સ્વાધ્યાયલોક—૬/સુરતથી વડોદરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુરતથી વડોદરા: બે લેખકમિલન વચ્ચેના સમયનું સાહિત્ય

ભૂમિકા બાંધનારની ભૂમિકા ભજવવાનું મારે ભાગે આવ્યું છે. તો બારપંદર મિનિટમાં આ ચિતરામણના ‘મૅક-અપ’ની મદદથી એ પાઠ હું પ્રેમથી ભજવીશ. ચર્ચાનો વિષય છે ‘સુરતથી વડોદરા’. માઇલ આટલા, ટિકિટના દર આટલા; ‘બે મિલન વચ્ચેના સમયનું સાહિત્ય’, સમય આટલો, સાહિત્ય આટલું; એમાં પુસ્તકો આટલાં, પાનાં આટલાં, વજન આટલું, મૂલ્ય આટલું — એવું અમેરિકન શૈલીનું એક અત્યંત રસિક વ્યાખ્યાન કરી શકાત. રસિક એટલા માટે કે આ યુગમાં આંકડાઓ જેવું રસિક બીજું કશું જ નથી. આજ લગી આ જ મિલનમાં એવાં રસિક વ્યાખ્યાનોનો આસ્વાદ આપણે કર્યો છે એથી જ ને કદાચ આપણા અરસિક મંત્રીઓને અવળી મતિ સૂઝી કે આમ ધોળા પર કાળું ચીતરી કાઢવાનું કહ્યું. તે આપની સમક્ષ અદબથી વાંચીશ. એક જર્મન અધ્યાપકે સાચું જ કહ્યું છે કે જગતના સર્વ મહાગ્રંથો આજે સવારે જ લખાયા છે. આ આડકતરા વાક્યનો સીધો અર્થ એ નથી કે આજે સવારે લખાયા હોય તે જગતના મહાગ્રંથો. આજે સવારે તો શું પણ બે મિલન વચ્ચેના બે વર્ષોના સમયમાં પણ આપણી ભાષામાં એકે મહાગ્રંથ નથી લખાયો એવા અણગમતા સમાચાર આપવા આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. ફૂલણજીની જેમ આ ચર્ચામાં ફટફટ કહી શકાય કે છેલ્લાં બે વર્ષોમાં ફલાણો મહાગ્રંથ ગુર્જર ગિરામાં લખાયો એટલા સારુ શું મહાગ્રંથે છેલ્લાં બે વર્ષો(૧૯૫૩-૧૯૫૫)માં જ જન્મવું? મહાપુરુષોની જેમ મહાગ્રંથોની પણ કુંડળી કઢાતી નથી. કોને ખબર છે આ ચર્ચાના અંત પછી જ એવા મહાગ્રંથનો આરંભ થવાનો હોય તો! એટલે છેલ્લાં બે વર્ષોમાં એકે મહાગ્રંથ નથી લખાયો એમ, અલબત્ત, કહીશ પણ પછી એમ નહિ પૂછું કે કેમ નથી લખાયો? નથી લખાયો કારણ કે આપણી વચમાં કોઈ મહાલેખક નથી. મહાલેખક કેમ નથી એમ તો ઊંઘમાં પણ ન પૂછું. એટલે મહાગ્રંથની અપેક્ષા વિના જ અહીં કેટલાક ગ્રંથોનો ઉલ્લેખ થશે એટલું એ ગ્રંથોને અન્યાય ન થાય એ માટે આગળથી કહી દેવું જોઈએ. આ ચર્ચાની ભૂમિકા બાંધનારે છેલ્લાં બે વર્ષોમાં પ્રગટ થયેલા સાહિત્યના વિવિધ સ્વરૂપમાં શાં વલણો વરતાય છે અને એનું શું પરિણામ આવ્યું છે એ વિશે વાત કરવાની હોય અને એના સમર્થન