સ્વાધ્યાયલોક—૬/ગુજરાતીમાં અર્વાચીન ઊર્મિકાવ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુજરાતીમાં અર્વાચીન ઊર્મિકાવ્ય

નર્મદ(૧૮૩૩-૧૮૮૬)થી અર્વાચીન ગુજરાતી ઊર્મિકાવ્યનો જન્મ થાય છે. ગુજરાતના જીવનમાં અને સાહિત્યમાં નર્મદે અર્વાચીન યુગનો આરંભ કર્યો છે. એ ઉચ્છેદક હતો. એ પશ્ચિમ અને એના સુવ્યવસ્થિત સમાજના વૈજ્ઞાનિક માનસમાંથી પ્રેરણા પામ્યો હતો. એણે એના દેશબંધુઓની રાજકીય અને આધ્યાત્મિક અધોગતિનો પ્રબળ પ્રતિકાર કર્યો હતો. એણે એના ક્રાંતિકારી મિજાજની અભિવ્યક્તિ માટે અને એના સમકાલીનોમાં ઉત્સાહ પ્રેરવા માટે કવિતાના વાહનનો ઉપયોગ કર્યો હતો અને અનેક પદ્યસ્વરૂપ તંત્રીલેખો લખ્યા હતા. તો સાથે સાથે ૧૮૫૫ અને ૧૮૬૭ની વચ્ચે પ્રેમ, પ્રકૃતિ અને સ્વતંત્રતા વિશે કેટલાંક ઊર્મિકાવ્યો પણ રચ્યાં હતાં. ઉત્તરજીવનમાં એણે એના પૂર્વજીવનના યૌવનસુલભ જોમ અને જોસ્સા પ્રત્યે વિરોધ પ્રગટ કર્યો હતો. અને એની પોતાની પરંપરામાં જે કંઈ હજુ જીવંત હતું એમાં પોતાનાં આધ્યાત્મિક મૂળિયાં શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પણ ત્યાં લગીમાં તો એણે કવિતા રચવાનું સદંતર બંધ કર્યું હતું. એથી એ એના આધ્યાત્મિક અનુભવની મોટા ગજાની કવિતા રચી શક્યો ન હતો. એણે વ્યક્તિતાનો મહિમા કર્યો હતો અને માનવીય વ્યક્તિત્વનું ગૌરવ કર્યું હતું. એ દ્વારા એણે ગુજરાતી કવિતામાં અર્વાચીનતાનો આરંભ કર્યો હતો. એણે કદાચને એના સર્વશ્રેષ્ઠ કાવ્ય ‘કબીરવડ’માં એના જીવનની અંગત કરુણતા વ્યક્ત કરી છે. એણે પ્રાચીન કબીરવડની અંતે પરમેશ્વરને પોતાનું હૃદય સમર્પણ કરતા પરાજિત યૌદ્ધાની સાથે તુલના દ્વારા કબીરવડના પ્રતીકમાં પોતાનાં સ્થૂલ અને સૂક્ષ્મ બન્ને સ્વરૂપો પ્રગટ કર્યાં છે. નર્મદના વડીલ એવા સમકાલીન દલપતરામ (૧૮૨૦-૧૮૯૮) રૂઢિચુસ્ત માનસના નીતિપરાયણ શિક્ષક હતા. સંરક્ષક અને સુધારક તરીકે એમને મુખ્યત્વે આર્થિક અને સામાજિક ક્ષેત્રમાં સામાન્ય સુધારાઓથી સંતોષ હતો. એમનું ઉદ્બોધક અને ઉપદેશક માનસ વ્યક્ત કરવા એમણે કવિતાના વાહનનો ઉપયોગ કર્યો હતો અને કેટલાક પદ્યસ્વરૂપ નિબંધો રચ્યા