સ્વાધ્યાયલોક—૪/વ્હીટમેનનો વારસ—કવિ કાર્લ સેન્ડબર્ગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્હીટમેનનો વારસ — કવિ કાર્લ સેન્ડબર્ગ
પ્રાસ્તાવિક
 

અલબત્ત, આપણા યુગનો અમેરિકાનો સર્વશ્રેષ્ઠ કવિ તો રોબર્ટ ફ્રોસ્ટ છે (અથવા તો હતો એમ હવે પછીના યુગો કહેશે.) ‘I had a lover’s quarrel with the world’ એમ પોતાની ખાંભી પર લખવાનું કહેનાર એંશીથીયે વધુ વર્ષની વયના આ કવિને આજ લગીમાં સત્તર માનદ ઉપાધિઓ અને ચાર વાર પુલીટ્ઝર પ્રાઈઝ પ્રાપ્ત થયાં છે. એની પંચોતેરમી વર્ષગાંઠ પ્રસંગે અમેરિકન કૉન્ગ્રેસે એની અમેરિકન જીવન અને સંસ્કૃતિની અપૂર્વ સેવાની નોંધ લીધી ત્યારે રાષ્ટ્રનું અદ્વિતીય બહુમાન પામ્યો અને આરંભમાં અપવાદરૂપ ઉપેક્ષા પછી વર્ષોથી પ્રજાનું સન્માન તો એવું પામ્યો છે કે હમણાં જ બોસ્ટનમાં કાવ્યવાચન કર્યું ત્યારે સભામાં પાંચ હજારનું શ્રોતૃવૃન્દ હતું અને ત્યાર પછી શિકાગોમાં કાવ્યવાચન કર્યું ત્યારે ‘પોએટ્રી’ માસિકને આર્થિક ઘાતમાંથી ઉગાર્યું હતું. વિવેચકોને ફ્રોસ્ટ વર્ડ્ઝવર્થથી ઓછો નીરસ ને હોરેસથી વધુ નીડર લાગ્યો છે. પણ આવાં આવાં કારણોથી, કવિઓને નંબરોથી નવાજીને કે એમને વિશે ભવિષ્યવાણી ભાખીને વિવેચનની સાર્થકતા કે કોઈ પણ કવિની મહત્તા ભાગ્યે જ સિદ્ધ થાય. કવિની મહત્તા સિદ્ધ કરવાનું એક માત્ર સાધન તે કવિની કવિતા; અને ફ્રોસ્ટની કવિતામાં મહત્તા છે એ હવે પછીના લેખમાં વિચારશું. સેન્ડબર્ગ પરના લેખમાં આમ આરંભે જ ફ્રોસ્ટનું સ્મરણ થાય એ સહજ અને સ્વાભાવિક છે. એક અમેરિકન અઠવાડિકે (આમ તો જગપ્રસિદ્ધ છે પણ આવા લેખમાં એનું નામ ન લેવાય એવી એની આબરૂ છે છતાં કાનમાં કહેવાય કે TIME) મેનહેટ્ટનમાં વાલ્ડોર્ફ-એસ્ટેરીઆમાં ક્લાસિક્સ તરીકે કદાચ ચિરકાલ જીવી જાય એવા ગ્રંથો રચવા માટે ‘લિમિટેડ એડીશન્સ ક્લબ’ તરફથી ફ્રોસ્ટ અને સેન્ડબર્ગ — તથા અન્ય આઠ લેખકો — ને પારિતોષિક અર્પણ થયાં તે પ્રસંગે આ બન્ને કવિની ભેગી છબી છાપતાં લખ્યું હતું ઃ ‘Looking more than ever like blood brothers.’ બન્નેની મુખાકૃતિ એવી છે કે એકનું નામ લેતાં બીજાનું સ્મરણ સહેજે થાય. આ બન્ને કવિઓ નૉબેલ પ્રાઈઝના અધિકારી છે એટલે એમના આશકો માટે રસિક મૂંઝવણનો પ્રશ્ન એ છે કે પહેલું કોને મળશે. સંભવ છે કે પહેલું સેન્ડબર્ગને મળશે અને સકારણ પહેલું મળશે, કવિ લેખે ફ્રૉસ્ટ સેન્ડબર્ગથી વધુ મહાન હોવા છતાં. ફ્રૉસ્ટમાં બુદ્ધિનો વૈભવ છે, સેન્ડબર્ગમાં લાગણીની સમૃદ્ધિ છે. ફ્રૉસ્ટ એકાંતવાસી અમીર છે, સેન્ડબર્ગ આમજનતાનો આશક છે. ફ્રૉસ્ટમાં સૌંદર્યસુલભ લાઘવ છે, સેન્ડબર્ગમાં પ્રેમસુલભ વિસ્તાર છે. બન્નેને વસ્તુ અને વાસ્તવ પ્રત્યે પ્રીતિ છે. ફ્રોસ્ટને વસ્તુ અને વાસ્તવ તથા બહુ બહુ તો એમના રહસ્યની, આધ્યાત્મિક અંશોની ઝાંખીથી સંતોષ છે. એ કહે છે ઃ ‘The fact is the sweetest dream that labor knows.’ અને ‘We love the things we love for what they are.’ સેન્ડબર્ગને વસ્તુ અને વાસ્તવથી પર અને પારના રહસ્યમાં વિશેષ રસ છે. વસ્તુ અને વાસ્તવની ભૂમિ ફ્રૉસ્ટને માટે નિત્યનિવાસનું સ્થળ છે, સેન્ડબર્ગને માટે અવકાશમાં અવગાહન કરવા માટે પાંખ પસારતાં પહેલાં પાય ટેકવવાનો સહારો છે. સેન્ડબર્ગ વારંવાર અને વિશેષ તો એનાં પાછલાં કાવ્યોમાં પૂર્વજો પાસેથી પરંપરાગત વારસામાં મળેલી, લોહીમાં ભળેલી રોમેન્ટિક રહસ્યમયતામાં રાચે છે. આમ, ફ્રૉસ્ટ અને સેન્ડબર્ગ પરસ્પર પ્રતિકાર અને પૂર્તિ કરે છે. છેલ્લી અરધી સદીની અમેરિકન કવિતાની સિદ્ધિનો આંક કાઢવો હોય તો આ બે કવિની કવિતાના સહવાચનથી સહેલાઈથી કાઢી શકાય. અલબત્ત, પાઉન્ડ અને એલિયટની કવિતાનો પરિચય પણ એટલો જ અનિવાર્ય છે. પણ ફ્રૉસ્ટ અને સેન્ડબર્ગની પ્રેરણા અમેરિકામાં છે જ્યારે પાઉન્ડ અને એલિયટની યુરોપ-એશિયામાં.

‘પોએટ્રી’ માસિકની સ્થાપના
 

૫૪૩, કાસ સ્ટ્રીટ, શિકાગો, ઈલીનોય નામના અજાણ્યા સ્થળે ૧૯૧૨ના ઑક્ટોબરમાં અચાનક જ એક ઐતિહાસિક ઘટના બની. મીસ હૅરીએટ મન્રોએ ‘પોએટ્રી — એ મેગેઝીન ઑફ વર્સ’ની સ્થાપના કરી. એણે પ્રથમ અંકના તંત્રીલેખમાં માસિકનો હેતુ સમજાવતાં લખ્યું ઃ ‘Poetry alone, of all fine arts, has been left to shift for herself in a world unaware of its immediate and desperate need of her… The present venture is a modest effort to give to poetry her own place, her own voice.’ વળી એની અનિવાર્યતા સમજાવતાં એણે લખ્યું ઃ ‘The popular magazines can afford her but scant courtesy — a Cinderella corner in the ashes — because they seek large public which is not hers, a public which buys them not for their verse but for their stories, pictures, journalism, rarely for their literature even in prose… We belive that there is a public for poetry and that it will grow, and that as it becomes more numerous and more appreciative, the work produced in this art will grow in power, in beau-ty, in significance.’ અને પાછલા પૂઠા પર રસિકજનોની અપેક્ષા કરતું વ્હીટમેનનું એક અત્યંત સૂચક વાક્ય છાપ્યું ઃ ‘To have great poets, there must be great audiences too.’ (જે હમણાંથી અદૃશ્ય થઈ ગયું છે! કારણ રેન્ડોલ જારેલનો આક્ષેપ છે એ પ્રમાણે રસિકજનો જ અદૃશ્ય થઈ ગયા છે? — જે ૧૯૫૫માં માસિકની ગ્રાહકસંખ્યાએ પુરવાર કરી આપ્યું છે.) ‘કળા લેખે, સત્ય અને સૌંદર્યની સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ અભિવ્યક્તિ લેખે કવિતા’ (‘poetry as an art, as the highest and the most complete human expression of truth and beauty’)નો પુરસ્કાર અને પ્રતિષ્ઠા કરતું આ માસિક હજુ પણ પ્રગટ થાય છે. એ અમેરિકામાં કવિતાની પ્રવૃત્તિ કેવી પ્રાણવાન છે એનો પુરાવો છે. જગતના ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ માસિકે કવિતાની આવી અપૂર્વ અને અખંડ સેવા કરી હશે. આ માસિકની સ્થાપનાથી અમેરિકન કવિતામાં નવા ચૈતન્યનો સંચાર થયો અને શિકાગો અમેરિકાના બૌદ્ધિક જગતનું પાટનગર બન્યું. આધુનિક અમેરિકાના લગભગ એકેએક પ્રૌઢ કવિની પ્રથમ રચના પ્રગટ કરવાનું સદ્ભાગ્ય આ માસિકને સાંપડ્યું છે. મીડલ વેસ્ટર્ન એવી મન્રોએ મીડલ વેસ્ટના ત્રણ કવિઓ આ માસિક દ્વારા અમેરિકાને અર્પણ કર્યા ઃ એજગર લી માસ્ટર્સ, વાકેલ લીન્ડસે અને કાર્લ સેન્ડબર્ગ.

