સ્વાધ્યાયલોક—૪/ડબ્લ્યુ. એચ. ઑડન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ડબ્લ્યુ. એચ. ઑડન

‘All I have is a voice’ — મારી પાસે એક માત્ર અવાજ છે. હા, માત્ર અવાજ. નર્યો અવાજ, ભર્યો ભર્યો અવાજ, અવિરત અને અનહદ અવાજ, વૈપુલ્યપૂર્ણ અને વૈવિધ્યપૂર્ણ — વૈચિત્ર્યપૂર્ણ — અવાજ, અનેક વસ્તુવિષય પર અનેક શૈલીસ્વરૂપમાં કેટકેટલાં કાવ્યોમાં કેટકેટલાં વર્ષો લગી ઑડનનો અવાજ અદ્વિતીય હતો. ઑડનનો અવાજ અસત્યને આહ્વાન (‘To undo a folded lie’) રૂપ હતો. ઑડનનો અવાજ સત્યના સાક્ષી (‘May I… show an af-firming flame’) રૂપ હતો. એ અવાજ હવે અલોપ થયો છે. એની ખોટ ઇશરવૂડ, સ્પૅન્ડર, કૉલમૅન જેવા અંગત મિત્રો તો અનુભવશે જ પણ દૂરથી પણ જેમણે એ અવાજ કંઈક ધ્યાનથી કાન પર ધર્યો હશે એવા અનેકનું જગત — અને જીવન પણ — સહેજ સૂનું થશે. સદા એકલવાયો અને તો યે સૌને આત્મીય એવો એ અવાજ હતો. ઑડનના પ્રથમ કાવ્યસંગ્રહ ‘Poems’ (૧૯૩૦)ના પ્રથમ કાવ્યની પ્રથમ પંક્તિ છે, ‘Will you turn a deaf ear…?’ દોષિત, દૂષિત, શાપિત, પીડિત જગતના બધિર કાનને એમણે એમાં પ્રશ્ન પૂછ્યો છે ‘તમે કાને ધરશો? તમારા બધિર કાને ધરશો? આ મારો અવાજ? કે પછી…’ ઑડન આ કાનને પ્રથમથી જ પામી ગયા હતા. એથી સ્તો એ જીવનભર પ્રશ્નો પૂછતા રહ્યા, ક્યારેક કઠોર તો ક્યારેક કોમળ અવાજથી, પણ હંમેશાં હસતાં હસતાં, રમતાં રમતાં, હંમેશાં નર્મથી, મર્મથી. ઑડન શિક્ષક હતા. વાચ્યાર્થમાં પણ શિક્ષક હતા, ઇંગ્લંડ અને અમેરિકામાં જીવનભર શિક્ષક હતા. ઑડન નીતિજ્ઞ હતા. એમણે મનુષ્યજાતિના શિક્ષક તરીકે, માનવતાવાદી તરીકે મનોવિજ્ઞાન–રાજકારણ-ઇતિહાસને આધારે મનુષ્યના મનને અને મનુષ્યજાતિના નીતિરક્ષક તરીકે, ખ્રિસ્તી તરીકે નીતિશાસ્ત્ર-ધર્મશાસ્ત્ર-ઈશ્વરશાસ્ત્રને આધારે મનુષ્યના આત્માને પ્રશ્નો પૂછ્યા છે. મનુષ્ય શું છે? મનુષ્યજીવન શું છે? એ બન્નેનો અર્થ શું છે? આ સારું છે? પેલું સાચું છે? ઑડનની કવિતા એટલે પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થોની પરંપરા. એ નાના હતા ત્યારે એમણે મોટેરાઓને અને મોટા થયા ત્યારે એમણે નાનેરાઓને પ્રશ્નો પૂછ્યા છે. અંતિમ કાવ્યસંગ્રહ ‘Epistle to a Godson’ (૧૯૭૨)નું અર્પણકાવ્ય છે ઃ ‘Each year brings new problems of Form 
 and Content, 
New foes to tug with at Twenty I tried to 
Vex my elders, past Sixty it’s the young whom 
 I hope to both-er.’ ઑડને જીવનનો અને કવિતાનો આરંભ કર્યો ત્યારે જ પ્રેમ વિનાના મનુષ્યનો અને પ્રેમ વિનાના સમાજનો અનુભવ કર્યો. વૈર, હિંસા અને યુદ્ધ એ મનુષ્યજાતિના રોગો છે અને એનું એક માત્ર ઔષધ છે પ્રેમ એ દર્શન કર્યું. નાના ઑડને મોટામસ માણસોને, મોટેરાઓને એમના ઑડનસૂરીલા અવાજમાં પ્રશ્ન પૂછ્યો,‘What do you think of England, this country of ours, where nobody is well?’ — તમને શું લાગે છે આ આપણા દેશ ઇંગ્લંડ વિશે? જ્યાં કોઈ સાજુંસમું નથી. હજુ આ પ્રશ્નનો ઉત્તર મોટેરાઓ આપે ન આપે ત્યાં તો યુરોપમાં હિટલર સત્તારૂઢ થયો, સ્પેનમાં આંતરવિગ્રહ થયો, વિશ્વયુદ્ધ થયું. એક પછી એક ત્વરિત ગતિએ વૈર, હિંસા અને યુદ્ધનો વધુ વિષમ, વધુ વિકટ, વધુ વેદનામય, વિરાટ વિશ્વવ્યાપી અનુભવ થયો. ત્યારે ઑડને નાટક, ફિલ્મ અને સંગીત દ્વારા અનેક પદ્યનાટકો અને કાવ્યોમાં પ્રતિકાર કર્યો, સ્પેઇન અને ચીનમાં પ્રવાસ કર્યો. સ્પેઇનમાં આંતરવિગ્રહ સમયે ઑડને એમના પ્રસિદ્ધ સ્તોત્રકાવ્ય ‘Spain’માં ‘today the struggle’ — આજે તો યુદ્ધ જ એ યુદ્ધમંત્ર દ્વારા ફાસીવાદવિરોધી યુદ્ધકર્મનું આહ્વાન કર્યું. યુદ્ધમાં ફાસીવાદવિરોધી સૈન્યનો પરાજય થયો. વિશ્વયુદ્ધ હવે નિશ્ચિત છે એવો અનુભવ થયો. ઑડનને ફ્રોઇડના સિદ્ધાન્તો, માર્ક્સના સિદ્ધાન્તો, સામ્યવાદ, રશિયાની અપૂર્ણતાનો અનુભવ થયો. મ્યુનિકનો કરાર થયો. ઑડનને ઉદારમતવાદ, માનવતાવાદ, ઇંગ્લંડની અપૂર્ણતાનો અનુભવ થયો. ઑડનને નવું દર્શન થયું. વૈર, હિંસા અને યુદ્ધના રોગોનું ઔષધ માનુષી પ્રેમ, secular love, Eros નહિ પણ દિવ્યપ્રેમ, divine love, Agape છે. ઑડને ઇંગ્લંડનો ત્યાગ કર્યો. અમેરિકામાં કાયમનો વાસ કર્યો. પછીથી અમેરિકાનું નાગરિકત્વ પણ ધારણ કર્યું. અંતમાં અમેરિકાનો ત્યાગ કર્યો. ત્યારે જોકે અમેરિકાના નાગરિકત્વનો ત્યાગ ન કર્યો, દેવળમાં જવાનો આરંભ કર્યો, ઍન્ગ્લો-કૅથલિક થયા. ધર્મમાં ગયા. વિશ્વયુદ્ધ થયું ત્યારે વીસમી સદીના ચોથા દસકા પર મૃત્યુલેખ સમા, કરુણપ્રશસ્તિ જેવા કાવ્ય ‘September ૧, ૧૯૩૯’માં એમણે કરુણામય અવાજે કહ્યું, ‘We must love one another or die.’ ત્યારથી ઑડને ખ્રિસ્તી તરીકે ધર્મનું જીવન જીવવાનો આરંભ કર્યો. આચરવું એ એમનું જીવનસૂત્ર, ઉપદેશવું નહીં એ એમનો કાવ્યમંત્ર. ત્યારથી એમના પ્રિય શબ્દો હતા: Choice, Civility, Order અને Just City — પસંદગી, નાગરિકતા, વ્યવસ્થા અને ન્યાયી નગરી. ત્યારથી એમણે પસંદગી કરી હતી–પડોશીને પ્રેમ કરો! — Love thy neigh-bour અને વ્યવસ્થા સિદ્ધ કરી હતી, અને ક્યારેક આ પૃથ્વી પર ન્યાયી નગરીનું સર્જન થાય એ માટે એમણે ઉત્તરજીવનની કવિતામાં એક બ્લૂ-પ્રિન્ટ રચી હતી. ઑડનની પ્રતીતિ હતી કે ધર્મ એ ધર્મ છે અને કવિતા એ કવિતા છે. એ એકમેકના વિકલ્પ નથી. એમણે કવિતાને કદી ધર્મને કે ધર્મની દાસીને સ્થાને સ્થાપી નથી. કવિતાને એમણે મંદ પીણું — a small beer કહી છે, રમત — a frivolity કહી છે, જ્ઞાનની ક્રીડા — a game of knowledge કહી છે. પોતે ધર્મની પસંદગી કરી હતી અને એ દ્વારા નાગરિકતા સિદ્ધ કરી હતી અને પડોશીધર્મનું પૂર્ણ પાલન કર્યું હતું. કવિતા તો એમણે પડોશીઓના, અન્ય મનુષ્યોના હાથમાં સ્વાગતના સ્મિત સાથે આતિથ્યમાં પીણા રૂપે ધરી હતી; રમત રૂપે, જ્ઞાનની ક્રીડારૂપે, પોતાના અંગત જીવનની વ્યવસ્થાના અને ન્યાયી નગરીના પ્રતીકરૂપે રજૂ કરી હતી. જો કે એની પડછે ન્યૂ યૉર્ક આદિ નગરીઓનું અને એમાં વ્યવસ્થા, નાગરિકતા અને પંસદગીના અભાવનું વાસ્તવ — the Real પ્રગટ થતું રહ્યું છે. ‘Trust in God and take short views.’ — ભગવાનમાં ભરોસો હોય એને ભૂત-ભાવિનો, આગળપાછળનો વિચાર કરવાનો ન હોય. એણે તો ક્ષણે ક્ષણ ભગવાન જેમ જિવાડે તેમ જીવવાનું હોય. આ ક્ષણ તે જ અનંત. આ જીવન તે જ પ્રભુમય, પ્રાર્થનામય જીવન. ઑડનની આ કવિતામાં આ જીવન પ્રગટ થાય છે. એમાં ઑડનનું શાણપણ — wisdom પ્રગટ થાય છે. ઑડને અંત લગી આમ મનોમન કવિતાનું રટણ કર્યાં કર્યું છે — to go on humming quietly to himself. ઑડનની એ પણ પ્રતીતિ હતી કે કવિનો એક જ રાજકીય ધર્મ છે અને તે શબ્દ ભ્રષ્ટ-વિકૃત ન થાય તે જોવાનો. શબ્દ ભ્રષ્ટ-વિકૃત થાય તો મનુષ્યોની શબ્દમાંથી શ્રદ્ધા લોપ થાય, મનુષ્ય વચ્ચે અણસમજ-ગેરસમજ થાય અને એમાંથી હિંસા થાય, અવ્યવસ્થા થાય અને તો પછી ન્યાયી નગરીનું સર્જન ક્યાંથી થાય? ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી ઑડનની સદાની સહચરી હતી. ઑડનની ઉત્તરજીવનની કવિતા = બાઇબલ + ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી. એમણે કલ્પનાતરંગ-Fantasy જેવાં કાવ્યોમાં શાંત નમ્ર અવાજમાં પૂછ્યા કર્યું હતું. જીવનભર પૂછ્યા કર્યું હતું, ‘તમે પસંદગી કરી છે? કરશો? તમે નાગરિકતા સિદ્ધ કરી છે? કરશો? તમે વ્યવસ્થા સિદ્ધ કરી છે? કરશો? અને ન્યાયી નગરીનું સર્જન કર્યું છે? કરશો?’ એમણે ‘September ૧, ૧૯૩૯’માં અંતે આશાવચન ઉચ્ચાર્યું હતું, May I, composed like them 
Of Eros and of duest, 
Beleguered by the same 
Negation and despair 
Shoe an affirming flame.’ આયુષ્યના અંત લગી એમની આ અસ્તિવાચક જ્યોતિ, શબ્દ-જ્યોતિ ઉજ્જ્વલ હતી. પડોશી પ્રત્યેનો પ્રેમ એમણે પવિત્ર મન, પવિત્ર વાણી અને પવિત્ર કર્મ દ્વારા પ્રગટ કર્યો હતો. ન્યૂ યૉર્ક, ઇશચિઆ અને અંતે કિર્ચસ્ટાનમાં એમનું એકાકી જીવન હતું. અને તો યે એ સૌના પડોશી જેવા હતા. એમનાં કાવ્યોમાં એમનો એકલવાયો અવાજ હતો. અને તો યે એ સૌને આત્મીય જેવો હતો. નાના હતા ત્યારે એ અવાજથી એમણે સમકાલીન જીર્ણ, જર્જરિત, ભ્રષ્ટ, રોગિષ્ટ મનુષ્યને, સમાજને સ્થાને નૂતન મનુષ્યનું, નૂતન સમાજનું સર્જન થાય એ અર્થે મોટેરાઓને પ્રશ્નો પૂછ્યા હતા. પણ નૂતન મનુષ્યનું, નૂતન સમાજનું સર્જન ન થયું. અને ઊલટાનું બીજું વિશ્વયુદ્ધ થયું અને ઍટમ બૉમ્બ અને વિયેટનામના જગતનું નાના હતા ત્યારે જે જગત એમને અસ્વીકાર્ય હતું તેને સારું કહેવડાવે એવા જગતનું સર્જન થયું. મોટા થયા ત્યારે એ જ અવાજથી એમણે પસંદગી અને નાગરિકતા દ્વારા — અને નહીં કે drug-addiction અને permissiveness દ્વારા — વ્યવસ્થા અને ન્યાયી નગરીનું સર્જન થાય એવી ભારે મોટી આશાથી નાનેરાઓને પ્રશ્નો પૂછ્યા છે. એમાં પણ એમનો પ્રથમ પ્રશ્ન તો એનો એ જ છે, ‘Will you turn a deaf ear…?’ — તમે કાને ધરશો? તમારા બધિર કાને ધરશો? આ મારો અવાજ? કે પછી…’ આ રહ્યો એમનો અવાજ — (જુઓ છેલ્લું પૂંઠું) આવતી કાલની મનુષ્યજાતિનો કાન બધિર નહીં હોય. ઑડનનો અવાજ એ ધ્યાનથી કાન પર ધરશે અને સારી અને સાચી પસંદગી દ્વારા, નાગરિકતા દ્વારા, વ્યવસ્થા દ્વારા ન્યાયી નગરીનું સર્જન કરશે. ઑડનને અને એમની કવિતાને એ સાચી અંજલિ હશે.

૧૯૭૯


*