હનુમાનલવકુશમિલન/પાત્રત્વ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પાત્રત્વ

સલામ દોસ્તો, આપણી પાસે લગભગ બે-અઢી કલાકનો સમય છે. મારે તમારી સમક્ષ એક વાર્તા રજૂ કરવી એમ મને કહેવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે મારી પાસે કલમ કાગળ કશું નથી. અહીં સ્ટેજ ઉપર આવતાં સુધી મને અહીં શા માટે બોલાવવામાં આવ્યો છે, મારે શું કરવાનું છે એ અંગે મને કશું જણાવવામાં આવ્યું નથી. આ બિંદુએથી મારે શરૂઆત કરવાની છે. ઑલરાઈટ, પાણીનો એક ગ્લાસ પીને હું તરત શરૂ કરું છું. શાંતિ. શરૂઆત કરું છું. પાત્રોનાં અનેક નામો છે. અનેક પ્રસંગો શરૂઆત કરવા માટે પડેલા છે. પ્રસંગ વગરની શરૂઆત પણ થઈ શકે છે. પાત્ર વગરની શરૂઆત પણ થઈ શકે છે. વધારે ચર્ચામાં પડવું નથી. બે પાત્રો હું પસંદ કરી લઉં છું. સરળ રીત મુજબ એક સ્ત્રી છે બીજો પુરુષ. બંને જુવાન છે. સ્ત્રીનું નામ કોમલા, પુરુષનું નામ નિગમ. વાર્તા પ્રણય તરફ આગળ વધવાના અણસાર મળી રહ્યા છે. પણ ‘કન્ટેન્ટ’નું મહત્ત્વ નથી. આજ પૂર્વે ઘણી બધી પ્રણયકથાઓ લખાઈ ગઈ છે. એ સર્વથી આ વાર્તાની પ્રતિભા સાવ જુદી ઊભી થાય એવો મારો પ્રયત્ન રહેશે. અસ્તુ. હું આગળ વધું છું. કોમલાને ફૂલોમાં ખૂબ રસ છે ને આઠસો જાતનાં ગુલાબના એક પ્રદર્શનમાં એ પ્રવેશે છે. નિગમ અત્તર બનાવનારી એક કંપનીમાં કામ કરે છે અને એ દૃષ્ટિએ એ પ્રદર્શન જોવા આવે છે. એ વિચારે વાર્તા પર આ પ્રસંગની ખૂબ અસર પડવા સંભવ છે. એને હવે વ્યવસ્થિત કેમ મૂકવી એના અંગે વિચાર કરવાનો છે. શરૂઆત નિગમના પ્રવેશથી કરવી કે કોમલાના? કે પછી ગુલાબના પ્રદર્શન અંગે આછી રૂપરેખા આપી જવી – શું કરવું? મિત્રો, કૃપા કરો. હું જાણું છું કે સાંજના વાળુનો આ તમારો સમય છે. વાર્તા લખવાના કાર્યની ગંભીરતાનો જેમને ખ્યાલ ન હોય એ કૃપા કરીને ચાલ્યા જાય. તમને પૂરતો રસ પડે એની હું તકેદારી રાખી રહ્યો છું. પણ તમે જોઈ શકો છો કે તૈયાર થયેલી સંપૂર્ણ વાર્તા સડસડાટ કહી જવાની સ્થિતિમાં હું નથી. બહેનોને વિનંતિ કે નાનાં છોકરાંઓને તુર્ત હૉલની બહાર લઈ જવાં. દોસ્તો, કોમલા-નિગમની પ્રણયકથા રજૂ કરવી છે, પણ આટલો જુગ-જૂનો વિષય સાવ અ-પૂર્વ રીતે રજૂ કરવો એ હંસીખેલ નથી. એ તાંતણાને ક્યાં લંબાવવો એ અંગે વિચાર કરતાં મારે મારી હાર કબૂલવી પડે છે. વચ્ચે કોમલાના પિતાનું અથવા તો કોમલાના ભાવિ પતિનું પાત્ર દાખલ કરીને શંકાનો કીડો ઘૂમતો કરી શકાય. પણ પછી વાર્તા ખૂબ ‘ચીપ’ બની જવાનો સંભવ છે. બંનેમાંથી એકનું મૃત્યુ બહુ ઘેરો પ્રસંગ બની જાય એમ છે. સૉરી, એ આખી યોજના ઉપર ચેકો મૂકીને આપણે નવેસરથી આળગ વધીએ. પ્રસંગને બદલે વર્ણનથી શરૂઆત કરીએ અથવા તો અસ્તિત્વ અંગેનું ચિંતન પણ લાવી શકાય છે. આ શરૂઆત કરતાં પહેલાં મારે તમને જણાવી દેવું જોઈએ કે, હમણાં હું પરપોટા અંગે અભ્યાસ કરી રહ્યો છું. પરપોટાઓ વિવિધ પ્રકારના હોય છે. પાણીમાં અને તેલમાં થતા પરપોટામાં ફરક હોય છે. નાના નાના અને એકી સાથે જૂથમાં રહેતા પરપોટાઓ વધુ વાર ટકે છે. મોટા પરપોટા જલદી ફૂટી જાય છે. ચીકણા અને ઘટ્ટ પ્રવાહીના પરપોટાઓ વધુ ટકે છે. સાબુના પાણીના પરપોટા વધુ આકર્ષિત કરે છે મને. પરપોટાનો આપણી હયાતી સાથે ગાઢ સંબંધ જોડી શકાય. હવામાં સાબુના પાણીના અનેક પરપોટાઓ તરી રહ્યા છે અને સૂર્યનાં કિરણો એના પર પડીને સાત રંગમાં પ્રસરે તે પહેલાં જ એ બધા છાંયડામાં દોડી જાય છે. ત્યાંથી હું શરૂઆત કરીશ. મિત્રો, આ પ્રકારના વર્ણનનો સંબંધ ચિંતન સાથે જોડીને માત્ર અટકી જવાનું નથી. એનો સમગ્ર વાર્તા સાથે સંબંધ જોડવાનો છે. તમે હવે જોઈ શકશો કે કોમલા અને નિગમની વાતની આપણી યોજના નકામી ગઈ નથી. પરપોટાની વચ્ચે એમનો પ્રવેશ કરાવી શકાય તેમ છે. એક પરપોટામાં ગુલાબનું પ્રદર્શન ભરાયું છે. એક પરપોટામાં નિગમ છે. એકમાં કોમલા છે. બંનેના પરપોટા તરતા તરતા પેલા પ્રદર્શનના પરપોટાની નજીક આવે છે. પરપોટાની દીવાલોની આરપાર બંને પેલાં ગુલાબનાં પુરુષોને જોઈ શકે છે. પણ એ ત્રણે પરપોટા, અરે ત્રણમાંથી બે પરપોટા પણ જો અથડાઈ જાય તો બધું ફૂટી જવાનું છે. પરપોટાની વાત અને કોમલા-નિગમની વાત સાવ અલગ અલગ રીતે ઉપસ્થિત થઈ હતી. બંને મળીને અચાનક વાર્તાનો પ્રારંભ રચાઈ ગયો છે. પણ કદાચ હું ખોટો પણ હોઈ શકું. મારે તમારા પ્રત્યાઘાતોની જરૂર છે. બે જુદા જુદા પ્રસંગોને એકઠા કરી દેવામાં ક્યાંક પણ અનૈસર્ગિકતા લાગતી હોય, કોઈપણ દર્શક ભાઈને લાગતી હોય તો એમને એ અંગે મને સચેત કરવાની હું વિનંતિ કરું છું. ઓહ, પણ સ્ટેજની પશ્ચાદ્ભૂમાંથી આપ, આપ વ્યવસ્થાપકશ્રી શા માટે ધસી આવ્યા છો? ઓહ્, સૉરી. આપેલા અઢી કલાકમાં મારે વાર્તા જ રજૂ કરવાની હોય, વાર્તા અંગેના વિવેચનને વચ્ચે લાવવાનું ન હોય તો તેમ કરું. પણ મને લાગે છે કે – ભલે. ચાલો આગળ વધું છું. આજુબાજુ હવા હતી ખરી પણ એને શ્વાસમાં લેવી એ જોખમ હતું. કેમ કે એમ થતાં જ પરપોટાની દીવાલો સંકોચાતી હતી. અને એમાંથી એ ક્યારેક તૂટી જવાનો પણ ડર હતો. સદ્ભાગ્યે