સ્વાધ્યાયલોક—૪/રૉબર્ટ ફ્રૉસ્ટ — જન્મશતાબ્દી વર્ષમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૉબર્ટ ફ્રૉસ્ટ — જન્મશતાબ્દી વર્ષમાં

૧૯૬૩માં અમેરિકન કવિ રૉબર્ટ ફ્રૉસ્ટનું મૃત્યુ થયું અને વિશ્વકવિ રૉબર્ટ ફ્રૉસ્ટનો જન્મ થયો. ૧૯૬૩ લગી વિશ્વકવિ રૉબર્ટ ફ્રૉસ્ટનો જન્મ ન થાય એ માટે વાચકોએ, વિવેચકોએ અને સ્વયં રૉબર્ટ ફ્રૉસ્ટે — સૌએ પોતપોતાથી બનતું બધું જ કર્યું છે. ૧૯૬૩ લગી રૉબર્ટ ફ્રૉસ્ટ એ માત્ર અમેરિકન કવિ — અલબત્ત, ૨૦મી સદીના સર્વ શ્રેષ્ઠ અમેરિકન કવિ, પણ માત્ર અમેરિકન કવિ છે — એવી રૉબર્ટ ફ્રૉસ્ટની કવિમૂર્તિની પ્રતિષ્ઠા હતી. એમાં સ્વયં રૉબર્ટ ફ્રૉસ્ટનું પણ — અલબત્ત, સકારણ — અર્પણ હતું. પણ ૧૯૬૩માં રૉબર્ટ ફ્રૉસ્ટનું મૃત્યુ થયું તે જ ક્ષણે વિશ્વકવિ રૉબર્ટ ફ્રૉસ્ટનો જન્મ થયો છે. રૉબર્ટ ફ્રૉસ્ટની કવિતામાં માત્ર અમેરિકનત્વ જ નહિ પણ સમગ્ર મનુષ્ય જાતિના સંદર્ભમાં દર્શન છે, વૈશ્વિક દર્શન છે તે સમજવું હવે — રૉબર્ટ ફ્રૉસ્ટના મૃત્યુ પછી — વાચકો અને વિવેચકો માટે શક્ય છે. હવેનાં વરસોમાં રૉબર્ટ ફ્રૉસ્ટની કવિતાને આપણે સુધારવાની રહેશે. એટલે કે રૉબર્ટ ફ્રૉસ્ટની કવિતાની આપણી સમજને સુધારવાની રહેશે. ૧૯૭૫નું વર્ષ રોબર્ટ ફ્રોસ્ટની જન્મશતાબ્દીનું વર્ષ છે. એ વિશ્વકવિ રૉબર્ટ ફ્રૉસ્ટની શોધનું વર્ષ હજો! રૉબર્ટ ફ્રૉસ્ટે કહ્યું છે કે પોતે ક્યાંક ક્યારેક કોઈ કોઈ વિરલ વ્યક્તિ પાસેથી જીવનનું કેટલુંક રહસ્ય પામ્યા હતા એમાંનું એક રહસ્ય એક ખડતલ ખેડૂત પાસેથી એના આ વાક્ય દ્વારા પામ્યા હતા ઃ ‘There is always something more to everything’. પ્રત્યેક વસ્તુમાં હંમેશાં આપણે માનીએ છીએ એથી કશુંક વિશેષ હોય છે. રૉબર્ટ ફ્રૉસ્ટ અને એમની કવિતા વિશે આપણે માનીએ છીએ કે એ ૨૦મી સદીના સર્વશ્રેષ્ઠ અમેરિકન કવિ છે અને એમની કવિતામાં માત્ર અમેરિકનત્વ જ છે, પણ એમનામાં અને એમની કવિતામાં એથી કશુંક વિશેષ છે. અને એ ‘કશુંક વિશેષ’ તે આ ઃ રૉબર્ટ ફ્રૉસ્ટ વિશ્વકવિ છે અને એમની કવિતામાં વૈશ્વિક દર્શન છે. ફ્રૉસ્ટના પ્યુરિટન પૂર્વજો ૧૭મી સદીમાં ઇંગ્લૅન્ડમાંથી ખસ્યા. ન્યૂ ઇંગ્લૅન્ડમાં વસ્યા. ફ્રૉસ્ટના પિતા ડેમાક્રેટ હતા. એમને રિપબ્લિકન ન્યૂ ઇંગ્લઁડ અનુકૂળ ન હતું એથી એ કૅલિફોર્નિયામાં વસ્યા. પ્રથમ શિક્ષક અને પછી રાજનીતિજ્ઞ અને ડેમૉક્રેટિક પત્રના તંત્રી થયા. ફ્રૉસ્ટનો જન્મ સાન ફ્રાન્સિસ્કોમાં. દક્ષિણના સાક્ષર સૈનિક રૉબર્ટ લીના નામ પરથી ફ્રૉસ્ટનું નામ પડ્યું રૉબર્ટ લી