સ્વાધ્યાયલોક—૭/વિશ્વમાનવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘વિશ્વમાનવી’

આ વિષય પર ‘ઓળખ’ માટે કંઈક લખવા માટે ભાઈ મનહરે મને એકાદ મહિના પર કહ્યું, ત્યારથી હું વિચારું છું કે એમણે આ વિષય પર લખવા માટે શાથી કહ્યું હશે? ઉમાશંકરનું ‘વિશ્વમાનવી’ કાવ્ય વાંચીને કહ્યું હશે? પણ તો-તો આજથી સાઠ વર્ષ પૂર્વે ૧૯૩૨માં એ કાવ્યમાં ઉમાશંકરે પોતે જ વિશ્વમાનવી બનવાની રીત બતાવી હતી. ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી.’ જોકે, પછી ૧૯૫૬માં ઉમાશંકરે તો ‘છિન્નભિન્ન છું’ લખીને જીવનભર વ્યક્તિ બનવાની જ ‘શોધ’ કરી હતી. તો પછી શાથી કહ્યું હશે? આવું ક્યાંથી સૂઝ્યું હશે? ભાઈ મનહર હમણાં-હમણાંથી અમેરિકા જાય છે એથી એમને આ વિષય પર લખવા માટે કોઈકને કહેવાનું સૂઝ્યું હશે? આ લખનાર પણ દસેક વરસથી યુરોપ-અમેરિકામાં રખડ્યા કરે છે. એથી આ વિષય પર લખવા માટે એને કહેવાનું સૂઝ્યું હશે? પણ, આમ અમેરિકા જવાથી કે યુરોપ-અમેરિકામાં રખડવાથી આ વિષય પર લખવાનું કહેવા માટે કે લખવા માટે ઓછું પાત્ર થવાતું હશે? એ તો જે હોય તે, પણ લખવાનું આવ્યું જ છે તો હવે જોઈએ શું લખાય છે! વિશ્વમાનવી બનવાની કોઈ રીત હશે વારુ? નહિ જ હોય. કારણ કે જો એવી કોઈ રીત હોતને તો ‘વિશ્વમાનવી બનવાની એકસો ને એક રીત’ એ શીર્ષકથી સાહિત્ય-ફિલસૂફી-ઇતિહાસ-ભૂગોળ-માનસશાસ્ત્ર-સમાજશાસ્ત્ર વગેરે વગેરે વિષયના અનેક અધ્યાપકોએ એ વિશે પુસ્તક — ક્ષમા કરશો — પાઠ્યપુસ્તકો ગુજરાતના ઉચ્ચશિક્ષણમાં ગુજરાતી ભાષાનો સ્વીકાર થયો કે તરત લખી નાખ્યાં હોત ને પછી અભ્યાસક્રમોમાં એ વિષયનો પ્રવેશ કરાવવા માટે અને એનું પાઠ્યપુસ્તક નિયત કરાવવા માટે અધ્યાપકોએ (અને એમના પ્રકાશકોએ પણ) પરસ્પર સ્પર્ધા જ નહિ, પણ એ અંગેની સમિતિઓની પત્રમ્‌પુષ્પમ્‌થી યેનકેન પ્રકારની સાધના-આરાધના પણ કરી હોત. અરે, પાઠ્યપુસ્તકો પર માર્ગદર્શિકાઓનું પ્રકાશન કરવામાં જે પ્રકાશકો નિષ્ણાત છે એમણે એ પાઠ્યપુસ્તક પર માર્ગદર્શિકાઓનું પ્રકાશન પણ કર્યું હોત અને, અલબત્ત, એ માર્ગદર્શિકાઓ પણ એમણે અધ્યાપકો પાસે જ લખાવી હોત અને અધ્યાપકોએ હોંશે હોંશે લખી પણ હોત. પણ ખેર! આવું એક પણ પુસ્તક ગુર્જરી ગિરામાં લખાયું નથી. હા, પણ આવું એક પુસ્તક બસો-અઢીસો વરસ પર આંગ્લ ભાષામાં લખાયું છે : ઓલિવર ગોલ્ડસ્મિથનું ‘ધ સિટિઝન ઑફ ધ વર્લ્ડ’. પણ એ તો મ્લેચ્છો-યવનોની ભાષામાં લખાયું છે. એટલે ‘ક્વિટ ઇન્ડિયા’! એટલે એ વાંચે તો કેટલા વાંચે? અને જે વાંચે એમાંથી ‘અંગ્રેજી મુર્દાબાદ’ કર્યું હોવાથી સમજે તો કેટલા સમજે? તો પછી અન્ય કોઈ રીત હશે? જગતભરની ભોજન-વાનગીઓ આરોગવાથી વિશ્વમાનવી થવાય? જગતભરના વેશ-પરિવેશ અંગીકારવાથી વિશ્વમાનવી થવાય? તો-તો માત્ર રસિકજન થવાય. જગતભરની ભાષાઓ ભણવાથી વિશ્વમાનવી થવાય? જગતભરનો પ્રવાસ કરવાથી વિશ્વમાનવી થવાય? તો-તો માત્ર બહુભાષી પ્રવાસી થવાય. આ બધું કરવા માટે સમય, શક્તિ અને ધન ક્યાંથી લવાય? તો પછી કોઈ રીત નથી? છે. જરૂર છે. અને તે પણ સાવ સહેલી. કાનમાં કહું તો જેટલી સહેલી એટલી જ અઘરી. શી છે એ રીત? માનવી થવું, પૂરા માનવી થવું, અધૂરા નહિ. પૂરેપૂરા માનવી થવું. આવા માનવી થવામાં જ વચમાં અનાયાસ, આપોઆપ — બલકે અનિવાર્ય વિશ્વમાનવી બનવાનું આવે છે. કારણ કે વિશ્વમાનવી બન્યા વિના પૂરેપૂરા માનવી થવાતું નથી. પૂછો ઉપનિષદોને! આ રીત ઉપનિષદો જેટલી પ્રાચીન છે. અથવા ઉપનિષદો જેટલી અર્વાચીન છે, આ રીત સર્વકાલીન છે. એથી ઉમાશંકરની પ્રસિદ્ધ પંક્તિ ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’માં ઉમાશંકરની ક્ષમાયાચના સાથે અને ઉત્તરકાલીન ઉમાશંકરની સંમતિ-સહમતિ-સદ્‌મતિ સાથે પાઠાન્તર કરીએ અને કહીએ : ‘વ્યક્તિ થવાને બનું વિશ્વમાનવી.’

૧૯૯૨


*