શ્વાસ લીધા વિના ચાલી શકાતું હતું. અત્યાર સુધી તો કશી જ મુશ્કેલી ઊભી થઈ ન હતી. આજુબાજુ ક્યારે આ દીવાલ રચાઈ ગઈ, ક્યારે પગ ધરતી પરથી અધ્ધર થઈને હવામાં આવી ગયા એ ખબર પણ ન રહી અને હવે આ પરપોટા ભેળો તે ઊડી રહ્યો હતો. તૂટતાં જ તે ધરતી પર પડીને કાં તો ચૂરેચૂરા થઈ જાય અથવા તો એવું પણ બને કે પોતે કદાચ પરપોટાનો જ એક ભાગ હોય અને પરપોટા તૂટતાં તે પણ તૂટી જાય. પરપોટાના પાણીના પાતળા રજકણો જેમ ફૂટ્યા બાદ થોડી વાર તરીને ધરતી તરફ આવી જાય તેમ તેના રજકણોનું પણ બને. વાર્તા જામી રહી છે. આપ સૌ એમાં એકાગ્ર થઈ ગયા છો તે હું જોઈ શકું છું. વાર્તાની લેખનશૈલી પર હું આવી ગયો છું. પણ તમે આમ હાથ હલાવીને શાનો શોર કરો છો? હું સીધેસીધી વાર્તા ચાલુ રાખું અને વચ્ચે આમ ચર્ચા શરૂ ન કરી દઉં એમ તમારું કહેવું છે એ સમજું છું. પણ ભાઈઓ, એ વચ્ચેના ગાળામાં મારે આગળનો ભાગ વિચારવાનો હોય છે. સ્વયંસેવકોને મારી વિનંતિ કે યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા સંપૂર્ણ પ્રયત્નશીલ રહે. સૂર્યની દાહકતા સતત અંદર પ્રવેશતી હતી. નિગમને ભય લાગ્યો કે હમણાં સૂર્યનું એકાદ કિરણ બીજાં કિરણો દ્વારા કોચાઈ કોચાઈને ચારણી જેવી બની રહેલી પરપોટાની દીવાલ ભેદીને પ્રવેશશે ને આખો ગઢ કડડભૂસ દઈને વિખેરાઈ જશે. ત્યાં જ એક હડસેલે આખા પરપોટાને છાંયડા તરફ ધકેલી દીધો. નિગમની આંખોને નાનપણનો નદીમાં ડૂબવાનો પ્રસંગ યાદ આવી ગયો. ‘દાદાજી...દાદાજી’ બૂમ પાડવા જતાં મોંમાંથી શબ્દોને બદલે કેવળ બૂડબૂડાબૂડ જ નીકળતું હતું. પાણી નાકમાં એક શ્વાસમાં પ્રવેશીને મગજના કોઈ અગોચર બિંદુ પર કીડીના ચટકાનું ચારે તરફ ફેલાઈ જતું. ધ્રુજારીભર્યું આંદોલન બનીને વેરાઈ જતું હતું. આંખો મીંચાઈ ગઈ હતી ને ગભરાટમાં એક વાર આંખો ખૂલી ગઈ ત્યારે – પાણી બહારનું વિશ્વ પાણીમાંથી વિચિત્ર રીતે દેખાઈ ગયું. કેવળ આકાશ અને વૃક્ષની એકાદ ટોચ અને ત્યાંથી તીરની જેમ છૂટતું પંખી... પાણીની આ પાતળી દીવાલને ભેદીને બહારના વિશ્વને જોવાના અનુભવને નિગમે એની સાથે મૂકી જોયો. મિત્રો, કોમલા-નિગમ અને પરપોટાના પ્રસંગની વચ્ચે નદીમાં ડૂબવાનો આ પ્રસંગ વર્ણવી ગયો તે તમે જોયું? એ મારા અંગત જીવનમાંથી આવેલો પ્રસંગ છે. ત્યારે હું ખૂબ નિરાશ હતો. લાગતું હતું કે હું સાવ એકલો છું. આખા કુટુંબથી હું ધિક્કારાયેલો તો હતો જ. દૂર હડસેલાયેલો હતો જ. પણ પછી એક હૂંફ સાંપડી હતી. એ ન સાંપડી હોત તો એકલતા આટલી બધી તીવ્ર રીતે