ફ્રૉસ્ટ. જીવનભર ફ્રૉસ્ટ વ્યક્તિવાદી સ્વાતંત્ર્યપ્રિય ડેમોક્રેટ રહ્યા. રખડુનું જીવન એ કૅલિફોર્નિયાની ફ્રૉસ્ટને અમૂલ્ય ભેટ. પિતાના મૃત્યુ પછી બે સંતાનો સાથે ફ્રૉસ્ટનાં માતા ન્યૂ ઇંગ્લઁડમાં વસ્યાં. સસરાની દયાનો અસ્વીકાર કર્યો અને શિક્ષિકાના સ્વતંત્ર વ્યવસાયનો સ્વીકાર કર્યો. આજીવન શિક્ષકપદ એ ફ્રૉસ્ટને માતાનો વ્હાલસોયો વારસો. માતાને સહાયભૂત થવા અભ્યાસની સાથે સાથે ફ્રૉસ્ટે મોચી, લુહાર, મજૂર ખેડૂત, પત્રકાર તરીકે કાર્ય કર્યું. કવિતામાં અને ફ્રૉસ્ટના કવિ તરીકેના ભાવિ વ્યવસાયમાં કુટુંબને કેવળ અશ્રદ્ધા હતી. માતાને સંપૂર્ણ શ્રદ્ધા હતી. માતાને સહાયભૂત થવા અભ્યાસનો ત્યાગ કર્યો અને શિક્ષક તરીકે કાર્ય કર્યું. ફ્રૉસ્ટે શાળાની સહાધ્યાયિની ઇલીનોર સાથે પ્રેમલગ્ન કર્યું. ઉચ્ચ શિક્ષણ માટે હાર્વર્ડમાં પ્રવેશ કર્યો. પણ પોતાનામાં જે કવિ હતો તેને સહાયભૂત થવા ફરી અભ્યાસનો ત્યાગ કર્યો. માતાનું મૃત્યુ થયું. પછી દાદાએ દસ વરસ માટે ખેતર આપ્યું. ખેડૂત થયા. પછીથી સાથે સાથે શિક્ષક તરીકે પણ કાર્ય કર્યું. આ સમયમાં ફ્રૉસ્ટને છ સંતાનો. એમાંથી બેનું મૃત્યુ. અકલ્પ્ય અકિંચનતા અને અસહ્ય એકલતાનો અનુભવ. ૧૯૧૨ લગીમાં આયુષ્યના અડત્રીસ વર્ષોમાં ફ્રૉસ્ટનાં માત્ર ચૌદ જ કાવ્યો સામયિકોમાં અત્રતત્ર ક્વચિત પ્રગટ થયાં હતાં. એટલી જ ફ્રૉસ્ટની અમેરિકામાં કવિપ્રતિષ્ઠા. ૧૯૧૨માં પત્ની, ચાર સંતાનો, બારસો ડૉલર અને અપ્રગટ કાવ્યોની હસ્તપ્રત સાથે ફ્રૉસ્ટ ઇંગ્લઁડ ગયા. ફ્રૉસ્ટ અમેરિકામાં હતા ત્યારે એમને એક પણ સાહિત્યિક મિત્ર ન હતો. તેમ ઇંગ્લૅન્ડમાં પણ એક વરસ લગી એમને એક પણ સાહિત્યિક મિત્ર તો ન હતો એટલું જ નહિ પણ કોઈ બિનસાહિત્યિક મિત્ર પણ ન હતો. બકિંગહામશાયરમાં બેકન્સફીલ્ડમાં એક ખેતરમાં એ માત્ર ખેડૂત હતા. અવારનવાર લંડન જાય તેમાં એક મિત્ર થયો, જે પૂર્વે પોલીસમેન હતો અને ત્યારે કટારલેખક હતો. એક સાંજે ૧૮૯૨થી ૧૯૧૨ લગીનાં બે દાયકાનાં કાવ્યો અગ્નિને અર્પણ થયાં, માત્ર ત્રીસ કાવ્યો બચી ગયાં. બીજે દિવસે એક માત્ર મિત્ર પાસે કોઈ સામાન્ય પ્રકાશકનું નામ માગ્યું. મળ્યું ઃ ડૅવિડ નટ. ગયા ડૅવિડ નટની ઑફિસે. નટ સદ્ગત થયા હતા એ ખબર નહિ. એમનો પુત્ર ડૅવિડ પણ મૃત્યુ પામ્યો હતો એ પણ ખબર નહિ. શ્રીમતી નટને હસ્તપ્રત સોંપી આવ્યા. ત્રણ દિવસ પછી સંદેશો આવ્યો. ગયા ને જાણ્યું કે હસ્તપ્રતનો સ્વીકાર થયો હતો. આ જ દિવસોમાં હૅરલ્ડ મનરોના પોએટ્રી બુકશૉપના ઉદ્ઘાટન પ્રસંગે અચાનક વગર આમંત્રણે ગયા