સ્વાધ્યાયલોક—૭/ઇતિહાસ દિગ્દર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘ઇતિહાસ દિગ્દર્શન’

બલવન્તરાયે ૧૯૨૦માં એકાવન વર્ષની વયે અમદાવાદમાં ૬ઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ઇતિહાસ વિભાગના પ્રમુખપદેથી ‘ઇતિહાસ દિગ્દર્શન’ વ્યાખ્યાન કર્યું હતું. એમાં એમણે ગુજરાતનો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ આલેખ્યો છે. આ વ્યાખ્યાનના વિષયના સંદર્ભમાં અહીં એના ચાર ખંડોમાંથી ત્રીજા ખંડ ‘આર્થિક ઇતિહાસ’નું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીશું. બલવન્તરાય ઇતિહાસના વર્ષો લગી અધ્યાપક અને જીવનભર અભ્યાસી હતા. એમણે ૧૮૯૩માં અંગ્રેજીમાં વડેરા માધવરામ પેશ્વા પર, ૧૮૯૫માં યુનાઇટેડ સ્ટેઇટ્સ પર અને ૧૯૧૪માં અંગ્રેજીમાં ભારતની રાજ્યવ્યવસ્થા પર પુસ્તકો લખીને સૂક્ષ્મ ઇતિહાસચિંતન કર્યું હતું. દલપતરામ અને રણજિતરામની જેમ બલવન્તરાયે પણ ‘ઇતિહાસ દિગ્દર્શન’માં ગુજરાતમાં અને ભારતમાં ઔદ્યોગિક વિકાસનું ઉદ્બોધન કર્યું છે. જોકે એ પૂર્વે ૧૯૦૦માં છપ્પનિયાના ચાતુર્માસમાં એમણે સવૈયા છંદમાં મધ્યમ કદનું ‘ખેતી’ કાવ્ય રચ્યું હતું અને ૧૯૦૧ના ઑક્ટોબરમાં ‘સુદર્શન’માં પ્રગટ કર્યું હતું. એમાં ‘હિન્દદેવીની પોતાનાં બાલકોને શિખામણ’ છે. આરંભમાં ભારતની પ્રજાએ જ્હૉન બુલ એનો રક્ષક છે અને એ સુરક્ષિત છે એ કારણે એણે રાજકીય પ્રવૃત્તિની ચિંતા ન કરવી અને હજુ એનામાં ગજું નથી એ કારણે એણે ઉદ્યોગ અને વ્યાપારની પ્રવૃત્તિનો પ્રયત્ન ન કરવો એવું ઉદ્બોધન છે : ‘જંગી સંચા જગ વ્યાપારો ત્હમે ન હજિ ખેડી શકશો, 
ગજૂં ત્હમારું વિચારશો કે આંખ મિંચી ફોકટ મથશો? 
 બાલક મ્હારાં.’ કાવ્યના મધ્યભાગમાં વર્તમાનના સંદર્ભમાં, છપ્પનિયાના દુષ્કાળની કરુણતાના સંદર્ભમાં, ભૂતકાળના સંદર્ભમાં, એની પ્રાચીન પરંપરાની સંસ્કૃતિના ‘ઉત્તમ ખેતી’ એ મૂલ્યના સંદર્ભમાં, ભવિષ્યના સંદર્ભમાં, ભારતની જનસંખ્યાની ઉત્તરોત્તર વૃદ્ધિના સંદર્ભમાં ભારતની પ્રજાએ તો ખેતી જ કરવી એવું ઉદ્બોધન છે. અંતમાં ભાવિ ભારતનું, એના સ્વર્ગ જેવા ગ્રામપ્રદેશનું, એની વનસંસ્કૃતિ — ગોપસંસ્કૃતિનું ચિત્ર છે. એની પડછે જો ખેતીને સ્થાને ઉદ્યોગ અને વ્યાપારને સ્થાપવાનો અવિવેક થશે તો નરક જેવા નગરનું, એની નગરસંસ્કૃતિનું સર્જન થશે એવું સચિંત ઉદ્બોધન છે : ‘શ્હેરો ને શ્હેરી રોગો ને કંતાએલાં શ્હેરી તન, 
ટૂંકાં જીવન, નિર્બલ ક્લુષિત શિથિલ બિચારાં શ્હેરી મન, 
 બાલક મ્હારાં. શ્હેરી ગરીબી, શ્હેરી સુસ્તી, વ્યર્થ શ્હેરતણી જંજાળ, 
શ્હેરી પાપો, શ્હેરી જુઠાણાં, શ્હેરતણા કલહો કંગાળ, 
 બાલક મ્હારાં. એ સૌ ઉપાધિઓને છાંડો, એ માયાને પરી કરો, 
