સ્વાધ્યાયલોક—૭/સુન્દરમ્‌‌ની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુન્દરમ્‌‌ની કવિતા

આજ લગીમાં સુન્દરમ્‌‌ના ચાર કાવ્યસંગ્રહો — ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’ (૧૯૩૩), ‘કાવ્યમંગલા’ (૧૯૩૩), ‘વસુધા’ (૧૯૩૯) અને ‘યાત્રા’ (૧૯૫૧) પ્રગટ થયા છે. એમાંથી કેટલાંક — કુલ ૬૧ — કાવ્યો અહીં રજૂ કર્યાં છે. આ ચાર કાવ્યસંગ્રહોમાં છે તે ઉપરાંત સુન્દરમ્‌‌નાં લઘુમધ્યમ કદનાં કેટલાંયે ઊર્મિકાવ્યો અને અન્ય પ્રકારનાં કાવ્યો સામયિકોમાં પ્રગટ અને હસ્તપ્રતોમાં અપ્રગટ છે, ગ્રંથસ્થ નથી. એમાંથી એકેય કાવ્ય અહીં રજૂ કર્યું નથી. અહીં ચાર કાવ્યસંગ્રહોમાંથી જ કાવ્યો રજૂ કર્યાં છે એ આ પુસ્તકની પહેલી મર્યાદા. સુન્દરમ્‌‌ના ચાર કાવ્યસંગ્રહોમાં કુલ ૩૦૬ કાવ્યો છે. એમાંથી અહીં આ ૬૧ કાવ્યો કેમ? ૬૧થી વધુ કે ઓછાં કાવ્યો કેમ નહિ? અને આ જ ૬૧ કાવ્યો કેમ? અન્ય કોઈ ૬૧ કાવ્યો કેમ નહિ? આ પ્રશ્નો કોઈ પણ વાચક અધિકારપૂર્વક પૂછી શકે. એ આ પુસ્તકની બીજી મર્યાદા. જોકે આ ૬૧ કાવ્યો પોતે જ આ પ્રશ્નોના ઉત્તરરૂપ છે. છતાં આ પ્રશ્નોના ઉત્તર રૂપે એક નાનકડો રસિક ઇતિહાસ આપી શકાય. આ ૬૧ કાવ્યોમાંથી પ્રત્યેક કાવ્ય વિશે સ્વતંત્રપણે નહિ પણ ૬૧ કાવ્યો વિશે સમગ્રપણે ખુલાસો આપી શકાય. આ કાવ્યો પસંદ થાય છે ૧૯૬૯માં. સુન્દરમ્‌‌નો જન્મ ૧૯૦૮માં. આમ, સુન્દરમ્‌‌ના આયુષ્યનાં ૬૧ વર્ષ પછી આ કાવ્યો પસંદ થાય છે. એટલે આ પુસ્તકમાં ૬૧ કાવ્યો છે. આમ, સ્થૂલતાની સહાયથી, પરમેશ્વરની અકળ લીલાથી અને પ્રકાશકની સકળ લીલાથી નિર્મિત આ બે તારીખોને આધારે, આંકડાને આધારે આવો તર્કશુદ્ધ ઉત્તર આપી શકાય. પણ અહીં તરત જ ઉમેરવું જોઈએ કે આ ઉત્તર કદાચ સયુક્તિક હશે પણ સાચો નથી. અહીં આ ૬૧ કાવ્યો છે એ કેવળ અકસ્માત છે. અહીં ૬૧ કાવ્યો છે અને આ જ ૬૧ કાવ્યો છે એનું કારણ કંઈક સૂક્ષ્મ છે. કોઈ પણ સંપાદકે એના પ્રિય કવિનાં કેટલાંક કાવ્યો પસંદ કરવાનાં હોય એ સંપાદક માટે એક મધુર મૂંઝવણનો, કહો કે આધ્યાત્મિક મૂંઝવણનો અનુભવ છે. કોઈ પણ સંપાદકને ઓછામાં ઓછી બે, બલકે ત્રણ પ્રકારની જવાબદારી છે; અલબત્ત, વાચકને આનંદ આપવા ઉપરાંતની, કવિ પ્રત્યેની, વાચક પ્રત્યેની, પોતાની પ્રત્યેની. સ્વયં કવિને પોતાનાં કેટલાંક કાવ્યો પસંદ કરવાનાં હોય ત્યારે એની મૂંઝવણ અને જવાબદારી કંઈ ઓછી હોતી નથી. જોકે ત્યારે એ પસંદગીની અધિકૃતિ કદાચ વધુ હોય અથવા હોવી જોઈએ. કેટલાક કવિઓનાં કાવ્યોમાં ભિન્ન-ભિન્ન સમયે શૈલી-સ્વરૂપ અને વિષય-વસ્તુનું કોઈ નોંધપાત્ર પરિવર્તન થતું નથી, એ કાવ્યો એકમેકના પર્યાયરૂપ હોય છે. ત્યારે એવા કવિઓનાં કેટલાંક કાવ્યો પસંદ કરવાની મૂંઝવણ અને જવાબદારી કંઈક ઓછી હોય છે. પણ કેટલાક કવિઓમાં ભિન્ન-ભિન્ન સમયે શૈલી-સ્વરૂપ અને વિષય-વસ્તુનું નોંધપાત્ર અને કેટલાક કવિઓનાં કાવ્યોમાં તો આમૂલ પરિવર્તન થતું હોય છે. વળી કેટલાક કવિઓનાં કાવ્યો જાણે કે એક સળંગ કાવ્યના ખંડરૂપ હોય છે. ત્યારે એવા કવિઓનાં કેટલાંક કાવ્યો પસંદ કરવાની મૂંઝવણ અને જવાબદારી ભારે હોય છે. તો વળી કેટલાક કવિઓનાં કાવ્યો એ આખ્યાનકાવ્યો, મહાકાવ્યો કે પદ્યનાટકો હોય છે, ક્વચિત્ જ એમાંથી કોઈ-કોઈ કવિઓનાં કોઈ-કોઈ કાવ્યો એ ઊર્મિકાવ્યો હોય છે. ત્યારે એવા કવિઓનાં કેટલાંક કાવ્યો પસંદ કરવાની મૂંઝવણ અને જવાબદારી સૌથી ભારે હોય છે. કોઈ પણ કવિનાં કેટલાંક કાવ્યો સ્વયં કવિએ કે કોઈ સંપાદકે જે પુસ્તકમાં રજૂ કર્યાં હોય તે પુસ્તકના બે પ્રકારના વાચક હોય; અલબત્ત, જે કોઈ પણ કવિનાં કેટલાંક કાવ્યો જેમાં રજૂ કર્યાં હોય તેવાં પુસ્તકો જ માત્ર વાંચે છે અને તે પહેલાં કે તે પછી એ કવિનાં સૌ કાવ્યો એક અથવા બીજા કારણે, સમયની કે રસરુચિની મર્યાદાને કારણે વાંચતો નથી એવા પ્રકારના વાચક ઉપરાંત, એક પ્રકાર તે પુસ્તકમાં જે કવિનાં કેટલાંક કાવ્યો રજૂ કર્યાં હોય તે કવિનાં સૌ કાવ્યો તે પુસ્તક વાંચતાં પહેલાં વાંચી ચૂક્યો હોય તે વાચક. આવો વાચક તે પુસ્તકમાં જે અને જેટલાં કાવ્યો પસંદ કર્યાં હોય તે અને તેટલાં કાવ્યો જ પસંદ કરવા પાત્ર છે એમ ન પણ માનતો હોય. અન્ય કાવ્યો અને વધુ કે ઓછાં કાવ્યો પસંદ કરવા પાત્ર છે એમ માનતો હોય. અને જેમ કવિનું ગજું મોટું તેમ આવા વાચકની સંખ્યા મોટી. આવા વાચકને આવું પુસ્તક ચૅલેન્જરૂપ હોય. આવા વાચકને પોતે કાવ્યો પસંદ કરવામાં સ્વયં કવિથી કે સંપાદકથી ક્યાં, કેટલો અને કેમ સંમત થાય છે અથવા નથી થતો એ પ્રશ્નોના ઉત્તર આપવાની મધુર મૂંઝવણ અને જવાબદારીનો અનુભવ કરવાનો રહે! આવા પુસ્તકની આ મોટી સિદ્ધિ છે. વાચકના આવા અનુભવમાં એની મોટી સાર્થકતા છે. બીજો પ્રકાર તે પુસ્તકમાં જે કવિનાં કેટલાંક કાવ્યો રજૂ કર્યાં હોય તે કવિનાં સૌ કાવ્યો તે પુસ્તક વાંચતાં પહેલાં વાંચી ચૂક્યો નથી પણ તે કવિનાં આ કેટલાંક કાવ્યો પણ એ પ્રથમ વાર જ વાંચતો હોય તે વાચક. આવા વાચકને જે કવિનાં કેટલાંક કાવ્યો આમ પ્રથમ વાર વાંચ્યા પછી એ કવિનાં સૌ કાવ્યો વાંચવાનું કુતૂહલ થાય અને એ કવિનાં સૌ કાવ્યો એ વાંચે એ આવા પુસ્તકની સૌથી મોટી સિદ્ધિ છે. વાચકના આવા અનુભવમાં એની સૌથી મોટી સાર્થકતા છે. આ પ્રકારના વાચકને ત્યાર પછી વળી પ્રથમ પ્રકારના વાચકના જેવો અનુભવ થાય એ આવા પુસ્તકની વિશેષ સિદ્ધિ છે. આ વાચકના આવા અનુભવમાં એની વિશેષ સાર્થકતા છે. મૌલિક મિજાજ, સ્વતંત્ર માનસ, વૈયક્તિક મૂલ્યો, વિશિષ્ટ રસરુચિ, આગવું વ્યક્તિત્વ — આ સૌ વાનાં કોઈ પણ કવિની જેમ, કોઈ પણ વાચકની જેમ, કોઈ પણ અન્ય મનુષ્યની જેમ સંપાદકને પણ હોય, હોવાં જોઈએ. એ કવિને કે વાચકને હોય એથી ભિન્ન વા અભિન્ન હોય. એથી આર્થિક, સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં એના રાગદ્વેષ, ગમાઅણગમા, પુરસ્કારતિરસ્કાર, પક્ષપાતપૂર્વગ્રહ પણ હોય, હોવાના જ. વળી જો સંપાદક સ્વયં કવિ હોય તો એણે જે પ્રકારની કવિતા રચી હોય અથવા એ જે પ્રકારની કવિતા રચવાનો હોય એની પ્રત્યે એનો પક્ષપાત અને અન્ય સૌ પ્રકારની કવિતા પ્રત્યે એનો પૂર્વગ્રહ હોય, હોવાનો જ. કોઈ પણ કવિનાં કેટલાંક કાવ્યો પસંદ કરવામાં ડગલે ને પગલે, એટલે કે કાવ્યે કાવ્યે, આ સંદર્ભમાં, સંપાદક માટે પોતાથી કેમ મુક્ત થવું કે ન થવું, ક્યાં અને ક્યારે અલિપ્ત થવું કે ન થવું, કેટલા પર થવું કે ન થવું એ સૂક્ષ્મ વિવેકનો અનુભવ છે. અનાસક્તિ, ત્યાગ અને નમ્રતાનો અનુભવ છે. એક જ શબ્દમાં આધ્યાત્મિક અનુભવ છે. કોઈ પણ કવિનાં કેટલાંક કાવ્યો પસંદ કરવામાં કોઈ પણ સંપાદકની આ મોટામાં મોટી મૂંઝવણ અને જવાબદારી છે. અહીં આ ૬૧ કાવ્યો પસંદ કરવામાં આવી મૂંઝવણો અને જવાબદારીઓનો અનુભવ સતત થયો છે. અનેક વાર અનેક દૃષ્ટિએ કાવ્યો પસંદ કર્યાં — શૈલી-સ્વરૂપની એટલે કે લય, છંદ, પ્રતીક, ભાષા વગેરે તથા મુક્તક, ગીત, સૉનેટ, કથન, ચિંતન વગેરેની દૃષ્ટિએ; વિષય વસ્તુની એટલે