સ્વાધ્યાયલોક—૬/ગોકળગાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘ગોકળગાય’

એક જ પંક્તિનું કાવ્ય, સંપૂર્ણ કાવ્ય હોય? હા. આ રહ્યું : ‘શિલીન્ધ્રથી ગોકળગાય રક્ષિત.’ વળી આ પંક્તિમાં ત્રણ જ શબ્દો છે, બે નામ અને એક વિશેષણ. ક્રિયાપદ પણ નથી. આ પંક્તિમાં અપૂર્ણ વાક્ય છે, એથી આ અપૂર્ણ વાક્યનું સંપૂર્ણ કાવ્ય પણ છે. આમ જુઓ તો આ કાવ્ય શિલીન્ધ્ર અને ગોકળગાયનું, બિલાડીનો ટોપ અને ગોકળગાયનું, સહેજ વધુ વિગતે જોવું હોય તો બિલાડીના ટોપની નીચે ગોકળગાયનું, એક વનસ્પતિ અને એક જંતુનું નાનું અમથું સાદું સામાન્ય ચિત્ર છે. બિલાડીનો ટોપ એ કોઈ આકર્ષક વનસ્પતિ નથી અને ગોકળગાય એ કોઈ આકર્ષક જંતુ નથી, એથી આ અનાકર્ષક ચિત્ર છે. વળી કાવ્યમાં કોઈ ક્રિયાપદ નથી, એટલે કે ક્રિયા નથી, ગતિ નથી, ત્રીજું પરિમાણ નથી. એથી આ ગતિહીન, દ્વિપરિમાણી ચિત્ર છે. આમ, આ કાવ્યમાં ત્રણ શબ્દોમાંથી બે શબ્દો લગી, ‘શિલીન્ધ્રથી ગોકળગાય’ લગી, એટલે કે અધઝાઝેરા કાવ્ય લગી તો માત્ર આવું ચિત્ર જ છે. ‘શિલીન્ધ્રથી ગોકળગાય’ — આ ચિત્ર પછી તો કાવ્યમાં હવે માત્ર એક જ શબ્દ છે અને પછી તો કાવ્યનો અંત છે. પણ આ અંત લગીમાં તો એકાએક આ ચિત્રનું કાવ્યમાં રૂપાન્તર થાય છે, આ શિલીન્ધ્ર અને ગોકળગાયનું, વનસ્પતિ અને જંતુનું પ્રતીકમાં રૂપાન્તર થાય છે, આ એક જ શબ્દ ‘રક્ષિત’ને કારણે કાવ્યમાં એક અજબ સ્ફોટ થાય છે, એક ગજબ ચમત્કાર થાય છે. આ એક જ શબ્દ ‘રક્ષિત’ દ્વારા ‘શિલીન્ધ્રથી ગોકળગાય’ના ગતિહીન દ્વિપરિમાણી ચિત્રમાંથી ગતિશીલ, ત્રિપરિમાણી કાવ્યનું સર્જન થાય છે. આ એક જ શબ્દ ‘રક્ષિત’ દ્વારા કાવ્યમાં ધ્વનિનો, કવિની શ્રદ્ધાનો, કવિના દર્શનનો પ્રવેશ થાય છે. આ કાવ્યમાં ત્રણ જ શબ્દો છે, ચોથો શબ્દ નથી. ચોથો શબ્દ કે વધુ શબ્દો હોત તો? તો શિલીન્ધ્ર અને ગોકળગાયમાં પ્રતીક સિદ્ધ થાય છે તે ન થાત, માત્ર કલ્પન જ સિદ્ધ થાત. ‘સંકલિત કવિતા’માં ‘ગગન ઘનથી ગોરંભાયું’ કાવ્યમાં શિલીન્ધ્ર તથા ‘શ્રાવણી મધ્યાહ્ને’ કાવ્યમાં ગોકળગાયનો ઉલ્લેખ છે : ‘જીવ કંઈ રમે છાયા માંહી લહાન શિલીન્ધ્રથી.’ 
‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત, 
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ’ વળી, કવિના એક બાળકાવ્યમાં, આ કાવ્યના સરલ સ્વરૂપાન્તર જેવા ૧૮ પંક્તિના બાળકાવ્ય ‘ગોકળગાય’માં બિલાડીનો ટોપ અને ગોકળગાય બન્નેનો ઉલ્લેખ છે : ‘ટોપમાં ગોકળગાય નચિંત, 
હલાવી રહી પાતળાં શિંગ.’ પણ એ કાવ્યોમાં અન્ય અનેક શબ્દો છે એટલે કે અન્ય અનેક અર્થો છે એથી એમાં શિલીન્દ્ર અને ગોકળગાયમાં માત્ર કલ્પન જ સિદ્ધ થાય છે, પ્રતીક નહિ. જ્યારે આ કાવ્યમાં માત્ર ત્રણ જ શબ્દો છે, એક પણ વત્તોઓછો શબ્દ નથી, અન્ય અર્થો નથી, ઉપમા આદિ અલંકારો નથી. એથી કાવ્યમાં માત્ર એક ઉદ્ગાર છે. આ ઉદ્ગારકાવ્ય છે. એમાં ભાષાની ભારે ત્રેવડ છે, શબ્દોની ભારે કરકસર છે. એથી એમાં તીક્ષ્ણતા અને તીવ્રતા છે, સઘનતા અને સચોટતા છે, લાઘવ અને સંયમ છે. પરિણામે એકેએક શબ્દ પર એકાગ્ર થવાનું, એકધ્યાન થવાનું શક્ય થાય છે, એટલું જ નહિ આવશ્યક થાય છે, બલકે અનિવાર્ય થાય છે. એથી જ શિલીન્ધ્ર અને ગોકળગાયમાં પ્રતીક સિદ્ધ થાય છે. ‘રક્ષિત’ શબ્દ દ્વારા કાવ્યમાં જે નથી એનું સૂચન થાય છે. એવું શું છે જેથી ગોકળગાય શિલીન્ધ્રથી રક્ષિત છે એવું કથન કરવું રહ્યું? એવું શું છે જેથી ગોકળગાયને શિલીન્ધ્રથી રક્ષિત થવું રહ્યું? એવું કંઈક છે જેથી ગોકળગાયનું અસ્તિત્વ અલોપ થાય. એવું કંઈક છે જેથી ગોકળગાય ક્ષણમાં, ક્ષણાર્ધમાં હતી ન હતી થાય. એવું કંઈક છે. આ કંઈક તે ઝંઝાવાત. આમ ‘રક્ષિત’ શબ્દ દ્વારા ઝંઝાવાતનું સૂચન છે. આ સમયે વિશ્વમાં એક ત્વરિત ગતિનો પ્રચંડ ઝંઝાવાત છે, ઊથલપાથલ છે, આસમાની-સુલતાની છે, આ સમયે સમગ્ર વિશ્વ આડુંઅવળું ને ઉપરતળે થાય છે. આ ‘રક્ષિત’ શબ્દને કારણે અને એ દ્વારા ઝંઝાવાતનું જે આ સૂચન છે તેને કારણે શિલીન્ધ્ર અને ગોકળગાયનું પ્રતીકમાં રૂપાન્તર થાય છે અને ચિત્રનું કાવ્યમાં રૂપાંતર થાય છે. કાવ્યમાં આ સ્ફોટ છે, ચમત્કાર છે, આ ગતિ છે, ત્રીજું પરિમાણ છે, આ ધ્વનિ છે, કવિની આ શ્રદ્ધા છે અને કવિનું આ દર્શન છે. આ ઝંઝાવાતમાં ગોકળગાયનું શું થશે? ગોકળગાયની