હતા. પણ તે ઉપરાંત એમણે કેટલાંક હાસ્ય અને શાણપણ-ડહાપણનાં કાવ્યો રચ્યાં હતાં. એ એક ઉત્તમ પિંગલકાર હતા. એમણે પ્રશિષ્ટ સંસ્કૃત છંદોને નવું જીવન અર્પ્યું હતું અને એમની પછીના અનુગામી કવિઓને એક સધ્ધર અને સમૃદ્ધ વાહન ભેટ ધર્યું હતું. નરસિંહરાવે (૧૮૫૯-૧૯૩૭) પાલગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’નો અભ્યાસ કર્યો હતો અને એમાંનાં અંગ્રેજી ઊર્મિકાવ્યો એમને માટે આદર્શરૂપ હતાં. પરિણામે અર્વાચીન ઊર્મિકાવ્ય ગુજરાતી ભાષામાં દૃઢમૂલ થયું હતું. આત્મસંયમ અને શિસ્ત દ્વારા, વિશિષ્ટ શબ્દો અને ગૌરવયુક્ત પદાવલિ દ્વારા એમણે કવિતામાં સુશ્વિષ્ટ એકતા અને કલાત્મકતાને લક્ષ્ય કર્યું હતું. પણ એ અંગે એમનામાં અભિનિવેશ હતો અને એથી અંતે એ હૃદયદ્રાવક કે હૃદયવેધક એવી મોટા ગજાની કવિતા રચી શક્યા ન હતા. પણ કોઈ વિરલ ક્ષણે એમણે અંગત વેદનાને કારણે વિનમ્ર એવા હૃદયથી સરળતા અને નિર્દોષતામાં પ્રાર્થના જેવાં સુકોમલ અને સુમધુર કાવ્યો — ‘મંગલ મંદિર ખોલો’ અને કાર્ડિનલ ન્યૂમનની પ્રાર્થનાનો અનુવાદ ‘પ્રેમલ જ્યોતિ’ — રચ્યાં છે. મણિલાલ નભુભાઈ (૧૮૫૮-૧૮૯૮) મહાન વિદ્વાન અને ગદ્યસ્વામી હતા. એમણે શાંકર વેદાન્ત અને સૂફીવાદની પ્રેરણાથી કેટલાંક કાવ્યો રચ્યાં છે. માનુષી પ્રેમ દ્વારા પરમેશ્વર સાથે સાયુજ્ય માટેની તીવ્ર અભીપ્સા એ એમના જીવનનો ગહનમાં ગહન અર્થ અને હેતુ હતો. ‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ જેવી ગઝલમાં ફિલસૂફીમાં સાંત્વન શોધતી એમની નિષ્ફળતાની દારુણ વ્યથા એમણે વ્યક્ત કરી છે. મણિલાલના મિત્ર બાલાશંકરે (૧૮૫૮-૧૮૯૮) પણ મણિલાલની જેમ જ શાંકર વેદાન્ત અને સૂફીવાદની પ્રેરણાથી કેટલાંક ઊર્મિકાવ્યો રચ્યાં છે. ‘ક્લાંત કવિ’ એમનું ઉત્તમ ઊર્મિકાવ્ય છે. શિખરિણી છંદમાં સો શ્લોકના આ કાવ્યમાં જે આત્મસંયમ અને શિસ્ત, પ્રૌઢ શૈલી અને કલાત્મક સંકલના છે એ કારણે આ કાવ્ય અર્વાચીન ગુજરાતીમાં પ્રથમ મોટા ગજાનું ઊર્મિકાવ્ય અને આત્મલક્ષી પ્રેમનું પ્રથમ મહાન કાવ્ય છે. એમાં એમણે મૃત્યુ દ્વારા પ્રિયતમાની સાથે શાશ્વત મિલનની આશાનો આનંદ વ્યક્ત