કે કવિના જીવનચરિત્ર તથા કવિનાં મિજાજ, માનસ, મૂલ્યો, રસરુચિ, વ્યક્તિત્વ વગેરે તથા ભૂતકાળ, વર્તમાન, ભાવિ, આત્મલક્ષિતા, પરલક્ષિતા, વાસ્તવિક્તા, રહસ્યમયતા, સામાજિકતા, આધ્યાત્મિકતા, સમકાલીનતા, પરંપરા વગેરેની દૃષ્ટિએ; કાવ્યત્વની એટલે કે કાવ્યો ઉત્તમ છે કે નહિ એ દૃષ્ટિએ; સંપાદકની એટલે કે એનાં મિજાજ, માનસ, મૂલ્યો, રસરુચિ, વ્યક્તિત્વ વગેરેની તથા એને કાવ્ય ગમે છે કે નહિ એ દૃષ્ટિએ આ સૌ પસંદગીઓના સરવાળા બાદબાકીને અંતે, અકસ્માત્ જ પરિણામ રૂપે, આ ૬૧ કાવ્યો થયાં. આ છે ૬૧ કાવ્યોનો, ૬૧ કાવ્યો જ કેમ અને ૬૧થી વધુ કે ઓછાં કાવ્યો કેમ નહિ તથા આ જ ૬૧ કાવ્યો કેમ અને અન્ય કોઈ ૬૧ કાવ્યો કેમ નહિ એ પ્રશ્નોના ઉત્તરમાં નાનકડો રસિક ઇતિહાસ! ભાગ્યે જ કહેવાનું હોય કે આવું પુસ્તક અપૂર્ણ જ હોય અને એને અંગે પૂર્ણતાની અપેક્ષા પણ ન હોય. આવા પુસ્તકમાં જે કવિનાં કેટલાંક કાવ્યો રજૂ કર્યાં હોય તે અને તેટલાં જ કાવ્યો તે કવિનાં સાચાં અને ઉત્તમ કાવ્યો છે અને તે કવિનાં અન્ય સૌ કાવ્યો અકાવ્યો છે અથવા મધ્યમ અને કનિષ્ઠ કાવ્યો છે એવી ગેરસમજ કોઈ પણ વાચક ન કરે અને એવી ગેરસમજ ભૂલેચૂકે પણ જો કોઈ વાચક કરે તો એવી ગેરસમજની સામે લાલબત્તી ધરવાનો સંપાદકનો ધર્મ છે. વળી આગળ કહ્યું તેમ, આવા પુસ્તકમાં જે કવિનાં કેટલાંક કાવ્યો રજૂ કર્યાં હોય તે વાંચ્યાં પછી વાચક તે કવિનાં અન્ય સૌ કાવ્યો, આવું પુસ્તક વાંચતા પહેલાં વાંચી ચૂક્યો ન હોય તો, વાંચે એમાં જ આવા પુસ્તકની સૌથી મોટી સાર્થકતા છે. ગુજરાતી ભાષાના પ્રાચીન અને અર્વાચીન, વિગત અને વિદ્યમાન કવિઓનાં સૌ કાવ્યોમાંથી શૈલીસ્વરૂપ, વિષયવસ્તુ, જીવનદર્શન આદિ અનેક દૃષ્ટિએ ‘કેટલાંક કાવ્યો’ના સંગ્રહો પ્રસિદ્ધ થવા જોઈએ. અનેક કવિઓના આવા સંગ્રહો, અલબત્ત, પ્રસિદ્ધ થયા પણ છે. પણ અહીં એ કહેવાનો આશય છે કે આવા સંગ્રહો દાયકે-દાયકે, પેઢીએ-પેઢીએ, સમયે-સમયે વારંવાર પ્રસિદ્ધ થવા જોઈએ. જ્યારે જ્યારે કવિતામાં અથવા પ્રજાજીવનમાં કોઈ મહાન કે મહત્ત્વનું પરિવર્તન થાય ત્યારે-ત્યારે એના સંદર્ભમાં આ સૌ કવિઓનાં સૌ કાવ્યોમાંથી જે-જે કાવ્યો અર્થપૂર્ણ હોય એવાં ‘કેટલાંક કાવ્યો’ના સંગ્રહો પ્રસિદ્ધ થવા જોઈએ. આપણા પ્રકાશકને સુન્દરમ્‌‌નાં ‘કેટલાંક કાવ્યો’નો સંગ્રહ પ્રસિદ્ધ કરવાનું અને એનું સંપાદન મને સોંપવાનું કેમ સૂઝ્યું હશે? આ પ્રશ્નનો એમનો ઉત્તર તો જે હોય તે. એ તો એ જાણે. પણ આપણે આ પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીએ. બલવન્તરાય જેને ‘નવીન કવિતા’ કહે છે અને ‘અર્વાચીન કવિતા’માં સુન્દરમ્‌ જેને ‘અર્વાચીન કવિતાનો ત્રીજો સ્તબક’ કહે છે એના આરંભનું ઐતિહાસિક સીમાચિહ્ન ક્યાં આંકી શકાય? ૧૯૧૭માં બલવન્તરાયના ‘ભણકાર ધારા — ૧’ના પ્રકાશન પછી ગુજરાતી કવિતામાં મહાન પરિવર્તન અનિવાર્ય હતું, ગુજરાતી કવિતા પૂર્વવત્ એની એ રહી શકે એમ જ ન હતું. પાંચ જ વર્ષમાં, ૧૯૨૨માં રામનારાયણ અને ગજેન્દ્રની કવિતાનો આરંભ થાય છે. ૧૯૩૦માં ગાંધીજીના દાંડીયાત્રાના ભવ્ય કર્મયોગ પછી માત્ર ગુજરાતી કવિતામાં જ નહિ પણ ગુજરાતના, બલકે સમસ્ત ભારતવર્ષના સમગ્ર જીવનમાં મહાન પરિવર્તન અનિવાર્ય હતું, જીવન પૂર્વવત્ એનું એ રહી શકે એમ જ ન હતું, એક જ વર્ષમાં, ૧૯૩૧માં ઉમાશંકરનું ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ’ પ્રગટ થાય છે. સુન્દરમ્‌ ‘અર્વાચીન કવિતા’માં રામનારાયણ અને ગજેન્દ્રની ’૨૦ની કવિતા એ નવીન કવિતાનું અલ્પવિકસિત અને ઉમાશંકરનું ‘વિશ્વશાંતિ’ એ નવીન કવિતાનું અર્ધવિકસિત સ્વરૂપ છે એમ સૂચવે છે. ૧૯૩૩માં સુન્દરમ્‌‌નો કાવ્યસંગ્રહ ‘કાવ્યમંગલા’ પ્રગટ થાય છે. ‘કાવ્યમંગલા’ એ નવીન કવિતાનું પૂર્ણવિકસિત સ્વરૂપ છે એવો દાવો ‘અર્વાચીન કવિતા’માં સુન્દરમ્‌ પોતે લડાવે છે. તો વળી નવીન કવિતાના સૌ કવિઓમાં સુન્દરમ્‌ સર્વશ્રેષ્ઠ છે એવો દાવો કેટલાક વિવેચકો લડાવે છે. ‘કાવ્યમંગલા’ અને સુન્દરમ્‌ વિશે જેઓ આવા દાવાઓ લડાવે છે અને ભવિષ્યમાં લડાવશે એમણે ‘વિશ્વશાંતિ’ અને ઉમાશંકરનો સામનો કરવાનો રહેશે. ‘વિશ્વશાંતિ’ એ નવીન કવિતાનું પૂર્ણવિકસિત સ્વરૂપ છે અને નવીન કવિતાના સૌ કવિઓમાં ઉમાશંકર સર્વશ્રેષ્ઠ છે એવા દાવાઓ લડાવવાનો અહીં સહેજ પણ પ્રયત્ન નથી. આવા દાવાઓ સર્વત્ર અને સર્વથા વ્યર્થ છે. પણ જેઓ આવા દાવાઓ લડાવે છે અને ભવિષ્યમાં લડાવશે તે સૌના ધ્યાનમાં રહેવું જોઈએ કે ‘વિશ્વશાંતિ’ અને ‘કાવ્યમંગલા’ તથા ઉમાશંકર અને સુન્દરમ્‌ એ ઐતિહાસિક સંદર્ભમાં વિવેચનના કૂટ પ્રશ્નો છે. અનેક ભાષાની કવિતાના ઇતિહાસમાં આ પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને અનુત્તર રહ્યા છે. વળી સાચું વિવેચન આવા પ્રશ્નોનો મહિમા કરતું નથી અને એમાં વૃથા કાલક્ષેપ પણ કરતું નથી. આપણે અહીં એટલું જ નોંધીએ કે નવીન કવિતાના ઉત્તમ કવિઓમાંના એક સુન્દરમ્‌ છે. નવીન કવિતાના અન્ય ઉત્તમ કવિઓ છે રામનારાયણ, હરિશ્ચન્દ્ર, શ્રીધરાણી, પ્રહ્લાદ, ઉમાશંકર અને રાજેન્દ્ર. આ કવિઓનાં કેટલાંક કાવ્યોના સંગ્રહો પ્રસિદ્ધ થવા જોઈએ. નવીન કવિતાના આ ઉત્તમ કવિઓમાં રામનારાયણ, હરિશ્ચન્દ્ર, શ્રીધરાણી અને પ્રહ્‌લાદ વિગત છે. સુન્દરમ્‌ ઉમાશંકર અને રાજેન્દ્ર વિદ્યમાન છે. આ વિદ્યમાન કવિઓમાંથી સુન્દરમે સાઠ વર્ષ પૂરાં કર્યાં છે. ‘કાવ્યમંગલા’ એ નવીન કવિતાનું પૂર્ણવિકસિત સ્વરૂપ છે અથવા નવીન કવિતાના કવિઓમાં સુન્દરમ્‌ સર્વશ્રેષ્ઠ છે એવા કોઈ દાવાઓ પરથી નહિ પણ નવીન કવિતાના આ ઉત્તમ કવિઓમાં ત્રણ કવિઓ વિદ્યમાન છે અને એ ત્રણ વિદ્યમાન કવિઓમાંથી સુન્દરમે સાઠ વર્ષ પૂરાં કર્યાં છે એ હકીકત પરથી પ્રકાશકને સુન્દરમ્‌‌નાં ‘કેટલાંક કાવ્યો’નો સંગ્રહ, ઉત્સવ રૂપે, અભિનંદન રૂપે પ્રસિદ્ધ કરવાનું સૂઝ્યું હોય તો કોઈ નવાઈ નહિ. અને એનું સંપાદન મને સોંપવાનું સૂઝ્યું હોય કદાચને એ કારણે કે ૧૯૬૮માં સુન્દરમે કવિશ્રી ન્હાનાલાલ સ્મારકવ્યાખ્યાન આપ્યું અને એ પ્રસંગે નવીન કવિતાના પરમ અને પ્રથમ સુહૃદમાંના એક ‘સુહૃદ’ બચુભાઈ રાવતની ઇચ્છાથી સુન્દરમ્‌ વિશે પરિચયનોંધ મારે લખવાની આવી એમાં હું સુન્દરમ્‌ અને એમની કવિતા સાથે જાહેરમાં સંડોવાયો. (ખાનગીમાં તો છેક ૧૯૪૦–૪૧થી સુન્દરમ્‌ મારા પ્રિય કવિઓમાંના એક હતા.) એ પરિચયનોંધમાં આરંભે જ લખ્યું હતું, “આજે (માર્ચ ૨૨, ૧૯૬૮) સુન્દરમ્‌‌ની ૬૦મી જન્મતિથિ છે. હાર્દિક અભિનંદન. કોઈ પણ કવિ વયના ૬૦મા વર્ષ લગી સતત સુન્દર કવિતાનું સર્જન કરતો રહે એ એનું અને કવિતાનું સદ્ભાગ્ય છે. એ ધન્યતાનો અનુભવ છે. એનો અર્થ એટલો જ કે એ કવિએ ગૌરવ અને ગાંભીર્યથી કવિકર્મ કર્યું છે. અને ત્યારે એટલા જ ગૌરવ અને ગાંભીર્યથી એની કવિતાનો પ્રેમાદર કરવાનો રસિકજનોનો અનિવાર્ય ધર્મ છે. વળી આવા કવિની ૬૦મી જન્મતિથિ એ એની કવિતાનું પુન:મૂલ્યાંકન કરવાનું સહજ જ નિમિત્ત ગણાય…’ આ પરિચયનોંધને