સ્વાધ્યાયલોક—૭/લયની સૃષ્ટિમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લયની સૃષ્ટિમાં

આજે ગૂડી પડવાએ ન્હાનાલાલના જન્મને બરોબર સો વર્ષ થાય છે. ન્હાનાલાલનો કવિજન્મ ૧૮૯૨માં, એમનું પ્રથમ પ્રકાશન ૧૯૦૩માં, એમનું અવસાન ૧૯૪૬માં. આમ, એમના કવિજન્મનાં ૮૫ વર્ષ પછી, પ્રથમ પ્રકાશનનાં ૭૪ વર્ષ પછી અને અવસાનનાં ૩૧ વર્ષ પછી જગતકવિતાના સંદર્ભમાં ન્હાનાલાલની કવિતાનું મૂલ્યાંકન કરવા માટે હવે કાળનું સુયોગ્ય અંતર છે. આવા મૂલ્યાંકનનો આરંભ કરવા માટે ન્હાનાલાલની જન્મશતાબ્દી સમું અન્ય કોઈ સાનુકૂળ નિમિત્ત હશે? ન્હાનાલાલે જ ૧૯૨૭માં એમના અર્ધશતાબ્દી મહોત્સવ પ્રસંગે મુંબઈમાં કહ્યું હતું : ‘ગુર્જર કલાધીશોને, ગુર્જર કવિવરોને, ગુર્જર સાહિત્યકારોને મ્હારી વિનવણી એટલી છે : ‘ગુજરાતીમાં અદ્વિતીય’ એ પ્રશસ્તિનાદના ગોઝારા મોહકૂપમાં પુરાઈને ન ડૂબતા. દૃષ્ટિ સદા વિશ્વદૃષ્ટિ રાખજો કે ‘મ્હારા લેખનું જગતસાહિત્યમાં સ્થાન શું?’ છેલ્લાં સત્તાવીશ વર્ષથી આછોઅધૂરોયે હું તો એ આદર્શ ઉપાસતો આવ્યો છું.’ બલવન્તરાયે જાણે ન્હાનાલાલના જ આ શબ્દોના પ્રતિધ્વનિરૂપ હોય એવા શબ્દોમાં પાએક શતાબ્દી પછી ૧૯૪૩માં એમના અમૃત મહોત્સવ પ્રસંગે વડોદરામાં કહ્યું હતું : ‘જગતની શ્રેષ્ઠ કવિતામાં જે પોતાનું પદ કવિતા લેખે મેળવી શકે તે જ ખરેખર કોઈ પણ ભાષાની શ્રેષ્ઠ કવિતા, એ મ્હારી કસોટી…’ ન્હાનાલાલ અને બલવન્તરાયની કવિતામાં અસામ્ય છે પણ એમની કવિતાની ભૂમિકામાં સામ્ય છે. બન્નેનો કવિજન્મ ૧૯મી સદીના અંતિમ દાયકાના આરંભમાં. બન્નેનો પરંપરાગત ગુજરાતી પદ્યની સાંકડી સીમાઓમાંથી મુક્તિ માટેનો પુરુષાર્થ. બલવન્તરાયમાં પૃથ્વીના પ્રયોગમાં પદ્યમાં મુક્તિ અને ન્હાનાલાલમાં ડોલનના પ્રયોગમાં પદ્યમાંથી મુક્તિ અને એમાં બન્નેમાં સંગીત અને ગેયતાનો ત્યાગ. બન્નેની અંગ્રેજી ઊર્મિકવિતાની પરંપરામાં શ્રેષ્ઠ કાવ્યસિદ્ધિ. બલવન્તરાયની શ્રેષ્ઠ કાવ્યસિદ્ધિ એમનાં ચિંતનોર્મિકાવ્ય ‘આરોહણ’માં અને પ્રણય — શોક — કાવ્ય ‘પ્રેમનો દિવસ’ અને ‘વિરહ’માં. ન્હાનાલાલની શ્રેષ્ઠ કાવ્યસિદ્ધિ એમનાં કથનોર્મિકાવ્ય ‘શરદપૂનમ’માં અને વાત્સલ્ય-શોકકાવ્ય ‘પિતૃતર્પણ’માં. બન્નેનું જગતકવિતાના સંદર્ભમાં પોતાની કવિતાનું મૂલ્યાંકન થાય એવું પૂર્વોક્ત ‘આદર્શ’ અને ‘કસોટી’માંનું સાહસ. બન્નેનું આ મૂલ્યાંકનમાં પોતાની કવિતા સફળ થશે, જગતકવિતામાં પોતાની કવિતાનું સ્થાન હશે એવું પૂર્વોક્ત કાવ્યસિદ્ધિને કારણે આત્મશ્રદ્ધાનું બળ. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જેમનો જન્મ થયો છે એવા મોટા ગજાના અર્વાચીન ગુજરાતી કવિઓમાં ન્હાનાલાલ સૌથી નાના. સાહિત્ય અકાદમીના ઉપક્રમે એમની જન્મશતાબ્દીનો મહોત્સવ અમદાવાદમાં આ માસની ૫મીથી ૭મી લગી ત્રણ દિવસ ઊજવાયો. એ પ્રસંગે ભારતીય કવિતાના અને કંઈક અંશે જગતકવિતાના સંદર્ભમાં ન્હાનાલાલની કવિતાનું મૂલ્યાંકન કરવાનો આરંભ થયો. આશા છે કે હવે પછી પ્રાચીન — અર્વાચીન — આધુનિક સૌ ગુજરાતી કવિતાનું આવું મૂલ્યાંકન કરવાની પરંપરામાં એ પરિણમશે. મહોત્સવનું ઉદ્ઘાટન ૫મીએ સાંજે સાડા ચાર વાગ્યે હ. કા. આર્ટ્સ કૉલેજના નાટ્યગૃહમાં હતું. નાટ્યગૃહમાં ભાગ્યે જ કોઈ ખુરશી ખાલી હોય એટલાં ન્હાનાલાલની કવિતાના પ્રેમીઓએ આ મહોત્સવ માણ્યો. ન્હાનાલાલનાં બે પ્રસિદ્ધ ગીતોથી મહોત્સવનો મંગલારંભ થયો. અકાદમીના મંત્રી રવીન્દ્ર કેળકરે સ્વાગતપ્રવચનની સાથે-સાથે અકાદમી વતી ન્હાનાલાલને અંજલિ અર્પી. પ્રમુખપદેથી અંગ્રેજી સાહિત્યના પ્રસિદ્ધ વિદ્વાન અને વિવેચક પ્રોફેસર વી. વાય. કંટકે સામાજિક, સાંસ્કૃતિક અને વૈશ્વિક સંદર્ભમાં ન્હાનાલાલની કવિતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો કવિતારસિકોને અનુરોધ કર્યો. ઉમાશંકર જોશીએ ‘ન્હાનાલાલ અને એમનો સમય’ એ વિષય પર આ ઉત્સવ-સંગીતના સા સમું વ્યાખ્યાન કર્યું. અંતભાગમાં એમણે જગતકવિતાના ધોરણે ન્હાનાલાલની કવિતાનું સમતોલ અને સહૃદય મૂલ્યાંકન કર્યું અને પછીના બે દિવસોના પરિસંવાદના વિષયને અનુલક્ષી એની પૂર્વભૂમિકા રચવાનું નાન્દીકર્મ પણ કર્યું. પછી અનંતરાય રાવળ, મનસુખલાલ ઝવેરી, ચન્દ્રવદન મહેતા, દિગીશ મહેતા અને યશવન્ત શુક્લે ન્હાનાલાલના જીવન અને કવનના ઉપલક્ષ્યમાં અનુક્રમે ઊર્મિકાવ્યો, ખંડકાવ્યો-મહાકાવ્યો, પદ્યનાટકો, ગદ્ય અને વિવેચનના વિષય પર પોતાનું વ્યાખ્યાન રજૂ કર્યું. ચન્દ્રવદન મહેતાએ વ્યાખ્યાન ન કર્યું, અભિનય કર્યો. પરિણામે દિગીશ મહેતા અને યશવન્ત શુક્લને પોતાને કે પોતાનાં શ્રોતાઓને સંતોષ ન થાય એમ પોતાનાં