સ્વાધ્યાયલોક—૬/ગુર્જર વિદેશિની

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘ગુર્જર વિદેશિની’

પ્રિય રમણિકભાઈ, ૨ જુલાઈ ૧૯૮૩ના ૨ના ‘ગરવી ગુજરાત’માં ‘ગુર્જર વિદેશિની’ વિશેની નોંધ વાંચી આનંદ થયો. ૧૯૮૨ના સપ્ટેમ્બર-નવેમ્બરમાં હું ત્યાં લંડનમાં હતો ત્યારે તમે એનો ઉલ્લેખ કર્યો હતો. કેટલાંક વરસોથી તમારા હૃદયમાં આ ભાવના હતી. અને ક્રમે ક્રમે ઉત્તરોત્તર એ વધુ ને વધુ સ્પષ્ટ અને સુરેખ આકાર ધારણ કરી રહી હતી એનો અણસાર તમારા ઉલ્લેખમાં હતો પછી ૧૯૮૩ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં તમે અહીં ભારતમાં હતા ત્યારે મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત તથા સૌરાષ્ટ્રમાં અનેક મિત્રો — લેખકો, પત્રકારો, અધ્યાપકો, વિદ્વાનો, વિચારકો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ — સાથે તમે એ વિશે વધુ ચર્ચાવિચારણા કરી હતી. સૌએ તમારી એ ભાવનાનું હોંસે હોંસે સ્વાગત કર્યું હતું. અને એ એક વૈશ્વિક સંસ્થા રૂપે સાકાર થાય અને સફળ થાય એમાં સંપૂર્ણ સક્રિય સહકારનું વચન આપ્યું હતું. આ સ્વાગતની ઉષ્મા અને આ વચનની પ્રેરણા સાથે તમે માર્ચમાં અહીંથી લંડન પાછા ફર્યા હતા એની ફલશ્રુતિ છે આ ‘ગુર્જર વિદેશિની’ તમે જન્મજાત અને આજન્મ પત્રકાર છો. પચીસેક વરસ પૂર્વે તમે પત્રકાર તરીકે જ લંડન ગયા હતા. અને ત્યારથી તે આજ લગી સતત તમે એક આદર્શ ભારતીય અને ગુજરાતી પત્રકાર તરીકેનો તમારો ધર્મ ઉત્તમ રૂપે બજાવી રહ્યા છો. લંડનના પત્રકાર-જગતમાં ભારે પરિશ્રમ અને પુરુષાર્થ — બલકે અસાધારણ સાહસ પછી તમે લંડનથી ગુજરાતી ભાષાનું પ્રથમ સામયિક પંદર વરસથી પ્રસિદ્ધ કરી રહ્યા છો. માત્ર ગુજરાતના જ નહિ પણ સમગ્ર ભારતના એક અગ્રણી રાષ્ટ્રીય નેતા અને આજીવન સેવા-પરાયણ એવા સંસ્કારી સજ્જન જીવરાજ મહેતા તથા — તમે તો જાણો છો પણ તમારા અનેક વાચક મિત્રોની જાણ માટે નોંધું છું — જેમને ભારતમાં એક આદર્શ અને ઉત્તમ યુનિવર્સિટી ઇંગ્લેંડની આદર્શ અને ઉત્તમ યુનિવર્સિટીઓની સમકક્ષ એવી યુનિવર્સિટીનું, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું એના પ્રથમ વાઇસ ચાન્સલર તરીકે સર્જન કરવા માટે ઇંગ્લેંડના સુપ્રસિદ્ધ શિક્ષણચિંતક અને સાહિત્યિક વિવેચક વિલિયમ વોલ્શના સૂચનથી લીડ્ઝ યુનિવર્સિટીએ ડી.લિટ.