કર્યો છે. એમાં પ્રિયતમાનું એવું તો ઉદાત્ત સ્વરૂપ પ્રગટ થાય છે કે અંતે એનું પરમ દિવ્ય ચિતિ સ્વરૂપ સિદ્ધ થાય છે. ‘હરિપ્રેમપંચદશી’માં એમણે ‘ગુજારે જે શિરે તારે’ અને ‘જિગરનો યાર જુદો તો’ જેવી મહાન છતાં ય લોકપ્રિય ગઝલો સમેતનો પ્રભુપ્રેમ વિશેનો કાવ્યગુચ્છ રચ્યો છે. કાન્તે (૧૮૬૭-૧૯૨૩) એમના જીવનના આરંભે જ કિશોરાવસ્થામાં અજ્ઞેયવાદ-નિરીશ્વરવાદનાં શંકા અને શોકનાં અત્યંત કલાત્મક કથનોર્મિકાવ્યોમાં એમના આધ્યાત્મિક સંઘર્ષની ક્ષણોને નાટ્યાત્મક રૂપે રજૂ કરી છે. ઉત્તરજીવનમાં એમની શ્રદ્ધા માટેની શોધ અંતે ખ્રિસ્તીધર્મના સ્વીકાર-અંગીકારમાં પરિણમી હતી. સામાજિક બહિષ્કાર-તિરસ્કારને કારણે અને કવિતા એમને માટે હવે અપ્રસ્તુત હતી એ કારણે એ એકાન્ત મૌનમાં સરી ગયા હતા. પણ કોઈ વિરલ ક્ષણોમાં એમના મૌનનો ભંગ કર્યો ત્યારે એમણે, ‘સાગર અને શશી’ જેવું અત્યંત કલાત્મક ઊર્મિકાવ્ય રચ્યું હતું. એમાં એમણે જીવનભરના આધ્યાત્મિક સંઘર્ષનું સમાધાન સાધ્યું છે અને આત્માની શાંતિનો અને વૈશ્વિક સંવાદનો અનુભવ પ્રગટ કર્યો છે. આ ઊર્મિકાવ્યમાં નાદસંકુલ અને અર્થસંકુલ એવાં તો એકરસ, એકરૂપ, એકાકાર અને ઓતપ્રોત છે કે એનો ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક ઊર્મિકાવ્ય તરીકે સર્વાનુમતે સ્વીકાર થયો છે. કલાપી(૧૮૭૪-૧૯૦૦)એ એમના પ્રણયતપ્ત હૃદયની આરતને એક પછી એક, અપક્વ પણ અત્યંત આવેશમય એવાં, અનેક ઊર્મિકાવ્યોમાં વ્યક્ત કરી છે અને એ દ્વારા એમણે ઊર્મિકાવ્યને ગુજરાતમાં લોકપ્રિય કર્યું છે. એમના જીવનમાં જાતીય અને આધ્યાત્મિક સંઘર્ષ હતો. પણ અંતે એમણે સૂફીવાદ અને ખ્રિસ્તીધર્મની પ્રેરણાથી એમની સર્વવ્યાપી અને સર્વગ્રાહી પરમેશ્વરના પ્રેમ વિશેની એમની પ્રસિદ્ધ ગઝલ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે’માં એ સંઘર્ષનું સમાધાન સાધ્યું છે. ન્હાનાલાલ (૧૮૭૫-૧૯૪૬) અર્વાચીન ગુજરાતના સર્વશ્રેષ્ઠ ઊર્મિકવિ છે. એમણે ગુજરાતના ખૂણે ખૂણે પ્રવાસ દ્વારા ગુજરાતનો આત્મીય પરિચય કર્યો હતો. એમણે ગુજરાતનાં લોકગીતોના લયોની લગભગ સૌ શક્યતાઓ અને શક્તિઓનો કયાસ અને કસ કાઢ્યો છે. એમનાં ઊર્મિકાવ્યોમાં અદ્વિતીય સંગીતક્ષમતા અને અસાધારણ ચિત્રાત્મકતા છે. એમણે ગુજરાતી ભાષાનું સૌંદર્ય જેમાં પ્રગટ થાય એવાં અનેક વસ્તુવિષયનાં અનેક મહાન ઊર્મિકાવ્યો રચ્યાં છે. દાંપત્યપ્રેમમાં શાશ્વત વસંત અને જીવનની અંતિમ સંવાદિતાનું રહસ્ય છે એ એમનું દર્શન છે. વાલ્મીકિ, કાલિદાસ અને રવીન્દ્રનાથ જેવા સૌ ભારતીય મહાકવિઓ, નાટ્યકાર-કવિઓ અને ઊર્મિકવિઓનું પણ આ જ દર્શન છે. પણ એમની કલા એમના આ દર્શનને સમકક્ષ ન હતી એથી એ આ દર્શનની મહાન કવિતા રચવામાં નિષ્ફળ રહ્યા છે. ક્યારેક ક્યારેક એ માત્ર ‘વિરાટનો હિંડોળો ઝાકમઝોળ’ અને ‘બ્રહ્માંડ બ્રહ્મે પાથર્યું સુખકુંજ સમ રૂડું, ત્યાં એકલો ઊડું’ જેવાં ઊર્મિકાવ્યોમાં ભવ્યતા સિદ્ધ કરવામાં સફળ રહ્યા છે. બલવન્તરાય ઠાકોર (૧૮૬૯-૧૯૫૨)ની સર્જકપ્રતિભાનો પરિચય થાય છે એમણે પ્રશિષ્ટ સંસ્કૃત છંદોમાં યતિભંગ અને શ્લોકભંગ દ્વારા પ્રવાહિતાનો પ્રયોગ કર્યો, સવિશેષ તો ‘પૃથ્વી – છંદમાં એમણે અંગ્રેજી બ્લૅંક વર્સની નિકટ હોય એવું પ્રવાહી પદ્ય સિદ્ધ કર્યું — એમાં. એમણે વ્યવહારની ભાષાનો અને બોલચાલની ભંગિઓ અને છટાઓનો ઉપયોગ કર્યો એથી એમની કવિતામાં જીવંત — નક્કર ધાતુ જેવો — અવાજ પ્રગટ થાય છે. એમાં ઘનતા છે, બલિષ્ઠતા છે. એમનું કાવ્યવિશ્વ આપણી આસપાસના જગત જેવું જ વાસ્તવિક અને સ્પર્શક્ષમ છે. એમાં પ્રગલ્ભ બૌદ્ધિકતા છે. એમાં કોઈ મેધાવી મગજ સતત સક્રિય છે એની સદ્ય પ્રતીતિ થાય છે. એમના પ્રથમ મહાન કાવ્ય ‘આરોહણ’માં જ એમનો સ્વતંત્ર મિજાજ પ્રગટ થાય છે. એમાં એમણે અદ્વૈતવાદથી આરંભ કર્યો હતો પણ પછી જીવનના વિષમ અરે વિચિત્ર અનુભવોને કારણે વ્યક્તિઓ, સ્થળો, ઘટનાઓ તથા પ્રેમ, મૈત્રી, વાર્ધક્ય, મૃત્યુ આદિ વસ્તુવિષયનાં ચિન્તનોર્મિકાવ્યોમાં એ અજ્ઞેયવાદમાં અંત પામે છે. એમનો આ અજ્ઞેયવાદ ‘શાપું તને’ અને ‘ચોપાટીને બાંકડેથી’ જેવાં કાવ્યોમાં નિર્ભીક અને નિખાલસપણે વ્યક્ત થાય છે. બલવન્તરાયની કવિતા અને એમના વિવેચનનો ચોથા દાયકાની એક સમગ્ર કવિપેઢી પર પ્રબળ પ્રભાવ છે. રામનારાયણ પાઠકે (૧૮૮૭-૧૯૫૫) એમના દૃષ્ટિપૂત્ અને સમતોલ વિવેચન દ્વારા બલવન્તરાયની કવિતાનું નવીન કવિઓ સમક્ષ મૂલ્યાંકન અને અર્થઘટન કર્યું અને એમનાં ‘સિંધુનું આમંત્રણ’ જેવાં ચિન્તનોર્મિકાવ્યો દ્વારા બલવન્તરાયની કવિતાની પરંપરાનું અનુસંધાન કર્યું. ગાંધીજીના મહાકાવ્ય સમા જીવન અને કાર્યનો ૧૯૩૦ પછીના કવિઓ પર પ્રબળ પ્રભાવ છે. આ કવિઓની કવિતામાં અપાર અનુકંપા દ્વારા અને સૂક્ષ્મ સંવેદના દ્વારા દેશમાં અને દુનિયામાં જે આર્થિક, સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક પરિવર્તનો થયાં હતાં એની પ્રત્યે એમનો પ્રતિભાવ પ્રગટ થાય છે. એ માટે બલવન્તરાયનો પ્રવાહી પદ્યનો જે પ્રયોગ અને પુરુષાર્થ હતો તે એમને આશીર્વાદરૂપ હતો. એમને માટે કવિતામાં કશું જ ત્યાજ્ય કે વર્જ્ય કે નિષિદ્ધ ન હતું. એમણે એમના પુરોગામીઓ — નર્મદ અને દલપત – ની જેમ અનેક વસ્તુવિષયનો સ્વીકાર કર્યો. પણ એમાં એક તાત્ત્વિક ભેદ હતો. નર્મદ-દલપતની કવિતામાં એનું ક્યારેક જ સુખદ પરિણામ હતું, જ્યારે આ નવીન કવિઓની કવિતામાં ક્યારેક જ અસુખદ પરિણામ હતું, એમનામાં બૌદ્ધિક બળ હતું, કળાનો વિવેક હતો એથી એમની કવિતામાં સઘનતા અને સુશ્લિષ્ટતાની સિદ્ધિ છે. બલવન્તરાય દ્વારા એમનું કવિતાશિક્ષણ થયું હતું. આ મહાન ભૂમિનો ઉદાત્ત આત્મા ગાંધીજીમાં મૂર્તિમંત થયો હતો. હવે કવિઓએ વિરાટ આત્માનું સ્વપ્ન સેવવાનું ન રહ્યું. એ આ ભૂતલ પર સદેહે વિચરી રહ્યો હતો. એ હવે વાસ્તવ રૂપે વિહરી રહ્યો હતો. ગાંધીજીના ગતિશીલ વ્યક્તિત્વ અને એમના મહાકાવ્ય સમા સત્યાગ્રહના કાર્યની આ કવિઓને પ્રત્યક્ષ અથવા પરોક્ષ પ્રેરણા હતી. તેઓ હવે ભારતના સ્વાતંત્ર્યના ધર્મકાર્યમાં સક્રિય હતા. તેઓ પ્રતિબદ્ધ હતા. ગાંધીજીએ જે પરિબળો પ્રગટ કર્યાં હતાં એમણે એમની સંવેદના-સર્જકતા સર્જી હતી. રાજકીય પરાધીનતાથી પીડિત અને અપમાનિત એવા આ કવિઓએ એમની પોતાની વેદનાને અને એમના અસંખ્ય દલિત-શોષિત દેશવાસીઓની વેદનાને એમનાં અત્યંત હૃદયસ્પર્શી કાવ્યોમાં વ્યક્ત કરી હતી. એમની કવિતામાં પ્રેમ, કરુણા, અનુકંપા, સહાનુભૂતિ આદિ માનવીય મૂલ્યો અને ગુણોનું પ્રાધાન્ય હતું. સુન્દરમ્ (જ. ૧૯૦૮) અને ઉમાશંકર (જ. ૧૯૧૧) ચોથા દાયકાની આ કવિપેઢીના પૂર્ણતયા પ્રતિનિધિ છે. આ કવિઓને માટે માનવતાવાદ પર્યાપ્ત ન હતો. એથી એમને સમાજવાદ અને માર્ક્સવાદનું આકર્ષણ હતું. ચોથા દાયકાના ઉત્તરાર્ધમાં આ કવિઓ પ્રગતિવાદના મોહમાં હતા અને એમાંથી કેટલાક કવિઓ અંતે પ્રચારકો પુરવાર થયા હતા. પણ બાકીના કવિઓ આ વ્યામોહથી સત્વર મુક્ત થયા હતા. એમાંના અનેક કવિઓની કવિતામાં જે સામાજિક વાસ્તવ હતું તે તત્ત્વત: તો કૃતક-રોમેન્ટિસિઝમ જ હતું અને દ્વિતીય વિશ્વયુદ્ધે એ સૌનો માર્ગ બંધ કર્યો હતો. સુન્દરમ્ શ્રીઅરવિંદના રહસ્યવાદી પંથમાં પલાયન થયા, એકમાત્ર ઉમાશંકર જ આત્મનિર્ભર રહ્યા. અને જે જગતમાં એકકેન્દ્ર વ્યક્તિત્વને આહ્વાનરૂપ પરિબળો પ્રવૃત્ત છે તે જગતમાં એ વ્યક્તિત્વની એકકેન્દ્રિતા માટે માનાર્હ એવી બૌદ્ધિક પ્રામાણિકતાથી ઝૂઝી-ઝઝૂમી રહ્યા છે. ચોથા દાયકામાં શ્રીધરાણી (૧૯૧૧-૧૯૬૦), હરિશ્ચન્દ્ર (૧૯૦૬-૧૯૫૦), પ્રહ્લાદ (૧૯૧૩-૧૯૬૨) અને પાંચમા દાયકામાં રાજેન્દ્ર (જ. ૧૯૧૨) — આ કવિઓએ નિર્વિવાદપણે અને નિ:સંકોચપણે પ્રેમ, પરમેશ્વર, સૌંદર્ય જેવા વસ્તુવિષયની કર્ણમધુર અને ઇન્દ્રિયરાગી કવિતાનું, સૌંદર્યાભિમુખતાની નવ્ય-રોમેન્ટિક કવિતાનું સર્જન કર્યું છે. ગઈ કાલે દુનિયામાં દ્વિતીય વિશ્વયુદ્ધની દારુણ ઘટના, આજે યુદ્ધોત્તર શીતયુદ્ધની ભીષણ યાતના અને આવતીકાલે માત્ર સમગ્ર મનુષ્યજાતિ જ નહિ પણ સમસ્ત સજીવ સૃષ્ટિનો નાશ-કસ થાય એવા અણુયુદ્ધની ભયજનક શક્યતા અને શંકા તથા દેશમાં ભ્રષ્ટાચાર અને ધન-સત્તાની લોલુપતા — આ સૌ દુરિતો અને અસદોએ મનુષ્યના નિર્મૂળ અસ્તિત્વનું અને મનુષ્યની આધ્યાત્મિક શ્રદ્ધા માટેની અનિવાર્યતાનું પ્રદર્શન કર્યું છે અને આપણને એનું દર્શન કરાવ્યું છે. છઠ્ઠા દાયકામાં પ્રિયકાન્ત મણિયારે (જ. ૧૯૨૭) અને હસમુખ પાઠકે (જ. ૧૯૩૦) આ કરુણ અનુભવની કવિતા રચી છે. આજે યંત્રવિજ્ઞાને એના સર્જકના વ્યક્તિત્વ માત્રને જ નહિ, એના અસ્તિત્વ સુધ્ધાંને આહ્વાન કર્યું છે. આવતી કાલે કોઈ ગુજરાતી કવિ એનો કવિશબ્દ, આ આહ્વાનને પ્રત્યુત્તરરૂપ કવિશબ્દ પ્રગટ કરશે. આ કવિશબ્દમાં ભવિષ્યની આશા છે.

૧૯૬૩


*