સ્વાધ્યાયલોક—૫/મધ્યકાલીન ગુજરાતી કવિતામાં રહસ્યવાદની ધારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મધ્યકાલીન ગુજરાતી કવિતામાં રહસ્યવાદની ધારા

ગુજરાતી કવિતાના સંદર્ભમાં મને ‘મધ્યકાલીન ભારતીય કવિતામાં રહસ્યવાદની ધારા’ વિશે વક્તવ્ય રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. આ વકતવ્યમાં રહસ્યવાદની ધારા એટલે ભક્તિ આંદોલન સમજવાનું છે. વધુ સ્પષ્ટ કરવું હોય તો પ્રેમભક્તિ સમજવાનું છે, અને અર્વાચીન અર્થમાં કહેવું હોય તો પ્રેમલક્ષણા ભક્તિ સમજવાનું છે. વિવિધ પ્રકારની ભક્તિ — કૃષ્ણભક્તિ, રામભક્તિ, શિવભક્તિ, શક્તિભક્તિ, સૂફીવાદ આદિ — માં કૃષ્ણભક્તિ અથવા પ્રેમભક્તિ જ મધ્યકાલીન ગુજરાતી કવિતામાં — અને એમ તો સમગ્ર મધ્યકાલીન ભારતીય કવિતામાં — સવિશેષપણે રહસ્યવાદી અને સર્વતોમુખી છે. અને એ અનિવાર્યપણે અને તીવ્રપણે ઊર્મિપ્રધાન છે એથી આ વક્તવ્યમાં મધ્યકાલીન ગુજરાતી કવિતા એટલે મુખ્યત્વે ઊર્મિકવિતા સમજવાનું છે. સૌ મધ્યકાલીન ગુજરાતી કવિઓએ ભક્તિ અથવા પ્રેમભક્તિ વિશે કવિતા રચી છે. એમાં મોટા ગજાના કવિઓ લેખે પાંચ કવિઓ સવિશેષપણે ધ્યાનપાત્ર છે — નરસિંહ મહેતા, મીરાં, અખો, પ્રેમાનંદ અને દયારામ. સ્થળ અને સમયની મર્યાદાને કારણે અહીં આ પાંચ કવિઓ વિશે કંઈક વિગતે અને અન્ય કવિઓ વિશે ટૂંકમાં વક્તવ્ય રજૂ કરવાનો ઉપક્રમ છે. કેટલાક વિવેચકોએ એવો દાવો કર્યો છે કે મધ્યયુગમાં ભારતીય કવિતામાં રહસ્યવાદની ધારાનો જન્મ ઇસ્લામના પ્રભાવથી થયો હતો. તો અન્ય કેટલાક વિવેચકોએ એવો દાવો કર્યો છે કે એનો જન્મ એની યે પૂર્વે ખ્રિસ્તીધર્મના પ્રભાવથી થયો હતો. દક્ષિણ ભારતમાં ખ્રિસ્તીઓના આગમન પછી અને ઉત્તર ભારતમાં મુસ્લિમોના આગમન પછી સંતો અને કવિઓનું ભક્તિ આંદોલન અસ્તિત્વમાં આવ્યું હતું એથી આ વિવેચકોએ આવો દાવો કર્યો હોય એમ લાગે છે. પણ ઉત્તર ભારતમાં પ્રાગ્-વૈદિક યુગમાં સિન્ધુતટની સંસ્કૃતિમાં અને દક્ષિણ ભારતમાં દ્રવિડ સંસ્કૃતિમાં તથા સમગ્ર ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક લોકપરંપરાઓમાં આ ધારાની ઉત્પત્તિ અને ત્યાર પછી સૈકાઓ લગી, મધ્યયુગના ભક્તિ આંદોલનમાં એને પરાકાષ્ઠા પ્રાપ્ત થાય ત્યાં લગી એની ઉત્ક્રાંતિ જોવી શક્ય છે. આ ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિની કથા અત્યંત રસિક છે. એ ભારતની ભવ્ય પ્રેમયાત્રા છે. એ ભારતના આત્માની શોધ છે; એ ભારતના પ્રેમચૈતન્યની ખોજ છે. આ પ્રેમ એટલે આનંદ, મુક્તિ, સૌંદર્ય અને સત્ય. અહીં આ કથાની આછી રૂપરેખા આંકવાનો પ્રયત્ન છે. ‘પદ્મપુરાણ’ પ્રમાણે ભક્તિ એ દક્ષિણ ભારતની દ્રવિડ પ્રજાની સરજત છે. આમ, એનું આદિમ આર્યેતર છે. વેદોમાં ભક્તિનો સ્વીકાર નથી. વેદોમાં વિષ્ણુ એ ઉપ-દેવતા છે. પણ પુરાણોમાં એને અપાર લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે. એનું કરણ કદાચ કોઈ આર્યેતર દેવ સાથેનું એમનું સ્વરૂપાનુસંધાન હોય. વેદોમાં રુદ્રનો ઉલ્લેખ છે. પણ શિવ આર્યેતર દેવ હોય એવું જણાય છે. દેવો અને વરદાન માટે દેવોને પ્રસન્ન કરવાના યજ્ઞ-કર્મની આસપાસ વેદો રચવામાં આવ્યા છે. પણ ઉપનિષદોમાં એમને સ્થાને મનુષ્યોને અને પ્રેમ દ્વારા આત્મા અને પરમાત્માના અદ્વૈતના દર્શનને સ્થાપવામાં આવ્યાં છે. પુરાણો — રામાયણ અને મહાભારત મહાકાવ્યો સમેત — અવતારોને, વિષ્ણુના દિવ્ય અવતાર સમા રામ અને કૃષ્ણને પ્રથમ વાર રજૂ કરે છે. અવતારો એટલે દેહધારી દેવો, નામરૂપધારી દેવો. તેઓ દેવો છે અને મનુષ્યો પણ છે. ભગવદ્ગીતા કૃષ્ણને બ્રહ્મ રૂપે જ નહિ, પણ વિષ્ણુના અવતાર રૂપે અને અર્જુનના મિત્ર રૂપે રજૂ કરે છે. એમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ પર એકસરખો ભાર મૂકવામાં આવ્યો