સ્વાધ્યાયલોક—૬/કેસૂડાં અને કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘કેસૂડાં’ અને કવિતા

૨૦મી સદીની ત્રીજી પચ્ચીસીનાં ગુજરાતી ભાષાનાં સામયિકોમાં ‘કેસૂડાં’ વાર્ષિક એક નોંધપાત્ર ઘટના છે. આ ઘટનાને પશ્ચાત્ભૂમિકા અને પાર્શ્વભૂમિકા છે. ચારેક દાયકા પૂર્વે કલકત્તામાં ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ અસ્તિત્વમાં આવ્યું. અને ત્યારથી એ સતત સક્રિય રહ્યું છે. આ સક્રિયતામાં કલકત્તા જેવું મહાનગર, બાંગ્લા જેવી મહાન ભાષા અને એનું એવું જ મહાન સાહિત્ય, બંગભાષી પ્રજાનો પોતાની ભાષા અને એના સાહિત્ય માટેનો, પોતાની સંસ્કૃતિ માટેનો પ્રેમ તથા એ પ્રજાની સુરુચિ અને સંસ્કારિતા — આ વાતાવરણનું પરોક્ષ અર્પણ તો ખરું જ, પણ એથીય વિશેષ મહત્ત્વનું પ્રત્યક્ષ અર્પણ તો કલકત્તાનિવાસી ગુજરાતીભાષી પ્રજાનો પોતાની ભાષા અને એના સાહિત્ય માટેનો, પોતાની સંસ્કૃતિ માટેનો પ્રેમ તથા એ પ્રજાની સુરુચિ અને સંસ્કારિતા. એ વિના ગુજરાતથી આટલે દૂર આટલા લાંબા સમય લગી આવી સક્રિયતા અશક્ય. ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ એ કલકત્તાનિવાસી ગુજરાતીભાષી પ્રજાના આ સદ્ગુણોનું પ્રતીક છે. દોઢેક દાયકા પૂર્વે આ મંડળના આમંત્રણથી ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન કલકત્તામાં યોજાયું. એના એક મધુર સ્મરણરૂપે આ મંડળે વાર્ષિક વ્યાખ્યાનોનું અને અરધા દાયકા પૂર્વે એના જ અનુસંધાન રૂપે એક વિશિષ્ટ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કર્યું. આ સૌને પરિણામે ગુજરાતના સાહિત્યકારોની સાથે આ મંડળનો જીવંત અને જાગૃત સંબંધ છે અને આ મંડળની પ્રત્યે ગુજરાતના સાહિત્યકારોનો સદ્ભાવ છે. ‘કેસૂડાં’, આરંભે કહ્યું તેમ, એક નોંધપાત્ર ઘટના છે એનું રહસ્ય આ સદ્ભાવ છે. અને એથી જ ‘કેસૂડાં’ના આ કવિતા-વિશેષાંકનો જે કવિઓ અન્યથા ઉપહાસ કરવાની રમૂજપ્રેરક ચેષ્ટા કરે છે એમનાં કાવ્યો પણ એમાં પ્રસિદ્ધ થાય છે. ગયા વરસથી ‘કેસૂડાં’ કોઈ એક જ સાહિત્યસ્વરૂપની કૃતિઓના સંચય રૂપે, વિશેષાંક રૂપે પ્રસિદ્ધ થાય છે. આ વરસનો અંક એ કવિતા-વિશેષાંક છે. આ અંક માટે સંપાદકોને ગુજરાતભરના અનેક કવિઓ તરફથી હજારેક કાવ્યો મળ્યાં હતાં. આ સંખ્યાનું રહસ્ય પણ આ મંડળ પ્રત્યે કવિઓનો સદ્ભાવ છે. એમાંથી સંપાદકોએ લગભગ દસમા ભાગનાં કાવ્યો અહીં પ્રસિદ્ધિ અર્થે પસંદ કર્યાં છે. ‘કેસૂડાં’ જેવા સામયિકને કવિતા સાથે શો સંબંધ? એને કવિતા-વિશેષાંક પ્રસિદ્ધ કરવાનો શો અધિકાર? એનું શું સાર્થક્ય? એનું કાવ્યોની પસંદગી કરવાનું શું ધોરણ? આવા આવા અનેક પ્રશ્નો પૂછી શકાય. અને ભિન્ન ભિન્ન રસ-રુચિ અનુસાર પ્રત્યેક પ્રશ્નના ભિન્ન ભિન્ન ઉત્તરો પ્રાપ્ત થાય. એકેયનો સર્વસંમત અને સર્વસ્વીકાર્ય એવો એક જ ઉત્તર