ગતિની આ ગોકળગાયનું શું થશે? જેને ગતિ છે, ત્વરિત ગતિ છે એવાં મનુષ્યો તથા અન્ય પશુ, પંખી, જીવ, જંતુ તો સુરક્ષિત હશે. પણ આ અલસમંદ વિલંબિત ગતિની ગોકળગાયનું શું થશે? કવિનો આ પ્રશ્ન છે, કવિની આ ચિન્તા છે. એમાં ગોકળગાય જેવા એક નગણ્ય અને નજેવા જંતુ પ્રત્યે, ક્ષુદ્ર અને ક્ષુલ્લક જીવ પ્રત્યેનો કવિનો પ્રેમ પ્રગટ થાય છે. એમાં જીવમાત્ર પ્રત્યેની કવિની કરુણા પ્રગટ થાય છે. આ વિશ્વમાં કશું જ નગણ્ય અને નજેવું નથી, કશું જ ક્ષુદ્ર અને ક્ષુલ્લક નથી; સૌનું — ગોકળગાય સુધ્ધાંનું મૂલ્ય છે, મહત્ત્વ છે એવી કવિની પ્રતીતિ પ્રગટ થાય છે, આ કવિની શ્રદ્ધા છે, કવિનું દર્શન છે. પણ ત્યાં જ કવિને શેનું દર્શન થાય છે? ગોકળગાય શિલીન્ધ્રથી રક્ષિત છે, સુરક્ષિત છે. આ ઝંઝાવાતની વચ્ચે ગોકળગાય રક્ષણ માટે ક્યાં જાય? શિલીન્ધ્રની નીચે આ ઝંઝાવાતની વચ્ચે અલસમંદ વિલંબિત ગતિની, ગોકળગાયની ગતિની આ ગોકળગાય શિલીન્ધ્રની નીચે જાય એમાં એનો કેટકેટલો પરિશ્રમ હોય, કેટકેટલો પુરુષાર્થ હોય! ગોકળગાય જેવી ગોકળગાયને પણ કેવી જિજીવિષા હોય છે! આમ, કવિના પ્રશ્નને સાનંદાશ્ચર્ય ઉત્તર પ્રાપ્ત થાય છે. કવિ ચિન્તામુક્ત થાય છે. હાશ! ગોકળગાય સુરક્ષિત છે! પણ ગોકળગાય શાથી રક્ષિત છે? શિલીન્ધ્રથી. બિલાડીના ટોપથી. બિલાડીના ટોપની જેમ ફૂટવું એવા વાક્યપ્રયોગથી જેનો ઉપહાસ અને ઉપાલંભ થાય છે, જેની અવજ્ઞા અને અવહેલના થાય છે એ બિલાડીના ટોપથી. આવા શિલીન્ધ્રથી ગોકળગાય રક્ષિત છે! એમાં શિલીન્ધ્ર જેવા તુચ્છ અને પામર, ક્ષુદ્ર અને ક્ષુલ્લક પદાર્થ પ્રત્યેનો કવિનો આદર અને અહોભાવ પ્રગટ થાય છે. આ વિશ્વમાં કશું જ તુચ્છ અને પામર નથી, કશું જ ક્ષુદ્ર અને ક્ષુલ્લક નથી; સૌનું, શિલીન્ધ્ર સુધ્ધાંનું મૂલ્ય અને મહત્ત્વ છે એવી કવિની પ્રતીતિ પ્રગટ થાય છે, આ પણ કવિની શ્રદ્ધા છે, કવિનું દર્શન છે. કદાચ ગોકળગાયને માટે જ શિલીન્ધ્રનું અસ્તિત્વ હશે. કોને ખબર છે? બિલાડીના ટોપની જેમ ફૂટવું આ વાક્યપ્રયોગમાં બિલાડીનો ટોપ નકામો છે, નિરર્થક છે, નિરુપયોગી છે, નિર્હેતુક અને નિષ્પ્રયોજન છે એવો તુચ્છકાર