સ્વાધ્યાયલોક—૭/સુખદુઃખ–૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સુખદુઃખ–૧’

‘મુબારક હજો નવૂં વરસ!’ ‘સાલ આ બેસતી 
દિયો અધિક સૌખ્ય રિદ્ધિ સકુટુંબને કીરતી!’ 
ગળ્યાં વચન રૂઢ પોપટ જિભે સહૂ ઊચરે, 
હું યે સ્મિત સહે સહૂં, વિનયિ વાળું છૂં ઉત્તરે, 
ઘડીક વળિ ગોઠડી કરિ રહૂં કૃતક ઉમળકે.
પછી સઉ સિધાવતાં વિરમું એકલો હીંચકે, 
ચિરૂટ સૃત ધુમ્રગોટ સહુ ધૂણતું મસ્તકે. 
વધે કદમ હીંચકો, કદમ તે જ પાછો ગણે, 
વિચાર પણ ગૂંછળે વધિ હઠી રહે ઝૂલણે.
સદા હલત તો ય ઇંચ નવ હીંચકો ચાલતો, 
ચિરૂટ જળતી થકી ફક્ત ધુમ્ર જરિ સેલતો. 
દિસે છ મગજે ચિરૂટ સમ હીંચકા શૂં થતૂં, 
રહે ચલ રહે જળંત, પણ માત્ર હાંફયે જતૂં 
યથા શુનક માર્ગમાં, ન નિરખંત ના ઊંઘતૂં.
બળવન્તરાય ઠાકોર

કાવ્યનો નાયક એક વૃદ્ધજન છે. કાવ્યનું સ્થળ આ વૃદ્ધજનનું ઘર છે. કાવ્યનો સમય નવા વરસનો દિવસ છે. કાવ્યનાયકને ઘેર અનેક સગાંસ્વજનો, મિત્રો, અતિથિઓ આવે છે, કાવ્યનાયકને અને એમના કુટુંબીજનોને અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે અને ચાલ્યાં જાય છે અને પછી કાવ્યનાયક એના અનુસંધાનમાં એકાન્તમાં ચિંતન કરે છે. આ વસ્તુવિષયમાંથી કવિએ એક વિશિષ્ટ અને વિલક્ષણ શૈલીસ્વરૂપ દ્વારા કાવ્ય સિદ્ધ કર્યું છે. કાવ્યમાં સૉનેટનું સ્વરૂપ છે. એમાં સૉનેટસ્વરૂપના પરંપરાગત વિભાગો નથી, પણ પંક્તિ ૧ — ૫, પંક્તિ ૬ — ૯, પંક્તિ ૧૦ — ૧૪ એમ ત્રણ વિભાગો છે. અને આ ત્રણ વિભાગો દ્વારા કવિએ વસ્તુવિષયનો વિકાસ અને વિસ્તાર સિદ્ધ કર્યો છે. વળી એમાં સૉનેટસ્વરૂપની પરંપરાગત પ્રાસયોજના નથી, પણ પંક્તિ ૧ — ૨, ૩ — ૪, ૫ — ૬ — ૭, ૮ — ૯, ૧૦ — ૧૧, ૧૨ — ૧૩ — ૧૪ — યુગ્મ, યુગ્મ, ત્રિક, યુગ્મ, યુગ્મ ત્રિક એવી પ્રાસયોજના છે. અને આ પ્રાસયોજના દ્વારા કવિએ શૈલીસ્વરૂપની શ્લિષ્ટતા અને એકતા સિદ્ધ કરી છે. કાવ્યના પંક્તિ ૧ — ૫ના પ્રથમ વિભાગમાં સામાજિક અનુભવ છે. પંક્તિ ૧ — ૨ યુગ્મમાં સગાંસ્વજનો, મિત્રો, અતિથિઓની બે ઉક્તિઓ છે. એમની અનેક ઉક્તિઓના સારરૂપ, પ્રતિનિધિરૂપ આ બે ઉક્તિઓ છે. આ બે ઉક્તિઓથી કવિએ આ સૉનેટનો — અને સૉનેટમાલાનો પણ — આરંભ કર્યો છે એથી એમાં નાટ્યાત્મકતા પણ છે. એમાં કાવ્યનાયક અને એમનાં કુટુંબીજનો પ્રત્યે નૂતન વર્ષનાં અભિનંદન અને સૌખ્ય-રિદ્ધિ-કીર્તિની શુભેચ્છા છે. પંક્તિ ૩ — ૫માં એની પ્રત્યેનો કાવ્યનાયકનો પ્રતિભાવ — બલકે પ્રતિકાર છે (રૂઢિ અને કૃતકતાને પ્રશ્નાર્થે, પડકારે નહિ તો બલવન્તરાય નહિ). જ્યારે આ ઉક્તિઓનું ઉચ્ચારણ થતું હશે ત્યારે