છે. જોકે એમાં કર્મ પ્રત્યે કંઈક વધુ ઝોક હોય છતાં આ ત્રણે વાનાં વચ્ચે સંપૂર્ણ સમતુલા છે. એમાં જે કર્મ છે તે ભક્તિ રૂપે કરવાનું અને પરમાત્માને એ અર્પણ કરવાનું તથા માત્ર જ્ઞાનના સાધન રૂપે કરવાનું અનાસક્ત કર્મ છે. મૂળમાં કૃષ્ણ એ ઉત્તર ભારતની રખડુ આહિર જાતિના કોઈ દેવ હોય એમ જણાય છે. એ અનેક પ્રચલિત લોકકથાઓના નાયક હોય એમ પણ લાગે છે. કાલક્રમે વિષ્ણુ, નારાયણ, વાસુદેવ અને કૃષ્ણ એક જ પરમેશ્વર રૂપે પ્રગટ થયા હોય એમ જણાય છે. વિષ્ણુના દસ અવતારોમાં રામ અને બુદ્ધનો પણ સમાસ કરવામાં આવ્યો છે. પણ સૌથી વધુ સંપૂર્ણ અને સૌથી વધુ લોકપ્રિય તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ જ છે. વિષ્ણુપુરાણ અને ભાગવતમાં આર્યેતર દેવમાંથી બ્રહ્મ લગીની વિષ્ણુની આ પૌરાણિક ઉત્ક્રાંતિની પરાકાષ્ઠા છે. એમાં જગતને જે એક સાથે બ્રહ્મ, પરમાત્મા અને ભાગવત છે એવા વિષ્ણુની લીલા રૂપે — જેમાં નિર્ગુણ-નિરાકાર સ્વયં સગુણ-સાકાર રૂપે આનંદપૂર્વક પ્રગટ થાય છે એવી લીલા રૂપે રજૂ કરવામાં આવ્યું છે. જેમાં કૃષ્ણ બાલ રૂપે અને સૌ મનુષ્યો — સ્ત્રીઓ અને પુરુષો — ના પ્રતિનિધિરૂપ ગોપીઓના પ્રિયતમ રૂપે પ્રગટ થાય છે એવી કૃષ્ણની બાલલીલા અને રાસલીલાનો પૂર્વ-મધ્યકાલીન અને મધ્યકાલીન ભારતીય કવિતા પર પ્રભળ પ્રભાવ હતો. આમ, ઉપનિષદો, ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત, પુરાણો તેમ જ વિષ્ણુ, શિવ અને શક્તિના સંપ્રદાયો; નાથ, યોગ અને સિદ્ધના પંથો તથા ભક્તિની અન્ય ગૌણ પરંપરાએ — આ સૌએ માનવતાવાદના કેટલાંક મહાન મૂલ્યોનો ક્રમે ક્રમે વિકાસ કર્યો. મનુષ્યને કેન્દ્રમાં સ્થાપ્યો, વ્યક્તિગત ઈશ્વરને કલ્પ્યો. સ્ત્રીઓને પ્રતિષ્ઠા અર્પી, અને વર્ણોની બાધાઓ વર્જી. બૌદ્ધધર્મ અને જૈનધર્મે આ મૂલ્યોને સબળ કર્યાં અને પોતાનાં કેટલાંક મૂલ્યો ઉમેર્યાં — ત્યાગ, સંયમ, વ્રત, જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્તિ, અહિંસા, અપરિગ્રહ અને સહિષ્ણુતા. એમણે લોકો જે ભાષાઓ બોલે અને સમજે તે ભાષાઓ અપનાવી અને સંસ્કૃતને સ્થાને એમને સ્થાપી અને એમની દ્વારા લોકો સાથે વ્યવહાર કર્યો. આ પશ્ચાત્ભૂમિકા સાથે ૬ઠ્ઠી સદીમાં અથવા તેની પણ પૂર્વે દક્ષિણ ભારતમાં આળવાર સંતો દ્વારા ભક્તિ આંદોલનનો આરંભ થયો. એ આંદોલન ૯મી સદી લગી ચાલ્યું. બાર આળવાર સંતોમાંથી મોટા ભાગના સંતો નીચલી વર્ણોમાંથી આવ્યા. એમાં એક સ્ત્રી-સંત પણ હતાં. એમણે એમની કૃતિઓ સંસ્કૃતમાં નહિ, પણ પોતાની ભાષા — તમિળમાં રચી. ૯મી સદીથી ૧૩મી સદી લગી એમને પગલે પગલે મહાન આચાર્યોનું આગમન થયું. રામાનુજે એમની કૃતિઓનો વૈષ્ણવોના વેદ તરીકે પુરસ્કાર કર્યો. અન્ય આચાર્યોએ આ આંદોલનને લોકપ્રિય કર્યું અને એમના દ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈતના સિદ્ધાંતો દ્વારા એને બૌદ્ધિક ભૂમિકા અર્પી. રામાનુજના બ્રાહ્મણ શિષ્ય રામાનંદને એમના ગુરુનું ઉદાર આંદોલન પૂરતું ઉદાર ન લાગ્યું. એમણે એનો ત્યાગ કર્યો અને એ ઉત્તર ભારતમાં વસ્યા. અહીં ૧૪મી સદીમાં એમણે ભક્તિનો એક પ્રચંડ પ્રવાહ વહેડાવ્યો. આ પ્રવાહ એમણે સંસ્કૃત દ્વારા નહિ, પણ લાખો લોકો બોલે અને સમજે તે ભાષાઓમાં વહેવડાવ્યો. અને એથી એ લાખો લોકોના હૃદયને સ્પર્શી ગયો. આમ, દક્ષિણ ભારતનું ભક્તિનું મોજું હિમાલય જેવડું ઊંચું ઊછર્યું અને ઉત્તર ભારતમાં સર્વત્ર ફરી વળ્યું. એને તીવ્ર વેગ અને એક નવું પરિમાણ પ્રાપ્ત થયું, એ એની પૂર્ણતાએ પહોંચ્યું. ભારત ગાતાં પંખીઓનું એક આધ્યાત્મિક નીડ બની ગયું. એમનું હૃદય એમની પોતાની ભાષામાં ગાતું થયું : ઉત્તર ભારતમાં કબીર, સૂર અને તુલસી; પૂર્વ ભારતમાં બંગાળમાં ચંડીદાસ, વિદ્યાપતિ અને બાઉલ; પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્રમાં જ્ઞાનેશ્વર, નામદેવ અને તુકારામ તથા ગુજરાતમાં નરસિંહ, મીરાં અને અખો. વળી ચૈતન્ય, વલ્લભ અને ચક્રધરે એમની સ્ફુરણા અને પ્રેરણા દ્વારા એને સબળ અને સક્રિય કર્યું. સંસ્કૃતમાં ભક્તિનું અઢળક સાહિત્ય હતું. પણ લોકભાષાઓમાં હતું એવું એમાં ક્યારેય ભક્તિનું સાર્વભૌમ વર્ચસ્‌‌ ન હતું. હવે સાહિત્યમાં ભક્તિ એક મુખ્ય વસ્તુવિષય કે પ્રેરણાથી પણ કંઈક વિશેષ એકમાત્ર વસ્તુવિષય અને પ્રેરણારૂપ હતી. ભારતના જીવનમાં અને સાહિત્યમાં આ પ્રચંડ ઘટના એ કોઈ અકસ્માત ન હતો. એને ઇતિહાસમાં એક કારણ હતું, એક સંદર્ભ હતો અને તે ઇસ્લામનું આગમન. ભારતના ઇતિહાસના આ યુગમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક જીવનમાં મહાન પરિવર્તનો થયાં હતાં. હર્ષના અવસાન પછી એમનું સામ્રાજ્ય શીર્ણવિશીર્ણ અને છિન્નભિન્ન થયું હતું. આ સંપૂર્ણ સામાજિક અધોગતિ અને અધ:પતનનો સમય હતો. આ સમય લગીમાં બૌદ્ધધર્મ પણ ભ્રષ્ટ થયો હતો. બ્રાહ્મણધર્મ તો તે પૂર્વે ક્યારનો નષ્ટપ્રાણ થયો હતો. જોકે શંકરાચાર્યે એમની અદ્વૈતની ફિલસૂફી દ્વારા બૌદ્ધધર્મનો બૌદ્ધિક સ્તરે પ્રતિકાર કર્યો હતો અને એની જ ભૂમિકા પર અંતે એનો પરાજ્ય કર્યો હતો, એને નિર્મૂળ કર્યો હતો અને બ્રાહ્મણધર્મનો પુનરુદ્ધાર કરવાનો કંઈક પ્રયત્ન કર્યો હતો. બરોબર આ જ ક્ષણે ભારતમાં ઇસ્લામનું આગમન થયું. પૂર્વે ભારતમાં અનેક વિદેશી ધર્મોનું આગમન થયું હતું અને બ્રાહ્મણધર્મ એને આત્મસાત્ કરી શક્યો હતો. પણ હવે એ એટલો સશક્ત અને સક્ષમ ન હતો. એથી યે વિશેષ તો અન્ય ધર્મો એનાથી માત્ર ભિન્ન હતા, જ્યારે ઇસ્લામ તો એનાથી તદ્દન વિરોધી ધર્મ હતો. ઇસ્લામ નવજાત હતો અને ભરયુવાનીમાં હતો. વળી એનામાં માનવતાવાદનાં મહાન મૂલ્યો  —  જાતિભેદ અને વર્ગભેદ તથા શાસ્ત્રો અને સિદ્ધાંતોના અભાવને કારણે સ્વાતંત્ર્ય, સમત્વ, બંધુત્વ, પ્રેમ અને સરળતાનું બળ અને સામર્થ્ય હતું. બ્રાહ્મણધર્મ અને ઇસ્લામ વચ્ચે એકેશ્વરવાદ સિવાય અન્ય કશું જ સામ્ય ન હતું. ઇસ્લમાનો પ્રતિકાર પણ ન કરી શકે એટલો એ કઠોર અને કુંઠિત હતો. પછી એને આત્મસાત્ કરવાનું તો અશક્ય જ હતું. બૌદ્ધધર્મનાં મૂલ્યોની જેમાં પુન:પ્રતિષ્ઠા હોય એવું કોઈ નવું બળ જ ઇસ્લામનો પ્રતિકાર કરી શકે એમ હતું. જો આધ્યાત્મિક ભારતને સજીવન રહેવું હોય તો આવું બળ સર્જવું અનિવાર્ય હતું. અને ભક્તિ આંદોલને એ સર્જ્યું. એ બૌદ્ધધર્મથી પણ વધુ સમર્થ એવું બળ સિદ્ધ થયું. એણે ઇસ્લામનો પ્રતિકાર કર્યો એટલું જ નહિ પણ એ સજીવન રહ્યું અને તે પણ ઇસ્લામના સમકક્ષ તરીકે સજીવન રહ્યું. ભારત રાજકીય દૃષ્ટિએ પરાજિત થયું પણ આધ્યાત્મિક દૃષ્ટિએ અપરાજિત રહ્યું. એનો યશ ભક્તિ આંદોલનને છે. સૂફીવાદ દ્વારા એણે ઇસ્લામ સાથે સમન્વય પણ સિદ્ધ કર્યો. આ ભારતની આધ્યાત્મિક પ્રતિભાનું પ્રમાણ છે. ઇસ્લામ પણ પોતાની ઉત્તેજના અને ઉત્કટતા દ્વારા ભક્તિ આંદોલનમાં એનું અર્પણ છે એવું અધિકારપૂર્વક કહી શકે એમ છે. આમ, ભક્તિ આંદોલનમાં નથી ભારતની પ્રજાની લઘુતાગ્રંથિ કે નથી એમાં એની મૃત્યુ-ઇચ્છાની પરાજયવૃત્તિ કે નથી એમાં એની પરલોકપરાયણતાની પલાયનવૃત્તિ. એથી ઊલટું જ, એમાં તો પ્રજા સમસ્તના જીવનનો ઉલ્લાસ પ્રગટ થાય છે. એ કદી સંસારથી વિમુખ થયું નથી. નરસિંહનો સમાજના તિરસ્કૃત-બહિષ્કૃત એવા મનુષ્યો પ્રત્યેનો સક્રિય પ્રેમ અને વિશ્વના અણુએ અણુમાં સભર એવા સૌંદર્ય પ્રત્યેનું અપાર આશ્ચર્ય એનું પ્રમાણ છે. એમાં ધર્મ અને સંસ્કૃતિની યુગયુગાન્તરોની અનેક ભિન્ન ભિન્ન પરંપરાઓનાં સંઘર્ષો અને સમાધાનો, વૈષમ્યો અને સમન્વયો દ્વારા ભારતના આત્મામાં સંચિત એવા એ સૌના સારસત્ત્વરૂપ પ્રેમનું સંપૂર્ણ અને સર્વોત્તમ આકલન છે, એ ભારતના નૈતિક સામર્થ્યનું