મહેસૂસ થતી ન હોત. પણ તે રાતે એક ગુનેગારવૃત્તિ અનુભવ્યા કરી. લાગ્યું કે મેં એની રગેરગમાં વિષ પૂરી દીધું છે. એ હવે જાણે વિષકન્યા છે. મને એ હૂંફ– સૉરી, એ વાત એટલી બધી અંગત કક્ષાની છે કે હું અહીં આગળ વધારી શકતો નથી. લાગણીવશ થઈ જવા બદલ ક્ષમા કરશો. ટૂંકમાં, ચારેબાજુ એકલતા હતી. હું દરિયાકાંઠે બેઠો હતો. સૂનકાર એવો વ્યાપી ગયો હતો કે કોઈના અસ્તિત્ત્વનું ભાન ન હતું. ત્યાં દરિયામાંથી વિષકન્યાની ચીસો સાંભળી ને મારા નામના પોકારો સાંભળ્યા. હું ખાબક્યો. પાણીમાં ચોફેર હવાતિયાં મારવા માંડ્યાં. દોસ્તો, તમે મારી મૂર્ખતા પર હસી રહ્યા છો. હું આ બધું અહીં ઉખેળું છું, કેમ કે હું ગધેડો છું. પણ મારી એ નબળાઈ ગણજો. તમે તાળીના ગડગડાટ કરો છો એનો અર્થ હું સમજું છું. પણ ભૂતકાળની એ યાદથી મુક્ત થવાનું મારે મન સરળ નથી. એ તરવર્યા કરશે ત્યાં સુધી હું આગળ નહીં વધી શકું. મારે એ પૂરો કરવો જ પડશે. મેં જેને વિષકન્યા માની હતી, જેની રગેરગમાં તે રાતે મેં જ બળાત્કારના એક પ્રયત્નથી વિષ સીંચી દીધું હતું, જે હવે મને હુંફ આપી શકે તેમ નહોતી, કેમ કે હુંફ આપવા જતાં કેવળ વિષ જ મારી રગમાં પ્રસરવાનું હતું – એ સ્ત્રીનું વિખરાયેલી કેશલતાવાળું મુખ મને હવામાં દેખાયું ને પેલી ચીસ સંભળાઈ. હું ખાબક્યો. ક્યાંય સુધી મેં હાથ વીંઝ્યા કર્યા. દરિયાની ખારાશને કેવળ આમથી તેમ ઉછાળ્યા કરી. મલબારી નાળિયેરનાં થોડાંક કોચલાં અથડાઈને વહી ગયાં. પછી આંખ ખૂલી ત્યારે બિછાનામાં હતો ને પેલી વિષકન્યા ધ્રુસકે ધ્રુસકે બાજુમાં રડતી હતી. મારો પ્રયત્ન આપઘાતના પ્રયત્ન તરીકે નોંધાયો હતો. તમારી અધીરાઈને રોકાવાનું બદલે હું આગળ ચાલુ છું. હા, તો આપણે ક્યાં સુધી આવ્યા છીએ? પ્રૉમ્પ્ટર પ્રકારની કોઈ વ્યવસ્થા આવી વખતે ઉપયોગી થઈ પડે એમ છે. આગલી હરોળમાંથી કોઈ મને યાદ દેવડાવી શકશે? આહ્હા. નદીનો અનુભવ આપણે પૂરો કર્યો. પરપોટામાંથી બહારની દુનિયાને નિગમ હવે જુએ છે. ઇલેક્ટ્રિકના તાર ગોળાકારમાં વળી ગયેલા હતા. એની પર વજનદાર કાટલાની માફક લંગર લટકતાં હતાં. કોઈ લટકતું મરેલું ચામાચીડિયું પણ બાજુમાંથી પસાર થઈ જતું. એની પાંખની છેડે બે અર્ધવર્તુળના મિલનથી બનેલો ભાગ પર્વતની ટોચ જાણે કોઈએ ખેંચીને લાંબી કરી દીધી હોય એવો દેખાઈ જતો ને એની બીજી તરફથી પ્રકાશ વગરનો સૂર્ય ઉદય પામતો હોય તેમ બીજો પરપોટો ધસી આવતો. આ ઇલેકિટ્રક વાયરો, લંગર, ચામાચીડિયાનું શબ, બીજા અસંખ્ય પરપોટા બધાથી બચવાનું