સ્વાધ્યાયલોક—૬/સ્વપ્ન અને જાગૃતિની સાંધ્યભૂમિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વપ્ન અને જાગૃતિની સાંધ્યભૂમિ

‘કાચ એને તાકી રહ્યો.’ નવલકથાનું આ અંતિમ વાક્ય છે. પણ નવલકથાનો આ અંત નથી. ત્યાર પછી એક ચિત્ર છે. પથ્થરોની એક ઊંચી દીવાલ અને નીચે એક નિદ્રાધીન કિશોર. નવલકથાનો અંત છે આ પ્રતીક. અને નવલકથાનો આરંભ છે ‘શબનિકાલની સમસ્યા’નું રૂપક. અને આ રૂપક અને પ્રતીકની વચમાં નવલકથાના મધ્યમાં એનાં અધઝાઝેરાં પાનાંમાં છે એક તીર્થયાત્રાનું નર્યું ગદ્યાળુ કથન-વર્ણન. પણ આ તીર્થયાત્રા જાગૃતિથી વધુ તો દિવાસ્વપ્ન અને દિવાસ્વપ્નથી વધુ તો સ્વપ્ન હોવાનો સંભવ છે. નવલકથાના શીર્ષકમાં પણ એનું સૂચન છે. એથી આ નર્યું ગદ્યાળુ કથન-વર્ણન પણ અંતે સમગ્ર નવલકથા જે સ્વપ્નકવિતારૂપ છે એના એક અંતર્ગત કાવ્યાંશ રૂપે આપોઆપ સિદ્ધ થાય છે. આમ, આ નવલકથા એના આદિ, મધ્ય, અંતમાં રૂપક, સ્વપ્ન અને પ્રતીકને કારણે સાદ્યંત કાવ્યમય એવી એક કલા-આકૃતિ છે. એક સવારે એક પોળમાં ઓટલા પર વાણિયો છાપું વાંચે છે એ વાસ્તવિક ઘટનાથી નવલકથાનો આરંભ થાય છે. એ છાપામાં ‘કૈસરે હિન્દ’ પત્રમાં પારસી પંચાયતના એક ટ્રસ્ટીનું જે નિવેદન પ્રસિદ્ધ થયું છે એનો સારભાગ આપ્યો છે, ‘શબનિકાલની સમસ્યા’ એ શીર્ષકથી. આ સારભાગ પ્રમાણે મહાનગરની ડુંગરવાડીમાં પારસીઓના ધાર્મિક રિવાજ પ્રમાણે શબનિકાલ માટે ત્રણ શબ-કૂવા છે. પણ મહાનગરમાં — આધુનિક યાંત્રિક નગર અને નગરસંસ્કૃતિના વિસ્તાર અને વિકાસને કારણે સ્તો — સમડી, ગીધ વગેરે પક્ષીઓથી હજુ પણ શબનો નિકાલ થાય છે એ પારસી કોમની ભ્રાન્તિ છે. શબ ઉપર શબ ખડકાય છે, એ સૌ શબ સડે છે અને ગંધાય છે. પારસી કોમે આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ અને અગ્નિદાહ, દાટવું, દરિયાને હવાલે કરવું — આ ત્રણ શક્ય પદ્ધતિઓમાંથી કોઈ એક પદ્ધતિ દ્વારા માત્ર પંચાયતે નહિ સમગ્ર પારસી કોમે આ શબનિકાલની સમસ્યાનો સર્વસંમત ઉકેલ શોધવો જોઈએ. નવલકથા વાંચતાં વાંચતાં સતત અને નવલકથા વાંચી રહ્યા પછી સવિશેષ સ્પષ્ટ થાય છે કે આ શબનિકાલની સમસ્યા માત્ર એક વાસ્તવિક ઘટના નથી પણ પશ્ચાત્દર્શનથી એ એક રૂપક પણ છે. શબનિકાલની સમસ્યા એ પારસી પંચાયત કે કોમની જ નહિ પણ સાહિત્યિક સમાજની પણ સમસ્યા છે. નવલકથાના નાયકનું ચિત્ત એ શબકૂવો છે. મા શાન્તાનું અને વિનાયકકાકાનું ચિત્ત પણ અન્ય બે શબકૂવા છે. એમાં શબ ઉપર શબ ખડકાય છે, એ સૌ શબ સડે છે અને ગંધાય છે. આધુનિકતાના આ યુગમાં ઘટના, કાલાનુક્રમ, કાર્યકારણસંબંધ આદિ નવલકથાની પરંપરાગત પદ્ધતિઓ દ્વારા આ શબનો નિકાલ થાય એ ભાવકોની ભ્રાન્તિ છે. આ પદ્ધતિઓ દ્વારા આ શબનો નિકાલ થતો નથી ને થાય પણ નહિ. ભાવકોએ આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ. અને અન્ય શક્ય પદ્ધતિઓમાંથી કોઈ એક પદ્ધતિ દ્વારા માત્ર સર્જકોએ નહિ પણ સમગ્ર ભાવક-સર્જક સમાજે, સાહિત્યિક સમાજે આ શબનિકાલની સમસ્યાનો સર્વસંમત ઉકેલ શોધવો જોઈએ. આપણા નવલકથાકારે આ નવલકથામાં નવલકથાની એક નવલ પદ્ધતિ દ્વારા આ શબનિકાલની સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કર્યો છે. આમ, આ રૂપકની આ નવલકથાને સમજવામાં ભાવકને આરંભથી જ સહાય છે. આ નવલ પદ્ધતિમાં કશું જ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, કશું જ સંપૂર્ણપણે અસ્પષ્ટ પણ નથી. બધું જ સ્પષ્ટાસ્પષ્ટ છે. નવલકથામાં સમય અને સ્થળ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. કારણ કે આ નવલ પદ્ધતિમાં પંચાંગમાં પામી શકાય એવો સમય અને નકશામાં નિર્દેશી શકાય એવું સ્થળ ઇષ્ટ નથી. તો નવલકથામાં સમય અને સ્થળ સંપૂર્ણપણે અસ્પષ્ટ પણ નથી. ‘૧૯…’ દ્વારા આ સદીનું સૂચન તો છે જ. તો વળી ઇલેક્ટ્રિકનો થાંભલો, સિનેમાનું રંગીન પોસ્ટર, ‘પદયાત્રાસંઘ’નું મોટું પીળું કાગળિયું, પદયાત્રા દરમ્યાન મહારાજશ્રીની મોટરમાં યાત્રા વગેરેના ઉલ્લેખમાં ૧૯૩૦થી (મ્યુનિસિપલ બસના ઉલ્લેખમાં ૧૯૪૦થી અને રિક્ષાના ઉલ્લેખમાં ૧૯૫૦થી) ૧૯૭૯ વચ્ચેના પાછલા પાંચ દાયકા દરમ્યાન કોઈ એક વર્ષના સમયનું સૂચન છે. એ વર્ષમાં અંગ્રેજી-દેશી મહિનો, તારીખ, તિથિ, વાર અને કલાક સુધ્ધાંનો તો સ્પષ્ટ ઉલ્લેખ છે. તો વળી સ્થળ રૂપે નગરનો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. ચાર રસ્તા, ફુવારા, સાંકડી ગલી, ઢાળવાળી ખડકી, કમાનવાળી શેરી, શેઠિયા પોળ, રાફડાની પોળ, સજ્જન ગોપાળની હવેલી, જાગનાથનું મંદિર, રાધાકિશનનું મંદિર, રામનાથ મહાદેવ આ અમદાવાદના ખાડિયા-રાયપુર વિસ્તારોનાં કેટલાંક સુપ્રસિદ્ધ સ્થળોનાં નામોના, અલબત્ત, મુખ્યત્વે અલ્પ પરિવર્તન સાથે તથા ચકલું, બગીચા, દેવળો, મિનારા, નદીનો પુલ, રિક્ષા, મ્યુનિસિપાલિટીની મોટરબસ, સ્ટેન્ડ વગેરેના ઉલ્લેખમાં અને વળી સત્સંગમંડળ, પદયાત્રા સંઘ, વૈષ્ણવ ધર્મનું વાતાવરણ વગેરેમાં પણ આ નગર તે અમદાવાદ એવું સૂચન