સાહસકર્મ છે, ભારતના આધ્યાત્મિક બળનું પ્રતીક છે. ક્યારેક એનું આ બળ જ એની નિર્બળતા પુરવાર થયું છે એ દુઃખદ છે. એમાં જ્યાં જ્યાં કર્મ અને જ્ઞાનનો પરિહાર થયો છે ત્યાં ત્યાં એનું સર્વાંગી દર્શન નહિ પણ એનું એકાંગી દર્શન પ્રગટ થયું છે. જોકે એ સ્વયં સ્ખલનો અને નિષ્ફળતાઓમાંથી પરિણમ્યું હતું, છતાં એ ક્યારેક સ્ખલનો અને નિષ્ફળતાઓમાં પરિણમ્યું હતું. એનું વારંવાર અંધશ્રદ્ધા, રુગ્ણ રુચિ અને જાતીય વિકૃતિમાં અધ:પતન થયું છે. ભક્તિમાં જ્યારે રહસ્યમયતાનો અભાવ હોય છે ત્યારે એની વ્યભિચારમાં અધોગતિ થાય છે. એમાં જ્યારે જ્યારે પ્રેમનું વાચ્યાર્થમાં અને માનુષી સંદર્ભમાં અર્થઘટન થાય છે ત્યારે ત્યારે એમાં અનિષ્ટ અનર્થ પ્રગટ થાય છે. એની મહાન કરુણતા તો એ છે કે સમત્વમાં પ્રતિબદ્ધ એવી એની શ્રદ્ધા હોવા છતાં એ જ્ઞાતિ અને વર્ગના ભેદભાવને સંપૂર્ણપણે અને સુદૃઢપણે દૂર કરી શક્યું નહીં, અને જ્યારે એનો અંત આવ્યો ત્યારે જ્ઞાતિભેદ અને વર્ગભેદ પૂર્વે હતો એથી વધુ ચુસ્ત અને તીવ્ર થયો. પણ એના જીવનકાળમાં આ ભક્તિ આંદોલને સૌ ધાર્મિક અને નૈતિક જડ રૂઢિઓ અને નિષ્પ્રાણ પ્રણાલીઓનો, સામાજિક અન્યાયો અને આર્થિક અસમાનતાઓનો પ્રતિકાર કર્યો હતો અને ઉત્તમ માનવમૂલ્યો અને ઉદાત્ત માનવહિતોનો પુરસ્કાર કર્યો હતો. સંતોના જીવનના ચૈતન્યસભર સત્યમાં અને કવિઓના કવનના કલ્પનાસભર સૌંદર્યમાં એનું સર્જનાત્મક સ્વરૂપ પ્રગટ થયું હતું. ભક્તિ આંદોલનના કવિઓનો રસાનુભવ સીમિત હતો. એમની કવિતાનું કવિતા તરીકે, સાહિત્યિક અભિવ્યક્તિ તરીકે મર્યાદિત સ્વરૂપ હતું. એ ક્યારેક જ મહાકાવ્યની ભવ્યતાને પામી શકી હતી અથવા કરુણનાટકની ગહનતાને માપી શકી હતી. પણ ઊર્મિકવિતા તરીકે જગતકવિતાના ઇતિહાસમાં એનું ગૌરવવન્તુ સ્થાન છે એવું એને વિશે નિ:શંક અને નિર્વિવાદ કહી શકાય. ભક્તિ આંદોલને ઉત્તર ભારતની સૌ પ્રમુખ ભાષાઓને સાહિત્યિક અભિવ્યક્તિનું સાધન થવાની ક્ષમતા અર્પી એટલું જ નહિ પણ એ સૌને ગતિશીલ અને દીર્ધાયુષી થવાની બળવત્તા પણ અર્પી. આ ભાષાઓના શિશુકંઠેથી ભારતના પ્રગલ્ભ આત્માએ એનું વિશ્વમાં વિરલ એવું પ્રેમનું વૃન્દગાન લલકાર્યું છે. નરસિંહ મહેતા (૧૪૦૮-૧૪૮૦) ગુજરાતી કવિતાના પિતા છે, આદિ કવિ છે. એ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ જ માત્ર નથી, પણ પ્રથમ મહાન કવિ છે. એમને યુવાવયે પરમેશ્વરનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો. એમણે કુલ નવ કથનાત્મક કાવ્યો રચ્યાં છે: છ આત્મકથનાત્મક કાવ્યો (‘વિવાહ’, ‘મામેરું, ‘હૂંડી’, ‘હાર’, ‘પવિત્ર પ્રસંગ’ અને ‘ઝારી’) બે કૃષ્ણ અંગેનાં કાવ્યો (‘ચાતુરીઓ’ અને ‘દાણલીલા’), એક કૃષ્ણના મિત્ર સુદામા અંગેનું કાવ્ય (‘સુદામા ચરિત્ર’). એમાં એમનું સ્ત્રી અને પુરુષ એટલે કે મનુષ્ય તથા પરમેશ્વર વિશેનું દર્શન પ્રગટ થાય છે. પુરુષ એ પરમેશ્વરનો મિત્ર છે અને સ્ત્રી એ પુરુષની સખી છે. એમણે ગોપીના કૃષ્ણ પ્રત્યેના પ્રેમ અંગેના સહસ્રાધિક કાવ્યો — પદો — રચ્યાં છે. આ પદો એમનાં પ્રેમલક્ષણા ભક્તિનાં કાવ્યો છે. એમાં મુખ્યત્વે ‘ભાગવત’ અને જયદેવના ‘ગીતગોવિંદ’નો પ્રભાવ હોય એમ જણાય છે. આ પદો સરલ અને સ્પર્શક્ષમ છે. એમાં ગરવા લયોમાં અને ગહન પ્રતીકોમાં તથા બોલચાલની અને વાતચીતની શૈલીમાં પરમેશ્વર સાથે એકત્વ માટેની મનુષ્યહૃદયની અવિરત અભીપ્સા પ્રગટ થાય છે. ક્યારેક એમની કવિતા નર્યા શૃંગારમાં સરી જાય છે. પણ એકંદરે એમનું રહસ્યવાદી દર્શન એટલું તો વિશુદ્ધ છે કે અંતે એ અદ્વૈતમાં વિરમે છે. એમણે ગોપીઓના બાલકૃષ્ણ પ્રત્યેના વાત્સલ્યપ્રેમનાં પદો પણ રચ્યાં છે. નરસિંહે એમના ઉત્તરજીવનમાં એમના પ્રિય ઝૂલણાં છંદમાં પ્રેમ દ્વારા જ્ઞાન અંગેનાં કેટલાંક પદો રચ્યાં છે. આ પદો નરસિંહનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. નરસિંહના જીવન અને કવનના કેન્દ્રમાં એમનું સગુણ-નિર્ગુણના અભેદનું દર્શન છે. જાણે કે એમણે ગૌડપાદની અદ્વૈતની ફિલસૂફીનું કવિતામાં રૂપાંતર કર્યું છે. અંતે જ્ઞાનમાર્ગી કવિતા કરવાનું નરસિંહને માટે સહજ, સ્વાભાવિક જ નહિ, અનિવાર્ય હતું. આયુષ્યનાં અંતિમ વર્ષોમાં એ માંગરોળના મુસ્લિમ રાજ્યમાં વસ્યા હતા. શકય છે અહીં એમને કેટલાક સૂફીઓના સર્જનનો પરિચય થયો હોય. નરસિંહની આ કવિતા પર સૂફીઓ તથા કબીર અને નામદેવની કવિતાનો પ્રભાવ હોય એવું જણાય છે. નરસિંહની ભક્તિની કવિતામાં જે આર્દ્ર અને ઋજુ અવાજ છે તે જ અવાજ આ જ્ઞાનની કવિતામાં પણ મુખરિત થાય છે. આ કવિતામાં એ અવાજ વધુ ભવ્ય અને સુંદર પ્રતીત થાય છે. નરસિંહે માત્ર મહાન કવિતાનું જ સર્જન કર્યું નથી, એમણે એ કવિતા માટેની એવી જ મહાન ભાષાનું પણ સર્જન કર્યું છે. એમણે ભાષાની એકેએક શક્તિનો કસ કાઢ્યો છે અને શબ્દના અર્થ અને અવાજમાંથી નિ:શેષ સૌંદર્ય પ્રગટ કર્યું છે. એમનાં અનેક શબ્દઝૂમખાં અને એમની અનેક કાવ્યપંક્તિઓ પ્રજામાં ઉક્તિ રૂપે પ્રચલિત અને લોકપ્રિય છે. એમની કવિતામાં અસાધારણ ચિત્રાત્મકતા છે. એમનાં ચિત્રો એ માત્ર શબ્દચિત્રો નથી, પણ મન:સ્થિતિના દ્યોતક છે. એમની કવિતામાં છટકણા રહસ્યમય અનુભવોને સઘન અભિવ્યક્તિ પ્રાપ્ત થાય છે. આ એમની કવિતાની, કવિપ્રતિભાની ઉજજ્વળ સિદ્ધિ છે. નરસિંહની કવિતામાં પરમેશ્વર પ્રત્યેના પ્રેમની ઉત્કટતા અને ઊર્જિતતા છે. એક જયદેવના અપવાદ સિવાય કોઈ પણ મધ્યકાલીન ભારતીય કવિની કવિતામાં નરસિંહની કવિતાની સિદ્ધિનું દર્શન થતું નથી. જોકે જયદેવની કવિતામાં નરસિંહની કવિતાનો શૃંગાર છે પણ એમાં નરસિંહની કવિતાનું રહસ્યદર્શન નથી. વળી જયદેવે એમની કવિતા એમની માતૃભાષામાં રચી નથી પણ સંસ્કૃતમાં રચી છે. મધ્યકાલીન ભારતના સૌ કવિઓમાં ભક્તિ અને જ્ઞાનના કવિ તરીકે નરસિંહ અદ્વિતીય છે. મીરાં, સૂરદાસ, જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ આદિમાં ભક્તિની કવિતા છે પણ જ્ઞાનની કવિતા નથી; કબીર, જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામમાં જ્ઞાનની કવિતા છે પણ ભક્તિની કવિતા નથી; નરસિંહમાં ભક્તિ અને જ્ઞાન બન્નેની કવિતા છે. આ અર્થમાં નરસિંહ એમના યુગના — રહસ્યવાદી કવિતાના યુગના પૂર્ણતયા પ્રતિનિધિ ઉદ્ગાતા છે. નરસિંહ મધ્યકાલીન ભારતના સૌ કવિઓના નેતા છે એટલું જ નહિ પણ વિરલ નેતા છે. મીરાં (૧૪૯૮-૧૫૬૫)ને પણ શૈશવમાં નરસિંહના જેવો પરમેશ્વરનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો. એ રહસ્યવાદી હતાં એથી એ કોઈ ધાર્મિક માર્ગ, પંથ કે સંપ્રદાયમાં ન હતાં. એથી એમનું જીવનચરિત્ર કે એમનાં પદોને કોઈ ધર્મના માન્ય સંચય કે લખાણમાં સ્થાન ન હતું. એમનાં પદો મૌખિક પરંપરામાં સુરક્ષિત રહ્યાં હતાં. આજે આ પદો ત્રણ ભાષાઓ — રાજસ્થાની, વ્રજ અને ગુજરાતીમાં સુલભ છે. ગુજરાતી ભાષામાં એમનાં ત્રણસો જેટલાં પદો શંકાસ્પદ કર્તૃત્વ સમેતનાં પ્રાપ્ત થાય છે. એમણે કેટલાંક પદો માત્ર ગુજરાતી ભાષામાં જ રચ્યાં છે, અન્ય બે ભાષાઓમાં એનાં રૂપાન્તરો પ્રાપ્ત નથી. એમનાં સૌ પદોમાં એક જ વસ્તુવિષય છે અને તે છે પરમેશ્વર. એમનો પરમેશ્વર છે કૃષ્ણ. એમનો આ કૃષ્ણ કોઈ માર્ગ, પંથ કે સંપ્રદાયનો કૃષ્ણ નથી; કોઈ પુરાણ કે ઇતિહાસનો કૃષ્ણ નથી; મહાભારત કે ભાગવતનો કૃષ્ણ નથી; અને ગોકુલ કે વૃન્દાવનમાં એમનો વાસ નથી. એમનો કૃષ્ણ એનો સ્વયંસર્જિત કૃષ્ણ છે, અને એનો મીરાંના હૃદયમાં વાસ છે. મીરાનાં પદો અન્ય કોઈ પણ સંત-કવિનાં પદોથી વધુ લોકપ્રિય અને પ્રચલિત છે. મીરાંએ એમનાં પદો બોલચાલની ભાષામાં રચ્યાં છે અને એમની સાક્ષરો તથા નિરક્ષરો બન્નેને