સેન્ડબર્ગની કવિતાનું સ્વરૂપ
 

‘પોએટ્રી’ના ૧૯૧૪ના માર્ચ અંકમાં સેન્ડબર્ગનું ‘શિકાગો’ પ્રગટ થયું અને કવિતાની ‘નૂતન સૃષ્ટિ’નું અમેરિકાને દર્શન થયું. આધુનિક કવિતા અને સેન્ડબર્ગ એકમેકના પર્યાય બની ગયા. વચમાં ચાર દાયકાના વિરામ અને વાણીચાપલ્ય પછી વ્હીટમેનનો નવો અવતાર થયો, વ્હીટમેનની વાણીનો વધુ વિકસિત સ્વરૂપમાં પુનરુચ્ચાર થયો. પ્રજા સમસ્તની વાણીરૂપ કવિતાને ઉચિત એવી અમેરિકન ભાષા વિશે વ્હીટમેને વારંવાર એના ગદ્યમાં જે વિચાર વ્યક્ત કર્યો હતો અને એનાં ‘લીવ્ઝ ઑફ ગ્રાસ’ના પદ્યમાં જે ભવ્ય પ્રયોગ કર્યો હતો એના સદ્અંશો સેન્ડબર્ગે જાણે કે એના આ એક જ કાવ્યમાં અને એના આ પ્રથમ જ પ્રૌઢ કાવ્યમાં આત્મસાત્ કર્યા ન હોય! વ્હીટમેને ‘સ્લેન્ગ ઇન અમેરિકા’ નામના લેખમાં અમેરિકન ભાષા વિશેનો પોતાનો અભિપ્રાય આપ્યો હતો: ‘that language is not an abstract construction of the learned, or of dictionary makers but is something aris-ing out of the work, needs, ties, joys, affections, tastes of long generations of humanity and has its bases broad and low, close to the ground. Its final decisions are made by the masses, people nearest the concrete, having most to do with the actual land and sea.’ સમકાલીનોની કવિતાની ભાષા વિશે એણે અસંતોષ વ્યક્ત કર્યો હતો: ‘words are magic — limber, lasting, fierce words. Do you suppose the liberties and the brawn of these states have to do only with delicate lady-words? with gloved gentleman-words? અને ‘એન અમેરિકન પ્રાયમર’માં પોતાના પ્રયોગ વિશે લખતાં સેન્ડબર્ગના આગમનનાં એંધાણ આપ્યાં હતાં: ‘It is an attempt to give the spirit, the body and the man, new words, new potentialities of speech, an American, cosmopolitan (for the best of America is the best cosmopolitanism) range of self-expression. The Americans are going to be the most fluent and melodious voiced people in the world — the most perfect users of words. The new times, the new people, the new vista need a tongue accordingly — yes, and what is more they will have such a tongue.’ વ્હીટમેનના આત્માનો આ અજંપો હતો કે આવી વાણીનો આવિર્ભાવ થશે જ અને સેન્ડબર્ગના ‘શિકાગો’માં એ વાણીનો આખરે અવતાર થયો. જાણે કે સેન્ડબર્ગ એટલે નવજન્મ પામેલો વ્હીટમેન. વ્હીટમેન પોતાનું અધૂરું રહેલું કાર્ય પૂરું કરવા જ જાણે કે સેન્ડબર્ગનું નામ ધારણ કરીને ધરતી પર ફરીને જન્મ્યો ન હોય! સેન્ડબર્ગનો જન્મ પ્રજાના પ્રતિનિધિ અને પ્રતીક સમાન લીંકનની સ્મૃતિથી સભર એવા ઇલીનોયના ગેઈલ્સબર્ગ નામના પ્રેઈરીથી ઘેરાયેલા નાનકડા ગામમાં ૧૮૭૮ના જાન્યુઆરીની ૬ઠ્ઠીએ થયો હતો. એના પૂર્વજો સ્વીડીશ હતા. એથી પાછળથી એની કવિતામાં પ્રગટેલી રોમેન્ટિક રહસ્યમયતા એને વડવાઓ પાસેથી વારસામાં પ્રાપ્ત થઈ હતી. એના પિતા રેલવેમાં લુહારી કામે રોકાયા હતા. ગેઈલ્સબર્ગમાં વસવાટ કરતા ૧૯મી સદીના આગંતુક સ્વીડીશ લોકોએ એમનું સામાન્ય સ્વીડીશ નામ ‘જ્હોનસન’ તજી દીધું અને સેન્ડબર્ગ નામ ધારણ કર્યું. જોકે સેન્ડબર્ગ જેવા અસામાન્ય નામને બદલે જ્હોનસન જેવા સામાન્ય નામે જગત સમક્ષ પ્રગટ થવું આ આમજનતાના આશક કવિને કદાચને વધુ પસંદ પડ્યું હોત! એનું શિક્ષણ અસ્તવ્યસ્ત હતું. ‘શિકાગો’ કાવ્ય રચાયું તે પહેલાં સેન્ડબર્ગ લોકોમાં એકરસ અને ઓતપ્રોત બની ગયો હતો, લોકોમાં એકાકાર બની ગયો હતો, એમનામાંનો જ એક બની ગયો હતો. વ્હીટમેને તો માત્ર ગાયું જ હતું, ‘I am large, I contain multitudes.’ પણ સેન્ડબર્ગે તો એ વાક્યને પ્રત્યક્ષ અનુભવ્યું હતું. સેન્ડબર્ગ એ વાક્ય જીવી ગયો હતો. ‘I am the people — the mob — the crowd — the mass’ કાવ્યનો શબ્દે શબ્દ પ્રત્યેક શ્વાસમાં અને લોહીના પ્રત્યેક બુંદમાંથી બોલાયો છે. આ કાવ્યમાંથી જ સેન્ડબર્ગનો છેલ્લો સંગ્રહ ‘ધ પીપલ, યસ’ વિકસ્યો અને વિસ્તર્યો છે. તેર વર્ષની વયે દુગ્ધાલયમાં અને ત્યાર પછી છ વર્ષમાં એક પછી એક સલૂનમાં, નાટકઘરમાં, ઈંટવાડામાં, ડેનવેર અને ઓમાહાની હોટેલોમાં, કેન્સાસનાં ખેતરોમાં અને મુદ્રણાલયમાં મહેનતમજૂરીનો અનુભવ એણે લીધો. ૧૮૯૮માં આઠેક મહિના સ્પેન સામેના યુદ્ધમાં કંપની સી, ૬ઠ્ઠી ઈલીનોય વોલન્ટીઅર્સ ઇન્ફન્ટ્રીમાં સાહસપ્રિય સેન્ડબર્ગે સૈનિક તરીકે સેવાઓ અર્પણ કરી. આ સમયમાં એણે ખૂબ પ્રવાસ પણ કર્યો. અહીં જ લોમ્બાર્ડ કૉલેજના એક વિદ્યાર્થીના આગ્રહથી પોર્ટોરીકોથી પાછા ફરીને ગેઈલ્સબર્ગની આ કૉલેજમાં અભ્યાસ આરંભ્યો. કૉલેજકાળમાં બાસ્કેટબૉલ ટીમનું સુકાન અને કૉલેજપત્રનું તંત્રીપદ સંભાળ્યું. ગણિત અને વ્યાકરણમાં નાપાસ થયો અને બે જ અઠવાડિયામાં આ પ્રયોગનો અંત આવ્યો. કૉલેજમાંથી મુક્તિ મેળવીને આજીવિકા માટે શિક્ષક, બેલરીન્ગર, જેનીટર, સ્ટીરીઓપ્ટીકન સ્લાઈડ્ઝનો સેઈલ્સમેન વગેરે અનેક ભવાઈ ભજવી. ડિપાર્ટમેન્ટ સ્ટોરની જાહેરખબરો ચીતરીને મીલવોકીમાં પત્રકાર થયો. સમાજવાદી વિકટર બર્જરના ‘મીલવોકી લીડર’નો ખબરપત્રી થયો. સોશીઅલ ડેમોક્રેટીક નગરપતિ એમીલ સીડેલનો મંત્રી થયો. સેન્ડબર્ગની કલ્પના અને શૈલી વાસ્તવિક હોવા છતાં પ્રજામાં એની અદમ્ય અને અગમ્ય શ્રદ્ધા રૂપે જે ક્રીસ્ટીઅન સોશીઆલીઝમનો રહસ્યવાદ પ્રગટ થાય છે તેનો આ મંત્રીપદના સમયમાં પ્રત્યક્ષ પરિચય કર્યો. વીસકોન્સીનની સોશીઅલ ડેમોક્રેટીક પાર્ટીનું સંચાલન કર્યું. ૧૯૦૮માં મજૂરોના પ્રશ્નો અને પ્રારબ્ધમાં સક્રિય રસ લેતી લીલીઅન સ્ટાઈશેન સાથે લગ્ન કર્યું. ૧૯૧૨માં બન્નેએ શીકાગોમાં વસવાટ કર્યો. ‘ડેઈલી ન્યૂઝ’ વગેરે પત્રોના તંત્રીવિભાગમાં સેન્ડબર્ગે વ્યવસાયી પત્રકાર તરીકે કામ કર્યું અને વ્હીટમેનની જેમ છાપાઓમાં અગ્રલેખો ચીતર્યા. વ્હીટમેન અને સેન્ડબર્ગ આ બન્ને કવિબંધુઓની કવિતાની ખૂબીઓ અને ખામીઓ આ ખાસ અમેરિકન પ્રકારના ‘તંત્રીલેખો’ના સાહિત્યના અનુભવને પણ આભારી છે. કોઈ આધુનિક નગરીના પ્રસિદ્ધ વર્તમાનપત્રની સીટી-ડેસ્ક પર જે ગતિથી ટેલીટાઈપ સમાચાર ઠાલવે છે એ જ ગતિથી સેન્ડબર્ગની કવિતા સંવેદનોની અભિવ્યક્તિ અને સંક્રાંતિ કરે છે. બોલચાલની ભાષાનો લય-લહેકો, સજીવતા, સાહજિકતા, તત્કાલ અસરકારકતા અને અદ્ભુત વાગ્મિતા વગેરેની દૃષ્ટિએ સેન્ડબર્ગનાં કાવ્યોને ‘લઘુ તંત્રીલેખો’ કહી શકાય. સેન્ડબર્ગની એક કુશળ ખબરપત્રીની નિરીક્ષણશક્તિને કારણે સામાજિક અનિષ્ટોની કડક ટીકા, વ્યગ્રતા, વેધકતા, કટાક્ષ અને કરુણતા વગેરેની દૃષ્ટિએ એનાં કાવ્યોને ‘મિતાક્ષરી માનવરસની કથાઓ’ પણ કહી શકાય. આમ, લગભગ દોઢ દાયકો ‘શીકાગો’ કાવ્ય લખવાની લાયકાત મેળવી. સામાન્ય લોકોના અનુભવો, વિચારો, લાગણીઓ, સ્વપ્નો વગેરે પોતાની કૃતિઓમાં એકત્રિત કરનાર બહુરૂપી સેન્ડબર્ગે કવિ થવાની તાલીમ પૂરી કરી. વચમાં ૧૯૦૪માં એણે એના અધ્યાપકની સહાયથી ‘ઇન રેકલેસ એક્સ્ટસી’ નામનું બાવીસ કાવ્યોનું એક પતાકડું પોતાને હિસાબે ને જોખમે છપાવ્યું હતું. એમાંનાં કાવ્યો મુખ્યત્વે અનુસર્જનો અને પરંપરાગત સપ્રાસ રચનાઓનાં અનુકરણો હતાં. એનો બહુ પ્રચાર ન થયો એનું સેન્ડબર્ગને સુખ હતું. પણ ભવિષ્યની એની કવિતાના આછા અણસાર જેવાં કેટલાંક કાવ્યો કે કાવ્યખંડો એમાં રચ્યાનો એને રંજ ન હતો. સેન્ડબર્ગની કવિતાની પ્રૌઢિનો, એનાં સ્વરૂપ અને વસ્તુનો પ્રથમ પરિચય આ અધકચરાં અને આરંભનાં કાવ્યોમાં પણ પામી શકાય છે ઃ ‘I glory in this world of men and women, torn with troubles and lost in sorrow, yet living on to love and laugh and play through it all. My eyes range with pleasure over flowers, prairies, woods, grass and running water, and the sea and the sky and the cloud.’ ‘સ્મોક ઍન્ડ સ્ટીલ’ (૧૯૨૦)માં જેનું તીવ્ર સ્વરૂપ છે તે લય-લહેકો ‘મીલવીલ’ (૧૯૦૩)માં પણ છે: ‘Down in southern New Jersey they make glass. By day and by night, the fires burn on in Milville and bid the sand let in the light.’ ૧૯૧૪માં સેન્ડબર્ગનું ‘મુક્ત છંદ’ (free verse)માં રચેલું એક કાવ્યજૂથ એના મિત્ર એલિસ કોરબીનના પ્રોત્સાહનથી ‘પોએટ્રી’માં પ્રગટ થયું. એ જ વર્ષે એમાંના એક કાવ્યને, જગપ્રસિદ્ધ ‘શીકાગો’ને (કદાચને કાવ્યને શીકાગોમાંથી જ પ્રગટ થતા ‘પોએટ્રી’માં સ્થાન મળ્યું હતું અને શીકાગોને એ કાવ્યમાં સન્માન મળ્યું હતું એથી) બસો ડોલરનું ‘લેવીન્સન પ્રાઈઝ’ મળ્યું. ૧૯૧૬માં સેન્ડબર્ગનો પ્રૌઢિને પામેલો પ્રથમ સંગ્રહ ‘શીકાગો પોએમ્સ’ પ્રગટ થયો અને વિરોધનો વંટોળ જાગ્યો. જે અમેરિકામાં હજુ વ્હીટમેનનો પણ આદર નહોતો થયો એ અમેરિકામાં આમ બને એની નવાઈ જ ન હોય ને! આ કાવ્યોમાં જેને પ્રચલિત અર્થમાં અકાવ્ય (બાકી તો વિશ્વમાં કશું જ અકાવ્ય નથી, કમમાં કમ કવિની કલ્પના તો એવું કબૂલે છે) કહે છે તેનો આદર અને આવકાર થયો હતો. એમનું સ્વરૂપ અને વસ્તુ બન્ને અપરિચિત, અસહ્ય અને આઘાતજનક હતાં. એમની ભાષા ‘કવિ’ના મુખમાંથી નહિ પણ પ્રજાના મુખમાંથી વહી હતી. એમાં વ્યક્ત થતું જીવન પણ પ્રચલિત અર્થમાં અકાવ્યમય હતું. સૃષ્ટિના સમગ્ર અકાવ્યનો જાણે કે એમાં સરવાળો થયો હતો. આથી સેન્ડબર્ગને હૃદયહીન, નિર્દય, નિષ્ઠુર અને કઠોર કહ્યો. એની કવિતાને વિરૂપ અને વિકૃત કહી. એની ભાષાને અસંસ્કારી, અણઘડ અને કવિતાને માટે નાલાયક કહી (‘ડાયલ’ જેવા માસિકનું પણ દુર્ભાગ્યે આ દૃષ્ટિબિંદુ હતું). અંગ્રેજી ભાષા પર અત્યાચાર કર્યાનો, એમાં અંધાધૂંધી ફેલાવ્યાનો તથા ગદ્ય અને પદ્યનાં સ્વરૂપ અને વસ્તુ વચ્ચેનો ભેદ ન પામ્યાનો આરોપ સેન્ડબર્ગ પર મુકાયો. પણ વિરોધીઓ એ વાત વીસરી ગયા કે જગતમાં હજુય જીવતી હૃદયહીનતા, નિર્દયતા, નિષ્ઠુરતા અને કઠોરતાને પડકારવા પૂરતો જ સેન્ડબર્ગ હૃદયહીન, નિર્દય, નિષ્ઠુર અને કઠોર હતો. બાકી એની પડછે મૃદુ, સ્નિગ્ધ, કોમળ, સુકુમાર કવિ છુપાઈ રહ્યો છે. ‘શીકાગો’માં જરૂર સીન્ગનો વિચાર (‘It may almost be said that before verse can be human again it must learn to be brutal.’) જાણે કે આચરણમાં મુકાયો છે. પણ ‘શીકાગો’ના કવિએ જ ‘કુલ ટુમ્બ્ઝ’, ‘ગ્રાસ’ અને ‘ફોગ’ જેવાં અત્યંત વેધક, કરુણ, સ્વસ્થ અને શાંત કાવ્યો રચ્યાં છે. એક નહિ પણ બે સેન્ડબર્ગ છે. માંસલ, મુક્કાબાજ લડવૈયો સેન્ડબર્ગ, જે શેરીનું સંતાન છે અને કોમળ, કરુણ, અસ્પષ્ટ ધુમ્મસની ધૂંધળીમાં છુપાતો છાયાચિત્રકાર સેન્ડબર્ગ, જે એકાંતમાં એકાકિલો છે. આ બન્ને સેન્ડબર્ગ પરસ્પર પૂર્તિ કરે છે, પ્રતિકાર નહિ. એક પછી એક એમ વારાફરતી અને ક્યારેક એકસાથે આ બન્ને સેન્ડબર્ગ પાસેથી કવિતા પ્રગટ થાય છે. સેન્ડબર્ગની વાણી અત્યંત અનલંકૃત અને સાદી છતાં તેજસ્વી અને વીર્યવાન છે. અકાવ્ય લેખે વર્ણવાતી અને વગોવાતી સામગ્રી અને શબ્દાવલિ, અમેરિકાની પ્રચલિત ભાષાની, બોલચાલની ભાષાની સજીવન ભંગીઓ, એની છટાઓ, એની લઢણો, એનો લય-લહેકો, નિગ્રોની જીવનફિલસૂફી અને એને વ્યક્ત કરતું જાઝ સંગીત વગેરે તત્ત્વો કાવ્યમાં દાખલ કરીને મીડલ વેસ્ટના ત્રણ કવિઓમાંથી એક માત્ર સેન્ડબર્ગે જ કવિતામાં નવો પ્રાણ પૂર્યો. અમેરિકન શબ્દોનો, અમેરિકાના વિવિધ પ્રદેશોમાં વસતી વિવિધ પ્રજાઓનાં વિશિષ્ટ રૂપકોથી માંડીને રસ્તે ચાલતા જનસામાન્યની બોલચાલની ભાષાના તળપદા શબ્દો (slangs)નો નિ:સંકોચ અને નીડર છતાં સુંદર અને સફળ ઉપયોગ કરીને સેન્ડબર્ગ વ્હીટમેનના વારસાનો અધિકારી બન્યો. (આધુનિક અમેરિકાના સૌથી વધુ કટુકઠોર કાવ્ય ‘ટુ એ કન્ટેમ્પરરી બન્કશુટર’માં તળપદા શબ્દોનાં અનેક ઉદાહરણો છે.) વ્હીટમેનના કવિતાની ભાષાના આદર્શ ભણી વ્હીટમેનથી પણ એક ડગલું આગળ વધ્યો. વ્હીટમેનના સ્વપ્નને જાણે કે સેન્ડબર્ગે સિદ્ધ કર્યું. આ કાવ્યોમાં સેન્ડબર્ગ વ્હીટમેનના શબ્દોમાં ‘limber, lasting, fierce words’ના ઉપયોગ દ્વારા વ્હીટમેનની આદર્શ વાણીના આત્માનો આવિષ્કાર માંગતો હતો, માત્ર વ્હીટમેનની વાણીના પડઘા જ નહોતો પાડતો. વ્હીટમેનના સુપ્રસિદ્ધ દોષો (જે હવે તો ધાવણા વિવેચકો પણ વીણી શકે છે) એણે દૂર રાખ્યા છે. (એનો અર્થ એ નથી કે સેન્ડબર્ગમાં એના મૌલિક દોષો નથી, છે જ વળી; અને કયા કવિમાં નથી?) કરુણગંભીર એવી કાવ્યસામગ્રીને એણે ઉપહાસી નથી, ઉપસાવી છે. (ઉદાહરણ ‘કુલ ટુમ્બ્ઝ’). સેન્ડબર્ગની કવિતાનું સ્વરૂપ (રૂપહીન હોવા છતાં એની કવિતાને સ્વ-રૂપ છે.) પ્રાસહીન પણ વાગ્મિતાપ્રચુર પ્રવાહી પદ્યનું છે. ગદ્યની અત્યંત સમીપનું છે. એની પંક્તિઓમાં જ્યારે જ્યારે અમુક ચોક્કસ લયનાં ઘટકોનાં અનેક આવર્તનો થાય છે ત્યારે ત્યારે એમાં વધુમાં વધુ ત્રણ કે ચાર સ્વરભાર હોય છે, એથી વધુ હોય ત્યાં સ્વાભાવિક જ એનું પદ્ય ગદ્યમાં પલટાઈ જાય છે. આમ, એની રચનાઓમાં પરંપરાગત સ્વરૂપોનો અભાવ છે, એટલે ફ્રોસ્ટની રચનાઓની જેમ એની રચનાઓનું સંગીત નહિ પણ માત્ર એમનો મિજાજ સ્મૃતિમાં સંઘરવો શક્ય છે. એના ૬૭૬ પાનાંના ‘કલેક્ટેડ પોએમ્સ’માં પહેલા પાના પરના પહેલા કાવ્ય ‘શીકાગો’થી માંડીને છેલ્લા પાના પરના છેલ્લા કાવ્ય ‘એનીવ્હેર ઍન્ડ એવરીવ્હેર પીપલ’ લગી જગતસાહિત્યમાં એક અને અદ્વિતીય એવું સ્વરૂપહીનતાનું ભવ્ય સ્મારક રચાયું છે. સ્વરૂપની સાથે સેન્ડબર્ગને આજન્મ વેર છે. ‘મુક્ત છંદ’ પરનાં એમી લોવેલનાં વ્યાખ્યાનોના યુગમાં શ્રોતાવૃન્દે ઉત્સાહપૂર્વક જે મુક્ત છંદ પુનર્જીવિત અને પ્રચલિત કર્યો હતો તેનો કદાચને સેન્ડબર્ગ છેલ્લો સાહસિક અને સફળ પુરસ્કર્તા હતો. સેન્ડબર્ગ અને અમેરિકન ભાષાને એકસાથે જુવાની ફૂટી હતી. પ્રતિજ્ઞા અને નિષ્ઠાપૂર્વક એ જીવનભર ‘મુક્ત છંદ’ને વિના અપવાદ વળગી રહ્યો છે (થોડાક અપવાદ — ‘ઓ કૅપ્ટન, માય કૅપ્ટન’ જેવા તો વ્હીટમેને પણ વધાવ્યા હતા). ‘કલેક્ટેડ પોએમ્સ’ની ૧૯૪૨ની આવૃત્તિની પ્રસ્તાવનામાં એણે ‘મુક્ત છંદ’નો બુલંદ બચાવ કર્યો છે. વળી એ વિશે એણે એક ઉગ્ર પ્રશ્ન પણ પૂછ્યો છે ઃ ‘Has not the square stood up and publicly called the circle a son of a bitch because of animosities induced by the inevitable mutual contradictions of forms?’ આના સંદર્ભમાં લોમ્બાર્ડ કૉલેજમાં સેન્ડબર્ગ ગણિત અને વ્યાકરણના વિષયમાં નાપાસ થયો હતો — જોડણી, ભૂગોળ અને ઇતિહાસના વિષયમાં પાસ થયો હતો — એ વાત વીસરી જવા જેવી નથી. પચાસ વર્ષ પછી એણે ‘કલેક્ટેડ પોએમ્સ’ની પ્રસ્તાવના (જેનું શીર્ષક પણ સૂચક છે ‘નોટ્સ ફોર એ પ્રીફેસ’)માં લખ્યું ઃ ‘I am still studying verbs and the mystery of how they connect nouns… I am more suspicious of adjectives than at any other time in my born days.’ સેન્ડબર્ગે એની પ્રથમ કૃતિઓ છાપાના ખબરપત્રીની રીતે રદ્દી કોપીપેપર પર ફાજલ સમયમાં છૂટક છૂટક રચી હતી. ‘ગુડ મૉનીંગ, અમેરિકા’ નામના સંગ્રહમાં આરંભે એણે કવિતાની આડત્રીસ કામચલાઉ વ્યાખ્યાઓ આપી છે, એમાં એક આ પ્રમાણે છે ઃ ‘Poetry is a report of a nuance between two mo-ments.’

