સ્વાધ્યાયલોક—૫/નર્મદાશંકરનું કાવ્યવિવેચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નર્મદાશંકરનું કાવ્યવિવેચન

૧૯૮૯નું વરસ નર્મદાશંકરના અવસાનની અર્ધશતાબ્દીનું વરસ છે. આજે ૨૦ માર્ચ. આજે નર્મદાશંકરની પુણ્યતિથિ. એથી આજનો પ્રસંગ ‘અગમનિગમ મંડળ’ના ઉપક્રમે નર્મદાશંકર મહેતા સ્મારક વ્યાખ્યાનનો જ પ્રસંગ નથી પણ નર્મદાશંકરને એમના અવસાનની અર્ધશતાબ્દીએ એમની પુણ્યતિથિએ અંજલિ અર્પણ કરવાનો પણ પ્રસંગ છે. આ પ્રસંગે આ વાર્ષિક સ્મારક વ્યાખ્યાન નિમિત્તે તમે સૌ નર્મદાશંકરને અંજલિ અર્પણ કરો છો એમાં આ વ્યાખ્યાન દ્વારા હું પણ સહભાગી થાઉં છું એને હું મારું સદ્ભાગ્ય સમજું છું. અને એથી હું ગૌરવ અને ધન્યતા અનુભવું છું. એ માટે હું ‘અગમનિગમ મંડળ’ના સૌ સભ્યોનો અને સવિશેષ, તો ‘અગમનિગમ મંડળ’ના સંસ્થાપક મારા મુરબ્બી મિત્ર નર્મદાશંકરસુત યશોધરભાઈનો હૃદયથી આભાર માનું છું. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં — પ્રથમ દાયકામાં — ગુજરાતમાં અંગ્રેજોના રાજ્યનો આરંભ થયો. એટલે કે ગુજરાતમાં રાજકીય અને આર્થિક પરાધીનતાનો આરંભ થયો. પણ સાથે સાથે ગુજરાતના સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિ, ધાર્મિક અને આધ્યાત્મિક જીવનમાં નવજાગૃતિના યુગનો પણ આરંભ થયો. પશ્ચાત્દર્શનથી ગુજરાતમાં અંગ્રેજોનું રાજ્ય આશીર્વાદથી વિશેષ તો શાપરૂપ હતું એવી પ્રતીતિ સૌને થાય એ અનિવાર્ય હતું. પણ સમગ્ર ૧૯મી સદીમાં ગુજરાતમાં અંગ્રેજોનું રાજ્ય શાપથી વિશેષ તો આશીર્વાદરૂપ હતું એવી પ્રતીતિ સૌને થાય એ એટલું જ અનિવાર્ય હતું. એવો દીર્ઘકાલથી ગુજરાતની પ્રજાને માત્ર રાજકીય અવ્યવસ્થા, આર્થિક અવનતિ, સામાજિક અધોગતિ અને ધાર્મિક-આધ્યામિક અધ:પતનનો અનુભવ થયો હતો. અંગ્રેજોના રાજ્યના આરંભ સમયે ગુજરાતમાં સર્વત્ર અરાજકતા હતી. જાનમાલની સલામતી ન હતી. આવા જગતમાં અચાનક અંગ્રેજોનું આગમન થયું. સર્વપ્રથમ તો એમણે કાયદો અને વ્યવસ્થાનું આયોજન કર્યું. સમગ્ર પ્રજાને નિરાંત અને નિશ્ચિંતતાનો અનુભવ થયો. અંતે હવે જાનમાલની સલામતી છે, રાજકીય સ્થિરતા અને સધ્ધરતા છે એનો આનંદ થયો. ‘વડોદરાના રાજકર્તાઓ’માં ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં વડોદરાની દારુણ દુર્દશાનું વર્ણન છે અને અંતે વડોદરા વિશે નોંધવામાં આવ્યું છે, ‘તે વખતે રાજ્યની સ્થિતિ કેવી અધમ અને દયાજનક હતી તેનું સંપૂર્ણ ધ્યાન થવું અસંભવિત છે… આ મહાસંકટમાંથી સહીસલામત નીકળવાનો એક જ માર્ગ દૃષ્ટિએ પડતો હતો. અને તે માર્ગ તે અંગ્રેજ સરકારની મદદ માંગવાનો હતો.’ ‘ભરૂચ શહેરનો ઇતિહાસ’માં ૧૭૭૨માં ભરૂચના નવાબ પર અંગ્રેજોનો વિજય થયો પણ પછી ૧૭૭૯માં સંધિ પ્રમાણે ભરૂચ સિંધિયાને સુપ્રત કરવાનો નિર્ણય થયો એથી ભરૂચ વિશે નોંધવામાં આવ્યું છે, ‘આ શહેર મરાઠાઓના તાબામાં જાય છે એ હકીકત લોકોએ જાણી એટલે ભરૂચી પ્રજા ઘણી દિલગીર થઈ. ઈશ્વરની પ્રાર્થના કરવા લાગી કે અંગ્રેજી અમલ અમારી ઉપર હંમેશાં રહો. રાજ્ય અંગ્રેજોનું કાયમ રહે માટે યજ્ઞો, હોમ, બલિદાન વગેરે શરૂ થયાં, કેટલાંક લોકોએ અમુક અમુક બાધાઓ પણ લીધી. આ વાતમાં ઢીલ થઈ એટલે પ્રજાએ જાણ્યું કે ઈશ્વરે સામું જોયું, તેથી લોકો ખુશ થયા.’ ‘અમદાવાદનો ઇતિહાસ’માં ૧૮૧૭માં ખડકીના યુદ્ધમાં પેશ્વા પર અંગ્રેજોનો વિજય થયો પછી પેશ્વાનો અમદાવાદનો અરધો ભાગ અને ગાયકવાડ સાથે સંધિ પછી ગાયકવાડનો અમદાવાદનો અરધો ભાગ એમ ૧૮૧૮માં સમગ્ર અમદાવાદ અંગ્રેજોને સુપ્રત કરવામાં આવ્યું અને ગાયકવાડની હવેલી પર યુનિયન જેક ફરકી રહ્યો અને કલેકટર જ્હૉન એન્ડ્રુસ ડનલોપે કાયદો અને વ્યવસ્થાનું એવું આયોજન કર્યું કે તેત્રીસ વરસ પછી ૧૮૫૧માં માત્ર એકવીસ વરસના મગનલાલ વખતચંદ શેઠે નોંધ્યું છે, ‘એ પ્રમાણે અમદાવાદ તથા તેનું પરગણું અંગ્રેજ સરકારને હાથ આવ્યું. હું પરમેશ્વર પાસે હેવું માગું છું કે એ દયાલુ સરકારનું રામરાજ્ય સદાય ચાલશો.’ સૌથી વિશેષ તો ‘હોપ વાચનમાળા’માં ‘હિન્દ ઉપર ઉપકાર વિશે’ કાવ્યમાં દલપતરામે એમની પેલી પ્રસિદ્ધ પંક્તિઓમાં આ આનંદ પ્રગટ કર્યો છે, ‘દેખ બિચારી બકરીનો પણ કોય ન જાતાં પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન!’ આમ, પ્રજાએ અંગ્રેજોના રાજકીય વર્ચસ્‌‌‌નો વિરોધ તો ન કર્યો પણ અલ્પસમયમાં જ અંગ્રેજોનું આ રાજકીય વર્ચસ્‌‌ અનિવાર્યપણે એની આર્થિક અને સાંસ્કૃતિક પરાધીનતામાં પરિણમશે એવો વહેમ સુધ્ધાં એને ન આવ્યો. એટલું જ નહિ પણ ૧૯મી સદીના મઘ્યભાગમાં અંગ્રેજોના રાજ્ય દ્વારા તથા અંગ્રેજોના અંગત પરિચય દ્વારા અંગ્રેજોની સંસ્કૃતિનો અને એ દ્વારા યુરોપીય સંસ્કૃતિનો સમકાલીન ભારતીય સંસ્કૃતિ પર એવો પ્રભાવ હતો કે અનેક પ્રજાજનો — સવિશેષ તો બૌદ્ધિકો — ને ભારતીય સંસ્કૃતિની એટલે કે સમાજ અને ધર્મની મહાન મર્યાદાઓનું જ્ઞાન થયું, જડતા, કાયરતા, અજ્ઞાન, દૌર્બલ્ય, વહેમ, કુસંપ આદિ સમાજિક અને ધાર્મિક દોષો અને દૂષણોનું દર્શન થયું. અને સુધારાનો આરંભ થયો. આ સુધારો એટલે સમાજસુધારો, ધર્મસુધારો. આ યુગનું ‘સંક્રાંતિયુગ’ એવું નામાભિમાન કરવામાં આવ્યું છે. દલપતરામનું ‘વેનચરિત’ સુધારાનું પુરાણ અને નર્મદનું ‘હિન્દુઓની પડતી’ સુધારાનું બાઇબલ કહેવાય છે. આ પ્રભાવની પરાકાષ્ઠા એટલે ૧૯મી