સ્વાધ્યાયલોક—૭/બલવન્તરાયની શોધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બલવન્તરાયની શોધ

ગુજરાત આ વર્ષે સાક્ષર કવિ બલવન્તરાય ઠાકોરના જન્મની સવાશતાબ્દી ઊજવી રહ્યું છે. બલવન્તરાયનો જન્મ ૧૮૬૯ના ઑક્ટોબરની ૨૩મીએ અને એમનું અવસાન ૧૯૫૨ના જાન્યુઆરીની ૨જીએ. ૮૨ વર્ષનું એમનું આયુષ્ય. એમણે કાવ્યસર્જનનો આરંભ કર્યો ૧૮૮૮માં અને આયુષ્યના અંત લગી કાવ્યસર્જન કર્યું. છ દાયકાનું એમનું સર્જનકાર્ય. આટલા દીર્ઘકાળનું આયુષ્ય અને સર્જનકાર્ય એમના કોઈ સમકાલીનના સદ્ભાગ્યમાં ન હતું. બલવન્તરાયની કવિતામાં જેટલું વિષયવૈવિધ્ય છે એટલું નરસિંહથી માંડીને આજ લગીના — પ્રેમાનંદ સુધ્ધાં — કોઈ પણ કવિની કવિતામાં નથી. વળી બલવન્તરાયની કવિતામાં જેવું અર્વાચીન માનસ છે એવું નર્મદથી માંડીને આજ લગીના — ગોવર્ધનરામ સુધ્ધાં — કોઈ પણ સર્જકના સર્જનોમાં નથી. ગુજરાત આ વર્ષે એના આ એક કવિની જ નહિ, એના એક સંતની પણ સવાશતાબ્દી ઊજવી રહ્યું છે. ગાંધીજીનો જન્મ પણ ૧૮૬૯માં. ગાંધીજી અને બલવન્તરાય બન્ને ક્રાંતિકારી હતા. ગાંધીજીએ જીવનમાં ક્રાંતિ કરી હતી અને બલવન્તરાયે સાહિત્યમાં. આ ક્રાંતિ પછી ગુજરાતનું જીવન અને સાહિત્ય પૂર્વે હતાં એવાં રહ્યાં નથી, રહી શકે નહિ. ગાંધીજીએ ગુજરાતને કવિતાનો વિષય આપ્યો, સત્ય અને અહિંસા; બલવન્તરાયે વાહન આપ્યું, પૃથ્વી છંદ અને પ્રવાહી પદ્ય. લય કવિતાનો આત્મા છે. લયની ક્રાંતિ પણ ગાંધીજીની ક્રાંતિ, જીવનની ક્રાંતિ જેવી જ આધ્યાત્મિક ક્રાંતિ છે. અર્વાચીન જીવનને પ્રગટ થવા માટેનો લય એ બલવન્તરાયની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. ‘નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન’ — બલવન્તરાયે કવિતામાં સૌથી ઊંચું નિશાન તાક્યું હતું. મિલ્ટન એમનો આદર્શ હતો. મહાકાવ્ય રચવાની એમની મહત્ત્વાકાંક્ષા હતી. એ મહાકાવ્ય રચી શક્યા નહિ, નિશાન ચૂકી ગયા. એ માફ થશે. કારણ કે એમણે નીચું નિશાન તાક્યું ન હતું. એથી સ્તો ભલે એ મહાકાવ્ય રચી ન શક્યા (અને એમ તો ગુજરાતી ભાષામાં પ્રેમાનંદ કે ન્હાનાલાલ સુધ્ધાં કોણ રચી શક્યું છે?) પણ ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ ચિન્તનોર્મિકાવ્ય ‘આરોહણ’ તો અવશ્ય રચી શક્યા. અને એમનો મહાકવિનો આદર્શ પણ કેવો હતો? જે સૌ કવિઓમાં તો મહા હોય જ પણ જે સૌ મહાપુરુષોમાં પણ મહા હોય તે મહાકવિ. આ આદર્શનો વારસો બલવન્તરાય ગુજરાતને સોંપી ગયા છે. એ વારસો સાચવવાનું કર્તવ્ય આપણું છે એનું આ સવાશતાબ્દી નિમિત્તે સ્મરણ કરીએ. ‘ખુદકલમી, ઇતર ન લખવું’ — બલવન્તરાયે આરંભમાં કાન્તની કવિતાની લલિતકોમલ કાન્ત પદાવલિનું કંઈક આકર્ષણ અનુભવ્યું હતું. પણ તરત જ એમણે એમનો આગવો અવાજ શોધ્યો હતો. એમની પ્રત્યેક પંક્તિમાં આ અવાજ સંભળાય છે. એમની પ્રત્યેક પંક્તિ પર એમના વ્યક્તિત્વની મુદ્રા સ્પષ્ટ અંકિત છે. બલવન્તરાયે પોતાનું ન હોય એવું કશું લખ્યું નથી. જે કંઈ લખ્યું છે તે ખુદવફાઈથી ખુદકલમી લખ્યું છે. આ બૌધિક પ્રામાણિકતા એ બલવન્તરાયનો સૌથી