સ્વાધ્યાયલોક—૬/આજે ગુજરાતી કવિતા ક્યાં છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આજે ગુજરાતી કવિતા ક્યાં છે?

‘આજે ગુજરાતી કવિતા ક્યાં છે?’ આ પ્રશ્ન ગઈકાલે ગુજરતી કવિતાની બેઅઢી કૃતિઓ લખનાર તરીકે નહિ પણ આજે અને આવતીકાલે ગુજરાતી કવિતાની અનેક કૃતિઓ વાંચનાર તરીકે મને પૂછવામાં આવ્યો છે. આ પ્રશ્નનો જે ઉત્તર છે એ માટે દાખલા-દલીલો હવે પછી આપીશ પણ ઉત્તર અહીં આરંભમાં જ આપી દઉં કે આજે ગુજરાતી કવિતા ગઈકાલે જ્યાં હતી ત્યાં નથી. અને આજે ગુજરાતી કવિતા જ્યાં હોવી જોઈએ ત્યાં છે. આ પ્રશ્નમાં સ્થળ અને કાળનો સંદર્ભ છે. આ પ્રશ્નમાં કાકુ જો ‘આજે’ પર હોય તો એમાં કાળનો સંદર્ભ છે. અને કાકુ જો ‘ગુજરાતી કવિતા’ પર હોય તો એમાં સ્થળનો સંદર્ભ છે. પણ કાકુ જો ‘ક્યાં છે?’ પર હોય તો એમાં આજે ગુજરાતી ભાષામાં કવિતાનું અસ્તિત્વ છે કે નહિ એવો ભય અને શંકાનો સંદર્ભ છે. અને તો એનો ઉત્તર તો દાખલા-દલીલો વિના જ આપી દઉં કે આજે ગુજરાતી ભાષામાં કવિતાનું અસ્તિત્વ છે જ. કોઈ પણ ભાષા ક્યારેય કવિતાસૂની હોય? વળી આજે ગુજરાતી ભાષામાં કવિતાનું અસ્તિત્વ છે એટલું જ નહિ પણ આરંભમાં જે ઉત્તર આપ્યો એમાં સૂચન છે તેમ આજે ગુજરાતી કવિતા ગતિશીલ છે, સજાગ અને સજીવ છે. તો આ પ્રશ્નમાં કાળનો સંદર્ભ છે. એથી ગઈ કાલની ગુજરાતી કવિતાના, દૂર – અદૂરના ભૂતકાળની ગુજરાતી કવિતાના સંદર્ભમાં આજે ગુજરાતી કવિતા ક્યાં છે? એવો આ પ્રશ્નનો અર્થવિસ્તાર થાય. ગુજરાતી કવિતાનો પાંચેક સદીનો ઇતિહાસ છે. એમાં ૧૫મી સદીના મધ્યભાગથી ૧૮૪૫ લગીની ચારેક સદીની ગુજરાતી કવિતા નરસિંહથી દયારામ લગીની ગુજરાતી કવિતા તે પ્રાચીન ઈશ્વરવાદી પ્રશિષ્ટ કવિતા. ૧૮૪૫માં દલપતરામે ‘બાપાની પીપર’ કાવ્ય રચ્યું ત્યારથી આજ લગીની તેરેક દાયકા દરમ્યાન ગુજરાતી ભાષામાં ત્રણ નવા નવા પ્રકારની કવિતા છે. ૧૮૪૫થી ૧૯૪૫ લગીના દસેક દાયકા દરમ્યાન અર્વાચીન રોમેન્ટિક કવિતા, ૧૯૪૫થી ૧૯૬૦ લગીના દોઢેક દાયકા દરમ્યાન આધુનિક કવિતા અને ૧૯૬૦થી આજ લગીના બેએક દાયકા દરમ્યાન અદ્યતન કવિતા. વળી આ પ્રશ્નમાં સ્થળનો સંદર્ભ છે. એથી અન્યત્ર અન્ય ભાષાઓની કવિતાના, જગતકવિતાના સંદર્ભમાં આજે ગુજરાતી કવિતા ક્યાં છે? એવો આ પ્રશ્નનો અર્થવિસ્તાર થાય. ૧૯૬૦થી આજ લગીના બેએક દાયકા દરમ્યાન આજે ગુજરાતી કવિતા, હમણાં જ કહ્યું તેમ, અદ્યતન કવિતા છે અને એ કવિતા ‘અદ્યતન’ શબ્દના કાળવાચક અર્થને કારણે નહિ પણ ગુણવાચક અર્થને કારણે ગુજરાત અને ભારતની સીમાને અતિક્રમી જાય છે. એ કવિતા ગુજરાતી ભાષામાં રચાય છે એ અર્થમાં જ ગુજરાતી કવિતા