સેન્ડબર્ગની કવિતાનું વસ્તુ
 

સ્વરૂપનો વિચાર વસ્તુથી નિરપેક્ષ રીતે કદી ન થાય એ વાત વીસરાય છે ત્યારે આવી વિટંબણા અને વિડંબના થાય છે. ૨૦મી સદીના પશ્ચિમના વિવેચને જો કલાસર્જનનું કોઈ એક મહાન સત્ય તારવ્યું-સારવ્યું હોય અને એનું વારંવાર રટણ અને સ્મરણ કર્યું-કરાવ્યું હોય તો એ કે સ્વરૂપ અને વસ્તુ અભિન્ન છે. સેન્ડબર્ગની કવિતાના આ વિશિષ્ટ સ્વરૂપની અનિવાર્યતાનું કારણ એની કવિતાનું વિશિષ્ટ વસ્તુ છે. એટલેન્ટિકના કિનારાથી હજાર માઈલ દૂર મધ્ય અમેરિકાનો એટલે કે મીડ વેસ્ટનો સેન્ડબર્ગ કવિ. એનું વાતાવરણ વ્યક્ત કરવાનો સેન્ડબર્ગનો કવિધર્મ. શીકાગો શહેર, સૂર્યના તેજથી લીંપાયેલો પ્રેઈરી પ્રદેશ અને એની પ્રજાની પ્રશસ્તિ એ એનું કાવ્યવસ્તુ. એના એકેએક સંગ્રહનું શીર્ષક આ પ્રદેશ અને પ્રજાનું જ સૂચન કરે છે. વ્હીટમેન જે પ્રજાને માત્ર કલ્પનાથી જ સહજ રીતે સમજ્યો હતો અને જે પ્રદેશને નજરે નિહાળ્યા વિના જ નિરૂપ્યો હતો તે પ્રજાને અને પ્રદેશને સેન્ડબર્ગે આત્મસાત્ કર્યાં હતાં. એની સાથે એ ઓતપ્રોત, એકરસ અને એકાકાર થયો હતો. એની સાથેના તાદાત્મ્ય અને તન્મયતાને કારણે તો એ કવિ કહી શક્યો: ‘I am the people…’ (આ લઘુકદનું કાવ્ય સેન્ડબર્ગના રસાત્મક વિશ્વના કેન્દ્રસ્થાને વિરાજે છે. આધુનિક અમેરિકાના એક ગૌરવગ્રંથ જેવો, એને અપૂર્વ અંજલિ જેવો, એની પ્રજાની પ્રશસ્તિ જેવો સેન્ડબર્ગનો સારોયે છેલ્લો સંગ્રહ ‘ધ પીપલ, યસ’ જાણે કે આ એક લઘુકદના કાવ્યમાંથી વિકસ્યો-વિસ્તર્યો ન હોય!) પ્રજાના વિચારો અને લાગણીઓને; આશાઓ, આકાંક્ષાઓ અને અપેક્ષાઓને; ઉપેક્ષાઓ, નિરાશાઓ અને વેદનાઓને; સ્વપ્નો અને મહેચ્છાઓને; યાતનાઓ અને દુઃખોને એણે પૂરી તદ્રૂપતાથી પિછાન્યાં હતાં. એમને વાચા આપવાનું એની વાણીમાં સામર્થ્ય અને સાહસ હતું. અમેરિકાના કૃષિપ્રધાન પ્રદેશનું યંત્રપ્રધાન પ્રદેશમાં પરિવર્તન થતું હતું એની બેહદ બેચેની અનેકની જેમ સેન્ડબર્ગે પણ અનુભવી છે, સંક્રાંતિયુગની અમાનુષિતા અને અધમતા, દુષ્ટતા અને દંભ સામે અનેકની જેમ સેન્ડબર્ગે પણ હૃદયપૂર્વક રોષ ઠાલવ્યો છે. એની કવિતામાં કરુણા અને કટાક્ષનું મિશ્રણ છે, સામાજિક અનિષ્ટોની આકરી અને આખાબોલી સમીક્ષા છે. કોઈનીયે શેહશરમ વિના તડ અને ફડ, સાફ સાફ શબ્દોમાં ભૂલકાં જેવી ભોળી પ્રજાના દંભી દુશ્મનોને એણે રોકડું પરખાવ્યું છે. લોકશત્રુઓ પર એણે વારંવાર લાવાના રસ જેવા ધગધગતા શાપ વરસાવ્યા છે. એની કવિતામાં ખેતરો સ્મિત કરે છે અને શહેરો વિષાદ કરે છે. પણ અંતે સેન્ડબર્ગને અનેકની જેમ આશાનું કિરણ, શ્રદ્ધાનું તત્ત્વ સાંપડ્યું છે. પ્રજા, હા, પ્રજા (છેલ્લા સંગ્રહનું શીર્ષક ‘ધ પીપલ, યસ’ આ આશા અને શ્રદ્ધાનો ઉત્કટ ઉદ્ગાર છે) પાસેથી એ જે પામ્યો હતો અને પ્રજામાં એણે જે જોયું-જાણ્યું-માણ્યું-પ્રમાણ્યું હતું તેમાં આ આશા અને શ્રદ્ધાની અદ્ભુત અને અસ્ખલિત પ્રેરણા એણે આજીવન અને આકંઠ પીધી છે. એની કવિતામાં પ્રજાની સામુદાયિક સૂઝનો પરિચય થાય છે. એનો અનુભવ વ્હીટમેનથી વધુ વેધક નહિ તો વધુ વ્યાપક તો છે જ. એના એક હાથમાં છે કલમ અને બીજા હાથમાં પ્રજાની નાડ, અમેરિકાના હૃદયની ધબક એણે કાન ધરીને ઝીલી છે. સ્વરૂપ અને વસ્તુની દૃષ્ટિએ એ વ્હીટમેનની પ્રણાલીનો કવિ, વ્હીટમેનનો વારસ છે અને વ્હીટમેનના અનુગામી હોવાનો એને લાભ છે. સેન્ડબર્ગ એટલે વિકસિત વ્હીટમેન. વ્યક્તિત્વ વિનાની વિરાટ જનતા પ્રત્યેનો એનો પ્રેમ અને વ્યક્તિના પ્રારબ્ધ અને સંજોગ વિશેની એની સંચિત સૂઝ વચ્ચેના સંઘર્ષ દ્વારા એની કવિતાની એક વિશિષ્ટ અસર થાય છે. એની કવિતામાં વસ્તુમાં વ્યક્ત થતા એના આ જીવનદર્શનમાં સાતત્ય છે. સેન્ડબર્ગના કવિજીવનમાં કોઈ તબક્કાઓ કે યુગોને સ્થાન નથી. એ કદી પરિવર્તન ન પામ્યો હોય, આદિથી તે અંત લગી સતત સ્થિરદૃષ્ટિ રહ્યો હોય એવો કવિ છે. અલબત્ત, ‘ગુડ મૉર્નિંગ, અમેરિકા’માં સહેજ સ્વાભાવિક પરિવર્તન થયું છે. એમાં પ્રજાનાં કાવ્યો કરતાં પ્રદેશનાં કાવ્યોનું પ્રમાણ વિશેષ છે. એમાં નિરાશાવાદનો, નશ્વરતાનો આછો ધ્વનિ નીકળે છે. ઝાકળ, ધુમ્મસ, ભસ્મ વગેરે પ્રતીકો પ્રાધાન્ય ભોગવે છે અને તે પણ જ્યારે ૧૯૨૮માં અમેરિકા સમૃદ્ધિનાં સોનેરી સ્વપ્નોના નશામાં ચકચૂર હતું ત્યારે. ત્યારે પ્રજાનો કવિ ચિંતાતુર અને બેચેન બની ગયો હતો. સેન્ડબર્ગમાં અઢળક આશાવાદ હોવા છતાં અમેરિકન જીવનમાં ’૩૦ અને ’૪૦માં જે કટોકટી અને પડતી આવી પડી એનું એને એક દ્રષ્ટાની જેમ — પહેલેથી દર્શન થયું હતું. અમેરિકાના — કે કોઈ પણ દેશના — પ્રદેશ અને એની પ્રજાના અતિનિકટના દર્શનથી કદાચ કોઈનીયે શ્રદ્ધા અલોપ થાય તો નવાઈ નહિ. આખો જન્મારો લોકશાહીનો લલકાર કર્યા પછી પણ અંતે ઉત્તર-જીવનમાં સ્વયં વ્હીટમેન પણ ‘ડેમોક્રેટીક વીસ્ટાસ’માં વહેમમાં પડી ગયો હતો અને માત્ર સ્થૂલ ભૌતિક સમૃદ્ધિથી કોઈ પણ રાષ્ટ્ર મહાન થતું નથી એવી ચીમકી એ ચકોર દૃષ્ટિના કવિએ આપવી પડી હતી, ‘I hail with joy the oceanic, varie-gated intense practical energy, the demand for facts, even the business materialism of the current age, our states. But woe to the age or land in which these things, movements stopping at themselves do not tend to ideas. As fuel to flame and flame to heavens, so must wealth, science, materialism — even this democ-racy of which we make so much — unerringly feed the highest mind, the soul.’ આમ છતાંયે સેન્ડબર્ગે આ અશ્રદ્ધાનો છેદ પછીના સંગ્રહથી ઉડાવ્યો છે. ‘ધ પીપલ, યસ’માં મુક્ત હાસ્યનું પ્રમાણ વિપુલ છે અને એમાં પ્રજાનાં ઠઠ્ઠામશ્કરી, મસ્તીતોફાન, બુટ્ટા, તરંગો વગેરેનો છુટ્ટે હાથે ઉપયોગ કર્યો છે. એનું ધ્રુવપદ છે, શીર્ષક સૂચવે છે તેમ ઃ ‘હા, પ્રજા.’ એના કેન્દ્રમાં ‘Man will yet live’ની શ્રદ્ધા છે. સેન્ડબર્ગ સામાજિક પરિસ્થિતિથી પૂરો સભાન છે. અસમાનતા, અન્યાય, અધમતા, અમાનુષિતા, અસત્ય વગેરેથી એ અજાણ નથી. ‘ટુ એ કન્ટેમ્પરરી બન્કશુટર’માં ફટકા મારવામાં ને ફિટકાર વરસાવવામાં તો એણે પાછું વાળીને જોયું જ નથી, એ નિર્દય અને નિષ્ઠુર બની ગયો છે અને છતાં તવંગરોની ગરીબી, સમૃદ્ધિની વચ્ચે જ એમની શૂન્યતા, અમીરીમાં પણ એમની અસહાયતા અને લાચારી પ્રત્યે એને લાગણી અને સંપૂર્ણ સહાનુભૂતિ પણ છે (એનાં ઉદાહરણો ‘ધ મેયર ઑફ ગેરી’, ‘મકર્સ’ અને પ્રખ્યાત ‘એ ફેન્સ’માં છે). આમ, એ સૌ અનિષ્ટોનો સ્વીકાર કરે છે છતાં જે સૃષ્ટિમાં એ તત્ત્વો પણ વસે છે એ સૃષ્ટિ સાથે એને સ્નેહ છે. એટલે તો સદાય અને સર્વત્ર એને સૌંદર્યના વિષયો સાંપડી રહે છે. ખેતરો અને ખુલ્લાં મેદાનો, મિલો અને કતલખાનાંઓ, ભર્યાંભર્યાં શહેરો અને સાવ સૂના આકાશનો મીડવેસ્ટ પ્રદેશ અને એની પ્રજા સેન્ડબર્ગના કંઠ દ્વારા એના છ કાવ્યસંગ્રહો અને લિંકનના ચરિત્રના છ ગ્રંથોમાં ગાઈ ઊઠ્યાં છે. શીકાગોની નરી નિર્દય છતાં વીર્યવાન વાસ્તવિકતાનો એણે સ્વીકાર કર્યો છે. પ્રકૃતિમાંથી પણ જે પ્રદેશો મનુષ્યની કર્મપ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે તેવા પ્રદેશોની પ્રકૃતિથી જ સેન્ડબર્ગ આકર્ષાયો છે. એણે પ્રેઈરી તથા ‘ધૂમ્ર અને ધાતુ’ દ્વારા કૃષિપ્રધાન અને યંત્રપ્રધાન અમેરિકાની મહત્તા અને મર્યાદાનો પરિચય કરાવ્યો છે. સેન્ડબર્ગનો સમાનધર્મા અન્ય પદ્યકાર નહિ પણ ગદ્યકાર ડોસ પેસોસ છે. સેન્ડબર્ગે જેમ શીકાગોને તેમ ડોસ પેસોસે એની ‘મેનહેટ્ટન ટ્રાન્સફર’ નામની નવલકથા દ્વારા ન્યૂયોર્કને સાહિત્યમાં અમર કર્યું છે. સેન્ડબર્ગની કવિતાના વસ્તુમાં સામાજિક વાસ્તવિકતાની આવી ગહન અને ગંભીર સૂઝ-સમજ હોવાથી સહેજે શંકા થાય કે સેન્ડબર્ગનું દર્શન એકાંગી અને અપૂર્ણ છે. પણ રોમેન્ટિક રહસ્યમયતા તો સેન્ડબર્ગ પિતૃઓ પાસેથી વારસામાં પામ્યો હતો. એ તો એના લોહીમાં વહેતી હતી. એની કવિતામાં એ વારંવાર વ્યક્ત થાય છે. આથી, એની કવિતામાં વાસ્તવિકતા અને રહસ્યમયતા એકમેકને ઉપસાવે છે, ઉગારે છે; પરસ્પર પૂરક અને સહારા જેવાં એ થઈ પડ્યાં છે, એથી જ એનું દર્શન સર્વાંગી અને પૂર્ણ પુરવાર થાય છે. એના વસ્તુમાં વૈવિધ્ય છે, એના દર્શનમાં સમગ્રતા છે; અને પોતે જ એનું આશ્ચર્ય પ્રગટ કર્યું છે: ‘There was puzzlement as to whether I was a poet, a biographer, a wandering troubadour with a guitar, a Midwest Hans Christian Anderson, or a historian of current events.’ વળી સેન્ડબર્ગની કવિતાના સ્વરૂપમાં વાગ્મિતાનું પ્રમાણ વિશેષ છે, એના છંદો છલકાય છે. એથી પણ સહેજે શંકા થાય કે એની શૈલી એકસૂર અને એકધારી છે. પણ લાલિત્ય અને લાઘવની કલા એને એટલી જ સહજ છે. એની પ્રતીતિ અનેક કાવ્યો કરાવે છે. આથી એનાં કાવ્યો ક્યારેક વાત જેટલાં વહેતાં ને ક્યારેક તાર જેટલાં ટૂંકાં હોય છે. વાસ્તવ અને વાગ્મિતાને વરેલા સેન્ડબર્ગમાં ‘સ્લેબ ઍન્ડ સનબર્ન્ટ વેસ્ટ’માં પ્રગટ થયેલી એની રહસ્યમયતા અને ‘ફોગ’ કાવ્યમાં માત્ર એક જ તાદૃશ અને તેજસ્વી પ્રતીક દ્વારા પ્રગટ થયેલો અસ્પષ્ટ આછા મંદ મધુર મર્મર જેવો એક વિરલ ઉદ્ગાર સેન્ડબર્ગનાં સ્વરૂપ અને વસ્તુમાં સમગ્રતા છે એમ સિદ્ધ કરે છે, એના દર્શનમાં અખિલાઈ છે એનો અણસારો આપે છે. પ્રેમ અને ધિક્કાર, નિષ્ઠુરતા અને નાજુકાઈ, વાસ્તવિકતા અને રહસ્યમયતા એમ વિરોધી તત્ત્વોની વચ્ચે સેન્ડબર્ગની કવિતાએ સંવાદનું દ્રુત અને વિલંબિત લયનું સંગીત સર્જ્યું છે. એની કવિતાની આડત્રીસ કામચલાઉ વ્યાખ્યાઓમાં એક બીજી આ પ્રમાણે છે: ‘Poetry is a synthesis of hyacinths and biscuits.’