એકસરખી અપીલ છે. એમના પદો લઘુ, સરલ અને સ્વયંસ્ફુર્ત છે. એમાં ભાવને અનુરૂપ અને અનુકૂળ દ્રુત કે વિલંબિત લય છે, એમાં કર્ણપ્રિય સંગીત અને કલાયુક્ત કૌશલ્ય છે. મીરાંની કવિતામાં સારગ્રાહિતા, જ્ઞાનગુહ્યતા કે વિદ્વત્તા નથી. હમણાં જ કહ્યું તેમ, એમાં એક જ વસ્તુ વિષય છે અને તે છે પરમેશ્વર. પણ એમાં ગહનતા છે. મેડતાની આ રાજકુંવરી અને મેવાડની આ મહારાણીની કવિતામાં નાગરિકતા અને સંસ્કારિતા છે. એમની રસરુચિ પ્રશિષ્ટ અને દુરારાધ્ય છે. કટાર, ભાલો, બાણ, લૂ, રણ, રેતી, જલ, મૃગજલ એમનાં પ્રિય પ્રતીકો છે. માત્ર મેવાડની જ નહિ પણ સારા યે સંસારની મરુભૂમિમાં મીરાં એક ધવલોજ્જ્વલ અગ્નિજ્વાલા છે. માનુષી પ્રેમમાં લેસ્બસની સાફોએ અને દિવ્ય પ્રેમમાં મેવાડની મીરાંએ પ્રેમકવિતાના જગતમાં એમનું સહિયારું વર્ચસ્‌‌ સિદ્ધ કર્યું છે. એમાં કોઈ ત્રીજા કવિને સ્થાન નથી. અખો (૧૬૦૦-૧૬૬૦) એક અસાધારણ તત્ત્વજ્ઞાની કવિ છે. સૌ મધ્યકાલીન ગુજરાતી કવિઓમાં — અને એમ તો સૌ મધ્યકાલીન ભારતીય કવિઓમાં — અખો એક એવો અનોખો કવિ છે કે જેને મન હાસ્ય એ જેવીતેવી રસસમાધિ નથી. એ હસતો ફિલસૂફ-કવિ છે. એ હસે છે, મુક્ત હસે છે, માર્મિક હસે છે. એથી એનામાં એકસાથે કટાક્ષ અને કરુણા છે. પૂર્વજીવનમાં એણે ગુરુની સહાયથી વૈષ્ણવધર્મમાં પ્રવેશ માટે પ્રયત્ન કર્યો હતો. પણ ત્યારે વૈષ્ણવધર્મ અધોગતિ પામ્યો હતો અને વૈષ્ણવોના વિલાસી અને વ્યભિચારી વર્તન પ્રત્યે એને તિરસ્કાર હતો. એથીયે વિશેષ તો કોઈ સંપ્રદાયમાં સમાય નહિ એવો એનો સ્વભાવ હતો. એથી એ વૈષ્ણવધર્મનો પુરસ્કાર કરી ન શકે. તો વળી એ એનો સંપૂર્ણ તિરસ્કાર પણ કરી ન શકે. કારણ કે ત્યાં લગીમાં તો ગુજરાતમાં વલ્લભાચાર્યની પુષ્ટિમાર્ગની અને અનુગ્રહની ફિલસૂફી એક પ્રબળ શક્તિ રૂપે તથા નરસિંહ અને મીરાંની કવિતાને કારણે એક પરંપરા રૂપે વિકસી-વિસ્તરી હતી. એને એનો ઉપ-યોગ હતો. નરસિંહની જેમ અખાએ પણ સગુણ અને નિર્ગુણનો તથા ભક્તિ અને જ્ઞાનનો સમન્વય સિદ્ધ કર્યો હતો. નરસિંહમાં ભક્તિમાંથી જ્ઞાન પ્રતિ ગતિ છે તો અખામાં જ્ઞાનમાંથી ભક્તિ પ્રતિ ગતિ છે. નરસિંહની જેમ અખાને પણ પરમેશ્વરનો પ્રત્યક્ષ અનુભવ હતો. પણ અખાનો રહસ્યવાદ એ જ્ઞાનમૂલક રહસ્યવાદ હતો, જ્યારે નરસિંહનો રહસ્યવાદ એ ભક્તિમૂલક રહસ્યવાદ હતો. અખાએ આરંભમાં કેટલાંક ફિલસૂફીનાં કાવ્યોનું સર્જન કર્યું હતું. પણ એ ગૌણ કાવ્યો જાણે કે ભવિષ્યમાં એમાંથી મહાન કાવ્યોનું સર્જન કરવા માટેના કાચા મુસદ્દા જ માત્ર હતા. એ જાણે કે ભવિષ્યના ભાવિ કાર્યક્રમની નાન્દી રૂપ હતા. ‘અખેગીતા’ અને એની સંક્ષિપ્ત આવૃત્તિરૂપ ‘અનુભવબિન્દુ’ એ અખાની જ્ઞાનમાર્ગી કવિતાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. અખાએ આ કાવ્યોમાં જાણે કે, જેમ નરસિંહે એમનાં જ્ઞાનનાં પદોમાં કર્યું છે તેમ, ગૌડપાદની અજાતિવાદની ફિલસૂફીનું કવિતામાં રૂપાન્તર કર્યું છે. આ કાવ્યોમાં અખાએ ભક્તિનો તિરસ્કાર કર્યો નથી. આ કાવ્યોના કેન્દ્રમાં અખાનું સગુણ અને નિર્ગુણના, ભક્તિ અને જ્ઞાનના સમન્વયનું દર્શન છે. અખાએ આ કાવ્યોમાં એમના દર્શનની તીવ્રતા અને વિશદતા દ્વારા; લય, પ્રાસ, ઉપમા અને રૂપકમાં પ્રગટ થતી એમની ભાષાના વીર્ય અને ઓજસ દ્વારા ફિલસૂફીનું કવિતામાં રૂપાન્તર કર્યું છે. અખાએ ‘છપ્પા’ રચ્યાં છે. શીર્ષક સૂચવે છે તેમ, આ કૃતિ છ પંક્તિનો એક એવા ૭૫૬ શ્લોકો — ષટ્કોનો સંગ્રહ છે. વળી, શીર્ષક સૂચવે છે તેમ, એમાં વસ્તુવિષયની એકતા નથી. પણ એમાં સૂર (tone)ની એકતા છે. એમણે આ કાવ્યો વર્ષોના લાંબા સમયગાળા દરમ્યાન રચ્યાં હોય એમ લાગે છે. આ કાવ્યો એમણે એમના અંગત અનુભવને આધારે રચ્યાં છે. આ કાવ્યોમાં સમકાલીન સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પર