હનુમાનલવકુશમિલન/અલવિદા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અલવિદા

ઉપર અંધારા ઓરડામાં બેઠો બેઠો છત તરફ તાક્યા કરતો હતો. સામે પડી હતી ખુલ્લી નોટબુકની વચ્ચે ખુલ્લી પેન. એક બગાસું આવ્યું. ત્યાં નીચેથી ભાઈની બૂમ પડી. જઈને જોયું તો –ઓળખતાં જરા વાર લાગી – આશ્ચર્ય, તિતિક્ષા! સાડીમાં કેટલી મોટી લાગતી હતી! એક પળ ત્યાં જ થંભી ગયો. ‘ઓહ! બેસો ને. આવું છું.’ મોં પર પાણીની છાલક મારીને નેપકીન વતી લૂછતો લૂછતો આગલા રૂમમાં આવ્યો. ‘કેમ છો, સર?’ એણે સામું જોયું. પછી નીચું જોઈ ગઈ ને હસી પડી. ‘મજામાં. પણ તમે હમણાં અહીં ક્યાંથી? માન્યામાં નથી આવતું.’ પાછી સહેજ ડોક ઊંચી કરી, માથું સહેજ ઊંચકી, કીકી ઉપર લાવી જોયું ને પાછું માથું નીચું ઢાળી દઈ એ પાછી હસી પડી. ‘ભાઈ, આ મારી વિદ્યાર્થી.’ ભાઈ ક્યારનું એની સામે જઈ રહ્યા હતા. ‘મારા બાપુજી છે.’ તિતિક્ષાએ માથું ઊંચું કરી સામું જોયું ને ‘નમસ્તે’ કર્યા. ‘તિતિક્ષા – નવું જ નામ છે!’ ‘એમના દાદાએ પાડેલું છે. સંસ્કૃતના શિક્ષક હતા.’ – તિતિક્ષા એ એમ જ એક વખત મને કહ્યું હતું. ‘કવિતાઓ પણ લખતા હતા. એમની કવિતાની ચોપડીઓ પણ બહાર પડેલી છે. હું લેતી આવી છું, સર.’ ‘એક તો તમે મને આપેલી. મારી પાસે છે.’ ‘“કુસુમવીણા.” આ બીજી છે – “શિશુલીલા.”’ એ એની થેલીમાં ફંફોસવા લાગી. ‘રહેવા દો ને હમણાં – નિરાંતે થશે. હું ચા મૂકું છું. ફાવશે ને?’ ‘નહીં, નહીં, સર, બેસો. રહેવા દો. છ વાગ્યે તો મારે નીકળી જવું છે.’ એના મોં પર થોડી મૂંઝવણ આવી ગઈ. ‘કેમ, સરના હાથની ચા નહીં પીવાય એવો નિયમ છે?’ ભાઈએ સહેજ હસીને કહ્યું. પાછી એ નીચું જોઈ ગઈ ને હસી પડી. નકારમાં ડોકું ધુણાવ્યું. ‘જુઓ, આજે જવાનું નથી’; હું ટટાર થઈ ગયો, ‘ખાસ જવું જ પડે એમ છે?’ એણે ઊંચું જોઈ મારી સામે તાક્યું, બોલતાં સહેજ અટકી ગઈ. કહ્યું, ‘ના, ના, એવું તો નથી.’ પાછું નીચું જોઈ ગઈ. ‘તમારા જેટલું કામ અમને નથી રહેતું, સર.’ ‘ઓહ!’ હું હસ્યો. પત્રના ઉત્તરમાં મેં એને લખ્યું હતું : નવલકથા લખવામાં વ્યસ્ત છું. ‘નવલકથા પૂરી થઈ?’ ‘—એટલે આજે તમે રોકાઈ જાવ. વહેલી સવારે બસ જાય છે. સીધી તમને ત્યાં મૂકી દેશે.’ મેં કહ્યું. ‘સરના હાથની ચા પણ ન પીવાય ને સરને ત્યાં રહેવાય પણ નહીં!’ ભાઈએ કહ્યું. ‘અભડાઈ જવાય!’ થેલી તો એણે ક્યારની હાથમાંથી અકબંધ બાજુએ મૂકી દીધી હતી. ‘એની બા ને બહેન બંને બહારગામ ગયાં છે. અત્યારે તો એ લોકો આવી જવાં જોઈએ.’ ભાઈએ કહ્યું. ઉમેર્યું, ‘તમને કંપની મળી રહેશે.’ એ આરામથી અઢેલીને બેઠી. ‘એ તરફથી આ તમે પહેલાં જ અહીં આવો છો. ત્રણ વર્ષમાં કોઈ ફરક્યું નથી.’ મેં કહ્યું, ‘કહો, આ તરફ ક્યાંથી?’ ‘કેમ, જાહેરાત ન’તી જોઈ?’ એણે કહ્યું. ‘શાની?’ મને સમજાયું નહીં. ‘અહીં સ્કૂલમાં જગ્યા ખાલી છેને.’ ‘ઈન્ટરવ્યૂ માટે આવ્યાં હશો.’ ભાઈએ કહ્યું. મેં ભાઈ તરફ પ્રશ્નાર્થ ઢબે જોયું. તિતિક્ષા ફરી હસી, મારા અજ્ઞાન પર. ભાઈએ બતાવ્યું, અહીં ગુજરાતીના શિક્ષકની એક જગ્યા ખાલી હતી. ‘ઈન્ટરવ્યૂ આપીને આવ્યાં, ખરું?’ ભાઈએ ચશ્માં ઉતાર્યા ને ખુલ્લું છાપું ગડી વાળીને બાજુએ મૂક્યું. ‘કેમ લાગે છે?’ એની પાસે કોઈ જવાબ નહોતો લાગતો. ‘ઠીક ગયો છે.’ ‘કોણ કોણ બેઠા હતા?’ કોણ કોણ બેઠા હતા? કેટલા ઉમેદવારો હતા? — ભાઈના રસનો વિષય શરૂ થયો હતો. એ નિશાની આપી આપીને એ બધા અપરિચિતોને ઓળખાવવામાં તન્મય થઈ ગઈ ને ભાઈ બધાનાં નામ પાડવા માંડ્યા. ઓળખપરેડની વચ્ચે જ ભાઈએ કહ્યું, ‘સવારે જ અહીં આવી જવું જોઈતું હતું. તમારું કામ થઈ જાત. હવે તો... શું થાય?’ હું તરત ત્યાંથી ઊઠી ગયો. ‘ઊભાં રહો, ચા મૂકું છું.’ હું અંદર તરફ ગયો. ‘સર...’ એણે મને અટકાવવા પ્રયત્ન કર્યો. પણ— ‘જુઓ બહેન, તમને અહીંના “પોલિટિક્સ”નો ખ્યાલ આપું. સ્કૂલમાં બે પાર્ટી છે...’ અંદર રસેડામાં સ્ટવના અવાજમાં બધું ડૂબી ગયું. ચા લઈને આવ્યો ત્યાં સુધીમાં ઠીક ઠીક વિગતો ચર્ચાઈ ચૂકેલી લાગી. ભાઈના પક્ષે વાતચીતનો એક સંવાદ સ્થપાઈ ચૂક્યો હતો. ટેવ હતી. પોલિટિક્સ, પાર્ટી, પ્રભાવ, ચિઠ્ઠી, વજન, તમે – કોણ, ક્યાં, ક્યારે, કેમ, અમે – અહીં અત્યારે આમ–ના ક્રમમાં એ, એનું, એવું–ના પ્રવાહમાં મારું રાજીનામું— ‘દુનિયાની રીત જુદી; એની જુદી. હજુ એને તો બધા બોલાવે છે. ત્યાંથીયે પાછા બોલાવે છે, પણ એણે બસ આમ જ. એની પોતાની ફિલસફી છે. તમે તો એનાં વિદ્યાર્થિની છો એટલે સમજો છો પણ બીજા–’ ભાઈનો અવાજ વિષાદ તરફ ઢળતો જતો હતો. મેં જોયું. કાયમ આમ જ બનતું. ‘ને પૈસા એ જ કંઈ કમાણી નથી.’ ‘ચા જરા જુઓ તો, બરાબર છે ને?’ મેં કહ્યું, ‘ખાંડ બરાબર પડી છે ને?’ એણે કપ હાથમાં લીધો. ‘તમને કેવી ફાવે છે – પૂછવાનું જ રહી ગયું. હું પીતો નથી ને.’ ‘મને ખબર છે.’ એણે કહ્યું, ‘મારે ત્યાં પણ નહોતી પીધી. સર ખાંડવાળું કશું નથી ખાતા ને ફરસાણે નથી લેતા.’ પોતાની સ્મૃતિશક્તિ બતાવતાં પાછો એને ઉત્સાહ આવી ગયો. ‘હં, તમને યાદ સારું રહે છે.’ હું એક વખત એમને ઘરે ગયો હતો. એ ત્યારે ઘરે નહોતી. એનાં બા ને બહેન જ હતાં. ‘પણ–’ ભાઈ ખંચકાયા. ‘અહીં તો બધું ખાઈ લઉં છું.’ મેં જ સ્પષ્ટતા કરી નાખી. હજુ થોડુંક આગળ વધવું જ પડ્યું, ‘અહીં બધાને એ બધું ફાવે છે, ભાવે છે ને કાયમ અલગ બનાવવાની એમને માથાકૂટ...એના કરતાં...’ ભાઈ ડોકું ફેરવી બારી બહાર જોવા લાગી ગયા હતા. ‘તમે બી.એડ્. કરી નાખ્યું, ખરું?’ મેં અવાજ પાછો ટટાર કર્યો. બી.એડ્.નું એનું પરિણામ એણે મને નહોતું લખ્યું. ઉત્તરમાં એણે હકાર પ્રકારનો સહેજ વધુ લાંબો સપાટ કંઈક જવાબ આપ્યો. ‘કેટલા ઇન્ટરવ્યૂ આપ્યા?’ ‘આ પાંચમો.’ વળી એ એની લાક્ષણિક રીતે હસી પડી. ‘નાનાં બહેન શામાં આવ્યાં?’ ‘દસમામાં’ એ ત્રણે બહેનો જ હતી. પહેલી બે દેખાવમાં લગભગ સરખી જ. બીજી બહેન એના પ્રમાણમાં ઠીક ઠીક વધુ ને આમેય ગોરી જરૂર હતી. ખરેખર નમણી હતી. શું પૂછવું? ‘બાપુજી ક્યાં છે? કોઈ ખાનગી સર્વિસ કરતા હશે, નહીં?’ ‘ના, ત્યાં જ છે.’ મારી ગણતરી ખોટી હતી. એના બાપુજી રેલવેમાં કારકૂન હતા. ‘રિટાયર્ડમાં હજુ એક વર્ષ બાકી છે.’ ભાઈએ ઘડિયાળમાં જોયું. દેખાયું નહીં. ઊઠીને બત્તી કરી. બત્તીને પ્રણામ કર્યા. ઘડિયાળ તરફ જોયું. સાત થઈ ગયા હતા. ભાઈનો ફરવા જવાનો સમય વીતતો જતો હતો. ‘એ લોકો હવે આવતાં જ હશે.’ ભાઈએ કહ્યું. ખુરશી પર પલાંઠી વાળીને બેઠા ને બી. એડ્.નો વિષય શરૂ કર્યો. એ વળી તન્મય થઈ ગઈ. એના અંગે ઠીક ઠીક વાતો એની પાસે હતી. આપવું પડતું ‘ડૉનેશન’, પ્રૉફેસરોની દાદાગીરી. — કેમ કે બધાની જ ચોટલી એમના હાથમાં. તિતિક્ષા. ખુરશીમાં સહેજ આગળ તરફ ઢળીને, બે હાથ પર હડપચી ટેકવીને એ બેઠી હતી. શરીર પણ હવે તો સરસ ભરાવદાર થયું હતું ને ચહેરા પર લાલી આવી હતી. બી. એડ્.ની દોડધામ એને ફળી લાગતી હતી. પહેલાં તો સાવ સૂકલકડી હતી. વર્ગમાં બહુવ્રીહિ સમાસના ઉદાહરણમાં એણે કહ્યું હતું, ‘સૂકલકડી.’ ને આખો વર્ગ ખડખડાટ હસી પડ્યો હતો. અધૂરામાં પૂરું તે એ ઉદાહરણ બરાબર ન હતું. મેં જોયું કે એ ખૂબ છોભીલી પડી ગઈ હતી ને મેં બીજી વાત કાઢી હતી, ‘બહુવ્રીહિ એટલે શું, ખબર છે? જેની પાસે પુષ્કળ ભાત છે તેવો. વ્રીહિ એટલે ભાત.’ છેલ્લે છેલ્લે મકાન ખાલી કરતો હતો ત્યારે બધો જ સામાન બંધાઈ ગયો હતો ને જવા પર જ હતો ત્યાં એ આવી ચડી. સાથે એની સખી. હાથમાં પુસ્તકો. પછી તો હું બસ ચૂકી ગયો હતો. તે છેક રાતે જઈ શકેલો. ઓરડામાં પડી હતી મકાનમાલિકની બે વિચિત્ર ડિઝાઇનની વિશાળ આરામખુરશીઓ માત્ર. સખી બાજુમાં ગોઠવેલી પસ્તી પર જ બેસી ગઈ હતી. એટલે એ આરામખુરશીમાં બેઠી હતી. સામેની આરામખુરશીમાં બેસતાં મેં પાછું કહ્યું હતું, ‘આ ખુરશીઓ બહુવ્રીહિઓ માટે છે ને આપણામાંથી એક્કે બહુવ્રીહિ નથી.’ હું એને ઘરે જઈને આવ્યો હતો પણ એ નહોતી મળી. ઘરેથી ખબર પડતાં જ એ આવી હતી. એની પરીક્ષા ચાલતી હતી. ‘પરિણામ મને લખજો.’ મેં કહ્યું હતું. પાસ થવામાં એને કોઈ વાંધો આવે એમ નહોતો – મેં વિશ્વાસ બંધાવ્યો હતો. ‘સરને થતું હશે કે આ લોકો ક્યાં હમણાં ટપકી પડ્યાં? મોડું થતું હશે, નહીં?’ એ આમ જ બોલતી. એનો સ્વભાવ હજુયે ક્યાં બદલાયો હતો? એનો એ જ હતો. ‘આવજો.’ જતાં જતાં એણે કહ્યું હતું. ‘“આવજો”નું અંગ્રેજી શું થાય?’ ‘અંગ્રેજી કંઈ થોડો જ અમારો સબ્જેકટ છે?’ હોઠ જરા મરડી એણે કહ્યું હતું, ‘તમે તો અહીંયાયે પિરિયડ લો છો ને તેયે અંગ્રેજીના. અમે તો ગુજરાતીના વિદ્યાર્થીઓ છીએ, સર.’ ‘આવજો એટલે બાય બાય.’ એની સખીએ તક ઝડપી લીધી હતી. ‘ના. વૅલ-કમ’ મેં હસતાં હસતાં કહ્યું હતું, ‘આવ, કમ.’ ‘તિતિક્ષાબહેન, વૅલ-કમ.’ હ્યુમર સરકાવવાના ઉત્સાહમાં હું સાવ અણધાર્યું, સંદર્ભહીન બોલી પડ્યો હતો. એ લોકોની કંઈ ભૂદાન કે એવી જ વાત ચાલતી હતી. ‘વિનોબા’ એ ભાઈનો બીજો પ્રિય વિષય હતો. ભાઈ–તિતિક્ષા બંને મારી તરફ તાકી રહ્યાં. બહુ ઝડપથી તિતિક્ષાના મોં પર હાસ્ય ઝબકી આવ્યું. ‘વૅલ કમ, સર, વૅલકમ. આવો ને સર તમે. એ તરફ આવવાનું નહીં થાય?’ ‘કોઈ વૅલ કમ કહે તો એને “થેંક યુ” કહેવાય.’ ભાઈએ કહ્યું. પછી મેં ભાઈને આખો પ્રસંગ વર્ણવી બતાવ્યો. તિતિક્ષાએ થેલી ફંફોસીને પુસ્તક કાઢ્યું, ‘શિશુશીલા’ – પૂંઠા પર સોનેરી અક્ષરો, ‘કર્તા’ પછી કંઈ અટપટા છાપેલા હસ્તાક્ષર. ‘લો સર.’ સસ્મિત મેં પાનાં ફેરવવા માંડ્યાં. યંત્રવત્. ‘દાદા તમારા પહેલેથી જ શિક્ષક હતા? ક્યાં શિક્ષક હતા?’ ભાઈએ પૂછ્યું. —દાદા બહુ ગરીબીમાં ઊછર્યા હતા. આખો દિવસ મજૂરી કરતા ને એટલા જ કલાક વાંચતા. ઘર તો સૂઈ જવા પૂરતું જ. દીવો મળે નહીં ને ત્યારે તો ગામડાગામમાં રસ્તા પર પણ દીવા નહીં, તે ખેતરોમાં જાનવરોને હાંકી કાઢવા તાપણા કર્યાં હોય તેની પાસે બેસીને વાંચે. ઉનાળામાં તો ગરમીથી પરસેવે રેબઝેબ થઈ જાય ને શિયાળામાં રખોપિયાઓ તાપણે ગપાટાં હાંકે તે સહેવાં પડે. ‘અમે ક્યારેક કહીએ, સર, કે “ઓ, કેટલી ગરમી પડે છે!” ત્યારે દાદા કહે કે, “ગરમીની તમને તો કંઈ ખબર જ નથી, દીકરાઓ.” ને પછી આ વાત કહે.’ થોડી વાર ટેકો આપ્યા પછી ભાઈને હવે મૂંઝવણ થતી હતી, કેમ કે ભાઈને વક્તા-શ્રોતાનો સંબંધ ફાવતો હતો ને એ સંબંધ અણધાર્યો ઉલટાયો હતો. એ બોલ્યે જ જતી હતી. ‘—સંસ્કૃત ખરેખર જો શીખવું હોય તો તો કાશી જવું જોઈએ. કાશી તે કેમ જવાય? દાદા કહે કે, “હું જઈશ.” ઘરમાં એકલી મા અને એનું મન માને નહીં. “કાશી જો ગયો તો દીકરો ખોયો જ જાણજો. આવા હોશિયાર છોકરા સંન્યાસી જ થઈ જાય છે.” આજુબાજુના આવીને કહી જાય.’ ઘડિયાળમાં એક ટકોરો થયો. સાડા સાત થયા હતા. ભાઈના કપાળ પર કરચલી પડી, ‘બસ મોડી લાગે છે.’ બસનો સમય સાડા સાતનો હતો. પછી છેક છેલ્લી બસ દશ વાગ્યે આવતી હતી. ‘કેમ. આવ્યાં નહીં હજી? આવવાં તો જોઈએ આજે.’ હું રસોડા તરફ ગયો. શાકમાં માત્ર ગુવારસિંગ પડી હતી. તિતિક્ષાએ પાછો વાતનો દોર પકડી લીધો હતો. ‘એક દિવસ દાદા કોઈનેય કહ્યા વિના ઘર છોડી ગયા. બાર વર્ષે પાછા આવ્યા ત્યારે મા મરી ગયેલાં.’ ગુવારસિંગ હું આગલા રૂમમાં લઈ આવ્યો. હું ને ભાઈ ગુવારસિંગ ચૂંટવા માંડ્યા... દાદાનો સંસ્કૃત પરનો કાબૂ. ઊંચી ડિગ્રીનો અભાવ. નહીંતર પ્રોફેસર થાત. બનારસના દિવસો... ગુવારસિંગ ચૂંટાઈ ગઈ એટલે હું ઊઠ્યો ને એ લઈ રસોડા તરફ જવા ઊભો થયો ને અચાનક એ જાગી. ‘સર, તમે રહેવા દો. હું જ જાઉં છું.’ ‘પણ તમને અહીં કશી ખબર નહીં પડે.’ ‘તમે જુઓ તો ખરા, સર, એક વખત બધું મને બતાવી જાવ.’ મેં એને બધું કાઢી આપ્યું. એટલામાં એણે બાથરૂમમાં જઈ સાડી બદલી નાંખી ને ફ્રૉક પહેરી લીધું. કૉલેજમાં મેં એને હમેશાં ફ્રૉકમાં જ જોઈ હતી. મારી નજર પરથી એને ખ્યાલ આવી ગયો. ‘મને સાડી ફાવતી જ નથી, સર. પણ ઇન્ટરવ્યૂમાં તો પહેરવી જ પડે ને! બી. એડ્.ના લેશનમાંયે પહેરવી પડે છે. નહીંતર છોકરાઓ લેશન બગાડી નાખે છે. આપણે “ટીચર" જેવા લાગીએ જ નહીં ને.’ ‘હવે તો દશની બસમાં જ આવશે આ લોકો કદાચ. તમે પહેલી વાર મારે ત્યાં આવ્યાં ને ત્યારે, જુઓને, આ બધું આમ છે.’ ‘ના હો, અમને છોકરીઓને એ બધી આવડ આવી જ ગઈ હોય. શીખવું જ પડે. તમને એવું લાગ્યા કરે.’ રોટલીના લોટમાંથી ઊંચું માથું કરી એણે મને કહ્યું. ભાઈ પણ ત્યાં તપાસ કરવા આવ્યા. તિતિક્ષા ન જુએ તેમ નિશાનીથી મને સૂચવ્યું, ‘તું મદદ કર.’ મેં કશી જરૂર ન હોવાનો અભિનય કર્યો. પાટલો ઢાળીને ભાઈ ત્યાં બેઠા. સ્ટવ ચાલુ થયો. વાતચીતનો વિષય ઊભો થયો : શાક અને ભાખરી બનાવવાની રીત. તમારી રીત અમારી રીત. ‘તમે આ રીતે બનાવી જુઓ આજે. જુઓ તો ખરાં કેવું બને છે. સુરતનું જમણ.’ ભાઈ ઉવાચ. તિતિક્ષાએ ચોટલો વાળ્યો હતો. કૉલેજમાં એ લટ ગૂંથતી, એરિંગ નહોતી પહેરતી. રોટલી વણતાં વણતાં એનાં સ્તનો સહેજ નીચે ઝુકીને જરા જરા હાલતાં હતાં. તે દિવસે એ દૂર નોટિસબોર્ડ આગળ ઊભી હતી ને નોટિસ વાંચવાને ડોળ કરતી હતી. હું વિદ્યાર્થીઓથી ઘેરાયેલો હતો. ‘અમેયે જઈએ છીએ ને તમેયે જાવ છો. તમારા હાથ નીચે સળંગ અમને જ ભણવા મળ્યું.’ ‘વૅકેશનમાં હું નવસારી આવવાનો છું, સાહેબ. તમે મળશો ને?’ ‘તમારું સરનામું? તમને કાગળ લખવો છે.’ બધા વિખરાયા પછી એ આવી હતી. મોં પર હતો વિષાદ. ‘તમે રાજીનામું આપ્યું, સર?’ આમ તો રોજ વર્ગમાં મળાતું પણ એનો જાણે કે પ્રથમ વાર જ પરિચય મળ્યો. હું અવાક્! આવો વિષાદ! શું કહેવું? સમજાવ્યું કે મારે જવું જ પડે એમ છે. સરનામું નોંધાવ્યું. પત્ર લખવા કહ્યું. બીજું થઈ પણ શું શકે? તરત જ એનો પત્ર. અક્ષરો બધા વર્તુળાકાર જતા હતા. —અહીં આવો તો અમારે ત્યાં જ રહેવાનું છે. પણ એ શક્ય ન હતું. ઉત્તર લખ્યો હતો – ‘સ્નેહી તિતિક્ષાબહેન...’ ‘અહીં ઠંડી ઘણી પડે છે, નહીં સર?’ હું યંત્રવત્ કોળિયા મોંમાં મૂકતો હતો. ત્યાં એનો પ્રશ્ન. ‘હા...ના... હમણાં હમણાં જ વધારે છે.’ ‘શાક સરસ થયું છે, હોં.’ ભાઈને ખરેખર ભાવ્યું લાગતું હતું. ‘કેવું લાગ્યું, સર?’ ‘સરસ છે’, પ્રયત્નપૂર્વક હું બોલ્યો. શાક તરફ મારું ધ્યાન નહોતું. ‘શાકમાં અમે આમ પહેલાં વઘાર કરી દઈએ છીએ, તમે પછી વઘાર કરો છો.’ ભાઈ ક્યારના ખાઈ ચૂક્યા હતા. અમે ખાઈને ઊઠ્યાં ત્યાં એમનો ઉપર જવાનો સમય થયો. સૂતાં પહેલાં એકાંતમાં ગીતાનો એક અધ્યાય વાંચવાનો ને એ પર મનન કરવાનો ભાઈનો નિયમ હતો એટલે એ ઉપર ચાલ્યા ગયા. ‘તમારી કવિતાઓ સાંભળવી છે, સર.’ એ અત્યંત ખંચકાટથી બોલી, ‘અમને તો સાંભળવા જ નથી મળી.’ ‘જરૂર, જરૂર.’ મારે આ પ્રકારનો પ્રતિભાવ અનિવાર્ય હતો. ‘પણ આપણે એમ કરીએ, મારી વાર્તા વાંચીએ. કવિતા જરા અઘરી પડશે, નહીં?’ ‘વાંચો, સર. હમણાં લખી છે?’ ‘ના, પહેલાંની છે.’ મેં વાર્તા વાંચી. એ ખૂબ ધ્યાનથી સાંભળતી હતી. ‘સમજાય છે?’ ‘તમે સમજાવો તો સમજાય.’ મેં નોટબુક બંધ કરી. ‘હજુ વાર લાગશે. થોડી અઘરી વાર્તાઓ છે આ. પહેલાં સહેલી વાંચવી જોઈએ.’ ‘તમે થાકી ગયાં હશો, નહીં? સૂઈ જવું છે?’ ભાઈ ઉપરથી નીચે આવી ગયા હતા ને સૂવા માટે પોતાની પથારી પાથરતા હતા. ‘ના. મમ્મી આવશે પછી સાથે જ સૂવા જઈશ.’ ‘ભલે.’ ‘એમની પથારી ઉપર કરું છું.’ ભાઈને મેં કહ્યું ને ઉપર પથારી પાથરવા ચાલી ગયો. પથારી પર નોટબુક અને પેન એમ જ ખુલ્લાં પડ્યાં હતાં. એને ઉઠાવી લઈ પથારી સરખી પાથરી દીધી. નીચે આવ્યો ત્યારે ભાઈ સૂઈ ગયા હતા. મારી પથારી પણ મેં પાથરી દીધી. ‘હું સૂઈ જ જાઉં છું હવે.’ તિતિક્ષાએ કહ્યું.. ‘તમારે બેસવું હોય તો બેસો. ભાઈનો તો આ રોજને ટાઈમ થયો ને એટલે.’ ‘ના. ઊંઘ આવે જ છે મને.’ એણે કહ્યું. હું એને ઉપર દોરી ગયો. બત્તીની સ્વિચો ને બીજી જરૂરી વિગત બતાવી, સમજાવી દીધી. ‘અહીં રોજ કોણ સૂએ છે?’ ‘હુ જ સૂઉં છું. કેમ?’ ‘ના, એમ જ.’ ‘આ બારી છે. બારી પાસે ગરમાળાનું ઝાડ છે.’ ‘તો તો સરસ સુગંધ પ્રસરતી હશે, નહીં?’ હું હસી પડ્યો. ‘હમણાં તો પાનખર ચાલે છે ને એ તો ગ્રીષ્મમાં ખીલે છે. તમે નથી જોયો કદી?’ ‘ના.’ એણે બારી ખોલી નાખી. કૃષ્ણપક્ષના તીખા અંધારિયામાં ખાસ દેખાયું નહીં. ‘પવનમાં ડાળીઓ અથડાયા કરે છે પણ ખાસ નડતર નથી એનું. ઊંઘ સરસ આવી જાય છે. મારો અનુભવ છે. તમને ડર તો નહીં લાગે ને?’ ‘ના હોં, સર. તમે બધા તો છો જ ને!’ એણે ડોક ટટાર કરી મારી આંખમાં જોયું. ‘એક ઘૂવડ ક્યારેક ક્યારેક આવે છે.’ ‘ઘૂવડ?’ ‘નથી જોયું? નાનું છોકરું રડતું હોય એવો એને અવાજ સંભળાય છે. ગભરાતા નહીં. ક્યારેક જ આવે છે.’ એ હસી. ‘ઓઢવાનું આટલું ચાલશે ને?’ મેં ગોદડું બતાવ્યું, ‘ગરમ છે.’ ‘સર, તબિયત કેમ રહે છે?’ એણે એટલી બધી ગંભીર બની જઈને પૂછી નાખ્યું કે મને નવાઈ લાગી. ‘સારી રહે છે. સરસ રહે છે. ત્યાંના કરતાં અહીં તો ખૂબ સારી રહે છે.’ ‘મને તો ખૂબ ઊતરી ગયેલી લાગે છે.’ ‘મેં પાતળું સ્મિત કર્યું', ‘Anyway, તમારી તબિયત ખરેખર મજાની થઈ છે’, ઉમેર્યું, ‘બહુવ્રીહિ.’ એ પાછું એની લાક્ષણિક રીતે હસી. ‘તમને હજુ યાદ છે, સર?’ ‘અચ્છા, તમે સૂઈ જાવ. કંઈ જોઈતું-કરતું હોય તો જગાડજો. મૂંઝાતાં નહીં.’ ‘મૂંઝાઉં શા માટે? પણ હું થોડી વાર બેસું છું.’ ‘કેમ? બા આવતી જ હશે હવે. પણ તમે સૂઈ જાવ. ઉજાગરો પણ હશે. પાછું કાલે વહેલા ઊઠવાનું છે.’ એ સૂઈ ગઈ. નીચે જઈ મેં એલાર્મ ઘડિયાળને ચાવી આપી દીધી. ઊંઘ આવતી ન હતી. કોઈ ઉંદર કટરકટર કર્યા કરતો હતો. સાડા દશનો ટકોરો થયો. છેલ્લી બસના પેસેંજરો તો ક્યારના પસાર થઈ ગયા હતા. ભાઈ ઘસઘસાટ ઊંઘતા હતા. ઉપર લાઈટ થઈ. સાવ હળવે પગલે તિતિક્ષા નીચે ઊતરી. નીચે બત્તી કર્યા વિના જ સરળતાથી વાડામાં જાજરે ગઈ. —મારે એને ઘણુંબધું કહી દેવું જોઈએ. કાલે સવારે જ જાય છે. પથારીને ઘસાઈને એનાં પગલાં પાછાં ચાલ્યાં ગયાં. ઉપર બત્તી બુઝાઈ ગઈ. ઘડિયાળનો ટકટકાર, ઉંદરનો અવાજ ને ભાઈનાં નસકોરાં... મેં પડખું બદલ્યું. આંખ પટપટાવવાનું બંધ કર્યું. અગિયારના ટકોરા થયા. પાછી ટક, ટક, ટક, ટક. ગોદડાની બહાર ઠંડી હતી. ઊઠ્યો, હળવે પગલે આગળ વધ્યો. ભાઈનાં નસકોરાં ખૂબ લયબદ્ધ રીતે વહેતાં હતાં. વટાવ્યાં. અવાજ વિના દાદર ચડી ગયો. ને રૂમ વટાવી બીજા રૂમમાં ફંફોસતો પલંગ આગળ ઊભો. સૂમસામ. ગરમાળાની ડાળીઓ પણ આજે તો ઊંઘતી હતી. ઠીક ઠીક વાર જ ઊભો રહ્યો. તિતિએ પડખું બદલ્યું. ઓઢેલા ગોદડાનો ખળભળાટ. ‘તિતિ, જાગે છે?’ મેં જનાન્તિક રીતે હોઠ ફફડાવ્યા. ‘સર’, એ સફાળી બેઠી થઈ ગઈ. અવાજ મારી જેમ જ ધીમો હતો. ‘બીશ નહીં.’ ‘શું છે, સર?’ અવાજમાં વ્યગ્રતા હતી, ‘ઊંઘ નથી આવતી?’ ‘જો મારે તને કંઈ કહેવું છે. ગભરાઈશ નહીં.’ ‘શું છે?’ એ જ ગંભીરતા. ‘વાત લાંબી છે.’ ‘બાપુજી જાગી જશે તો?’ ‘ડરતી નહીં. રાતે એ નથી જાગતા.’ ‘બેસો આ તરફ’, એ બાજુ પર ખસી ગઈ ને મને જગા કરી આપી. હાથ વતી મારો ખભો પકડી મને દોર્યો, ‘આ ઓઢી લો. ટાઢ સખત છે.’ ‘ના, તું ઓઢ. મને ચાલશે.’ ‘મને તો ટેવ છે. ઓઢી લો. મારા સમ છે તમને.’ એણે મને ગોદડું ઓઢાડી દીધું. ‘સમ આપે છે? હું તો સમમાં માનતો જ નથી. તને શું આપું?’ ‘પ્રિય તિતિક્ષાબહેન...’ મેં એને પત્ર લખ્યો હતો. એના ઉત્તરમાં એણે બળેવની રાખડી મોકલી હતી ને સાથે પત્ર હતો, ‘પરમ પૂજ્ય મોટાભાઈ...’ વિચારી વિચારીને પછી રાખડી પાછી મોકલી હતી. ‘રાખડીનો આવો ઉપચાર શા માટે? ને સંબંધોને નામ શા માટે આપવામાં આવે છે?’ એ સમજી હશે? એને એયે પૂછવાનું હતું. ‘તિતિ, પદ્યવાર્તાઓમાં એકદંડિયો મહેલ આવે છે, ખબર છે? હું કોઈ એવો જ મહેલ બની બેઠો છું.’ મારા શબ્દ ખૂબ અપારદર્શક બનતા જતા હતા. પણ શું થાય? ‘મને એનો વાંધો નથી પણ હવે તો એમાં વનવાગોળ ટીંગાવા માંડી છે. ચામાચીડિયાં ચકરાય છે. ને ક્યારેક તો રાતે ઘૂવડ ફરકી જાય છે. મને બીક લાગે છે તિતિ કે—’ ફંફોસવામાં મારાથી એને સહેજ ધક્કો વાગ્યો. ‘ગભરાતી નહીં. હું મજામાં છું.’ ‘સર, શું થાય છે તમને?’ ‘તિતિ, મારે તારી મદદ જોઈએ છે. કંઈ સમજાય છે તને?’ ‘સર’, એના અવાજમાં એની આંખની ચમકી ઊઠેલી કીકીઓ સંભળાતી હતી, ‘હું મદદ કરીશ. મને એમ કે તમે નહીં લો.’ ‘બા નહીં આવી. તને એનો પરિચય ન થઈ શક્યો. સારું થયું.’ ‘કેમ?’ ‘તિતિ, આ ગોદડું ઓઢી લે જોઉં. તારો અવાજ ધ્રૂજે છે.’ ‘ના, તમે–’ ‘હું પણ ઓઢીશ.’ મેં અડધી જગા ખાલી કરી ને એમાં એ ખેંચાઈ આવી. ‘નોકરી મને આવતે મહિને મળી જશે.’ ‘તો પછી તું અહીં ઇન્ટરવ્યૂમાં? અચ્છા, ક્યાં?’ ‘એ ખબર નથી, પણ બાપાએ કહ્યું છે.’ ‘કોણ બાપા?’ ‘વીરપુરવાળા જલાબાપા. મને સપનામાં આવ્યા હતા. નોકરી મળી જશે ને લગ્ન તો હું કરવાની જ નથી.’ ‘કેમ?’ ‘એમ જ. મને નથી ગમતું. પણ તમે કોઈ રીતે મૂંઝાશો નહીં.’ ‘તું કહે છે એવી મૂંઝવણ નથી.’ મેં ગળું ખંખેર્યું, ‘બધા માણસો જાણે કાચના બનેલા છે. તકલાદી. પણ કાચ પાછો “વેનિશિયન બ્લાઈન્ડ” જેવો.’ ‘એટલે?’ ‘વસ્ત્રાહરણ અશક્ય છે. બીજું શું? દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ શકે ખરું?’ ‘તમે ત્યાં આવો તો, સર? બધા સાહેબો ને સ્ટુડન્ટોને મળાશે ને પાછું ફ્રેશ થઈ જવાશે.’ ‘તું બહુ નાની છે, તિતિ.’ મેં એને માથે હાથ મૂક્યો. એક ગોદડામાં અમે બે સમાતાં ન હતાં. ગોદડું સેરવી મેં એને ઓઢાડી દીધું ને બાજુ પર ખસ્યો. ‘સૂઈ જા.’ ‘સર, તમે કહેશો તે બધું કરીશ. મારા પર વિશ્વાસ નથી? પણ તમને મારી મદદ સારી નથી લાગતી, ખરું?’ એના અવાજમાં રુદનની છાંટ હતી. ઓઢેલા ગોદડાની પીઠ પર મેં હાથ ફેરવ્યો. ‘એવું હોય જ નહીં, તિતિ, હું તને જાણું છું ને?’ ‘તમે નવલકથા જલદી પૂરી કરી નાંખો ને?’ ‘કેમ?’ ‘એ છપાશે પછી જરૂર વખણાવાની છે. મને ચોક્કસ ખબર છે.’ ‘એ હવે નહીં લખાય.’ ગળામાં જરા રૂંધામણ થઈ. આસ્તેથી મેં તે ખંખેરી નાખી. ‘કેમ? કોઈ છાપવાવાળું નથી એટલે? લોકોને પહેલાં કિંમત નથી હોતી પણ આપણે હિંમત રાખીએ તો ભગવાન જરૂર મદદ કરે છે. આપણે ત્યાં જે પ્રેસ છે ને તે છાપી આપશે. અમારે ઘર જેવો સંબંધ છે.’ ‘તારા દાદાના સંગ્રહો પણ એણે જ છાપ્યા હતા, નહીં? પણ લાગતું નથી મારું કોઈ પુસ્તક થાય.’ ‘તમે બહુ મોટા માણસ છો, સર. દુનિયા પછી ઓળખશે. મારું માનો. તમે ઘણી ચોપડીઓ હજી તો લખવાના છો.’ ‘નહીં. તારા દાદા તારા દાદા છે ને હું હું છું.’ એનાં ડૂસકાંને દબાવવામાં એ સફળ નહીં થઈ. ‘શું છે?’ હાથ એની આંખો પાસે ગયો તો આંખો ભીની હતી. મેં લૂછી નાખી. ‘જો તિતિ, રડીશ નહીં. તું રડવાની હોય તો આપણી વાત જ નહીં થાય.’ ‘દાદા યાદ આવે છે.’ ‘કેમ?’ ‘સર, આ “શિશુલીલા” ચોપડી દાદાએ મારા પર જ લખેલી. મને સુવાડતી વખતે એ ગાતા :