હિત ને હિતનાં સાધન શાશ્વત સ્વચ્છ લોચને ઉરે ધરો, 
 બાલક મ્હારાં.’ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનાં અંગ્રેજોના સુધારા વિશેનાં જે વચનો છે એના જ જાણે કે આ પંક્તિઓ પરના બલવન્તરાયના ટિપ્પણમાં પૂર્વધ્વનિ છે : ‘પશ્ચિમની સંસ્કૃતિને ગુરુસ્થાને સ્થાપી તેની પાસેથી શીખવામાં — પશ્ચિમની નિશાળે ભણવામાં — વિવેક રાખવાની જરૂર છે. શહેરોનો અતિવિસ્તાર, ખીચોખીચ ગિરણીઓ (સૂત્રયંત્રો) અને તેમના હજારો મજૂરોનો એકત્ર જમાવ, ગ્રામજીવન તરફ વધી પડેલા અનાદર, વગેરે પશ્ચિમનાં ભૂષણો નથી. પશ્ચિમ પોતે તેમને દૂષણો ગણે છે, અને તેમનું નિવારણ કરવા મથી રહ્યું છે. પશ્ચિમ જેને ભૂષણ જ ગણતું હોય તે યે આપણે ત્યાં દાખલ કરતાં આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિના હવાપાણીમાં કેવું ઊગી કેવાં ફૂલ આપશે એ પણ વિવેકથી વિચારવાનું છે. અવિચારે ‘યા હોમ’ કરવું તે નથી સુધારો, કે નથી ખરી દેશસેવા. શાશ્વત હિત અને તેનાં ખરાં સાધન સ્વચ્છ લોચને નિહાળી લઈ તેમનું નિઃસ્વાર્થી અને દૃઢ સાવધાનીથી સેવન કરવાનું છે.’ બલવન્તરાયના વૃદ્ધત્વનાં દુઃખો પરના એક સૉનેટ ‘દુપટ દુઃખદા’ની અંતિમ પંક્તિઓ છે : ‘વળ્યાં વિંટિ ચુપાસ કેવલ વિલાસરત આંધળાં, 
વૃથા જઇફિ દુઃખદા, દુપટ ક્ષુદ્ર કુગ્રામમાં!’ આ કુગ્રામ વિશે, નગર, નગરસંસ્કૃતિ વિશે આયુષ્યના અંતિમ વર્ષમાં ‘ભણકાર (’૫૧) વિવરણ’માં એમણે વિવેચન કર્યું છે એમાં લખ્યું છે : ‘સત્યશોધકો, વિદ્યાવ્યાસંગીઓ, સ્વાધ્યાયનિષ્ઠો, સેવાવ્રતીઓ, દુનિયામાં  — જગતમાં — બનતા બનાવો વિશે હિતબુદ્ધિએ ચિંતકો, કલાદીક્ષિતો, અગર તો આવા-આવા વ્યવસાય માટેનાં આવશ્યક સાધનો, સુગમતાઓ, જ્યાં પૂરતાં નથી; જ્યાં ઉદરંભરો, ઈર્ષ્યાદગ્ધો, સંકુચિતમનસ્કો, કુત્સિતોર્મિ અને બિચારાં શ્રમજીવી શૂદ્રાંત્યજો જ હોય; જ્યાં વિલાસીઓ પોતપોતાના વિલાસોને ય કલાસક્તિ ગણાવતા હોય; જ્યાં ચૂંટેલા પ્રતિનિધિઓની સર્વસત્તાધર દેશસભામાં પણ છળબાજી, શિરજોરી, ગાળાગાળી અને પક્ષિલતાઓની જ સાઠમારી પ્રવર્તે; એ સ્થાનમાં વસ્તી ભલે ઉભરાતી હોય, અવરજવર, મળવાહળવા, ખેલવિનોદ, ખાનપાન, વસ્ત્રાભૂષણાદિની સાધનસમૃદ્ધિએ એ ભલેને ઊજળું ઓપતું હોય — પરંતુ તે સંસ્કૃતિની કસોટીએ અર્ધબર્બર છે, વણસેલ વંઠેલ છે, કુગ્રામ ગણાવાને જ લાયક છે; આ કસોટીએ પૂણા કલકત્તા સાથે મુંબઈ અમદાવાદનો મુકાબલો જ ન થઈ શકે; યુરોપ અને યૂએસએના જામેલ યુનિવર્સિટી ટાઉનને મુકાબલે આખો હિદુસ્તાન કુગ્રામ છે.’ ‘ભણકાર (’૫૧) વિવરણ’માં એમણે ‘ખેતી’ કાવ્ય વિશે પણ વિવરણ કર્યું છે એમાં અંતે આ કાવ્યના અનુમોદનમાં એમણે લખ્યું છે : ‘આ કૃતિ આકરા દુકાળને વર્ષે રચાઈ, તેને પાંચ દાયકા થઈ ગયા છે. પણ એમાં જરૂરી વસ્તુઓ (‘નેસેસરીઝ’)નું આપણું ઉત્પાદન હરેક પ્રકારે અને બને તેટલું વધારવાની જે આગ્રહી હિમાયત કરી છે, તે આજે પણ એટલી જ સમયોચિત લાગે એવી નથી શું? મૃત્યુપ્રમાણ ઘટે તેમ-તેમ વસ્તી વધતી જ જાય, અને આપણી ઉત્પાદનશક્તિ તે કરતાં વિશેષ પ્રમાણમાં વધાર્યા જ કરવી જોઈએ.’ જોકે બલવન્તરાય ‘ખેતી’ કાવ્યની મર્યાદાથી, અને દલપતરામના ‘હુંનરખાનની ચઢાઈ’ કાવ્યની મર્યાદાથી પણ, સભાન હતા. અને એથી સ્તો એમણે ‘ભણકાર (૧૯૪૨)’માં ‘ખેતી’ વિશે જે વિવરણ કર્યું છે એમાં લખ્યું છે : ‘પ્રગટ થતાં શ્રી ન્હાનાલાલ કવિએ વાર્તિક લખતાં આને ‘હુન્નરખાનની ચઢાઈ’ સાથે સરખાવેલ. તે તો આને ખાસ ગૌરવ આપવાના હેતુથી હશે, પણ આજે બન્ને કૃતિઓને વાચક સરખાવી સ્વતંત્ર અભિપ્રાય બાંધી શકે છે, તેવાને બન્ને કૃતિઓની એક ખામી તુર્ત દીસી આવે એવી છે. ‘ચઢાઈ’ પોતાની રચના સમયે વાતાવરણમાં જે કેટલાક આગળ પડતાં ખ્યાલો, તેમને વળગે છે. ‘ખેતી’ય તેના રચનાકાળે પ્રજાના કેટલાક ભાગને ખાસ આકર્ષતા વિચારોને જ ઠસાવવા મથતી કેવળ એના ‘ઐતિહાસિક’ સંજોગોને ધ્યાનમાં રાખીએ તો જ કંઈકે ચલાવી લેવાય એવી ગણાય, એ વર્ગની કૃતિ છે.’ આમ, બલવન્તરાયે ૧૯૨૦માં ‘ઇતિહાસ દિગ્દર્શન’ વ્યાખ્યાન કર્યું તે પૂર્વે એ કૃષિક સંસ્કૃતિની અને એથી યે વિશેષ ઔદ્યોગિક સંસ્કૃતિની મર્યાદા પ્રત્યે સજાગ અને સચિંત હતા. ‘ઇતિહાસ દિગ્દર્શન’ના ત્રીજા ખંડ — ‘આર્થિક ઇતિહાસ’ — માં સરકારની પ્રેરણાથી અને પ્રજાની પ્રેરણાથી ગુજરાતમાં જે કાયમી આર્થિક બનાવો થયા એનું વિશ્લેષણ અને વિવેચન છે. સરકારી પ્રેરણાથી ગુજરાતમાં જે કાયમી આર્થિક બનાવો થયા એમાં આગગાડી, રસ્તા, પુલો, તળાવો, કૂવા આદિ જાહેર બાંધકામો મુખ્ય છે. પણ ભારતના કારીગરોએ આ ઔદ્યોગિક વિકાસ પરતંત્રપણે કર્યો છે, સ્વતંત્રપણે કર્યો નથી. ભારતના કારીગરોને સ્વતંત્રપણે પોતાની સર્જકતા સિદ્ધ કરવાનું સદ્ભાગ્ય જ પ્રાપ્ત થયું નથી. ભારતમાં અંગ્રેજોનું આર્થિક અને રાજકીય વર્ચસ્ થયું ત્યારે જે કારીગરી હતી, કલાકૌશલ્ય હતું એમાં પણ અર્થપૂર્ણ વિકાસ થયો નથી, બલકે હ્રાસ થયો છે. કારણ કે ભારતના શાસકોએ અને ધનિકોએ એને રક્ષણ અને પ્રોત્સાહન આપ્યું નથી. એમણે દેશી ઉચ્ચ હુન્નર-કલાને હીન અને વિદેશી હીન હુન્નર-કલાને ઉચ્ચ ગણી છે. અને એનું અંધ અનુકરણ કર્યું છે. એને વિશે બલવન્તરાયે એમની લાક્ષણિક શૈલીમાં લખ્યું છે : ‘તેથી શહેરોના મેહલો, મકાનો, મંદિરો, વાડીઓ, બંગલા આદિમાં પણ સંગીન અને સુંદર અને સ્થાનિક આત્માની સ્વતંત્ર લીલામય જે કંઈ હતું, તે આપણે મોટે ભાગે ખોયું છે, અને તેને ઠેકાણે ન સુંદર, ન સંગીન, ન સ્વતંત્ર એવી માત્ર નકલિયા અને સસ્તી ટાપટીપ ઘુસી છે અને વધતી જાય છે. બાજઠ ગયા છે, બાંકડા થયા છે, ગાલીચા ગયા છે, ખુરશી ત્રિપાઈઓ થઈ છે. પાલખી અંબાડી ગયાં છે, પરાઈ મોટરો દોડાવિયે છિયે. ચારઠ મેના માફા રથ ગયા છે, અને વિક્ટોરિયા શિગ્રામો અને ટાંગા માત્ર ખીલીઓ ઠોકી-ઠોકીને ઊભાં કરિયે છિયે. પટારા અને મજૂસો ગઈ છે અને સેફો (safe) સાંધિયે છિયે. ઢોલિયા ગયા છે અને દરિયાપારથી આવતા પલંગો પર સુઈયે છિયે. પીતાંબર અને રેજા ગયા છે અને પાટલુનો બ્લાઉઝો વડે સાહેબમડમ બનવાના કોડ પૂરિયે છિયે.’ અને પછી એમણે સ્વદેશી ધર્મનું ઉદ્બોધન કર્યું છે. આ નિષ્ફળતાનું કારણ સરકાર અને કેળવણી નહિ પણ ભારતની પ્રજાની જડતા છે એવું એમનું નિદાન છે. ઇંગ્લૅન્ડની પ્રજામાં જડતા નથી, ચૈતન્ય છે. ઇંગ્લૅન્ડની પ્રજાનું અન્નવસ્ત્ર માટે અન્ય પ્રજાઓ પર અવલંબન છે. એથી એ કાચો માલ આયાત કરે છે, ઉદ્યોગ દ્વારા ઉત્પાદન કરે છે અને વ્યાપાર દ્વારા ઉત્પાદનની નિકાસ કરે છે. એ માટે સંસ્થાનો અને સામ્રાજ્ય સ્થાપે છે — આવો પ્રચંડ પુરુષાર્થ કરે છે. એથી એનામાં ચૈતન્ય છે. એથી એની સંસ્કૃતિમાં ભૌતિક લાભ અને દ્રવ્યલાલસા છે. ઇંગ્લૅન્ડની આર્થિક ઘટનાનું ખરું તત્ત્વ મુક્ત વ્યાપાર નથી પણ આ ભૌતિક લાભ અને દ્રવ્યલાલસાની સંસ્કૃતિ, આ પુરુષાર્થ અને આ ચૈતન્ય છે. ભારતની પ્રજાએ અંગ્રેજ પ્રજાની આ સંસ્કૃતિનું, આ પુરુષાર્થ અને આ ચૈતન્યનું દર્શન ન કર્યું. એણે પોતાના સ્વદેશી ધર્મનું પણ દર્શન ન કર્યું. પણ અંગ્રેજોની હુન્નર-કલાનું અંધ અનુકરણ કર્યું એને વિશે એમણે લખ્યું છે : ‘પણ — પણ — આપણે એ દાયકાઓ સુધી ન જોયું, ન સમજ્યા. આપણા ડાહ્યામાં ડાહ્યા પુરુષો પશ્ચિમની મોરલીએ નાચ્યા. પીયાનો, વાયોલિન, હાર્મોનિયમ લીધાં, બીન સારંગી તાઉસને તરછોડ્યાં; સેન્ટો ઉડાવી, અત્તર ગુલાબજળથી સુગાયા… ખરેખર સંસ્કૃતિસંપન્ન પ્રજા પણ જંગલી અસંસ્કૃત પ્રજાના જેટલી ઝડપથી પરાઈ સંસ્કૃતિ ઉપર મોહી પડે, તો પછી સંસ્કૃતિ અસંસ્કૃતિમાં ફેર શો? માટે જ લાગે છે કે આ આર્થિક બનાવ બની આવવામાં સૌથી વધારે ઊંડો દોષ આપણી પોતાની જડતાનો છે. અઢારમા સૈકાને અંતે આપણી બુદ્ધિશક્તિ, આપણી સંસ્કૃતિ ઉપર આપણી રતિ, નામની જ રહેલી, ઐતિહાસિક અનુમાન ગમે તેટલું કડવું લાગે તોપણ સત્ય તરીકે આપણને સ્વીકારવું પડશે.’ બલવન્તરાયે અંતમાં પ્રશ્ન પૂછ્યો છે, ‘હવે શું કરીએ, શું કરતા થઈયે તો ભાવિ સુધરતું આવે?’ પ્રજાની પ્રેરણાથી ગુજરાતમાં જે કાયમી આર્થિક બનાવો થયા એમાં મિલો અને છાપખાનાં મુખ્ય છે. પણ એટલાથી એમને સંતોષ નથી. ભારતની પ્રજાએ હજુ બળ કે ગતિ માટેના યંત્રથી માંડીને ઉત્પાદન પરની અંતિમ પ્રક્રિયા માટેના યંત્ર લગીના એક પણ પ્રકારના યંત્રનું સર્જન કર્યું નથી. પછી એવા યંત્રમાં સંશોધન-પરિવર્તન વિશે તો વાત જ શી કરવી? હજુ કોઈ નવી ઉત્પાદનની પદ્ધતિનું પણ સર્જન કર્યું નથી. બલવન્તરાયે આ પ્રશ્નોનો ઉત્તર આમ આપ્યો છે : ‘આ પ્રદેશમાં હજુ પણ આપણે નકલ કરતા નિશાળિયાને સ્થાને છિયે. પરોપજીવી અને પરાધીન છિયે… હવે લોઢું, પત્થર, કોલસો, લક્કડ, વાંસ, કાન્ક્રીટ, જે માગો તે આ જ દેશમાં જોઈતા જથ્થામાં અને સસ્તું મળવાનો સમય આવી લાગ્યો છે. માટે યંત્રપંડિત, વિદ્યુતપંડિત, વરાળપંડિત, ગતિપંડિત, બલપંડિત, સાધનપંડિત, યોજનાપંડિત બનો અને ઉપજાવો; ભાષા, ગણિત અને ફિલસૂફીના જેવી એકાગ્રતા એ વિષયમાં સાધો. પાયાથી મોભ સુધી આખું કારખાનું સ્વદેશી રચો; રાજનગર અને બંદરથી દેશના ઊંડા ખૂણામાં આવેલાં ગામડાંઓ સુધીનું આખું આર્થિક તંત્ર (Economic life and activity, Economy) સ્વદેશી રચો, અને આગળ વધો. નિશાળિયાવેડામાં બહુ વરસ ગાળ્યાં.’ આજે કોઈ પણ પાછી નજરે જોઈ શકે કે જ્યાં લગી ભારતમાં અંગ્રેજોનું આર્થિક અને રાજકીય વર્ચસ્ હોય ત્યાં લગી ઇંગ્લૅન્ડમાં જેટલો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ થયો હોય એટલો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ ન થાય એ સંદર્ભમાં ‘હુંનરખાનની ચઢાઈ’માં અને રણજિતરામના લેખોમાં દલપતરામ અને રણજિતરામના ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ વિશેના દર્શનની જે મર્યાદા છે, તે જ ‘ઇતિહાસ દિગ્દર્શન’માં બલવન્તરાયના ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ વિશેના દર્શનની મર્યાદા છે. ભારતમાંથી અંગ્રેજો ભલે ન જાય પણ એમનો સુધારો જાય એ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનું સ્વરાજનું દર્શન છે. એથી અન્યથા ભારતમાંથી અંગ્રેજોનો સુધારો ન જાય એટલું જ નહિ, પણ એનો ઇંગ્લૅન્ડમાં જેટલો વિકાસ થયો છે એટલો ભારતમાં એનો વિકાસ થાય એ ‘હુંનરખાનની ચઢાઈ’માં અને રણજિતરામના લેખોમાં દલપતરામનું અને રણજિતરામનું આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું દર્શન છે તે જ ‘ઇતિહાસ દિગ્દર્શન’માં બલવન્તરાયનું આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું દર્શન છે. જોકે ભારતમાંથી અંગ્રેજોનો સુધારો ન જાય તો આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિમાં જે સંઘર્ષ અને સ્પર્ધા, સંકુચિતતા અને સ્વાર્થ, નફાખોરી અને સત્તાખોરી, વિત્તૈષણા અને લોકૈષણા છે એને કારણે ભારતમાં પણ યંત્રોનો, યંત્રવિજ્ઞાનનો દુરુપયોગ થાય, કારીગરોનું શોષણ-ભક્ષણ થાય એ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીને જે ભય અને શંકા છે તે જ ‘ઇતિહાસ દિગ્દર્શન’માં બલવન્તરાયને પણ ભય અને શંકા છે. એથી ‘ઇતિહાસ દિગ્દર્શન’માં અમદાવાદમાં અંબાલાલભાઈના બંધુભાવ અંગેનાં અનેકાનેક ભાષણોનું સ્મરણ કરી-કરાવીને એ વિશે એમણે લખ્યું છે : ‘આપણી મિલોની થાપણ કરોડોની અંકાય છે, હરસાલ લાખોનાં વ્યાજ છપાય છે. આજે જે કુડીબંધ મિલો છે તે કાલ સ્હવારે સેંકડો થશે; આજે જે હજારો કામગારો છે તે જોતજોતામાં લાખો થશે (…થશે શું? થવા જ જોઈએ: નહીં તો આપણો દેશ સુધરેલી દુનિયાની હારમાં આવી જ નહીં શકે; જંગલી, અજ્ઞ, દુકાળવો, ભીખમંગો, ઉઘાડપગો, લંગોટિયો જ રહેશે.), એમની સંસ્કૃતિ, એમની માનવતા કામગાર થતાં વધે છે કે ઘટે છે? કાંટાના એક તરફના પલ્લામાં કરોડોની પુંજી અને લાખોની નરી આવક (net profit) મુકિયે, બીજા પલ્લામાં દેશનાં લાખો સંતાનોની અવનતિ, અવગતિ, વિકૃતિ મુકિયે, તો બેમાંથી કયું પલ્લું વધારે ધ્યાન આપવા યોગ્ય છે એ વિશે બે મત સંભવતા જ નથી.’ બલવન્તરાયે ૧૯૪૧માં ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં ‘દર્શન ૩જું’માં ભારતની પ્રજાના સૈકાઓના સામાજિક ઇતિહાસના સંદર્ભમાં અને ગુજરાતી ભાષાની સમકાલીન નવીન કવિતામાં ઊર્મિકાવ્યના સ્વરચિત વર્ગીકરણ પ્રમાણેના ચોથા સ્તબકના સંદર્ભમાં આ પ્રશ્નોનો ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે. ભારતની પ્રજાના સાહિત્યમાં ધર્મ અને નીતિનાં ઉત્તમ અને આદર્શ મૂલ્યો છે. ભારતની પ્રજાની પ્રાગ્-ઐતિહાસિક સમાજવ્યવસ્થામાં પણ ચાતુર્વર્ણનું એવું જ એક ઉત્તમ અને આદર્શ મૂલ્ય હતું. પણ ‘આપણી વર્ણવ્યવસ્થા… સૈકાઓથી જામતી આવતી હતી એ પૂરેપૂરી જામી જતાં આપણી પ્રજા એકરસ (હોમોજીનિયસ-homogeneous) મટી તેના બે મોટા અન્યોન્ય પ્રતિ પીઠ રાખી શકતા વિભાગ પડી ગયા. દ્વિજસંઘ તે એક પ્રજા, દ્વિજેતરસંઘ તે બીજી પ્રજા એમ બની ગયું.’ જ્ઞાન દ્વિજનો અધિકાર, શ્રમ-કર્મ દ્વિજેતરનો અધિકાર; દ્વિજ શ્રમ-કર્મથી વંચિત, દ્વિજેતર જ્ઞાનથી વંચિત — પછી ભક્તિને તો એમાં સ્થાન જ ક્યાંથી હોય? આમ, ‘…અતિપુરાણા સમયથી ઇતિહાસનો પ્રાત:કાલ ઊગે તે પ્હેલાંના કાળથી આપણામાં જાણીતા અંધપંગુ ન્યાયનો મહાવ્યાપક દૃષ્ટાંત આખો ય ભરતખંડી પ્રજાસંઘ બની રહ્યો.’ કાલક્રમે દ્વિજ ઉચ્ચ અને દ્વિજેતર નીચ એવો ઉચ્ચનીચભેદ અને ઉચ્ચાવચતાક્રમ અસ્તિત્વમાં આવ્યો. ભારતની પ્રજાની સમાજવ્યવસ્થામાં એકતા અને એકરસતાનો નાશ થયો, સંવાદ અને સહકારનો, ઉદારતા અને નિઃસ્વાર્થનો હ્રાસ થયો, સહિષ્ણુતા અને સ્થિતિસ્થાપકતાનો લોપ થયો. અને ક્રમે-ક્રમે સંઘર્ષ અને સ્પર્ધાનો, સંકુચિતતા અને સ્વાર્થનો, જડતા અને સ્થિતિચુસ્તતાનો વિકાસ થયો. બ્રાહ્મણ આદિ સવર્ણોએ, ભારતની અલ્પસંખ્ય વામન પ્રજાએ હરિજનો, અંત્યજો, અસ્પૃશ્યો આદિનો, ભારતની વિશાલ ગ્રામપ્રદેશની બહુસંખ્ય વિરાટ પ્રજાનો તિરસ્કાર અને બહિષ્કાર કર્યો. અને આ વિકૃતિ અને વિક્રિયાને પરિણામે સૈકાઓથી અને આજે પણ ભારતવર્ષની સમગ્ર પ્રજા એક નિર્બલ, નિષ્પ્રાણ, નિ:સત્ત્વ અને નિર્વીર્ય પ્રજા છે. પ્રાચીન યુગમાં અહિંસા અને પ્રેમના પોતીકા દર્શનની અસરમાં બુદ્ધે, મધ્યયુગમાં મુસ્લિમોના આક્રમણ પછી ગૌણપણે એ વિદેશી વિધર્મીઓના જ સૂફીવાદની અસરમાં પણ પ્રધાનપણે ભારતની ભક્તિસંપ્રદાયની પ્રાચીન પરંપરાની અસરમાં ભારતમાં ચારે ખૂણે સંતોએ અને અર્વાચીન યુગમાં ખ્રિસ્તી-અંગ્રેજોના આક્રમણ પછી ગૌણપણે એ વિદેશી વિધર્મીઓના જ સમાનતાવાદ-માનવતાવાદની અસરમાં પણ પ્રધાનપણે ગીતાની અસરમાં અને સત્ય-અહિંસા-પ્રેમના, સત્યાગ્રહના, સ્વરાજના પોતીકા દર્શનની અસરમાં ગાંધીજીએ આ ભેદ અને આ ક્રમ દૂર કરવાનો ભવ્યસુન્દર પ્રચંડ પુરુષાર્થ કર્યો. છતાં આ પ્રત્યેક પુરુષાર્થ પછી દુર્ભાગ્યે આ ભેદ અને આ ક્રમ વધુ સબળ અને સજડ થયો, વધુ દૃઢ અને રૂઢ થયો. ભારતની પ્રજાના ઇતિહાસની આ મોટામાં મોટી કદરૂપતા છે, એના સમાજનું આ મોટામાં મોટું કલંક છે, એના જીવનની આ મોટામાં મોટી કરુણતા છે. નરસિંહે ગાયું છે : ‘હરિજનથી જે અંતર ગણશે એના ફોગટ ફેરા ઠાલા રે.’ જ્યાં લગી ભારતની પ્રજાના જીવનમાંથી આ અંતર, આ અસમાનતા, આ અન્યાય, આ અમાનુષિતા જાય નહિ ત્યાં લગી એમાં કદી સુખ અને શાંતિ થાય નહિ, ત્યાં લગી એનો કદી જયવારો થાય નહિ. આ પરિસ્થિતિમાં અર્વાચીન યુગમાં જેમાં મજૂરી, મજૂરવર્ગનો આત્યંતિક અને અન્યવર્ગનિરપેક્ષ મહિમા થયો છે એવી એક વિચારધારાએ ભારતમાં સમાજના અન્ય વર્ગો, ઉચ્ચ અને મધ્યમ વર્ગો પ્રત્યે દ્વેષ, ઈર્ષ્યા, વૈર અને હિંસાનો, વર્ગ વિગ્રહનો પ્રચાર કર્યો છે. અને સ્થાયી વર્ગવિહીન સમાજનો અશક્ય આદર્શ પ્રગટ કર્યો છે. ભારતમાં સૈકાઓથી એક આત્યંતિક કક્ષાએથી બ્રાહ્મણો આદિ સવર્ણોએ હરિજન આદિનો તિરસ્કાર અને બહિષ્કાર કર્યો છે તેમ અન્ય આત્યંતિક કક્ષાએથી આ વિચારધારાએ મજૂરવર્ગ વતી અન્ય વર્ગોનો, ઉચ્ચ અને મધ્યમ વર્ગોનો તિરસ્કાર અને બહિષ્કાર કર્યો છે. બલવન્તરાયે એમની બલિષ્ઠ બલવન્તી વાણીમાં એકસાથે, એકશ્વાસે આ વિચારધારાનું ગુજરાતી ભાષાની સમકાલીન નવીન કવિતામાં જે નર્યું પ્રચારિયું ‘સાહિત્ય’, સાહિત્ય નામને ન લાયક એવું છાશવારિયું સાહિત્ય, ક્ષુદ્ર ક્ષુલ્લક ભાવોનું ક્ષણિક સાહિત્ય સર્જાય છે એનો નર્યો, નરવો અને ગરવો તિરસ્કાર કર્યો છે અને મજૂરીનો, મજૂરવર્ગનો સવિવેક, સમતોલ અને સમભાવી પુરસ્કાર કર્યો છે તથા કવિબન્ધુઓને મજૂરી અને મજૂરવર્ગ વિશેની સાચી ઊંચી કવિતાનું સર્જન કરવાનું આહ્વાન આપ્યું છે અને એવી કવિતાનું હૃદયપૂર્વક સ્વાગત કરવાનું વચન આપ્યું છે : ‘…એ ફૂસફૂસ ફટાકડા અને એ તડતડિયા તણખાને હું શું કરું? મજૂર અને મજૂરી માટે મને સમભાવ નથી? મજૂરને હું મારો બંધુ ન ગણી શકતો વિદ્યાઘમંડી બુદ્ધિશક્તિનો અંધપૂજક છું? મજૂરી, જીવનસુખ અને જીવનોલ્લાસ માટે કેટલી તો આવશ્યક છે તે હું નથી જાણતો? મજૂરીની અતિમાત્રા કેટલી દુઃખદ અને શક્તિદાહક છે તેનો મને ખ્યાલ નથી? ગુલામીને હું ચાહનારો કે ટેકવનારો સત્તાધીશોનો હિમાયતી છું? ગુલામ ભલે અસંખ્ય હો, તેઓ ભલેને શોષાય, રિબાય, મને મારાં સુખચેન અને મોજમઝા કાયમ રહો એવી નીચ વાસનાવાળો હું સ્વાર્થી વિષયલોલુપ છું? એ લોકડિયાં તો એવાં જ, એમનાં પાપ, એમનાં અસંયમ, એમના અનિયમ, એમનાં અજ્ઞાન, વહેમ અને દુરાચાર એ છોડે એમ નથી; અને તે છોડે નહીં ત્યાં લગી એ નરાકારી પશુમાત્ર છે, રે પશુ કરતાંય ઊતરતાં, એમ એમનામાં માનવતાને જ નકારતો હું નીએટ્ઝવાદી શિષ્ટ માનવ સમાજને વળગતો અને ભ્રમિતચિત્ત મ્હને પ્રિય ભૂમિ આકાશમાં જ વિહરનારો છું? …સ્વેચ્છાપ્રેરિત મજૂરી તો માણસનું જીવન છે, કુશળ કારીગરનો આહ્લાદ છે, મૌલિક સર્જન કરવાની શક્તિ હોય તેવાને તેમના વિજય માટે અનિવાર્ય સાધન છે, દરેક પ્રગલ્ભ વ્યક્તિનું શૂરું અભિમાની વ્યક્તિત્વ છે… નવ્ય કવિઓ, લેખકો, સાહિત્યકારો, અને કલાભક્તો, તમારા પ્રિય વ્યવસાયોનો જે મજૂરી સાચો વળી ઉદાત્ત વિષય છે, તે સ્વેચ્છાપ્રેરિત સોલ્લાસ મજૂરી છે, વિજય કારીગરી છે; સર્જનશીલ ઘણના ઘા અને છીણીની લકીરો છે; મજૂરજીવન અને મજૂરી વિશે તમે અમને આવી દ્વેષરહિત પ્રેમોલ્લસિત કૃતિઓ સર્જી આપો, બેશક તેમને અમે સમુત્ક્રાંતિપોષક ગણીશું અને વધાવી લઈશું.’ બલવન્તરાયે આના અનુસંધાનમાં એમના આયુષ્યનાં અંતિમ વર્ષોમાં, ૧૯૪૩માં ‘પંચોત્તેરમે’માં અમદાવાદમાં એક વ્યાખ્યાનમાં પોતાની ચાર શ્રદ્ધાઓ વિશે બુલંદ ઉદ્ગાર કર્યો હતો. એમાં સમાજમાં શ્રમજીવી અને બુદ્ધિજીવી એ બે જ વર્ગો સન્માનાર્હ છે એ એમની એક શ્રદ્ધા છે. એમાં શ્રમજીવી વિશે, મજૂર વિશે એમણે લખ્યું છે : ‘સન્માનાર્હ એક તો હું ગણું છું પૂરેપૂરાં બળ, આવડત અને દિલે મજૂરી કરતા મજૂરને. સાધન, ઓજાર આદિ વડે ઇષ્ટ વસ્તુ ઉપજાવવા તે એટલો તો મચીમથી રહે છે કે તેના હાથપગ, તેના આંગળાં તેના સ્નાયુએ સ્નાયુ, તેની રગે રગ, તેની બુદ્ધિનાં ય પડે પડ, એ સાધનો અને ઓજારો, ક્રિયાઓ અને પ્રક્રિયાઓની ઊંડી છાપ ગ્રહણ કરતાં કરતાં એ સાધનસામગ્રીના અને ઓજાર હથિયારના ઉપર પ્રભુત્વ મેળવે છે અને ભોગવે છે; અને એ પ્રભુત્વના કુદરતી ફળ પરિપાક રળે છે અને આનંદે છે.’

૧૯૭૪


*