથી ૧૯૬૮ના જુલાઈ લગી લગભગ દોઢેક વરસ લગી એમણે એકપણ પુસ્તકનું વેચાણ કર્યું નહિ, માત્ર અનેક પુસ્તકોનું ધીરાણ જ કર્યું. એથી ફ્રેંચ સત્તાધીશોએ એમને એક વિદેશી વિક્રેતા તરીકે ગ્રંથ-વિક્રય માટેનો નવો અનુમતિપત્ર નહિ આપવાનું વિચાર્યું. ત્યારે એમણે આન્દ્રે માર્લોને એક ખુલ્લો પત્ર લખ્યો હતો, ‘હું પુસ્તકોને મૈત્રી માટેનું સાધન માનું છું, વિક્રય માટેની વસ્તુ નહિ. અમરત્વ જેમને વર્યું હોય એવી ચીજવસ્તુઓ વેચવાને હું રાજી નથી.’ ટકવા માટે જેટલો ટકો-ટેકો જોઈએ એટલું જ એમને જોઈએ. ઉપભોગપ્રધાન સમાજ અને સંસ્કૃતિ ઉભય એમને અસ્વીકાર્ય. એથી એમણે કહ્યું હતું, ‘એક આખું અમેરિકન કુટુંબ માત્ર ટિનના ડબ્બાઓ માટે જેટલું ધન ખરચે છે માત્ર એટલું ધન હું આખું જીવન જીવવા માટે ખરચું છું.’ ચેરિટી સેઇલમાંથી પોતાનાં કપડાં અને મોટે ભાગે અન્ય પ્રકાશનગૃહોના સેઇલમાંથી દુકાનનાં પુસ્તકો — નવાં પુસ્તકો તો મોટે ભાગે પૉકેટબૂક્સ જ — આવું સાદું સરલ એમનું જીવન. એમનું જીવન એટલે આદર્શ જીવન — ‘મને જ્યારે સંગતની જરૂર હોય છે ત્યારે હું મારી દુકાનનાં બારણાં ખોલી નાંખું છું અને મારી દુકાનમાં સૌ દેશ-વિદેશનાં અને સૌ વેશ-વ્યવસાયનાં મનુષ્યોનો પ્રવેશ થાય છે. મને જ્યારે એકાન્તની જરૂર હોય છે ત્યારે મારી ભીંતો પર પુસ્તકો છે જ.’ એમની દુકાનમાં ત્રીસેક હજાર પુસ્તકો છે. આજકાલ પૅરિસમાં મકાન-માલિકોનું આક્રમણ છે. એની વચમાં આમ વસવું એ નર્યું સાહસ છે. સદ્ભાગ્યે જ્યૉર્જ વ્હીટમેન એમની ભીંતોના માલિક છે. શેક્સ્પિયર ઍન્ડ કંપનીમાં અંગ્રેજી ભાષાનાં અપ્રાપ્ય પુસ્તકો, પ્રશિષ્ટ પુસ્તકો, પ્રથમ પંક્તિનાં પુસ્તકો, પ્રથમ આવૃત્તિનાં પુસ્તકો વગેરે વગેરે વિશિષ્ટ અને વિશેષ પ્રકારનાં પુસ્તકો સુલભ. પણ ‘પ્રચલિત’ પુસ્તકો, ‘લોકપ્રિય’ પુસ્તકો, બેસ્ટ સેલર્સ અહીં અલભ્ય. એવાં પુસ્તકો સેન નદીના દક્ષિણ તટ — રિવ દ્રવાત (rive droite) પર ર્‌યુ દ રીવોલી (rue de Rivoli)માં ૨૪૮ નંબરના મકાનમાં લંડનની પ્રસિદ્ધ પુસ્તકસંસ્થાની શાખા W. H. Smith તથા નિકટમાં Galig-nani અથવા સહેજ દૂર આવન્યૂ દ લૉપેરા(Avenue de I’Opera)માં Brentano’sમાં સુલભ. પૅરિસમાં અંગ્રેજી ભાષાનાં પુસ્તકોની આ અન્ય ત્રણ પ્રસિદ્ધ દુકાનો છે. આ ત્રણે