પરિણામે આપણા પ્રકાશકને મારે નિમિત્તે સુન્દરમ્‌‌ની કવિતાનું પુન:મૂલ્યાંકન થાય એવી કોઈ શુભેચ્છાથી સુન્દરમ્‌‌ના ‘કેટલાંક કાવ્યો’ના સંગ્રહનું સંપાદન મને સોંપવાનું સૂઝ્યું હોય તો કોઈ નવાઈ નહિ. (જીવનમાં જે કંઈ આનંદ મળ્યો છે એમાં કેટલોક આનંદ સુન્દરમ્‌‌ની કવિતામાંથી મળ્યો છે. એટલે આ સંપાદનકાર્યથી જાણે કે કંઈક કૃતજ્ઞતા પ્રગટ કરી શકું છું, ઋણસ્વીકાર કરી શકું છું એનો મને આનંદ છે.) આરંભે નોંધ્યું છે તેમ, અહીં સુન્દરમ્‌‌ના ચાર પ્રસિદ્ધ કાવ્યસંગ્રહોમાંથી જ કાવ્યો રજૂ કર્યાં છે. કાવ્યસંગ્રહો જે સમયાનુક્રમે પ્રસિદ્ધ થયા તે પ્રમાણે કાવ્યસંગ્રહોનો ક્રમ અહીં સાચવ્યો છે. વળી તે તે કાવ્યસંગ્રહમાંથી જે કાવ્યો અહીં રજૂ કર્યાં છે તે કાવ્યોનો તે તે કાવ્યસંગ્રહમાં જે ક્રમ છે તે ક્રમ અહીં સાચવ્યો છે. અહીં પ્રત્યેક કાવ્યનો પ્રથમ આવૃત્તિ પ્રમાણેનો પાઠ આપ્યો છે. સુન્દરમે ‘કાવ્યમંગલા’ અને ‘વસુધા’માં બન્ને કાવ્યસંગ્રહોની બીજી આવૃત્તિથી ચોથી આવૃત્તિ લગીમાં અનેક કાવ્યોમાં પાઠાન્તરો કર્યાં છે. ક્યાંક શબ્દ, ક્યાંક શબ્દગુચ્છ, ક્યાંક પંક્તિ, ક્યાંક શ્લોક, ક્યાંક લગભગ સમગ્ર કાવ્ય, ક્યાંક કાવ્ય સમગ્રની વિભાવના — એમ અનેક પાઠાન્તરો કર્યા છે. સુધારા, વધારા, ઘટાડા એમ ત્રિવિધ પ્રકારે પાઠાન્તરો કર્યાં છે. સુન્દરમે ‘કાવ્યમંગલા’ અને ‘વસુધા’ની પાંચમી આવૃત્તિમાં વળી કેટલાંક કાવ્યોમાં કેટલાંક પાઠાન્તરો — સુધારા, વધારા, ઘટાડા નામંજૂર કર્યાં છે અને પ્રસ્તાવનાઓમાં મિતાક્ષરી પાઠાન્તરચર્ચા કરી છે. આમ, સ્વયં સુન્દરમ્‌ પણ પાઠાન્તરો અંગે નિશ્ચયાત્મક નથી, અંતિમ નિર્ણય પર આવી શક્યા નથી. એમણે સતત અસ્થિરતા અનુભવી છે. આ સંદર્ભમાં, અહીં પ્રત્યેક કાવ્યનો પ્રથમ આવૃત્તિ પ્રમાણેનો પાઠ આપ્યો છે તે ઇષ્ટ છે. વળી સુન્દરમે સભાનપણે યોગસાધનાને એમના સ્વીકૃત જીવનકાર્ય રૂપે અપનાવ્યા પછી આ પાઠાન્તરો કર્યાં છે એ સ્મરણમાં રહેવું જોઈએ. સુન્દરમે ‘કાવ્યમંગલા’ની પાંચમી આવૃત્તિની પ્રસ્તાવનામાં કહ્યું છે, ‘કાવ્યને વધારે સારું કરવાની ઇચ્છા રાખવી એ પણ કેટલીક વાર લોભ અને લાલસાનું રૂપ લે છે.’ આપણે એટલું ઉમેરીએ કે કાવ્યને કોઈ પણ મિશનનું માધ્યમ બનાવવાની ઇચ્છા રાખવી એ પણ કેટલીક વાર એવું જ રૂપ લે છે. અને સુન્દરમે એવી ઇચ્છા રાખીને કદી પાઠાન્તરો નથી જ કર્યાં એવું દુર્ભાગ્યે નહિ કહી શકાય. ‘ધૂમકેતુ’ અને ‘પોંક ખાવા’ના પાઠાન્તરો એ માત્ર અભિવ્યક્તિમાં પરિવર્તનરૂપ નથી, પણ વ્યક્તિમાં — કાવ્યની સમગ્ર વિભાવનામાં પરિવર્તનરૂપ છે. બલવન્તરાય, એમની શૈલીના શબ્દમાં કહેવું હોય તો, પાઠાન્તરખોર કવિ છે. ‘ભણકારા’ (૧૮૮૮) સૉનેટમાં એમણે ૧૯૧૭, ૧૯૩૬, ૧૯૪૨ અને ૧૯૫૧માં એમ ચાર પાઠાન્તરો કર્યાં. પરિણામે કાવ્ય ઉત્તરોત્તર વધુ ને વધુ સુન્દર સ્વરૂપ પામ્યું. ‘ભણકારા’નું ૧૯૫૧નું અંતિમ સ્વરૂપ સુન્દરતમ છે, સર્વાંગસુન્દર છે. એમાં સંપૂર્ણતા છે. ગુજરાતી કવિતામાં ‘ભણકારા’નાં પાઠાન્તરો એ કાવ્યને કેવળ સૌંદર્યનું, અહીં રહસ્યમયતાના સૌંદર્યનું માધ્યમ બનાવવાની ઇચ્છા રાખવાથી કેવું અદ્ભુત પરિણામ લાવી શકે એનું, પાઠાન્તરની આશ્ચર્યજનક અને આનંદજનક સિદ્ધિનું વિરલ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. બલવન્તરાયની પાઠાન્તરખોરી ‘ભણકારા’માં એમને ફળી છે. આ એક સત્કર્મને કારણે બલવન્તરાયે એમનાં અનેક કાવ્યોમાં જે અસંખ્ય દુઃખદ પાઠાન્તરો, સુધારાને નામે જે અસંખ્ય બગાડા કર્યા છે તે બધા જ માફ કરી શકાય. તો કાન્તે ‘ચક્રવાકમિથુન’ની અંતિમ પંક્તિમાં જે પાઠાન્તર — મને ખ્યાલ છે ત્યાં લગી એમના સમગ્ર ‘પૂર્વાલાપ’માં જે એકમાત્ર પાઠાન્તર — કર્યું છે એ એવું દુર્ભાગી પાઠાન્તર છે કે જગતમાં એનો જોટો નહિ જડે. ભાગ્યે જ કોઈ કવિએ એક સુન્દર સુશ્લિષ્ટ કાવ્યની એકતાને આમ કાવ્યની અંતિમ પંક્તિમાં માત્ર એક જ અક્ષરના પાઠાન્તરથી શતખંડ ખંડિત કરી હશે! ગુજરાતી કવિતામાં ‘ચક્રવાકમિથુન’નું પાઠાન્તર એ કાવ્યને કોઈ પણ મિશનનું, અહીં સ્વિડનબોર્ગી ખ્રિસ્તી ધર્મના મિશનનું માધ્યમ બનાવવાની ઇચ્છા રાખવાથી કેવું અકલાત્મક પરિણામ લાવી શકે એનું, પાઠાન્તરની દુઃખદ અને દુર્ભાગી નિષ્ફળતાનું વિરલ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પાઠાન્તરો શું બલવન્તરાયનાં કે શું સુન્દરમ્‌‌નાં, એક અત્યંત રસિક અભ્યાસનો વિષય છે, નાજુક અને સૂક્ષ્મ વિષય છે, સ્વતંત્ર વિષય છે. કોઈ પણ પાઠાન્તરપ્રિય કવિનાં પાઠાન્તરો વિશે પાઠાન્તરચર્ચાનું એક લઘુ પુસ્તક રચી શકાય, પાઠાન્તરપુરાણ પણ રચી શકાય. અહીં, આ નિમિત્તે વ્યાપક સંદર્ભમાં એક પ્રશ્નાર્થ કરીને પછી પૂર્ણવિરામ મૂકીશ. કોઈ પણ મનુષ્યનું વર્ષો પૂર્વેનું દૂર કે અદૂરના ભૂતકાળનું જે કંઈ બોલ્યું-ચાલ્યું હોય તેમાં પછીથી સુધારા-વધારા-ઘટાડા કેવી રીતે થાય? શું કાવ્યમાં, શું જીવનમાં ભવિષ્યનો ઘાટ ઘડવો કદાચ મનુષ્યના હાથમાં હશે, પણ ભૂતકાળનો તો જે ઘાટ ઘડાયો તે ઘડાયો. અહીં કાવ્યોની વાચનામાં ક્વચિત્ જોડણી અને વિરામચિહ્નોમાં જ અને તે પણ જ્યાં આવશ્યક કે અનિવાર્ય હોય ત્યાં જ નહિવત્ પરિવર્તન કર્યું છે. સુન્દરમ્‌ સદ્ભાગી કવિ છે. કાવ્યદીક્ષા જેવું ‘બુદ્ધનાં ચક્ષુ’ ૧૯૩૦ના સપ્ટેમ્બરમાં રચાયું, ૧૯૩૦ના ઑક્ટોબરમાં ‘કુમાર’માં પ્રસિદ્ધ થયું અને તરત જ એણે બલવન્તરાયનું હૃદય જીતી લીધું. તે જ સમયે ‘આપણી કવિતાસમૃદ્ધિ’નો સંગ્રહ થતો હતો (૨૧–૧૦–૧૯૩૦) એમાં એમણે એને સમાવ્યું અને એની પર અપાર વાત્સલ્યથી અને એવા જ અસાધારણ વિવેકથી વિવરણ કર્યું. કાવ્યના બીજા શ્લોક વિશે એના લાઘવ અને બળનું અમોઘ આકર્ષણ અનુભવીને એમણે એમની લાક્ષણિક શૈલીમાં લખ્યું, ‘ગુજરાતી કવિતાના આખા જથામાં આવી અર્થઘન સવિવેક અને વળી સુન્દર કડીઓ કેટલી હશે? આપણી કવિતાની સમૃદ્ધિ ગણતાં આવાં મુક્તકનું મૂલ્ય છે, તેટલું આખી ચોપડીઓનું પણ નથી.’ સુન્દરમ્‌ ૧૯૨૫થી ૧૯૨૯ લગી ગૂજરાત વિદ્યાપીઠમાં પાઠકસાહેબ પાસે ભણ્યા. ત્યારે એક સવારે સુન્દરમ્‌ સ્વસંપાદિત હસ્તલિખિત માસિકમાં પૃથ્વી છંદમાં કાવ્ય લખીને પાઠકસાહેબ પાસે ગયા. વાંચીને પાઠકસાહેબે પૂછ્યું, ‘કયો છંદ છે?’ સુન્દરમે ઉત્તર આપ્યો, ‘પૃથ્વી.’ પાઠકસાહેબે અત્યંત સહજ રીતે એટલું જ કહ્યું, ‘છંદો લખતાં પહેલાં તે શીખવા જોઈએ.’ બસ પછી તો સુન્દરમ્‌ એવા અને એટલા છંદો શીખ્યા કે પાઠકસાહેબે ૧૯૩૪માં પ્રસ્થાન’માં ‘કડવી વાણી’ અને ‘કાવ્યમંગલા’નું અવલોકન કર્યું ત્યારે સુન્દરમ્‌‌ની છંદસિદ્ધિ-માત્રામેળ અને અક્ષરમેળ બન્ને પ્રકારના છંદો તથા એમનાં વૈવિધ્ય, ઔચિત્ય અને સામર્થ્યનો સવિશેષ મહિમા કર્યો. ‘ધૂમકેતુ’ના — અંતિમ શ્લોકનો એમણે શૈલી, છંદ, પ્રવાહિતા, દૃઢ પદ્યબન્ધના દાખલા તરીકે ઉલ્લેખ કર્યો. બલવન્તરાયની જેમ પાઠકસાહેબે પણ સુન્દરમ્‌‌ની લાઘવની કળા વિશે આ શ્લોકને અનુલક્ષીને લખ્યું, ‘આ એક શ્લોકમાં સુન્દરમે ચાલુ જમાનાનાં અનિષ્ટોને બે જ પંક્તિમાં મૂકી દીધાં છે. અને તેમનાં કાવ્યોની આ પણ એક વિશિષ્ટતા છે.’ એમણે ‘કડવી વાણી’માંની ‘કવિતાની નવી જ દિશા, નવી પદ્ધતિ’ અને ‘સમાજની સ્થિતિ પરની ટીકા’ તથા ‘વસ્તુસ્થિતિની વિચારપ્રેરક રજૂઆત’નો ઉલ્લેખ કર્યો. વળી આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક જીવન પર ઉપહાસ, કટાક્ષ તથા હાસ્યનો ઉલ્લેખ કર્યો. ટૂંકમાં, સુન્દરમ્‌‌ની અર્વાચીન માન્યતાઓ અને એની પછવાડેના અર્વાચીન માનસનો ઉલ્લેખ કર્યો. તો એમણે ‘કાવ્યમંગલા’માં જેમાં આછી લાગણી સાથે, અને વિશાળ જનતાના સમભાવ સાથે ચિંતન કે મીમાંસા છે એવાં લાંબાં કાવ્યોને અનુલક્ષીને લખ્યું, ‘આ લાંબાં કાવ્યો પણ સુન્દરમ્‌‌ની વિશિષ્ટતા ગણાવી જોઈએ.’ ‘બુદ્ધનાં ચક્ષુ’ પછી જેમાં સુન્દરમ્‌‌ની ‘બુદ્ધનાં ચક્ષુ’ જેવી અને જેટલી કાવ્યસિદ્ધિ છે તે કાવ્ય ‘બાનો ફોટોગ્રાફ’ વિશે પાઠકસાહેબે બલવન્તરાયની જેમ મિતાક્ષરી પણ માર્મિક વિવરણ કર્યું, ‘આ બધામાં ‘બાનો ફોટોગ્રાફ’ કાવ્ય ઊંડી લાગણીને લીધે જુદું પડે છે. કાવ્ય લગભગ પૂરું થતાં સુધી તો જાણે કેવલ વ્યવહારદૃષ્ટિ પ્રધાન રાખી, જરા પણ લાગણીને અવકાશ હશે એવો વહેમ પણ ન પડે તેવી રીતે, સ્વસ્થતાથી ચાલે છે. માત્ર અંત આગળ સ્વસ્થતાની કોર આવી રહે ત્યાં અસહ્ય દર્દ દેખાય છે. અને તેનું માત્ર સૂચન કરીને જ, વાંચનારને કરુણમાં ડુબાડીને કાવ્ય પૂરું થાય છે.’ ‘વસુધા’ની હસ્તપ્રત બલવન્તરાય, પાઠકસાહેબ અને ઉમાશંકરના હાથમાંથી અને હૈયામાંથી પસાર થયા પછી મેઘાણી પાસે પહોંચી. એમાંથી ‘શિશુવિષ્ણુલાંછન’ કાવ્યનો ‘સર્વોપરી આનંદ’ અનુભવીને એ કાવ્ય એમણે ‘જન્મભૂમિ’માંના ઉત્સાહ અને ઉષ્માને માટે પ્રસિદ્ધ એવા એમના ‘કલમ-કિતાબ’ના સાહિત્યપાના પર ઉતાર્યું. બલવન્તરાય અને પાઠકસાહેબની જેમ જ એમણે પણ સુન્દરમ્‌‌ની લાઘવની કળા વિશે એ કાવ્યની અંતિમ પંક્તિઓને અનુલક્ષીને લખ્યું, ‘એ છેલ્લો ભાવ શેષની બે જ પંક્તિઓમાં વ્યક્ત કરીને કાવ્ય ખતમ થાય છે. એ પંક્તિઓના ભણકાર કદી ભુસાવાના નથી.’ પછીથી ‘વસુધા’ કાવ્યસંગ્રહ પ્રગટ થયો ત્યારે એમણે એ જ ‘કલમ-કિતાબ’ના સાહિત્યપાના પર એનું અવલોકન કર્યું. એમાં ‘વસુધા’નાં કેટલાંક કાવ્યોમાં પ્રભુપ્રેમની શ્રદ્ધા અને માનવપ્રેમની લાલી વિશે એમની ઉત્સાહપૂર્ણ અને ઉષ્માપૂર્ણ એવી પ્રસિદ્ધ લાક્ષણિક શૈલીમાં વિવેચન કર્યું. ‘બુદ્ધનાં ચક્ષુ’ અને ‘બાનો ફોટોગ્રાફ’ પછી જેમાં સુન્દરમ્‌‌ની એ બે કાવ્યો જેવી અને જેટલી કાવ્યસિદ્ધિ છે તે કાવ્યો ‘૧૩–૭ની લોકલ’ અને ‘ઇંટાળા’ વિશે મેઘાણીએ બલવન્તરાય અને પાઠકસાહેબની જેમ મિતાક્ષરી પણ માર્મિક વિવરણ કર્યું, ‘…અને ‘૧૩–૭ની લોકલ’ એ બે સર્વોત્કૃષ્ટ નકસીઆલેખનના ન ભૂલવા જેવા નમૂના છે… એ એક નાનકડા લોકલ ટ્રેનના સ્ટેશનનું સુરેખ વર્ણન છે. એ ઠેકાણે કોણ કોણ ઉતારુઓ આવેલ છે તેની તસવીર રજેરજ વિગતો પૂરીને, તે છતાં તેનાં તેજછાયાની રસમિલાવટ બરાબર સાચવીને ખેંચેલ છે… સ્ટેશન માસ્તરના આ કાવ્યચિત્રમાં સુન્દરમ્‌‌ને સહજ એવો વિશિષ્ટ પ્રકારનો પરિહાસ છવાયો છે. ઉતારુઓની ચડ-ઊતરના ચિત્રમાં પણ એવું જ હળવું કારુણ્ય છે. લોકલગાડીની ખુદની દશા પણ વ્યથિત કરે તેવી રીતે વર્ણવી છે. સુમેળ, સુકલ્પના ને સજીવારોપણની હળવી સુચારુતા તો ‘ઇંટાળા’ નામના કાવ્યમાં ચાળીસ ઈંટના ટુકડાઓના હાલ વર્ણવવામાં યોજાયેલ છે… ચોર, લૂંટારા ને ખિસ્સાકાતરૂઓ પર ઉતારેલી એ સમગ્ર અન્યોક્તિ કાવ્યત્વને પામી છે. તેમાં પણ છેલ્લો વિચાર તો કવિતાનો કળશ છે — સંપૂર્ણ અદૂષિત.’ બલવન્તરાયે અને પાઠકસાહેબે પછીથી સુન્દરમ્‌‌નાં કોઈ-કોઈ કાવ્યનું અથવા એમની સમગ્ર કવિતાનું પ્રસંગોપાત્ત વિવેચન કર્યું છે. બલવન્તરાયે ‘આપણી કવિતાસમૃદ્ધિ’ની બીજી આવૃત્તિ મુદ્રણ ૧ (૧૯૩૯) અને મુદ્રણ ૨ (૧૯૪૬)માં અને ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ (૧૯૪૩)માં તથા પાઠકસાહેબે ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ (૧૯૩૮)માં સુન્દરમ્‌‌નાં કોઈ-કોઈ કાવ્યો અને એમની સમગ્ર કવિતાનું વ્યાપક સંદર્ભમાં જે વિવેચન કર્યું એની સુન્દરમ્‌‌ની કવિતાને સમજવામાં અમૂલ્ય સહાય છે. સુન્દરમ્‌‌ની કવિતા વિશે જો કોઈએ સતત વિવેચન કર્યું હોય તો મિત્રકવિ અથવા કવિમિત્ર ઉમાશંકરે. સમકાલીન કવિતા વિશે ઉમાશંકરને વારંવાર બોલવા-લખવાના પ્રસંગો થયા છે. સુન્દરમ્‌‌ની કવિતા વિશે બોલ્યા-લખ્યા વિના સમકાલીન કવિતા વિશે બોલવું-લખવું અશક્ય છે. કારણ કે સમકાલીન કવિતા એટલે મુખ્યત્વે સુન્દરમ્‌ અને ઉમાશંકર. ૧૯૩૦ પછીની ગુજરાતી કવિતામાં આ બે કવિઓની સર્જકતા સૌથી વધુ સમૃદ્ધ છે. એટલે ઉમાશંકરને જ્યારે-જ્યારે સમકાલીન કવિતા વિશે બોલવા-લખવાનો પ્રસંગ થાય ત્યારે ત્યારે એમણે સુન્દરમ્‌‌ની કવિતા વિશે બોલવું-લખવું સહજ, સ્વાભાવિક જ નહિ પણ અનિવાર્ય પણ કહેવાય. ૧૯૪૦થી આજ લગીમાં ઉમાશંકરે સમકાલીન કવિતાનું અને એ પ્રસંગે સુન્દરમ્‌‌ની કવિતાનું જે વિવેચન કર્યું છે તેનો ‘શૈલી અને સ્વરૂપ’ (૧૯૬૦) તથા ‘નિરીક્ષા’ (૧૯૬૦)માં સંગ્રહ થયો છે. હમણાં જ ‘તપોવન — સુન્દરમ્‌‌ની સર્જકપ્રતિભાનું મૂલ્યાંકન કરતો ગ્રંથ’ (૧૯૬૯)માં ‘આધ્યાત્મિક કવિતા પ્રતિ’ શીર્ષકથી એમણે સુન્દરમ્‌‌ની કવિતાનું વિસ્તારથી — અલબત્ત, આ પ્રકારના ગ્રંથમાં કોઈ પણ વિવેચક માટે શક્ય હોય એવું અને એટલું — વિવેચન કર્યું છે. સમકાલીન કવિતાનું વિવેચન સહેલું નથી. સમકાલીન કવિતાનું વિવેચન એ કોઈ પણ વિવેચકને આહ્વાનરૂપ છે. એની પરમ અને ચરમ, પ્રથમ અને અંતિમ પરીક્ષારૂપ છે. ભલભલા વિવેચકો અહીં થાપ ખાય છે. સમકાલીન કવિતાના વિવેચનના ગુણદોષ જગપ્રસિદ્ધ છે. કવિતાને અકવિતા અને અકવિતાને કવિતા તથા મહાન કવિતા(major poetry)ને ઉપકવિતા (minor poetry) અને ઉપકવિતાને મહાન કવિતા કહેવાનો દોષ સમકાલીન કવિતાના વિવેચનમાં વારંવાર થાય છે, અનેક કારણોથી થાય છે. મુખ્ય કારણ વિવેચકની કાવ્યેતર દૃષ્ટિ તથા કવિ-વ્યક્તિત્વના અતિપુરસ્કારની અને પરંપરાના અતિતિરસ્કારની સંકુચિત રોમૅન્ટિક અનુભવસૃષ્ટિ. પણ સાચો વિવેચક સાચી સમકાલીન કવિતાને સાચા પ્રમાણમાં સમજે છે. બલવન્તરાય, પાઠકસાહેબ અને ઉમાશંકર — આપણા ત્રણ ઉત્તમ કવિવિવેચકોએ સુન્દરમ્‌‌ની કવિતાને સાચા પ્રમાણમાં સમજીને વારંવાર એ વિશે વિવેચન કર્યું છે અને એમની સમજમાં સહભાગી થવા વાચકોને નિમંત્રણ કર્યું છે. એથી સુન્દરમ્‌‌ની કવિતા સદ્ભાગી છે. ૧૯૩૦ પછીની કવિતા — સુન્દરમ્‌‌ની કવિતા સુધ્ધાં — ની સામે આરંભમાં અગેયતા, દુર્બોધતા, બિનલોકપ્રિયતા આદિ જે આક્ષેપો હતા એનો ઉત્તર આજે હવે આટલે વર્ષે ભાગ્યે જ આપવાનો રહ્યો હોય! આ પુસ્તક પોતે જ એવા એક ઉત્તરરૂપ છે. આજે વળી એની સામે અન્ય આક્ષેપો છે. એના ઉત્તરમાં, અને ભવિષ્યમાં વળી ઓર આક્ષેપો થશે તો એનાય ઉત્તરમાં આગોતરું આટલું કહેવું બસ છે કે ૧૯૩૦ પછીની