વ્યાખ્યાનમાંથી વાક્યો અને ખંડો જ રજૂ કરવાનું થયું. કેટલાંક શ્રોતાઓ — ન્હાનાલાલની કવિતાનાં પ્રેમીઓ — ને કાર્યક્રમની પૂર્ણાહુતિ પૂર્વે જ નાટ્યગૃહનો ત્યાગ કરવાનું પણ થયું. સાડાસાત વાગ્યે કાર્યક્રમનો અંત આવ્યો ત્યારે નાટ્યગૃહમાં લગભગ બેતૃતીયાંશ જેટલાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વ્યાખ્યાનોની ભાષા અંગ્રેજી હતી એ કારણ હશે? કે કાર્યક્રમ દીર્ઘસૂત્રી હતો એ કારણ હશે? આઠ વ્યાખ્યાનોને સ્થાને કવિનાં કાવ્યો-ગીતોનાં પઠન-ગાયન અને એક-બે વ્યાખ્યાનોનો સરલસુરેખ કાર્યક્રમ, જર્મનીમાં ૧૯૪૯માં ગ્યુઈથેની જન્મદ્વિશતાબ્દીના મહોત્સવ પ્રસંગે બાકના સંગીત અને આલ્બર્ટ સ્વાઇટ્ઝરના અંજલિ-વ્યાખ્યાનનો સરલસુન્દર કાર્યક્રમ યોજ્યો હતો તેમ, યોજી ન શકાય? ૬ઠ્ઠી અને ૭મીએ સવારના દસથી દોઢ અને બપોરના અઢીથી પાંચ એમ રોજ છ કલાક યુનિવર્સિટીના અતિથિગૃહમાં ‘Free Verse, Prose Poem and Other Metrical Experiments in Modern Indian Literatures’ એ વિષય પર ઉમાશંકર જોશીના પ્રમુખપદે પરિસંવાદ હતો. એમાં ભારતની કુલ દસ ભિન્ન-ભિન્ન ભાષાઓના પ્રતિનિધિરૂપ એક એક સર્જક કે વિવેચકે પોતાની ભાષાના સંદર્ભમાં આ વિષય પર અંગ્રેજીમાં વ્યાખ્યાન કર્યું. અકાદમીના આમંત્રણથી પચાસેક સ્થાનિક સર્જક-વિવેચકો પણ ઉપસ્થિત હતાં. બંગાળીના પ્રસિદ્ધ અગ્રણી કવિ સુભાષ મુખોપાધ્યાયની ઉપસ્થિતિ વિશેષ ધ્યાનપાત્ર હતી. બંગાળી અને મળયાળમ્ ભાષાઓના પ્રતિનિધિઓનાં વ્યાખ્યાનો સ્પષ્ટતા અને સઘનતાને કારણે વિશેષ નોંધપાત્ર હતાં. બે વ્યાખ્યાનોની વચમાં-વચમાં વ્યાખ્યાતા અને શ્રોતાઓ વચ્ચે પ્રશ્નોત્તરી રૂપે ચર્ચારસ પણ ઠીક-ઠીક જામ્યો. આ બે દિવસોમાં કુલ બાર કલાક સતત લયની અનોખી અને અદ્ભુત સૃષ્ટિમાં વસવા-વિહરવાનું થયું એ સૌને માટે અવિસ્મરણીય અનુભવ હતો, જીવનનો એક અદકો લહાવો હતો. જેમની જન્મશતાબ્દી નિમિત્તે આ પરિસંવાદ યોજાયો હતો તેમનામાં તો પદ્ય, મુક્ત પદ્ય, પદ્યમુક્તિ, ગદ્યકાવ્ય અંગે, લયની અનેકવિધ અનંત લીલા અંગે ખુલ્લું મગજ હતું, આ પરિસંવાદમાં એવું જ ખુલ્લું મગજ હશે એવી આશા-અપેક્ષા સહજ જ હોય. પદ્યની જેમ જ મુક્ત પદ્યમાં અને ગદ્યમાં કવિતા સૈકાઓથી સિદ્ધ છે. પણ ૧૯મી સદીના મધ્ય ભાગમાં ફ્રાન્સમાં પદ્યના