છે, એવો બિલાડીના ટોપનો અસ્વીકાર છે. પણ આ વિશ્વમાં કશું જ નકામું નથી, કશું જ નિરર્થક નથી, નિરુપયોગી નથી, નિર્હેતુક અને નિષ્પ્રયોજન નથી. બધું જ કામનું છે, સાર્થક છે, ઉપયોગી છે, સહેતુક અને સપ્રયોજન છે. શિલીન્ધ્રથી ગોકળગાય રક્ષિત છે. એમાં ગોકળગાયને માટે જ, ગોકળગાયની સુરક્ષાને માટે જ શિલીન્ધ્રનું અસ્તિત્વ છે એવી જાણે કે કવિની પ્રતીતિ પ્રગટ થાય છે. આ પણ કવિની શ્રદ્ધા છે, કવિનું દર્શન છે. આ વિશ્વમાં ઝંઝાવાતની વચ્ચે શિલીન્ધ્રથી ગોકળગાય રક્ષિત છે. એટલે કે આ વિશ્વમાં બધું જ સુરક્ષિત છે અને બધું જ સહેતુક છે. કાવ્યમાં આ ધ્વનિ છે. એથી જ આ કાવ્યમાં શિલીન્ધ્ર અને ગોકળગાય પ્રતીક છે. આ વિશ્વમાં અનેક વાદવિવાદો અને વિગ્રહો, અનેક વિનાશો અને વિધ્વંસો, અનેક સંઘર્ષો અને સંહારો, અનેક યુદ્ધો અને મહાયુદ્ધો, અનેક અકસ્માતો અને ઉલ્કાપાતોની વચ્ચે મનુષ્યજાતિની ગોકળગાય માટે ક્યાંક કોઈક શિલીન્ધ્ર છે જ, નિયતિએ ક્યાંક કોઈ શિલીન્ધ્રનું નિર્માણ કર્યું છે જ. વિધાતાની આ વ્યવસ્થા છે જ. નિયંતાની આ યોજના છે જ. આમ, વિશ્વક્રમમાં કવિની આ શ્રદ્ધા છે. કવિનું આ દર્શન છે. કવિની આ શ્રદ્ધા, કવિનું આ દર્શન, કાવ્યના શબ્દોના અર્થમાંથી તો પ્રગટ થાય છે જ, પણ એ શબ્દોના અવાજમાંથી, સૂરમાંથી, લયમાંથી, આરોહઅવરોહમાંથી, સ્વરવ્યંજનવ્યવસ્થામાંથી, સમગ્ર નાદસંકુલમાંથી પણ પ્રગટ થાય છે. એટલે કે કાવ્યનો અર્થ કાવ્યના આકાર દ્વારા પણ પ્રગટ થાય છે, બલકે કાવ્યનો અર્થ કાવ્યના આકાર રૂપે પ્રગટ થાય છે. એથી અંતે કવિની આ શ્રદ્ધા, કવિનું આ દર્શન કાવ્યના અર્થાકાર દ્વારા પ્રગટ થાય છે. બલકે કાવ્યના અર્થાકાર રૂપે પ્રગટ થાય છે, આ કાવ્યનું ભાવયુક્ત અને ગૌરવયુક્ત પઠન કરવાથી પઠનને અંતે શ્વાસ હેઠો બેઠો હોય છે. હાશ! એથી અર્થનો આકાર રૂપે અનુભવ થાય છે, અને આકારનો અર્થ રૂપે અનુભવ થાય છે. કાવ્યમાં જે શબ્દો છે અને એ શબ્દોનો જે ક્રમ છે એમાં આ અનુભવનું રહસ્ય છે. કાવ્યમાં જે શબ્દો છે એને સ્થાને એ શબ્દોના જ સમાનાર્થી શબ્દો — બિલાડીનો ટોપ, સલામત આદિ — દ્વારા અને એ શબ્દોના