છે. એક વાર અમદાવાદ નામનો પણ ઉલ્લેખ છે. નવલકથાકારને આ વિસ્તારો અને આ વાતાવરણ અતિપરિચિત છે. વળી તીર્થસ્થાન રૂપે ઠાકોર નામનો ઉલ્લેખ છે એમાં અને વળી ઠાકોરમાં પણ જે સ્થળોનાં નામોનો ઉલ્લેખ છે, એનું જે વર્ણન છે, ઠાકોરમાં જે વૈષ્ણવ ધર્મનું વાતાવરણ છે એમાં આ તીર્થસ્થાન તે ડાકોર એવું સૂચન છે. નગરમાંથી પદયાત્રામાં ચાર દિવસમાં તીર્થસ્થાન પર પહોંચી જવાય છે અને વચમાં મેશ્વો નદી આવે છે એમાં પણ આ નગર તે અમદાવાદ અને આ તીર્થસ્થાન તે ડાકોર એવું સૂચન છે. નવલકથાનો નાયક નવીન મૅટ્રિકમાં ત્રણેક વાર નપાસ થયો છે. એથી અત્યારે એનું અઢાર-ઓગણીસ વર્ષનું વય હશે. પિતા મથુરદાસ અને માતા શાન્તા. એ એના માતાપિતાનું એકનું એક સંતાન છે. પિતા નથી. માતા શાન્તા વિદ્યમાન છે. માતા સંચાકામ કરે છે. એ દરજીનો દીકરો છે. મૅટ્રિક લગી ભણી શક્યો છે, ત્રણેક વાર મૅટ્રિકમાં નપાસ થયો છે છતાં હજુ ભણવાનું છોડવું પડ્યું નથી. નિયમિત ડાયરીઓ ખરીદી શકે છે. મહારાજની કથામાં આરતીમાં પાવલી નાખી શકે છે. બાર આનાની નોટ ખરીદી અંદર મહારાજનો રંગીન ફોટો ચોંટાડી શકે છે. મહારાજની જન્મજયંતીએ મહારાજને ગુલાબનો હાર પહેરાવી શકે છે. પદયાત્રા સંઘમાં જવા અગિયાર રૂપિયા ભરી શકે છે. આમ, એ મધ્યમ વર્ગનો છે. એ અત્યંત એકલવાયો છે. એ ડાયરી રાખે છે. એમાં સારા સારા વિચારો નોંધે છે, મહાપુરુષોનાં વાક્યો, સંભાષણો, સૂત્રો, ભજનો, શ્લોકો મરોડદાર અક્ષરમાં કવચિત્ જુદી જુદી શાહીમાં સરસ રીતે ધીરજથી ધીમે ધીમે ઉતારે છે. એ ધીમે ધીમે લખે છે એટલે એના માર્ક ઓછા આવે છે. એથી જ કદાચ એ મૅટ્રિકમાં ત્રણેક વાર નપાસ થયો છે. ઉપરાંત દિવસ દરમ્યાન જે કાંઈ બને એને એ ગમે તે સમયે ટપકાવે છે, લાંબું લાંબું લખે છે, લાગે છે તે જ લખે છે. એથી જ એ નવલકથાનાં અધઝાઝેરાં પાનાં જેમાં નર્યું ગદ્યાળુ કથન-વર્ણન છે એવી છ દિવસની પદયાત્રાની ડાયરી નિયમિત લખે છે. સંવાદ એની અશક્તિ છે. પોતે ઝાઝા પ્રશ્નો પૂછતો નથી. પૂછે તો એનો તાત્કલિક ટૂંકો ઉત્તર જ ચાહે છે. કોઈને લાંબો જવાબ આપતો નથી. લાંબી પીંજણ એને ગમતી નથી. એને બહુ ભાઈબંધો નથી. છે તે એને ‘માવડિયો’ કહે છે. એને માઇલો સુધી ધીમે ધીમે કચ્છપગતિએ ચાલવાની ઇચ્છા છે. એથી રસ્તાના રાહદારીઓ, દુકાનદારો અને છોકરાંઓએ એનું નામ ‘નવીન ચાલુ’ પાડ્યું છે. વળી હાઇસ્કૂલની નિસરણી ગોકળગાયની ગતિએ ચડે છે. એથી સહપાઠીઓએ એનું નામ ‘નવીન ધીમો’ પાડ્યું છે. એને ચશ્માં છે. ચશ્માં જ્યારે નાકની દાંડીને છેડે નીચે ઊતરી પડે છે ત્યારે અંગૂઠાની પાસેની આંગળીના ટેરવાથી એ ઊંચે ચઢાવે છે. એ છોકરી જેવો નમણો છે. દિવાસ્વપ્નમાં કે સ્વપ્નમાં જ્યારે જોયું કે મહેમાનના પંજાની આસપાસ રૂંછાદાર રુવાંટી છે અને પોતાને તો છોકરી જેવી સાફ છે ત્યારે પોતાને પણ એવી રૂંછાદાર રુંવાંટી હોય એમ એ ઇચ્છે છે. એ વાઘરણ સ્ત્રી વિશે કલ્પનાનું ચિત્ર આંકવા માંડે છે અને કુત્તાને પંપાળે છે, એના કાન પર હાથ પસવારે છે ત્યારે કુત્તાની રુંવાંટી સાથેનું ઘર્ષણ એને ગમે છે. પદયાત્રામાં પહેલા દિવસની રાતે સ્વપ્નમાં સીવવાના સંચાના પાવલા પર પિતાના પગ પર ગીચ રોમાવલિ જુએ છે ત્યારે પોતાના રોમશૂન્ય પગ પર અણગમાની આંખે જુએ છે. પદયાત્રા સંઘમાં જવાના અગિયાર રૂપિયા ભરવા જાય છે ત્યારે ભાલુભાઈ એક આંખ ફાંગી કરી એના ગોળ ગોળ સુડોળ ઢીંચણને સ્પર્શ કરે છે ત્યારે એ સ્પર્શ એને પસંદ પડી જાય છે. એથી જ પદયાત્રામાં બીજા દિવસની રાતે સોહનભાઈ એની સાથે સજાતીય સંબંધનો અનુભવ કરી શકે છે. ભાઈબંધો ભલે એને ‘માવડિયો’ કહે પણ મા શાન્તા સાથે એનો આત્મીય તો શું પણ સામાન્ય સંબંધ પણ નથી. સમગ્ર નવલકથામાં માતા-પુત્ર વચ્ચે કુલ પાંચેક વાર જ કંઈક વ્યવહાર થાય છે. એમાં બન્ને વચ્ચે પાંચેક વાક્યોની પણ આપ-લે થતી નથી. ઘરે આવે ને બારણું બંધ હોય તો ‘બા!’ એવી બૂમ પાડતો નથી, સાંકળ ખખડાવતો નથી. માત્ર બહારથી બારણે ટકોરા જ મારે છે. મુખ્યત્વે બન્ને વચ્ચે મૌનનો સંબંધ છે. હમણાં હમણાંથી તો માનો ગંભીર ગુનો કર્યો હોય એવી રીતે એ ઘર બહાર દિવસ ને રાત ફર્યા કરે છે. પદયાત્રામાં ત્રીજા દિવસની રાતે સ્વપ્નમાં એ છાપામાં વાંચે છે કે એક સર્વેક્ષણમાં ‘તમે તમારાં માતા-પિતા પાસેથી શું ચાહો છો?’ એવા એક પ્રશ્નના ઉત્તરમાં કેટલાંક બાળકોએ માતા-પિતા પાસેથી વધુ ઉદારતાની ઇચ્છા દાખવી કહ્યું હતું કે માતા-પિતા પોતાની સાથે રમે, પિતા નોકરીએ ન જાય, પોતાની સાથે રહે, પોતાની વાત સાંભળે, પોતાને સમજે. અને છાપું વાંચી રહ્યા પછી એ લેખ પરીક્ષામાં નિબંધ તરીકે પુછાય તો કામ આવશે એમ માની કાતર લઈ કાપવા માંડે છે. આમ, નવીન અત્યંત મંદ, નિષ્ક્રિય અને અરક્ષિત છે. અત્યંત એકલવાયો છે. રસ્તાનાં રાહદારીઓ, દુકાનદારો અને છોકરાંઓ ભલે એને ‘નવીન ચાલુ’ કહે, સહપાઠીઓ ભલે એને ‘નવીન ધીમો’ કહે અને પ્રથમ વાર એણે પોતાનું આ નવું નામ સાંભળ્યું ત્યારે તો એની ભમ્મરો કાનખજૂરાની જેમ સંકોચાઈ ગઈ હતી છતાં નવીન ભલે સંતની જેમ મરકી શક્યો હોય, પણ નવલકથાકાર તો નવીનમાં માઇલો સુધી ધીમે ધીમે કચ્છપગતિએ ચાલવાની જે ઇચ્છા છે, હાઇસ્કૂલની નિસરણી ગોકળગાયની ગતિએ ચઢવાની જે ધીમી ચાલ છે એનું કારણ જાણે છે, નવીન અત્યંત એકલવાયો છે એનું રહસ્ય જાણે છે. એનું કારણ છે નવીનના પિતા, પિતા મથુરદાસ. એનું રહસ્ય છે નવીનનો મથુરદાસ સાથેનો સંબંધ. ‘સ્વપ્નતીર્થ’ એ પિતા-પુત્ર સંબંધની નવલકથા છે. ‘સ્વપ્નતીર્થ’માં વસ્તુવિષય છે પિતાની શોધ અને શૈલીસ્વરૂપ છે સ્વપ્ન-દિવાસ્વપ્ન. નવલકથાના શીર્ષકમાં જ એનું સૂચન છે. ‘તીર્થ’ એટલે પિતા. ભારતીય સંસ્કૃતિમાં પિતા તીર્થસ્વરૂપ ગણાય છે. નવીનને માટે ઠાકોર નામના તીર્થની યાત્રા જાગૃતિમાં શક્ય છે. પણ પિતારૂપી તીર્થની યાત્રા તો સ્વપ્નમાં જ શક્ય છે. નવલકથાનું શીર્ષક ‘સ્વપ્નતીર્થ’ સાર્થ છે. અને નવલકથામાં પ્રત્યેકનું સ્વતંત્ર અસ્તિત્વ છે છતાં આ બન્ને તીર્થ અંતે એકરૂપ થાય છે. જાગૃતિનું સ્વપ્નમાં અને સ્વપ્નનું જાગૃતિમાં સતત પરિવર્તન થાય છે. જાગૃતિ અને સ્વપ્ન એકમેકમાં સતત સરી જાય છે. જાગૃતિ અને સ્વપ્ન વચ્ચેની સીમાનો સતત લોપ થાય છે. ક્ષણે ક્ષણે આ જાગૃતિ હશે કે સ્વપ્ન હશે એવો પ્રશ્ન પૂછવાનું અનિવાર્ય થાય છે. શૈલીસ્વરૂપમાં એટલી પારા જેવી સરલ-તરલ પ્રવાહિતા છે. એથી જ ‘સ્વપ્નતીર્થ’ એ સ્વપ્ન અને જાગૃતિની સાંધ્યભૂમિની નવલકથા છે. નવીને ‘કાકા’નો એટલે કે પિતાનો ફોટો જ જોયો છે. હજુય એ ક્યાંક ગયા પછી પાછા આવ્યા જ નથી. નાનપણથી એના કાકા નાસી ગયાનું એણે સાંભળ્યું છે. પિતાનો ફોટો માના સીવણસંચા ઉપર રાત્રે વિધિવત્ મુકાય છે અને સવારે સંચાકામે ચઢતાં બારી પાસેની ખીંટી પર જતો રહે છે. (મા જેને ચાંલ્લો કરે છે એવો કાકાનો જુવાનીનો બીજો એક ફોટો પણ છે.) અને વેકેશન પડ્યું ત્યારથી તે રોજ કાકાની છબીને લૂછીને ચોખ્ખી રાખવા માંડ્યો છે. પદયાત્રામાં પાંચમા દિવસની રાતે બાર વાગ્યા પછી ‘માતાજી’ને નામે પ્રસિદ્ધ એવાં એક બહેનને આંબાવાડીમાં કોઈ કાળા રંગની અજાણી વ્યક્તિનું દર્શન થાય છે એટલું જ નહિ પણ છઠ્ઠા દિવસે નવીનને પણ એવી જ કોઈ પાકા કાળા રંગની અજાણી વ્યક્તિનું મિલન પણ થાય છે. એટલે કે નવીને પિતાને જોયા જ નથી. એને પિતાની આકૃતિ-મુખાકૃતિનું સ્મરણ સુધ્ધાં ન થાય એટલી એની નાની વયે એના પિતાએ ગૃહત્યાગ કર્યો છે અને એ હજુ ક્યાંક વિદ્યમાન હોય અને તો ક્યારેક પાછા પણ આવે એવું એમાં સૂચન છે. નવીન એક દિવસ શાળાના વયોવૃદ્ધ હેડમાસ્તરનું અવસાન થયું ત્યારે એકાએક બપોરે ઘેર આવે છે. ઘરનું બારણું બંધ હોય છે. ઓરડામાંથી હરફરનો અથવા કપડાંના સળવળાટથી થતો અવાજ આવે છે. એકાદ મિનિટમાં બારણું ખૂલે છે. અને નવીન ઘરમાં મા અને વિનાયકકાકાને સાથે જુએ છે. એ જ સાંજે એનો મિત્ર રમણ એક વાઘરણ એના ધણીને મારી બીજા કોઈક જોડે નાસી જતી હતી અને પોલીસના કૂતરાએ એને ઘરેણાં સાથે પકડી હતી એવી એક ખૂન વિશેની વાત નવીનને કહે છે. પછી નવીન એ વાઘરણ સ્ત્રી વિશેની કલ્પનાનું ચિત્ર આંકવાનો જેટલી વાર પ્રયત્ન કરે છે એટલી વાર વાઘરણને સ્થાને કોઈક પરિચિત સ્ત્રીનો ચહેરો-મહોરો જુએ છે. નવીન સમક્ષ મા એક વાર ઘનશ્યામજી મહારાજનાં વખાણ કરે છે. ઘનશ્યામજી મહારાજના સત્સંગ મંડળ અને પદયાત્રા સંઘના અગ્રણી કાર્યકર્તા સંઘવી ભાલુભાઈ પણ માને ઓળખતા હોય છે. નવીન એક સ્વપ્નમાં પોતાને ઘોડિયામાં સૂતેલો જુએ છે. પછી ઘોડિયામાંથી પહેલી વાર બેઠો થઈને જુએ છે તો માની સાથે કાકા છે. પછી બીજી વાર બેઠો થઈને જુએ છે તો કાકાવાળા ફોટામાં વિનાયકકાકાનો હસતો સંકેત કરતો ચહેરો જુએ છે. પછી ત્રીજી વાર બેઠો થઈને જુએ છે તો ફોટામાં કાકા નહિ, વિનાયકકાકા નહિ, પણ સાક્ષાત્ ઘનશ્યામજી મહારાજને જુએ છે અને પછી અસલી શૃંગારમાં ઘનશ્યામજી મહારાજના અંકમાં માથું મૂકીને સૂતેલી માને જુએ છે. નવીન એક દિવાસ્વપ્નમાં રીંછ જુએ છે. એ એના પરિવારનું પ્રેત છે. પછી પદયાત્રામાં ચોથા દિવસની રાતે એક સ્વપ્નમાં રીંછનું બચ્ચું જુએ છે અને એની આંખ પર કાકાનાં ચશ્માં જુએ છે. એ એના પિતાનું પ્રેત છે. એ રીંછના બચ્ચાને પૂછે છે, ‘તમે પ્રેત થયા છો?’ ત્યારે રીંછનું બચ્ચું એને ઉત્તર આપે છે, ‘હા અને ના. પૂછ તારી માને, પૂછ મિત્ર વિનાયકને…’. નવીન જાગૃતિમાં તથા અનેક દિવાસ્વપ્નો અને સ્વપ્નોમાં વારંવાર લાલ રંગ, લોહી, ખોપરી અને ખીલા, પીન, ખડ્ગ, તલવાર જેવાં નાનાંમોટાં શસ્ત્રો જુએ છે. નવીન એક વાર નિશાળેથી ઘેર જતો હોય છે ત્યારે વર્ગમાં જે અનુભવ થયો છે એના અનુસંધાનમાં શબ્દોની રમત કરે છે. એમાં પણ એ ખોપરી, રાતોમાતો, મા, વિનાયક, સાલો નાલાયક, સહાયક ઘનશ્યામ શબ્દો દ્વારા રમત કરે છે. આ સૌમાં માતાને વિનાયકકાકા અને ઘનશ્યામજી મહારાજ સાથે સંબંધ હોય અને એમણે પિતાની હત્યા કરી હોય અને પિતા પ્રેત થયા હોય એવું સૂચન છે. નવીન પિતા મથુરદાસને ‘કાકા’ કહે છે. ઘનશ્યામજી મહારાજ સત્યકામ જાબાલિનું આખ્યાન કરે છે. એનું નવીન શ્રવણ કરે છે. એમાં ગુરુ બાલકને પૂછે છે, ‘તને તારા જન્મદાતા જનકનું નામ યાદ નથી?’ અને પછી કહે છે, ‘જા તારી જનેતાને પૂછી આવ.’ ત્યારે નવીન ‘મથુરદાસ…’ એમ બબડે છે અને એને જિસસ ક્રાઇસ્ટ સાંભરે છે. નિશાળમાં સાહેબ નવીનને બારીની પવનઆંકડી ચઢાવવાનું કહે છે. ત્યારે નવીન કહે છે, ‘સાહેબ, આંકડી જ નથી.’ સાહેબ કહે છે, ‘તારા બાપનું કપાળ નથી. ભાળ તો ખરો.’ ત્યારે પણ નવીન ‘મારે તો બાપ જ નથી’ એમ બબડે છે. નવીન આગળ જોયું તેમ પદયાત્રામાં ત્રીજા દિવસની રાતે એક સ્વપ્નમાં જુએ છે કે પોતે છાપું વાંચે છે. એમાં એક ફોટો જુએ છે. એની નીચે જાહેરખબરના લખાણમાં નવીન વિનાયક શાહ નામનો ઉલ્લેખ છે. નવીનને આશ્ચર્ય થાય છે, ‘આ નવીન નંબર બે હશે? એના બાપનું નામ વિનાયક ક્યાંથી? વિનાયકકાકાને તો છોકરો જ નથી. પછી… કે આ નવીન નંબર ત્રણ!’ નવીન પદયાત્રામાં પાંચમા દિવસની રાતે એક સ્વપ્નમાં જુએ છે કે ટિકિટ તપાસનાર તરીકે કાકા એને ટ્રેનમાંથી ઉતારી મૂકે છે અને અનેક રંગની ધજાઓવાળો દંડ એના હાથમાં પકડાવી દે છે. એ સાથે એ પ્લૅટફોર્મ પર ઊતરે છે ત્યારે અસંખ્ય વૈષ્ણવો એને ‘ઘનશ્યામજીકી જય’ના જયજયકાર સાથે હારતોરા કરે છે. આ સૌમાં પોતાના જન્મ પૂર્વે માતાને વિનાયકકાકા અને ઘનશ્યામજી મહારાજ સાથે સંબંધ હોય અને પોતે વિનાયકકાકા અથવા ઘનશ્યામજી મહારાજનો અનૌરસ પુત્ર હોય — મથુરદાસનો પુત્ર ન હોય — અને તો પોતાના જન્મ પછી પિતાએ આત્મહત્યા કરી હોય — માતા, વિનાયકકાકા અને ઘનશ્યામજી મહારાજે પિતાની હત્યા ન કરી હોય — અને પિતા પ્રેત થયા હોય એવું સૂચન છે. આ સૂચનોને કારણે નવીનના ચિત્તમાં કેટલાક પ્રશ્ન અનિવાર્યપણે હોય : પિતાએ ગૃહત્યાગ કર્યો છે? પિતા વિદ્યમાન છે? કોઈએ પિતાની હત્યા કરી છે? પિતાએ આત્મહત્યા કરી છે? પિતા સદ્ગત છે? પિતા પ્રેતરૂપ છે? પૂર્વકાલીન સાહિત્યમાં ઑરેસ્ટીસ, હૅમ્લેટ આદિ પાત્રોના ચિત્તમાં આવા પ્રશ્નો હતા. પણ ઑરેસ્ટીસને દેવ ઍપોલોની સહાય હતી અને માતાની હત્યાના કાર્યમાં સમાધાન પ્રાપ્ત થયું હતું. હૅમ્લેટને પણ સ્વગતોક્તિઓમાં પોતાની બુદ્ધિની સહાય હતી અને કાકાની હત્યાના કાર્યમાં સમાધાન પ્રાપ્ત થયું હતું. પદયાત્રાને અંતે કોઈ પાકા રંગની અજાણી વ્યક્તિ નવીનને વિનાયકકાકાની જેમ સ્નેહથી શિખામણ આપે છે એમાં વિનાયકકાકા નવીનને શિખામણ આપી શકે અને તે પણ સ્નેહથી એવો નવીનનો વિનાયકકાકા સાથેનો સંબંધ છે એવું સૂચન છે. વળી નવીન નિશાળેથી બપોરે એકાએક ઘેર આવે છે અને મા અને વિનાયકકાકાને સાથે જુએ છે ત્યારે વિનાયકકાકા સંચા પાસેની બીજી ખુરશી પર બેઠા હોય છે અને સિગારેટ પીતા હોય છે અને સિગરેટની રાખ સીવવાના સંચા પર જ્યાં મા પિતાનો ફોટો રોજ રાતે વિધિવત્ મૂકે છે ત્યાં ખંખેરે છે એ નવીનને ગમતું નથી. એમાં નવીનને માત્ર વિનાયકાકાની સિગરેટ પીવાની શૈલી પ્રત્યે અણગમો છે, એથી વિશેષ વિનાયકકાકા પ્રત્યે અણગમો નથી એવું સૂચન છે. નવીન રોજ રાતે ઘનશ્યામજી મહારાજનું આખ્યાન સાંભળે છે. એમની જન્મજયંતીએ એમને ગુલાબનો હાર પહેરાવે છે. એક નોટ ખાસ ખરીદે છે અને એમાં એમનો રંગીન ફોટો ચોંટાડે છે. નીચે સંતમહિમા વિશે લખાણ પણ લખે છે. નવીન વાળ પણ એમની રીતે ઓળે છે. એની નોંધયાત્રા વિશે એઓ જે સૂચનો કરે છે એની પણ એ નોંધ કરે છે. આ સૌમાં નવીનમાં વિનાયકકાકા અને ઘનશ્યામજી મહારાજ પ્રત્યે મુગ્ધતા અને અહોભાવ છે એવું સૂચન છે. પિતા વિનાના કિશોરના જીવનમાં પિતાનું સ્થાન એમણે પ્રાપ્ત કર્યું છે. નવીનની પિતાની શોધમાં તેઓ પિતૃમૂર્તિઓ છે. તો ઊલટાનું નવીન પદયાત્રામાં પાંચમા દિવસની રાતે સ્વપ્ન જુએ છે એમાં અરણ્યમાં શિવાલયમાં અંધકારમાં નવીન અને કોઈ કાળા રંગની અજાણી વ્યક્તિ એકમેકને ભેટવા ચાહે છે એમાં જ ડાળમાં લટકતી તલવાર એ વ્યક્તિને હાથોહાથ આપવા જતાં અંધકારમાં ગફલતથી ખડ્ગ ક્યાંક પેસી જાય છે અને ચિચિયારી તથા ગર્જનાની વચ્ચે વીજળીમાં જુએ છે તો રીંછના મહોરાવાળું માણસ લોહીના ઝાંખરામાં પડ્યું છે અને શિવલિંગની આસપાસ વેદી-યોનિ પાસે પિત્તળની દાંડીનાં ફૂટેલાં ચશ્માં પડ્યાં છે એમાં નવીન ઇડિપસની જેમ, જોકે, અલબત્ત, સ્વપ્નમાં, પિતાની હત્યા કરે છે એવું સૂચન છે. નવીન નાનો હતો ત્યારે એણે એક વાર અને માત્ર એક વાર, માતાને પ્રશ્ન પૂછ્યો હતો, ‘દેખાડ મારા કાકા ક્યાં છે? ક્યારે આવશે?’ નવીન વાઘરણને સ્થાને કોઈ પરિચિત સ્ત્રીનો — એટલે કે માતાનો સ્તો — ચહેરો-મહોરો જુએ છે. પછી એક ગરોળી પર પથ્થર ફેંકે છે, ગરોળી ભાગે છે અને એની પૂંછડી છૂટી થઈ નીચે પડે છે. બસ આટલું જ. નવીનને માટે આથી વિશેષ કોઈ સંવાદ કે કાર્ય શક્ય નથી. શક્ય છે પદયાત્રા-તીર્થયાત્રા અને સ્વપ્નો-દિવાસ્વપ્નો. નવીન દિવાસ્વપ્નમાં જે રીંછ જુએ છે તે એના પરિવારનું પ્રેત છે — એટલે કે પિતાના પિતૃઓ-પૂર્વજોમાંથી કોઈ પૂર્વજ પ્રેત થયા છે — અને એના હાથમાં એક લાંબો દંડ હોય છે અને એની પર રંગબેરંગી રેશમી ધજાઓ હોય છે. પછી એ પદયાત્રામાં ચોથા દિવસની રાતે સ્વપ્નમાં જે રીંછનું બચ્ચું જુએ છે એની આંખ પર કાકાનાં ચશ્માં હોય છે એથી એ કાકાનું પ્રેત છે. એ નવીનને પૂછે છે, ‘તું સદ્ગતિ કરીશ?’ એમાં જો કોઈએ પિતાની હત્યા કરી હોય અથવા પિતાએ આત્મહત્યા કરી હોય અને પિતા અવસાન પામ્યા હોય અને પ્રેતરૂપ હોય તો તીર્થસ્થાન પર ધજા ચડાવવાથી પિતાની તથા પેલા પૂર્વજની સદ્ગતિ થાય એવું સૂચન છે. અને જો પિતાએ ગૃહત્યાગ કર્યો હોય અને પિતા વિદ્યમાન હોય તો ભારતમાં સામાન્યપણે ગૃહત્યાગ કર્યા પછી તે વ્યક્તિ તીર્થસ્થાનમાં આશ્રય પ્રાપ્ત કરે છે અને ત્યાં વસે છે તો તીર્થસ્થાનમાં કદાચ પિતા પ્રાપ્ત થાય. એથી નવીન તીર્થયાત્રા કરે છે. પણ કિશોર છે, એકલો તીર્થયાત્રા ન કરી શકે, સંઘમાં પદયાત્રા કરે છે. પિતાએ પણ દ્વારિકાની તીર્થયાત્રા કરી હતી. પોતે પણ પૂર્વે ઠાકોરની પદયાત્રાની અનેક વાર ઇચ્છા કરી હતી. પણ ત્યારે અભ્યાસકાળ હતો, સમય અનુકૂળ ન હતો. એથી સ્થળાન્તર કરવાની ઇચ્છા એની ડાયરીમાં અનેક લખાણો, પત્રો, વાર્તાલાપો, પ્રવચનો આદિના ઉતારાઓમાં પુનરાવર્તન પામતી હતી. અલબત્ત, એમાં પ્રેરણા, આનંદ, નવા વિચારો, અન્ય લાભોનો, હેતુઓનો ઉલ્લેખ હતો. પદયાત્રામાં બીજા દિવસને અંતે ખેડૂત વીહાજી ઘનશ્યામજી મહારાજને જે વાત કહે છે તે નવીન પણ સાંભળે છે કે તેતર બોલવાનું ભૂલી ન જાય માટે બોલે છે, પરભુજી મોરલી વગાડવાનું ભૂલી ન જાય માટે મોરલી વગાડે છે. એમાં નવીન ચાલવાનું ભૂલી ન જાય માટે ચાલે છે એવું સૂચન છે. એને અન્ય ઇચ્છાઓ તો છે જ નહિ. એને રુંવાંટી નથી. રુંવાંટીનો અભાવ એ ઇચ્છાઓના અભાવનું પ્રતીક છે. એને માઇલો સુધી ધીમે ધીમે કચ્છપગતિએ ચાલવાની એકમાત્ર ઇચ્છા છે. એથી તો એનું નામ ‘નવીન ચાલુ’, ‘નવીન ધીમો’ પડ્યું છે. નવીન હવે પરીક્ષામાંથી નિવૃત્ત છે, ઉનાળાની લાંબી રજાઓ છે. હોળીના દિવસોમાં ઠાકોરની પદયાત્રાએ જવાની એને ઇચ્છા છે. એ ઠાકોર જતા સંઘોની તપાસ કરે છે. તપાસમાં ફાગણ સુદ આઠમનો દિવસ પસાર થાય છે. નોમના દિવસે સવારે નવલકથાને આરંભે એક વાણિયો છાપું વાંચતો હોય છે. ઓચિંતો પવન વાય છે. છાપું ઊડે છે. એમ છાપું કંઈ જવા દેવાય? પસ્તીમાં વેચી શકાય! વાણિયો છે ને! ને તેય પાછો અમદાવાદી! ધોતિયું ઝાલી છાપા પાછળ પોળના ઝાપા બહાર દોડે છે. ત્યાં ‘હું’ એટલે કે નવીન પણ માત્ર ગમ્મત જોવા — રજાઓ છે ને! — એની પાછળ દોડે છે. ત્યાં બે જણ દીવાલ પર કાગળિયું ચોંટાડતા હોય છે, તે નવીન જુએ-વાંચે છે : પદયાત્રા સંઘ. આમ, ઓચિંતો પવન વાય ને નવીન પદયાત્રાએ જાય છે. વળી વીસેક પાનાં પછી આ કાગળિયાનો પુનશ્ચ ઉલ્લેખ થાય છે. ત્યારે અંતરાલે જાગૃતિમાં અને દિવાસ્વપ્નોમાં જે અનુભવ થાય છે તે દ્વારા પિતા વિશે, પિતાના ગૃહત્યાગ વિશે, માતા વિશે, માતાના વિનાયકકાકા અને ઘનશ્યામજી મહારાજ સાથેના સંબંધ વિશે, કદાચ એમણે પિતાની હત્યા કરી હોય એ વિશેની સભાનતાની ભૂમિકા સાથે પદયાત્રાએ જાય છે. અલબત્ત, પછી તો તપાસમાં જાણે છે કે આ ઘનશ્યામજી મહારાજના સત્સંગના મંડળનો જ ઠાકોરની તીર્થયાત્રાનો પદયાત્રા સંઘ છે, એના સંઘવી ભાલુભાઈ જ છે. સંઘના અગિયાર રૂપિયા ભરે છે. પરિણામે ફાગણ સુદ અગિયારશ ને ગુરુવાર, તારીખ ૨૨મીએ પદયાત્રાનો આરંભ કરે છે. ફાગણ વદ બીજ (એક તિથિનો ક્ષય હશે)ને મંગળવાર, તારીખ ૨૭મી સુધીની કુલ છ દિવસની આ પદયાત્રા છે. પણ પદયાત્રાને અંતે છઠ્ઠા દિવસે નવીન (પદયાત્રામાં પહેલા દિવસની રાતે સ્વપ્નમાં સીવવાના સંચાના પાવલા પર પિતાના બે પગ જુએ છે એના સ્મરણ સાથે સ્તો) રણછોડરાયનો ચરણસ્પર્શ કરે છે ત્યારે પ્રભુચરણ સંચાના લોખંડ જેટલાં ઠંડાહેમ હોય છે. એમાં અંતે પરમેશ્વર જાણે કે નવીનનો અસ્વીકાર કરે છે એવું સૂચન છે. આગળ જોયું તેમ, પદયાત્રામાં પાંચમા દિવસની રાતે બાર વાગ્યા પછી ‘માતાજી’ને નામે પ્રસિદ્ધ એવાં એક બહેનને કોઈ કાળા રંગની અજાણી વ્યક્તિનું દર્શન થાય છે. ચરણમાં જો એ બહેન આળોટી પડ્યાં હોત અને એમને ઓળખી ગયાં હોત તો ઉદ્ધાર થયો હોત એમ સૌ યાત્રિકોનું માનવું છે છતાં નવીન એ વિશે કાંઈ કહેતાં કાંઈ કહી શકતો નથી. વળી છઠ્ઠા દિવસે નવીનને પણ ‘માતાજી’ને જેમનું દર્શન થયું હતું એવી જ કોઈ પાકા કાળા રંગની અજાણી વ્યક્તિનું મિલન થાય છે એટલું જ નહિ પણ એમના આગ્રહથી નવીન મહાપ્રભુજીની બેઠકનાં દર્શન કરવા એમની સાથે જાય છે અને ત્યાં એમના ખમીસ પર કેસૂડાંનો રંગ છંટાય છે ત્યારે એ નવીનને કાળા કાળા કૃષ્ણજી હોય એવું લાગે છે. પછી એમના સૂચનથી નવીન ગોમતીમાં સ્નાન કરે છે ત્યારે સ્નાન દરમ્યાન જ એ વ્યક્તિ અદૃશ્ય થાય છે. એમાં નવીને જો આ પદયાત્રા જાગૃતિમાં કરી હોય તો અંતે એને પિતાની પ્રાપ્તિ થતી નથી એવું સૂચન છે. નવીન પદયાત્રામાં પાંચમા દિવસની રાતે સ્વપ્નમાં ટ્રેનનો પ્રવાસ કરે છે ત્યાં એ જ પિત્તળની દાંડીનાં ચશ્માં સાથે કાળાં કાળાં કપડાંમાં સજ્જ એવા ટિકિટ તપાસનાર રૂપે પિતાનું દર્શન થાય છે ત્યારે નવીન એની જગા પરથી ઊભો થઈને એમને આદર આપતો નથી એટલું જ નહિ પણ હવે પોતે મોટો થયો છે, પિતા જ્યાં બેસે ત્યાં એને પણ બેસવાનો હક્ક છે એથી પિતા એને ઉઠાડી શકે નહિ, વળી પિતા કઠોર થયા ન હોત તો કદાચ પોતાની મરજીથી પોતાની મેળે જ સમજીને પિતાને બેસવા દેત એવી એવી દલીલબાજી કરે છે એથી પિતા નવીનને નાલાયક કહીને ટ્રેનમાંથી નીચે પ્લૅટફોર્મ પર ઉતારી મૂકે છે અને પછી ટ્રેનમાંથી એના હાથમાં અનેક રંગની ધજાઓવાળો દંડ પકડાવી દે છે. એમાં પિતા નવીનનો અસ્વીકાર કરે છે અને એથી અંતે પિતાની સદ્ગતિ પણ થતી નથી એવું સૂચન છે. જોકે પછી નવીન જાણે અંદરથી પોતે વિજય પામ્યો હોય એમ ખભે ધજાઓવાળા દંડ સાથે પ્લૅટફૉર્મ પર ઊતરે છે ત્યારે બૅન્ડવાજા સાથે અસંખ્ય વૈષ્ણવો નવીનને ‘ઘનશ્યામજી કી જય હો’ના જયજયકાર સાથે હારતોરા કરે છે અને સ્ટેશન બહાર જ ઘોડાવાળી શણગારેલી બગીમાં બેસાડે છે, તાપ આકરો હોય છે એથી ટિકિટ-ક્લેક્ટરના જ પોશાકમાં પિતા નવીનને માથે છત્ર ધરે છે. નવીનની પદયાત્રાની સંપૂર્ણ કરુણતામાં એક માત્ર એટલું આશ્વાસન છે. નવીનને માટે આ મહામૂલું આશ્વાસન છે. આ સાદ્યંત કરુણ નવલકથામાં ભાવકને માટે પણ આ નાનુંસૂનું સાન્ત્વન નથી. જોકે ત્યારે પણ નવીન પદયાત્રામાં પહેલા દિવસની રાતે સ્વપ્નમાં માતા કીમતી સાડી અને ઝળહળતા દાગીના પહેરી બારી પાસે પાન ચાવતી બેઠી છે અને પોતાને અજાણ્યા એવા રંગનું એક ફૂલ પિતાને આપે છે એમ જુએ છે તેમ અહીં ગામનાં મકાનોની અટારીઓ અને બારીઓમાંથી વસ્ત્રાભૂષણ પહેરી ઊભેલી, બેઠેલી, ટેકો દીધેલી અનેક સ્ત્રી રૂપે પાન ચાવતી માતા જ એ બગી પર પિતા-પુત્ર પર ફૂલોની વૃષ્ટિ કરે છે, એમાંથી એક સુન્દર રંગીન ફૂલ પોતે નાકે લગાડે છે, એમાં વાસ નથી, એ કાગળનાં કે એવી જ કોઈ બનાવટનાં ફૂલો છે, બનાવટી ફૂલો છે એમ જુએ છે. એમાં માતા-પિતા વચ્ચે, માતા-પુત્ર વચ્ચે બનાવટી સંબંધ હતો અને છે, સહજ આત્મીય પ્રેમસંબંધ ન હતો અને નથી એવું સૂચન પણ છે. આમ, આ આધુનિક ઑરૅસ્ટીસ કે હૅમ્લેટના સંઘર્ષનું કોઈ સમાધાન નથી. એના પ્રશ્નનો કોઈ ઉત્તર નથી, એની સમસ્યાનો ઉકેલ નથી. એથી જ પદયાત્રામાં અંતે છઠ્ઠા દિવસે ગોમતીમાં ડાયરીનું વિસર્જન અને નવીનનું આત્મવિસર્જન થાય છે અને પછી જાગૃતિમાં નવીન સંચા હેઠળથી રીંછ તો નહિ નીકળી આવે ક્યાંક એમ ભય અને શંકા સાથે અરીસામાં બીજા નવીનને ખોળતો હોય એમ — સીવવાના સંચાના પાવલા અને રણછોડરાયના ચરણની જેમ — હેમ જેવા કાચને તાકી રહે છે. નવલકથાનું અંતિમ વાક્ય છે : ‘કાચ એને તાકી રહ્યો.’ પછી ચિત્રમાં પથ્થરોની એક ઊંચી દીવાલ અને નીચે એક નિદ્રાધીન કિશોર છે. હજુ પણ નિદ્રામાં નવીન સ્વપ્ન જોતો હશે? સ્વપ્નમાં શું જોતો હશે? નવલકથાના ઉપરણા પર જે ચિત્ર છે એમાં નવીન સ્વપ્નમાં રીંછનું બચ્ચું જોતો હશે એવું સૂચન છે. આમ, આ નવલકથામાં જાણે શબનિકાલની સમસ્યા છે, એનો ઉકેલ નથી. આ નવલકથામાં અંતે નવીનના પ્રશ્નોનો કોઈ ઉત્તર નથી. કલાનો ધર્મ પ્રશ્ન પૂછવાનો છે, ઉત્તર આપવાનો નહિ. એથી જ આ નવલકથા કલાકૃતિ છે. નવીન અરીસામાં જોઈ કાંસકાથી વાળ ઓળે છે. અરીસામાં અરીસા જ અરીસા જુએ છે. એમાંથી નવીન જ એની સામે દોડતો આવે છે, અરીસાની ફ્રેઇમમાંથી બહાર કૂદે છે, કબાટમાંથી નવીનની જ નોટ લઈ ડાયરી લખે છે. અરીસાનો નવીન લખતો જ જાય છે અને નવીન વાંચતો જ જાય છે. આ નવીન નંબર એક હશે? અને પોતે નવીન નંબર બે હશે? આ સ્વપ્ન તો નથી ને? નવીનને એવો પ્રશ્ન થાય છે. ‘બાને પૂછી જોઈશ.’ એવા ઉત્તર સાથે નવીન પાછો ડાયરી વાંચે છે. તો આ નવલકથામાં ભાવકનો પણ આ જ પ્રશ્ન છે. નવીન આ પદયાત્રા જાગૃતિમાં કરે છે? કે સ્વપ્નમાં કરે છે? પદયાત્રામાં અંતે છઠ્ઠા દિવસે ગોમતીમાં ડાયરીનું વિસર્જન અને નવીનનું આત્મવિસર્જન થાય છે. પછી જાગૃતિમાં નવીન અને એની માતા વચ્ચે જે સંવાદ થાય છે એમાં પ્રત્યેકની ઉક્તિઓમાં નવીન આ પદયાત્રા જાગૃતિમાં કરે છે એવું સૂચન છે અને નવીન આ પદયાત્રા સ્વપ્નમાં કરે છે એવું સૂચન પણ છે. આ સંવાદ સમયે પણ નવીન અરીસામાં જોઈ કાંસકાથી વાળની ગૂંચ ઉકેલે છે પણ ગૂંચ ઊકલતી નથી. માત્ર વાળની જ ગૂંચ નહિ, ત્યારે આ પ્રશ્નની ગૂંચ પણ ઊકલતી નથી. નવલકથાને અંતે આ સમસ્યાનો પણ ઉકેલ નથી, આ પ્રશ્નનો પણ ઉત્તર નથી. આ અંગે ભાવક અનિશ્ચિતતા અને અનિર્ણયાત્મકતા અનુભવે છે. કોઈ નિશ્ચિત ઉકેલ કે નિર્ણયાત્મક ઉત્તર આપવામાં ભાવક નિષ્ફળ જાય છે. ભાવકનો પરાજય થાય છે. ભાવકની આ નિષ્ફળતામાં જ, ભાવકના આ પરાજયમાં જ નવલકથાકારની સફળતા છે, નવલકથાકારનો વિજય છે. ડાયરીમાં, એમાં જે વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ છે તથા જે નર્યું વાસ્તવિક અને નર્યું ગદ્યાળુ કથનવર્ણન છે એમાં તો એવું સૂચન છે કે જાણે નવીન આ પદયાત્રા જાગૃતિમાં જ કરે છે. એમાં જે અનેક પાત્રો, સ્થળો, પ્રસંગો, પરિસ્થિતિઓ છે, એમાં સૌ ક્યાંથી ક્યાં ક્યારે કેમ જાય છે, કોણ ક્યાં ક્યારે કેમ શું કરે છે એ વિશે તિથિ, વાર, તારીખ, કલાક સહિત જે શતસહસ્ર વિગતો છે એ ક્ષુદ્ર, ક્ષુલ્લક, સ્થૂલ અને સામાન્ય છે. એમાં ચાપાણી, નાસ્તો, ભોજન, આરામ, નિદ્રા આદિ જડ, ભૌતિક ક્રિયાઓનું પ્રાધાન્ય છે. એમાં જે શૈલી છે તે અત્યંત બુઠ્ઠી, બોદી અને સપાટ છે. એમાં જે સ્વરૂપ છે તે અત્યંત ઢીલું, પોચું અને શિથિલ છે. સમગ્ર કથન-વર્ણનમાં પ્રતીકો તો શું, કલ્પનો કે અલંકારો પણ નહિવત્ છે. એમાં ક્યાંય કવિતા નથી; છે માત્ર નીરસતા અને એકવિધતા. સર્વત્ર પુનરાવર્તનો છે. ક્યાંય વિકાસ કે પરિવર્તન નથી. એમાં જે ગતિ છે તે રેખાકાર છે, વર્તુલાકાર નથી. જોકે વચમાં તીર્થયાત્રા જેવા ધર્માનુભવમાં સોહનભાઈ નવીન સાથે સજાતીય સંબંધનો અનુભવ, અધર્મનો અનુભવ કરે છે તથા પદયાત્રા જેવા આધ્યાત્મિક અનુભવમાં ઘનશ્યામજી મહારાજ જેમાં એમની મોટર આગળ રવાના થાય અને પાછળથી આવી પહોંચે એમ મોટરયાત્રાનો અનુભવ, અનાધ્યાત્મિક અનુભવ કરે છે એમાં ક્યારેક કટાક્ષ પ્રગટ થાય છે. તો વળી પદયાત્રામાં અંતે નવીનને કોઈ પાકા કાળા રંગની અજાણી વ્યક્તિનું દર્શન થાય છે અને જાગૃતિ અને સ્વપ્નના સીમાપ્રાન્ત પર જાદુ અને સંમોહનની રહસ્યમય સૃષ્ટિનું સર્જન થાય છે અને પછી એ વ્યક્તિ અદૃશ્ય થાય છે અને ગોમતીમાં ડાયરીનું વિસર્જન અને નવીનનું આત્મવિસર્જન થાય છે એમાં ક્યારેક કારુણ્ય અને કરુણા પ્રગટ થાય છે. ડાયરીના વાસ્તવિક અને ગદ્યાળુ વાદળની કોર પર આટલી રજતરેખા પણ પ્રગટ થાય છે. નવીન ડાયરી રાખે છે એમાં તો એ માત્ર ઉતારા-અનુકરણ જ કરે છે. એનામાં મૌલિકતા, કલ્પનાશીલતા, સર્જકતા નથી. વળી એનામાં, આગળ જોયું તેમ, મંદતા, નિષ્ક્રિયતા અને એકલવાયાપણું છે. ડાયરીમાં જે વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ છે, જે લય અને ભાષા છે તે માત્ર જાગૃતિની અવસ્થાની સાથે જ નહિ, પણ નવીનના આ વ્યક્તિત્વની સાથે પણ સુસંગત છે. સમગ્ર તીર્થયાત્રામાં એ કોઈ કાર્યનો સ્વેચ્છાએ આરંભ કરતો નથી, પહેલ કરતો નથી. એ માત્ર અન્ય કોઈ યાત્રિકે કોઈ કાર્યનો આરંભ કર્યો હોય, કોઈ યાત્રિકે એને આદેશ આપ્યો હોય તો એનું અનુસંધાન કે અનુસરણ કરે છે. પિતૃહીન અને લગભગ માતૃહીન એવો આ મુગ્ધ, ભાવુક અને લગભગ અનાથ કિશોર અનેક પિતૃમૂર્તિઓનો સ્વીકાર કરે છે. એથી અન્ય યાત્રિકો એનો માત્ર ઉપયોગ બલકે દુરુપયોગ જ કરે છે. એનું માત્ર શોષણ જ કરે છે, આમ, આપણા નવલકથાકારે જાણે કે નવલકથાનાં અધઝાઝેરાં પાનાંમાં ઘટના, કાલાનુક્રમ, કાર્યકારણસંબંધ સહિતની આ ડાયરીને પડછે પરંપરાગત નવલકથાનો ઉપહાસ કર્યો છે, પરંપરાગત નવલકથાની પ્રતિકૃતિ દ્વારા પ્રતિનવલકથાનું સર્જન કર્યું છે. અને શૌર્ય, સાહસ અને વીરતા રહિત આ નાયકને પડછે પ્રતિ-નાયકનું સર્જન કર્યું છે. આ નવલકથામાં જાગૃતિમાં અને ડાયરીમાં જે વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ, લય અને ભાષા છે તથા દિવાસ્વપ્નો અને સ્વપ્નોમાં જે વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ, લય અને ભાષા છે એ બેની વચ્ચે સંપૂર્ણ વિરોધ છે. દિવાસ્વપ્નો અને સ્વપ્નોમાં જે પાત્રો, સ્થળો, પ્રસંગો, પરિસ્થિતિઓ છે તે સંદર્ભોને કારણે ભિન્ન ભિન્ન છે છતાં પ્રતીકોને કારણે અભિન્ન છે. ઉદાહરણ રૂપે ‘હું’, ‘એ’, નવીન નંબર એક, નવીન નંબર બે, નવીન નંબન ત્રણ. રુંવાંટી અને કાળો રંગ આ બે પ્રતીકોને કારણે રીંછ, મથુરદાસ અને રણછોડરાય એટલે કે પશુ, પ્રેત, પિતા, મનુષ્ય અને પરમેશ્વર. આ અર્થમાં પણ એમાં પારા જેવી સરલ-તરલ પ્રવાહિતા છે. એમાં ઘટના, કાલાનુક્રમ, કાર્યકારણસંબંધ નથી, એમાં અનેક પ્રતીકો છે : પર્વત, સમુદ્ર, મહાલય, અરણ્ય, શિવાલય, શિવલિંગ-યોનિ જેવાં સ્થળો; કૂતરો, રીંછ, રીંછનું બચ્ચું, ગરોળી, દેડકાં, તેતર, ચામાચીડિયું, માછલાં, કાચબો જેવાં પશુ-પંખીઓ; લોહી; રુંવાંટી, ધજા, દંડ, ફોટો, ચશ્માં, છત્ર, સંચો, ઘરેણાં, સાડી, પાન, ફૂલ, લાકડી, અરીસો, કાંસકો, ઘોડિયું જેવા પદાર્થો; ખીલા, પાન, ખડ્ગ, તલવાર જેવાં નાનાંમોટાં શસ્ત્રો; લાલ, રાતો, કાળો, પીળો, ભૂખરો જેવા રંગો. વળી દિવાસ્વપ્નો અને સ્વપ્નોમાં જે કંઈ વાણીથી પર છે, શબ્દરૂપ પ્રતીકોથી પણ પર છે, અનિર્વચનીય છે અને માટે સિનેમેટોગ્રાફીના ફેઇડ ઇન, ફેઇડ આઉટ તથા કૉલાજ અને મૉન્ટાજ આદિ આયોજનોમાં હોય છે એવાં શબ્દાતીત પ્રતીકો છે; અનેક ટપકાં, અનેક લીટીઓ, ચાર કોરી જગ્યાઓ, આઠ ચિત્રો આ સૌ પ્રતીકોનું ભિન્ન ભિન્ન ભાવકો, અહીં એક ભાવકે કર્યું છે તેમ, પોતપોતાનું ભિન્ન ભિન્ન અર્થઘટન કરશે. એ આ નવલકથાનું હમેશનું અખૂટ અને અમોઘ આકર્ષણ હશે. આ નવલકથામાં નાયક કિશોર છે અને અનાથ છે માટે જ નહિ પણ એમાં મૃત્યુ, પ્રેત આદિ ભયજનકતા (ધ મૅકૅબર) છે એ કારણે આ ડિકીન્સની પરંપરાની નવલકથા છે. તો