હતું. હવાના વધારે પડતા ઝકઝોરથી બચવાનું હતું. સૂરજનાં કિરણોથી બચવાનું હતું. વધુ પડતું ઊંચે ચઢી ન જવાય એનાથીયે બચવાનું હતું જ ને તેમ છતાં આજુબાજુનું વાતાવરણ પરપોટાના જળતત્ત્વનું બાષ્પીભવન પોતાની ઝડપે કર્યે જ જતું હતું. એ વાતાવરણ ન હોય તોયે ફૂટી જવાય તેમ હતું. બધેથી કેવળ બસ બચવાનું ને બચવાનું જ બાકી રહેતું હતું! અને તે પછી પણ ન બચવાનું ને ન બચવાનું જ બાકી રહેતું હતું! કેવળ ઊંચે શ્વાસે જ જીવવાનું હતું. અને છતાં શ્વાસ ઊંચો ચડાવવા જેટલો પણ શ્વાસ લેવો એ જોખમ હતું. ભાઈઓ, તમે જોઈ શકશો કે ત્રણ પરપોટામાં કોમલા, નિગમ અને ગુલાબના ફૂલના પ્રદર્શનને મૂકી દેવાની હંબગ જેવી લાગતી વાતને મૂકતાં કેવો ઘાટ ઊતરી રહ્યો છે. આશા રાખું છું કે મને આપેલી સમયમર્યાદા પૂરી થતાં સુધીમાં તમને હું મારી શક્તિ-મતિ અનુસાર સારામાં સારું કશુંક આપી ચૂક્યો હોઉં. ઊંચે શ્વાસે જ જીવવાનું હતું ને છતાં ઊંચો શ્વાસ લેવો એ પણ જોખમ હતું. બધું ખાલીખમ હતું. આવીને ચાલી જતા બીજા પરપોટા સાવ મૂંગા હતા, આ તરફ આંખ પણ નહોતા ફેરવતા. ત્યાં જ નીચેના ભાગમાંથી એક મોટો પરપોટો ધસી આવ્યો. એની વચ્ચે કેવળ નીલરંગી સફેદાઈને બદલે કશોક સળવળતો આકાર નિગમને દેખાયો. તેને રોમાંચ થઈ આવ્યો. એ સ્ત્રી હતી. હવાના વિચિત્ર પ્રકારના વહેણથી બધા પરપોટા શંકુ આકારમાં ચકરાવો લેવા માંડ્યા. એની ટોચ પર આ બે પરપોટાઓ ઘૂમરાતા હતા. નિગમે જોયું એ સ્ત્રીના વાળ ચીપકી ગયેલા હતા. વસ્ત્રો ભીંજાઈ ગયેલાં હતાં. એ થર થર ધ્રુજતી હતી. પોતાની જેમ એ સૂકા પ્રદેશની નિવાસી ન હતી. નિગમે પોતાના પર પુષ્કળ સંયમ જાળવ્યો. હોઠને દાંત વચ્ચે ભીંસી લીધા. મોંની બધી હવા અંદર શોષી લીધી ને જીભને તાળવે ચીપકાવી દીધી. પછી રાહ જોવા માંડી. કદાચ એ સ્ત્રીની નજર આ તરફ પડે. એ સ્ત્રીના નામ સાથે કોમળતાનો સંબંધ એણે જોડી દીધો. ને ગ્રહોની સર્વ ગતિને બાજુ પર મૂકી એણે નામ દઈ દીધું કોમલા. હવે એણે એને બૂમ પાડવાની હતી—‘કોમલા, કોમલા.’ એ બૂમ પેલા પરપોટાની દીવાલને ભેદીને પેલી તરફ પહોંચી શકશે ખરી? દીવાલ ભેદાતાં કોમલા ટકી શકશે ખરી? પોતાની દીવાલ પણ ભેદાઈ જશે – પછી? બંને ધરતી પર પછડાશે ત્યાં વસંતના ખીલેલા ફૂલછોડ એને ઝીલી લેશે. પહેલાં તે જાગશે. જાગીને ફૂલો પર એકઠાં થયેલાં તુષારબિંદુને હથેલીમાં લઈ એમાં ભળેલી ફૂલોની સ-રંગ સુવાસને તે કોમલાની આંખો પર છાંટશે ને કહેશે–‘જાગો.’ ફક્ત અડધો કલાક વીત્યો છે. પુષ્કળ સમય છે આપણી પાસે. પાણી પી લઉં છું. ઘટક્, ઘટક્– પણ નિગમ ફરી સચેત થઈ ગયો. આવા કશાયે આવેશમાં આવી બૂમ પાડવામાં સ્વાહા થઈ જવાનું જોખમ હતું. સદ્ભાગ્યે કોમલાની ચકળવકળ ફરતી આંખોએ નિગમના પરપોટાને જુદો તારવ્યો. નિગમ ખુશ હતો. કોમલાનો સહેજ પણ આવેશ આ બધી ખુશીને ધરાશાયી કરી મૂકે તેમ હતો. બહુ જ સંભાળથી નિગમ જમણા હાથની હથેળી નાક પાસે લઈ ગયો ને આંગળી ઊંચી કરી નાક પર મૂકી. ડોકું નકારને સૂચવવા સહેજ ધુણાવ્યું. પછી ધીમેથી હાથ ઊંચો કરીને સ્વાગત સૂચવવા પૂરતો એક વાર હલાવી સંભાળથી નીચો કરી દીધો. ‘બેસી જા, બેસી જા.’ ઓમ હર્રર હર્રર મહાદેવ’, ‘હીપ્ હીપ્ હુરૂર્રરે’, ‘હુરૂરુરુ’ ‘પીઈઈઈ’ ‘મ્યાઉં મ્યાઉં’ ‘હાય રે હાય’ —વોટ ઈઝ ધીસ? વાર્તા એના મુખ્ય વહેણમાં પ્રવેશી રહી છે ત્યારે આ શું માંડ્યું છે તમે? તમે મને અહીં પ્રદર્શનની સામગ્રી માનો છો? યાદ રાખો કે આ ફરસાણની દુકાન નથી. આઈ એમ એ ક્રિયેટર. હૂ આર યૂ આફટરઑલ? યાદ રાખજો કે મને સોંપાયેલું કામ જ્યારે મેં સ્વીકાર્યું છે ત્યારે એ પૂરું કરવું એ મારી ફરજ છે. ‘ફરજ બજાવવાવાળાને ઊંચકો હૉસ્પિટલમાં, હે એ એ...’ —ભાઈઓ, અડધો કલાક તમે મને સાંભળ્યો છે. આવા જ તમારા સહકારની મારે જરૂર છે. તમને કદાચ મારી વાત રજૂ કરવાની લઢણ પસંદ નહીં હોય એ પણ સ્વીકારવા જેવી વાત છે. તમારો આમેય કશો વાંક નથી, કેમ કે તમને રસ નથી પડતો એ અંગે તમે કોઈ ‘સિગ્નલ’ આપી શકો તેમ હતું જ નહીં. જોકે વ્યવસ્થાપકોનો કશો દોષ જોવા માગતો નથી. શાંત...શાંત...હવે એક ખૂબ જ આકર્ષક ભાગ હું રજૂ કરીશ. આપણે વાર્તા રચવા માટે એક નવા પ્રકારની યોજના હાથ ધરીએ. સાંભળો, સાંભળો, એક જાહેરાત, એક જાહેરાત. અહીં પધારેલા સર્વ સજ્જનોમાંથી કોઈપણ એક વ્યક્તિ અહીં રંગમંચ પર આવીને મને વાર્તા-રચનામાં મદદ કરી શકે તેમ હોય તો હું આભારી થઈશ. વાર્તા દ્વારા તમારી શી અપેક્ષા છે, વાર્તાનો કેવા પ્રકારનો વળાંક તમને આકર્ષી શકે એ અંગે મને સૂચનની જરૂર છે. સૂચનો કોઈ ટીકા-ટીપ્પણરૂપે મારે જોઈતાં નથી, કેમ કે વ્યવસ્થાપકોની યોજનામાં એ પ્રકારનાં સૂચનો આડે આવે તેમ છે. એટલે મારી વાર્તા સાથે જોડાય એવાં સક્રિય સર્જનાત્મક સૂચનો જ મારે જોઈએ છે. એક કરતાં વધુ વ્યક્તિઓ મને મદદરૂપ થવા તૈયાર હોય તોપણ મજા રહેશે. કોઈ તૈયાર છે? આ તરફથી... આ તરફથી...પાછળ ઊભેલા ભાઈઓમાંથી...? ઘડિયાળમાં કાંટો આગળ વધતો જાય છે. કોઈ ઉત્સાહી ભાઈ, વાર્તા લખવામાં રસ ધરાવતા કોઈ ભાઈ...