સેન્ડબર્ગની પદ્યકૃતિઓ
 

‘શીકાગો પોએમ્સ’ (૧૯૧૬): જન્મ્યો તેવો જ જગબત્રીસીએ ચડ્યો ને ચવાઈ-ગવાઈ ગયો તે સેન્ડબર્ગનો પ્રથમ કાવ્યસંગ્રહ. સેન્ડબર્ગના કવિજીવનના પ્રારંભે જ એની સામાજિક સભાનતાનો પરિચય થાય છે, પ્રૌઢિ અને પાકટતાનો પરિચય થાય છે. એની સર્જક અવનવીનતા અને મૌલિકતા–વસ્તુ અને સ્વરૂપ બન્નેમાં–ને કારણે અમેરિકન કવિતાને નવાં મૂલ્યો, નવું ચૈતન્ય પ્રાપ્ત થાય છે. અમેરિકન કવિતામાં પૂર્વે કદી કોઈ કવિએ ન પ્રગટેલી એવી નિષ્ઠુરતાનું, શીકાગો શહેરમાં અનિવાર્ય એવી નિષ્ઠુરતાનું એના કાવ્યવસ્તુમાં દર્શન થાય છે, અને સેન્ડબર્ગની સર્જકતા, એની કલ્પનાનો કીમિયો તો એ છે કે એ નિષ્ઠુરતામાં જ એણે સૌંદર્ય નિહાળ્યું છે. કવિતાની જડ તો જંતુડા અને કઠોર જમીનમાં હોય એ સીન્જનો આદર્શ એણે અપનાવ્યો છે. આમ અહીં કાવ્યવસ્તુમાં સુંદરતા અને નિર્દયતાનો નવો જ સંવાદ રચાયો છે. એની વીર્યવાન વાણીમાં ધસમસતા પ્રચંડ ઘોડાપૂરનો વેગ છે. જે પ્રેમથી એના પુરોગામીઓએ કૃત્રિમ કાવ્યબાનીનો ઉપયોગ કર્યો હતો એ જ પ્રેમથી સેન્ડબર્ગે સરળ અને છતાંય સમર્થ લોકબાની (speech and slang)નો ઉપયોગ કર્યો છે. શીર્ષક-કાવ્ય ‘શીકાગો’માં એણે એક નગરનું પુષ્ટ પશુ અને પ્રચંડ પુરુષ એમ બન્ને સ્વરૂપમાં બુલંદ અને બલવાન ચિત્ર આંક્યું છે. એની અધમતા અને આધ્યાત્મિકતાનો એકસાથે, એકશ્વાસે સહર્ષ સ્વીકાર કર્યો છે. આ કાવ્ય નર્યું વાસ્તવભર્યું હોવા છતાં એક દૃષ્ટાના દર્શનરૂપ છે એ એની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. આ કાવ્યનું વિસ્તારથી રસદર્શન હવે પછી કરશું. સંગ્રહનું બીજું મહત્ત્વનું કાવ્ય અને આધુનિક અમેરિકન કવિતાના ઇતિહાસમાં સૌથી વધુ કટુકઠોર કાવ્ય ‘ટુ એ કન્ટેમ્પરરી બન્કશુટર’ છે. એની ભાષામાં નરી નિર્દયતા અને ‘શીકાગો’ જેટલી જ સજીવતા છે. ધર્મને નામે ધૂર્તતા, ધતીંગ કરતા, ભોળી અને ભાવુક પ્રજાને છળકપટથી છેતરતા, લોકોની આંખમાં ધૂળ નાંખતા, ભ્રામક ભવિષ્યવાણી ભાખતા પાખંડી પુરુષોના દંભ સામે સેન્ડબર્ગે પોતાનો દૈવી રોષ પ્રગટ કર્યો છે. એવા ધર્મ-પ્રચારકો (frothing evengelists) સામે એનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો છે. એમના પર એણે શાપ વરસાવ્યા છે. એમને ફિટકાર્યા છે. ફટકાર્યા છે; એમના ઉધડા લીધા છે, એમને ઉઘાડા પાડ્યા છે અને એ પણ એવી ભભૂકતી ભાષામાં કે આ કાવ્ય સ્વયં સાચા ધર્મની સમાધિ (religious ecstasy)માં જ હોય એવી ભવ્યતા અને રસાનંદની પરાકાષ્ઠા પર પહોંચી જાય છે. ઈશુ વિશેનાં જુઠ્ઠાણાંઓનો એમાં એવો જવાબ છે કે આપોઆપ આ કાવ્ય ઈશુની શહાદતની પરમ પવિત્ર પ્રશસ્તિરૂપ છે. આ કાવ્ય એના વસ્તુની ભવ્યતાને કારણે તો મહત્ત્વનું છે જ પણ એની ભાષાના એવા ભવ્ય પ્રયોગની દૃષ્ટિએ પણ એટલા જ મહત્ત્વનું છે. આ એક જ કાવ્યમાં લોકબાની અને એના શબ્દોનાં અનેક ઉદાહરણો છે ઃ ‘where do you get that stuff?,’ ‘bunch-backing you’, ‘a good four-flusher’, ‘he starts people pucking.’ આવા પ્રકોપોની પડછે જ ‘સ્કેચ’ જેવું નાજુક અને લગભગ નીરવ કાવ્ય છે અને સંગ્રહમાં એના જેવાં કોડીબંધ કાવ્યો જેવાં કે ‘જ્યુ ફીશ-ફ્રાયર’, ‘અનીસન ડેઝ’ અને અતિ પ્રસિદ્ધ ‘ફોગ’ છે. મિજાજની મુદ્રા અને વિચારોનો વેગ વ્યક્ત કરતા સેન્ડબર્ગના કાવ્યખંડો વિશિષ્ટ છે. સૌંદર્યનો હ્રાસ અને ઉપહાસ કરતી નિત્યજીવનની નજીવી અને નાની નાની કરુણ ઘટનાઓ અને અન્યાયોની પરંપરાઓ આ લઘુકૃતિઓ — ‘ગ્રેઈસ લૅન્ડ’, ‘એના ઇમરોથ’, ‘મિલ ડૉર્સ’, ‘માસીસ’, ‘હોલસ્ટેડ સ્ટ્રીટકાર’ વગેરે — માં છે. એકાદ લીટીના લસરકા માત્રથી સહાનુભૂતિને સંકોરતી કૃતિ ‘ધે વીલ સે’ અને કઠોરતા અને કોમળતાના મધુર મિશ્રણ જેવી કૃતિ ‘મરમરીંગ ઇન એ ફિલ્ડ હૉસ્પિટલ’, તો નરી લાગણીવશતાનું નિર્દોષ દર્શન કરાવતી કૃતિઓ — ‘ફેલો સીટીઝન્સ’, ‘ધ હાર્બર’, ‘પોપ્યુલેશન ડ્રીફટ્સ’ છે અને કઠોર પણ કરુણ કૃતિ ‘એ ફેન્સ’ છે; તો ‘ચોઈસીઝ’માં અર્ધવાસ્તવ અને અર્ધરહસ્ય છે અને ‘લિમિટેડ’માં વક્રોકિત છે. આવી સ્નિગ્ધકોમળ અને ઋજુમધુર કૃતિઓની ચારુતા અને ચોટ સેન્ડબર્ગમાં મનુષ્યની મુરાદો અને સુંદર સ્વપ્નોની અસફળતા વિશેની ઊંડી સૂઝ-સમજમાંથી પરિસ્થિતિ પ્રત્યેનો એનો રોષ અને ક્રૂરતા સામેનો એનો ધિક્કાર પ્રકટ કરતી કૃતિઓની બળકટતાને બેવડાવે છે. સેન્ડબર્ગની કવિતાનો દોષ, એની કલ્પનાની મર્યાદા — અલબત્ત જે મૌલિક છે — પણ આ પ્રથમ સંગ્રહમાં જ પ્રગટ થાય છે. જેમ વ્હીટમેનની કવિતામાં અમેરિકનત્વનો અતિરેક — અલબત્ત જે સભાન છે — થાય છે તેમ સેન્ડબર્ગમાં નિષ્ઠુરતાનો અજાણતાં અતિરેક થાય છે, ત્યારે એને નામે ક્યારેક માત્ર કર્કશતા જ પ્રગટ થાય છે. ‘બલવંત કવનો’ને બદલે ‘big stuff’, ‘red guts’ વિશે અજાણતાં જ જાણે કે સેન્ડબર્ગ આત્મવંચના કરે છે, પ્રતારણા કરે છે. નકલી નિષ્ઠુરતાને સાચી સમજી લેવાને લલચાય છે, ત્યારે ભ્રમમાં, ભુલાવામાં લપટાય છે. ‘કોર્નહસ્કર્સ’ (૧૯૧૮): ‘શીકાગો પોએમ્સ’નો અધમતા અને આધ્યાત્મિકતાનો સંવાદ આ સંગ્રહમાં વધુ સુગ્રથિત, સંયમી, સંવેદનશીલ અને વ્યાપક સ્વરૂપે છે. એથી આ સંગ્રહ આગલા સંગ્રહથી એક ડગલું આગળ જાય છે. સંગ્રહના પ્રથમ કાવ્યમાં જ આ વિકાસ સ્પષ્ટ વરતાય છે. એમાં પ્રેઈરીનું એક વિશાળ દર્શન છે. આ કાવ્યમાં જે નોર્સ સાગાની ભાવભરતી ઊછળે છે તે સેન્ડબર્ગના સ્વીડીશ સંસ્કારોનું સર્જન છે. એના પ્રલંબ લયમાં પકડ છે, પાકટતા છે, સિદ્ધહસ્ત અને સમર્થ સર્જકની હથોટી છે. પ્રકૃતિમાં જે કંઈ રુદ્ર અને રમ્ય છે તેનું સૌંદર્ય સેન્ડબર્ગને સ્પર્શી જાય છે. અંતનાં કાવ્યોમાં વધુ ગહનતા, ગંભીરતા અને ગૌરવ છે. એની બુલંદ અને બલિષ્ઠ વેગીલી વાણીના જોસ્સા અને જુવાળને પાછો પાડતો અર્ધસ્ફુટ રહસ્યવાદ પ્રથમ વાર પ્રગટ થાય છે. તળપદા શબ્દોની તળે છૂપાયેલો છાયા જેવો આ રહસ્યવાદ વાસ્તવને વિસ્તારે છે. ‘મેનીટોબા ચાઈલ્ડ રોલૅન્ડ’, ‘ઑલવેઝ ધ મોબ’, ‘ધ ફોર બ્રધર્સ’ જેવી કૃતિઓમાં ધાતુ જેવું ધીંગું પૌરુષી સૌંદર્ય છે તો ‘ગ્રાસ’ જેવી કૃતિમાં મેઘ જેવું તરલ, સરલ સ્ત્રૈણ સૌંદર્ય છે. ‘પ્રેઈરી’માં વિશાળ ફલક છે તો ‘સધર્ન પૅસિફિક’માં મુક્તકોનું લાઘવ છે. ‘બૅન્ડ કૉન્સર્ટ’માં નાનકડા ગામનું પ્રામાણિક વાસ્તવિક ચિત્ર છે તો ‘પ્રેઅર્સ ઑફ સ્ટીલ’માં સર્જન અને સંહારની શક્તિ માટેની પ્રાણવાન પ્રાર્થના છે. આ સંગ્રહનું વિશિષ્ટ અને વિરલ કાવ્ય તો છે ‘કુલ ટુમ્બ્ઝ.’ સેન્ડબર્ગને પ્રિય અને આપણને એની કવિતામાં પરિચિત એવા વિશેષ નામ અને વિશિષ્ટ લોકબાનીના શબ્દોના મિશ્રણનો આ કાવ્ય એક નવો જ નમૂનો છે. પ્રાસહીન પણ લલિત વિલંબિત લયનું આ યુગનું આ એક અત્યંત કરુણ, કોમળ શોકકાવ્ય છે. ‘સ્મોક ઍન્ડ સ્ટીલ’ (૧૯૨૦): સેન્ડબર્ગની કવિતામાં જે બે વિષમ અને વિરોધી તત્ત્વો — વાસ્તવ અને રહસ્ય — ‘શીકાગો પોએમ્સ’માં પ્રથમ પ્રગટ થાય છે અને ‘કોર્નહસ્કર્સ’માં પગભર થાય છે તે આ ત્રીજા સંગ્રહમાં સમૃદ્ધ થાય છે કારણ કે એમની વચમાં સમતુલા અને સંવાદ સ્થપાય છે. આ સંગ્રહનું નામ અત્યંત સૂચક છે. બે પ્રતીકો દ્વારા વિરોધની વચ્ચે જ સંવાદ સિદ્ધ થાય છે. ધૂમ્રમાં રોમેન્ટિક રહસ્યવાદ અને ધાતુમાં ધીંગા વાસ્તવનો ધ્વનિ છે. ધાતુમાં જાણે કે સેન્ડબર્ગ ધરતી પર પગ ધરીને ઊભો છે ને ધૂમ્રમાં એનાં સ્વપ્નો અવકાશમાં સરીને ઊડે છે. ધૂમાડાના ગોટેગોટા કાઢતી ચીમનીઓ અને ધાતુના ધીંગા ખડક જેવાં કારખાનાંઓમાં સેન્ડબર્ગે એનું વિરાટ દર્શન મૂર્ત કર્યું છે. સંગ્રહનું પ્રથમ કાવ્ય એક સંપૂર્ણ સફળ કૃતિ છે. એમાં જ વિરોધ, વિસંવાદ, વિષમતા પ્રથમ વાચને જ ઊડીને આંખે વળગે છે. છાપાનો ખબરપત્રી જાણે કે છાનોછપનો છાયાવાદની સૃષ્ટિમાં સરતો-સરકતો જાય છે. નકશા પરના નક્કર સ્થળેથી કવિ અચાનક રોમેન્ટિક અને રમતિયાળ રહસ્યવાદના અવકાશમાં અવગાહન કરવા કલ્પનાની પાંખો પસારે છે. કવિની મનોદશા, એના અવાજનો રણકો, એનાં પ્રતીકો ઐક્ય દ્વારા તીવ્રતાની નવી જ ટોચ સર કરે છે. ‘પેન્સીલવેનીઆ’માં નવી સઘનતા નજરે પડે છે. ‘લુઝર્સ’ની ક્રૂર મશ્કરીનો સંયમ ‘એ. ઈ. એફ.’