તથા વેવલા ભક્તો તેમ જ જડ વેદાન્તીઓ પર કટાક્ષ છે. આ કાવ્યો એમની બ્રહ્મ અંગેની સૂઝ અને સમજ પ્રગટ કરે છે. આ સૂઝ અને સમજ એ એમના સમન્વયના દર્શનની ઉપલબ્ધિ છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ અવિચ્છિન્ન અને અવિચ્છેદ્ય છે એ અખાનું સમન્વયનું દર્શન છે. ભગવદગીતા સાથે એનું સામ્ય છે. આ દર્શનને કારણે આ કાવ્યોમાં જે કટાક્ષ છે. તે પયગંબરી કટાક્ષ છે. આ કાવ્યોમાં સરળતા, નિખાસલતા, લાઘવ અને સંક્ષેપ છે એથી એ કટાક્ષ કાવ્યોની પ્રશિષ્ટ કૃતિઓ છે. એમાં જે કલ્પનો અને દૃષ્ટાંતો છે, જે ઉપમાઓ અને રૂપકો છે, જે બોલચાલની ભાષાની ભંગિઓ અને ચિરસ્મણીય ઉક્તિઓ છે એને કારણે એ અખાની સૌથી વધુ લોકપ્રિય કૃતિ છે. અખાએ કેટલાંક પદો પણ રચ્યાં છે. આ પદો એમણે ઉત્તરજીવનમાં રચ્યાં હોય એમ લાગે છે. એમાં એમની ભક્તિની ઉત્કટતા અને પરમેશ્વર સાથેના સાયુજ્ય દ્વારા જીવનની ચરિતાર્થતા પ્રગટ થાય છે અદ્વૈત એ અખાની કવિતાનો એકમાત્ર અનુભવ છે. છતાં એ જગતને એની સમગ્રતામાં સ્પર્શે છે. બ્રહ્મ શબ્દાતીત છે, અનિર્વચનીય છે એ એમની પ્રતીતિ છે. છતાં એમની કવિતામાં એમના રહસ્યવાદી અનુભવની ઉત્કટતા અને ઊર્જિતતા પ્રગટ થાય છે. એમનું હાસ્ય પણ એવું જ ફિલસૂફનું હાસ્ય છે. જ્ઞાન અને ભક્તિના સમન્વયના કવિ તરીકે અખો સૌ મધ્યકાલીન ગુજરાતી કવિઓમાં અનન્ય છે અને સૌ મધ્યકાલીન ભારતીય કવિઓમાં એક માત્ર કબીર જ કદાચ એમને અતિક્રમી જાય છે. પ્રેમાનંદ (૧૬૪૦-૧૭૦૦) ગુજરાતના સૌ મધ્યકાલીન અને અર્વાચીન કવિઓમાં સર્વશ્રેષ્ઠ છે. એ ભાષાના સર્વોત્તમ સ્વામી છે. આખ્યાનકવિતાના પ્રકારમાં એક ચૉસરના અપવાદ સિવાય જગતનો કોઈ કવિ ભાગ્યે જ એમને અતિક્રમી શકે. એમનામાં માનવ સ્વભાવની સૂક્ષ્મ અને માર્મિક સૂઝસમજ છે. એમનામાં પાત્રાલેખનની અદ્ભુત કળા છે. એમનામાં કરુણ અને હાસ્ય ઉભય રસનું નિરૂપણ કરવાની વિરલ શક્તિ છે. એ વ્યવહારુ શાણપણના કવિ છે. અર્વાચીન માનસને અહીં જેમનો ઉલ્લેખ થયો છે તે કવિઓ સુદ્ધા સૌ મધ્યકાલીન ગુજરાતી કવિઓની કવિતાની થાય એથી યે વિશેષ અપીલ એમની કવિતાની થાય. એ ભક્તિ કે રહસ્યવાદના કવિ નથી. જોકે એ ભક્ત અવશ્ય હતા, એ રામભક્ત હતા. એમનાં કાવ્યોમાં એમણે રામનું કદી વિસ્મરણ કર્યું નથી. પણ ભક્તિ એમના કાવ્યવિશ્વના કેન્દ્રમાં નથી, પરિઘ પર છે. એમણે રામાયણ, મહાભારત, ભાગવત અને પુરાણોમાંથી એમનાં આખ્યાનોનું વસ્તુ ઉપાર્જિત કર્યું છે. એમણે બે ભક્તો — સુદામા અને નરસિંહ — ના જીવન અંગે આખ્યાનો રચ્યાં છે. ઉત્તરજીવનમાં ભાગવતના દશમસ્કંધનું રૂપાન્તર કરવામાં એમની કવિપ્રતિભા પ્રવૃત્ત હતી. જોકે આ કાવ્યમાં પણ ભક્તિનું પ્રાધાન્ય નથી. એ દિવ્યતાના કવિ નથી, એ માનવતાના કવિ છે. મનુષ્ય અને પરમેશ્વર વચ્ચેનો સંબંધ નહીં, પણ મનુષ્ય અને મનુષ્ય વચ્ચેનો સંબંધ એ એમની કવિતાનું લક્ષ્ય છે. પ્રેમાનંદ ભક્તિ આંદોલનના કવિ નથી. છતાં સૌ મધ્યકાલીન આખ્યાનકાર કવિઓમાં એ ભક્તિ આંદોલનની સૌથી વધુ નિકટ છે. અખો અને દયારામની વચ્ચેના સમયમાં જ્યારે પ્રેમાનંદે એમની વ્યવહારુ શાણપણની કવિતાનું સર્જન કર્યું ત્યારે આખ્યાનકવિતાનું વર્ચસ્‌‌ હતું. સમગ્ર મધ્યકાલીન યુગમાં પંથ કે સંપ્રદાયમાં હોય અને ન હોય એવા બન્ને પ્રકારના અનેક ગૌણ કવિઓએ વિવિધ પ્રકારની ભક્તિકવિતા રચવાનું ચાલુ રાખ્યું હતું. એમાંથી ત્રણ કવિઓ અહીં વિશેષ ઉલ્લેખપાત્ર છે : પ્રીતમ (૧૭૨૦-૧૭૮૯), ધીરો (૧૭૫૩-૧૮૨૫) અને બ્રહ્માનંદ (૧૭૭૨-૧૮૩૨). એમાંથી પ્રત્યેકનું ઓછામાં ઓછું એકાદ કાવ્ય તો અહીં જેમનો ઉલ્લેખ થયો છે તે કવિઓનાં ઉત્તમ કાવ્યોની નિકટ આવી શકે તેવું સમૃદ્ધ અને સદ્ધર છે. દયારામ (૧૭૭૭-૧૮૫૨)એ ભક્તિના સૌ અગ્રણી કવિઓમાં અંતિમ કવિ છે. ઉત્તર ભારતમાં વલ્લભાચાર્યે જેનો પ્રચાર