પૂરતી જ કેટલાક ગ્રંથો વિશે વાત કરવાની હોય એવી એની સમજ છે. અન્ય રીતે નોંધપાત્ર અને મહત્ત્વના હોવા છતાં આ વલણો સાથે સંબંધ ન ધરાવતા ગ્રંથોનો ઉલ્લેખ ન થાય તો એનો ગેરલાભ એ ગ્રંથોને નથી, આ ભૂમિકા બાંધનારને છે. છેલ્લાં કેટલાંક વર્ષોના અને સવિશેષ છેલ્લાં બે વર્ષોના સાહિત્યમાં બે વલણો સ્પષ્ટ વરતાય છે. એક વાસ્તવવિમુખતા અને બીજું વિચારશૂન્યતા અને એ બન્નેને પરિણામે સાહિત્યના વસ્તુમાં અપ્રમાણિકતા અને શૈલીમાં આડંબર. આપણો સરેરાશ લેખક વાસ્તવથી વિમુખ છે. અહીં વાસ્તવ એટલે, અલબત્ત, નર્યું વાસ્તવ નહિ, બે નેત્રથી નિહાળીએ છીએ એ વાસ્તવ નહિ; પણ કલ્પનાનેત્રથી, ત્રીજા નેત્રથી નિહાળીએ છીએ તે પ્રતીતિજનક વાસ્તવ. કાં તો આપણો લેખક વાસ્તવને જોતો નથી, એનાથી ડરે છે, દૂર ભાગે છે; કાં તો જુએ છે પણ કલ્પનાની નજરે જોતો નથી. એથી એ વિશે એ વિચારતો પણ નથી. આમ, વાસ્તવવિમુખતાને કારણે એનામાં વિચારશૂન્યતા જન્મી છે. હા, માત્ર વાસ્તવથી અને માત્ર વિચારથી સાહિત્ય સર્જાતું નથી. તો વાસ્તવ વિના અને વિચાર વિના પણ સાહિત્ય સર્જાતું નથી. આપણા મોટા ભાગના લેખકો યાંત્રિક સંસ્કૃતિની આગવી સરજત જેવી નગરીઓમાં જીવે છે. બસ, ટ્રેન, પ્લેઇન, તાર, ટેલિફોન, ટેલિપ્રિન્ટર, રેડિયો આદિ વ્યહવારસાધનોનો સીધો વા આડકતરો લાભ લે છે. આસ્ફાલ્ટની સડકો પર વિચરે છે. સિમેન્ટ ક્રૉંક્રીટનાં મકાનોમાં વસે છે. (આ પ્રતીકોનું પ્રતીકો તરીકે વિશેષ મૂલ્ય નથી) છતાં પણ એ પ્રતીકો દ્વારા વ્યક્ત થતી યાંત્રિક સંસ્કૃતિને, એ સંસ્કૃતિ પાછળનાં પરિબળોને, વાસ્તવને જોતા-સમજતા હોય એમ એમના સાહિત્યમાંથી જણાતું નથી. જે સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક પરિસ્થિતિમાં એ જીવે છે, જેના પર એમના વર્તમાન અને ભાવિ જીવનનો આધાર છે એ વિશે વિચાર થતો હોય એમ પણ એમના સાહિત્યમાંથી જણાતું નથી. વાસ્તવ અને વિચારથી ઘડાયેલું સંવેદન એમના સાહિત્યમાં જણાતું નથી. આ વલણો પ્રવર્તે ત્યારે કોઈ પણ સાહિત્યમાં જે પરિણામ આવે તે આપણા સાહિત્યમાં આવ્યું છે. એવું છેલ્લાં બે વર્ષોમાં પ્રગટ થયેલા ગ્રંથો પરથી લાગે છે. કવિતા, નવલકથા, નાટક, ચિંતન, વિવેચન અને ચરિત્રલેખનમાં શું પરિણામ આવ્યું છે તે જોઈએ. છેલ્લાં બે વર્ષોની કવિતામાં