ની અર્ધમુખરિત આર્દ્રતાને ઉપસાવે છે. ‘ધ લાયર્સ’ (જેનો સમય બહુ સૂચક છે, માર્ચ ૧૯૧૯)માં પૂર્ણ પ્રતિકાર છે તો ‘ફોર પ્રીલ્યૂડ્ઝ ઓન પ્લેથીન્ગ્સ ઑફ ધ વીન્ડ’ અને ‘થ્રી સ્પ્રીન્ગ નોટેશન્સ ઓન બાયપેડ્સ’માં નાજુક નકશીકામ છે. વેળુલિપિ, કેશસંમાર્જન કરતી સ્ત્રીઓ, પડછંદ પવન પરનો અર્ધચંદ્ર, રંગબેરંગી પક્ષીઓ પરનાં કાવ્યોમાં સુકુમાર સૂરાવલિ છે. નવા જ રાગમાં જૂના લાગણીવેડાનો લલકાર છે. ‘ક્રેપ શુટર્સ’, ‘કેહુટ્સ’, ‘જાઝ ફેન્ટેસીઆ’, ‘હોન્કી ટોન્ક ઇન ક્લીવલૅન્ડ, ઓહાઈઓ’ જેવાં ડઝન કાવ્યોમાં આધુનિક યંત્રવાદની યાતના પાછળ સંસ્કૃતિની મોહક વારુણી વ્યક્ત થાય છે. ‘ધ લૉયર્સ નો ટુ મચ’ના વેધક કટાક્ષથી માંડીને ‘એન ઇલેક્ટ્રિક સાઇન ગોઝ ડાર્ક’ના કારુણ્યમાં, ‘હુડલમ્સ’માં શીકાગોની ટોળકીઓનાં તોફાનોના પાવકજલદ પડઘાઓથી માંડીને ‘મીસ્ટ ફૉર્મ્સ’ વિભાગનાં પચાસ ઊર્મિકાવ્યોના લાલિત્યમાં ક્ષણક્ષણના વિચિત્ર ભાવાવેશો અને અતિવિચિત્ર ભૂખ-ભૂતાવળોનો પરિચય થાય છે. અહીં મનુષ્ય અને યંત્રનાં સ્વપ્નો છે અને નિદ્રાધીન નિવાસો અને તેજલીંપ્યા ખેતરોનું મૌન છે. સાંધ્યસમયના ઓછાયા અને આકારો પ્રત્યેનું સંવેદન છે. ‘નાઈટ સ્ટફ’, ‘નાઇટ મુવમેન્ટ’, ‘નાઇટ્સ નથીંગ અગેઈન’, ‘ધ સ્કાયરસ્ક્રેઇપર લવ્ઝ નાઇટ’ વગેરે રાત્રિગાન વ્હીટમેનની જેમ સેન્ડબર્ગે પણ મન ભરીને ગાયાં છે. એથી સેન્ડબર્ગને નિશીથનો મહાગાયક કહી શકાય. ‘સ્લેબ્ઝ ઑફ ધ સનબર્ન્ટ વેસ્ટ’ (૧૯૨૩): આ સમગ્ર સંગ્રહ સેન્ડબર્ગની ઊર્મિશીલતાનું ઉદાહરણ છે અને એટલે જ આ એની લઘુકાય કૃતિ છે. આમાં બે લાંબી કાવ્યરચનાઓ સંગ્રહની પ્રધાન કૃતિઓ છે. અફાટ પટ પર પથરાયલું શીર્ષકકાવ્ય, ‘શીકાગો’ની વિસ્તૃત આવૃત્તિ જેવા ‘ધ વીન્ડી સીટી’નું ઉલ્લાસી વર્ણન અને ‘ઍન્ડ સો ટુ-ડે’નો ક્રૂર કટાક્ષ, આમ વિવિધ પ્રકારનાં કાવ્યો વચ્ચે સુમેળ સધાયો છે. અત્યંત લઘુકદની રચનાઓમાં અસ્ફુટ મર્મર ધ્વનિ અને અસ્પષ્ટ ભાવાત્મકતાનું સુગ્રથન થયું છે. એમાં ‘પ્રાયમર લેસન’ અને ‘અપસ્ટ્રીમ’ અપવાદ રૂપ છે. એકંદરે આ સંગ્રહનું વસ્તુ ઝાંખુંપાંખું છે અને શૈલી શિથિલ છે, સેન્ડબર્ગ જાણે કે ભુલભુલામણીમાં ભટકે છે. એક સુશ્લિષ્ટ કલાકૃતિમાં જે સંયોજન અને સઘનતાની, ઐક્યની અપેક્ષા હોય એનો અહીં અભાવ છે. કવિનો હાથ કંઈક ધ્રૂજે છે, એની કલમ કથળે છે. દુશ્મનોના બત્રીસે દાંત બહાર નીકળી આવે એવી નિર્દયતાથી એ વિશેષણો વાપરે છે, એનો લય લથડતો નથી, ભાવ પણ ભરપૂર હોય છે છતાં અર્થ અદૃશ્ય થાય છે. ‘ગુડ મોર્નીન્ગ, અમેરિકા’ (૧૯૨૮): આ સંગ્રહમાં સેન્ડબર્ગ એક સાથે એના ઉત્કૃષ્ટ અને નિકૃષ્ટ સ્વરૂપે પ્રગટ થાય છે, અહીં અનેક કાવ્યોમાં નર્યો અનર્થ અને આડંબર છે. કેટલુંક તો અગડંબગડં જેવું છે. સામાન્યતાથી સભર છે. તો કેટલુંક સૌંદર્યસભર, સંવેદનશીલ અને નૂતન પ્રયોગ જેવું છે. આ સંગ્રહમાં કવિતાની આડત્રીસ કામચલાઉ વ્યાખ્યાઓ સેન્ડબર્ગના સર્વસંગ્રહની ફૂટનોટ જેવી કે પ્રસ્તાવના જેવી છે. કેવળ વર્ણનાત્મક એવાં કેટલાંક કાવ્યોનું સેન્ડબર્ગની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન છે, ‘એ. ઈ.એફ.’ વગેરે કાવ્યોમાં આરંભથી જ યુદ્ધનો વિરોધ કરનાર અમેરિકાના કવિઓમાંનો એક કવિ સેન્ડબર્ગ છે, એનો યુદ્ધવિરોધ અહીં વધુ ઉગ્ર બન્યો છે. સંગ્રહનું શીર્ષક કાવ્ય હાર્વર્ડમાં ફી બીટા કાપા કાવ્ય લેખે સેન્ડબર્ગે વાંચ્યું હતું. ‘ધ પીપલ, યસ’ (૧૯૩૬): આ સંગ્રહમાં અઠ્ઠાવન વર્ષની વયે સેન્ડબર્ગે એની સર્ગશક્તિ અને કલ્પનાનું સર્વોચ્ચ શિખર સર કર્યું છે. એની સર્જકતા પરાકાષ્ઠાએ પહોંચી છે. એના કાવ્યજગતના કેન્દ્રસ્થાને એનું લઘુકાવ્ય ‘આઈ એમ ધ પીપલ’ છે. એમાં કવિની અંતિમ આશા અને શ્રદ્ધાનો બુલંદ ઉદ્ગાર છે. જગતમાં ક્રૂરતા અને કરુણતાની જો કોઈ કમી જ નથી તો માનવજાતની સહનશીલતાને પણ કોઈ સીમા જ નથી. દુષ્ટો અને દુશ્મનોનાં દુરિતોને દાદ જ ન આપતાં, એમનો કાંકરો જ કાઢી નાંખીને, એમને વહાલથી વીસરીને, પ્રગતિને પંથે આગેકૂચ કરવાની પ્રજામાં કોઈ નિગૂઢ અને નૈસર્ગિક શક્તિ છે. આ શક્તિનો સેન્ડબર્ગ આજન્મ પરિચય પામ્યો છે. એમાંથી જ એ અવિરત અને અખૂટ પ્રેરણા પામ્યો છે. ‘આઈ એમ ધ પીપલ’માં એણે કવિજીવનના આરંભે મિતાક્ષરમાં જે કહ્યું તે અહીં એણે વિગતે અને વિસ્તારથી મહાગ્રંથરૂપે કહ્યું છે. અહીં સેન્ડબર્ગ માત્ર સર્જક નથી પણ સંપાદક પણ છે. આ સંગ્રહમાં સંશોધન અને સર્જનનો અસાધારણ સંવાદ સધાયો છે. કવિની કલ્પના અને પ્રિયા માનવતાના કોઈ પ્રેમી મજનુના કુતૂહલનો સુમેળ થયો છે. આરંભની પરિચયરૂપ મિતાક્ષરી નોંધમાં સેન્ડબર્ગ કહે છે કે આ કૃતિમાં એણે ‘Sayings and yarns traveling on grief and laughter’ (પ્રજાના સુખદુઃખના દોર પર ગૂંથેલી લોકકહેવતો અને લોકટૂચકાઓ) તથા ‘Stories and psalms nobody would laugh at’ (કોઈ હસી કાઢી ન શકે એવી વાતો અને પ્રાર્થનાઓ)નો સંગ્રહ કર્યો છે. પ્રજાની કલ્પિત કથાઓ, કહેવતો, ઠઠ્ઠામશ્કરી, મસ્તીતોફાન, બુટ્ટાતરંગો, ટોળટપ્પાં અને ગપ્પાં વગેરેનો જાણે કે આ સર્વસંગ્રહ છે. સેન્ડબર્ગે એમાં કંઈ જ મૌલિક સર્જન કર્યું નથી. સર્જન પ્રજાનું છે, સેન્ડબર્ગે તો માત્ર એનું સંપાદન કર્યું છે. પણ સેન્ડબર્ગને પૂરી પ્રતીતિ છે કે આ સંગ્રહમાં પ્રજાનું જે સર્જન છે એ પ્રજાની સુખ અને સત્યની સનાતન શોધનું પરિણામ છે એટલે જ સેન્ડબર્ગે આ ગ્રંથ હળવે હાથે પણ ગંભીરપણે ગૂંથ્યો છે. જો કોઈ કહે કે ‘The people is a myth, an abstraction’. (પ્રજા એ તો કેવળ કલ્પના છે) તો સત્વર જ સેન્ડબર્ગ સામું આહ્વાન આપે, ‘What myth would you put in the place of the people?’ (તો પછી પ્રજાને સ્થાને તમે બીજી કઈ કલ્પના મૂકવા માંગો છો?) એનાં ૧૦૭ ખંડમાં પ્રજાની સંપત્તિ, યુદ્ધ, ન્યાય વગેરે જીવનના અને વિશેષ તો આધુનિક જીવનના મુશ્કેલ અને મહત્ત્વના વિષયો પરત્વેની સામુદાયિક સૂઝનો પરિચય થાય છે. એક ખંડમાં તો લિંકનના સર્વોત્તમ શબ્દોનો સમુચ્ચય માત્ર છે. લિંકન પ્રજાનો પ્રતિનિધિ અને એના પ્રતીક જેવો હતો. એટલે ૧૦૬ ખંડની પ્રજાની વાણી અને આ ખંડમાં લિંકનની વાણી એવી તો અભિન્ન રૂપે એકમેકમાં ભળી જાય છે. આ હકીકત સેન્ડબર્ગની લિંકન વિશેની સૂઝ અને લિંકનની પ્રજા વિશેની સૂઝ પ્રગટ કરે છે. આધુનિક અમેરિકાનો આ ગૌરવગ્રંથ છે. અમેરિકન પ્રજાને આ સર્વશ્રેષ્ઠ અંજલિ છે. વ્હીટમેનની વાણીના અપવાદ સાથે અન્યત્ર ક્યાંય સામાન્ય માનવીનો ગર્વથી આવો મહિમા ગવાયો નથી. પ્રજાની સામુદાયિક સૂઝ અને અખૂટ આશાવાદને અંતરથી આવી અંજલિ અન્ય કોઈ કવિએ અર્પી નથી, સેન્ડબર્ગ ૧૦૭મા ખંડમાં કહે છે, “The people will live on. The learning and blundering people will live on… In the darkness with a great bundle of grief the people march. In the night, and overhead a shovel of stars for keeps, the people march : ‘Where to? What next?’ (પ્રજા તો જીવ્યા જ કરશે. ભણતી ને પાછી ભૂલતી પ્રજા તો જીવ્યા જ કરશે… અંધકારમાં માથે દુઃખનો ભારો મેલીને પ્રજા તો ધરતી પર ધપતી જ રહેશે. રાત્રિમાં પણ તારાઓના તેજને આધારે પ્રજા તો ધપતી જ રહેશે ઃ કોણ કહેશે કે ‘અંતે કયાં?’ અને ‘હવે પછી શું?’) પ્રજાની આ ધીરતા અને વીરતાને એની વાણીમાં ગૌરવથી ગાઈને સેન્ડબર્ગ ધન્ય થયો છે અને એ ધન્યતા એણે નમ્રતાથી ધારણ કરી છે. કારણ કે એણે આ સંગ્રહને તો માત્ર, ‘a footnote to the Gettysburg Address’ લિંકનના જેટીસબર્ગ વ્યાખ્યાનની પાદટીપ રૂપે વર્ણવ્યો છે. સાચું છે કે અહીં સેન્ડબર્ગ સર્જક નહિ, ‘સંપાદક’ છે, સાચું છે કે અહીં અગાઉનાં કાવ્યોની જેમ વ્યક્તિઓની નહિ પણ વ્યક્તિત્વ વિનાની પ્રજાની પ્રશસ્તિ ગાઈ છે. પણ એથી જ એનું કવિત્વ અને એનું વ્યક્તિત્વ બન્ને સાર્થક થયાં છે, ધન્ય થયાં છે. પ્રજા ભલે ભૂલે ને ભરમાય, ભલે પડે ને પટકાય પણ પ્રજા પોતે જાણે છે એથી પણ વધુ શાણી ને શકિતવાન છે કારણ કે જગતનો સમગ્ર ઇતિહાસ અંતે તો એના ચૈતન્યની લીલા માત્ર છે. શિષ્ટ સાહિત્યના કાચા માલ લેખે લોકસાહિત્યનો ઉપયોગ કરવો એ આધુનિક યુગનું લક્ષણ છે, એનું આ સંગ્રહ એક ઉદાહરણ છે.