કાવ્યનાયકે મનમાં ને મનમાં કોઈની શુભેચ્છામાત્રથી કોઈને સુખ પ્રાપ્ત થાય? અને સુખ એટલે શું? એવા-એવા પ્રશ્નો પૂછ્યા હશે એવું આ પંક્તિઓમાં સૂચન છે. એમાં કાવ્યનાયકનું સંશયવાદી, અજ્ઞેયવાદી માનસ પ્રગટ થાય છે. કાવ્યનાયક સામાજિક શિષ્ટાચારનું, વ્યક્તિગત સંસ્કારિતાનું પાલન કરે છે. સ્મિત કરે છે, વિનયથી ઉત્તર આપે છે, ગોષ્ઠિ પણ કરે છે. પણ એમાં જે કલ્પનો છે (‘ગળ્યાં વચન રૂઢ’ અને ‘પોપટ જિભે’), જે ક્રિયાપદો છે (‘ઉચરે’ અને ‘સહૂં’), જે વિશેષણો છે (‘વિનયિ’ અને ‘કૃતક’) અને એ સમગ્રમાં જે કાકુઓ છે એ દ્વારા કાવ્યનાયકની વિમર્શતા અને વક્રતા પ્રગટ થાય છે. આ પ્રથમ વિભાગમાં સામાજિક જીવનનું, બાહ્ય જગતનું વાતાવરણ પ્રગટ થાય છે. કાવ્યનાયક આ સગાંસ્વજનો, મિત્રો, અતિથિઓ તથા એમની ઉક્તિઓ, એમનાં અભિનંદન અને શુભેચ્છા વિશે જે માનવું હોય તે માની શકે છે, ભલે માને! એથી કાવ્યનાયકને અને એમનાં કુટુંબીજનોને સુખ પ્રાપ્ત ન થાય તોપણ ભલે! પણ એથી કાવ્યનાયકને સુખ વિશેનું ચિંતન તો પ્રાપ્ત થાય જ છે! ભલું થજો આ સગાંસ્વજનોનું, આ મિત્રોનું, આ અતિથિઓનું! ‘સુખદુઃખ’ સૉનેટમાલાનું આ પ્રથમ સૉનેટ છે. આ સૉનેટના આરંભમાં જ આમ કવિએ સમગ્ર સૉનેટમાલાને અનુરૂપ અને અનુકૂળ એવી ભૂમિકા યોજી છે. સમગ્ર સૉનેટમાલામાં કવિના એકાન્તમાં, આંતરજગતમાં સુખદુઃખ વિશેનું જે ચિંતન છે, જે કલ્પનોડ્ડયન છે એનું બીજ આ એક અત્યંત પરિચિત અને અત્યંત વાસ્તવિક એવા બાહ્યજગતના સામાજિક પ્રસંગની, અનુભવની ભૂમિમાં આમ દૃઢમૂલ છે. કાવ્યના પંક્તિ ૬ — ૯ના બીજા વિભાગમાં વ્યક્તિગત અનુભવ છે, કાવ્યનાયકનો અંગત, એકાન્તનો અનુભવ. સગાંસ્વજનો, મિત્રો, અતિથિઓ ચાલ્યાં ગયાં છે. કાવ્યનાયક એમના ખંડમાં હીંચકે એકલા છે. હીંચકો અને ચિરૂટ એ બે પ્રતીકો દ્વારા કાવ્યનાયકના ચિત્તની સ્થિતિ, પરિસ્થિતિ પ્રગટ થાય છે. હીંચકો અને ચિરૂટ એકલ અને ચિંતનશીલ મનુષ્યના મિત્રો છે. હીંચકો જેમ આઘોપાછો થાય છે તેમ કાવ્યનાયકના ચિત્તમાં વિચાર, સુખદુઃખ વિશેનો વિચાર, આઘોપાછો થાય છે. મનુષ્ય સુખનો વિચાર કરે એ જ ક્ષણે એણે દુઃખનો વિચાર અનિવાર્યપણે કરવો જ રહ્યો. એકનો વિચાર અન્યના વિચાર વિના અશક્ય છે. ચિરૂટનો ધૂમ્ર જેમ ધૂણે છે તેમ કાવ્યનાયકનું મસ્તક પણ એમના ચિત્તમાં સુખદુઃખ વિશેનો વિચાર આઘોપાછો થાય છે એથી ધૂણે છે. કાવ્યના પંક્તિ ૧૦ — ૧૪ના ત્રીજા વિભાગમાં હીંચકો અને ચિરૂટ એ બે પ્રતીકો દ્વારા જ કાવ્યનાયકના ચિત્તની સ્થિતિ, પરિસ્થિતિ કંઈક વધુ વિગતે પ્રગટ થાય છે. કાવ્યનો બીજો વિભાગ એ કાવ્યના પ્રથમ વિભાગ અને કાવ્યના ત્રીજા વિભાગની વચ્ચે જરૂરી અને અનિવાર્ય કડીરૂપ છે. કાવ્યનાયકનું ચિત્ત હીંચકાની જેમ ગતિશીલ છે અને ચિરૂટની જેમ પ્રજ્વલિત છે. પણ એમાં એક વધુ પ્રતીક દ્વારા, શુનકના પ્રતીક દ્વારા કાવ્યનાયકના ચિત્તની સ્થિતિ, પરિસ્થિતિ સજીવ અને સકરુણ થાય છે. કાવ્યનાયકનું ચિત્ત બાહ્ય જગતમાં હવે કંઈ જોતું નથી એનો અર્થ એ નથી કે એ ઊંઘે છે, અને ઊંઘતું નથી એનો અર્થ એ નથી કે બાહ્ય જગતમાં એ કંઈ જુએ છે. ‘ન નિરખંત ના ઊંઘતૂં’. બાહ્ય દૃષ્ટિએ તો એ જાણે કે માત્ર હાંફ્યે જાય છે. કાવ્યનાયક એક વૃદ્ધજન છે અને આ સમયે એના ચિત્તમાં સુખદુઃખ વિશેનું ચિંતન છે એથી કોઈ જોનારને જણાય કે જાણે કે એ માત્ર હાંફ્યે જાય છે. પણ કાવ્યનાયક જાગ્રત છે અને વૃદ્ધજન છે, અનેક અનુભવો અને સ્મરણોથી સમૃદ્ધ અને સભર છે એથી એ આ અનુભવો અને સ્મરણોનું, પોતાનાં જ નહિ પણ સમગ્ર મનુષ્યજાતિના અનુભવો અને સ્મરણોનું પશ્ચાત્‌દર્શન કરે છે અને સુખ એટલે શું? એ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, સમગ્ર સૉનેટમાલા રૂપે પ્રયત્ન કરે છે. ‘વિમર્શું… વિમર્શું… સમુદાયદૃષ્ટિ.. ઊંડું વિમર્શશો…’ એમ હવે પછીનાં બાર સૉનેટોમાં, અપૂર્ણ સૉનેટમાળામાં ચૌદમા સૉનેટ લગી પ્રયત્ન કરે છે. યોગીનો ઉત્તર છે સુખ એટલે શ્રેય, આત્માનું સુખ આત્મા સ્વયં. પણ એકલપંથીના આ ઉત્તરને આ શોધક અને સાધક કાવ્યનાયક વંદન કરે છે અને વ્યક્તિથી પર અને પાર કુટુંબમાં એ આ ઉત્તર શોધવા અને સાધવાનો પ્રયત્ન કરે છે. કુટુંબમાં સુખ નહિ, સુખની ભ્રાંતિ છે એથી એ કુટુંબથી પર અને પાર ‘મનુસંઘઇતિહાસ’માં, મનુષ્યજાતિ અને એના ભૂતકાળમાં આ ઉત્તર શોધવા અને સાધવાનો પ્રયત્ન કરે છે. પણ ભૂતકાળનું સુખ વર્તમાનમાં શક્ય નથી અને શક્ય હોય તો ઇષ્ટ નથી એથી એ અન્યત્ર આ ઉત્તર શોધવા અને સાધવા પ્રયત્ન કરે છે. અને અહીં સૉનેટમાલા અપૂર્ણ છે. એનો અર્થ એ કે અહીં કાવ્યનાયકે અને એમની દ્વારા કવિએ આ ઉત્તર શોધવાનો અને સાધવાનો પ્રયત્ન ત્યજ્યો છે. એથી આપણે હવે એ ઉત્તર વિશે કલ્પનાઓ કરવાનો પ્રયત્ન ન કરીએ. આ પ્રયત્નની અપૂર્ણતા દ્વારા એમનું અજ્ઞેયવાદી માનસ પ્રગટ થાય છે. બલવન્તરાયની કવિતાના સૌ મુખ્ય વિષયો — પ્રેમ, કુટુંબ, સમાજ, ઇતિહાસ, પ્રકૃતિ, વાર્ધક્ય, શ્રદ્ધા, અજ્ઞેયવાદ આદિ — નું અને એ વિશેના ચિંતનનું આ સૉનેટમાલામાં મિલન થયું છે. એથી આ સૉનેટમાલા બલવન્તરાયના કવિતાપ્રાસાદના કળશરૂપ છે અને ‘સુખદુઃખ–૧’ એ આ સૉનેટમાલાનો મૂલાધાર છે, એમાં એનું શિલારોપણ છે.

૧૯૭૫


*