હતા ત્યાં લંડનનિવાસી અમેરિકન કવિ ફિલન્ટનો પરિચય થયો. એમની દ્વારા ઍઝરા પાઉન્ડનું આમંત્રણ આવ્યું. પછી ત્રણેક માસ બાદ અચાનક કૅન્સિન્ગ્ટનમાં ચર્ચ વૉકમાં પાઉન્ડના ઘરમાં પાઉન્ડનું મિલન થયું. ત્રણ મહિને મળવા આવ્યા એ માટે પાઉન્ડે ધમકાવ્યા અને ધીરેકથી પાઉન્ડ ફ્રૉસ્ટનું પેટ પામી ગયા કે ડૅવિડ નટ ફ્રૉસ્ટનો કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરે છે. પાઉન્ડે કહ્યું, ‘ચાલો, પ્રેસ પર; એક નકલ લઈ આવીએ.’ બન્ને ગયા પ્રેસ પર. કાવ્યસંગ્રહની નકલ સાથે બન્ને ઘેર પાછા ફર્યા. ત્યારે ફ્રૉસ્ટના પ્રથમ કાવ્યસંગ્રહની પ્રથમ નકલ ફ્રૉસ્ટના હાથમાં ન હતી, પાઉન્ડના હાથમાં હતી. ઘરે આવીને પાઉન્ડે તરત કાવ્યો વાંચવાનો આરંભ કર્યો. ફ્રૉસ્ટને વહેમ આવ્યો ઃ ‘આ તો પાઉન્ડને કાવ્યો ગમતાં લાગે છે.’ પાઉન્ડે કહ્યું, ‘ગમે છે. તમને વાંધો તો નથી ને?’ ફ્રૉસ્ટે કહ્યું, ‘ના, ભલે ગમે. વધુ વાંચો!’ પાઉન્ડે કહ્યું, ‘તો તમે ત્યાં લગી અહીંથી કોઈ બીજું પુસ્તક લઈને વાંચો!’ પછી તરત કહ્યું, ‘ના, એમ કરોને તમે હમણાં જ ઘરે જાઓ તો! મારે તમારા કાવ્યસંગ્રહનો રિવ્યૂ કરવો છે.’ ૧૯૧૩ના એપ્રિલની ૫મીએ લંડનમાં ડૅવિડ નટ કંપની દ્વારા દોઢ શિલિંગની કિંમતે રૉબર્ટ ફ્રૉસ્ટના પ્રથમ કાવ્યસંગ્રહ ‘A Boy’s Will’નું પ્રકાશન. એ જ અઠવાડિયામાં ‘ઍન્થૅનિયમ’માં અંગ્રેજ કવિ વિવેચક એડવર્ડ ટૉમસનું અવલોકન. પછી સપ્ટેમ્બરમાં ‘ધ ન્યૂ વુમન’માં એૅઝ્રા પાઉન્ડનું અવલોકન અને શિકાગોમાં હૅરિયટ મનરોના ‘પોએટ્રી’માં પાઉન્ડના અવલોકનનું પુનર્મુદ્રણ અને પછી એક પછી એક અનેક અવલોકનો — આ માત્ર ફ્રૉસ્ટના જીવનની જ નહિ પણ અમેરિકન કવિતા અને સંસ્કૃતિના ઇતિહાસની એક મહાન ઘટના હતી. એક જ વર્ષમાં ૧૯૧૪ના એપ્રિલની ૧૮મીએ ડૅવિડ નટ કંપની દ્વારા ફ્રૉસ્ટના બીજા અને સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહ ‘North of Boston’નું પ્રકાશન થયું. ઍઝરા પાઉન્ડ, એડવર્ડ ટૉમસ, ઍમી લૉવેલ આદિ કવિવિવેચકોએ એનું પણ અવલોકન કર્યું. અને રૉબર્ટ ફ્રોસ્ટનું કવિપદ સદાયને માટે સિદ્ધ અને સ્થિર થયું. ફ્રૉસ્ટ બકિંગહામશાયરમાંથી ખસ્યા. ગ્લૉસ્ટરશાયરમાં વસ્યા. ત્યાં અંગ્રેજ જ્યૉર્જિયન કવિઓએ પ્રેમ અને મૈત્રી દ્વારા ફ્રૉસ્ટનો સત્કાર અને સ્વીકાર કર્યો. આમ, ઇગ્લૅન્ડમાં ફ્રૉસ્ટની પ્રતિષ્ઠા થાય ત્યાં તો પ્રથમ વિશ્વયુદ્ધના આરંભથી ફ્રૉસ્ટના ઇંગ્લૅન્ડનિવાસનો અંત આવ્યો. ૧૯૧૫ના ફેબ્રુઆરીની ૧૫મીએ ‘સેન્ટ પૉલ’ જહાજમાં પાંચ જીવ સાથે ફ્રૉસ્ટે