ની માનદ ઉપાધિ અર્પણ કરીને કૃતાર્થતા અને ગૌરવનો અનુભવ કર્યો હતો અને જેમણે શિક્ષણ, સાહિત્ય, સમાજ, સંસ્કાર એમ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સ્વતંત્ર મૌલિક અર્પણ કર્યું છે તે — હંસાબેન મહેતા — આ મહેતા દંપતીના આશીર્વાદ સાથે તથા મૂલજીભાઈ નાગડા જેવા લંડનનિવાસી સંસ્કારી સજ્જન અને અન્ય અનેક સન્નારીઓ અને સજ્જનોની શુભેચ્છા સાથે તમે આ સામયિકનો આરંભ કર્યો. આટલું ઓછું હોય તેમ આ સમયમાં તમને ગુજરાતના એક આદર્શ અને ઉત્તમ પત્રકાર, મુદ્રક અને તંત્રી, ઇગ્લંડના પ્રથમ પંક્તિના પત્રકાર, મુદ્રક અને તંત્રીના સમકક્ષ એવા પત્રકાર, મુદ્રક અને તંત્રી ઉપરાંત કલા અને કવિતાપ્રિય સંસ્કારી સજ્જન બચુભાઈ રાવત, મારા, તમારા અને ગુજરાતમાં સૌના પ્રિય એવા બચુભાઈ, વિરલ એવા બચુભાઈનું તમારા મુદ્રણાલયનું સંચાલન તથા તમારા સામયિકનું સંપાદન કરવામાં માર્ગદર્શન પ્રાપ્ત થયું. એક પત્રકાર, મુદ્રક અને તંત્રી તરીકે તમારા જીવનનું આ પરમ સદ્ભાગ્ય છે એમ હું સમજું છું. ભલે તમારું સામયિક ભારતની એક જ ભાષામાં, ગુજરાતીમાં પ્રસિદ્ધ થતું હોય (જોકે એમાં અંગ્રેજી વિભાગ છે) અને વિદેશોમાંથી પણ એક જ વિદેશમાંથી, ઇંગ્લંડમાંથી પ્રસિદ્ધ થતું હોય પણ તમે એ દ્વારા પંદર વરસથી સતત માત્ર ઇંગ્લંડ તથા અન્ય વિદેશોના ગુજરાતીભાષી નાગરિકોની જ નહિ પણ ઈંગ્લંડ તથા અન્ય વિદેશોના અન્ય ભારતીયભાષાભાષી નાગરિકોની તેમજ ગુજરાતની અને ભારતની પણ સેવા અને સહાય કરી છે. એની વિગતોથી તમારા સામયિકનો વાચકવર્ગ તથા વિદેશોનાં અનેક ગુજરાતીભાષી તથા અન્ય ભારતીયભાષાભાષી નાગરિકો મારાથી વિશેષ પરિચિત છે. એમને એનો પ્રત્યક્ષ અનુભવ છે. એટલે એ વિગતોનો અહીં ઉલ્લેખ નહિ કરું. માત્ર એટલો જ ઉલ્લેખ કરું કે જે કોઈ તમારા સામયિકનો એક જ અંક સાદ્યંત વાંચે તે તરત જ સમજી શકે કે તમારું સામયિક એ વિદેશોના ગુજરાતીભાષી તથા અન્ય ભારતીયભાષાભાષી નાગરિકો માટે સમાચાર, માહિતી, વિચાર-વિનિમય, કલા-સાહિત્ય-શિક્ષણ-સંસ્કાર ક્ષેત્રે આદાનપ્રદાન આદિનું એક સજીવ અને સબળ ‘પ્લૅટફોર્મ’ છે, ‘કલીઅરિંગ હાઉસ’ છે. ‘ગુર્જર વિદેશિની’ની ભાવનાને હવે સંસ્થાનું સ્વરૂપ પ્રાપ્ત થશે, મૂર્ત, સાકાર, સઘન, સ્પર્શક્ષમ સ્વરૂપ પ્રાપ્ત થશે એથી આ કાર્ય સંસ્થાના સભ્યો પરસ્પરના પ્રત્યક્ષ મિલન દ્વારા વધુ આત્મીયતાથી અને નિકટતાથી તથા વધુ વ્યાપકતાથી અને ગંભીરતાથી સિદ્ધ કરી શકશે. ‘ગુર્જર વિદેશિની’નું મુખ્ય કેન્દ્ર લંડન હશે પણ અન્ય અનેક વિદેશોમાં, ખંડેખંડમાં, જગતભરમાં તેમ જ ગુજરાતમાં અને ભારતમાં પણ એની શાખા-પ્રશાખાઓ હશે. વળી ભિન્ન ભિન્ન દેશ-વિદેશોમાં એનાં વાર્ષિક, દ્વિવાર્ષિક કે ત્રિવાર્ષિક અધિવેશનો પણ યોજાશે. એના સભ્યો વચ્ચે જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સતત આદાન-પ્રદાન અને વિચાર-વિનિમય થશે તથા સર્વસામાન્ય અને સમાન પ્રશ્નોની ચર્ચા-વિચારણા થશે. સમગ્ર જીવન – આર્થિક, સામાજિક, (સંસ્થા સ્વયં રાજકીય ન હોય, પક્ષીય રાજકારણથી પર અને પાર હોય છતાં — બલકે સ્વયં રાજકીય ન હોય, પક્ષીય રાજકારણથી પર અને પાર હોય એ કારણે જ પામર અને અધમ રાજકારણ નહિ પણ પરમ અને ઉત્તમ રાષ્ટ્રકારણની સેવા અને સહાય કરી શકે છે એ અર્થમાં) રાજકીય, સાહિત્યિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક જીવન – ના સંદર્ભમાં અનેક દેશવિદેશોમાં અસંખ્ય ગુજરાતીભાષી નાગરિકોની સેવા અને સહાય કરી શકશે. તમને પચીસ વરસનો વિદેશવાસનો અનુભવ છે અને પંદર વરસનો સામયિક-સંચાલન-સંપાદનનો અનુભવ છે. આ અનુભવ એ તમારું મોટામાં મોટું ધન અને બળ છે એ દ્વારા તથા અનેક દેશવિદેશના અસંખ્ય ગુજરાતીભાષી નાગરિકો ઉપરાંત ગુજરાતના નાગરિકોના સક્રિય સ્નેહ, સદ્ભાવ અને સહકાર દ્વારા ‘ગુર્જર વિદેશિની’ ચરિતાર્થ થશે એની મને શ્રદ્ધા છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ન્હાનાલાલ, બલવન્તરાય આદિ અનેક સાક્ષરોની માન્યતા હતી કે ભારતમાં અંગ્રેજોનું આગમન એ ઈશ્વરનો સંકેત છે. એથી પૂર્વની પ્રાચીન સંસ્કૃતિ અને પશ્ચિમની અર્વાચીન સંસ્કૃતિનું મિલન થશે અને એમાંથી એક નૂતન વિશ્વસંસ્કૃતિનું સર્જન થશે. ૧૯૪૭નાં ભારતમાંથી અંગ્રેજો વિદાય થયા. પછી ભારતમાં એવું તો ન થયું. એ પણ ઈશ્વરનો સંકેત હશે. પણ ૧૯૪૭ પછી માત્ર ઇંગ્લંડમાં જ નહિ પણ અન્ય અનેક વિદેશોમાં ભારતવાસીઓનું — સવિશેષ ગુર્જર ભારતવાસીઓનું આગમન થયું છે. એમણે એ વિદેશોમાં નાગરિકત્વ પણ પ્રાપ્ત કર્યું છે. ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં મારી અને મારા જેવા અનેકની એ માન્યતા હજો કે વિદેશોમાં ભારતવાસીઓનું આગમન એ પણ ઈશ્વરનો સંકેત છે. એથી પશ્ચિમની અર્વાચીન સંસ્કૃતિ અને પૂર્વની પ્રાચીન સંસ્કૃતિનું પુનશ્ચ મિલન થશે અને એમાંથી એક નૂતન વિશ્વસંસ્કૃતિનું સર્જન થશે. અને તો એમાં ‘ગુર્જર વિદેશિની’ જેવી અનેક નાનીમોટી સંસ્થાઓનું પણ અર્પણ હશે! શક્ય છે કે ૨૧મી સદીમાં ઉત્તરોત્તર વધુ ને વધુ ત્વરિત, સસ્તા અને સરળ એવાં સંદેશાવ્યવહાર અને વાહનવ્યવહારનાં વધુ ને વધુ સાધનો વધુ ને વધુ ત્વરિત ગતિએ સુલભ થશે. એથી દૂરદર્શનને, પ્રવાસન અને સ્થળાંતર દ્વારા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે દિશામાંથી સૌ પ્રજાઓ અને સૌ સંસ્કૃતિઓનું મહામિલન થશે અને એમાંથી ઉપર્યુક્ત માન્યતામાં છે એથી યે વિશેષ ભવ્ય અને સુંદર એવી એક નૂતન વિશ્વ-સંસ્કૃતિનું, ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની સંસ્કૃતિનું, ‘યત્રૈવ વિશ્વં ભવત્યૈકનીડમ્’ની સંસ્કૃતિનું, ‘One World’ — ‘એક જગત’ની સંસ્કૃતિનું સર્જન થશે. પછી ૨૨મી સદીમાં ‘ગુર્જર વિદેશિની’ જેવી સંસ્થાઓનું વિસર્જન થશે અને એમાં જ એમની સાર્થકતા અને ચરિતાર્થતા હશે. તમને અભિનંદન અને ‘ગુર્જર વિદેશિની’ને શુભેચ્છા – સ્નેહાધીન 
૨૦ ઓગસ્ટ ૧૯૮૩ નિરંજન ભગત

*