સેન્ડબર્ગની ગદ્યકૃતિઓ
 

કલ્પનાપ્રચુર અને હાસ્યસભર રહસ્યવાદની ત્રણ બાળકથાઓ, ૧૯૨૭માં ૨૮૦ ગીતો અને લોકસંગીતનાં સ્વરાંકનોનો ‘ધ અમેરિકન સોન્ગબેગ’ નામનો પ્રજાના જીવનરહસ્યનો પરિચય કરાવતો એક સમર્થ સંગ્રહ, ૧૯૨૮માં ગીત, સંગીત, સર્કસ, ગીતાર સાથે કાવ્યવાચનનો નવીન પ્રયોગ વગેરે ચિત્રવિચિત્ર કાર્યક્રમોને આવરી લેતું દેશભરમાં આપેલું રસિક વ્યાખ્યાન, વિવિધ અનુભવોને આલેખતી આત્મકથા વગેરે સેન્ડબર્ગની અનેક ગદ્યકૃતિઓમાં લિંકનના ચરિત્રના છ ગ્રંથો એના છ કાવ્યસંગ્રહોથી પણ કદાચને વધુ મહાન અને મહત્ત્વના છે. આઠ વર્ષ ઇલિનોયના પ્રદેશ અને એની પ્રજાની વચમાં વસીને લિંકનને જાણવા-પ્રમાણવા એણે જે ભ્રમણ અને અભ્યાસ કર્યો એનું પરિણામ એટલે ‘ધ પ્રેઈરી ઈયર્સ’ (૧૯૨૯) અને પછી વધુ દશ વર્ષ એ જ પ્રવૃત્તિનું પરિણામ એટલે ‘ધ વૉર ઈયર્સ’ (૧૯૩૯). ચરિત્ર આમ તો લિંકનનું છે. પણ લિંકન એટલે જ જેમનો એ પ્રતિનિધિ છે, જેમનું એ પ્રતીક છે એ પ્રજા. એટલે સાચી રીતે તો એમાં પ્રજાનું જ ચરિત્ર છે. લિંકન તો અનેકમાંનું એક પાત્ર માત્ર છે. પ્રજામાંના એકેએકમાં લિંકન થવાની લાયકાત છે. આવી પ્રતીતિ સેન્ડબર્ગે પ્રગટ કરી છે એથી જ તો એનામાં લિંકનના ચરિત્રકાર થવાની લાયકાત છે. જેમ ‘ધ પીપલ, યસ’ના ૧૦૭ ખંડોમાં એક ખંડ માત્ર લિંકનના શબ્દોથી જ રચ્યો છે તેમ લિંકનના ચરિત્રના આ ૬ ગ્રંથોમાં પાને પાને પ્રગટ થવાનો પ્રજાને એણે અધિકાર આપ્યો છે. કવિ સેન્ડબર્ગ વિશે — એની મહત્તા, મહાનતા અને કવિતાના મૂલ્યાંકન વિશે — મતભેદ હશે અને અત્યારે અમેરિકામાં છે જ વળી, અને અવશ્ય હોવો જોઈએ અને સદાય રહેશે, સકારણ છે અને રહેશે, — એમાં રુચિભેદને સ્થાન છે; પણ ચરિત્રકાર સેન્ડબર્ગ અમરત્વનો અધિકારી છે એ વિશે કોઈ મતભેદ ન હોય, નથી અને નહિ હોય; એમાં રુચિભેદને સ્થાન જ નથી.