દુકાનોમાં દક્ષિણ તટનું વાતાવરણ. શેક્સ્પિયર ઍન્ડ કંપનીમાં વામ તટનું વાતાવરણ. બન્નેમાં સંપૂર્ણ અસામ્ય. સેન નદીના વામ તટ પર તથા સિતેના ટાપુના વામ તટ પર બૂકીનિસ્ત — bouquinistes — જૂનાં પુસ્તકોના વિક્રેતાઓ–ની ફ્રેંચ ભાષાનાં જૂનાં તથા અપ્રાપ્ય પુસ્તકો અને મહાન પ્રસિદ્ધ ચિત્રોની અનુકૃતિઓની બસો જેટલી નાનકડી દુકાનો બલકે ધાતુનાં ખોખાં, ગલ્લા કે કબાટોરૂપ દુકાનો છે. શેક્સ્પિયર ઍન્ડ કંપની એ જાણે કે પેલી દક્ષિણ તટની ત્રણ દુકાનો અને વામ તટની આ બસો દુકાનોના સમન્વયરૂપ છે. શેક્સ્પિયર ઍન્ડ કંપનીમાં હું એકાદ કલાક ફર્યો. દુકાનની ડાબી બાજુના ભાગમાં જે એક ઓરડો હતો એમાં ફર્યો નહિ. માત્ર દુકાનની જમણી બાજુના ભાગમાં જે ત્રણ ઓરડા હતા એમાં જ ફર્યો. અન્ય ઓરડામાં ફરવા માટેની અનુમતિ માટે અવકાશ ન હતો. દુકાનના માલિક અને પેલા યુવાનો વચ્ચે ગોષ્ઠિ ચાલતી હતી ને ! તે કલાક પછી પણ હજુ ચાલતી જ હતી. આ દુકાન એ જાણે દુકાન ન હતી. ભુલભુલામણી હતી, સૂક્ષ્મ અને સ્થૂલ બન્ને અર્થમાં. પુસ્તકોમાં ખોવાઈ ન જવાય, ભૂલા પડી ન જવાય તો જ નવાઈ ! વાંકીચૂંકી ભુલભુલામણી. ભોંયમાં નાનામોટા, ભાંગ્યાતૂટ્યા, ઊંચાનીચા પથ્થરો અને જરીપુરાણી જર્જરિત જાજમો. એક એક પુસ્તક અને એક એક પગલું સમજી સમજીને સાચવી સાચવીને લેવું- મેલવું રહ્યું. વળી દાદર પર પણ કૂદીને ચડો તો જ ઉપલા માળ પર પહોંચી શકાય. ભોંય પર કે દાદર પર ગબડી-ગગડી ન પડાય તો જ નવાઈ ! નોત્ર દામની સન્મુખ પાર્વિસના ચોક (Place du Par-vis)માં ભોંયમાં જડેલું તારક આકારનું ધાતુનું માપચિહ્ન કિલોમેત્ર ઝેરો–Kilometre Zero છે. પૅરિસમાં સૌ અંતરો આ બિન્દુથી માપવામાં આવે છે. પૅરિસનું આ મધ્યબિન્દુ છે, કેન્દ્ર છે. શેક્સ્પિયર ઍન્ડ કંપનીનાં પુસ્તકો પર આ કિલોમેત્ર ઝેરોનો સિક્કો હોય છે. શેક્સ્પિયર ઍન્ડ કંપની એ માત્ર પૅરિસમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં અંગ્રેજીભાષી સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિનું કિલોમેત્ર ઝેરો છે. શેક્સ્પિયર ઍન્ડ કંપનીમાંથી વિદાય થયો તે ક્ષણે માત્ર પૅરિસના રોમાંચ અને રહસ્યનો જ નહિ પણ જાણે કે કોઈ તીર્થસ્થાનની યાત્રાનો અનુભવ કર્યો એવી હૃદયમાં ધન્યતા હતી.

૧૯૮૪


*