આ વાર્તા મારા નામે મૂકવામાં આવવાની નથી એ જણાવી દઉં છું. વાર્તા નવેસરથી શરૂ થશે. નિગમ અંગેની બાજુ પર મૂકીએ આપણે જોકે – જોકે – પણ જવા દો. શાબાશ, આવો, આવો. આ તરફ ઊભા રહો. હજુ કોઈને ઇચ્છા હોય તો – અચ્છા. ઑલરાઈટ, શું નામ આપનું? જવા દો, આપણે વાર્તા નવેસરથી શરૂ કરીએ. જુઓ, માઈક પર કશી પણ રજૂઆત કરતાં પહેલાં હું તમને સમજાવી દઉં. વાર્તાને પ્રારંભ એક પ્રતીકની રજૂઆતથી મારે કરવો છે. વાર્તાનાયકની વ્યસ્ત મનોદશા અને એની આજુબાજુ ફેલાયેલા ભૂત અને ભાવિનો અણસાર એ રજૂ કરી શકે. નાયક કોઈ એવી ઉલઝનમાં સપડાયેલો હોય છે કે એમાંથી પલાયન થવા માટે કેવળ તાલુકાને માટે નીકળતું સ્થાનિક છાપું ‘બ્યુગલ’ ઉઠાવી લે છે અને તાલુકાના પ્રતિષ્ટિત કૉંગ્રેસીની માંહ્યલી વાતનો ફૂટતો ભંડો વાંચવા મંડી જાય છે. ત્યાં સામેની ભીંત પર સાપની લપકતી જીભનો ‘ગ્લોબ’ના અજવાળામાં પડતો પડછાયો જોઈને એ આંખ ઉઠાવે છે. ચમકવા જેટલું કુતૂહલ બચ્યું નથી હવે. કીચિક્ કીચિક્ જેવો વિચિત્ર અવાજ એની નજરને દીવાલ સરસા ટાંગેલા લૅમ્પ નીચેના અધખૂલા બારણાની છેવાડેની તિરાડ તરફ લઈ જાય છે. એક ગરોળીની સાથે બીજી ગરોળીનો કાળા ધાબાવાળો રાખોડી રંગ વીંટાઈ ગયેલો છે. બંનેના શરીરનો નીચલો છાતી ને પેટનો ભાગ ફૂલે છે અને પગના પંજાની મદદથી એકબીજા સાથે ચીપકવા મથે છે ને જીભ એકબીજાની આંખ પર લપક લપક ટપક્યા કરે છે. મોંમાંથી દરારને વીંધીને આવતી ડચકારા જેવી સીસોટીનો અવાજ સર્યા કરે છે. ત્યાં જ ફટાક્ કરતું બારણું આખું ખૂલે છે. કચરર્ કરતી ગરોળીઓ કોલુમાંની શેરડીની જેમ સાંકડી ફાટ વચ્ચે પીસાઈ જાય છે. ને ત્યાં જ નાયિકા પ્રવેશે છે. —સભામાં ઉપસ્થિત ગૃહસ્થો, તમે નાહકના ઉશ્કેરાઈ ચૂક્યા છો. વાર્તા હવે નવેસરથી શરૂ થઈ જ રહી છે. એક મિનિટથી વધારે રાહ તમારે જોવાની નથી. ખુરશીઓ પરથી ઊભા થઈ જનારાઓ સર્વ બેસી જાય. પાછળથી ધક્કાધક્કી મહેરબાની કરીને બંધ કરો. હા, તો જલદી કરો. આ પ્રકારની શરૂઆત કેમ લાગે છે તમને? તમે કહો છો. અને તમને જોવાની મારી નજર તરત બદલાઈ જાય છે. હું આભો બનીને સાંભળ્યે જાઉં છું. ‘વાર્તા આ રીતે રજૂ કરવાની આ યોજનામાં જ ખાસ દમ નથી. વાર્તા માટે લેખકને આગળ વધવાનું સતત બળ મૂકતું રહે એ સંવેદનને આ આખી યોજનામાં સ્થાન જ ક્યાં છે? અને એને સ્થાન નથી તે પછીયે તમે–’ મારી તરફ તમારી આંગળી જાય છે— ‘તમે વાર્તાની શરૂઆત શરૂઆતની શોધ કરી કરીને સહેજ જઈને પાછા ફરવાનું બાલકૃત્ય કર્યા કરવામાં જ આ આખા કાર્યક્રમને વધારે હાસ્યાસ્પદ બનાવી રહ્યા છો.’ ‘ત્યારે?’ ‘વાર્તા જેની આસપાસ ઘૂમે છે એ ન્યૂકલીઅસની ખોજ આ છેલ્લા પોણા કલાકમાં કરવા તમે પ્રયત્ન કર્યો છે ખરો?’ મારી સ્થિતિ વિચિત્ર છે. ‘જલદી, જલદી...’ હું કરું છું. ગંભીરતાની જાત-છેતરામણની નીચે સાચેસાચ હું ગંભીર હતો જ નહીં. પણ હવે ગંભીર બનવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. સબૂર...સબૂર, ભાઈઓ સાંભળો, આમ ગાંડા ન થાઓ. એક પથ્થર આવીને મારા કાનને છરકો કરતો નીકળી જાય છે. હું જોરથી તમારો હાથ પકડી લઉં છું. માઈક હાથમાં લઈને હું બરાડ્યે જાઉં છું. શાંત થાવ ભાઈઓ, મારા તેજોદ્વેષીઓનું આ કાર્ય છે. કેટલાંક તોફાની તત્ત્વોને કારણે તમે બધા ન દોરવાઈ જાવ એમ હું ઇચ્છું છું. પચાક્ કરતું એક ઈંડું આવીને મારા કપાળ પર ચીકણું પીળું પ્રવાહી વેરી જાય છે. તમારા સફેદ બુશશર્ટ ઉપર ટામેટું ફાટે છે ને એનાં બિયાંના છાંટા તમારી આંખમાં કણની જેમ પડે છે. અચાનક હું ઝબકી પડું છું. મારા મનમાં કશો પ્રકાશ થાય છે. એક પથરો આવે છે અને ખણણણ દઈને કાચ ફૂટવાનો અવાજ આવે છે. ક્યાંકથી વાયર તૂટે છે અને સભાની બધી લાઈટો ગુલ થઈ જાય છે. વ્યવસ્થાપકોનો કોઈ પત્તો નથી. હું તમારો હાથ દૃઢતાથી દબાવું છું. મારે શું કરવું જોઈએ? અહીંથી સલામત છટકી જવું જોઈએ? પોલીસની સહાય માંગવી જોઈએ? સ્વયંસેવકો શું કરે છે? અને મારા મનમાં પહેલેથી છેલ્લે સુધીની સર્ચલાઈટ ઝબકી જાય છે. જાણે કોઈક વાર્તામાં મારી સંડોવણી થઈ રહી છે. હું લેખક છું. તટસ્થ તાદાત્મ્યની વાત મને યાદ આવે છે. કોઈ વાર્તાના પાત્ર બનવામાંથી ઝડપભેર મારે છટકી જવું જોઈએ. ભાઈઓ તથા બહેનો, જુઓ, એક હતો રાજા એક હતી રાણી ને એક જાદુગર હતો. બધા શાંતિથી બેસીને સાંભળવા માંડતાં જ બધું થાળે પડી જશે. વાર્તા થાળે પડી જશે. તમે મને એક ઝાટકો મારો છો, કાવતરું ગોઠવનારાઓએ તૈયાર રાખેલી હીજડાની એક ટોળી તાબોટા પાડતી મને ઘેરી લેવા માટે આ તરફ આવી રહી છે. આંખના કણાની તકલીફને લીધે તમે માથાને ઊંચું કરવા જાવ છો ને હું તમારી નજીક સરક્યા કરતો હોઉં છું ત્યાં ચમકું છું. તમારી છાતી મને અડકી જતાં હું પાછળ હટું છું. તમારી હૅટ નીચે પડી જાય છે અને એમાંથી તમારો કેશકલાપ વિખેરાઈ જાય છે. પ્લીઝ, પ્લીઝ...મારે તમને હલબલાવવા છે...પ્લીઝ, યાદ કરો તમે મને વાર્તારચનામાં મદદ કરો છો. તમે મારી વાર્તા સાંભળનાર છો. તમને વાર્તાનું પાત્ર બનવાની ફરજ પડી રહી છે એની સામે પડો. ‘વાર્તા શરૂ કરો, હજી પૂરતો સમય છે.’ તમે કહો છો.