કવિતામાં સુન્દરમ્‌‌ની અને અન્ય કેટલાક કવિઓની કવિતા સાચી કવિતા છે એથી એ સૌ આક્ષેપોનો સામનો કરી શકે એટલી સબળ છે. પ્રસ્તાવના એ સંપાદકે વાચકોને કાવ્યો કેમ વાંચવાં-સમજવાં એ વિશે કહેવાનું સ્થાન નથી. પણ પ્રસ્તાવનામાં સંપાદક પોતે કાવ્યો કેમ વાંચે-સમજે છે એ વિશે વાચકોને કંઈક કહી શકે. કાવ્યોના સર્જનની પ્રક્રિયાને પોતે કેમ સમજે છે એ વિશે અને કાવ્યોનો અર્થકારણ, રાજકારણ, સમાજકારણ, વિજ્ઞાન, ધર્મ આદિ સાથે, એક જ શબ્દમાં જીવન સાથે જે સંબંધ હોય એ સંબંધને પોતે કેમ સમજે છે એ વિશે પણ વાચકોને કંઈક કહી શકે. સુન્દરમ્‌ ચાળીસથી પણ વધુ વર્ષોથી સતત કવિતાનું સર્જન કરે છે. એથી એમનાં કાવ્યોમાં વૈપુલ્ય છે. સુન્દરમ્‌ સર્વતોમુખી સર્જક છે. એથી એમનાં કાવ્યોમાં વસ્તુ-વિષય અને શૈલી-સ્વરૂપનું વૈવિધ્ય છે. પરિણામે એમનાં કાવ્યો વિશે આટલી ઓછી — બલકે અતિઓછી જગ્યામાં જે કંઈ કહું એથી અસંતોષ જ થાય એટલું જ નહિ પણ સુન્દરમ્‌‌ને અને મને બન્નેને અન્યાય પણ થાય. કારણ કે જે કંઈ કહું એથી અતિસરલીકરણનો અપરાધ થાય. આ મર્યાદાને સહૃદયો સહાનુભૂતિપૂર્વક સહન કરશે એ શ્રદ્ધાથી હું સુન્દરમ્‌‌નાં કાવ્યો કેમ વાંચું-સમજું છું એ વિશે કંઈક કહીને એ વાચનમાં, એ સમજમાં સહભાગી થવા સહૃદયોને નિમંત્રું છું. સુન્દરમ્‌‌ના જીવનના મુખ્ય ત્રણ અનુભવો છે. શૈશવ — લુહાર કુટુંબ — મિયામાતર, સત્યાગ્રહ — ગાંધીજી — અમદાવાદ, યોગ — શ્રી અરવિંદ — પોંડિચેરી. આ અનુભવો વિશે સુન્દરમે ૧૯૫૭માં ‘મારી કાવ્યસાધના’ (સંસ્કૃતિ, જાન્યુઆરી ૧૯૫૮)ના વાયુવાર્તાલાપમાં અને ૧૯૬૯માં ‘તપોવન’માં પ્રશ્નોત્તરી રૂપે, કહો કે નાનકડી આત્મકથા રૂપે કેટલીક વિગતો આપી છે. સુન્દરમ્‌‌નાં કાવ્યો વાંચવા-સમજવામાં આ વાયુવાર્તાલાપ અને પ્રશ્નોત્તરી જેવી અને જેટલી અન્ય કોઈ સહાય સુલભ નથી. એના સંદર્ભમાં સુન્દરમ્‌‌નાં કાવ્યો વાંચવાં-સમજવાં જોઈએ. કવિમાત્ર એક અર્થમાં શોધક અને સાધક હોય છે. એ શબ્દ માટે અને શબ્દ દ્વારા શોધ અને સાધના કરે છે. ક્યારેક એ કોઈ અર્થ અથવા અનુભવ અર્થે શબ્દ શોધતો અને સાધતો હોય છે. ત્યારે શબ્દ એ એનું સાધ્ય હોય છે અને અર્થ અથવા અનુભવ એ એનું સાધન હોય છે. તો ક્યારેક એ શબ્દ દ્વારા કોઈ અર્થ અથવા અનુભવ શોધતો અને સાધતો હોય છે. ત્યારે અર્થ અથવા અનુભવ એ એનું સાધ્ય હોય છે અને શબ્દ એ એનું સાધન હોય છે. સુન્દરમ્‌‌નાં કાવ્યોમાં આ બન્ને પ્રકારની શોધ અને સાધના છે. કવિ સુન્દરમ્‌ આ અર્થમાં શોધક અને સાધક છે. ‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા!’ આ એક જ પંક્તિમાં સુન્દરમે એમના વંશપરંપરાગત લુહારીકામના વારસાને સાર્થક કર્યો છે. મિયામાતર ગામમાં પુરુષોત્તમદાસના-પોચિયા લવાર-ના ઘરમાં ત્રિભુવનદાસે — તિભા પાટવીએ — તાવ કરી શકે ત્યાં લગી લોઢું ભલે ન ઘડ્યું કે એન્જિનિયર થાય ત્યાં લગી વડોદરાના કલાભવનમાં શિક્ષણ ભલે ન લીધું પણ પછીથી ‘ઘણ ઉઠાવ’ કાવ્યમાં પૃથ્વી છંદનો લય લોઢાની જેમ એવો સબળ ઘડ્યો, તાવ કરી શકે ત્યાં લગી એવા સઘન ઘાટમાં ઘડ્યો કે પૃથ્વી છંદમાં ગુજરાતી ભાષામાં જે કાવ્યો છે એમાં એનો જોટો જડે એમ નથી. મિયામાતરના ઠકરાતી ગામમાં સર્વરંગી વસતિનો, પચરંગી-શતરંગી પ્રજાનો, એના આર્થિક અને સામાજિક જીવનનો સુન્દરમ્‌‌ને જે અનુભવ હતો એ ‘ભંગડી’ અને ‘ત્રણ પાડોશી’ જેવાં કાવ્યોમાં કટાક્ષ અને કરુણના મિશ્રણમાં પ્રગટ થયો છે. આ અનુભવ સૌથી વધુ કાવ્યમયતાથી ‘ઇંટાળા’ કાવ્યમાં અને સુન્દરમ્‌‌ના સર્વશ્રેષ્ઠ કાવ્ય ‘૧૩–૭ની લોકલ’માં પ્રગટ થયો છે. તો શૈશવનાં સ્મરણોની ભૂમિ જેવા ગ્રામપ્રદેશનો, એના વાતાવરણનો સુન્દરમ્‌‌ને જે અનુભવ હતો એ ‘પોંક ખાવા’ જેવા કાવ્યનાં સહાનુભૂતિ અને ચિંતનના મિશ્રણમાં પ્રગટ થયો છે. ૧૯૨૫થી ૧૯૨૯નાં વર્ષોમાં અમદાવાદમાં ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠમાં સુન્દરમ્‌ વિદ્યાર્થી. ૧૯૩૦માં જીવનના પરમ વરદાન જેવા સત્યાગ્રહમાં, સ્વાતંત્ર્યસંગ્રામમાં સુન્દરમ્‌ તીવ્રપણે ઓતપ્રોત એવા સક્રિય સૈનિક. ત્યારે ખભે થેલીઓ ઝુલાવીને ખેતરો ખૂંદતાં ખૂંદતાં કે ઝૂંપડીઓમાં અને છાવણીઓમાં ઘૂમતાં-ઘૂમતાં કે જેલના સળિયા પાછળ વસતાં-વસતાં જેને વિશ્વપ્રેમથી સહેજ પણ ઓછું નામ ન અપાય એવો અનિર્વચનીય અનુભવ થયો. ૧૯૩૦ના સપ્ટેમ્બરમાં સભાન-અભાન શાંત ક્ષણોમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાનકડા ગામના કોઈ ખેતરના એક વૃક્ષ પાસે સુન્દરમ્‌‌ની કાવ્યદીક્ષારૂપ ‘બુદ્ધનાં ચક્ષુ’નું સર્જન થયું. એનું અનુસંધાન ‘ત્રિમૂર્તિ’માં છે. તો એનું વિરોધી નકારાત્મક અનુસંધાન, કાવ્યની અંતિમ બે પંક્તિઓમાંના પ્રશ્નાર્થને કારણે અને એમાં આપણા યુગનાં અનિષ્ટોના ઉલ્લેખને કારણે, ‘ધૂમકેતુ’માં છે. સત્યાગ્રહનો, આત્મસમર્પણનો સુન્દરમ્‌‌ને જે અનુભવ થયો એ ‘સાફલ્યટાણું’ જેવા કાવ્યમાં સઘન સ્રગ્ધરા છંદમાં સબળ ભાવોદ્રેકમાં પ્રગટ થયો છે. સત્યાગ્રહમાં, સ્વાતંત્ર્યસંગ્રામમાં પ્રજાજીવનમાં વીરતા અને ત્યાગનો જે અનુભવ થયો તે મહાભારતનાં પાત્રો દ્વારા ‘દ્રૌપદી’ અને ‘કર્ણ’ જેવાં કાવ્યોમાં પ્રગટ થયો છે. ગાંધીજીએ એમના સત્યના પ્રયોગોમાં, સત્યાગ્રહમાં કેવળ સ્વપ્નોનું નહિ પણ સાક્ષાત્ કર્મોનું અર્પણ કર્યું. પૃથ્વી પર સ્વર્ગ અને મનુષ્યમાં પરમેશ્વરનો અનુભવ કરવાનો એમાં પ્રયત્ન હતો. આ અનુભવ પરોક્ષપણે ‘ગરુડનો વિષાદ’ના આરંભે ‘નથી નથી આભ વિશે જ ઊડવું.’ અને ‘માનવી માનવ’ના આરંભે ‘હું માનવી માનવ થાઉં તો ઘણું.’ જેવી સાદી, સરલ, સચોટ પંક્તિઓમાં પ્રગટ થયો છે. ગાંધીજીના મહાકાવ્ય જેવાં કર્મો દ્વારા પ્રેમ અને કરુણાથી સભર એવા માનવતાવાદનો જે અનુભવ ચોથા દાયકાના આરંભે અનેક મનુષ્યોનાં, કવિઓનાં હૃદયને થયો હતો એ ચોથા દાયકાના મધ્યભાગમાં જગતભરના સંવેદનશીલ મનુષ્યોની, કવિઓની બુદ્ધિ પર જેની જાદુઈ ભૂરકી જેવી ભારે અસર હતી તે આર્થિક સમાનતાના આદર્શો અને સામાજિક ન્યાયનાં મૂલ્યો પર પ્રતિષ્ઠિત એવા સમાજવાદના વાચન-મનન-ચિંતનથી વધુ સઘન, સધ્ધર અને સમૃદ્ધ થયો. ચોથા દાયકાના અંતે સુન્દરમ્‌ ગુજરાતમાં પ્રગતિશીલ સાહિત્યની પ્રવૃત્તિના એક અગ્રણી સક્રિય કાર્યકર હતા. યંત્રસંસ્કૃતિની આગવી સરજત જેવા આધુનિક નગરમાં વસંત અને કુંજગલી કેવાં તો અલભ્ય છે એનો અનુભવ ‘વસંત ઢૂંઢું’ અને ‘આસ્તે, કુંજગલી’ જેવાં કાવ્યોમાં અંજની છંદમાં કટાક્ષ અને કરુણના મિશ્રણમાં પ્રગટ થયો છે. તો એ જ નગરમાં એક ખીચોખીચ બસમાં બેસીને પ્રવાસ કરતાં પડોશમાંની એક ગ્રામીણ માતાના ધાવતા શિશુના પદનો આઘાત અને એનું વિષ્ણુલાંછન કેવાં તો દુર્લભ છે એનો અનુભવ ‘શિશુવિષ્ણુલાંછન’ જેવા કાવ્યમાં મિશ્રોપજાતિ છંદમાં હાસ્ય અને કરુણના મિશ્રણમાં પ્રગટ થયો છે. આ નગરસંસ્કૃતિમાં પ્રકૃતિનું સૌંદર્ય અલભ્ય છે અને માનવપ્રેમનું સત્ય દુર્લભ છે અને એથી મનુષ્યનું જીવન શુષ્ક અને શૂન્ય છે એ આધુનિક મનુષ્યનો વિશ્વવ્યાપી અનુભવ સુન્દરમ્‌‌નાં આ ત્રણ કાવ્યોમાં પ્રગટ થયો છે. તો આધુનિક નગરમાં મનુષ્યનું અસ્તિત્વ સુધ્ધાં કેવું તો ભયમાં છે એનો અનુભવ જે આજે હવે અણુયુગમાં વધુ ને વધુ ઘેરો થતો આવે છે તે ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’ જેવા કાવ્યમાં પૃથ્વી છંદમાં પાંચ સૉનેટના ગુચ્છમાં પ્રગટ થયો છે, અલબત્ત, અંતે કંઈક આશાના સ્વપ્ન સાથે કે આ દુર્ગ ભલે ડગતો, તૂટતો; જે યુગમાં મનુષ્ય-ઉરની જિગીષા-ક્ષુધા અન્યોન્યથી દુરજેય એવાં અશનિ-શસ્ત્ર-અસ્ત્ર રચે છે, અણુશસ્ત્રો રચે છે એ યુગમાં આ દુર્ગ હવે કાલગ્રસ્ત છે; વળી આ દુર્ગ ભલે ડગતો, તૂટતો; આ દુર્ગ સાચો અચળ દુર્ગ જ નથી, આ દુર્ગ મિથ્યા માયા છે, એથી એને એક પરમ સત્ય ડગાવે, તોડે છે. આ પરમ સત્ય કયું? કાવ્યને અંતે આ પ્રશ્નનો ઉત્તર એક અન્ય પ્રશ્ન રૂપે આપ્યો છે : ‘…શું અચળ દુર્ગ તો તે જ જે 