સદીના ઉત્તરાર્ધના આરંભમાં ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના. આ યુનિવર્સિટી દ્વારા એક નવો જ પ્રકાશ પ્રગટ થયો. આ નવો પ્રકાશ તે અંગ્રેજોની સંસ્કૃતિ — બલકે યુરોપીય સંસ્કૃતિ, પુનરુત્થાન યુગ પછીની પાશ્ચાત્ય સંસ્કૃતિ. ઇંગ્લંડની યુનિવર્સિટીઓએ યુરોપીય પુનરુત્થાનની, એક મહાન બૌદ્ધિક આંદોલનની પરંપરાઓને અપનાવી હતી. અને એ પરંપરાઓમાં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. આ પરંપરાઓ એટલે બૌદ્ધિકતાવાદ, બિનસાંપ્રદાયિકતાવાદ, માનવતાવાદ અને ઉદારમતવાદની પરંપરાઓ. આમ, હવે અંગ્રેજોનું રાજ્ય એટલે રાજકીય પરતંત્રતા, પણ બૌદ્ધિક સ્વતંત્રતા. સૌને માટે આ નવો જ પ્રકાશ હતો, નવો અનુભવ હતો. નવું જીવન હતું. ૧૮૫૫માં ગોવર્ધનરામનો જન્મ, ૧૮૭૭માં ન્હાનાલાલનો જન્મ. આ બે દાયકામાં અન્ય સૌ સાક્ષરોનો જન્મ. ૧૮૭૨માં ગોવર્ધનરામનો યુનિવર્સિટીમાં પ્રવેશ, ૧૯૦૧માં ન્હાનાલાલની યુનિવર્સિટીમાંથી વિદાય. આ ત્રણ દાયકામાં યુનિવર્સિટીમાંથી, આ પ્રકાશમાંથી અનેક તેજસ્વી તારકોનું, યુવાન સ્નાતકોનું વૃન્દ — ગોવર્ધનરામ, હરિલાલ, મણિલાલ, બાલાશંકર, નરસિંહરાવ, કેશવલાલ, મણિશંકર, રમણભાઈ, આનંદશંકર, બલવન્તરાય, નર્મદાશંકર, ન્હાનાલાલ આદિ — એક પ્રચંડમનોઘટનાશાલી સાક્ષરવૃન્દ અસ્તિત્વમાં આવ્યું. એમનું ચિત્ત અનેક નવા વિચારો અને નવા આદર્શોથી ઉન્મુખ અને ઉત્તેજિત હતું. એમનું જીવન અને કાર્ય પુનરુત્થાનની ચેતનાથી, સ્વતંત્રતાની, બૌદ્ધિક સ્વતંત્રતાની ચેતનાથી સભર અને સમૃદ્ધ હતું. સૌથી ન્હાના એવા ન્હાનાલાલે તો કૃતજ્ઞતાપૂર્વક કહ્યું છે, ‘મુંબઈ યુનિવર્સિટી નહિ તો ન્હાનાલાલ નહિ.’ આ ચેતનાનો એવો તો પ્રબળ પ્રભાવ હતો કે એના પ્રતિકારમાં, એવો તો અસાધારણ આઘાત હતો કે એના પ્રત્યાઘાતમાં એમણે ભારતીય સંસ્કૃતિ અને યુરોપીય સંસ્કૃતિનું સૂક્ષ્મ નિરીક્ષણ અને કઠોર પરીક્ષણ કર્યું, સંસ્કૃત સાહિત્ય અને અંગ્રેજી સાહિત્યના વાચનમનન- ચિન્તન દ્વારા બન્ને સંસ્કૃતિઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો, બન્ને સંસ્કૃતિઓના ગુણદોષનું દર્શન કર્યું. સામાજિક પુનરુત્થાન, સાંસ્કૃતિક પુનરુદ્ધાર અને ધાર્મિક-આધ્યાત્મિક પુનર્જીવન તથા અસ્તિત્વના આધારની, જીવનના મૂળની, ભારતના આત્માની ખોજનો પ્રચંડ પુરુષાર્થ કર્યો. એમની કલ્પનાશીલતા, સંવેદનશીલતા અને સર્જકશીલતા એવી અમોઘ અને અસાધારણ હતી. આ યુગનું ‘સાક્ષરયુગ’ એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. વળી એનું ‘સમન્વયયુગ’ એવું પણ નામાભિધાન કરવામાં આવ્યું છે. આ સમન્વય એટલે બે સંસ્કૃતિઓ — ભારતીય અને યુરોપીય સંસ્કૃતિઓ — નો સમન્વય. બે ધર્મો — ખ્રિસ્તી અને હિન્દી ધર્મો — નો સમન્વય. ન્હાનાલાલે તો ભારતમાં અંગ્રેજોનું આગમન એ ઈશ્વરનો સંકેત છે એવું વિધાન કર્યું છે કારણ કે કોઈ પણ સંસ્કૃતિને આવકારવી અને આત્મસાત્ કરવી એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. આ એની વિશેષતા છે, એનો આત્મા છે. એનું સત્ય છે. ભારતનો સમગ્ર ઇતિહાસ ભારતીય સંસ્કૃતિના આ સત્યનો સાક્ષી છે. આ કારણે તો ભારતીય સંસ્કૃતિ અનેક સંસ્કૃતિઓના સમન્વયરૂપ સંસ્કૃતિ છે. ભારતમાં અંગ્રેજોના આગમનથી પૂર્વ અને પશ્ચિમનું, પ્રાચીન અને અર્વાચીનનું, પુરાતન અને નૂતનનું મિલન થયું છે અને એમાંથી બે સંસ્કૃતિઓના આ સંગમતીર્થ પર એક નૂતન સંસ્કૃતિ, વિશ્વસંસ્કૃતિનું સર્જન થશે અને એ દ્વારા સમગ્ર મનુષ્યજાતિનો સમુદ્ધાર થશે એવું આ સાક્ષરોનું દર્શન હતું. અહીં આરંભે જ આટલો વિગતે યુગસંદર્ભ એટલા માટે કે નર્મદાશંકર આ સાક્ષરવૃન્દના એક તેજસ્વી તારક હતા. એમનો જન્મ આ યુગમાં ૧૮૭૧માં થયો હતો અને એમના જીવનનો આરંભ એના આ સંદર્ભમાં થયો હતો. એથી એમના જીવનની તથા કાર્યની, એમના વ્યક્તિત્વની તથા નાગરિક સેવા, ધર્મ અને તત્ત્વચિન્તન તથા સાહિત્યવિવેચન એવા ત્રિવિધ ક્ષેત્રમાં એમના વિરલ અને વિશિષ્ટ એવા આજીવન તપોમય કર્મની સમજ માટે આ યુગસંદર્ભ અનિવાર્ય છે. એમનું અવસાન ૧૯૩૯માં — એટલે કે દ્વિતીય વિશ્વ યુદ્ધ અને ભારતના સ્વાતંત્ર્ય પૂર્વેના સમયમાં — થયું હતું. મને ભય અને શંકા છે કે આજે ૧૯૮૯માં એમના જન્મને બારેક દાયકા જેટલો સુદીર્ઘ સમય થયો છે, એમના અવસાનને પાંચ દાયકા જેટલો સમય થયો છે એથી અને આજ ૧૯૮૯માં સર્વત્ર અરાજકતા, અધર્મ અને અવ્યવસ્થા છે એથી આ યુગસંદર્ભનું વિસ્મરણ થાય તો આ તપસ્વી પુરુષ અને એમના ભવ્ય પુરુષાર્થ વિશે કદાચ અણસમજને કારણે ગેરસમજ થાય! આ સાક્ષરોને એમના યોગક્ષેમ માટે વિકલ્પ રૂપે ત્રણ ક્ષેત્રો સુલભ હતાં : નાગરિક સેવા (civil service), શિક્ષણ અને સ્વતંત્ર વ્યવસાય. સ્નાતકો હતા એથી મોટા ભાગના સાક્ષરો — મણિલાલ, કેશવલાલ, મણિશંકર, આનંદશંકર, બલવન્તરાય અને ન્હાનાલાલ — એ એકમાત્ર શિક્ષણનું જ ક્ષેત્ર પસંદ કર્યું. બાલાશંકર અને રમણભાઈએ નાગરિક સેવા અને પછી સ્વતંત્ર વ્યવસાય એમ બે ક્ષેત્રોની પસંદગી કરી હતી. ગોવર્ધનરામે એકમાત્ર સ્વતંત્ર વ્યવસાયનું અને હરિલાલ તથા નર્મદાશંકરે એકમાત્ર નાગરિક સેવાનું જ ક્ષેત્ર પસંદ કર્યું. નર્મદાશંકરના પિતૃ-માતૃ ઉભય પક્ષે યોગક્ષેમ માટે નાગરિક સેવાનું ક્ષેત્ર એ કુટુંબસંસ્કાર હતો, કુળપરંપરા હતી. પ્રપિતામહ લ્લ્લુભાઈ નાગરિક