અમેરિકા પ્રતિ પ્રયાણ કર્યું. ત્યારે એમની સાથે અપ્રસિદ્ધ કાવ્યોની હસ્તપ્રત ન હતી, બે પ્રસિદ્ધ કાવ્યસંગ્રહોની નકલો હતી. ૧૯૧૫થી ફ્રૉસ્ટ અમેરિકામાં પ્રસિદ્ધ કવિ હતા. ૧૯૧૫માં જ અમેરિકાના પ્રસિદ્ધ પ્રકાશનગૃહ ‘હેન્રી હૉલ્ટ ઍન્ડ કંપની’એ ફ્રૉસ્ટના બન્ને કાવ્યસંગ્રહોનું અમેરિકન પ્રકાશન કર્યું. ત્યારથી આ જ પ્રકાશનગૃહે ૧૯૬૨ લગીમાં ફ્રૉસ્ટના અન્ય નવ — એટલે કે કુલ અગિયાર — કાવ્યસંગ્રહોનું પ્રકાશન કર્યું. અનેક યુનિવર્સિટીઓમાં અધ્યાપકપદ (‘an idle fellow’), અને કવિપદ (poet in residence, ‘a sort of poetic radiator’), અનેક યુનિવર્સિટીઓની માનદ્ ઉપાધિઓ, અનેક સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓનું સભ્યપદ, અનેક યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો, અનેક શ્રોતાવૃન્દો — હજારોની સંખ્યાનાં શ્રોતાવૃન્દો સમક્ષ કાવ્ય વાચનો (barding around before town and gown audi-ences), દેશવિદેશમાં અનેક સાહિત્યિક સમારંભોમાં પ્રતિનિધિત્વ, ચાર વાર પુલિટ્ઝર પ્રાઈઝ, એક વાર બૉલિન્ગન પ્રાઈઝ, અનેક ચન્દ્રકો અને પુરસ્કારો, ૫૦મી, ૭૫મી, ૮૦મી અને ૮૫મી જન્મજયંતીના ઉત્સવો, ૭૫મી અને ૮૫મી જન્મજયંતી પ્રસંગે અમેરિકન સેનેટના સન્માન અને અભિનંદનના ખાસ ઠરાવો, કૅનેડીના પ્રમુખપદે અમેરિકન સેનેટનું ઉદ્ઘાટન, પેલેસ્ટાઈન અને રશિયા ખાતેના અમેરિકન સાંસ્કૃતિક એલચી, બિનસત્તાવાર એલચી તરીકેના પ્રવાસો આદિ આદિ દ્વારા રૉબર્ટ ફ્રૉસ્ટ અમેરિકન પ્રજાના જીવનમાં અને અમેરિકન કવિતાના ઇતિહાસમાં સુપ્રતિષ્ઠિત થયા. આયુષ્યનાં પ્રથમ અડત્રીસ વર્ષોની અકલ્પ્ય અકિંચનતા અને અસહ્ય એકલતા અને પછી અરધી સદીની અસાધારણ પ્રસિદ્ધિ અને અનન્ય પ્રતિષ્ઠા આ છે ફ્રૉસ્ટના જીવનનો કટુમધુર ઇતિહાસ. પેલી અર્કિચનતા અને એકલતાને કારણે આ પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા એ મનુષ્ય ફ્રૉસ્ટની અનિવાર્ય અને આંતરિક જરૂરિયાત હતી. કવિ ફ્રૉસ્ટમાં જે અમેરિકનત્વ હતું એના અતિરેક અને અતિચાર દ્વારા મનુષ્ય ફ્રૉસ્ટે આ જરૂરિયાત સંપૂર્ણ સફળતાપૂર્વક સંતોષી હતી. આમ, ફ્રૉસ્ટની કવિતામાં કંઈક વૈશ્વિકતાને ભોગે અમેરિકનત્વનો અભિનિવેશ થયો એમાં મનુષ્ય ફ્રૉસ્ટનો ફાળો નાનોસૂનો નથી. મનુષ્ય ફૉસ્ટ હવે આપણી વચમાં નથી. એથી કવિ ફ્રૉસ્ટમાં જે વૈશ્વિકતા છે એનું દર્શન કરવું હવે સરલ અને સુશક્ય છે. રૉબર્ટ ફ્રૉસ્ટની જન્મશતાબ્દીનું વર્ષ વિશ્વકવિ રૉબર્ટ ફ્રૉસ્ટની શોધના આરંભનું વર્ષ હજો!

૧૯૭૫


*