રચાય મનુ-અંતરે વિમલ સત્ય સંધાનનો 
સમસ્ત જગને અમોઘ પ્રણયેથી સંરક્ષતો?’ આમ, આધુનિક યંત્રસંસ્કૃતિમાં મનુષ્યજીવનના, જીવનમાત્રના સર્વનાશના ભયને જીતવાનું એકમાત્ર સત્ય અને પ્રેમ દ્વારા જ શક્ય છે એવી શ્રદ્ધા આ કાવ્યને અંતે સૂચવાય છે. વળી ૧૯૪૭માં સ્વતંત્ર ભારતમાં ધર્મને નામે હિંસાનો જે અનુભવ થયો એ ‘ગુલબાસની સોડમાં’ જેવા કાવ્યમાં હરિગીત છંદમાં પ્રગટ થયો છે. કાવ્યને અંતે પ્રશ્ન પૂછ્યો છે કે યુગોથી મનુષ્યને જ્ઞાન છે કે વૈર અને હિંસા એ પાપ છે અને છતાં હજુય જગતમાં વૈર અને હિંસા અસ્તિત્વમાં છે તો શું મનુષ્ય કદી કેવળ જ્ઞાન દ્વારા, કેવળ સ્વપુરુષાર્થ દ્વારા પ્રેમ અને અહિંસા સિદ્ધ કરી શકશે? ઈશ્વરની સહાય, કરુણા વિના મનુષ્ય પ્રેમ અને અહિંસા સિદ્ધ કરી શકશે નહિ એવી શ્રદ્ધા આ પ્રશ્નના ઉત્તરમાં પ્રગટ થાય છે : ‘આ ભૂમિએ નિજ રોગનું ઔષધ રહ્યું છે માગવું 
 આકાશની શીતળ ઘટાની ગહન રસશાળા થકી.’ મનુષ્ય-મનુષ્યનું સામાજિક, આર્થિક, આધ્યાત્મિક કે કોઈ પણ સ્વરૂપે શોષણ-ભક્ષણ કરે એના જેવું એકે અનિષ્ટ નથી, અધમ કર્મ નથી એ અનુભવ ‘પુણ્યાત્મા’ જેવા ગુજરાતી ભાષાના એક વિરલ પ્રતીકાત્મક કાવ્યમાં શાર્દૂલવિક્રીડિત છંદમાં અસાધારણ સંયમ અને સંસ્કારિતાપૂર્વકના તીક્ષ્ણ, તીવ્ર, વેધક કટાક્ષમાં પ્રગટ થયો છે. તો મનુષ્ય મનુષ્યનો એક વાર પૂર્ણ તિરસ્કાર-બહિષ્કાર કરે પછી એ તિરસ્કૃત-બહિષ્કૃત મનુષ્યને, એ છિન્નભિન્ન, જીર્ણશીર્ણ મનુષ્યને જગતની કોઈ રાજકીય, આર્થિક, સામાજિક કે આધ્યાત્મિક યોજના-વિચારણા કે ફિલસૂફી ફરીથી સુગ્રથિત, સુશ્લિષ્ટ ન કરી શકે એ અનુભવ ‘એક ગાંડી’ જેવા કાવ્યમાં અનુષ્ટુપ છંદમાં બૉદલેરના ‘Les Petites Vieilles’ (કૃશકાય વૃદ્ધાઓ) કાવ્યનું સ્મરણ કરાવે એવી કરુણતા અને કરુણાના મિશ્રણમાં પ્રગટ થયો છે. ૧૯૨૦–૨૧માં આમોદની બૉર્ડિંગમાં સુન્દરમે અનેક દેવદેવીઓનાં ચિત્રો કર્યાં હતાં તે શરદપૂર્ણિમાની રાતે સુન્દરમ્‌ દેવપૂજા કરીને પેટીમાંના કાગળના દેવો પાસે સળગતી મીણબત્તી મૂકીને અન્ય છાત્રોની સાથે દૂધ-પૌંઆ ખાવા નીચે ગયા ત્યારે મેડા પરની એમની ઓરડીમાં મીણબત્તીના અગ્નિમાં ભસ્મીભૂત થયાં. ૧૯૩૫ના નવેમ્બર-ડિસેમ્બરમાં સુન્દરમે દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો ત્યારે એક રાતે પોંડિચેરીની પરમ નીરવ શેરીમાંથી રિક્ષામાં બેસીને વિદાય લેતાં એક અકલ્પ્ય એવો સંકલ્પ પોતાનામાં સાકાર થતો જોયો : ‘કોઈ મૂંગું સંવેદન અંતર કોરી રહ્યું હતું. જીવનમાં સૌ રસો કરતાં કોઈ મહારસ અહીં રેલાઈ રહ્યો છે તેનું ભાન મને બેચેન કરી મૂક્તું હતું. એ મહારસના અસ્તિત્વની ખાતરી અહીંના સાધકોને જોઈને થઈ. શ્રી અરવિંદના પ્રત્યક્ષ દર્શન કદાચ વધારે ગૂઢ અસર પણ ઉપજાવી શકતાં હશે. પણ શું શ્રી અરવિંદનું કાર્ય જીવનના સૌ રસોને છોડીને જ સમજી શકાય? સંકલ્પ કર્યો. જે ઘડીએ જીવનના સૌ રસો સુકાઈ જશે અને ત્યાં કશું નહિ દેખાય તે જ ઘડીએ અહીં દોડ્યો આવીશ’ (‘દક્ષિણાયન’) સુન્દરમ્‌‌નાં ધર્મ, ઈશ્વર અને યોગ વિશેનાં અનેક કાવ્યોનું રહસ્ય આ અકસ્માત અને આ સંકલ્પમાં છે. આ કાવ્યો વિશે, હવે પછી, પ્રસ્તાવનાના અંતભાગમાં વિચારીશું. સુન્દરમ્‌‌ના જીવનમાં મુખ્ય અંગત અનુભવો છે પ્રણય, મૈત્રી, મૃત્યુ, પ્રભુપ્રેમ અને કાવ્યસાધના. આ અનુભવોનાં જે કેટલાંક કાવ્યો અહીં છે એ સૌની સિદ્ધિનું રહસ્ય એક જ શબ્દમાં કહેવું હોય તો તે છે ભાવોદ્રેક. સુન્દરમ્‌‌નાં કાવ્યોમાં જે વીર્ય અને ઓજસ્ છે તે ભાવનું વીર્ય અને ઓજસ્ છે. આ કાવ્યોમાં અનુભવ એવો તો ભાવસઘન, ભાવસભર છે કે કાવ્યના આદિથી અંત લગી ભાવ સતત એકસરખો ઉત્કટ હોય છે. આ ભાવોદ્રેકથી જ કાવ્યમાં સુશ્લિષ્ટ, સુગ્રથિત એકતા સિદ્ધ થાય છે. આ ભાવોદ્રેકને કારણે સુન્દરમ્‌ શબ્દની ભાવક્ષમતા, ભાવમયતા પર વિશેષ ધ્યાન આપે છે. કદાચ એમ પણ લાગે કે સુન્દરમ્‌ શબ્દની અનેક શક્તિઓમાંથી આ એકમાત્ર શક્તિ, ભાવશક્તિ પર એકાંગી ધ્યાન આપે છે. અને એથી સુન્દરમ્‌ નાટ્યતત્ત્વ વિના મુખ્યત્વે વિરોધો દ્વારા અને વાગ્મિતામય વિધાનો દ્વારા કાવ્ય સિદ્ધ કરે છે. આ ભાવોદ્રેક સુન્દરમ્‌‌ના કાવ્યોમાં સીધી, સાદી, સરલ બોલચાલની ભાષા અને શિષ્ટ સંસ્કૃતમય ભાષા એમ જે બે પ્રકારની ભાષા છે એ બન્નેમાં પ્રગટ થાય છે. આ ભાવોદ્રેકની અસર સુન્દરમ્‌‌નાં કાવ્યોમાં જે છંદ (અક્ષરમેળ અને માત્રામેળ), લય, લહેકા, લઢણો, પ્રતીકો છે એમાં પ્રતીત થાય છે. આમ સુન્દરમ્‌‌ના અંગત અનુભવોનાં કાવ્યોની વિશેષતા છે ભાવોદ્રેક, ભાવશક્તિ. સુન્દરમ્‌‌નાં બિન-અંગત અનુભવોનાં કાવ્યોમાં પણ આ જ ભાવોદ્રેક, ભાવશક્તિ કરુણ અને હાસ્યના મિશ્રણ રૂપે પ્રગટ થાય છે. કરુણને ઉચિત અને ઉપકારક એવા હાસ્યની આ શક્તિ ગુજરાતી ભાષાની કવિતામાં — બલકે કોઈ પણ ભાષાની કવિતામાં વિરલ છે. આ હાસ્યની શક્તિનું દર્શન ગુજરાતી ભાષાની કવિતામાં પ્રેમાનંદમાં ઉત્તમ રૂપે થાય છે. ત્યાર પછી એ માત્રાની નહિ તો એ પ્રકારની હાસ્યની શક્તિનું દર્શન સુન્દરમ્‌‌માં થાય છે. સુન્દરમ્‌માં કાવ્યોમાં ભાવોદ્રેક, ભાવનું વીર્ય અને ઓજસ્ છે એટલું જ કહેવામાં કદાચ અતિશયોક્તિ કે અતિવ્યાપ્તિનો દોષ થાય. કારણ કે ‘સાંજને સમે’ જેવા ગીતમાં કે ‘મળ્યાં’ જેવા કાવ્યમાં ભાવની સુકુમારતા અને નાજુકાઈ પણ ઓછી નથી. આથી ‘સાંજને સમે’ અને ‘મળ્યાં’ એ સુન્દરમ્‌‌ના અંગત અનુભવોનાં કાવ્યોમાં બે વિરલ કાવ્યો છે. માત્ર સુન્દરમ્‌‌ની કવિતામાં જ નહિ પણ ગુજરાતી ભાષાની સમગ્ર કવિતામાં પ્રેમકાવ્ય તરીકે ‘મળ્યાં’ વિરલ છે. ‘મળ્યાં’ એ ગુજરાતી ભાષાનું એક ઉત્કૃષ્ટ પ્રેમકાવ્ય છે, એમાં ભાવની સુકુમારતા અને રસનો સંયમ છે એ કારણે. સુન્દરમ્‌‌નાં કાવ્યોમાં ‘પુણ્યાત્મા’ કાવ્યમાં પ્રતીક, પ્રતીકાત્મકતા વિરલ અને ઉત્કૃષ્ટ છે. કાવ્યના શીર્ષકમાં જ તીક્ષ્ણ, તીવ્ર, વેધક કટાક્ષ છે. કાવ્યના પહેલા ભાગમાં વીજળીના દીવાના કાચ પર પાંખ પછાડતા પતંગનું ગતિશીલ અને તાદૃશ ચિત્ર છે. પતંગની આત્મસમર્પણની ભાવનામાં એની મુગ્ધતા-નિર્દોષતા અને એ દ્વારા એની કરુણતાની સાથે એની મૂઢતા-મૂર્ખતા અને એ દ્વારા એની કટાક્ષપાત્રતા પ્રગટ થાય છે. કાવ્યના બીજા ભાગમાં ચુપકીથી આવીને આ પતંગને અને એનાં જેવાં અનેક પતંગોને ભક્ષીને ખૂણામાં જઈને લપાતી ગરોળીનું સ્થિર અને હૂબહૂ ચિત્ર છે. ‘ધવલા-સુંવાળી ને ઠાવકી’, ‘ગાંભીર્યે લસતી’, ‘અને ઉદરના ઔદાર્યથી ઓપતી’ — આ વિશેષણો અને વર્ણનોમાં કટાક્ષકલાની સંસ્કારિતાની પરાકાષ્ઠા છે. અંતની ત્રણ પંક્તિઓમાં આ કાવ્યમાં ગરોળીમાંથી પ્રતીકનું સર્જન થાય છે એની પ્રક્રિયા છે. અહીં ગરોળીનું ‘સૃષ્ટિની સઘળી પ્રવૃત્તિ થકી જે સ્વાર્થાસવ સ્રાવતી-પુણ્યાત્મા’ રૂપે વર્ણન છે એમાં ‘સ્વાર્થાસવ’ અને ‘પુણ્યાત્મા’ના વિરોધમાંથી તીક્ષ્ણ, તીવ્ર, વેધક વક્રતા પ્રગટ થાય છે અને ગરોળી એ મનુષ્યના શોષણ-ભક્ષણનું અનિષ્ટ અને અધમ કર્મ આચરનાર દુરાચારી મનુષ્યના પ્રતીક રૂપે પ્રતીત થાય છે. કાવ્યને અંતે ‘જાણે બન્યું ના કંઈ’ એમ ‘ઠાવકી ગરોળી’ દૂર સરકી એવું વર્ણન છે એમાં સુન્દરમ્‌‌ની કટાક્ષકલાની ચરમ સીમા છે. સુન્દરમ્‌‌નાં કાવ્યોમાં ‘કર્ણ’ કાવ્યમાં ‘કર્ણના વધકારુણ્યે પીગળ્યું વ્યોમ, ના ધરા.’ આ પંક્તિમાં લય વિરલ અને ઉત્કૃષ્ટ છે. કર્ણનું સંધ્યાસમયે યુદ્ધભૂમિ પર મૃત્યુ થાય છે. સંધ્યાનો સમય છે એથી સૂર્યનો અસ્ત થાય એટલે તો ‘પીગળ્યું વ્યોમ’ એવું વર્ણન સાર્થ છે જ. પણ કર્ણ સૂર્યનો પુત્ર છે. એના મૃત્યુની વેદના સૂર્ય અનુભવે છે એથી પણ ‘પીગળ્યું વ્યોમ’ એવું ધ્વનિમય વર્ણન છે. પણ ત્યાર પછી વર્ણન છે, ‘ના ધરા.’ વ્યોમ તો પીગળ્યું વ્યોમે તો વ્યથા અનુભવી, સૂર્યને તો મૃત્યુનો શોક થયો પણ ધરા? ધરા ના પીગળી, ધરાએ વ્યથા ના અનુભવી, મનુષ્યને મૃત્યુનો શોક ના થયો. ધરાની આ નિષ્ઠુરતાથી, કઠોરતાથી, મનુષ્યની આ નિર્દયતાથી, અસંવેદનશીલતાથી કવિએ જે આઘાત અનુભવ્યો છે, જે સ્તબ્ધતા અનુભવી છે તે ‘ના ધરા’ એવા બે સાદા અને ટૂંકા શબ્દો દ્વારા તો પ્રગટ થાય છે જ. પણ ‘વ્યોમ’, પછી અને ‘ના’ પૂર્વે લયમાં જે વિરામ રચ્યો છે, જે મૌન સર્જ્યું છે તેમાં આ આઘાત અને સ્તબ્ધતા સવિશેષ પ્રતીત થાય છે : ‘કર્ણના વધકારુણ્યે પીગળ્યું વ્યોમ, || ના ધરા.’ પંક્તિના પાઠસમયે અહીં આ વિરામ અને મૌન દ્વારા આપણે પણ એ આઘાત અને સ્તબ્ધતા અનિવાર્યપણે અનુભવીએ છીએ — કહો કે કવિ આપણને એ આઘાત અને સ્તબ્ધતાનો અનુભવ અનિવાર્યપણે કરાવે છે. શબ્દ દ્વારા જ નહિ પણ લય દ્વારા, મૌન દ્વારા અર્થ અને અનુભવ સિદ્ધ કરતી સુન્દરમ્‌‌ની કવિતાકલાની આ ચરમ સીમા છે. કંઈ કાનમાં કહું? સુન્દરમ્‌‌ની સમગ્ર કવિતામાં સર્વશ્રેષ્ઠ કાવ્યો છે : ‘બુદ્ધનાં ચક્ષુ’, ‘બાનો ફોટોગ્રાફ’, ‘ઇંટાળા’, ‘૧૩–૧૭ની લોકલ’, ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’ અને ‘એક ગાંડી’. આ છયે કાવ્યો છૂટાં- છૂટાં છેલ્લાં ત્રીસેક વરસમાં અનેક વાર વાંચ્યાં હતાં. પણ આ છયે કાવ્યો એકસાથે તો આ પુસ્તક માટે કાવ્યો પસંદ કરતાં-કરતાં જ વાંચ્યાં. અને ત્યારે ઓચિંતા જ કંઈક સૂઝ્યું. આ છયે કાવ્યોની સંકલનામાં સમાન તત્ત્વ છે. આ છયે કાવ્યોમાં સમાન તત્ત્વ દ્વારા સુશ્લિષ્ટતા, સુગ્રથન, એકતા અને આકાર સિદ્ધ થાય છે. આ છયે કાવ્યોમાં આ સમાન તત્ત્વ છે : પશ્ચાત્‌દર્શન અને પુરોદર્શન. કહેવાનો આશય એ નથી કે કવિ પાસે કાવ્ય રચ્યા પૂર્વે સભાનપણે, સંપ્રજ્ઞાતપણે એક પૂર્વનિશ્ચિત, પૂર્વયોજિત કારિકા કે સિદ્ધાન્ત છે અને પછી એ કારિકા કે સિદ્ધાન્ત પ્રમાણે યાંત્રિક અને કૃત્રિમપણે કવિએ આ કાવ્યો રચ્યાં છે. એમ કહી શકાય કે સુન્દરમ્‌‌થી આ છયે કાવ્યો પશ્ચાત્‌દર્શન અને પુરોદર્શનના સમાન તત્ત્વ દ્વારા અભાનપણે, અજ્ઞાતપણે, કોઈ પૂર્વનિશ્ચિત, પૂર્વયોજિત કારિકા કે સિદ્ધાન્ત વિના જ, પ્રયત્ન વિના જ, આપોઆપ રચાઈ ગયાં છે. આગળ જોયું તેમ, ૧૯૨૦–૨૧માં આમોદની બૉર્ડિંગમાં સુન્દરમે અનેક દેવદેવીનાં ચિત્રો કર્યાં હતાં તે શરદપૂર્ણિમાની રાતે મીણબત્તીના અગ્નિમાં ભસ્મીભૂત થયાં અને સુન્દરમ્‌ કહે છે તેમ, ‘બસ ત્યારથી મારો ‘ભક્તિયોગ’ પૂરો થયો એમ હું ગણું છું. એ પછી કોઈ પણ કાગળના કે મંદિરના દેવોની પાસે હું ગયો નથી.’ આમ, સુન્દરમ્‌‌ના જીવનના આરંભે જ એક અકસ્માત થયો. આ પુસ્તકમાં પ્રથમ કાવ્ય છે ‘હરિને વિદાય’ અને અંતિમ કાવ્ય છે ‘મેરે પિયા’-એ અત્યંત સૂચક છે. આ બે કાવ્યોની વચમાં છે સુન્દરમ્‌‌ની ધર્મયાત્રા. ભારતવર્ષના ઇતિહાસના અંધારયુગથી પ્રજાજીવનમાં જે વેવલી ભક્તિ પ્રવેશી છે, ‘ભગતું પેઠું છે’ એની પર સુન્દરમે એમના કવિજીવનના આરંભે જ ‘હરિને વિદાય’, ‘હરિનો જવાબ,’ ‘અવતાર ન લેશો’ જેવાં કાવ્યોમાં એક પ્રબળ આઘાત કર્યો છે. અને ‘ક્યાં આગે આગે?’ના પ્રશ્નાર્થથી એમણે ધર્મશ્રદ્ધાની, ભગવાનની ખોજનો આરંભ કર્યો છે. તો ‘ધ્રુવપદ ક્યહીં?’ના પ્રશ્નાર્થથી એમણે કાવ્યશ્રદ્ધાની, કવિતાની ખોજનો આરંભ કર્યો છે. ‘એક સવારે’, ‘હંકારી જા,’ ‘નમું’, ‘વિરાટની પગલી’, ‘કોણ?’, ‘બહુરૂપિણી’, ‘જોયો તામિલ દેશ’, ‘શિખરો પરથી’, ‘શ્રી અરવિંદ’, ‘મેરે પિયા’ જેવાં કાવ્યોમાં ધર્મશ્રદ્ધાની ઉત્કટતાનો અને ભગવાન પ્રત્યેની ભક્તિના ઉદ્રેકનો અનુભવ પ્રગટ થયો છે. તો ‘कस्मै’, ‘રાઘવનું હૃદય’, ‘પ્રવાસી પંથોનો’, ‘સુધા પીવી?’ જેવાં કાવ્યોમાં શંકાનો અને શોકનો અનુભવ પ્રગટ થયો છે. ‘સૂઉ તારાં સ્વપ્ને’ જેવાં પ્રેમકાવ્યમાં નાયક એની પ્રિયતમાને જો એ પ્રભુની પ્રતિમા હોય તો પ્રભુ જેવી જડતમ ન થવાને પ્રાર્થે છે. તો ‘મનુજ-પ્રણય’ જેવા પ્રેમકાવ્યમાં નાયક અંતે સ્વપ્નમાં પ્રેમને ભક્તિમાં ચરિતાર્થ થતો, માતાના ચરણમાં કૃતાર્થ થતો અનુભવે છે. ‘આ ધ્રુવપદ’માં ‘ધ્રુવપદ ક્યહીં?’ના પ્રશ્નનો ઉત્તર છે. કાવ્યશ્રદ્ધાની, કવિતાની ખોજનો પૂર્ણવિરામ છે. આગળ જોયું તેમ, ૧૯૩૫ના નવેમ્બર-ડિસેમ્બરમાં એક રાતે પોંડિચેરીની શેરીમાં સુન્દરમે પોતાને પ્રશ્ન કર્યો, ‘શું શ્રી અરવિંદનું કાર્ય જીવનના સૌ રસોને છોડીને જ સમજી શકાય?’ અને પછી એ પ્રશ્નના ઉત્તરમાં સંકલ્પ કર્યો. ‘જે ઘડીએ જીવનના સૌ રસો સુકાઈ જશે અને ત્યાં કશું કર્તવ્ય નહિ દેખાય તે જ ઘડીએ અહીં દોડ્યો આવીશ.’ ૧૯૪૪માં ‘શ્રી અરવિંદ’ સૉનેટયુગ્મમાં અંતે સુન્દરમે શ્રી અરવિંદના મુખ દ્વારા આ સંકલ્પનું પુનરુચ્ચારણ કર્યું : ‘ચહે તું યદિ દિવ્યતા, મનુજતાની પૂંજી બધી 