સેવક, પિતામહ નભુલાલ તલાટી, પિતા દેવશંકર કારકુન, મામલતદાર અને સચીનના દીવાન, માતામહ ઉલ્લાસરામ મામલતદાર, કાકા શિરસ્તેદાર અને મામા બાલાશંકર પણ આરંભમાં કારકુન. એથી નર્મદાશંકરે સ્વેચ્છાએ નહિ પણ પિતા દેવશંકરની ઇચ્છાને અધીન યોગક્ષેત્ર માટે નાગરિક સેવાનું ક્ષેત્ર સ્વીકાર્યું હતું. ૧૮૯૬માં ધંધુકામાં રૂ. ૨૦ના માસિક વેતનથી કારકુન થયા અને ૧૯૩૧માં ૬૦ વરસની વયે મુંબઈમાં રૂ. ૩૫૦૦ના માસિક વેતનથી એ સમયમાં માત્ર સીનિયર આઈ. સી. એસ. અધિકારીને માટે આરક્ષિત એવા મુંબઈ કૉર્પોરેશનના ચીફ ઑફિસરના પદ પરથી નિવૃત્ત થયા હતા. વચમાં ધંધુકામાં મામલતદાર, ડેપ્યુટી કલેકટર; અમદાવાદ, વાંદરા અને ફરીથી અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર હતા. ૧૯૩૧માં અંગ્રેજ સરકારે એમની દીર્ઘકાળની એકનિષ્ઠ પ્રામાણિક સેવાની પ્રશંસા રૂપે એમને દીવાન બહાદુરનો ઇલકાબ અર્પણ કર્યો હતો. એ જ વરસે ખંભાતમાં એ દીવાનપદે નિયુક્ત થયા હતા. ૧૯૩૪માં પક્ષઘાતના રોગને કારણે એ પદ પરથી અનૈચ્છિકપણે મુક્ત થયા હતા. એમણે લગભગ ચાર દાયકા લગી, લગભગ આયુષ્યના અંત લગી, જીવનભર સતત નાગરિક સેવાના ક્ષેત્રને એમની સમગ્ર શક્તિ અર્પણ કરી હતી. આમ, નર્મદાશંકર એટલે આદર્શ કર્મઠ પુરુષ. નાગરિક સેવાના આ આધુનિક ક્ષેત્રમાં વ્યવસ્થા અને વહીવટ, સંચાલન અને સંકલનમાં એમની કાર્યશીલતાની જ નહિ પણ રીલિફ રોડ, કાંકરિયા, મણિનગર અને સમગ્ર અમદાવાદ આદિ માર્ગો, ઉદ્યાનો, ઉદ્યાન- ઉપનગરો અને નગરરચનાઓમાં એમની કલ્પનાશીલતા, સર્જકશીલતા અને સંવેદનશીલતાની અભિવ્યક્તિ છે. એ સમયના સમગ્ર મુંબઈ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યના સર્વોચ્ચ નિષ્ણાત — બલકે જંગમ જ્ઞાનકોશ — તરીકેની એમની ખ્યાતિ હતી. નાગરિક સેવાના ક્ષેત્રમાં એમની સંપૂર્ણ સફળ અને યશસ્વી કારકિર્દી હતી. એથી એમને અને એમના વારસોને ધન અને માનનો મોટો લાભ થયો હતો. જોકે નાગરિક સેવામાં આ ઉચ્ચકક્ષાના અર્વાચીન અનુભવનો સૌથી મોટો લાભ તો, હમણાં જ જોઈશું તેમ, એમને એમના ધર્મ-તત્ત્વ અને સાહિત્ય વિશેના સ્વૈચ્છિક અને અનૌપચારિક વાચનમનન ચિન્તનલેખનના એટલે કે જ્ઞાનના ભક્તિરૂપ નિષ્કામ કર્મક્ષેત્રમાં થયો હતો. નર્મદાશંકરે યોગક્ષેમ માટે પિતાની ઇચ્છાને અધીન નાગરિક સેવાનું ક્ષેત્ર પસંદ કર્યું ન હોત તો એમણે સ્વેચ્છાએ શિક્ષણનું ક્ષેત્ર પસંદ કર્યું હોત એમાં કોઈ શંકા નથી. આ વિધાન સ-કારણ અને સ-પ્રમાણ છે. ૧૮૯૪માં બી. એ.ની પરીક્ષામાં સંસ્કૃતમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થયા હતા અને ભાઉ દાજી પારિતાષિક પ્રાપ્ત કર્યું હતું. ૧૮૯૫માં ગુજરાત કૉલેજમાં માસિક રૂ. ૧૦૦ની શિષ્યવૃત્તિ સાથે દક્ષિણા ફેલો તરીકે નિયુક્ત થયા હતા. ત્યારે આનંદશંકર ગુજરાત કૉલેજમાં અધ્યાપક હતા અને પછીથી જીવનભર એમના વિદ્યાગુરુ રહ્યા હતા. નાગરિક સેવાના આરંભના સમયમાં સમાન્તર સ્વશિક્ષણાર્થે લેખન કર્યું અને ‘વેદાન્તસિદ્ધાન્ત- ભેદ’ અંગ્રેજી નિબંધ માટે ૧૮૯૬માં અને ‘અદ્વૈતબ્રહ્મસિદ્ધિ’ના અંગ્રેજી અનુવાદ માટે ૧૮૯૯માં એમ બે વાર સુજ્ઞ ગોકુલજી ઝાલા વેદાન્ત પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. આમ, વિદ્યાર્થી તરીકે એમની અત્યંત તેજસ્વી કારકિર્દી હતી. સ્વચ્છ વિચાર અને સ્પષ્ટ વાણીને કારણે એ અસરકારક અને આકર્ષક વક્તા હતા. એમના વક્તૃત્વમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ થાય એવી મોહિની હતી. પછીથી એ સમયના ગુજરાતના બે મહાન વક્તાઓમાં મણિશંકર — ‘કાન્ત’ સાથે એમનું સ્થાન હતું. એમ. એ.ની પરીક્ષામાં સંસ્કૃતમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને સહેજમાં ઉત્તીર્ણ થયા હોત, અને સંસ્કૃતના અધ્યાપક થયા હોત. આમ, યોગક્ષેમ માટે શિક્ષણનું ક્ષેત્ર એમને હસ્તામલકવત્ હતું. નર્મદાશંકરે યોગક્ષેમ માટે શિક્ષણનું ક્ષેત્ર પસંદ ન કર્યું, બલકે, હમણાં જ જોયું તેમ, એ પસંદગી માટે એમની પાસે વિકલ્પ જ ન હતો. પણ એમણે સ્વેચ્છાએ, સ્વાન્ત સુખાય, નિજાનન્દે, પ્રભુ પ્રીત્યર્થે જ સ્વશિક્ષણનું ક્ષેત્ર તો પસંદ કર્યું જ. એ અધ્યાપક ન થયા. એમણે અધ્યાપન ન કર્યું, પણ અધ્યયન, આયુષ્યના અંત લગી સતત અધ્યયન તો કર્યું જ. અને એમાં એમણે એક પળ માટે પણ ક્યાંય ક્યારેય કોઈ પ્રમાદ ન કર્યો. એમાં આધુનિક નાગરિક સેવાનાં વ્યવસ્થા અને વહીવટ, સંચાલન અને સંકલન આદિના સમાંતર અર્વાચીન અનુભવનું અપ્રત્યક્ષ, પરોક્ષ એવું અર્પણ અવશ્ય હશે. નર્મદાશંકર ૧૮૮૨થી આયુષ્યના આરંભના બેએક દાયકા — બાલ્યાવસ્થા અને યુવાવસ્થાના સમયમાં નડિયાદમાં મોસાળમાં માતામહ ઉલ્લાસરામ અને મામા બાલાશંકરના સાન્નિધ્યમાં રહ્યા હતા. ત્યારે પૂર્વજોની ખડકીમાં અર્જુનેશ્વર શિવાલય અને ઉદ્યાન તથા નિવૃત્તિનિવાસનું. ઘરમાં શિવશક્તિ અને બાલાદેવી તથા પીરની ઉપાસનાનું અને વેદાન્ત, શાક્ત તથા સૂફીવાદના અભ્યાસનું એટલે કે ધર્મ અને તત્ત્વચિન્તનનું વાતાવરણ હતું. માધ્યમિક શાળામાં હતા ત્યારે એમાં કમળાશંકર ત્રિવેદી સંસ્કૃતશિક્ષક અને હેડમાસ્તર હતા. એમની પાસેથી એમણે સંસ્કૃત ભાષાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. (પછીથી ૧૯૨૭ કમળાશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળામાં ‘અખો’ વ્યાખ્યાન