કર્યો તે ધર્મસંપ્રદાયમાં ગુરુ દ્વારા જેમનો પ્રવેશ થયો હોય એવા એ એકમાત્ર કવિ છે. પોતાના સંપ્રદાયની શુદ્ધાદ્વૈતની ફિલસૂફીનું પ્રતિપાદન કરવા માટે કાવ્ય રચ્યું હોય એવા પણ એ એકમાત્ર કવિ છે. અખાએ અદ્વૈતની ફિલસૂફીનું પ્રતિપાદન કરવા માટે બે કાવ્યો રચ્યાં એની જાણે કે સ્પર્ધામાં એમણે ‘રસિકવલ્લભ’ કાવ્ય રચ્યું છે. ‘રસિકવલ્લભ’માં દયારામની ચાતુરી (wit) અને કોટિ (con-ceit)નો પરિચય થાય છે. પણ એમાં અખાની ભાવમયતા કે ભવ્યતા નથી. પણ દયારામે એમની એ જ ચાતુરી અને કોટિ એમની ગરબીઓમાં અને એમનાં પદોમાં યોજી છે ત્યારે એમણે મધ્યકાલીન યુગની કોઈ અદ્વિતીય કવિતાનું સર્જન કર્યું છે. એમણે સ્ત્રીઓને ગાવા માટે સોથી વધુ ગરબીઓ રચી છે અને એટલી જ સંખ્યામાં બોધ અને ઉપદેશનાં પદો રચ્યાં છે. દયારામને લોકોએ લાડપૂર્વક ગરબીભટ્ટના નામથી નવાજ્યા હતા. પોતાને દયાસખી અને દયાગોપી કહેવામાં એમણે ગૌરવ અનુભવ્યું હતું. ગરબીઓમાં એકમાત્ર વસ્તુવિષય છે : રાધા અને કૃષ્ણનો પરસ્પરનો પ્રેમ. દયારામે એમની ગરબીઓમાં ભાષા, લય અને છંદ પૂર્વકાલીન કવિઓમાંથી પ્રાપ્ત કર્યાં છે અને એમાં જે સંગીત છે તે લોકગીતોમાંથી પ્રાપ્ત કર્યું છે. પણ પછી એમણે એમનું એવું તો સંમોહક સંમિશ્રણ કર્યું છે કે ગુજરાતની સ્ત્રીઓ પર એની જાદુઈ ભૂરકી છે, મોહિની છે. દયારામ સ્ત્રીઓના કવિ છે. એ ગરબીકવિ છે. એમનાં કાવ્યોમાં સ્ત્રીહૃદય એના અનેકવિધ સ્વરૂપમાં પ્રગટ થાય છે. સ્ત્રીને એની સંપૂર્ણતામાં પ્રગટ કરવા માટે અને અનેક પ્રસંગોમાં અનેક પરિસ્થિતિમાં સ્ત્રીહૃદયના અસંખ્ય ભાવોને પ્રગટ કરવા માટે દયારામે ભાષાની એકેએક શક્તિનો કસ કાઢ્યો છે. સ્ત્રીઓના સંવાદોના વિવિધ સૂર અને એમની વાણીના વિવિધ લયલહેકા એમણે એમની ગરબીઓમાં વ્યક્ત કર્યાં છે. એમણે નવા મૌલિક શબ્દો અને શબ્દોનાં સંયોજનો યોજ્યાં છે. એમણે નવી મૌલિક પ્રાસસંકલના અને રચનાશૈલી પ્રયોજી છે. એમના શબ્દોનું સૌંદર્ય સંસ્કારી અને સુસંસ્કૃત છે, એમાં નાગરિકતા છે. એમનાં કાવ્યો સરળ અને સ્વયંસ્ફુરિત છે. એમની ગરબીઓ અને એમનાં પદોમાં એમની ચાતુરી અને કોટિ અદ્વિતીય હોય છે. અખો જેમ એમની ફિલસૂફીની કવિતામાં આ તત્ત્વોને જે કસબ અને કારીગરીથી યોજે છે એ જ કસબ અને કારીગરીથી દયારામ આ તત્ત્વોને એમની ભક્તિકવિતામાં યોજે છે. એમની શુદ્ધાદ્વૈતની ફિલસૂફીનું જે પ્રતિપાદન ‘રસિકવલ્લભ’માં કરી શક્યા નથી તે પ્રતિપાદન દયારામ આ કાવ્યોમાં કરી શક્યા છે. આ તત્ત્વોને કારણે એમનાં કાવ્યોને વક્રતા અને વિરોધાભાસનાં, સરલતા અને સંકુલતાનાં પરિમાણો પ્રાપ્ત થાય છે. આ તત્ત્વો ઊર્મિને ખાતર કાવ્યમાં ઉપસ્થિત થાય છે એથી એ ઊર્મિની પ્રબળતામાં અને પ્રભાવકતામાં વૃદ્ધિ કરે છે. આ કાવ્યોમાં ઊર્મિ અને આ તત્ત્વો વચ્ચે સમતુલા સધાય છે. ક્યારેક આ સમતુલાનો ભંગ થાય છે અને ત્યારે વસ્તુવિષયમાં નિમ્ન કોટિનો શૃંગાર અને શૈલીસ્વરૂપમાં શિથિલતા પ્રગટ થાય છે. પણ બહુધા આ સમતુલા સધાય છે અને ત્યારે રસ અને સૌંદર્ય સિદ્ધ થાય છે, ઉત્કૃષ્ટ અને ઊર્જસ્વી અભિવ્યક્તિ સિદ્ધ થાય છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં રહસ્યવાદની ધારાનો આરંભ નરસિંહની શ્રીમત્તા અને ઊર્જિતતામાં છે અને એનો અંત દયારામની ચાતુરી અને કોટિમાં છે. પછી અંગ્રેજોના આગમનથી એક નવા આંદોલનનો આરંભ થાય છે. એ ભારતની સર્જકપ્રતિભાનું દ્યોતક છે. મધ્યકાલીન ભારતીય કવિતામાં જે પ્રેમનું સત્ય છે અને વાણીનું સૌંદર્ય છે એ આપણો વ્હાલસોયો વારસો છે.

(સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હીના ઉપક્રમે શ્રીનગરમાં ‘મધ્યકાલીન ભારતીય કવિતામાં રહસ્યવાદની ધારા’ વિષય પરના પરિસંવાદમાં અંગ્રેજી વક્તવ્યનો અનુવાદ. ૨૫ ઑક્ટોબર ૧૯૭૯.)

*