શક્ય એટલા સૌ ક્રમ દ્વારા અથવા તો કાવ્યમાં જે શબ્દો છે અને એ શબ્દોનો જે ક્રમ છે એને સ્થાને એ જ શબ્દોના અન્ય ક્રમ — રક્ષિત શિલીન્ધ્રથી ગોકળગાય, રક્ષિત ગોકળગાય શિલીન્દ્રથી, ગોકળગાય રક્ષિત શિલીન્ધ્રથી, શિલીન્ધ્રથી રક્ષિત ગોકળગાય, ગોકળગાય શિલીન્દ્રથી રક્ષિત — દ્વારા આ અનુભવ નહિ થાય. એટલે કે આ કાવ્યમાં જે આ લય છે, લયના જે આ આરોહ-અવરોહ છે; લયની જે આ અતિવિલંબિત ગતિ છે : શિલીન્ – ધ્રથી ગો – કળ ગા – ય રક્-શિત એમાં આ અનુભવનું રહસ્ય છે. આ કાવ્યમાં જે શ્રદ્ધા છે, જે દર્શન છે એને કારણે જ રાજેન્દ્ર સ્વસ્થ અને સંયમી કવિ છે. પ્રશિષ્ટ કવિ છે. ‘સંકલિત કવિતા’માં ૧૦૫૮ પૃષ્ઠોમાં જે ૧૧૮૪ કાવ્યો છે તે જાણે કે આ કાવ્યના અનુસંધાનરૂપ છે, પ્રેમ, પ્રકૃતિ, પરમેશ્વર આદિ વસ્તુવિષયભેદે અને છંદ, ગીત, ગઝલ આદિ શૈલીસ્વરૂપભેદે જાણે કે આ કાવ્યના વિકાસ-વિસ્તારરૂપ છે. આ કાવ્ય ‘સંકલિત કવિતા’ને વાતાવરણની જેમ વ્યાપી વળ્યું છે. એથી જ આ કાવ્ય ‘સંકલિત કવિતા’માં નાન્દી રૂપે છે. ‘સંકલિત કવિતા’નાં કાવ્યોના સર્જનકાળ પૂર્વે રાજેન્દ્રના અંગત જીવનમાં જે ઝંઝાવાતો હોય તે (હશે સ્તો!). આ શ્રદ્ધા અને આ દર્શનની ગોકળગાય ‘સંકલિત કવિતા’ના શિલીન્ધ્રથી રક્ષિત છે. આ શ્રદ્ધા અને આ દર્શનને કારણે જ ગુજરાતી વિવેચને આરંભથી, ૧૯૫૦થી નોંધ્યું છે તેમ રાજેન્દ્રની કવિતામાં બાહ્યજગતના, સમકાલીન સમાજ અને સંસ્કૃતિના — અને અહીં ઉમેરું કે સાહિત્યના — ઝંઝાવાતોનો ઉલ્લેખ નથી, એની સ્થૂલ વિગતો નથી — અને અહીં એ પણ ઉમેરું કે એના સૂક્ષ્મ વાદવિવાદો અને વિસંવાદો પણ નથી, જેમ આ કાવ્યમાં પણ ઝંઝાવાત નથી. પણ આ કાવ્યને ઝંઝાવાતનો સંદર્ભ છે, તેમ રાજેન્દ્રની કવિતાને પણ એ ઝંઝાવાતોનો સંદર્ભ છે. બાહ્યજગતના, સમકાલીન સમાજ, સંસ્કૃતિ અને સાહિત્યના ઝંઝાવાતોની વચ્ચે જ રાજેન્દ્રએ સ્વસ્થ, શાંત કવિચિત્તે એમની કવિતાનું અવિરત, અવિશ્રાંત સર્જન કર્યું છે. આ કાવ્યના અર્થમાં રાજેન્દ્રનો કવિધર્મ છે અને આ કાવ્યના આકારમાં રાજેન્દ્રનું કવિકર્મ છે. આ કાવ્ય ‘સંકલિત કવિતા’નો બીજમંત્ર છે.

૧૯૮૩


*