અહીં અરપી, જા લઈ પ્રભુતણી સુધા ભાસ્વતી.’ અને પછી ૧૯૪૫માં સુન્દરમે પોંડિચેરીમાં સ્થાયી નિવાસ કર્યો. અને ત્યારથી સુન્દરમે કવિતાને એમના મિશનના, સ્વીકૃત જીવનકાર્યના માધ્યમ રૂપે યોજી છે. કોઈ પણ કવિ જ્યારે જીવનના સૌ રસો છોડીને મનુજતાની પૂંજી બધી અરપી સંકલ્પ કરે અને કવિતાને એના સભાન આશયના, મિશનના, સ્વીકૃત જીવનકાર્યના માધ્યમ રૂપે યોજે; ધર્મશ્રદ્ધાને વિશેષભાવે કવિતાના વિષય રૂપે યોજે ત્યારે અનિવાર્યપણે અનેક પ્રશ્નો સર્જાય છે. ગુજરાતી ભાષાની અર્વાચીન કવિતાના ઇતિહાસમાં કાન્તના કવિજીવનમાં આવો પ્રશ્ન સર્જાયો હતો. દુર્ભાગ્યે એ પ્રશ્નનો ઉત્તર કરુણ હતો. ધર્મશ્રદ્ધા અને કવિતાના સંબંધનો પ્રશ્ન જ એટલો તો સુકુમાર અને સંકુલ છે કે હજુ લગી એનો સુખદ અને સંતોષકારક ઉત્તર અપાયો નથી. ક્યારેય અપાશે? વિજ્ઞાનના આપણા યુગમાં અન્ય પ્રકારની શ્રદ્ધા, વિજ્ઞાનની શ્રદ્ધાને કારણે આ ધર્મશ્રદ્ધા અને કવિતાના સંબંધનો પ્રશ્ન પૂર્વે કદી ન હતો એટલો સુકુમાર અને સંકુલ પુરવાર થયો છે. પ્રાચીન અને મધ્યકાલીન ભારતવર્ષમાં તથા પ્રાચીન ચીન, ઇજિપ્ત, ગ્રીસ અને મધ્યકાલીન યુરોપમાં ધર્મશ્રદ્ધા અને કવિતાનો સંબંધ અભેદનો, ઐક્યનો સંબંધ હતો. છેલ્લા સોએક વરસથી વિજ્ઞાનની બૌદ્ધિક શ્રદ્ધા ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રબળ અને પ્રભાવશાળી થતી આવે છે. અને સાથે-સાથે વિજ્ઞાનનો અને ધર્મનો એટલે કે વિજ્ઞાનની શ્રદ્ધાનો અને ધર્મની શ્રદ્ધાનો સંઘર્ષ વધુ ને વધુ તીક્ષ્ણ અને તીવ્ર થતો આવે છે. આ સંદર્ભમાં ધર્મશ્રદ્ધા અને કવિતાના સંબંધનો પ્રશ્ન પૂર્વે કદી ન હતો એટલો સુકુમાર અને સંકુલ પુરવાર થયો છે એ સમજી શકાય. વળી ધર્મશ્રદ્ધા અને કવિતાના સંબંધ અંગે જે પ્રશ્ન પુછાય છે તે સૌ પ્રશ્નો અતિવૈજ્ઞાનિક છે. પણ એના સૌ ઉત્તરો કેવળ વૈજ્ઞાનિક છે એથી અસુખદ અને અસંતોષકારક છે. કવિતા એ મુખ્યત્વે ઊર્મિનો વ્યાપાર છે. જ્યારે કવિતાની વ્યાખ્યા અને વિચારણા બુદ્ધિનો વ્યાપાર છે એથી પણ આ સૌ ઉત્તરો અસુખદ અને અસંતોષકારક છે. કવિને જ્યારે કાવ્યરૂપ શ્રદ્ધા ઉપરાંતની કોઈ વિશેષ અને વિશિષ્ટ શ્રદ્ધા, ધર્મશ્રદ્ધા હોય ત્યારે જ આ પ્રશ્ન અસ્તિત્વમાં આવે છે. કવિને આવી કોઈ ધર્મશ્રદ્ધા હોય જ નહિ તો-તો કોઈ પ્રશ્ન જ નથી. અથવા તો કવિની ધર્મશ્રદ્ધા અને વાચકોની ધર્મશ્રદ્ધા, ભૂતકાળમાં કોઈ-કોઈ સ્થળકાળમાં હતી તેમ, અભિન્ન હોય તોપણ કોઈ પ્રશ્ન નથી. જોકે ત્યારે પણ વાચકોએ કવિતાનો કવિતા રૂપે આનંદ-અનુભવ કરવાનો રહે છે, પોતાની ધર્મશ્રદ્ધાના પુરસ્કાર અને પ્રતિપાદન રૂપે નહિ. કવિતાના આનંદ-અનુભવ સમયે તત્કાલ પોતાની ધર્મશ્રદ્ધાનો સ્વેચ્છાએ ત્યાગ કરવાનો રહે છે. પણ આપણા યુગનું એ અનન્ય અને અપૂર્વ લક્ષણ છે કે કવિને ધર્મશ્રદ્ધા હોય પણ વાચકોને ધર્મશ્રદ્ધા ન હોય અથવા ભિન્ન-ભિન્ન વાચકોને ભિન્ન-ભિન્ન ધર્મશ્રદ્ધા હોય, વાચકોને પરસ્પર અભિન્ન ધર્મશ્રદ્ધા હોય પણ વાચકોની ધર્મશ્રદ્ધા અને કવિની ધર્મશ્રદ્ધા ભિન્ન-ભિન્ન હોય. વાચકોને આવી કોઈ ધર્મશ્રદ્ધા હોય પણ એમની ધર્મશ્રદ્ધા અને કવિની ધર્મશ્રદ્ધા ભિન્ન ભિન્ન હોય તો કવિતાનો આનંદ-અનુભવ કરવામાં ધર્મશ્રદ્ધા વિઘ્નરૂપ થાય છે. જોકે ત્યારે વાચકોએ કવિતાનો કવિતા રૂપે આનંદ-અનુભવ કરવાનો રહે છે, કવિની ધર્મશ્રદ્ધાના તિરસ્કાર કે પ્રતિકાર રૂપે નહિ. કવિતાના આનંદ-અનુભવ સમયે તત્કાલ પોતાની ધર્મશ્રદ્ધાનો અને કવિની ધર્મશ્રદ્ધા પ્રત્યેની પોતાની અશ્રદ્ધાનો સ્વેચ્છાએ ત્યાગ કરવાનો રહે છે. કવિને આવી કોઈ ધર્મશ્રદ્ધા હોય પણ વાચકોને આવી કોઈ ધર્મશ્રદ્ધા હોય જ નહિ તો કવિતાનો આનંદ-અનુભવ કરવામાં ધર્મશ્રદ્ધાનો અભાવ વિઘ્નરૂપ થાય છે, જોકે ત્યારે વાચકોએ કવિતાનો કવિતા રૂપે આનંદ-અનુભવ કરવાનો રહે છે. કવિની ધર્મશ્રદ્ધાના તિરસ્કાર કે પ્રતિકાર રૂપે નહિ. કવિતાના આનંદ-અનુભવ સમયે તત્કાલ પોતાની ધર્મશ્રદ્ધાના અભાવનો, અશ્રદ્ધાનો સ્વેચ્છાએ ત્યાગ કરવાનો રહે છે. આજના બિનસાંપ્રદાયિક જગતમાં એક પણ સમાજમાં ધર્મશ્રદ્ધાની એકવાક્યતા કે સંવાદિતા નથી. આ લક્ષણને કારણે પણ અનિવાર્યપણે અનેક પ્રશ્નો, ભાવસંક્રમણના પ્રશ્નો સર્જાય છે. કવિને આવી કોઈ ધર્મશ્રદ્ધા હોય છે ત્યારે, એલિયટ કહે છે તેમ, એ મોટે ભાગે એણે સાચેસાચ શું અનુભવ્યું છે એની નહિ પણ એણે એની ધર્મશ્રદ્ધાના સંદર્ભમાં શું અનુભવવું છે, શું અનુભવવું જોઈએ એની કવિતા કરે છે. એમાં એક પ્રકારની પવિત્ર અપ્રામાણિકતા હોય છે. એથી એ કવિતા અપ્રતીતિજનક હોય છે. કવિનો ધર્મ એની જે ધર્મશ્રદ્ધા હોય એ વાચકોની પણ ધર્મશ્રદ્ધા થાય એવા ધર્મશ્રદ્ધાપ્રચારનો નથી. પણ કવિનો ધર્મ એને કવિને પોતાને ધર્મશ્રદ્ધા છે એની વાચકોને પ્રતીતિ કરાવવાનો છે. કવિનો ધર્મ ધર્મશ્રદ્ધાનું જીવન કેવું હોય અને ધર્મશ્રદ્ધા વિનાનું જીવન કેવું હોય એનું વાચકોને સંવેદન અને દર્શન કરાવવાનો છે. એક જ શબ્દમાં કવિનો ધર્મ પોતાની ધર્મશ્રદ્ધાનું સંવેદન પ્રગટ કરવાનો છે. પોતાની ધર્મશ્રદ્ધાનો કવિતા રૂપે અનુભવ પોતે કરવાનો અને વાચકોને કરાવવાનો છે. કવિનો ધર્મ પોતાની ધર્મશ્રદ્ધાનો પુરસ્કાર કે પ્રચાર કરવાનો નથી, પોતાની ધર્મશ્રદ્ધા અંગે તાર્કિક દલીલો કરવાનો નથી. કવિતામાં સિદ્ધાન્ત, શાસ્ત્ર, ફિલસૂફી, ચિંતન, ધર્મશ્રદ્ધા, અલબત્ત, હોય પણ આ સૌ વાનાં કવિએ ઊર્મિ રૂપે, ભાવ રૂપે, સંવેદન રૂપે, દર્શન રૂપે એક જ શબ્દમાં કવિતા રૂપે અનુભવવાનાં છે. કવિએ સમગ્ર કવિતાના એક અંશ રૂપે ધર્મશ્રદ્ધાનો જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ કે કોઈ પણ યોગનો ઉપયોગ કરવાનો છે. ટૂંકમાં, ધર્મશ્રદ્ધા સાધ્ય નથી, સાધન છે. કવિતા સાધન નથી, સાધ્ય છે. ધર્મશ્રદ્ધા અને કવિતાના સંબંધનો પ્રશ્ન આવો સુકુમાર અને સંકુલ છે એથી સ્તો ૧૯૪૨માં સુન્દરમે બલવન્તરાયને સંબોધીને ‘શ્વેતકેશી પિતર્‌ને’ કાવ્ય રચ્યું ત્યારે એના ઉત્તરમાં બલવન્તરાયે “શ્વેતકેશી પિતર’નું ઉત્તર’ સૉનેટ રચ્યું એમાં સૂચક રીતે જ …ને હતો પ્હેલથી 
વડો ગુરુ તું પંડનો, ટકિ રહે જ તેવો હજી!’ એમ આરંભે આશિષ આપીને પછી અંતમાં કહ્યું છે : ‘સખે, તર તું, ડૂબ તું, વિકટ સત્યયાત્રા સદા; 
અને વિરલ દૃઢમનસ્ક યાત્રાળુ યે સાહસી. 
ભલે સફર તું ચડ્યો : સભય તોય દૌ આશિષો.’ સાચું કહ્યું છે : વિકટ સત્યયાત્રા સદા. સત્યયાત્રામાં ક્યારેક, કાન્તના કરુણ કવિજીવનમાં થયું તેમ, સર્વસ્વ, કાવ્ય સુધ્ધાં, ડૂબે છે. એથી કાન્તમિત્ર બલવન્તરાય સભય છે. પણ સુન્દરમ્‌ ‘અભયદાને’ના વિરલ, દૃઢમનસ્ક, સાહસી યાત્રી, ધર્મયાત્રી, કવિતાયાત્રી છે. શ્વેતકશી પિતર્ બલવન્તરાયની આશિષ તો છે જ, પણ યોગસાધક સુન્દરમ્‌ અકળ અને અસાધારણ વીર્ય અને ઓજસ્‌ના કવિ છે. ‘જોયો તામિલ દેશ’ કાવ્યમાં અંતે સુન્દરમે કહ્યું છે : ‘ને જોયું ત્યહીં એક કૌતુક નવું અન્યત્ર ક્યાં યે ન જે, 
ના કો કાવ્યકલારસે, મનુજના કો કર્મક્ષેત્રે ન જે, 
ના ધર્મે, ન શહાદતે, નહિ વસ્યું વા રાજછત્રે ય જે, 
ના ગાઢ પ્રણયે ય-કિન્તુ કથની તેની સમે કો બીજે!’ આ કથની એ સ્વયં એક મહાન કવિતા હશે, હજો! અહીં સુન્દરમ્‌‌ના ૧૯૪૮ લગીનાં કાવ્યો છે. ત્યાર પછી સુન્દરમે અનેક કાવ્યો રચ્યાં છે છતાં આપણે આ ભવ્યસુન્દર ક્ષણની આશા અને શુભેચ્છાપૂર્વક પ્રતીક્ષા કરીએ! (કેટલાંક કાવ્યો — સુન્દરમ્‌’ની પ્રસ્તાવના. ૨૬ ડિસેમ્બર ૧૯૬૯.)

?


*