શક્ય નથી. પણ એટલું તો સ્પષ્ટ છે કે આવા સામયિક અને એના કવિતા-વિશેષાંક દ્વારા જેના ઉપક્રમે એ પ્રસિદ્ધ થાય એ મંડળને ધન અને એનું જે સંપાદન કરે તે સંપાદકને યશ પ્રાપ્ત થાય કે ન થાય પણ એમાં જે કવિઓનાં કાવ્યો પ્રસિદ્ધ થાય એ કવિઓને — સવિશેષ નવોદિત યુવાન કવિઓને — જૂજ ધન અને ઝાઝો યશ અવશ્ય પ્રાપ્ત થાય. આવા સામયિક અને એના કવિતા-વિશેષાંકનું નવોદિત યુવાન કવિઓને વધુ આકર્ષણ હોય. કારણ કે આરંભમાં એમને એમાંથી કંઈક પામવાનું હોય છે. જ્યારે લબ્ધપ્રતિષ્ઠ વયોવૃદ્ધ કવિઓ એની પ્રત્યે ઉદાસીન હોય. તેઓ ઉદાર થાય તો જ તેઓનાં કાવ્યો એમાં પ્રસિદ્ધ થાય. કારણ કે અંતે તેઓને એમાંથી કંઈક ખોવાનું હોય છે. પ્રતિષ્ઠા અને વયને કારણે તેઓનાં કાવ્યોનું કોઈ પણ ધંધાદારી પ્રકાશનગૃહ દ્વારા બારોબાર કાવ્યસંગ્રહ રૂપે જ પ્રકાશન હંમેશાં શક્ય હોય છે. આવા સામયિક અને એના કવિતા-વિશેષાંકના સંપાદકને પણ નવોદિત યુવાન કવિઓનાં કાવ્યોમાં વિશેષ રસ હોય — બલકે હોવો જોઈએ. એનો ઉપક્રમ એમનાં કાવ્યોને વારંવાર પ્રસિદ્ધ કરવાનો હોય — બલકે વરસો લગી, આ કવિઓ લબ્ધપ્રતિષ્ઠ થાય અથવા મૌનલુબ્ધ થાય ત્યાં લગી પ્રસિદ્ધ કરવાનો હોવો જોઈએ. કોઈ પણ સમયે અને સ્થળે બહુસંખ્ય કવિઓ મધ્યમ કક્ષાના હોય છે અથવા પ્રણાલીબદ્ધ વર્ગના હોય છે. આવા સામયિક અને એના કવિતા-વિશેષાંકમાં પ્રત્યેક કાવ્ય એ રસની ચીજ જ હોય, ઉત્તમ કાવ્ય જ હોય એવો વાચકનો આગ્રહ ન હોય — બલકે એવો એનો દુરાગ્રહ ન હોવો જોઈએ. એમાં જો એવાં જૂજ કાવ્યો, અરે, એવું એકાદું કાવ્ય પણ હોય તો તો સંપાદક અને વાચક બન્ને ન્યાલ થાય! વળી અહીં તો કાવ્યો કવિઓએ પસંદ કર્યાં છે અને તે પણ પોતાનાં અપ્રસિદ્ધ કાવ્યોમાંથી. એથી સંપાદકો અને કવિઓ બન્નેને એટલી સીમા-મર્યાદા છે. પ્રત્યેક કાવ્ય સંચયક્ષમ કાવ્ય હોય તોપણ બસ. સમકાલીન કવિતાનાં વહેણો અને વલણોનું એમાં પ્રતિનિધિત્વ હોય તોપણ બસ! સંપાદકને માટે એ આત્મસંતોષ અને આત્મગૌરવની વાત કહેવાય. આવા સામયિક અને એના કવિતા-વિશેષાંકનાં કાવ્યોમાં કેટલાં કાવ્યો હંમેશને માટે સરસ અને સંતર્પક હશે? એમાંથી જૂજ કાવ્યો અથવા એકાદું કાવ્ય પણ જો એવું ન હોય તો એ પણ એક રસપ્રદ અને અત્યંત સૂચક ઘટના કહેવાય. એનાં કાવ્યોમાં સમકાલીન કવિતાનાં વસ્તુ-વિષય અને શૈલી-સ્વરૂપમાં જે ખૂબીઓ અને ખામીઓ, જે મહત્તા અને મર્યાદા, જે સબળતા અને નિર્બળતા, જે સફળતા અને નિષ્ફળતા હોય તથા કવિઓમાં જે રુચિ અને અરુચિ, જે ગમા અને અણગમા, જે પક્ષપાત અને પૂર્વગ્રહ, જે પુરસ્કાર અને તિરસ્કાર હોય એટલું પણ જો પ્રગટ થાય તો એ જમાનાનો દસ્તાવેજ બની જાય. અને અંતે એમાં જ આવા સામયિક અને એના કવિતા-વિશેષાંકનું સાર્થક્ય છે.

(‘ગુજરાતી સાહિત્ય મંડળ’, કલકત્તાના પ્રકાશન ‘કાવ્યકેસૂડાં’નો પ્રવેશક. ૧૨ સપ્ટેમ્બર ૧૯૭૬.)

*