પ્રતિકારના સંદર્ભમાં એ અંગે સર્જકો અને વિવેચકો તીવ્રપણે સભાન થયા. એથી મુક્ત પદ્ય — વૅર લીબ્ર, ફ્રી વર્સ — તથા ગદ્યકાવ્ય, પોએમ આં પ્રોઝ, પ્રોઝ પોએમ — શબ્દો અસ્તિત્વમાં આવ્યા અને પ્રચલિત થયા. આ અર્થમાં ગદ્યકાવ્યનો જન્મ ફ્રાન્સમાં ૧૮૨૭માં થયો. આ વર્ષમાં આલૉઈસીયુ (લુઈ) બૅત્રાઁએ ગદ્યકાવ્ય રચવાનો આરંભ કર્યો. એમનો ગદ્યકાવ્યોનો સંગ્રહ ‘ગાસ્પાર્દ દ લા નુઈ’ ૧૮૪૨માં મરણોત્તર પ્રસિદ્ધ થયો. ૧૮૩૫માં મૉરીસ દ ગૅરૅંએ ગદ્યકાવ્ય રચવાનો આરંભ કર્યો. એમનાં ગદ્યકાવ્યના સંગ્રહો ‘લ સાંતૉર’ અને ‘લા બાકાંત’ ૧૮૬૧માં મરણોત્તર પ્રસિદ્ધ થયા. ૧૮૫૫માં બૉદલેરે ગદ્યકાવ્યો રચવાનો આરંભ કર્યો. ૧૮૬૪ લગીમાં વિવિધ સામયિકોમાં એમનાં કેટલાંક ગદ્યકાવ્યો પ્રસિદ્ધ થયાં. એમની મહત્ત્વાકાંક્ષા તો સો ગદ્યકાવ્યો રચવાની હતી, પણ એ પચાસ ગદ્યકાવ્યો રચી શક્યા. એમણે એમના જીવનકાળમાં આ પચાસ ગદ્યકાવ્યોનો સંગ્રહ ‘લ સ્પ્લીન દ પારી’ શીર્ષકથી પ્રસિદ્ધ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. અંતે ૧૮૬૯માં ‘લે પતી પોએમ આં પ્રોઝ’ શીર્ષકથી એ મરણોત્તર પ્રસિદ્ધ થયો. એ ક્ષણથી ગદ્યકાવ્ય અચલપ્રતિષ્ઠ છે અને હવે જગતભરમાં પ્રચલિત છે. ૧૮૬૬માં વર્લૅને વૅર ઍંપેર અને પછી વૅર લીબૅરેનું સર્જન કર્યું. ત્યાર પછી ૧૮૭૨માં રૅંબોએ વૅર લીબ્રનું સર્જન કર્યું. આમ, ગદ્યકાવ્ય એ મુક્ત પદ્યનું પુરોગામી છે એ એક ઐતિહાસિક સત્ય છે. ગદ્ય અને કવિતા એ વિરોધાર્થી શબ્દો નથી. ગદ્ય અને પદ્ય એ વિરોધાર્થી શબ્દો છે. એથી કવિતા પદ્ય અને ગદ્ય બન્નેમાં હોય. આદિકાળથી હતી. પણ સૈકાઓથી મોટા ભાગની કવિતા પદ્યમાં અને તે પણ ગેય — બલકે સુગેય પદ્યમાં હતી એથી કવિતા તો પદ્યમાં જ હોય, હોવી જ જોઈએ, ગદ્યમાં ન જ હોય, ન જ હોવી જોઈએ એવો પદ્ય માટેનો પક્ષપાત અને ગદ્ય સામેનો પૂર્વગ્રહ આજે પણ અસંખ્ય મનુષ્યોના મગજમાં દૃઢમૂલ છે. એ પક્ષપાત અને પૂર્વગ્રહ આ પરિસંવાદમાં પણ વારંવાર પ્રગટ થતો હતો. અંતે દોઢ દિવસ પછી પ્રમુખશ્રીએ આ ગ્રહ-ગ્રહણમાંથી વ્યાખ્યાનોની વચમાં કવિતા પદ્ય અને ગદ્ય બન્નેમાં હોય એ વિશે મિતભાષી પણ સ્પષ્ટ અને સચોટ વક્તવ્ય દ્વારા આ પરિસંવાદને મુક્ત કર્યો. લયની અનંત લીલા છે, લયનું અનંત વૈવિધ્ય અને વૈચિત્ર્ય