કર્યું ત્યારે પુરસ્કાર અને પ્રવાસખર્ચનો સ્વીકાર કર્યો નહિ અને ગુરુદક્ષિણા રૂપે વ્યાખ્યાન કર્યું. એમાં એમની ગુરુભક્તિ અને એમના પરનો ગુરુનો જીવનભરનો પ્રભાવ પ્રગટ થાય છે.) ૧૮૧૯માં કૉલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે માત્ર ૧૯ વર્ષની વયે જ વડોદરામાં નૃસિંહાચાર્ય સાથે મિલન થયું. પછી તરત જ બીજે જ વરસે ૧૮૯૧માં એ નૃસિંહાચાર્યના શ્રેય:સાધક અધિકારી વર્ગમાં ગુરુની મંત્રદીક્ષા પછી સભ્ય થયા. અને આયુષ્યના અંત લગી એના સર્વોત્તમ સભ્ય રહ્યા. આરંભથી જ આ પરમ અધ્યાત્મ ગુરુના માર્ગદર્શનથી ઉપનિષદ આદિ અનેક ગ્રંથોનું વાચનમનન કર્યું અને ગુરુની પ્રેરણાથી વર્ગમાં વ્યાખ્યાનો ઉપરાંત વર્ગનાં મુખપત્રોમાં સોથી વધુ જેટલા લેખોનું અઢળક લખાણ કર્યું. એમાંથી મોટા ભાગનું લખાણ ૧૯૩૨-૪૦માં ‘ધર્મતત્ત્વવિચાર’માં મરણોત્તર ગ્રંથસ્થ થયું છે. ૧૮૯૧માં કૉલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે આનંદશંકર એમના અધ્યાપક હતા. ત્યારથી આયુષ્યના અંત લગી આનંદશંકર એમના પ્રેરણારૂપ વિદ્યાગુરુ રહ્યા હતા. આ સૌનું પણ નર્મદાશંકરના સ્વશિક્ષણમાં, અધ્યયનમાં પ્રત્યક્ષ અર્પણ અવશ્ય હતું. એ તો અહીં ભાગ્યે જ કહેવાનું હોય કે એમાં નર્મદાશંકરની નૈસર્ગિક પ્રતિભાનું સૌથી વધુ અર્પણ હતું. અર્વાચીન ગુજરાતમાં ગુજરાતી ભાષામાં ધર્મતત્ત્વચિન્તનની જે પરંપરા છે એમાં નર્મદ, મણિલાલ અને આનંદશંકર પછી નર્મદાશંકર ચોથા અને અંતિમ પ્રતિનિધિ છે. ધર્મતત્ત્વચિન્તનમાં સુધારાના પૂર્વનર્મદમાં અને ‘ધર્મવિચાર’ના ઉત્તરનર્મદમાં બે પરસ્પરવિરોધી આત્યંતિક બિન્દુ છે, મણિલાલના ‘સિદ્ધાન્તસાર’ અને ‘સુદર્શનગદ્યાવલિ’ના નિબંધો એક આત્યંતિક બિન્દુ છે, આનંદશંકરના ‘આપણો ધર્મ’ના નિબંધોમાં કોઈ આત્યંતિક બિન્દુ નથી, મધ્યબિન્દુ છે એટલે કે સમન્વય છે. હમણાં કંઈક વિગત જોઈશું તેમ, નર્મદાશંકરના ગ્રંથચતુષ્કમાં પણ સમન્વય છે. આમ, નર્મદાશંકરનું આનંદશંકર સાથે સૌથી વધુ સામ્ય છે. નર્મદાશંકરનું ધર્મતત્ત્વચિન્તન ‘હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ’ (૧૯૨૪–૨૫), ‘ઉપનિષદવિચારણા’ (૧૯૩૨) અને ‘શાક્તસંપ્રદાય’ (૧૯૩૨) — ત્રણ ગ્રંથોમાં, ગ્રંથત્રયીમાં પ્રગટ થયું છે. આ ત્રણે આકરગ્રંથો અથવા પ્રકરણગ્રંથો છે. આ ઉપરાંત એમણે ૧૮૯૫થી ૧૯૩૮ લગી નિબંધો, પ્રસ્તાવનાઓ, અવલોકનો, વ્યાખ્યાનો આદિ રૂપે અઢળક પ્રકીર્ણ લખાણ કર્યું છે. એમાંથી મોટા ભાગનું લખાણ ચાર ગ્રંથોમાં ‘ધર્મતત્ત્વવિચાર’ (૧૯૭૨–૮૦)માં મરણોત્તર પ્રકાશન રૂપે પ્રસિદ્ધ થયું છે. ધર્મતત્ત્વચિન્તન વિશે નર્મદે ‘ધર્મવિચાર’માં અને આનંદશંકરે ‘આપણો ધર્મ’માં માત્ર પ્રકીર્ણ લખાણ જ કર્યું છે. મણિલાલે ‘સુદર્શગ્રંથાવલિ’માં અને નર્મદાશંકરે ‘ધર્મતત્ત્વવિચાર’માં પ્રકીર્ણ લખાણ કર્યું છે. પણ એ ઉપરાંત એમણે આકરગ્રંથોનું સર્જન કર્યું છે. મણિલાલનો એક જ આકરગ્રંથ છે : ‘સિદ્ધાન્તસાર’, એમાં શીર્ષકમાં સૂચન છે તેમ માત્ર સાર છે, એમાં ઐતિહાસિક ક્રમ કે દૃષ્ટિ નથી. નર્મદાશંકરના પૂર્વોક્ત ત્રણ આકરગ્રંથો છે એ ત્રણે આકરગ્રંથોમાં ઐતિહાસિક ક્રમ અને દૃષ્ટિ છે. સમન્વયના સંદર્ભમાં, હમણાં જ કહ્યું તેમ, નર્મદાશંકરનું આનંદશંકર સાથે સૌથી વધુ સામ્ય છે. છતાં નર્મદાશંકરે ત્રણ આકરગ્રંથોનું સર્જન કર્યું છે. જ્યારે આનંદશંકરે એક પણ આકરગ્રંથનું સર્જન કર્યું નથી. આ નર્મદાશંકરનો વિશેષ છે. નર્મદમાં ધર્મયોદ્ધાનો અને મણિલાલમાં ધર્મપ્રચારકનો અભિનિવેશ છે. આનંદશંકર અને નર્મદાશંકરમાં સમતુલા, પર્યેષણા અને સમન્વયતા છે. પણ નર્મદાશંકરમાં આનંદશંકરથી કદાચ વધુ પાંડિત્ય હોય તો નવાઈ નહિ. આ પણ નર્મદાશંકરનો વિશેષ છે. નર્મદાશંકરે એમની ગ્રંથત્રયીમાં વૈદિક, બૌદ્ધ અને જૈન ધર્મો, ઉપનિષદો અને શાક્ત સંપ્રદાયના સિદ્ધાન્તો અને એમની સાધનાઓનું રહસ્યોદ્ઘાટન કર્યું છે. નર્મદાશંકર મુખ્યત્વે વિદ્વાન હતા, પ્રખર વિદ્વાન હતા; મુખ્યત્વે પંડિત હતા, પ્રકાંડ પંડિત હતા. ધર્મતત્ત્વચિન્તનના વિષયમાં એમની વિદ્વત્તા અને એમનું પાંડિત્ય પ્રગટ થાય છે. મનુષ્યજાતિના ઇતિહાસમાં વિદ્વત્તા અને પાંડિત્યને આહ્વાનરૂપ આ સૌથી મહાન અને ગંભીર વિષય છે. આજના વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનના યુગમાં પણ આ વિધાન એટલું જ સમુચિત અને સયુક્તિક છે. વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન પણ જ્યારે એનો વિચાર અને આચાર એની પરમ અને ચરમ સીમા સિદ્ધ કરે છે, એની પરાકાષ્ઠા પ્રાપ્ત કરે છે ત્યારે એનું ધર્મતત્ત્વચિન્તનમાં પર્યવસાન થાય છે. નર્મદાશંકરે એમની ગ્રંથત્રયીનું સર્જન કર્યું તે પૂર્વે નિ:શેષપણે એકેએક સંદર્ભ ગ્રંથનું, સમગ્ર આધાર સામગ્રીનું વાચનમનનચિન્તન કર્યું છે. આ એમના પ્રથમ અને પરમ અધ્યાત્મગુરુ નૃસિંહાચાર્યની ભેટ છે. એને વિશે એમના પ્રથમ અને પરમ વિદ્યાગુરુ આનંદશંકરની પ્રેમપૂર્વકની પ્રશસ્તિ છે, ‘તળિયાઝાટક અભ્યાસ… એટલે નર્મદાશંકર!’ એમાં એમની બૌદ્ધિક સજ્જતા અને સમૃદ્ધિ, એકાગ્ર નિષ્ઠા અને પરિશ્રમ માટેની અખૂટ શક્તિ પ્રગટ થાય છે; એમની વિદ્વત્તા અને એમના પાંડિત્યની પ્રતીતિ થાય છે. નર્મદાશંકર એટલે માત્ર સ્થાનિક સ્વરાજ્યના જ નહિ, પણ ધર્મતત્ત્વચિંતનના પણ જંગમ જ્ઞાનકોશ. આ સંદર્ભમાં એમનું યુરોપીય માનસ હતું. એથી જ એમની ગ્રંથત્રયીમાં પ્રાચીન વસ્તુવિષય પદ્ધતિપૂર્વક શિસ્તબદ્ધ અર્વાચીન શૈલીસ્વરૂપમાં વ્યક્ત થાય છે. એથી એમની દૃષ્ટિમાં સૂક્ષ્મતા અને સમગ્રતા, વિશદતા અને વિશાલતા છે. એમની મૂલપર્યંતગામિની દૃષ્ટિ છે. નર્મદાશંકર પૂર્ણતાવાદી હતા. નર્મદાશંકરના ધર્મતત્ત્વચિન્તનમાં પર્યેષક દૃષ્ટિ છે, સમન્વય દૃષ્ટિ છે. સાથે સાથે વૈજ્ઞાનિક, ઐતિહાસિક, તુલનાત્મક, વિશ્લેષણાત્મક દૃષ્ટિ છે અને સૌથી વિશેષ, આનંદશંકરથી પણ વિશેષ શાસ્ત્રદૃષ્ટિ છે. એમનામાં તાર્કિક, તટસ્થ, ન્યાયદૃષ્ટિ છે. એથી એમના ધર્મતત્ત્વચિન્તનમાં રાગદ્વેષ, પુરસ્કારતિરસ્કાર, પક્ષપાતપૂર્વગ્રહ, ખંડનમંડન નથી; અંગત મંતવ્ય અને મતમતાન્તર નથી. શુદ્ધાદ્વૈતનો અર્થ, કેવલાદ્વૈત અને શુદ્ધાદ્વૈતની તુલના, વલ્લભાચાર્યનું મૂલ્યાંકન આદિમાં એની પ્રતીતિ થાય છે. એમનામાં પૃચ્છક-શોધક દૃષ્ટિ છે. એથી એમનામાં ગતિશીલ વિકાસોન્મુખતા છે. ઉત્તરજીવનમાં એમને બૌદ્ધધર્મના અભ્યાસથી નવું દૃષ્ટિબિન્દુ પ્રાપ્ત થયું હતું એવો એકરાર એમણે પંડિત સુખલાલજી સમક્ષ કર્યો હતો. પરિણામે એમનામાં ઉદારતા અને નમ્રતા, નિર્ભીકતા અને નિખાલસતા, માનવતા અને મૌલિકતાનું દર્શન થાય છે. ‘હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ’માં એક સાથે એમની નિર્ભીકતા અને નિખાલસતાનો તથા ઉદારતા અને નમ્રતાનો એક મહાન ઉદ્ગાર છે, ‘બ્રાહ્મણોના, બૌદ્ધોના અને જૈનોના વિચારોનો જેઓ સમન્વય કરી જાણતા નથી તેને મારી અલ્પમતિ તત્ત્વજ્ઞ કહી શકતી નથી, પરંતુ ધર્માન્ધ કહે છે! બ્રાહ્મણો — સ્વંય શંકરાચાર્ય સુધ્ધાંમાં બુદ્ધનાં વચનો વિશે અણસમજ છે એવા એમના અભિપ્રાયમાં એમની માનવતા અને મૌલિકતા છે. અંતિમ વર્ષોમાં બુદ્ધની મૂર્તિ ટેબલ પર એમની સમક્ષ હતી. નર્મદાશંકરના ધર્મતત્ત્વચિન્તનમાં સ્વચ્છ વિચાર અને સ્પષ્ટ વાણી છે. નર્મદાશંકર એમના યુગના એક મહાન વક્તા હતા ને! એમની શૈલીમાં વસ્તુવિષયને યોગ્ય અને ઉચિત એવી અને એટલી જ સરળતા અને પ્રાસાદિકતા છે. પણ વિશેષ તો એમાં ગૌરવ અને ગાંભીર્ય છે. એમનાં લખાણોમાં અનેક વિગતો અને અવતરણો છે. એથી એમાં પ્રામાણિકતા અને પ્રતીતિજનકતા છે. એમની ગ્રંથત્રયી એ આકરગ્રંથો છે એથી એમાં આદિ-મધ્ય-અંતની સુશ્લિષ્ટ અને સુગ્રથિત એકતા છે. નર્મદાશંકર પૂર્ણતાવાદી હતા ને! નર્મદાશંકરે, ગુજરાતનું એ સદ્ભાગ્ય કે ગુજરાતી ભાષામાં આ ગ્રંથત્રયીનું સર્જન કર્યું છે. ‘હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ’ જેવો આકરગ્રંથ ગુજરાતમાં અને ભારતમાં પણ પ્રથમવાર પ્રગટ થયો છે. ‘હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ’ નર્મદાશંકરની પરિણત પ્રજ્ઞાની, પ્રચંડમનોઘટનાશાલી પ્રતિભાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. નર્મદાશંકરનું કાવ્યવિવેચન એમના ધર્મતત્ત્વચિન્તનનો અંતર્ગત અંશ છે, એનું અવિચ્છેદ્ય અંગ છે. ૧૯૩૩માં આનંદશંકરે ‘આપણું તત્ત્વજ્ઞાન’માં ભારતમાં તત્ત્વજ્ઞાન ધર્મ અને કવિપ્રતિભા સાથે સંકીર્ણ છે. એમાં વિશ્લેષ નથી, તત્ત્વજ્ઞાન ધર્મમાં અને કવિપ્રતિભામાં પ્રગટ થયું છે એ સ્પષ્ટ કર્યું છે. એથી ધર્મ = તત્ત્વચિન્તન = કાવ્ય એવું સમીકરણ થાય છે. એથી ધર્મતત્ત્વચિન્તનને કારણે કાવ્યવિવેચન નર્મદાશંકર માટે અનિવાર્ય હતું અને એથી એમણે એમના વિવેચન માટે જેમાં ધર્મતત્ત્વચિન્તન હોય અથવા જે ધર્મતત્ત્વચિન્તનને અનુરૂપ અને અનુકૂળ હોય એવાં જ કવિઓ અને કાવ્યોની પસંદગી કરી છે. વળી એમના ધર્મતત્ત્વચિન્તનનાં — અને યોગક્ષેમ માટેના એમના ક્ષેત્ર નાગરિક સેવાનાં પણ — જે ગુણલક્ષણો છે તે એમના કાવ્યવિવેચનનાં પણ ગુણલક્ષણો છે. સાક્ષરવૃન્દમાંથી ગોવર્ધનરામ, બાલાશંકર, અને રમણભાઈ સર્જકો હતા એથી એઓ સર્જક-વિવેચકો છે; મણિલાલ, નરસિંહરાવ, મણિશંકર, બલવન્તરાય અને ન્હાનાલાલ સર્જકો અને અધ્યાપકો હતા એથી તેઓ સર્જક-વિવેચકો અને અધ્યાપકીય વિવેચકો છે. કેશવલાલ અને આનંદશંકર અધ્યાપકો હતા એથી તેઓ અધ્યાપકીય વિવેચકો છે. એમાં એક પણ સૌંદર્યલક્ષી વિવેચક કે વ્યવસાયી વિવેચક નથી : નર્મદાશંકર સર્જક ન હતા. એમણે એકરાર કર્યો છે, ‘હું જો કે કવિ નથી. તોપણ ઉત્તમ કવિઓનાં કાવ્યોને સહૃદયતાથી વાંચું છું.’ નર્મદાશંકર સહૃદય છે. નર્મદાશંકર અધ્યાપક ન હતા. આમ, એ સર્જક-વિવેચક કે અધ્યાપકીય વિવેચક નથી. એ સૌંદર્યલક્ષી વિવેચક કે વ્યવસાયી વિવેચક પણ નથી. એથી એ પ્રકારના વિવેચકોના દોષો અને દુ:સાહસોથી એ મુક્ત છે. એ જેમ સ્વેચ્છાથી ધર્મતત્ત્વચિંતક હતા એમ સ્વેચ્છાથી વિવેચક છે. એ સહૃદય વિવેચક છે, ધર્મતત્ત્વચિંતક વિવેચક છે એથી એમના કાવ્યવિવેચનને ધર્મતત્ત્વચિન્તનનો લાભ — અને કહેવું હોય તો કહી શકાય કે ગેરલાભ પણ — થયો છે. મણિલાલ અને આનંદશંકર પણ સ્વેચ્છાથી ધર્મતત્ત્વચિંતક હતા પણ, અગાઉ જોયું તેમ, મણિલાલના ધર્મતત્ત્વચિન્તનમાં એક આત્યંતિક બિન્દુ છે, ધર્મપ્રચારકનો અભિનિવેશ છે. જ્યારે, અગાઉ જોયું તેમ, આનંદશંકર અને નર્મદાશંકરના ધર્મતત્ત્વચિન્તનમાં કોઈ આત્યંતિક બિન્દુ નથી, મધ્યબિન્દુ છે એટલે કે સમન્વય છે. એથી નર્મદાશંકરના કાવ્યવિવેચનનું એક માત્ર આનંદશંકરના કાવ્યવિવેચન સાથે સામ્ય છે. શું ધર્મતત્ત્વચિન્તનમાં, શું કાવ્યવિવેચનમાં નર્મદાશંકર આનંદશંકરના અનુજ-અનુગામી છે. નર્મદાશંકરે ધર્મતત્ત્વચિન્તનના ત્રણ આકરગ્રંથોનું સર્જન કર્યું પણ એમણે કાવ્યશાસ્ત્ર, કાવ્યસિદ્ધાન્ત કે કાવ્યપ્રક્રિયાના કોઈ આકારગ્રંથનું સર્જન કર્યું નથી. એમણે નિબંધો, વ્યાખ્યાનો, પ્રસ્તાવનાઓ, અવલોકનો રૂપે કાવ્યવિવેચન કર્યું છે. જોકે એમના ધર્મતત્ત્વચિન્તનના આકરગ્રંથોમાં છે એમ એમના કાવ્યવિવેચનમાં પણ ઐતિહાસિક ક્રમ અને દૃષ્ટિ છે. ‘શાક્ત સંપ્રદાય’ના ૧૨મા પ્રકરણ શાક્ત સંપ્રદાયની ગુજરાતી કાવ્યો પરની અસરનું તથા ૧૯૨૮માં ૮મી ગુજરાતી સાહિત્ય પરિષદના ‘ધર્મ અને તત્ત્વજ્ઞાન’ વિભાગના પ્રમુખપદેથી ‘ગુજરાતમાં ધાર્મિક અને તત્ત્વજ્ઞાનના સાહિત્યની પરિસ્થિતિ’ વ્યાખ્યાનમાં ધર્મતત્ત્વચિન્તનના સંદર્ભમાં ગુજરાતી કાવ્યોની ગતિવિધિનું આલેખન કર્યું છે એમાં ઐતિહાસિક ક્રમ અને દૃષ્ટિ છે. વળી એમના ધર્મતત્ત્વચિન્તનના આકરગ્રંથોમાં છે તેમ એમના કાવ્યવિવેચનમાં પણ મૂલપર્યંતગામિની દૃષ્ટિ છે. એમના કાવ્યવિવેચનમાં કોઈ પણ કાવ્યના આદિમ, ઉગમસ્થાન, પ્રભવસ્થાનથી વિવેચનનો આરંભ થાય છે. કાવ્યનો આત્મા, કાવ્યનું હાર્દ સતત એમના વિવેચનના કેન્દ્રમાં હોય છે. નર્મદાશંકરના કાવ્યવિવેચનમાં ક્યારેક કવિના જીવન અને સમયનો ઉલ્લેખ થાય છે. પણ એમનું વિવેચન ક્યારેય કવિલક્ષી હોતું નથી, સદાય કૃતિલક્ષી હોય છે. આ સંદર્ભમાં એમણે વિધાન કર્યું છે, ‘કાવ્યના રસાસ્વાદમાં કવિનું પોતાનું અંગત જીવન કેવું હતું તે પ્રશ્ન અસ્થાને ગણાય.’ (૧૯૨૯). આ વિધાનથી એલિયટના એવા જ એક વિધાનનું સ્મરણ થાય છે. નર્મદાશંકરમાં સ્વતંત્ર વ્યક્તિગત કાવ્યનું અથવા કવિની સમગ્ર કવિતાનું વિવેચન હોય છે અને એને આધારે કવિની કાવ્યપ્રતિભાનું, કવિના કાવ્યગત વ્યક્તિત્વનું વિવેચન હોય છે. નર્મદાશંકર તત્ત્વચિંતક વિવેચક છે. છતાં એમણે વિધાન કર્યું છે, ‘કવિની પરીક્ષા કાવ્ય-મીમાંસાના ધોરણે થાય, કંઈ ધર્મશાસ્ત્ર અથવા નીતિશાસ્ત્રથી થાય નહિ’ (૧૯૨૯). તો વળી એમણે એવું પણ વિધાન કર્યું છે, ‘કવિના અક્ષરદેહને જેમણે સર્વાંશે અવલોકવો હોય તેમણે કવિની કૃતિઓને કાવ્યશાસ્ત્રની દૃષ્ટિથી, જ્ઞાનશાસ્ત્રની દૃષ્ટિથી અને ભક્તિશાસ્ત્રની દૃષ્ટિથી અવલોકવી જોઈએ.’ આ બે વિધાનોથી પણ સાહિત્યની મહાનતાના સંદર્ભમાં એલિયટના એવા જ એક વિધાનનું સ્મરણ થાય છે. આ પૂર્વભૂમિકા પછી હવે નર્મદાશંકરે ગુજરાતી કવિતાના ઇતિહાસમાં બે પ્રાચીન અને બે અર્વાચીન એવા ચાર મહાન કાવ્યસર્જકો — અખો, દયારામ, ગોવર્ધનરામ અને બાલાશંકરનાં કાવ્યોનું જે વિવેચન કર્યું છે એનું વિહંગાવલોકન કરવાનો અહીં ઉપક્રમ છે. અખો : નર્મદાશંકરે ૧૯૩૦માં ‘અખો અને તેનું કાવ્ય’ વ્યાખ્યાનમાં, ૧૯૨૭માં ‘અખો’ વ્યાખ્યાનમાં અને ૧૯૩૧માં ‘અખાકૃત કાવ્યો’ની પ્રસ્તાવનામાં અખા વિશે વિવેચન કર્યું છે. ‘અખો અને તેનું કાવ્ય’ને એમણે ‘વાર્તિક’ કહ્યું છે. એમાં એમણે મુખ્યત્વે અખાના છપ્પાનું વિવેચન કર્યું છે. અખાના ૭૪૬ છપ્પા છે અને એનાં ૪૪ અંગ છે. નર્મદાશંકરે અખાના શુદ્ધ વેદાન્તશાસ્ત્રના સ્વતંત્ર વિચારના સંદર્ભમાં એના છપ્પાનું ચાર વર્ગમાં વર્ગીકરણ કર્યું છે : દોષ, ગુણ, સિદ્ધાન્ત અને ફલ. પછી એમણે અખાના કાવ્યગત સિદ્ધાન્તોનું સૂક્ષ્મ પૃથક્કરણ કર્યું છે. અને અંતે અન્ય કવિઓ — ધીરો, પ્રીતમ, ભોજો અને નરસિંહ — સાથે અખાની તુલના કરી છે. ‘અખો’ વ્યાખ્યાનમાં ત્રણ વિભાગ છે : ‘અખાનું ક્ષર જીવન’, ‘અખાનું ક્ષરાક્ષર જીવન’ અને ‘અખાનું અક્ષર જીવન’. ‘અખાનું ક્ષર જીવન’માં અખાનું જીવન, અખાનો સમય અને અખાનો સમાજ વિશે વિગતે માહિતી છે અને ચર્ચા પણ છે. નર્મદાશંકરે અખાના વિવેચનમાં પ્રથમ વાર જ અખાનાં કાવ્યોની હસ્તપ્રતોને આધારે અખાનાં કાવ્યોનું વિવેચન કર્યું છે. અખાના કાળના નિર્ણય સંબંધમાં કેટલાક અનુમાનોમાં દોષ છે. એથી ‘બાવન’ શબ્દનો અર્થ બાવન વર્ષ નહિ પણ ગુજરાતી લિપિના બાવન અક્ષરો એવું સાચું અર્થઘટન એમણે કર્યું અને એ દોષનું નિવારણ કર્યું. પણ પછી ‘ત્રેપન’, ‘બ્રહ્માનંદ’ અને ‘પ્રેમાનંદ’ શબ્દોનું એવું સાચું અર્થઘટન એમને સૂઝે એ શક્ય હતું પણ દુર્ભાગ્યે સૂઝ્યું નથી. તે પછીથી ઉમાશંકરને સૂઝ્યું છે. એક છપ્પામાં ભ્રષ્ટ પાઠ હતો એથી અખા પર વૈષ્ણવ ગુરુની નિંદાનો આરોપ હતો તે પણ એમણે શુદ્ધ પાઠથી દૂર કર્યો છે. અખાના જીવન અને સમય તથા સમાજ વિશેની કેટલીક દંતકથાઓને એમણે સાશંક પ્રશ્નાર્થ કર્યો નથી. ‘અખાનું ક્ષરાક્ષર જીવન’માં અખાની કૃતિઓનું, સવિશેષ ‘પંચીકરણ’નું વિગતે વિશ્લેષણ છે. ‘અખાનું અક્ષર જીવન’માં ‘અખેગીતા’નાં ૪૦ કડવાં અને ૧૦ પદોનું ૬ ખંડોમાં વર્ગીકરણ છે અને પ્રત્યેક ખંડના તાત્પર્યનું વિગતે પૃથક્કરણ છે. ‘અખાકૃત કાવ્યો’ની પ્રસ્તાવનામાં ‘અખો’ વ્યાખ્યાનનું પુનરાવર્તન છે. એમાં ‘બે સંવાદ’ અને ‘પંચીકરણ’ પરના વિવેચનનો વિસ્તાર કર્યો છે એટલો અપવાદ છે. અખા પરના વિવેચનમાં કાવ્ય વિશેનાં કેટલાંક સર્વસામાન્ય વિધાનો આ પ્રમાણે છે : ‘જે રસની નિષ્પતિ કરવાનો આશય હોય તે રસની નિષ્પતિ થવા સારું જે શબ્દનું, અર્થનું, વર્ણનું, ભાવનું ઔચિત્ય જેમાં સ્ફુરે છે તે શબ્દરચના જ કાવ્ય છે.’ ‘શબ્દ તથા અર્થના અલંકારમાં કાવ્યનું કાવ્યત્વ નથી પણ શબ્દાર્થને પડદે રહેલા બોધમય રસમાં કાવ્યત્વ છે.’ ‘વિચક્ષણ શબ્દાર્થની રચનાથી બોધ ધ્વનિત થવો એમાં જ કાવ્યનું રહસ્ય છે, નહિ કે કથા માંડી આમ કરવું જોઈએ. તેમ કરવું જોઈએ, એવો સ્પષ્ટ ઉપદેશ કરવા બેસવું.’ દયારામ : નર્મદાશંકરે ૧૯૨૯માં ‘દયારામ : પ્રણયકવિ કે ભક્તકવિ?’ વ્યાખ્યાનમાં અને ૧૯૩૦માં ‘ભક્તકવિ દયારામ’ની પ્રસ્તાવનામાં દયારામ વિશે વિવેચન કર્યું છે. ૧૮૬૫માં નર્મદે દયારામમાં અને એમની કવિતામાં વ્યભિચાર છે એવો દયારામ પર આક્ષેપ કર્યો હતો. પછી ૧૯૦૮માં ગોવર્ધનરામે ‘દયારામનો અક્ષરદેહ’માં દયારામ અને એમની કવિતાને સમજવા-સમજાવવાનો સંનિષ્ઠ અને સહૃદય પ્રયત્ન કર્યો હતો. જાણે વચમાં ગોવર્ધનરામે આ પ્રયત્ન કર્યો જ ન હોય તેમ અરધી સદી પછી નર્મદના સ્વયંસ્થાપિત વંશજોએ જાણે કે ગોવર્ધનરામના પ્રયત્નનો પ્રતિકાર કર્યો હોય તેમ નર્મદના આક્ષેપનું પુનરુચ્ચારણ કર્યું એટલું જ નહિ વધુ વિચિત્ર અને વિકૃત આક્ષેપ કર્યો હતો : દયારામ કવિ છે પણ ભક્ત નથી. એને ભક્ત થવું પડ્યું. પછી દયારામ પોતાને ભક્ત માનવા લાગ્યો. ભક્તની વાણી બોલવા લાગ્યો, સખીભાવ કેળવવા લાગ્યો. નર્મદાશંકર આ આક્ષેપનો તર્કયુક્ત બુદ્ધિયુક્ત કારણો સાથે દયારામ પ્રણયીકવિ નથી, ભક્તકવિ છે અને એની કવિતામાં શૃંગાર નથી પણ માધુર્યભક્તિ છે એવો દયારામને ન્યાય કરે છે : ‘મને તો દયારામમાં શુદ્ધ ભક્તિનો સ્પર્શ સમજાય છે તેથી આ વ્યાખ્યાનમાં મારાં કારણોનો નિર્દંશ કરું છું’. ‘ભક્તકવિ દયારામ’માં પણ આ આક્ષેપ અને ન્યાયનું પુનરાવર્તન છે. પણ અહીં નર્મદાશંકર વધુ સ્પષ્ટ અને સચોટ કારણો સાથે દયારામને ન્યાય કરે છે : ‘દયારામભાઈમાં જે શૃંગારરસ છલકાય છે તે લૌકિક રતિનો ઉલ્લાસ નથી, પરંતુ શ્રી કૃષ્ણ પ્રતિ અલૌકિક માધુર્યભક્તિનો પ્રવાહ છે. વળી ગોવર્ધનરામે દયારામ પરના દોષારોપણનું નિવારણ તો કર્યું પણ ગોવર્ધનરામ ‘સિદ્ધાન્તમાં પોતે શાંકર કેવલાદ્વૈત મતના મમત્વવાળા હોવાથી અને જ્ઞાનશાસ્ત્ર અને યોગશાસ્ત્ર બેનો ગાઢ પરિચય તેમને હોવાથી ભક્તિશાસ્ત્ર અને પ્રેમનિરોધ ઉપર બંધાયેલા કવિ દયારામના ગ્રંથોમાંથી કવિના પોતાના અભિપ્રાયથી અવળા રૂપના સિદ્વાન્તો તેમણે તારવ્યા.’ આમ, નર્મદાશંકરે દયારામના પક્ષે ગોવર્ધનરામનો સંનિષ્ઠ અને સહૃદય પ્રયત્ન હતો છતાં એમાં પણ દોષ હતો એનું પણ નિવારણ કર્યું છે અને દયારામને બેવડો ન્યાય કર્યો છે. ગોવર્ધનરામ : નર્મદાશંકરે ૧૯૩૫-૩૬માં ‘સ્નેહમુદ્રાનો મર્મ’ નિબંધમાં ગોવર્ધનરામનું વિવેચન કર્યું છે. ‘સ્નેહમુદ્રા’માં ૧૯૨૩ લગી ત્રણ આવૃત્તિમાં વ્યંજના હતી પણ કાવ્યની નાયિકા કવિની કલ્પના છે કે વાસ્તવ છે તે સ્પષ્ટ ન હતું, રહસ્ય હતું. ચોથી આવૃત્તિમાં અંતે ગોવર્ધનરામે ૧૯ વર્ષની વયે સંસ્કૃતમાં રચ્યું હતું તે ‘હૃદયરુદિતશતકમ્’ પ્રગટ કર્યું. નર્મદાશંકર એને ‘સ્નેહમુદ્રા’નો નેગેટિવ કાચ કહે છે. એ પરથી ‘સ્નેહમુદ્રા’નું રંગચિત્ર રચાયું છે. ગોવર્ધનરામે પહેલી આવૃત્તિની હસ્તપ્રતમાં કોરાં પાનાંમાં ટિપ્પણ રચ્યું હતું એમાં ‘સ્નેહમુદ્રા’ ‘હૃદયરુદિતશતકમ્’ પરથી રચાયું છે એમ ગોવર્ધનરામે નોંધ્યું છે. એથી હવે રહસ્યોદઘાટન થાય છે કે ‘સ્નેહમુદ્રા’ની નાયિકા કવિની કલ્પના નથી, વાસ્તવ છે. શબ્દશ્લેષથી રમા એટલે હરિલક્ષ્મી, ગિરિપતિ એટલે ગોવર્ધનરામ. આમ, નાયિકા છે ગોવર્ધનરામની, કવિની પ્રથમ પત્ની હરિલક્ષ્મી. એમના અવસાન પછી આ શોકકાવ્ય રચાયું હતું. એમાં લૌકિક પ્રેમ અંતે અલૌકિક પ્રેમમાં, પરમેશ્વરમાં પર્યવસાન પામે છે. એની પ્રક્રિયા એ આ કાવ્યનો વિષય છે. આ છે ‘સ્નેહમુદ્રા’નો મર્મ. કાવ્ય કંઈક ક્લિષ્ટ અને દુર્બોધ છે એથી અંતે નર્મદાશંકર લખે છે, ‘આ અભ્યાસની અભિરુચિ ઉત્પન્ન કરવા પૂરતું જ આ લેખનું પ્રયોજન છે. આ કાવ્યના પ્રત્યેક દલને ઉઘાડવાનો શ્રમ પણ કોઈ રસિક જન હાથ ઉપર લે તો તે વધાવી લેવા યોગ્ય છે.’ પછી ૧૯૫૨માં ‘સ્નેહજીવનનો આલેખ’માં ઉમાશંકરે એ શ્રમ કર્યો છે. પણ ઉમાશંકરનો એ આલેખ પણ અપૂર્ણ રહ્યો છે. આપણે ઇચ્છીએ કે ઉમાશંકરે ૧૯૫૨ પછી ક્યારેક એ પૂર્ણ કર્યો હોય અને ક્યાંક એમની હસ્તપ્રતોની સાથે એની પણ હસ્તપ્રત હોય! ગોવર્ધનરામ પરના વિવેચનમાં કાવ્ય વિશેનું એક સર્વસામાન્ય વિધાન આ પ્રમાણે છે : ‘મધુર કરુણરસને અનુભવવાનો સહૃદયાધિકાર મેળવવો જોઈએ. સ્નેહની મુદ્રા કદી કઠિન હૃદયમાં પડી શકે નહિ. તેની છાપ પાડવા સારુ વાચકે પોતાના હૃદયને લાખની પેઠે કંઈક તપાવવું પડશે અને કંઈક પિગળાવવું પણ પડશે.’ બાલાશંકર : નર્મદાશંકરે ૧૯૨૮માં ‘કવિ બાળ : જીવન અને સાહિત્ય- સેવા’ વ્યાખ્યાનમાં બાલાશંકરનું વિવેચન કર્યું છે. એમણે આરંભમાં સહૃદય પણ સાચું જીવનચરિત્ર આલેખ્યું છે. પછી બાલાશંકરની ત્રિવિધ સાહિત્ય સેવા — શુદ્ધ કાવ્યો, નિબંધ અને વિવરણો તથા ભાષાન્તરોનો ઉલ્લેખ કર્યો છે. નર્મદાશંકરે ‘કલાન્ત કવિ’નું માર્મિક અને મૂલ્યવાન વિવેચન કર્યું છે. એમાં અંતે શબ્દશ્લેષથી કાવ્ય નાયિકા મણિ એટલે બાલાશંકરનાં પત્ની મણિલક્ષ્મી અને નાયક બાળ એટલે બાલાશંકર અને એથી આ કાવ્યમાં પરકીયા પ્રેમ નથી, સ્વકીયા પ્રેમ છે એ સ્પષ્ટ કર્યું છે. વળી, શબ્દશ્લેષથી તત્=શક્તિ અને એથી કાવ્યમાં એકસાથે અર્થનાં બે સ્તરો છે : પ્રેમી કવિનો પ્રિયતમા અને કવિતા માટેનો પ્રેમ. એમાં એકસાથે બે રસ છે : શૃંગાર અને ભક્તિ. સમકાલીનોને આ કાવ્ય પરકીયા પ્રેમનું છે એવી શંકા હતી. શ્લોક ૨૩ને કારણે આ શંકા હતી એ તો નર્મદાશંકરને ન સૂઝે. ઉમાશંકરને પણ ૧૯૪૨માં સૂઝયું ન હતું. પછી વિચક્ષણ વિદ્વાન સંજાનાએ એ શ્લોક વિશે ‘વિમાસણમાં નાખે એવો શ્લોક તો ૨૩મો છે… અહીં તો પરકીયાભાવની જબરદસ્ત શંકા થાય છે.’ એમ નોંધ્યું ત્યારે ઉમાશંકરને પણ એ શ્લોકમાં યોગ્યસ્થાને અલ્પવિરામ યોજવાનું સૂઝ્યું હતું. અને શંકાનું સમાધાન થયું હતું. પણ શ્લોક ૯૫ને કારણે આ કાવ્યમાં એકસાથે અર્થના બે નહિ; ત્રણ સ્તરો છે : પ્રેમીકવિભક્તનો પ્રિયતમા, કવિતા અને ચિતિ માટેનો પ્રેમ એમ નર્મદાશંકરને સૂઝવું જોઈતું હતું પણ દુર્ભાગ્યે સૂઝ્યું નથી; જે પછીથી ૧૯૪૨માં ઉમાશંકરને સૂઝ્યુ છે. નર્મદાશંકરે વ્યાખ્યાનને અંતે નોંધ્યું છે, ‘કોઈ શ્રીમાન માનસપુત્રે સહૃદય ભાવથી આ કવિના આત્માનું સંતર્પણ કરવું જોઈએ’. શ્રીમાન તો નહિ પણ સરસ્વતીમાન માનસપુત્ર ઉમાશંકરે ૧૯૪૨માં સહૃદય ભાવથી કવિના આત્માનું સંતર્પણ કર્યું છે, ‘કલાન્ત કવિ’નું સંપાદન કર્યું છે. બાલાશંકર પરના વિવેચનમાં કાવ્ય વિશે સર્વસામાન્ય વિધાન આ પ્રમાણે છે : ‘જેમનામાં પ્રતિભા નથી તેમના કાવ્યમાં કવિત્વ કદી પણ ઝળકતું નથી, અને કાવ્યનો આત્મરસ નિષ્પન્ન થતો ન હોવાથી કાવ્યનું શરીર શબ્દાર્થમય ગમે તેટલું સુન્દર ઘડાય તોપણ રસના અભાવે એ શબ જેવું જણાય છે.’ નર્મદાશંકરનું કાવ્યવિવેચન એ અવબોધ દ્વારા આસ્વાદ છે. એમનો હેતુ ભલે ભાવકોને અવબોધ દ્વારા આસ્વાદ કરાવવાનો હોય પણ આસ્વાદ વિના અવબોધ શક્ય છે? એટલે નર્મદાશંકરે પ્રથમ પોતે તો કાવ્યોનો આસ્વાદ કર્યો જ હશે, એથી જ આ અવબોધ, આ કાવ્યવિવેચન શક્ય થયું હશે. નર્મદાશંકરના પ્રત્યેક કાવ્યવિવેચનમાં એની પ્રતીતિ થાય છે. ભલે એમનું કાવ્યવિવેચન વસ્તુલક્ષી વિવેચન હોય, શૈલીસ્વરૂપલક્ષી વિવેચન ન હોય; ભલે એ અવબોધકથા હોય. પણ એ આસ્વાદમૂલક નથી એમ કોણ કહી શકશે? કાવ્યવિવેચન એક સાથે આસ્વાદમૂલક અવબોધ કથા અને અવબોધમૂલક આસ્વાદ કથા છે. કાવ્યવિવેચનમાં આસ્વાદ અને અવબોધ બન્નેનું મૂલ્ય છે, મહત્ત્વ છે — બલકે બન્ને એક જ છે. આસ્વાદ અને અવબોધ બન્નેનું અદ્વૈત છે, બન્ને અભિન્ન, અવિચ્છેદ્ય છે. સરળ ભાષામાં કહેવું હોય તો કાવ્ય માણ્યા વિના જાણી ન શકાય અને કાવ્ય જાણ્યા વિના માણી ન શકાય. કાવ્ય માણવું એટલે જ કાવ્ય જાણવું અને કાવ્ય જાણવું એટલે જ કાવ્ય માણવું. ‘જાણવું–માણવું ક્યાંનો ભેદ?’ નર્મદાશંકરે આ અવબોધ પૂર્વે આસ્વાદ કર્યો હશે એથી સ્તો પૂર્વોક્ત કવિઓની કવિતાની ભાષા, એનો છંદ, લય, અવાજ, અર્થ, ભાવ, કવિતાના નાદસંકુલ અને અર્થસંકુલ પર, એકસાથે નાદ-અર્થસંકુલ પર સતત એમનો કાન, એમનું ધ્યાન હોય છે. નર્મદાશંકરને કાવ્યવિવેચનમાં તુલના અને વિશ્લેષણ માટે સવિશેષ આદર અને આગ્રહ છે. એ સંદર્ભમાં એ પરંપરાવાદી અને પ્રશિષ્ટતાવાદી વિવેચક છે. એમના વિવેચનમાં કાવ્યશાસ્ત્ર, કાવ્યસિદ્ધાન્ત, કાવ્યપ્રક્રિયાની કારિકાઓ સમાન અનેક વિધાનો છે. એમાંથી કેટલાંક વિધાનોનો અગાઉ ઉલ્લેખ કર્યો છે. અહીં આધુનિક રસરુચિનું આકર્ષણ અને સંતર્પણ કરે એવું કેટલું બધું છે! નર્મદાશંકરની વિવેચનભાષામાં સરળતા અને પ્રાસાદિકતા છે. એથીયે વિશેષ તો ગૌરવ અને ગાંભીર્ય છે. એની વચમાં વચમાં ક્યારેક એ ઉપમાઓ, રૂપકો, દૃષ્ટાન્તો પણ યોજે છે : કડાં, કૂંચી, કેવડો, પૂજાનાં પુષ્પો, કીડો, કોશેટો, પતંગ આદિ. એ દ્વારા એમની સહૃદયતા અને માનવતા પ્રગટ થાય છે, એમની વિનોદવૃત્તિ અને કાવ્યપદાર્થમાં એમનો આત્મીય રસ પ્રગટ થાય છે. નર્મદાશંકર એમના યુગના મહાન વક્તા હતા. વળી એમનું કેટલુંક કાવ્યવિવેચન વ્યાખ્યાનો રૂપે યોજાયું હતું. એમના વિવેચનમાં સ્વચ્છ વિચારો અને સ્પષ્ટ વક્તવ્ય છે. કોઈ પણ વિવેચકની કાવ્યસૂઝ કેવી અને કેટલી છે એ એના વિવેચનમાં કાવ્યપંક્તિનાં અવતરણો આપે છે એમાં પ્રગટ થાય છે. નર્મદાશંકરની સૂક્ષ્મ અને માર્મિક કાવ્યસૂઝ આવાં અવતરણોમાં પ્રતીત થાય છે. ઉમાશંકર નર્મદાશંકરના માનસપુત્ર છે, વારસ છે. નર્મદાશંકરની જેમ એમણે પણ. અખો, બાલાશંકર અને ગોવર્ધનરામની કવિતા પર સતત વિવેચનકાર્ય કર્યું છે. ૧૯૪૧માં એમણે ‘અખો’ પ્રગટ કર્યું, ૧૯૪૨માં એમણે ‘કલાન્ત કવિ’નું સંપાદન કર્યું. નર્મદાશંકરને ત્રણેક વરસનું વધુ આયુષ્ય પ્રાપ્ત થયું હોત તો એમને કેટલો આનંદ થયો હોત. ઉમાશંકરનું આ વિવેચનકાર્ય એ નર્મદાશંકરને ગુજરાતની સર્વશ્રેષ્ઠ અંજલિ છે. ગુજરાતી કવિતાવિવેચનના ઇતિહાસમાં જ્યારે જ્યારે વેદાન્ત, શાક્ત, જ્ઞાન, ભક્તિ, ધર્મતત્ત્વચિન્તનના સંદર્ભમાં સમગ્ર ગુજરાતી કવિતાનું અને અખો તથા બાલાશંકરની કવિતાનું વિવેચન થશે ત્યારે ત્યારે કાવ્યવિવેચક તરીકે નર્મદાશંકરનું અવશ્ય સ્મરણ થશે. ગુજરાતના સાંસ્કૃતિક જીવનમાં નર્મદાશંકરનું નાગરિક સેવા, ધર્મતત્ત્વચિન્તન અને કાવ્યવિવેચન — ત્રણે ક્ષેત્રોમાં આયુષ્યનાં અંત લગી સમાન્તર, એકસમાન અનન્ય અને અમૂલ્ય અર્પણ છે. એથી ગુજરાતની પ્રજા એમનું સદાય કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરશે, આ ત્રિમૂર્તિસ્વરૂપ તપસ્વી પુરુષને એમના અવસાનની અર્ધશતાબ્દીએ, એમની પુણ્યતિથિએ હું મારી હાર્દિક અંજલિ અર્પણ કરું છું.

(‘અગમ નિગમ મંડળ’, અમદાવાદના ઉપક્રમે નર્મદાશંકર મહેતાની ૫૦મી પુણ્યતિથિ નિમિતે વ્યાખ્યાન. ૨૦ માર્ચ ૧૯૮૯.)

*