છે. અન્યથા એ વિશ્વકવિતા છે. એમાં વૈશ્વિક ચેતના છે, જાગતિક ચેતના છે. એથી એ અદ્યતન કવિતાના આંતરરાષ્ટ્રીય આંદોલનના અંતર્ગત અંશરૂપ કવિતા છે. આ સદીના ચોથા દાયકા દરમ્યાન સુન્દરમ્-ઉમાશંકર-શ્રીધરાણીની કવિતા એ અર્વાચીન માનવતાવાદી રોમેન્ટિક કવિતા હતી. પાંચમા દાયકા દરમ્યાન હરિશ્ચન્દ્ર-પ્રહ્લાદ-રાજેન્દ્રની કવિતા એ અર્વાચીન સૌંદર્યવાદી રોમેન્ટિક કવિતા હતી. છઠ્ઠા દાયકા દરમ્યાન પ્રિયકાન્ત-હસમુખ-નલિનની કવિતા એ આધુનિક કલ્પનવાદી કવિતા હતી. સાતમા દાયકા દરમ્યાન લાભશંકર-સિતાંશુની કવિતા એ સર્વાંગસંપૂર્ણ અદ્યતન કવિતા છે. ૧૯૪૬માં ‘પ્રવાલદ્વીપ’ની કવિતાના આરંભનો સમય એ જ ભારતમાં ઔદ્યોગિક સમાજ અને ઔદ્યોગિક સંસ્કૃતિના આરંભનો સમય. આ સમયે ભારતમાં ઔદ્યોગિક મનુષ્ય અસ્તિત્વમાં આવ્યો. ‘પ્રવાલદ્વીપ’માં એની કવિતાનો આરંભ છે. પ્રિયકાન્ત-હસમુખ-નલિનની કવિતામાં એનું અનુસંધાન છે. ‘પ્રવાલદ્વીપ’ની કવિતાની પૂર્ણાહુતિ સમયે જ અને હજી પ્રિયકાન્ત-હસમુખ-નલિનની કવિતાનું સર્જન થતું હતું ત્યાં જ ઉમાશંકરે ૧૯૫૬માં ‘છિન્નભિન્ન છું’ અને ૧૯૫૯માં ‘શોધ’ કાવ્ય રચ્યાં. ગુજરાતી ભાષાની આધુનિક કવિતાની આ સૌથી મોટી ઘટના છે. એક અર્થમાં આ બન્ને કાવ્યોમાં આધુનિક કવિતા અને અદ્યતન કવિતાની સીમારેખા છે. એમાં ગુજરાતી પિંગળના ચતુર્વિધ છંદોનું મિશ્રણ છે અને વચમાં વચમાં ક્યાંક ગદ્યખંડો છે. એથી આ બે કાવ્યોમાં પ્રિયકાન્ત-હસમુખ-નલિનની આધુનિક કવિતામાં ન હતી એવી ગુજરાતી ભાષાની પ્રથમ અદ્યતન – બલકે પ્રાગ્-અદ્યતન કવિતા છે. લાભશંકર-સિતાંશુની કવિતામાં એનું અનુસંધાન છે. યુદ્ધોત્તર જગતમાં મનુષ્યનો અને મનુષ્યનાં મૂલ્યોનો હ્રાસ-ઉપહાસ થયો છે. મનુષ્ય પરમેશ્વર કે અન્ય મનુષ્યોથી જ નહિ પણ સ્વયં પોતાથી પણ વિચ્છિન્ન થયો છે. એની કવિતા ‘છિન્નભિન્ન છું’માં અને સિતાંશુનાં કાવ્યોમાં છે. કવિનું અન્ય મનુષ્યો સાથે અવગમન અશક્ય થયું છે. કારણકે અન્ય મનુષ્યોએ અસંખ્ય શબ્દોને ભ્રષ્ટ કર્યા છે. એથી હવે કવિ શબ્દ શોધે છે; અભ્રષ્ટ એવો શબ્દ શોધે છે. એની કવિતા ‘શોધમાં’ અને લાભશંકરનાં કાવ્યોમાં છે. આ અર્થમાં લાભશંકર-સિતાંશુની કવિતા એ સર્વાગસંપૂર્ણ અદ્યતન કવિતા છે. આજે ગુજરાતી કવિતા એટલે માત્ર અદ્યતન કવિતા જ, અને આ કવિઓ એ જ માત્ર કવિઓ અને એમનાં કાવ્યો એ જ માત્ર કાવ્યો એવું માને-મનાવે એટલો ભલોભોળો માણસ આ બોલનાર તો નથી જ. આજે ગુજરાતી ભાષામાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપમાં પરંપરાગત એવી અન્ય અનેક પ્રકારની કવિતા છે જ, અન્ય કવિઓ અને એમનાં કાવ્યો છે જ. આ અન્ય અનેક પ્રકારની કવિતામાં એટલો જ રસ અને આનંદ છે જ. આ અન્ય કવિઓમાં એમની વૈયક્તિક શક્તિ છે જ. એમનાં કાવ્યોમાં એમની મૌલિક સિદ્ધિ છે જ. પણ પ્રસ્તુત પ્રશ્નમાં જે સંદર્ભો છે એને કારણે અનિવાર્યપણે આજે ગુજરાતી કવિતામાં માત્ર જે અભૂતપૂર્વ છે, અપૂર્વ છે, નૂતન છે એની પર જ અહીં સમગ્ર અને એકાગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અદ્યતન કવિતાનો આદર અને આ બે કવિઓ અને એમનાં કાવ્યોનો સત્કાર એટલે અન્ય પ્રકારની કવિતાનો અનાદર અને ગઈકાલના, આજના તથા આવતીકાલના સૌ કવિઓ અને એમનાં કાવ્યોનો અસત્કાર એવું કોઈ સમીકરણ અહીં સિદ્ધ કર્યું નથી. આરંભમાં જે ઉત્તર આપ્યો એ માટે વચમાં આ દાખલા-દલીલો બસ છે. આજે ગુજરાતી કવિતા ગઈ કાલે જ્યાં હતી ત્યાં નથી એટલે કે આજે ગુજરાતી કવિતા પ્રાચીન ઈશ્વરવાદી પ્રશિષ્ટ કવિતા કે અર્વાચીન માનવતાવાદી સૌંદર્યવાદી રોમેન્ટિક કવિતા કે આધુનિક કલ્પનવાદી કવિતા નથી, પણ અદ્યતન કવિતા છે. અને આજે ગુજરાતી કવિતા જ્યાં હોવી જોઈએ ત્યાં છે એટલે કે આ અદ્યતન કવિતાને કારણે આજે ગુજરાતી કવિતા જગતકવિતાના એક આંતરરાષ્ટ્રીય આંદોલનના અંતર્ગત અંશરૂપ છે. યંત્રવૈજ્ઞાનિક યુગની આગવી સરજત જેવું નગર, એનો નાગર મનુષ્ય અને એ મનુષ્યના જીવનની અસારતા અને અસંગતતા એ અદ્યતન કવિતાનો વિષય છે. પશ્ચિમમાં — બલકે ફ્રાન્સમાં બે વિશ્વયુદ્ધોની અનુપૂર્વમાં પ્રતીકવાદ, પરાવાસ્તવવાદ, અસ્તિત્વવાદ અને અસંગતતાવાદ એ અદ્યતન કવિતાની વિચારધારા છે. આ વિષય અને વિચારધારાને અનુરૂપ અને અનુકૂળ ભાષા, છંદ, લય, સૂર, કલ્પન, પ્રતીક, અધ્યાસ, વ્યત્યય એ અદ્યતન કવિતાની શૈલી છે. લાભશંકરની કવિતામાં બાહ્ય વ્યવસ્થાનો અસ્વીકાર અને એથી શબ્દમાં આંતરવ્યવસ્થાનો કવિપુરુષાર્થ છે. સિતાંશુની કવિતામાં આંતર-અવ્યવસ્થાનો સ્વીકાર અને એથી શબ્દની બાહ્યવ્યવસ્થાનો કવિપુરુષાર્થ છે. લાભશંકરની કવિતામાં લઘરો અને સિતાંશુની કવિતામાં મગન – ઉપરાંત શબરી, જટાયુ, હનુમાન પ્રતિરૂપ (mask, persona) છે. બન્નેમાં પ્રતિકાવ્ય (parody) છે. બન્નેમાં કરુણ હાસ્ય (tragi-comedy) કરુણથી પર અને પાર એવું હાસ્ય નહિ પણ કરુણના પર્યાયરૂપ, કરુણની પરાકાષ્ઠારૂપ હાસ્ય છે. એથી બન્નેમાં કરુણ અને કરુણા છે. આ અર્થમાં, આ સંદર્ભમાં લાભશંકર-સિતાંશુની કવિતા એ સર્વાંગસંપૂર્ણ અદ્યતન કવિતા છે. આ અદ્યતન કવિતાને કારણે આરંભમાં ઉત્તર આપ્યો કે આજે ગુજરાતી કવિતા ગઈ કાલે જ્યાં હતી ત્યાં નથી અને આજે ગુજરાતી કવિતા જ્યાં હોવી જોઈએ ત્યાં છે.

(આકાશવાણી, અમદાવાદ પરથી વાર્તાલાપ. ૨૫ ઑગસ્ટ ૧૯૮૦.)

*