જે તત્ત્વો જણાય છે તે છે લોકગીતનું અનુસરણ(pseudo-folksy તત્ત્વ) અને નકલી રહસ્યવાદ (pseudo-mystical તત્ત્વ). પાસે જ ટેલિપ્રિન્ટરની કટકટ ચાલતી હોય ત્યારે કવિતા કોયલ અને મોરનાં ગીતોમાં મહાલતી હોય છે. અથવા તો કવિતામાં દૂર દૂરથી સાદ આવતો હોય છે. પણ ત્યારે જ પાસેના રેડિયોમાંથી આઠ-દસ હજાર માઇલ દૂરથી સાદ સંભળાતો હોય છે. કવિ આગળ ને પાછળ જુવે છે, જ્યાં છે તે જ સ્થળને જોતો જણાતો નથી. ભૂતકાળ અને ભાવિ ભણી દૃષ્ટિ નાંખે છે, વર્તમાનને જ વીસર્યો છે. આ બન્ને તત્ત્વો આપણો કવિ વાસ્તવમાંથી સ્થળાંતર કરી ગયો છે, વિમુખ થયો છે એમ સૂચવે છે. આને માટે લોકગીતોની અને સંપ્રદાયોની ઘેલછા જવાબદાર છે. હા, કવિ ગ્રામજીવન અને રહસ્યવાદી જીવનના પ્રદેશને પણ, જો એ એનું વાસ્તવ હોય તો, વગર પૂછ્યે ને વગર કહ્યે, પોતાની કવિતાનો વિષય બેધડક બનાવી શકે છે. પછી એ પ્રદેશ કવિ પૂરતો પણ વાસ્તવિક છે એની એણે પ્રતીતિ કરાવવી પડે. આ પ્રતીતિ કરાવવાનું એની, કવિની પાસે એકમાત્ર સાધન છે : લય અને પ્રતીકો. છેલ્લાં બે વર્ષોની કવિતાનાં લય અને પ્રતીકો જુનવાણી ને ચીલાચાલુ છે. એમાં કોઈ સર્જક-અવનવીનતા નથી, કોઈ મૌલિકતા નથી. એથી એની વાસ્તવિકતાની પ્રતીતિ થતી નથી. આજની મોટા ભાગની કવિતા ગેય છે એનું સાચું કારણ આ તત્ત્વો છે. આપણા પ્રમુખ કવિ અથવા આજના કવિપ્રમુખના ‘વસંતવર્ષા’માં અને જેમને વાસ્તવપ્રેમી તરીકે ગુજરાત હંમેશાં હોંશેહોંશે પ્રેમ કરશે તે કવિ સુન્દરમ્‌ની તાજી કવિતામાં પણ આ તત્ત્વો જોવા મળે છે. ૧૯૩૦ પછી કવિતામાં જે સમાજદૃષ્ટિ અને વાસ્તવપ્રેમ હતાં તે છેલ્લાં બે વર્ષોમાં પ્રિયકાંત મણિયાર કે હસમુખ પાઠક જેવાની કવિતામાં સદ્ભાગ્યે જોવા મળે છે એટલે ભવિષ્યમાં આપણો કવિ વાસ્તવના પ્રદેશમાં પાછો ફરશે એવી આશાનાં આછાં ચિહ્નો પણ પ્રગટ્યાં છે. સૌથી વધુ દરિદ્રતાનું દર્શન નવલકથાના ક્ષેત્રમાં થાય છે. આપણો નવલકથાકાર વાસ્તવમાંથી કાલાંતર કરી ગયો છે. છેલ્લાં બે વર્ષોની નવલકથામાં જે તત્ત્વો જણાય છે તે ઐતિહાસિક વસ્તુ, અગમનિગમ અને જાતીયતા. છેલ્લાં બે વર્ષોમાં ઐતિહાસિક નવલકથાને નામે નકલકથાઓ લખાઈ છે. નવલકથાકારને કોઈ પણ દેશ કે કાળનું વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે. પણ નવલકથાકારનું પ્રધાન કાર્ય વર્તમાન જીવનનું વાસ્તવચિત્ર આલેખવાનું અને એના રહસ્યનું દર્શન કરાવવાનું છે. એટલે જો પ્રાચીન સાથે અર્વાચીનનો, ઐતિહાસિક વસ્તુ સાથે આજના જીવનનો સીધો વા સૂચિત સંબંધ એ ન સ્થાપવાનો હોય તો એની નવલકથાઓ એ નકલકથાઓ છે. છેલ્લાં બે વર્ષોની નવલકથાઓમાં અગમનિગમને નામે અગડંબગડં જેનું લાડકું નામ મંબોજંબો છે, જેવું પણ ઘણું લખાયું છે. અગમનિગમ પણ વાસ્તવ જેટલું જ પ્રતીતિજનક હોય તો સાહિત્યને સ્વીકાર્ય છે, પણ અહીં તો વેદઉપનિષદની અને સંતોની પરિભાષાનો માત્ર પારાવાર દુરુપયોગ જ થયો છે. અગમનિગમને જાતીયતા સાથે ગાઢ સંબંધ છે. જાતીયતા (sex) આદિકાળથી સાહિત્યનો એક મહત્ત્વનો વિષય છે. કારણ કે જીવનમાં એને મહત્ત્વનું સ્થાન છે. એથી એ પવિત્ર પણ છે. કિરતારની સૃષ્ટિમાં કે મહાન સર્જકની કૃતિમાં એની ગેરહાજરી કલ્પવી જ અશક્ય છે. એટલો એ અનિવાર્ય છે. મનુષ્યમાત્ર, પશુ છે; પણ મનુષ્ય, માત્ર પશુ નથી. આથી જ આ વિષય જેટલો મહત્ત્વનો છે એટલો જ મુશ્કેલ છે. આવા મહત્ત્વના અને એથી જ આકર્ષક વિષયને ત્રાસદાયક, કંટાળાજનક અને નીરસ રીતે નિરૂપવામાં આવે ત્યારે જ એ બીભત્સ બને છે. પાઉન્ડે કહ્યું છે કે કલા એટલે કંટાળામાંથી છુટકારો, આપણે ઉમેરીએ કે કંટાળો એ જ કલામાં એકમાત્ર બીભત્સતા છે. જીવન જેણે ચોમેરથી જોયું-જાણ્યું નથી એવા અધૂરા અનુભવી, અધકચરા, કાચાપોચા લેખકનું આ વિષય છેડવા-છંછેડવાનું ગજું જ નથી. આમ, નવલકથાની સ્થિતિ સૌથી વધુ નિરાશાજનક અને ચિંતાજનક છે. ગોવર્ધનરામ પછીના આપણા એવા જ એક મહાન નવલકથાકાર પન્નાલાલે એમની એક વધુ નવલકથા ‘ના છૂટકે’ છેલ્લાં બે વર્ષોમાં જ પૂરી કરી છે, એથી આ પરિસ્થિતિમાં કંઈક રાહત અનુભવાય છે. આપણા સર્વશ્રેષ્ઠ નવલકથાકાર ગોવર્ધનરામની શતાબ્દીની આ સાલ છે. જગતની સર્વશ્રેષ્ઠ નવલકથા ટૉલ્સ્ટોયની ‘વૉર ઍન્ડ પીસ’નો અનુવાદ કરીને ગુજરાત એ શતાબ્દી સાચી રીતે ઊજવશે. ગોવર્ધનરામને આથી વધુ યોગ્ય અંજલિ ગુજરાત ભાગ્યે જ અર્પી શકે. ‘સંસ્કૃતિ’ના વિદ્વાન તંત્રીથી માંડીને ભીંડીબજારના શ્રમિક વાચક લગીનાની વાહવાહથી નજરાયેલું અને અનેક કારણોસર છેલ્લાં બે વર્ષોમાં સૌથી વધુ નામના ખાટી ગયેલું પુસ્તક ‘અમાસના તારા’ સર્જકસ્મૃતિનો પરિપાક હોવાથી નવલિકાનું પુસ્તક છે. કર્તાએ જિપ્સીનું તખલ્લુસ રાખતાં રાખી લીધું છે તો ભલે, પણ જો જિપ્સીઓને આ પુસ્તક વંચાવી શકાય તો આપણા જિપ્સીને તેઓ નાતબહાર મૂકે એવી એની અમીરી છે. જિપ્સીના અંચળા હેઠળ એક રજવાડી ઠાઠનો અમીર છુપાયો છે. આ જિપ્સીને ગાંધી, ટાગોર ને અરવિંદ, રાજારજવાડાં ને નવાબો, બાદશાહો અને સમ્રાટો, ઉસ્તાદ સંગીતકારો અને સંસ્કારી ચિત્રકારો, જગતનાં મહાનગરો અને એમની મોંઘામાં મોંઘી હોટેલોની માયા છે. પણ જિપ્સી નામ ધાર્યું એટલે ઉઘાડા આકાશ હેઠળ, ભૂખે પેટે, ચીંથરેહાલ, અહીંતહીં ભટકતી માનવતા સાથે પ્રેમ કરવો રહ્યો. પણ પેલી માયા આ પ્રેમની આડે આવે છે. ‘અમાસના તારા’ જો જિપ્સી હોઈએ તો કેવું લખવું જોઈએ એવી એક આસ્માની ખ્યાલાતનું પરિણામ છે. એટલે ક્ષણભર આપણે જિપ્સીને ભૂલી જઈએ. અને કર્તાનો કોઈ વાસ્તવિક, નક્કર, પ્રતીતિજનક અનુભવ એમાં જડે છે કે નહિ તે જોઈએ. પુસ્તકના આરંભનાં પોણો સો પાનાંમાં કર્તાની ઉંમર વીસથી વધુ નહોતી એથી ત્યારનાં પાત્રો અને પ્રસંગો હરિશ્ચંદ્ર ભટ્ટનાં એ જ વિષયનાં કાવ્યોની જેમ આપણા સાહિત્યમાં સદાય આસ્વાદ્ય રહેશે. પણ પછીનાં બધાં જ પાનાંઓથી સાહિત્યને ખાસ લાભ થયો નથી કારણ કે એની આડંબરી અને એકસૂરીલી શૈલી તથા ‘આદમિયત’, ‘માનવતા’, ‘જિંદગી’ જેવા ફૂલગુલાબી શબ્દોનો નિરર્થક ઉપયોગ પાત્રો અને પ્રસંગોની વાસ્તવિકતાની પ્રતીતિ કરાવવામાં ધરાર નિષ્ફળ જાય છે. આ શૈલી અત્યંત જોખમી છે, છાપાળવી છે. પણ આપણા જર્નાલિઝમના યુગમાં એનું અનહદ જાદુ હોય એ સ્વાભાવિક છે. પન્નાલાલના વાર્તાસંગ્રહ ‘ઓરતા’માં પણ રોમેન્ટિક શૈલી છે. પાત્રો અને પ્રસંગોની વાસ્તવિકતાની પ્રતીતિ તથા આદમિયત, માનવતા, જિંદગી આદિનું દર્શન કેવું સહજમાં થાય છે! પન્નાલાલ કસબી નથી, કલાકાર છે. જ્યારે કોઈપણ સાહિત્ય વાસ્તવવિમુખ થાય ત્યારે પહેલું મોત નાટકનું થાય. પણ સદ્ભાગ્યે ગુજરાતમાં હજુ નાટક જન્મ્યું જ નથી. છેલ્લાં પચીસ વર્ષોથી ચન્દ્રવદન મહેતા લાંબું નાટક લખવાનો પ્રયત્ન કરે છે પણ એમનો એ પ્રયત્ન ઉત્તરોત્તર કેવો વધુ ને વધુ પાછો પડતો ગયો છે એની પ્રતીતિ છેલ્લાં બે વર્ષોમાં લખાયેલા અને ભજવાયેલા એમના નાટક ‘માઝમરાત’માં થાય છે. ગુજરાત એકાંકીના ક્ષેત્રમાં ભાગ્યશાળી નીવડ્યું છે. ઉમાશંકરે ઉત્તર ગુજરાતના સમાજની વાસ્તવિકતાનું વિરલ દર્શન કર્યું હોવાથી આપણને પ્રથમ કોટિનાં એકાંકીઓ આપ્યાં; તેમ જયંતિ દલાલે શહેરી મધ્યમવર્ગની વાસ્તવિકતાનું એવું જ દર્શન કર્યું હોવાથી જે પ્રથમ કોટિનાં એકાંકીઓ આપ્યાં એમાંનાં કેટલાંક ‘ત્રીજો પ્રવેશ’માં છે. નવલકથા અને નવલિકાના ક્ષેત્રમાં ઓછામાં ઓછી એક નવલકથા અને એક નવલિકાસંગ્રહની દાઢમાં સ્વાદ રહી જાય એવી રસસિદ્ધિ મેળવ્યા પછી ચુનીલાલ મડિયાને છેલ્લાં બે વર્ષોથી એકાંકીનું અજબ આકર્ષણ રહ્યું છે. એટલે ભવિષ્યમાં પ્રથમ કોટિનાં એકાંકીઓનો ઓછામાં ઓછો એક સંગ્રહ નહિ આપે ત્યાં લગી તેઓ જંપશે નહિ. શિવકુમાર જો સંવાદથી આગળ વધે તો સાચાં એકાંકી આપી શકે. વિચારશૂન્યતાનું સ્પષ્ટ પરિણામ છેલ્લાં બે વર્ષોમાં એ આવ્યું કે ચિંતનસાહિત્યને નામે મોટું મીડું. વિવેચનમાં પણ જે ગણનાપાત્ર પુસ્તકો પ્રગટ થયાં તે અર્વાચીન સાહિત્ય વિશે નથી. અનંતરાય રાવળનો ઇતિહાસ મધ્યયુગના સાહિત્ય વિશે છે. ભોગીલાલ સાંડેસરા અને હરિવલ્લભ ભાયાણીના ગ્રંથો ભાષાશાસ્ત્ર વિશે છે. આ ગ્રંથોનું મૂલ્ય વિવેચનની આ વેરાન વાડીમાં સવિશેષ છે. છેલ્લાં બે વર્ષોમાં આપણું વિવેચન તદ્દન સપાટિયાં, છાપાળવાં ‘રીવ્યુઝ’ – અવલોકનોમાં અટવાઈ ગયું છે. લોકનાયકોની એક આખી પેઢી જ્યારે કબરને કિનારે પહોંચી હોય ત્યારે સાચાંખોટાં ચરિત્રલેખનની ફેશન ફાટી નીકળે તો નવાઈ નહિ! ચરિત્રલેખનમાં કલ્પનાને અવકાશ જ નથી. એટલે જ્વલંત પાત્રો, અસાધારણ પ્રસંગો, જીવન વિશે પોતાના ઊંડા વિચાર અને ચિંતન વિના ભાગ્યે જ કોઈ જીવનચરિત્ર સાહિત્યનું માનવંતું બિરુદ ખાટી શકે. મારા-તમારા જેવા સામાન્ય માનવીની આત્મકથાને પણ લોકશાહીમાં જરૂર અવકાશ છે, પણ વિરલ વ્યક્તિત્વ, રાષ્ટ્રવ્યાપી પ્રસંગો અને પાત્રો તથા યૌવન અને તાજગીથી થનગનતી કલમને કારણે ઇન્દુલાલ યાજ્ઞિક જેવાની ‘આત્મકથા’ જ સાહિત્યકૃતિની કક્ષાએ પહોંચી શકે. આમ, સુરતથી વડોદરા – બે મિલન વચ્ચેના સમયના સાહિત્યમાં જે વલણો વરતાય છે અને એનું જે પરિણામ આવ્યું છે તે અહીં ભૂમિકા રૂપે રજૂ કર્યું છે. હવે પછીના મિત્રો આ ભૂમિકાને ખીલવશે. બનવા જોગ છે કે એને પડકારશે કે આવકારશે, પણ વિકસાવશે તો જરૂર.

(વડોદરામાં ‘લેખક મિલન’ના અધિવેશનમાં ચર્ચા માટેની ભૂમિકારૂપ વ્યાખ્યાન. ૧૧ જૂન ૧૯૫૫.)

*