છે. એથી પદ્ય, મુક્ત પદ્ય અને ગદ્યની વ્યાખ્યા તથા એમની વચ્ચેની સીમારેખાનો વિવેક એ ‘ઝીણી વાતો’ છે, સૂક્ષ્મ પ્રશ્નો છે, કૂટ પ્રશ્નો છે. એથી આ પરિસંવાદમાં કેટલીક અણસમજ અને ગેરસમજ અનિવાર્ય જેવી પણ હતી. ત્રણ શબ્દો અસ્તિત્વમાં હતા : પદ્ય, ગદ્ય અને કવિતા. સૈકાઓથી મોટા ભાગની કવિતા પદ્યમાં રચાતી હતી. એથી કવિતા = પદ્ય (અને એની વિકૃતિ અને વિડંબના રૂપે પદ્ય = કવિતા) એવું સમીકરણ પ્રચલિત હતું. હવે ૧૯મી સદીના મધ્યભાગથી જગતમાં સર્વત્ર બૉદલેર જેવા મહાન કવિઓએ તીવ્ર સભાનતા સાથે કવિતા ગદ્યમાં રચી. પદ્યમાં હોય તે કવિતા. પણ કવિતા ગદ્યમાં હોય તો? ગદ્યકાવ્ય. કવિતા ગદ્યમાં હોય તો તે પણ કવિતા એવો ઉત્તર જ સહજ સ્વાભાવિક તો છે. પણ પૂર્વોક્ત સમીકરણ અને પૂર્વગ્રહને કારણે એ સ્વીકૃત ન થાય. એથી કવિતા ગદ્યમાં હોય તો ગદ્યકાવ્ય. આ ઉત્તર આપવો અનિવાર્ય થાય. આમ ‘ગદ્યકાવ્ય’ જેવો ચોથો શબ્દ અસ્તિત્વમાં આવ્યો. ‘ગદ્યકાવ્ય’ શબ્દ એ પૂર્ણ તર્કબદ્ધ ફ્રેન્ચ બુદ્ધિની બલિહારી છે, ફ્રેન્ચ મગજનો ‘જુદો તાર’ છે. ફ્રેન્ચમાં મૂળ શબ્દ છે poe-me en prose. એનો અંગ્રેજી પર્યાય છે prose poem. આ પરિસંવાદમાં કવિતાના વાહન માટે પદ્ય, ગેય પદ્ય, સુગેય પદ્યનો પુરસ્કાર, કવિતા તો પદ્યમાં જ હોય, ગેય હોય, સુગેય હોય એવો પક્ષપાત પણ વચમાં વચમાં પ્રગટ થતો હતો. ગદ્યમાં કવિતા હોય અને છે એ સત્યનો સહજ સ્વીકાર થતો ન હતો. એથી અપદ્યાગદ્ય, અછાંદસ જેવા શબ્દોનો પક્ષપાત-પુરસ્કાર અને ગદ્યકાવ્ય પ્રત્યેનો પરોક્ષ પૂર્વગ્રહ-તિરસ્કાર પણ ક્વચિત્ પ્રગટ થતો હતો. ત્યારે ન્હાનાલાલના એ અંગેનાં અનેક વચનોનું, એથી પણ વિશેષ તો જેમણે એ અંગે જીવનભર ચિંતનમનન કર્યું હતું તે બલવન્તરાયના આયુષ્યના અંતિમ વર્ષના આ શબ્દોનું સ્મરણ થતું હતું : ‘આપણે જંતુડાં : ડગલે પગલે ભૂલો કરી બેસિયેં, શાસ્ત્રીય વિવેકે, વસ્તુસ્થિતિના દબાણે, એ તો ભૂલો છે, ભ્રમો છે, પુરાણ પ્રીતિ માત્ર છે, બંધાઈ ગયેલ રુચિતંત્રથી મુક્ત થવાની અશક્તિ જ છે, એમ લાગવા માંડે; ત્યારે પણ આપણે તો વળગ્યા રહિયે આપણી વફાદારીઓને. હોય. માનવ જંતુડાંઓનાં ગાડાંઓની કારવાં એમ જ તીન પ્રહરકે બારા કોસને હિસાબે ચાલતી આવી છે, ચાલે છે, ચાલ્યા કરશે. શુભં ભૂયાત્.’

૧૯૭૭


*