સેન્ડબર્ગની બે વિશિષ્ટ કાવ્યરચનાઓ
 

‘શીકાગો’: સેન્ડબર્ગનું જગપ્રસિદ્ધ કાવ્ય. કાર્લ અને માર્ક વાન ડોરેન કહે છે તેમ સેન્ડબર્ગને શીકાગોની અવનવીનતા અને આશાવાદનું આકર્ષણ છે, જેને બીજો કોઈ કવિ અપક્વતા અને અધમતા કહે, પણ સેન્ડબર્ગને સૌથી વધુ તો આ નિષ્ઠુર નગરીની નફફટાઈનું આકર્ષણ છે અને આ કાવ્યમાં સેન્ડબર્ગ નીંદકો પ્રત્યે એટલો જ નફફટ છે. એણે પણ ભૂતકાળ અને એની ભાતગૂંથણીના ભુક્કા ઉડાવ્યા છે. એ સજીવતામાં રાચે છે, અને એમાંથી સર્જન કરે છે, વાણી પણ સજીવ જ બોલે છે. શબ્દકોષમાંથી નહિ પણ શેરીઓમાંથી શબ્દ વીણે છે, જેટલે અંશે શીકાગો આજનું અને આવતી કાલનું શહેર છે એટલે અંશે સેન્ડબર્ગ આધુનિક કવિ છે. સેન્ડબર્ગને વાસ્તવમાં અને વર્તમાનમાં રસ છે, એણે અન્યત્ર કહ્યું છે, ‘I speak of new cities and new people. I tell you the past is a bucket of ashes. I tell you yester-day is a wind gone down, a sun dropped in the west. I tell you there is nothing in the world, only an ocean of to-morrows, a sky of to-morrows’ (હું નવાં નગરો અને નવી પ્રજાને ગાઉં છું. હું તમને કહું છું કે ભૂતકાળ તો ભંગારનો ઢગલો છે, ગઈકાલ એ તો પડી ગયેલો પવન છે, પશ્ચિમમાં ડૂબી ગયેલો સૂરજ છે. હું તમને કહું છું કે આવતીકાલરૂપી અર્ણવ અને આવતીકાલરૂપી આકાશ વિના આ જગતમાં બીજું કંઈ જ નથી.) આથી જ એને મન જગતના પ્રાચીન મહાનગરોથી શીકાગોનું વધુ મૂલ્ય છે, આખુંયે કાવ્ય અત્યંત ચર્ચાસ્પદ છે, કારણ કે એનું વસ્તુ, સ્વરૂપ, શબ્દો, લય, પ્રતીકો બધું જ નવું છે. જાણે કે પ્રાચીનતાની સામે સેન્ડબર્ગે ખુલ્લો બળવો પોકાર્યો ન હોય, પરંપરાની સામે ક્રાંતિ પ્રગટાવી ન હોય એવો એનો મિજાજ છે. અને છતાંય આ કાવ્યમાં એક સુશ્લિષ્ટ, સુગ્રથિત, સુયોજિત કલાકૃતિનું ઐક્ય અને સૌન્દર્ય છે. ત્રેવીસ પંક્તિના આ કાવ્યનો આરંભ વિવિધ પ્રકારના શીકાગોના વર્ણનથી થાય છે. જે પાંચમી પંક્તિના પ્રતીકમાં સમેટાય છે, ‘City of the Big Shoulders’ (વિશાલસ્કંધ નગરી), આમ કહીને સેન્ડબર્ગ શીકાગોને નર અને નગર એમ બે સ્વરૂપે નિહાળે છે, એના સામર્થ્યનો સાક્ષાત્કાર કરે-કરાવે છે, એનું પૌરુષ પ્રગટ કરે છે. છઠ્ઠી, સાતમી અને આઠમી પંક્તિઓમાં એના કઠોર અને ક્રૂર સ્વરૂપનું, એની અમાનુષિતા અને અધમતાનું દર્શન કરે-કરાવે છે. પણ પછી નવમી પંક્તિથી સત્તરમી પંક્તિ લગી પલટો લે છે, અને સેન્ડબર્ગ શીકાગોની પ્રશસ્તિ ગાય છે. એની સજીવતાને સત્કારે છે. એના ચૈતન્યને ચમકાવે છે, એના વીર્યને વાચા આપે છે. અઢારમી પંક્તિથી બાવીસમી પંક્તિ લગીમાં આગળ ત્રણ પંક્તિઓમાં જેનું દર્શન થયું તે કરુણતા અને કદરૂપતાને પછીની નવ પંક્તિઓમાં જેનો ઉલ્લેખ થયો તે તત્ત્વોથી સૌન્દર્ય અને આનંદમાં પલટાવીને કાવ્ય પરાકાષ્ઠાએ પહોંચે છે. અને અંતિમ પંક્તિ જે સ્વાભાવિક જ પ્રલંબ અને વિલંબિત લયમાં વહે છે તેમાં આરંભની પાંચ પંક્તિઓનું પુનરાવર્તન થાય છે, પણ હવે એમાં વચ્ચેની પંક્તિઓનો અર્થ ઉમેરાય છે. એટલે શબ્દો ભલે જૂના હોય પણ એમાં અર્થ નવો છે. શબ્દોનું ભલે પુનરાવર્તન હોય પણ શીકાગોનો તો કવિ અને વાચક બન્ને પૂરતો પુનર્જન્મ જ છે. એમાં જ સેન્ડબર્ગનું આધ્યાત્મિક દર્શન છે. એથી જ કવિ દૃષ્ટા છે. કવિનો પ્રેમ શીકાગોને ‘Lit-tle soft cities’ (પામર પોચી નગરીઓ)થી વધુ મહાન પુરવાર કરે છે. શીકાગોનું સ્વમાન આપણા હૃદયને સદાયનું હરી જાય છે અને એનું અટ્ટહાસ્ય આપણા કાનને સદાયનું ભરી જાય છે. ‘ધ વીન્ડી સીટી’માં ‘શીકાગો’ની વિસ્તૃત આવૃત્તિ છે તો ‘ધ હાર્બર’માં શીકાગોનું તદ્દન ભિન્ન સ્વરૂપ છે. એમાં શીકાગોની વાસનાઓનું નહિ પણ વ્યથાઓનું જ વર્ણન છે. કારણ કે બન્ને કાવ્યો એક જ શહેર વિશે કવિની બે વિરોધી મનોદશાનાં સર્જનો છે. સેન્ડબર્ગે કહ્યું છે, ‘Poems are the results of moods. I don’t approach a subject in the same mood everyday.’ (કાવ્યો એ મિજાજ અને મનોદશાની સરજતો છે. હું હંમેશ એકના એક વિષયને એક જ મિજાજથી કે એક જ મનોદશામાં જોતો નથી.)

                           CHICAGO
Hog Butcher for the World,
Tool Maker, Stacker of Wheat,
Player with Railroads and the Nation’s Freight
                                             Handler;
Stormy, husky, brawling,
City of the Big Shoulders.
They tell me you are wicked and I belive them,
         for I have seen your painted women
         under the gaslamps luring the farm boys.
And they tell me you are crooked and I answer : Yes,
         it is true I have seen the gunman kill and go
         free to kill again.
And they tell me you are brutal and my reply is : On
         the faces of women and children I have seen
         the marks of wanton hunger.
And having answered so I turn once more to those
         who sneer at this my city, and I give them
         back the sneer and say to them :
Come and show me another city with lifted head
         singing so proud to be alive and coarse and
         strong and cunning.
Flinging magnetic curses amid the toil of piling job
         on job, here is a tall bold slugger set vivid
         against the little soft cities;
Fierce as a dog with tongue lapping for action,
         cunning as a savage pitted against the
         wilderness,
Bareheaded,
Shoveling,
Wrecking,
Planning,
Building, breaking, rebuilding.
Under the smoke, dust all over his mouth,
         laughing with white teeth,
Under the terrible burden of destiny laughing as
         a young man laughs,
Laughing even as an ignorant fighter laughs who has
         never lost a battle,
Bragging and laughing that under his wrist is the
         pulse, and under his ribs the heart of the
         people, laughing!
Laughing the stormy, husky, brawling laughter of
         Youth, half-naked, sweating, proud to be
         Hog Butcher, Tool Maker, Stacker of Wheat,
         Player with Railroads and Freight Handler
         to the Nation.

‘ફોગ’: વસ્તુ અને સ્વરૂપ બન્નેની દૃષ્ટિએ આ કાવ્ય ‘શીકાગો’નું તદ્દન વિરોધી કાવ્ય છે. ‘શીકાગો’માં નક્કર એવી નગરી છે તો ‘ફોગ’માં ધૂધળું એવું ધુમ્મસ છે. ‘શીકાગો’માં અવિરત અટ્ટહાસ્ય છે તો ‘ફોગ’માં અનિર્વચનીય અરવતા છે. ‘શીકાગો’માં હરાયા અને હડકાયા પશુનો મહાવેગ છે તો ‘ફોગ’માં બિલ્લીપગની મંદતા છે. શીકાગો ચંચલ છે તો ધુમ્મસ શાંત છે. ‘શીકાગો’માં વાસ્તવિકતા છે તો ‘ફોગ’માં રહસ્યમયતા છે, શીકાગો અનંતકાળ લગી જાણે અચલ રહેશે તો ધુમ્મસ ક્ષણમાં અદૃશ્ય થાય છે. ‘શીકાગો’માં ભાષા બુલંદ અને બલિષ્ઠ છે, લય પ્રવાહી છે, છંદ છલકાતો છે તો ‘ફોગ’માં ભાષા શાંત અને મૃદુ છે, લય સ્વસ્થ છે અને છંદ સંયમી છે. ‘શીકાગો’ વાંચ્યા પછી પૃથ્વીના નકશા પરથી શીકાગો ક્યાં જતું રહ્યું એવો પ્રશ્ન નથી થતો, બલકે ક્યાંય જવાનું નથી એવી લાગણી થાય છે જ્યારે ‘ફોગ’ વાંચ્યા પછી ધુમ્મસ ક્યાં જતું રહ્યું એવો પ્રશ્ન જ પૂછવાનો રહે છે.

         FOG
The fog comes
on little cat feet.
It sits looking
over harbor and city
on silent haunches
and then moves on.

સેન્ડબર્ગની સમગ્ર કાવ્યસૃષ્ટિમાં ‘શીકાગો’ની વાસ્તવિકતાની આસપાસ ‘ફોગ’ની રહસ્યમયતા વીંટળાઈ વળી છે.

વ્હીટમેન અને સેન્ડબર્ગ
 

વ્હીટમેન અને સેન્ડબર્ગની સરખામણી (બે કવિઓની સરખામણી ક્યારેક બહુ અળખામણી લાગે છે) કરતાં વિવેચક મોર્ટન ઝાબેલ કહે છે કે વ્હીટમેન અને સેન્ડબર્ગ વચ્ચેનો ભેદ એ દાર્શનિક કલ્પના અને વાસ્તવિક કલ્પના વચ્ચેનો, માનવતાવાદના કોમી અને સામાજિક અંશોમાં રસ લેતા આર્ષદૃષ્ટા અને યાંત્રિક સંસ્કૃતિમાં જીવનના નક્કર સત્યો સમજવા મથતા ઇતિહાસકાર વચ્ચેનો ભેદ છે. વિશાળ દૃષ્ટિ, વ્યાપક સહાનુભૂતિ અને વિપુલ પ્રેરણા હોવાથી વ્હીટમેન એના કાવ્યવસ્તુના — એટલે કે અમેરિકાના પ્રદેશો અને એની પ્રજાના — અંગત પરિચય વિના પણ ‘ધ લીવ્ઝ ઑફ ગ્રાસ’ રચી શકે જ્યારે સેન્ડબર્ગ એના કાવ્યવસ્તુના — જે પણ અમેરિકન પ્રદેશો અને એની પ્રજા છે તેના — અંગત પરિચય વિના એક પંક્તિ પણ ન રચી શકે. એટલે એમની સિદ્ધિઓમાં નહિ પણ એમની મર્યાદાઓમાં, એમની ખૂબીઓમાં નહિ પણ એમની ખામીઓમાં જ બન્ને કવિઓમાં સામ્ય છે; અને તે છે કાવ્યનું સ્વરૂપ, વસ્તુ નહિ. સેન્ડબર્ગને વ્હીટમેનના અનુગામી હોવાનો લાભ છે એથી વ્હીટમેનના કાવ્યસ્વરૂપના અનેક દોષો સેન્ડબર્ગે દૂર રાખ્યા છે, જોકે પછી એણે મૌલિક દોષો દાખલ કર્યા છે. આમ, આ બન્ને કવિઓની સિદ્ધિઓ સ્વતંત્ર છે, મર્યાદાઓ સમાન છે. સેન્ડબર્ગના કાવ્યસ્વરૂપ પર વ્હીટમેનના કાવ્યસ્વરૂપની અસર વિશે કદાચને અતિરેક થયો છે. આ લેખના શીર્ષકમાં પણ એ જ અપલક્ષણ છે. કારણ કે સેન્ડબર્ગની સુંદર અને સફળ કવિતા પર વ્હીટમેનના પદ્યના લયની જેટલી અસર નથી એટલી લિંકનના ગદ્ય — ખાસ તો ‘જેટીસબર્ગ વ્યાખ્યાન,’ જે સેન્ડબર્ગના અણુએ અણુમાં વ્યાપી ગયું લાગે છે તેના લયની અસર લાગે છે. સંભવ છે કે લિંકન, વ્હીટમેન અને સેન્ડબર્ગ ત્રણેએ એમના લયની પ્રેરણા મીડવેસ્ટની ભાષણખોર પ્રજાના લયમાંથી લીધી હોય. એટલે વ્હીટમેનનું અસ્તિત્વ જ ન હોત તોપણ, વ્હીટમેનના વિના પણ, લિંકનના ગદ્યના લયમાંથી પણ સેન્ડબર્ગની કવિતાનું સર્જન થયું હોત. લિંકન અને સેન્ડબર્ગ એક જ પ્રદેશની પ્રજાનાં પ્રતીક અને પ્રતિનિધિ છે. લિંકનના ચરિત્રના છ ગ્રંથોમાં લિંકનનું, સેન્ડબર્ગનું ને ઇલિનોયની પ્રજાનું સૌનું ચરિત્ર છે. એટલે એમાં ચરિત્ર, આત્મકથા અને ઇતિહાસ — સર્વનો સમન્વય છે. આથી જ જો કાવ્યજગતમાં અમેરિકાની શોધ કરી એથી વ્હીટમેન અમેરિકન કવિતાનો કોલંબસ છે તો સેન્ડબર્ગ અમેરિકન કવિતાનો લિંકન છે. લિંકનના જ શબ્દોમાં સેન્ડબર્ગની કવિતા એ પ્રજાની, પ્રજા માટેની અને પ્રજામાંના એકે સર્જેલી કવિતા છે (poetry of the people, for the people and by one of the people).

૧૯૫૬


*