એમાં શબ્દાતીત પ્રતીકોની ચિત્રવિચિત્રતા (ધિ એક્સેન્ટ્રિક) છે એ કારણે આ સ્ટર્નની પરંપરાની નવલકથા છે. પણ એમાં દિવાસ્વપ્નો, સ્વપ્નો અને પ્રતીકો છે એ કારણે આ બન્ને પરંપરાઓમાં આ પરંપરાગત નવલકથા નથી, પ્રયોગશીલ નવલકથા છે, આધુનિક નવલકથા છે. દિવાસ્વપ્નો અને સ્વપ્નોમાં જે ગતિ છે તે વર્તુલાકાર છે, એમાં પુનરાવર્તન છે. પણ ભિન્ન ભિન્ન સંદર્ભો અને પ્રતીકોને કારણે એમાં પરિવર્તન પણ છે. એથી એમાં સંઘર્ષ નથી, પરાકાષ્ઠા નથી. આ સ્વપ્નોપનિષદમાં અંતે ઓમ્ શાંતિ: શાંતિ: શાંતિ: નથી, પણ પુનશ્ચ હરિ ઓમ્ છે. એના આરંભમાં એનો અંત છે અને એના અંતમાં એનો આરંભ છે. સમગ્ર નવલકથામાં અનંત, શાશ્વત રહસ્યમયતા છે. નવલકથાને આરંભે જ દિવાસ્વપ્નમાં ‘પહેલી જ વાર અહીં આવ્યો છતાં મને ઘણી ખબર અગાઉથી હતી.’ — ‘હું’ એટલે કે નવીન મહાલયની અગાસી પર ઓરડી તરફ મહેમાનને એટલે કે પિતાના પ્રેતને ઇશારો કરે છે ત્યારે એનો આ ઉદ્ગાર આ રહસ્ય-મયતાને નવલકથાના પ્રારંભ પૂર્વેની કોઈ રહસ્યમયતાનું વિરલવિશિષ્ટ એવું એક વિશેષ પરિમાણ અર્પે છે. નવલકથાને આરંભે ‘શબનિકાલની સમસ્યા’નું નિવેદન અને ત્યાર પછી અંત લગી પદયાત્રાની ડાયરી છે. આમ, નવલકથામાં સાદ્યંત ધાર્મિકતા છે, પદયાત્રામાં ચોથા દિવસની રાતે સ્વપ્નમાં ‘તું સદ્ગતિ કરીશ?’ નવીન રીંછનું બચ્ચું એ પિતાનું પ્રેત છે એવી પ્રતીતિ કરે છે ત્યારે પિતાના પ્રેતનો આ પ્રશ્ન, ‘હૅમ્લેટ’માં પિતાના પ્રેતના પ્રશ્નની જેમ, આ ધાર્મિકતાને સ્વપ્નની ધાર્મિકતાનું એવું જ એક વિશેષ પરિમાણ અર્પે છે. આપણા નવલકથાકારે સ્વપ્નનું કાવ્યશાસ્ત્ર જ નહિ, સ્વપ્નનું ધર્મશાસ્ત્ર રચવાનું પણ આહ્વાન કર્યું છે. રાધેશ્યામની પ્રથમ નવલકથા, ‘સ્વપ્નતીર્થ’ની પુરોગામી નવલકથા ‘ફેરો’ અને ‘સ્વપ્નતીર્થ’ની સરખામણી અનિવાર્ય છે. એ દ્વારા, એનાં સામ્ય-અસામ્ય દ્વારા રાધેશ્યામની નવલકથા-કલામાં પરિવર્તનનો અને રાધેશ્યામની સર્જકતામાં પ્રગતિનો ક્યાસ કાઢી શકાય છે. ‘ફેરો’માં પિતા કેન્દ્રમાં છે. માતા-પિતા વચ્ચે સહજ આત્મીય પ્રેમસંબંધ નથી, પુત્ર-ભૈ મૂગો છે. પુત્ર અંતે અદૃશ્ય થાય છે. એમાં પુત્રને કારણે તીર્થયાત્રા છે. એ ટ્રેનયાત્રા છે, કુટુંબયાત્રા છે, એની ગતિ રેખાકાર છે. ઉત્તરાર્ધમાં એનું વાસ્તવિક અને ગદ્યાળુ કથન-વર્ણન છે, પણ એ ગૌણ છે. પણ નવલકથાનાં અધઝાઝેરાં પાનાંમાં પૂર્વાર્ધમાં પિતાની જે મનોયાત્રા છે એ પ્રધાન છે. એની ગતિ વર્તુલાકાર છે. એમાં જાગૃતિ છે. સંપ્રજ્ઞતા છે, પ્રતીકો ગૌણ અને કલ્પનો પ્રધાન છે. પાત્રો અનામી છે. કારણ કે નવલકથામાં જે અર્થ અને અનુભવ છે એ વૈયક્તિક છે છતાં વૈશ્વિક છે. ‘સ્વપ્નતીર્થ’માં પુત્ર કેન્દ્રમાં છે. નવલકથાને અંતે માતા પુત્રને ‘ભૈ’ એવું સંબોધન કરે છે. માતા-પિતા વચ્ચે સહજ આત્મીય પ્રેમસંબંધ નથી. નવલકથાના આરંભ પૂર્વે જ, વર્ષો પૂર્વે, પુત્ર બહુ નાનો હતો ત્યારે જ ગૃહત્યાગ, હત્યા કે આત્મહત્યાને કારણે પિતા અદૃશ્ય થયા છે, કદાચ એમનું મૃત્યુ થયું છે અને તો એ પ્રેત થયા છે. એમાં પિતાને કારણે તીર્થયાત્રા છે. એ પદયાત્રા છે, સંઘયાત્રા છે. એની ગતિ રેખાકાર છે. નવલકથાનાં અધઝાઝેરાં પાનાંમાં એનું વાસ્તવિક અને ગદ્યાળુ કથન-વર્ણન છે. પણ એ ગૌણ છે. પણ પુત્રનાં જે દિવાસ્વપ્નો અને સ્વપ્નો છે એ પ્રધાન છે. એની ગતિ વર્તુલાકાર છે. એમાં અસંખ્ય પ્રતીકો છે. પાત્રો નામી છે છતાં પ્રતીકો અને — પુરાકલ્પન – ને કારણે નવલકથામાં જે અર્થ અને અનુભવ છે એ વૈયક્તિક છે છતાં વૈશ્વિક છે. ‘સ્વપ્નતીર્થ’ એની સંકલનાને કારણે સ્વપ્ન અને જાગૃતિની સાંધ્યભૂમિની નવલકથા છે. નવલકથામાં પદયાત્રા જો સ્વપ્ન હોય તો એમાં જેમ અરીસામાં અરીસો છે અને ડાયરીમાં ડાયરી છે (અરીસાનો નવીન ડાયરી લખે છે એમાં નવીન પોતે ડાયરી લખે છે એવો પાંચ વાર ઉલ્લેખ છે). તેમ સ્વપ્નમાં સ્વપ્ન છે. (નવીન પદયાત્રામાં પહેલા, ત્રીજા, ચોથા અને પાંચમા દિવસની રાતે એમ ચાર વાર સ્વપ્ન જુવે છે.) નવલકથામાં પદયાત્રા જો જાગૃતિ હોય તો એમાં એની જે રેખાકાર ગતિ છે તે સ્વપ્નની વર્તુલાકાર ગતિને કારણે સતત વંકાય છે અને એની ક્ષિતિજની પર એક આધુનિક પુરાકલ્પનનું ઇન્દ્રધનુ અંકાય છે. અન્ય રૂપક દ્વારા કહેવું હોય તો નવલકથામાં જાગૃતિનો વાણો અને સ્વપ્નનો તાણો એમ સુઘટ્ટ વણાટનું પોત વણાય છે એની પર એક આધુનિક પુરાકલ્પનું ચિત્રણ થતું જણાય છે. પિતા-પુત્રનો સંબંધ, પિતાની શોધ, પિતૃપ્રાપ્તિ, પિતાની સદ્ગતિ પિતૃતર્પણ — પ્રાચીન અને અર્વાચીન વિશ્વસાહિત્યમાં આ એક મુખ્ય અને મહાન વિષય છે. ‘સ્વપ્નતીર્થ’માં એનું આધુનિક પુરાકલ્પન છે. ગુજરાતી નવલકથામાં આ પુરાકલ્પનનું સર્જન અપૂર્વ છે. ગુજરાતી ભાષામાં રાધેશ્યામ દ્વારા અને અન્ય સર્જકો દ્વારા એનાં અનેક અનુજ-સર્જનો થજો અને એ દ્વારા ગુજરાતી નવલકથાનું ભાવિ ઉજ્જ્વલ હજો!

(રાધેશ્યામ શર્માની નવલકથા ‘સ્વપ્નતીર્થ’નો આમુખ. ૧૯૭૯.)

*