ઝૂલણાં ઝૂલે, તિતિબેન પોઢે. તિતિબેન ઝૂલે ને દાદા ઝૂલાવે. તિતિબેન પોઢે ને દાદા પોઢાડે. પરીઓના દેશમાં તિતિબેન ભમે.

એ મને ‘તિતિ’ કહેતા. એકલા એ જ મને ‘તિતિ’ કહેતા.’ એ મારા ખોળામાં મોં છુપાવીને શાંત ચોધાર રડવા લાગી. એનાં આંસુ મારી જંધાને અડતાં હતાં. ‘આમ રડવાનું નહીં. જો, ગાંડાં કેમ કાઢે છે? મારું કહ્યું તો તું માને છે.’ ખોળામાંથી ઉઠાવી મેં એનું મોં ઊંચું કર્યું. ધીમેથી એનાં આંસું ચૂમી લીધાં. ‘તારાં આંસુ હું પી જઈશ.’ મારા ખોળામાંથી એ બેઠી થઈ ગઈ. છાતીમાં મોં છુપાવીને ગરદને હાથ વીંટાળી દીધા. હજુ એ રડતી હતી. બહાર ગરમાળાની ડાળીઓ ખખડી ઊઠી. મેં એનું માથું મારી છાતી સાથે ભીંસી દીધું. એની છાતી મારી અંદર ધસવા કરતી ગરમગરમ ઊછળતી હતી. એને મેં બગલમાંથી ઊંચકી લીધી. કંઈ વજન જ ન હતું. એના ગાલ મારા ગાલ પર ઘસાવા લાગ્યા. વીંઝતા મોંને મેં જોર કરીને સ્થિર પકડી લીધું. ને ઉન્મત્તતાથી હોઠ પર હોઠ દાબી દીધા. એનું મોં ખૂલી ગયું ને મારી જીભ એને અંદર ચોમેરથી ચૂસવા લાગી. હું સર્વાંગ એના પર ઝળુંબેલો હતો. ધીમેથી એ ઢળી પડી ને મેં એને ઢાંકી દીધી. એનો ચોટલો આખો છૂટી ગયો હતો ને મારું મોં એની કેશરાશિમાં ભૂલું પડ્યું હતું. આવરણો પ્રવાહી થઈને દડતાં, વિખરાતાં હતાં. એનાં ગોળ લીસાં સ્તન સહેજ બાજુ પર ઢળતાં હતાં. મારો આખો ચહેરો એમાં ઘૂમતો હતો ને એના અણુએ અણુને પીતો હતો. તિતિના પત્રોમાં અનિમેષ આંખે ગોળ ગોળ હારબંધ ચાલતા અક્ષરો જાણે માંસલ બની ગયા હતા. આછી રોમરાજિ વચ્ચે સ્તનાગ્ર ગાલ સાથે ઘસાતું, મોંમાં ચૂસાતું, દબાતું, ચંપાતું હતું. એણે એના બે હાથ વતી મારું માથું છાતી સાથે ભીડી દીધું. ‘ગોદડું ઓઢી લો. ઠંડી લાગશે.’ કાન પાસે હોઠ લાવી એણે કહ્યું. ‘નહીં’, મેં ચોમેરથી ચુસ્ત આશ્લેષમાં ભીડી લીધી. ‘દુખાય છે?’ એ ઘંટડી જેવું આછું હસી. હું નીચે સરકી આવ્યો ને એને મારા ઉપર છાઈ દીધી. એની સમસ્ત કેશરાશિએ મને આવરી લીધો. થોડીક લટો મારા દાંત વચ્ચે સરકી આવી. એને ચગળવા, ઊંડે ઉતારવા લાગ્યો. ‘તું પતંગિયું છો.’ ફરી એ હસી. એવું જ ઘંટડી જેવું. ‘રંગબેરંગી.’ ............ ‘તારી પાંખો આચ્છાદન જેમ મારા પર ઢળેલી છે. એમાંથી રંગબેરંગી રજ ખરે છે, મને ચોંટે છે ને મારામાં અંદર ઊતરે છે, પીગળે છે. લોહીમાં ભળે છે.’ ............ ‘કંઈ જુદું, કંઈ અજબ જેવું બની ગયું છે લોહી.’ એણે એક આછો સિસકારો કાઢ્યો. ‘શું છે? પરી, મારે તો વડવાઈ પર ઝૂલવું છે.’ મોંમાંથી વાળ મેં બહાર સરકાવી દીધા ને એને પણ હળવેથી મારી નીચે સરકાવી દીધી. ‘સાકી, તું સુરાહી છે.’ સ્તનો વચ્ચેથી વહી જતી ખીણની આછી રોમરાજિ નાભિના નાનકડા પુકુર આગળ થોભી જતી હતી. એની નીચે નીવિબંધ અકબંધ હતો. એના પર એની હથેળી આડી પડેલી હતી. અત્યંત મૃદુતાપૂર્વક મેં એ બાજુ પર સરકાવી. માછલીની જેમ એ સરકી ગઈ. ‘ગભરાતી નહીં, હં.’ હું એના કાનમાં ગણગણ્યો ને એનાં કર્ણમૂલને ને પછી ગરદનને ચૂમી લીધી. ફરી એ રૂપાની ઘંટડી જેવું હસી. અવાજ સહેજ તીણો હતો. એની ગરદનમાંથી મારા હોઠને અથડાયો. ‘તમારી? બીક? સાવ કીકા જેવું બોલો છો.’ ‘તોતડું?’ એના ખુલ્લા નિતંબો પર મારો દક્ષિણ હસ્ત ફરી વળ્યો ને બંને પગ એક વાર ત્યાં ભિડાઈ પાછા સીધા થઈ ગયા. બેમાંથી એકેય કશું બોલતાં ન હતાં. બંનેએ એકબીજાને જકડી લીધાં હતાં. ઘડિયાળના ટકોરાનું એક લાંબું સરઘસ દેખાયું, ન દેખાયું ને ચાલ્યું ગયું. એને મેં ધીમેથી હલબલાવી. ‘તિતિ!’ ‘હં.’ ‘જાગે છે કે?’ હાસ્ય. મેં હળવેકથી મારી બાથ ઢીલી કરી, તિતિના ભિડાયેલા બે હાથ મારી પીઠ પરથી ઊંચકી બાજુએ મૂક્યા, કટિ આગળ આછું ચૂમી લીધું ને ઊભો થયો. સ્વેટર ખભા પર નાખી લીધું. ‘પાણી પીવું છે?’ મેં લોટામાંથી પાણી ઠાલવ્યું. ‘તમે પી લો.’ મેં પીધું. ‘પીવું છે?’ ‘લાવો.’ એ બેઠી થઈ. બધું પાણી ગટગટાવી ગઈ. ‘બીજું છે?’ ‘બહુ તરસ લાગી છે?’ ‘મને તે ક્યારની તરસ લાગી છે. ક્યાંથી મટે?’ નીચે આવ્યો તો પથારી ખૂબ મસૃણ લાગી. એ ક્યારે નીચે આવી, ક્યારે પાણી પીધું, ક્યારે ગઈ — કંઈ જ ખ્યાલ ન રહ્યો. વહેલી સવારે એલાર્મના ધ્રુજતા કર્કશ અવાજે જગાડ્યો. અગાઉથી જ ઉપર તો બત્તી ચાલુ હતી. ભાઈ ઊઠી ગયા. તિતિ તો લગભગ તૈયાર થઈ ગઈ હતી. મને જોઈ એનો આખો ચહેરો હસી ઊઠ્યો. ‘ઊંઘ નહોતી આવી?’ ભાઈએ પૂછ્યું, ‘કે પછી વહેલાં જાગી ગયાં?’ ‘ખબર જ નથી પડતી ઊંઘ આવી કે નહીં.’ ‘પછી તારી બા તો આવી જ નહીં ને!’ ભાઈ બોલ્યા, ‘આમ પહેલી વાર આવ્યાં ને જુઓ ને તમને કોઈ કંપની નહીં મળી.’ ‘તમે બધા હતા જ ને. ને હું સરને મળવા તો આવી હતી. પેટ ભરીને મળાયું.’ એ દાતણ કરવા લાગી. ‘ત્યાં ક્યારે પહોંચશો?’ ભાઈએ પૂછ્યું. એણે કંઈ જવાબ નહીં આપ્યો. ઊલ ઉતારતી હતી. એ સવાલ જ જાણે સાંભળ્યો ન હતો. ભાઈ સહેજ વાડામાં ગયા એટલે એણે મને હલબલાવી નાખ્યો ને બોલી ગઈ, ‘તમે મને કહ્યું નહીં સર. તમે ત્યાં આવો, નહીંતર પછી હું અહીં આવું. મને જપ નથી વળતો.’ મેં એને બાજુ પર ખેંચી હળવેથી એની આંખો ને પછી હોઠ ચૂમી લીધા. મોંમાં દાતણનો તૂરો રસ સહેજ પેઠો. ‘રડવાનું નહીં. મને શું છે? ભૂત વળગ્યું હતું પણ ભૂવો કંઈ કાચો ન હતો.’ એના ચહેરા પર બનાવટી રોષ છવાયો. માથું હોળતાં હોળતાં કહ્યું, ‘જુઓ તમારાં પરાક્રમ. વાળ એવા ગૂંચવી માર્યા છે! બસ ચૂકી ન જવાય તો સારું.’ ‘હજુ તો બહુ વાર છે.’ અનુષ્ટુપલયમાં મેં કહ્યું ને ઝડપથી વાડા તરફ જોઈ મેં એને મારા સીના સાથે ભીડી, ફરી ચૂમી લીધી. પાછલું બારણું બંધ થવાનો અવાજ. વચલા ઓરડામાં આવી હું અંધારામાં ખાટલા પર બેસી ગયો ને જમીન પર પગ ઘસડવા લાગ્યો. ‘ચાલો’, એણે થેલો ખભે લટકાવી દીધો હતો. ચંપલ પહેરી ભાઈની વિદાય લેતી હતી. ‘ભાઈ, તું જા તો સાથે. કૂતરાં કદાચ પજવે.’ ‘ચાલો ને સર જરા, હમણાં હમણાં મારો સ્વભાવ બહુ ગભરુ થઈ ગયો છે, બાપુજી.’ ‘આવું છું ને.’ મેં બુશકોટ પહેરી લીધો ને બહાર આવ્યો. એની આંખમાં સ્પષ્ટ ઠપકો હતો. ‘ચાલો.’ ‘ક્યારેક આવતાં રહેજો.’ બાપુજીએ કહ્યું. એ માત્ર હસી, નીચું જોઈને. એ જ પેલું લાક્ષણિક હાસ્ય. બધે અંધારું હતું ને અમે બંને મૂંગાં હતાં. શાંત શેરીઓનાં કાળાંબંબ મકાનો ઊંઘવાનો માત્ર ડોળ જ કરતાં હતાં. ક્યાંક ખોંખારા પણ સંભાળતા હતા. સ્ટૅન્ડ પર જાહેરાતનું પાટિયું વાંચતો, કોઈ ફિલ્મી તર્જ ગણગણતો હું અદબ વાળીને ઊભો હતો. થોડાંક અન્ય મુસાફરો પણ હતાં. ‘કેમ ભાઈ, મહેમાન છે?’ પંચાતિયા એક કાકા કોઠું ન મળતાં પાછા વળી ગયા. ‘ટાઢ સખત છે’, એણે કહ્યું. ‘બસમાં પવન લાગશે. કાચવાળી બારી આગળ બેસજો ને કાચ બરાબર ઢાંકી દેજો. કાચ પણ જોકે ઠંડા તો થઈ જશે.’ ‘મફલર પણ રાખેલું છે.’ ‘સારું. થોડા સમયનો જ પ્રશ્ન છે ને? દિવસ ચડતો જશે તેમ તેમ ઠંડીય નરમ પડતી જશે.’ બસ આવી. ભરચક હતી. એણે ઊભા રહેવું પડ્યું. મફલર હવે એણે વીંટાળ્યું. કાળા મફલરમાં એના ચહેરાનો ગોળાકાર સરસ ઊપસી આવતો હતો. ‘આવજો.’ એણે હાથ હલાવ્યો. બસ ઊપડી. મેં પણ હાથ હલાવ્યો ને એના શબ્દો સુધાર્યા – માત્ર હોઠ ફફડ્યા થોડા – ‘અલવિદા.’ બસના સખત અવાજના ગુબ્બારમાં એની શી વિસાત !