મોટો કવિગુણ છે. યુરોપના સૌ સર્જકોમાં એનું સતત દર્શન થાય છે. ગુજરાતના સર્જકોમાં પણ થજો એવો બલવન્તરાયનો આશીર્વાદ આ સવાશતાબ્દી પ્રસંગે આપણને હજો. એક વાર વાતચીતમાં એમણે કહ્યું હતું, ‘મારો અવાજ metallic છે. કોઈથી સહન થતો નથી! આ ધાતુ જેવા સઘન અવાજને કારણે એમની કવિતા દુર્બોધ છે, અગેય છે. ક્લિષ્ટ છે, કર્કશ છે એવો સમકાલીનોનો આક્ષેપ હતો. ભલું થજો અનુકાલીન કવિ-વિવેચકોનું કે એમના કૃતિલક્ષી વિવેચનને કારણે આટલે વરસે હવે સ્પષ્ટ થયું છે કે એમની કવિતામાં તો ‘બાની ભીની નીતરી નીંગળે’ છે. રેવા, ચન્દ્રમણિ, કાન્ત વિશે એ કાવ્ય રચે છે ત્યારે ગદ્ગદ કંઠે રચે છે. ‘કવિતા વિચારપ્રધાન હોય’ એવો બલવન્તરાયનો આગ્રહ હતો. સમકાલીન રંગદર્શી ઊર્મિકવિતામાં ઊર્મિથી વિશેષ તો ઊર્મિલતા હતી. ગીત-ગઝલમાં રેલોલ રેલોલ અને મફાઇલુન્ મફાઇલુન્‌માં વિચારનો અભાવ અને ઊર્મિનો અતિરેક હતો. એના પ્રતિકાર રૂપે આ આગ્રહ હતો. કવિતા એટલે રાગડો નહિ, લાગણીઓનો રગડો નહિ, પણ સુશ્લિષ્ટ અને સુગ્રથિત એકતા અને આકૃતિ; કવિતા એટલે કલાકૃતિ એટલું સ્પષ્ટ કરવાનો એમનો હેતુ હતો. માત્ર વિચારથી કવિતા ન થાય, તો વિચાર વિના પણ કવિતા ન થાય એટલું સૂચન કરવાનો એમનો આશય હતો. કવિતામાં વિચાર અને બુદ્ધિમત્તા એટલે કલ્પના અને દર્શન એવું એમણે એમના વિચારપ્રાધાન્યના આ વિધાન પરનાં અનેક વિવરણોમાં સ્પષ્ટ કર્યું છે. હવે આટલે વરસે એના વિશે ગેરસમજ કે અણસમજને અવકાશ નથી, ન હોવો જોઈએ. બલવન્તરાય એમના પૂર્વજીવનમાં અદ્વૈતવાદી હતા. પણ અનેક અંગત અનુભવો અને ગહનગંભીર મનનચિન્તન પછી એ અજ્ઞેયવાદી હતા. ‘માણસ માત્ર જંતુ, મોટો માણસ એટલે મોટો જંતુ’ — આમ, મનુષ્યની મર્યાદાનું, એના જ્ઞાનની મર્યાદાનું એમને પૂરેપૂરું ભાન હતું. ઈશ્વર હોય વા ન હોય. એ વિશે અંતિમતાપૂર્વક કશું પણ કયો મનુષ્ય કહી શકે? આ એમનો સંશયપ્રશ્ન હતો. એ uncynical sceptic હતા — એ નાસ્તિવાદી ન હતા, નેતિવાદી હતા. એ માનવતાવાદી હતા. ઈશ્વર હોય કે ન હોય પણ મનુષ્ય તો છે જ. મનુષ્યની મહત્તાનું પણ એમને એટલું જ ભાન હતું. મનુષ્ય એના સ્વપ્રયત્નથી, સ્વપુરુષાર્થથી, સદાચારથી સર્જનાત્મક સમુત્ક્રાંતિ સાધી શકે છે એ એમની શ્રદ્ધા હતી. ‘સુખદુઃખ’માં — એમની આ અંતિમ અને અપૂર્ણ સૉનેટમાલામાં એમની આ શ્રદ્ધા પ્રગટ થાય છે. બલવન્તરાયમાં જેટલું ઇતિહાસદર્શન છે એટલું એમના કોઈ સમકાલીન કે અનુકાલીન સર્જક — ગોવર્ધનરામ સુધ્ધાં — માં નથી. એમની આ historical sense — ઐતિહાસિક દૃષ્ટિ એમના સમગ્ર સર્જનને એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વિરલ પરિમાણ સાથે પ્રગટ કરે છે. ગુજરાત હજુ બલવન્તરાયની આ પ્રતિભાને પૂરેપૂરું પામ્યું નથી. માત્ર ગુજરાતમાં જ નહિ, સમગ્ર ભારતમાં આ ઐતિહાસિક દૃષ્ટિનો, ઇતિહાસદર્શનનો અભાવ છે. બલવન્તરાયની આ પ્રતિભા એમની કાવ્યત્રયી — ‘આરોહણ’, ‘રાજયાભિષેકની રાત’ અને ‘ચોપાટી બાંકડે’ — માં પૂર્ણપણે પ્રગટ થાય છે. એમના જન્મની સવાશતાબ્દી નિમિત્તે આપણે આ બલવન્તરાયની શોધ કરીએ.

૧૯૯૩


*